દાસ્તાન - 2 Hemal Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાસ્તાન - 2

દાસ્તાન

પીડા વચ્ચે

પાંગરેલું પુષ્પ

(ભાગ-2)

હેમલ જાદવ

પગ ગુમાવી ચૂકેલી ફરાહ અહમદી પોતાના જીવનને થાળે પાડવા મથી રહી છે, પરંતુ જીવનમાં તેને એક પછી એક ધા લાગતાં રહે છે. જર્મનીમાં કપાયેલાં પગનો ઇલાજ કરીને જ્યારે તે ફરી પાછી સ્વદેશ આવે છે, ત્યારે તે ફરી જીવનમાં અગાઉ જેવી નિર્દોષતાની આશા રાખે છે, પરંતુ થોડા જ દિવસમાં તેના પરિવાર ફરી એક એવી આફત આવી પડે છે, જેમાંથી તેને બહાર નીકળવા પોતાના દેશની સરહદ ઓળંગીને બીજા દેશમાં વસવાટ કરવો પડે છે, અહીંયા પણ નિરાશ્રીતો વચ્ચે તેનું જીવન દોજખભર્યું બને છે. અથડાતી, ફંગોળાતી, સંર્ઘષ કરતી ફરાહ અહમદીને હવે જીવન કેવાં ઝટકા આપે છે તેની વાત...

--------------------------------------------------------------------------------------

બે દેશ વચ્ચેની ફરાહ

જર્મની આવ્યાને મારે દોઢ વરસથી વધુ સમય વીતી ચૂક્યો હતો. આ ગાળામાં મને મારા કુટુંબથી કશા જ સમાચાર કે પત્ર મળ્યા નહોતા. ન તો હું તેમને કશું મારા વિશે જણાવી શકેલી. કહો કે અમારો સંબંધ અફઘાનિસ્તાનની સરહદો ઓળંગવાની સાથે જ કપાઈ ગયો હતો. ક્રિસ્ટિના મને અનેકવાર તેના ઘરે લઈ જતી. ક્યારેક તો હું ત્રણ-ત્રણ દિવસ તેની સાથે રહેતી. તેની નોકરી, તેના છોકરાં, તેનું ઘર, જર્મની વિશે હું તેને બહુ સવાલો પૂછતી. જર્મની જાણે મારા મનમાં વસવા માંડેલું.

આ ગાળામાં કાબુલ ફરી યુદ્ધની લપેટમાં આવ્યું હોવાના સમાચાર મળ્યા. આંતરવિગ્રહ પણ ત્યાં વધતો જતો હતો. એટલે મારા પાછા ફરવાની તારીખો વધુ પાછી ઠેલાઈ. સાચું કહું તો આ સમાચારથી હું ત્યારે કંઈક અંશે રાજી પણ થયેલી. મને ફરી કાબુલ જવાની જરાય ઈચ્છા નહોતી. ક્રિસ્ટિના તેના સગા બાળકની જેમ મને વહાલ કરતી.

છતાંય મારી મા અને બહેનો મને ધ્રુસકે ધ્રુસકે યાદ આવતાં. પાછા જવાની ન જવાની લાગણીઓ મારા હૃદયને વલોવી નાંખતી. ત્યાં જ કાબુલમાં હવાઈ હુમલા અને યુદ્ધ અટક્યાના સમાચારે મને જર્મનીને અલવિદા કહેવાની ફરજ પાડી.

છેવટે મેં પણ મન મનાવી લીધું અને ફરી અફઘાનિસ્તાનની ધરતી પર ઊપડી.

જર્મનીના બે વરસના વસવાટે મને ઘણી બદલી નાંખી હતી. મારો પહેરવેશ અફઘાનસ્ત્રીઓની સરખામણીમાં ઘણો આધુનિક લાગતો. મારા પરિવાર પાસે તેનું અલગ જીવન હતું. મારે જર્મનીને ભૂલીને તેમની સાથે ભળવાની મથામણ આદરવાની હતી.

