સરપ્રાઈઝ Durgesh oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરપ્રાઈઝ

સરપ્રાઈઝ

દુર્ગેશ ઓઝા

પ્રકાશને થોડી વધુ પ્રતીક્ષા કરાવતું ધુમ્મસ સવારના પહોરમાં છાતી કાઢીને ચાલતું હતું ને બીજાને ઝડપભેર ચાલવા નહોતું દેતું. કદાચ કુદરતી સૌંદર્ય આકંઠ પીવાનું સૌને એ મોંઘેરું ઈજન આપતું હતું. અંતરમાં ઝળહળ પ્રકાશ ભરીને ચાલી રહેલી વિરાગી તો આ ધુમ્મસનો આનંદ લઇ એનેય પ્રેમથી સત્કારી રહી ને પોતાનાં જબરજસ્ત સત્કારની કલ્પના કરી રહી. હળવો થેલો ઝૂલાવતી ઝૂલાવતી વિરાગી આગોતરી જાણ કર્યાં વિના ઘરમાં પ્રવેશવાની બસ તૈયારીમાં જ હતી. તેનાં કમરતોડ ભારેખમ ચોપડાં ને થેલા વગેરે પાર વગરનો સરસામાન તો થોડા દિવસ પહેલાં હ ઘેર પહોંચી ગયો હતો. યુવા અવસ્થાનો લહાવો લૂંટતી, કોમ્પ્યુટર એન્જીનિયરીંગમાં ગ્રેજ્યુએશન કરતી વિરાગી હવે બસ ડીગ્રીધારી બનવામાં જ હતી. ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષા પૂરી થઇ ગઈ હતી. વેકેશન કે લાંબી રજાઓ પાડે ત્યારે દર વખતે તો તે જાણ કરતી કે હું આ તારીખે આ બસમાં કે ટ્રેનમાં આવું છું. મોટે ભાગે પપ્પા પ્રબોધરાય જ બસસ્ટોપ કે પ્લેટફોર્મ પર તેણે લેવા આવતા. છેલ્લા બે વખતથી ઘર તરફ આ રીતે આવતી વખતે વિરાગીએ ફોનમાં હસતાંહસતાં કહેલું, ‘ પપ્પા, તમે મને તેડવા તો આવો છો, પણ વહાલા ડેડી, તમે મને હવે તેડી નહી શકો. હવે મને હોસ્ટેલ સદી ગઈ છે. મારું વજન વધી ગયું છે.’ ને પપ્પા ખડખડ હસી પડી મનોમન કહેતા કે ‘ મારે, અમારે મન તો હજી તું નાની ઢીંગલી જ છો.’

તે જયારે ઘર અને શહેરથી ઘણે દૂર બીજાં શહેરમાં ઉચ્ચ અભ્યાસ માટે પહેલીવાર હોસ્ટેલમાં ગયેલી ત્યારે ઘરમાં કોઈને ગમ્યું નહોતું. સૌ પાનખર ઊધીને બેસી ગયા હતા ! ઘર જાણે ખાલી થઇ ગયું હતું. જાણે પ્રાણ વિનાનું ખોળિયું ! ઘરમાં સૌને એમ થયેલું કે વિરાગી નહીં, પણ ઘરની રોનક, રૂમઝૂમતી ખુશી ચાલી ગઈ.

