Virah books and stories free download online pdf in Gujarati

વિરહ

વિરહ

અભય ક્યાંય સુંધી એ ઘર સામું ઉભો રહ્યો. કેટલીય યાદો આ ઘર સાથે જોડાયેલી હતી. બચપણ અને જવાની બંને અવસ્થાની યાદો આ ઘરની દીવાલોમાં સંઘરેલી હતી. પણ અત્યારે એ ઘર નહિ પણ ખંડેર જેવું લાગતું હતું. શું પૂછું? અને કોને પૂછું? આ બંને પ્રશ્નો એના મનમાં ઘુમરાઈ રહ્યા હતા.

થોડીવાર તો એ એની કમ્પાઉન્ડ વોલને અડીને ઉભો રહ્યો. ધોમધખતો તાપ એનાથી સહન થતો ન હતો એટલે એણે બેગમાંથી કેપ કાઢી અને પહેરી લીધી છતાં એ ત્યાં ઉભો હતો. બપોર હોવાને કારણે સોસાયટીમાં કોઈ અવરજવર ન હતી. એણે ખભે લટકાવેલી બેગમાંથી મિનરલ વોટરની બોટલ કાઢી અને અડધી બોટલ એ ગટગટાવી ગયો. અંદર ઉભેલો આસોપાલવ હજુય એવોજ લીલો રંગ જાળવીને ઉભો હતો, એ સિવાયના બધા નાનામોટા ઝાડ સુકાયેલા નહોતા. તુલસીનું તો આખું વન થયેલું હતું. ગલગોટાના છોડ પણ બોરસલ્લીના છાયડામાં મહોરેલા હતા. એ વિચારી રહ્યો કે ઘર અને દરવાજો બંને પર તાળું લગાવેલું છે તો પણ ખંડેર જેવા લાગતા આ ઘરમાં લીલોતરી કેમ અકબંધ છે?

ત્યાંથી નીકળતા પહેલા ફરી એણે એ ઘરની સામું જોયું અને પાછા પગ વાળ્યા ત્યાં એમની બાજુવાળા પાડોશી બહેન બહાર નીકળ્યા એમણે અભયની સામું જોઈને પૂછ્યું; ‘બોલો ભાઈ શું કામ હતું? આ ઘર વેચવાનું નથી એટલે એ વિષે પૂછતાં નહિ.’પચીસેક વરસની એ યુવતીએ ખુબ સહજતાથી અભયને આગંતુક ગણી પૂછી લીધું.

અભયે એમની સામું જોઇને જવાબ આપ્યો; ‘કેમ આ મકાન નથી વેચવાનું? મારે તો આ એરિયામાં જ મકાન લેવું છે એટલે જ હું અહી આવ્યો હતો. મને રસ્તામાં એક કાકા મળ્યા એમણે તો મને એવું કીધું કે સાત નંબર કદાચ વેચવાનો હશે ત્યાં જઈ પૂછી લો, એટલે જ હું અહી આવ્યો.’ અભયે સાવ ગપ્પું જ માર્યું. એ જાણતો હતો કે પાડોશી બહેન તો એ બંગલામાં હમણાં જ રહેવા આવ્યા લાગે છે. એટલે એ પોતાને ઓળખવાના નથી અને અહી ઉભું રહેવાનું કોઈ કારણ પૂછે તો કશુક કારણ તો આપવું જ પડશે.

હાથમાં નાની બેગ અને ખભે લટકાવેલ લગેજ બેગ જોઈ એવું લાગતું હતું કે આ ભાઈ ક્યાંક બહારગામથી આવ્યા હશે. પેલી યુવતી હીનાએ અભયને અંદર આવીને બેસવા કહ્યું; ‘આવો ભાઈ અંદર આવો ઠંડુ પાણી પી ને જાઓ ક્યાંક દુરથી આવ્યા લાગો છો. આટલા તાપમાં ઉભા રહેવા કરતા થોડીવાર બેસીને જાઓ મારા હસબંડ આવતા જ હશે કદાચ એમની પાસે તમારે ખરીદવા લાયક પ્રોપર્ટીની માહિતી હશે.’

