ટ્રાફિક જામ Bhartiben Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રાફિક જામ

ટ્રાફિક જામ

ચારેબાજુથી હોર્નના કર્કશ અવાજ આવી રહ્યા હતા.તાત્કાલિક રસ્તો ખુલ્લો થાય તેવા કોઈ સંજોગો દેખાતા ન હતા. ટ્રક ડ્રાઈવર બચુ શામજીએ એન્જિન બંધ કર્યું.કૂદકો મારીને નીચે ઉતર્યો.ને પછી હતું એટલું જોર કરી દરવાજો બંધ કર્યો

લેંઘાના ખિસ્સામાંથી માવો કાઢ્યો ને ચોળતા ચોળતા આજુબાજુ નજર કરવા લાગ્યો.તેને ઉતરેલો જોઈ અન્ય ડ્રાઈવરો પણ એક પછી એક નીચે ઉતરવા લાગ્યા. તે બધાના વેશ-પહેરવેશ પરથી લાગી રહ્યું હતું કે તેઓ લાંબા સમયથી ઘરની બહાર- કદાચ તો હાઈવે પર જ રહ્યા હશે.રસ્તા પર નજર કરતા કરતા એક સરદારજી બચુની નજીક આવ્યા.ને પછી કહે, “.જામ તો બહુત લમ્બા દિખતા હૈ..કૌન જાને કબ ખુલેગા.” બચુએ સાંભળીને જાણે એના જ શબ્દોમાં જવાબ દીધો., “ હા..ભૈયા..બહુત લમ્બા દિખતા હૈ..રબ જાને કબ ખુલેગા.” બાજુમાં એક યુવાન ઊભો ઊભો આ સાંભળતો હતો.તે ત્રણેય હસી પડ્યા.જોતજોતામાં છ-સાત જણા ત્યાં એકઠા થઈ ગયા.

થોડે દૂર એક છોકરો આંટા મારી રહ્યો હતો.તે આ જ વિસ્તારનો રહેવાસી હશે એમ માની ને સરદારજીએ તેને કહ્યું, “અબે ઓય નીલે ખમીસવાલે, યહાં પે ચાય મિલેગી કયા ?” છોકરાએ આંગળીના ઈશારાથી એક ધાબા તરફ આંગળી ચીંધી ને ટોળકી ઉપડી ચા પીવા.

ચા પીવાઈ ગઈ. ટોળટપ્પા મારતા મારતા પ્રાથમિક પરિચય પણ કરી લીધો.ધીમે ધીમે અંધારું થવા લાગ્યું.શિયાળાના દિવસો તે રાત પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ.ફરી સૌએ રસ્તા પર નજર કરી પણ ટ્રાફિક ખુલવાના કોઈ એંધાણ લાગતા ન હતા.

યુવાન ડ્રાઈવર ગયો ને થોડાં સુકાં લાકડાં વીણી લાવ્યો.બીડી સળગાવવા માટે માચિસ તો હતું ખિસ્સામાં.તે કાઢ્યું ને તાપણું કર્યું.બધા આજુબાજુ ગોઠવાઈ ગયા.સમય મળતા જ કોઈએ પોતાના શેઠની ભલમનસાઈની વાતો કરી તો કોઈએ મન ભરીને બળાપા કાઢ્યા.કોઇએ પોતાના ગામના રાજકારંણની વાતો કરી તો કોઇએ નવી આવેલી ફિલ્મની તો કોઇએ વળી પોતાની ગાડીમાં ચડતા રહેતા મુસાફરોની ખાસિયતોના કિસ્સા રસપૂર્વક કહ્યા.

બચુ આમતો ભારે મોજિલો માણસ.કાયમ મસ્તીથી જીવે.કંઈક યાદ આવતા થોડું હસ્યો.બધાની નજર તેના પર પડી.તેણે પોતાનો ગળામાં બાંઘેલો મેલોઘેલો રૂમાલ પહેલા કાઢ્યો ને પછી છેડે થોડા વળ ચડાવ્યા ને પછી પાછો બાંધી દીધો.ને જાણે વાત કરવા તૈયાર થયો હોય તેમ ખોખારો ખાધો.

પછી વાત ચાલું કરી. “ એક વખત ગાડીમાં માલ ભરીને શેરમાં પોચાડવાનો હતો.જો કે માલ તો રાતે જ ભરી દીધો હતો.સવારમાં વહેલા નીકળવાનું ગોઠવેલું. દી’ ઊગ્યો.તૈયાર થઈને નીકળ્યો.હજુ તો ગાડીમાં ચડી માતાજીને દીવાબત્તી કરતો હતો ત્યાં શેરીના નાકે રહેતાં કંકુમા આવ્યાં.મને કહે, “બચુ..ઊભો રે.મારે તારી હાર્યે આવવું સે..”મને એમ કે ક્યાંક બહારગામ કામે જાવું હશે. મેં પૂછ્યું, “ ક્યે ગામ ઉતરવાનું ?” તો કહે, “ઉતરવાનું ક્યાંય નય.ફરી ને પાછું ગામમાં આવી જવાનું !”

