ટીફીન Mukesh Sojitra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

ટીફીન

ટિફિન

મુકેશ સોજીત્રા

ભાવનગર – રાજકોટ હાઇ વે પર આવેલી એક હોટલ પર પી આઇ પટેલ બપોરનું ભોજન લેવા જઈ રહ્યા હતા. ખાખી યુનિફોર્મ , કાળા ગોગલ્સ અને મોઢામા સિગારેટનાં ધુમાડા કાઢતાં પી આઈ પટેલ જીપની ડાબી સાઈડ પર બેઠાં હતાં. કોન્સ્ટેબલ રાઠોડ જીપ ચલાવી રહ્યો હતો. રસ્તામાં આગળ જતાં કાળકા વાડી વિસ્તાર પાસે એક બાઈક પડેલું જોયું. પી આઈ પટેલે રાઠોડને કહીને જીપ ઉભી રખાવી. તેઓ ઝડપભેર નીચે ઉતર્યા અને નજીક જઈને જોયું તો એક બાવીસેક વરસનો યુવાન રોડની બાજુમાં આવેલ ખાળીયામાં પડ્યો હતો. ખાળીયામાં આવેલ પથ્થર સાથે એમનું માથું અફળાયું હશે એવું અનુમાન કર્યું. યુવાનનાં માથા પાસે લોહીનું ખાબોચિયું ભરાયેલું હતું. અનુભવી પી આઈ સમજી ગયાં કે કેસ ફેઈલ છે. એણે માથા પર ટોપી અને આંખો પરથી ગોગલ્સ ઉતાર્યા. સિગારેટ એક બાજુ નાંખીને પોતાના મોબાઈલ પરથી એકસો આઠને ફોન લગાવ્યો.. થોડી વાતચીત કરીને તે બાઈક પાસે આવ્યા. આજુબાજુ કોઈ જ નહોતું ખેતરોમાં પણ કોઈ નહોતું અને આવા બપોર ટાણે ખેતરોમાં હોય પણ કોણ કારણ કે સાવ મોળું વરસ હતું આ વખતે આજુબાજુ ટહેલતા ટહેલતા પટેલે નિરિક્ષણ કર્યું, બાઈકની પાછળ આવેલી લાઈટો તૂટી ગયેલ હતી અને કેરિયર અને નંબર પ્લેટ પણ વળી ગઈ હતી અને બાઈક લગભગ વીસ ફૂટ ઘસડાઇને માઈલ સ્ટોનનાં ખૂંટા સાથે અથડાયું હતું અને ત્યાંથી આ યુવાન ખાળીયામાં ફંગોળાયો હોવો જોઈએ અને ત્યાં પથ્થર સાથે અથડાયો હોવો જોઈએ અને હેમરેજ થયું હોવું જોઈએ અને પાછળથી કોઈએ એને જોરદાર ટક્કર આપી હોય તો જ બાઈક આટલું ઢસડાય આવા તાર્કિક તારણ પર તે આવ્યા હતાં. બાઈકની એક બાજુ એક થેલી ટીંગાડેલી હતી. એ થેલી એણે રાઠોડ પાસે બાઇકમાંથી કઢાવીને જોયું તો એમાં ત્રણ ખાનાનું ટીફીન હતું. અને શાકનો રસો થોડો ઢોળાયેલો હતો. થોડી વારમાં એકસો આઠ આવી સાથો સાથ પત્રકાર મકવાણા પણ આવી પહોંચ્યો. એ અરસામાં એક કોન્સ્ટેબલ આવ્યો અને પીઆઈ પટેલે જાતે ફરિયાદી બનીને એફ આઈ આર લખવી. પંચનામું થયું. ઘટના સ્થળે બીજું કોઈ સાક્ષી તો હતા નહિ. પેલા યુવાનની લાશને એકસો આઠમાં ગોઠવી. યુવાનનાં ખિસ્સામાંથી દુર ફન્ગોળાયેલો મોબાઈલ પણ જડ્યો. અને યુવાનના ખિસ્સામાંથી એક પાકીટ, એમાં બારસો રૂપિયા જેવી રકમ હતી અને એક ડોશીમાનો ફોટો હતો. ઉપરનાં ખીસ્સ્માંથી એક કાર્ડ મળ્યું. દિનેશ બાલાભાઈ નાયક કોન્સ્ટેબલ ઓફ ઇન્ડો તિબેટીયન બોર્ડર સિક્યોરીટી ITBS હા યુવાન ઇન્ડિયન આર્મીમાં હતો. યુવાનની લાશને એકસો આઠમાં લઇ ગયા ત્યારે પીઆઈ પટેલ અને બાકીનાં બને પોલીસકર્મીઓ એ યુવાનને સલામી આપી.

