સૌમિત્ર
સિદ્ધાર્થ છાયા દ્વારા
પ્રકરણ ૪૭
‘તને ખબર હતીને ધરા કે મારે કાલે સવારની ફ્લાઈટમાં રાઈટર્સ મીટ માટે દિલ્હી જવાનું છે?’ સૌમિત્રના અવાજમાં નિરાશા સ્પષ્ટ સંભળાઈ રહી હતી.
‘સોરી, સોરી, સોરી... હું સાવ ભૂલી જ ગઈ હતી. પણ તું ચિંતા શું કરવા કરે છે? કોન્ટ્રેક્ટ સાઈન કરીને કાલે બપોરની જ બસમાં હું રીટર્ન થઇ જઈશ એટલે સાંજ સુધીમાં તો હું ઘરે પહોંચી જઈશ.’ ધરાએ પોતાની ભૂલ સ્વીકારી પણ એણે સૌમિત્રને સધિયારો આપવાની કોશિશ કરી.
‘અને કાલે સવારે સુભગની સ્કૂલ? આપણે બધુંજ નક્કી કરી ચૂક્યા હતા અને હવે આ...’ ધરા સાથે વાત કરતાં સૌમિત્ર એના સ્ટડીરૂમમાં આંટા મારી રહ્યો હતો અને વારેવારે એનું કપાળ ખંજવાળી રહ્યો હતો.
‘અરે હા...એ પ્રોબ્લેમ તો થશે. મારું અહીંથી આવવું પોસીબલ નથી સોમુ.’ ધરાએ પોતાની મજબૂરી જણાવી.
‘એટલે હું દિલ્હીનો પ્રોગ્રામ કેન્સલ કરી દઉં રાઈટ?’ હવે સૌમિત્રના અવાજમાં ગુસ્સો ભરાયો હતો.
‘મેં એમ ક્યાં કીધું?’ ધરાએ મુંજવણમાં જ જવાબ આપ્યો.
‘તો પછી બીજો કોઈ રસ્તો જ ક્યાં છે?’ સૌમિત્ર બોલ્યો.
‘એક કામ કરને પટેલ અંકલનો સન પણ એના કર્ણને બસ સુધી મુકવા કારમાં જાય છે ને? એને કહી દે કે એક દિવસ એ સુભગને પણ લઇ જાય?’ ધરાને અચાનક કાંઇક યાદ આવ્યું હોય એમ બોલી.
‘એ લોકો ગઈકાલે જ મેરેજમાં સુરત ગયા ત્રણ દિવસ માટે. તેં જ મને કહ્યું હતું.’ સૌમિત્રએ ધરાને યાદ દેવડાવ્યું.
‘ઓહ હા... તો પછી તું દિલ્હી જા શાંતિથી અને સુભગને કાલનો દિવસ રજા રાખીએ.’ ધરાએ કદાચ આ છેલ્લો વિકલ્પ આપ્યો.
‘એટલે એનો પ્રોજેક્ટ સબમિટ નહીં કરવાનો રાઈટ? આખું અઠવાડિયું તમે બંનેએ ભેગા મળીને કેટલી મહેનત કરી છે આ પ્રોજેક્ટ પાછળ?’ સૌમિત્ર અકળાઈ ઉઠ્યો.
‘ઓહ શીટ! એ તો હું ભૂલી જ ગઈ. તો હવે?’ હવે ધરા પણ એની ચેમ્બરમાં આંટા મારવા લાગી.
‘હવે હું જ દિલ્હી જવાનું કેન્સલ કરું છું. બીજું શું?’ સૌમિત્રએ પોતાનો નિર્ણય તો સંભળાવ્યો પણ એના અવાજમાં હતાશા મિશ્રિત ગુસ્સો હતો.
‘આઈ એમ રીઅલી સોરી સોમુ. મારા મગજમાંથી તારો દિલ્હીનો પ્રોગ્રામ અને સુભગનો પ્રોજેક્ટ આ બંને નીકળી ગયા હતા.’ ધરાએ દિલથી સૌમિત્રની માફી માંગી.
