Prerana Kathao 3 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Prerana Kathao 3

પ્રેરણા કથાઓ

(ભાગ-૩)

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧. મન હોય તો માંડવે જવાય

૨. નાની માં નુ ઘર

૩. થેંક યુ પાપા

૪. ‘મિનલ નું ભોળપણ’

મન હોય તો માંડવે જવાય

- મિના ઠક્કર

સાંજનો સમય આશરે પાંચ વાગ્યા છે, અને નાના-નાના છાંટા આવી રહ્યા છે, બાળકો કિલ્લોલ કરી રહ્યા છે, આહલાદક દૃશ્ય છે, એ ટોળામાં નાની અમથી સ્વરા પણ રમી રહી છે.

સ્વરાનું ફેમિલી ઘણું મોટું છે, દાદા-દાદી, મમ્મી-પપ્પા, ત્રણ ભાઈ, બે ભાભી, એક બહેન અને મધ્યમ પરિસ્થિતિ છે. દિવસો આગળ વધતા જાય છે. સ્વરા ભણવાની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓમાં પણ ખુબ આગળ હતી. એને કોઈ પણ પ્રોજેક્ટમાં ઘરનાનો સપોર્ટ મળી રહેતો સ્કૂલમાં પણ એનું નામ ખુબ જ આગળ પણ એકા-એક તેના પપ્પાની તબિયત એક વખત બગડે છે અને પપ્પાની લાડલી દિકરી સ્વરા ખુબ મુંઝાય છે અંતે કેન્સર જેવો રોગ તેમના જીવનનો ભાગ બને છે અને થોડા સમય બાદ મૃત્યુ પામે છે.

હવે સ્વરા સાતમા ધોરણમાં આવે છે અને એના પપ્પાની ખોટ વર્તાય છે. ઘરમાં એન્સ્પાયર કરનાર પપ્પા હવે રહ્યા નથી. સમયની સાથે- સાથે આગળ વધે છે અને ઘરનું વાતાવરણ થોડું બદલાઈ જાય છે કારણ કે અનુશાસન ના રહ્યું. પોતાની રીતે જીવતા થાય છે અને આ બાળકી બધું જ સમજી શકે છે પરંતુ કાંઈ બોલી શકતી નથી. ધીરે ધીરે જેમ સિંચન વગરનો છોડ કરમાય તેમ તે પણ કરમાતી જાય છે. જવાબદારીઓ બધી જ ભાઈ- ભાભી ઉપર અને કકળાટ વધતા જાય છે. અંતે ભાગલા પડે છે સ્વરા માં નું વિચાર કે પોતાનું એ તો હજી આઠમા ધોરણમાં જ અભ્યાસ કરે છે. વ્યવહારૂ જ્ઞાન બીલકુલ નહિ, અંદરો અંદર બધી જ પરિસ્થિતિ નો સામનો માં સાથે રહીને કરે છે. હવે ધીમે ધીમે સ્વરા દસમા ધોરમમાં આવી અને તેની માં ને ચિંતા વધતી જાય છે, ચાર ભાઈ-બહેનનું સરસ ઠેકાણું મળી ગયું અને સ્વરાની ચિંતા તેમને ખુબ સતાવે છે. આમ એક વખત દિકરી માટે માગુ આવે છે. બનાસકાંઠાથી ભાભીના સપોર્ટથી અને સ્વારા હજુ ટીન-એજ માં જ છે. ફક્ત દસમા ધોરણની પરિક્ષા બાદ સ્વરાની સગાઈ અને લગ્ન ફીક્ષ થાય છે, એ નાની બાળકીની બધી જ ઈચ્છાઓ જાણે ‘દફન’ થઈ ગઈ હોય અને મોટા પરિવારમાં ગામડાના જીવનમાં તે વ્યસ્ત થાય છે. જવાબદારીઓ નિભાવે છે.

દિકરીને વાગડમાં ન અપાય એ કહેવત પણ અહીં પુરવાર થઈ કે તેને ઘણી પરિસ્થિતિઓનો સામનો માત્ર સત્તર વર્ષની વયે કરવો પડ્યો. સ્વરા આ ઢાળકામાં (બાબામાં) ઢળાઈ જાય છે અને ઓગણીસ વર્ષે એક સુંદર બાળકનો જન્મ થાય છે. ફરી તેનું જીવન સરસ રીતે ચાલે છે.

ઘરના નાના મોટા ઝઘડા બાદ નવ વર્ષ સાથે રહ્યા હતા અને હવે એકલા રહેવું પડ્યું. સંયુક્ત કુટુંબથી અલગ પોતાની દુનિયા વસાવી અને સમય જતા દિકરો પણ સ્વરાની જેમ ખુબજ હોંશિયાર દરેક પ્રવૃત્તિઓમાં જેમ-જેમ દિકરો આગળ વધે ઉંમરમાં, સાથે સ્વરા પણ તેને તેની જીવનની કથની સંભળાવે અને પ્રોત્સાહિત કરે. જોશ પુરે. દિકરો ભણવાની સાથે કીબોર્ડ પ્લેયર, સારો ડાન્સર, નેશનલ લેવલે વિનર ત્રણ વખત નાની ઉંમરમાંજ ઘણી સિધ્ધિઓ પ્રાપ્ત કરે છે.

સ્વરા પણ વિચારે છે મેં નાનપણમાં કાંઈજ ના કર્યું હું ધારું તો ઘણું કરી શકું તેમ છું અને પતિનો સ્વભાવ પણ સારો મને દરેક કામમાં સાથ આપે જ છે તે પ્રોત્સાહિત પણ કરે જ છે તું કાંઈક કર આગળ વધ આધુનિક વિચારોથી સજ્જ છે. ને મેં હવે સંગીતમાં આગળ વધવાનું ચાલું કરી દીધું. નાનપણમાં હું સંગીતમાં ખુબ રૂચિ ધરાવતી ભજનો, ગરબા, ફિલ્મી ગીતો, શાયરી બહું સારી કરી લેતી આમ શાસ્ત્રિય સંગીતમાં ધીરે ધીરે વિશારદ પછી પી.એચ.ડી. અને ઘણાં વાજિંત્રો, દરેક જગ્યાએ પાર્ટીસિપેટ થવું અવલ્લ આવવું આ એક રોજની વાત થઈ ગઈ હતી. સાથે-સાથે નેચરોપથી ડાક્ટરનું ભણવું ડબલ, ડોક્ટરેટ થઈ નાનપણની દરેક ઈચ્છાઓ, ગોલ સફળતા મળી- મેળવી, સાથે દિકરો પણ તેના નામની માફક તેના કાર્યમાં કુશળ છે (કુશલ) અને બારમું ધોરણ કમ્પલીટ કરીને સોફ્ટવેરમાં આગળ વધે છે. અત્યારથીજ ઘણી સાઈટ્‌સ, હેકીંગ્સ વિગેરેમાં કાર્યરત છે.

