Ek Purn Apurn books and stories free download online pdf in Gujarati

Ek Purn Apurn

એક પૂર્ણ અપૂર્ણ

નિલા સત્યનારાયણ

અનુવાદક

કિશોર ગોડ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.દીકરો આવ્યો રે !

૨.આનંદ વેરણછેરણ

૩.અમંગળની શંકા

૪.ડાઉન્સ સિંડ્રોમ ?

૫.અનુરાધા

૬.અમે મનથી જોડાયાં

૭.પ્રેમ એ જ સંજીવની

૮.સત્ત્વ પરીક્ષા

૯.શાળાની શોધ

૧૦.એમનું નામ પેરીસ

૧૧.હવે શું ?

૧૨.વેદનાપૂર્ણ પ્રવાહ

૧૩.નૌનિહાલ

૧૪.જય વકીલ શાળા

૧૫.સ્પે’શલ સ્કૂલ

૧૬.ભગવાને અમને પસંદ કર્યાં હતાં !

૧૭.સમાજે સ્વીકાર્યો

૧૮.વેદના ચિરંતન થઈ !

૧૯.એક તરફી ન્યાય ચુકાદો

૨૦.મેં ભય ઉપર વિજય મેળવ્યો

દીકરો આવ્યો રે !

‘દીકરો આવ્યો રે દીકરો !’

પ્રસૂતિગૃહની આયાએ આનંદભેર વધામણી આપી.

‘તમારું કુટુંબ ચોરસ થયું !’

એણે પછી ઉત્સાહભેર કહ્યું.

હું એ હૉસ્પિટલમાં નિયમિત તપાસ માટે જતી હોવાથી એ આયાની અને મારી ઓળખાણ થઈ હતી. એ દરેક વખતે મારી પાસેથી કાંઈક ને કાંઈક માહિતી મેળવતી. મારે અનુરાધા એ એક જ પુત્રી હોવાની એને જાણ હતી. આટલા પરિચય પરથી એ મારી સાથએ પુત્ર થયાના સ્ત્રીસહજ આનંદ સાથે મુક્ત થઈ હતી. અમને ‘ચોરસ કુટુંબ’ કહીને, એય કેવી રસિક છે, એ મારા પર છાપ પાડવાનો પ્રયત્ન કર્યો હોવો જોઈએ.

ચૈતન્ય એ મારું બીજું સંતાન. ચૈતન્ય મારી પુત્રીના જન્મ પછી બરાબર આઠ વર્ષે જન્મ્યો. તબીબી આગાહીને પૂર્ણતઃ ખોટી ઠરાવી એ સહજ રીતે પાછલા પહોર અને પરોઢિયાની સીમાએ જન્મ્યો.

આગલા દિવસે સાંજે હું નિયમિત તપાસ માટે હૉસ્પિટલમાં આવી હતી. ડૉક્ટરે એક્સ-રે લીધા પછી જાહેર કર્યું હતું કે, ‘આ વખતે સિઝેરિયન અનિવાર્ય છે. તમારું બાળક હજુય દુનિયામાં આવવા જેટલું તૈયાર થયું નથી. સિઝેરિયન ટાળી શકાય એમ નથી. તે માટે માનસિક તૈયારી રાખો. ઘેર જઈને કૅલેન્ડર જુઓ. આ મહિનામાં ઘણા શુભ દિવસો છે. તહેવારોનીય રેલમછેલ છે. તમને ગમતો દિવસ પસંદ કરો અને પંદર દિવસ પછી ગમે ત્યારે બાળકને જન્મ આપવા આવો.’

મારી પીઠ થાબડતાં મારા પ્રૌઢ ડૉક્ટરે આ જાહેરાત કરી. તેમના શબ્દ મારા કાનમાં ગુંજતા રહ્યા.

બીજું સિઝેરિયન ?

નૉર્મલ પ્રસૂતિ થાય એટલે મેં તબીબી સલાહ અનુસાર બીજા બાળકની તક લીધી હતી.

મારી પહેલી પુત્રી - અનુરાધા - વખતે સિઝેરિયનની માઠી અસરો મારે વેઠવી પડી હતી. તેની યાદ આવતાં હું સૂનમૂન થઈ. ઘણા ડૉક્ટરોએ

મને જણાવ્યું હતું કે એક નૉર્મલ પ્રસૂતિ થશે કે હું ફરી તાજીમાજી થઈશ. વળી એક વખત એ જ વેદનામાંથી પસાર થવાનું ? આ વિચારે હું મૂંઝાઈ ગઈ.

‘શાના આટલા વિચાર કરે છે ?’ ડૉક્ટરની આ પૃચ્છાથી મારા વિચારોની શૃંખલા તૂટી. ‘હજુય તારે પૂરા પંદર દિવસ વિચાર કરવાના છે, એ તમે કહ્યું હતું ને, ઇંગ્લિશ કૅલેન્ડર અનુસાર તમારો પતિ ટૉરસ એટલે વૃષભ છે. એમનો જ જન્મદિવસ પસંદ કરને, બહેન, બાળક અને પતિનો જન્મદિવસ એક જ દિવસે... હા, હા, હા !’ તેમના હસવાનો અવાજ મારા કાનમાં પડઘાતો રહ્યો.

મારા મન પરની તાણ ઓછી કરવા માટે ડૉક્ટર આમ મજાકમાં બોલતાં હશે, એ મારા ધ્યાને આવ્યું. ‘અરે, પોતાના પુત્રની જન્મતારીખ પસંદ કરવાનું ભાગ્ય કેટલી માતાને મળે છે, કહે જોઉં ?’ ડૉક્ટરે વધુમાં ઉમેર્યું.

ડૉક્ટર પ્રૌઢ અને પ્રેમાળ હતા. તેમની સામે જોઈને હું લાચારીથી હસી. મારા એક્સ-રે અને તપાસ કાર્ડ લઈને હું બહાર નીકળી. જતાં જતાં હું ડૉક્ટરને અને રેડિયોલૉજિસ્ટને ધન્યવાદ આપાવનું ભૂલી ન હતી.

મારી પુત્રીના સિઝેરિયન જન્મ પછી, આઠ વર્ષ સતત મારી તબિયત સારી-નરસી રહેતી હતી. મને ઑપરેશન પછી ખૂબ જ હેરાનગતિ થઈ. તેમાં થયેલી અસ્વસ્થતા દૂર કરીને સ્વસ્થ થવામાં અપેક્ષા કરતાં ખૂબ જ વધુ સમય પસાર થયો હતો. સ્વસ્થ થઈ ખરી, પણ સતત તબિયત અસહકાર પોકારતી હોવાથી મારું ઘર, નોકરી, પુત્રી અનુરાધાની દેખભાળ... બધાંને જ મારા પરની તાણ અનુભવાવા લાગી હતી. ઘરમાં કોઈ વડીલ માણસ પણ નહોતાં. તેને કારણે અનુરાધાની સતત ચિંતા રહેતી. હું સરકારી સેવાની એક જવાબદાર આઈ.એસ.એસ. અધિકારી હતી. અનુરાધાને ઉછેરતાં આકરી નોકરી અને તેથીય આકરા બૉસ એવો બધો મામલો હતો. પ્રશાસનમાંની નોકરીની ત્યાં સુધી આદત પણ થઈ ન હતી. સાસુમાએ અનુરાધાને સંભાળવાની તત્પરતા દર્શાવી તો ખરી, પણ તેમણે કહ્યું : ‘તારી દીકરીને લઈને બૅંગ્લોર જાઉં છું. ત્યાં સુંદર જતન થશે. હું તારી પાસે આવીને રહી શકીશ નહિ (મારું સાસરું બૅંગ્લોરનું).’

બૅંગ્લોર એટલે કેટલું દૂર, બાપ રે ! હું ગભરાઈ ગઈ. અનુરાધાને આટલે દૂર મોકલવાની ? મને બાળકો અત્યંત પ્રિય છે. અનુરાધા મારી પ્રથમ દીકરી. એના જન્મથી હું હરખાઈ ઊઠી. માતૃત્વના આનંદથી હરખઘેલી થઈ. એને મોટી થતાં ક્ષણેક્ષણ મારે જોવી હતી, ફૂલ ખીલતાં જોઈએ છીએ ને એમ !

મેં મારા સાસુ-સસરાને વીનવણી કરી. ‘અનુરાધાને બૅંગ્લોર લઈ જવા કરતાં હું જ નોકરી છોડી દઉં છું. નોકરી કરતાં મને બાળક વધુ વહાલું છે.’ મેં સાસરા પક્ષના પ્રત્યેકને વીનવ્યાં, પણ મારી ભૂમિકા કોઈનેય ગળે ઊતરતી ન હતી.

સહુને થતું હતું. કોઈ કોઈને જ નસીબથી મળે છે આવી પ્રતિષ્ઠાભરી નોકરી, કેવળ બાળકને ઉછેરવા માટે એને લાત મારવાની ? અને અનુરાધા મોટી થશે ત્યારે પશ્ચાત્તાપ કરવાનો વારો આવશે. ત્યાર પછી નોકરીમાં પાછાય આવી શકાશે નહીં. દરેકે પોતપોતાની રીતે મને આવું જ સમજાવ્યું. મારામાં તેમનો વિરોધ કરવાની હામ ન હતી. હું મારા નિર્ણય પર મક્કમ રહેવાને બદલે તેમની ઇચ્છાનુસાર નિરુપાયપણે નોકરી કરતી રહી.

સાસુમા નાનકડી અનુરાધાને લઈને બૅંગ્લોર ગયાં ત્યારે ખૂબ જ રડી. પણ સાસુમાને અટકાવવાનું સામર્થ્ય મારી અંદર નિર્માણ કરી શકી નહીં. ત્યાર પછી કેટલીય રાતો સુધી હું ઊંઘી શકી નહીં. આપણે એક નિઃસહાય માતા હોવાનું જાણીને હું જ મારી જાતને ધિક્કારવા લાગી.

એક તરફ કામની તાણ અને બીજી તરફ મારા અસ્વસ્થ મન પરનો દુઃખનો ઓછાયો, તેમાં અનુરાધાનું બૅંગ્લોર જવું. આ બધી વાતોની મારી તબિયત પર પ્રતિકૂળ અસર થઈ. મારી લાગણીશીલતાનો આદર કરતા સાસુમા શક્ય હોય તે રીતે બૅંગ્લોર-મુંબઈ આવતાં જતાં, પણ તેને કારણે મારી અસ્વસ્થ મનઃશાંતિ ઠેકાણે આવી નહીં. દરેક વખતે અનુરાધઆને લઈને તે નીકળે કે મને થતું, હવે હું એને ક્યારેય જોઈ શકીશ નહીં. મને બીક લાગતી કે અનુરાધા આમ જ તેમને ત્યાં ઊછરશે તો એ માતા તરીકે મારો સ્વીકાર કરશે નહિ. છેવટે, અનુરાધા એક વર્ષની થયા પછી સાસુમા એને ફરી અમારે ત્યાં મૂકી ગયાં.

અનુરાધા બૅંગ્લોર હતી ત્યારે મેં મારી જાતને કામમાં ખૂપંવી દેવાના ખૂબ પ્રયત્ન કર્યા. તે ગાળામાં જ વારંવાર થનારા ગર્ભપાતથી મારી હાલત વિકટ થતી ચાલી. અનુરાધા મારી પાસે પાછી આવ્યા પછી થોડા જ સમયગાળામાં મને અત્યંત પ્રિય ત્રણ વ્યક્તિઓ એક પછી એક વિદાય થયાં. મારા પિતા, મારાં સાસુમા અમ્મા અને ત્યારબાદ થોડાં જ વર્ષોમાં મારો એકનો એકભાઈ - આનંદ, બધાં મને છોડી ગયાં. શારીરિક વ્યાધિ અને માનસિક આઘાતે એકી સાથે મારી ઉપર હુમલો કર્યો હતો.

એક ઉત્કૃષ્ટ અધિકારી તરીકે કીર્તિ મેળવવા હું ખૂબ મહેનત કરવા લાગી પણ તુર્ત જ મને સમજાઈ ગયું કે આ નોકરી સાથે સુસંગત મારો સ્વભાવ નથી. આ સંપૂર્ણ વ્યવસ્થા જ ગૂંચવણભરી હતી. આ નોકરીમાં સફળ થવા માટે આવશ્યક કુશળતા મારામાં ન હતી. અહીં સફળતા મેળવવા માટે આવશ્યક ‘ગુણ’ પણ મારામાં ન હતા. મારો ધ્યેયવાદ- કાલબાહ્ય હતો. હું નિરાશ થઈ. રાજમહેલમાં નજરકેદ રાખવામાં આવી હોય એમ હું એ નોકરીમાં કામ કરતી રહી. લોકોને લાગતું કે શું જાજ્વલ્યમાન નોકરી છે - અદેખાઈ કરવા જેવી, પરંતુ મારી વેદનાની મને જ જાણ હતી.

મને અસુરક્ષા અનુભવાવા લાગી. મારા બધા પ્રશ્નોને ઉકેલવા હું જેટલી વધુ મથામણ કરવા લાગી તેટલી તેમાં વધુ ને વધુ ખૂંપતી ગઈ.

પ્રશ્નોના ઉત્તર મેળવવાને બદલે વધારાના નવા પ્રશ્ન ઊભા થતા રહ્યા. હું મારી નોકરીથી, જીવનથી, પોતાનાથી કંટાળી ગઈ.

મારી તબિયતની ફરિયાદને કારણે હું શહેરના અનેક ડૉક્ટરોને જઈને મળી હતી. કોઈક કેવા નિષ્ણાત, કોઈ માંત્રિક-તાંત્રિક-જ્યોતિષી આધ્યાત્મિક, કોઈક મનોવિજ્ઞાની, કોઈને જ બાકી રાખ્યા નહિ. પ્રત્યેકની દવાઓનો, ઉપાયોનો મારી ઉપર મારો કર્યો, પણ મારા રોગનું નિદાન કોઈ જ કરી શક્યું નહીં. મને મારી પીડા, મારી ચોક્કસ વેદનાની જાણ હતી, પણ હું એ વ્યક્ત કરી શકતી ન હતી. હું મારી વેદના ચૂપચાપ સહન કરતી હતી. મને મૃત્યુની તીવ્ર ઇચ્છાએ ઘેરી લીધી. અનુરાધાને જોતાં જીવવાનું આકર્ષણ થતું. આ માનસિક પરિવર્તનનાં અરસામાં મારા પર જે અનેક શસ્ત્રક્રિયાઓ થઈ તેને કારણે મારા તારુણ્યને ગ્રહણ લાગ્યું. અનેક પ્રકારની સારવાર કરતાં કરતાં કેટલાક ડૉક્ટરોએ સલાહ આપી, કે કદાચ ફરીથી એક વખત બાળકની તક લેવાામં આવે અને નૉર્મલ પ્રસૂતિ થાય તો

મારી તબિયત પહેલા જેવી થઈ શકે, મારા મન અને શરીરની સમતુલા મેળવી શકાશે.

મને એ વિચારે આશ્ચર્ય થયું નહિ. મારી નોકરી તણાવની હતી.

ઘરમાં નોકરચાકર અને વડીલ સમાન વ્યક્તિ ન હોય ત્યારે મુંબઈ જેવા શહેરમાં જીવન કષ્ટમય નીવડે છે. આપણા બાળકોને અલ્પ પરિચયવાળા નોકરોને સોંપીને દિવસભર ઘર છડીન જવાની કલ્પના પણ અસહ્ય બનતી. પણ કેટલાક મિત્રોએ પ્રેમાળ સમર્થન આપ્યું. વધુ એક તક લેવા પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેઓ મને પ્રફુલ્લિત અને સુદૃઢ જોવા ઇચ્છતા હતા. વળી, અનુરાધઆને ઉછેરતી વખતે હું કેટલીક આપદાઓમાંથી પસાર થઈ હતી. તેની યાદ આવતા હું ગભરાતી. મારા બૉસને મારા માટે લગીરેય સહાનુભૂતિ ન હતી. તેમને થતું કે રક્તનું છેવટનું ટીપું પૂરું થતા સુધી મારે ઑફિસમાં કામ કરવું. એ કામની બાબતમાં ખૂબ જ ઝડપી હતા. આ સર્વ તાણ મારા માટે અસહ્ય બની. મારા કામની તાણની અસર અનરાધા પર થતી. આવામાં નવા બાળકને હું કેવી રીતે ન્યાય આપી શકીશ ? પછી આ વિચારે હું વધુ અસ્વસ્થ થતી.

મારા ડૉક્ટરે મને સમજાવી, ‘હું છું ને, થવા દેને વધુ એક બાળક.’ મને હિંમત આપતાં તેમણે કહ્યું.

મેં એક વધુ તક લેવાનું નક્કી કર્યું. કોઈક કહેતું, અંધારામાં તીર મારવા સમાન છે. ચોક્કસ જગાએ લાગશે તો ? મારું જીવન જ બદલાઈ જશે. મેં દિવસો સુધી વિચાર કર્યો. બધી બાબતોનું સરવૈયું કાઢ્યું. હળવેહળવે મન એ દિશામાં ઢળવા લાગ્યું. મેં સફળતાની શક્યતાનો વિચાર કર્યો, નિષ્ફળતાની કલ્પના સુધ્ધાં મનમાં આવવા દીધી નહીં. મેં પરીકથામાં જોવા મળે એવો ચમત્કાર થાય એવી અપેક્ષા સેવી. આનંદની જીવવાની આકાંક્ષાનું મનમાં જતન કર્યું. દીકરો થાય એટલે મેં આ જહેમત ઉઠાવી ન હતી. મારી દીકરી માટે, અનુરાધા માટે મેં આ નિર્ણય લીધો, બીજું બાળક થવા દેવાનો.

અનુરાધા એકલી હતી. એના કોઈ સરખા મિત્રો, બહેનપણી ન હતાં. અમારા ઘરની આસપાસ રહેનારા પરિવારોમાં એની વયનાં બાળકો ન હતાં. મારા વારંવાર થનારા હૉસ્પિટલના આંટાફેરાને કારણે એ મનોમન

ભાંગી પડી હતી. ઘણી વખત એ મને પૂછતી કે તેને એકાદ ભાઈભાંડુ શાથી નથી ? એને લાગતું કે, એકાદ ભાઈ કે બહેન હોય તો એની એકલતા દૂર થાય. માતાના સ્વાસ્થ્ય માટે એને અનુભવાતો ભય, એકાદ ભાઈભાંડુ હોય તો ઘટેય ખરો.

આવી પાર્શ્વભૂમિ પર મેં અને મારા પતિએ બીજા બાળકની તૈયારી કરી. આશા જાગતી હતી કે આવનાર બાળક બધા પ્રશ્નો ઉકેલશે. મારા સ્વાસ્થ્યનો અને અનુરાધાની એકલતાનો, અમારા પારિવારિક જીવનની અસ્થિરતાનો... અનેક પ્રશ્ન. અંતે, બીજા બાળકની જવાબદારી લેવાનો નિર્ધાર કર્યો.

હવે ડૉક્ટરના મોઢેથી સિઝેરિયનની વાત સાંભળીને જ મારી હિંમત ઓસરી ગઈ.

‘આટલી ચિંતા કેમ કરે છે ? હજુ પૂરા પંદર દિવસનો ગાળો આપણી પાસે છે. કોણ જાણે, એકાદ ચમત્કાર પણ સર્જાય. બધું સરળતાથી પાર પડશે.’ મારા પતિએ, સત્યે મને સાંત્વના આપી. હું ઘરે પાછી આવી એ ઉદાસ હાલતમાં.

ડૉક્ટર પાસેથી આવી મનોદશામાં ઘરે પાછી આવી અને સાંજે મોડેથી મારું પેટ દુઃખવા લાગ્યું. ફોન કર્યો તો સૌ પહેલાં ડૉક્ટરને વિશ્વાસ જ બેઠો નહીં. સાંજે તો એક્સ-રે લીધો છે. ‘મૂંઝાઈશ નહિ. દુઃખાવો બધો માનસિક છે.’ તેમણે કહ્યું.

વધારે દુઃખવા લાગ્યું ત્યારે હું ફોન ઉપર ફોન કરવા લાગી. પછી તેમના માટે મારી તરફ દુર્લક્ષ્ય કરવું મુશ્કેલ બન્યું. ઉપરાંત હું અત્યંત મહત્ત્વની વ્યક્તિ; મહારાષ્ટ્ર સરકારમાં સચિવ ! તે ચડભડાટ કરતાં મધ્યરાત્રિના સુમારે મને તેમના દવાખાનામાં લઈ ગયા. તે ગુસ્સે જ હતા. તેમના ઘરે પાર્ટી જામી હતી ત્યારે મેં તેમાં ભંગ પાડ્યો હતો. તેમણે અમારા ઘરે આવીને મને, મેં રાત માટે પહેરેલા વસ્ત્રોમાં જ ઊંચકીને ગાડીમાં નાંખી. વસ્ત્રો બદલવા કે બૅગ સાથે લેવા મનાઈ ફરમાવી. તેમને

ખાતરી હતી કે મારો દુઃખાવો માનસિક છે. સિઝેરિયનના ભયને કારણે ઉદ્‌ભવેલો. એક્સ-રે કેવી રીતે ખોટું બોલે ?

તેમની હૉસ્પિટલમાં પાંચ આકરા માળ ચડી જવા એ એક મુશ્કેલ પરીક્ષા જ હતી. લિફ્ટ એ જ સમયે બગડેલી હતી. આમ છતાં મન મક્કમ કરીને હું દાદરા ચઢી ગઈ. ડૉક્ટરોએ મને તપાસી. મેં તેમની પાર્ટી વેડફી નાંખવા માટે તેમણે મનમાં અને મનમાં લવરી કરતાં મને ગાળો દીધી. ‘પ્રસૂતિની શક્યતા નથી, પરંતુ હું તમને હવે ઘરે પાછા લઈ જઈશ નહીં.’ એમ સ્પષ્ટપણે જણાવ્યું. ‘એક્સ-રે રિપોર્ટ આવ્યા પછી તારું બગડ્યું. તને ઊંઘનું ઇન્જૅક્શન આપું છું. ચૂપચાપ ઊંઘ. આવતી કાલે સવારે ચૂપચાપ ઘરે જા અને બે અઠવાડિયાં પછી આવજે. નાહક હેરાન કરીશ નહીં.’ તેમણે ચિડાઈને કહ્યું. બહાર નીકળતી વખતે તેમણે મારી રૂમનો દરવાજો પછાડીને પોતાનો રોષ ફરીથી વ્યક્ત કર્યો અને થોડી વારમાં તે નીકળી ગયા.

‘ઊંઘવાનો પ્રયત્ન કર.’ સત્યે મને હળવાશપૂર્વક કહ્યું.

‘હું ઊંઘી શકતી નથી, કારણ મારાથી દુઃખાવો સહન થતો નથી.’

મેં કહ્યું.

તે વખતે પ્રસૂતિગૃહમાં એક પણ નર્સ ન હતી. સત્યે ઊંઘી રહેલી આયાને જગાડી. મારી પરિસ્થિતિ વિકટ થઈ રહી હોવાનું એના ધ્યાને આવ્યું હતું. સત્યે એ આયાબહેનને ડક્ટરને ફોન કરવાની વિનંતી કરી.

મધ્યમવયની એ સ્ત્રી સુખેથી ઊંઘી હતી. ડૉક્ટરે એને મારા વિશે કહી રાખ્યું હશે, કારણ એ ખિજાઈને ઊભી થઈ અને મારા પર ગુસ્સે થઈ. ‘વીઆઈપી છો ને જરાય દુઃખતું હોય તો સહન થતું નથી. પડ્યા રહો છાનામાના.’ એણે કહ્યું. એની ઊંઘ બગાડવાનો અક્ષમ્ય અપરાધ અમારાથી થયો હતો ! મારા પર મન ફાવે એમ બરાડીને એ ફરીથી ઊંઘવા ગઈ. કદાચ ડૉક્ટરોએ કરેલા ધમપછાડા એણે જોયા હોવા જોઈએ. એટલે એ આમ વર્તી હશે. ડૉક્ટર આગળ ફરિયાદ થશે તો તે પોતાની પર ચિડાશે નહીં એમ પણ એને લાગ્યું હશે. ગમે તે હો, એ આયાબહેને મારા પર ગુસ્સો કર્યો એ સાચું.

ત્યાર પછી થોડી જ ક્ષણોમાં સત્યે અમારા બાળકને બહાર આવતાં જોયું. ગભરાઈને તે ફરી પેલા આયાબહેન પાસે દોડ્યા. બન્નેએ મળીને બાળક સાથે મને લેબરરૂમમાં ખસેડી. એ પ્રસંગ હું ક્યારેય ભૂલી શકીશ નહિ. હું અર્ધા અજોળ - બહાર આવેલા બાળકને જગતમાં લાવવા માટે જોરદાર પ્રયાસ કરવા લાગી. આજુબાજુ પકડવા કંઈ જ ન હતું. મેં ભીંત પકડવાનો પ્રયત્ન કર્યો. ભીંત ઉપર ખ્રિસ્ત અને મેરીનો સુંદર ફોટો હતો.

મેરી એના બાળક સામે વાત્સલ્યભરી નજરે નિહાળી રહી હતી. ફરી એક વખત ચૂંક આવી. ત્યાં સુધીમાં હું લગભગ બેભાન થઈ હતી. બીજી જ ક્ષણે બાળકના રડવાનો અવાજ સંભળાયો. હું પ્રસૂતિના શ્રમને કારણે થાકી ગઈ હતી. અચેત પડી રહી. મને ઝાંખું શું દેખાયું - આયાબહેનના હાથમાં શિશુ હતું. રોષ ભૂલી જઈને એ મારા કાનમાં ગણગણી, ‘બહેન, આનંદના સમાચાર છે. દીકરો થયો છે હોં !’

મેં છુટકારાનો નિશ્વાસ નાંખ્યો. ખરેખર ચમત્કાર થયો હતો. મારા આત્મબળનો વિજય થયો હતો. થાકને કારણે ભારે થયેલી પાંપણ ઊંચકીને મેં ઘડિયાળમાં જોયું. પરોઢિયાના બે વાગીને એકવીસ મિનિટ થઈ હતી. કદાચ આ મારા નવા જીવનનું પરોઢ હશે ! મેં મારી જાતને કહ્યું. એ સ્થિતિમાં પણ હું ખડખડ હસી. મેં સત્યનો આશ્વાસક સ્પર્શ અનુભવ્યો. એ

મને હળવેહળવે થાબડતા હતા. મેં તેમની સામે જોયું. તેમના ચહેરા પર છુટકારાનો ભાવ હતો અને આનંદ પણ. હું ઊંઘને સ્વાધીન થઈ.

આનંદ વેરણછેરણ

ચૈતન્ય મારો દીકરો, મારા પતિના ખાનદાનની નવી પેઢીનો પહેલો જ દીકરો. સત્યની બહેનને દીકરો હતો, પણ ભાઈઓને દીકરી જ હતી. ચૈતન્યના જન્મનું મહત્ત્વ એ રીતે વધ્યું કે તેનાં વડદાદા અને વડદાદી ત્યાં સુધી હયાત હતાં. એનું મહત્ત્વ એટલે હતું કે બધી તબીબી સંભાવનાઓ ફગાવીને એ સમય પહેલાં અને સહજ પ્રસૂતિ દ્વારા જન્મ્યો હતો. એની નૉર્મલ પ્રસૂતિથી મારી તબિયત સુધરવાની આશા પલ્લવિત થઈ હતી. મને શ્રદ્ધા જાગી હતી કે આ ચૈતન્યનો જન્મ જે રીતે એક ચમત્કાર હતો, તેવા જ ચમત્કારે મારી તબિયત પણ ફરીથી પહેલા જેવી થશે.

મારી દીકરી અનુરાધાના જન્મ પછી મેં ખૂબ પીડા સહન કરી હતી. સિઝેરિયનની ખૂબ જ પીડા થઈ હતી. ખૂબ જ ગૂંચવાડા થયા હતા. વર્ષભરમાં જ ઑપરેશનના બધા ટાંક ઊતરડાઈ ગયા અને ઘામાં પરુ ભરાયું. એ ઘા સાજા થતાં અનેક મહિના થયા હતા અને અનંત યાતના વેઠવી પડી હતી. પછી ગર્ભપાતની એક હારમાળા જ રચાઈ. આ બધી પીડાને કારણે મારી શારીરિક અને માનસિક ભાંગતોડ મોટા પ્રમાણમાં થઈ હતી. હવે દીકરાની અપેક્ષા રાખઅયા વગર દીકરો મળ્યો હતો ! અમારો પરિવાર પૂર્ણ થયો હતો. આનંદ ઊજવવાને અનેક કારણો હતાં. હૉસ્પિટલની પથારીમાં પડ્યા પડ્યા હું આ બધાનો વિચાર કરતી હતી.

સિગારેટ પીને તાજાતવાના થયેલા સત્ય મારી પાસે આવીને બેઠા. બનેલ પ્રસંગની તાણ હવે તેમનાય મન પરથી દૂર થઈ હતી. મને મનોમન હસતી જોઈને તેમને લાગ્યું કે હું જાગું છું. મૃદુ સ્વરમાં મારા ખભાને સ્પર્શ કરતાં તેમણે કહ્યું, ‘તારાં કપડાં બગડ્યાં છે. શિશુનેય પહેરાવવા કાંઈ નથી. કાલે આપણે બૅગ લીધા વગર એમ જ આવ્યાં. તારા ડૉક્ટરે આવતી વખતે સાથે કાંઈ જ સામાન લેવા દીધો નહિ. પહેલી ટૅક્સી શરૂ થાય કે પછી હું ઘરે જઈને તમારા બન્નેનાં કપડાં લઈને આવું છું. માત્ર એક રબરના ટુકડા પર તને ઊંઘતી જોઈને ઈસુ ખ્રિસ્તની યાદ આવી. એ પણ આમ જ ઘાસની ગંજી પર જન્મ્યા હતા. હવે તું એકલી નથી. તારું બાળક તારી સાથે છે. ડૉક્ટર તને જોવા આવે એ પહેલાં તમે બન્ને તૈયાર થાવ.’

થોડી વારમાં તે મારો સામાન લાવવા ઘરે ગયા. હું ફરી આનંદ સમાધિમાં ખોવાઈ ગઈ. સરસ ઊંઘ લાગી. મારી પાસે પૂરતાં કપડાં ન હોવાની મને પરવા ન હતી. તે ક્ષણે મારા આનંદ સિવાય મને કશાયનું ભાન ન હતું. રબરના ટાઢા હિમ ટુકડા ઉપર ઊંઘ્યાનું મને દુઃખ ન હતું. અગવડ અનુભવાતી ન હતી.

પ્રસૂતિના થાકનું ઘેન હજુય હતું. નૉર્મલ ડિલિવરીનો સંતોષ મનમાં ઘૂંટાઈ રહ્યો હતો. રહી રહીને મને બનેલ ઘટનાનું આશ્ચર્ય થતું હતું. ચૈતન્ય તબીબી સંભાવનાઓ ચૂકવીને જન્મ્યો હોવાનો સંતોષ મનમાં છવાઈ ગયો હતો.

આજુબાજુ કંઈક કોલાહલ સંભળાયો. ઘણા લોકો વાત કરી રહ્યાં હોય એમ લાગ્યું. મેં હળવેથી આંખ ઉઘાડીને જોયું. ત્રણ-ચાર જણ બાળકના ઘોડિયા પાસે ઊભા હતા. ડૉક્ટર જેવા લાગ્યા. તેમાંના એકે ચૈતન્યને ઊંચક્યો અને એ એના તળિયા અને હાથ જોવા લાગ્યો. પછી બીજાએ બાળકને ઊંધો પકડી રાખ્યો. તે શિખાઉ ડૉક્ટર હશે એમ મને લાગ્યું. મેં તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈએ મારી તરફ ધ્યાન આપ્યું નહિ. એટલામાં તેમનામાંના એકે આયાબહેનને બોલાવ્યાં.

‘આ બાળક સામાન્ય બાળકની જેમ રડ્યું હતું કે ? એણે પૂછ્યું. ‘હા, સર.’ એણે કહ્યું.

‘તને ચોક્કસ ખાતરી છે ? બરાબર યાદ કરીને કહે.’ બીજાએ કહ્યું.

‘મને પાકું યાદ છે. મારું બાળક રડ્યું હતું.’ હું તેમની વાતચીતમાં વચ્ચે જ બોલી. મારી તરફ સહુએ દુર્લક્ષ્ય કર્યું. તેમણે આયાબહેનને શિશુને વ્યવસ્થિત બાંધી રાખવા સૂચના આપી. તે એકબીજા સાથે વાત કરતાં

મારી રૂમ બહાર નીકળ્યા. એમણે મારી તરફ નજર સુધ્ધાં નાંખી નહીં.

કદાચ કોઈક પરીક્ષણ કરવાનું હશે, મેં જાતને જ સમજાવી. આપેલી તારીખના બરાબર પંદર દિવસ પહેલાં જન્મયો હતોને ચૈતન્ય ! આવો વિચાર કરતી વખતે મને આ ડૉક્ટરોના અહીં આવવાનો આશય બીજો કાંઈ હશે એવી શંકા આવી નહીં.

થોડી વારમાં સત્ય મારાં કપડાં લઈને આવ્યાં. ‘આપણા બાળકને ક્યાં લઈ ગયા છે ?’ મેં ચિંતા દર્શાવતા પૂછ્યું.

‘અરે, એ સમય પહેલાં જન્મ્યો છે ને ? તેમાંય એનું વજન એટલું ઓછું છે કે ઇન્ક્યુબેટરમાં રાખવો જોઈએ. આ હૉસ્પિટલમાં એ સગવડ જ નથી ને ! તેને કારણે બાળકને બીજી હૉસ્પિટલમાં ખસેડ્યો છે. હમણાં જ હું તારા ડૉક્ટરને મળીને અંદર આવ્યો. તેમણે જ ડૉક્ટરોની એ ટીમ મોકલી હતી.’

‘મને કહ્યા વગર એ બાળકને કેવી રીતે લઈ ગયા ? બાળકને બાંધવા માટે લઈ ગયા હતા.’ મેં અધીરતાપૂર્વક પૂછ્યું. સત્ય મારાથી કાંઈક છુપાવી રહ્યા હોય એમ મને લાગ્યું. ‘નાહક આટલી લાગણીશીલ બનીશ નહિ.’ એમ કહેતાં તેમણે વિષય બદલ્યો. ‘હવે કેમ લાગે છે તને ?’ તેમણએ પ્રેમથી મારી પૃચ્છા કરી. મને મારા બાળકને જે રીતે લઈ ગયા એ ખૂંચતું હતું. મેં એને બરાબર જોયો પણ ન હતો.

‘કેટલા દિવસ રાખશે એને ત્યાં ? પછી હું એને ધવરાવીશ કેવી રીતે ? એની ત્યાં કોમ સંભાળ રાખશે ?’ મારા પ્રશ્નોની ઝડી અટકતી ન હતી. સત્ય જરા ત્રસ્ત થયા હોય એમ લાગ્યું.

‘તારા બાળકનું વજન એટલું ઓછું છે - બે કિલોથીય ઓછું. માત્ર એક કિલો ચારસો ગ્રામ. એને કોઈ પણ સંસર્ગજન્ય રોગ થઈ શકે. પહેલાં જ ઉનાળો એટલો આકરો છે. એનું રક્ષણ કરવું આવશ્યક છે. એ પોતે પોતાનું રક્ષણ કરી શકતો નથી. એને મદદની આવશ્યકતા છે અને એ એને મળી છે. તારો દીકરો સુખરૂપ છે. શાંત થા.’ સત્યે પોતાના ગુસ્સાને નિયંત્રિત કરતાં મને કહ્યું.

આટલું સાંભળવા છતાંય મને સંતોષ ન જ થયો. એક અદીઠ ભયનો ઓછાયો મારા મન પર છવાઈ ગયો હતો. એકાદ અમૂલ્ય વસ્તુ આપણને મળે અને તુર્ત જ એ ખોવાઈ જાય એવું કાંઈક લાગ્યું. મારું મન વ્યાકુળ બન્યું. ચોક્કસ શું બન્યું હતું એ મને ખૂબ જ મોડા સમજાયું.

મારા ડૉક્ટર સવારના ચક્કરમાં આવ્યા. તેમણે દીકરો થવા બદલ મને અભિનંદન આપ્યા. ‘તેં ઑપરેશનની એટલી ધાસ્તી રાખી કે ઝટપટ બાળકને જન્મ આપીને મુક્ત થઈ ને ?’ ડૉક્ટરનો સૂર મશ્કરીનો હતો.

હું ગુસ્સે જ હતી. મેં સત્યને પૂછેલા બધા પ્રશ્ન ડૉક્ટરને ફરીથી પૂછ્યા. સત્ય સિગારેટ પીવાને બહાને રૂમની બહાર ગયા. પહેલા ડૉક્ટરે જવાબ જ આપ્યા નહિ.

‘બાળકને ધવરાવીશ કેવી રીતે હું ?’ આ મારા પ્રશ્ને તે જોરથી હસ્યા અને કહ્યું

‘તું રોજ એ હૉસ્પિટલમાં જઈને બાળકને ધવરાવતી આવજે.’ ‘દર ત્રણ કલાકે જાઉં હું ?’ મેં ગભરાઈને પૂછ્યું.

‘ચાલ, આરામ કર તું. હું જાઉં છું.’

તે સહેજ ગુસ્સે થયા હોય એમ મને લાગ્યું.

‘ડૉક્ટર, સાચું શું છે તે કહેશો મને ?’ મેં વિનવણીના સૂરમાં કહ્યું.

‘હી ઇઝ એ ડાઉન્સ સિંડ્રોમ બેબી.’ તેમણે કહ્યું.

‘એટલે ?’ મેં પૂછ્યું. આ શબ્દ મેં પહેલાં ક્યારેય સાંભળ્યો ન હતો.

‘પેલા બાળરોગ નિષ્ણાત આવ્યા છે. તેમની સાથે પહેલા વાત કરી લઉં.’ આટલું કહીને તે ઝડપથી વળ્યા અને રૂમ બહાર ગયા.

મેં ફરી ફરી યાદ કરવાનો પ્રયત્ન કર્યો. ના, આ શબ્દ ક્યારેય મેં સાંભળ્યો ન હતો. ડાઉન્સ સિંડ્રોમ ! અચાનક એક અદીઠ ભય મને વીંટળાઈ ગયો. કંઈક ભયંકર બન્યું હોવાની શંકા મનમાં જાગી.

સત્ય સિગારેટ પૂરી કરીને મારી રૂમમાં આવ્યા. મારી પાસે બેઠા. તેમના ચહેરા પરથી મેં કલ્પી લીધું કે કંઈક મારાથી છુપાવવામાં આવી રહ્યું છે. તેમને ઘણુંખરું બધી જાણ હોવી જોઈએ. થોડીક ક્ષણ પહેલા આનંદથી છવાયેલા મારા જીવનને કોણ ગ્રહણ લગાવવા ઇચ્છી રહ્યું છે ?

અનુરાધા મને મળવા આવી. મને મળતાં પહેલાં એના ભાઈને જોવા એ ઘોડિયા તરફ દોડી. ઘોડિયું ખાલી જોઈને એ ગમગીન બની. ‘ક્યાં છે મારો ભાઈ ? નહાવા ગયો છે કે ?’ એ એને શોધતાં બોલવા લાગી.

મને કંઈ જ જાણ ન હતી. એને હું શું કહેવાની હતી ? હું ડૂસકા ખાતાં રડવા લાગી.

‘હું લઈ જઉં છું તને ભાઈન જોવા. પછી આવીને મમ્મીને એની ખુશાલી આપજે. ચાલ.’ આટલું કહીને સત્યે એને પોતાની તરફ ખેંચી અને તે બહાર નીકળ્યા. ભાઈને મળવાનો આનંદ અને ટૅક્સીમાં ફરવાનો આનંદ... અનુરાધા આનંદભેર સત્ય સાથે ગઈ.

કેટલી ભોળી છે આ દીકરી ! મેં મનોમન કહ્યું. અજ્ઞાનમાં સુખ હોય છે એ જ સાચું.

એ ચૈતન્યને જોઈને પાછી આવી અને કહેવા લાગી, સાચ્ચે જ એનો ભાઈ એની ઢીંગલી કરતાંય નાનો હતો !

‘એને કાચની પેટીમાં રાખ્યો છે. ત્યાંની નર્સે બરાબર એ જ વખતે એને દૂધ પીવરાવવા બહાર કાઢ્યો હતો. એને હાથ અડાડવાની કોઈને પરવાનગી નથી.’ એ વર્ણન કરવા લાગી.

‘પછી નર્સે કેવી રીતે દૂધ પીવરાવ્યું ?’ મેં ઉત્સુકતાપૂર્વક પૂછ્યું. ‘કપાસના પૂમડામાં એક એક ટીપું એના મોઢામાં મૂકતી હતી અને મમ્મી...’ આટલું કહીને એ નજીક આવી અને મારા કાનમાં ગણગણી.

‘ભાઈએ નર્સના ફ્રોક ઉપર સૂ સૂ કર્યું.’ એ દૃશ્ય સંભાલતા એ હસવું ખાળી શકતી ન હતી.

‘તને સંતોષ થયો ?’ સત્યે અનુરાધા તરફ જોતાં મને પૂછ્યું. જવાબમાં મેં કાઈ જ કહ્યું નહિ. બીજા બધા મારા બાળકને જોઈ શકતા હતા. હું એની માતા હોવા છતાં એકલી પડી હતી. એને શું થયું છે એ હજુય મને બરાબર સમજાયું ન હતું. ખબર પડી ત્યારે સમજાયું કે પહેલાનું અજ્ઞાન અત્યંત વેદનામય હતું, પરંતુ પૂર્ણ સત્ય તેથીય વધુ વિદારક છે !