‘કામની પાછળ દોડતા દોડતા તારા મગજમાંથી અમારા બાપ-દિકરાના પ્રોગ્રામ્સ ભલે નીકળી ગયા પણ હવે અમને બંનેને દિલમાંથી ન કાઢી મુકતી પ્લીઝ.’ આટલું કહીને સૌમિત્રએ પોતાનો કોલ કટ કરી દીધો.
‘કેમ આવું બોલે છે? હલ્લો? સોમુ....’ ધરાને ખ્યાલ આવી ગયો કે સૌમિત્રએ કોલ કટ કરી નાખ્યો છે અને એ પણ ગુસ્સામાં.
વાંક પોતાનો જ હતો એટલે ધરા પાસે દુઃખી થવા સિવાય બીજો કોઈજ રસ્તો ન હતો.
***
‘બધા ડોક્યુમેન્ટ્સ રેડી છે ને?’ ધરાએ કણસાગરાને પૂછ્યું.
‘હા બેના, બધું રેડી જ છ પણ આપણે હવે દિગુણની હોટલે સાઈન કરવા નથ જાવાનું. આપણે લોધિકા...બાપુના આશ્રમમાં સહી સિક્કા કરવાના છ.’ કણસાગરાએ ધરાને આઘાત આપ્યો.
‘એટલે?’ ધરાને આઘાત લાગ્યો પણ ખરો.
‘દિગુણ હાયરે આપણી ઓળખાણ કરાવનાર અને છેલ્લે છેલ્લે એને હા પડાઈવી ઈ આપણા એજન્ટ ભાણજી લાલજી બાપુના બવ મોટા ભગત છ. ઈ ન્યા સાઉથ આફ્રિકામાં બાપુનો આસરમ સંભાળે છ. અટલે એમની ઈચ્છા છે કે સહી સિક્કા આશ્રમમાં જ થાય. દિગુણે પણ હા પાયડી દીધી છ. ઈ લોકો હાડા દહ વાયગે આશ્રમ પોગી જાહે. અટાણે પોણા દહ થ્યા છ તો આપણેય નીકળવું ઝોય.’ કણસાગરા એક શ્વાસે બોલી ગયો.
‘કણસાગરાભાઈ આ તમે મને છેક છેલ્લી ઘડીએ કેમ ઇન્ફોર્મ કરી રહ્યા છો? ભાણજીભાઈએ તમને ક્યારે કીધું? હવે પપ્પાને કેવી રીતે આશ્રમ લઇ જઈશું? અને તમને ખબર છે ને કે મને સેવાબાપુ દીઠા ય ગમતા નથી? તમારે એક વખત તો મને પૂછવું હતું? એટલીસ્ટ મને સવારે ફોન કર્યો ત્યારે મને કહી દેવું હતું.’ ધરા ગુસ્સે થઈને બોલી.
‘તમને હવારે ફોન કયરા પછી જ ભાણજીબાપાનો ફોન આયવો, અને પછી હું આ કાગળીયા હરખા કરવામાં બેહી ગ્યો તે રય ગ્યું. સોરી બેના તમને મોડું કીધું. અને તમે સોની સાયબની ચિંતા નો કરો. મેં ભાભીને હમણાંજ ફોન પર કય દીધું. ઈ બેય બવ ખુસ થ્યા. ઈ ન્યા પોગી જાહે બીજી ગાડીમાં તમતમારે મોજ્ય કરો.’ કણસાગરાએ બેફિકરાઈથી જવાબ આપ્યો.
