“ચલ જિંદગી”
ચલ જિંદગી જરા હસતી થા ,
કારણ બારણ છોડ બધા, બસ સાવ એમ અમસ્તી થા ,
અખૂટ ઈચ્છા પણ મોંઘા સપના, જરાક તો તુ સસ્તી થા,
તન સુગંધિત મન ગંધાતું, સાવ ના આમ તું પસ્તી થા ,
અગનીદાહ દે છળ કપટ ને , સતયુગ ની કોઈ હસ્તી થા ,
મીત્રતા નો પાઠ ભણી, હવે કૃષ્ણ-સુદા ની વસ્તી થા,
ચલ જિંદગી જરા હસતી થા ....
હેમલ ત્રિવેદી ..
“પ્રેમ એક સરખોજ હોય”
પ્રેમ એક સરખોજ હોય , એના પ્રકાર ના હોય ,
લાગણીઓ લીસ્સીજ હોય, એને ધાર ના હોય ,
મીત્રતા માં ભોળપણજ હોય , એમાં પિઠ પર વાર ના હોય,
સેવા કે દાન છુપુજ હોય, એના પ્રચાર ના હોય,
સંબંધો નીસ્વાર્થજ હોય, એમાં કોઈ વેપાર ના હોય ,
માણસાય સ્વભાવ માંજ હોય , એને પહેરવાના તહેવાર ના હોય.....
હેમલ ત્રિવેદી ...
“શોધ”
તું જળ નહિ તરસ શોધ ,
ખુશીઓ નું બહાનું એક સરસ શોધ ,
તું પ્રેમ નહિ વિશ્વાસ શોધ ,
બે મન વચ્ચે મળતો પ્રાસ શોધ,
તું પ્રકાશ નહિ સવાર શોધ ,
નવી પરોઢે સકારાત્મક નવો વિચાર શોધ ,
તું શબ્દો નહિ ઊંડાણ શોધ ,
આંખો થી વાંચે ને હૃદયે ઉતરે એ ઢળાણ શોધ ..
હેમલ ત્રિવેદી ...
“હજી બાકી છે”
શક્ય છે દિવસ હતાશ ગયો હોય ,
વિશ્વાસ નો શ્વાસ ભરી નવી સવાર હજી બાકી છે ,
શક્ય છે હારે એક સુકુ પાંદડુ આ પવન સાથે ને રમત,
કુંપળો ના બાંધી પારણા આ વસંત હજી બાકી છે ,
શક્ય છે સમયે હોઠે કડવાશ ઘોળી હોય ,
આ હૈયે સ્મરણો ની મીઠાશ હજી બાકી છે ,
શક્ય છે ગ્રીષ્મ ચીરે આ લલાટ ધરા નું ,
મેઘ થી તરબોળ આકાશ હજી બાકી છે ...
હેમલ ત્રિવેદી ....
“તો અઘરુ થશે”
સમય જો વધારે લાગે તો શું ? ચાલતો રહે ,
થાકી જો ગયો તો અઘરું થશે ,
અનુભવ જરા કડવા થયા તો શું ? સંબંધ નિભાવતો રહે,
એકલો જો થઇ ગયો તો અઘરું થશે ,
ટાઢક ભૌતિકતા ની સખત હોય તો શું ? સંવેદના થી ઓગળતો રહે,
થીજી જો ગયો તો અઘરું થશે ,
સમય વાયરો ફડફડાટ ફૂંકાય તો શું ?, પ્રગટતો રહે,
આતમ થી વિશ્વાસ જો બુજી ગયો તો અઘરું થશે ....
હેમલ ત્રિવેદી ...
“પરાકાષ્ટા”
સમજણ પરાકાષ્ટાએ છે,
કે હવે શબ્દો ની જરૂર રહી નથી,
હુંફ પરાકાષ્ટાએ છે,
કે હવે એકાંત ની બીક રહી નથી ,
ધર્મ પરાકાષ્ટાએ છે,
કે હવે અપરાધી ની વગ રહી નથી ,
દેશ દાજ પરાકાષ્ટાએ છે
કે હવે આતંક ની ધાક રહી નથી .....
હેમલ ત્રિવેદી ....
“પ્રસંગ જેવું લાગતું રહેશે”
જરા જરા મળતા રહીશુ ,
તો પ્રસંગ જેવું લાગતું રહેશે ,
ભૂતકાળ થોડુ વાગોળીશુ ,
તો બચપન આપણુ જાગતુ રહેશે ,
એકલા માથી ટોળુ થઇશુ ,
તો હ્રદય માં ગળપણ નંખાતુ રહેશે ,
“હું” અને “તુ ” નો સરવાળો “આપણે” થઇ શુ ,
જીવન સુખ થી રોજ રંગાતુ રહેશે ,
હેમલ ત્રિવેદી ...
“આદત સારી છે”
બધેજ બધા સારા હોય એવું શક્ય નથી ,
પણ દરેક મા કશુંક સારુ જોવા ની આદત સારી છે
તુ બીજા થી અલગ છે , સરખામણી ન કર,
ખુદ ને અપમાનિત નહિ કરવાની આદત સારી છે,
થશે , મળશે , આવશે ..અપેક્ષા નહિ રાખ ,
અણધારી ખુશીઓનો ઉત્સવ કરવાની આદત સારી છે ,
લક્ષ્ય જરા ઊંચુ ને અઘરુજ સારુ ,
અશક્ય કામો કરવા ના પ્રયાસ ની આદત સારી છે ...
હેમલ ત્રિવેદી...
“ખુદ ને સંભાળ”
મહેફિલ માં છે તો તારા શબ્દો સંભાળ,
છે જો અટુલો તો તારા વિચારો સંભાળ,
હર પળે આ પળ વીતે છે , તું આવતી નવી ક્ષણો સંભાળ ,
અંત નથી, નવો આરંભ છે , પ્રવાહ સાથે વહેતો જા બસ સંતુલન સંભાળ ,
માપ.. પૈસો , પ્રતીષ્ઠા કે સફળતા નથી ,તું વર્તન સંભાળ,
ખભે તો લાગણી ની વાવણી હોય , તું પગથીયું ન કર, મીત્રતા સંભાળ ,
અહી અશ્રુ સાચા ને હાસ્યો કૃત્રિમ છે , તું તથ્યો સંભાળ ,
ચહેરા ઓછા ને મોહરા અનેક છે , ગૂંચવાતો નહિ , તું ખુદ ને સંભાળ ...
હેમલ ત્રિવેદી ....
“કમાલ છે”
જિંદગી તું કમાલ છે ....
ફૂલ ને ઝાંકળ , આંખ ને પાંપણ ,
શબ્દો ને ગીત , ચહેરા ને સ્મીત ,
વહેમ ને જ્ઞાન , ખેડૂત ને ધાન ,
નિર્બળ ને શક્તિ, શ્રધ્ધા ને ભક્તી ,
અંધકાર ને દીપ , મોતી ને છીપ,
લહેરો ને કિનારો, ઘડપણ ને સહારો,
તરસ્યા ને નીર, દ્રૌપદી ને ચીર ,
માટી ને આકાર ,સેવા ને સહકાર,
આત્મા ને દેહ , અનાથ ને સ્નેહ ,
કૃષ્ણ ને પાર્થ , કર્મો ને ફળ યથાર્થ,
આપીજ દે છે ....
ભલા માણસ તને તોય ફરિયાદ છે ?
હેમલ ત્રિવેદી ....