‘ તું સુખરૂપ પહોંચી ગઈ ને વિર...? ’ પપ્પા ફોનમાં ત્યારે બસ આટલું જ બોલી શક્યા હતા. ગળે ડૂમો. ને સામે છેડેથી દીકરી પણ... ‘પપ્પા, તમે રડો મા. હું હમણાં વેકેશનમાં પાછી..પપ્પા.’ તે પણ ગળગળી.. ને દીકરીને હોસ્ટેલ મૂકવા સાથે ગયેલી હેત્વીએ મોબાઈલ ઝૂંટવી લીધો હતો. ‘ તમે જ આમ ઢીલા પડી જશો તો દીકરી પણ...! અરે પાંચ વરસ તો આમ ચપટીમાં નીકળી જશે. વેકેશન નેલાંબી રજાઓ તો પડ્યા જ કરશે. એની આવનજાવન ચાલુ જ રહેશે. તમે..’ હેત્વી પતિને સમજાવવા મથી હતી,પણ આટલું કહેતાં તો એ પણ..! પ્રબોધરાયને થયું કે દીકરીને લાંબા ગાળા માટે દૂર હોસ્ટેલમાં મૂકવી એટલે એનાં લગ્નનું, એને સાસરે મોકલવા માટેનું રિહર્સલ જ સમજો.

યૌવનના દરવાજામાં પ્રવેશેલી વિરાગી પણ આ યુવાનીના કાળમાં થોડી સમસ્યાઓથી વ્યથિત તો હતી જ. એક તો ઘરથી દૂર અભ્યાસ માટે જવાનું, એની કમરતોડ ફી અને પપ્પાની સાધારણ નોકરી. તેમાં વળી પડોશી રમણલાલે બળતામાં ઘી હોમ્યું હતું. ‘આજકાલના કોમ્પ્યુટર યુગના યુવાન-યુવતીઓ બસ પોતાનામાં જ મસ્ત ને સ્વાર્થી. પોતાનાં લક્ષ્ય અંગે અવઢવમાં.

દેખાદેખી ને તોછડાઈ. પોતે તો સમસ્યાઓથી ઘેરાયેલા, સાથોસાથ માબાપને પણ...! આગળ ભણવું કે આમ કરવું એટલે બસ કરવું જ. માબાપની લાગણી, આર્થિક સ્થિતિ..વગેરેનો કોઈ વિચાર નહીં ! ’

યુવા પેઢી અંગેનો આવો નકારાત્મક અભિગમ તેણે પ્રબોધરાયને જણાવ્યો હતો. પણ તોય પ્રબોધરાયે દીકરીમાં ભરોસો મૂકી એને બહાર ભણવા મોકલી હતી ને વિરાગીએ એને સાર્થક કરી બતાવી યુવા પેઢીની આગવી ઓળખ આપી દીધી હતી. સમસ્યાને પડકારમાં ફેરવી નાખી હતી. તેણે ત્યાં જઇ પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓને ટ્યુશન આપી પગભર થવાનું નક્કી કરી લીધું હતું જેથી પોતે પપ્પાને બોજરૂપ ન બને. અઠવાડિયામાં એકાદ વાર ઘરના બધા સાથે મોબાઈલ પર વાત કરવાનું વચન આપી તેણે વિયોગનું દુઃખ ઘટાડ્યું હતું. વળી તે પોતાનાં લક્ષ્ય અંગે પણ ચોક્કસ હતી ને સફળપણે એ તરફ આગળ વધી રહી હતી. ઝૂરાપો થોડો સતાવતો, પણ સમય જતાં બધું કોઠે પડી ગયું હતું. હવે તો પપ્પા મશ્કરીને નાટકીય ગુસ્સો પણ કરતા. ‘ આટલો બધો રિડીંગ ટાઈમ તે કંઈ હોય ? આ ડીંગ મારવાનો ટાઈમ છે, રિડીંગનો નહીં. ફરી હોસ્ટેલ ભેગી થઇ જા. તારી કોલેજ પડશે. અહીં ઘેર તારું શું દાટ્યું છે ? ભાગ...’

ને દીકરી એમના ખોળામાં લપાઈ જતી. જાણે નાનકડી ઢીંગલી ! ‘ નથી જવું. બોલો, શું કરી લેશો ? ને પપ્પા, ભાગ એટલે નાસવું એ જ અર્થ નથી. ભાગ એટલે હિસ્સો પણ થાય. લાવો મારો ખાવાનો ભાગ. અમે બધા સાગમટે બંક મારીએ છીએ એટલે કોલેજ નહીં પડે. ને આમેય કન્સ્ટ્રકશન એટલું તો મજબૂત છે કે અમારી ડીંગથી કોલેજનું બિલ્ડિંગ નહીં પાડે,શું સમજ્યા ? ’ આમ પહેલાં જે વાતપ્ર રડવું આવતું એ બાબતે હવે હાસ્ય ફૂટતું !