ધરાને આ છેલ્લી મિનિટનો બદલાવ બિલકુલ ન ગમ્યો. ગઈકાલની સેવાબાપુ સાથેની એની મુલાકાત લાંબા સમય સુધી એની છેલ્લી મુલાકાત બની રહેશે એવું એને લાગ્યું હતું, પણ ચોવીસ કલાકની અંદર જ એને ફરીથી સેવાબાપુને જોવા પડશે એ વિચારે એને ગુસ્સો તો અપાવ્યો પણ એ મજબૂર હતી કારણકે હવે ના પાડવાનો સમય બચ્યો ન હતો અને જો ના પાડે તો આવી નાની બાબતે કોન્ટ્રેક્ટ હાથમાંથી જતો રહે એવી સ્થિતિ ઉભી થઇ ચૂકી હતી.
***
‘કેમ વહેલો આવી ગયો? એ પણ બાર કલાક વહેલો?’ દરવાજો ખોલતાં જ સામે વરુણને જોતા ભૂમિ બોલી.
‘બારણું બંધ કર પહેલાં.’ વરુણે ઘરમાં ઘૂસતાં જ ઝડપી કદમ માંડ્યા અને સીધો જ સોફા પર બેસી ગયો.
‘શું થયું? કેમ આટલા ખરાબ મૂડમાં દેખાય છે? બધું ઠીક છે ને?’ ભૂમિ પણ વરુણની બાજુમાં આવીને બેસી ગઈ.
‘ના! આઈ હેવ બીન સસ્પેન્ડેડ!’ વરુણ પોતાનો ચહેરો પોતાની બંને હથેળીઓ વચ્ચે લઈને બંને કોણીઓ પગના બંને ઘૂંટણ પર મુકીને બોલ્યો.
‘વ્હોટ? કેમ? આમ અચાનક? કાલ સુધી તો બધું બરોબર હતું? તું પરમદિવસે સિંગાપોર જવાનો હતો ને?’ ભૂમિને પણ આઘાત લાગ્યો.
‘બે મહિના પહેલાં રશિયા ગયો હતો એ દસ હજાર કરોડનો કોન્ટ્રેક્ટ ફેઈલ ગયો. મેં બધું બરોબર જોઇને ડીલ પાકી કરી હતી, પણ પેલાની જ મેન્ટાલીટી પહેલેથી જ ખરાબ હતી. ફર્સ્ટ શિપમેન્ટ બરોબર આવ્યું એટલે એલ સીની શરત મુજબ અમે તેત્રીસ ટકા પેમેન્ટ પણ કરી દીધું. પેમેન્ટ બહુ મોટું હોવાથી એણે એના લેણિયાતોને પૈસા ચૂકવી દીધા અને પોતે પ્લાન્ટ બંધ કરીને ક્યાંક ભાગી ગયો છે. જવાબદારી મારી હતી એટલે મને....’ વરુણ હજી એજ સ્થિતિમાં બેઠો બેઠો બોલી રહ્યો હતો.
‘પણ પાર્ટી ભાગી જાય એમાં તારો શું વાંક? તું એકલો થોડો હતો?’ ભૂમિએ દલીલ કરી.
‘મેં જ ડાહ્યા થઈને બધીજ રિસ્પોન્સિબિલિટી મારા માથે લઇ લીધી હતી. આઈ વોઝ ડેમ્ન શ્યોર કે આનાથી કંપનીને ખુબ મોટો ફાયદો થવાનો છે. કોન્ટ્રેક્ટ ફેઈલ જવાથી તકલીફ નથી પડી પણ મારી વિરુદ્ધ જે લોકો ખાર રાખે છે એમણે ટોપ મેનેજમેન્ટને એવી પટ્ટી પઢાવી છે કે પેલા વિક્ટર પેટ્રોવે મને પણ એ પેમેન્ટનો કેટલોક હિસ્સો આપ્યો છે. હવે જ્યાંસુધી ઈન્કવાયરી પૂરી ન થાય ત્યાંસુધી મારે ઘરે બેસી રહેવાનું અને જામનગર પણ નહીં છોડવાનું, નહીં તો મારા પર પોલીસ કેસ થઇ જશે. આઈ એમ ઇન ડીપ શીટ નાઉ.’ વરુણે એક ઊંડો નિશ્વાસ નાખ્યો.