અમંગળની શંકા

ચૈતન્યની ડૉક્ટર બીજા દિસે સવારે આવી. આગલા દિવસે મારા તરફ દુર્લક્ષ્ય સેવવામાં એ પણ હતી. દેખાવે સુંદર હતી, પણ એને જોયા પછી કોણ જાણે કેમ મારા હૃદયના ધબકારા વધ્યા. અકારણ અમંગળની શંકા મારા મનમાં આવી. હું અસ્વસ્થ થઈ.

‘હૅલો !’ એણે કહ્યું. એ મને ઉદ્દેશીને હતું કે એનો માત્ર ઉદ્‌ગાર હતો ભગવાન જાણે ! હું પ્રતિસાદરૂપે કાંઈ કહું એ પહેલાં એણે ઉતાવળે કહ્યું, ‘તમારા બાળકની તબિયત સામે જોખમ ઊભું થયું છે. એને રક્તની આવશ્યકતા છે. તમારું બ્લડ ગ્રુપ એબીઆરએચ નેગેટિવ છે. છે ને ? મેં

ખાતરી કરી લીધી છે.’ આટલું કહીને એ ઝડપથી બહાર જવા નીકળી. હું તરફડતી એની પાછળ દોડી. ‘અરે, કાંઈક ભૂલ થાય છે તમારી. મારું બ્લડ ગ્રુપ ઓઆરએચ પોઝિટિવ છે. ફરી એક વખત જોઈએ તો ખાતરી કરી લો.’ મેં મોટેથી કહ્યું. એણે સાંભળ્યા ન સાંભળ્યા જેમ કર્યું. હું ફરી જઈને દરવાજામાં ઊભી રહી. મને બીક લાગી કે આ બાઈ ભળતું લોહી આપીને મારા દીકરાને મારશે. નાનપણથી મને મારા રક્તજૂથની જાણ હતી, યુનિવર્સલ ડોનરની.

હું ફરીથી ભાનમાં આવીને લિફ્ટ સુધી એની પાછળ દોડી, પણ એ અચાનક ગાયબ થઈ ગઈ. આજુબાજુ કોઈ ન હતું. સવારની વેળા હતી. હજુય કામ ઉપર આવનારા આવવામાં હતાં. સત્યને આવવાનેય વાર હતી. હું હિંમત ભાંગી જતાં મારી રૂમમાં પાછી ફરી.

લગોલગ અમારા ઓળખીતા એક દંપતિ મને મળવા આવ્યાં. બન્‌નેય વયે મોટાં હતાં. મેં રડતાં રડતાં તેમને બનેલી વિગત સંભળાવી.

‘આટલી ચિંતા કરશો નહિ. એ એક જવાબદાર ડૉક્ટર છે.’ એમણે મને સમજાવી. મને વાત ગળે ઊતરી નહીં. એ બાળકની માતા તરીકે એણે મારી સાથે ગઈકાલથી જે રીતે વર્તવું જોઈએ એવી વર્તણૂક દાખવી ન હતી એનું દુઃખ તીવ્ર હતું.

ત્યારબાદ તુર્ત જ સત્ય અને મારા ડૉક્ટર મારી રૂમમા ંદાખળ થયા. ડૉક્ટરે બનેલી ઘટના સાંભળીને પેલા ડૉક્ટરને ફોન કરવાનું આશ્વાસન આપ્યું. પણ સાંજ સુધી આગળ શું થયું એ કોઈએ જ મને જણાવ્યું નહિ. રાત્રે મોડેથી ખબર પડી કે ચૈતન્ય સ્વસ્થ હતો. એને લોહી આપવાની આવશ્યકતા જ જણાઈ નહીં. મેં નિસાસો નાખ્યો, પણ મન ખિન્ન થયું.

લોકો આમ કેવી રીતે વર્તી શકે ? તેમની નજરે હું એક સુવાવડી હતી. પણ માતા તરીકે મારી લાગણીનો આદર તેમણે કરવો જોઈતો ન હતો ! મારા વિચારો મારો પીછો કરતા રહ્યા.

ત્રીજા દિવસે એ જ ડૉક્ટર ચૈતન્યને કમળો થયો હોવાનું કહેવા આવી. પ્રત્યેક વખતે એ દેખાય કે હું ચોંકી જતી.

મેં મારા ડૉક્ટરને વિનવણી કરી, ‘એક વખત જઈને બાળકને જોઈ આવું, ધવરાવી આવું...’

‘શક્ય નથી.’ એટલું જ એ માંડમાંડ બોલ્યા. પણ શાથી શક્ય નથી એ મને કહેવા તે જાણે બંધાયેલા ન હતા.

ઘણા લોકો મને મળવા, બાળકને જોવા આવીજતાં. મારી પાસે મૂકેલું ખાલી ઘોડિયું જોીને કેટલાક સહાનુભૂતિ દર્શાવતા તો કેટલાક સાંત્વના આપતા. બધા જાય પછી હું એકલી રડતી અશ્રુ ઢાળતી.

આમ ઘણા દિવસ ગયા. મારા બાળક સાથે મારો મેળાપ જ થયો ન હતો. હું ઉદાસ થતી ગઈ.

દસ દિવસ પછી એક સવારે ચૈતન્યને અચાનક મને પાછઓ આપવામાં આવ્યો. બાળકને હાથમાં આપતી વખતે પેલી ડૉક્ટરે રુક્ષતાપૂર્વક કહ્યું, ‘મેં તમારા પતિને બધું સમજાવ્યું છે. બાળકની વ્યવસ્થિત સંભાળ રાખો. એ ડાઉન્સ સિંડ્રોમ છે. લગીરેય નિષ્કાળજીપણું રાખ્યું તો તમારે સહન કરવું પડશે.’

આટલું કહીને એ હંમેશની જેમ મારા પ્રતિસાદ ઝીલ્યા સિવાય જ નીકળી ગયાં. એણના વિવિધ ગોખી રાખેલા વાક્ય ત્યારબાદ કેટલાક દિવસ મારા કાનમાં ગુંજતા રહ્યા, એકાદ દુષ્ટ ભવિષ્યવાણી જેમ.

મેં સત્ય સામે જોયું. તેમણે સહાનુભૂતિપૂર્વક મારી સામે નજર નાંખી. ‘તારું બાળક લે અને આનંદમાં રહે. આગળની વાત આગળ જોઈશું.’

ચૈતન્ય પાછા મળ્યાનો એ પ્રફુલ્લિત દિવસ મારા જીવનનો ચિરસ્મરણીય દિવસ છે. મેં હૉસ્પિટલમાં સહુને મીઠાઈ વહેંચી. હું ચૈતન્યને દિવસભર લાડ લડાવતી રહી. એને પળભર સુધ્ધાં મારાથી દૂર થવા દીધો નહીં.

ચૈતન્ય ખૂબ જ બચુકડો હતો. અનુરાધાએ કહ્યું એ અતિશયોક્તિ ન હતી. એ ઢીંગલી કરતાંય નાનો હતો અને હાથમાં રાખવો મુશ્કેલ હતો. એને છાતીએ લેવો એ તો એક વિલક્ષણ અનુભૂતિ હતી. એ દૂબળો હોવાને કારણે ધીમેધીમે ધાવતો... ખૂબ વાર લગાડતો. એ કાચ જેવો નાજુક હતો. લાગતું કે પડશે તો ફૂટી જશે. પણ એ પાછો મળ્યાનો આનંદ આ બધી અડચણોથી મોટો હતો. ચૈતન્ય મારી પાસે આવ્યો પછી બે દિવસમાં જ હું ચૈતન્ય સાથે ઘરે પાછી આવી. આગળ નિયતિએ મારા માટે શું આયોજન કર્યું હતું એની આછીય કલ્પના મને ન હતી.

ડાઉન્સ સિંડ્રોમ ?

એન્સાઈક્લોપીડિઆમાં તેની વ્યાખ્યા મંગોલિઝમ, મંદબુદ્ધિતા કરવામાં આવી છે. નિસર્ગ નિયમના અપવાદાત્મક અકસ્માતને કારણે છેંતાળીશ ક્રોમોઝોમને સ્થાને સુડતાળીશ ક્રોમોઝોમનું સર્જન થાય છે. એ એક વધારાના ક્રોમોઝોમને કારણે શરીરની અને મગજની શિસ્તબદ્ધ થનારી વૃદ્ધિ કથળે છે. શબ્દકોશમાં તેને ‘મંગોલિઝમ’ કહે છે. એવોય ઉલ્લેખ છે તેને તબીબી ભાષામાં ‘ડાઉન્સ સિંડ્રોમ’ કહે છે. હું શોધ કરતી રહી. પુસ્તકોમાં, શબ્દકોશોમાં, ડૉક્ટરો સાથે ચર્ચા કરીને આ ઊણપને કારણે ચોક્કસ શું થાય છે એ જાણવું જરૂરી હતું.

ચૈતન્યના જન્મ પૂર્વે મેં આ અંગે કાંઈ જ સાંભળ્યું ન હતું. આવા બાળકોનો બૌદ્ધિક વિકાસ, માનસિક પ્રગતિ અને સામાજિક કૌશલ્ય જેવા માઈલ્સ સ્ટૉન મોડા મોડા એટલે કે સામાન્ય બાળકની સરખામણીમાં ખૂબ મોડેથી શરૂ થાય છે. શરીર માટે આવશ્યક સર્વ હલનચલન ખાસ કરીને આંગળાના ઝીણાં કામો ઝડપથી આત્મસાત થતા નથી. જિન્સના કારણે સર્જાનારા દોષ પણ આવાં બાળકોમાં જોવા મળે છે. આ બાળકોનો ચહેરો વિશિષ્ટ પ્રકારનો હોય છે. તેમની હથેળી અને પગનાં તળિયાંને આપણી જેમ ઉપસેલા અને ઊંડા ભાગ નથી હોતા. એકંદરે આવાં બાળકોની ચિંતા તેમના વાલીઓ સતત અનુભવતા રહે છે.

ચૈતન્યના મીઠડા, રૂપાળા ચહેરા તરફ જોઈને મને સમજાતું જ નહિ કે સાચ્ચે જ શું આ મારું બાળક આવું નિઃસહાય જન્મ્યું હશે ?

ભવિષ્યમાં, મોટા થયા પછી આને સમાજની મદદ ઉપર અથવા સહાનુભૂતિ ઉપર આધાર રાખવો પડશે ? સતત વિચાર કરીને હું મને પોતાને અપરાધી અનુભવતી. પુસ્તકમાં લખ્યું હતું કે જે સ્ત્રીઓ પાંત્રીસ પછી બાળકને જન્મ આપે છે તેમનાં બાળકોમાં આ ઊણપ મુખ્યત્વે જોવા મળે છે. મેં તો વયની મર્યાદા વળોટી ન હતી, તો પછી આવું શાથી થાય ? મેં યાદ કરવાનો પ્રયત્ન કર્યો. દવાઓનું તો આ વિપરીત પરિણામ નહીં હોય ? પણ મેં તો ગર્ભાવસ્થામાં કોઈ જ દવાઓ લીધી ન હતી. ઊલટાનું એ નવ મહિના મારી તબિયત તદ્દન નીરોગી હતી.

ડૉક્ટરોએ કહ્યું હતું કે આવાં બાળકોનો બુદ્ધિનો આંક ઓછો હોય છે. તેમને આત્મનિર્ભર કરવાનું પ્રશિક્ષણ આપવું પડે છે. માતા-પિતા પર આ જવાબદારી હોવાથી હું મૂંઝાઈ ગઈ. કોની પાસે મદદ કે માર્ગદર્શન માગવું એય ખબર ન હતી. જવાબદારી મોટી અને માતાપિતા તરીકે આપણું સામર્થ્ય ઓછું એવી બધી વાત હતી.

કેવી રીતે ઉઠાવનાર હતી હું ચૈતન્યની જવાબદારી ? હું ઉઠાવી શકીશ કે આ પડકાર ? અને જો હું ઊણી ઊતરી તો ? ચૈતન્ય નાજુક અળસ્થામાં હતો. જીવવાનું બળ શોધતો હતો. મારાથી આ બધું સહેવાશે નહિ તો ? મને બીક લાગી અને લઘુતાગ્રંથિ પણ. હું અનેક વખત વિચાર કરતી. સત્ય આ બધું કઈ રીતે સહન કરતા હશે ? એમને તો ચોક્કસ જાણ છે કે ચૈતન્યને શું થયું છે ? તેના આ જન્મદોષની દૂરગામી અસરો શું હોઈ શકે ? મારી જેમ તે પણ હજુ શોધી રહ્યા હશે આ બધા પ્રશ્નોના જવાબો ? તેમને જો બધી વાતો બરાબર સમજાઈ હશે તો પછી તે આટલા શાંત, સંયમી કેવી રીતે ? તેમને ક્યારેય થતું નથી કે મારા ખભા ઉપર માથું નાંખીને કુલ્લા મનથી રડીએ ? મારા વિચાર ખૂટતા જ નહિ.

આજ સુધી મને સત્યના મનની ભાળ મળી નથી. એય સમજાયું નથી કે પહેલો આઘાત થયો ત્યારથી તેમણે બધું સહન કરવાનું બળ ક્યાંથી મેળવ્યું હશે ? કદાચ તેમણે મને અને ચૈતન્યને થાળે પાડવા શૂરવીરતા સ્વીકારી હોય. તેમનો માનસિક આધાર ન હોત તો હું આ માનસિક આઘાતમાંથી અને અપરાધી ભાવમાંથી ક્યારેય બહાર ન આવી હોત. તેમની તરફ જોઈને મેં નિશ્ચય કર્યો કે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો, ચૈતન્ય ઉપર વિશ્વાસ રાખવો. તેનો જન્મ જ જો એક ચમત્કાર હતો તો એનું જીવન પણ એક ચમત્કાર નીવડી શકે. મેં ફરી ફરી પોતાને ફરમાવ્યું. તે સમયે મને કલ્પના જ ન હતી કે જે મને સમજાયું હતું તેથીય વાસ્તવ અધિક ગંભીર હતું. કેવળ મારા પ્રેમની હૂંફ અને નિશ્ચયના સહારે ચૈતન્ય ભાવિ જીવન જીવી શકવાનો હતો, તેટલું તેને પર્યાપ્ત ન હતું.

ડૉક્ટરોએ હૉસ્પિટલમાંથી ઘરે મોકલી હતી, સાથે એક મોટી યાદી આપીને જ. આ કરો, પેલું કરશો નહિ. તેમાંય ચૈત્રના ગ્રીષ્મનો ઉનાળો.

ચૈતન્ય આ વાતાવરણમાં કેવી રીતે જીતશે એ મનેય ચોક્કસ સમજાયું ન હતું. એને કોઈ પણ સંસર્ગથી રોગ ન થાય એટલે સહુ પહેલા એને માતાપિતા સિવાય બધાયથી દૂર રાખવાનો આદેશ હતો.

અઠવાડિયાના અઠવાડિયા અમારા ડૉક્ટરોને ત્યાં આંટાફેરા થતા હતા. એનું વજન વધે છે કે નહિ એનાં તારણો મુખ્યત્વે લેવામાં આવતાં હતાં. ઘરમાં ચોફેર સ્વચ્છતા હોવી જરૂરી હતી. વૈયક્તિક સ્વચ્છતા પણ ખૂબ જ જોઈતી હતી. એટલે એ અનિવાર્ય જ હતી. આ સર્વ બંધનોને કારણે અમારી મર્યાદાઓ પણ સ્પષ્ટ થઈ. આખરે બન્નેને એ સ્થિર થાય ત્યાં સુધી આગલા કેટલાંક વર્ષો સુધી સતત એની પાસે રહેવું આવશ્યક હતું.

ચૈતન્યનું સ્નાન અઠવાડિયામાં એક વખત થતું. એને સ્નાનનો શ્રમ પણ સહન થતો ન હતો. ચૈતન્યે અમારાં સમય વિચાર સંપૂર્ણપણે બદલી નાંખ્યાં. એના બાળપણના શરૂઆતનાં કેટલાંક વર્ષ સમય વીતી ગયા હોય એમ પસાર થયાં કહેવામાં અતિશયોક્તિ ગણાશે નહિ. એના દૂધ પીવાનો સમય એટલો પ્રદીર્ઘ હતો કે મને દિવસે અથવા રાત્રે સુધ્ધાં વધુ આરામ મળતો ન હતો. એને મારી જરૂર હતી. હુંય એને પ્રેમ આપતી હતી. એની સેવા કરતી હતી. પણ આવતી કાલે શું થશે એની કલ્પના ન હોવાથી શંકિત થતી હતી. એના ભવિષ્યનાં રહસ્ય કાયમ રહ્યાં અને મારી ચિંતા પણ. એનું શૈશવ અનેક વર્ષ સુધી અમારા આંગણામાં અને જીવનમાં રસળતું રહ્યું. અમેય જાણે એ કાળમાં થોભી ગયા... એ આશાએ કે માઈલોના બધા પથ્થર પાર કરતો ચૈતન્ય એક દિવસ અમને આવીને મળશે !

અઠવાડિયામાં એક વખત નિયમિત, ભૂલ્યા વગર અમારો આંટો મહિલા ડૉક્ટર પાસે રહેતો. એ ડૉક્ટર પાસે જવાનો દિવસ મારી દૃષ્ટિએ સહુથી ખરાબ અનુભવ રહેતો. ચૈતન્યના વજનમાં અઠવાડિયાંઓ સુધી ઝાઝો ફરક પડતો નહીં. દરેક વખતે એનું વજન કર્યા પછી એ ડૉક્ટર મને આધાર આપવાને બદલે અણગમાપૂર્વક ડોકું હલાવતી અને બડબડતી. ‘પ્રગતિ વધુ નથી, નિરાશાજનક છે.’ એ એવા ઠાઠમાં બોલતી કે જાણે કે

મારા દુર્લક્ષ્યને કારણે ચૈતન્યનું વજન વધતું ન હતું. જાણે એની ધીમી પ્રગતિ માટે હું જવાબદાર હતી. એ પોતે એક સ્ત્રી હતી. એક માતા તરીકે એ સ્ત્રી પાસેથી મને આવી વર્તણૂકની અપેક્ષા ન હતી.

બીજા જ અઠવાડિયે ચૈતન્યને તપાસ માટે લઈ ગઈ હતી ત્યારે એ ડૉક્ટરે મોં વાંકું કરીને મને ઉદ્દેશીને કહ્યું :

‘હં... મેડમ, આની કાંઈ જ પ્રગતિ થતી નથી. મારી અપેક્ષા અનુસાર તો ચોક્કસ નહિ. એનું વજન પણ વધુ વધ્યું નથી. એની ઇતર ઇન્દ્રિયો પણ અડધી જ કામ કરે છે. તમને જાણ છે કે તમારો દીકરો કેવળ અસ્તિત્વ પૂરતો જ જીવતો રહેવાનો છે ? એટલે કે જીવતાં માંસનો ફક્ત એક લોચો બનીને જીવી શકશે. મને શંકા છે કે એ ઊભો થઈનેય બેસશે કે સાંભળીય શકશે કે કેમ !’

આટલું કહીને તેણે ખભા ઉલાળ્યા. જાણે કાંઈ એ એકાદ નિર્જીવ વસ્તુનું વર્ણન કરતી હતી. મને આઘાત જ લાગ્યો. મેં મનોમન કહ્યું. કેટલી લાગણીશૂન્ય અને કઠોર હૃદયની સ્ત્રી છે આ ! પરંતુ હું નિઃસહાય માતા હોવાને કારણે એને વિનંતી કરતી :

‘પ્લીઝ ડૉક્ટર... આનો કંઈ ઇલાજ નથી કે ?’

‘ના.’ એણે ટાઢાશપૂર્વક મને કહ્યું, ‘પણ હા, સાંભળ... એની પર પ્રયોગ કરવા માટે તારું બાળક આપીશ કે ?’

મેં એની સામે અવિશ્વાસ સાથે જોયું. તેમ એ આગળ કહેવા લાગી, ‘હું એક રિસર્ચ પેપર તૈયાર કરી રહી છું. આમ કે તેમ તારા બાળકનું કાંઈ જ ભવિષ્ય નથી. તેને કારણે હું આ બાળકના રક્તના નમૂના રોજ લઈને, એની પર વિવિધ પ્રયોગો કરીને કાંઈ નહિ તો મારો મહાનિબંધ લખીશ.’ હું દિગ્મૂઢ બની એની સામે જોતી હતી. એણે ઉત્સારભેર આગળ કહ્યું, ‘મારું આ શોધકાર્ય તબીબી વિજ્ઞાન માટે ખૂબ જ અમૂલ્ય રહેનાર છે.’ આ બધું કહેતી વખતે એને મારી લાગણીની, હું ચૈતન્યની માતા હોવાની કાંઈ જ કદર ન હતી કેવું દુઃખદ !

મને અત્યંત રોષ જાગ્યો. થયું કે એને એક જોરદાર થપ્પડ મારું, પણ મેં પોતાને સંભાળી. ચૈતન્યને મેં દુપટ્ટામાં વિંટાળ્યો અને એની ફી આપવા સત્યને કહ્યું. મારા તરફ જોઈને હું અસ્વસ્થ થયાનું એના ધ્યાને આવ્યું હતું. એણે ક્રૂરતાપૂર્વક કહ્યું : ‘મારે એને રોજ જુદી જુદી હૉસ્પિટલોમાં લઈ જવો પડશે, રક્તના નમૂના જુદાજુદા કારણોસર ફરી ફરી લેવા પડશે.’ હું કાંઈ જ બોલી નહિ. એણે આગળ કહ્યું, ‘તને ગળે ઊતરતું ન હોય તો પૂછી જો તારા પોતાના ડૉક્ટરોને. પછી સમજાશે હું શું કહી રહી છું એ.’

આ બધું સહન કરવાની મર્યાદા બહારનું હતું. મારા બાળકને ગિનીપિગ જેમ વાપરવાની કલ્પના મારાથી સહન થઈ નહિ. એ ક્ષણે હું કેવળ એક નિઃસહાય માતા હતી. એની ક્રૂરતાનો બદલો વાળી શકતી ન હતી. એની પાસેથી અમે સીધાં ઘરે આવ્યાં.

મારાથી ન રહેવાતાં મારા ડૉક્ટરને ફોન કર્યો અને બનેલી સંપૂર્ણ વાત તેમના કાને નાંખી. ‘મારે ચૈતન્યના ડૉક્ટર બદલવા છે.’ એવી જોરદાર માંગણી કરી. મને લાગ્યું કે આ બધું સાંભળીને મારા ડૉક્ટરને દુઃખ થયું હોવું જોઈએ. તેમણે મારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને બીજા ડૉક્ટરનું નામ સૂચવ્યું. તેમનું સરનામું આપતી વખતે એ ડૉક્ટરને ત્યાં કેવી રીતે પહોંચવું એની વિગત પણ કહી, ‘અરે, હું તમારી મુલાકાતનો સમય જ નક્કી કરાવી આપું છું.’ એમ તેમણે ખુલ્લા મનથી કહ્યું. તેમણે જ ફોન કરીને મુલાકાતનો દિવસ અને સમય મને જણાવ્યો અને પેલી ડૉક્ટરની ખટપટમાંથી છૂટ્યાનો મેં હાશકારો લીધો.

બીજા દિવસે બપોરે નવા ડૉક્ટરોને મળવાનો સમય હતો. હંમેશની જેમ ચૈતન્યને તપાસ્યા પછી એ પ્રૌઢ ડૉક્ટરે ખાસ્સો સમય મારી તરફ તેમના જાડા કાચનાં ચશ્માંમાંથી જોયું. તેમના નાક ઉપર આવેલા એ ચશ્માં અને એ નજર હજુય મને યાદ છે. ‘તમે સરકારી અધિકારી છો ને ? સરકારની દૃષ્ટિએ તમે અત્યંત મહત્ત્વનાં વ્યક્તિ હશો. પણ તેથી શું ?

મેં તો રાજ્યપાલને સુધ્ધાં છોડ્યા ન હતા. તમે તો બોલવા-ચાલવામાં અધિકારી છો. થોડું સ્પષ્ટ જ કહીશ. તમારું બાળક કેવળ પ્રયોગ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય. એનો બીજો કોઈ ઉપયોગ નથી. મને ખબર છે કે મારું આમ કહેવું તમને ગમશે નહિ. કારણ સરકારમાં ઉચ્ચ હોદ્દા પર હોવાને કારણે તમને ટીકા સાંભળી લેવાની આદત જ નથી હોતી. આ બાળકની માતા તરીકે આ ક્ષણથી હું તમારો શત્રુય કદાચ થઈ જઈશ, પણ મને એની દરકાર નથી. કોલસાને કોલસો ન કહીએ તો શું કહીએ ? પેલી બિચારી ડૉક્ટરને કરવા દો એના પ્રયોગ અને લખવા દો એનો એ મહાનિબંધ. એના એ મહાનિબંધથી માનવજાતનો જ ફાયદો થનાર છે.’

અચાનક મારા ધ્યાને આવ્યું કે ડૉક્ટર શાથી આમ બોલવા લાગ્યા હતા. મારા માટે આટલી જહેમત ઉઠાવીને મારી મુલાકાતનો સમય આટલો જલદી કેમ નક્કી કરી આપ્યો હતો ? એ સહુની અંદરોઅંદર ચર્ચા થઈ હતી અને ચૈતન્યનું શું કરવું એ પણ તેમણે નક્કી જ કરી રાખ્યું હતું ! વ્યાવસાયિક મિત્રતાને કારણે તેમણે આ ગોઠવ્યું હતું એ નક્કી હતું. અચાનક મને અત્યંત અપમાનિત અને ઘાયલ થયા જેવું લાગ્યું. હું ઉદાસ હૈયે ઘરે પાછી આવી.

ત્યારપછી કેટલીય રાતોએ હું સ્વપ્નમાં ભડકીને જાગી જતી. સ્વપ્નો એવાં હતાં કે રાત્રિનું કાળમીંઢ આકાશ મારા પર તૂટી પડ્યું છે. હું નિઃસહાય એકલી ફરી રહી છું અને મને ઘર જ મળતું નથી.

ડૉક્ટરોની મદદ વગર ચૈતન્યનું જીવવું શક્ય ન હતું. ઋતુ જરા બદલાય કે એને માંદગી આવતી અને કાંઈક દવાદારૂ કરીશું કહેતામાં એ રોગનું અત્યંત ગંભીર સ્વરૂપ દેખાવા લાગતું. તેને કારણે ડૉક્ટરો પાસે જવું અપરિહાર્ય જ હતું. આ ઉપરાંત એની પોતાની શારીરિક અને માનસિક આવશ્યકતા માટે એને તબીબી સહાયની સતત જરૂર રહેતી. કેટલાય ડૉક્ટર કર્યા અને દરેક ડૉક્ટરના કાંઈક ને કાંઈક કડવા અનુભવ લેતાં લેતાં અમે ડૉક્ટર બદલતાં રહ્યાં. પ્રત્યેક ડૉક્ટર દીઠ એ દુઃખ અને એની એ જ વેદના હું ફરી ફરી વેઠતી રહી. પ્રત્યેક ડૉક્ટર પહેલાં ચૈતન્યમાંની ઊણપો કહી સંભળાવવાની શરૂઆત કરતાં. કેટલાંક ડૉક્ટર વિચિત્ર નજરે મારી સામે જોતાં, કેટલાક તો ખભા ઉલાળીને બડબડાટ કરતા ને કહેતાં : ‘તમારા જેવી સુશિક્ષિત અને બુદ્ધિજીવી સ્ત્રી આવી ભૂલ કરે જ કેવી રીતે ?’

મૂંઝાઈ જઈને મેં આવા જ એક ડૉક્ટરને પૂછ્યું, ‘મેં શું કર્યું છે ?’ ‘તમારા જેવી સ્ત્રીઓ બધું જાણતી હોવા છતાંય ઇરાદાપૂર્વક દીકરો થાય એટલે ત્રીસ વર્ષ વીતી ગયા પછી બાળકની લાલસા છોડતી નથી. તેનું જ આ પરિણામ છે.’

‘પણ ડૉક્ટર, મેં દીકરો થાય એટલે આ નથી કર્યું. મને તબીબી સલાહ જ મળી હતી એટલે મેં આ હિંમત કરી. મને એવી કેટલીય મારાથી મોટી વયની સ્ત્રીઓની જાણ છે, જેમણે મોડાં લગ્ન કર્યાં, મોડાં બાળકો થયાં અને એ બાળકો નૉર્મલ છે.’

પછી ડૉક્ટરે જોરજોરથી ડોકું હલાવીને એ રીતે અણગમો વ્યક્ત કર્યો, કે જાણે મેં કાંઈક પાપ કર્યું હતું અને એ ક્ષમાનીય પેલે પાર હતું. પછી તે ચૈતન્ય માટે દવા લખી આપતા અને કહેતાં, ‘ચૈતન્યને બાળરોગ નિષ્ણાત પાસે લઈ જ જવો જોઈએ.’

બાળરોગ નિષ્ણાતનું નામ સાંભળીને જ મારી છાતીમાં ફાળ પડતી. આમ અનેક ડૉક્ટર થયા પછી હું ખૂબ નિરાશ થઈ. હળવે હળવે હું મારો આત્મવિશ્વાસ પણ ગુમાવવા લાગી.

એ અરસામાં હું એટલી સંવેદનશીલ અને ચીડિયલ થઈ હતી કે ચૈતન્ય માટે કોઈ કંઈક સાદી વાત કહે તોય મને ગમતું નહિ. અનુરાધા આજુબાજુનાં બાળકો સાથે રમતી. એ એક દિવસ રમતાં રમતાં દોડતી ઘરે આવી અને કહ્યું, ‘મારી બહેનપણીના મામા ડૉક્ટરીનું ભણે છે. તે ચૈતન્યને જોવા ઇચ્છે છે...’ એટલે એ એને ઊંચકીને બહેનપણીના ઘરે પાડોશમાં લઈ ગઈ હતી. ‘મમ્મી, સોનાલીના મામાએ મને કહ્યું, તારા ભાઈનું કાંઈ સાચું નથી. એમ કહેતાં એ ચૈતન્યના હાથપગનાં તળિયાં નીરખતો હતો. પછી તેણે મારી સામે જોયું અને તારા હાથપગ તારા ભાઈ કરતાં જુદા છે એમ કહ્યું. મમ્મી, કેમ એમણે આવું કહ્યું હશે ? હું ચૈતન્ય વિશે કાંઈક પૂછું તો તું રડે છે શા માટે ? એને વળી શું થયું છે ?’ અને ચૈતન્યની વેદનાની ભાળ મેળવવી હતી. એ એટલી નાની હતી કે એને કહીને કાંઈ સમજાયું ન હોત. એ સિવાય એને શું સમજાવવું એની મનેય બરાબર ક્યાં ખબર હતી ? આવું કાંઈક થાય કે તરત હું જ રડતી. પછી મેં નક્કી કર્યું કે ચૈતન્યને કોઈ પણ પાડોશીને ત્યાં મોકલવો નહિ.

આવનારા-જનારા, અતિથિ, અભ્યાગત બધા પ્રત્યે મને અણગમો થયો હતો. કારણ આવનારા દરેક લોકો મને પૂછતાં કે ‘ચૈતન્ય આવો કેમ છે ? અન્ય સામાન્ય બાળકોની જેમ એનો વિકાસ કેમ થતો નથી ?’ આવા પ્રશ્નોના જવાબ આપવાનું સામર્થ્ય જ મારામાં બચ્યું ન હતું. ‘મારી ભાણીનો દીકરો તમારા દીકરાથી નાનો છે, પણ એ બોલવા-ચાલવા લાગ્યો. તમારા દીકરાને શું થયું છે ? એને કોઈક સારા ડૉક્ટરને કેમ બતાવતા નથી ? હું સૂચવું કે એકાદ ડૉક્ટરનું નામ ?’ આવા અસંખ્ય પ્રશ્ન પૂછનારા શુભચિંતકોનો સામનો કરતાં કરતાં હું થાકી ગઈ હતી. પછી કેટલાકે માંત્રિક, તાંત્રિક આધ્યાત્મિકોના નામો કહ્યાં. ચમત્કાર કરનારા સાધુઓનાં ઠેકાણાં આપ્યાં. હું દરેક પાસે જઈ આવી. એ આશાએ કે ચૈતનય નૉર્મલ થાય, પણ કશુંય કામ આવ્યું નહિ. આ અનંત સાધુસંતોના ઇલાજોથી કાંઈ જ પરિણામ ન જોવા મળવાથી નિરાશાની ગર્તામાં હું શબ્દશઃ ખૂંપતી જતી હતી. પરાજિત થયાની પીડા મને સતાવવા લાગી. પછી મેંય બહાર કોઈની પાસે જવા-આવવાનું બંધ કર્યું. સગાવહાલાઓ પાસે સુધ્ધાં જવાનું બંધ કર્યું. મેં પોતે જ પોતાને એકાંતવાસમાં ધકેલી દીધી. કોઈનોય શબ્દ સાંભળવાની હિંમત મારામાં બચી ન હતી.

એક દિવસ મારા એક નામાંકિત સર્જન પિત્રાઈ ભાઈ મને મળવા આવ્યા. અમે એકબીજાને લગભગ દસ વર્ષ પછી મળી રહ્યાં હતાં. અમે નાનપણથી મનથી તદ્દન નજીક હતાં. સર્જન તરીકે એમને દુનિયાભરમાં ખ્યાતિ પ્રસરી હતી. મુખ્ય તો રગો અંગેના અચૂક નિદાન એ તેમની ખાસિયત હતી. તેમણે ચૈતન્ય સામે જોયું. એને નજીક લીધો. હું તેમના માટે ચા લેવા રસોડામાં ગઈ. ત્યાં સુધીમાં તેમણે ચૈતન્યને બરાબર નીરખી લીધો હતો. હું હાથમાં ચાની ટ્રે લઈન આવી અને તેમનો ચહેરો જોઈને ચોંકી ઊઠી. એ એકદમ મુદ્દા પર જ આવ્યા. મારી તરફ સીધું ન જોતાં નજર ચૂકવતાં તેમણે મને પૂછ્યું :

‘તારી કલ્પના એવી છે કે તારો દીકરો નૉર્મલ નથી ?’ ‘હા.’ મેં કહ્યું.

એણે હૃદયપૂર્વક સાવચેતીભર્યા સ્વરમાં કહ્યું, ‘મારે એની મંદબુદ્ધિ વિશે કહેવું નથી-’ તેમના આ શબ્દોથી હું વધુ ગભરાઈ.

મારો હાથ હાથમાં લઈ લાગણીપૂર્વક દબાવતાં તેમણે કહ્યું, ‘મં ચૈતન્યનું વ્યવસ્થિત નિરીક્ષણ કર્યું છે. મારે એમ કહેવું છે કે આ બ્લ્યૂ બેબી છે.’

‘હવે આ વધારાનું શું હોય છે ?’ મેં તેમને પૂછ્યું.

‘એના હૃદયમાં એક છિદ્ર છે. આ દોષ આનુવંશિક જ હોય છે.’ એમણે સહાનુભૂતિના સ્વરમાં આગળ કહ્યું, ‘તારે ગમે ત્યારે મારી જરૂર પડે તો હું મદદ કરવા તૈયાર છું. અથવા એમ કરને, તારા બાળરોગ નિષ્ણાતનો નંબર આપ મને. હું તેમની સાથે વાત કરું છું.’

મને મદદ કરવાની તેમની ભાવના હું સમજી કતી હતી, પણ તેમના શબ્દ સાંભળીને મારા પગમાં રહેલી વધીઘટી શક્તિ જતી રહી. મેં એમને લોથ થયેલા અવાજમાં કહ્યું, ‘હું તમને ફોન કરીશ. આ વિષય પર પછી આપણે વાત કરીશું.’

એ જતાની સાથે હું એન્સાઇક્લોપીડિઆ અને ડિક્ષનરી લઈને બેઠી. હૃદયમાં છિદ્ર ધરાવતાં બાળકોને બ્લ્યૂ બેબી કહે છે. આ છિદ્ર બંધ કરવામાં ન આવે તો આવાં બાળકો લાંબું જીવી શકતાં નથી. હું વાંચતી હતી. ખોળામાં આ બધા શબ્દકોશ હતા. હું કેટલીય વાર એમ જ સ્થિર બેસી રહી. મને યાદ આવ્યું કે કોઈએ એમ કહ્યું છે, ડૉ. ભગવાન આપણી સહનશક્તિ કરતાં વધુ વેદના આપણને ક્યારેય આપતા નથી. પણ તે દિવસે મને એમ લાગ્યું કે મારી વેદના સહનશક્તિની સીમા વળોટીને આગળ નીકળી ગઈ છે. મને લાગે છે, વિશ્વની કોઈ પણ માતાને, જેને આવા પ્રકારની વેદનાનો સામનો કરવો પડ્યો છે તે આ સ્વીકારશે, કે કેટલીક વેદના સહનશક્તિની મર્યાદા વળોટી જાય છે, માતાનું માતૃત્વ હોડમાં મુકાય છે.

ચૈતન્યનું સમગ્ર શૈશવ મેં ચિંતામાં ગુમાવ્યું. હું નિઃસહાય હોવાની તીવ્ર લાગણી રોજ મને પરાકાષ્ઠાએ અનુભવાતી હતી. ચૈતન્યને જમવામાં જરાય ફેરફાર થાય તોય સહન થતું નહિ. એ તુર્ત જ માંદો પડતો. સામાન્ય શરદી થઈ એમ લાગતાં પહેલાં એની માંદગી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી અને સવાર સુધીમાં એ હૉસ્પિટલમાં પહોંચતો. બાગમાં રમતી વખતે એકાદ બાળક તેને કાંઈ ખાવા આપે અથવા અન્ય કોઈક પોતાની બાટલીમાંનું પાણી પીવડાવે તેટલું નિમિત્ત તેને પર્યાપ્ત હતું. તેને ઊલટીઓ થતી, જુલાબ થતા અને જોતજોતામાં એ અત્યંત અસ્વસ્થ થઈ જતો.

બાળકોમાં રમવા લાગ્યો તે સાથે એ વારંવાર માંદો પડવા લાગ્યો. તેની માંદગી અને જખમોથી હું ડરતી હતી. જ્યારે એ ચાલવા લાગ્યો, ત્યારે એક વખત ચાલતા ચાલતા સહેજ પડી ગયો હતો. એય બગીચાના ઘાસ પર. એક વાર પડવાથી એની જીભની વચ્ચે એક મોટો ઘા થયો. જોરથી લોહી વહેવા લાગ્યું. એ ઘા સાજો થવામાં કેટલાય દિવસ લાગ્યા. હજુય એની જીભ ઉપર તે જખમનું નિશાન એ ઘટનાની સાક્ષી થઈને વિરાજમાન છે.

એક વખત અમે બહાર જવા નીકળ્યાં અને અચાનક ચૈતન્યની આંખોમાંથી લોહી આવવા લાગ્યું. એક વખત એ શ્વાસોશ્વાસ જ લઈ શકતો ન હતો. ચૈતન્યની આવી એક નહિ અનેક પીડા મને ગભરાવી મૂકતી.

લગભગ અઢી વર્ષ સુધી તેનું તાળવુંય ભરાયું ન હતું. મસ્તકના ઉપરનો ભાગ એટલો નરમ હતો કે તેલ નાંખતી વખતે કે નવરાવતી વખતે તે ભાગને સ્પર્શ થાય કે મારા શરીરે રૂંવાડાં ઊભાં થતાં. એના આ નાજુકપણાને કારણે, એનો પડવામાંથી બચાવ કરવો જરૂરી હતો. કારણ માથાને વાગ્યું હોત તો કદાચ એ મૃત્યુ પામ્યો હોત.

ચૈતન્યની પ્રગતિના તબક્કા પણ ધીમે ધીમે આવતા હતા. દિવસ લેખે મારી ચિંતા વધતી જતી. એનો ચહેરો એકાદ દેવદૂત જેવો હતો, પણ તબિયત એટલી નાજુક હતી કે એ અમને મૂકીને જતો રહેશે કે કેમ એની ધાસ્તી સતત મનમાં રહેતી.

ચૈતન્યનાં હાડકાં ખૂબ જ બરડ હતાં. એ જ્યારે મારા પડખામાં ઊંઘતો ત્યારે તો હું રાતભર શાંતિથી ઊંઘી જ શકતી નહિ. સતત થતું કે આપણા શરીર નીચે આવ્યો તો ? એનું સમગ્ર બાળપણ મેં એટલી ચિંતામાં પસાર કર્યું કે મા થવું કેટલું મુશ્કેલ છે એ મને ડગલે ને પગલે અનુભવાતું રહ્યું. વિશ્વની કોઈ પણ મુસીબતોનો આપણે હિંમતપૂર્વક સામનો કરી શકીએ, પણ આપણા પોતાના પુત્ર અંગે આપણે કેટલા નિઃસહાય હોઈએ છીએ એનું ભાન મને સતત થતું. એની માતા તરીકે હું એને એક ખાસ મર્યાદા સુધી મદદ કરી શકતી હતી. એની શારીરિક સુખસગવડો માટે અથવા એને આશ્વાસન આપવામાં હું ક્યાંય ઊણી ઊતરતી ન હતી. પણ એની રોજરોજ ઉદ્‌ભવનારી નવી નવી માંદગી મને ગભરાવી મૂકતી. હું પોતાની ગમે તે માંદગી સહન કરી શકી હોત, પણ ચૈતન્યનું નાનકડું દુઃખ પણ મારાથી સહન થતું નહીં.