“રાઠોડ જીપ પાછી પોલીસ સ્ટેશન પર લઇ લે આજ જમવાનો મૂડ જતો રહ્યો છે” પી આઈ પટેલે ખિન્ન અવાજે કહ્યું. તે જીપમાં પડેલા પેલાં ટીફીન તરફ તાકી રહ્યા હતાં, એ ટીફીન તેને બેચેન કરી રહ્યું હતું.

“યસ સર” કહીને રાઠોડે જીપને પાછી પોલીસ સ્ટેશન તરફ વાળી મૂકી..પોલીસ સ્ટેશન પર પહોંચીને પટેલે પેલું કામ એ કર્યું કે પેલા યુવાનનાં મોબાઈલ ફોનમાંથી છેલ્લે આવેલ ફોન લગાડ્યો. સામે યુવાનના મિત્ર રાકેશે ફોન ઉપાડ્યો વાતચીત થઇ વિગત જાણીને તે ધ્રુસકેને ધ્રુસકે રોઈ પડ્યો વાતચીત દરમ્યાન પટેલને જાણવા મળ્યું કે એ એનાં મિત્રને ત્યાં મળવા જતો હતો. આર્મીમાંથી રજા મુકીને હજુ બે દિવસ પહેલાં એ દાદીમાને મળવા આવ્યો હતો. એકાદ કલાકમાં તો એ યુવાનનો મૃતદેહ પોસ્ટ મોર્ટમમાંથી આવી ગયો. અને પેલો મિત્ર પણ આવી ગયો. તે ચોધાર આંસુ એ રડ્યો. પીઆઈ એ પૂછ્યું કે

“ દિનેશ તમને મળવા આવતો હતો તો પછી ટીફીન લઈને કેમ આવતો હતો?

“ સાહેબ એને એનાં દાદીમાનું હાથનું ખાવાનું ખુબજ ગમતું એ જ્યાં જાય ત્યાં લગભગ ટીફીન લઈને જ જતો. અને આમેય લશ્કરમાં હોય એણે ઘર પ્રત્યે આવો લગાવ તો હોવાનોજ “ એ ડુસકા ભરતો બોલ્યો. જરૂરી વિધિ કરીને પીઆઈ પટેલ તે મૃતદેહને લઈને એના દાદીને સોંપવા જવા રવાના થયા. સાથે રાકેશને પણ લીધો. જીપમાં બેસતી વખતે પણ તેણે પેલા ટીફીન તરફ જોયું... કેમ જાણે આજે તેને ટીફીન વારે વારે યાદ આવતું હતું.

“દિનેશના પિતા અને માતા શું કરે છે “ જીપમાં જ પટેલે પૂછ્યું.

“ સાહેબ દિનેશ ત્રણ વરસનો હતો ત્યારે જ એનાં પિતાજી અવસાન પામેલ અને તેની માં એ વરસ દિવસ પછી બીજા લગ્ન કરી લીધા હતાં. એક વરસ સુધી તો એની મા એ દિનેશને પોતાની પાસે રાખ્યો હતો. પણ જેવી ઓતીમાને ખબર પડીકે ત્યાં દિનેશને કોઈ બરાબર નથી સાચવતું એટલે ઓતી મા દિનેશને લઇ આવ્યા. હુંને દિનેશ સાથે ભણતા સાહેબ એ કોઈની સાથે બોલતો નહિ. ખુબ ગરમ સ્વભાવનો હતો પણ મારો ખાસ મિત્ર હતો” રાકેશ ભીની આંખે બોલ્યો. પટેલને વિગતો મળી કે દિનેશની દાદીમાનું નામ ઓતી માં છે.