‘હમમ.. ડોન્ટ વરી. બધુંજ ઠીક થઇ જશે. એ લોકોએ તારા વિરુદ્ધ ખોટા આરોપો મૂક્યા છે એટલે એક દિવસ તો એ ઇન્ક્વાયરીમાં ઉડી જ જશે.’ ભૂમિએ વરુણના ખભે હાથ મૂક્યો.
‘હોપ સો. પણ અત્યારે તો મારું નામ ખરાબ થઇ ગયું ને?’વરુણે ભૂમિ સામે જોતાં કહ્યું.
‘જૂઠનો સમય જેટલો લાંબો લાગે છે એટલો ખરેખર હોતો નથી. કેટલા દિવસમાં ઇન્ક્વાયરી પૂરી થશે વરુણ?’ ભૂમિએ સવાલ કર્યો.
‘મેનેજમેન્ટે બે મહિનાનો ટાઈમ આપ્યો છે. આઈ હોપ કે ત્યાંસુધીમાં એટલીસ્ટ પેલા પેટ્રોવનો અતોપતો લાગી જાય. એ એક વખત એમ કહી દે કે મારું કોઈજ ઈન્વોલ્વમેન્ટ નથી એટલે વાત પૂરી થાય.’ વરુણના સ્વરમાં માત્રને માત્ર આશા જ હતી અને વિશ્વાસનો બિલકુલ અભાવ હતો.
***
‘બાપુ, હંધુય બ્રોબર પતી ગ્યું. ઈ લોકો હમણાંજ નીકળ્યા.’ સેવાબાપુના ખાસ સેવાદાર જગતગુરુએ બાપુને સમાચાર આપતાં કહ્યું.
‘કોઈને કાંઈ શંકા?’ મખમલી સોફા પરથી ઉભા થતાં સેવાબાપુએ જગતગુરુને પૂછ્યું.
‘ના, બધાંયે પોતપોતાનું કામ હરખી રીતે જ કયરું પસે હેની સંકા થાય?’ જગતગુરુએ બાપુને વિશ્વાસ કરાવ્યો.
‘તો પછી... થઇ જાય!’ સેવાબાપુના ચહેરા પર કોઈ અનોખી મસ્તી આવી ગઈ.
જગતગુરુએ પણ તોફાની સ્મિત સાથે પોતાના સફેદ ઝભ્ભાના જમણા ખિસ્સામાંથી સિગરેટ કાઢી અને સેવાબાપુને ધરી. સેવાબાપુએ નજીકના ટેબલ પર પડેલા લાઈટરથી સિગરેટ સળગાવી અને એક લાંબો કશ ખેંચ્યો.
‘મને હજી નથ્ય હમજાતું કે તમે આ બધું હુંકામ કયરું?’ જગતગુરુએ સેવાબાપુને સવાલ કર્યો.
‘તને ખબર તો છે કે હું હિસાબ બાકી નથી રાખતો અને આ ઉધાર તો વર્ષો જૂનું છે. હજી તો મેં આ પહેલો હપ્તો ભર્યો છે. હજી તો ઘણા હપ્તા આપવાના બાકી છે. મજાની વાત એ છે કે મને ઉધાર આપનારને ય ખબર નથી કે એણે મારી પાસેથી કાંઈક લેવાનું છે, પણ હું ભૂલ્યો નો’તો.’ એક લાંબો કશ ખેંચતા સેવાબાપુ બોલ્યા અને પછી એમણે પોતાની સિગરેટ જગતગુરુને ધરી.
‘તમે મને કીધું’તું કે સહી-સિક્કા થાય પસે તમે મને હંધુય કે’સો.’ જગતગુરુના ચહેરા પર કશુંક જાણવાની ઉત્કંઠા જોઈ શકાતી હતી.
‘ચોક્કસ. અત્યારે કોઈ બીજો કાર્યક્રમ તો નથી ને?’ સેવાબાપુએ પૂછ્યું.