પણ આ ફેરફાર કંઈ બે-ત્રણ મહિનામાં આવે તેમ ન હતો. કારણ કે જર્મનીથી હું પ્રભાવિત થઈ ગઈ હતી. ત્યાંની સ્ત્રીઓની સ્વતંત્રતા, તેમની અલ્લડતા મને આકર્ષી ગયેલી. જેનાથી છૂટવું મારા માટે અઘરું હતું. અફઘાનિસ્તાન આવ્યા પછી પણ મેં ક્રિસ્ટિનાએ આપેલા કપડાં પહેરવા ચાલું રાખ્યું.

હું એટલા જ મિજાજથી બહાર ફરતી. શેરીના છોકરાઓ સાથે પણ સરળતાથી વાતો કરતી. મારા પહેરવેશ અને વ્યવહારે મને અફઘાનમાં પરગ્રહવાસી બનાવી દીધી હતી. કેટલાક મારા પર ‘છોકરી છાકટી’ થઈ ગયાનો આક્ષેપ કરતા. તો વળી કોઈ કહેતું કે, તેણે શરમ ત્યજી દીધી છે. પણ હું બિન્ધાસ્ત હતી. મારા ઘરવાળા મારી પરિસ્થતિથી સારી પેઠે વાકેફ હતા. કદાચ એટલે જડ ગણાતા મારા પિતાએ પણ મને આ ગાળામાં ટોકી ન હતી.

ખાસ્સા છ એક મહિના સુધી હું મારો આ જર્મન મિજાજ પાળી શકી હતી. આ ગાળામાં મેં મારા કુટુંબની રૂઢિચુસ્તતા સામે છંછેડાઈ તેમનાથી પણ અતડાં રહેવા માંડ્યું હતું. જાણે હું આવા અશિક્ષિત અને કુરિવાજોથી પીડાતા લોકો પર દયા દર્શાવતી હોઉં તેવો મારો વ્યવહાર બનતો જતો હતો.

પણ આ અરસામાં જ મારી સાન ઠેકાણે આવે તેવા બનાવ બન્યા. કાબુલ ફરી યુદ્ધની જ્વાળામાં લપેટાઈ ગયું. સ્થાનિક રહેવાસીઓ ઉપર વિદેશી સૈનિકોની સાથે તાલિબાનોનો પણ ભય મંડરાવવા લાગ્યો હતો.

એક અડધી રાત્રે મારી માએ મને પથારીમાંથી ઝંઝોળી બેઠી કરી દીધી, ‘જલદી ઉઠ. બોમ્બમારો શરૂ થઈ ગયો છે. તારા ભાંડુઓ સાથે બાથરૂમમાં ભરાઈ જા.’ યુદ્ધ દરમિયાન બોમ્બમારાથી બચવા બાથરૂમ અમારા માટે સૌથી સુરક્ષિત સ્થાન ગણાતું.

બહારનું બોમ્બથી મારામાર થતું શ્ય જાેઈ હું ચીસ પાડી ઊઠી. અડધી રાતના ગાઢ અંધારામાં પણ રોકેટની મારમાર ચાલતી, બચવા-મારવા માટે સૈનિકો સામ સામે બોમ્બમારો કરતાં હતાં. કાબુલના લોકો આનાથી ટેવાઈ ચૂક્યાં હતાં. પણ મારે હજુ આ બધા સાથે મેળ ન હતો. તે આખી રાત અમે ડરથી ફફડતા બાથરૂમમાં એકબીજાની ઓથે ભરાઈ રહ્યાં.

બીજા દિવસની સ્થતિમાં કંઈ ખાસ ફરક પડ્યો ન હતો. એટલે એ દિવસ પણ અમારે બાથરૂમમાં પૂરાઈને વિતાવવો પડ્યો. કાબુલની શેરીઓમાં બોમ્બ ફાટવાની સાથે ધૂળની ડમરીઓ ઉડતી. જો કોઈ ઘર પર ખતરનાક બોમ્બ વીંઝાતો તો નાના સૂના ઘર સળગી ઊઠતા.

ભયાનક યુદ્ધ માહોલ ખાસ્સા દસેક દિવસ ચાલ્યો. રોજ કમાતા અમારા જેવા કેટલાય કુટુંબોને ભૂખે મરવાના દિવસો દૂર ન હતા.

