Prerana Kathao 2 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Prerana Kathao 2

પ્રેરણા કથાઓ

(ભાગ-૨)

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧. આગમન

૨. પિયરિયાં

૩. સુજન

૪. નતમસ્તક્‌

૫. ‘મજલી આપા’

આગમન

- સોનલ ગોસલિયા

કહુ છું સાંભળો છો ? ગરમાગરમ ચા લાવો બોલતા શ્રીકાંતભાઈ લખવામાં મશગુલ થઈ ગયા.

લાઉં છું બાપા... તમનેય તે જપ નથી... ઘડીક આડી પડી ત્યાં ચાની બૂમ આવી ગઈ. બોલો આદુંવાળી કે મસાલાવાળી પૂછતા રાધાબહેને ખુલ્લા વાળનો ચોટલો ગૂંથવા લાગ્યા. આજે ફક્ત એલચીવાળી બનાવો...

‘‘કેમ ?’’ આજે કવિતા લખવા માગો છો... આ તે વળી કેવું ? વાર્તા લખે ત્યારે આદુવાળી, આર્ટિકલ વખતે મસાલા ચા અને કવિતા વખતે ઈલાયચીવાળી ? મને તમારી આ ફિલસોફી સમજાતી નથી કહી લમણાં દબાવતાં રાધાબહેન રસોડા તરફ ગયા.

ગરમાગરમ ચા પીતા શ્રીકાંતભાઈ હસતાં હસતાં પત્નીના કપાળ પરના સળ અને દિદાર જોતા રહ્યા. શું આમ આંખો ફાડી ફાડીને જોયા કરો છો ? તમારાં લખાણોને કવિતાઓએ શું ધબડકા ધોખ્યા ? લખી લખીને તંત્રીઓને મકલાવો છો પણ ક્યાંય તમારા લેખ છપાયા નથી. છોડી દો તો આ ગાંડપણ. તમારી પાછળ હું ય ગાંડી થઈ જઈશ... ચા બનાવી બનાવી ને...

એ મારી રાધારાણી તું નહિ સમજે. લખવાની એક અલગ મજા છે. આત્મસંતોષનો ભંડાર છે. હૈયાની વાત કાગળ પર ઉતારવામાં જે...

બસ હવે, રાધાબહેન એમને બોલતાં અટકાવી ગાજ્યા મને તમારા લખવામાં કે આવી નકામી કવિતાઓમાં કોઈ જ રસ નથી કહેતા રૂમનો દરવાજો બંધ કરી બહાર નીકળી ગયા.

શ્રીકાંતભાઈ કવિતા લખવા લાગ્યા.

આનંદની થીજેલી ક્ષણ, પીગળવા માંડે છે.

સમી સાંજનું સૌંદર્ય આથમવા માંડે છે.

અમીરસ છલકાવતી આંખ, ધૂંધળું દેખવા માંડે છે.

શબ્દોની અમીરી સંવેદના છલકાવે - ત્યારે -

શ્રોતા નિઃશબ્દ થઈ સાંભળવા માંડે છે.

લખતા લખતા શ્રીકાંતભાઈ વિચારમાં પડી ગયા. યોગ્ય શ્રોતાપાત્ર વિના શબ્દોનો અવતાર નકામો જાય છે. રાધાને મારી કવિતા લીટા ચીતરેલો નકામો કાગળ જેવી લાગે છે. એમણે રોજની જેમ કવિતા લખેલો કાગળ ડૂચો મારી કચરાપેટીમાં નાખી દીધો ને ગાર્ડનમાં ચાલવા નીકળી ગયા.

બીજે દિવસે સવારે ચા પીતાં રાધાબહેનનું ચઢેલું મોઢું જોઈ કારમ પૂછ્યું.

રાધાબહેન બોલ્યા આખો દિવસ તમે તમારા લખવામાં પડ્યા રહો. તમે ભલાને તમારી પેન ભલી... હું એકલતા અનુભવું છું... પ્રેમના શબ્દો જાણે તમારા શબ્દકોશમાંથી ગાયબ થઈ ચૂક્યા છે. રાધાબહેન ગળગળા થઈ ગયા...

નારે રાધારાણી એવું તો કાંઈ બને ? તમે મારા જીવ છો તો કલમ મારી તાકાત છે. તમે તો કામમાં મન પરોવી નાખો છો, હું શું કરું ? ઈશ્વરે આપણને નિઃસંતાન રાખ્યા છે, અધૂરામાં પૂરું બાયપાસ સર્જરી પછી નોકરી મૂકી દીધી છે. તમે જ કહો કામમાં ગળાડૂબ રહેનારો માણસ કેટલો આરામ કરી શકે ? શબ્દો સાથે રમવું મારી બાળપણની આદત છે. તમારી ‘ચા’થી લખવાનો એક અલગ નશો મળે છે કહેતા ચશ્મા કાઢી આંખો લુછતા શ્રીકાંતભાઈ પલંગ પર લાંબા થયા.

રાધાબહેન પણ તાકાતને સાચવવામાં ‘જીવ’ને ના ભૂલી જતા કહેતા ખડખડાટ હસવા લાગ્યા. બોલો આજે કઈ ચા બનાવું ?

આદુવાળી બંને હસી પડ્યાં...

દિવસો વીતતા ગયા. એક દિવસ રાધાબહેન બ્યૂટીપાર્લરમાં જઈ તરોતાજા થઈ આવ્યા. શું વાત છે રાધારાણી ? આજે રૂપ સોળે કળાયે ખીલ્યું છે ને ?

બસ હો... મશ્કરી ના કરો. સાંભળો આજે સાંજે મંજુની પાર્ટીમાં જવાનું છે. હું સિલ્કની સાડી પહેરીશ, તમે સૂટ પહેરજો.

આજે ? આજે મારે કવિ સંમેલનમાં જવાનું છે. મહાન કવિઓ સાથે રૂબરૂમાં ગોષ્ઠી કરવાનો મોકો ભાગ્યે જ મળે.

ના એટલે ના આજે તમારી કોઈ વાત નહિ માનું.

છેવટે અનેક દલીલો બાદ શ્રીકાંતભાઈએ સ્ત્રીહઠ આગળ હાર મનવી જ રહી. કોઈના સ્વભાવમાં પરિવર્તન લાવવું અત્યંત કપરું છે.

કમને સૂટ પહેરી, તૈયાર થઈ, લટકમટક ચાલતા રાધારાણીને ધૃણાભરી નજરે જોતા એક આજ્ઞાકારીક દૂતની જેમ ચાલવા લાગ્યા.

હોલ પાસે પહોંચ્યા પણ હોલનો દરવાજો બંધ જોતા શ્રીકાંતભાઈ બોલ્યા, રાધા હજુ તો કોઈ આવ્યું પણ નથી. આપણે આમ બહાર ઊભા રહીએ એ શોભાસ્પદ લાગે ?