હા, વિરાગી હવે ઘેર કોઈને જાણ કર્યાં વિના ઘરે પહોંચવાની તૈયારીમાં હતી. વજન કંઈ બહુ ઊંચકવાનું નહોતું એટલે નિરાંત હતી. વજન વિના સ્વજનને મળવાનું હતું. તેણે નક્કી કર્યું હતું કે આ વખતે તો અચાનક ઘરે પહોંચી બધાને...! આવવાનું તો નક્કી જ હતું પણ દિવસ નક્કી નહોતો. ફાઈનલ એક્ઝામ હતી ને એ પણ અંતિમ વર્ષની. આ વખતે ખાસ્સા છ મહિનાનાં ગાળા પછી વિરાગી ઘેર આવી રહી હતી. જો કે હવે એ કાયમ માટે ઘેર પાછી આવી રહી હતી. ઘર આવવાના એક દિવસ પહેલાં – ‘ પપ્પા, હવે છેલ્લી વાર છે એટલે આજુબાજુના જોવાલાયક સ્થળોનિ મુલાકાત લેવાનો પ્રોગ્રામ અમારા ફ્રેન્ડસર્કલે ગોઠવ્યો છે, એટલે હજી ઓછામાં ઓછા અહીં દસેક દિવસ તો પાકા. ઘરે આવવાનું થશે એટલે જણાવીશ.’ એમ ફોનમાં જણાવી વિરાગી બીજા જ દિવસે પોતાના શહેર તરફ જતી બસમાં ચડી બેઠી હતી !

હા, આજુબાજુ જે કંઈ જોવાનું હતું તે બધું તો તેણે અગાઉ થોડી રજાઓમાં જોઈએ જ લીધું હતું. આ તો અમથું નાટક... ખાસ તો પપ્પાને સરપ્રાઈઝ આપવું હતું. ને એમ કરી આનંદ આપવા ને લેવા માંગતી હતી આ વિરાગી. ચાલતી બસે તેની વિચારયાત્રા આગળ ચાલી-

‘ જેવું બારણું ખુલશે ને હું દેખાઇશ કે તરત જ...હરખની ચિચિયારી...બૂમબરાડા..હિપ હિપ હુરે...એવું બધું થશે ને પપ્પા કહેશે, ‘; લૂચ્ચી, મને મૂરખ બનાવ્યો એમ ? ’’ ’ વિરાગીએ તેણે મળેલા પોકેટમની આડેધડ નહોતા વાપર્યા. તેણે ઘણા પૈસા બચાવ્યા હતા. તે ભણવામાંય બહુ તેજસ્વી હતી. છેલ્લા બે સેમેસ્ટરથી તો કોલેજમાં ટોપર હતી એટલે મોંઘીદાટ ફીમાંથી પણ મુક્તિ મળી હતી. સ્કોલરશીપ મેળવવી એના માટે સહજ ને જરૂરી હતું. મધ્યમવર્ગનું કુટુંબ.પૈસા મોકલતા પપ્પાને કેટલી વિસે સો થાય છે એની તેને ખબર હતી. ભારેખમ ચોપડા તેમ જ ભણવાની તગડી ફીએ કમર તોડી નાખી હતી; વિરાગીની અને પ્રબોધરાયની ! જો કે છેલ્લા બે સેમેસ્ટરથી પપ્પાનો ટોન ફરી ગયો હતો. દર વખતે પૈસા બચાવવાની સૂચના આપ્યે રાખતા પપ્પા હવે મન મૂકીને પૈસા ખર્ચવાનું કહેતાં હતા ! સાચવીને પૈસા વાપરવાનો બોધ આપતાં પ્રબોધરાય હવે કંઈક જુદી જ બોલી બોલતા હતા. ‘ તું ચિંતા ન કર.બધું છૂટથી વાપર. હું બેઠો છું ને ? મોજ કર મોજ. બધું થઇ પડશે.’