પણ આ જ સમયે યુદ્ધના માહોલમાં થોડી રાહત થઈ. સ્થાનિક કટ્ટરવાદીઓ પાછા પડતાં, સૈનિકોએ હુમલાઓનું પ્રમાણ ઘટાડી દીધું. મારા મનમાં કાબુલની ભયાનકતાએ ધારી અસર પાડવાનું શરૂ કરી દીધું.

મારા પિતાએ આવા જોખમો વચ્ચે પણ દુકાને જવાનું શરૂ કરી દીધું. કપડાં સિવવાની તેમની નાનકડી દુકાન આસપાસની શેરીઓમાં ઘણી જાણીતી હતી. એટલે અમારા છ જણાના બહોળા પરિવારને તેમાંથી સહેલાઈથી પોષણ થતું. યુદ્ધ સંપૂર્ણપણે બંધ થયું ન હતું. ગમે તે ઘડીએ કટ્ટરવાદીઓને દબાવવા સૈનિકો હુમલો કરી દેતા. મારા પિતા ઘરનો ઉંબરો ઓળંગતા ત્યારે અમારા બધાનો જીવ ગળામાં આવી જતો. મારી મા ત્યારે અવાર-નવાર તેના શોહરની સલામતી માટે દુઆઓ માગ્યા કરતી. શહેરમાં કોઈના હુમલાની અફવા ઊડે કે અમને કશુંક અજુગતું થવાનો ફફડાટ થતો. છેક સાંજે પિતા ઘરે આવે ત્યારે, ‘હાશ!’ થતી.

હું ચુપચાપ આ બધી ચહેલ પહેલ જોયા કરતી. જર્મનીમાં ભોગવેલી અને અનુભવેલી આઝાદી મને લલચાવતી. છેવટે એક દિવસ મેં પિતાને કહી નાખ્યું, ‘હું આવી રીતે મરી મરીને જીવવા નથી માગતી. મારે અફઘાન છોડવું છે. જર્મનીમાં આપણે નવી દુનિયા વસાવી શકીશું…’ પણ તેમણે મને સમજાવતાં કહ્યું, ‘મારી વહાલી દીકરી જન્મભૂમિથી મોટી કોઈ દુનિયા નથી. આપણે અહીં જ આપણી જાતને સલામત રાખી જીવવાનું છે.’ આ ઘટના બાદ મારા પિતા મારી તરફ થોડા વધુ ઢળ્યા. કદાચ તેઓ મારા બાળમાનસને સારી પેઠે કળી ગયા હશે! રોજ રાત્રે હવે તેઓ મને હું અફઘાન સાથે મારી જાતને જોડી શકું તેવી વાર્તાઓ કહેતા.

છેવટે હું અફઘાન સ્ત્રી બનવા તૈયાર થઈ ગઈ.

છેક ચારેક મહિના બાદ મેં પિતાને કહ્યું, ‘હું અમારા જર્મન કપડાં છોડી દેવા માગું છું. મારે અફઘાન છોકરીના જેવો બુરખો પહેરવો છે.’

આ છોકરી કદી સુધરશે એવી આશા છોડી ચૂકેલા મારા પિતાના મનમાં મારા આ વિધાનથી આનંદનો ઉછાળો આવ્યો. તેઓ માત્ર એટલું જ બોલ્યા, ‘હું તારા માટે ઢગલાબંધ કપડાં બનાવી દઈશ.’

બીજા જ દિવસની સવારે હું મારી મા અને ભાઈઓ સાથે બજાર ઉપડી. મારા મનમાં જાતભાતના વિચારો ઉછાળા મારી રહ્યા હતા અમે ઘડીક આ દુકાનેથી પેલી દુકાને જઈ કાપડ જોતા. હું કાપડ પસંદ કરતી અને મારા ભાઈઓ અને મા તે બંધાવી લેતા. મારા અણુઅણુમાં ખુશી ફેલાતી હતી.

