પ્લીઝ, તું મને મારી
ભૂલો યાદ ન અપાવ!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
જીવનનું સત્ય શું છે, આંખના ખ્યાલ શું છે?
બોલો આ જિંદગીનો સાચો જવાબ શું છે?
દુઃખની ગણતરીમાં તો દિવસો વહી જવાના,
પૂછો તો હમણાં કહી દઉં, સુખનો હિસાબ શું છે?
- અદી મીરઝાં
માણસ સતત બદલતો રહે છે. આપણે જે ગઈ કાલે હતા તે આજે નથી. આપણે આજે જેવા છીએ એવા કાલે નહીં હોઈએ. દરેક ક્ષણે માણસમાં કંઈક ઉમેરાતું રહે છે. સમયની સાથે માત્ર નખ અને વાળ જ નથી વધતા, આપણી સમજમાં પણ પરિવર્તન આવતું હોય છે. હા,એ પરિવર્તન પોઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે, સારું અથવા ખરાબ હોઈ શકે, યોગ્ય અથવા અયોગ્ય હોઈ શકે, સરાહનીય અથવા નિંદનીય હોઈ શકે! પ્રકૃતિનો દરેક કણ દરેક ક્ષણની સાથે બદલતો રહે છે. આપણે કેવા બદલવું છે અને કેટલા બદલવું છે એ આપણે નક્કી કરવાનું હોય છે.
દુનિયાની દરેક ફિલોસોફી સરવાળે એમ જ કહે છે કે વર્તમાનમાં જીવો. જો ભી હૈ બસ યહી ઇક પલ હૈ. અત્યારે તમે જીવો છો એ જ જિંદગી છે. ગયું એ ગયું. આવનારી ક્ષણ અજાણી છે. આખી દુનિયા એક વાત કરતી રહે છે કે કાલની કોઈને ખબર નથી. કાળ કેવી કાલ લઈને આવશે એનો અંદાજ બાંધી શકાતો નથી. આમ છતાં એક હકીકત એ છે કે કાલ તો થવાની જ છે. કાલે બધું ખતમ થઈ જશે એવું પણ નથી. કાલ કદાચ આજ કરતાં સારી પણ હોય. આવતી કાલ સારી નહીં હોય એવું માનવું પણ શા માટે જોઈએ?આપણી આવતી કાલનો આછેરો અંદાજ આપણને આપણી આજથી પણ મળતો હોય છે.
આવતી કાલે તો જે થવાનું હશે એ થશે. આવતી કાલ ગમે એવો પડકાર લઈને આવે તોપણ માણસ તેનો સામનો કરવા તૈયાર હોય છે, પણ ગઈ કાલનું શું? ગઈ કાલ તો એવી છે જેને આપણે જ જીવ્યા હોઈએ છીએ! એનાથી પીછો કેવી રીતે છોડાવવો? આજ છે એ આપણી જિંદગીનું એન્જિન છે. આ એન્જિન સાથે ગઈ કાલના ડબ્બાઓ જોડાતા રહે છે. હવે દરરોજ ડબ્બા વધતા જ રહે તો ગમે એવું એન્જિન ધીમું પડી જવાનું છે. અમુક ડબ્બા તો છોડતાં જવા પડે છે! આમેય દરેક ડબ્બામાં કંઈ એવું ભરેલું નથી હોતું જે કામનું હોય અથવા તો સાચવી રાખવા જેવું હોય! મોટાભાગનું તો છોડી દેવાનું જ હોય છે. સફરનો સિદ્ધાંત છે કે જેટલો ઓછો સામાન હોય એટલી સરળતા અને મજા વધુ. આખું ઘર જ સાથે લઈ જવાનું હોય તો પછી ઘરમાં જ શા માટે ન રહેવું? તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે કશું છોડતાં નથી, કશું ભૂલતાં નથી.
જિંદગીમાં શું યાદ રાખવું, તેના કરતાં પણ વધુ મહત્ત્વનું છે કે શું ભૂલી જવું. ભૂલવા જેવું કંઈ હોય તો એ છે ભૂલો. ભૂલોને ભૂલી જવી જોઈએ. હા, ભૂલો વિશે એવું કહેવાય છે કે ભૂલોમાંથી જ માણસે શીખવાનું હોય છે, પણ શીખી લીધા પછી એ ભૂલોને યાદ રાખવાનો કોઈ મતલબ નથી. એક ધોરણ પાસ કર્યા પછી આપણે ચોપડા સાચવી રાખતા નથી. ભૂલોના પોટલાનો ભાર માણસને દબાવી દેતો હોય છે.
આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે જે સતત આપણને આપણી ભૂલો જ યાદ અપાવતાં રહે છે. આવા લોકોથી સાવચેત રહેવું જોઈએ. એક પતિ-પત્ની હતાં. બંને સારી પોસ્ટ ઉપર જોબ કરતાં હતાં. રોજ દિવસ દરમિયાન થયેલા અનુભવો પણ શેર કરે. પત્ની વાત કરે ત્યારે પતિ ફટ દઈને એવું કહે કે, એવું કરીને તેં ભૂલ કરી. વળી કોઈ વાત આવે તો કહે કે આ તારી બીજી ભૂલ. ભૂલો ગણાવવાનો સિલસિલો દરરોજ ચાલતો રહે. એક વખત પતિએ કહ્યું કે આજે ઓફિસમાં આવું થયું. પત્નીએ કહ્યું કે એ તારી ભૂલ હતી. પત્નીએ ભૂલો ગણાવવાનું શરૂ કર્યું. એક દિવસે પતિ ઉશ્કેરાઈ ગયો. તને ભૂલો જ દેખાય છે? મારી જગ્યાએ તું હોય તો ખબર પડે! પત્નીએ કહ્યું કે તારી વાત એકદમ સાચી છે. મારે પણ તને એ જ કહેવું હતું કે પ્લીઝ, તું મને મારી ભૂલો ન ગણાવ. ભૂલો થવી સામાન્ય વાત છે. તમારે રોજ પચીસ-પચાસ ડિસિઝન લેવાનાં હોય તો એકાદ-બે ખોટાં પણ પડે. તમારી ગણતરીઓ ઊંધી પણ પડે. આપણી તકલીફ એ છે કે આપણે એક-બે ભૂલોને જ વાગોળ્યે રાખીએ છીએ. હું તને સીધી રીતે કહેત તો તને કદાચ એ વાત ન સમજાત કે તું જ્યારે મને ભૂલનું કહે છે ત્યારે મને શું થાય છે. તું ખૂબ સારું કામ કરે છે, પણ ભૂલ કરતો જ નથી એવું જરાયે નથી. ડિટ્ટો એવું જ મારું છે. બેટર એ છે કે આપણે એકબીજાની ભૂલો ન શોધીએ અને એકબીજાની સારી બાબતો શોધી તેને વધુ સારી બનાવવાનું વિચારીએ!
ભૂલો થવી સ્વાભાવિક છે. કોઈ માણસ એવો નહીં હોય જેણે ભૂલો ન કરી હોય. ભૂલને ગંભીરતાથી પણ લેવી જોઈએ. કોઈ ભૂલને વધુ પડતી ગંભીરતાથી પણ લેવી ન જોઈએ. તમે તમારી ભૂલોને કેવી રીતે લો છો એ પરથી જ તમારી સમજનું માપ નીકળતું હોય છે. ઘણાં લોકો તો પોતાની ભૂલોને જ ગાયા રાખે છે. જિંદગીમાં આ એક મોટી ભૂલ થઈ ગઈ. એ ભૂલ કરી ન હોત તો કદાચ અત્યારે વાત જુદી હોત. હા, એવી ભૂલો થઈ જતી હોય છે. જે ભૂલો સુધારી શકાતી હોય એને સુધારી લેવી જોઈએ. દરેક ભૂલ સુધરી શકે એવી પણ નથી હોતી. એને સ્વીકારી લેવી જોઈએ. થઈ ગઈ. નહોતી થવી જોઈતી પણ થઈ ગઈ. ઘણી ભૂલો અજાણતાં પણ નથી થતી હોતી. આપણે જ કરી હોય છે તોપણ શું? એને રડયા રાખવાથી એ સુધરી જવાની છે?
એક માણસ સાધુ પાસે ગયો. તેણે સાધુને કહ્યું કે મારાથી એક પાપ થઈ ગયું છે. સાધુએ કહ્યું કે મારે એ જાણવું નથી કે તેં શું પાપ કર્યું છે. પાપ તો આપણે કરીએ છીએ. આમ તો એ એક ભૂલ હોય છે. તારાથી પાપ થઈ ગયું છેને? તો એનો પશ્ચાત્તાપ કર. કંઈક સારું કર. પશ્ચાત્તાપથી પાપ ધોવાઈ જવાનું નથી, પણ તેનાથી કંઈક સારું કર્યાની લાગણી તો થવાની જ છે. પશ્ચાત્તાપ પાપને ભૂલવા માટે કરવાનો હોય છે. તું તારી ભૂલોને ભૂલી શકે તો જ પશ્ચાત્તાપ કરવાનો અર્થ છે. સંબંધોમાં થયેલી ભૂલો માણસને જિંદગીભર સતાવતી રહે છે. ગાલિબે લખ્યું છે, કુછ ઇસ તરહા હમને જિંદગી કો આસાં કર દિયા, કિસીસે માફી માગ લી, કિસીકો માફ કર દિયા!
માફી માગી લીધા પછી પણ કોઈ માફ ન કરે તો? તો એમાં આપણો વાંક નથી. આપણે આપણું કર્તવ્ય બજાવવાનું હોય છે. કોઈને આપણે તેનું કર્તવ્ય કરવાની ફરજ ન પાડી શકીએ. ભૂલોના ભારને ખંખેરી નાખો. એવી રીતે જિંદગી જીવો કે લોકો પણ તમારી ભૂલો ભૂલી જાય. એવું ત્યારે જ થઈ શકે જો પહેલાં આપણે આપણી ભૂલો ભૂલી જઈએ. જિંદગીમાં ગંભીરતાથી લેવા જેવું બીજું ઘણું બધું હોય છે, ભૂલોના ભારને હળવો કરી નાખો તો જ જિંદગીમાં હળવાશ લાગશે.
છેલ્લો સીન :
આપણાથી કોઈ ભૂલ થઈ જાય પછી આપણે એને સ્વીકારવા કે સુધારવા કરતાં વધુ સમય એ ભૂલનો બચાવ કરવામાં વેડફતા હોઈએ છીએ! –કેયુ
(લેખક ‘દિવ્ય ભાસ્કર’માં મેગેઝિન એડિટર છે)
kkantu@gmail.com