આકરા તાપથી અકળાયેલ અભયે કશી આનાકાની વગર એ આમંત્રણનો સ્વીકાર કર્યો. આખું ઘર રીનોવેશન કરાવેલું હોય એમ લાગ્યું. બહારનું રંગરોગાન અને અંદરનું ફર્નીચર જોઈ અભયને લાગ્યું કે કદાચ સુનીલના પપ્પા શાહકાકાએ આ મકાન વેચી દીધું હશે. પેલી યુવતી અંદરથી ઠંડું પાણી લઈને આવી. પાણી પીતા પીતા અભયે પૂછ્યું; ‘તે આ બાજુવાળા મકાનમાં કોઈ રહેતું નથી.?’

‘ભગીરથકાકા રહે છે પણ નહિ રહેવા બરાબર જ કહેવાય. એકલા જ છે એટલે મહિનામાં બે-ત્રણ દિવસ માટેજ આવે છે.’

‘કેમ કોઈ છોકરાછૈયા નથી તે એકલા રહે છે?’ અભયે ઇન્તેઝારીથી પૂછ્યું.

‘હું તો પરણીને આવ્યે બે વરસજ થયા પણ કહે છે કે એમને એક નો એક દીકરો હતો ખરો.’

‘હતો એટલે ?? અત્યારે નથી ?’

‘હતો જ કહેવાય ને...પાંચેક વરસ પહેલા એમનો દીકરો એમને એકલા મુકીને ફોરેન ગયો તે ગયો. કદી પાછો જ નથી આવ્યો.’

‘ઓહ એવું છે...?? ફોરેન ગયેલા લોકો ત્યાં જઈને બદલાઈ જ જતા હોય છે. બસ ત્યાંથી પૈસા મોકલાવી દે એટલે જાણે કામ પત્યું.’ અભયે વાત આગળ વધારવાના આશયથી જવાબ આપ્યો.

‘શું ધૂળ પૈસા મોકલાવે છે? કહે છે કે શરૂઆતમાં એ સેટલ નથી થયો એમ કરીને ના મોકલાવ્યા અને હવે તો એક મોટા સ્ટોરનો માલિક થઇ ગયો છે તોય એના તરફથી કોઈ સહાય નથી મોકલતો. એમનેમ થોડું કોઈ મહિનાના પચ્ચીસ દિવસ હરદ્વારની કોઈક ધરમશાળામાં વિતાવે? બે ચાર દિવસ અહી આવી ઈલેક્ટ્રીસીટી,સોસાયટી અને માળીનું ચુકવણું કરે કે બેન્કના કામ પતાવે અને પાછા હરદ્વારના રસ્તે.’

‘ઓહ એ અત્યારે ધરમશાળામાં રહે છે?’ અભયે પોતાની લાગણીઓને દબાવીને પ્રશ્ન પૂછ્યો.

‘કરે પણ શું ભગીરથકાકા? છોકરો ગયો ત્યારે મકાન ગીરવે મુકીને બેન્કમાંથી લોન લીધેલી એટલે જાણે લોન પૂરી કરવાની જવાબદારી ભગીરથકાકા પર આવી ગઈ. એ એમના પેન્શનમાંથી લોન ચુકવે છે અને સેવાના નામે હરદ્વાર જઈને રહે છે જેથી બીજો કોઈ ખર્ચો પોતાના માથે ન આવે. સુનીલે કાકાને બે ચાર વખત સમજાવ્યા પણ હતા કે આ મકાન વેચી નાખે તો એ રૂપિયામાંથી જરૂરિયાત પુરતો ફ્લેટ લઇ બાકીના રૂપિયા વડે આખી જિંદગી આરામથી જીવી શકાય પણ એ કોઈ રીતે માન્યા નહિ.’

‘કોણ સુનીલ??’

