1 4 ડોશી Darshil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

1 4 ડોશી

1/4 ડોશી

"પાડોશી" શબ્દ એ પાડો અને ડોશી બે અલગ-અલગ શબ્દો નો સુમેળ છે.. બંને વસ્તુઓ પ્રત્યે ગામડા ના લોકો પ્રેમભાવ રાખે છે અને શહેરીજનો ને એની કંઈ પડી જ નથી હોતી... એટલે જ ગામડામાં પાડોશીઓ સારા અને શહેરમાં પાડોશીઓ દુષ્ટ હોય છે !

"પહેલો સગો એ પાડોશી" એવી એક ખુબ જ જૂની કહેવત છે ( આપણા દેશ માટે તો પાડોશી માં એક છોકરો અને બીજો તો એ છોકરાનો પણ છોકરો છે , એટલે આપણા દેશને તો આ કહેવત ટેકનીકલી પણ લાગુ પડે છે. .. સાલુ વડવાઓ એ કેટલુ વિચારીને કહેવત બનાવી હશે !) હા તો જીવનમાં પાડોશીઓ હોવા ખુબ જરૂરી છે(જરૂરી નથી કે હું લખુ એ બધુ જ સાચુ હોય, ઘણીવાર પાડોશીઓ ને ખોટુ ન લાગે એટલે આવુ લખવુ પડે સાહેબ) હા તો મુદ્દા ની વાત કરીએ તો પાડોશી મોટાભાગે બે પ્રકારના હોય છે એક સારા અને બીજા ખરાબ ! ખરાબ લોકો એ પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈને એનુ "આંધળુ" અનુકરણ કરવાની કોશિશ કરીને પસ્તાયા હોય છે એટલે એ ખરાબ બની ગયા હોય છે અને જે સારા હોય છે એમણે નવુ-નવુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવાનું ચાલુ કર્યુ હોય છે એવી લોકવાયકા છે. આમ વૈજ્ઞાનિક ભાષા માં કહુ તો પાડોશીઓ નું સમયાંતરે SAB TV વાળા પાડોશીઓ માંથી STAR PLUS વાળા પાડોશીઓ માં પરિવર્તન થાય છે ! "વાટકી વ્યહવાર" એ એક આદર્શ ભારતીય પાડોશી ની ઓળખાણ છે પણ ઘણા પાડોશીઓ વાટકી વ્યહવાર ની સાથે સાથે દુર્વ્યહવાર પણ કરે છે (લેખકશ્રી અહીં પાકિસ્તાન કે ચીન ની વાત નથી કરતા એ ધ્યાન માં લેવુ ) હા તો વાટકી વ્યહવાર ના નામે પાડોશીઓ વાટકી કરતાય મોંઘી-મોંઘી વસ્તુઓ લઈ જાય છે ( ઘણા કેસમાં તો બૈરુ પણ લઈ/ભગાડી જાય છે !) મોંઘી વસ્તુ ની વાત કરીએ તો એક તો છે કશ્મીરનો સારો એવો ભાગ અને બીજુ છે 750 sq. મીટર જેટલો અરૂણાચલ પ્રદેશ નો વિસ્તાર ! અને પાછા આપણે "શરમ" માં એને પાછુ પણ નથી માંગી શકતા. ખૈર આ તો ઊંચા લેવલ ની વાત થઈ આપણે નોર્મલ વાત કરીએ તો પાડોશીઓ ના આમાં પણ બે પ્રકાર હોય છે એક માંગી ને કંઈક લઈ જવા વાળા અને એક ઝુંટવી ને કંઈક લઈ જવા વાળા ( હજીપણ લેખકશ્રી પાકિસ્તાન કે ચીન ની વાત નથી કરતા..) હવે મોટાભાગ ના લોકો ને એમના પાછલા જન્મ ના કર્મો ના ફળ સ્વરૂપે ઝુંટવી ને લઈ જવા વાળા પાડોશીઓ જ ભટકાય છે..અને આમપણ પાડોશીઓ માંગવા આવે તો આપણે ક્યાં બધી વસ્તુઓ આપી દઈએ છીએ !!! હમણા નો જ કિસ્સો લઈ લો, આપણા જ દેશમાં એક પાડોશી રાજ્ય એમના બીજા પાડોશી રાજ્ય ને પાણી આપવાની ના પાડે છે.... અને એક પાડોશી કશ્મીર માંગે છે, ક્યાં મેળ પડવાનો એમનો આમાં...! એક તારણ મુજબ એ જાણવા મળ્યુ છે કે તમારા ઘરમાં કઈ વસ્તુ ક્યાં પડી હોય છે એની જાણ તમારા કરતા પાડોશી ને વધારે હોય છે એટલે તમે એમ પણ ન કહી શકો કે મને ખબર નથી ફલાણી વસ્તુ ક્યાં પડી છે ! જોકે નેક્સ્ટ લેવલના પાડોશી તો તમારા બધાજ સગા-વ્હાલા ને પણ ઓળખી જાણે છે... ઘણા પાડોશીઓ તમે દાઢી-મુછ વધારી દો તો પણ ટેન્શનમાં આવી જાય છે કે આણે કોઈ ગેંગ તો જોઈન નહી કરી હોય ને..બીડી - ગુટખા તમ્બાકુ કે દારૂ તો નથી પીવા લાગ્યો ને.. અને પીવા પણ લાગ્યો હોય તો એમને શુ લેવાદેવા.. ના, લેવાદેવા છે એક સરસ 3-4 દિવસ ચાલે એવો "ટોપિક" મળી જાય ને...! 90% કેસમાં પાડોશીઓ અતિશંકાશીલ મતલબ કે વધારે પડતા વહેમીલા હોય છે એ , આવા પાડોશીઓ તો ઘરે તાળુ મારીને ક્યાંક બહાર જતા હોઈએ ત્યારે જ આપણે એની જોડે લીધેલા પૈસા પાછા માંગી લે છે (ક્યાંક ભાગી તો નહી જાય ને એ ડર તો સતાવે ને ) પહેલાના સમયમાં ઉનાળા ની બપોરે લાઈટ જાય (હા આપણે વીજળી ના જાય , ખાલી લાઈટ જ જાય ) એ ટાઈમે બધા પાડોશીઓ બહાર ક્યાંક ભેગા થઈ જતા અને અલકમલક ની લેવાદેવા વગરની વાતો કરતા ! પણ આ જાલિમ દુનિયા ... જનરેટર બનાવી ને એ અકાળે થતી મિટિંગ પણ બંધ કરી નાખી ! બે પાડોશીઓ વચ્ચે પ્રેમ હોવો એ એક સામાન્ય /નોર્મલ અને સારી બાબત છે.. પણ આ પ્રેમ બે અલગ-અલગ Gender ના પાડોશીઓ વચ્ચે હોય ત્યારે થોડી તકલીફ થઈ જાય છે....એમાંય પ્રેમ બંને વચ્ચે સરખી માત્રા માં હોય તો એ બે પ્રેમી પાડોશીઓ ભાગી પણ જાય છે અને ન ભાગે તો સમય જતા એમનુ દિલ તો ભાંગે જ છે ..! ગુજરાત જેવા રાજ્યમાં પાડોશીનો ઉપયોગ ઘરે તાળુ મારી ચાવી આપવા માટે પણ થાય છે ! આપણા ઘરે કોઈ ન હોય અને કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે હમણા નહી મળે એ બહાર ગયા છે એવુ કહીને મહેમાનો ને હાંકી કાઢવા પણ એ એક અગત્યનો ભાગ ભજવે છે , પછી આપણા ઘરે ટીવીમાં ઝરમરિયા આવતા હોય કે ચેનલ જ ન આવતી હોય તો એક મોટી ગામ ગજવતી બુમ મારીને પુછી શકાય છે કે બધે આવુ જ છે કે અમને જ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મળી રહી છે ! એ સિવાય ના કેટલાક ઊપયોગો માં ઘરે ટીંડોળા કે અન્ય ન ભાવતા શાક બન્યા હોય તો એમના ઘરે ખાવાના ટાઈમે જ જઈ ને એમનુ બનાવેલુ "ઝાપટવા" માટે અને ઓફકોર્સ, ઘણાખરા કેસમાં ઈન્ટરનેટ ચલાવવા માટે વાઈફાઈ ની સુવિધા પણ પૂરી પાડે છે !!