કેટલાક સારા મિત્ર અને હિતચિંતક હતા. તેમણે આવાં બાળકોનાં કેટલાક વાલીઓને મળવાની સલાહ આપી. કેટલાંક માતા-પિતા આવા બાળક જન્મે તો સ્થિતપ્રજ્ઞની ભૂમિકા ધરાણ કરે છે. કેટલાક આવતી કાલની આશા રાખીને મનને સાંત્વના આપતા રહે છે એટલું જ એ લોકો પાસેથી સમજાયું. મને અને સત્યને આ પરિસ્થિતિનો સામનો કરવા ચોક્કસ શું કરવું એ કોઈ જ કહી શક્યું નહીં. કેટલાંક માતા-પિતાઓએ મને ખૂબ નિરાશ કરી. કોઈક આવાં બાળકોને કોટડીમાં પૂરી રાખતાં હતાં. કેટલાકે તેમને સંસ્થામાં નાંખવાની સલાહ આપી અને મોટા ભાગનાં અમારી જ મનઃસ્થિતિમાં હતાં. એટલે જ મને ચૈતન્ય વિશે કોઈનીય સાથે વાત કરવાનું ગમતું નહીં. તેની લગીરેય શરમ અનુભવતી ન હતી. પણ

મને પોતાને અપરાધ ભાવને કારણે કોઈનેય કાંઈ કહેવાની ઇચ્છા થતી ન હતી. ચૈતન્યનો વિષય નીકળે કે પેલો અપરાધ ભાવ મને સતાવવા લાગતો. ધીમે ધીમે હું મારા હિતચિંતક સાથે કે મને સમજાવીને કહેનારા લોકો સાથે બોલવાનુંય ટાળવા લાગી.

કોઈ પણ સામાન્ય બાળક જોઉં કે હું તેની તુલના ચૈતન્ય સાથે મનોમન કરવા લાગતી. એ બાળકનો વિકાસ જોઈને ચૈતન્ય કેટલો પાછળ છે એ સમજાતું. એમ થતું કે ચૈતન્ય આ બાળક જેવો કેમ બની શકતો નથી ? પછી ફરીથી હું મને જ દોષ આપતી. એની આ હાલત માટે પોતાને જવાબદાર માનતી.

મેં સત્યને મારી લાગણી કેટલીક વખત કહી સંભળાવી. મારી બીક અને મારી ચિંતા તેમને કહી સંભળાવી. તે એક ઉત્તમ શ્રોતા હતા અને સહાનુભૂતિ રાખનાર સાથી હતા. તેમની પાસે મને આશ્વસ્ત કરવા વધુ શબ્દો ન હતા, પણ થોડા શબ્દોમાં તે મને સાંત્વના પૂરી પાડતા. તે મારા સર્વ દુઃખોમાં સંપૂર્ણપણે સહભાગી હતા. તેમના એ શબ્દો પોકળ ન હતા. છેલ્લાં બાવીસ વર્ષથી તે સાચ્ચે જ મારી સાથે મળી સર્વ વેદના શાંતપણે ભોગતા આવ્યા છે, પોતાનું દુઃખ છુપાવીને.

અમે બન્નેએ અમારી જીવનશૈલી ચૈતન્યને કારણે બદલવાનું નક્કી કર્યું. બન્નેએ પોતપોતાની નોકરી-વ્યવસાયમાં કામ પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવા નક્કી કર્યું. સાંજે કામ પૂરું થયા પછી કે રજાના દિવસે મિત્રો, બહેનપણીને ત્યાં જવું, પાર્ટીઓમાં જવું, મોજમજા કરવી એ બધું છોડી દીધું. અમારા બન્નેનું જીવન અમે ચૈતન્યને અર્પણ કર્યું. એ એટલો સ્વાવલંબી થાય કે જેને કારણે અમારા મૃત્યુ પછી એ પોતાનું જીવન એકલો જીવી શકે એ સ્થિતિ સુધી એને લાવવાનો અમે નિર્ધાર કર્યો. અમને બન્નેને જાણ હતી કે અમારા સિવાય જીદપૂર્વક આ કામ બીજું કોઈ જ પાર પાડી શક્યું ન હોત. ચૈતન્યને સ્વાવલંબી બનાવવા માટે અમારા વ્યક્તિગત જીવનમા અમારે જે કાંઈ ત્યાગ કરવો આવશ્યક હતો તે માટે અમારી માનસિક તૈયારી પણ થઈ હતી.

અનુરાધા

અમારા જીવનમાં ચૈતન્યને કારણે ધરમૂળથી બદલાવ થયો. હું એ નવી જીવનશૈલી સાથે સમાધાન કરવાના પ્રયત્ન કરતી હતી. મન પર આવેલ તાણ સહન કરવાનો અભ્યાસ કરતી હતી. સત્ય આવેલા પ્રસંગનો હિંમતપૂર્વક સામનો કરતાં મનેય હિંમત આપતા હતા. આ બધી ગડબડમાં મારા ધ્યાને જ આવ્યું નહીં, કે મારી આઠ વર્ષની નાની દીકરી અનુરાધા ઉપેક્ષિત રહી હતી. એને આ બધાનો સહુથી વધુ ત્રાસ થયો હતો. એના બાળમન ઉપર ઘેરી અસર થઈ હતી. આઠ વર્ષ એકલી રહેલી. ત્યારબાદ પોતાનો નાનો ભાઈ કે બહેન આવશે એ વિચારે ઉત્સાહિત થયેલી. નાના ભાઈનો જન્મ થયો એ જાણ્યા પછી દોડતી દવાખાનામાં મને મળવા આવનારી અનુરાધા !

ચૈતન્યનો જન્મ જે દિવસે થયો તે દિવસે એની વાર્ષિક પરીક્ષાનું છેલ્લું પેપર હતું. એ પતાવીને એ અધીરતાપૂર્વક મને મળવા આવી હતી.

મારી પાસેનું ખાલી પારણું જોઈને એ નિરાશ થઈ હતી. પછી એ ચૈતન્યને જોવા એને રાખવામાં આવ્યો હતો એ હૉસ્પિટલમાં ગઈ. ત્યાં પણ ચૈતન્યને ઇન્ક્યુબેટરમાં રાખ્યો હોવાને કારણે એ લગીર નિરાશ જ થઈ. ચૈતન્યનો નાનકડો આકાર જોઈને એને મજા આવી. નર્સે રૂના પૂમડાથી ચૈતન્યને દૂધ પીવરાવવાની શરૂઆત કર્યા પછી એણે ગંમત અનુભવી હતી. એણે એ હૉસ્પિટલમાં અનુભવેલ પ્રત્યેક નાની નાની વિગત મને આવીન કહી હતી. થોડું વજન વધતાં સુધી એનો ભાઈ હૉસ્પિટલમાં રહેશે એવું એ માનતી હતી. પણ પછી માત્ર એ એનો ભિલ્લુ થશે એનીય એને ખાતરી હતી. એ એ જ આનંદમાં હતી.

આઠ વર્ષની એકલતા પૂરી થયાનો સંતોષ એના ચહેરા પર હતો. અમારી આસપાસ એની વયનાં વધુ બાળકો ન હોવાને કારણે એના કોઈ ભિલ્લુ ન હતા. પાછલાં અનેક વર્ષોથી એ મારી પાસે ભાઈ કે બહેન જોઈએ તેવો તગાદો કરતી હતી. એને પોતાનો હક્કનો ભાઈ જોઈતો હતો. રોજ સાંજે એ નોકરોની ચાલીમાંનાં બાળકો સાથે રમતી. રમવા માટે બાળકો ન હોય તો રિસાઈ જતી. એને એનો પોતાનો એવો ઘરનો ભિલ્લુ જોઈતો હતો. અલબત્ત, ચૈતન્યનો જન્મ થતાં સુધી વચ્ચે આઠ વર્ષનો લાંબો સમયગાળો પસાર થયો હતો. આમ છતાં એની ઉત્સુકતા અને મમતા બન્ને છલકાઈને વહેતાં હતાં.

‘હવે મને એકલા લાગવાનું કારણ નથી અને મિત્ર બહેનપણીઓના તરંગ અનુસાર રમવાની આવશ્યકતા નથી. મને મારો ભાઈ મળી ગયો છે. હવે બીજા બધા અમારી પાછળ દોડતાં આવશે ‘રમશો કે’ એવું પૂછવા.’ અનુરાધાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું. આટલા દિવસ જે બાળકો સાથે રમતી હતી એ બાળકોની ઇચ્છાનુસાર એને રમવું પડતું, એની પીડા એના મનમાં હતી.

પણ... એનો આ ઉત્સાહ ખૂબ જ થોડા સમય માટે ટક્યો. હું ચૈતન્યને ઘરે લઈને આવ્યા પછી એના ધ્યાને આવ્યું કે, એ નાનકડો ભાઈ એનો હોવા છતાંય એનો ન હતો. એની સાથે રમવાનું તો દૂર રહ્યું. એ એને સ્પર્શ સુધ્ધાં કરી શકતી ન હતી. એને એની પાસે જવાની મનાઈ હતી. એની પર મૂકેલાં બંધનોનો એને જબરદસ્ત આઘાત લાગ્યો. એના મનમાં એવી લાગણી ઘર કરી ગઈ કે એનાં માતા-પિતા માટે એ પારકી થઈ છે. એ ક્ષણથી એ બદલાઈ, બંડખોર બની, એકલી પડી અને નકારાત્મક થઈ.

જે કારણોને લીધે ડૉક્ટરોએ ચૈતન્યને જુદો રાખવાનો આદેશ આપ્યો હતો એ સમર્થન એને સમજાય એવું ન હતું. ‘અરે, તારો ભાઈ ખૂબ નાનો છે. એને કોઈકના સ્પર્શથી શરદી, ખાંસી, તાવ ન આવે. એ ખૂબ જલ્દી મોટો થાય એટલે ડૉક્ટરે સંભાળ લેવા આમ કહ્યું છે. હવે આમ જો. એ એટલો બચુકડો છે કે એને ખોળામાં લેવોય શક્ય નથી. મને સુધ્ધાં બીક લાગે છે. જો કાંઈ અણઘડપણું થયું અને બાળકના હાથપગ તૂટી જાય તો ?’ મેં એના બાળમનને સમજાય એટલું સમજાવ્યું છતાં એ ચૈતન્યને બિસ્કિટ ખવરાવવા જતી. પછી હું એને ફરી સમજાવતી, ‘આવું બધું ખાવાનું એને આપી શકાય નહિ. ડૉક્ટરોએ કહ્યું છે એટલું જ અપાય.’ એને મારા પર ગુસ્સો આવતો. એને થતું કે એય અમારા જ પરિવારની છતાં એના માટે જ જુદા નિયમો શાને ? એના પિતાએ પણ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એને અમારી લાગણી સમજાઈ નહીં. ચૈતન્યને આટલો શા માટે સંભાળવો એય એને સમજાતું ન હતું. એને એક જ વાત સમજાઈ કે એનો નાનો ભાઈ અને એનાં માતા-પિતા, ત્રણેય એનાથી દૂર ગયાં હતાં. એક રાત્રે થયેલા આ ફેરફારને કારણએ એને અમે ખૂબ દૂર છીએ એમ લાગવા લાગ્યું.

આટલાં વર્ષો, એ અમારી બન્નેની સાથે ઊંઘતી. અમે બન્ને બધાં કામ સાથે મળીને કરતાં. મારો ઘરમાંનો સમય એની પાછળ દોડવામાં પસાર થતો. ચૈતન્ય આવ્યા પછી એના ધ્યાને આવ્યું કે મમ્મી પાસે એના માટે સમય જ બચ્યો ન હતો. મમ્મી સતત નાના ભાઈની સેવામાં જોવા મળતી. જ્યારે ક્યારેક એ એકલી પડતી ત્યારે કશાકની ચિંતામાં કે રડતી રહેતી.

ચૈતન્ય વારંવાર માંદો પડતો. તેને કારણે મને અને સત્યને અનુરાધા તરફ ધ્યાન આપવાનો સમય મળતો ન હતો. એ એટલામાં જ સંતોષ માનતી કે કાંઈ નહિ તો અમે એને ઘરમાં રહેવા દેતાં હતાં, હાંકી કાઢી ન હતી. મને એનું દુઃખ સમજાતું હતું, પણ હું એને સમજાવી શકતી ન હતી.

આ જ દરમ્યાન એને અછબડા નીકળ્યા. એને ચૈતન્યથી દૂર કરવી જરૂરી હતી. ડૉક્ટરોએ એને આ કહ્યા પછી એની આંખોમાં છવાયેલ ભાવ અને અશ્રુ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. ‘મમ્મી, હવે તું મને બીજે ક્યાં

મોકલીશ ?’ એણે નિરાધાર બની પૂછ્યું. મેં એને પાસે લીધી અને સજ્જ બાથમાં લઈને કહ્યું, ‘અમે તને ક્યાંય મોકલવાના નથી. તારાથી દૂર રહીને અમેય જીવી શકીશું નહીં.’

એનો ભાઈ ઘરે આવ્યા પછી એને લાગ્યું હતું કે રોજ નવા મહેમાન, મિત્રો આવશે, પાર્ટીઓ થશે. મજા જ મજા આવશે. ચૈતન્યની બહેન તરીકે સહુ કોઈ એની તરફ આદરથી જોશે. એનું મહત્ત્વ વધશે. પછી એ દીદીગીરી કરતાં બધાય પર હુકમ બજાવશે. દુર્ભાગ્યે એની કોઈ જ આશા-આકાંક્ષા પૂરી થઈ નહીં. મહિનાઓ સુધી એ ચૈતન્ય પાસે જઈ પણ શકી નહીં. અમારું દુઃખ, અમારી વેદના એને એ વખતે સમજાઈ ન હતી. એના મનને પહોંચેલ પીડા મને સમજાતી હતી, પણ હું એને તે સમયે મદદ કરી શકી નહીં. જે વાસ્તવ હતું એ વેદનાપૂર્ણ હતું અને આ બધું સમજવા-સમજાવવાને એ ખૂબ જ નાની હતી.

અમને થતું કે આ બધાની અનુરાધાને તકલીફ ન થવી જોઈએ. એ હજુય બાલ્યાવસ્થામાં છે. અમને એમ લાગતું કે કોઈ જ દુઃખ હૃદયમાં ધરબીને એનો કિશોરાવસ્થામાં પ્રવેશ ન થાય. એની સુંદર, નિર્દોષ આંખોના અશ્રુ હું જોઈ શકતી ન હતી. વાતાવરણ બદલાય એટલે હું એને શાળામાં જવા, બહેનપણીઓ સાથ રમવા કે અમારા પરિવારના જે મિત્રો હતા તેમની પાસે જવા પ્રોત્સાહિત કરતી. ગમે તે કારણ કેમ ન હોય, એનું દૂર રહેવું સારું હતું. પણ મારી આ ભૂમિકા અંગે સુધ્ધાં એને ગેરસમજ થઈ. એને લાગ્યું કે એને દૂર કરવા માટે હું નવીનવી યુક્તિઓ શોધી કાઢું છું. બહારની દુનિયાના કોઈ પણ સાથે એ સમરસ થઈ શકતી ન હતી. તે સમયે એને લાગતું કે ઘરમાં એનું અસ્તિત્વ ખતમ થયું છે.

એના દુઃખની તીવ્રતા જેમજેમ વધતી ગઈ તેમતેમ હું મનોમન એની વધુ નજીક જવાનો પ્રયત્ન કરવા લાગી. એને હિંમત આપતી રહી, પણ એને સંતોષ થયો નહીં. એ વધુ ને વધુ અસ્વસ્થ થતી ચાલી અને બધો ગુસ્સો, સંતાપ મનમાં સંઘરતી રહી. એ અમારા બન્ને ઉપર ગુસ્સે થઈ હતી. ચૈતન્ય ઉપર ગુસ્સે હતી અને પોતાની ઉપર પણ.

રાત્રે જ્યારે ચૈતન્ય અમારી બન્ને વચચે ઊંઘતો ત્યારે તો કેટલાય મહિના એની જગા બદલાયાનું દુઃખ એને સાલતું રહ્યું. ‘આવો કેવો આ ભાઈ ?’ એ પૂછતી. ‘એણે તો મારાં મમ્મી-પપ્પા છીનવી લીધાં અને સહુથી

મહત્ત્વનું એ કે એણે મારી માતાનો આનંદ ઝૂંટવી લીધો. હસતી, આનંદી રહેનારી મારી મમ્મી સતત ચિંતાતુર દેખાય છે. કાંઈ વધુ બોલતી નથી. આટલાં વર્ષો સુધી મમ્મી આવી ક્યાં હતી ? એ તો મારી સાથે કેટલું રમતી, ગીતો ગાતી. મને હોમવર્કમાં મદદ કરતી. રજાના શનિવારે મને લઈને ફરવા જતી અને ગમતી વસ્તુઓ લઈ આપતી.’ એનાં બાળમનને આટલું જ સમજાતું હતું. એક દિવસ દુઃખ સહન ન થતાં એ ડૂસકાં ખાતાં ખાતાં મારા પડખામાં ઘૂસી અને મને કહ્યું, ‘હું કહું કે ભગવાનને, પાછો લઈ જા મારી મમ્મીને રડાવનારા ભાઈને ? મને એ બિલકુલ જ ગમતો નથી.’ એને કેવી રીતે સમજાવવી એ મને સમજાતું ન હતું.

હળવેહળવે એના રોષનું વૈમનસ્યમાં રૂપાંતર થયું. એને લાગતું ચૈતન્ય તરફ અમે જરૂર કરતાં વધુ ધ્યાન આપીએ છીએ. એ દીકરો છે એટલે વધુ લાડકો છે. અમારી પાસે આવી વર્તણૂકની એને અપેક્ષા જ ન હતી. એન ેકારણે એણે બળવો કરવા નક્કી કર્યું. મને સમજાતું હતું. એનું વિશ્વ ઉદ્‌ધ્વસ્ત થયું હતું. પણ હું કોની-કોની સામે જોવાની અને કોને-કોને સમજાવવાની હતી.

હું સ્વીકારું છું એ સમયે હું અનુરાધા તરફ પૂરતું ધ્યાન આપી શકી ન હતી. પણ મેં આ જાણીજોઈને કર્યું ન હતું. મારું મન એનામાં અટવાયું

હતું. ચૈતન્યનું એટલું કરવું પડતું કે એને માટે સમય જ બચતો ન હતો. જે દુઃખે એને અને મને એકબીજાથી દૂર કર્યા અને અનેક વર્ષ યાતના આપી. અંતે એ જ દુઃખને કારણે થોડાં વર્ષો બાદ અમે એકબીજા સાથે ફરીથી જોડાયાં.

હવે આટલાં વર્ષે વીતેલાં જીવન તરફ પાછા વળીને જોતાં એનું ખોવાયેલું બાળપણ સંભારતાં મારું મન કરુણાથી ભરાઈ આવે છે. હજુય એને જોઉં કે હું મનોમન એની ક્ષમા માગું છું અને નક્કી કરું છું કે એનું થયેલું નુકસાન ભરપાઈ કરવું જોઈએ. મારા દુઃખ અને ચૈતન્યની યાતનાની દુનિયાને જાણ હતી, પણ અનુરાધાની વેદના કોઈને ક્યારેય સમજાઈ જ નહીં. આ વાતો એના શૈશવ પર ઉઝરડા ઉપસાવી ગઈ હતી એ એટલું જ સાચું છે. શું અનુભવ્યું હશે એણે જીવન માટે એ સમયે !

મને શ્રદ્ધા હતી કે ચૈતન્ય જરા છૂટો થયા પછી આજ નહિ તો કાલે હું એનો વિશ્વાસ પાછો મેળવી શકીશ. અમારા ફરીથી પહેલાની જેમ ભેગા આવવાની મેં અનેક વર્ષો સુધી પ્રતીક્ષા કરી. એ મારી પાસે પાછી આવશે એ આશા સાથે હું જીવતી હતી.

એનાં બંડખોરપણાનો મનેય માનસિક ત્રાસ થયો. એનો અપેક્ષાભંગ થયો હતો. એના નવા આવેલા ભાઈએ એનું મહત્ત્વ જ ખતમ કરી નાંખ્યું હતું. એની વિચિત્ર વર્તણૂકને કારણે મને લાગ્યું હતું કે હું એને હંમેશ માટે ગુમાવી બેઠી છું.

એક રાતની વાત છે. મને લાગ્યું, કે એ શાંતિથી ઊંઘી છે. હું સત્ય સાથે વાત કરતી હતી, ‘લોકો ચૈતન્ય વિશે કેવું વિચિત્ર બોલતા હોય છે. એની ખોડ ઉપર સતત આંગળી ચીંધે છે.’ હું તેમને કહેતી હતી, ‘એ બાળકની હું માતા છું એટલુંય આ લોકોને કેમ સમજાતું નથી ? સતત લોકોની ટીકા, ઉપહાસાત્મક અભિપ્રાય સાંભળતાં જ હું મારું જીવન પસાર કરું કે ?’ કહેતાં-કહેતાં મારો કંઠ ભરાઈ આવ્યો અને મોઢામાંથી શબ્દ જ નીકળતો ન હતો. અચાનક મારું ધ્યાન ઊંઘી રહેલી અનુરાધા તરફ ગયું. એ મારી સાથે અતડી રહીને વર્તતી હોવાને કારણે એનું દુઃખ પણ મારા મનમાં સાલતું હતું જ. બોલતાં-બોલતાં હું બોલી ગઈ કે આડોશી-પાડોશી અને સગાવહાલાની વાતો હું કેમ ગાઈ રહી છું ? મારી નાનકડી ઢીંગલી સુધ્ધાં મારું દુઃખ સમજી શકતી નથી. મારા વિશે ગેરસમજ કરીને મારાથી અળગી થઈ છે. મારામાં હવે જીવવાની ઇચ્છા જ રહી નથી. મારા ડૂસકામાં મારા આગળના શબ્દો ડૂબી ગયા. હું પછી કેટલોય સમય ખુલ્લા મને રડતી રહી. સત્ય મારી પાસે બેઠા હતા. કાંઈ ન કહેતા એમણે ફક્ત મારા ખભા ઉપર હાથ મૂક્યો હતો. તેમને મારું દુઃખ સમજાતું હતું. પણ શું કહેવું એ તેમનેય સૂઝતું ન હતું. અચાનક અનુરાધાને જાગેલી મેં જોઈ. એને ઊઠએલી જોવા છતાંય હું મારા રુદન પર નિયંત્રણ રાખી શકી નહીં. એ પેટ દઈને મારી કૂખમાં પ્રવેશી અને ભીંસીને વિંટળાઈને કહ્યું, ‘મમ્મી, તું રડીશ નહીં. તું રડવા લાગે કે મનેય રડવું આવે છે.’ મારા પ્રત્યે અનુભવાતી સહાનુભૂતિ એ શબ્દોમાં વ્યક્ત કરી શકતી ન હતી. એનો સ્પર્શ મને ઘણું બધું કહી ગયો. એના અશ્રુ મારા અશ્રુમાં ભળી ગયા. એ પળે મને સમજાયું કે એ જે ઉપરછલ્લું મારી સાથે વેર દર્શાવતી હતી એ સાચું ન હતું. એના મનમાં મારા માટે સહાનુભૂતિ અને કરુણા હતી.

વર્ષો પસાર થતાં હતાં, પણ જે રીતે ચૈતન્યનો વિકાસ થવો જોઈએ, એમ ન થવાને કારણે અનુરાધાનેય એ જુદો જ છે એનું ભાન થવા લાગ્યું હતું. હવે એનેય લોકોની વાતોનો ત્રાસ થવા લાગ્યો હતો.

એક વખત જોકે કોઈકે પૂછ્યું હતું, ‘તારો ભાઈ ગાંડો છે ને અલી ?’ એ સાંભળીને એને એટલો સંતાપ થયો હતો કે રડતાં રડતાં એણે મને પૂછ્યું હતું,

‘મમ્મી, મારા ભાઈને બધા લોકો ગાંડો કેમ કહે છે ? એ સાચ્ચે જ ગાંડો છે કે ?’

કહ્યું.

‘ના, ના, એ ગાંડો નથી.’ મેં કહ્યું.

‘તો એનો બીજાં બાળકો જેમ વિકાસ કેમ થતો નથી ?’ એણે

‘કારણ એનામાં કેટલીક શારીરિક ખામીઓ છે. એથી આગળ હું તને વધુ કાંઈ કહી શકતી નથી.’ મેં જવાબ આપ્યો.

થોડો સમય એ અસ્વસ્થ બેસી રહી. મેં કહ્યું : ‘એને આપણા સહુની મદદની જરૂર છે. આપણે એને બધી રીતે સહાય કરવી જોઈએ. આપણે જ જો એને મદદ નહીં કરીએ તો બીજું કોણ મદદ કરશે ? એને એની બધી મર્યાદાઓ સાથે આપણે આત્મનિર્ભર થતાં શીખવવું જોઈએ. હા કે ના ?’ મેં એને પૂછ્યું. એણે કેવળ ડોકું હલાવ્યું અને નિષ્પાપપણે પૂછ્યું,

‘મમ્મી, એને કોણ સારો કરશે ?’

‘એને ભગવાન જ મદદ કરી શકે. ભગવાનને પ્રાર્થના કર. તું મનથી એટલી શુદ્ધ અને નિષ્પાપ છે કે ભગવાન તારી પ્રાર્થના ચોક્કસ સાંભળશે.’ મેં એને હિંમત આપતાં કહ્યું તો ખરું, પણ મારી પોતાની હિંમત મનમાંથી ખૂટી ગઈ હતી.

એને થયલા આવા કડવા અનુભવ અને એને થયેલ ભાનને કારણે અનુરાધા હળવે હળવે મારા મનને સમજી શકી. એને એય સમજાવા લાગ્યું કે એના ભાઈમાં જે ક્ષતિઓ છે એ ગંભીર સ્વરૂપની છે. એનાથી નાના એવા બાળકો જ્યારે બોલવા લાગ્યા, ચાલવા લાગ્યા, નર્સરી શાળામાં જવા લાગ્યા ત્યારે એ પોતાને સંભાળીય શકતો ન હતો. પછી એ સામે ચાલીને એને મદદ કરવા લાગી અને મનેય મદદ કરવા લાગી.

એ ચૈતન્ય સાથે મજાથી રમતી. એને ગીતો સંભળાવતી, નાચી બતાવતી. ધીમેધીમે એને એની દવાની ખબર પડવા લાગી. એ માંદો પડે કે એની દવા મને કબાટમાંથી પટ દઈને લાવી આપતી. એ પોતાના મનનું અતડાપણું હજુય સંપૂર્ણ રીતે બાજુએ મૂકી શકી ન હતી. છેવટે એના મનમાં વેર છે એ દર્શાવવાનું એણે બંધ કર્યું હતું. ચૈતન્ય તરફ દુર્લક્ષ્ય સેવવું મારા માટે અશક્ય જ હતું. તેને કારણે મને લાગતું કે એણે મને સમજવી જોઈએ। પણ એના બાળમનને કેવી રીતે સમજાવવું કે મારી શું વિવશતા હતી ?

અમારા કુટુંબમાં અચળ એવું એનું સ્થાન ડગુમગુ થયું છે એમ લાગતાં એ છંછેડાઈ હતી. એનો રોષ એણે ખૂબ જ વિચિત્ર પદ્ધતિથી વ્યક્ત કરવાની શરૂઆત કરી. એક તરફ એ મને મદદ કરતી, પણ બીજી તરફ એ મને અણગમતી ઘણીખરી બાબતો કરવા લાગી. ઘણી વખત, એ ઇરાદાપૂર્વક ખરાબ રીતે વર્તતી. એના વર્તનથી હું દુભાઉં કે એને આનંદ થતો. કદાચ મારું ધ્યાન આકર્ષિત કરવાની આ રીત હશે, પણ તેને કારણે હું સાવ મૂંઝાઈ ગઈ. એની સાથએ વાત કરવાનો મેં ઘણી વખત પ્રયાસ કર્યો, પણ એ મને દાદ આપતી ન હતી. અમારા બન્ને વચ્ચેનું અંતર એટલું વધવા લાગ્યું કે એક સમયે મને થયું કે આ અંતર દૂર કરવા હું એના પર સમાધાનનો પુલ પણ બાંધી શકીશ નહીં.

આવી જ એક રાજે અનુરાધા ગાઢ ઊંઘમાં હતી. હું ચૈતન્યને ધવરાવતી હતી. મધ્યરાત્રીનો સમય હતો. સત્ય પ્રવાસમાં ગયા હતા. અચાનક અનુરાધા રડતા રડતા ઊઠી ગઈ. એના કાનમાં તીવ્ર વેદના થતી હતી. મેં એને દવા આપી, પણ એની પીડા બંધ જ થાય નહીં. થોડી વાર પછી એના કાનમાંથી લોહી આવવા લાગ્યું. મેં ડૉક્ટરને ફોન કર્યો.

ઘરમાંના નોકરને દવા લેવા દોડાવ્યો અને આખીય રાત એની પાસે બેસીને પસાર કરી. ચૈતન્ય સતત મારા માટે રડતો હતો, પણ એ દિવસે મેં મારા ઘરમાં કામ કરનાર બહેનને જગાડીને એમને ચૈતન્યને સંભાળવા કહ્યું. અનુરાધાની પીડા મારાથી જોવાતી ન હતી. એને ખોળામાં લઈને મેં આખીય રાત પસાર કરી. બીજા દિવસે સવારે ડૉક્ટર પાસે લઈ ગઈ. મારી પાસે આટલું બધું કરવામાં આવશે અને ચૈતન્ય તરફ દુર્લક્ષ્ય કરીને એની તરફ સંપૂર્ણપણે ધ્યાન આપવામાં આવશે એની એને અપેક્ષા ન હતી. એ

મનમાં ને મનમાં ખસિયાણી પડી. રાતભર મારા ખોળામાં સૂવાને કારણે કે કેમ, બીજા દિવસે એનામાં બદલાવ મને જોવા મળ્યો. ત્યાર પછી એની મારી સાથેની વર્તણૂક મૃદુ થઈ. અચાનક એક દિવસમાં એ પરિપક્વ બની. એકાએક એનામાંની કિશોરીએ પોતાનું બાળપણ ત્યજ્યું અને એ એક સમજદાર દીકરીની જેમ વર્તવા લાગી.

હું એના એકલા માટે જ્યારે જ્યારે સમય આપતી ત્યારે એને ખૂબ જ આનંદ થતો. શાળાના વાર્ષિક સંમેલનમાં એણે નાટકમાં ભાગ લીધો હતો. એ માટે એને એક ખાસ પોશાકની જરૂર હતી. અનેક દુકાનો ફરીને જ્યારે એને ગમતો પોશાક લઈને હું આવી ત્યારે એનો આનંદ એની આંખોમાં સમાતો ન હતો. ચૈતન્યને ઉછેરતા ઉછેરતા જિંદગીએ જાણે મને ઘણુંબધઉં શીખવ્યું. તેમજ અનુરાધાએ પણ મને ખૂબ સમજણી બનાવી.

મેં નક્કી કર્યું કે અનુરાધા સાથે આપણે હવે બહેનપણી જેમ વર્તવું અને એને વિશ્વાસમાં લઈને આપણા સુખદુઃખ એની સાથે વહેંચવા. અત્યાર સુધી મેં એને નાની હોવાથી કાંઈ કહ્યું ન હતું. એમ માનીને કે એના બાળમન પર અસર થશે. એટલે હવે હું એની સાથે બહેનપણી જેમ વર્તીશ તો બન્નેની દૃષ્ટિએ યોગ્ય થશે. હું એને વારંવાર કહેતી, ‘તું ના હોત તો ચૈતન્યને ઉછેરવાનો પડકાર હું ઝીલી શકી ન હોત. તને ખબર છે કે તું થાય અને દીકરી જ થાય એટલે મેં ભગવાનની માનતા રાખી હતી ?’ એને મારી વાતે નવાઈ લાગી. આપણે મમ્મીને શારીરિક અને માનસિક ટેકો આપીએ છીએ એ લાગણીથી એનો આત્મવિશ્વાસ વધ્યો. પરિવારમાં પોતાનું ગુમાવેલું સ્થાન પરત મેળવવાનો એને આનંદ થયો. પછી મેં એને કહ્યું કે ચૈતન્ય આવો હોવાને કારણે હું તારી વધુ નજીક આવી છું. તેં મારી વેદના અને પરિસ્થિતિ સમજી લીધી હોવાને કારણે હું આજન્મ તારી ઋણી રહીશ.

મેં એને જે કહ્યું એ એને સમજાવવા પૂરતું ન હતું. મારી વાતમાંનો દરેક શબ્દ મારા હૈયામાંથી નીકળેલો છે એ મેં એના સુધી પહોંચાડ્યો એટલું જ.

ચૈતન્યે અમારુ ંજીવન આવરી લીધું હોવાથી પહેલા એને મારો વિશ્વાસ જ બેઠો નહિ. પણ ચૈતન્ય જેમજેમ શારીરિક દૃષ્ટિએ સ્થૂળ થવા લાગ્યો, તેમ તેમ હું એને અધિક સમય આપવા લાગી. રહેતા રહેતા અમારી દોસ્તી ગાઢ થઈ અન કટ્ટીની બુચ્ચી પણ થઈ. એક વેદનાને કારણે અમારી વચ્ચેના આ નવા સંબંધની શરૂઆત થઈ હતી. હવે અમે બન્ને પ્રિય મિત્રો છીએ.

ક્યારેક ક્યારેક હું આ બધી વાતનો વિચાર કરું છું ત્યારે લાગે છે કે મેં જે કર્યું છે એ બરાબર છે ? ક્યારેક ક્યારેક હું પોતાને અપરાધભાવ અનુભવું છું. અનુરાધાને એકાએક એનું બાળપણ ઝાટકીને શબ્દશઃ આટલી મોટી જવાબદારી ઉઠાવવી પડી. પણ હું આ સિવાય બીજું શું કરી શકતી હતી ? સમય જ નક્કી કરશે કે મેં એની સાથે જે સંબંધ બાંધ્યો તે યોગ્ય હતો કે નહીં !

આજે અનુરાધા મારાથી વધુ હેતપૂર્વક ચૈતન્યને સંભાળે છે. એટલું જ શાને, આડુંઅવળું બોલનારા લોકોથી મારુંય રક્ષણ કરે છે. લોકો આડુંઅવળું બોલે તો તું મનમાં લઈશ નહીં એમ મને સમજાવે છે. અને વખત આવ્યે એ લોકોને ચાર વાતો સંભળાવવામાંય પાછી હટતી નથી. અમારા ઘરના બધા મહત્ત્વના નિર્ણય એની સલાહથી લેવામાં આવે છે.

ઘણી વખત મને નિર્ણય લેવા માટે મદદની જરૂર હોય તો હું એની સાથએ વાત કરીને નિર્ણય લઉં છું. એ મારી પ્રેરણા છે.

અમે મનથી જોડાયાં

ચૈતન્યના જન્મ પછીનાં ઘણાં વર્ષો સત્ય માટેય સત્ત્વ પરીક્ષાનો સમય હતો. તેમનો મૂળ સ્વભાવ મનમાં કાંઈ હોય છતાંય ચહેરા પર કોઈ જ તાણ કે ચિંતા દેખાવા ન દેનારા પૈકીનો હતો. જે પરિવારોમાં પતિ- પત્ની બંને નોકરી કરે છે અને વિશેષતઃ જવાબદારીભર્યા હોદ્દા ઉપર કાર્યરત હોય છે, એવા પરિવારોને ઘરે મદદ કરવા જાય તો પોતાના વ્યવસાય તરફ ધ્યાન આપવું મુશ્કેલ બની રહે છે. જોકે ઘરમાં નોકર, ચાકર, આર્થિક સ્વાસ્થ્ય હોવા છતાં આ બન્ને બાળકોને સંભાળવા માટે કામ આવતાં જ નથી એવું નથી. અલબત્ત, માતા-પિતાની ગેરહાજરીમાં જે બાળકોને સાચવી શકે એવા લોકોની આવશ્યકતા રહે જ છે અને દુનિયામાં આવા માણસો મળવા સહુથી દુર્લભ છે.

ચૈતન્યનો જન્મ થયો ત્યારે સત્યે નોકરી છોડી હતી. તે કોઈ જ નોકરી કરતા ન હતા. તેમનો નવો વ્યવસાય થાળે પાડવાનો હતો. પોતાની પાસે વધુ આર્થિક શક્તિ ન હોવા છતાં, તેમજ વ્યાપારનો અનુભવ પોતાની પાસે પૂરતો ન હોવા છતાં તેમણે વ્યાપારમાં છલાંગ લગાવી હતી. તેમના ખાનદાનમાં કોઈએ વ્યાપાર-ધંધો કર્યો ન હતો. તેમના દાદા-પરદાદાની કારકિર્દી સરકારી નોકરીમાં માન-સન્માનના પદો શોભાવવામાં પસાર થઈ હતી. એકાએક નોકરીમાંથી વ્યવસાયમાં પ્રવેશવાને કારણે વ્યવસાયમાંની આંટીઘૂંટી તેમના ધ્યાને આવવાની બાકી હતી. તેમનું દુર્ભાગ્ય એવું કે તેમણે જ્યાં જ્યાં નવા વ્યવસાય શરૂ કરવા માટે હાથ નાંખ્યો ત્યાં ત્યાં લોકોએ તેમની સાથે છેતરપિંડી કરી. તેમણે એક પછી એક નિષ્ફળતાની હારમાળા વર્ષો સુધી સહન કરી. પણ તેમનો મૂળ સ્વભાવ સહનશીલ હોવાને કારણે તેમને દૃઢતાપૂર્વક બધાં સંકટોનો સામનો કર્યો. તેમણે જીદપૂર્વક વ્યવસાયમાં જ પડવાનો નિર્ધાર કર્યો હતો.

ચૈતન્યનો જન્મ બરાબર આ જ ગાળામાં થવાને કારણે અને ત્યારબાદ ઘણાં વર્ષો સુધી એની વિશેષ સંભાળ રાખવાની આવશ્યકતા હોવાને કારણએ સત્યની પરિસ્થિતિ મુશ્કેલ બની એ ચોક્કસ. ચૈતન્યની વેદના થોડા દિવસો પૂરતી ન હતી. એ તો જીવનભરની જવાબદારી હતી. અત્યંત આકરું વ્રત હતું. મારીય નોકરી વધુ સુખભરી ન હતી. કામના નિમિત્તે મારે પ્રવાસમાં જવું પડતું. આવા વખતે સત્યને વ્યવસાય તરફ ધ્યાન આપવા સાથે બાળકને સંભાળવો પડતો. કોઈ પણ પુરુષની દૃષ્ટિએ આ પડકાર ઝીલવો જરા મુશ્કેલ જ હોય છે.

ચૈતન્યના જન્મ પછી જે કાંઈ બનતું ગયું એ અન્ય કોઈક માણસના ભાગ્યમાં આવ્યું હોત તો એ સત્ય જેટલો સંયમી રહ્યો હોત કે કેમ એની મને શંકા છે. પરંતુ સત્ય સદૈવ શાંત રહ્યા. મને સાંત્વન આપતા રહ્યા અને પરિવારના દરેક માણસને આધાર આપતા રહ્યા. પોતે પરિવાર માટે જે કર્યું એની તેમણે ચર્ચા સુધ્ધાં ક્યારેય કરી નહીં. ક્યારેક ક્યારેક હું ધીરજ ગુમાવી બેસતી. પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરતા થાકી જતી. તેમને માટે કેટલીક વખત આ સર્વ તાણ અસહ્ય બનતી. પછી ક્યારેક ક્યારેક અમારે બોલાચાલી થતી, ગુસ્સો, વાદવિવાદ થતા રહેતા. પણ તુર્ત જ બીજી જ ક્ષણે અમારે ધ્યાને આવતું કે અમારા બન્નેએ સાથે મળીને, આવેલા પ્રસંગનો સામનો કરવો આવશ્યક છે. આ સમજણ અમને બન્નેને બધાં સંકટોનો સામનો કરવામાં ઉપયોગી બની રહી.

એક માત્ર પ્રામાણિકપણે સ્વીકારવું જોઈએ કે અમારા સમગ્ર પરિવારને બાંધી રાખાવનું અને અમારા દરેકની માનસિકતા દૃઢ બનાવવાનું શ્રેય સત્યને જાય છે. દરેક આવનારા, મળનારા કોઈ ડૉક્ટર ચૈતન્યની મંદબુદ્ધિ વિશે કંઈક અણછાજતું કહે તો હું દુઃખી થતી. મારા જ કોશમાં ભરાઈ જતી. અનુરાધાય મારી ઉદાસીનતાને કારણે નિરાશા અનુભવતી.

પણ સત્ય મને સમજાવતા. ‘આજનો દિવસ જુદો છે. કાલનો જુદો. આવતી કાલનો એથીય જુદો. તું કોઈનું કાંઈ પણ મન ઉપર લઈશ નહીં. આજે અશક્ય લાગનારી વાત આવતી કાલે શક્ય થઈ શકે છે. આપણે પોતાની ઉપર વિશ્વાસ રાખવો, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી. કેટલીક વખત હારેલી લડાઈઓ સુધ્ધાં આટલા જ બળ ઉપર જીતી જવાય છે.