સ્વારાનો મોટો મોરલ એજ કે તેને જીવનમાં ઘણી પરિસ્થિતિઓનો સામનો કરીને ચોવિસ વર્ષ બાદ ફરી ધ્યેય નક્કિ કર્યો અને બહુમાન મેળવ્યું. સર્ટી, મેડલ્સ, દેશ-વિદેશમાં પ્રોગ્રામો આપ્યાં. ખુબ નામના કરી.

સ્વરાના પતિનો મોટો ફાળો છે આમાં કે તેને આર્થિકથી માંડીને દરેક રીતે સાથ સહકાર આપ્યો તે આગળ વધીને વધે છે. પોતાનું ઓરકેસ્ટ્રા છે. ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ તેની એકેડમીમાં છે. સ્વરા પોતે ઘણા વિદ્યાર્થીઓને મફતમાં શીખવે છે.

૨૪ વર્ષે જો પ્રેરણા તેમના પતિએ ના આપી હોત અથવા વિઘ્નો પેદા કર્યા હોત તો ? આજે એ તેનું સપનું સાકાર કરી શકી ના હોત, જીવનનું અસ્તિત્વ જ ન રહ્યું હોત. આ જમાનામાં સમયની સાથે ચાલવું ખુબ જ જરૂરી છે !!!

ર્ઁજૈૈંદૃી ંરૈહૌહખ્ત ૈજ ંરી ૈહદૃીજંદ્બીહં ુરૈષ્ઠર ખ્તૈદૃીજ િીખ્તેઙ્મટ્ઠિ ઙ્ઘૈદૃૈઙ્ઘીહઙ્ઘ ૈહ ંરી કીદ્બિર્ ક જીઙ્મક ર્ષ્ઠહકૈઙ્ઘટ્ઠહષ્ઠી.

નાની માં નુ ઘર

- રાહુલ ઠાકર

‘‘લખવુ એ કાઈ તારી નાની માં નુ ઘર છે ?’’ છેવટે કંટાળીને કાંતાબહેને ઘાંટો પાડીને પુછ્યું.

‘‘હા મારા નાનીબાનું જ ઘર કહેવાયને કારણકે બટુકમામા તો મારા નાનીબાના ઘરમાં જ રહે છે ને’’ મનીષે સ્મિત વેરીને જવાબ આપ્યો.

‘‘તેનો જનમારો વ્યર્થ ગયો ચોપડા પાછળ તું તારો પણ કર’’ કહીને કંટાળીને કાંતાબેન રસોડામાં ચાલ્યા ગયા.

મનીષને નાનપણથી જ વાંચવાનો અતી શોખ, જ્યારથી તે વાંચતો સમજતો થઈ ગયો ત્યારતી જ તેને પુસ્તકો, વાર્તા વાંચવી અતિ ગમતી. તેના આ ઉમદા શોખને તેના માતા-પિતા પણ પ્રોત્સાહીત કરતા અને જુદા જુદા વિષયોના મેગેઝીન, પુસ્તકો તેમના માટે લાવવા માંડ્યા.

તેથી નાનપણથી જ મનીષના રૂધિરમાં સાહિત્યનો સંચાર થતો જ રહ્યો, જ્યારે મનીષની ઉંમરના બીજા બાળકો રમકડા અપાવવા માટે જીદ કરતા ત્યારે મનીષ નવા પુસ્તકો માટે રડતો હતો.

જેમ જેમ મનીષ મોટો થતો ગયો તેમ તેમ વાંચનમાં તેની રૂચિ અને સાહિત્યના પ્રકારમાં પણ વધારો થતો ગયો. બાળવાર્તામાંથી વિજ્ઞાન સામયિકો અને તેમાંથી બધુ નવલને આખરે નવલકથાઓ વાંચતો થઈ ગયો.

મનીષના આ વાંચનનો શોખ વિકસાવવામાં તેના માતા-પિતા પછી જો કોઈ વ્યક્તિનો સિંહ ફાળો હોય તો તેના બટુક મામા હતા.

જન્મથી જ ટુંકા અને ત્રાંસા પગ ધરાવનાર વામન કદના અપંગ બટુકમામા કાંતા બહેનના એકમાત્ર ભાઈ હતા. અપંગ હોવાને કારણે કોઈ સ્થાયી નોકરી વ્યવસાય ન કરનારા બટુકમામા નિવૃત્તિ જેવું જ જીવન ગાળતા હતા.

ફક્ત પાંચ ચોપડી ભણેલા બટુકમામા કલાઓનો ભંડાર હતા, તેઓ ખુબ જ સારા પેઈન્ટર તો હતા જ સાથે સાથ ‘બેન્જો’ પણ સરસ વગાડતા, પરંતુ તેમની સૌથી મોટી કળા હતી તેમની કલમ અને લેખન.

અપંગ હોવાને કારણે થોડા એદી સ્વભાવના બટુકમામા દિવસમાં વધારે સમય ખાટલામાં બેઠા બેઠા કઈક ને કઈક લખ્યા જ કરતા હતા. મનિષ માટે તો બટુકમામા કોઈ સિધ્ધહસ્ત વ્યક્તિ સમાન હતા. કારણ કે તેઓ ત્વરાથી મનીષ માટે નવી નવી વાર્તાઓ લખી કાઢતા અને વાંચી સંભળાવતા. મનીષ માટે તેમના મામા ખુદ એક વાર્તાનું પુસ્તક સમાન હતા.