“ સાહેબ એ હમેશા હાઈસ્કુલે આવે ને ત્યારે ટીફીન લઈને જ આવે એની દાદીમાં જે બનાવે એ એણે ખુબ ગમે. એક વખત તો અમે ત્રણ દિવસ જુનાગઢ ગયાં તોય દિનેશ તો ત્રણ દિવસનાં ઢેબરા લઈને આવેલો સાથે સુકી ભાજી પણ ખરી. શિક્ષકોએ અને અમે ખુબ આગ્રહ કર્યો કે બધા બાળકો સારી હોટલમાં જમે છે તું એક વખત તો જમ.પણ એ એકનો બે ના થયો અને ધરાહાર ના જમ્યો તે ના જમ્યો.. આટલો બધો એણે દાદીમાં તરફ પ્રેમ હતો. સાહેબ ખુબ જ સારો છોકરો, જયારે એ આર્મીમાં લાગ્યો ત્યારે હું જ એણે છેક જોશીમઠ ઉતરાંચલ માં મુકવા ગયો હતો પણ ત્યારે પણ એ ઘરેથી ભાતું જ બાંધી લીધેલું મેં પણ ઘરે થી જ બનાવેલું લીધું રસ્તામાં એણે બહારનું કશું જ ના ખાધું. “ રાકેશ સ્મરણો વાગોળતો હતો, ગાડી ઉબડખાબડ રસ્તા પર ચાલતી હતી. પટેલ અને રાઠોડને હવે પૂરો રસ પડતો હતો.

“ તે આર્મીમાં ગયા પછી દિનેશને જમવાનું શું થયું ? ત્યાં એને જમવાનું તો નહી ફાવ્યું હોયને શરૂઆતમાં?” પી આઈ એ વાતનો દોર આગળ લીધો.

“ હા સાહેબ મને પણ એજ ચિંતા હતી કે દિનેશ ત્યાં ટકશે નહિ, એણે એની દાદીમાં સિવાય કોઈનું ખાવાનું ભાવતું નહિ પણ તમે નવાઈ પામશો ત્રણ દિવસ પછી એનો ફોન આવ્યો એ ખુશ હતો મેં જમવા ની વાત કાઢી તો એ કહે યાર રાકેશ જમવાનું તો ખુબ સારું અને હવે તો અમે ભારતમાતાને ખોળે!! અને માં જે આપે એ જમી લેવાનું , જીવનમાં રાકેશ એક વાત યાદ રાખજે કે ક્યારેય પણ માએ બનાવેલી ખાવાની વસ્તુને અવગણવાની નહિ. માનું ખાવાનું તો ભાગ્યશાળીને જ મળે અને મારે તો હવે બે માં એક ઓતી માં અને બીજા ભારત મા!! મારી તું ચિંતા ના કરતો રાકેશ અહી હું ભારતમાને ખોળે અને ત્યાં આવું તો ઓતીમાને ખોળે!!!” રાકેશે વાત કરી તેના ચહેરા પર ગંભીરતા હતી. પીઆઈ પટેલની મુખ મુદ્રા ચમકી ઉઠી હતી.. ગામ આવી ગયું છેવાડે આવેલ એક ઘર ની પાસે ત્રણ ચાર ડોશીઓ બેઠી હતી. જીપમાંજ રાકેશે કીધું સાહેબ “પેલા ધોળા સાડલા વાળા છે ને એ દિનેશના દાદીમાં ઓતીમા. એકદમ ઊંચા અને કાંઠાળા ઓતી મા હાથમાં કાંઇક ચોપડી જેવું હતું. અનુભવની થપાટો સામે અડીખમ એવો એનો તેજોમય ચહેરો , માડી ના કપાળમાં પડેલી કરચલીઓમાં કરુણા ઝલકતી હતી સીતેરની આજુબાજુ પહોંચેલાં ઓતીમા હજી પણ કડેધડે દેખાતા હતાં.

