પરિવાર - 1 Chaitanya Thakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિવાર - 1

પરિવાર

“હશે તું ચિંતા ના કર મમ્મી, હું સંભાળી લઈશ” 10 વર્ષનો હીરો તેની માને આશ્વાસન આપતો હતો કે, તે તેની 4 વર્ષની બહેનનું ધ્યાન રાખશે “સારું તો આ લે 10 રૂપિયા ને, જો બહેન વધારે રોવે તો તેને દૂધ અથવા નાસ્તો અપાવી દેજે”

“એ હાલો, હવે મોડું થાય છે” ત્યાં બહારથી શાંતાબેનનો અવાજ આવ્યો.

“એ આવી” એટલું કહી સમિતા થોડાં રડમસ ચહેરા સાથે લગ્નના કામ કરવા માટે નીકળી ગયા, અને હીરો જોતો રહ્યો ને મમ્મીને દરવાજા સુધી વળાવી આવ્યો.

સમિતાબેન પહેલી વાર કોઈ લગ્નના કામ માટે બહાર નીકળ્યા હતા.
હમણાં થોડા સમયથી ઘરની પરિસ્થિતિ સારી ના હતી.

“ના આપણે નથી જવું કોઈના લગ્નના કામ કરવા” વર્ષદે થોડાં ગુસ્સે થઇને કહ્યું“

પણ ઘરની પરિસ્થિતિ તો જુઓ! હું બે પૈસા કમાઇશ તો તમને થોડો ટેકો રહેશે, ને આપણે ક્યાં ચોરી કરવા જવી છે તે સમાજની ચિતા કરવાની ! સમાજ તો બોલ્યે રાખશે, તે થોડાં કાંઈ રોટલા દેવા આવશે ! ” આમ કહી ને સમિતાએ પણ ચોખ્ખું પતિ સામે કહી દીધું.

થોડી રકઝક બાદ આખરે વર્ષદ પત્નીની વાત સાથે સહમત થઇ ગયો. બંને એ પ્રેમ લગ્ન કર્યા હતા હતા. ને આજે 12 વર્ષ થઇ ગયા.. એક બીજાને સારી રીતે સમજતા હતા.

“અલે અલે, બેનાને શું જોઇયે છે? કેમ રડે છે ? મમ્મી પાસે જવું છે ?” હીરો તેની બહેનને શાંત કરાવી રહ્યો હતો.“તારે ઘોડાની સવારી કરવી છે? ચાલ બેસી જા મારી પીઠ પર”

“ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક, ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક” ને બહેનના મોઢા પર થોડું હાસ્ય આવ્યું અને નિંદર પણ.

આખરે હીરો બહેનને સુવડાવીને તેના ઘરમાં કામે લાગ્યો. 10 વર્ષનો છોકરો, પણ તેના વ્યવહાર અને વર્તન થી આવું લાગે કે, આ 10 વર્ષમાં તેને ઘણી દુનિયાદારી જોઈ લીધી. નાનો હતો ત્યારથી જ ઘરની પરિસ્થિતિથી વાકેફ હતો. જેવું નામ તેવું જ કામ હતું, પોતાના પરિવારની મદદ અને જીવનમાં કંઈક કરી દેખાડવાના ધ્યેય સાથે હીરાના ઘણાં સપના હતા. આજ સુધી તેણે કોઈ ચીજ માટે ઘરમાં કોઈ દિવસ જિદ નહોતી કરી. કોઈ સમજદાર “છોકરી”ની જેમ આખું ઘર સાફ કરવાનું, વાસણ માંજવાના, ને જમવાનું પણ બનાવાનું ! કોણ જાણે કેમ…. આજે બહેન પણ હીરોને વધારે હેરાન નહોતી કરતી…

વર્ષદ છાપા નાખવાનું કામ કરે, તેની પાસે ઘણા ગ્રાહકો હતા ને હા વર્ષદની હાથ નીચે પાંચેક માણસો પણ કામ કરતા, વર્ષદનો સંસાર હસી ખુશીથી ચાલતો હતો પણ ભગવાને કઈક બીજું જ વિચાર્યું હોઈ તેમ અને કહે છે ને કે ખુશી લાંબો સમય નથી રહેતી તેવું જ વર્ષદ સાથે થયું.

“હાશ, બધું કામ પૂરું થઇ ગયું.”

ને હીરો કઈક વાંચવા બેસી ગયો.. તેને વાંચવાનો ભારે શોખ, જયારે જોઉં ત્યારે કંઈ ને કંઈ વાંચતો જ હોઈ.

વર્ષદ પણ જયારે રાત્રે નવરો પડે ત્યારે હીરોને સારી વાતો કહેતો. જે કાતો વર્ષદે કયાંક સાંભળેલી હોઈ અથવા ક્યાંક વાંચેલી હોઈ. હીરોને વાંચતા વાંચતા પાપા એક કહેલી વાત યાદ આવી.