‘હવે છેક હાઈંજે આદેસરાભાયની સંસ્થાના વ્યસનમુક્તિ કાર્યક્રમ માટે ગોંડલ જાવાનું છે.’ આટલું બોલતા જગતગુરુએ પણ એક લાંબો કશ ખેંચ્યો અને બાપુને સિગરેટ આપી.
‘કોલેજમાં હતી એ છોકરી જ્યારે પરસોતમે એને પ્રસાદી લેવા માટે અહિયાં મોકલી હતી. મેં એને મારી રીતે પ્રસાદી આપી તો ખબર નહીં મેં એના બાપનું ખૂન કરી નાખ્યું હોય એવી નજરે મને જોયું અને પડીકી મારા હાથમાંથી ખેંચીને જતી રહી. એ તો જતી રહી પણ ઓહ્હ! એનું ભર્યું ભર્યું શરીર મારા મનમાં જ રહી ગયું. તને તો ખબર જ છે કે એક વખત કોઈ હરણ આ સિંહના મનમાં વસી જાય પછી હું એનો શિકાર કરીને એટલેકે એને ભરપૂર માણીનેજ દમ લઉં છું.’ આટલું બોલીને બાપુએ સિગરેટ મોઢામાં લીધી.
‘તો આ કાં સટકી ગઈ? આટલા વરહોમાં મેં એને કોઈ દિ’ આસરમમાં જોય નથ્ય.’ જગતગુરુને નવાઈ લાગી.
‘કદાચ નસીબની બળવાન હતી અને જીદ્દી પણ. પરસોતમનું પણ એની સામે કાંઈ જ નથી ચાલતું. તે દિવસ પછી મેં ઘણી વખત પરસોતમને કીધું કે એક વખત એને આશ્રમ લઇ આવે તો હું એને સમજાવું કે આધ્યાત્મનો માર્ગ કેટલો સુંદર છે. પણ છોકરી એટલી જીદ્દી નીકળી કે...’ સેવાબાપુ સોફામાં બેસતાં બોલ્યા.
‘પછી?’ જગતગુરુને બરોબર રસ પડ્યો.
‘પછી એ ભણવા માટે પહેલાં બેંગ્લોર અને પછી નોકરી માટે મુંબઈ જતી રહી. મેં ગમેતેમ મન મનાવી લીધું. એ જ્યારે જ્યારે રાજકોટ આવતી કે પછી પરસોતમ જ્યારે જયારે મુંબઈ જાતો પછી પરસોતમ જ્યારે અહિયાં આવે ત્યારે એના મોબાઈલમાં એની સાથેના ફોટા બતાવતો ત્યારે ત્યારે એના સફેદ કાચ જેવા શરીર અને એના કપડાની અંદર છુપાયેલા દરેક અંગોની કલ્પના પણ કરી લેતો. હું એને ક્યારેય ભૂલ્યો ન હતો. પણ હા, એને તરતજ પામવાની ઈચ્છા કદાચ ઓછી થઇ ગઈ હતી. ત્યાં એક દિવસ પરસોતમે એના લગ્નની વાત કરી અને થોડા જ દિવસોમાં એની કંકોત્રી પણ દેખાડી. મને એ લેખકની બળતરા થવા લાગી. મારું પુરુષત્વ ફરીથી મને જ પડકારવા લાગ્યું.. તને યાદ હોય તો પરસોતમે મને એને આશિર્વાદ આપવા લગનની આગલી રાત્રે પોતાને ઘેર બોલાવ્યો હતો.’ સેવાબાપુ જગતગુરુનો જવાબ સાંભળવા થોડો સમય રોકાયા.
‘હા, પણ ઈ દિ’ હાયંજે જ પરસોતમભાયનો ફોન આયવો’તો ના પાડવા. બવ રો’તા તા ફોન પર અને તમે ઈને દહ થી પંદર મિનીટ બવ હમજાયવા’તા. મને બ્રોબર યાદ સે.’ જગતગુરુ બોલ્યો.