સત્યના શબ્દોથી મને આશ્વાસન મળતું. ફરી આવતી કાલ માટે આશા જાગતી. ફરી આવતી કાલના સ્વાગત માટે અમે સજ્જ બનતાં.

ઘણી વખત અવળું જ બનતું પણ સત્યના દુર્દુમ્ય આશાવેદ અમને જીવતાં શીખવ્યું એટલું માત્ર સાચું.

ઘણી વખત વીતેલા સમયનો વિચાર કરતી વખતે અને એકએક સંભારણા ફરી જગાવતી વખતે બધા પ્રસંગો એકાદ ફિલ્મની જેમ ફરી ફરી સ્મૃતિપટલ પર છવાતાં રહે છે. સત્યના મિતભાષી સ્વભાવને કારણે તે કહી સંભળાવતા નથી, પણ તેમની વેદના અબોલ હતી એટલે જ એ વધુ ગહન હતી. ચૈતન્યને મદદનો હાથ આપતી વખતે તેમના જીવનના કેટલાક મહત્ત્વનાં વર્ષો શબ્દશઃ ભાગ્ય ઉપર છોડી દેવા પડ્યા. પત્ની તરીકે મારે એમની તરફ જેમ ધ્યાન આપવું જોઈએ તેમ હું આપી શકી ન હતી. આગળ પણ એ શક્ય બનવાનું ન હતું. ચૈતન્યને માતા તરીકે મારી વધુ આવશ્યકતા હતી. આ સર્વ ત્યાગ કરતી વખતે એક પુરુષ હોવા છતાંય ત્યાગમાં મારાથી લગીરેય તે કાંઈ ઊણા ઊતર્યા ન હતા. ઊલટ તેમનો ત્યાગ ખૂબ મોટો હતો. ઉદાત્ત હતો. અમે બન્ને એક વેદના સાથે એકમેકની ખૂબ નજીક આવ્યાં. એકમેક સાથે જોડાયાં. તેમના વિશે વિચાર કરતી વખતે હજુય મારી આંખો ભરાઈ આવે છે. તેમણે પિતાની ભૂમિકા પાર પાડી અને તે પણ કશાયની ફરિયાદ કર્યા વગર. હવે માત્ર અને માત્ર એ પિતા બની રહ્યા છે. પતિની ભૂમિકા ત્યજીને, ‘ધર્માંતર’ કરીને એ કેવળ પિતાના કર્તવ્યધર્મને સંભાળે છે અને વફાદાર રહ્યા છે.

આ સમયગાળામાં સત્યની આતંરિક તાકાતનો મને અનુભ થયો.

તે મનથી કેટલા દૃઢ હતા એનો અનુભવ મને વખતોવખત થતો રહ્યો.

મારી જેમ લાગણીમાં વહી જનારા તે ક્યારેય ન હતા. મારા મનની થયેલી નાજુક હાલત અને મારી લાગણી એ પૂર્ણતઃ સમજી શકતા હતા. મને આમ ઝૂરતી જોઈને, બિખેરાયેલી જોઈને તેમના મનને અનહદ વેદના થતી હતી. એક તરફ તેમનેય તેમના વ્યવસાયમાં ખાસ્સા આઘાત અનુભવવા પડ્યા હતા. વારંવાર ધંધામાં છેતરપિંડી થતી હતી. પણ તેમને થયેલા આઘાતજનક અનુભવની રામકહાણી તેમણે મને ક્યારેય સંભળાવી નહિ. જે સંયમપૂર્વક તેમણે ધંધામાંના આઘાત પચાવ્યા, એટલી જ સાહજિકતાથી તેમણે ચૈતન્યને અને ચૈતન્યને કારણે ઉદ્‌ભવેલી પરિસ્થિતિને સ્વીકારી. તેમણે પોતાના વ્યવસાયને અમારી નવી જીવનશૈલી અનુરૂપ બદલી નાંખ્યો. તેમણે ઘરમાં જ નાનકડી ઑફિસ સજાવી. આને પરિણામે એ ફાયદો થયો કે ચૈતન્યને સંભાળનારા નોકર-ચાકરો પર તે ધ્યાન રાખી શકતા હતા. ચૈતન્યના જન્મ પછીના શરૂઆતના મુશ્કેલ ગાળામાં તેમણે પરિવારના દરેક સદસ્યને સર્વ પ્રકારે આધાર આપ્યો. તેમણે પોતાની વેદના અમારાથી હંમશાં છુપાવી રાખી. ચૈતન્યના જન્મને કારણે અને એની શારીરિક પીડાને કારણે તેમને શું શું વેઠવું પડ્યું એનો આછો ઉલ્લેખ સુધ્ધાં તેમણે કોઈની સામે કર્યો નહીં.

તેમણે પોતાના મિત્રોનો ત્યાગ કર્યો. એટલું જ નહીં, એશોઆરામમાં જીવવું નહિ એમ પણ તેમણે મનોમન નક્કી કરી લીધું.

મનથી એ સંન્યાસી બન્યા. ચૈતન્યની અને પરિવારની જવાબદારી સ્વીકારવા માટે તેમણે સાદગીનું અને કષ્ટનું જાણે વ્રત જ લીધું.

સ્ત્રીઓ પરિવાર માટે સામાન્ય રીતે ત્યાગ કરતી હોવાનું જાણવા મળે છે. પણ પુરુષ હોવા છતાં સત્યે સામે ચાલીને કરેલા ત્યાગની સરખામણી શક્ય જ નથી. તેમના કારણે મનેય માનસિક બળ મળ્યું. અમારાં મન દૃઢ બનાવવામાં તેમણે ખૂબ મદદ કરી. અમે બન્નેએ મળીને ચૈતન્યના વિકાસ માટે અથાક મથામણ કરી. અમારા સામર્થ્ય અનુસાર જે જે કાંઈ શક્ય હતું એ બધું અમે તેમના માટે કર્યું.

સત્ય ક્યારેક ક્યારેક એ સમયના સંભારણા યાદ કરતા કહે છે કે, ‘મને બની ગયેલ ઘટનાનું દુઃખ નથી. ચૈતન્યને કારણે આપણએ બન્ને એકબીજાની ખૂબ નજીક આવ્યાં. આપણામાં જે જે કાંઈ સારું હતું તે બધું ચૈતન્યને કારણે પ્રગટ થયું.’

અનુરાધા જન્મી ત્યારના સત્ય અને અત્યારના સત્ય વચ્ચે જમીન આકાશનો તફાવત છે. ચૈતન્યના જન્મ પછી તે આપોઆપ એક આદર્શ પિતા થયા.

એમ કહેવાય છે કે ભગવાન આપણને જ્યારે મુશ્કેલી આપે છે ત્યારે એ મુશ્કેલીઓ સાથે બાંધીને આપણને કેટલીક ભેટ પણ મોકલાવે છે. સત્યે મને આ શીખવ્યું. ‘પ્રત્યેક મુશ્કેલીઓમાંથી આપણે જે કાંઈ શીખીએ એ જ આપણી ભેટ વસ્તુ હોય છે. તે માટે આપણે કૃતજ્ઞ રહેવું જોઈએ.’ અમારા જીવનનો આ આકરો પ્રવાસ સત્ય મારા સાથી હોવાને કારણે સુખમય થયો એ ચોક્કસ છે !

પ્રેમ એ જ સંજીવની

ચૈતન્યનું શૈશવ અનેક વર્ષો સુધી પૂરું જ ન થયું. વયના માઈલસ્ટોન પસાર કરતી વખતે એની ગતિ મંદ હતી અને એના દરેક ડગલે અનેક મુશ્કેલીઓ હતી. એ એકએક મુશ્કેલીમાંથી હળવેહળવે બહાર આવતાં આવતાં જીવ્યો અને જીવ્યો એય ખૂબ સહનશીલ બનીને.

એક તબક્કે ડૉક્ટરોના અને ખાસ કરીને બાળરોગ નિષ્ણાતોના ઘોંચપરોણાથી ત્રાસીને મેં હોમિયોપેથીનો આશરો લીધો. કેટલાંક આયુર્વેદિક ઔષધો, કેટલીક ઘરગથ્થુ દવાઓ એમ કરતાં કરતાં ચૈતન્યને વારંવાર થનારી શરદી અને અન્ય ફરિયોદ વખત જતાં ઓછી થતી ગઈ. ક્યાંય બહાર જવાનો કાર્યક્રમ નક્કી કરીએ કે ચૈતન્ય અચૂક માંદો પડતો. આને કારણે હું ગમગીન અને ઉદાસ થતી. કોઈ પણ કાર્યક્રમ નક્કી કરવાનું થાય કે મને બીક જ લાગતી. એક પ્રકારે મનમં અંધશ્રદ્ધા ઘર કરી ગઈ હતી, કે તહેવાર આવે કે આ માંદો પડે છે. મારી જેમ જ કુટુંબના અન્ય સભ્યો પણ આવું જ માનતા. કારણ વારંવાર તેમજ બનતું. એકાદ તહેવાર હોય, બધાંએ સરસ કપડાં પહેર્યાં હોય. બધાં આનંદપૂર્વક ગળી વાનગીઓ ખાવા બેઠા હોય અને ચૈતન્ય અચાનક માંદો પડતો. એ એટલો નાજુક હતો કે બે-ચાર કલાકમાં જ એકાદ ફૂલની જેમ કરમાઈ જતો. આ કેવળ યોગાનુયોગ હતું કે કોણ જાણે કેમ ? પછી ઘણાં વર્ષો સુધી મને તહેવાર અને ઉત્સવ આવે જ નહિ એમ થતું. હજુય ક્યાંય રજાઓમાં બહાર જવાનું નક્કી કરવા લાગીએ કે ઘરે કોઈક પાર્ટી કરવાનું નક્કી કરીએ કે મનમાં ફાળ પડે છે. અમે કોઈ જ એકબીજા સાથે આ ખુલ્લેઆમ બોલતા નથી, પણ અમારા સહુના મનમાં ચૈતન્યની ચિંતા હોય છે એ ચોક્કસ છે. કોઈ પ્રસંગ ચૈતન્યને કાંઈ પણ થયા વગર પાર પડે કે અમે હાશકારો અનુભવીએ છીએ.

ચૈતન્યને જિવાડનારી સંજીવની હતી પ્રેમ. અમે બધાએ એને અપાર પ્રેમ કર્યો અને હજુય કરીએ છીએ. આ પ્રેમ જ એની સંજીવની બની રહી. ચૈતન્ય પણ એ જ રીતે, એટલો જ પ્રેમ અમને કરે છે એ વિશેષ. ડૉક્ટરોએ જે ચૈતન્યને જીવતા માંસનો ગોળો કહીને ધિક્કાર્યો, એ બાળક ખાસ્સી પ્રગતિ દર્શાવવા લાગ્યો. જે બાળક વિશે એવી આગાહી થઈ હતી કે એ ક્યારેય ઊઠીને બેસી શકશે નહીં, જેનું ચાલવું અસંભવ હતું એ ચૈતન્ય સરસ રીતે ચાલવા લાગ્યો, રમવા લાગ્યો. સમય જતાં દોડવાની હરીફાઈમાં ઇનામોય મેળવવા લાગ્યો. એણે ત્યાર પછીનાં કેટલાંક વર્ષોમાં હાંસલ કરેલ સિદ્ધિઓ અમારા સહુ માટે ગર્વનો વિષય હતો. એના પગને અને હાથને, ડૉક્ટરોના અભિપ્રાય અનુસાર આવશ્યક એવા આકારના વળાંક અને ચઢઉતાર ન હોવાને કારણે એને ચાલતા ફાવવું મુશ્કેલ છે એવો અભિપ્રાય તબીબી નિષ્ણાતો સ્પષ્ટ વ્યક્ત કરતાં. દવા અને ટોનિક લઈને વજન વધવાને કારણે ચાલવું એને માટે, એના શરીરથી સહન થશે નહીં એમ પણ તેમનું કહેવું હતું. એને માટે ખાસ પ્રકારના બૂટ બનાવવા પડશે, એના વગર એ ચાલી શકશે નહીં એમ પણ ડૉક્ટરોએ અમને કહ્યું હતું.

થોડો મોટો થયા પછી એને કેડ લઈને જવું અસંભવ થવા લાગ્યું. પછી ધીરજપૂર્વક એના છૂટા થવાની રાહ જોતાં મેં પ્રતીક્ષા કરી. કેટલીક વખત એમ લાગતું કે સમય થંભી ગયો છે, પણ એકએક ડગલું માડંતાં માંડતાં એ ચાલતો થયો.

કેટલાંક વર્ષો પછી, જ્યારે પહેલી વખત ચૈતન્ય દોડવાની આંતરશાળા સ્પર્ધામાં ઊતર્યો અને રજતચંદ્રક લઈને આવ્યો ત્યારે અમને સાચું જ લાગતું ન હતું. અમારા કાન ઉપર વિશ્વાસ જ બેસતો ન હતો. ત્યારબાદ એની પસંદગી મૅરેથોન સ્પર્ધા માટે પણ થઈ. માંસનો એક જીવંત

લોચો, જેના હૃદયમાં એક છિદર્‌ હતું (!) એવો ચૈતન્ય ડૉક્ટરોની સર્વ આગાહીઓ ખોટી પાડીને એક દિવસ બોલવા લાગ્યો, દોડવા લાગ્યો.

આવી જ એક સાંજે ચૈતન્ય કેટલાંક બાળકો સાથે ઘરના આંગણામાં રમી રહ્યો હતો. આંગણું પૂરું થતાં જ અડીને રાહદારીનો રસ્તો હતો. જેમને ત્યાં મારી પ્રસૂતિ થઈ હતી એ ડૉક્ટર રસ્તા પરથી પસાર થતા હતા. એ ડૉક્ટર અને તેમણે સૂચવેલ બાળરોગ નિષ્ણાતની બીકને કારણે હું તેમની પાસે ફરીથી ગઈ ન હતી. તેમને ફોન સુધ્ધાં કર્યો નહીં. તેમની સાથે અમારી મુલાકાત થતી ન હતી. તે પણ બાળકો સામે જોતાં પોતાની જ ધૂનમાં ચાલતા હતા. અચાનક તેમનું ધ્યાન ચૈતન્ય તરફ ગયું. તેમણે અન્ય બાળકોને બોલાવીને પૂછ્યું, ‘આ બાળક કોણ છે ?’ જ્યારે તેમણે એ ચૈતન્ય છે એમ જાણ્યું ત્યારે તે અવિશ્વાસભેર એની તરફ જોતાં સ્તબ્ધ બની ઊભા રહ્યા. તે કેટલીયવાર સુધી ગેટ ઉપર નમીને ચકિત થઈને પૂતળાની જેમ ઊભા હતા. હવે તો ચૈતન્ય ઘણે અંશે સામાન્ય બાળક જેવો દેખાવા લાગ્યો હતો.

તે જ સમયે ચૈતન્યને ઘરમાં બોલાવવા હું બહાર આવી અને ડૉક્ટરને ઝાંપા ઉપર ઝળુંબીને ઊભા રહેલા જોઈને હું તેમની સાથે વાત કરવા ગઈ. ‘આ સાચ્ચે જ ચૈતન્ય છે, તારો દીકરો ?’ તેમણે મને ફરી એક વખત અવિશ્વાસ સાથે પૂછ્યું. મેં ચૈતન્યને કાખમાં ઊંચકી લીધો અને કહ્યું, ‘આ મારો જ દીકરો છે.’ મારું ગળું સંમિશ્ર લાગણીથી એટલું ભરાઈ આવ્યું કે હું હસતી હતી, રડતી હતી અને ચૈતન્યને પંપાળતી પણ હતી. મારા એ પ્રત્યેક કૃત્યમાં ચૈતન્ય માટેનો ગર્વ હતો.

‘મને ક્ષમા કર દીકરી. ચૈતન્યનું નિદાન કરવામાં અમારી મહાભયંકર ભૂલ થઈ. અમારી એટલે પેલા બાળરોગ નિષ્ણાત બહેનની. એણે જ મને ખોટું માર્ગદર્શન આપ્યું અને હુંય તેને ટેકો આપતો રહ્યો.’ ડૉક્ટરે પોતાને સંભાળતાં ક્ષમા માંગવાનો પ્રયત્ન કર્યો.

આંખોના અશ્રુ લૂછતાં હું એક વખત ડૉક્ટર તરફ તો એક વખત ચૈતન્ય તરફ જોતી હતી. અનેક ડૉક્ટરોએ જુદા જુદા પ્રકારે મને માનસિક યાતના પહોંચાડી હતી. એને કારણે મારી અંદર કાંઈક ખૂટી ગયું છે, મરી ગયું છે એનું મને ભાન થયું. પણ તે સાથે જ એય મારા ધ્યાને આવ્યું કે તેમણે મારી અંદરનું જે પૂરું કરી નાખ્યુ ંછે એ ખૂબ જ ક્ષુલ્લક છે. મારામાં જે ઊતર્યું છે એ ખૂબ જ અણમોલ અન મહત્ત્વનું છે. એક પ્રચંડ ઈર્ષ્યા અને ઊર્જા મારા હૃદયમાં એકઠી થઈ હતી. એણે મને દરેક સંકટનો સામનો કરવાનું સામર્થ્ય આપ્યું હતું. એક માતાના આત્મબળે બધી જ તબીબી આગાહીઓ ખોટી ઠરાવી હતી !

સત્ત્વ પરીક્ષા

ચૈતન્ય દ્વારા સુંદર પ્રતિસાદ મળતો ગયો પછી અમે એને સ્વાવલંબી બનાવવા કેડ બાંધી. ક્યારેક ચોક્કસ મોટા લોકો અને ગણ્યાગાંઠ્યા મિત્રો સિવાય ચૈતન્યની બાબતમાં અન્ય કોઈ સાથે વધુ ચર્ચા કરવી નહીં એમ પણ અમે નક્કી કરી લીધું. ચૈતન્ય વિશે કોઈની સાથે વાત કરવા જઈએ કે એ ચર્ચામાંથી નકારાત્મક વાતો તો ઊપજતી જ, પણ તેને કારણે મારા મનને અનહદ યાતના પહોંચતી. એણે નહિ વળોટેલા માઈલના પથ્થર... એના વધુ સંતોષકારક નહિ એવા બોલવા-ચાલવાના વિકાસની આસપાસ જ સંવાદ થતા રહેતા. પછી મેં નક્કી કર્યું કે આપણે આપણું સર્વસ્વ રેડીને ચૈતન્યનું ભાવિ ઘડીશું.

ચૈતન્યની શારીરિક સમતુલા વ્યવસ્થિત ચાલી રહી હતી, પરંતુ એની બોલવાની મુશ્કેલી તો હજુય હતી. એની વાત સમજવી મુશ્કેલ હતી. એને કારણે એની સાથે સંવાદ કરવો હેરાનગતીભર્યો બનતો. અમે એન હાથના સંકેત જોઈને ચહેરા પરના આંખોના ભાવ નોંધી લઈને એ મુજબ તપશીલવાર માહિતી એકઠી કરવા લાગ્યા. જોતજોતામાં એની ભાષા અમને સમજાવા લાગી. એના મનમાં રહેલી વાત અમને સમજાય કે એનેય આનંદ થતો. હળવે હળવે એ સાદા-સરળ કેટલાક શબ્દો બોલવા લાગ્યો. પછી એ બોલવાનો અર્થ શો હશે એનો અમે વિચાર કરતા અને એ શબ્દોનું એક વાક્ય બનાવતાં. પરંતુ એના શબ્દ અને ઇશારા અમને ન સમજાય તો એ ભયંકર ચિડાતો. ચિડાય કે વધુ ઝડપથી બોલવા લાગતો અને પછી અમને કાંઈ જ સમજાતું નહિ, એને કારણે અમારી વચ્ચેનો સંવાદ તૂટી જતો.

એ વ્યવસ્થિત બોલી શકે એટલે અમે કેટલીક સારવાર ચાલુ કરી, પણ એ કામ આવી નહિ. જે બહેન સારવાર કરવા આવતી તેના અને ચૈતન્યના ધાગા ક્યારેય જોડાયા નહીં.

ત્યારે આસપાસના સામાન્ય બાળકો એની સાથે રમવાનું ટાળતાં. એવામાં આસપાસના નોકરોનાં બાળકો સાથે ચૈતન્ય રમવા લાગ્યો. ચાલીમાંના નોકર જુદી જુદી ભાષા બોલનારા હતા. એ બધાયની ભાષા સાંભળી સાંભળીને ચૈતન્યે એકી સાથે ત્રણ ભાષા શીખવાનો વિક્રમ કર્યો. અમારા ઘરે પણ ભાષાના બે સૂત્રો હતાં જ. હું અને સત્ય ઇંગ્લિશમાં બોલતાં અને હું અને મારાં બાળકો મરાઠીમાં બોલતાં. મારાં બાળકોનેય મજા હતી. તે મારી સાથ મરાઠીમાં બોલતાં અને પપ્પા સાથે ઇંગ્લિશમાં. તેમાં અમારા મિત્ર પરિવારમાં ઉત્તર હિંદુસ્તાની લોકો વધુ હોવાથી હિંદીનોય ઉમેરો થયો. પછી ચૈતન્ય ત્રણ ભાષા એકદમ બોલવા લાગ્યો અને અમારી વચ્ચે કેવળ કોલાહલ ફેલાઈ જતો.

હવે એ પદ્ધતિસર અને અધિકારિક રીતે ત્રણેય ભાષાઓ ઉપર પ્રભુત્વ હોય એમ બોલે છે અને આવેલા મહેમાનોને ચકિત કરી મૂકે છે. ચૈતન્ય જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એની એકલતા વધવા લાગી. આસપાસના એની વયના કે એનાથી નાનાં બાળકો શાળામાં જવા લાગ્યાં. પણ એ ઘરે જ હતો. એનેય થતું કે સાથેનાં બાળકો સાથે રમવું. શાળામાં જવું. રમવું પણ એ નૉર્મલ બાળકો ચૈતન્ય જેવાં બાળકો સાથે રમવા રાજી ન હતાં. એ બાળકોને એની પ્રગતિમાં, એની દુનિયામાં રસ ન હતો એ સાહજિક છે અને જે નાનાં હતાં એ ખૂબ જ નાનાં હતાં, બાળકો જ હતાં. તેમનામાં ચૈતન્યને આનંદ મળતો નહીં.

ચૈતન્યનો ઉછેર કરતી વખતે આટલી બધી જુદા જુદા પ્રકારની મુશ્કેલીઓ આવશે એની કલ્પના અમે ક્યારેય કરી ન હતી. સહુ કોઈને પોતાની વયના અને માનસિક સામર્થ્ય ધરાવનારા મિત્રો-બહેનપણીઓ મળે છે એમ મને લાગતું. પણ જ્યારે ચૈતન્યનું એકલાપણું જોયું ત્યારે આપણી કલ્પનામાંય ન હોય એવા કેટલાક વિકટ પ્રશ્નો હોય છે એની મને જાણ થઈ. શારીરિક દૃષ્ટિએ ચૈતન્ય હવે ખાસ્સો સરસ થયો હતો. દેખાવે સુધ્ધાં સોહામણો હતો, શરીરમાં રહેલી શક્તિનો ક્યાંક ઉપયોગ કરવાનું એને મન થતું, પણ સતત ઘરમાં બેસી રહેવાની ફરજ પડવાને કારણએ અને એને સંભાળનારી એનાથી ખાસ્સી મોટી વયની સ્ત્રીઓ સાથે રહેવું પડતું હોવાને કારણે એ ચીડિયો થયો હતો.

એક દિવસ સાંજે મેં પાસેના બગીચામાં બાળકોને રમતાં જોયાં અને ચૈતન્યને એ બાળકોમાં રમવા મોકલવાનો નિર્ધાર કર્યો. ચૈતન્ય બગીચામાં જવા લાગ્યો અને એ બાળકોમાં આનંદિત રહેવા લાગ્યો. બગીચામાં એને બાળકો સિવાય અન્ય અનેક લોગો મળતાં. દાદા-દાદી મળતાં. ત્યાં એનો જુદી જુદી વયના માણસો સાથે સંપર્ક થતો. તેને કારણે એની દુનિયા વિશાળ થવા લાગી. એ સાંજે બગીચામાં જવાની રાહ જોવા લાગ્યો અને એની એકલતાનો પ્રશ્ન મહદ્‌અંશે ઉકેલાયો.

ચૈતન્યનો સ્વભાવ શરૂઆતથી પ્રેમાળ હતો. બગીચામાં પણ જુદી જુદી વયના, જુદા જુદા સ્તરના મળનારા લોકોનો એ એકદમ લાડકો બની ગયો.

પછી હળવે હળવે અન્ય બાળકો પણ એની સાથે રમવા લાગ્યાં. બગીાચની નજીક એક બસ ડેપો હતો. વિશ્રાંતિ અર્થે આવેલા ડ્રાઇવર-કન્ડક્ટર એ બગીચામાં આડા પડતાં. ચૈતન્યને એ દરેકના નામ મોઢે હતા. એ બધાયને ઓળખતો. એ બધાયને પણ એ ખૂબ ગમતો. એકાદ દિવસ જો એ બાગમાં ન જાય તો એની તપાસ કરતાં કોઈક ને કોઈક અમારા ઘરે આવતાં.

બગીચામાં આવનારા ઘણા લોકો આધેડ હોય છે. ચૈતન્ય તેમની સાથે ભળી જતો, જાણે કે તેો એનાં જ દાદા-દાદી હોય તેમ એની સાથે વાતો કરતાં. હું એને બગીચામાં લઈને જઉં કે બધાં પૂછતાં, ‘ચૈતન્યની મમ્મી આવી.’ જીવનમાં પહેલી વાર એમ અનુભવ્યું કે એનું અસ્તિત્વ મુખ્ય હતું અને મારું અસ્તિત્વ એના અનુષંગે હતું. એની આ નવી દુનિયાનો પરિચય થયા પછી હુંય આનંદિત થઈ. સહુથી આશ્ચર્યની વાત એ હતી કે લોકોમાંના કોઈ જ એની સાથે ખરાબ વર્તતા ન હતાં. એને હીન ગણીને માનહાનિ કરતાં ન હતાં. ચૈતન્ય ઘણી વખત જીદ પકડતો. એની ઇચ્છાનુસાર અન્યોને રમવા ફરજ પાડતો. પણ બધા લોકો એની ઇચ્છાનુસાર સાથે રમતાં. આ નજરે નિહાળ્યા પછી મને મારા પર જ વિશ્વાસ બેસતો ન હતો.

મને લાગ્યું હતું એ કરતાં બધું વધુ સરસ ગોઠવાઈ ગયું હતું. કેટલીય વાર તો એ એનાથી નાનાં બાળકોના હાથમાંથી રમકડું ઝૂંટવી લેતો. મને બીક લાગતી કે એ બાળકનાં માતા-પિતા ઝઘડશે તો ? એ શું કરી રહ્યો છે એ એને બરાબર સમજાતું નહિ. પણ સદ્‌નસીબે એની બાબતમાં કાંઈ પણ અઘટિત ઘટના બની હોવાનું મારા કાને આવ્યું નહિ. એની કોઈએ મજાક કરી નહીં કે કોઈ ઉપહાસ કરતાં હસ્યું-બોલ્યું નહીં. એના બોલવામાંના દોષનો કોઈએ ક્યારેય ઉલ્લેખ કર્યાનુંયે મને સાંભરતું નથી. એ સહુનો લાડકો હતો. એનો પ્રેમાળ સ્વભાવ એ જ એનું કવચ હતું.

બગીચામાં કોઈ એકલું ઉદાસ બેઠેલું હોય તો ચૈતન્ય એ માણસ પાસે જતો, એની આંખો લૂછતો. એને બાથ ભરતો અને પોતાની ભાષામાં કંઈક ગણગણતો. એની ભાષા પેલા માણસને સમજાય નહીં તો ચૈતન્યનું મનળ થતું. પેલા માણસને એ એટલો પ્રેમ દર્શાવતો કે એ માણસ થોડી જ વારમાં એની સાથે હસવા-બોલવા લાગતો. આમ ચૈતન્ય માણસોનાં મન જીતી લેતો. લોકોને માનસિક દૃષ્ટિએ ઊણા લાગનારા બાળકમાંના આ અસામાન્ય ગુણ લોકોને ગમી ગયા હતા એ જ સાચું.

એને મળેલા નવા વિશ્વને કારણે મનેય આનંદ થયો. એક વખત બગીચામાં ખોવાઈ ગયા પછી એ શાળામાંય ગોઠવાઈ જશે એમ લાગવા માંડ્યું. શાળામાં જવા માટે એ હવે શારીરિક અને માનસિક રીતે સજ્જ થયો હતો એમ મને મનોમન લાગતું હતું.

શાળાની શોધ

ચૈતન્ય માટે યોગ્ય શાળાની શોધ શરૂ થઈ. મારા પર પ્રેમ રાખનારા મિત્ર-બહેનપણીઓ અને હિતેચ્છુ સહુએ મને પ્રોત્સાહન આપ્યું ! અમારા ઘરની નજીક એક નર્સરી શાળા હતી. મોટા મોટા પરિવારોની, સામાજિક કાર્ય કરનારી નામાંકિત સ્ત્રીઓ આ શાળા સાથે જોડાયેલી હતી. સામાન્ય બાળકો સાથે વિવિધ પ્રકારનું અપંગત્વ ધરાવનારા બાળકોનોય સમાવેશ કરી લઈ, અપંગ બાળકોને સામાન્ય બાળકો સાથે જીવવાની તક આપવાનો એ શાળાનો સંકલ્પ હતો. શાળામાં કામ કરનારા શિક્ષક વર્ગ સુધ્ધાં શિક્ષિત અને વિચારશીલ હતાં. સરકરા તરફથી આ શાળાને અનુદાન મળતું હતું. હું સરકારી અધિકારી હોવાને કારણે મને વિશ્વાસ હતો કે આ શાળા ચૈતન્યનો સ્વીકાર કરશે. એટલે જ ચૈતન્યના પ્રવેશ અર્થે પહેલાં હું એ શાળામાં ગઈ.

શાળાના મુખ્ય આચાર્યએ મારો ઇન્ટરવ્યૂ લીધો, પણ એ સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યો. મેં તેને ‘ડાઉન્સ’ છે એમ કહ્યા પછી એ મારી પર તાડૂકી. ‘તમારી હિંમત જ કેવી રીતે થઈ આવું બાળક લઈને અમારી પાસે આવવાની ? તમારા બાળકને કારણે શાળાનાં અન્ય બાળકો બગડશે. આનો તમે વિચાર જ કર્યો નથી લાગતો ! મને તો ખાતરી છે કે તમારા બાળકને કારણે મારી શાળાનાં બીજાં બાળકોનોય વિકાસ રૂંધાશે.’ તેના ચહેરા પરના હાવભાવ મને ક્રૂર લાગ્યા. તેણે ચૈતન્યને પ્રવેશ આપ્યો નહિ એનું મને દુઃખ થયું ન હતું, પણ એના શબ્દ મારા હૈયામાં ઘર કરી ગયા. મારા મનમાં વિચાર આવ્યો કે સમાજમાં ચૈતન્ય જેવા જે અન્ય બાળકો હશે તેમનાં માતા-પિતાનેય આવા જ કડવા અનુભવ થયા હશે કે ? આ બહેન જે રીતે બોલ્યાં, જાણે કોઈ આપણો સમાજ અને તેની સંસ્થાઓ માત્ર સામાન્ય બાળકો માટે સર્જાઈ છે, બીજાઓના અસ્તિત્વની અહીં કિંમત જ નથી ! મુખ્ય આચાર્યાને પોતાને જો આવું બળક હોત તો તે મારી સાથે આમ વર્ત્યા હોત કે ?

મારા મનમાં એક વખત વિચાર આવ્યો કે હું કોણ છું એ તેને કહીને મારા અધિકારના બળે પ્રવેશ મેળવવો. હું તેની પાસે માત્ર ચૈતન્યની માતા તરીકે ગઈ હતી. હું એક ઊંચો હોદ્દો ધરાવતી સરકારી અધિકારી છું એ તેને ખબર પણ ન હતી. પછી મેં મારો વિચાર બદલ્યો. આમ બળજબરીપૂર્વક પ્રવેશ મેળવ્યા બાદ કદાચ મારા નિષ્પાપ બાળકને પાછળથી શાળાએ ત્રાસ આપ્યો હોત. મને બીક લાગી, પેલી મુખ્ય આચાર્યા જેવી ક્રૂર સ્ત્રી ચૈતન્યને પછી કાયમ હેરાન કરતી રહી હોત.

મનનો ગુસ્સો મનમાં રાખીને મેં એને નમ્રતાપૂર્વક પૂછ્યું, ‘મારે કઈ શાળામાં ઍડ્‌મિશન લેવું, એ અંગે કાંઈ માર્ગદર્શન આપી શકશો ?’

‘એ મારું કામ નથી. મારે બીજાં ઘણાં કામો છે. તમે અહીંથી નીકળો. તમારા બાળકની શાળા તમે જ શોધો. હવે થોડી જ વારમાં મારી પાસે સરકારના કેટલાક મોટા અધિકારી આવવાના છે, રાષ્ટ્રીય પુરસ્કાર માટે મારા નામની ભલામણ કરવા માટે ! મારે એની તૈયારી કરવાની છે.’ તેણે અધીરાઈથી કહ્યું.

હું ક્યારે ત્યાંથી ઊઠું છું એમ તેને થયું હતું.

હું ખુરશીમાંથી ઊભી થઈ એટલામાં તેણે ઝડપથી પોતાની પર્સમાંથી સાજ-શણગારનો સામાન બહાર કાઢ્યો. નાનકડા અરીસામાં પોતાને નિહાળતા એ ચહેરો સજાવવા લાગી. રૂમમાંથી નીકળતાં નીકળતાં મને મનોમન ખાતરી થઈ હતી કે આ બાઈને આદર્શ શિક્ષિકાનો અને ઉત્કૃષ્ટ પ્રશાસકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા વગર રહેવાનો નથી !

આ મારો એકમાત્ર અનુભવ ન હતો. જે જે શાળામાં હું ચૈતન્ય માટે ગઈ, ત્યાં ત્યાં હું અપમાનિત થઈ, અવગણના કરવામાં આવી, એટલું જ નહિ એ સંસ્થાચાલકોના ઉપહાસને પાત્ર બની રહી. શરૂઆતમાં સહુની વાતો સૌજન્યપૂર્ણ રહેતી, પણ જે ક્ષણે હું ચૈતન્ય વિશે તેમને કહેતી ત્યારે તેમનો ચહેરો જ બદલાઈ જતો. મને પ્રત્યેક શાળામાંથી અત્યંત વિચિત્ર પદ્ધતિએ હાંકી કાઢવામાં આવી.

આવા બધા અનુભવોને કારણે હું ખૂબ નિરાશ થઈ. અત્યાર સુધીમાં દસ-બાર શાળાો ફરી ચૂકી હતી. પછી કેટલાક મિત્ર-બહેનપણીએ એવી સલાહ આપી કે ચૈતન્ય વિશે શરૂઆતમાં શાળામાં કાંઈ જ કહીશ નહીં. એ ‘ડાઉન્સ’ છે એ કહીશ નહિ. ઍડ્‌મિશન લઈ લે. પછી શાળાને ખબર પડશે, છતાં એક વાર ફી ભર્યા પછી શાળા એને કાઢી શકશે નહીં. આમ તો એ નૉર્મલ જ દેખાય છે, પણ મને તેમ કરવું ફાવ્યું નહીં. મનમાં સતત એક જ વિચાર આવતો કે હું જો આવું કરું અને રોષ શાળા મારા દીકરા ઉપર કાઢે તો તેની શું હાલત થશે ? અનેક વખત થતું કે મારી આવી હાલત છે તો સામાન્ય માબાપોનું શું થતું હશે ?

ચૈતન્યની ઊર્જાને ક્યાંક માર્ગ કરી આપવો આવશ્યક હતો. એને સતત ઘરમાં ગોંધી રાખ્યો હોત તો તેનોય ઉદ્રેક થયો હોત. મૂળમાં એ ઝડપથી ગુસ્સે થનારો અન અસ્વસ્થ થનારો હતો. એને કાંઈક માનસિક અને શારીરિક કામ આપવું આવશ્યક હતું. એને કેવી રીતે વ્યસ્ત રાખવો એનો ઉપાય મને મળતો ન હતો. મને કલ્પના જ ન હતી કે નર્સરી શાળામાં જવા માટે આટલા પ્રયત્ન કરવા પડશે. સામાન્ય બાળકોને તેમના અધિકાર રૂપે શિક્ષણની તક મળે છે પણ જે બાળકો સામાન્ય નથી હોતાં તેમને માત્ર શિક્ષણ જેવા મૂળભૂત અધિકાર માટે શું શું સહન કરવું પડે છે ? શા માટે સહન કરવું પડે છે ? મનમાં કેવળ પ્રશ્નો રહ્યા હતા અને ક્યારેય ન ખૂટનારી મુશ્કેલીઓની યાદી હતી. જવાબ કોઈ પણ પ્રકારે મળતા ન હતા.

આવામાં જ એક દિવસ મારી બાળપણની બહેનપણીના પિતા મારે ત્યાં મળવા આવ્યા. મને તે ખૂબ ગમતા કારણ હું તેમને નાનપણથી વિવેકી-વિચારશીલ માનતી હતી. તેમને ચૈતન્યની શાળાની મુશ્કેલીઓ જણાવી અને તેમની સલાહ માંગી. ક્ષણભરનોય વિચાર ન કરતાં તેમણએ તેમના ખરજમાંના અવાજમાં કહ્યું, ‘જવાબ તદ્દન સહેલો છે.’ તેમણે એટલી સાહજિકતાથી કહ્યું કે મને એમ લાગ્યું કે જાણે કે મારા કાંઈક પ્રશ્ન પૂછવાની પ્રતીક્ષામાં જ તે બેઠા હતા, ‘તારા જેવી હોશિયાર દીકરી આવા પ્રશ્નમાં અટવાય છે જ શાને ? તારી સામે એક ઉજ્જ્વળ ભાવિ છે.

માંસના એક જીવતાં લોચાને તું કેટલા દિવસ સંભાળતી રહીશ ? વારુ, એવુંય નથી કે તારે આ જ એક દીકરો છે. તારી મોટી દીકરી તો નૉર્મલ છે. આપણે કયા યુગમાં જીવીએ છીએ એનો તો વિચાર કર. તારો આદર્શ જરા બાજુએ રાખ. સીધી ઊભી થા અને ચૈતન્યને કોઈક ધર્માદાની સંસ્થામાં મૂકી આવ. તે એની સંભાળ રાખશે. તું એક ઊંચો હોદ્દો ધરાવનારી સરકારી અધિકારી હોવાને કારણે આવી સંસ્થા શોધવી અને ચૈતન્યને ત્યાં દાખલ કરાવવો એ તારા માટે સામાન્ય વાત છે. એને સંભાળવા માટે જે ખર્ચ થશે એ નિયમિત રીતે મોકલાવતી રહે એટલે પત્યું. વચ્ચે વચ્ચે શક્ય હોય ત્યારે મળી આવજે.’

એ સદ્‌ગૃહસ્થની વાત સાંભળતા રહેવું મારે માટે અસહ્ય થવાથી ચા બનાવવાને બહાને હું રસોડામાં દોડી. સમાજ કલ્યાણ વિભાગમાં સચિવ હતી ત્યારે આવી ધર્માદા સંસ્થાઓની મેં મુલાકાત લીધી હતી. એ સંસ્થાઓ અને સંસ્થામાં રહેનારા દયનીય ચહેરા મારી સામે આવવા લાગ્યા. જે પ્રેમ હું ચૈતન્યને આપતી હતી એ પ્રેમ તેને સંસ્થામાં ક્યાંથી મળે ? આ જ વિચાર ફરીફરી મારા મનમાં આવવા લાગ્યો. સંસ્થા જો ઘરનું સ્થાન લઈ શકી હોત તો સમાજમાં આવા પ્રશ્ન નિર્માણ થયા હોત ખરા ?

જે વિદ્વાન માણસે મને આ સલાહ આપી હતી તેમણે મારા જીવન અને મુશ્કેલીઓને કેવળ એક પ્રશ્નરૂપે જોયો હતો. તેમણે માત્ર મારા જ જીવનનો અને મારા જ ભવિષ્યનો વિચાર કર્યો હતો. એમાં તેમની કાંઈ ભૂલ હતી એવું નથી, પણ મારી જગાએ હુંય બરાબર હતી. મારા વ્યવસાય કરતાં મને મારો દીકરો મહત્ત્વનો લાગતો હતો. મને લાગતું કે સામાન્ય માણસોમાં ભળી જઈને ચૈતન્ય ધીમેધીમે લગભગ સામાન્ય થઈ શકશે અને બીજાઓને જોઈ જોઈને એ શારીરિક દૃષ્ટિએ અને માનસિક દૃષ્ટિએ સ્વાવલંબી થઈ શકશે. ધીમે ધીમે બીજા પર આધાર રાખ્યા વગર એ પોતાને માટે જીવતાં શીખશે. આ બધું કરાવવા માટે એને મારા પ્રેમની, મારી સુરક્ષાની આવશ્યકતા હતી. એને સંસ્થામાં મૂકવાનો વિચાર મેં માર મનમાંથી કાઢી નાંખ્યો. માતા સમાન સંસ્થા આ દુનિયામાં હજુ બીજી થઈ નથી, એની ઉપર મને દૃઢ વિશ્વાસ હતો.