મારાથી રહેવાયું નહીં તે કહી દીધું, “ અરે માડી..હું તો આ માલ ઉતારવા શેરમાં જાઉં છું.હું ફરવા કે જાત્રા ક્રરવા થોડો જાઉં છું તે તમનેય લેતો જાઉં ? પણ કંકુમા એટલે કંકુમા. ઘાર્યુ જ કરવાવાળા. મને ક્યે, “ કેબિનમાં મગન હોય તો ઠીક નહીંતર હું તો પાછળ માલની બાજુમાં બેઠી રહીશ એક ખૂણામાં..ને જો બચુ બાયુ છે ને એ લખમીનો અવતાર કહેવાય. હારે હોયને તો્ય શકન થાય ને હારા વાના થાય.” ને આમ એણે કેટલુંય બોલ્યે રાખ્યું.મેં કંટાળીને કહી દીધું “ હા માડી બેસી જાવ..ફર્યા કરજો તમતમારે ખટારો જ્યાં જાય ત્યાં !

સરદારજીથી ન રહેવાયું.કહે, “યે ઔરતેં ભી..અપને આપકો ક્યા સમજતી હૈ ? કિસીકી સુનતી હી નહીં..!” પેલો યુવાન કહે, “ શું બચુભાઈ તમે તેને ખરેખર સાથે લઈ ગયા ?” “ હો..વે.. ને આમ પણ માલ ઉતારવા સિવાય બીજું કોઈ કામ હતું પણ નહીં. હા..તેને ચડવા-ઉતરવામાં થોડી તકલીફ થઈ.પણ તેને કાંઈ વાંધો ન હતો..વાંધો તો મને હતો તેની વાતોનો.કેટલી વાતો કરે..કેટલી વાતો કરે..! ખરું કહુ તો મેં તો ગાડી ચલાવવામાં જ ધ્યાન આપ્યું…ને હોકારો દીધે રાખ્યો.એય ખુશ..!”

એમાં પાછું એવું બન્યું. ચાનું ટાણું થયું.એક હોટલ આવી ને મેં ગાડી ઊભી રાખી. પૂછયું ચા પીશોને ? તો ફટ્ટ કરતી ના પાડી દીધી.ને પાછા કહે, “ તું પી..મને તો કોઈના હાથની નો ભાવે.” ને જેવો હું ગયો કે પાછળથી સાત-આઠ બૈરાંને બેસાડી દીધાં ને મને આવેલો જોઈને પેલાં બૈરાંઓને કહે, “તમારું ગામ આવે તઈં બોલજો બચુ ગાડી ઊભી રાખશે.બાકી હું બેઠી છું ને કાંઈ ઉપાધી કર્યા વગર બેસી જાવ તમતમારે.” મારે કાંઈ બોલવા જેવું ન રહ્યું.મેં ગાડી ચાલુ કરી.અડધો કલાક જેવું ચાલ્યા ત્યાં ગામ આવ્યું ને તે બધાં ઊતરી ગયાં.થોડીવાર થઈ ત્યાં તો કંકુમાએ પોતાના સાડલાના છેડામાં બાંધેલી દસ-દસની નોટો કાઢી ને મને કહે, “ લે બચુ…આ પેલી બાયુ પાસેથી લઈ લીધેલા.તારે ચા-પાણીનો ખરચ નીકળી જાય ને ..!”

હું તો એ માડી સામે જોઈ રહ્યો.વળી બધા હસવા લાગ્યા. સરદારજી વારંવાર રોડ બાજુ જોઈ લેતા હતા.તેને ઉતાવળ હોય એવું લાગ્યું.પણ આ ટ્રાફિક જામનો ઉપાય એ કોઈના હાથની વાત નહીં.એક ભાઈએ આડાઅવળાં લાકડાંનાં બટકાં સરખાં ગોઠવ્યાં ને તાપણું ઠીકઠાક કર્યું.

પેલા યુવાનને કંકુમાની વાતોમાં બહુ રસ પડ્યો.તેણે પૂછી લીધું , “ બચુભાઈ..તેને સાજાનરવા ઘેર તો પોંચાડી દીધાં હતા ને ?”

બચુ કહે, “ હો..વે..મેં તો એને ઘેર પોંચાડી દીધાં પણ એ પહેલાં તો એણે મારું ઘર વસાવી દીધું..!” બધા એક સાથે બોલી ઊઠ્યા કે એણે વળી ઘર કેમ વસાવી દીધું ?

