સુખના સમયને તું ઓળખે છે ખરો Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખના સમયને તું ઓળખે છે ખરો

સુખના સમયને

તું ઓળખે છે ખરો?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કેમ જાણે એક પણ ઇન્સાન ન સર્જી શક્યા,

આમ તો કંઈ કેટલા ભગવાન અવતાર્યા અમે.

- મુસાફિર પાલનપુરી.

સમય એવા 'ટેગ' સાથે નથી આવતો કે આ સમય સુખનો છે અથવા તો આ સમય દુઃખનો છે. 'ટેગ' આપણે લગાડતાં હોઈએ છીએ. સમયનું સ્ટેટસ તમારે અપલોડ કરવાનું હોય તો તમે શું કરો? માત્ર ઘડિયાળના સિમ્બોલને ચિપકાવી દેવાથી સમય જીવંત થઈ જતો નથી. સમયને જીવતો રાખવો પડે છે. સમય 'લાઇવ' છે, એવો લાઇવ જે ઓલવેઝ લાઇવ જ રહે છે. ઘડિયાળ અટકી જતી હોય છે, સમય નહીં. આમ છતાં ઘણી વખત આપણને એવું લાગે છે કે સમય થંભી ગયો છે. સમય થંભી ગયો હોતો નથી, આપણે અટકી ગયા હોઈએ છીએ.

ઘડિયાળ માણસની શોધ છે. સમય તો કુદરતની દેન છે. દિવસના ચોવીસ કલાક મુકરર કરી દેવાયા એટલે આપણે માની લીધું કે દિવસ ચોવીસ કલાકનો હોય છે. બાર કે સોળ કલાક નિર્ધારિત કર્યા હોત તો દિવસ એવડો હોત. ઘડિયાળ માણસે પોતાની અનુકૂળતા માટે બનાવી છે. આ જ માણસ સમયને અનુકૂળ બનાવી શકતો નથી! ઘડિયાળ બધા માટે એકસરખી છે. સમય બધા માટે જુદો જુદો છે. કોઈ માટે સમય સારો છે તો કોઈ માટે ખરાબ છે. કોઈને સહેલો લાગે છે તો કોઈને અઘરો લાગે છે. કોઈને મરવા જેવો લાગે છે તો કોઈને જીવી લેવા જેવો.

સમય માટે એક સરસ વાત કહેવાઈ છે. વક્ત કી એક આદત બહુત અચ્છી હૈ, જૈસા ભી હો, ગુજર જાતા હૈ! આપણને ગમતા સમયને પણ આપણે રોકી નથી શકતા. આપણને ન ગમતો સમય પણ રોકાવાનો નથી. મોટા ભાગે તો આપણને જે નથી ગમતો એ સમય નથી હોતો, આપણી માનસિકતા હોય છે. સરકતા સમયની સાથે આપણે દુઃખને સરકી જવા દઈએ છીએ? ના. આપણે દુઃખને પકડી રાખીએ છીએ. ઘણા માણસોને 'બિચારા' બનવાની આદત પડી ગઈ હોય છે. સમય કહે છે, તમે મજામાં ન હોવ તેમાં મારો શું વાંક? હું તો સમય છું. મારો કોઈ આકાર નથી. હા, મારું માપ તમે કલાકોમાં બાંધી દીધું છે પણ તેનાથી કંઈ હું બંધાઈ જતો નથી. હું તો ગોળ ગોળ ફરતો રહું છું. મારી એક તરફ સુખ છે, બીજી તરફ દુઃખ છે. એક તરફ આનંદ છે, બીજી તરફ વેદના છે. એક તરફ હાસ્ય છે, બીજી તરફ રુદન છે. તમે મારા જે રૂપને અપનાવો તેવો હું રહું છું. ખોટું રૂપ અપનાવાઈ ગયું હોય તો તમે બદલાવી પણ શકો છો. તમે મને દોષ દો છો ત્યારે મને દુઃખ થાય છે. અત્યારે તમે જરાક હસો તો, તમને કોઈએ રોક્યા? ડિસ્ટર્બ રહેશો તોપણ તમને કોઈ અટકાવશે નહીં. હું તો તમારો મિત્ર છું, તમને ખુશ જોવા જ ઇચ્છું છું. તમે તો મારી સાથે જ્યારે સંવાદ કરો છો ત્યારે પણ મને એવું જ કહો છે કે સમય, તું મારી સાથે કેમ સારી રીતે નથી વર્તતો? મને ત્યારે કહેવાનું મન થાય છે કે હું ક્યાં તારી સાથે કંઈ જ વર્તું છું, તું જ તારી સાથે વર્તે છે! ઊલટું મને તારું વર્તન જોઈને એમ થાય છે કે તું મને વેડફી રહ્યો છે. હું તો તને સર્મિપત થઈ ગયો છું. મને કેવી રીતે રાખવો, સાચવવો કે વેડફવો, પંપાળવો કે પજવવો, હસાવવો કે રડાવવો, એન્જોય કરવો કે હેટ કરવો... બધું તારા હાથમાં તો છે. પ્લીઝ, તું મને તારો દુશ્મન ન બનાવ, કારણ કે હું તો કોઈનો દુશ્મન નથી. મારી સાથે હાથ મિલાવ અને મને જીવી લે, કારણ કે હું સતત ઘટતો જાઉં છું. હું ભલે અનંત છું, છતાં બધા માટે નિર્ધારિત છું. હું ખતમ થવાનો છું. તારી સાથે હું પણ ખતમ થઈ જવાનો છું. એટલે જ કહું છું કે હું જેટલો છું એને જીવી લે!