આવા પ્રસંગોને કારણએ સલાહ આપનારા લોકો પ્રત્યેય મને રોષ જાગવા લાગ્યો. તેમને મારી વ્યથા સમજાતી હતી, પણ તે મારા સુધી પહોંચી શકતા ન હતા. એક માતાનું મન સમજી શકતા ન હતા એ મને સમજાયું હતું.

મારી બહેનપણીના પિતાના શબ્દો હજુય સાંભરે ત્યારે મારું હૈયું કંપી ઊઠે છે. જૂના પુરાઈ ગયેલા ઘા ફરી ખળખળ વહેવા લાગે છે. તેમણે જે સ્થિતપ્રજ્ઞતાથી સમગ્ર પરિસ્થિતિનો વિચાર કર્યો, તેમની એ માનસિક અવસ્થાની મને દયા આવી. પછી મેં નક્કી કર્યું કે કેવળ મારા અંતર્મન સાથે વાત કરવી. ચૈતન્યની જવાબદારીનું મને કાંઈ લાગતું ન હતું. આવા કેટલાય અનુભવ મનને અસ્વસ્થ કરી ગયા. મને એ લોકો માટે વધુ જ કરુણા જાગતી. આશ્ચર્યની વાત એ કે આવા અનેક પ્રસંગોમાંથી પસાર થતાં મને અચાનક સમજાયું કે ચૈતન્ય જ મારી શક્તિ હતો. મને એના માટે જે વાત્સલ્ય ઊભરાતું એ કેવળ એના સંરક્ષક માતા તરીકે ન હતું, એન અંદર નિશઅચિત જ કાંઈક અસામાન્ય હતું. મારી દીકરી અનુરાધા ઉપર મને ખૂબ જ પ્રેમ છે. પણ ચૈતન્ય સાથેનો મારો સંબંધ અલૌકિક છે. મેં એવો નિર્ધાર કર્યો કે આ સામાન્ય લોકોના સમાજમાં ચૈતન્યને સ્થાન મેળવી આપવું.

નિરાશા અને ઉદાસીનતાનો આઘાત હું વારંવાર અનુભવતી, પણ એ આઘાતમાંથી બહાર આવતાં જ મને મારા આત્મબળની જાણ થતી.

લોકો મને જેટલી નિરુત્સાહી કરતાં ગયાં, એટલો મારો નિર્ધાર દૃઢ થતો ગયો. ચૈતન્ય માટે શાળા શોધવા મેં કેડ બાંધી.

એમનું નામ પેરીસ

એમનું નામ હતું શ્રીમતી પેરીસ. ઉંમરે ખાસ્સા મોટાં એવાં આ દેવતાસ્વરૂપ બહેન રેલવે કોલોનીની ક્લબની જગામાં સવારના સમયે એક નર્સરી સ્કૂલ ચલાવતાં. ખરું તો એ શાલા રેલવે કોલોનીનાં બાળકો માટે હતી. રેલવેના અધિકારીઓએ એક ટ્રસ્ટ બનાવ્યું હતું. શ્રીમતી પેરીસને એના મુખ્ય આચાર્યા તરીકે નીમ્યાં હતાં.

પેરીસબહેનનો મેળાપ એ મારા માટે એક અનેરો અનુભવ હતો. અત્યાર સુધીની શાળાઓની લીધેલ મુલાકાતોમાં થયેલ અનુભવ કરતાં ખૂબ જ સુખદ અને નિરાળો હતો. પેરીસબહેન પ્રેમાળ, બીજાઓને શાંતિથી સાંભળનાર, સહુને મદદ કરનારાં હતાં. મેં તેઓને ચૈતન્ય વિશે જણાવ્યા પછી તેમણે કહ્યું, ‘મારી શાળામાં હાલમાં બાવન બાળકો છે. તમે કલ્પી શકો છો કે આટલાં બાળકોને સંભાળવા કેટલું મુશ્કેલ છે ! ચૈતન્યને શાળામાં લેવામાં મને કાંઈ જ વાંધો નથી પણ મારે અન્ય ટ્રસ્ટીઓને પૂછવું પડશે. તેઓ હા કહેશે તો ચૈતન્યને સાચવવા એની સાથે તમારે શાળામાં રોજ એક માણસ મોકલવો પડશે. એની વ્યક્તિગત જરૂરિયાતોનુ ંધ્યાન રાખવું મારે એકલાને શક્ય થશે નહીં. એને સંભાળવા સ્વતંત્ર માણસ હશે તો મારે એની ચિંતા કરવી પડશે નહીં.’

પેરીસબહેનની પ્રામાણિકતા અંગે મારા મનમાંય લગીરેય શંકા રહી ન હતી. પણ અન્ય ટ્રસ્ટીઓ શું કહેશે એનો મને ભરોસો ન હતો. મેં ટ્રસ્ટીઓની સંમતિની રાહ જોવા ઠરાવ્યું. વિચાર કર્યો કે એક અઠવાડિયું રાહ જોઈને પેરીસબહેનને ત્યાર પછીના અઠવાડિયે ફોન કરવો.

પણ બીજા જ દિવસે ઘરનો ફોન રણક્યો. પેરીસબહેન વાત કરી રહ્યાં હતાં. ટ્રસ્ટીઓની મંજૂરી મેળવીને તેમણે ચૈતન્યને તેમની નર્સરી શાળામાં પ્રવેશ આપ્યો હતો. ચૈતન્યને સામાન્ય બાળકોની શાળામાં શિક્ષણની શરૂઆત કરાવવાની મારી આકાંક્ષા પૂરી થઈ. એને આખરે નૉર્મલ લોકોના સમાજમાં જ રહેવાનું હતું ને ? એની તૈયારી અને પ્રશિક્ષણ જેટલું વહેલું શરૂ થાય એટલું એને જ ઉપયોગી બની રહ્યું હોત. શાળાએ ગયો એટલે એ તુર્ત જ બીજાઓની જેમ લખતાં-વાંચતાં શીખે એવી મને અપેક્ષાય ન હતી. સામાન્ય બાળકો વચ્ચે એ ઊઠી-બેસી શકે એટલી જ અપેક્ષા હતી. સામાન્ય બાળકો સાથે ભણતી વખતે એને ખાસ્સી મથામણ કરવી પડશે એનીય મને કલ્પના હતી. એ સાથે જ પેલા સામાન્ય બાળકો એનો સ્વીકાર કરે એ મારી દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું હતું. એનામાં થોડી શિસ્ત આવે એય ખૂબ જરૂરી હતું. ઘરે તો ખૂબ લાડકોડ થયા હોવાને કારણે ઘરમાં તો એ કહે એ જ કાયદો હતો. આની અસરમાં એ બગડે નહીં અને એ ઉપદ્રવી થાય નહીં એટલેય નૉર્મલ શાળામાં જઈને એનું ભણવું ખૂબ આવશ્યક હતું. સામાન્ય બાળકોને જે સહજ મળે છે એ શિક્ષણ મેળવવા માટે ચૈતન્યને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડી હતી. એની સાથે શાળામાં એક માણસ મોકલવો મારા માટે ભારે ન હતો. શાળામાંના બાળકોમાં ભળવું અને સહજીવન શીખવું મહત્ત્વનું હતું. ગમે ત્યાંથી કેમ ન હોય એના જીવનને એક સુંદર વળાંક મળી રહે એ જોવા ઇચ્છતી હતી. એના શિક્ષણની શરૂઆત સંતોષકારક થઈ હતી.

પેરીસબહેન કહેતાં, ‘ચૈતન્ય બીજાઓ સાથે જીવવાી કળા આત્મસાત્‌ કરે. શિક્ણષ ઓછું-વત્તું થશે તોય ચાલશે. તમે નિરાશ થશો નહીં. પાછલા બાવીસ વર્ષણાં આ શાળામાંથી ગયેલા અસંખ્ય બાળકો મેં જોયાં છે. કેટલાંક બાળકોની ગતિ ધીમી હોય છે, પણ અંતે જીવનના પ્રવાસમાં બધાં જ સમાન થતાં જાય છે. ચૈતન્યની પ્રગતિ મોડી થશએ તોય શું ફરક પડવાનો છે ?’ એમના શબ્દોએ મને હિંમત આપી. મેં વિચાર્યું કે પેરીસબહેનને જો આટલો અપાર આત્મવિશ્વાસ હોય તો માતા તરીકે મનેય ચૈતન્ય માટે એવો જ વિશ્વાસ હોવો જોઈએ.

ચૈતન્યની શાળા શરૂ થઈ. શરૂઆતમાં મારા મનમાં ખૂબ જ ભય હતો. અન્ય બાળકોનાં માતા-પિતા ચૈતન્યના શાળાપ્રવેશ સામે વિરોધ કરશે કે ? અન્ય બાળકો એને સ્વીકારવા સહજ તત્પર થશે કે ? આવા અનેક પ્રશ્નો મને સતાવતાં. આમ મેં એને વ્યક્તિગત સ્વચ્છતાની તાલીમ આપી હતી પણ ક્યારેક ક્યારેક એની પોતાની જાત ઉપર નિયંત્રણ રહેતું નહીં. એકાદ વખત એની ફજેતી થાય અને શાળામાંથી કાઢી મૂકશે તો ? અનેક શંકા-કુશંકાઓથી હું ગૂંગળાઈ જતી, પણ વાસ્તવમાં એવું કાંઈ જ બન્યું નહીં.

શાળા ચાલુ થઈ એ સાથે ચૈતન્યની પ્રગતિ ઝડપથી થવા લાગી. પહેલા કરતાં એ આનંદિત રહેવા લાગ્યો. ઘરે આવ્યા પછી જેમ બધાં બાળકો કરે છે એમ શાળામાંની કવિતા અને ગીતો હાવભાવ સહિત ગાઈ સંભળાવવા લાગ્યો. એનું બોલવું હજુય સુસ્પષ્ટ ન હતું, પણ તેને કારણે એના આનંદમાં કોઈ વિઘ્ન આવતું ન હતું. શાળાના બધા કાર્યક્રમોમાં ચૈતન્ય ભાગ લેતો, પછી મને જાણવા મળ્યું કે કેટલાક વાલીઓએ ચૈતન્ય વિરુદ્ધ પેરીસબહેન સમક્ષ ફરિયાદ કરી હતી. પેરીસબહેને તેમને વ્યવસ્થિત સમજાવ્યા હતા અને ચૈતન્યનું રક્ષણ કર્યું હતું. મારા ઘરેથી જે બહેન ચૈતન્ય સાથે એને સાચવવા શાળામાં જતી હતી તેણે જ મને આ બધું કહ્યું હતું. એ સાંભળ્યા પછી પેરીસબહેન પ્રત્યેનો મારો આદર દ્વિગુણીત થયો હતો.

પેરીસબહેન નિયમિત ચૈતન્યની પ્રગતિ વિશે મારી સાથે ચર્ચા કરતા. ક્યારેક ચિઠ્ઠી મોકલાવતાં. તેમની વાતચીતમાં દરેક સમયે પ્રથમ વાક્ય રહેતું કે ચૈતન્ય અત્યંત પ્રેમાળ છે. એ અન્ય બાળકો સાથે સૌજન્યપૂર્વક વર્તે છે. રડનારા બાળકોને સાંત્વના આપે છે. વર્ગમાંના ટેબલ-ખુરશી અને રમકડાં શાળા છૂટ્યા પછી વ્યવસ્થિત ગોઠવે છે અને પછી જ ઘરે જવા નીકળે છે. શાળામાં સાફસફાઈ કરનારા અન્ય સેવકો સાથે એ મમતાપૂર્ણ વર્તે છે.

આ બધું સાંભળીને મને સાચું લાગતું નહીં, પણ પેરીસબહેનના સતત પ્રોત્સાહનથી મેં મારો ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો. બાકી બધા ચૈતન્યની ઊણપો તરફ આંગળી ચીંધતા, પેરીસબહેન એના ગુણ વખાણતાં. તેમના આ ગુણ ઉપર હું મોહિત થઈ ગઈ.

એ વર્ષે ચૈતન્યને શાળામાં ઘણાં ઇનામો મળઅયાં. એના પછીના વર્ષેય એણે ઇનામના વિક્રમોનું પુનરાવર્તન કર્યું. મને રહીરહીને એનાં બાળરોગ નિષ્ણાત મહિલા ડૉક્ટર અને એની આગાહીઓ યાદ આવતી. સમય વીતતાં હું તેના ભાવિની દહેશત ભૂલી જતાં શીખી અને ચૈતન્યની બાબતમાં અધિક આશાવાદી બની.

એક દિવસ અચાનક સમાચાર આવ્યા કે પેરીસબહેનના પતિનું નિધન થયું. પેરીસબહેન પચાસી વટાવી ચૂક્યાં હતાં. આ વયે સાથીદારની કેટલી નિતાંત આવશ્યકતા હોય છે ! પેરીસબહેન જીવનના બરાબર આ તબક્કે તદ્દન અટૂલાં પડ્યાં. સમાચાર સાંભળીને હું સુન્ન જ થઈ. કોઈકે મને એમ પણ કહ્યું કે પેરીસબહેનનો એકનો એક દીકરોય પિતાન મૃત્યુ પછી પેરીસબહેનને છોડીને જુદો રહેવા લાગ્યો. ત્યારે મને ખૂબ જ બીક લાગવા લાગી. હવે એ શાળા છોડીને જશે કે કેમ એમ પણ મનમાં ભીતિ લાગતી. ચૈતન્યનાં બધાં રૂપ ફરીથી એની પાછળ પડે છે કે કેમ એની ધાસ્તી જાગતી. પણ તુર્ત જ મારી આ બીક વ્યર્થ નીવડી. પેરીસબહેન અત્યંત સંયમથી અને ધૈર્યપૂર્વક પોતાનું વૈયક્તિક દુઃખ ભૂલી જઈને ફરીથી શાળાના કાર્યમાં જોડાયાં અને એય થોડા જ દિવસોમાં. તેમના પ્રેમના ઓછાયામાં ચૈતન્ય પણ શાળામાં થાળે પડ્યો.

એક વખત હું ચૈતન્યની શાળામાં ગઈ હતી ત્યારે પેરીસબહેને પાસે બોલાવીને કહ્યું, ‘તમે હવે પ્રફુલ્લિત રહેતાં શીખો. ચૈત્નયને નૉર્મલ બાળકો સાથે જીવવાનું ફાવી રહ્યું છે. ઘણા દિવસો સુધી એ અન્ય બાળકોથી ગભરાતો અને એ સાહજિક જ હતું. અત્યાર સુધી એ જે જીવન જીવ્યો તેમાંની પ્રત્યેક ક્ષણ તમે એને સાચવતાં હતાં. શરૂઆતમાં કેટલાંક બાળકોએ એને હેરાન કરવાના પ્રયાસ કર્યા. તે વખતે દૃઢતાપૂર્વક મેં એનું રક્ષણ કર્યું. પણ છેલ્લા કેટલાક મહિનાઓમાં, મારા પતિની લાંબી માંદગી અને ત્યારબાદ તેમના થયેલા અવસાન જેવી બે ઘટનાઓને કારણે હું ચૈતન્ય તરફ પહેલાંની જેમ ધ્યાન આપી શકી નહીં. આ સમયગાળામાં ચૈતન્ય આપમેળે જ જીવવાની કળા શીખ્યો. કાલે તો ખૂબ ગમ્મત થઈ. ચૈતન્ય એની ખુરશીમાં શાંતિથી બેઠો હતો ત્યાર એનાથી ખાસ્સી મોટી ઉંમરનો એક કદાવર છોકરો એને સતાવવા લાગ્યો. ચૈતન્યે એને પ્રેમથી દૂર જવા કહ્યું. હેરાન કરીશ નહીં એમ વિનવ્યો, પણ પેલો છોકરો સાંભળે જ નહીં. ચૈતન્યે એની પજવણી લાંબો સમય સહન કરી. થોડી વારે ચૈતન્ય ઊભો થયો અને એણે પેલા કદાવર છોકરાને સણસણતી લપડાક લગાવી દીધી. પછી એ ફરીથી શાંતિથી પોતાની જગા ઉપર જઈને બેસી ગયો.’ પેરીસબહેન ગર્વપૂર્વક મને કહી રહ્યાં હતાં. ‘બાપરે ! તમે એની ઉપર ગુસ્સે થયા નહીં ?’ મેં એમને પૂછ્યું.

‘ના મૅડમ. દુનિયાના દરેક માણસ સાથે કેવી રીતે વર્તવું એ તેણે જાતે જ નક્કી કરતાં શીખવું જોઈએ. આપણેય બધા લોકો જીવવાની કળા આમ જ શીખીએ છીએ ને ? અને કહું તમને ? ચૈતન્યનો તમાચો ખાધા પછી એ કદાવર છોકરો નરમઘેંશ બની સીધો બેઠો.’ આટલુ ંકહીને એકાદ નાના નિર્દોષ બાળકની જેમ તે મુક્ત હસવા લાગ્યાં. તેમને આનંદ થયો હતો કે આ ઘટના પછી ચૈતન્ય અકારણ બીજાઓનો માર ખાશે નહીં. પોતાની ઉપર થયેલો હુમલો ખાળવા બાબતે એ પર્યાપ્ત જાગૃત થયો છે. ટૂંકમાં એને સ્વરક્ષણનો માર્ગ હાથ લાગ્યો છે. તેઓની વાત સાંભળતા સાંભળતા વર્ડ્‌ઝવર્થ કવિની એ પંક્તિ મને સાંભરી ‘બાળકો જ મોટાનું પિતૃત્વ કરે છે !’ હવે ચૈતન્ય પાસેથી કાંઈક નવું શીખવાનો મારો વારો આવ્યો હતો. આ બધું પેરીસબહેનને કારણે શક્ય બન્યું હતું !

શાળામાં જવાને કારણે ચૈતન્યમાં નોંધપાત્ર ફરક થયો હતો. એનો આત્મવિશ્વાસ પણ ખાસ્સો વધ્યો હતો. મુખ્ય તો જીવવાની કળા એને અવગત થવા લાગી હતી. પણ તે સાથે જ બીજાઓમાં ભળવાને કારણે એની નાજુક તબિયત ને માંદગીના આઘાત વારંવાર થવા લાગ્યા હતા. આસપાસનાં બાળકોને શરદી, ખાંસી અને તાવ જેવી ઋતુની માંદગી થાય કે ચૈતન્યને તુર્ત જ તેનો સંસર્ગ થતો અને માંદો પડતો. શાળામાં કે બગીચામાં કોઈક એને ખાવા-પીવાનું આપે કે તેની કાંઈક અવળી અસર થતાં એ તુર્ત જ પથારી પકડતો. એને શાળાથી અથવા મિત્રોથી સંપૂર્ણપણે દૂર રાખવો અશક્ય હતો. જમવામાંના કેટલાક પદાર્થ પણ એને ત્રાસ આપતા. ઠંડું પાણી પીવે કે એનું ગળું પકડાઈ જતું અને એનું પેટ ખરાબ થતું. એ શાળામાંથી સુખરૂપ પાછો આવેલો દેખાતો અને આપણએ નિરાંતનો શ્વાસ લઈએ ત્યાં સુધીમાં સાંજ થતાં થતાંમાં એને જોરથી તાવ ભરાઈ આવતો. એ સાંજના બગીચામાં જવાને તૈયાર થતો અને બગીચા સુધી પહોંચી શકતો નહિ. અચાનક ઝાડા-ઊલટી જેવી કાંઈક ને કાંઈક માંદગીથી એ ઘેરાઈ જતો.

એની બીમારી અવારનવાર ઉદ્‌ભવતી અને ગભરાવી મૂકતી. તેમાંથી બહાર નીકળવા એને સામાન્ય બાળકો કરતાં ખૂબ સમય લાગતો. તે વખતે અમે જ્યાં રહેતા હતા ત્યાંથી કેમિસ્ટની દુકાન પણ દૂર હતી. કેટલીક વખત સત્ય ‘ડે ઍન્ડ નાઇટ’ કેમિસ્ટને ત્યાંથી મધરાતે જઈને એની દવા લઈ આવતા. એ બધી રાતોનાં સંભારણાં હજુય પારાવાર વેદના જગાવે છે. જેમ જેમ રાત વધતી તેમ તેમ એની તબિયત બગડતી જતી. અનેક વખત મધરાતે અથવા પાછલા પહોરે એને દવાખાનામાં દાખલ કરવો પડ્યો છે. આવા સમયે ઘરમાં કોઈ જ ઊંઘી શકતું ન હતું. ચૈતન્યની માંદગીનું રૌદ્ર સ્વરૂપ જોઈને હું ગભરાઈ જતી, અને રાતોની રાતો એની વેદના મૂકપણે જોતી રહેતી.

માંદગીમાંથી એ બહાર આવે છતાં કેટલાય દિવસ રોજનું જીવન જીવવાનીય તાકાત એનામાં ન હોય એટલી હદ સુધી એ અશક્ત થઈ જતો. બિચારો પોતાની પથારીમાં ચૂપચાપ પડી રહેતો. વધુ બોલતો નહીં, હસતો નહીં. એને દવાથીય ખૂબ પીડા થતી. અનેક વખત શક્તિ માટે આપેલું પાણીય નીકળી જતું હતું.

એનું શાળામાં અને બગીચામાં જવુંય થાળે પડવું જરૂરી હતું. બીમારી એ એના જીવનનો નિવારી ન શકાય એવો ભય બની ગયો હતો. એને મોટા થવા માટે શબ્દશઃ પ્રત્યેક દિવસની ખાસ્સી મોટી કિંમત ચૂકવવી પડી. મને હંમેશાં થતું કે પોતાના બાળકની વેદના હતાશાભેર જોવાથી વિશેષ મોટું કોઈપણ દુઃખ પાલકોને હોતું નથી. માતા તરીકે સહુથી વધુ આ દુઃખ અનુભવાતું કે હું ચૈતન્યનું દુઃખ કે વેદના લઈ શકતી ન હતી. એને દવાપાણી કરી શકતી હતી, પણ એની વેદના માત્ર એણે એકલાએ સહન કરવી પડતી હતી.

હવે શું ?

ચૈતન્ય મારા જીવનનો એક અવિભાજ્ય હિસ્સો બની ગયો હતો, અને મારા જીવનનો અર્થ પણ. એનાથી વિશેષ મારે મારું એવું કાંઈ જ વિશ્વમાં રહ્યું ન હતું. મારો પૂર્ણ સમય એના માટે હતો અને મારા વિચારોય એના સુધી જઈ અટકતા. મારા જેવા જ વિચાર અનુરાધાના અને સત્યનાય મનમાં આવતા. અમે સહુએ અમારી જીવનશૈલી ચૈતન્ય માટે બદલી નાંખી. અમે અમારા જમવાનો, ઊંઘવાનો સમ, ખાવા-પીવામાં ફેરફાર ચૈતન્યની આવશ્યકતા અનુસાર નક્કી કર્યાં : અમારા પરિવારનું સહુથી મહત્ત્વનું ઘટક ચૈતન્ય હતો. એના સુખ માટે અમે ત્રણેય કાંઈ પણ કરવા તૈયાર હતાં.

આ બધું કરતી વખતે મારા ધ્યાને આવ્યું નહીં કે અમે એને સંભાળવાનો કે સુરક્ષિત રાખવાનો અતિરેક કરી રહ્યાં છીએ ! સત્ય અને અનુરાધા એને એકાદ સામાન્ય બાળકની જેમ શિસ્ત લાવવા ઇચ્છતાં, પણ એના પર કોઈ ગુસ્સે થાય કે ઊંચે અવાજે વાત કરે તો મારાથી સહન થતું ન હતું. પછી અમારામાં વિવાદ થવા લાગ્યો. હું હંમેશા ચૈતન્યને રક્ષણ પૂરું પાડતી. એને સતત શારીરિક વેદના વેઠવી પડતી હોવાને કારણે એનું સાટું હું આ પ્રકારે વાળવા ઇચ્છતી. એ પણ અમારી માનસિકતા પૂર્ણ રીતે ઓળખી ગયો હતો. ઘરમાં કોઈ એને જરાય શિસ્તમાં રાખવા જતાં એ એવી કાંઈક પરિસ્થિતિ નિર્માણ કરતો કે એને અચૂક મારી સહાનુભૂતિ મળતી. તેમાં એ હંમેશા સફળ થતો.

પેરીસબહેને પેલા ત્રાસ આપનાર બાળકની વાત કહ્યા પછી મેં સંતોષનો હાશકારો લીધો હતો. પણ ચૈતન્યે એ ઘટના પછી બીજાઓનો ગેરફાયદો લેવાની શરૂઆત કરી હતી. કોઈનીય ઉપર ગુસ્સો આવે કે એ હાથ ઉગામવા લાગ્યો અને હું એનો જવાબ માંગું કે કહેતો, બીજાએ એને પહેલા માર્યો એટલે તેણે સ્વરક્ષણાર્થે ઊલટો હાથ ઉગામ્યો. એની બદલાતી જતી આ વૃત્તિ જોઈને હું ગભરાઈ. એની ઉપર ગુસ્સે થવુંય શક્ય ન હતું. એ ખોટું કરી રહ્યો હતો એ સમજાતું હતું, પણ એની ઉપર ગુસ્સો કરવાનું ધૈર્ય મારામાં ન હતું. ઘરના અન્ય સભ્યો પર પણ મેં મારા વિચાર

લાદવાના પ્રયત્ન કર્યા. માતાનો પ્રેમ આંધળો હોય છે એમ કહીએ છીએ ને તેમ થયું હતું. હુંય મને સમજી શકતી હતી કે હું ભૂલી રહી છું, છતાંય મેં એનામાં શિસ્ત લાવવાનો પ્રયાસ કર્યો નહીં.

ચૈતન્ય જેમજેમ મોટો થવા લાગ્યો, તેમ એ વધુ ને વધુ અંતર્મુખ થવા લાગ્યો. જ્યારે એ સંપૂર્ણ રીતે છૂટો થયો ત્યારેય એને કાખમાં તેડું એવી એની અપેક્ષા હતી. હું જો એને માંગતા જ ચોકલેટ કે આઇસક્રીમ લઈ આપું નહીં તો રસ્તામાં જ પલાંઠી વાળીને બેસી જતો. એની અમે આંખ ઊંચી કરીએ કે એ એટલું રડતો કે આવનારા-જનારાઓને થતું, હું જ એની ઉપર અત્યાચાર કરી રહી છું. તેઓ મને ધીરજ રાખવા સલાહ આપતાં.

ચૈતન્યને મોટો કરતાં કરતાં હુંય ઘણીબધી બાબતો નવેસરથી શીખવા લાગી હતી. એ મનેય ગાંઠતો નથી એ ધ્યાન આવ્યા પછી હું ભાનમાં આવી. હું માનસશાસ્ત્રી પાસે દોડી ગઈ. તેમણે સૂચવેલા ઉપાય તદ્દન સરળ હતાં. એની સાથે સામાન્ય બાળકની જેમ વર્તો. એ ચોક્કસ સીધો થશે. એની ભૂલ માફ કરશો નહીં. માનસશાસ્ત્રીએ મને ફરમાવ્યું. હું એ સલાહ અનુસાર અનેક વર્ષોથી ચૈતન્ય સાથે વર્તી રહી છું અને બાળકોમાં શિસ્ત લાવવાનો આ સહેલો ઉપાય ખૂબ જ અસરકારક હોય છે એ મને સમજાઈ ચૂક્યું છે. કેવળ ચૈતન્યની બાબતે શિસ્તની શરૂઆત કરવામાં મેં ખૂબ જ સમય પસાર કર્યો એ હું પ્રામાણિકતાપૂર્વક સ્વીકારું છું.

પેરીસબહેનની શાળામાં ખાસ્સાં વર્ષ પસાર કર્યાં પછી ચેતન્યને હવે આગળના વર્ગમાં, ઉપરની શાળામાં જવાની આવશ્યકતા હતી. એનો શારીરિક વિકાસ સંતોષકારક થયો હતો. એનાથી ખૂબ જ નાનાં બાળકોની શાળામાં એને હવે પછી રાખવો યોગ્ય ન હતો. વધુ રાખ્યો હોત તો એનાથી નાનાં એવાં બાળકો ઉપર દાદાગીરી કરીને અને મારામારી કરીને એણે પોતાનું નામ બદનામ કર્યું હોત. એનામાં રહેલી ઊર્જાને વળાંક આપવાનો સમય આવ્યો હતો. ‘સ્પે’શલ્‌ સ્કૂલ’માં જવાની કલ્પના આ વિચારના અંતે સામે આવી. ચૈતન્યે સામાન્ય બાળકોની શાળામાં જવું જોઈએ એમ જ મને હંમેશા લાગતું હતું. પેરીસબહેનની શાળામાં એ જતો હતો ત્યારે મને સંતોષ હતો કે એ નૉર્મલ બાળકો સાથે ભણી રહ્યો છે. એની પ્રગતિ મંદ હોવાને કારણે એ ધીમે ધીમે શીખે છે એટલું જ. આવું હું મને પોતાને સમજાવતી પણ એ મારા મનની મેં કરેલી શુદ્ધ છેતરપિંડી હતી. હું એ આંજણ લાંબો સમય ચાલુ રાખી શકી ન હોત. ક્યારેક તો મારે આ સત્ય સ્વીકારવું જોઈતું હતું કે ચૈતન્ય અન્ય બાળકોથી જુદો હતો. એને એક વિશિષ્ટ રીતે સાચવવાની જરૂર હતી. મેં નિરુપાય પરિસ્થિતિ સાથે સુલેહ કરી અને મનોમન વિરોધ કરતાં મેં આ વાસ્તવિકતાનો ભારે હૈયે સ્વીકાર કર્યો.

આમ છતાં ચૈતન્યને વાસ્તવમાં ‘સ્પે’શલ્‌ સ્કૂલ’માં મૂકવાનો સમય આવ્યો ત્યારે હું ભયંકર અસ્વસ્થ થઈ. એ શાળામાં ચૈતન્યથી અધિક મંદબુદ્ધિના બાળકો હશે, બધાં જ મંદબુદ્ધિનાં, તેમની વચ્ચે આ શી રીતે જીવશે ? તેમની વચ્ચે આનો વિકાસ કેવી રીતે થશે ? આવાં બાળકો સાથે રહીને એનો વિકાસ રૂંધાશે તો ? અનેક શંકાઓ મને સતાવવા લાગી અને હું દરરોજ પ્રાર્થના કરવા લાગી કે કાંઈક ચમત્કાર કરો, ચૈતન્યને સૂક્ષ્મ થવા દ્યો. ચૈતન્યની દૃષ્ટિએ એણે ‘સ્પે’શલ્‌ સ્કૂલ’માં જવું આવશ્યક હતું. એનાં શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ માટે એને ‘સ્પે’શલ્‌ શાળા’ જરૂરી હતી. અંતે મારા મનમાં ન હોવા છતાં ‘સ્પે’શલ્‌ શાળા’ની શોધ શરૂ કરી.

વેદનાપૂર્ણ પ્રવાસ

અમે સલાહ-મસલત અર્થે ઘણા નિષ્ણાતોને મળ્યા. મંદબુદ્ધિનાં બાળકો માટે જેમણએ પોતાનું જીવન વિતાવ્યું એવા કેટલાક સામાજિક કાર્યકરોને મળ્યા. વિચારકોની સલાહ લીધી. આવી એક સંસ્થા હતી ડૉ. સંઝગિરિ જેવા સહૃદયી બાળરોગ નિષ્ણાત હતા. આ બધાં સાથે ચર્ચા કરીને તેમનું માર્ગદર્શન મેળવ્યું. મંદબુદ્ધિના કેટલાક વાલીઓનાય અભિપ્રાય લીધા. શાળા કાળજીપૂર્વક પસંદ કરવી એ બાબતે બધાં જ તજ્‌જ્ઞો એકમત હતા પણ ‘સ્પે’શલ્‌ શાળા’નો વિચાર આપણા દેશમાં પહેલી વાર ઊતર્યો છે. આંગળીના વેઢે ગણાય એટલા માણસો આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.

અમે આ ક્ષેત્રમાં કામ કરનાર સુંદર સંસ્થાઓની એક યાદી તૈયાર કરી. એ સંસ્થા ઘરની નજીક હોવી આવશ્યક હતી. નહિ તો ચૈતન્યને શાળામાં કેવી રીતે પહોંચાડવો એ પ્રશ્ન જાગ્યો હોત. સ્પે’શલ્‌ શાળાની સંખ્યા આમેય ખૂબ ઓછી, એમાં પસંદગીને ખાસ અવકાશ ન હતો.

સહુથી પહેલી શાળા અમે જ્યારે જોવા ગયાં, ત્યારે એ શાળાનો વૈભવી ઠાઠ જોઈને આશ્ચર્યચકિત થયાં. એ શાળામાંનાં ઘણાંખરાં બાળકો અત્યંત ધનવાનોનાં હતાં. શાળાનું મકાન પણ સુંદર હતું. મંદબુદ્ધિનાં બાળકો માટે જોઈતાં મોટાભાગનાં સાધનો શાળામાં ઉપલબ્ધ હતાં. સુંદર, સુંદર, કિંમતી વસ્ત્રો પહેરેલાં બાળકો ચોફેર દેખાતાં હતાં. પ્રત્યેક બાળક પાસે એનો અંગત નોકર કે એ બાળકને સંભાળનારી આયા દેખાતી હતી. એકાદ બાળક મોટેથી રડવા લાગે કે તેને સંભાળનારો નોકર એના મોઢામાં ચોકલેટ મૂકી દેતો અથવા એકાદ પીણાની બાટલી એ બાળકના મોઢામાં મૂકતો. કેટલાક નોકરો બાળકોને ચૂંટિયા ભરતાંય મેં જોયા, તો કેટલાક ધીમા અવાજમાં બાળકો પર ગુસ્સો કાઢતાં. ચૈતન્યને અમારા પ્રેમની આદત હતી. આવી શાળામાં એ ગોઠવાઈ શક્યો હોત કે કેમ એની મને શંકા જાગી. એ સિવાય અમારા નોકર પણ જો અન્યત્ર દેખાનારા નોકરોની ટેવો આત્મસાત્‌ કરે અને ચૈતન્યને ચૂંટલા ભરવાની શરૂઆત કરે તો ? એ વિચારે હું નિરાશ થઈ અને એ શાળામાંથી નીકળી ગયાં.

એ સમયે હું સમાજ કલ્યાણ વિભાગની સચિવ હતી. મંદબુદ્ધિનાં બાળકો માટે કામ કરનારી સરકારી સંસ્થા અને કેટલીક ખાનગી સંસ્થાઓની મુલાકાત લેવાનો અવસર મને ચૈતન્યના શાળાપ્રવેશ પહેલાં મળ્યો હતો. છાત્રાલય વ્યવસ્થા ધરાવનારી શાળામાં બાળકોને દાખલ કરાવવાનું વલમ વાલીઓમાં જોવા મળ્યું હતું. સંસ્થામાં બાળકને દાખલ કરાવવા માટે વધુ ખર્ચ પણ થતો નહીં. જેલમાં રહેનારા એકાદ કેદીની જેમ બાળક કે બાળકી એ સંસ્થામાં જકડાઈ જતાં. ધીમેધીમે તેમનાં કુટુંબીજનોય તેમને ભૂલી જતાં. આવી સંસ્થાઓને સરકાર પાસેથી નિયમિત રીતે અનુદાન મળતું. તેને કારણે કુટુંબીજનોને એમ લાગતું કે તેમણે પોતાનાં મંદબુદ્ધિનાં બાળક કે બાળકીને યોગ્ય એવી સંસ્થાને હવાલે કરીને પોતાનું કર્તવ્ય પાર પાડ્યું છે. આવાં કુટુંબો પછી પોતાનું જીવન જીવવાને મુક્ત રહેતાં અને મંદબુદ્ધિનાં બાળકોનો ભાર એ સંસ્થા પર નાંખીને નિશ્ચિંત થતાં. પછી તો આ કુટુંબોને પોતાના જ કુટુંબના એ મંદબુદ્ધિના સભ્યને મળતાંય શરમ આવતી. અરે, આ લોકોને શું કહીએ ? પછી મંદબુદ્ધિનો ભાઈ છે એમ સાસરિયાઓને ખબર પડે તો વિવાહયોગ્ય બહેનનાં લગ્ન થવાં મુશ્કેલ છે જેવાં કારણો આગળ કરીને હળવે હળવે એ કુટુંબો પેલા મંદબુદ્ધિના બાળકથી દૂર થતાં. વાસ્તવમાં સાસરિયાઓથી આ વાત છુપાવવાનો કાંઈ અર્થ નથી હોતો. પરંતુ એ નામ હેઠળ ઘણાંખરાં માબાપ આ રીતે બહાનાં કરીને પોતાનું કર્તવ્ય અદા કરવામાંથી છટકબારી શોધતાં.

સમાજનું આ હૈયું વીંધી નાંખનારું ચિત્ર જોઈને હું અનેક વખત હચમચી ગઈ હતી. જેમને કેવળ પરિવારના જ નહિ પણ સંપૂર્ણ સમાજના પ્રેમની સહાનુભૂતિની આવશ્યકતા છે તેમની સાથેનો વ્યવહાર જોઈ મારું મન વ્યથિત થતું. તેમાંના કેટલાક પરિવારોની મુશ્કેલી સાચી હોઈ શકે. જેને પરિણામે તેમને પોતાનાં બાળકો આવી સંસ્થામાં મૂકવા પડતાં, પણ બદાં જ પરિવારોને આટલી મુશ્કેલીઓ ન હતી અને મંદબુદ્ધિના બાળકને પોતાનાથી દૂર કરવાનાં સબળ કારણોય ન હતાં.

પહેલાંની ધનવાન શાળાને મેં જ નકાર આપ્યો હતો. મને ત્યાં નોકરોનું સામ્રાજ્ય દેખાયું હતું. માતાપિતાના પ્રેમનો, સહવાસનો ઓછાયો ત્યાં ન હતો. કિંમતી વસ્ત્રોમાંના અટૂલાં પડેલાં બાળકો મારાથી જોઈ શકાયાં ન હતાં. મારે ચૈતન્યને એવી શાળામાં મોકલવો હતો, જ્યાં એને કૌટુંબિક વાતાવરણ મળી રહે.

બીજી એક ખાનગી શાળામાં અરજી કરી. આ શાળાની ટ્રસ્ટી સ્ત્રીઓ સમાજની પ્રતિષ્ઠિત નાગરિક હતી. તેમાંની ઘણી સ્ત્રીઓને મંદબુદ્ધિનાઓની સેવા, પ્રેમને કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા હતા. મને આશા જાગી કે ચૈતન્યની દૃષ્ટિએ આ શાળા કદાચ યોગ્ય હશે. મેં એ શાળામાં અરજી કરી અને મુલાકાતના દિવસની પ્રતીક્ષા કરવા લાગી. થોડાં જ દિવસોમાં શાળા તરફથી એક પોસ્ટકાર્ડ મળ્યું. એની પર છાપેલું લખાણ હતું.

પ્રિય વાલી,

આપની અમુક અમુક દિવસની અરજી અન્વયે અમે આપને જણાવવા ઇચ્છીએ છીએ કે આપના બાળકની મુલાકાત લીધા પછી એ સુયોગ્ય ન જણાવાને કારણે એને શાળામાં પ્રવેશ આપી શકાશે નહીં, તો ક્ષમા કરશો.

આપની વિશ્વાસુ

ટ્રસ્ટી

આ પત્રથી મને આઘાત લાગ્યો અને રોષ સુધ્ધાં જાગ્યો. ચૈતન્યનો શાળામાં પ્રવેશ નકારવામાં આવ્યો એ આઘાત ન હતો. વાસ્તવમાં એને મુલાકાત માટે ક્યારેય બોલાવવામાં આવ્યો ન હતો. આવો પત્ર લખીન શાળાએ એક ખોટી ખોટી જ મુલાકાત અને એને આપેલા નકારની વાર્તા રચી હતી. મારા મનમાં વિચાર આવ્યો : આવું જ તેમણે અન્ય વાલીઓ સાથેય કર્યું હોવું જોઈએ.

અરજી કરતી વખતે મેં શાળાને મારો પરિચય આપ્યો ન હતો. ચૈતન્યની માતા તરીકે મેં પ્રવેશની અરજી ઉપર સહી કરી હતી. મેં જો સમાજ કલ્યાણ વિભાગના સચિવ તરીકે શાળામાં અરજી કરી હોત તો ચૈતન્યને પ્રયાસ કર્યા વગર પ્રવેશ મળ્યો હોત ! આ જ વાતનું મને વધુ દુઃખ થયું. પત્ર મળ્યા પછી મેં એ ટ્રસ્ટીને ફોન કર્યો અને ત્યાંના બહેન સાથે મેં ચૈતન્યની માતા તરીકે વાત કરી, પણ મને મળેલો પ્રતિસાદ ઠંડો અને ઉદ્ધતાઈભર્યો હતો.

પરંતુ ત્યારબાદ મેં મારો પરિચય શાળાને જણાવ્યો. પેલા બહેન એકદમ ચૂપ થયાં. તેમણે કરેલો અન્યાય સહન કરવો શક્ય ન હતો. શાળાએ આમ કેટલા બાળકોને અને તેમનાં વાલીઓને છેતર્યાં હશે કોને ખબર ? સામાન્ય બાળકોને તેમની ઇચ્છિત શાળા ન મળતાં તે અન્ય શાળા પસંદ કરી શકે છે. તેમને પસંદગી અર્થે વૈકલ્પિક શાળા ઉપલબ્ધ હોય છે, પણ મંદબુદ્ધિનાં બાળકોની સંસ્થા જ વાસ્તવમાં આંગળીના વેઢે ગણાય એટલી હોય ત્યારે શાળાનો આ વ્યવહાર ગેરકાનૂની હતો. જ્યાં સુધી આપણો સમાજ પોતાની સામાજિક જવાબદારી સ્વીકારે નહીં ત્યાં સુધી અપંગોના પ્રશ્ન ક્યારેય ઉકેલાશે નહીં - હું મનમાં વિચાર કરતી હતી.