બટુકમામાની આ અનન્ય કળાને બીરદાવવા માટે કાંતબહેન કહેતા કે ‘‘બટુકભાઈ તમે આટલું સારૂ લખો છો તો તમારી કૃતિઓ કોક સારા પ્રકાશકો કે સામયિકોને કેમ નથી મોકલાવતા ? જેથી તમારી કલાની કદર પણ થાય અને તમને બે પૈસા પમ મળે.’’

જવાબમાં બટુકમામા કહેતા કે વાતતો સાચી પણ કોણ ઠેઠ શહેર સુધી મારા વતી પ્રકાશકોની ઓફિસોમાં ટાંટીયા તોડવા જાય ? કોઈકની લાચારી પણ કરવી પડે અને પાછુ તે લોકો સ્વીકારે તેની કોઈ ગેરંટી પણ નહી. અને મારો આ ભાણો તો છે જ, મનીષ તરફ આંગળી ચિંધીને બોતા કે આજ મારો સૌથી મોટો પ્રશંસક છે, આના માટે હું વાર્તા લખુ છુ મારે બીજી શી જરૂર.

‘‘બસ ભાઈ હવે તો આ મનીષને પણ તમારી જેમ લીટા તાણવાનો બહુ હરખ થાય છે મને એ હંમેશા કહે છે કે હું પણ મોટો થઈને મામાની જેમ લખીશ.’’ કવિતા બહેન બોલ્યા.

‘‘વાહ ભાણા, જે દિવસે તારૂ લેખન ક્યાંક પ્રકાશીત થશે અને લોકો તેને બિરદાવશે તે દિવસે આ તારો મામો સહુથી વધારે ખુશ થશે અને સમજશે કે તારી સાથે મારૂ કાર્ય પણ સફળ થયું.’’ બટુકમામા એકશ્વાસે બોલી ઉઠ્યા.

અને સાચેજ આ બટુકમામાનો વારસો હોય, આશીર્વાદ હોય કે પછી મનીષનું અગાધ વાંચન હોય, મનીષની અંદર એક લેખક ધીમે ધીમે આકાર લઈ રહ્યો હતો. મનીષનો પોતાનો દૃષ્ટિકોણ અને પોતાની વિચારધારા જન્મી રહી હતી. પોતે જોયેલી ફિલ્મો વિશેના અભીપ્રાયો લખવા માંડ્યો હતો.

જ્યારે પણ મનીષના ભવિષ્ય વિશેની ચર્ચા થતી ત્યારે મનીષ એક જ વાતનું રટણ કરતો ‘‘મારે તો બટુકમામાની જેમ લેખક જ બનવું છે.’’

મનીષના માતા-પિતાને તેનો લેખક બનવા પાછળ કોઈ વાંધ ન હતો પરંતુ તેમના નજીકના વર્તુળમાં કોઈ સ્થાપિત લેખક ન હતું તેથી જ કાંતાબહેન ગુસ્સામાં કેહતા ‘‘લેખક બનવું તે કઈ તારી નાનીમાંનું ઘર થોડુ છે ?’’ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મનીષ એક સારી પ્રાઈવેટ બેંકમાં નોકરી કરવા માંડ્યો હતો પરંતુ નોકરીની સાથે સાથે વાંચન એ અવનવું લેખન તો ચાલુ જ હતું.

રજાઓમાં તે જ્યારે બટુકમામાને મળવા જતો ત્યારે મામા કહેતા, ‘‘ભાણા હવે તો મારી આંખો પણ નબળી પડવા માંડી છે, હું ક્યારે તારી પ્રકાશીત વાર્તા વાંચીશ ?’’ બટુકમામા બોલ્યા.

‘‘ખબર નહી મામા, જુદા જુદા વિષયો વિશે ઘણુ લખવાનું મન થાય છે પણ કોણ જાણે તે પૂર્ણ થતુ નથી ક્યાંક અટકી જાય છે. અને વાર્તાનું યોગ્ય ઘડતર બંધાતું નથી.’’ મનીષે ચિંતિત સ્વરે કહ્યું. થોડીવાર પછી પાછુ ઉમેર્યું ‘‘તમે કઈ રીતે આટલી સરળતાથી અને જલદીથી નવી વાર્તા લકી શકો છો ?’’

‘‘એ તો ભગવાનની કૃપા છે બેટા અને જો તેની ઈચ્છા હશે તો એક દિવસ તુ પણ તારી મેળે વાર્તા લખી શકીશ.’’ બટુકમામા ધીમેથી બોલ્યા.

અને આખરે એ દિવસ આવી ગયો. શહેરના એક પ્રતિષ્ઠિત સાપ્તાહિકે વાર્તા સ્પર્ધાનું આયોજન કરેલું જેમાં વિજેતા કૃતિઓનો તે સાપ્તાહિકની વિશેષ આવૃત્તિમાં સમાવેશ કરવામાં આવવાનો હતો. વાર્તા સ્પર્ધાનો એક જ નિયમ હતો, વાર્તા ‘‘પ્રેરણાદાયી’’ હોવી જોઈએ.

મનીષે પૂર્ણ એકાગ્રતાથી, મનોમન બુટુકમામાને સ્મરણ કરી લખવા માંડ્યુ અને સાચેજ મામાના કહેવા મુજબ ભગવાનની દયાથી તેણે એક સુંદર મજાની પ્રેરણાદાયી વાર્તા લખી કાઢી કે જે બટુકમામાથી પ્રેરીત હતી.

નિર્ણયના દિવસે મનીષે લખેલી વાર્તાને બીજુ ઈનામ મળ્યુ અને સાપ્તાહિકની વિશેષ પૂર્તિમાં પ્રકાશિત થઈ અને ૨૫૦૧/- નું રોકડ ઈનામ પણ મળ્યું.

મનીષના આનંદની કોઈ સીમા ના રહી તે ફટાફટ માતા-પિતાના ચરણ સ્પર્શ કરી સીધો મામાના ગામડે જવા ભાગ્યો.

મામાના ઘરે પહોંચી સીધો મામાના હાથમાં સાપ્તાહિકની નકલ આપી, અને મામાના આંખમાંથી હરખના આંસુ નિકળી ગયા.