આપણા સમયને આપણે ઓળખીએ છીએ ખરાં? સમય તો હોય જ છે. સુખ પણ હોય છે. આપણે નથી હોતા. આપણે એબસન્ટ હોઈએ છીએ અને માની લઈએ છીએ કે કંઈ હાજર નથી! પક્ષીઓ બોલતાં જ હોય છે, ફૂલ ખીલતાં જ હોય છે, પતંગિયાઓ ઊડતાં જ હોય છે, બાળકો રમતાં જ હોય છે, આકાશ અનુપમ દૃશ્ય રચતું જ હોય છે, સુંદરતા વિખરાયેલી જ હોય છે, ખુશી થવા માટે અને આનંદમાં રહેવા માટે કારણો ક્યાં ઓછાં હોય છે? આપણે ગેરહાજર હોઈએ છીએ. દુઃખમાં આપણે એટલા બધા ખોવાઈ જઈએ છીએ કે સુખ તરફ આપણી નજર જ નથી પડતી! જરાક અમથું જ બદલવાની જરૂર હોય છે.

મજામાં હોવ ત્યારે તમને ખબર હોય છે કે હું મજામાં છું? મને આનંદ આવે છે. મને સારું લાગે છે. તમારા મૂડ ઉપર તમારો કંટ્રોલ છે? એક નાનકડી વાત આપણો મૂડ ખરાબ કરી દે છે. એક પતિ-પત્ની હતાં. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં. પત્ની હંમેશાં એવું ઇચ્છતી કે એ જ્યારે મારી સાથે હોય ત્યારે ખુશ હોય. પતિ ખુશ હોય ત્યારે પણ એને એવો ડર લાગતો કે આ મજા ટકશે તો ખરીને? કંઈક થાય કે તરત જ પતિનો મગજ છટકી જતો અને મૂડ ખરાબ થઈ જતો. બંને વાત કરતાં હોય અને કોઈનો ફોન આવે તો તરત જ પત્નીને ધ્રાસકો પડતો કે કોઈ એવી વાત ન થાય તો સારું કે એનો મૂડ બગડી જાય! પતિ ફોન પર પણ રાડારાડ કરવાં માંડતો. કામવાળો કંઈ પછાડે તોપણ એ રાતોપીળો થઈ જતો. કંઈ ખબર નથી પડતી? કોઈ કામ સરખી રીતે નથી થતું? પત્ની કહેતી, જસ્ટ રિલેક્સ. એક વાસણ પડી ગયું એમાં તું તારો મગજ શા માટે બગાડે છે? જે લોકો નાની-નાની વાતથી ડિસ્ટર્બ થઈ જાય છે એ સૌથી કમનસીબ લોકો છે.

તમે પરફેક્ટ હોવ તોપણ એ જરૂરી નથી કે આખી દુનિયા પરફેક્ટ હોય. તમે ઇચ્છો એવું જ બધા ઇચ્છે એવું પણ જરૂરી નથી. જેને પોતાને સુખી અને ખુશ રહેવું ન હોય તેને કોઈ ખુશ કરી શકે નહીં. જે માણસ નક્કી કરે છે કે મારે ખુશ રહેવું છે તેને કોઈ ડિસ્ટર્બ કરી શકતું નથી. તમારી ખુશી જો તમારા હાથમાં હોય અને તમારા મૂડ ઉપર જો તમારો કંટ્રોલ હોય તો કોઈ તમને દુઃખી કરી શકતું નથી, બાકી દુઃખી કરનારાઓની તો કોઈ કમી જ નથી! ઘણા લોકો તો ઇરાદાપૂર્વક દુઃખી કરી દે એવા હોય છે. એને ખબર હોય છે કે આને દુઃખી કરવો તો બહુ ઇઝી છે!

એક પાર્ટી ચાલતી હતી. બધા મિત્રો ડાન્સ કરતા હતા. એક મિત્રએ બીજા મિત્રને સાઇડમાં બોલાવ્યો. તેને પૂછયું કે તારા પેલા પ્રોબ્લેમનું શું થયું? પેલો માણસ કહેવા લાગ્યો કે આ બધું પેલાનું કારસ્તાન છે. એણે મારી જિંદગી ખરાબ કરી નાખી. એ માણસ એ હદે ઉશ્કેરાઈ ગયો કે એ ભૂલી જ ગયો કે ક્યાં છે! એ પછી પેલા માણસે બીજા મિત્રને બોલાવ્યો. તેણે પણ એવું જ પૂછયું તે તારા પેલા પ્રોબ્લેમનું શું થયું? એ મિત્રએ કહ્યું કે જો દોસ્ત, અત્યારે પાર્ટી છે, હું ડાન્સ કરું છું, મને મજા આવે છે, પ્રોબ્લેમ તો કાલે પણ હતો અને આવતી કાલે પણ હશે. અત્યારે મારે મારો મૂડ ખરાબ કરવો નથી. ફરગેટ પ્રોબ્લેમ. એન્જોય પાર્ટી. કમઓન, લેટ્સ ડાન્સ! અત્યારે જે સમય છે એને ઓળખને? મારે મારા સારા સમયને શા માટે બરબાદ કરવો? સમયની સમજણમાં બસ આટલો જ ફર્ક હોય છે. તમારા સમય ઉપર માત્ર તમારો જ અધિકાર છે અને તેને બગડવા દેવો, વેડફવો કે પછી જીવી લેવો એ પણ તમારા જ હાથમાં હોય છે!

છેલ્લો સીન :

સમય નિરાકાર છે. જો કે એની એક ખૂબી એ છે કે એને જેવો આકાર તમે આપો એવો એ થઇ જાય છે. સારો અથવા ખરાબ!

(લેખક ‘દિવ્ય ભાસ્કર’માં મેગેઝિન એડિટર છે.)

kkantu@gmail.com