‘આંસુ’ Dolly Chirag Karia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

‘આંસુ’

 • ‘આંસુ’

 • ડોલી ચિરાગ કારીયા ‘હરિણી’
 • વૃંદા સ્પષ્ટ જોઈ નથી શકતી. એવું નથી કે તેને દ્રષ્ટિ નથી. તેની આંખો સામાન્ય મનુષ્યની આંખો જેવી જ છે. પ્રકાશના કિરણો વસ્તુ પરથી પરાવર્તિત થઈને તેની કીકીમાં પ્રવેશ કરી જ શકે છે. તે વસ્તુનો ઘાટ, રંગ વગેરે જોવા સમર્થ જ છે. પણ... વૃંદાની આંખોમાં વાદળ છે. વિષાદના વાદળ. એ અમથા જ નથી ઘેરાતા. વૃંદા ઘણુય મથે છે કે પોતાની નજર હંમેશા સૂર્ય તરફ રાખે. હંમેશા પ્રકાશને જ નિહાળે. બધી પરિસ્થિતિઓની ઉજળી બાજુ જ જુએ. પણ... ઘણી બધી વાર સૂર્ય હોતો જ નથી અને અંધારાનો ફાયદો ઉઠાવીને અસલામતી, પીડા, એકલવાયાપણું, ઘુટન, આ બધું જ વૃંદાને ઘેરી વળીને તેની રગેરગમાં જુવાળ ચાંપે છે. એ દાહને ઠારવા મથતી વૃંદાની આંખો ચોમાસું સર્જે છે.

  આજે પણ વૃંદાની આંખોમાં વાદળ ઘેરાયા છે. આજે પણ ચોમાસું બેઠું છે. જો કે હમણાં હમણાં તો એવું લાગે છે કે ચોમાસું અનંત પર્યંત ચાલ્યા જ કરશે. સૂરજ ઉગશે જ નહિ. આવી ક્ષણોમાં જેમ કોઈ પણ આસ્તિક વ્યક્તિ હિંમત હારી જવાને બદલે આગળ વધ્યા કરે એવી રીતે પોતે પણ એક પછી બીજું ડગલું આગળ ચાલ્યા કરવાની શક્તિ ભેગી કર્યે જાય છે.

  સાસુના ખોળામાં સુતેલા જેઠના દીકરાને જોઇને વૃંદા ભૂતકાળમાં પહોંચી ગઈ. તે પહેલેથી જ ઘણું વધારે વિચારતી. ખુબ વિચારવાને કારણે તેને ઉંઘ ન આવે ત્યારે માના ખોળામાં લપાઈને સુતેલી વૃંદા જોઈ શકતી કે મા રડે છે. પપ્પાએ મરોડેલ હાથ પર બીજો હાથ ફેરવતી મા ચુપચાપ રડી રહી છે. વૃંદાને પપ્પા જરાય નથી ગમતા. બધી છોકરીઓના પપ્પાની જેમ તે વૃંદાને વહાલ નથી કરતા. તેની તરફ તિરસ્કારથી જુએ છે. પપ્પા ઘરમાં આવે કે તરત જ પોતે દોડીને પપ્પાને વળગી પડે તો જાણે કોઈ જાનવર વળગ્યું હોય તેવા તિરસ્કારથી પપ્પા પોતાને આઘી ધકેલી દે છે. આખી રાત આવતા વસ્તુઓ ફંગોળવાના અને મારપીટ તથા બુમબરાડાના અવાજો પછી મા લંગડાતી ચાલે વૃંદાની પથારીમાં આવીને દીકરીને છાતીસરસી ચાંપીને આંસુ સાર્યા કરે છે. આવી ક્ષણોમાં ડરી ગયેલી, ગભરાઈ ગયેલી વૃંદાને લાગે છે કે પોતાની આંખોમાંથી વહેતા આંસુ માની આંખોમાંથી વહેતા આંસુઓ સાથે ભળી જાય છે. ‘મા, આ આંખમાંથી નીકળતા આંસુઓ ક્યાં જાય છે?’ દીકરીના માથા પર ફરતો હાથ એક લાંબી પળ સુધી અટકી જાય છે. થોડાક આંસુઓ સારી લીધા પછી મા બોલે છે, ‘આપણે આ દુનિયામાં આંસુ લઈને જ આવીએ છીએ. જેટલા આંસુ આપણી આંખોમાંથી ટપકે છે એ બધા જ એક પાત્રમાં એકઠા થાય છે.’