યોગાનુયોગ તે જ દિસે બપોરે મારી ઑફિસમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સરકારના સામાજિક ન્યાયના વલણની અનેક પત્રકારોએ આકરી ટીકા કરી. વાતવાતમાં ઘણા પત્રકારો આક્રમક પણ થયા. એકે ચિડાઈને કહ્યું, સરકારને અથવા તેમાં રહેલા અધિકારીઓને દુઃખી, ત્રસ્ત થયેલાઓ પ્રત્યે ધ્યાન આપવાનો સમય જ નથી હોતો. આવા લોકોના પ્રશ્ને સરકાર અને તેમના અધિકારી ઉદાસીન હોય છે અને અજાણ પણ હોય છે. સરકારી યોજનાઓ એટેલ અધિકારીઓ માટે ચરવાનાં ગોચર છે, પત્યું ! આ યોજનાના લાભાર્થી સરકારી અધિકારીઓ પોતે હોય છે. સામાન્ય માણસોના સુખદુઃખ સાથે તેમને કોઈ લેવાદેવા નથી હોતી. અંધ અને અપંગોની તો વાત જ છોડો.

પત્રકારોની એ વાત મને ચચરી ગઈ. મેં ચટ્‌ દઈને તેમને કહ્યું, ‘તમે કેવળ સરકારી અધિકારીઓને દોષ આપો છો. સમાજે પોતાની જવાબદારી નિભાવી છે કે ? આપણા સમાજને ક્યારેય આ પ્રશ્નો સમજાયા છે કે ? સરકારમાં કામ કરનારા અધિકારી આ જ સમાજનો અવિભાજ્ય હિસ્સો છે. આપણે સહુએ સામાન્ય માણસોના અને અપંગોના પ્રશ્નો વિશે વધુ સંવેદનશીલ થવું આવશ્યક છે. કારણ આવા લોકોને આપણી સહાયની, આપણી કરુણાની નિતાંત આવશ્યકતા છે. અને તેથીય વધુ આપણા પ્રેમની આકાંક્ષા છે.

વાત કરતાં કરતાં હું ખૂબ જ ભાવુક થઈ અને વાતના પ્રવાહમાં ચૈતન્યના ઍડ્‌મિશનની ઘટના તેમને વર્ણવીને મુક્ત થઈ. ‘વધુ દૂર શાને જવું જોઈએ. મારા વ્યક્તિગત જીવનમાંનો મને ઠેસ લાગેલ પ્રસંગ કહું છું.’ એમ કહીને મેં પેલા પોસ્ટકાર્ડની કથા પત્રકારો સમક્ષ વર્ણવી. આશય એટલો હતો કે મારો મુદ્દો તેમના હૃદયને સ્પર્શે. તે આ ઘટનાને પ્રસિદ્ધિ આપશે એનો વિચાર મને આવ્યો જ નહીં.

બીજા દિવસના બધા જ મહત્ત્વના વર્તમાનપત્રોમાં મારી કથાને ભરપૂર પ્રસિદ્ધિ મળી. શાળાનું નામ ભલે એમાં લખ્યું ન હતું, છતાં જે શાળાએ આ સામર્થ્ય દર્શાવ્યું હતું તેમને મર્મસ્થાને ઘા બરોબર વાગ્યો. શાળાના ટ્રસ્ટીનો મારી ઉપર તુર્ત જ ફોન આવ્યો. તેમનો સ્વર ચિંતાભર્યો જણાયો. તેમણે મુલાકાત લીધા વગર ચૈતન્યને શાળામાં પ્રવેશ આપવાની તત્પરતા દર્શાવી. સમાજની એ પ્રતિષ્ઠિત સ્ત્રીઓને પોતાનું નામ બદનામ થવાનો ભય લાગ્યો.

તેમના એ ફોનને કારણે હું વધુ દુભાઈ. ચૈતન્ય અને એના જેવાં બાળકોનું સામાન્ય માણસોના સમાજમાં ક્યાંય સ્થાન નથી એમ મને તીવ્રપણે સમજાયું. એ વિચારે હું મનોમન ખિન્ન થઈ. શાળા મારી પાછળ જ પડી હતી, કે ચૈતન્યને અમે પ્રવેશ આપીએ છીએ. ‘આપે પહેલાં કહ્યું હોત કે આપ સચિવ છો તો આ પ્રસંગ આવ્યો જ ન હોત.’ એમ પણ ઉમેર્યું. બનેલી ઘટનાની વારંવાર માફી માંગી. આ શાળાનું સરકારી અનુદાન મારી પાસે મંજૂર થતું હતું એટલે તેમની ક્ષમાયાચના ચાલી રહી હતી એ મારા ધ્યાન આવ્યું. મેં એ શાળાને મારી અનિચ્છા જણાવી અને વિષય બંધ કર્યો.

વર્તમાનપત્રોમાં એ સમાચાર વાંચીને એ શાળાની પ્રતિસ્પર્ધી સંસ્થાઓએ મને હેરાન કરવાની શરૂઆત કરી. હું એ સમયે સમાજ કલ્યાણ વિભાગની સચિવ હોવાથી આવી સંસ્થાઓ સાથે હંમેશા કામ પડતું. ચૈતન્યના પ્રવેશની ઘટના સાંભળીને કેટલીક સંસ્થાઓ અસ્વસ્થ થઈ. કારણ વર્તમાનપત્રમાંના સમાચારમાં શાળાનું નામ ન હતું. આવાં બાળકો માટે ઉપલબ્ધ થોડીક શાળાઓ. તેને કારણે ભૂલ કોણે કરી એ વિશે તર્કવિતર્ક ચાલુ થયા. જેમણે મને ફોન કર્યા... તેમનું કહેવું એમ હતું કે આપ એ શાળાના ટ્રસ્ટીઓનાં નામો જાહેર કરો. એક સંસ્થાને કારણે આ ક્ષેત્રમાંની સુંદર કાર્ય કરનારી સંસ્થાઓનાં નામને બટ્ટો લાગવો ન જોઈએ એવી એમની દલીલ હતી. આ આખીય ઘટના મારી તરફ વાળી લેવાની એક સરસ તક મારી પાસે આવી હતી. પણ મને આ બાબતમાં આગળ કાંઈ કરવા યોગ્ય જણાયું નહીં. હું મનોમન ઉદાસ થઈ હતી. મને કોઈકે એકલી અને નિઃસહાય સ્થિતિમાં છોડી દીધાં જેવું લાગ્યું. મુંબઈ જેવા પ્રગતિશીલ શહેરમાં સુધ્ધાં એક મંદબુદ્ધિના બાળકને શિક્ષણનો અધિકાર મળતો ન હતો એ સત્ય અત્યંત હૃદય વિદારક હતું.

નૌનિહાલ

વર્તમાનપત્રો દ્વારા ચૈતન્યના ઍડ્‌મિશનની બૂમરાણ થઈ. ત્યારબાદ તુર્ત જ અન્ય કોઈક શાળામાં ઍડ્‌મિશન માટે જવામાં જરા ફાળ પડવા લાગી. મારી વૈયક્તિક સમસ્યાને અકારણ પ્રસિદ્ધિ આપવાની મને ઇચ્છા ન હતી. એ જ અરસામાં એકાએક અમને ‘નૌનિહાલ’ સાંપડ્યું. બે સુંદર તરુણ યુવતીઓ દ્વારા ચલાવવામાં આવતી એ એક નાનકડી શાળા હતી. સુધા અને લીના નામની બે યુવતીઓ થોડાં મંદબુદ્ધિનાં બાળકોને લઈને આ શાળા ચલાવતી હતી. આ બાળકોને રોજિંદા જીવન માટે આવશ્યક એવું શિક્ષણ આપવાનો તેમનો ઉદ્દેશ્ય હતો. પૂર્વે આ બન્ને યુવતીઓ કેટલીક નામાંકિત સંસ્થાઓમાં કામ કરીને અનુભવ મેળવીને બહાર આવી હતી. ‘નૌનિહાલ’ આ હિંદી શબ્દનો અર્થ ‘મોસાળ’ થાય છે. લીના અને સુધાની પ્રાયોગિક શાળાને શોભી ઊઠે એવું આ નામ હતું.

લીના અને સુધા એ બન્ને મંદબુદ્ધિનાં બાળકો સાથે સામાન્ય બાળકોની જેમ વર્તતાં. મંદબુદ્ધિનાં હોવાને કારણે તેમને ક્યારેય બાળકો પ્રત્યે કરુણા વ્યક્ત કરી નહીં. દરેક બાળકને અપેક્ષિત મહત્ત્વ આપવામાં આવતું. તેમનાં વ્યક્તિત્વનું આ શાળામાં સન્માન કરવામાં આવતું.

આ શાળાનો અભ્યાસક્રમ પણ ખૂબ મજાનો હતો. ઘરગથ્થુ કામ, વૈયક્તિક સ્વચ્છતા, સમાજમાં જીવવાનું કૌશલ્ય ઇત્યાદિ વિષય આ શાળામાં ભણાવવામાં આવતાં. લીના-સુધાએ બાળકોનો સ્વાવલંબનપૂર્વક જીવવાને મહત્ત્વ આપ્યું હતું એટલું જ નહીં, આ બાળકોને રસોઈ બનાવતાં શીખવવી, સ્વચ્છતા શીખવવી અને સમગ્રતયા પોતાની અને ઘરની સંભાળ રાખવી એ વિષયો પણ મુખ્યત્વે ‘નૌનિહાલ’માં શીખવતાં.

લોકો સાથે કેવી રીતે વર્તવું એ શીખવવા માટે લીના-સુધા એ બાળકોને લઈને જુદા જુદા પરિવારોની મુલાકાત લેતાં. બૅન્કમાં લઈ જતાં, પોસ્ટ ઑફિસનો વ્યવહાર શીખવતાં, રેલવે પ્લૅટફૉર્મ ઉપર જઈને ટિકિટ લેવાનું શીખવતાં અને સિનેમાગૃહમાં પણ લઈ જતાં. આ બાળકોનો પ્રવાસ જુદા જુદા બગીચાઓમાં, ક્યારેય મત્સ્યાલયમાં, ક્યારેક દૂધની ડેરી જોવા માટે, તો ક્યારેક પ્રાણી સંગ્રહાલયની મુલાકાત એમ રહેતો. અલબત્ત શાળાની શિસ્ત કડક હતી. જે બાળકો અકારણ ગુસ્સે થતાં, રિસાઈ જતાં કે શાળાની શિસ્ત પાળતાં નહીં તેમને સજારૂપે આ બધી મોજમજામાંથી બાકાત રાખવામાં આવતાં. જે બાળકો, સંપૂર્ણ શિસ્ત પાળે તેમને ક્યારેક ચોકલેટ મળતી તો ક્યારેક પેન્સિલો. લીના અને સુધાના આ વ્યવહારને કારણે હંમેશા મૂડ બદલનારાં બાળકો આપમેળે રાગે પડતાં. એ બન્ને ક્યારેય કોઈની ઉપર ગુસ્સે થતાં નહીં. શારીરિક સજા પણ તેમની શાળામાં અસ્તિત્વમાં ન હતી. એટલું જ નહીં, પણ તોફાની બાળકોના વાલીઓને તે ક્યારેય ચિઠ્ઠી સુધ્ધાં મોકલતાં નહીં. આવાં બાળકોને સીધા કરવાની યુક્તિ તેમણે આત્મસાત્‌ કરી હતી. શાળાનું એકંદર વાતાવરણ એટલું ઘરાઉ હતું કે ચૈતન્યને એ મોસાળ જ લાગતું.

લીના અને સુધા દર પંદર દિવસે અમારા ઘરે આવતાં. અમારા ઘરનું વાતાવરણ, અમારા પારસ્પરિક સંબંધ, અમારા ઘરમાં ચૈતન્યનું સ્થાન - આ બધાનો અભ્યાસ આ મુલાકાતોમાં તે કરતાં. તેમણે ઘરના દરેક સભ્યની મુલાકાત લીધી. છેક નોકરચાકરોની સુધ્ધાં. અમારો ચૈતન્ય તરફ જોવાનો દૃષ્ટિકણ શો છે એ તેમણે સમજી લીધું. તેમણે પ્રથમ જ મુલાકાતમાં મને ચોખ્ખું મોઢે સંભળાવ્યું કે તમે ચૈતન્યને જરૂરી ન હોય એટલા લાડ કરો છો અને આ લાડ કરવાનું કારણ તમારા મનની અપરાધ ભાવના છે. તેમણે મને સમજાવ્યુ ંકે મારા મનની આ અપરાધ ભાવના અસ્થાને છે. ધીમે ધીમે તેમણે મન ચૈતન્યને કેવી રીતે શિસ્તમાં લાવવો એ અંગેની ઘણી સૂચનાઓ આપી, માર્ગદર્શન આપ્યું. આ બધું શીખવતાં તે મને આ કહેવાનું ભૂલ્યાં ન હતાં કે, તમારા બધાના પ્રેમને કારણે જ ચૈતન્ય સુધર્યો હતો. પરંતુ આ પ્રેમ આંધળો હોય એ ચાલશે નહીં, કારણ તેને પરિણામે ચૈતન્યને નુકસાન થવાનુ ંછે એવો સંકેત પણ તેમણે મને આપ્યો.

ચૈતન્ય સાથેનાં વર્તનમાં-વાતચીતમાં પછી મેં લીના-સુધાની સૂચનાનુસાર ફેરફાર કર્યો અને મને ચૈતન્યના વર્તનમાં ફરક અનુભવાવા લાગ્યો. અમે ફરીને પાછા આવતી વખતે જો એ ‘કેડેથી ઊંચકી લે’ કહીને જીદ કરવા લાગે અને ન ઊંચકતાં રસ્તામાં જ પલાંઠી મારીને બેસી જાય તો હું એને પટ્‌ દઈને ઊંચકી લેતી હતી. મને લાગતું કે લોકો સામે ફજેતી ના થવી જોઈએ. પણ હવે મેં મારા વર્તનમાં ફેરફાર કર્યો. એ રસ્તામાં બેસે તો અમેય એની પાસે ઊભાં રહેતાં. મને શરૂઆતમાં આ આકરું લાગ્યું. થોડો સમય એની ઊઠવાની રાહ જોઈને એને હું કેડે ઊંચકી લેતી અથવા એ ભેંકડો તાણે કે હું શરણાગતિ સ્વીકારતી. એ ખિન્ન મને બેસે તો મને દુઃખ થતું અન પછી હું એની ઇચ્છાનુસાર વર્તવાનો પ્રયત્ન કરતી. ધીમે ધીમે હું પોતાને સંભાળતાં શીખી. એ જ્યારે ગાંડાની જેમ વર્તતો ત્યારે હું એની તરફ દુર્લક્ષ્ય કરવા લાગી કે ક્યારેક એની સાથે અબોલા રાખવા લાગી. તદ્દન મંદ ગતિએ કેમ ન હોય, ચૈતન્ય પારિવારિક શિસ્તમાં ગોઠવાવા લાગ્યો. મને છેતરવાની અનેક યુક્તિઓ એના ખિસ્સામાં હતી. પણ મારા નવા પ્રયોગ દ્વારા એનેય સમજાયું કે મમ્મી હવે એને સહેલાઈથી વશ થશે નહીં. પછી એ સામાન્ય બાળકની જેમ હળવે હળવે પરિસ્થિતિ સાતે સમાધાન કરવા લાગ્યો. એ પોતાનાં કામો જાતે કરવાનો આનંદ લેવા

લાગ્યો. પગમાં મોજાં અને બૂટ પહેરવા, શર્ટના બટન બંધ કરવા, જમ્યા પછી હાથ ધોવા આ બધી વાતો એ વગર કહ્યે કરવા લાગ્યો. અમને શું ગમે છે અને શું ગમતું નથી એ એને બરાબર સમજાયું હતું. એને સજા કરીએ તો એ ખૂબ નારાજ થતો. ધીમે ધીમે પછી એ સજા ન થાય એવા પ્રયત્ન કરવા લાગ્યો. થોડા દિવસોમાં એ કુટુંબની સંપૂર્ણ શિસ્ત સાચવવા લાગ્યો. તેથીય અધિક પ્રસન્ન રહેવા લાગ્યો.

રોજિંદા જીવનની આદતો પાડ્યા પછી લીના અને સુધાએ એને અનુભવાતી લઘુતાગ્રંથિ અને એના મનમાં રહેલો ભય દૂર કરવાનો શિસ્તબદ્ધ કાર્યક્રમ હાથ ધર્યો. ચૈતન્યને અંધારાની બીક લાગતી, મોટા અવાજની બીક લાગતી, ફટાકડાના અવાજથી એ નિરંકુશ થતો. ભીડમાં ગૂંગળાઈ જતો, પાણીથી ગભરાતો. એને ઝડપથી ચાલનારાં વાહનોની બીક લાગતી. આમ આ યાદી ખૂબ જ મોટી હતી. જે વાતોનો આપણા રોજિંદા જીવનમાં સામનો કરવો પડે છે, તેમાંની ઘણીખરી વાતોની એને બીક લાગતી. દુર્ભાગ્યે આ વાતો ટાળવીય અશક્ય હતી. એ બધી વાતો આપણા જીવનનો એક અનિવાર્ય ભાગ છે એ એને સમજાવવું અને ગળે ઉતારવું એ એના હિતનું હતું. લીના અને સુધાએ બરાબર એના મર્મસ્થાન પર આંગળી મૂકીને વિવિધ પ્રયોગો કરવાની શરૂઆત કરી.

ચૈતન્યને તેમણે કઠપૂથળીના એક ખેલમાં બોલાવ્યો. એની સાથે અન્ય નાનાં બાળકો એ કાર્યક્રમમાં આવ્યાં હતાં. સરસ મજાનાં કપડાં પહેરીને આવેલાં હસમુખ આનંદી બાળકો જોઈને ચૈતન્ય પણ આનંદિત થયો. બધાં બાળકો એકબીજાં સાથે હસતાં-રમતાં હતાં. સરસ સરસ ખાવાનું ખાતાં હતાં. એ સામાન્ય બાળકો હતાં. ચૈતન્ય તેમનામાં ખોવાઈ ગયો. પરંતુ ‘પપેટ શૉ’ માટે જ્યારે થિયેટરમાં અંધારું થયું ત્યારે ચૈતન્ય મૂંઝાઈ ગયો. બાળકોના બોલવાનો અવાજ પણ અચાનક શાંત થયો. એને એ શાંતિની બીક લાગવા લાગી. હું એની પાસે જ બેઠી હતી. એની અસ્વસ્થતા ક્ષણે ક્ષણે વધવા લાગી અને ખેલ ચાલુ થતાં પહેલાં અમારે થિયેટર છોડવું પડ્યું. લીના અને સુધાએ હાર માની નહી. તેમણે કેટલાક દિવસ વચ્ચે જવા દીધા અને તે ફરી એક વખત ચૈતન્યને લઈને એ થિયેટરમાં ગયાં. ધીમેધીમે તેમણે ચૈતન્યને થિયેટરમાંના અંધારાની ટેવ પાડી.

ક્યારેક તે ચૈતન્યને બોટ ઉપર લઈ ગયા, ક્યારેક બજારમાં ફેરવ્યો. તેને કારણે ચૈતન્યને લોકોની ભીડની, હાલનારી વસ્તુઓની અનુભવાતી બીક ઓછી થવા લાગી. દરેક વખતે હું એની સાથે જતી ન હતી. ઊલટ લીના સુધાના ધ્યાને એમ આવ્યું કે હું એની સાથે હોઉં કે એ મારા પાલવ હેઠળ સંતાવા જતો. પોતાને અનુભવાતી બીક દૂર કરવાનો પોતાની પાસે સરળ ઉપાય હોત તો એ શાને બહાદુરી શીખ્યો હોત ? એટલે જ લીના-સુધાએ એને પોતાની સાથે લઈ જવાની શરૂઆત કરી. જહેમતપૂર્વક જ, પણ ચૈતન્ય આ બધા ભયજનક અનુભવોમાંથી બહાર નીકળ્યો. એનું પોતાનું આગવું વ્યક્તિત્વ વિકસિત થતું હોવાનું અમને દેખાવા લાગ્યું.

હવે ચૈતન્ય ભીડભાડભર્યાં સ્થળોએ જઈને શાંતિથી ફરી શકે છે. સંપૂર્ણ અંધારાવાળી રૂમમાં એકલો બેસી શકે છે. એક વખત અમે એને વિમાની પ્રવાસમાં લઈ ગયા ત્યારે એને બીક લાગી નહીં. ઊલટું એણે વિમાન પ્રવાસનો ભરપૂર આનંદ લીધો.

અમે ૧૯૯૧ના વર્ષમાં ‘અસીમ’ સોસાયટીમાં છઠ્ઠા માળ ઉપર રહેવા આવ્યાં. ચૈતન્ય નીચે રમવા જતો હોય ત્યારે લિફ્ટમાં પણ એની સાથે સતત કોઈક રહેતું. લિફ્ટ કેવી રીતે ચલાવવામાં આવે છે એ રોજ જોઈજોઈને એક દિવસ ચૈતન્ય એકલો જ જાતે લિફ્ટ ચલાવીને ઘરે પાછો આવ્યો.

‘તારો સાથી ક્યાં છે ?’ મેં ચિંતાયુક્ત સ્વરમાં બૂમ પાડી.

એ વિજયી મુદ્રામાં હસ્યો અને કહ્યું, ‘હું એકલો આવ્યો.’ મને એના પરાક્રમથી આનંદ થયો અને લિફ્ટમાં ફસાયો હોત તો... એ વિચારે બીક પણ લાગી. આ પ્રસંગને કારણે મારા ધ્યાને એક વાત આવી કે ચૈતન્યની નિરીક્ષણ શક્તિ ઉત્કૃષ્ટ છે. એ નિરીક્ષણ દ્વારા ઘણી વાતો શીખતો ગયો. ચૈતન્યે નિરીક્ષણ દ્વારા મળેલા લોકોની નકલો, ક્રિકેટ ખેલાડીોની શૈલી ઊંચકવાની કુશળતા આત્મસાત્‌ કરી. મજાની વાત એ છે કે આ બધી નકલો ચૈતન્ય તદ્દન આબેહૂબ અને તન્મયતાપૂર્વક કરી બતાવે છે. અમે ચૈતન્યના આ ગુણને કારણે એ શીખ્યાં કે એને સામાન્ય બાળકની જેમ ઉછેરવો. આ ભૂમિકા અમને ઉપયોગી બની રહી. એને સર્વ વાતોનો અનુભવ લેવા દીધો. તેમાંથી એની નિરીક્ષણશક્તિ અધિક વધતી ગઈ.

મારી કવિતાના પુસ્તકનું આવરણ તૈયાર કરનાર પ્રકાશ કાનડે પહેલી વખત અમારે ત્યાં મોટર સાઇકલ લઈને આવ્યા હતા. હાથની આંગળીમાં ચાવી ફેરવતાં તે મારી સાથે ચર્ચા કરી રહ્યા હતા. ચૈતન્ય પણ મારી પાસે હતો. આ પ્રસંગ પછી અનેક વર્ષો બાદ કાનડે મને રસ્તામાં મળ્યા ત્યારે તેમની પાસે મોટર સાઇકલ ન હતી. ચૈતન્યે આંગળીમાં ચાવી ફેરવતો હોય એવી મુદ્રા સાથે તેમને મોટર સાઇકલ ક્યાં છે ? એમ ઇશારાથી જ પૂછ્યું ત્યારે અમે બન્નેય આશ્ચર્યચકિત થયાં.

એક વખત એ બિલ્ડિંગની નીચે ઊભો રહીને કશાકનું સરઘસ જોતો હતો. અચાનક એ અદૃશ્ય થયો. સરઘસમાંના લોકોનાં નાચ જોતાં જોતાં એ થોડો દૂર ગયો હતો. હું ખૂબ ગભરાઈ અને એ મળ્યો ત્યારે હું એને ખૂબ બોલી. હું એને બૂમો પાડતી હતી અને રડતી પણ હતી. એણે મારી પીઠ ઉપર હાથ મૂક્યો અને મારી ફજેતી થયાનું જાણીને એ ખૂબ હસ્યો. એને આટલું બધું સમજાવા લાગેલું ધ્યાને લઈને હું રડતાં રડતાં વચ્ચે જ અટકી ગઈ અને એની સાથે હસવા લાગી.

હવે મને વિશ્વાસ જાગવા લાગ્યો હતો કે જીવવા માટે જે જે કૌશલ્ય જરૂરી હોય છે એ ચૈતન્ય ધીમે ધીમે શીખી રહ્યો છે. હું ખૂબ જ લાગણીશીલ છું અને ચૈતન્ય પણ મારા જેવો છે, પણ ધીમેધીમે એ ભય જગાવનાર દરેક વાતો પર વિજય મેળવવાનું શીખ્યો. સામાન્ય બાળકોની દૃષ્ટિએ જોઈએ તો એની વય અનુસાર એની પ્રગતિ હજુય વધુ થઈ ન હતી. ઘણાખરા માઈલસ્ટોન હજુય એણે સામાન્યોની જેમ વળોટ્યા ન હતા. હવે મારા મનમાં એની પ્રગતિ જોઈને નવી આશા જાગી હતી.

થોડા દિવસો બાદ એને વ્યંગ પણ સમજાવા લાગ્યા. અમે અંદરોઅંદર વાત કરતી વખતે કાંઈક વિનોદી બોલીએ અથવા ઘરમાં જ કાંઈક વિનોદી ઘટના બને કે ચૈતન્ય ખડખડાટ હસતો. કેટલાક દિવસો બાદ તો એ પોતાની ઉપર પણ હસતાં શીખ્યો. એક વખત એ વાળ કપાવીને ઘરે આવ્યો અને કહ્યું, ‘મમ્મી, હું ટકલુ થઈને આવ્યો છું.’ પછી અરીસા સામે ઊભો રહીને કેટલીય વાર એ ખીખી હસતો રહ્યો અને મસ્તી કરતો રહ્યો.

અરે, આ તો સામાન્ય માણસની જેમ પોતાની લાગણી વ્યક્ત કરવા લાગ્યો છે. મેં મનમાં વિચાર કર્યો. હવે આને વધુમાં વધુ મુક્ત રાખવો જોઈએ અને એની સાથે સામાન્ય બાળકની જેમ વર્તવું જોઈએ. અમે એની સાથે સામાન્ય બાળકની જેમ વર્તતા ગયાં. એનો પ્રતિસાદ પણ એવો જ મળતો રહ્યો.

એને આપ્તસંબંધો સમજાતાં ઘણાં વર્ષો લાગ્યાં. એને કૌટુંબિક સંબંધો સમજાતાં ન હતાં. એને અમે બધાં ફક્ત એની સાથેના માણસો છીએ એમ લાગતું. સહુથી પહેલાં એને એ અમારો હોવાની જાણ થઈ પછી હળવે હળવે એને પરિવારની દરેક વ્યક્તિ સાથે એનું સગપણ શું છે એ સમજાવા લાગ્યું. મારા પતિ, મારી દીકરી, અમારા ઘરનાં નોકર, ચાકર, સહુને અસ્તિત્વની એને સગપણના દૃષ્ટિકોણથી જાણ થવા લાગી. અલબત્ત, અમારા સહુ પર એ સમાન પ્રેમ કરતો. એક વખત અમારી પાસેના નોકરે મારા ઘરમાંની બાઈ સાથે ઝઘડો કર્યો. ચૈતન્યે ઘરમાંની બાઈના પક્ષે એની ગાંડીઘેલી સમજાતી ભાષામાં પેલા બીજા નોકરને ખાસ્સો ખખડાવ્યો. મને આ પ્રસંગ કહેતી વખતે પોતાની ઘરની બાઈનું પોતે રક્ષણ કર્યું એનો આનંદ એના ચહેરા પર સ્પષ્ટ છલકાતો હતો.

અનુરાધા પર ગુસ્સે થઈએ એ એને ગમતું નહીં. એ એની બહેન અને દોસ્ત હતી. પોતે એની સાથે ઝઘડો કરે એ એને ચાલતું. ચોકલેટ ખાવા પરથી, એકાદી ખુરશીમાં બેસવા પરથી, નાની નાની વાતો પરથી તેમના ઝઘડા થતા, પણ હું એની પર ગુસ્સે થાઉં તો ચલાવી લેતો નહીં. એ હંમેશા કહેતો, ‘મારી બહેનને રડાવશો એ ચાલશે નહીં.’ ઘણી વખત થાય છે, સાચ્ચે જ કોણ સામાન્ય છે અને કોણ મંદબુદ્ધિનું છે ? ચૈતન્યનું વર્તન-બોલચાલ જોઈએ કે મને ઘણી વખત થાય છે કે એ અમારા સહુ કરતાં વધુ નૉર્મલ અને વધુ સહજ છે.

લીના અને સુધા હંમેશાં આવાં બાળકોની યશોગાથા અમને સંભળાવતા. જેમણે મંદબુદ્ધિ પર વિજય મેળવીને કાંઈક કૌશલ્ય આત્મસાત્‌ કર્યું છે. આવાં બાળકોની મુલાકાત પણ તે કરાવતાં. આવાં બાળકોને મળીને મનેય ઉત્સાહ થતો. પછી એક દિવસ લીના-સુધાએ મને કહ્યું કે આવો જ એક મંદબુદ્ધિનો બાળક કૉમ્પ્યુટર તજ્‌જ્ઞ છે. કૉમ્પ્યુટરમાં ગમે તે ખરાબી થાય તો એ મરામત કરી શકે છે. એ બાળક આ સ્થિતિએ પહોંચી શક્યો કારણ એનાં માતાપિતાએ એના ઉપર વિશ્વાસ મૂક્યો. કહેવાય છે કે શરૂઆતમાં એ બાળક ચૈતન્ય કરતાંય ખરાબ અવસ્થામાં શાળામાં આવ્યો હતો.

લીના-સુધાનું ઋણ અમે ક્યારેય ટૂકવી શકીશું નહીં. તે ચૈતન્યમાં જ નહીં, પણ અમારામાં સુધ્ધાં ક્રાંતિકારક બદલાવ લાવ્યાં. તેમણે મારો આત્મવિશ્વાસ મને પાછો મેળવી આપ્યો. મને જીવન તરફ જોવાની નવી દૃષ્ટિ આપી. ‘માંસનો જીવતો લોચો’ ચૈતન્ય એક સોહામણો બાળક દેખાવા લાગ્યો હતો. એ સુંદરતા શારીરિક ન હતી. એનામાં થયેલો અનેરો સુધારો અને તેને પરિણામે એનામાં ઝળકતું તેજ એ સાચ્ચે જ સુંદર હતું. લીના અને સુધાએ આવા કેટલાય પરિવારોને આશાનો સંદેશો આપીને મજબૂત બનાવ્યા અને અમારામાં વિશ્વાસ જગાવ્યો કે આ વિશ્વ હજુય સુંદર છે. જીવવા યોગ્ય છે, કારણ એમાં લીના-સુધા જેવાં માણસો જીવી રહ્યાં છે.

જય વકીલ શાળા

લીના-સુધાની શાળામાં એટલે ‘નૌનિહાલ’માં ચૈતન્ય સરસ ગોઠવાઈ ગયો હતો. દરમ્યાન અમારે અમારું ઘર બદલવું પડ્યું. અમારા નવા નિવાસસ્થાનથી ‘નૌનિહાલ’ ખૂબ જ દૂર હતું. ત્યાં સુધી જનારી સીધી બસ પણ ન હતી. ના છૂટકે અમારે ચૈતન્ય માટે બીજી શાળા શોધવી પડી. બસ દ્વારા ચૈતન્ય પ્રવાસ કરી શક્યો ન હોત, કારણ એની શાળાનો સમય અને કચેરીની ભીડનો સમય એક જ હતો. ટૅક્સી દ્વારા અથવા ખાનગી વાહન દ્વારા એને શાળામાં મોકલવો અમને ખર્ચની દૃષ્ટિએ પરવડતું ન હતું.

અમે નવા ઘરમાં રહેવા ગયાં પછી એક-બે મહિના ચૈતન્ય શાળા વગર જ રહ્યો. એને માટે યોગ્ય એવી શાળા અમન હજુય મળતી ન હતી. જેમજેમ દિવસ પસાર થવા લાગ્યા, તેમ તેમ એ કંટાળવા લાગ્યો. ‘નૌનિહાલ’માં શીખેલું બધું ડહાપણ ખરી પડવા લાગ્યું. એ જેમ જેમ અસ્વસ્થ થવા લાગ્યો, તેમ તેમ મારા મન પરની તાણ વધવા લાગી.

‘આપણે એકાદ ‘સ્પે’શલ્‌ સ્કૂલ’ આસપાસ છે કે એ જોઈએ.’ સત્યે કહ્યું. ‘સ્પે’શલ્‌ સ્કૂલ’નો ઉલ્લેખ સાંભળીને મારા ફરી રૂંવાડાં ઊભાં થઈ ગયાં. એક શાળાનો કડવો અનુભવ મેળવ્યો હતો જ.

‘એને જ્યાં સુધી સાદું લખતાં-વાંચતાં સુધ્ધાં આવડતું નથી ત્યાં સુધી એ નૉર્મલ શાળામાં કેવી રીતે જઈ શકે ? તું આવો કેવો વિચાર કરે છે ?’ સત્યે મને પૂછ્યું. મારી પાસે એનો જવાબ ન હતો. હતું કેવળ એક સ્વપ્ન. ચૈતન્યને નૉર્મલ શાળામાં મૂકીને નૉર્મલ બનાવવાનું. સત્ય પાસે શ્રદ્ધા અને ધીરજ હતી. મારી પાસે આ બન્ને ગુણોની ઊણપ હતી.

‘નૉર્મલ શાળામાં ગયા પછી એ ગભરાઈ જશે. એને જ્યારે ખ્યાલ આવશે કે એ અભ્યાસમાં, રમતગમતમાં, અન્ય જુદાં જુદાં ક્ષેત્રોમાં બીજા કરતાં ઊતરતો છે ત્યારે એને કેટલી પીડા થશે એનો વિચાર કરને. ચૈતન્ય પોતાની સરખામણી બીજા સાથે કરશે તો એનો વિકાસ પણ ખોરંભાશે. આ જો, તું હવે નૉર્મલ શાળાનો આગ્રહ પડતો મૂક.’ સત્યે મને સમજાવ્યું.

જેમ અમને પેરીસબહેન મળ્યાં, લીના-સુધા મળ્યાં, તે જ રીતે અમને મિસિસ શ્રોફ મળ્યાં.

હું તેમને એક ઉત્કૃષ્ટ સામાજિક કાર્યકર તરીકે ઓળખતી હતી. તેમની માતાએ સિવડીમાં મંદબુદ્ધિનાં બાળકો માટે પોતાની એક ‘સ્પે’શલ્‌ સ્કૂલ’ શરૂ કરી હતી. એ સમયે સ્પે’શલ્‌ સ્કૂલનો વિચાર સુધ્ધાં કોઈના મનમાં આવ્યો ન હતો. મિસિસ શ્રોફની માતાને પોતાની પુત્રીને કારણે આ વિચાર આવ્યો. તેમણે ત્રણ-ચાર બાળકો લઈને મંદબુદ્ધિનાં બાળખોની એક શાળા શરૂ કરી. એ હવે વધતાં વધતાં મોટી થઈ હતી. વાસ્તવિક જોતાં મિસિસ શ્રોફને આ કાર્યમાં પોતાને જોડાવાનું કાંઈ પ્રયોજન ન હતું, છતાં તેમણે પોતાનું સંપૂર્ણ જીવન એ સંસ્થાનાં બાળકો માટે અર્પણ કર્યું હતું. એ શાળાની રાષ્ટ્રીય સ્તરે સુંદર છબી નિર્માણ થઈ હતી. શાળા માટે મિસિસ શ્રોફે પોતાનું જીવન અર્પણ કર્યું હતું. તેમની એક તરુણ પુત્રી રુક્સાનાએ સુધ્ધાં પોતાની માતાની શાળાને સમર્પિત કરી હતી. તદ્દન એકાદ મિશનરીની જેમ.

મિસિસ શ્રોફ માટે મારા મનમાં નિતાંત આદર હતો. ‘જય વકીલ’ નામની તેમની શાળાની મેં મુલાકાત લીધી હતી. એ શાળા મા-દીકરીના ત્યાગનું પ્રતીક હતી. તેમની સંસ્થાની ખ્યાતિ દૂર સુધી પ્રસરી હતી. અમારા ઘરથી એ શાળા વધુ દૂર પણ ન હતી. ચૈતન્ય એ શાળામાં જઈ શક્યો હોત તો એમ વિચારતાં અમે મિસિસ શ્રોફને મળવાનું નક્કી કર્યું.

‘જય વકીલ શાળા’માં તુર્ત જ પ્રવેશની સગવડ થઈ નહીં, કારણ તે વખતે ત્યાં જગા જ ખાલી ન હતી. પણ ‘જૂનથી નવું વર્ષ શરૂ થયા પછી ચૈતન્યને હું શાળામાં લઈશ.’ એવું આશ્વાસન મિસિસ શ્રોફે આપ્યા પછી અમને હાશ થઈ. મનોમન મેં તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો. કાંઈ પણ અનિચ્છનીય ઘટના વગર ચૈતન્યને સહજતાપૂર્વક ઍડ્‌મિશન મળ્યું હતું. જેમ જેમ જૂન નજીક આવવા લાગ્યો અને ઍડ્‌મિશન મળશે એનો મને વિશ્વાસ બેસતો ન હતો. ‘સ્પે’શલ્‌ શાળા’ની બીક પણ મારા મનમાં હતી જ. ચૈતન્યનું શાળામાં જવુંય આવશ્યક હતું. લીના-સુધાની શાળા નિયમિત શાળા જેવી ન હતી. વધારે ક્લાસ હોય એવી એ શાળા હતી.

ચૈતન્યને શાળામાં મોકલતી વખતે ફરી એક વખત મને પરાજિત થયા જેમ લાગ્યું. સેંકડો, હજારો બાળકો કેટલાં સહજપણે નૉર્મલ શાળામાં જાય છે અને ચૈતન્ય માત્ર - ફરી ફરી આ વિચારે મને નિરાશાના ઝાટકા આવવા લાગ્યા.

માનસિક દૃષ્ટિએ આમાંથી બહાર આવતાં મને ખૂબ તકલીફ પડી. તે માટે મારે પોતાની ઉપર ખૂબ મહેનત કરવી પડી. મારા વિચારોની દિશા જ મારે બદલવી પડી.

‘જય વકીલ શાળા’ની મેં પૂર્વે મુલાકાત લીધી હતી ત્યારે હું સરકારી અધિકારી તરીકે ત્યાં ગઈ હતી. હવે હું એક મંદબુદ્ધિના બાળકની માતા તરીકે ઍડ્‌મિશન લેવા આવી હતી. શાળામાં આવનારાં ઘણાં બાળકો ચૈતન્ય કરતાં અધિક મંદબુદ્ધિના જોવા મળ્યાં. કેટલાંક બાળકોને શારીરિક વિકલાંગતા પણ હતી. એ બધાં બાળકોને જોઈ મારા મનમાં કરુણા જાગી. શાળામાં હું થોડી વાર જ હતી. ચૈતન્યને ત્યાં મૂકીને ઘરે જવાનું ધૈર્ય હું એકઠું કરી શકતી ન હતી. માનવ મનની કેવી મજા છે ને ! જે વાતો બદલી શકાતી નથી એય આપણે સહજપણે સ્વીકારી શકતાં નથી.

આટલાં વર્ષ હું ચૈતન્યની બાબતમાં કાંઈ ચમત્કાર થશે એટલે રાહ જોતી હતી. એક દિવસ અચાનક એ નૉર્મલ થશે એવી મને આશા પણ હતી. ‘જય વકીલ શાળા’માંથી આવ્યા પછી હું કેટલીય વાર સુધી પ્રાર્થના કરતી રહી. હે વિશ્વનિયંતા, વિશ્વની કોઈ પણ માતા પર એના બાળકને આવી શાળામાં દાખલ કરવાનો પ્રસંગ લાવીશ નહીં.

દેશની એક ઉત્તમ શાળા અને સંસ્થા તરીકે ‘જય વકીલ શાળા’ની નામના હોવા છતાંય એ કેવળ મંદબુદ્ધિની શાળા હોવાથી મારામાં ચૈતન્યને ત્યાં મોકલવાની હિંમત થતી ન હતી. બીજાઓને આ શાળામાં ઍડ્‌મિશન લેવા માટે મથામણ કરવી પડતી. મને સહેલાઈથી ઍડ્‌મિશન મળ્યું હતું છતાંય મારું મન ઉદાસ હતું.

પછી જ્યોતિષીને પૂછ્યું, અન્ય કોઈક ને કાંઈક ઈલાજ પૂછ્યો. આમ ઘણીખરી વાતો મેં કરી જોઈ. ગ્રહ, નક્ષત્ર, મૂળ સ્થાનમાં આવવાની રાહ જોઈ, પણ કાંઈ બદલાયું નહિ - ગ્રહ, નક્ષત્ર અને મારું ફૂટેલું નસીબ પણ.