“સાહેબ તમે વાત કરજો હું નહિ કરી શકું. પ્લીઝ “ રાકેશ ગળગળો થઇ ગયો. પીઆઈ પટેલ પરિસ્થતિ સમજી ગયાં એણે રાકેશને ખભે હાથ દબાવ્યો.. જીપ ઉભી રહી ધૂળની ડમરીથી વાતાવરણ ધૂંધળું બની ગયું હતું ધૂળની ડમરી બેસી ગઈ. પીઆઈ પટેલ હળવેક થી ઉતર્યા પોતાનું ગળું સાફ કર્યું એનાં ધબકારા વધી ગયાં. જ્યાં ઓતીમા બેઠા હતાં ત્યાં ગયા બે હાથ જોડી ને કહ્યું.

“જે શ્રી કૃષ્ણા માડી , તમે જ ઓતીમાં “

“ હા સાબ કઈ કામ હતું “ માડીના ચહેરાઓ પણ ચિંતાની આછી રેખાઓ જણાઈ અને બરાબર એજ વખતે ડ્રાઈવર અને રાકેશે દિનેશ નો મૃતદેહ જીપના પાછળનાં ભાગમાંથી બહાર લાવીને નીચે મુક્યો ને માડી પરિસ્થિતિ પામી ગયાં.

“મા હિંમત રાખો ઈશ્વરની આગળ આપણું કઈ ના ચાલે, માં તમારો દીકરો ભગવાનને ઘરે ગયો છે માં “ કહેતા કહેતા પટેલ નીચે બેસી ગયાં. બીજી બે ડોશીઓએ ઓતીમાને પકડી રાખ્યા અને ઓતીમાએ કલ્પાંત શરુ કર્યું. કાળમીંઢ પથ્થરોને પણ ઓગાળી ડે તેવું કલ્પાંત!! રાઠોડે રાકેશ ને પકડી રાખ્યો એ પણ હીબકા ભરતો રહ્યો. ગામ તરત જ ભેગું થયું. બધાના મોઢા પર ગમગીની છવાઈ ગઈ. ગામની સ્ત્રીઓએ ઓતીમાને સાંત્વના આપી. આમ તો પી આઈ પટેલ આવા કામે ક્યારેય આવ્યાં ન્હોતા. નોકરી દરમ્યાન અસંખ્ય હત્યા અને અકસ્માતો એણે જોયા હતાં, પણ આજ કોણ જાણે એની આંખમાંથી આંસુડા આવી ગયાં . ગામ આખું સ્મશાન યાત્રામાં સામેલ થયું. ઓતીમાના કુટુંબમાં તો કોઈ નહોતું. અંતિમ વિધિ પતાવીને પી આઈ પટેલ પાછા ઓતીમાને ઘરે આવ્યાં . માડી સામે હાથ જોડીને ધરપત આપી. જવાબમાં ઓતીમાં બોલ્યાં.