‘મારા હસબન્ડ બસ એમના આવવાની તૈયારી જ છે....લો આ આવ્યા.’

અભયે સોફામાં બેઠા બેઠા જ પાછું ફરી દરવાજે ઉભા રહી બુટ કાઢતા સુનીલ તરફ જોયું. એવોજ દેખાતો હતો જેવો એ પહેલા હતો. હા એની ફાંદ વધી ગઈ હતી. અભય એકદમ ઉભો થઇ એની સામે ચાલીને ગયો.

‘કેવું છે સુનીલ મઝામાં??’

હાથ મિલાવતા મિલાવતા જ સુનીલ બોલ્યો ‘અભય તું ...ઓહ કેટલો બદલાયેલો લાગે છે?

‘સાચી વાત છે હું થોડો બદલાઈ ગયેલો હોઉં એમ લાગુ છું એવું મારા એક ખાસ મિત્રએ પણ કીધું જે મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો.’

‘અરે પણ તું રસ્તામાં સામું મળ્યો હોય તો ઓળખવો પણ મુશ્કેલ છે. હા તારા અવાજનો રણકો તો એવો જ છે.’

‘ઓળખવામાં તો યાર એવું છે ને કે કોકની સાથે એક ઘરમાં રહીએ ને તો પણ આપણે ઓળખી નથી શકતા..’

‘ચીલ્લ યાર .....ચાલ્યા કરે તું શું કહે છે એ વાત હું સમજી શકું છું....પણ એ તો કહે તું આવ્યો ક્યારે?’

‘કાલે જ મોડી રાત્રે આવ્યો છું એટલે આજે સવારે જેવો ઉઠ્યો એવો અહી આવવા નીકળી ગયો. મારે પપ્પાને સરપ્રાઈઝ આપવાનો વિચાર હતો પણ ઘર બંધ છે એટલે ......’

‘ઓહ તો તમે અભયભાઈ છો...????...તમે તો ખરા છો પહેલા કહેવું જોઈએ ને ??? મેં તો દુનિયાભરની વાતો તમારા નામની જ કરી અને ..સોરી હોં ......જો મારાથી કંઈ વધારે બોલાયું હોય તો ...’

‘અરે હોય એમાં સોરી શું ??તમે બોલ્યા એમાં કશું ખોટું બોલ્યા જ નથી...ઇનફેક્ટ એનાથીય ખરાબ હોઈશ હું.’

‘હુંય કેટલી ભોટ છું....ન જાણે કેવું કેવું હું બોલી ગઈ હોઈશ તમારા વિષે અને એય તમારી સમક્ષ.’

‘લે તો તેં પંચાત પણ કરી નાખી.’ સુનીલ થોડું અકળાઈને બોલ્યો.

‘ના ના ...સુનીલ એવું કંઈ નથી બોલ્યા એ ....શાહ કાકા કેટલા નસીબદાર છે કે એમને આટલી સંસ્કારી વહુ મળી છે જે બાજુમાં રહેતા પાડોશીને આંગણે ઉભેલાને પણ ઘરે બેસાડી પાણીનો ભાવ પૂછે છે. બાકી આ જમાનામાં હવે ક્યાં કોઈને કોઈની પડી છે .’ અભયે હિનાભાભીનો પક્ષ લીધો.

‘હવે જા તું ફટાફટ અંદર જઈને રસોઈનું કામ પતાવ અમને બંનેને ભૂખ લાગી છે.’ સુનીલ બોલ્યો એટલે હીના અંદર રસોડામાં દોડી.

‘ના સુનીલ હું તો જમીને આવ્યો છું. તું તમતમારે જમી લે, મારે તો આમસ્તુય હવે નીકળવું પડશે.’ અભય બોલ્યો.

‘હું થોડો હવે તને આગ્રહ કરવાનો છું કે, ના ના તારે જમીને જવુંજ પડશે. મને ખબર છે કે હવે તું મારી સાથે જમવા બેસવાનો જ છું.’