‘‘વાહ ભાણા વાહ, તારી વાર્તા શિર્ષક : મારા મામા લેખક : મનીષ જોષી, તારૂ તો નામ થઈ ગયુ હો બેટા’’ મામાએ ગદગદ થઈને કહ્યું.

‘‘બસ તમારા જ આશિર્વાદને લીધે આ શક્ય થયું મામા’’ મનીષ બોલ્યો.

‘‘એ તો ઠીક બેટા પણ આ બધુ આટલી જલદી અને એકાએક કઈ રીતે તારાથી વાર્તા લખાણી બેટા ?’’ મામાએ પૂછ્યું.

‘‘બસ મામા આ મારી પહેલી જ વાર્તાનો પહેલો જ પ્રયાસ હતો અને પહેલી જ વારમાં મારી વાર્તા ચુંટાઈને વિજેતા જાહેર થઈ ગઈ મામા, આટલુ જલદી મેં લખ્યુ તે સારૂ નો કેવાય.’’ મનીષે જવાબ આપ્યો.

તે રાત્રે બટુકમામાની આંખમાંથી નિંદ્રા ગાયબ હતી, તેના મગજમાં વિચારોના ઘોડાપૂર ઉમટતા હતા. તે ક્યારેક મનીષની સામે તો ક્યારેક મનીષની પ્રકાશીત વાર્તા તરફ જોતા હતા.

સવારે ઉઠીને તેણે મનીષને સૌથી પહેલા પુછ્યું ‘‘બેટા તુ શહેરમાં કોઈ સારા પ્રકાશકનો ભેટો કરાવી આપીશ મને ?’’

‘‘કેમ મામા તમે તો અત્યાર સુધી તમારૂ લેખન પ્રસિધ્ધ કરાવવાની તો ના પાડતા હતા પછી આજે એકાએક કેમ પ્રકાશક વિશે પુછો છો ?’’ મનીષે અચરજ સાથે પુછ્યું.

ત્યારે બટુકમામા ઉંડો શ્વાસ લઈને બોલ્યા ‘‘આખી જીંદગી મને બધાએ સમજાવ્યો પરંતુ હું ના માન્યો પરંતુ આજે તારી એક પ્રકાશીત વાર્તાએ મને ખુપજ પ્રેરણા અને હિંમત આપી.’’ બટુકમામા વચ્ચે થોભ્યા અને પાછુ થોડું વિચારીને બોલ્યા. ‘‘જો તારા પ્રથમ અને નાનકડા પ્રયત્નની વાર્તા પ્રકાશિત થઈ શકતી હોય અને તેજ વાર્તા તે મને પ્રેરણાદાયી સ્વીકારીને વાર્તા લખી હોય અને તારી આ વાર્તા સાપ્તાહિકમાં પ્રકાશીત થઈ તારી પ્રતિષ્ઠા વધારી શકે એવી હોઈ તો બેટા મે તો આખી જીંદગી અથાગ લખ્યું છે, મારી પાસે તો પ્રકાશીત થવા યોગ્ય અનેક વાતો છે.’’

‘‘તે ભલે મારામાંથી પ્રેરણા લઈને વાર્તા રચી હોય પરંતુ હવે હું તારા પ્રયત્નમાંથી પ્રેરણા લઈ મારૂ લેખન કાર્ય, મારી વાર્તાઓ પ્રકાશિત કરવા માગુ છું. બેટા મને યોગ્ય પ્રેરણા આપવા બદલ હું તારો આભારી રહીશ ભાણા’’ આ બોલતી વખતે મામાની આંખમાં આંસુ આવી ગયા હતા. અને પછી બટુકમામા જેવા ઉમદા લેખકની વાતો કોણ નકારી શકે ? થોડા સમય બાદ જ બટુકમામાનું પહેલું પુસ્તક પ્રકાશિત થયું.

અને હવે તો બટુકમામાની ગણતરી ભાષાના એક સિધ્ધહસ્ત લેખકોમાંની થાય છે.

થેંક યુ પાપા

- અનિશ જિગર વઢવાણિયા

હું ઝડપથી સીડીઓ ચડી ગયો અને ડોરબેલ વગાડી. તરત જ શ્રેયાએ દરવાજો ખોલ્યો. હું અંદર ગયો અને શુઝ ઉતારી સોફા પર બેઠો. શ્રેયા બેડરૂમમાં ગઈ અને બેજ મિનીટમાં પાછી આવીને મારી પાસે બેઠી.મેં મારા શર્ટની બાંયના બટન ખોલતા ખોલતા એને પૂછ્યું કે એનો દિવસ કોવો રહ્યો. ‘‘સારો’’, તેણે મારા ખભા પર માથું મૂકીને સસ્મિત જવાબ આપ્યો. અમુક ક્ષણ વીતી ગઈ એના સુંદર ચહેરાને જોતાં જોતાં, તે બહુજ ખુશ હતી પણ તેના હસતા ચહેરા પર થાક પણ દેખાતો હતો. એ ‘‘સુપર વુમન’’ ‘‘વુમન’’ પણ તો હતી જ ! બે રથની સવારી એક સાથે સહજપણે કરતી હતી મારી શ્રેયા, જોબ અને ઘર ! એ પણ સરળતાથી, સહજતાથી ! તેણે ધીમેથી કહ્યું, ‘‘પાણી મૂકી દીધું છે બાથરૂમમાં, ફ્રેશ થઈ જા. હું ચ્હા બનાવું છું.’’ આજે તે થાકેલીજ નહી પણ થોડી ઉદાસ પણ લાગતી હતી. મને લાગ્યું કે તેના ઉદાસ થવાનું કારણ પૂછવાનો આ યોગ્ય સમય નથી એટલે સોફા પરથી ઉભા થતાં મેં શ્રેયાને કહ્યું, ‘‘ફ્રેશ થઈને ચ્હા હું બનાવું છું, તું જમવાની તૈયારી કર.’’ તે કિચનમાં ગઈ અને હું ફ્રેશ થવા બાથરૂમમાં. જલ્દીથી ફ્રેશ થઈને હું કિચનમાં તેને મદદ કરવા અને તેનાં ઉદાસ હોવાનું કારણ જાણવા પહોંચી ગયો.