પણ દીકરી જેનું નામ ! વિરાગીએ કરકસર કરવામાં કોઈ કસર નહોતી છોડી. હોસ્ટેલમાં થોડો વખત તો સાદાઈ અપનાવવા બદલ તેની ખૂબ મશ્કરી પણ થયેલી. વિરાગીને ‘ વૈરાગ્યની દેવી ‘ જેવાં વિશેષણો પણ મળ્યાં હતાં, પણ એ બધાને તો તે ઘોળીને પી ગયેલી. એક સહ્રદયી મિત્રે કૂણી લાગણી સાથે પૂછેલું કે ‘ બધા આમ કરી તારો કચરો કરી નાખે છે એનું તને દુઃખ નથી થતું ? ’ ત્યારે વિરાગીએ જાણે રાગમુક્ત હોય એવાં અલગારી સૂરમાં કહેલું, ‘ વિશ્વા, શું કીધું તે ? કચરો ! જો ‘ કચરો ’ શબ્દનું ઊલટું કર તો શું થાય ? ‘ રોચક. ’ કચરામાંથી રોચક શોધવાની આ રીત છે, ને એમાં જ મારી જીત છે. અત્યારે ભણતર એ જ મારી પ્રીત છે, શું સમજી ? ’

બેય બહેનપણી પછી તો ખડખડાટ હસતી. ને પછી તો એવું થયેલું કે વિરાગીના મધમીઠા સ્વભાવે લગભગ દરેકનું મન મોહી લીધું હતું. પેલી મશ્કરી બંધ...ને હવે નિર્દોષ મશ્કરીનો પવન ફરફરતો હતો.

હા, પણ મૂળ વાત તો પેલું સરપ્રાઈઝ આપવાની હતી, પરંતુ વાત આડા પાટે ચડી ગઈ કે શું ? હા, માણસ ક્યાં હોય છે ને ક્યાં પહોંચી જાય છે ? પહેલાં જે વાત કે સ્થિતિ હોય તે પછી બદલે તો ઘણીવાર માણસના અંતર વચ્ચેનું અંતર પણ વધી જતું હોય છે. એ પહેલાં જેવો નથી રહેતો. ચાલો,મૂળ વાત પર આવીએ પાછા. હા, વિરાગીએ બસમાંથી ઊતરી રીક્ષા કરી લીધી હતી. તેની પરીક્ષા તો પૂરી થઇ ગઈ હતી. હવે તે બધાની પરીક્ષા કરવા માંગતી હતી. રીક્ષાને ઘરથી સહેજ દૂર થોભાવી તે સત્વરે ઘર તરફ ધસી ગઈ. તેણે પોતાનાં મકાન તરફ જોયું ને જોતી જ રહી ગઈ ! દીદાર ફરી ગયો હતો ! તેણે જોરજોરથી બારણું ખટખટાવ્યું ને તેની ધારણા મુજબ જ તેણે બધાને સરપ્રાઈઝ આપ્યું. પણ સરપ્રાઈઝ બંને તરફથી હતું ! હર્ષનાદ થયો ને થયું હરખભેર વિરાગીનું ઘરમાં સ્વાગત. ત્યાં જ ડ્રોઈંગરૂમ પર નજર પડતાં જ વિરાગી...! વોલ તો વોલ કારપેટ,અદ્યતન સોફાસેટ,બત્રીસ ઇંચનું જાયન્ટ એલ,ઈ.ડી. ટી.વી...ને બીજું ઘણુંબધું ! જે દીવાલ પરથી પોપડા ખરતા હતા તે હવે આછા ગુલાબી રંગથી સુશોભિત હતો.