રાધાબહેને દરવાજો આસ્તેથી ખખડાવ્યો. દરવાજો ખૂલતાં જે મ્યૂઝિક અને તાળીઓથી હોલ ગાજી ઉઠ્યો. વેલકમ, વેલકમ કહેતા શ્રીકાંતભાઈના સગા, સ્નેહી તથા મિત્રોએ એમને વધાવ્યા. આ બદું શું થઈ રહ્યું છે ? એ વિચારમાંથી બહાર આવે એ પહેલાં સામે એમના પ્રિય કવિ ‘અંશુમાન બિહારી’ને જોઈ સ્તબ્ધ થઈ ગયા. રાધાબહેને માઈક હાથમાં લીધું. આપ સૌનો સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. મારા પતિ ખૂબ સુંદર કવિતાઓ લખે, વાંચીને ફેંકી દે કચરાપેટીમાં, હું હંમેશાં એ કાગળો ભેગા કરીને ફાઈલ કરી રાખું. આમ અનેક સુંદર કવિતાઓ ભેગી કરી એને પુસ્તકરૂપે છપાવવાનો નિર્મય કર્યો સરપ્રાઈઝ આપવા. મેં તેમના લખાણની ટીકા પણ કરી એ બદલ ક્ષમા માંગું છું. આ પુસ્તકનું નામ આપ્યું છે ‘આગમન’, આગમન-અમારા સંતાનનું. આ નાનકડું પુસ્તક અમારા માટે અમારું બાળક જ છે. પાણીની જેમ વહેતા શબ્દો સાથે ઉછળતી લાગણીઓને કાવ્યનું સ્વરૂપ આપ્યું છે કેતા ખૂબ સુંદર કવર પેજવાળું પુસ્તક શ્રીકાંતભાઈને આપ્યું. શ્રીકાંતભાઈની આંખોમાં ઝળહળિયાં આવી ગયાં. પ્રેમાળ પત્નીનું મસ્તક ચૂમતા બોલ્યા...

સપનાઓને હકીકતમાં પરોવી લાવી છે.

કોણે કહ્યું કે હાથપગવાળા જ સંતાન હોય છે ?

અમે તો ‘કાગળો’ને સંતાનની પદવી આપી છે.

મારાં પ્રેમાળ પત્ની તથા સૌનો આભાર માનું એટલો ઓછો છે. મારી કળાનો આજે મને સાચો પુરસ્કાર મળ્યો છે. લોકલાડીલા શ્રી બિહારીજીના હસ્તે આ પુસ્તકનું વિમોચન થાય એ મારા માટે ગર્વની વાત છે. માનો તો અંધકારમાંય ઉજાસ છે. બાકી લાખો દીવડાઓ વચ્ચે અંતરમાં અંધારપટ હોય છે.

પિયરિયાં

- યશવંત ઠક્કર

‘મેહુલ, આજે તું ઑફિસેથી વહેલો આવી શકે ?’ સ્વાતિએ પૂછ્યું.

‘કેમ ?’

‘આજે રાત્રે આઠ વાગે ટાઉનહોલમાં કવિ સંમેલન છે. સારાસારા કવિઓ આવવાના છે. તું આવતો હોય તો જઈએ.’

દર વખતે કવિતા, નાટક કે સાહિત્યનું નામ પડે ને જે રીતે મેહુલને હસવું આવતું, એવું આ વખતે પણ આવ્યું. એ બોલ્યો : ‘કવિઓ સાલા કલ્પનાની દુનિયામાંથી બહાર નથી આવતા. એમને બીજો કામધંધો નહિ હોય.’

‘મેહુલ ન જવું હોય તો મને વાંધો નથી. પણ આમ કોઈને ઉતારી પાડવું એ ઠીક નથી.’

‘લે, તું તો નારાજ થઈ ગઈ. મેં જાણે તારાં પિયરિયાંને ઉતારી પાડ્યાં હોય એવી વાત કરે છે.’

સ્વાતિ ચૂપ થઈ ગઈ. પરંતુ, મનોમન મેહુલને સવાલો કર્યા વગર ન રહી શકી, ‘મેહુલ, આ મારાં પિયરિયાંને ઉતારી પાડવા જેવું નથી ? પિયરિયાં એટલે શું માત્ર મારાં માતાપિતા, ભાઈબહેન કે કાકાકાકી, મામામામી વગેરે જ ? લગ્ન પહેલાંની મારી આદતો, મારી મનગમતી પ્રવૃત્તિઓ, મારા રસના વિષયો... એ બધાં મારાં પિયરિયાં નહિ ? જે કવિઓની કવિતાઓએ મને પ્રેમ કરતાં શીખવ્યું, સપનાં જોતાં શીખવ્યું, એકલાં એકલાં મરકતાં શીખવ્યું, એકલાં એકલાં રડતાં શીખવ્યું... એ કવિઓ મારાં પિયરિયાં નહિ ? આજે હું જે કાંઈ છું, જેવી છું... એમાં મારા માતાપિતા, મારા શિક્ષકોની સાથેસાથે આ કવિઓનો પણ ફાળો છે એ હું તને કેમ સમજાવું ? તારી પાસે એ સમજવા લાયક દિલ જ નથી તો !’

...સ્વાતિ મેહુલ માટે ટિફિન તૈયાર કરવાના કામે લાગી. મેહુલ ઑફિસે જવાની તૈયારીમાં લાગ્યો. પરંતુ, વાતાવરણ ઉદાસીના ઘેરા રંગે રંગાઈ ગયું હતું.

ઑફિસે જતી વખતે મેહુલે વાતાવરણને હળવા બનાવવાના ઈરાદે કહ્યું, ‘સૉરી સ્વાતિ, તું જાણે છે ને કે હું પહેલેથી જ પ્રેક્ટિકલ છું. મને હવે આવા કલ્પનાના ઘોડા દોડાવવા ગમતા નથી. કામ બહુ રહે છે. જવાબદારીઓ પણ બહુ છે. આપણે અંશના ભવિષ્યનો પણ વિચાર કરવો પડે. એને હજુ વધારે સારી હોસ્ટેલમાં મૂકવો છે. વધારે ભણાવીને વિદેશ મોકલવો છે...’

સ્વાતિનું મૌન તૂટ્યું નહિ.

મેહુલે વાતાવરણને હળવું બનાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. ‘સ્વાતિ, જો તને કવિતા, નાટક, વાર્તા એ બધાંનો શોખ છે તો ટીવીમાં બધું આવે જ છેને ? હવે તો નેટ પર પણ બધું જ મળી જાય છે.’

‘મેહુલ, નેટ પર તો રોટીશાક પણ હોય છે પણ એનાથી પેટ નથી ભરાતું. આપણે એ બનાવવાં પડે છેને ? ટીવીમાં લીલાંછમ ઝાડ પણ હોય છે પણ એનો છાંયડો આપણને લાગતો નથી. ટીવીનો વરસાદ આપણને ભીંજવતો નથી. પણ વાંધો નહિ. આ કાંઈ બહુ મોટી વાત નથી. ન જઈએ તો ચાલે. આપણી જવાબદારી પહેલાં.’

સ્વાતિએ હસવાનો પ્રયાસ કર્યો. પરંતુ એની ભીની થયેલી આંખો મેહુલથી છાની ન રહી.