  ‘તો મા! એ પાત્ર કેવડું હોય? એ ક્યારેય છલકાય જ નહિ?’ મા હસે છે. વિષાદભરેલું હસીને મા જાણે સ્વગત બોલતી હોય તેમ કહે છે, ‘આપણી આંખોમાં એ પાત્ર આખુ ભરાય જાય એટલા જ આંસુ હોય છે. બેટા, બધાય આંસુ એ પાત્રમાં ઠલવાય જાય એટલે આપણે છુટા! પછી એક ક્ષણ પૂરતુંય આપણે દુઃખ પડે જ નહિ. આંખમાંથી અંતિમ આંસુ પડે કે તરત આપણને ઉંઘ આવી જાય છે. સુખની નીંદર!’

  નાનકડી વૃંદા આ સુખની નીંદરના સપના જોતી તંદ્રામાં સરી પડે છે. છેલ્લો વિચાર તેને આવે છે કે મા મારા કરતા વહેલી સુઈ જાય તો સારું. હે ભગવાન! મારી માને સુખની નીંદર આવી જાય! તે લગભગ કરગરે છે.

  ભૂતકાળને ફરી જીવીને વર્તમાનમાં પાછી ફરેલી, વિચારોમાં ખોવાયેલી અને ચુપચાપ રડી રહેલી વૃંદા ઘડિયાળ તરફ જોઇને ફોન લગાડે છે. ‘હલ્લો’ સામેથી દીપકનો ચીડાયેલો અવાજ આવે છે. ‘મોડું થયું એટલે ફોન કર્યો. જમવાનું ગરમ કરી રાખું?’ વૃંદા ચિંતિત સ્વરે પતિને પૂછી રહી ત્યાં જ કોઈ સ્ત્રીનો હસવાનો અવાજ ફોનમાંથી સંભળાય છે. ટપટપ કરતા ફરી બે આંસુ વૃંદાની આંખોમાંથી સરી પડ્યા. પણ વૃંદાને લાગ્યું કે આ આંસુ હવે નકામા થઇ ગયા છે. રોમેરોમમાં લાગેલી જાળ આવા સેંકડો આંસુઓથીય નહિ ઓલવાય. ‘આવું છું થોડી વારમાં, ઘડી ઘડી ફોન ના કર.’ બેફીકરીથી અને પોતાની ચોરી પકડાઈ ગયાના ક્ષોભથી દીપક ઉતાવળે ફોન કાપી નાખે છે.

  વૃંદા થાકીને આંખો બંધ કરીને પથારીમાં પડી. તેને પોતાના હાથ, પગ, ચહેરો મહેસુસ થવાના બંધ થઇ ગયા. પોતાની સમગ્ર ચેતના, પોતાનો જીવ એક માત્ર હૃદયમાં જ કેન્દ્રિત થઇ ગયા... અને શ્વસી રહેલા, ધબકી રહેલા કોઇપણ હૃદયને ચીરીને ટુકડા ટુકડા કરી નાખે એવી કારમી ચીસસમું ડૂસકું વૃંદાએ ઓશીકામાં દબાવી દીધું. હવે માત્ર સપના જેવા લાગતા, દીપક સાથે ગાળેલા શરૂઆતના દિવસો ઘણની જેમ તેના પોચા કાળજા પર ઘા કરતા રહ્યા અને વૃંદા નિશ્ચેટ થઈને આંસુ સારતી પેલું પાત્ર ભરાવાની રાહ જોતી ઊંઘમાં સરી ગઈ.