આઘાત પર આઘાત

મેં અડધો ડઝન જેટલા અવનવી ડિઝાઈનના કાપડ ખરીદ્યા હતા. એકબીજા સાથે મજાક કરતા અમે ઝડપથી ઘર તરફ ફંટાયા.

રસ્તામાં જ અમને ઉડતી ખબર મળી કે તાલિબાનીઓએ કેટલી જગ્યાએ ઊહાપોહ મચાવ્યો છે. એટલે અમે યુદ્ધની સ્થિતિ ખડી થાય તે પહેલાં ઘરભેગા થવા ઉતાવળા થયા.

જેવા અમે ઘર તરફની શેરીએ પહોંચ્યાં કે અમારા પગ ત્યાં જ જમીન પર જડાઈ ગયા. અમારા ઘરની ફરતે મોટું ટોળું એકઠું થયેલું. મારી મા અને મેં સામાનની થેલીઓ નાંખી ટોળાને ચીરતા ઘર તરફ દોડી ગયાં. પ્લાસ્ટિકનો પગ લગાવ્યા પછી હું પહેલીવાર આવી રીતે દોડી રહી હતી.

મોટુ અગ્નદાહક રોકેટ અમારા ઘર પર ઝીંકાયું હતું. મકાનની છતમાંથી હજી પણ ધુમાડો નીકળી રહ્યો હતો અને તેમાંથી ઉઠતી બળવાની વાસ માથું ફાડી રહી હતી.

બળીને તૂટી ગયેલી દીવાલો વચ્ચેથી નજર ખસેડી મેં જમીન પર ચાદરો નીચે ઢંકાયેલા મારા પિતા અને બહેનોના શબ તરફ જોયું. મારા હૈયે રાડ નાખી. આગની લપેટોમાં શેકાઈ ગયેલાં તેમના શબ ઓળખવા પણ અઘરાં હતાં. બળીને ભડથું થઈ ગયેલા ઓળા સિવાય હું કશું જ જોઈ ન શકી.

મારી મા ઘડીક આ દીવાલે તો ઘડીક જમીન પર માથુ અફળાવીને આક્રંદ કરી રહી હતી. આવેશમાં આવીને તેણે પોતાના વાળ અને કપડાં પણ ખેંચવા માંડ્યા. પાડોશની સ્ત્રીઓ તેને સંભાળવવા મથી રહી હતી. પણ જેનો પતિ અને બે-બે દીકરીઓ બળીને ખાખ થઈ ગઈ હોય તે સ્ત્રી કઈ રીતે ધરપત બાંધી શકે? મારા બંને ભાંડુઓ મારી કમર અને ખભે હાથ વીંટાળી સાંત્વના આપી રહ્યાં હતાં. થીજી ગયેલા શરીરે હું સટાક થઈને આ બધું જોઈ રહી હતી.

આ ગાળામાં કાબૂલની સ્થતિ વધુ ભયાનક બનવા માંડી હતી. મુઝાહિદ્દીનો ગમે ત્યારે હુમલો કરી શહેરને વેરાન બનાવી દેતા. મારા પિતા અને બહેનોના શબને દાટવા માટે આ સમયે કોઈ વ્યવસ્થા ન થઈ.

ભયની સ્થિતિ બેવડી થતાં પાડોશીઓ પણ બચવાની લાયમાં ગમે ત્યાં ભરાઈ બેઠાં હતાં. હું મા અને મારા ભાઈઓ ચાર દિવસ સુધી બળેલા ઘરની દીવાલોના ઓથા હેઠળ ત્રણ લાશો વચ્ચે પડ્યાં રહ્યાં.

અફઘાનિસ્તાનની આ પીડાદાયક હાલત હું પહેલીવાર જોઈ રહી હતી. મારી આંખો સામે ત્રણ-ત્રણ શબ રઝળી રહ્યાં હતાં. માએ ‘પ્લીઝ, આ લોકોને દાટવામાં કોઈ મદદ કરો...’ એવી વિનંતી કરી. પણ અમારા પડઘા દીવાલને અથડાઈને પાછા ફરતા. માના ચહેરા પરની લાચારી મને આજેય ધ્રૂજાવી જાય છે. એ બિચારી અપંગ દીકરી અને દીકરાઓ સાથે આમથી તેમ ઉડતી યુદ્ધની ડમરીઓ વચ્ચે કૂટાતી હતી.