‘તને ખુશ રાખવા માટે તો ઊંધું ઘાલીને મહેનત કરું છું તોય તારી આંખોમાં આંસુ ! તને શું જોઈએ છે એ જ મને નથી સમજાતું.’ મેહુલનો અવાજ જરા મોટો થઈ ગયો.

‘મને મારો ખોવાયેલો મેહુલ જોઈએ છે. જે નાની નાની વાતોથી પણ ખુશ થતો હતો.’ સ્વાતિ માંડ માંડ બોલી શકી.

‘નાની નાની વાતો !’ મેહુલ મજાકભર્યું હસ્યો અને ઑફિસે જવા નીકળી ગયો.

એકલી પડેલી સ્વાતી મન મૂકીને રડી. એને લાગ્યું કે, ‘જિંદગી હવે જીવાતી નથી, રોજે રોજ કોપી-પેસ્ટ થતી હોય એવું લાગે છે. એમાં હવે કશું જ નવું નહિ બને. કવિતા, નાટક, સંગીત, પ્રવાસ... એ બધાં વગર જિંદગી અટકી નથી જતી. પરંતુ, એ બધાંને લીધે જિંદગીને ગતિ પણ મળે છે. પણ મેહુલ પાસે આ બધું સમજવા માટે સમય જ નથી. કદાચ, એની જિંદગી ઝડપથી ભાગતી ટ્રેન જેવી છે અને મારી જિંદગી યાર્ડમાં પહેલા ડબ્બા જેવી !’

એ પલંગમાં પડી પડી વિચારતી રહી... એની આંખો ઘેરાતી ગઈ...

...મોબાઈલમાં રિંગ વાગી ત્યારે એની આંખો ખૂલી. મેહુલનો ફોન હતો. ‘હલો, સ્વાતિ, શું કરે છે ?’

‘હમણાં જ ઊઠી.’

‘કહું છું કે રિક્ષા કરીને છ વાગે તું સિટીમાં આવી જજે. હું લેવા આવીશ તો મોડું થશે. આપણે લક્ષ્મી હોલ પાસે ભેગા થઈશું.’

‘પણ કેમ ? કશું ખરીદવાનું છે ? મારી પાસે ઘણાં કપડાં છે. હવે...’

‘હું ભેગાં થવાની વાત કરું છું. ખરીદી કરવાની નહિ. હું મૂકું છું. કામમાં છું. આવવાનું ભૂલતી નહિ.’

‘ભલે.’ સ્વાતિએ જવાબ આપ્યો. આપવો પડ્યો.

‘હવે મને મનાવવાના ઈરાદે એકાદ નવી સાડી કે ડ્રેસ અપાવવાની વાત કરશે. પણ એનો શો અર્થ છે ! નાની નાની ખુશીઓમાં એને રસ નથી. એની ગણતરીની રીત જ જુદી છે. પણ આજે તો ના જ પાડી દઈશ. મારે કપડાં કે ઘરેણાં ભેગાં નથી કરવાં.’ સ્વાતિને વિચાર આવ્યો.

...એ લક્ષ્મી હૉલ પાસે પહોંચી ત્યારે મેહુલ બાઈક પાર્ક કરીને એની રાહ જોતો ઊભો હતો.

‘મેહુલ, કશી ખરીદી કરવાની છે ?’ સ્વાતિએ સાડીની દુકાન તરફ નજર કરતાં બોલી...

‘હા’

‘શું ખરીદવાનું છે ?’

‘આ...’ ફૂટપાથ પર બેસીને એક બાઈ માથામાં નાખવાનાં બોરિયાં વેચી રહી હતી, મેહુલે એ તરફ હાથ કર્યો.

‘ઓહ ! એની તો મારે ખરેખર જરૂર છે.’ સ્વાતિએ જાણે કે દોટ મૂકી. એ બોરિયાં પસંદ કરવામાં મશગૂલ થઈ ગઈ.

મેહુલ સ્વાતિને ઉકેલતો હોય એમ એને જોઈ રહ્યો.

‘દસ રૂપિયા આપને.’ સ્વાતિ મેહુલ તરફ જોઈને બોલી.

‘ક્રેડિટ કાર્ડ નહિ ચાલે ?’ મેહુલે મજાકમાં પૂછ્યું. સ્વાતિને મેહુલ દ્વારા બહુ વખતે થયેલી મજાક ગમી.

બોરિયાં ખરીદ્યાં પછી મેહુલે સ્વાતિને કપડાંની ખરીદી કરવાની વાત કહી. પરંતુ, સ્વાતિએ ના પાડી.

‘તો ચાલો બજારમાં એકાદ લટાર મારીએ. કદાચ બોરિયાં જેવું સસ્તું બીજું કશું મળી જાય.’ મેહુલે ફરી મજાક કરી.

સ્વાતિને પંદરેક વર્ષો પહેલાંના એ દિવસો યાદ આવી ગયા કે જે દિવસોમાં મેહુલની આવક ઓછી હતી એટલે ખરીદી માટે આ બજારમાં જ આવવું પડતું હતું.

બજાર આજે પણ ચીજોથી અને માણસોથી ઉભરાતું હતું. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, કપડાં, ચંપલ, શણગારની ચીજો, કપ-રકાબી, રમકડાં વગેરેની ખરીદી માટે બજારનો હિસ્સો બન્યા હતા. તેઓ ભાવ ઓછા કરવા માટે વેપારીઓ સાથે રકઝક કરી રહ્યા હતા. ફેરિયાઓ અને વેપારીઓની બૂમો, પપૂડાં અને સીસોટીઓનું સંગીત, હોર્નનો અવાજ, મોટેથી વાગતાં ગીતો... આ બધું જ બજારના વાતાવરણમાં એ રીતે ભળી જતું હતું કે જે રીતે કોઈ ગીતકારના ગીતમાં સંગીત ભળી જતું હોય.

રોજિંદા નિર્જીવ વાતાવરણના બદલે આવું જીવંત વાતાવરણ જોઈને સ્વાતિને કોઈ જુનું સગું મળ્યા જેટલો આનંદ થયો. ગ્રાહકોની આંખોમાંથી ડોકિયાં કરતાં આશા, ઉમંગ, લાચારી વગેરે વિવિધ પ્રકારના ભાવ એને ઓળખીતા લાગ્યા.

બંને જણાં કપડાંની એક લારીથી થોડે દૂર ઊભાં રહી ગયાં. ગામડેથી આવી હોય એવી એક બાઈ પોતાના બાળકને માટે એ લારીવાળા પાસેથી કપડાં ખરીદી રહી હતી. એણે બાલકને માપનાં કપડાં પહેલાવ્યાં હતાં. બાળક પણ નવાં કપડાં પહેરીને રાજી રાજી થઈ ગયો હતો. હવે માત્ર પૈસા જ ચૂકવવાના બાકી હતા એટલે એ બાઈ ભાવ માટે વેપારી સાથે રકઝક કરી રહી હતી.

‘મેહુલ., તને યાદ છે ?’ અંશનો પહેલો જન્મદિવસ હતો ત્યારે આપણે આ બજારમાં એને માટે કપડાં લેવા આવ્યાં હતાં.’ સ્વાતિએ બાળક તરફ પ્રેમભરી નજર નાખતાં પૂછ્યું.