‘સુનીલ તું ખરેખર હજુ એવો ને એવો જ છું...અહી આવ્યા પછી આ ઘરનું રીનોવેશન કરેલું જોઈ હું તો એમજ સમજતો હતો કે શાહકાકાએ આ ઘર કોઈકને વેચી દીધું લાગે છે.’

‘આ બધી એમની જ કૃપાનું પરિણામ છે. ત્રણ વરસ પહેલા એ જયારે ગુજરી ગયા ત્યારે એમણે ખરીદેલા શેર અને એક જગ્યાએ જમીનમાં કરેલું રોકાણ એક-બે કરોડને આંબી ગયેલું. એ અમને કાયમ સાદાઈથી જીવવાનું કહેતા જે રીતે એ પોતે પણ જીવતા હતા પણ એ સમયે એમણે પોતાની બચત આ રીતે કરી રાખેલી એ અમને ક્યાં ખબર હતી.’

‘ઓહ ..એ ગુજરી ગયા એ વાત તો મેં પપ્પા પાસેથી સાંભળી હતી. એ પોતે તો બહુ દુખી થયેલા કારણકે એમના માટે તો એમણે જાણે એક સાથીદાર ગુમાવેલો.’

‘હા અભય એ વાત સાચી છે. ભગીરથકાકા તો તમારા બંનેની બધીજ વાતો એમની સમક્ષ કરી દુખ હળવું કરતા હતા. પણ તું એ તો કહે તું એકલો આવ્યો છું કે ત્રણેય આવ્યા છો.’

‘ના હું તો એકલો જ આવ્યો છું. પણ મારા પપ્પાનો કોઈ કોન્ટેક્ટ નં ખરો તારી પાસે?’

‘ના અભય એ ક્યાં મોબાઈલ રાખે છે? એ જયારે અહીં આવે ત્યારે કામ લાગે એટલે તમારો લેન્ડલાઈન ચાલુ રાખ્યો છે. ખરેખર એ તને અહી જોઇને સરપ્રાઈઝ ફિલ કરશે?’

‘હું એમને સરપ્રાઈઝ શું આપવાનો?અહીં આવ્યા પછી તો લાગે છે કે એમના તરફ્થીજ બધી સરપ્રાઈઝ આવવાની છે. એમનો ફોન કરવાનો મેં બહુ ટ્રાય કર્યો પણ ફોન નો રીપ્લાય જ આવ્યો. સુનીલ તને સાચું કહું તો છેલ્લા બે મહિનાથી એમની સાથે વાત જ નથી થઇ.’

‘ભાભી શું કરે છે એ ન આવ્યા તારી સાથે.’

‘એને કારણે તો આ હાલત થઇ છે નહીતર અત્યારે પપ્પાને આવી મુશ્કેલીઓ થોડી હોત? જ્યારથી મિતાલી ઘરમાં આવી ત્યારથી મારા ઘરમાંથી ખુશાલી કે શાંતિ શું છે એ જ હું ભૂલી ગયો છું. લગ્ન કર્યા પછીના ત્રણેક વરસ જેમતેમ તો ન કહેવાય કારણકે એ સમયમાં હુંજ એની આંખોથી જોતો હતો એટલે જાણે કે સારા ગયા. એ પણ મારા માટેજ. એકાદ વરસમાં મમ્મી ગુજરી ગયા પણ પછી પપ્પાને ખરેખર બહુ દુખ મળ્યું.’

‘અભય એ તો બધાના ઘરમાં થતું જ હોય. ચાલ્યા કરે સમય જતા એ બધું થાળે પડીજ જતું હોય છે.’

‘તારી વાત સાચી છે હું પણ એવું જ સમજતો હતો એટલે જ હું અમેરિકા જવા તૈયાર થયો. મિતાલીના પપ્પા ત્યાં બહુ વેલસેટ થઇ ગયેલા હતા એટલે મને એમ જ હતું કે ત્યાં ગયા પછી હું સેટ થાઉં એટલે પપ્પાને પણ બોલાવી દઈશું.’

