Dastan 3 books and stories free download online pdf in Gujarati

દાસ્તાન - 3

દાસ્તાન

પીડા વચ્ચે

પાંગરેલું પુષ્પ

(ભાગ-3)

હેમલ જાદવ

પગ ગુમાવી ચૂકેલી ફરાહ અહમદીને પોતાના દેશ અફઘાનિસ્તાનમાંથી નિરાશ્રીત થઈને પાકિસ્તાનમાં સુખની ખોજમાં જાય છે. પોતાના પરિવારમાં બે ભાઈઓ અને માતાને ગુમાવી ચૂકેલી ફરાહ પર ઈશ્વર એક પછી એક પીડાના ઘા કરી રહ્યો છે. પોતાના શરીરની અક્ષમતા, પરિવારમાં તેની સાથે રહેલી એકમાત્ર તેની માતાની બદતર થતું સ્વાસ્થ્ય, બીજા દેશના માહોલમાં પડી-આખડીને છેવટે ફરાહ પર અલ્લાહ મહેરબાન થાય છે, અને તે એવા દેશમાં જઈ પહાચે છે, જ્યાં તે મુક્ત માહોલમાં બિન્દાસપણે જીવન જીવી શકે...

------------------------------------------------------------------------------

ખાસ્સા મહિનાઓ પછી પાકિસ્તાનથી આવેલા જૂના સંબંધી પાસેથી અમને એક પત્ર મળ્યો. તમારા જેમ હું અને મા પણ ભાઈની સલામતીનો પત્ર હશે તેમ જાણી છળી પડેલા. પણ તે અમારી આશાની મજાક હતી.

પાકિસ્તાનમાં આવેલા ક્વેટા કે ક્વેતા ખાતે રહેતી મારી માની પિતરાઈનો તે કાગળ હતો. અમારી આપવીતી સાંભળીને તેણે અમને ક્વેતા રહેવા માટે આમંત્રણ આપ્યું હતું.

ડૂબતાંને તરણું મળે તેવા મારા માટે આ સમાચાર હતા. હું તો અફઘાનિસ્તાન છોડવાનું અનેકવાર મા આગળ ગાઈ ચૂકી હતી. એટલે અમે ઝાઝો વિચાર ન કર્યો.

અમારી અસ્કયામતોમાં થોડા ઘણા કપડાં અને રૂપિયા હતા, તે લઈ સૂર્યની આથમતી વેળાએ જલાલબાદ શહેરની બસ પકડી. કાબુલની ધરતી છોડતી વખતે મા ખૂબ રડેલી. તેનાં સપનાની ભૂમિ છોડતાં તેને સખત ધ્રાસકો લાગી રહ્યો હતો. આંખોમાં શક્ય એટલી યાદ ભરીને અમે અફઘાન છોડ્યું.

ઘેટાંની માફક ભરાયેલી બસમાં હું માના ખભે માથું નાંખી સરહદ આવવાની રાહ તાકી રહી હતી. ઘડીકમાં બસ ટેકરી ઉપરથી લસરતી, તો ઘડીકમાં સપાટ મેદાન પર દોડવા માંડી. મા તેના જીવનમાં પહેલીવાર કાબૂલથી આટલે દૂર આવી હતી.

કલાકોની લાંબી સફર બાદ બસે અમને પાકિસ્તાન સરહદથી એકાદ કિ.મી. દૂર ઉતર્યા. અમારી માફક બીજા હજારો પરિવાર અફઘાન છોડી પાકિસ્તાન પહોંચવાની આશાએ ઊમટ્યાં હતાં. આખો રસ્તો બાળકો, સ્ત્રીઓ અને દાઢીવાળા માણસોથી ઊભરાઈ રહ્યો હતો.

હું લંગડાતા પગે માને ટેકો આપતી ભીડને ચીરતી આગળ વધી રહી હતી. ખાસ્સા ત્રણેક કલાક જેટલું ચાલ્યા બાદ અમે બરાબર પાકિસ્તાનના દરવાજે આવીને અટક્યાં.