‘હા, ત્યારે આપણી પણ મજબૂરી હતી. આવક ઓછી હતીને.?’

‘આવક ઓછી હતી પણ નાની નાની ખુશીઓથી જિંદગી કેવી છલકાતી હતી ! હું પણ આ બાઈની જેમ જ વેપારીઓ સાથે રકઝક કરતી હતી અને કિંમત ઓછી કરાવીને ખુશ થતી હતી.’

પરંતુ, એ બાઈ અને એના બાળકના નસીબમાં જાણે આજે એવી ખુશી નહોતી. બહુ રકઝકના અંતે લારીવાળા વેપારીએ જે છેલ્લો ભાવ કહ્યો હતો એ ભાવ પણ બાઈને પોસાતો નહોતો. એની પાસે વીસ રૂપિયા ઓછા હતા. વીસ રૂપિયા ઓછા લઈને કપડાં આપવા માટે એ એ કરગરી તો વેપારીએ પણ પોતાની મજબૂરી દર્શાવી, ‘બહેન, આનાંથી એક રૂપિયો પણ ઓછો નહિ થાય. મારી ઘેર પણ મારો પરિવાર છે. મારે એનું પણ જોવાનુંને ?’

છેવટે એ બાઈ પાસે, બાળકના શરીર પરથી કપડાં ઉતારીને વેપારીને પાછાં આપવાનો એક જ ઉપાય બાકી રહ્યો હતો. એ એવું કરવા ગઈ ત્યાં તો બાળકે રિસાઈને પોક મૂકી. જોતજોતામાં તો બાળકની આંખોમાંથી આંસુના રેલા દદડ્યા. એ કાલીઘેલી ભાષામાં દલીલ કરવા લાગ્યો કે, ‘મા, તું મને નવાં કપડાં અપાવવા તો અહિ લાવી છે, તો પછી કેમ નથી લઈ આપતી ?’ બાઈ એને સમજાવવા લાગી, ‘દીકરા, માની જા. આ કપડાં સારાં નથી. તને આનાથી પણ સારાં કપડાં લઈ દઈશ.’ પરંતુ, બાળહઠ હાર માનતી નહોતી. બાઈ પોતે જાણે ધર્મસંકટમાં મુકાઈ ગઈ હતી. એ બાળકના શરીર પરથી કપડાં ઉતારવા મથતી હતી અને બાળક પોતાનામાં હોય એટલી તાકાતથી કપડાંને પકડી રાખતો હતો.

સ્વાતિની સાથેસાથે આ દૃશ્ય જોઈ રહેલો મેહુલ એકદમ જ લારીવાળા વેપારી પાસે પહોંચ્યો. એણે વેપારીને પોલી બાઈ ન સાંભળે એટલા ધીરા અવાજે પૂછ્યું, ‘કેટલા ખૂટે છે ?’

‘વીસ રૂપિયા. સાહેબ, મારાથી થાય એટલા ઓછા કર્યા. હવે ઓછા થાય એમ નથી.’

‘તમે એને કપડાં આપી દો. એ જાય પછી વીસ રૂપિયા હું આપું છું. એને કહેતા નહિ કે બાકીના પૈસા હું આપું છું. એને ખરાબ લાગશે.’ મેહુલ ધીમેથી બોલીને સ્વાતિ પાસે પાછો આતવો રહ્યો.

‘રહેવા દો. ભલે પહેર્યાં.’ વેપારીએ બાઈને કહ્યું, ‘લાવો વીસ રૂપિયા ઓછા હશે તો ચાલશે.’

...બાઈ વેપારીને આશીર્વાદ આપતી આપતી અને બાળકના ગાલ પથી આંસુ લૂછતી લૂછતી ગઈ. બાળકે પણ પાછું જોઈ જોઈને વેપારી સામે આભારી નજર નાખી.

એ બાઈ અને બાળક દૂર ગયાં એટલે મેહુલે વેપારીને વીસ રૂપિયા ચકવી દીધા.

‘આજે મને મારો ખોવાયેલો મેહુલ પાછો મળ્યો છે.’ ખૂશ થયેલી સ્વાતિ બોલી.

‘સ્વાતી, આજે આખો દિવસ ઑફિસમાં એ ખોવાયેલા મેહુલને શોધવા સિવાય મેં બીજું કશું કામ કર્યું નથી. ચાર વાગ્યે એ મને મળ્યોને મેં તરત તને ફોન કર્યો.’ મેહુલે પૂરી ગંભીરતા સાથે કહ્યું.

સ્વાતિએ મેહુલનો હાથ પકડી લીધો. ‘ચાલ, હવે મારે કશું ન જોઈએ. જે જોઈતું હતું એ મળી ગયું.’

‘અરે ! અહી સુધી આવ્યાં છીએ ને રાજસ્થાની કચોરી ખાધા વગર જઈશું ?’

...રાજસ્થાની કચોરી ખાધાં પછી એમણે એ હોટેલમાં આઈસ્ક્રીમ ખાધો કે હોટેલમાં એમણે અંશને પહેલી વખત આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો.

બજારમાં લટાર મારીને બંને, જ્યાં મેહુલે બાઈક પાર્ક કર્યું હતું ત્યાં આવ્યા.

સ્વાતિને બાઈક પર પાછળ બેસાડીને મેહુલે બાઈક દોડાવી. એને ઘર તરફનો રસ્તો ન લીધો એટલે સ્વાતિથી પૂછાઈ ગયું, ‘કેમ આ તરફ ? ઘેર નથી જવું ?’

‘ના, હજુ એક ઠેકાણે જવાનું બાકી છે.’ મેહુલે જવાબ આપ્યો.

‘ક્યાં ?’

‘નજક જ છે.’

મેહુલ ક્યાં લઈ જાય છે. એ વિષે સ્વાતિ વધારે ધારણાં બાંધે એ પહેલાં તો મેહુલે બાઈક ઊભું રાખી દીધું.

‘અહી જવાનું છે.’ એણે આંગળી દર્શાવતાં કહ્યું.

કવિતા પ્રેમીઓને આવકારતું ટાઉનહૉલ સ્વાતિને પોતાનાં કોઈ પિયરીયાં જેવું લાગ્યું.

સુજન

ચેતન શુક્લ

‘સુજન તારે આ ફોર્મ ભરવાનું છે કે નહિ ?’ શાંતિલાલે ચા પીતા પીતા દીકરાને બુમ પાડી પૂછ્યું.

‘પણ પપ્પા પ્રીત શું ખોટી છે ? મને તો એ જ પસંદ છે.’ સુજને સોફા પર બેસતા જવાબ આપ્યો.

‘પ્રીત સારી જ છોકરી છ પણ બેટા નાત બહાર કરવું મને પસંદ નથી.’

‘પપ્પા એ લોકો વૈષ્ણવ હોવા છતાં એમને વાંધો નથી તો આપણને તો શું કામ હોય ?’

‘રવિવારની સવારમાં પાછા ઝઘડીના પડતા પાછા બાપ-દીકરો’ સીમા અંદરથી બોલતા બોલતા આવી.

