ખોબો એક સુગંધ Dolly Chirag Karia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોબો એક સુગંધ

નિકોલસ સ્પાર્ક્સની રોમાન્ટિક વાર્તાઓ વાંચનારી અને જીવવા માગનારી વીશ્વનું સપનું સાચું પડવાની વાર્તા. ભૂલ અને ભૂલ સુધારણાની સુંદર પ્રક્રિયા. સંસ્કૃતમાં કહેવાય છે ને કે દદાતિ પ્રતિગૃહણાતી...., ષડવિધમ પ્રીતિ લક્ષણમ! પ્રેમ આપવો અને પ્રેમ મેળવવો એ જ સાચું સુખ હોય છે સંબંધનું.

ખોબો એક સુગંધ

  • ડોલી ચિરાગ કારીયા ‘હરિણી’
  • આજે સાંજના સમયે જરા વહેલું અંધારું થઇ ગયું. વિશ્વાએ મ્યુઝીક સીસ્ટમ પર ધીમા વોલ્યુમે ગીત વહેતું મુક્યું : ‘હમને દેખી હૈ ઉન આંખો કી મહેકતી ખુશ્બુ...’. ગીતના સૂરોમાં ખોવાઈ જતી તે રસોડું સાફ કરવા લાગી. ઘરમાં એકલી જ હોવા છતાં પણ તેને ક્યારેય એકલું લાગતું જ નહિ. ગીત, સંગીત, પુસ્તકો, સોશ્યલ મિડીયાથી જોડાયેલા રહેતા મિત્રો વગેરેની કંપનીમાં વિશ્વા હમેશા રત રહેતી. વાસણ ધોવાની સિન્કમાં બ્રશ ઘસતા ઘસતા લતાજીના સોલફુલ અવાજને પોતાના કંઠથી સ્પર્શતી તે ગીત ગણગણતી જ હતી ત્યાં, એક ચીરપરિચિત સુગંધે તેનું ધ્યાન આકર્શ્યું. બારી તરફ નજર ફેરવીને જુએ ત્યાં તો વરસાદે અનરાધાર વરસવાનું શરુ કરી દીધું હતું. કોઇપણ સામાન્ય ગૃહિણી આવા સમયે અગાશીએ જ દોડી જાય, સુકવેલા કપડા લેવા સ્તો! પણ આ તો વિશ્વા હતી, તેણે બહુ જ આનંદથી ફુદરડી ફરતા ફરતા ફોન હાથમાં લીધો. કારણ કે વિશ્વા સામાન્યની કેટેગરીમાં આવતી જ નથી.

    ચિંતનના ફોનની રીંગ વાગી. સદીઓથી ન બદલાયેલી, લેટેસ્ટ ફોનની જૂની પુરાની નોકિયા રીંગ ઓફીસના શાંત વાતાવરણમાં રણકી ઉઠી. તોફાન આવ્યા પૂર્વેની શાંતિમાં ભંગ પડ્યો. બોસની ડોળા કાઢતી પેરીફેરીયલ નજરથી બચીને કેબીનની બહાર આવી ચિંતને ફોન ઉપાડ્યો.

    ‘હલ્લો, હા બોલ.’

    ‘ચિંતન... મારી જાન... વરસાદ આવે છે....’

    ‘...’

    ‘તને તો બંધ દરવાજાવાળી ઓફિસમાં ક્યાંથી ખબર પડશે!’

    ‘હા, ઓકે. હું પછી ફોન કરું તમને.’ આટલું કહીને ચિંતને વાત પતાવી.

    વિશ્વાએ ફોન ડીસકનેક્ટ કર્યો. મોસમના પહેલા વરસાદની સુગંધથી હૈયામાં ચડેલી વહાલની ભરતીમાં પચાસ ટકા ઓટ આવી ગઈ. વિચારોનો કિનારો હજીય ભરતીના ઓસરી ગયેલા પાણીની ભીનાશ પકડી રાખવા મથતો હતો. ઘણી વાર આપણી સામેના અરીસાની અંદર ઉભેલી વ્યક્તિને બેન્ડ એઇડ લગાવવા કોઈ આવતું નથી. ત્યારે અરીસાની બંને બાજુએ ઉભેલી એક જ વ્યક્તિ પોતાનાથી વધુ નજીક આવી જાય છે. આત્મનિર્ભરતા એ અપેક્ષાઓથી પડતા ઘાવને હિલ કરવામાં બહુ કામ આવે છે.