‘હા.. એણે એના બાપને ચોખ્ખી ના પાડી દીધી હતી કે જો હું ત્યાં આવીશ એ લગનના ફેરા ફરશે જ નહીં. દિકરીની જીદ સામે બાપે માથું જુકાવી દીધું, મને તો એમ હતું કે ત્યારે એને આટલાબધા વર્ષો પછી મનભરીને જોઈ શકીશ, આશિર્વાદ આપવાના બહાને એના ગોરાગોરા શરીરને બે ત્રણ સેકન્ડ અડી લઈશ પણ....’ સેવાબાપુના અવાજમાં નિરાશા હતી.
‘તમે તમારો ગુસ્સો રોકી હક્યા? નકરતો આવી ચંચળ હરણીયુંને તમે ગમેતેમ ભોગવી લ્યો સો. મને કેવાયને?’ જગતગુરુને નવાઈ લાગી.
‘ના. આ પરસોતમ હતો. આપણા આશ્રમને સૌથી વધુ દાન આપનાર વ્યક્તિ, મારો કટ્ટર ભક્ત એટલે મારે મારું આ અપમાન પણ ગળી જઈને અને સંભાળીને ચાલવાનું હતું. લગન પછીની પહેલી રાત એની હતી પણ એ આખી રાત હું જાગ્યો હતો એમ વિચારતા કે જેને સૌથી પહેલાં મારે ભોગવવી હતી અને અત્યારે કોઈ બીજું કેવી રીતે ભોગવી રહ્યું હશે અને એનું એ પોચું પોચું મખમલ જેવું શરીર એનો જવાબ કેવી રીતે આપી રહ્યું હશે. તે રાતે માંડ માંડ મને નિંદર આવી પણ સવારે ઉઠતાં વેંત મેં નિર્ણય લઇ લીધો, કે હવે હું એને ભોગવવાની ઈચ્છા ક્યારેય નહીં રાખું...’ સેવાબાપુએ આટલું કહેતાં જ ગ્લાસમાંથી પાણી પીધું.
‘તો?’ જગતગુરુને આશ્ચર્ય થયું કારણકે સેવાબાપુએ આવું પહેલાં ક્યારેય નહોતું કર્યું.
સેવાબાપુની ઈચ્છા થાય એ સ્ત્રીને એ જરૂર ભોગવતા અને જો કોઈ તકલીફ આવે તો જગતગુરુજ એનો રસ્તો કાઢી આપતો એટલે એને સેવાબાપુનું આમ આસાનીથી હથીયાર મૂકી દેવા જેવી વાતથી આશ્ચર્ય થાય એ સ્વાભાવિક હતું..
‘મેં એને સમય આવ્યે એકલી પાડી દેવાનું નક્કી કર્યું. મને ખબર હતી કે નવા નવા લગ્નજીવનમાં એમ થવું શક્ય નથી એટલે મેં રાહ જોવાનું.... લાંબી રાહ જોવાનું નક્કી કર્યું એક યોગ્ય તકની રાહ જોવાનું...... ઉપરવાળાએ એ તક મને પરસોતમને લકવાનો એટેક આપીને પૂરી પાડી. જ્યારે મને ઉમાએ કીધું કે હમણાં એની દિકરી અઠવાડિયું રાજકોટમાં જ રહેવાની છે... મેં તરતજ મારું મગજ કામે લગાડ્યું. પરસોતમ જેવો ઘેર આવ્યો કે મેં ઉમાને સમજાવી દીધું કે આવા સંજોગોમાં પરસોતમના ગ્રહ કહે છે કે જો એનું સંતાન ધંધામાં એના પિતાને મદદ કરશે તો જ પરસોતમનો ધંધો તો બરોબર ચાલશે જ પણ એની હાજરી થકી જ એ જલ્દીથી સાજો થઇ જશે. ઉમા અને પરસોતમે મારું કામ સરળતાથી પૂરું કરી દીધું. એ પણ પિતૃપ્રેમને લીધે ના ન પાડી શકી.’ સેવાબાપુ ઉભા થયા અને એમના રૂમની બારી પાસે ઉભા રહ્યા.