મેં કિચનમાં પહોંચતાંજ જોયું કે સિધ્ધાંત કિચનના પ્લેટફોર્મ પર બેઠેલો હતો અને તેની મમ્મી જોડે કોઈક વાત ધીમા અવાજે કરી રહ્યો હતો. જેવો હું કિચનમાં દાખલ થયો કે તરતજ તેણે શ્રેયા સાથીની વાત બંધ કરી દીધી અને પ્લેટફોર્મ પરથી નીચે ઉતરીને મારી પાસે આવ્યો અને મારો હાથ પકડીને પૂછ્યું, ‘‘પપ્પા, સ્કૂલમાં ઍન્યુઅલ ફંક્શન છે. તમે આવશોને ?’’ મેં તેને જવાબ આપ્યો, ‘‘કોશિશ કરીશ આવવાની હું.’’ તેણે બાળસહજ રોષથી કહ્યું, ‘‘મતલબ કે નહી આવો’’, અને તે ૯ વરસનો છોકરો ખિન્ન મિજાજે પોતાના રૂમમાં દોડીને જતો રહ્યો. શ્રેયાએ મને કહ્યું કે સિધ્ધાંત ૨ ઈવેટ્‌સમાં ભાગ લઈ રહ્યો છે અને તેના પાપા પર્ફોમન્સ જોવા માટે હાજર હોય તેવી તેની ઈચ્છા છે. તે સિધ્ધાંતને સમજાવી રહી હતી કે તેનાં પપ્પાને ઓફિસમાંથી રજા મળી શકે તેમ નથી એટલે પાપા નહી આવી શકે પરંતુ તે સિધ્ધાંતને સપોર્ટ કરવા જરૂર આવશે. પરંતુ એ નાનો છોકરાને તો અન્યુઅલ ફંક્શનમાં ફક્ત તેના પાપાની જ હાજરી જોઈતી હતી. તે તેની મમ્મીને પાપાની કંપ્લેન કરી રહ્યો હતો કે તેનાં બધાંજ મિત્રોનાં પાપા હંમેશાં બધાંજ પ્રોગ્રામ્સમાં આવે છે પણ તેનાં પાપા ક્યારેય નથી આવતાં.

શ્રેયા જમવાનું બનાવી રહી હતી અને મેં અમારા માટે ચ્હા બનાવી. અમારા હાથમાં ચ્હાંનાં કપ હતાં. શ્રેયાની આંખો મને સિધ્ધાંતનાં એન્યુઅલ ફંક્શનમાં તેની સાથે જવાનું કહી રહી હતી પણ તે જાણતી હતી કે મને ઓફિસમાંથી રજા મળવાનું શક્ય નથી. તેણે સ્મિત સાથે ફક્ત એટલું જ કહ્યું કે ચ્હા સરસ બની છે અને મેં પણ ફક્ત સ્મિતથી જ તેનો જવાબ આપ્યો.

૧૫ વર્ષનો અર્જુન તેની મમ્મીને કહી રહ્યો હતો કે પાપા ક્યારેય અન્યુઅલ ફંક્શનમાં નથી આવતાં ભલે ને તે કોઈ ઈવેન્ટમાં ભાગ લીધો હોય. તે ગુસ્સામાં મોટા અવાજે બરાડા પાડી રહ્યો હતો ! તેની મમ્મી તેને સમજાવતી રહી હતી તેના પાપા રાત દિવસ જોયા વિના તેમના નાનકડા બિઝનેસને ચલાવવા માટે મહેનત કરે છે. તેમનાં પર આખા ઘરની જવાબદારી છે અને આપણને બધી જ સુવિધાઓ મળે એટલે જ આટલી મહેનત તેના પાપ કરે છે. પરંતુ તે છોકરો તેના મમ્મીની કોઈ જ વાત સાંભળવા કે સમજવા તૈયાર ન હતો.

શ્રેયા જમવાનું પીરસી રહી હતી. હું તેની બાજુમાં બેઠો હતો અને મમ્મી તેની બીજી બાજુ. મમ્મીની બાજુમાં સિધ્ધાંત. મમ્મી અને પાપાની વચ્ચે. એમનો લાડકવાયો પૌત્ર. જમવાનું પુરું કરીને ડાઈનિંગ ટેબલ પરથી ઉભાં થતાં વખતે મેં સિધ્ધાંતને કહ્યું, ‘‘સિધ્ધાંત, હું તારા એન્યુઅલ ફંક્શનમાં આવીશ.’’ ‘‘પ્રોમિસ પાપા ?’’ તેણે ફક્ત એટલુંજ પૂછ્યું. ‘‘હા.’’ મેં જવાબ આપ્યો. તે ખુબજ ખુશ થયો અને દોડતો નીચે જતો રહ્યો તેના દોસ્તોને કહેવા કે તેના પાપા એન્યુઅલ ફંક્શનમાં આવવાના છે. મમ્મી અને પાપા પણ ખુશ હતા, એ ખુશી હું તેમના ચહેરા પર જોઈ શકતો હતો. શ્રેયા... એના તો ચહેરા પર જ નહીં આંખોમાં પણ સ્મિત રમતું હતું. મમ્મી અને પાપા નીચે ગાર્ડનમાં વોક માટે ગયા ત્યાં સુધીમાં શ્રેયા અને મેં બધી જ વસ્તુ ઓ પાછી કિચનમાં મૂકી ડાઈનિંગ ટેબલ સાફ કરી દીધું. કિચનનું બધુંજ કામ ખતમ કરીને અમે સોફા પર બેઠા. હું હજુ પણ તેની આંખોમાં ખુશી જોઈ શકતો હતો. મેં તેના કપાળ પર કિસ કરી અને તે મારી તરફ ઝૂકી ગઈ. અમે થોડી વાર સુધી ટી.વી. જોયું. ત્યાં સુધીમાં મમ્મી, પાપા અને સિધ્ધાંત પણ પાછા આવીને સૂઈ ગયાં હતા. ખરેખર તો અમે ટી.વી.ની સામે ફક્ત બેઠા જ હતા, સાથે હોવાની લાગણી અને પ્રેમની અભિવ્યક્તિ અમને ઉભા થવા દેતી જ ન હતી !