    અત્યારે વિશ્વાને ઘણું બધું સારું સારું યાદ કરવું હતું અને થોડુક ન ગમતું ભૂલી જવું હતું. એટલે તેણે ‘Forget or Remind Everything’ નામના ફોલ્ડરમાંથી વરસાદી ગીતોનું ફોલ્ડર પ્લે કર્યું. પ્લેયરમાં વાગવાની શરુ થયેલી પ્લેલીસ્ટનું નામ હતું ‘Rain Over Me’! એક પછી એક વરસાદી માહોલની જમાવટ કરતા ગીતો ગાતી અને કમર લાચકાવતી વિશ્વા ફરીથી મૂડમાં આવી ગઈ અને કામ કરવા લાગી. કુદરત પણ આ છોકરીની ખુદને ખુશ રાખવાની મહેનત જોઈ ખુશ થઇ ગઈ. વરસાદ ઉભો રહી ગયો અને કેસરી રંગના જાતભાતના શેડ્સથી શણગારેલી સંધ્યા આકાશ પર ફરી વળી. વિશ્વાની આંખોની જેમ હમણાં જ વરસીને હળવા થઇ ગયેલા ધોળા ફૂલ વાદળો પર પડતો આથમતા સૂરજનો પ્રકાશ ઈશ્વર નામના કલાકારના માસ્ટરપીસની ઝાંખી કરાવતો ઓસરી રહ્યો હતો.

    જો બે વ્યક્તિઓ વચ્ચે બંધાયેલો લાગણીનો પુલ મજબુત હોય તો એકના મૌનમાંથી નીતરતા અર્થનેય બીજું સમજી શકે. વિશ્વાએ ઓછા પણ સુંદર શબ્દોમાં પોતાના હૃદયનો ઉમળકો ફોન પર ઠાલવ્યો હતો! આની અસર ચિંતનના હૈયા પર થયા વગર કેમ રહે? પત્નીને ડોક્ટરને બતાવવા જવાનું બહાનું મારીને, રોજના સમયથી વહેલો ચિંતન ઘરે આવ્યો. ઘરની સ્પેર કીથી દરવાજાનો લેચ હળવેકથી ખોલીને અંદર આવ્યો. પોતે વિચારેલું કે વિશ્વા દર વખતની જેમ હિંચકે બેઠી બેઠી રડતી હશે. પણ એની બદલે વિશ્વા તો ‘કહી દુર જબ દિન ઢલ જાયે...’ ગાતી ગાતી રસોડામાં ભજીયા બનાવતી હતી. સરપ્રાઈઝ એન્ટ્રી મારવા આવેલા ચિંતનને ખુદને આજ સરપ્રાઈઝ મળ્યું! પત્નીના બદલાયેલા મૂડથી પ્રેરાઈને તે ઉંધે પગલે ઘરમાંથી બહાર ગયો અને એક બીજા સરપ્રાઈઝની તૈયારી કરવા નીકળી પડ્યો. જીવનમાં પહેલી વાર નવલકથાના હીરો જેવું જેસ્ચર કરવાની તૈયારી કરીને ચિંતન ગીફ્ટ રેપ કરાવીને બરોબર ઓફિસથી છૂટવાના ટાઇમ પર થાકેલો હોવાનો દેખાવ કરતો બેલ મારી દરવાજો ખુલવાની રાહ જોતો ઉભો રહ્યો.