સ્પે’શલ્‌ સ્કૂલ

શાળાને પહેલો દિવસ ઊગ્યો. કામ નિમિત્તે સત્ય પ્રવાસમાં હતા. અનુરાધાની શાળામાં કાર્યક્રમ હોવાને કારણે એય વહેલી નીકળી ગઈ. નક્કી થયેલા સમયે હું અને ચૈતન્ય, બન્ને મિસિસ શ્રોફની ઑફિસમાં ગયાં. મેં બહારથી બહાદુરીનો દેખાવ કર્યો, પણ અંદરોઅંદર મારી હિંમત ખૂટતી ચાલી હતી. મિસિસ શ્રોફ મારી સાથે પ્રેમાળ અને સમજદારીભર્યું વર્ત્યાં. તેમણે નમ્રતાપૂર્વક મને ઍડ્‌મિશન ફોર્મ ભરવા સૂચવ્યું. તેમાં ચૈતન્યની સંપૂર્ણ પાર્શ્વભૂમિ, એનો તબીબી રેકોર્ડ, સ્વભાવ વિશેષ અને પ્રગતિનો આલેખ ઇત્યાદિ વાતોનો સમાવેશ હતો. એ ફોર્મની એક એક કોલમ ભરતી વખતે હું સર્વ વેદનામાંથી ફરી એખ વખત પસાર થઈ. અંતે ફોર્મ ઉપર સહી કરીને એ મિસિસ શ્રોફના હાથમાં આપતી એ વખતે મને લાગ્યું કે ચૈતન્યના મંદબુદ્ધિપણા ઉપર મેં જ આજે અંતિમ મહોર મારી છે.

સમય જતાં, ચૈતન્ય સામાન્ય શાળામાં જશે એ મારું સ્વપ્ન મનઃપટલ પરથી મેં જ ભૂંસી નાખ્યું. આવેલો દિવસ જીવવો અને સોનાનો માનવો, એ બદલ કૃતજ્ઞ રહેવું અને સતત ચિંતા કરનારા મનને નિયંત્રિત રાખવું એમ હું પોતાને શીખવતી રહી.

આટલા દિવસ હું એ ભ્રમમાં હતી, કે ચૈતન્ય ‘નૉર્મલ’ શાળામાં જશે કે એય હળવે હળવે નૉર્મલ થશે. આ મારી મેં જ કરેલી છેતરામણી ચૈતન્યના ‘જય વકીલ શાળા’માં ઍડ્‌મિશન મળ્યા બાદ પૂરી થઈ. મેં શરણાગતિ સ્વીકારી કે ? પ્રારબ્ધે મને પરાજિત કરી ? મારી પાસે બીજો કોઈ જ વિકલ્પ ન હતો કે ? આવા અનેક પ્રશ્ન મને સતાવતા રહ્યા.

હું જાત સાથે ઘણી વખત વાત કરતી વિશ્વની આવી પ્રત્યેક માતાનું દુઃખ અને વેદના મારા હૃદયમાં ભરાઈ આવતાં. ચૈતન્યને ‘જય વકીલ શાળા’માં એડમિટ કરીને ઘરે પાછાં આવ્યાં પછી હું મોકળા મને રડી. કશાયનો સંકોચ રાખ્યા વગર મેં મારું હૈયું મોકળાશભેર રડવા દીધું. એ પળે હું વિશ્વના પ્રત્યેક મંદબુદ્ધિના બાળક માટે અને તેમનાં માતા-પિતા માટે અશ્રુ સારતી હતી. એ પળે હું આવા પ્રત્યેક બાળક માટે અને તેમના પાકો માટે વિશ્વનિયંતાને પ્રાર્થના કરતી હતી.

ભગવાને અમને પસંદ કર્યાં હતાં !

ચૈતન્ય નવી શાળામાં શરૂઆતમાં ભડક્યો. આટલી મોટી શાળા અને તેમાં રહેલાં સેંકડો બાળકોથી એ ટેવાયેલો ન હતો. એની પૂર્વેની શાળા નાની હતી અને તેમાં ગણ્યાંગાંઠ્યાં બાળકો હતાં. એ શાળામાં એ પ્રસન્ન રહેતો. ‘જય વકીલ શાળા’ મોટી હતી. તેમાંના કેટલાંક બાળકો ખૂબ ગરીબ હતાં તો કેટલાકની માનસિક અવસ્થા અત્યંત દયનીય હતી. કોઈકને શારીરિક વ્યાધિ અને મંદબુદ્ધિપણું એમ બન્ને વિકલાંગત્વ હતું. પરંતુ એ તેમની કરુણા ઊપજે એવાં બાળકો ન હતાં. એનું સંપૂર્ણ શ્રેય મિસિસ શ્રોફ અને તેમના શિક્ષક સંઘને હતું. ‘જય વકીલ શાળા’માં નિવાસની પણ સુવિધા છે. તેમાં રહેનારાં બાળકોને સન્માનપૂર્વક સાચવવામાં આવે છે.

‘અમારું લક્ષ્ય વ્યાવસાયિક શિક્ષણ આપવા ઉપર છે.’ મિસિસ શ્રોફે મને કહ્યું, ‘અમે આ બાળકોને ઘરગથ્થું કામ શીખવીએ છીએ. જીવન જીવવાનું શિક્ષણ આપીએ છીએ અને એ બાળકોને એવું વ્યાસાયિક શિક્ષણ આપીએ છીએ કે જેને પરિણામે તેમના ભાવિ જીવનમાં જીવવા પૂરતા પૈસાય મળી રહે. તે માટે પહેલાં આ બાળકોની રુચિ-અરુચિ પારખવામાં આવે છે. આ બાળકો કયા વ્યવસાય માટે યોગ્ય છે એનો અમે અભ્યાસ કરીએ છીએ.

પ્રત્યેક બાળકનું સામર્થ્ય એ શું વહન કરી શકશે એનો વિચાર થાય છે. તમે કદાચ નહીં માનો, પણ એક જ પરિવારના ત્રણ-ચાર મંદબુદ્ધિનાં બાળકો આ શાળામાં ભણી રહ્યાં છે.’ આ કહેતી વખતે મિસિસ શ્રોફનો સ્વર તરડાયો હતો. ‘હું કલ્પના જ કરી શકતી નથી કે આ બાળકોનું પાલકત્વ તેઓ કઈ રીતે સંભાળતાં હશે અને તમને ખબર છે કે ? મંદબુદ્ધિનાં બાળકો પર અભ્યાસ કરનારા, સંશોધન કરનારા ડૉક્ટર વૈજ્ઞાનિકોની એવી સમજ હતી કે સ્ત્રી પાંત્રીસ વર્ષ ઉપરની હોય અને તેને બાળકો થાય તો એ બાળકો મંદબુદ્ધિના હોવાનો સંભવ હોય છે. પણ અમારા અનુભવ પરથી કહું છું કે આ સાચું નથી. અઢાર-ઓગણીસ વર્ષની યુવતીને બે-બે, ત્રણ-ત્રણ મંદબુદ્ધિનાં બાળકો થયા હોવાના દાખલા અમારી પાસે છે. એવીય કેટલીક માતાઓ છે કે જેમનાં તદ્દન તરુણ વયમાં જન્મેલા પ્રથમ બાળકો સુધ્ધાં મંદબુદ્ધિનાં હોય છે.’ મિસિસ શ્રોફની વાતો સાંભળીને મારું મન સુન્ન થયું. તે આગળ બોલતાં જ રહ્યાં, ‘તમારું સદ્‌ભાગ્ય મંદબુદ્ધિની છોકરીઓની અવસ્થા છોકરા કરતાંય વિકટ હોય છે. પરમેશ્વરનો આભાર માનો કે તમારો પાલ્ય દીકરો છે.’ તેમન અવાજ અને તેમના શબ્દ મારું હૈયું વીંધતા ગયા.

‘જય વકીલ શાળા’ સાદી એવી છે, પણ તેમાંનો અભ્યાસક્રમ વ્યાવહારિક છે. સહુ પ્રથમ ઘરમાંનું શિક્ષણ, બાગકામ, વ્યાવસાયિક શિક્ષણ, રમત અને વિવિધ કળા એમ અનેક વિષય એ શાળામાં શીખવવામાં આવતાં. બાળકોને લખવા-વાંચવાનુંય શીખવવામાં આવતું. પણ તેઓ સહન કરી શકે એમ નાજુકપણે અને સહેવાય એટલા રોજિંદા જીવનમાં આવશ્યક કૌશલ્યના શિક્ષણ પર શાલાનો અભ્યાસક્રમ ગોઠવવામાં આવ્યો હતો. શારીરિક આત્મનિર્ભરતા અને હાથપગનાં આંગળાંની અને સ્નાયુઓની સામાન્ય હિલચાલ તરફ વિશેષ ધ્યાન આપવામાં આવતું.

મિસિસ શ્રોફે મને કહ્યું કે તેમની શાળામાં કેટલાંક બાળકોને અપંગોની ખાસ ઑલિમ્પિકમાં સુવર્ણચંદ્રકો સુધ્ધાં મળ્યાં છે. તેમણે મને આ પરથી પ્રેરણા લેતાં શીખવ્યું.

અહીંનાં બાળકો માટે પરીક્ષા નથી. કૉલેજમાં જવાની મજા નથી. લગ્ન નથી, પરિવાર નથી. મારું મન હજુય આ વિચારોમાં જ અટવાયેલું હતું. મિસિસ શ્રોફે જાણે મારા મનમાં શું અજંપો ચાલી રહ્યો છે એ પારખી ગયાં. ‘તમે સર્વસામાન્ય જેવો જ વિચાર કેમ કરો છો ? અન્ય બાળકોની કસોટીએ આ બાળકોને શાથી મૂલવો છો ? આ બાળકોનું પોતાનું વિશ્વ છે. કેટલાક સામાન્ય બાળકોને આજીવન શાળાનાં દર્શન પણ થતાં નથી. કેટલાંય ગરીબ બાળકો સામાન્ય હોવા છતાંય જીવનનાં કેટલાંય સુખોથી વંચિત રહે છે. આ મંદબુદ્ધિનાં બાળકોને પોતાની વિકલાંગતા સાથે શાળાનું આ સુંદર વિશ્વ મળ્યું છે ત્યારે તમે ભળતા વિચાર શાને કરો છો ?’ મિસિસ શ્રોફે જાણે મને જાગૃત કરી.

ચૈતન્યની શાળાથી હુંય ઘણું કાંઈ શીખી. પૂર્વે હું એની સરખામણી સામાન્ય બાળકો સાથે કરતી. પરંતુ મારા વિચાર કેટલા ભૂલભર્યા હતા એ મને સમજાવા લાગ્યું. મને થતું કે સામાન્ય બાળકો જે કાંઈ કરે છે એ એને કરતાં આવડે, પણ મિસિસ શ્રોફે મને જીવનનું સત્ય સ્વીકારતાં શીખવ્યું. તેમણે મને આ પણ એક સત્ય જણાવ્યું કે આપણે નૉર્મલ માણસો પોતાને પરિપૂર્ણ સમજીએ છીએ. પણ ખરું તો આપણે જ અપૂર્ણ હોઈએ છીએ. આ મંદબુદ્ધિનાં બાળકો અને તેમનું વિશ્વ તેમના પૂરતું પરિપર્ણ હોય છે. આપણે દ્વેષ, અસૂયા, ઈર્ષાથી ઘેરાયેલા હોઈએ છીએ, પરંતુ આ બાળકોનું નિષ્પાપ મન અને તેમનો નિર્ભેળ આનંદ તેમની સાથે સતત હોવાથી તે આપણાથી વધુ સુંદર અને આનંદી છે અને આપણા કરતાં અધિક પરિપૂર્ણ સુધ્ધાં. આ બાળકોને મિસિસ શ્રોફ ‘ખાસ માણસો’ કહેતાં અને વારંવાર કહેતાં કે ‘પરિવારનાં પ્રત્યેક આવા મંદબુદ્ધિનાં સભ્ય તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. એમને બધી વાતો ‘ખાસ’ મળવી જોઈએ. કારણ ઈશ્વરે સર્જેલા એ ખાસ માણસો છે. આવાં બાળકોને સામાન્ય શાળાઓમાં ધકેલવા કરતાં સામાન્ય માણસોના સમાજે આ બાળકોને સ્વીકારવા એ સમયની આવશ્યકતા છે. મારા જીવનનું આ અંતિમ લક્ષ્ય છે. મારી માતાએ મારા માટે રાખી મૂકેલું આ સ્ત્રીધન છે. જે સમયે મંદબુદ્ધિપણું શું એનું ભાન પણ કોઈને ન હતું, સમજણ તો દૂર જ રહી, એ સમયે મારી માતાએ મારી બહેનને આ શાળા સ્વરૂપે એક સુંદર વિશ્વ દેખાડ્યું. તેને કારણે આજે હું આટલાં બાળકોની સરસ સંભાળ રાખી શકું છું. વિકસિત થવામાં મદદ કરી શકું છું. કેટલાંક પાશ્ચાત્ય રાષ્ટ્રોમાંથીય અમને વખતોવખત માર્ગદર્શન મળતું રહે છે. મારી માતાએ એક સ્વપ્ન જોયું એટલે આ બધું શક્ય બન્યું.’

બોલતાં બોલતાં એમનો કંઠ ભરાઈ આવ્યો. તેમના એ શબ્દો મારા કાન પર હંમેશ માટે કોતરાઈ ગયા. તે ક્ષણથી મારા જીવનનું ધ્યેય બદલાયું. મનમાં રહેલા સામાન્ય અને મંદબુદ્ધિના ભેદ ખરી પડ્યા. ચૈતન્ય એ શાળામાં ગોઠવાય અને મનપૂર્વક પોતાનું જીવન જીવે એ માટે હુંય પ્રયાસ કરવા લાગી. સામાન્ય બાળકની જેમ વર્તતો હોવા છતાં મને પૂર્ણ ભાન હતું કે એનું વિશ્વ અમારાથી નિરાળું છે અને છતાંય અમારા અને એના આ બન્ને વિશ્વમાં સુસંગતિ છે.

કેટલાક સામાન્ય માણસો આ સ્વીકારવા હજુય તૈયાર નથી. તેને કારણે તે મંદબુદ્ધિનાઓ તરફ જુદા જ દૃષ્ટિકોણથી જુએ છે. કેટલાક લોકો તો ચૈતન્યને ‘ગાંડો’ માનતા. કેટલાક એની દયા ખાતા. તેમના આ વિચિત્ર વ્યવહારનો સામનો કરતાં કરતાં હું થાકી જતી. અમારા બિલ્ડિંગમાં રહેનારા એક પરિવારમાં એની વયનાં બાળકો હોવાને કારણએ ચૈતન્ય એક વખત એ બાળક સાથે દોસ્તી કરવા તેમના ઘરે ગયો. એ બાઈએ એને હાંકી કાઢ્યો કારણ એને બીક લાગી કે એના બાળકો ચૈતન્ય સાથે રમતાં દેખાશે તો સમાજમાં તેમના નામને બટ્ટો લાગશે.

એક દિવસ બિલ્ડિંગના આંગણામાં કેટલાંક બાળકો રમતાં હતાં. હું બહારથી ક્યાંકથી આવી. એક બાળકે આવીને આઠ-દસ બાળકોના દેખતાં મોટેથી મને પૂછ્યું, ‘આન્ટી, તમારો દીકરો મેન્ટલ છે કે ?’ હું આંચકો ખાઈ ગઈ. હું મનોમન ખૂબ ગુસ્સે થઈ હતી પણ મારી દુભાયેલી લાગણીને ખાળીને શક્ય એટલો અવાજ સ્થિર રાખીને મેં એ બાળકને સમજાવ્યો, ‘અરે, ચૈતન્ય તમારા જેવો જ બાળક છે. એ દેખાય છે એ કરતાં એની માનસિક વય ખૂબ ઓછી છે. એને કારણે એ નિરાળો લાગે છે. એનેય તમારી જેમ જ આનંદ થાય છે, દુઃખ થાય છે. ભગવાને એને ગાંડો નહીં, જુદો બનાવ્યો. ધારો કે તારો ભાઈ કે બહેન આવાં હોત કે તું પોતે જ આવો હોત તો ? આવા બાળકોન તમે પ્રેમ કરી જુઓ, તમારા કોઈ પણ અન્ય દોસ્ત કરતાં ચૈતન્ય વધુ પ્રેમ કરી શકે છે. જે તમારા જેવો નથી એ તમને સ્વીકાર્ય નથી એટલે એ ગાંડો કેવી રીતે થાય ? કોણે કરાવ્યો એને ગાંડો ? જા, જઈને તારી મમ્મીને પૂછ, તેને આવું બાળક હોત અને તેને બીજાઓએ ગાંડો કહ્યો હોત તો તેને શું થયું હોત ?’

આટલું કહેતાં મારી લાગણી અનિયંત્રિત થઈ. ગાલ ઉપર આંસુ વહેવા લાગ્યાં. એ બાળક મારી સામેથી ક્યારે જતો રહ્યો એય ખબર પડી નહીં.

થોડી વારે એ મારા ઘરે પાછો આવ્યો. એની મમ્મી સાથએ વાત કરીને આ મારી પાસે આવ્યો હતો. શરમને કારણે એની ગરદન નીચે થઈ હતી. મારે જે સમજવું હતું એ સમજીને એની પાસે ગઈ. ‘ફરીથી આમ કોઈની સાથે વર્તીશ નહીં.’ એટલું કહ્યું. મારાથી વધુ કાંઈ કહેવાયું જ નહીં. એય ભારે પગલે પાછો ફર્યો. પહેલાં જે બાળકો ચૈતન્યની મજાક ઉડાવતાં હતાં એ પછી શાંત થવા લાગ્યા. પરંતુ વર્ષો સુધી કોઈ ચૈતન્ય સાથે રમ્યું નહિ કે એની સાથે કોઈએ મિત્રતા કરી નહીં. મારે જો સામાન્ય બાળક હોત તો મારે આ બધી ઘટનાઓમાં અપમાનિત થઈને પસાર થવું પડ્યું ન હોત. ચૈતન્ય પણ ક્યારેય આમ એકલો પડ્યો ન હોત. ચૈતન્ય માટે કોને કોને, ક્યાં ક્યાં હું શું સમજાવવાની હતી ? આ ખેદ હજુય ઘણી વખત મને સાલતો રહે છે.

‘ભગવાને તમને ચૈતન્યની માતા થવા માટે સહેતુક પસંદ કરવાના કારણની એને જાણ છે, કે તમારી પાસે માતૃત્વ અને વાત્સલ્ય ઉચ્ચ કોટીનું છે.’ મિસિસ શ્રોફે એક વખત મને કહ્યું. તેમના આ શબ્દોનો વિચાર કરતાં કરતાં મનેય ગળે ઊતર્યું કે ઈશ્વરની કાંઈક ચોક્કસ યોજના હશે એટલે જ એણે મને ચૈતન્યની સંભાળ લેવા માટે ખાસ પસંદ કરી છે.

સમાજે સ્વીકાર્યો

આસપાસના લોકોએ ચૈતન્યને ધીમે ધીમે સ્વીકારવાની શરૂઆત કરી. અમારા કેટલાક મિત્રોના બાળકોના જન્મદિવસે અમે એને ખાસ લઈ જતાં. શરૂઆતમાં અન્ય બાળકો એની તરફ કુતૂહલપૂર્વક જોતાં. એની સાથે દોસ્તી કરવા સહજ આગળ આવતાં ન હતાં,પણ ચૈતન્યના મધુર સ્વભાવથી એ હળવે હળવે તેમનાં મન જીતી લેવા લાગ્યો. પાર્ટીમાંના સહુને એ ગમતો. જોતજોતામાં શેરીમાં, આસપાસના ઘરનાં લોકોને, દુકાનદારોને, વાળંદને, ધોબીને સહુને એ પરિચય થયો.

ચૈતન્ય મનથી પ્રેમાળ હતો. એ દરેકનું મન સાચવતો. હળવે હળવે એવી પરિસ્થિતિ સર્જાઈ કે એને બહારથી આવેલો કોઈ અજાણ્યો માણસ હેરાન કરવા લાગે તો શેરીનાં અન્ય બાળકો એના રક્ષણ અર્થે દોડીને આવતાં. તેમાંના કેટલાક જણ એનાથી ઉંમરે મોટા હતા અને કેટલાક ખાસ્સા નાના હતા. પણ સહુએ સાથે મળીને એની સંભાળ રાખવી એ રોજિંદી વાત બની ગઈ. ચૈતન્યને રસ્તો ઓળંગવો હોય કે બિલ્ડિંગમાં ક્રિકેટ રમતો હોય, બધાંય એની સાથે મિત્રતાના ભાવે વર્તવા-બોલવા લાગ્યાં. એનો મિત્રસમૂહ જબરદસ્ત છે. બિલ્ડિંગમાંના ચોકીદારથી માળીથી ડ્રાઇવર સુધીના બધાયનો એનો મિત્રસમૂહમાં સમાવેશ છે. એનું લાડકવાયું નામ ‘સોનૂ’ છે. મને સહુ કોઈ ‘સોનૂની મમ્મી’ તરીકે ઓળખે છે. ચૈતન્યે મને જીવન પ્રત્યે જોવાની યોગ્ય દૃષ્ટિ આપી. આનંદ આપ્યો. અમારા પરિવારનો એ ‘ખાસ સભ્ય’ છે. એના વગર અમને પૂર્ણત્વ નથી એટલું સાચું !

વેદના ચિરંતન થઈ !

ચૈતન્ય સાત વર્ષનો થયો હતો, પણ હજુય એ તદ્દન નિરાગસ. નાનકડા બાળક જેવો દેખાતો અને બાળકનું બધુંય જેમ કરવું પડે તેમ એનું બધું જોવું પડતું. સાત વર્ષમાં ચૈતન્યને કારણે અમારું જીવન બદલાઈ ગયું હતું. અમારું અસ્તિત્વ પૂર્ણ ચૈતન્યમય થયું હતું.

હજુય મને એની ખૂબ ચિંતા થથી. ચિંતા એ કે અમારા મૃત્યુ પછી એની કોણ દેખભાળ રાખશે ? આ વિચાર સતત મનમાં આવવા લાગે એથી હું અસ્વસ્થ થતી. હું આ દુનિયા છોડીને જાઉં પછી ચૈતન્યની સંભાળ કોમ રાખશે એ વિચાર હળવે હળવે એટલો મનમાં ઊતરી ગયો કે તેનીય એક વિકૃતિ સર્જાઈ. મારા અજાણતાં હું એકાદ માનસિક રોગીની જેમ એ વિચારમાં અટવાઈ જવા લાગી. ઉંદર જેમ કોતરે તેમ મારા મૃત્યુનો વિચાર અને ચૈતન્યની ચિંતા મારું મગજ કોતરવા લાગી. ચૈતન્યને શાળાએથી આવતાં જરા મોડું થાય કે બગીચામાં એ સહેજ સમય પસાર કરે તો હું એટલી ગભરાતી કે જાણે કાંઈ હમણાં જ અશુભ થવાનું છે ! એને કોઈ ઉઠાવીને લઈ તો નહિ ગયું હોય ? રસ્તો ઓળંગતી વખતે એન અકસ્માત થયો હશે કે ? મારી ચિંતાનો અંત જ ન હતો. એને એક વખત આંખો

ભરીને જોઉં ત્યાં સુધી મારી અસ્વસ્થતા પૂરી થતી નહીં. તે સમયે મને જો કોઈ સમજાવવાનો પ્રયત્ન કરે તો હું એકદમ આક્રમક બનતી અને અકળાઈ જઈને હું મને સમજાવનારા ઉપર જ ગુસ્સે થતી.

મારા ધ્યાને આવ્યું હતું કે હુંય અનહદ ચિંતાગ્રસ્ત થતી જાઉં છું. મારી ચિંતા અને કાળજી હું બીજાઓ ઉપર લાદવા લાગી હતી. સત્ય અને અનુરાધાએ આ બધું કેવી રીતે સહન કર્યું હશે ? મનેય બધું સમજાતું હતું, પણ નિરાશાની ગર્તામાંથી બહાર નીકળવાનો કોઈ જ માર્ગ હાથ આવતો ન હતો.

ઘરમાં સહેજ પણ વિવાદ થાય તો મને એમ થતું કે આપણે જીવન ટૂંકાવી નાંખવું. કેટલીક વખત એમ પણ થતું ચૈતન્યને કાખમાં લઈ અમારા બન્નેનું જીવન ટૂંકાવવું. સતત મનમાં થતું કે મારા પછી ચૈતન્ય સાથે કોઈક ખરાબ વર્તણૂક કરશે તો ? તિરસ્કારપૂર્વક વર્તશે તો ? એવી મને અનુભવાતી બીક અસ્થાને ન હતી. મેં એવા કેટલાય પરિવારો જોયા હતા જ્યાં ત્યાંના મંદબુદ્ધિના સદસ્યો સાથે પરિવારના અન્ય લોકો ક્રૂરતાપૂર્વક વર્તતા હતા, તેમને ભાર માનતા હતા. પોતાના જીવનમાંનો અવરોધ

માનતા હતા. મારા મનમાં થતું, પરિવારના લોકોને જ જો આમ લાગવા લાગે તો બીજા લોકો આવા મંદબુદ્ધિનાં બાળકો માટે શું કરુણા દર્શાવવાનાં હતાં ?

અનુરાધા ચૈતન્ય સાથે ખૂબ સરસ વર્તતી, પણ એમ લાગતું કે ેનાં લગ્ન પછી સાસરિયાં કેવા હશે ? એનો પતિ ચૈતન્યને સ્વીકારશે કે ? અને સ્વીકારીને એને અનુરાધા જેવો પ્રેમ આપી શકશે કે ? અનુરાધાને બાળકો થયાં પછી એ અને એનો પતિ એટલા જ પ્રેમથી એને સંભાળશે કે ?

ખૂબ ગભરાઈ જાઉં કે હું એને હૈયા સાથે ભીડીને ચાંપતી અને ઘર સામેના આંગણામા આંટા મારતી. એને ખોળામાં ઊંઘાડતી વખતે એના ભવિષ્યની ચિંતા કરતી. મારી કાખમાં એ સુરક્ષિત છે, પણ આગળ શું ? આ સમગ્ર વેદના હૈયામાં સંઘરતા સંઘરતા એક દિવસ મારા હૃદયમાં જ એનો વિસ્ફોટ થયો અને એ પણ અનૂઠો હતો. મારી સમગ્ર વેદના ગીત સ્વરૂપે ઝરઝર વહેવા લાગી. હું નાનપણથી કવિતા લખતી હતી. તે દિવસથી મારા હૃદયમાં એક સંગીતકારે જન્મ લીધો. મારી વેદનાનું એક ગીત થયું. એક પ્રાર્થના થઈ. આજ સુધીમાં મેં પાંચસોથી વધુ ગીતો અને ભજનો રચ્યાં છે. મારા હૃદયની છીપમાં વેરાયેલાં દુઃખના આ ગીતરૂપી મોતી છે. આ સૂરોએ અને ગીતોએ મારી વેદના ચિરંતન બનાવી છે. મારી વેદનાને સૂર-તાલ મળ્યો. હૃદયમાં ઊંડાણમં જન્મેલા આ સંગીતે મારા જીવનમાં ધરમૂળથી બદલાવ કરાવ્યો. એ સંગીતનો દિવ્ય સ્પર્શ ચૈતન્યનેય સ્પર્શી ગયો.

એ સમયની મારી લાગણી ગીતો દ્વારા આમ સાકાર થઈ -

જીવનનો અર્થ

નવેસરથી જાણ્યો મેં

રંગ પ્રેમના એમાં

તારી યાત્રા લેખે લાગી.

વેદના હું શું કહું

સહન કરી કેવી રીતે ?

તારા માટે અરે હુંય...

પ્રાણ મારો મૂક્યો મેં હોડમાં...

સહારો રે તું જ મારો

શરીર તેં વિસ્તાર્યું

રૂપ મારા અંતરનું

લઈને સાકાર્યું એને.

તું નિરાળો

વિશ્વ તારુંય અનેરું

એ વિશ્વનું રૂપ સોહામણું

છતાંય તું શાને નિરાળો ?

એકતરફી ન્યાય ચુકાદો

ચૈતન્યના સહવાસમાં હું એક જુદી જ દુનિયાનો અનુભવ લેતી હતી. હજુય સમાજનાં વિવિધ સ્તરોમાં મળનારા લોકો પાસેથી ચૈતન્યની ઊણપો વિશે મારે સતત સાંભળવું પડતું હતું. કોઈ મળે ને મળે કે ચૈતન્ય વિશે ટીકાટિપ્પણી કરીને કંટાળો લાવીને છોડતું. એ સમયે વિશ્વનું સહુથી મુશ્કેલ કામ આવા લોકો સાથે બોલવું અને મળવું હતું. કોઈ કાંઈ આડુંઅવળું બોલે કે હું વળી નિરાશાની ગર્તામાં ડૂબી જતી. પછી તેમાંથી બહાર આવતાં મને ખૂબ સમય લાગતો. હું લોકોને વધુ મળતી નહીં. ચૈતન્યને કારણે કહો કે મને થયેલા કડવા અનુભવોને કારણે કહો, હું મારી જ દુનિયામાં ચૈતન્યને લઈને રહેવાનું પસંદ કરતી હતી. ડૉક્ટરોથી તો હું ખૂબ જ ડરતી હતી. તેમને મેં મારી કાળી યાદીમાં સમાવ્યા હતા, પણ પ્રત્યેકને દૂર રાખવા શક્ય ન હતાં. ડૉક્ટરોનો બહિષ્કાર કરતી વખતે તેમાં પણ અપવાદ રાખવો જરૂરી હતો. કારણ ચૈતન્યને તેમની આવશ્યકતા હતી.

મારા એકાંતવાસની સજા એક પ્રકારે મારા માટે પથ્ય નીવડી. હું અંતર્મનથી થોડી શાંત થવા લાગી. લોકોની સમડી જેવી નજરોથી દૂર રહેવાથી અને તેમના કોઈ પણ પ્રશ્નોના જવાબ આપવા ન પડતાં હોવાને કારણે હું હળવે હળવે શાંત થતી ગઈ.

પણ આ શાંતિ લાંબો સમય જળવાઈ નહીં. સત્ય નોકરી છોડીને ધંધામાં પ્રવેશ્યા હતા. તે પોતાના પગ ઉપર ઊભા રહેવાના પ્રયાસ કરી રહ્યા હતા. ઉદ્યોગધંધામાં થાળે પડવાની મથામણ કરતા હતા. એ સમયે તેઓ ઘરે જ કામ કરતા. આસપાસના બધાય લોકો સતત મને આ જ સંભળાવતા, એને મંદબુદ્ધિનો છોકરો હોવાને કારણે એને એ સાચવવો ગમતો નથી. એને ફક્ત કેરિયરની ચિંતા છે. બિચારો એનો પતિ બાળકને ખૂબ જ લાચારી સાથે સંભાળે છે. આ સ્ત્રી તો એવી છે કે પોતાની દુનિયામાંથી બહાર આવીને બહારી વિશ્વ સાથે વાત કરવાની એની તૈયારી જ નથી.

મને સાંભરે છે કે ડૉક્ટરોના ભયથી હું કોઈ પણ ડૉક્ટર પાસે ચૈતન્યને લઈ જવાનું ટાળતી. એક વખત આમ જ સત્ય ચૈતન્યને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. એ ડૉક્ટરે સત્યને ઉપદેશ આપ્યો હતો : તમારા પત્નીને આ બાળક પર પ્રેમ કરવા કહો. એના પ્રેમથી એ સુધરી શકે. તેમના એ શબ્દો હજુય હૃદયને ઘાયલ કરી જાય છે.

મારા પતિ સ્વતંત્ર હતા, હું સરકારી નોકરીામં હતી તેને કારણે મારો સમય બંધાયેલો હતો. મારી ફરજના ભાગરૂપે મારે પ્રવાસમાંય જવું પડતું. ઑફિસના સમય પહેલાં કે પછીય બેઠકો માટે વેળા-કવેળા જવું પડતું ! રજાના દિવસે કે કેટલીક વખત તહેવારના દિવસેય કામ પર જવું આવશ્યક હતું. આવી બેઠકો થાય કે બીજાઓને મારી પર ગુસ્સે થવા અને ગુસ્સો વ્યક્ત કરવા સહજ બહાનું મળતું. મને સતાવવા બોલનારા લોકો પ્રત્યક્ષ મારા માટે કાંઈ કરતા ન હતાં કે ચૈતન્યને પણ તેમની કોઈ મદદ મળતી ન હતી. તેમણે કરેલો એકતરફી ન્યાય મારે મૂંગા મોઢે સાંભળી લેવો પડતો.

લોકોના બેજવાબદાર બોલવાથી હું એટલી ઘાયલ થતી કે મારું દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકતી નહીં. અમારા બન્ને વચ્ચેના ઝઘડામાં જો સત્ય સુધ્ધાં આવો કાંઈક ઉલ્લેખ પણ કરે તો હું પણ તેમની ઉપર તૂટી પડતી. હું મારી નોકરી છોડી શકતી ન હતી. સત્યનો ધંધો હજુય થાળે પડતો ન હતો. જીવવા પૂરતાં પૈસા તો મળવા જોઈતા હતા. સરકારે આપેલા આવાસને કારણે રહેવાની તો સુવિધા હતી. નોકરી છોડીએ તો રહેવું ક્યાં, ત્યાંથી પ્રશ્નો ચાલુ થયા હોત. માથા પર છાપરું સુધ્ધાં રહ્યું ન હોત.

પ્રામાણિકપણે કહું છું કે તે સમયે મને મારા અધિકાર ધરાવતા હોદ્દાનીય આવશ્યકતા હતી. તેને કારણે તો ચૈતન્ય માટે આવશ્યક મદદ અહીંથી ત્યાંથી મેળવી શકતી હતી. બધી સગવડો જો મારી પાસે હોત કે સત્યનો ત્યાં સુધીમાં ધંધો થાળે પડ્યો હોત તો મેં નોકરી ચાલુ રાખવાનો આગ્રહ સેવ્યો ન હોત. મારું મન એ નોકરીમાં શરૂઆતથી જ માન્યું ન હતું.

એક વિચિત્ર ધર્મસંકટમાં હું સપડાઈ હતી. મારો પક્ષ હું કોઈને સમજાવીને કહી શકતી ન હતી. મારી ભૂમિકાનું સમર્થન મેં કર્યું હોત તો એ કોને ગળે ઊતરવાનું હતું ? આપણા સમાજમાં સ્ત્રીની ભૂમિકા હજુય સંદિગ્ધ છે. એણે પુરુષ જેવું કર્તવ્ય દર્શાવવું પણ એને ન્યાય આપતી વખતે સમાજે, સગાવહાલાઓએ પારંપરિક કસોટીએ મૂલવવી. ઑફિસ અને ઘર વચ્ચે મારી કેવી ખેંચતાણ થતી હતી એ હું જ જાણું છું !

મારા જીવનમાં સર્વપ્રથમ સ્થાન ચૈતન્યનું હતું, પણ કોણ જાણે કેમ, લોકોને લાગતું કે હું એની તરફ પૂરતું ધ્યાન આપતી નથી ! તેને કારણે મારામાં એક લઘુતાગ્રંથિ જન્મવા લાગી, કે હું એક સારી માતા થઈ શકીશ નહીં. મારી તકલીફો શું હતી એ કોઈએ ક્યારેય ધ્યાને લીધી નહીં.

ઘણી વખત મનમાં વિચાર આવે છે, ઇતિહાસ પણ આમ જ એકતરફી લખવામાં આવતો હશે કે ? સામાન્ય લોકોએ એકતરફી અને પ્રાસંગિક નિર્ણય લેવાના, કોઈ સારું કહેતાં, કોઈક ખરાબ ગણાવતાં. સત્યાસત્યની ચકાસણી કર્યા વગર જ !

મેં ભય ઉપર વિજય મેળવ્યો

ચૈતન્યની પ્રગતિને કારણે મારો એના પર વિશ્વાસ બેસવા લાગ્યો. તેને કારણે મારું પોતાનું મનોબળ વધવા લાગ્યું. હવે મને ચૈતન્ય વિશેનાં લોકોનાં વિચિત્ર બોલવા અને વિશિષ્ટ નજરની બીક લાગતી ન હતી. હું ચૈતન્યને મોકળાશભેર અનેક સ્થળે લઈ જવા લાગી. જમ અન્ય સામાન્ય બાળકો પોતાનાં માતાપિતા સાથે જાય છે, તેમ ચૈતન્ય પણ અમારી સાથે છુટ્ટો બહાર આવવા-જવા લાગ્યો. એને સાથે લઈ જવામાં મને ક્યારેય શરમ અનુભવાઈ ન હતી. અન્ય સામાન્ય બાળકોમાં એનું ભળવું મને અસ્વસ્થ કરતું ન હતું.

બીજાઓ સાથે રમતી વખતે, તેમનામાં ફરતી વખતે એને જો મારી મદદની જરૂર હોય તો હું એય નિઃસંકોચ કરવા લાગી. બીજાઓને આ કહેતાં મને ક્યારેય ઓછપ આવતી નહીં કે ચૈતન્યને મદદની આવશ્યકતા છે. હવે તો હું લોકોના વિચિત્ર પ્રશ્નોનોય હિંમતથી સામનો કરતાં શીખી હતી. ચૈતન્ય મંદબુદ્ધિનો છે એ શાંતિથી કહી શકતી હતી.

મારો સંકોચ જેમ જેમ દબાતો ગયો તેમ તેમ મારો આશાવાદ અધિક સબળ થતો ગયો. હું પણ એક ખાસ બાળકની ખાસ માતા છું એની મને અનુભૂતિ થવા લાગી.

‘સ્પે’શલ્‌ સ્કૂલ’માં જવાને કારણે ચૈતન્યમાં પણ સુધારો થવા લાગ્યો. એનો આત્મવિશ્વાસ દ્વિગુણીત થવા લાગ્યો. એના શિક્ષકો, મિત્રો અને શાળાના અન્ય કર્મચારીઓમાં એ ઝડપથી લોકપ્રિય થવા લાગ્યો. એના બોલવામાં સુધારો થવા લાગ્યો અને ઉચ્ચારોમાંય સ્પષ્ટતા વધી. લોકોમાં ફરવું કેવી રીતે એનો ચૈતન્ય એક મૂર્તિમંત આદર્શ હતો અન હજુય છે.

એ દૃષ્ટિએ એની અભ્યાસની ગતિ મંદ રહી. એની રુચિ ચિત્રકળા, પેઇન્ટિંગ, સંગીત, હસ્તકળા તરફ વધુ છે.

એણે ૧૯૯૭-૯૮માં રાજ્યસ્તરીય આનંતરશાળા સ્પર્ધામાં દોડવાની હરીફાઈમાં બે ઇનામો મેળવ્યા ત્યારે અમારો આનંદ સમાતો ન હતો. એણે દોડવાની હરીફાઈમાં મેળવેલા રજતચંદ્રક એના અને અમારા જીવનનાં ગૌરવ ચિહ્નો છે.

એનાં ઇનામો જોઈને અને એને મળેલાં પ્રમાણપત્રો વાંચતી વખતે મને મારી ઉપર જ વિશ્વાસ બેસતો ન હતો. એને કોઈ પણ ઇનામ મળે કે હું એક વખત ચૈતન્ય સામે અને એક વખત એના ઇનામ તરફ જોતી. એને બાથ ભરતી અને વારંવાર ચૂમી લેતી. હું હસતા હસતા રડતી. એ રડવું હર્ષનું હતું. જાણે આ અશ્રુ માતા તરીકે મને થયેલા અન્યાયનું નિરસન કરતાં હતાં. કોઈ પણ પ્રકારના મહાવરા વગર લગભગ અઢારસો બાળકોમાં ચૈતન્ય ઝળક્યો હતો. એની પસંદગી મૅરેથોન દોડ માટે સુધ્ધાં થઈ હતી. પાછળથી એ તબિયતને કારણે મૅરેથોનમાં દોડી શક્યો નહીં એ વાત જુદી છે. એ આજ નહીં ને કાલ, આગલા વર્ષે કે તેથીય આગળના વર્ષે ચોક્કસ સફળતાના શિખરો એક પછી એક સર કરતો જશે એવી મને શ્રદ્ધા જાગી હતી. ચૈતન્યની માતા હોવાનો આજે હું ગર્વ અનુભવું છું. એની સફળતાને કારણે વિશ્વની આવાં બાળકોની અન્ય માતાઓએ પણ પ્રેરણા લેવી એમ મને મનોમન થાય છે.

વીતેલા જીવન તરફ વળીને જોતાં મારા મનમાં વિચારઆ વે છે, અંતે જીવન એટલે શું ? આપણે જેમ એન સ્વીકારીએ છીએ, જે દુર્દમ્ય આશાએ જીવીએ છીએ તેની પર જ આપણા જીવનની ગુણવત્તા નક્કી થાય છે ને ? આપણા જીવનને ચેતના આપનારી સંજીવની પ્રેમની હોય છે. બાકી બધી વાતો નગણ્ય હોય છે. આપણી ઇચ્છાશક્તિ અને તેને મળેલ પ્રેમના સાથ વડે આપણે ગમે તેટલા મુશ્કેલ પ્રસંગ હોવા છતાં આપણે તેમાં વિજય મેળવી શકીએ છીએ. ચૈતન્યે મન અંતર્મુખ બનાવી અને આત્માનું સૌંદર્ય જોતાં શીખવ્યું. એ મંદબુદ્ધિ હોવાની તકલીફ અમને થતી નથી. અમે ત્રણે અને ચૈતન્ય એનાં મંદબુદ્ધિત્વ સહિત જીવવા શીખ્યા છીએ. એણે મને આપેલ આત્મીય બળ ક્યારેય ન ખૂટનારું, અક્ષય છે.