તેનાં પર હવે જુદો જ રંગ લાગી ગયો હતો. ‘ લોટરી લાગી કે શું ? બાપદાદાનો જૂનો ખજાનો હાથ લાગ્યો કે શું ? વાત શું છે ? ’ વિરાગી ઘરમાં સૌને પૂછી રહી.

‘ પપ્પાએ જમીનમાં પૈસા રોક્યા હતાં. એ જમીન સોનાની લગડી પૂરવાર થઇ. એ વેચતા આ બધું...’ આવો જવાબ મળ્યો, પણ આર્થિક સ્થિતિ જ એવી ક્યાં હતી કે જમીન લઇ શકાય !?? વિરાગીના મનનું સમાધાન ન થયું. પપ્પાના ચહેરા પર પહેલાં જેવી ખુમારી કે ચમક દ્રશ્યમાન નહોતી ! એ બદલાયેલા લાગતા હતા. વિરાગી વાતના મૂળ સુધી પહોંચતા જ શૂળ અનુભવી રહી. તેને ખબર પડી કે પ્રબોધરાયે ઘરમાં ખોટી વાત ઉપજાવી બધાને મૂરખ બનાવ્યા હતા.

પ્રબોધરાય આમ તો સરકારી શાળાના એક સામાન્ય ક્લાર્ક હતા. મધ્યમસરની આવક. જો કે ઘર ચલાવવા ને થોડા વૈભવ નિભાવવા માટે એ પૂરતી હતી. પણ એ છેલ્લા એકાદ વર્ષથી નવી ઈચ્છાપૂર્તિ કરવાના મૂડમાં ગળાબૂડ હતા. ને એમને લાઈન મળી પણ ગઈ ! એમણે પરિચય કેળવવાની,સંબંધ બાંધવાની રમત આદરી. શિક્ષણવિભાગમાં છેક ઉચ્ચ કક્ષાએ એમના સંપર્કો સ્થાપિત થવા લાગ્યા. ધીરે ધીરે એમણે પગ ભરાવવાની શરૂઆત કરી ને પછી લોકો એમને હાથે-પગે લાગવા માંડ્યા. એમની પહોંચ ને એની લાલચ વધવા લાગી. વિદ્યાર્થી હોય, કર્મચારીગણ કે શિક્ષક... બધાનું કામ થવા લાગ્યું. બદલામાં પ્રબોધરાય...! અનાજની ગુણ એમના ઘરમાં ઠલવાય ને વિદ્યાર્થીના પરિણામપત્રકમાં ગુણ વધી જાય ! રૂપિયાની કોથળી મળતાં જ શિક્ષક કે કર્મચારીની બદલી અટકે કાં મનવાંછિત જગ્યાએ ભરતી, બદલી કે બઢતી થઇ જાય. પહેલાં પોતે જ અકારણ, જાણીજોઈને, કોઈને ગંધ ન આવે એમ પ્રતિકૂળ જગ્યાએ બદલી કરાવે કે પ્રમોશન અટકાવે. પછી અજાણ હોવાનો ઢોંગ કરી ફરી મૂળ જગ્યાએ લાવી દે કે કાળા પૈસાથી હાથ મેલા કરી બઢતીનો માર્ગ ચોખ્ખો કરે. આખા શહેરમાં તો શું,પણ પૂરાં જિલ્લામાં પરગજુ, મોટા મદદગાર તરીકેની એની છાપ. હોય યમદૂત ને લોકોની નજરમાં દેવદુત ! વાહ તારા કરતૂત ! અનીતિ સાથે પ્રીતિ કરી બેઠેલા પ્રબોધરાય મેલી રાજનીતિના અઠંગ ખેલાડી બની ગયા હતા.