“ સાહેબ આમ તો જ્યારથી એનો બાપ મરી ગયો ત્યારથી મારો દિનેશ અડધો તો મરી ગયેલો હતો. પણ એ બિચારો મારે સહારે અને હું એને સહારે જીવતી હતી.બાકી જેણે જુવાનજોધ દીકરો ગુમાવ્યો હોય એ માં લગભગ તો જીવીજ ના શકે. સાબ દિનેશ મારો હેવાયો હતો. સાબ એ લગ્નની ના પાડતો હતો. બસ એક તમન્ના હતી કે દેશનું રક્ષણ કરવું એટલે જ ફોજમાં જોડાયો હતો. “ પી આઈ પટેલ નીચે બેઠા માડીના બેય હાથ હાથમાં લઈને આશ્વાસન આપ્યું. અને ઉભા થયાં. રાકેશ ત્યાં જ રોકાઈ ગયો. રાઠોડ અને પટેલ જીપમાં ગોઠવાયા. જીપ ધૂળની ડમરી ઉડાડતી ઉડાડતી પોલીસ સ્ટેશન તરફ જી રહ્યા હતાં. સાંજે પટેલને જમવાની ખાસ ઈચ્છા થઇ નહિ. રાઠોડને અને બીજા બે પોલીસવાલા ને કીધું કે તમે ગાડી લઈને જમી આવો એટલે એ ગયાં પછી પીઆઈ પટેલ ચેમ્બરમાં એકલા પડ્યા અને અચાનક તેને પેલું ટીફીન યાદ આવ્યું. હજુ પણ એ ટીફીન પોલીસ સ્ટેશન ના એક ખૂણામાં આવેલા એક ટેબલ પર પડ્યું હતું.

અચાનક જ પટેલ ઉભા થયા ટીફીન પાસે ગયાં. ટીફીનની એક બાજુ ઢોળાયેલ શાકનો રસો જામી ગયો હતો પણ અંદરથી શાકની એક ખુબજ સરસ સુગંધ આવતી હતી, પટેલે ટીફીન ખોલ્યું. આખી ડુંગળીનું શાક હતું, સાથે જુવારનો રોટલો હતો. તળેલી કાછરી અને ગુંદાનું અથાણું હતું. પટેલે એક બટકું રોટલાનું તોડીને શાકમાં બોલ્યું અને મોઢામાં મુક્યું. વાહ એ જ સ્વાદ!!!! એની બા પણ આવું જ શાક બનાવતા અને એ યાદ આવતા જ પટેલની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એણે ટીફીન બાજુમાં મુક્યું ને બેય પગને બાજુની ખુરસી પર લંબાવીને એ પોતાની ખુરસી પર લાંબા થયા... અને ભૂતકાળમાં સરી પડ્યાં !!!!

પી આઈ પટેલનું આખું નામ પંકજ ચીમનલાલ પટેલ. આમ તો પટેલનો દીકરો પી આઈ થયો હોય એવી એનાં ગામની પ્રથમ ઘટના. નોકરીની શરૂઆતથી જ બાહોશ અને નિષ્ઠાવાન. પણ લગ્ન કરવામાં થાપ ખાઈ ગયાં. એક શ્રીમંતની રૂપાળી છોકરીને પરણવાનું પટેલ ણે ભારે પડી ગયું. એની પત્ની શ્વેતા એક દમ રૂપાળી.. અને એકદમ એનાં બાપ પર ગયેલી. શ્વેતાના પાપા એક મોટા બિલ્ડર હતાં અને તુંડ મિજાજી હતાં. શ્વેતામાં પણ વારસામાં ગુણ ઉતર્યા હતાં. લગ્નના ચાર માસમાં જ પટેલને થયું કે આ પસંદગી ખોટી થઇ ગઈ છે.. પણ હવે શું થાય !!! ધીમે ધીમે એણે શ્વેતા ને સુધારવાનો પ્રયત્ન કરી જોયો પણ સુધરે એ શ્વેતા શાની ??? અને આમેય બાપના બેનંબરી પૈસાથી બગડેલી પ્રજા લગભગ સુધરતી નથી. શ્વેતાને ગામડે રહેવું તો ગમતું જ નહિ. વાર તહેવારે પણ પંકજ એકલો જ પોતાના ઘરે જતો. મમ્મી પપ્પા પણ સમજી ગયા કે ઘરની થાંભલી જ વાંકી છે એમાં એનો દીકરો પણ શું કરે. પોતાના સાસુ સસરા આવે એ શ્વેતાને ગમે નહિ, આવે તો મોઢાં બગાડે અને વાસણ પણ પછાડે, કૈંક ધતિંગ આદરે, જેની એ વિસ્તારમાં હાંક વાગતી એ પી આઈ પટેલ ઘરે આવતા જ બીવે. ઘણી વાર એણે સાસુ સસરાને ફરિયાદ પણ કરી જોઈ... પણ જેમ વાલ , વટાણા કે પાપડી લખણ ના સરખા હોય એમ સાસુ સસરા એ પણ પંકજ ને ઘચકાવી નાંખ્યો.. ના કહેવાના શબ્દો કીધા. અને પછી તો શ્વેતાના નખરા જ વધી ગયાં. પીઆઈનો શરૂઆત નો પગાર તો શ્વેતાના મેક અપ માં જ ખર્ચાઈ જતો. પૈસા ઘટે તો એનાં બાપા મોકલાવે!! અને શ્વેતા તો પાછી કહે પણ ખરી કે “ પત્નીને રાજી ના કરી શકો તો લગ્ન જ ના કરાય. મૂંગા મોઢે સાંભળી લે પટેલ અને એ ફરિયાદ કરવા પણ ક્યાં જાય ??? શ્વેતા આખો દિવસ લગભગ એ બીજા અધિકારીની પત્ની જોડે શોપિંગ માં જ હોય.એનાં બિલ્ડર બાપનાં ચાર હાથ હતાં શ્વેતા માથે અને એટલે જ એણે ચાર ડેબીટ કાર્ડ આપ્યા હતાં પોતાની દીકરીને !!