‘તું જ તારા દીકરાને સમજાવ સીમા આટલા મોટા દીકરાને હવે શું સમજાવવાનો હોય. એને ખબર નથી કે સવર્ણો આપણી સાથે વ્યવહાર રાખવા માંગતા જ નથી. અને જો તું બાંધીશ તો એ લોકો તને જમાઈ તરીકે માન પણ નહિ આપે. એક કામ કર સીમા તું જ એને વાત કરને મારા ઓફીસના અનુભવની ત્યાં સુધી હું નહાઈને આવું.’

શાંતિલાલ ઉભા થઈ અંદર ગયા. પ્રશ્નાર્થ ચિન્હોના ભાવો ઉપસાવી સુજને મમ્મી સામે જોયું. (...???)

સીમાએ વાત માંડી. ‘બેટા તારા પપ્પાની ઓફિસમાં પાંચેક વરસ પહેલા એક ઓફિસર બદલી પામીને આવ્યા અને બદા કે.ડી તરીકે ઓળખતા હકીકતમાં કે.ડી એટલે કે.ડી.શાહ તારા પપ્પા અને એ બંને લગભગ સાથે જ નોકરીમાં જોડાયા હતા પણ પપ્પા અનામતની જોગવાઈને કારણે બઢતી પામી મેનેજર બન્યા અને કે.ડી ઓફિસર હતા. એ આવ્યા ત્યારથી એ બે વચ્ચે કામની બાબતે થોડી ખેચતાણ ચાલતી હતી. તેવામાં એકાએક તેઓ રજા ઉપર ઉતરી ગયા. તપાસ કરતા ક્લાર્ક દ્વારા જાણવા મળ્યું કે, તેઓ ક્યાંક બહારગામ જવાના હતા પણ હું શાંતિલાલ જોડે શું કામ રજા લેવા જઉં ? એવું કે’તા હતા. એક અઠવાડિયું થવા છતાં તેમનો કોઈ રજા બાબતે રીપોર્ટ મોકલાવ્યો નહિ. તારા પપ્પાને એમ કે કાયદેસર નોટીસ મોકલવા કરતા એક વખત રૂબરૂ તપાસ કરાવી સારી. એટલે પેલા ક્લાર્કને એમણે ત્યાં મોકલ્યો કે, જા તું કે.ડીને ત્યાં જઈને તપાસ કરી આવ કે’જે કે સાહેબને નાછૂટકે નોટીસ મોકલાવી પડશે. બીજે દિવસે ક્લાર્કે આવીને કીધું કે સાહેબ એમના ઘરે તો એ હાજર નો’તા અને બાજુવાળા એ કીધું કે એ લોકો તો બહારગામ ગયા છે... મેં નોતું કીધું એમણે જરાય એમ ના થ્યું કે ઓફિસમાં તો રજા માટે રિપોર્ટ આપવો જ પડે... પછી એમણે નોટીસ મોકલાવી... બે નોટીસનો કોઈ જવાબ ના મલ્યો એટલે ઓફિસમાંથી પાણીચું આપવામાં આવ્યું. થોડા દિવસ પછી એમની છોકરી ઓફિસમાં આવીને તારા પપ્પાને ઘણું બદું ના બોલવાનું બોલીને ગઈ કે, મારા પપ્પા તો બીમાર હતા... વિગેરે વિગેરે...

પછી ખબર પડી કે બહાર ક્લાર્ક જે તેમના ઘેર મળવા ગયો’તો એને તારા પપ્પા અને આપણી જાત નીચી છે એના સંદર્ભે ઘણું બધું બોલીને ગઈ’તી. એ પછી તારા પપ્પા થોડાક દિવસ સુન્ન રહેવા લાગ્યા. આ તો પેલો ક્લાર્ક ઘેર આવ્યો ત્યારે મને ખબર પડી નહિ તો તને ખબર છે ને કે તારા પપ્પા ઓફિસની ક્યાં કોઈ વાત ક્યારેય ઘરે કરે જ છે.

‘હા મમ્મી એ વાત તો સાચી એ મનેય છેલ્લા બે વરસથી હું આટલું સારું કમાઉ છું તો પણ મને ક્યાં ક્યારેય મારી જોબ વિષે ક્યારેય પૂછે છે.’ સુજન મમ્મીનો હાથ પકડીને બોલ્યો.

એટલે જ મેં સરકારી નોકરી આસાનીથી મળતી હોવા છતાં પ્રાઈવેટમાં

ઓફર સ્વીકારી. અને હા મમ્મી પણ સાચું કહું તો મને તો ક્યાય ભણતર કે નોકરીમાં આવો કોઈ આછો બનાવ થયો હોય એવું પણ યાદ નથી અને આપણું આટલું આધુનિક ઘર, આધુનિક વિચારો પપ્પાનું સમાજમાં આટલું માન આ બધું પુરતું છે આપણા જીવન માટે. કોઈ એક બનાવને લઈને પપ્પા આટલા બધા મારા જીવનસાથીની પસંદગી બાબતે ક્રૂર તો ના જ થઈ શકે.

‘પણ સુજન તને તો ખબર જ છે એમનો સ્વભાવ એક વખત ના થઈ એની હા ન થાય’ સીમા એ ઉભરો ઠાલવ્યો જાણે.

‘મમ્મી હું તેના મમ્મી અને પપ્પા બંનેને ઓળખું છું બલ્કે એમ કહી શકું કે એ લોકો તો મને એમના ઘરનો સભ્ય જ ગણે છે.’

‘મને ખબર છે આજે રવિવાર પણ એને જ નામ હશે પણ બેટા આ ફોર્મ તો ભરી કાઢ ...પસંદગી ક્યાં તારે અત્યારે કરવાની છે.’

‘સારું હવે પાછી ઈમોશનલ ના થઈશ મને ફોર્મ ભરવામાં વાંધો નથી...ઓકે’ મમ્મીના ગાલે ટપલી મારી સુજન બોલ્યો.

ન્હાતા પેહાલ પ્રીતને ફોન કરીને એણે કલાક પછી સાગર-મોલમાં મળવાનું નક્કી કરી લીધું, પછી ફટાફટ ફોર્મ ભરીને એના બેટરૂમમાં ઉપડ્યો.

ઉચ્ચ શ્રેણીનું ડીઓ છાંટીને સુજન મમ્મી-પપ્પાને બાય કહી અડધો કલાકમાં તો ઘરની બહાર નીકળી પડ્યો. સાગર-મોલમાં રવિવારને કારણે ઠીકઠીક ભીડ હતી. આસમાની ડ્રેસમાં શોભતી પ્રીત તેમની કાયમી નક્કી જગ્યાએ આવી ગયેલી જોઈને સુજન મનમાં મલકાયો. આંખ મીચકારી ઈશારો કરીને ગાડી પાર્કિંગ બાજુ લઈ ગયો.