    ‘આ..વી....’ કહેતીકને વિશ્વા Nicholas Sparksની The Notebookમાં બૂકમાર્ક લગાવતી દરવાજો ખોલવા ઉભી થઇ. પતિના હાથમાંથી ઓફીસ બેગ લઈને વિશ્વાએ પાણી આપ્યું. એક હેન્ડબેગ ચિંતને પોતે જ બેડરૂમમાં મૂકી એ વિશ્વાએ જોયું પણ તેના વિષે કંઈ પૂછ્યું નહિ. વિશ્વા બીજી પત્નીઓની જેમ બહુ બધું પૂછ પૂછ કરતી નહિ. જે ચિંતનને બહુ ગમતું. હબીને હગ કરીને રસોડામાં જઈને તે ઝટપટ ડીનરની તૈયારી કરીને ભજીયા, ચીઝ સેન્ડવિચ લાવીને ડાઈનીંગ ટેબલ પર પતિ સાથે જમવા બેઠી. જમતા જમતા બંને જણ વાતોએ વળગ્યા. ચિંતને બરોબર તપાસી જોયું કે વિશ્વાના વર્તન કે વાતચીતમાં જરા સરીખોય ડીસઅપોઈન્ટમેન્ટનો ભાવ ન હતો. તેને વિશ્વા પર એટલું તો વહાલ આવ્યું કે ના પૂછો વાત. લગ્નને આટલો સમય વીતી ગયા પછી પણ તેને આજે વિશ્વા કેમ આટલી બધી વહાલી લાગી રહી છે એ ના સમજાયું. અને તેણે એ સમજવાની કોશિશ પણ ના કરી. ક્યારેક બધી વસ્તુઓના જવાબ શોધવાને બદલે તેને માણી લેવાનું વધુ સારું ગણાય. તર્ક હમેશા રસપૂર્ણ નથી હોતો. જમીને કામમાંથી પરવારીને વિશ્વા હબીના ખોળામાં જઈ બેઠી. પ્રિયતમ જેવો પતિ જ આપી શકે એવા વહાલથી ચિંતને વિશ્વાને વીખી નાખી. ખડખડાટ હસતી વિશ્વા હજી તો તેના ખભ્ભા પર માથું મુકીને સૂવા જ જતી હતી ત્યાં ચિંતને તેને આઘી ખસેડી. ‘જા! તૈયાર થઇ જા. આપણે એક આટો મારતા આવીએ...’ વિશ્વાની આંખોમાં ચમક આવી. તે તો જીન્સ અને ટી શર્ટ પહેરીને તરત તૈયાર થઇ બાઈકની ચાવી આંગળીમાં ફેરવતી દરવાજે ઉભી રહી ગઈ. ચિંતને શર્ટના બટન બંધ કરવાનું અધૂરું મુકીને એ જ નેચરલ પોઝમાં દરવાજે ઉભેલી પત્નીનો ફોટો પાડી લીધો. વિશ્વા તો આ જોઇને અવાચક થઇ ગઈ! કેટલીય વાર રગવા છતાય બે ચાર ફોટા ના પાડી આપનારો પતિ આજે સ્વેચ્છાએ પોતાના ફોટા પાડી રહ્યો છે એ જોઇને તે નવાઈ પામી. ઘણી વખત વ્યક્તિ પોતાના વર્તન દ્વારા પોતે કરેલી ભૂલ બદલ માફી માગી લેતો હોય છે. ચિંતન એ જ પ્રકારનો માણસ હતો. ‘હાલો મેડમ... કાલે પાછું સવારે વહેલું ઊઠવાનું છે..’ કહેતોકને ફોન વિશ્વાના હાથમાં મુકીને ચિંતન બાઈક પર ચડી ગયો. ગેટ ખોલીને બંને જણ વરસાદ પછીના સહેજ ભીના સહેજ કોરા માહોલમાં, રાતના સુગંધિત અંધારામાં ચમકતી સ્ટ્રીટ લાઈટોની નીચે બાઈક પર સવાર થઇ નીકળી પડ્યા. ‘ચલ આજે તારી ફેવરીટ આઈસ્ક્રીમ ખાઈએ’ કહીને ચિંતને ભરકાદેવી પાસે બ્રેક મારી. ‘કેમ જનાબ ! આજ તો વહુ પર બહુ મહેરબાન થયા છો!’ બોલતા બોલતા વિશ્વાએ બાઈક પરથી ઉતરવા પતિની પીઠનો ટેકો લીધો. એટલાક સ્પર્શ માત્રથી ચિંતનને આખા શરીરે ઝણઝણlટી થઇ! તેને લગ્ન પૂર્વેના દિવસો યાદ આવી ગયા! જૂની યાદોને તાજી કરતા બેય જણ આઈસ્ક્રીમ ખાઈને ઘરે પહોંચ્યા. બેડરૂમમાં એકબીજાના વર્ષો જુના છતાં નવા લગતા સ્પર્શમાં પીગળી ગયા. એકબીજાના શરીરની હૂંફમાં લપાઈને આખી રાત એકબીજાને હગ કરતા બંને સૂઈ રહ્યા.