લોખંડના ભોંકાય એવા તારથી બે દેશોને અલગ પાડતી સરહદ ખડી કરાઈ હતી. પાકિસ્તાનમાં ઘૂસવા માટે તોતિંગ દરવાજો પણ ઊભો કરાયેલો. એક જ ધર્મના બે દેશો વચ્ચે પણ આવી સરહદની વાડ હોઈ શકે છે તેવી કલ્પના તો મને ક્યાંથી કદી આવી હોય? મારા માટે દરવાજાની પેલી તરફનું વિશ્વ યુટોપિયા જેવું હોવાના તરંગો રચાવા માંડ્યા.

પણ આ તરંગો લાંબુ ન ટક્યા.

અડધો કલાકમાં જ કેટલાક પાકિસ્તાની સૈનિકો મોટી લાકડીઓ લઈને અમારા પર તૂટી પડ્યાં. જે હાથે ચડે તેને તેઓ બેરહમીથી પીટવા માંડતા. માને બચાવતી હું કોલાહલથી થોડે દૂર જઈ સ્થિર થઈ.

અંધારું ઘેરાવા માંડ્યું હતું. શિયાળાની રાત રણની રેતીમાં વિતાવવી એટલે મૃત્યુ સામે બાથ ભીડવાથી ઓછી હિંમતની વાત ન હતી. આખો દિવસ સૈનિકોનો માર ખાનાર નિરાશ્રિતોની પીડાથી કણસતા અવાજ નર્કાગારની યાતનાને યાદ કરાવી દેતો. એ આખી રાત મેં રેતીમાં ચત્તાપાટ સૂઈને વિતાવી. જેમ-જેમ પહોર બદલાતો જતો તેમ ઠંડીનો માર વધુ ઠૂંઠવતો.

બીજા દિવસનો સૂર્ય ઊગતા જ ફરી પાકિસ્તાનના દરવાજે લાંબી કતાર ખડી થઈ ગઈ. આ ગાળામાં પાકિસ્તાનમાં ઘુસવા માટે કેવી કિંમત ચૂકવવી પડે છે. તેવું હું જાણી ચૂકી હતી. દરવાજે પહેરો ભરતા સૈનિક આગળ જો રૂપિયાનો ખડકલો કરી દેવાય તો તમને રોકનાર કોઈ ન હતું. ક્યારેક કોઈ વાસના ભૂખ્યા સૈનિકને કોઈ સ્ત્રી તેની સાથે જાતીય સંબંધ બાંધવા દે તો પછી સરહદ પાર કરવાનું સહેલું થઈ પડતું.

પણ અમારા માટે બંને અશક્ય હતું. રૂપિયા તો અમારું પેટ ભરવા પણ પુરતા ન હતા અને ત્યારે હું સ્ત્રી તરીકે વિકસી પણ ન હતી. પુરુષને જાતીય સુખ આપી શકે તેવા અંગો માટે હું હજુ અપરિપક્વ હતી.

આ સિલસિલામાં અમારી ઓળખાણ એક લાગણીશીલ પરિવાર સાથે થઈ. તે ઘરની સ્ત્રીએ મારી માને કહ્યું, ‘મારા પતિ ગુલામ અલીએ પાકિસ્તાનમાં ઘૂસવાનો છૂપો માર્ગ ખોળી કાઢ્યો છે. સામે દેખાતા પહાડોને ઓળંગીને આપણે સલામત જઈ શકીશું. અમે આજે રાત્રે આ ગુપ્ત માર્ગ લેવાના છીએ. તું અને તારી દીકરી અમારી સાથે આવી શકો છો.’ માએ હા કહેતાં તો કહી દીધી, પણ ઊંડે-ઊંડે તેને મારી ચિંતા કોરવા માંડી. તેના મનમાં થતું કે ‘આ પગ વિનાની છોકરી આટલું જોખમ ખેડી શકશે?’ સાચું કહું તો માના જેવો ડર મારા મનમાં પણ ઊઠી રહ્યો હતો.