ધીમે ધીમે પીઆઈ પટેલના માતાપિતા આવતા જ બંધ થઇ ગયાં. એ પણ દુખી હતાં પોતાના દીકરાનું દુખ જોઇને, એવામાં એનાં પપ્પાનું અવસાન થયું. ગમે તેવી નઠારી બાઈ હોય પણ પોતાના સાસુ કે સસરાના અવસાન વખતે તો મલાજો જ જાળવે. પણ શ્વેતા તો ખાલી રૂપાળી જ !!!ઉપર શોભા નીચે ઘોબા એવું જ .. એ ન તો ગઈ અંતિમ વિધિમાં કે ના તો એનાં બાપે ફોન કરીને ખબર પૂછી..... પીઆઈ પટેલ ૨૦ દિવસ ગામમાં રહ્યા. પાપાનું કારજ પતાવ્યું. અને પોતાની માતાને લઈને શહેર પાછા આવ્યા.

પોતાના ઘરમાં સાસુ રહે એ શ્વેતાને ના ગમ્યું. એણે પી આઈ પટેલ ને રોકડું પરખાવ્યું

“ તે આ બલા કેટલા દિવસ રોકાવાની છે આ ઘરમાં “?

“ એ બલા નથી મારી માં અને તારી સાસુ છે. સારી રીતે વાત કર “ પી આઈ બોલ્યાં

“ એ જે હોય તે હું કોઈના ગોલાપા કરવા નવરીની નથી . હું મારાં બાપનું રજવાડું મુકીને આવી છું મારી રીતે જીવવા માટે બાકી આ ડોશીનો ઢસરડો કરવા હું નવરી નથી. એનાં માટે વૃદ્ધાશ્રમ છે ત્યાં મૂકી આવો, અને હા પૈસા નો હોય તો મારાં બાપા આપશે સમજ્યા”

“સટાક.... સટાક.... સટાક.......” પી આઈ પટેલનો હાથ જે ઘણા સમય પહેલા ઉપડવો જોઈતો હતો એ અંતે ઉપડયો ખરો... શ્વેતાના ગાલ પર પહેલી વાર સર્જીકલ સ્ટ્રાઈક થઇ.. ગુસ્સાથી લાલચોળ થઇ ગયો ગાલ અને ગુસ્સાથી ફાટેલ ધુમાડા જેવી શ્વેતા એનાં બિલ્ડર બાપને ત્યાં ગઈ. એનો બાપ સમસમી ગયો. એણે ફોન લગાવ્યો અને આ બાજુ પટેલનો બાટલો પણ બરાબર ફાટ્યો. ફોન પર ગાળાગાળી થઇ . કમિશ્નરને મળીને શ્વેતાના બાપે ફરિયાદ કરી કે મારી ફૂલ જેવી દીકરીને ત્રાસ અપાય છે. મહિલા આગેવાનો આવ્યાં. છાપામાં સાચી ખોટી સ્ટોરી આવી, અને અંતે આ કેસ ડીવાય એસપી જાડેજાને સોંપાયો. જાડેજા એ વિગતો જાણી. પટેલને પૂછ્યું કે શું કરવું છે.