‘તો આ ભાણજીભાઈ અને આટલો મોટો ઓડર ઈ બધું સું હે?’ જગતગુરુએ સવાલ કર્યો.
‘જેવી એ રાજકોટ દર શનિ રવિ આવવા તૈયાર થઇ છે એવા સમાચાર મને મળ્યા કે મેં ભાણજીને ડર્બન કોલ કર્યો. એને હુકમ જ કર્યો કે બને એટલો વહેલો પરસોતમની વસ્તુઓ મોટા જથ્થામાં લઇ શકે એવો કોઈ ખરીદદાર એના દેશમાં શોધે. ભાણજીએ મારા ધાર્યા કરતાં વહેલું કામ કર્યું.’ સેવાબાપુ બોલ્યા.
‘પણ ઓલાને કલકતા કે મદ્રાસમાંથી ઓડર મળી ગ્યો હોત તો?’ જગતગુરુએ સેવાબાપુને ભયસ્થાનની યાદ દેવડાવી.
‘એટલે જ ભાણજી એની સાથે સાથે બધે જ ફરતો હતો એ જોવા માટે કે ડીગ્રૂનને બીજી કોઈજ પાર્ટીનો માલ પસંદ ન આવે. પછી એ ક્વોલીટી હોય, ભાવ હોય કે બીજી કોઈ બાબત ભાણજી એને સતત ઉંધે રસ્તે ચડાવતો. જેમ પરસોતમ છે એમ જ ભાણજી પણ મારા માટે મરવા માટે તૈયાર છે.’ સેવાબાપુના ચહેરા પર ભાણજી બાબતે વાત કરતાં અભિમાન તરી આવ્યું.
‘અટલે જ તમે સનીવારે બપોર પસી ફેક્ટરી અચાનક ગ્યા કારણકે ભાણજીભાયનો હવારે જ ફોન આયવો’તો.’ જગતગુરુએ તાળો મેળવ્યો.
‘હા, મારે પહેલાં ત્યાં જઈને એના મનમાં મારા પર વિશ્વાસ પડે એવા બીજ રોપવા હતા અને તો જ આજે એ અહિયાં આવી શકી એની ખુદની મરજી વિરુદ્ધ.’ સેવાબાપુએ વિજયી સ્મિત કર્યું.
‘પણ એમ એ માની કેમ ગય? તમે કીધુંકે ઈ એટલી જીદી સે કે એના બાપનું ય નથ્ય માનતી?’ જગતગુરુને ધરાના આશ્રમમાં આવવા અંગે નવાઈ લાગી.
‘કણસાગરા ક્યારે કામ આવવાનો હતો? દર મહીને કોઈ કામ વગર તારી સાથે એને હું એમનેમ પાંચ હજારનું કવર મોકલું છું?’ સેવાબાપુએ પોતાના હોઠનો ડાબો હિસ્સો ઉંચો કરીને ખંધુ સ્મિત કર્યું.
‘તમારી લીલા અપરંપાર સેવાબાપુ!!’ આટલું બોલીને જગતગુરુએ એના બંને હાથ જોડીને સેવાબાપુને પ્રણામ કર્યા.
જગતગુરુને આમ કરતાં જોઇને સેવાબાપુથી પોતાનું અટ્ટહાસ્ય રોકી ન શકાયું.
‘એક વાત મને હજીય નો હમજાણી બાપુ. જેનો ફોટો ઝોયને તમને કાંક થય ઝાય સે આજે ઈ આયાં આપણા આસરમમાં દોઢ કલાક રઈ તોય તમે એની હામે કેમ નો આયવા? તમે તો છેક ઈ લોકોના જાવા ટાણે મારી હાયરે એમ કે’વડાવ્યું કે તમે આજે બપોર હુધીન ધ્યાનમાં સો.’ પોતાનું હસવું પૂરું થતા જગતગુરુએ સેવાબાપુને પૂછ્યું.