અંધારું ઘેરાતાં જ અમે ટોળા વચ્ચેથી ગુપચુપ ઊઠ્યાં. ખૂણામાં જઈ પ્રાર્થના કરી અને ગુલામ અલીના કુટુંબ સાથે પર્વત ચઢવાનું શરૂ કરી દીધું. હજુ ત્રણેક કિ.મી જેટલું ચઢ્યા હશું કે માને અચાનક અસ્થમાનો હુમલો આવ્યો. તે જોરજોરથી હાંફવા માંડી. ગુલામ અલીનો પરિવાર ઘણો સારો હતો તેમણે મને કહ્યું, ‘ડર નહીં તારી માને કંઈ નહીં થાય. આપણે થોડી થોડી વાર અટકીને આગળ વધીશું.’

છેક રાત્રિના છેલ્લા પહોર સુધી અમારે ચાલવું પડ્યું. વચ્ચે-વચ્ચે મા અસ્થમાથી થાકીને રોઈ પડતી તો મારા એક જ પગ પર બધો ભાર આવવાથી ઘૂંટણ સૂઝવા માંડ્યા હતાં. સૂરજ ઊગવાની અણી પર હતો ત્યારે ગુલામ અલીએ અમને નવી દુનિયા બતાવતા હોય તેમ કહ્યું, ‘ફરાહ આ પાકિસ્તાન છે. હવે આપણે સલામત છીએ અને હું ખાબકી પડી.’

નિરાશ્રિતોની જોડે

ઘરેથી નીકળ્યા બાદ ઘણા લાંબા ગાળે અમે ક્વેતાની વાટ પકડી હતી. માની પિતરાઈએ અમને જોઈ હૂંફાળો ઉમળકો બતાવ્યો. પણ માત્ર આ ઉમળકાના જોરે થોડું જીવન જીવાય છે? તેમનું ઘર એક ઓરડાથી મોટું ન હતું. ઘરની દીવાલો અને છત પણ જર્જરિત થઈ ચૂક્યા હતા. એ સાંકડા ઘરમાં સામાન પણ ઠસોઠસ ભરેલો. મારી પાસે ટેલિફોન હતો તે તેનું સદનસીબ હતું. બાકી અહીંના કસબામાં ગંદા ઘરોમાં રહેતા લોકો પાસે સુવિધા જેવી વસ્તુ તો ભાગ્યે જ રહેતી. ગુલામ અલીના પરિવારને પત્ર દ્વારા માએ અમારા પહોંચ્યાના અને માસીના ઘરના ટેલિફોન નંબરની જાણ કરી. માના આમ કરવા પાછળ સ્વાભાવિક રીતે પાકિસ્તાન ભાગી છૂટેલા તેના દીકરાઓની ભાળ મેળવવાની તાલાવેલી હતી.

ક્વેતામાં અમે નવા જીવનમાં ગોઠવવા માંડ્યા. હું અને મા ઘરની સફાઈ કરતાં, ખાવાનું બનાવતાં, કપડાં ધોતાં... અમે માસી સાથેના જીવનમાં જોતરાઈ ગયાં હતાં.

પણ એ નાનકડા ઘરમાં માસી અને તેના બહોળા પરિવાર સાથે લાંબો સમય કાઢવો ધીરજની કસોટી કરવા બરોબર હતો. આ ગાળામાં સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનમાં ઉછરી રહેલા નિરાશ્રિતો અને યુદ્ધનો માર ખાધેલાઓને આશરો આપવાની જાહેરાત કરી.

છેવટે મેં અને માએ માસીની પરવાનગીથી નિરાશ્રિતોના તંબૂમાં રહેવાનું શરૂ કરી દીધું. જોકે અમે ધારતા હતાં તેનાથી આ જીવન વધુ બદતર હતું. મોટા તંબૂમાં જમીન પર કશું જ પાથર્યા વિના અમારે પડ્યા રહેવું પડ્યું. શિયાળાનું તાપમાન જેમ નીચે જતું તેમ રણની ઠંડી હાડ ગાળતી.