સાગર મોલના બહુ જાણીતા ‘શામે-કોફી’ના ટેબલ પર ભરબપોરે બંને સામસામે બેઠા, અને કોફી વિથ આઈસ-ક્રીમનો ઓર્ડર આપ્યો. પ્રીતને એના પપ્પાની ખબર પૂછી સવારની મમ્મીએ કીધેલી બધી વાત કરી. વાત જેમ પૂર્ણતા બાજુ ધકેલાતી જતી તેમ પ્રીતના ચહેરા પરની રેખાઓ તંગ બનતી ગઈ. ચિલ્ડ કાફેમાં એના કપાળે પરસેવો હાજરી પુરાવા આવી ગયેલો જોઈ સુજનના મુખ પર અકળ ભાવ દેખાવા માંડ્યો.

‘શું થયું પ્રીત મારી વાત સાંભળી તું કેમ ટેન્શનમાં આવી ગઈ ? હું ખાલી ફોર્મ ભરીને આવ્યો છું, એ પણ તેમનું માન રાખવા’ ચિંતિત સુજને પ્રીતના હાથ પર પોતાનો હાથ મુકીને પૂછ્યું.

‘એક કામ કર સુજન ચાલ ઘરે જઈએ’ આમ બોલતા જ પ્રીત કોતરણી વળી ખુરશીમાંથી ઉભી થઈ ગઈ.

‘સુજન તરત ઉભો થઈ બોલ્યો. શું થયું આમ અચાનક તને ?’

કાઉન્ટર પર ફટાફટ પૈસા ચૂકવી સુજન બહાર દોડ્યો અને પ્રીતનો હાથ પકડીને પૂછ્યું. ‘અરે આમ અચાનક શું થયું કહે તો ખરી.’

‘હવે મને બહુ પૂછીશ નહિ આપણે મારા ઘરે જઈને વાત કરીએ.’ આમ બોલી પ્રીત કારમાં ગોઠવાઈ ગઈ.

આખે રસ્તે પ્રીત સુનમુન બની બેસી રહી, રવિવારના ટ્રાફિકમાં એક-બે વખત માંડ સુજન પ્રીતની સામું જોઈ શક્યો હતો. પ્રીત વિચારતી રહી કે છેલ્લા દોઢ વરસથી જે રીતે સુજન મારા ઘરનો ભાર પોતાના માથે લઈને ફરે છે એને તેને કારણે તો મારા પપ્પા આજે પક્ષઘાતના હુમલામાંથી લગભગ બહાર આવી ચુકેલા છે તે સુજન પર ગુસ્સો કરવાનું તો કોઈ કારણ જ નથી. પણ ઓફિસમાં જેમતેમ બોલવાવાળી છોકરી હું જ છું, એવું જાણ્યા પછી સુજનના રીએક્શન શું હશે તેની ચિંતા થઈ ગઈ. પણ હું તેમને તો મારા પપ્પાના બીમારી વિષે કહેવા ગઈ પણ પેલા ક્લાર્ક વર્માજી જે રીતે તેમના તરફથી ધમકી આપી ગયા હતા કે સાહેબ તમારા પર એટ્રોસીટીનો કેસ કરવાના છે એટલે જ મળવા ગઈ હતી પણ બે કલાક સુધી બેસાડી રાખીને વર્માજીએ કહી દીધું કે સાહેબ તમને આજે નહિ મળી શકે એટલે ગુસ્સો તો આવે જને...એકાએક કારના સ્પીડી ટર્નથી વિચારોમાંથી એ સફાળી જાગી ગઈ.

‘આવ સુજન આવ’ અંદર રસોડામાંથી જ મમ્મીએ બુમ પાડી. પપ્પાના ચહેરા પર પણ અમને બંને ને જોતા કૈક ચમક આવી હોય તેવું લાગ્યું.

લગભગ એક કલાક પ્રીત તેના પપ્પા અને સુજન વચ્ચે સવારથી ચાલેલો ઘટનાક્રમ વિષે ચર્ચા થઈ. એમાંથી સરળતાથી તારણ પણ બહાર આવી ગયા.

પ્રીતના ચહેરા પર ટાઢક દેખાતી હતી તે પ્રેમથી વિદાય લઈ એક નવા જ અહેસાસ સાથે ઘેર પહોંચ્યો. ઘેર પહોંચી સુજન સીધો પપ્પાના બેડરૂમમાં પહોંચ્યો.

પગ ઉપર પગ ચઢાવીને ધાર્મિક પુસ્તક વાંચતા શાંતિલાલના ચહેરા પર નામ પ્રમાણે શાંતિ છલકતી હતી. સુજનને અંદર આવતો જોઈ એ બોલ્યા ‘શું વાત છે આ પહેલો રવિવાર છે જેમાં તું આ ટાઈમે ઘેર...?’ પેલી પ્રીતને ના પાડીને આવ્યો લાગે છે.’

અણધાર્યા પ્રશ્નથી ડઘાઈને સુજન બોલ્યો. ‘એ હું તમને બધી વાત કરું પણ પપ્પા પહેલા તમે મને એમ કહો કે તમારા ઓફીસના પેલા ક્લાર્ક વર્મા વિષે તમારો એકદમ એટલે એકદમ તટસ્થ અભિપ્રાય શું ?’

શાંતિલાલ પણ પ્રશ્નથી ડઘાઈ ગયા પણ તરત જ બોલ્યા ‘એક લીટીમાં કહું તો મહા ઘંટ અને લાલચુ- પણ મારો સ્વભાવ જાણતો હોવાથી તે એકદમ ચેતીને ચાલતો, અને પેલા કે.ડીના જવાથી તેને એનો પોર્ટફોલિયો વધારાના ચાર્જ તરીકે મળ્યો. એટલે ખુશ થઈ સીધી લીટી જેવો થઈ ગયો’તો.’

સુજનની આંખમાં એક વિચિત્ર લાગણી ઉભરી આવી પછી તે ધીરે રહીને બોલ્યો... ‘પપ્પા હું તમને નાનપણથી જાણું છું કે, તમારા પર નિષ્ઠાની બાબતે કોઈ આંગળી ના ચીંધી શકે. પણ પપ્પા સાચું કહું તો તમી જીંદગીમાં એક મોટી ભૂલ કરી બેઠા, અને એ પણ ફક્ત એ લાલચુ વર્માના કહેવાથી. વર્મા ઓફિસમાં વરસોથી ઉચાપત કરતો હતો જે કે.ડી.શાહના જાણમાં હતું અને ખેડાથી બદલી થઈને આવતા તેણે જાણી જોઈને ઓફિસમાં કે.ડી અને તમારી વચ્ચે ઊંડી ખાઈનું નિર્માણ કર્યું હતું.’

એકદમ ધુંઆપુઆ થઈને શાંતિલાલ તાડૂક્યા. ‘આ શું વાત કરે છે તું શું બોલે છે તેનું ભાન છે તને.’ સુજન શાંતિથી બોલ્યો ‘મમ્મી પાણીનો જગ લઈ આવ અને પપ્પા શાંતિ રાખો’ ...વીસેક સેકન્ડની નિરવતા પછી એ ફરી બોલ્યો ‘‘પપ્પા તમને ખબર છે ખરી કે રજા પર ઉતર્યાના બીજા જ દિવસથી કેડીને પેરાલીસીસ થયો તો અને એ ત્રણ વરસ સુધી એજ સ્થિતિમાં રહ્યા ?’’