“ સાહેબ મારે એને જોઈતી જ નથી, મારી બાને બલા કહે એ મારાં ઘરમાં ના હોય “ પટેલે કીધું.

“ પણ આમાં ઉપરથી દબાણ છે પટેલ એ જેલના સળિયા પાછળ મોકલવા માંગે છે તમને અને તમારા માતાને “ ડી વાય એસ પી જાડેજા એ કહ્યું.

“ તો જેવા ભાગ્ય મારાં અને મારી માતા ના “ પી આઈ ભાંગી પડ્યા. જાડેજા જોઈ જ રહ્યા. એને વાતમાં સચ્ચાઈ લાગી અને કીધું “ રડોમાં પટેલ હવે એ છેને હું શું “ આમ કહીને મારતી જીપે જાડેજા ગયાં . હવે એણે શું કર્યું એ તો ખબર નથી પણ ત્રણ જ દિવસ માં ડાયવોર્સ પેપર પર શ્વેતા ના અને પી આઈની સહી થઇ ગઈ. બધા આરોપ પાછા ખેંચાઈ ચૂકયા હતાં .અને પછી પી આઇની બદલી શહેરથી દુર કરી દીધી. પી આઈ પટેલ તેની માતા સાથે ખુશ હતાં. માતા એને જમવાનું બનાવી દે, અને કદાચ દુર જવાનું થાય તો એને ટીફીન બનાવી દે. બે વરસ તો પી આઈના ખુબ આનંદમાં ગયાં. પણ હજુ બે માસ પહેલા જ એની માતાનું અવસાન થયું હતું અને ત્યારથી પી આઈ પટેલ પાછા એકલાં થઇ ગયાં હતાં. બહાર હોટેલમાં જમી લેતા હતાં.....

“ સાહેબ સુઈ ગયા “ રાઠોડે કહ્યું અને પી આઈ પટેલે આંખો ખોલી.. રાતના અગિયાર થવા આવ્યા હતાં. હજુ ટીફીન ત્યાં જ પડ્યું હતું. બે પોલીસ અને રાઠોડ જમીને પાછા આવ્યા હતાં. પટેલ ઉભા થયા, મોઢું ધોયું , ટીફીન સાફ કર્યું., એક સિગારેટ સળગાવી, બીજે દિવસે સવારે તે પાછા દિનેશને ગામ ગયાં. ઓતીમાને મળ્યા. આર્મીને રીપોર્ટ કર્યો અને પોતે દસ દિવસની રજા મુકીને દિનેશની બધી વિધિ પતાવી. ગામ આખું પીઆઈ પટેલને અહોભાવ થી જોઈ જ રહ્યું. એક દિવસ પીઆઈ બોલ્યાં.

“બા તમે મને દરરોજ ટીફીન બનાવી દેશો ”? હું બધો ઘર ખર્ચ ઉપાડી લઈશ ” એમ કહીને પોતાની આખી કહાની કીધી, ઓતીમાની આંખો પણ ભરાઈ આવી. એ સહમત થયા. અને પછી દરરોજ ઓતીમાં પેલું ટીફીન બનાવી દે છે, એ જયારે ટીફીન બનાવે ત્યારે નજર સામે એનો દીકરો હોય છે. અને પટેલ ટીફીન જમે ત્યારે એને એ ભોજનમાં એની માતાનો ચહેરો દેખાય છે.

જીવન જીવવા માટે ધન દોલત કરતાં કોઈનો નિસ્વાર્થ સહારો વધારે ઉપયોગી હોય છે.!!!!