બચુ બોલ્યો, “ મેં પહેલા કહ્યું હતું તેમ એ વાતો બહુ કરતાં ને વાતે વાતે ‘હું બેઠી છું ને’ ‘હું બેઠી છું ને' કર્યા કરે તેથી મેં મારી મુશ્કેલીની વાત કરી.”

મેં કીધું, “ કંકુમા…આંયા રસ્તામાં જ કડાણા કરીને ગામ છે. ત્યાં મારી વાત ચાલેલી પણ…”આ સાંભળી કંકુમા કહે, “ રોયા..વાત હાલેલી તો પછી અધૂરી કાં છોડી દીધી ? છોડીને પયણીને ઘરભેગી નો કરી દેવાય ?” પણ મારી વાત તો સાંભળો , “ મારા ઘરમાં હું એકલો જ રહું છું તેની તો તમને ખબર જ છે,એ વાતનો આવનારીનેય વાંધો ન હતો.પણ તેના ઘરના બધા એમ

કેવા લાગ્યા કે ઘરમાં કોઈ આગળ કે પાછળ નહીં ને ધંધે ડ્રાઈવર ગમે તે સમયે બહાર જાવાનું થાય.આવા ખાલી ઘરમાં છોડી કેમ દેવી ? ને વાત આમ અટકી પડેલી.હજુ તેનું ક્યાંય થયું નથી..”

આ સાંભળી કંકુમા કહે, “ એ ગામ આવે તંઈ તારો આ ખટારો ઊભો રાખજે.આપણે જાતા જાયી.કામ થાય તો ઠીક નઈતર ઘરનો ચા તો પીવા મળશે” આટલું કહી કંકુમા બોખા મોંએ હસી પડ્યાં.

સરદારજી કહે, “ ક્યા આપ સચમુચ વહાં લે ગયે ઉસ બુઢિયા કો..?”

બચુ કહે, “ હો..વે..લઈ ગયો ને.પછી તો કંકુમાએ એવી વાતો કરી..એવી વાતો કરી..ને વાતવાતમાં પાછાં કહેતાં જાય. હું બેઠી છું ને ? તમારી દીકરી એ અમારી દીકરી. એની કાંઈ ઉપાધી કરવાની નો હોય.” પેલા લોકોને તો એવો ભરોસો બેસી ગયો કે મંદિરમાં સાદાઈથી લગન કરવાનું પણ પાકું કરી નાખ્યું પછી ત્યાંથી ઊઠ્યા.”

એક ભાઈ કહે, “ તો શું તારા ઘરમાં આજે એ જ બૈરું છે ? “હો…વે…”કરતો બચુ શરમાઈ ને નીચું જોઈ ગયો. “ને પછી તો શેરમાં માલ ઉતાર્યો.પાછા આવ્યા ને કંકુમાએ ધડાકો કર્યો.મને કહે, “ એલા બચુડા..હું તારી હારે આવી’તી એ મારા શ્યામુના બાપાને કહેતો નહીં.” મને નવાઈ લાગી.મેં કીધું કેમ ? તો કહે, “ કાલે અમારે બેય ને બાધણું થયેલું.વાતવાતમાં મને ક્યે ‘ તારે જાવું હોય ન્યા જા તારો ભાવ પૂછવા કોઈ નવરું નથી દુનિયામાં..દુઃખી થઈને પાછી આવીશ.’ ને હું તો વટથી નીકળી ગઈ ઘરમાંથી.રોયાએ ભલેને આખો દી’ મને ગોતવામાં કાઢ્યો હોય ! ને હવે છે ને નિરાંતે મારા જ મોંએ આખા દી’ની વાતુ કરીશ..ને કઈશ કે હું તો દુઃખી નો થઈ પણ બચુનું દુઃખેય ઓછું કરતી આવી..!” ને પછી તો કંકુમાને ઉતાવળા પગે ઘર બાજુ જાતા હું જોઈ રહ્યો.કંકુમા….એટલે ..કંકુમા .”

આ સાંભળી ને બધાને હસવું આવ્યું.ને હસતાં હસતાં કહે કે તારા માટે તો સાચે જ લખમીનો અવતાર થઈને આવ્યા’તા ખરુને ?

હો…વે..કરતા બચુએ રોડ બાજુ જોયું.વાહનોમાં થોડી ચહલ-પહલ દેખાઈ.

તાપણું ઠારી બધા ડ્રાઈવર ભાઈઓ પોતપોતાના વાહન તરફ જવા લાગ્યા.બચુ પણ પોતાની ગાડીમાં ચડ્યો.તેણે જોયું આગલા ટ્રકની પાછળ લખ્યું હતું

-ઔરત તેરે કિતને રંગ..ઔરત તેરે કિતને રૂપ-

*****************************************************************************