મકાનમાં પ્રસરેલી જાહોજલાલી કોને આભારી હતી એ સમજતાં વિરાગીને વાર ન લાગી. ઘરમાં બધાને, ખાસ પોતાને પ્રામાણિકતાનો પાઠ ભણાવતા પપ્પા અચાનક આમ કેમ ? વિરાગી માટે આ વાત...! ખુશી થઇ ગઈ વરાળ ને તેણે કાઢી હૈયાવરાળ. તેણે પપ્પા સામે ઉગ્ર દલીલો કરી. ‘ જો કે પૈસો મહત્વનો છે, પણ એની લાંબીલચ લાલચ, આંધળી દોટ જીવનમાં ઓટ લાવે છે.’ – એબધું સમજાવવામાં તે નાકામ સાબિત થઇ. જવાબ મળ્યો કે ‘ હું ક્યાં કોઈના ગુણ ઘટાડી અન્યાય કરું છું ? હું તો એનાં ગુણમાં વધારો કરી એની પ્રગતિનો માર્ગ ખોલી આપું છું. બદલામાં આપણા સુખમાં થોડો જ વધારો માંગુ છું ! ’ ને લગભગ બધા અનીતિખોરો વગાડે એ જ જૂનીપુરાણી રેકર્ડ- ‘ ને આ બધું હું કોના માટે કરું છું ! તમારા બધા માટે. તમારું ભવિષ્ય ઉજ્જવળ બંને એ માટે....! ’

‘ પણ તમે કોઈના માર્ક્સ વધારી દો છો,ત્યારે બીજાનાં માર્ક્સ આપોઆપ ઘટી જાય છે, કોઈ યોગ્ય ઉમેદવારનું એડમિશન ને તેનું સપનું ઝૂંટવાઇ જાય છે એનું શું ?

એકને ગોળ આપવા જતાં બીજાને ખોળ..! ને આપણે આવું ખોટું કર્યાં વિના પહેલાં પણ સુખી હતા ને હજી પણ એટલે જ સુખી થઇ શકીએ. આ તો ઊલટું તમે ઘરના બધા માટે દુઃખનો દરવાજો ખોલો છો. તમારી કુટિલતાને દરવાજો દેખાડી દો. અમારે કોઈને આ હરામનો પૈસો ન ખપે.’ વિરાગીએ એમને બહુ પ્રબોધ્યા, પણ પ્રબોધરાય...!

તેણે થયું કે પપ્પાનું જીવન એવી વાર્તા છે જેનો આરંભ સુંદર ને વચ્ચેની ગૂંથણી ઉત્કૃષ્ટ, પણ અંત રસહીન, દમ વગરનો, અસંબદ્ધ...જેણે સમગ્ર વાર્તાના સૌંદર્ય પર પાણી ફેરવી દીધું છે. એનો આત્મા ગૂંગળામણ અનુભવી રહ્યો છે. છેક સુધી જકડી રાખતી ફિલ્મ મોં-માથા વગરના અંતને લીધે નકામી બની સાવ પીટાઈ જાય એવું કંઈક... ઘરના બધાને સાચી પરિસ્થિતિનો તાગ મળતાં જ તે બધા પણ વિરાગીની પંગતમાં બેસી ગયા. પણ પ્રબોધરાય છેલ્લી પાટલીએ બેસી ગયા હતા. એ નકાર સંભળાવી સૌનેમાંતે સરપ્રાઈઝ સર્જી રહ્યા હતા. બધી સમજાવટ, વિનંતી, ધમકી વ્યર્થ...એમનો સ્વભાવ પણ હવે પહેલાં જેવો ન રહેતાં સાવ ચીડિયો, શુષ્ક બની ગયો હતો.

...વિરાગી ફાઈનલ એકઝામમાં નેવ્યાસી ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવી. આમાં તો પપ્પાનો કોઈ હાથ નહોતો. વિરાગીની ખુદની તપસ્યા જ રંગ લાવી હતી. તે જંગ જીતી ગઈ હતી. તેને નોકરી આપવા કંપનીઓનિ લાઈન લાગી. તેના શહેરમાં જ એક પ્રતિષ્ઠિત કંપનીએ તેણે આકર્ષક, તગડા પેકેજની ઓફર કરી, જેની અનેક શાખાઓ પૂરા દેશભરમાં પથરાયેલી હતી. વિરાગીએ આનંદભેર હા પાડી દીધી,પણ કેટલીક શરતો મૂકી, જેમાં થોડો વધુ પગાર, રહેવા માટે વિશાળ ક્વાર્ટર તેમ જ....!