‘વર્ષો પહેલા પરસોતમે મને કીધું હતું એ છોકરીએ નક્કી કરી લીધું છે એ જીવનભર આશ્રમમાં પગ નહીં મૂકે. આજે મારે એને એની હારનો અહેસાસ કરાવવો હતો. દોઢ કલાકમાં એ એક એક સેકન્ડ મારા ત્યાં આવવાની રાહ જોતી હશે. મારો સામનો ગમેત્યારે થશે એવો એને ડર હશે અને મને ન આવેલો જોઇને એનું મન વધુ વ્યાકુળ થયું હશે. એને એ આખો દોઢ કલાક મારે એ જ રીતે જીવાડવી હતી.’ સેવાબાપુએ જગતગુરુની શંકાનું સમાધાન કર્યું.
‘પણ હવે તો સહી સિક્કા થય ગ્યા, હવે ઈ શુંકામ આયાં આવે?’ જગતગુરુએ યોગ્ય સવાલ કર્યો.
‘જગતા, પરસોતમ જે વસ્તુ બનાવે છે એની આખા આફ્રિકામાં ખુબ માંગ છે. આફ્રિકાના નહીં નહીં તોયે પંદર દેશોમાં આપણા સાધકો છે. બસ પરસોતમ જેટલો મોડો સાજો થાય એટલું આપણા માટે સારું છે. આજે એ છોકરીના મનમાં મારી ભવિષ્યવાણી સાચી પડી છે એવું તો ઘુસી જ ગયું છે. એક વખત એને મારા સાધકોની મદદથી ધડાધડ ઓર્ડરો મળવા લાગે પછી તો પરસોતમ ખુદ એને રાજકોટ રોકી રાખશે.બસ હવે મારે મારા પ્યાદાં બરોબર ચલાવવાના છે. શતરંજમાં આપણો વિરોધી કોઈ ચાલ વિચારે એ પહેલાં જ જો આપણે એ ચાલને સમજી લઈએ તો જીત પાક્કી થઇ જાય છે. મારે હવે એમ જ કરવાનું છે. કણસાગરાને આ મહિનેથી સાડાસાત હજાર મોકલજે.’ સેવાબાપુ પોતાના લાંબા વાળમાં આંગળીઓ ફેરવતા બોલ્યા.
‘એક વાતનો વિસ્વાસ મને હજી નથ્ય થાતો. આટલા વરસોથી તમારી હાથે સું પણ તમે કોઈ સીકારને આમ વયો જાવા દયો કે ભૂલી જાવ એવું કોઈ દિ’ મેં ભાળ્યું નથ્ય.’ જગતગુરુએ ખિસ્સામાંથી બીજી સિગરેટ કાઢી અને સળગાવી.
‘મેં તને કીધું ને? પરસોતમ છે એટલે મારે ખાસ ધ્યાન રાખવું પડે. આવી બાબતમાં જરાક પણ ઉતાવળ કરું તો પરસોતમ જેવો પૈસાદાર અને વગદાર માણસ મારા હાથમાંથી જતો રહે અને બદનામી થાય એ જુદું. પણ હા ભાવિના ગર્ભમાં શું છુપાયું છે એની મને કોઈજ ખબર નથી, કદાચ એ હરણાંનું મારણ મારે કરવું પણ પડે. ઈશ્વરેચ્છા બલિયસી!’ આટલું બોલતાં જ સેવાબાપુએ ફરીથી અટ્ટહાસ્ય કર્યું.
આ વખતે આ અટ્ટહાસ્ય સેવાબાપુના રૂમની બહાર સુધી સંભળાતું હતું.
-: પ્રકરણ સુડતાલીસ સમાપ્ત :-