શાંતિલાલ બોલ્યા. ‘તું કોની વાત કરે છે ? એ કે.ડી તો વૈશ્નોદેવી બાજુ ફરવા ગયો હતો અને એ પણ એક મહિના માટે.’

‘ના પપ્પા એ તમને મેસેજ ખોટા આપવામાં આવ્યા હતા...!!! હકીકતે અચાનક મોટાભાઈની માંદગીની વાત જાણી રાતોરાત ખબર કાઢવા નીકળેલા એ કે.ડીને રસ્તામાં જ મેસીવ એટેક આવ્યો અને પેરાલીસીસના ભોગ બન્યા...ત્રણ મહીને તો તેઓ અમદાવાદ પરત આવ્યા હતા. પેલો વર્મા એ પછી બે વખત એમની ઘેર આવીને કહી ગયો કે તમે એટ્રોસીટીનો કેસ કરવા માંગો છો. એનાથી બચવું હોય તો રાજીનામું મોકલાવી દો. આમેય પથારીવશ કે.ડી તો કોઈ જવાબ આપવાની કે કામ કરી શકવાની તબિયત ધરાવતા જ ન હતા. અને એ વર્માએ તમને શું કીધું કે પાણીચું પકડાવી દીધું.’

ત્યાં જ ડોરબેલ વાગી સીમાએ બારણું ખોલ્યું તો બહાર પ્રીત તેની મમ્મી અને વ્હીલચેરમાં બેઠેલા પપ્પા હતા. સુજન અને તેના પપ્પા પણ તરત બહાર આવ્યા.

સુજન બોલ્યો ‘અરે અંકલ તમે અહી આવવાની તસ્દી કેમ લીધી.’

ત્રુટક સ્વરે કે.ડી બોલ્યા ‘છોકરી વાળાએ માંગું નાખવા તો આવવું જ પડે ને.’

જિંદગીમાં જે કડવાશ સાથે જીવતા એ બધી જ બાબતો જાણે ઓગળીને આખા ઘરમાં મોગરાના ફૂલની જેમ મહેકી ઉઠી.

નતમસ્તક્‌

- રઝિયા મિર્ઝા

મમ્મીને ‘કેન્સર’ હોઈ તેમને ‘રેડિએશન’ અપાવવા મારે વડોદરા એસ.એસ.જી.હોસ્પીટલમાં વારે ઘડીએ જવાનું થતું. શરીરના જુદા જુદા અવયવોના કેન્સરથી પીડાતા લોકોના સંપર્કમાં આવવાનું થતું. ‘કેન્સર’ જેવી જીવલેણ બિમારીથી તડપતા દર્દીઓ તથા તેમના મૃત્યુના દિવસોને પાછા ઠેલવવાંનો પ્રયત્ન કરતા તેમના સગાઓને જોઈને ઘણું જ દુઃખ થતું. એકબાજુ મમ્મીની ઉંમર અને પાછી આ બિમારી મારા માટે ‘‘ન કહેવાય કે ન સહેવાય’’ તેવી પરિસ્થિતી હતી.

એસ.એસ.જી.ની બાજુમાં જ આવેલા ‘ડૉ.ઈન્દુમતી ટ્રસ્ટે’ કેન્સર પેશન્ટ માટે રહેવા-જમવાની મફત સગવડ કરી હતી જેથી કરીને ગરીબ દર્દીઓને તેમની સારવાર લેવામાં અનુકુળતા રહેતી. સાથે દર્દીના એક સગા માટે પણ રહેવા-જમવાની મફત વ્યવસ્થા હતી.

ઈન્દોરના રહીમભાઈ તેમની પત્ની આયશાબાનુની સારવાર માટે અહીંયા લગભગ વીસ દિવસથી રોકાયા હતા. આયશાબાનુને ગળાને ભાગે કેન્સર હતું. જમવા-રહેવાનું મફત હતું એટલે ખાસ કંઈ ખર્ચો ન હતો. રહીમભાઈને એમના કોઈ સગાઓએ આ હોસ્પિટલ માટે સલાહ આપી હતી. ‘‘બસ, અબ તો સિર્ફ ચાર હી દિન કી બાત હૈ. ઈતને દિન કહાં ગયે પતા ચલા ?’’ સારવાર અને ઘરથી દૂર રહીને કંટાળેલી પત્ની આયશાને રહીમભાઈ એ સાંત્વના આપી. ‘‘હો ! યે ચાર દિન તો મુઝે ચાર સાલ લગ રહે હૈં. ઔર અબ તો પૈસે ભી ખતમ હોને લગે હોંગે હૈ ન ?’’ આયશા બોલી. ‘‘બસ પગલી બોલ બોલ મત કર ગલે મેં દર્દ હોગા. અભી તો એક હજાર રૂ. બચે હૈ. રુખ્સાર કે લીયે ગુડીયા ઔર આમિર કે લીયે બોલ-બેટ લેંગે’’ રહીમભાઈની વાત સાંભળી આયશાનું લોહી જાણે કે દોડવા લાગ્યું.

અલ્લાહે વર્ષો પછી આપેલા સંતાનોને બહેન પાસે મૂકીને આવતા કેટલું રડી હતી આયશા ? ચાર દિવસ પછી સંતાનોને મળવાને આતુર આયશા ખુશખુશાલ થઈ ગઈ.

‘‘દો દિન તો બીત ગયે. આજ કા ‘‘સેક’’ લેને કે બાદ હમ બચ્ચોં કી ખરીદારી કો નિકલેંગે, ઓર કલ સામાન લેકર હોસ્પિટલ સે સીધે ઘર કે લીયે રવાના હોંગે.’’ રહીમભાઈએ આયશાને કહ્યું આજે આયશાબેન રહીમભાઈ ખુશખુશાલ હતાં. બાળકો માટે ખરીદી કરવા જવાના હતા. મને કહ્યું ‘‘બેટા તુને તેરી માં કી બહોત દેખભાલ કી હૈ. અલ્લાહ તુજે નેક ઔલદ દેગા.’’

આજે આયશાબેનના ‘‘સેક’’નો છેલ્લો દિવસ હતો. મને થયું હું બંને ના હાથમાં સો સો રૂપિયા મુકી દઈશ. હોસ્પીટલ પહોંચીને જોયું તો આયશાબેન રહીમભાઈ બેઠા હતા. મેં કહ્યું ‘‘આજ તો આપ બહોત ખુશ હૈ ? ક્યા ખરીદી કી અપને બચ્ચોં કે લીયે ?’’

આયશાબેને મને ના નો કંઈક ઈશારો કર્યો. હું સમજી નહીં ત્યાંજ રહીમભાઈ બોલ્યા બેટા, ખુદા કી ઈસ નેક બંદીને પાંચસો રૂપયે ટ્રસ્ટ કો દે દીયે કહતે હુએ કિ જબ હમ જૈસે લોગોં કા પરદેશ મેં યે સહારા બના તો હમારા ભી ફર્ઝ બનતા હૈ કુછ કરને કા !