કોઈનું કામ કરી આપવા માટે પ્રબોધરાયને બહારગામ જવું પડ્યું. જો કે આ તો હવે રૂટિન બની ગયું હતું, પણ આ વખતે કામ બહુ મોટા ગજાનું હતું ને એ બદલ રકમ પણ મોટી મળવાની હતી. આવડી મોટી એકસામટી રકમ જીવનમાં પહેલીવાર મળવાની હતી. એમને નક્કી કરેલું કે આ મસમોટી રકમ હું પત્નીના હાથમાં આપીશ ને આંકડો સાંભળતાં જ ને રકમ જોતાંવેંત કુટુંબીજનો બધું ભૂલી અચંબો પામી જશે. અનુચિત કામ કરીને પાછા ફરતા જ....!

પડોશી રમણલાલે સીલબંધ કવર આપ્યું. તેમાં વિરાગીએ હોસ્ટેલવાસ દરમિયાન બચાવેલા દસ હજાર રૂપિયા હતા. પોતાની પાસે રહેલું બહુ મોટી રકમનું કવર ને આ કવર..! પ્રબોધરાય બેય સામે વારાફરતી જોઈ જ રહ્યા. વિરાગીએ સાથે એક પત્ર પણ બીડ્યો હતો. ‘ પપ્પા, કોઈ માણસને એકસાથે ચાહવું ને ધિક્કારવું - આ બેય અશક્ય લાગે છે ને ? હું તમને ધિક્કારું છું,કેમ કે હું તમને ચાહું છું. ખોળામાં બેસીને લપાઈ જવું, વહાલપની ટપલી મારવી, તકલીફ વેળા સ્વજનની આંખ લૂછવી, એનો વાંસો થપથપાવવો, અંતાક્ષરીમાં ગીત ન સૂઝે ને નિરાશા ઊપજે ત્યારે એની આ અસહાયતા જોઈ ન શકતા પોતે સામા પક્ષમાં હોવા છતાં ઈશારો કરી ગીત યાદ અપાવવું.... આવી નાની નાની બાબતોથી મળતા મોટા આનંદ ને સુખ માટે પૈસાની જરૂર નથી. ને આ સિવાય બીજા કશા ભૌતિક સુખની અમને ક્યાં કશી કામના હતી કે છે ?

પેલી અધૂરપમાંય કંઇક અજબ મધુરપ હતી. નવો સોફાસેટ અપસેટ કરે છે, દીવાલોનો નવો રંગ બેઢંગ લાગે છે, કારણ કે એમાંથી અનીતિની દુર્ગંધ આવે છે. વસ્તુઓનો આ દંભી ખડકલો ખોખલો છે. આ ઘર મારું, આપણું હતું, પણ હવે મારું નથી રહ્યું. એ માત્ર ને માત્ર તમારું જ છે. આ હવે એવું મકાન છે જેને કાન નથી. જે દુકાન બની ગયું છે,જેનું સુકાન સ્થિર નથી. એટલે કહેતાં દુઃખ થાય છે,પણ ‘આવજો’. ક્યાં જઉં છું એ હમણાં નહીં કહું. એક વરસમાં તમે આ મકાનને ફરી આપણું ઘર, નંદનવન બનાવી શકો,તો હું ઘેર પાછી આવી જઈશ. મેં કંપની સાથે પહેલેથી જ એવી શર્ટ મૂકી છે. હા, તમારી દીકરીને ખૂબ જ જાણીતી સોફ્ટવેર કંપનીમાં ઉચ્ચ કક્ષાની નોકરી મળી છે. હું ત્યાં... ઇન ફેક્ટ અમે બધા અહીંથી....’