હું ચુપચાપ માની પ્રતિક્રિયા જોયા કરતી. એ બિચારી અસ્થમા અને બીજા રોગોના હુમલા વચ્ચે ગળતી જતી હતી. મારા મનમાં કાબુલમાં પિતાની છાયામાં ગાળેલા દિવસો ઊઠતા. મા કેવી અવનવા કપડામાં શોભતી! હું નિસાસો નાખ્યા વિના કશું જ કરી શકતી નહીં.

દરમિયાન મેં આસપાસના વિસ્તારોમાં નાનામોટા કામ કરી પૈસા રળવાનું શરૂ કરી દીધું. પણ તેમાંનો એક રૂપિયો બચતો નહીં. માની દવાઓ અને દવાખાના પાછળ તે વપરાઈ જતા.

દિવસો વિતતા જતા હતા. નિરાશ્રિતો તરીકે તંબૂમાં વસવાટ કર્યાને વરસ વહ્યું પણ હજુ સુધી સંયુક્ત રાષ્ટ્ર તરફથી કોઈ ચોક્કસ સહાય મળી ન હતી. મા માટે હવે ચાલવું પણ અઘરું હતું અને માથે કસોટી કરતો બીજો શિયાળો આવવાની તૈયારીમાં હતો.

હું જાણતી હતી કે મા માટે બીજો શિયાળો રણની રેતીમાં વિતાવવો અઘરો હતો. એટલે તે રીબાઈને મરી જાય એ પહેલા મેં કસબામાં ઘર શોધવા માંડ્યું.

બાર ર્વષની અજાણી અપંગ છોકરી માટે ક્વેતાની ગલીઓ ખૂંદી ઘર શોધવું સરળ ન હતું. સતત દસ દિવસની લોકો પાસેથી આજીજી બાદ એક કુટંબે ઘરકામ કરવાની શરતે એક ઓરડી રહેવા માટે કાઢી આપી.

૨૦૦૦ના શિયાળાની વહેલી સવારે અમે નિરાશ્રિત કેમ્પ ત્યજી આ ઓરડીમાં રહેવાં માંડ્યાં. ઘરના માલિકો અમારી પાસે મજૂર જેવું કામ કરાવતાં. હું સફાઈ કરતી, કપડાં ધોતી, વાસણ માંજતી તે આખા કુટુંબનો બધો જ ભાર મારી ઉપર આવી પડેલો. જાણે મારા નાનકડા ખભા પર આખી પૃથ્વી ન આવી પડી હોય હું આમાંથી છૂટવા તરફડિયાં મારતી. પણ ગુલામ બની રહેવા સિવાય અમારી પાસે કોઈ માર્ગ ન હતો.

આખું ઘર જંપી જાય ત્યારે રાત્રે ઝૂંપડીની બહાર આવી ખુલ્લા આકાશ તળે અલ્લાહને દુઆ કરતી ‘બસ હવે વધુ કસોટી નહીં કર નહીં તો હું મરી જઈશ.’

આ સમયે મને જાણવા મળ્યું કે અફઘાનના કેટલા યુદ્ધથી આહત લોકોને અમેરિકા લઈ જવાની કવાયત આરંભાઈ ચૂકી છે અને મારું હૃદય નાચવા માંડ્યું. ‘ચોક્કસ ભગવાને મારા માટે આકાશથી ઉપર એક વિશ્વ સર્જ્યુ છે. જ્યાં હું ઊડી જઈશ... ’

શ્રદ્ધાની કસોટી

‘વર્લ્ડ રિલીફ’ નામની ખાનગી ખ્રિસ્તી સંસ્થા દ્વારા અમને બચાવવામાં આવી રહ્યાં હતાં. તે માટે અમારે એક કાગળ પર અમારી કહાની લખી વિશાળ મેદાનમાં એકઠા થવાનું હતું. હું મા સાથે ત્યાં ગઈ તો ખરી પણ લાખો લોકોની હઠડેઠક ભીડ જોઈને તમ્મર આવી ગયા. દર કલાકે એક વિશાળ દરવાજો ખૂલતો અને ત્રણ-ચાર લોકોને અંદર લઈ જવાતાં. હું મારા વારાની રાહ જોતી ત્યાં ખડી રહી.