સિધ્ધાંતે બેડરૂમમાંથી બહાર આવીને શ્રેયાને તેની સાથે સૂવા માટે કહ્યું. તેને એકલા રૂમમાં ડર લાગી રહ્યો હતો. ડર પેલા બિલ્ડિંગ જેટલા ઉંચા રાક્ષસનો જે એના દાદાની વાર્તાઓમાં સફેદ ઘોડા પર સવાર થઈને આવેલા રાજકુમાર સાથે યુધ્ધમાં હારી જાય છે ! મેં તેને ખોળામાં ઉંચકી લીધો અને અમે સૂવા માટે બેડરૂમમાં જતા રહ્યા. તે એટલો ઉંઘમાં હતો કે મેં જ્યારે ખોળામાં ઉંચક્યો ત્યારે જ તે તો ઉંઘી ગયો હતો ! અમે પણ સૂઈ ગયા. હું પડખું ફર્યો ત્યાંજ મારા ઓશીકા પાસે મને એક કાગળ દેખાયો. તે કાગળને લઈને ટેબલ લેમ્પના આછા અજવાળામાં વાંચ્યું, ‘‘થેંક યુ પાપા - સિધ્ધાંત.’’ મેં કાગળને સાચવીને મારા વોલેટમાં મૂકી દિધો. એ વાંચતી વખતે અનુભવેલ લાગણી એટલી સરસ હતી કે એ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી, તે માત્ર અનુભવી જ શકાય ! પિતા હોવાની લાગણી - બીઈંગ અ પ્રાઉડ ફાધર !

મેં એક કાગળ લીધું અને લખ્યું, ‘‘થેંક યુ પાપા, આઈ એમ સોરી - અર્જુન.’’

તેઓ ક્યારેય મારા કોઈ ફંક્શનમાં નહોતા આવ્યા પણ મને એ ફંક્શનમાં પર્ફોર્મ કરવા માટે સક્ષમ તેમણે જ બનાવ્યો હતો ! તેઓ ક્યારેય એ જગ્યાએ નહોતા આવ્યા જ્યાં હું ચાહતો હતો કે તેઓ આવે પરંતુ તેઓ એ વાતનું ધ્યાન રાખી રહ્યા હતા કે હું એ બધીજ જગ્યાએ જઈ શકું ! હું સિધ્ધાંતને જે સુવિધાઓ આજે આપી શકું છું તે બધી જ સુવિધાઓ તેમણે મને આપી અને તે પણ મારી કરતાં પણ બહુ જ ઓછી કેપેસિટી તેમની હોવા છતાં...! અને મને એટલો સક્ષમ બનાવ્યો કે હું આ બધી જ સુવિધાઓ સિધ્ધાંતને આપી શકું.

થેંક યુ પાપા.

અર્જુન.

‘મિનલ નું ભોળપણ’

- આરતી ભાડેશીયા

હું કોલેજમાં લેક્ચર લઈ રહી હતી, જીવવિજ્ઞાનનો પાઠ ચાલુ હતો ત્યારે જ ફોન આવ્યો કે મિલનને ત્યાં બાબો આવ્યો.

હું તો જાણે આ વાત સાંભળી એકદમ સ્થિર થઈ ગઈ !

ને તરત જ બોલી,

શું ?

તે ભોળી મિનલ ને ત્યાં બાબો આવ્યો ? મને અંદરથી જાણે મિનલને માતા બનેલી જોવાની તલપ લાગી.

મેં પુછ્યું ?

તેની તબીયત તો સારી છે ને ? અને તે કઈ હોસ્પિટલમાં છે?

આ સમાચાર સાંભળતા જ મને તરતજ તેના ભોળપણનો તે લેક્ચર યાદ આવ્યો...

આ ભોળી મિનલ મારી વિદ્યાર્થીની હતી. તે ભણવામાં ખુબ જ હોંશીયાર અને ચતુર હતી. જીવવિજ્ઞાન તેનો પ્રિય વિષય હતો. તે ભણવામાં ખુબ જ હોંશીયાર એટલે હંમેશા પહેલી બેન્ચ પર જ બેસવાનો આગ્રહ રાખતી. બધા જ પ્રોફેસરની તે પ્રિય વિદ્યાર્થીની હતી. એટલે જ તો આજે પણ તેની યાદ અને તેનો સંબંધ હંમેશા આ કોલેજ સાથે અને અમારી સાથે જોડાયેલો છે. તે ભણવામાં ખુબ હોંશીયાર પણ એક ‘અવગુણ’ ! કોઈ પણ લેક્ચરમાં વચ્ચે સવાલ પૂછવાનો ! બસ પ્રોફેસરના ટોપીક પુરો થવાની હમેંશા રાહ જોતી. નિખાલશતા, ભોળપણથી ગમે ત્યારે કોઈપણ સવાલ પુછતી આને સદગુણ પણ કહિ શકાય અને અવગુણ પણ ! સારી ટેવ પણ કહિ શકાય, અને ખરાબ ટેવ પણ ! અને એક દિવસ તેની આ ટેવે તેને ખુબજ મોટી સજા, લજ્જા અને સાથે સાથે જ્ઞાનની મજા પણ આવી.