આયશાબેનના મુખ પર સંતોષનું સ્મિત હતું. ‘‘બેટા બચ્ચોં કે લીયે તો વહીં સે ખરીદ લેંગે.’’ દસ હજારની પગારદાર હું, સો-સો રૂપિયા આપીને પોતાને મહાન માનવા બેઠી જ્યારે એક ગરીબ કુટુંબે પોતાની સાચવેલી મૂડીમાંથી પાંચસોનું દાન કરીને મારું મસ્તક નમાવી દીધું !

‘મજલી આપા’

- રઝિયા મિર્જા

ઘરમાં કોહરામ મચ્યો હતો. કારણ કે ઘરના વડીલ ‘શૌકત આપા’ આજે ખુદાની રહેમતે પહોંચી ગયા હતા. પાંચ પુત્રો, એક પુત્રી તથા પૌત્રો પૌત્રીઓ ને, નાતી-નવાસીઓને વહુઓ તથા સગા સબંધીઓને રડતા મૂકીને અનંતયાત્રા એ ચાલી નીકળ્યા હતા. ઘરનું વાતાવરણ ગમગીન હતું. રડારડ અને શોરગુલમાં એક અવાજ દબાઈ જતો હતો.

એક ખૂણામાં બે ઘૂંટણ વચ્ચે માથું દબાવીને છાનું છાનું રડતા ‘મજલી આપા’ પર કદાચ કોઈનું ધ્યાન નહોતું. હોય પણ ક્યાંથી ? ‘શૌકત આપા’ની મય્યતની આસ-પાસના કોલાહલમાં જ ‘મજલી આપા’નું છાનું રૂદન દબાઈ જતું હતું.

હા,. આ એજ ‘મજલી આપા’ જે ‘શૌકત આપા’ની સાથે-સાથે જ આજ થી લગભગ પંચાવન વર્ષ પહેલા આ ઘરમાં પ્રવેશ્યા હતા. પાંચ બહેનો અને એક ભાઈના કુટુંબમાંથી આવેલા ‘મજલી આપા’ના પિતા ખંભાતના નવાબ સાહેબના દરોગા હતા. ‘મજલી આપા’ વચેટ હોવાથી તેમને ભાઈ બહેનો ‘મજલી આપા’ કહેતા. બંને બહેનો એક જ ઘરમાં સબંધે દેરાણીજેઠાણી પણ થતા હતા. ‘શૌકત આપા’ને અલ્લાહે પાંચ પુત્રો અને એક પુત્રીની બક્ષીશ આપી હતી. જ્યારે ‘મજલી આપા’નો ખોળો લગ્નને પંદર વર્ષ પછી પણ ખાલી હતો. અલ્લાહે પંદર વર્ષ બાદ તેમની સામે કૃપા દૃષ્ટિ કરી, અને ‘મજલી આપા’ ત્રણ પુત્રીઓ અને એક પુત્રની માતા બન્યા. પતિ ‘અલીરઝા’ એક સરકારી કર્મચારી હતા. નાનકડા પગારમાં ત્રણ દીકરીઓ તથા એક દીકરાની ભણતરની જવાબદારી કંઈ સહેલી નહોતી. જ્યારે મોટા ભાઈ ‘અલીહૈદર’ની નોકરી પણ છૂટી ગઈ હતી. અલીરઝા મોટા ભાઈને પિતા સમાન જ ગણતા. વિધવા માતા પણ અલીહૈદર સાથે જ વતનમાં રહેતા. ખૂબ જ ગરીબાઈમાં ‘શૌકત આપા-અલીહૈદરે’ તેમના પાંચેય પુત્રોને સારુ શિક્ષણ આપ્યું.

બીજી બાજુ ‘મજલી આપા-અલીરઝા’એ પણ તેમની દીકરીઓને સારુ શિક્ષણ આપ્યું. પરંતુ દીકરીઓના શિક્ષણ પાછળની ‘મજલી આપા’ની મહેનત ત્યારે રંગ લાવી જ્યારે તેમની દીકરીઓને સારી સરકારી નોકરીઓ મળી ગઈ. સમાજના ઉચ્ચ એવા નવાબી કુટુંબમાં દીકરીઓની શાદી કરીને ‘મજલી આપા’ તો ધન્ય થઈ ગયા. દીકરીઓને ભણાવતી વખતે સાંભળેલા ‘મહેણાંઓ’નો કદાચ આ સુંદર જવાબ હતો. નવાબ સાહેબના દરોગાની આ જિદ્દી પુત્રીએ આ સાબિત કરી બતાવ્યું કે શિક્ષણમાં કેટલી શક્તિ છે ?

હજી પાંચ વર્ષ પહેલાં ‘હિસ્ટેક્ટોમી’નું ઓપરેશન કરાવતી વખતે દીકરી-જમાઈઓ, દીકરા-વહુની હાજરીથી ગદ-ગદ એવા ‘મજલી આપા’ પોતાની મહેનત સફળ થઈ એવું અનુભવવા લાગ્યા. અને નાતી-નવાસીઓને શિક્ષણ પર ભાર મકીને સમજાવવા લાગ્યા. ગરીબાઈને ખૂબ જ નજીકથી અનુભવી ચુકેલા ‘મજલી આપા’ને મન શિક્ષણની અગત્યતા ખૂબ જ હતી.

એકદમ થયેલા શોર-બકોરમાં ‘મજલી આપા’ ઝબકી ગયાં. માથું ઉંચું કરીને જોયું તો ‘શૌકત આપા’ના પાર્થિવ શરીરને સૌ કોઈ એની અવ્વલ મંજિલ લઈ જવા નીકળ્યા હતા. ‘મજલી આપા’ લાકડીના સહારે ઉભા થયા. રૂમાલથી આંસુ લુછ્યા. ભરાયેલો ડૂમો અચાનક નીકળી ગયો. ‘ઓ મેરી બડી દુઃખિયારી આપા’.

એમના કરુણ આક્રન્દે ‘મજલી આપા’ની બાજુમાં બેઠેલી તેમની ‘મજલી દીકરી’ને હચમચાવી દીધી. એકજ ઘરમાં જન્મ, એકજ ઘરમાં લગ્ન. સાથે સાથ રહીને અકબીજાના દુઃખ-સુખ સમજનાર બે બહેનો હવે વિખુટી પડી ગઈ હતી.

જીવનના કદાચ આ જ ઊતાર-ચઢાવ જોઈને ‘મજલી આપા’એ પુત્રી શિક્ષણ પર ભાર મૂક્યો હશે એમ ‘મજલી આપા’ની ‘મજલી દીકરી’ વિચારતી રહી. અને આજે ‘મજલી આપા’ના પેટે જન્મ લઈ પોતાને ધન્ય માનતી રહી...

આજે ‘મજલી આપા’ તો હયાત નથી, ‘મજલી આપા’ ‘કેન્સર’ના જીવલેણ રોગે તેમનો જીવ લઈ લીધો. ‘મજલી આપા’ના અવસાનના એક જ વર્ષમાં તેમના પતિ અલીરઝા પણ અલ્લાહના દરબારમાં પહોંચી ગયા. ‘મજલી આપા’ આજે હયાત નથી પરંતુ તેમના આપેલ સંસ્કારો તેમની ત્રણેય દિકરીઓ જમાઈઓ દીકરો વહુના જીવનમાં રચ્યા પચ્યા છે.