  *

  ‘કામ ન કરવાના બહાના છે આ બધા. અમારા જમાનામાં તો અમે એક નાનકડાં રોટલાના બટકા પર ચાર ચાર દિવસ રહી લેતા... આ તો આખો દિવસ ખાય અને આખો દિવસ કાઢવા જાય...’ સાસુના કડવા શબ્દોની સામે હંમેશા સ્વસ્થ રહીને ટૂંકો પણ સારો જવાબ વાળતી વૃંદા આજે કાંઇ જ સાંભળી શકી નહિ. ‘જોયું, આપણે બોલીએ તો જાણે સંભાળતી જ નથી...’ સાસુના શબ્દોમાંથી નફરત વૃંદાને દઝાડવાના પ્રયત્નો કરી રહી હતી. પણ વૃંદા અત્યારે બીજું કાંઇ જ સમજી શકે એમ ન હતી. ‘દીકરી હશે તો?’ વૃંદા ધ્રુજી ગઈ! ઉલટી કરી લીધા પછી ઠંડા પાણીથી ચહેરો ધોતા તેને ચક્કર આવી ગયા. ‘શું થશે તેનું?’ વૃંદા હવે આ સમયને ઓળંગીને ભવિષ્યમાં પહોંચી ગઈ. આજ જે તિરસ્કાર અને નફરતનો સામનો પોતે કરી રહી છે એ બધું પોતાના પેટમાં સળવળી રહેલી નવા જીવની શક્યતા પર શું અસર કરશે તે વિચારી શકવું વૃંદા માટે અશક્ય હતું. કદાચ વિચારવું નહિ પણ સહી શકવું અશક્ય હતું.

  વૃંદાએ પુરા પ્રયત્નો કરી જોયા, પણ દીપક આવનારા બાળક પ્રત્યે સાવ બેજવાબદારીથી વર્તી રહ્યો હતો. તે રાત્રે તેને એક સપનું આવ્યું. દરવાજો ખોલવા માટે ટેબલ પર ચડેલી ફ્રોક પહેરેલી નાનકડી વૃંદા પપ્પાને ભેંટી પડી! આજે સ્કુલમાં ટીચરે પોતાના કરેલા વખાણ અને પોતાને મળેલ ઇનામ વિષે તેને પપ્પાને કેટકેટલું કહેવું હતું.

  ‘નીચે ઉતર તું ત્યાંથી!’ દરવાજામાંથી પ્રવેશતા પુરુષે ચિડાઈને બુમ પાડી. ‘પડશે એટલે વળી મારે દવાખાનાના ધક્કા. રોટલા માટે આખો દિવસ કામ કરવાના અને ઉપરથી બધાના ઢસરડા કરવાના.’

  વૃંદા કંઇ સમજી નહિ. પણ પોતાના નાનકડાં હૃદયની અંદર કશુક તૂટતાં તે અનુભવી શકી. ટેબલ પર દરવાજા પાસે સંકોળાઈને બેસી રહેલી હીબકા ભરતી દીકરીને માથે માએ હાથ ફેરવ્યો. વૃંદા સ્પર્શમાં રહેલી લાગણીઓ ઓળખી શકે એટલી મોટી તો હતી જ. માએ તેની ચિબુક પકડી અને ચહેરો ઉચો કર્યો. એ જ ક્ષણે બધુય બદલાઈ ગયું! વૃંદાએ જોયું કે સામે મા નહિ, પોતે ખુદ ઉભી હતી અને સામે ટેબલ પર હીબકા ભરી રહેલી છોકરી પોતાના જેવી લગતી હતી, પણ તે વૃંદા ન હતી! આ બેબી કોણ છે એ વિચારતા જ પોતે જાણે ઉંચી ઈમારતથી નીચે પટકાઈ! તે ઉંઘમાંથી ઉઠી ગઈ. બાજુમાં દીપક ઊંઘી રહ્યો હતો. તેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. દીપકના ચહેરા સામે જોતા જ તેને સપનામાં રડી રહેલી બાળકીનો ચહેરો યાદ આવ્યો. તેનામાં દીપકની અણસાર હતી. બારીની બહાર સવારનું અજવાળું ફેલાઈ રહ્યું હતું અને વૃંદા એક જુદા જ વિષાદના અંધારભરેલા કૂવામાં ઊંડી ઉતરતી જઈ રહી હતી.