‘પણ હવે આ ઉંમરે તારા પપ્પા ત્યાં સેટ ન થઇ શકે અને અહી એકલા મુકવા પણ કેટલા વ્યાજબી ગણાય એટલે થોડું એડજસ્ટ કરીને પણ એ ત્યાં તારી સાથે રહે તો તારે ત્યાં બેઠા બેઠા એમની કોઈ ચિંતા નહીં.’

‘મેં એમને ઘણી વખત કીધું કે એક વખત આવો તો ખરા તો તમે નક્કી કરી શકશો કે અહીં રહેવાય કે નહી? અહીં બેઠા બેઠા થોડું નક્કી કરાય?’

‘એ વાત સાચી છે એટલે તેં એકવાર ત્યાં બોલાવ્યા એ સારું કર્યું. બે મહિના જેવું રહીને એ જયારે અમેરીકાથી પાછા આવ્યા ત્યારે તો હું એજ સમજતો હો કે એમને ત્યાં સારું એવું ફાવી ગયું લાગે છે પણ પછી એમણે મને કીધું કે સુનીલ ત્યાં સાલું કેટલી બધી આધુનિકતા છે કે બરફ જેવી ઠંડીમાંય તમને ઠંડીનો અહેસાસ ન થાય પણ આખો દિવસ ઘરમાં રહેવું પડે ને એ આપણા જેવાને ન ફાવે.’

‘ક્યારની વાત કરે છે તું ? કોની મારા પપ્પાની વાત કરે છે?’

‘હા એમની જ વાત કરું છું. મારું તો ત્યાં કોઈ રહેતું નથી તે એની વાત કરું? ચારેક મહિના પહેલા એ જયારે ત્યાંથી પાછા આવ્યા પછી હું ઘણી વાર એમની સાથે બેસતો એટલે મને ખબર.’ ત્યાંતો અંદરથી બુમ પડી કે રસોઈ તૈયાર છે એટલે સુનીલ ઝડપથી ઉભો થયો અને અભયનો હાથ પકડીને બોલ્યો; ‘ચલ જમવા આ વાતો તો પછીય થશે પણ એ પહેલા ભૂખનો ઈલાજ કરવો પડશે ને?’

અભય ઉભો તો થયો પણ એનું મગજ બરાબરનું ચકરાવે ચડ્યું હતું. અભય જેમતેમ થોડું જમીને ઉભો થયો. સુનીલને એનો ફોન નં આપ્યો અને કીધું કે ‘પપ્પા આવે તો મને કોન્ટેક્ટ કરજે પણ એમને જણાવીશ નહિ.’

‘ચોક્કસ ...આમેય એ હવે આવવાજ જોઈએ. આમતો એ પચ્ચીસ-છવીસ તારીખે આવીજ જાય છે.’

‘ઓકે .....થેન્ક્સ સુનીલ ...ત્યાં સુંધી હું અહીના બેન્કના થોડા કામકાજ છે એ નીપટાવી લઉં.’

*******

બે દિવસની દોડધામના થાકને લીધે એક થ્રીસ્ટાર હોટેલની રૂમમાં ઘસઘસાટ ઊંઘતા અભયના મોબાઈલની રીંગ વાગી. અત્યારે કોણ હશે તેવા સવાલના જવાબમાં ફોનની સ્ક્રીન પર સુનીલનું નામ જોઈ આંખોમાં એકદમ ચમક આવી ‘હેલો ...બોલ સુનીલ.’

‘અભય ...ભગીરથકાકા આજે વહેલી સવારે જ આવ્યા છે એવું હિનાએ મને કીધું એ જણાવવા જ ફોન કર્યો.’

‘ઓહ થેન્ક્સ સુનીલ ...બી કેરફુલ એમને મારા વિશે કશું જણાવીશ નહીં. હીનાભાભીને પણ કહી દેજે. હું હમણાં જ ત્યાં આવવા નીકળું છું.’