એક સરદારજી હતા જે તાળાઓની ચાવી બનાવવાનું કામ કરતા હતા. સરદારજીની દુકાનમાં એક દિવસ હથોડી અને ચાવી વાતોએ ચડ્યા. સરદારજી કોઇ કામ સબબ બહારગામ ગયા હતા એટલે હથોડી અને ચાવી સાવ નવરા જ બેઠા હતા. ઘણા સમય પછી આજે નવરાશ મળી એટલે બંને વાતોએ વળગી. વાતો દરમ્યાન ચાવીને એવુ લાગ્યુ કે હથોડી થોડી નિરાશ છે. એમણે હથોડીને જ આ બાબતે પુછ્યુ. હથોડીએ કહ્યુ, " યાર મને એ જવાબ આપ કે આપણા બંનેમાંથી વધુ શક્તિશાળી અને મોટું કોણ છે?" ચાવીએ તો તુંરત જ જવાબ આપ્યો, "આપ જ મારા કરતા મોટા અને શક્તિશાળી છો. હું તો સાવ નાનકડી છું. આપની સરખામણીમાં મારામાં લોખંડ પણ બહુ ઓછુ વપરાયુ છે. આપ મારા કરતા કદમાં પણ મોટા છો અને મારાથી કેટલાય ગણુ વધુ લોખંડ આપનામાં છે." હથોડીએ હવે પોતાની હતાશાનું કારણ બતાવતા કહ્યુ, " હું તારા કરતા મોટી અને શક્તિશાળી હોવા છતાય તું જેટલી સરળતાથી તાળાને ખોલી શકે છે એટલી સરળતાથી હું કેમ તાળુ ખોલી શકતી નથી ? હું તો કેટલી વાર સુધી મહેનત કરું ત્યારે માંડ તાળુ તુટે અને ઘણીવાર તો ગમે એટલી મહેનત પછી પણ તુટતુ નથી." ચાવીએ હથોડીની સામે સ્મિત આપીને કહ્યુ, "દોસ્ત, તું તાળાને ઉપરના ભાગે મારે છે અને હું તાળાની અંદર જઇને પ્રેમથી એના હદય પર મારો હાથ ફેરવું છું એટલે એ ખટાક દઇને બહુ સરળતાથી ખુલી જાય છે."

“હીરો દીકરા આ વાત પરથી તને શું સમજાયું ?” વાર્તા પૂરી થયા પછી વર્ષદે પૂછ્યું, ને હીરો ને નકારમાં માથું ધુણાવ્યું, પછી વર્ષદે સમજાવ્યું કે, “લોકોને ખોલવા હોય તો બહારના પ્રયાસો કરવાથી ન ખુલે એ માટે એની અંદર જઇને એના હદયને પ્રેમથી સ્પર્શવામાં આવે તો ગમે તેવા માણસનું હદય પણ તાળાની જેમ સરળતાથી ખુલી જાય છે.

“હીરો ક્યાં છે ?” વર્ષદે નોકરી પરથી આવી ને બુમ પાડી.

“આ આવ્યો, બોલો ને પપ્પા” હીરોએ મોઢું સાફ કરતા કરતા કહ્યું.”
તારી મમ્મી આવી ?” વર્ષદે કપડાં બદલાવતાં બદલાવતાં પૂછી લીધુ.

“તારી મા પણ કોઈનું સાંભળે નહિ. આજુબાજુવાળા વાતો કરવા લાગ્યા છે, પણ તેને તો કઈ પડી જ નથી. હા, શું થયું હમણાં થોડી આર્થીક સમસ્યાછે, પણ થઇ રહેશે કઈક ધીરે ધીરે, પણ ના આખરે તો તેને જે કરવું હોય તે જ કરે. પેલા સામેવાળા કાબરીયાભાઈ કહેતાં હતાં કે, આજે સમિતાબેનેને પટેલ સમાજની વાડીમાં જોયા હતા. ત્યાં વાસણ માંજતા હતાં.” વર્ષદની વાતમાં થોડો ગુસ્સો છલક્તો હતો.

એટલું બોલી વર્ષદ દરરોજની માફક ઘરની બહાર ચોગાનમાં આરામ ખુરશી પર આંખો બંધ કરીને કંઈક વિચારમાં ખોવાઈ ગયો. “મેં પણ હોસ્પીટલમાં મોટાભાઈની જેમ નોકરી કરી લીધી હોત તો આ દિવસો ના જોવા પડ્યા હોત, શું થયું ત્યાં ખોટું થતું હતું તો ! સવાલ તો 8 કલાકનો જ હતો ને ?, આજે મોટા પાસે શું નથી ? બધી જ સુખ સાહેબી ભોગવે છે. હું પણ પોતાનું જમીર મારીને મોટાના રસ્તે ચાલ્યો હોત તો આજે સમિતાને કોઈના એઠાં વાસણ માંજવા ના પડ્યા હોત.” વર્ષદનું હૃદય વલોવાઈ રહ્યું હતું.

‘ને મોટાભાઈ માટે શું શું નહોતું કર્યું મેં ? અને તેને મને શું આપ્યું ? નાનો ભાઈ હોવા છતાં વડીલની જેમ ઘરની જવાબદારી નિભાવી, મોટા માટે આર્મીની નોકરી જતી કરી, તેને અમદાવાદ ભણવા માટે મોકલ્યો, અને તે સમયમાં તો હજુ નવી નવી ટેલીફોન સેવા ચાલુ થવાની હતી અને તેમાં નોકરી મળે તે માટે મેં પેટે પાટા બાંધીને ટેલીફોન એક્ષ્ચેન્જમાં કઈ રીતે કામગીરી થાય છે શીખવા માટે મુંબઈ મોકલ્યો અને મને મળ્યું શું ? ઘરના ભાગલા, બસ કહેવા માટે કે ખાલી પાણીનું માટલું કે જેનું ઉપર ઢાકણું પણ નહોતું.. !’ વર્ષદ ભૂતકાળ વાગોળતો હતો..

“લે તમે આવી ગયા?” ત્યાં સમિતાએ ચોગનના ઝાંપા પાસેથી અવાજ કર્યો.

વર્ષદે પહેલા સમિતા અને પછી પોતાના કાંડે બાંધેલી ઘડિયાળ સામે જોયું સાંજના 6 વાગ્યા હતા… (ક્રમશ)