હું કોલેજમાં એક દિવસ જીવવિજ્ઞાનનો વિષય ભણાવી રહી હતી, તેમાં પ્રાણીસંવર્ધનનો પાઠ ચાલુ હતો, બધા જ વિદ્યાર્થીઓ, ખાસ કરીને મિનલ રસ પૂર્વક સાંભળી રહી હતી. તે દિવસે વર્ગમાં સામાન્ય દિવસ કરતાં ખુબ જ શાંતી હતી, ધ્યાનનું વાતાવરણ હતું. જાણે નવાઈ લાગી ! મને પણ શાંતી જોઈને વધુ રસ જાગ્યો, તેથી પ્રાણીસંવર્ધનનો પાઠ ભણાવતાં-ભણાવતાં હું મનુષ્યની વાત પર આવી ગઈ. વૈજ્ઞાનિક ઢબે આખું તંત્ર અને પ્રક્રિયાઓ સમજાવવા લાગી. તેમાં એ વાતનો ઉલ્લેખ કરી નાખ્યો કે લગ્ન પછી માનવસંતાન માટે ગર્ભધારણથી જન્મ સુધી નવ મહિનાનો ગાળો હોય છે. આ વાક્ય પુરુ કરતાની સાથે જ ! પહેલી બેન્ચ પર બેઠેલી આ ભોળી મિનલ તરત જ વિવેકથી ઉભી થઈ અને નિર્દોષભાવે પુછ્યું ? પ્રોફેસર આપ આ નવ મહિનાનો ગાળો કહો છો એમાં કોઈ ભુલ હોવી જોઈએ. મારી પીતરાઈ બહેન છે, એના લગ્ન આ વર્ષે થયાં, અને બરાબર પાંચ મહિના પછી એને બાબો આવ્યો. એટલે કહું છું કે આપણી ગણતરીમાં કઈ ભુલ હોવી જોઈએ. વર્ગમાં ‘પળભરમાં જાણે સન્નાટો’ હવે આ ભોળી મિનલ ભોંઠી પડશે તેમ સૌને લાગ્યું. બધા જ વિદ્યાર્થીઓ હસવાની તૈયારીમાં હતા. પણ મિનલના આ ભોળપણે મને યુવાનોને માનવતાનો પાઠ ભણાવવાની તક આપી.

મેં કહ્યું : પ્રશ્નમાં તારી વાત સાચી અને મારી વાત પણ સાચી, ગર્ભધારણથી જન્મ સુધી આશરે નવ મહિના થાય. પણ સમાજમાં યુવકયુવતી ઘણી વાર ઉતાવળથી ખોટુ પગલું ભરી બેસે છે, ત્યારે એની ખબર પડતાં જ સમાજને, ધર્મને અને કાયદાને એ યુવક-યુવતીનાં ભાવી બાળકનું હિત ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લેવાનો હોય છે. કાયદાની દ્રષ્ટિએ લગ્ન પછી જ બાળકનો જન્મ થાય તો એ તેના માં-બાપનું સંતાન કહેવાય, માટે આવા સમયે જલદી તૈયારી કરીને, વહેલું મુહૂર્ત ગોઠવીને કેટલાંક લગ્ન કરે છે. અને લગ્ન પછી થોડા જ મહિનામાં એ બાળક જન્મે છે. એ આખી વાતનું સરળ રહસ્ય છે, અને તારા પ્રશ્નનો જવાબ પણ. ‘વર્ગમાં તો જાણે શાંતી ફેલાઈ ગઈ’ એટલામાં એક વિદ્યાર્થી ઉભો થયો અને પુછ્યું ? પ્રોફેસર, પણ આવા સમયે શું કરવું ? હવે હું માનવાના પાઠ તરફ વળી.

મેં કહ્યું : તમે બધાંએ એવા પ્રસંગો જોયા હશે, કદાચ પુરો ખ્યાલ આવ્યો ન હોય તો હવે આવશે કે એવા પ્રસંગો બને ત્યારે લોકો નિંદા કરે, કૂથલી કરે, કે ઊલટુ તે વખતે શાબાશી પણ આપે. તો સાચું વલણ શું હોવું જોઈએ ? બીજાઓમાં એવું જોઈએ ત્યારે તિરસ્કાર લાગે, પણ આપણા પોતાના ઘરમાં, કુટુંબમાં જો આવું બન્યુ હોય ત્યારે શરમ લાગે. બીજાએ એવું કર્યું હોય તો તેમાં છુપો રસ પડે, કુતૂહલ લાગે, પણ આપણા પોતાના ઘરમાં, કુટુંબમાં જો આવું બન્યુ હોય ત્યારે એની વાતો કરવાની કે તે સાંભળવાની વૃત્તી બિલકુલ રહેતી નથી. ઉલટુ તે વખતે બધા જ તે બનાવ જલ્દી ભુલી જાય તેવી તીવ્ર ઈચ્છા જાગે છે. સમાજમાં ઘણા ઘરમાં અમંગળ પ્રસંગો બનતા હોય જ છે, કદાચ તેનો પ્રકાર અલગ હશે, ચાહે તેનો પ્રકાર નાનો હોય કે મોટો આપણો કે બીજાનો, તેવાં સમયે ચાહે સમાજનો કોઈપણ વ્યક્તિ હોય, ત્યારે તે વ્યક્તિની ભુલ બદલ કઠોરતાથી કે નિર્દયતાથી તેની ટીકા કરવાને બદલે તેને સમજીને સહાનુભુતીથી સાંખી લેવું જોઈએ. આવા સમયે સમાજે તિરસ્કાર નહિ, મશ્કરી નહિ, કઠોરતા નહિ, પણ શરમને દુઃખ, સહાનુભુતીને દયા રાખવી એ જીવનનો સૌથી ઉત્તમ ગુણ છે, જીવનમાં સાચી પ્રૌઢતા છે. આજના આ પ્રસંગ બાદ હવે, તમે સાચી સંસારની દિક્ષા આજે પામ્યા, આજે તમે છોકરાંઓ મટી, ખરાં માણસો બન્યા છો.

ત્યારબાદ...,

મેં મિનલમાં આ પ્રશ્ન પુછવાં બદલ ખુબ-ખુબ આભાર માન્યો, તારા આ પ્રશ્ને મને જીવનના એક અગત્યના પાઠ વિશે ભણાવવાની તક આપી. વિદ્યાર્થીઓ એવું કહી શકાય કે જીવવિજ્ઞાનના પાઠ સાથે આજે આપણે માનવતાનો પાઠ પણ ભણ્યા. આ પ્રશ્ન યુનિવર્સિટિની પરીક્ષામાં નહિ પુછાય, પણ જીવનની પરીક્ષામાં જરૂર પુછાશે. છોકરાઓ આ પાઠ દરમ્યાન ગંભીર અને અંતર્મુખ હતાં, છોકરીઓની આંખો તો જાણે ચળકતી હતી. બસ લેક્ચર પુરો. હવે આગળ શું ?