કંપનીએ વિરાગીની બધી શરતો માન્ય રાખતા તેણે નોકરી સ્વીકારી લીધી હતી. અહીં જગ્યા હોવા છતાં તેણે સામે ચાલીને વતનથી ખૂબ દૂર બીજા રાજ્યની રાજધાનીમાં નોકરી લીધી હતી. પપ્પા ન સુધરે તો કદી આ મકાનમાં ન આવવાના નિર્ધાર સાથે ઘરનાં બધાં પણ વિરાગીની સાથે જ હતાં. વિરાગીનો નાનો ભાઈ વિદૂર તેમ જ પ્રબોધરાયનાં પત્ની પણ...! એકલાઅટૂલા પ્રબોધરાયને જબરું સરપ્રાઈઝ મળ્યું ! એમ કહોને કે બધું એકઝાટકે ઝૂંટવાઇ ગયું હતું.

અઠવાડિયા પછી દરેક અગ્રણી સમાચારપત્રોની હેડલાઈનનાં મથાળે પ્રબોધરાયનું નામ છપાયું હતું. ‘ શિક્ષણ ખાતામાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ. મુખ્ય ભેજાબાજ સૂત્રધાર તરીકે શહેરના આદરણીય વ્યક્તિ ગણાતા મહાનુભાવ પ્રબોધરાયનું નામ ખૂલ્યું. સરપ્રાઈઝ એ વાતનું છે કે ખુદ એમને જ પોતાનો ગુનો કબૂલી લીધો છે. હવે એ થોડા જ દિવસોમાં જેલના સળિયા ગણશે ને બીજા અનેક મોટા માથાને ગણાવશે.’

વહેલી પરોઢે ‘ જાગી ગયેલા ’ પ્રબોધરાયે દ્વાર ખોલ્યું. વિરાગી આગોતરી જાણ કર્યાં વિના જ આવી પહોંચી હતી. હા, સમાચારપત્ર વાંચતા જ વિરાગી બોલી ઊઠી હતી. ‘ આઈ લવ યું પપ્પા...’ તેણે મમ્મી સામે ભીની આંખે નજર કરતાં કહ્યું હતું. ‘ હવે પપ્પાને આપણી ખરી જરૂર છે...ને આપણને એમની...! એમણે જાતને ‘ વેક અપ ’ કહી દીધું છે. નાઉ જલદી પેક-અપ. આપણે પપ્પાને બેક-અપ, બક –અપ કરવાનું છે.’ મમ્મી વિરાગી સામે પ્રેમપૂર્વક જોઈ જ રહી. યુવા પેઢીની એક મોર્ડન યુવતી પોતાની સમસ્યાઓ તો ઉકેલતી જ હતી, સાથોસાથ તે માર્ગથી ભટકેલા વડીલને સાચા રસ્તે લાવી સમગ્ર પરિવારની સમસ્યાઓને પણ નામશેષ કરી સૌને એકતાંતણે બાંધી રહી હતી. વિરાગી બાળસહજ વિસ્મયથી જોઈ જ રહી. પેલી ભૌતિક ચીજવસ્તુઓ ઘરમાંથી અદ્દ્શ્ય થઇ ગઈ હતી ! ‘ ઘણુંબધું ’ ગાયબ થઇ ગયું હતું, છતાં ઘર ભર્યુંભર્યું લાગતું હતું.

*****

ટૂંકી વાર્તા- ‘ સરપ્રાઈઝ ’ લેખક : - દુર્ગેશ ઓઝા ૧, જલારામ નગર,નરસંગ ટેકરી, હીરો હોન્ડા શો-રૂમ પાછળ, ડો.ગઢવીસાહેબની નજીક, પોરબંદર ૩૬૦૫૭૫ મો-૯૮૯૮૧૬૪૯૮૮ ઈ-મેઈલ durgeshoza@yahoo.co.in