છેક પાંચમાં દિવસે હુમલાના વાદળ વિખરાયા. બપોર ઢળતા જ કેટલાક દાઢીધારીઓ અમારા ઘરમાં ઘૂસી આવ્યા. મા હજુ કોઈ સવાલ પૂછે એ પહેલાં તેમણે ત્રણેય લાશોને કપડામાં પોટલું કરી બાંધી દીધી. આ બધું શું થઈ રહ્યું છે? તેવું પૂછવાની ત્યારે તો હિંમત મારામાં ક્યાંથી હોય? પણ એટલી જરૂર તમા હતી કે હવેની અમારી જિંદગી કોઈ ભયંકર દોઝખથી ઓછી નહીં હોય. ઘરના પછવાડે આવેલી ખુલ્લી જમીનમાં મારા જીવથી વહાલી બહેનો અને પિતાના શબને બેરહેમથી દાટી દેવાયા.

આજે પણ એ ભયાનક દિવસો મને સપનામાં ડરાવી જાય છે.

એ સાંજે જ મને રેડિયો પર સાંભળવા મળ્યું કે હવે કાબુલ પૂરેપૂરુ તાલિબાનીઓના હસ્તક આવી ચૂક્યું છે અને તેઓ ગમે ત્યારે પોતાને ગમતો કટ્ટર કાયદો લાગુ કરી દેશે. બપોરે જે શબ દાટવાની ઘટના બની હતી તે પણ તાલિબાનીઓના પ્રતાપે જ હતી. તેઓ જરાય લાગણી ભીના થયા વિના હુમલામાં નાશ પામેલાઓને ગમે ત્યાં દાટી આવતા હતા.

બીજા દિવસની સવારે જ જેની શંકા હતી તેવા કટ્ટરપંથી કાયદાની તાલિબાનીઓએ રેડિયો પર સુનાવણી કરી દીધી. ઇસ્લામિક ભાષામાં બોલાયેલી એ વાતોની મને ત્યારે તો સમજણ ન પડી. પણ પાડોશ અને શેરીઓમાં લોકો જે વાતો કરતા તેના પરથી એટલું જરૂર સમજાયું હતું કે હવે અહીંની સ્ત્રીઓ કદી બુરખો ત્યજી શકશે નહીં, પુરુષ વગર અમે ઉંબરો પણ ઓળંગી શકીશું નહીં અને સ્ત્રીએ બધા જ પ્રકારના સાદર્ય પ્રસાધનોથી દૂર રહેવાનું.

આ કાયદાનું ઉલ્લંઘન કરનાર માટે તેમણે સજા પણ ઘડી કાઢી હતી. તાલિબાનીઓ તેમનો હુકમ ન માનનાર સ્ત્રી પર ઈચ્છે ત્યારે બળાત્કાર કરી શકતા. સ્ત્રીઓ તેમના માટે ઉપભોગની વસ્તુ ગણાતી.

આ બધી કવાયતોમાં પાર પડતા તાલિબાનીઓને ધીરે-ધીરે છુટ્ટો દોર મળવા લાગ્યો હતો. હથિયારો સાથે તેઓ અમારી શેરીમાં ફરતાં અને સહેજ વિરોધ કરનારને તેઓ જંગલી વરુ જેમ હરણને પીંખે તેમ તેને પીંખી નાંખતા. મારી મા મને આ બધાથી સતત બચાવતી. તે ભાગ્યે જ મને બારીની બહાર પણ ડોકું કાઢવા દેતી. તેમનું મન હંમેશા તેની વહાલી દીકરીની ચિંતાથી ફફડતું રહેતું.

અમે ચારે જણાએ હુમલામાં રાખ થઈ ગયેલા અમારા ઘરને બાંધવાના પ્રયત્નો કરવા માંડ્યા. મારા ભાઈઓ કાળી દીવાલો પર રંગ ચડાવતા હું તળિયું ઘસીને કાળા ધબ્બા દૂર કરતી અને મારી મા બારી-બારણાના પડદા બનાવતી. અમારી જિંદગીએ ભૂતકાળને ભૂલીને ફરી પાટે ચડવાનું શરૂ કરી દીધું હતું.