મિનલ, કોલેજમાંથી છુટીને ઘરે જવા નિકળી, મનમાં જાણે મંથન ચાલ્યુ, પિતરાઈ બહેનની ભુલની જાણ થતાં જ તેને આઘાત લાગ્યો, દિલ ગુસ્સાથી ભરાઈ ગયું, ચહેરો લાલ-લાલ થઈ ગયો, બહેન માટે પળભર ધીક્કાર અને તિરસ્કારની લાગણી જાગી, તે પોતે કેટલી ભોળી હતી કે એનો વહેમ પણ આવ્યા વગર લગ્નોત્સવ આનંદ પૂર્વક માણ્યો હતો ! ઘરે જઈને જાણે બધાને અને પછી બહેનને પણ સંભળાવવાની અને ધડાકો મારવાની વૃત્તી જાગી, સહેલીઓને શું મોં લઈને હવે મળી શકાશે ? આબરૂ ગઈ તે પાછી આવવાની ? આવા અનેક પ્રશ્નો તેના મનમાં ઉદભવવા લાગ્યા, પણ થોડીવાર બાદ જાણે પ્રશ્નોનો વરસાદ થમી ગયો.

મિનલ સ્તબ્ધ, સ્થિર થવા લાગી, ધીરે-ધીરે તેના વિચારો પ્રોફેસરના માનવતાના કહેલા શબ્દો તરફ વળ્યા. પ્રોફેસરના શબ્દોની અસર મિનલ પર થવા લાગી, ગુસ્સો જાણે થમવા લાગ્યો, દુઃખની કળ વળવાં લાગી, બહેન તે બહેન તેવો અહેસાસ થવા લાગ્યો, મિનલ વિચારવાં લાગી કે જે થયું તે ખોટુ થયું અને ખોટુ છે અને એટલું ખોટુ છે કે હું પણ હવે ચેતી જઈશ. ભવિષ્યમાં આવી ભુલ હું નહિ કરૂ, આજે જીવનની જવાબદારી તેને નવી રીતે સમજાઈ ગઈ. થોડી વારમાં તો મિનલ જાણે બદલાઈ ગઈ, મિનલ હવે ઘરે ગઈ, પણ કશું જ બોલી નહિ, પણ સાંજે કશુંક બહાનુંકાઢી પોતાની પિતરાઈ બહેનને ત્યાં તેને મળવાં જરૂર ગઈ. બહેનને મળતાં જ, તેની તરફ જોતા જ જાણે ! આંખ અને અવાજમાં એવો પ્રેમ નિતરવા લાગ્યો કે બહેનને જોઈને નવાઈ લાગી, તે પળભરમાં બધુ જ સમજી ગઈ, છતા પણ બહેન તરત જ બોલી ઉઠી, અરે મિનલ આ શું ? તારી આંખમાં અને અવાજમાં આટલો ભાર કેમ છે ? પણ મિનલ તેના સવાલનો જવાબ આપી શકી નહિ, અને તેના બાબાને ‘ઊમળકા’થી વહાલ કરવા લાગી. બહેનને જોઈ ફરી નવાઈ લાગી અને પુછ્યું ? આજે તને શું થયું છે ? કોઈ દિવસ નહિ અને આજે આ બાબો તારો હોય તેમ કેમ રમાડે છે ? જોજે તે પડી ના જાય ? બહેનને ભાસ થવા લાગ્યો કે મિનલને હવે બધી જ વાતની ખબર પડી ગઈ છે. મિનલે પણ કોલેજમાં બનેલા પ્રસંગ વિશેની બધીજ વાત તેની બહેનને કરી, બહેન આ પ્રસંગ વિશેની બધી જ વાત જાણી સ્તબ્ધ, સ્થિર થઈ ગઈ ! થોડીવાર તો જાણે આભી બની ગઈ ! મિનલે તરત જ પોતાના આ ભોળપણ બદલ બહેન સામે માફી માંગી, અને પ્રોફેસરના માનવતાના પાઠ વિશેનો આખો પ્રસંગ પણ જણાવ્યો. પણ બહેનને તો એ વાતની ખુશી થઈ કે, મિનલ આજે સાચી સંસારની દિક્ષા પામી એક છોકરીમાંથી સ્ત્રી બની છે. આથી તેની પિતરાઈ બહેને પણ મને ધન્યવાદ કહ્યા.

અને હવે...

હું આ સમાચાર સાંભળતા જ કોલેજમાંથી રજા લઈ હોસ્પિટલ પહોંચી. મેં મિનલને માતા બનવા બદલ ખુબ-ખુબ અભિનંદન આપ્યા, પણ મિનલ મને જોતાની સાથે જ સ્થિર થઈ ગઈ, કશું જ બોલી ન શકી, મિનલની આંખો અને હૈયુ મને જોતાની સાથે જ ભરાઈ આવ્યા, મને જોઈ મિનલને કોલેજનો તે પ્રસંગ તાજો થયો, આજે પણ મિનલ કોલેજના તે પ્રસંગને હજી ભુલી નથી. તેવો મને તેના આંસુ જોઈને અહેસાસ થયો, થોડી વાર તો હોસ્પિટલમાં ‘પળભરમાં જાણે સન્નાટો’ થોડીવાર પછી..., ગદગદતાં સ્વરમાં મિનલે કહ્યું પ્રોફેસર આજે પણ કોલેજના તે પ્રસંગને હું ભુલી નથી, આજે પણ તે માનવતાનો પાઠ મને યાદ છે, તેથી જ મેં અને મારા પરિવારે મારા બાબાનું નામ ‘માનવ’ પાડવાનો નિર્ણય લીધો છે. મિનલની આ વાત સાંભળતાની સાથે જ હું તો જાણે વિચારમાં પડી ગઈ.

આજે ખરેખર મને તે વાતની ખબર પડી કે કોલેજમાં બનેલા તે પ્રસંગે મિનલને એક છોકરીમાંથી સ્ત્રી બનાવી દીધી. ખરેખર મિનલનાં પરિવારને મળી અહેસાસ થયો કે તે તેના પરિવાર જેટલી જ ભોળી અને નિખાલશ છે. કોલેજમાં બનેલો તે પ્રસંગ મારા અને મિનલના જીવનનો મહત્ત્વનો પ્રસંગ બની ગયો.

આથી જ કહેવાય છે કે દરેક માનવના જીવનમાં આવા કઈક પ્રસંગો જ માનવતાના પાઠ શીખવાડી જાય છે અને ખરેખર ‘માનવ’ બનાવી જાય છે.