    સવારે ઉઠવા માટે ચિંતનને અલાર્મની જરૂર ન પડી. પોતાના બાહુપાશમાં સૂતી, ઉંઘમાંય મુસ્કાતી વિશ્વાને હળવેકથી ખસેડીને પોતે પ્લાન કરેલા સરપ્રાઈઝ વિષે વિચારતો તે પલંગ પરથી ઉઠ્યો. સવારના કેસરી અજવાળામાં ઉડતા પક્ષીઓના કલરવને માણવા બારી પાસે ઉભો. સરપ્રાઈઝ મેળવી વિશ્વા શું કરશે એ જોવાની ઇન્તેજારી હતી, તો બીજી બાજુ પોતાનું ઇનર કોન્શ્યસ પોતાને પૂછતું હતું કે શું પોતાના જેવો નીરસ કહી શકાય એટલી હદે શાંત પુરુષ આવી આનંદની ખળખળ વહેતી નદી જેવી સ્ત્રીને ડિઝર્વ કરે છે? બધા જ વિચારોને ખંખેરીને શાવર લઈને ગીફ્ટવાળી બેગ બાઈકમાં ટીંગાડી ચિંતને ઘરના ફળીયામાંથી જોર જોરથી હોર્ન મારવાનું શરુ કર્યું. ઓફિસે જતા ચિંતનને કૈક ભૂલાઈ ગયું હશે એમ માનીને વિશ્વા સફાળી ઉભી થઈને આંખો ચોળતી ફળિયામાં આવી. ‘શું થયું?’ વિશ્વાનો અવાજ, એ ઉઠે ત્યારે નાની બેબી જેવો થઇ જતો. હસવું ખાળીને ચિંતને ઘડિયાળ બતાવી. ‘પંદર મિનીટ છે તારી પાસે. તૈયાર થઇ જા, આપણે હમણાં નવું બન્યું એ ગાર્ડનમાં વહેલી સવારે પલળેલા વૃક્ષો નીચે મહાલવા જવું છે...’ બસ આટલા શબ્દો જ કાફી હતા વિશ્વાને ઊંઘમાંથી ઉઠાડવા માટે. ચિંતનને એક ટાઇટ હગ આપીને બેડરૂમમાં જઈ સીધી બાથરૂમમાં ઘુસી. અડધી કલાકે સફેદ સ્લીવલેસ ડ્રેસ પહેરીને કાનમાં સફેદ બુટ્ટી લટકાવીને તૈયાર થઇ વિશ્વા બહાર આવી. ‘યુ આર લેઈટ મેડમ!’ કહેતાક ચિંતને વિશ્વાને ચુંબન કર્યું. બંને જણ પાસેની કોલોનીમાં આવેલા એક હજાર ફીટમાં પથરાયેલા સુંદર બાગમાં પહોંચ્યા. ગઈ કાલે સાંજે થોડું ખોદકામ કરીને તેનું ધ્યાન રાખવા કહીને ચા પાણીના પૈસા આપી ગયેલા સાહેબને આવતા જોઇને બાગના ચોકીદારે કેમ છો કહ્યું. ‘તને ઓળખતો લાગે છે!’ ચિંતને વિશ્વાની મસ્તી કરી. ‘જાવ ને!’ બોલતી વિશ્વા પાર્કના ગેઈટમાં પ્રવેશી. ચિંતને વિશ્વાનો હાથ પકડી લીધો. વિશ્વા આ સુંદર ક્ષણોને જીવતી પાર્કમાં ફરી રહી. ચારેબાજુ ફેલાયેલા ઘટાદાર વૃક્ષો અને નીરવ એકાંત. આજની સવાર વિશ્વા માટે ગઈ કાલની સાંજ કરતા સો ગણી વધુ સુંદર હતી! બાગના એક અવાવરું ખૂણે બેંચ પર વિશ્વાને બેસાડી ચિંતન તેના ખોળામાં માથું રાખી નીચે બેઠો. વિશ્વા પકડી રાખેલા હબીના હાથ પર અંગુઠાથી સર્કલ્સ દોરવા લાગી. બંને જાણ આંખ મીચી ગયા. પ્રકૃતિની ગોદમાં, જરા જરા ટીપા વરસાવતા વૃક્ષની નીચે, પંખીઓના કલશોરમાંથી નીતરતા આનંદમાં બેય નાહી રહ્યા. હળવેથી બેગ ખોલી બધીય હિંમત ભેગી કરીને ચિંતને વિશ્વાના હાથમાં ગીફ્ટ બોક્સ આપ્યું. બંનેનાં હૃદય એક ધબકારો ચુકી ગયા! ચિંતને પોતે બેઠો હતો ત્યાંથી ઉભા થઇ પાસે પડેલા ઝાડવા ઝાંખરા ઉઠાવ્યા. વિશ્વા સ્તબ્ધ થઈને જોતી જ રહી ગઈ! ભીની માટી પર પોતાનું અને ચિંતનનું નામ સુંદર કેલીગ્રાફીમાં કોતરીને ચિંતને બે હાર્ટ શેપ દોર્યા હતા! ખાસ્સા પાંચ ફૂટનું માટી પરનું પતિએ કરેલું પ્રેમનું કોતરકામ જોઇને વિશ્વાની આંખો એ જ માટીને ભીંજવતી છલકાઈ ઉઠી! હાથમાં ડાળખી લઈને ઉભેલા ચિંતનને વિશ્વા વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