એક સર્વે મુજબ એવુ જાણવા મળ્યુ છે કે જો એક પાડોશી તરીકે સારી છાપ છોડવા માંગતા હોવ તો ઘર માં વાઈફાઈ રાઉટર નખાવી એનો પાસવર્ડ તમારા પાડોશીઓ ને વહેંચી દો( વેચી નહી વહેંચી..! ) કપિલ શર્મા ના એકમાત્ર મુવીમાં જોવા મળ્યુ એમ એકજ સોસાયટીમાં અને એકજ ફ્લેટ માં રહેતા હોવા જતા પાડોશીઓ ને નથી ઓળખતા... કારણ કદાચ કદ્દાચ એ પાડોશીઓ ના ઘરમાં વાઈફાઈ નુ રાઉટર નહી નંખાવ્યુ હોય !

ભારતીય સિનેમા માં પાડોશીઓ ને જવલ્લે જ મહત્વ અપાયુ છે. પાડોશીઓ વિશે સારા કહેવાય એવા ગીતો આંગળી ના વેઢે ગણી શકાય એટલા જ છે... પડોસન, મુઝ સે શાદી કરોગી જેવા પિક્ચર માં બે પાડોશીઓ વચ્ચે ઘર્ષણ સ્પષ્ટ જોઈ શકાય છે.. ટૂંકમાં પાડોશીઓ પ્રત્યે ફિલ્મ ના ડાયરેક્ટરો-પ્રોડ્યુસરો ને પણ વેરઝેર હોઈ શકે છે.. પહેલા ના સમયમાં રાજા-મહારાજા રાજકુમાર-રાજકુમારીઓ ની લેવડ દેવડ પાડોશીઓ જોડે કરતા હતા , ખૈર હવે એ દિવસો ક્યાં... પણ હવે ના પાડોશીઓ ત્રાસ-તકલીફ સિવાય બીજુ કંઈ જ આપતા નથી ( અમુક સારા પાડોશીઓ વાઈફાઈ નો પાસવર્ડ પણ આપે છે)

Note : આ લેખથી જો કોઈની લાગણી દુભાઈ હોય તો...... થાય એ કરી લેવુ!

અંતવાણી : નોર્મલ જીંદગીમાં પાડોશીઓ ખોટા સમયે ઘર માં આવી ચડે તો "ધુમતનનનન ધુમતનનનન" એવો બેકગ્રાઉન્ડ માં અવાજ નથી આવતો !