  પછીના નવ મહિના વૃંદાએ બે તરફના ખેંચાણ અને નિર્ણય ન કરી શકવાની લાચારીમાં વિતાવ્યા. જે રાત્રે તે ગર્ભપાતનો નિર્ણય લઈને સુતી એ રાત્રે તેને પોતાના હાથ લોહીથી ખરડાયેલા હોય અને જીવવાની અદમ્ય ઈચ્છા ધરાવતા જીવનું મરણ પૂર્વેનું રુદન સંભળાતું હોય તેવા સપના આવતા. જયારે બીજી રાત્રીઓ તેને સપનામાં બધાની તિરસ્કાર ભરેલી આંખો દેખાતી. પણ હંમેશાની જેમ તે આંખો પોતાને નહિ બીજી કોઈ વ્યક્તિને જોઈ રહી હતી અને બે નાનકડી આંખો પોતાના તરફ પ્રશ્નાર્થ નજરથી જોઈ રહેતી. જાણે ખુદ તરફના બધાયના તિરસ્કારનું કારણ પૂછી રહી હોય. વૃંદાની પાસે તે બાળકીની આંખોમાં ડોકાઈ રહેલા મૂક પ્રશ્નનો કોઈ જવાબ ન હતો. ખરેખર તો એ જ પ્રશ્ન વૃંદાનો પોતાનો પણ હતો. પરંતુ પોતે એટલી મોટી થઇ ચુકી હતી કે સમજી શકે કે અમુક પ્રશ્નોના કોઈ જ જવાબ નથી હોતા. તે બસ પ્રશ્નો જ હોય છે.

  પુરા મહીને એક બપોરે વાસણ ઘસવા વાંકી વળેલી વૃંદાને અજીબ જેવી પીડા થઇ. ઘરમાં કોઈ ન હતું. જમીન પર ફસડાઈ પડેલી વૃંદા ચીસો પાડી રહી હતી અને તો પણ પોતાને લાગ્યું કે આ પીડા એટલી અસહ્ય છે કે ચીસો પાડીને તેને ઓછી કરી શકાશે નહિ. ધમણની જેમ ચાલતા શ્વાસે મહામહેનતે ઉભી થઈને એક એક ડગલું ભરતી તે રસ્તા પર નીકળી. રિક્ષામાં બેસતા જ વૃંદાને મા યાદ આવી. માએ પણ પોતાના જન્મ વખતે આવી જ પીડા સહન કરી હશે! તેને લાગ્યું કે પોતે મા કરતા વધુ રીઢી છે. હોસ્પિટલ પહોંચતામાં તો વૃંદા હાંફી રહી. તેના શરીર પર નર્સ અને ડોકટરના હાથ ફરવા લાગ્યા. અસહ્ય પીડામા તરબોળ વૃંદા એક નાનકડો ચહેરો કલ્પીને જીવી શકવાની, પીડાને સહન કરી શકવાની શક્તિ મેળવવા મથી રહી.

  દર્દની એક એક લહેર પોતાને વિતી ગયેલા સમયના કિનારે તાણી જવા લાગી. મા પેલી ઉંચી ઉંચી લહેરોને ભેટી પડવા મક્કમ પગલે દરિયામાં આગળ ને આગળ વધી રહી હતી. મા અત્યારે દરિયે નહાવા શુકામ આવી છે એ વૃંદાને ન સમજાયું. ભરતી થપાટ લગાડતી અને મા આખીય ભીંજાઈ જતી. વૃંદાને લાગ્યું કે દરિયો ખારા પાણીનો નહિ, માના આંસુઓનો ભરેલો છે અને આજે માના આંસુ માને સમાવી લેવા માગે છે. વૃંદા કંઇ પણ કરી શકવા અસમર્થ હતી. તે રેતી પર પથ્થરની શીલાની જેમ જડાઈ ગઈ. એક મા જ તો છે જે પોતાના જેવા આંસુઓ સારે છે. તેને મા પાસે જવું હતું. માને તે પેલા આંસુઓની થપાટોથી બચાવી લેવા માગતી હતી. પણ ચીસો પાડતી, ધમપછાડા કરતી નાનકડી વૃંદાને આસપાસ ઉભેલા લોકોએ પકડી રાખી હતી. એ લોકો પોતાને મા પાસે જવાથી, માને બચાવવાથી રોકી રહ્યા હતાં. મા દૂર જઈ રહી હતી. ખુદના આંસુઓમાં જ ડૂબી રહી હતી. માએ આંસુનું પાત્ર ભરાઈ જવાની રાહ જોવાને બદલે એ જ પાત્રમાં ડૂબી જવાનું સ્વીકાર્યું હતું. વૃંદા માને ક્યારેય માફ નહિ કરી શકે!

  પ્રસુતિની પીડા, મનમાં ભમી રહેલા દ્રશ્યોની પીડામાં ઓગળી ગઈ. નર્સે વૃંદાના પડખામાં એક પોટલું મુક્યું. પોટલું હાથ પગ વીંઝતું રડી રહ્યું હતું. વૃંદાએ પોતાની છાતી પર પોતાની બાળકીને વળગાળી. પોતાની નાસોમાંથી લોહી રેડીને સર્જેલા જીવના પ્રથમ સ્પર્શથી ટપટપ કરતા બે આંસુ બાળકીના સુવાળા માથા પર પડ્યા. આજ સુધીમાં વૃંદા અગણિત આંસુઓ સારી ચુકી હતી પણ આ આંસુ... આ આંસુ બાકીના બધાય આંસુઓથી અલગ હતાં. આ આંસુ ‘સુખ’ના હતાં. પહેલા ક્યારેય ન અનુભવેલું અને બધીય પીડાઓને ભુલાવી દેનારું આ સુખ કેવું અવર્ણનીય છે એવું વિચારતી વૃંદા અચાનક જ ઊંડી ઉતારવા લાગી. પોતાને આ શું થઇ રહ્યું છે એ સમજાતું ન હતું અને એક તરફ શ્વાસની ગતિ ધીમી પડવા લાગી હતી. પોતાની બધી પીડાઓ જાણે પત્થરનું રૂપ લઈને શ્વાસની ઝીણી દોરી પર સવાર થઇ ગઈ હોય એવું વૃંદાને લાગ્યું. એક એક શ્વાસ લેવો અતિશય અઘરો થતો જતો હતો. તેને નર્સની ચીસ અને ગભરાતા અવાજો સંભળાયા. વૃંદાએ પોતાની બાળકીને પોતાના પડખામાં વધુ નજીક ખેંચવા પ્રયત્નો કર્યાં. પણ પોતે પોતાનો હાથ કે પડખું કે બાળકી, કંઈ જ મહેસુસ કરી શકતી ન હતી. આંખોની સામે અંધારું છવાઈ ગયું.

  આછા ઝાંખા પ્રકાશમાં વૃંદાને એક પાત્ર દેખાયું. વૃંદા તરત જ સમજી ગઈ કે આ પોતાનું પાત્ર હતું જે તેણે જન્મથી લઈને આત્યાર સુધી સારેલા આંસુઓથી ભર્યું હતું. પાત્ર અધૂરું હતું. વૃંદા હતાશ થઇ ગઈ. તેને પહેલી વાર એવો પ્રશ્ન થયો કે હજી કેટલા? કેટલા આંસુઓ સાર્યે આ પાત્ર ભરાઈ જશે? પોતાને પોતાના નસીબ પર અને ભગવાન પર ખુબ ગુસ્સો આવ્યો. પણ બીજી જ ક્ષણે પોતાની બાળકીનું મુખ જોતા જ તેને આ પાત્ર વિષે કોઈ ચિંતા ના રહી. જ્યાં સુધી આ નાનકડો જીવ મારા પડખામાં છે, હું બધી પીડા સહી લઈશ. વૃંદાએ બાળકીની આંખોમાં જોયું. સાવ સુકાઈ ગયેલો, તેજ વિહોણો અને પીડાથી કાળો પડી ગયેલો પોતાનો જ ચહેરો તે પોતાની દીકરીની આંખોમાં જોઈ રહી. અચાનક બાળકીની આંખોમાંના વૃંદાના પ્રતીબીમ્બે બે આંસુ સાર્યા અને તે બે આંસુ અહિયાં સામે પડેલા પાત્રમાં પડ્યાં!

  વૃંદાની નજર સામે પડેલું અધૂરું પાત્ર બે જ ટીપાથી આખું ભરાઈ ગયું! વૃંદા કાંઇ સમજે, વિચારે એ પહેલા પાત્રનું પાણી લોહી બની ગયું... દરિયાના પ્રચંડ મોજાની જેમ આ લોહી પાત્રમાંથી ઊછળ્યું. વૃંદાને ઉંઘ આવવા લાગી. પહેલા ક્યારેય ના આવી હોય એવી ઉંઘ! પણ પોતાની બાળકી જાગતી હતી, રડતી હતી. વૃંદાને અત્યારે સુવું પોસાય એમ ન હતું. વૃંદાનું પાત્ર આખુ ભરાઈ ગયું હતું. પણ પોતે અત્યારે સુખની નીંદર કેમ કરી શકે? તેને જાગવું હતું. જાગવું પડે એમ જ હતું. બાળકી બહુ નાની છે. તેનું પોતાના સિવાય કોણ છે! પોતે તેની મા છે. હજી હમણાં જ તો તે પોતાના શરીરમાંથી બહાર આવી છે. વૃંદાને ગમે તેમ કરીને બાળકી પાસે જવું હતું. આ તંદ્રાને નખ ભરાવીને ચીરી નાખવી હતી. તેણે ચીસો પડવા લાગી. ધમપછાડા કરવા લાગ્યા. પણ પોતાને કોઈ અદ્રશ્ય પક્કડ રોકી રહી હતી. લોહીની ઉંચે ઉછળી રહેલી લહેરો પાત્રમાંથી નીકળી અને કલ્પાંત કરતી તરફડતી વૃંદા લહેરોમાં તણાઈ ગઈ.

  વૃંદાના પડખામાં સુતેલી બાળકીને નર્સે ઉઠાવી લીધી. બીજી નર્સે વૃંદાના શરીર પર સફેદ કપડું ઢાંકી દીધું.

  ‘આ બાઈના સગાને બોલાવો.’

  ‘તે એકલી જ આવી હતી સર.’

  ‘તો લાશને મોર્ગમાં મોકલી દો અને બાળકીને અનાથાશ્રમ મોકલવાની તૈયારી કરો.’

  ડોકટરનો પ્રોફેશનલ અવાજ ઓરડામાં પડઘાઈ રહ્યો અને એક બાળકીની આંખોમાંથી વહી રહેલા આંસુ એકદમ નવા સાવ ખાલી પાત્રને ભરવા લાગ્યા.

  ***