    ‘I love you Chintan….’

    ‘I love you too jaan….’ ચિંતનની આંખો ભીની હતી.

    ‘હવે ખોલીને જો કે આમાં શું છે.’ ચિંતને બોક્સ વિશ્વાના હાથમાં આપ્યું. વિશ્વા એ સિફતથી રિબન ખોલી અને જોયું તો ખોખામાં માટી ભરેલી હતી!

    ‘આ માટી આપણા પ્રેમના મોન્યુમેન્ટને કોતરીને જમીનમાંથી કાઢી છે જાન. આમાં હવે આપણે મોગરો વાવીશું! તને બહુ ગમે ને મોગરાની સુગંધ?’

    અવાચક આંખે સ્પીચલેસ વિશ્વા ખુશીથી છલછલ થતી આંખે ફરી પતિને વળગી પડી. એકદમ નીરસ ચિંતન આજ લગ્નના પાંચ વર્ષ પછી આવું કરી શકે? વિશ્વાને વિશ્વાસ ન હતો આવતો! કાલે મોસમના પહેલા વરસાદથી માટીમાંથી ઉગેલી સુગંધને કારણે હૈયે ચડેલી ભરતીથીય મોટા વહાલના મોજાઓ વિશ્વાના હૈયાને ભીંજવતા આંખોથી વહી રહ્યા. એકબીજાની આગોશમાં કેટલીય ક્ષણ સુધી બંને મૌન રહીને એકબીજાને મહેસુસ કરતા સ્પર્શની વાણીમાં બોલતા સંભાળતા રહ્યા! પોતાની કેરિયર બનાવવા માટે હમેશા બીઝી રહેવાથી પત્નીને સમય ન આપીને તેને hurt કર્યાની કેવડી મોટી યાદી હતી ચિંતન પાસે! એ બધી જ ક્ષણો માટે, એ બધા જ ઘાવો માટે માફી માંગતો ચિંતન વિશ્વાને ભેટીને રડી રહ્યો. પતિના સાનિધ્યમાં લગ્નના પાંચ વર્ષો પછી છેટ, મિલનની પહેલી જ ક્ષણે બાંધી લીધેલી અપેક્ષઓ મુજબનો પ્રેમ મળ્યાના અહોભાવમાં વિશ્વા પીગળી રહી.

    બંને જણ ઘરે પહોચ્યા. ફળિયામાં સંતાડી રાખેલા મોગરાના છોડને ચિંતને કુંડામાં મુક્યો. બંને જણે ખોબે ખોબે રોપાની આસપાસ માટી નાખી અને પાણી પાયું. આગલા દિવસની સાંજે પડેલા મોસમના પહેલા વરસાદથી ઉઠેલી માટીની સુગંધમાં મોગરાની સુગંધ ભળી ગઈ. પ્રસન્ન દામ્પત્ય જીવનની સુગંધ આ બંને સુગંધોના કોકટેલમાં સુખનો નશો ઉમેરતી ઘરના આંગણમાં વહી રહી.

    ***