છેક ત્રીજા દિવસે એક પાકિસ્તાની આવીને કહી ગયો, ‘આજે અમે યુથી ઘવાયેલા બાળકોને અંદર બોલાવીશું’ અને તેની આંખો મારા પર આવીને અટકી. માથેથી પગ સુધી તેણે ઝીણી નજરે મને જોઈને કહ્યું, તું અંદર ચાલ અને દરવાજાે બંધ થઈ ગયો.

અંદર મેદાન પર બે-ત્રણ મોટી ગાડીઓ પડેલી, જ્યાં ઘવાયેલા લોકોની સારવાર અને નોંધણી થતી. એક પાકિસ્તાનીએ મને કહ્યું, ‘તું અપંગ કઈ રીતે થઈ?’

મેં કાબુલથી, જર્મની અને પાકિસ્તાન સુધીની મારી દાસ્તાન તેમને સંભળાવી. એ પછી મેં કલાક સુધી ત્યાં ઊભા રહી કહ્યાં કર્યું. થોડીવારે એક સ્ત્રી આવી મને હાથમાં અંગ્રેજીમાં લખેલો કાગળ આપી ગઈ. જેમાં અમેરિકા જતા પહેલા મારે એક ખાસ મુલાકાત આપવાની હતી. હું વાંચતા-લખતાં તો શીખી ન હતી કે કાગળ વાંચી શકું? પેલી ભલી સ્ત્રીએ મને મુલાકાતની તારીખ અને સમય વાંચી સંભળાવ્યો અને અમને ઘરે રવાના કરી દેવાયા.

બરાબર મહિના પછી અમને ઇસ્લામાબાદ લઈ જવામાં આવ્યા. હું મા સાથે જાત-ભાતની વાતો કરી અમેરિકાની કલ્પના તેને બંધાવતી હતી. જોકે તે બધી વાતો કલ્પનામાં રાચવા જેવું હતું.

ઇસ્લામાબાદ પહાચી એક સુંદર અમેરિકન સ્ત્રીએ મને મારા પાછલા જીવન અંગે થોડા સવાલ પૂછ્યાં, અમેરિકા જઈ શું કરીશ તેવી વિગતો નોંધી અને અડધો કલાક પછી એ સોનેરીવાળવાળી સ્ત્રી લાંબુ સ્મિત આપી મને કહ્યું, ‘એક મહિના પછી તું તારી મા સાથે અમેરિકાની ધરતી પર હોઈશ. જા ઘરે જઈને અમેરિકાનાં સપનાં જો.’

એ સમય હતો ઓગસ્ટ ૨૦૦૧નો અને હું ખરેખર અમેરિકાની ધરતી પર ઉડવાના સપનાં જોવા માંડી.

વિશ્વાસ તળિયે

મારી મુલાકાતને હજુ બે અઠવાડિયાં પણ વિત્યાં ન હતાં. ત્યાં જ આખું વિશ્વ હબકી જાય તેવી ઘટના બની. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વિમાનથી ભયાનક હુમલો કરવામાં આવ્યો જેમાં અફઘાનોના હાથ હોવાનું ખૂલ્યું.

ક્વેતામાં તાબડતોડ ફોન કરી સમાચાર આવી ગયા કે, ‘નિરાશ્રિતોને અમેરિકા લઈ જવાનું હાલ પૂરતું રદ કરી દેવાયું છે’ ઓસામાએ વેરાલા વિનાશનો ભોગ અમેરિકા સિવાય નર્કાગારમાં સબડતાં અમારા જેવા હજારો નિરાશ્રિતો પણ બન્યાં.

સમાચાર સાંભળતા જ મારા પગ તળેથી ધરતી સરકી ગઈ. હું દીવાલે માથું અફળાવીને કૂટવા લાગી. ‘હે ભગવાન તું અમારી કેટલી કસોટી કરીશ. મા પણ હવે તો થાકી ચૂકી હતી. તેણે મને સધિયારો આપવાનું પણ ટાળ્યું. કદાચ તેણેય ઉપરવાળાને ભાંડ્યો હશે.

અમારા દિવસો ફરી ગુલામી અને યાતનામાં વિતવા માંડ્યા. મકાન માલિક હવે બમણું કામ મારી માથે નાંખતા હતા. હું પણ બધી આશાઓ છોડીને ચુપચાપ ઢસરડા કરે જતી હતી.

ઊંચી ઉડાન

આજે હું મા સાથે અમેરિકાના શિકાગોમાં કદી કલ્પી ન હોય તેવી આરામદાયક જિંદગી જીવી રહી છું. મા પૂરેપૂરી ખુમારી સાથે શિકાગોની ધરતી પર હરેફરે છે અને હું આંખોમાં જીતની ચમક અને ચાલમાં આત્મવિશ્વાસ સાથે રોજ સવારને પોંખુ છું.

અમેરિકામાં હુમલો થવાની ઘટનાના છ મહિના બાદ ત્યાંની સરકારે ખ્રિસ્તી સંસ્થાને કટોકટી સ્થિતિમાં જીવતા બાળકોને અમેરિકા લાવવા મંજૂરી આપી દીધી અને બીજા જ અઠવાડિયે અમે અહીંની આઝાદ ધરતી પર પગ મૂક્યો...

મા અને હું અંગ્રેજી શીખવાના ક્લાસમાં જઈએ છીએ, છૂટથી તહેવારો ઊજવીએ છીએ. બુરખો તો મેં માને ક્યારનોય છોડાવી દીધો છે. હું અમેરિકાની સ્ત્રી જેવાં આધુનિક કપડાં પહેરતી થઈ છું અને આધુનિક રીતે વિચારતી પણ.

સત્તર વરસની નાનકડી સફરમાં મેં ઘણા બધા રંગ જોયા છે. મારા પિતા બહેનો, ભાઈઓનો વિયોગ, પુરુષોની ગંદી નજર, લોકોનો ધુત્કાર, મારાં રોમેરોમને દઝાડે છે. પણ આ બધા વચ્ચે હું માને જીવાડી શકી છું એનો સંતોષ પણ છે. આજે હું મારી રીતે જીવું છું. જાતે કાર ચલાવી શકું છું. હું અપંગ છું તેવો અહેસાસ આ ધરતી પર આવ્યા પછી મને કદી થયો નથી.

હું ઈચ્છું છું કે મેં જે યાતના અનુભવી તે મારા જેવી બીજી કોઈ અફઘાન સ્ત્રી ન અનુભવે. એટલે હું અપંગ માટે કશુંક કરી તેમને નવું જીવન આપવા ધારું છું. મારું કામ સરળ નથી. પણ મને જિંદગીમાં જે કંઈ મળ્યું છે તેનું ઋણ તો ચૂક્વવું જ પડશેને!

(સંપૂર્ણ)

(ફરાહ અહમદી આજે તેના આ મિશનમાં બરાબર ખૂંપેલી છે. તેણે પોતાના જીવનપરથી બીજાને પ્રેરણા મળે તે હેતુથી તામિન અન્સારી સાથે મળીને પોતાની આત્મકથા ‘ધ અધર સાઈડ ઓફ સ્કાય’ લખી છે. જે એપ્રિલ -૨૦૦૫માં પ્રકાશિત થઈ હતી. ફરાહની આ બહાદુરીને લૌરા બુશ પણ વખાણી ચૂકી છે. આજે શિકાગોમાં પોતાની મા સાથે ફરાહ આનંદનું જીવન વિતાવે છે.)

ભાવાનુવાદ : હેમલ જાદવ

hemal.jadav@gmail.com

contact: 099040 58252

બીજા રસપ્રદ વિકલ્પો