પણ, મારે હજુ ઘણું ગુમાવવાનું હતું. કાબુલમાં અમારું ભવિષ્ય ભુતકાળ કરતાં પણ વધુ ખોફનાક બની રહેવાનું હતું.

મારા પિતાને મૃત્યુ પામ્યાનો મહિનો માંડ થયો હશે કે તાલિબાનીઓએ તેમની કટ્ટરવાદી લડતને આગળ લઈ જવા સૈનિકોની જરૂરિયાત અંગે જાહેરાત કરી. આ જાહેરાતનો અર્થ એ હતો કે હવે દરેક કુટુંબ પાસેથી તેમના દીકરાઓ ઝૂંટવી લેવામાં આવશે.

જોકે અમારા કસબામાં તાલિબાનીઓના આ ઇરાદા સામે જ અલગ વાતો થતી હતી. હઝારા જાતિ માટે તાલિબાનો ભારે ઘૃણા પાળતા અને હઝારા યુવાનોને તેઓ સૈન્યમાં જોડવાના બદલે દૂર જંગલમાં જઈ રહેંસી નાંખતા. આ વાતને ભૂતકાળની ઘટનાઓએ પાકો પુરાવો આપ્યો હતો. એટલે હઝારા કોમનાં કુટુંબો તાલીબાનીઓથી તેમના દીકરાઓને દૂર રાખવા લાગ્યા.

એક સાંજે અમારા કસબાના કેટલાક લોકો છૂપાઈને એક મકાનમાં ભેગા થયા. મારા બે ભાઈઓની સાથે માએ મને પણ ત્યાં સાથે લીધી. આ મુલાકાત હઝારા કોમના દીકરાઓને બચાવવા માટે બોલાવાઈ હતી. મુખિયાએ અનુભવીની અદાથી કહ્યું, તક જોઈને આપણે આપણા સંતાનોને પાકિસ્તાન ભગાડી દેવા જેથી તેઓ ત્યાં સલામત જીવન વિતાવી શકે.

વિયોગનો હજુ એક આઘાત તો પૂરો શમ્યો પણ ન હતો. ત્યાં મારા માથે ભાઈઓથી વિખૂટા પડવાનું આવી પડ્યું. છાના છપને બચાવેલા રૂપિયા લોકોએ તેમના દીકરાને ગાંઠે કરી આપ્યા. મા પાસે એવી કોઈ મોટી બચત તો ન હતી, પણ કેટલાક ઘરેણાં તેણે મારા નિકાહ માટે સાચવેલા તે વેચીને રૂપિયા લઈ આવી.

દરવાજાના આડે છૂપાઈને હું મારા ભાઈઓની વિદાય જોઈ રહી હતી. મારી માએ મારા મોટા ભાઈ જે સોળ ર્વષના હતા, તે મોહમ્મદને પહેલા કપાળે ચૂમી ભરી અને નવ વર્ષના ઘાયુસનો હાથ તેના હાથમાં સાપી કહ્યું, ‘તારાભાઈની કાળજી રાખજે. અમે તને કદી નહીં ભૂલી શકીએ. પાકિસ્તાન જઈ પહોંચ્યાના સમાચાર કહેજે. તારી બહેન અને માવડી હંમેશાં તારી રાહ જોતી રહેશે.’

મોહમ્મદે જતાં-જતાં મારા માથે વહાલથી હાથ પસવાર્યો. તેમને ભેટીને હું ખૂબ રડી અને રાત્રિના અંધારામાં એકબીજાને વહાલભયુ આવજો કહી અમે વિખૂટા પડ્યા.

એ પછી મેં ક્યારેય મારા ભાઈઓને જોયા નહીં.

(ક્રમશ:)

હેમલ જાદવ

hemal.jadav@gmail.com

contact: 099040 58252

---------------------------------------------------------------------------------------------------------------------