‘ઓકે બાય....સાંજે મળીશું’

ફોન મુકીને બેગમાં જેમતેમ બધું ભર્યું અને અડધો કલાકમાં જ એ હોટેલમાંથી ચેકઆઉટ કરીને નીકળી ગયો. ઘરનો ઝાંપો અવાજ ન થાય તેમ ઉઘાડી રીક્ષામાંથી બધો સામાન ઉતારી એણે ડોરબેલ વગાડ્યો. થોડીવારમાં જ ભગીરથકાકાએ કૈક બબડતા બબડતા બારણું ખોલ્યું.

થોડીવાર માટે સમય ત્યાંજ સ્થગિત થઇ ગયો. ઉંબરની એક બાજુ ચાર વરસના લાંબા ગાળા પછી આવી ઉભેલો અભય અને બીજી બાજુ એકદમ દુબળા થઇ ગયેલા ભગીરથપ્રસાદ રામાણી. એકબાજુ પશ્ચાતાપના આંસુ સારતો છોકરો છે, બીજી બાજુ પોતાની ખુશી રોકી ન શકેલા અને હર્ષના આંસુ સારતા ભગીરથપ્રસાદ. અભય હાથમાં લટકાવેલી બેગને ત્યાંજ છોડી ઉંબરો વટાવી એના પપ્પાને પગે લાગે છે. પિતા-પુત્રના મિલનને આંગણામાં ઉગેલા ઝાડની ડાળી પર માળો બાંધવા વિચારી રહેલી બે ચકલીઓ પોતાના મધુર સ્વરે આવકારે છે. ક્યારામાં ઉગેલા પારિજાતના છોડ પર ઉગેલી કળીઓ વહેલી ઉઘડીને પોતાની સુગંધ આખા વાતાવરણમાં ફેલાવી દે છે.

સોફામાં બેઠેલા ભગીરથપ્રસાદના ગાલ પર માથા પર અભય હાથ ફેરવે છે અને એ કશું બોલે એ પહેલા પ્રશ્ન આવે છે કે ‘બેટા કેમ છે તું? મઝામાં છું?’

ફરી પોતાના આંસુને વહેતા રોકી ન શકેલા અભયે ઉત્તર આપ્યો ‘પપ્પા આટલું બધું દુખ સહન કર્યું તમે મારે ખાતર ? એક વખત તો મને કહેવું’તું...’

‘શેનું દુખ બેટા ??...હું તો અહીં સુખી જ છું.’

‘હું કાલેજ ડોક્ટર ત્રિવેદીને મળ્યો છું. મને બધીજ માહિતી આપી.’

‘ઓહ તું એની વાત કરે છે...એમાં શું હવે તો ક્યાં કોઈ નવાઈ છે બાય-પાસના ઓપરેશનની......અને હું સરકારી પેન્શનર હોવાથી સિવિલ હોસ્પીટલમાં એ નહિ જેવા ખર્ચમાં થઇ ગયું. એ બધું ઠીક છે પેલો તારો પ્રિન્સ ક્યાં છે એ તો હવે ચલતોય થઇ ગયો હશે?’

અભય પછી એમના ખોળામાં માથું મૂકી પોક મુકીને રડતા રડતા એટલુંજ બોલ્યો ‘પપ્પા એ તો બે મહિના પહેલા આપણને મુકીને ચાલતો થઇ ગયો. પુત્રવિરહ શું હોય એ હું એટલે જ જાણી શક્યો.મને માફ કરશો ને ? હું બધું જ ત્યાં છોડીને કાયમ માટે અહીં આવ્યો છું.’

વાતાવરણ હળવું ન થાય ત્યાં સુંધી ભગીરથકાકા કશું જ ન બોલ્યા. થોડીવારે એ એટલું જ બોલ્યા ‘મેં એટલેજ આ મકાન વેચ્યું નથી હું જાણતો હતો કે તું પાછો અહીંજ આવીશ.’

( સમાપ્ત )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED