ગુજરાતી વર્સીસ ઈંગ્લીશ Nruti Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુજરાતી વર્સીસ ઈંગ્લીશ

ગુજરાતી વર્સીસ ઈંગ્લીશ

“ બંસરી મેં નક્કી કરી લીધું છે કે આપણે બંટીને ગુજરાતી માધ્યમમાં જ ભણાવીશું.”

સાંજે ઓફિસથી આવીને રિલેક્ષ મૂડમાં ચા પિતા પિતા જોશથી મૌલિકે પત્નીને કહ્યું. બંસરી મલકીને બોલી,

“કેમ? તમારા પેલા ગાંધીવાદી બોસે સલાહ આપી કે શું?”

“મારા બોસ તો રોજ મને હોલસેલમાં સલાહો આપતા હોય છે , પણ ક્યારે કઈ સલાહ માનવી એ મેનેજમેન્ટમાં હું એક્ષ્પર્ટ છું.”

“હમ, એટલેજ ઓફિસના મેનેજમેન્ટ કરતાં આ બધા મેનેજમેન્ટમાં તું આગળ આવી ગયો અને પેલો ભાવેશ મેનેજર બની ગયો બરાબરને ?”

મૌલિક આ સાંભળીને જરા અકળાઈને બોલ્યો,”તને તો ખબર છે ને બંસરી કે હું જરા નિર્ણયો લેવામાં થોડો મોળો પડું છું બાકી તો બધી સ્કીલ્સ મારામાં પણ છે હો!!”

સાચું પૂછો તો દરેક માણસમાં આ યોગ્ય સમયે ત્વરિત નિર્ણય ન લઇ શકવાની અણઆવડત થોડે ઘણે અંશે હોય છે જ અને આ બધી કરેલી ભૂલોના પરિણામો નો સરવાળો, બાદબાકી વગેરે કરીને જે મળે તે જ “જીવન” મિત્રો..

પણ આ બંને અટવાયા હતા તેમના દિકરા બંટીને ગુજરાતી માધ્યમમાં મૂકવો કે ઈંગ્લીશ મીડીયમમાં –એ નિર્ણય લેવામાં! કદાચ છેલ્લા છ મહિનાથી બંને આ વિષયમાં ગજા પુરતો(કદાચ ગજા બહારનો) સર્વે કરતા હતા અને જેટલા અંદર ઉતરતા હતા તેટલા વધારે કન્ફ્યુસ થતા હતા.પણ તમે કન્ફ્યુસ ના થતા હો!

બંસરી ઈંગ્લીશ મીડીયમ જે આજના સમયની માંગ છે તેમાં બંટીને ભણાવાવા ઈચ્છતી હતી અને મૌલિકભાઈ એક સીધાસાદા ગુજરાતી પિતાની જેમ ગુજરાતી માધ્યમમાં..

હવે મૌલિકે પોતાની દલીલ વધારતા કહ્યું,” મારા દાદાનું ,કદાચ પરદાદાનું અને પિતાજીનું એક સપનું હતું કે –મારો દિકરો એક પ્રખ્યાત લેખક બને..”

“એ લોકોએ સપના તો વાવ્યા પણ કદાચ ફળ ચાખી ના શક્યા..” બંસરી એ કટાક્ષમાં મૌલિક સામે જોઇને કહ્યું.

અફસોસના સ્વરમાં લાગણી ભીના અવાજે મૌલિક બોલ્યો,”હું એ ફળ ચાખવા માંગુ છું. મારે મારા બંટીને એક સારો લેખક બનાવવો છે અને એટલે જ ગુજરાતી માધ્યમમાં મૂકવો છે. ખબર છે ને કે લેખકો નું સમાજમાં કેટલું માન અને કેટલો મોભો હોય છે.?.”

બંસરી મૌલિકના પેઢીઓ જુના સપનાના ચૂરેચૂરા કરીને ઉભી થતા બોલી,”તું ય શું મૌલિક, લેખક બનવું એ શું મોટી વાત છે ? આજકાલ તો આ બધા રાજ્કારણીઓ એ જોને લેખક બની બેઠા છે..’

મૌલિકે તરત જ જવાબમાં કહ્યું,” અરે ના! એ બધા લેખક તો પહેલેથી જ હતા પછી રાજકારણી બન્યા.

તું ડોક્ટર અબ્દુલ કલામ જો,અટલ બિહારી વાજપેયી જો,જ્યોતિ બસુ જો અરે મનમોહન સિંહ જો ...”

“બસ, બસ હવે. મારે મારા દીકરાને લેખક નથી બનાવવો ઓકે? અને પોલીટીશીયન તો બિલકુલ નહિ..”

ત્યાં જ ડોરબેલ વાગી અને ઇસ્ત્રીવાળો આવ્યો.બંસરી એ તેને કપડા આપીને વળાવીને કહ્યું ,” આ માલેરામ ધોબી, જોયો?”

“હા રોજ જોઉં છું. ખાલી રવિવારે નથી આવતો , બિચારો એક રજા તો રાખે ને?”

“એમ નહિ હવે, તેણે પણ પોતાના દિકરાને ઈંગ્લીશ મીડીયમમાં મુક્યો છે. ગરીબ અને અભણ છે છતાં ઊંચા સપના જુએ છે!!!”

“ અહા ! શું સપનું છે ! દસ વર્ષ પછી પુત્ર માલેરામ દરવાજે દરવાજે ગાતો ફરતો હશે—“ give me some clothes,give me some sarees, give me some curtains I wanna press it once again…””

“થ્રી ઈડીયટસ,વન્સ અપોન અ ટાઇમ ઈન મુંબઈ,ન્યૂયોર્ક,રેસ,વેલકમ,નો પ્રોબ્લેમ, ઓલ ધ બેસ્ટ .....”

“બસ, બસ વધારે મહેનત નાં કર. આ ગીત તો થ્રી ઈડીયટસનું જ છે.”

“એમ નહિ, આજકાલ તો મુવીના ટાઈટલ્સ પણ ઈન્ગ્લીશમાં રાખો એટલે હિટ થવાના પુરેપુરા ચાન્સીસ સમજ્યા ? બધે જ ઈન્ગ્લીશનો કરિશ્મા છે.”

બંસરી પણ આજે લડી લેવાના મૂડમાં હતી એટલે કિચનમાંથી શાક કાપવાનો સામાન લાવીને મૌલિકની સામે ગોઠવાઈને બોલી,”જો આજે તો હું પણ ફેસલો જ કરી લેવા માંગુ છું . મને ખબર નથી પડતી કે આજના આટલા સોફીસ્ટીકેડ સમયમાં બંટીને ગુજરાતી માધ્યમમાં મુકીને તમે શું ઉકાળી લેવા માંગો છો?એના મિત્રો , સમાજ, સોસાયટી બધામાં બંટી મજાક્પાત્ર બને એમ ઈચ્છો છો તમે?”

મૌલિક જરા ચિડાઈને બોલ્યો ,” અરે ! ગુજરાતી તો માતૃભાષા છે માતૃભાષા ! એમાં જે પોતાનાપણું લાગે એ વાત ઈંગ્લીશમાં નહિ સમજી?અને આપણા ઘરમાં,રૂટીનમાં બધે ગુજરાતીનું જ વર્ચસ્વ છે ને?”

“ હા! પણ ઈંગ્લીશ એ પુત્રીભાષા છે પુત્રીભાષા!એને લાડે ય લડાવવા પડે, એના વગર ચાલે ય નહિ, આમ જુઓ તો પોતાની ને આમ જુઓ તો પારકી..”

હવે ખલ્લાસ , મૌલિક ઉભો થયો અને બોલ્યો,”હું પુત્રી સામે માતાને જીતાડીને જ રહીશ.”

બંસરી જરા વિચારીને કિચનમાં જતા જતા બોલી,”ચાલ હવે આપણે એક ગેમ રમીએ , એમાં જે જીતે તેનું માનવાનું બીજાએ..”

મૌલિકને અત્યારે કોઈ ગેમ રમવામાં રસ નહોતો પણ પત્નીને ખુશ રાખવા બોલ્યો,”હા ભાઈ હા, રમી લઈએ ત્યારે.” પછી ધીરેથી બબડ્યો,” કોન્ફીડંસ તો જો ઓલિમ્પિક ગેમ જીતીને નાં આઈ હોય જાણે!”

બંસરીની ગેમ જરા ઈંટરેસટીંગ હતી.”અચ્છા મૌલિક તારા કહેવા પ્રમાણે રૂટીનમાં બધે ગુજરાતી જ ચાલે છે એમ ને ?”

“હાસ્તો વળી પોતે તો જાણે અંગ્રેજીમાં સપના જોતી હોય એમ વાત કરે છે!!”

“ઓકે, ગેમ બહુ જ સીધીસાદી છે,તારે ફક્ત ગુજરાતી જ બોલવાનું છે,” ‘ગુજરાતી’ શબ્દ પર થોડો ભાર દેતા બંસરી બોલી.

“હા, તો મને જરા યાદ કરાવોને મૌલિક કે ગયા સંડે આપણે સવારે ક્યાં ગયા હતા?”

“ક્લબમાં, ટેબલ ટેનીસ રમવા,અને વહેલી સવારે મોર્નિંગ વોક પર પણ ગયા હતા.”

“અને પછી શું કર્યું હતું?”

મૌલિક જરા વિચારીને બોલ્યો,”હું સોસાયટીની મીટીંગમાં ગયો હતો અને આપણે બધાની સાથે ગેટ ટૂ ગેધરમાં લંચ પણ લીધું હતું.”

કિચનમાંથી ડોકું બહાર કાઢીને બંસરી ટહુકી,”પછી બપોરે?”

“બપોરે ૩ થી ૬ ના શોમાં મલ્ટીપ્લેક્ષમાં મૂવી જોવા ગયા હતા અને સાંજે.....”

જરા મૂડમાં આવીને મૌલિકે જરા આગળ ચલાવ્યું,”એ દિવસે તો આપણી એનીવર્સરી હતી ડીયર એટલે આપણે બંને એ ‘કેન્ડલ લાઈટ ડીનર ‘ લીધું હતું, પણ તું ગેમ તો આગળ ચલાવ જરા હવે..”

“અચ્છા હવે તમે ગયા રવિવારની જેટલી પણ દિનચર્યા વર્ણવી તેનો ગુજરાતીમાં અનુવાદ કરીને કહો તો જરા મને?”

મૌલિક આંખો ફાડીને બંસરી સામે જોતો રહ્યો “હા, હા, એમાં શું વળી? સવારે ક્લબમાં ટેબલ ટેનીસ રમવા,અ અ ગુજરાતીમાં બોલવાનું છે ને હા પછી સવારે ચાલવા ગયા હતા.તે પછી સમાજની પરિષદમાં હું ગયો હતો.ગેટ ટૂ ગેધર એટલે કે મેળાવડામાં સવારનું જમણ લેવા ગયા હતા.બપોરે અનેકવિધ સિનેમાઘરોમાં ચિત્રપટ જોવા ગયા હતા.અને રાત્રે આપણે બંને ‘મીણબત્તી વાળુ ‘ લેવા ગયા હતા.”

મૌલિક ચકરાઈ ગયો આટલું બોલતા તો અને બંસરી હસીને લોથપોથ થઇ ગઈ .

અને મજા તો ત્યારે આવી જયારે તે વખતે જ બરાબર નાનકડા બંટીની એન્ટ્રી પડી ,’પપ્પા તમે મીણબત્તી વાળું શું લેવા ગયા હતા ? બલુન, તુક્કલ કે પછી કોઈ નવું રમકડું મારા માટે?’

અને વાચકમિત્રો તમે પણ હવે સમજી ગયા હશો કે બંને ની લડાઈ માં કોણ જીત્યું ?

-----------*************---------------------------

આ વાર્તા આજના સમયનો બહુ વિચાર માંગી લેતો એક પ્રશ્ન સામે જરાક આંગળી ચીંધે છે વાચકમિત્રો ...કે આપના પુત્ર કે પુત્રીને કયા માધ્યમમાં ભણાવવાનું નક્કી કરશો..