એક દિવસ હું ચૈતન્ય સાથે બસમાં પ્રવાસ કરી રહી હતી. એણે મને કહ્યું, ‘ટિકિટ હું લઈશ.’

કંડક્ટર જેવો નજીક આવ્યો તેમ ચૈતન્યે હસતાં હસતાં તેને કહ્યું, ‘વન ફુલ, વન હાફ.’

એ શબ્દ મને અંતર્મુખ કરી ગયા. આપણે સામાન્ય માણસો પોતાને પૂર્ણ માનીએ છીએ અને મંદબુદ્ધિના કે અપંગ લોકોને અપૂર્ણ અથવા અધૂરા માનીએ છીએ. પણ સાચ્ચે જ આપણે પરિપૂર્ણ છીએ કે ? ચૈતન્યને કારણે મને સતત અનુભવવા મળ્યું કે એનું જીવન સમૃદ્ધ અને સંપૂર્ણ છે. નિરાગસ-નિષ્પાપ છે. આપણા જીવનને કેવળ આપણે દ્વેષ, અસૂયા, અદેખાઈ ઇત્યાદિથી નિસ્તેજ કરી નાંખીએ છીએ અને પછી આપણું વિશ્વ અને જીવન બન્ને અપૂર્ણ રહે છે. એના એ બે શબ્દો મને આ પૂર્ણત્વ અને અપૂર્ણત્વનું ભાન કરાવી ગયા. પૂર્ણ-અપૂર્ણનો આ વિચાર સતત મારા મનમાં હોય છે.

ચૈતન્ય અમારાથી ચોક્કસ નિરાળો છે, પણ એ અમારાથી વધુ પરિપૂર્ણ ભિન્ન છે એનો સ્વીકાર મારે કરવો જ પડે. બસનો એ પ્રવાસ અમારા બન્નેનો સરખો હતો. અંતર સુધ્ધાં એ જ હતું. તફાવત કેવળ ટિકિટોની કિંમતમાં હતો. આપણા જીવનનો આ પ્રવાસ પણ થોડોઘણો આવો જ નથી કે ? જે દિવસે આપણો સમાજ આ સત્ય સ્વીકારશે તે દિવસે કોઈ પૂર્ણ અને કોઈ અપૂર્ણ એવા ભેદભાવ જ રહેશે નહીં. એ દિવસે આ વિશ્વ પૂર્ણત્વને આંબશે. પ્રેમથી રસભર્યું આ વિશ્વ, એકમેકના સુખ-સંતોષ માટે આકુળ-વ્યાકુળ આ વિશ્વ. એકબીજાના સુખદુઃખ વહેંચી લેનારું આ વિશ્વ - નિશ્ચિત જ પરિપૂર્ણ હશે.

ચૈતન્ય આવ્યો અને એણે અમારો પરિવાર પરિપૂર્ણ બનાવ્યો. જીવન માટે એને ખૂબ તકલીફો વેઠવી પડે છે. તબિયતની સેંકડો ફરિયાદો અને અનંત યાતના વેઠીનેય ચૈતન્યે અમને બધાંયને ચિરંતન આનંદ આપ્યો.

ચૈતન્ય આજે બાવીસ વર્ષનો છે. એના જેટલો મધુર, પ્રેમાળ બાળક શોધ્યેય મળે નહીં. બાવીસ વર્ષનો હોવા છતાં એ હજુય બાળક જેવો નિરાગસ છે. મનથી અત્યંત લાગણીશીલ, ખૂબ હોશિયાર અને નિષ્પાપ છે. એ એક પવિત્ર આત્મા છે.

નિયતિની કોઈક પૂર્વનિયોજિત યોજના અનુસાર ચૈતન્ય અમારા ઘરમાં જન્મ્યો. આ અંગે મને ખાતરી થઈ ચૂકી છે. અમે એને ખૂબ પ્રેમ આપ્યો. એણે અમને એથીય વધુ પ્રેમ આપ્યો. એને ઘણીબધી શારીરિક અને માનસિક વ્યાધિ છે, મર્યાદા છે. એ એમ જ રહેવાની છે. એ પણ અમે જાણીએ છીએ. એ જેવો છે એવો જ અમને પ્રિય છે. એ એવો જ અમારે જોઈએ છે.

આજે વિશ્વમાં આપણે ચારેબાજુ જોઈએ છીએ કે કેટલાંક માતા પિતાનાં બાળકો તેમને છોડીને જતાં રહે છે. કોઈક પોતાનાં માતા-પિતા સાથે દુર્વ્યવહાર કરે છે તો કોઈક માતા-પિતાને પૂર્ણતઃ ભૂલી જાય છે. પછી એમ લાગે છે કે ચૈતન્ય રૂપે પ્રેમનો એક અફાટ ખજાનો જાણે અમને મળ્યો છે. વિશ્વના કેટલાય પાલક, તેમનાં બાળકો તેમને પ્રેમ કરતાં નથી એટલે દુઃખી છે, કોઈ કોઈનાં બાળકો કામ નિમિત્તે દૂર જાય છે, તો કોઈક મનથી છૂટા પડે છે. ચૈતન્ય હંમેશા અમારી સાથે રહેવાનો છે. અમારા મૃત્યુ સુધી અમને પ્રેમ કરવાનો છે.

આમ અમારું સામાજિક જીવન વધુ નથી. ઑફિસનાં કામો પૂરાં થાય કે અમે ચૈતન્ય સાથે હોઈએ છીએ. એને કારણે પાર્ટીમાં જઈ શકાતું નથી. પ્રવાસે જઈ શકતાં નથી આથી અમને એનો ખેદ પણ થતો નથી.

અમારું વિશ્વ અમારામાં જ પરિપૂર્ણ છે. અમને અમારા જીવનમાં અધૂરપ છે એમ લાગતું નથી. અમે બધા એક છીએ ને અમારું વિશ્વ પરિપૂર્ણ છે. ચૈતન્યની સ્મરણશક્તિ દિગ્મૂઢ કરનારી છે. એક વખત મળેલા માણસને એ ક્યારેય ભૂલતો નથી, છેક તેની શૈલી સાથે કે શારીરિક વૈશિષ્ટ્ય સાથે એ પેલા માણસની ઓળખ રાખે છે.

એની નકલો આબેહૂબ કરે છે. ચૈતન્યને પરિચિતો જેટલાં જ પરિચિત છે ક્રિકેટના ખેલાડીઓ. વિશ્વની બધી ટીમોના ખેલાડીઓની, તેમની શૈલીની એને તંતોતંત જાણકારી છે. પ્રત્યેક ખેલાડીઓ વિશેનો એનો પોતાનો એક આગવો અભિપ્રાય છે. પસંદગી-નાપસંદગી છે. મોટે ભાગે એનો મત સચોટ હોય છે એ વિશેષ. બૉલર કે બૅટ્‌સમેન કરતાં સહુથી વધુ એને ગમે છે વિકેટકિપર. દરેકની એ જાણકારી અચૂક આપે છે. સચિન તેંડુલકર કરતાં નયન મોંગિયા, ઇયાન હિલી (ઑસ્ટ્રેલિયા), માર્ક બાઉચર (દક્ષિણ આફ્રિકા), મોઇન ખાન (પાકિસ્તાન), અલેક સ્ટુઅર્ટ (ઇંગ્લૅન્ડ) જેવા વિકેટકિપર એને ગમે છે, હીરો લાગે છે. નયન મોંગિયાને મળીને એની સાથે પડાવેલા ફોટાનો ચૈતન્યને ગર્વ છે. એ આ બધાને ‘કૅચમેન’ કહે છે.

હમણાં જ એક આહ્‌લાદક પ્રસંગ બન્યો. દેવેન્દ્ર પ્રભુ દેસાઈ એટલે મારા જમાઈએ રાહુલ દ્રવિડ પર લખેલું પુસ્તક લોકપ્રિય થવા લાગ્યું. આ આનંદ ઊજવવા તેમણે તેમના કેટલાક આપ્તજનો અને પસંદગીના મિત્રોને મિજબાની આપી. ભોજન પહેલાં દેવેન્દ્રએ એક નાનકડું ભાષણ આપ્યું. એને પુસ્તક લખવામાં મદદ કરનારાઓનો તેમણે આભાર માન્યો અને ‘અહીં ઉપસ્થિત રહેલાઓમાંના ક્રિકેટના સર્વશ્રેષ્ઠ પ્રેમી, મારા સાળા ચૈતન્ય સત્યનારાયણને હું આ પુસ્તકનું વિમોચન કરવા નિમંત્રિત કરું છું.’ એમ જાહેર કર્યું ત્યારે થોડીક ક્ષણ હું થીજી ગઈ. દેવેન્દ્ર માટે આશ્ચર્ય જાગ્યું. પણ ચૈતન્યની ઊણપ પર કોઈ ટીકા કરશે કે એ બીકને કારણે હું આકુળવ્યાકુળ થઈ.

ચૈતન્ય શાનદાર રીતે ડગ માંડતો આવ્યો અને અદબપૂર્વક નમીને ભાવનાપૂર્ણ રીતે એણે પુસ્તકનું લોકાર્પણ કર્યું. હૉલમાં સોએક માણસો હતા. તાળીઓનો ગડગડાટ થયો. દેવેન્દ્ર કરતાં વધુ ગૌરવ ચૈતન્યને થયું. બીજા દિવસે અનેકોના ફોન આવ્યા. મારી હર્ષાશ્રુથી છલકાતી આંખો લૂછતાં લૂછતાં મનોમન હું આનંદિત થઈ.

એને કેટલાક ફિલ્મી કલાકારો પણ પ્રિય છે. શાહરુખ ખાન, અમરીષ પૂરી, જેકી શ્રોફ, નાના પાટેકર એ એના ગમતા કલાકારો છે. સુરેશ વાડકર, આશાભોસલે, અજિત કડકડે એને એટલાં ગમે છે કે એ તેમને એના મિત્ર કહે છે. રાજીવ ગાંધી, રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, શરદ પવાર, મનોહર જોશી, બાળાસાહેબ ઠાકરે, જયલલિતા પણ એનાં નિકટના ‘ઓળખીતા’ છે.

ચૈતન્ય ચિત્રો સુંદર રંગે છે. મીણબત્તીઓ બનાવે છે. કવર બનાવે છે. સુથારીકામ શીખે છે. શાળામાંથી પોતાના કામના વળતરરૂપે ખાસ્સું માનદ્‌વેતન મેળવે છે.

એ ફોન ઉપર સરસ વાત કરે છે, ઘરકામ કરે છે. સેન્ડવિચ બનાવીને ખવરાવી શકે છે. એ મોટા લોકોમાં ભળી જાય છે. એટલો જ એ એને સંભાળનારા બાળકોમાં આનંદ મેળવે છે. તેમને પોતાના કોળિયામાંથી કોળિયો આપે છે. તેમના પર કોઈ ગુસ્સે થાય એ એને ગમતું નથી. ગીતો ગાતાં, નાચતા એ અમને અમારા ઘરને હસતું રાખે છે.

એને ગીતો ખૂબ ગમે છે. એને ખાસ વાંચતાં આવડતું નથી, પણ કૅસેટમાંનાં ગીતોનો ક્રમ કઈ કૅસેટ કોની છે એ બધું એને મોઢે છે. એની એકાદ કૅસેટ આપણે ઉઠાવી લઈએ અથવા એના રંગ સંતાડી દઈએ તો તુર્ત જ એના ધ્યાને આવે છે. ભગવાન ક્યાંક ભરપાઈ કરતો રહે છે એ જ સાચું. ચૈતન્યે અમને હસીને વેદના જીવતાં શીખવ્યું છે. એ માંદો હોય ત્યારે અમે બધાં એની આસપાસ હોઈએ છીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એને સોરાયસિસની ગંભીર માંદગી વળગી છે. એની તબિયત પણ વધુ સારી રહેતી નથી. આમ છતાં એ અમરાા પરિવારનો આત્મા છે. અમને ઈશ્વર પાસેથી મળેલું એ બ્રહ્મચૈતન્ય છે. એની તબિયત સારી થાય એ માટે અમે સતત પ્રાર્થના કરીએ છીએ.

ઘણી વખત મને થાય છે - ચૈતન્યની બરોબરીનાં બાળકો બરોબરીનાં જ શા માટે ? પછીનાં બાળકોય એની ખૂબ આગળ નીકળી ગયા. કોઈક વ્યવસાયમાં જોડાયાં. કોઈકે નામના મેળવી. ચૈતન્યને હજુય પૂરતાં આકંડાં ગણતાં આવડતા નથી. લખતાં-વાંચતાં આવડતું નથી. પછી હું ફરીથી વિચાર કરું છું - નહીં ફાવ્યું હોય. ચૈતન્યને પ્રગતિનો માઈલસ્ટોન બીજાઓની બરાબરીમાં વળોટતાં. પણ એના જેવો નિર્વ્યાજ પ્રેમ કરી શકે છે કોઈ ? નાની વાતોમાં મોટો આનંદ મેળવવાનો બાળપણનો જાદુ એ હજુય ભૂલ્યો નથી. રંગીન ચોક જોઈનેય એનો ચહેરો ખીલી ઊઠે છે, એના ચિત્રને સુંદર કહીએ કે મોટો પુરસ્કાર મળ્યા જેમ એ હરખાઈ જાય છે. મારી આંખોમાં પાણી આવે તો મને મોટા માણસની જેમ છાતીએ વળગાડે છે... ચૈતન્યના આવાં અનેક રૂપો મને આનંદ આપે છે, ઉત્સાહ આપે છે. જતન કરવા જેવી ક્ષણો આપે છે. હું પોતાના જીવનનો વિચાર કરું છું ત્યારે મનમાં છવાયેલી રહે છે દુભાયેલી ક્ષણો, પરાજયના પ્રસંગ, અસૂયા, ઈર્ષ્યા, છળપ્રપંચમાં ડૂબેલા આપણે અને આપણા જેવા પોતાને ‘પૂર્ણ’ સમજનારા લોકો.

સાચ્ચે જ કોનું વિશ્વ પૂર્ણ છે - ચૈતન્યનું કે આપણું ?

આવા આ અધૂરા અને અપરિપૂર્ણ વિશ્વમાં ક્રોધ, લોભ, દ્વેષ, અદેખાઈથી ઘેરાયેલા આ વિશ્વમાં એને આપણા જેવા બનાવવાને બદલે અમે જ એનાં નિષ્પાપ, નિરાગસ વિશ્વમાં પ્રવેશ કરીને ત્યાં જીવવાનું શીખ્યા છીએ. આપણું વિશ્વ અનેક વિકારોથી ઘેરાયેલું છે, અપરિપૂર્ણ છે.

ચૈતન્યનું વિશ્વ પ્રેમથી રસબોળ અને પૂર્ણ છે. કેટલાક લોકોને લાગે છે કે ચૈતન્ય જેવા મંદબુદ્ધિનાં બાળકો ગાડાં જેવાં હોય છે અને તેમનું વિશ્વ પણ એ કારણે અજોડ છે. પણ આ પૂર્ણ ખોટું છે. પૂર્ણ સત્ય એ છે કે ચૈતન્યનું વિશ્વ સાચા અર્થમાં પૂર્ણ પ્રેમથી રસબોળ અને સંતોષથી છલોછળ ભરાયેલું છે. જે વિશ્વ એના હૃદયમાં છે તે જ વિશ્વ હવે અમારાય હૃદયમાં છે. ખરું તો તે પ્રેમ અને કરુણાથી છલોછલ એક પરિપૂર્ણ વિશ્વ છે.

ચૈતન્ય તારો મનઃપૂર્વક આભાર !

આ પુસ્તક પૂરું કરતાં પહેલાં કેટલાંક ખાસ લોકોનો ઉલ્લેખ કર્યા સિવાય આ પુસ્તક પરિપૂર્ણ થઈ શકે નહીં. એક તરફ મને થયેલા કડવા અને દારુણ અનુભવ. ચૈતન્યના મંદબુદ્ધિપણા વિશેની મારી અજ્ઞાનતા અને બીજી તરફ ડૉક્ટરો ઉપર પૂર્ણતઃ નિર્ભર રહેવાથી તેમની વાતોને કારણે મને મળેલી નિરાશા, આ બધા ઉપર વિજય મેળવવામાં મને કેટલાક માણસોની અમૂલ્ય મદદ મળી. અનેક વર્ષો સુધી અનહદ તાણ હેઠળ ઑફિસ અને ઘર સાચવતાં અને તે સાથે જ ચૈતન્યની જવાબદારી સંભાળતા અનેક વખત લાગ્યું કે આપણાથી આ સહેવાતું નતી. મારાથી આ થશે નહીં. પણ પ્રત્યેક સમયગાળામાં કોઈક ને કોઈક દેવદૂતની જેમ મદદનો હાથ આપતાં મારી સામે હાજર હતાં. જીવનના દરેક તબક્કે મળેલી આ અણમોલ વ્યક્તિઓ, જેમનો ઉલ્લેખ કર્યા વગર હું મારું લખાણ પૂરું કરી શકું નહીં.

ચૈતન્યની કથા કહેતાં આ લોકોનો ઉલ્લેખ વિગતવાર કર્યો નહીં એનું એટલું જ કારણ કે વિષયાંતર કર્યું હોત તો મારે જે કહેવું હતું તે વાંચકોના મન પર પ્રભાવકપણે અંકિત કરી શકી ન હોત.

આ બધા માણસોએ મને રાખમાંથી ફરી ઊભી થતાં જોઈ, આકાશમાં ઊંચી છલાંગ મારતાં જોઈ. મારા પ્રત્યેક બદલાવ સમયે વખતોવખત મને શક્ય હોય એટલી મદદ કરી. આધાર પણ આપ્યો અને સારા દિવસ આવવાની રાહ જોઈ. મને ખાતરી છે કે એ સમયે હુંય અનેક વિચિત્ર રીતે વર્તી. આ લોકોના મન કદાચ મેં રાખ્યાંય નહીં હોય. હું જ એટલી ગાંડીઘલી થઈ ગઈ હતી કે ઘણી વાતોનું ભાન ત્યારે મને ન હતું એ સાચું. છતાં આ બધા માણસોએ મને દૃઢ સમર્થન આપ્યું અને ચૈતન્યનાં મંદબુદ્ધિપણા ને વિકલાંગતા ન માનતાં એની પર હિંમતથી વિજય મેળવવામાં યથેચ્છ મદદ કરી. તેમના પ્રેમે મારામાં કડવાશ આવવા દીધી નહીં. ના લોકો માટે, ના જીવન માટે. તેમના કારણે જીવન પરથી શ્રદ્ધા પ્રગાઢ થતી ગઈ. તેમના માનવતાવાદી વ્યવહારને કારણે માણસ પરની મારી આસ્થા, કડવા અનુભવો મળ્યા હોવા છતાંય ડગી નહીં. આ માણસોની મદદથી અનંત યાતનાઓ અને મુશ્કેલીભર્યા જીવનનો પ્રવાસ હું કરી શકી.

આમાંનાં કોઈએ જ મને ઠગારી આશા કે સ્વપ્નો બતાવ્યાં ન હતાં. તેમણે મને ફક્ત જીવન જેમ છે તેમ સ્વીકારતાં શીખવ્યું. પ્રત્યેક પ્રસંગ સાથે હું લડી રહી હતી ત્યારે આ લોકો મારી પડખે રહ્યા. તેમણે ચૈતન્યને ક્યારેય મારા જીવનનો અંતરાય ગણ્યો ન હતો. તેમણે મને ચૈતન્ય વિશે ક્યારેય આડાઅવળા પ્રશ્નો પૂછ્યા ન હતા. એટલે જ આવા આ સામાન્ય હોવા છતાંય અસામાન્ય રહેલા માણસોનું અનોખું સ્થાન છે, આ પુસ્તકમાં અને મારા હૃદયમાં પણ.

ડૉ. આર. જી. ધાકપ્પા

એ સમયે ડૉક્ટર નામ પડે કે એ મારી કાળી યાદીમાં રહેતો ડૉ. ધાકપ્પાનું નામ માત્ર આમાં અપવાદ હતું. તે ડૉક્ટર હોવા છતાંય ન્યારા હતા. સહૃદયી હતા. હું જ્યારે આરોગ્ય વિભાગમાં કામ કરતી હતી ત્યારે તે મારા સાથી હતા. મારી અન્ય વિભાગમાં બદલી થયા પછીય ડૉ. ધાકપ્પાનો અમારા પૂર્ણ પરિવાર સાથે મૈત્રીનો સંબંધ જળવાઈ રહ્યો. ચૈતન્ય વિશે સાંભળીને તે અમને મળવા આવ્યા. તે પોતે બાળરોગ નિષ્ણાત હોવાને કારણે તેમની પારખુ દૃષ્ટિમાંથી ચૈતન્યનો જન્મદાત દોષ છૂપો રહ્યો નહીં. પણ તેમણે એ તરફ જોયા ન જોયા જેમ કર્યું. એકાદ સામાન્ય બાળકને મળ્યા પછી જે સહજતાથી તે એની માતા સાથે બોલ્યા હોત એટલી સહજતાથી મારી સાથે વાત કરવા લાગ્યા.

થોડાં અઠવાડિયાં પછી જ્યારે અન્ય ડૉક્ટરોને કારણે મારા મન પરની તાણ વધીને અસહ્ય થવા લાગી તે વખતે મેં તેમને ફોન કર્યો. તેમને મારું નિરાધારપણું સમજાયું. તેમણે મને બરાબર સાંભળી લીધી ને મૃદુ શબ્દોમાં તેમણે મને કહ્યું, ‘કેટલાક બાળકોને મોટાં થતાં વાર લાગે છે.

માઈલસ્ટોન પસાર કરવાં માટે ધીમી ગતિએ આગળ જતાં હોય છે. તેમાં ચિંતા કરવા જેવું શું છે ? જાતે અસ્વસ્થ થવાથી શું મળશે ? એનો વિચાર કરવાનું છોડી દો. પોતાની તબિયતનું ધ્યાન રાખો. તમારે આમેય નોકરીમાં પૂરતી તકલીફો છે જ ને ? તમારે પોતાને સંભાળવા જોઈએ, કારણ તમારા બાળકને તમારી જરૂર છે.’

વખતોવખત તે મારી સાથે આ જ રીતે બોલવાને કારણે મને સતત તેમનો માનસિક આધાર મળતો. ચૈતન્યના જન્મ પછી જે વિવિધ આઘાત મારા મન ઉપર થયા હતા, તેને કારણે ઘાયલ થયેલા મારા મનને શાતા આપવાનું કામ ડૉ. ધાકપ્પાએ અનેક વર્ષો સુધી કર્યું. તેમણે મને કોઈ પણ ભ્રમમાં રાખી નહીં. અત્યંત સૌજન્યપૂર્વક અને મૃદુતાપૂર્વક તેમણે મને ચૈતન્ય અંગેનું સત્ય સ્વીકારતાં શીખવ્યું. ચૈતન્યના બાળરોગ નિષ્ણાત ડૉક્ટરને એ મહિલા હોવા છતાં ફાવ્યું નહીં.

નાનપણમાં ચૈતન્ય વારંવાર માંદો પડતો ત્યારે મારો પહેલો ફોન ડૉ. ધાકપ્પાને રહેતો. તે સેવા માટે સદાય તત્પર રહેતા. અમારા ઘરથી તે દસબાર કિ.મી. દૂર રહેતા, પણ ઝડપથી અમારા ઘરે વેળા-કવેળાએ આવી જતાં. અનેક વખત મધ્યરાત્રીએ મેં તેમની ઊંઘ બગાડી છે. અનેક વખત પાછલા પહોરે તે ચૈતન્યને મદદ કરવા અમારા ઘરે થોડી મિનિટોમાં જ આવ્યા છે. તેમનામાં અને અન્ય ડૉક્ટરોમાં ફરક એ હતો કે ચૈતન્યને તપાસી ગયા પછી ચોક્કસ સમયે તે જાતે ફોન કરીને એની તબિયતના સુધારા અંગેના તારણ મેળવતાં. ફોન પરથી સૂચના આપતાં અને સાંત્વના તો આપતાં જ આપતાં. આવા ડૉક્ટર વિરલા !

ડૉ. ધાકપ્પાએ આ બધું કર્યું એની પાછળ સેવાભાવ તો હતો જ, પણ ચૈતન્યને કારણે મારે જે માનસિક આઘાત સહન કરવો પડ્યો હતો એનું દુષ્પરિણામ મારા પર ન થાય એ હેતુસર તેમનો સમજણપૂર્વક પ્રયત્ન રહેતો. ચૈતન્યની માતા તરીકે તેમણે મારી ભૂમિકાએ વિચાર કરીને મારીય સંભાળ લીધી. આવી સરખામણી જ ન હોય. મારી તરફ કોઈ પણ જાતની લાગણી દર્શાવ્યા સિવાય તેમણે મને આપેલી સહાનુભૂતિપૂર્વકની વર્તણૂક હું આજન્મ ભૂલીશ નહીં.

વર્ષો સુધી તે અમારા ફેમિલી ડૉક્ટર હતા. તેનો આભાર શબ્દોમાં વ્યક્ત કરવો શક્ય જ નથી, પણ એક માતાના હૈયામાંથી નીકળેલ આશિષ સદાય ડૉ. ધાકપ્પા સાથે રહેશે.

ડૉ. રમાકાંત કેણી

ડૉ. રમાકાંત કેણી જિરિયાટ્રિશિયન એટલે વૃદ્ધાવસ્થા સમયના રોગોના નિષ્ણાત હતા. પણ તે સાથે જ આધ્યાત્મિક શક્તિથી રોગીઓને સાજા કરવાની એક નવી પદ્ધતિનો તે ઉપયોગ કરતા હતા. રોગીને માથા ઉપર અને દુઃખતા ભાગ ઉપર પોતાના સુકોમળ હાથ મૂકીને તે પ્રાર્થના કરતા. એક પ્રસિદ્ધ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી હૉસ્પિટલમાં તેમની આ પ્રયોગશાળા ચાલતી. અમારા પરિવારના સહુ કોઈને તે પ્રેમ કરતા. ચૈતન્યનો જન્મ થયા પછી તે તેમની બધી ઍપોઇન્ટમેન્ટ રદ કરીને સીધા

મારી હૉસ્પિટલમાં આવ્યા. બનેલી ઘટના તેમના ધ્યાને આવી. તે કાંઈપણ બોલ્યા વગર મારી પાસે લાંબ સમય ઊભા રહ્યા. તેમની મીંચી દીધેલી આંખોમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં. હોઠો પર પ્રાર્થના હતી.

થોડી ક્ષણોમાં તેમણે પોતાને સાચવી લીધા. તેમણે ચૈતન્યને હૃદય સાથે ચાંપ્યો અને ફરી આંખો મીંચીને પ્રાર્થના કરી. પછી તેમણે ચૈતન્યને ઊંચકી લીધો અને તેમણે એના કાનમાં વાત્સલ્યભર્યા સ્વરે કહ્યું, ‘તું એક સ્વર્ગીય આત્મા છે. તું જે પરિવારમાં જન્મ્યો છે એ પરિવાર પર ઈશ્વરના આશીર્વાદ છે. ભગવાને તને એટલા માટે જન્મ આપ્યો છે, કારણ એને ખબર છે કે આ પરિવારની દરેક વ્યક્તિ તારી પ્રામાણિકતાપૂર્વક સેવા કરશે અને તને જીવનભર પહોંચે એટલો પ્રેમ આપશે. એ પ્રેમ એવો હશે કે જે પ્રેમનો અનુભવ તને સ્વર્ગમાં સુધ્ધાં મળ્યો નહીં હોય.’

ડૉ. કેણીના એ શબ્દ સાંભરે છે ને હું આજેય રોમાંચિત થઈ જાઉં છું. તેમણે શિશુને પારણામાં મૂકીને મારો હાથ હાથમાં લીધો. તેમનો હાથ કોઈક સંતના હાથની જેમ નરમ, હૂંફાળો અને આશ્વાસક હતો. મારો હાથ સહેજ દબાવતાં તેમણે કહ્યું, ‘મને ખબર છે તું જ આ કરી શકીશ. તું આ કરવાની છે. આ બધું કેવળ તું કરી શકીશ. પ્રશ્ન પૂછીશ નહીં. કૃપા કરીને પ્રશ્ન પૂછીશ નહીં. મારો જવાબ એક જ છે. પરમેશ્વરને તને આ કાર્ય માટે પસંદ કરી છે.’ કહેતાં કહેતાં તેમણે આકાશ તરફ જોયું. તે વખતે તેમની આંખો ભરાઈ આવી હતી. તેમના હોઠો ઉપર માત્ર એક અનેરું ગૂઢ હાસ્ય મને દેખાયું.

ડૉ. કેણીની ભવિષ્યવાણી અને એનો ગૂઢ અર્થ આજે આટલાં વર્ષે મને વખતોવખત સાંભરે છે અને તેમના એ શબ્દોની આધ્યાત્મિક શક્તિ મને ફરી ફરીથી સ્પર્શી જાય છે. ડૉ. કેણીએ મારા માટેનું કરેલું નિદાન અચૂક હતું, ચૈતન્ય પર પ્રેમ કરવો એ જ મારી પૂજા. હું એને જેટલો પ્રેમ કરતી જાઉં તેટલો હજુય વધુ પ્રેમ તેને આપવાની ઇચ્છા થાય છે. મારો આ અક્ષય પ્રેમ ચૈતન્ય માટે કેવળ એક માતાનો પ્રેમ હોઈ શકે નહીં. આ પ્રેમમાં ચોક્કસ કાંઈક ઈશ્વરી અંશ છે એ અંગે મારા મનમાં હવે શંકા રહી નથી. ડૉ. કેણી એકાદ દેવદૂતની જેમ મારી પાસે આવ્યા અને મારા સામાન્ય અસ્તિત્વને સ્પર્શીને મને અલૌકિક ઋણ આપી ગયા.

ડૉ. રમેશ સંઝગિરી

ચૈતન્યના જન્મ પછી ઘણા ડૉક્ટર અને તેમના વિચિત્ર અનુભવ મનને ત્રાસ આપી ગયા હતા. એક નિષ્ણાત પાસેથી બીજા નિષ્ણાત પાસે જતાં જતાં મારામાંની માતા થાકી ગઈ હતી. એ નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર મને બધું સ્પષ્ટ કહેવું અને કઠોર લાગ્યું હોવા છતાં સત્ય મારા ગળે ઉતારવું એટલું જ તેમનું પરમ કર્તવ્ય હતું. વિશેષતઃ હું સરકારની ઉચ્ચાધિકારી હોવાને કારણે તેમને એમ લાગ્યું કે રોકડું પરખાવવું સહુનાં જ હિતમાં હોય છે. પણ આ બધું કરતી વખતે તે એક વાત ભૂલી ગયા. તેમણે એ ધ્યાને લીધું જ નહીં કે સરકારની ઉચ્ચ અધિકારી હોવા પૂર્વે હું એક માતા હતી. એક માતા સાથે કેવી રીતે વાત કરવી એ તેમને સમજાયું હોત તો કદાચ ડૉક્ટરો માટેના મારા અનુભવ જુદા જ હોત. મેં ચૈતન્યને ધીરજપૂર્વક ઉછેર્યો હોત. હું ભાંગી પડવાની સ્થિતિ સુધી જવાથી બચી હોત. અત્યંત મહત્ત્વની વ્યક્તિ હોવાનું વેર જાણે કાંઈ ડૉક્ટરોએ મારી પર વાળ્યું એમ મને હજુય લાગે છે.

વચગાળાનો થોડો સમય ડૉક્ટરોથી ગભરાઈને મેં ચૈતન્ય ઉપર ઘરગથ્થુ ઈલાજ કરી જોયા. ડૉક્ટરો પાસે જવાનું ટાળવા માટે હોમિયોપેથી, આયુર્વેદના ઔષધોનો ઉપયોગ કરી જોયા, પણ ચૈતન્યની તબિયત નાજુક હતી. સતત અને વારંવાર થનારી એની માંદગીને કારણે ડૉક્ટરોના ઉંબરા ઘસવા અમારા માટે અનિવાર્ય હતા.

આમ એક દિવસ કોઈકે ડૉ. સંઝગિરીનું નામ સૂચવ્યું. મને યાદ છે, તેમને હું પહેલી વખત મળી ત્યારે મન ઉપર પ્રચંડ દબાણ હતું. એય કાંઈક કઠોર બોલીને મારા દાઝ્‌યા ઉપર ડામ દેશે એમ મને લાગ્યું. તેમણે ચૈતન્યને તપાસ્યા પછી એને લાગણીપૂર્વક થાબડ્યો અને સૌમ્યતાપૂર્વક તેમણે મને કહ્યું, ‘આપણે આની સંભાળ લઈશું, હું છું ને ? પણ મેડમ, તમે પોતાને સાચવો. હું બાળકોનો ડૉક્ટર છું, મોટાનો નહીં.’ આટલું કહીને એ હસવા લાગ્યા. પછી મેંય એક સાથે હસવાની અને રડવાની શરૂઆત કરી.

તે દિવસથી ડૉ. સંઝગિરી સાથે મારી દોસ્તી જામી અને એ ક્યારેય ન તૂટનારો સંબંધ અમારી વચ્ચે બંધાયો. ડૉક્ટર કેવા હોવા જોઈએ એમ મને કોઈક પૂછે તો હું કહીશ, ડૉ. સંઝગિરી જેવા હોવા જોઈએ. સ્પષ્ટવક્તા અને ખુલ્લા મનથી બોલનારા, છતાંય મનમાં અને શબ્દોમાં પ્રેમની હૂંફ ધરાવનારા. સામેના દર્દીને સંપૂર્ણ વિશ્વાસમાં લઈને તેને આશ્વસ્ત કરનારા. તેમના જેવા અચૂક નિદાન કરનારા ડૉક્ટર જવલ્લે જ મળે. સાદી શરદીની દવા, જે બધાં જ ડૉક્ટર આપે છે પણ એ જ દવા ડૉ. સંઝગિરી આપે કે જાદુ જેમ રોગ ઉપર અસર કરે છે.

તેમની પાસે જેટલી વાર અમે ચૈતન્યને લઈ ગયા ત્યારે દરેક વખતે તેમણે મને અચૂક કહ્યું, ‘તમે ચૈતન્યની સરસ દેખભાળ કરો છો. તમે બન્ને વિશ્વના સહુથી આદર્શ પાલક છો.’ તેમના આ સાંત્વના આપનારા શબ્દોએ મારી ઉપર જાદુ કર્યો.

હું મનને સંભાળતા શીખી. ખરું જોવા જઈએ તો સંઝગિરી બાળરોગ નિષ્ણાત છે જ, પણ તેમને માતારોગ નિષ્ણાત કહેવામાં અતિશયોક્તિ લેખાશે નહીં. ચૈતન્ય હવે બાવીસ વર્ષનો થયો છે. એને કાંઈ પણ તકલીફ થવા લાગે તો અમે ડૉ. સંઝગિરી પાસે દોડી જઈએ છીએ.

આનંદ

આનંદ મારો નાનો ભાઈ. મારાથી બે જ વર્ષ નાનો. બહેન ઘેલો. ચૈતન્યને આરામ થાય એટલે એણે કઠોર વ્રત અને નિયમો પાળ્યા. પોતાની તબિયત કાંઈ વધુ સારી ન હોવા છતાં પરોઢિયે ત્રણ-સાડા ત્રણે ઊઠીને તેણે ગુરુચરિત્રનું પઠન કર્યું, બ્રહ્મચર્યનું પાલન કર્યું. એક વખત જમ્યો. જમીન ઉપર ઊંઘ્યો. તેને થતું કે પોતાની આધ્યાત્મિક શક્તિ એટલી વધારવી કે તેમાંથી પ્રાપ્ત થનાર સિદ્ધિ વડે ચૈતન્યને નૉર્મલ બનાવી શકાય.

ચૈતન્યની માંદગી જોઈને તેના ધ્યાને આવ્યું હતું કે તેનાં દવા-દારૂ પાછળ અમારો ખાસ્સો ખર્ચ થશે. એય નોકરી કરનારો હતો, પણ મને મદદ કરવા માટે તેનો જીવ આકુળ-વ્યાકુળ થતો.

ચૈતન્ય ચાર વર્ષનો હતો અને આનંદ પોતે માંડમાંડ પાંત્રીસ વર્ષનો હતો ત્યારે એક રાત્રે આનંદ અચાનક હૃદયરોગના પહેલા જ આઘાતમાં મૃત્યુ પામ્યો. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપો. આવો ભાઈ દરેક બહેનને મળો એટલી જ પ્રાર્થના.

આનંદના મૃત્યુ બાદ એક દિવસ અપર્ણાએ એટલે મારી ભાભીએ મને ફોન કર્યો, ‘આપણા ઘરનો જૂનો ઇરાની ગાલિચો આમણે મૃત્યુ પૂર્વે થોડા દિવસ પહેલાં વેચ્યો હતો. એના સારા પૈસા મળ્યા.’ એણે કહ્યું.

હું સાંભળી રહી હતી.

‘નીલાબહેન, એ પૈસા તમને આપવા એવી તેમની ઇચ્છા હતી. હું એ પૈસા તમને મોકલાવું છું.’ અપર્ણાનું ગળું ભરાઈ આવ્યું હતું. તેણે એ પૈસા તુર્ત જ મને મોકલાવ્યાં સુધ્ધાં.

મારાથી નાનો એવો મારો ભાઈ એ પૈસારૂપે મને અક્ષય થાપણ આપી ગયો.

બા

ચૈતન્યના જન્મની ચિત્રકથા બાને બરાબર યાદ છે. હું ૭ એપ્રિલ ૧૯૮૩ના રોજ રાત્રે મારા ડૉક્ટર સાથે રાતના પહેર્યા લૂગડે હૉસ્પિટલમાં ગઈ ત્યારે અનુરાધાને બા પાસે મૂકીને ગઈ. બા બીજા દિવસે અનુરાધા સાથે મને હૉસ્પિટલમાં મળવા આવી. એય બનેલી ઘટના સાંભળીને અવાક્‌ થઈ.

ચૈતન્ય માત્ર એનો જીવ થયો. બધા સગાવહાલાઓમાં એને પ્રિય થયો. એ નિરાળો હતો. નિરાળો એટલે દુનિયાથી નિરાળો. એ કહે છે, ‘એના જેવો નિર્વ્યાજ નિરાગસ પ્રેમ કોઈ જ કરી શકશે નહીં. તમે બધા વ્યવહારુ છો, ચૈતન્યનો પ્રેમ દૈવી છે.’

ચૈતન્યને પણ નાની ખૂબ પ્રિય. અમારા બધાયથી ઉપર એનો નંબર. એના વગર તેને અને તેના વગર એને ગમતું નથી એ જ સાચું.

તેમના પ્રેમને કારણે ફરીફરી એક જ વાત સિદ્ધ થાય છે ચૈતન્યનું વિશ્વ પરિપૂરણ છે. નિરાગસ પ્રેમથી રસબોળ છે. વ્યાવહારિક શત્રુત્વથી ખરડાયેલું નથી. આપણા જેવું અપૂર્ણ નથી, એ એક પૂર્ણ- પરિપૂર્ણ. આપણે જ અપૂર્ણ.

એમ. એસ. ઉસ્માની

તબીબી શિક્ષણ વિભાગમાં હતી ત્યારે ઉસ્માની સાથે મારી મુલાકાત થઈ. તે ઇન્ડિયન મેડિસિન કાઉન્સિલ સંસ્થાના રજિસ્ટ્રાર હતા. હું સચિવાલયમાં ઉપસચિવ તરીકે તેમના વિભાગનું કામ સંભાળતી હતી. મને સુવાવડ બાદ હાજર થયા પછી કામની ખૂબ જ તાણ અનુભવાતી. મોડે સુધી ઑફિસનું કામ ખૂટતું નહીં. કામનું સમયપત્રક પણ ભરચક હતું અને ઘણાખરા લક્ષ્ય સાધવાનો પડકાર સામે હતો. હું આ વિભાગમાં હાજર થઈ અને થોડા જ દિવસોમાં મારા પ્રેમાળ બૉસની બદલી થઈ ત્યાર પછી આવેલા મારા બૉસ ખૂબ જ નિર્દયી અને લાગણીશૂન્ય હતા. ઑફિસના કામના સમયે અને ઘરનો વિવેક હું એ રીતે સંભાળતી હતી કે બપોરની જમવાની રિસેસમાં ઘરે જઈને હું ચૈતન્યને ધવરાવી આવતી. મારું ઘર ઑફિસથી ચાલતા જઈ શકાય એટલા અંતરે હતું. નવા આવેલા આ વરિષ્ઠને કારણે મારી તાણમાં વધારો થયો. તે મને અનેક પ્રકારે હેરાન કરવા લાગ્યા. સહુ પ્રથમ તેમણે જમવાની રિસેસમાં મારું ઘરે જવાનું બંધ કરી નાંખ્યું !

એ વરિષ્ઠના એક ગાઢ મિત્ર સમક્ષ મેં મારી વ્યથા કહી સંભળાવી અને મદદની યાચના કરી. એ ગૃહસ્થે મારા બૉસને કહીને સમજાવું છું એમ કહીને વાસ્તવમાં માત્ર મારો કેસ સંપૂર્ણ બગાડી નાંખ્યો. તેમની અંદરોઅંદર વાતચીત થયા પછી મારા વરિષ્ઠ મારી સાથે અધિક કઠોરતાથી વર્તવા લાગ્યા. તેને કારણે મને ખાતરી થઈ કે તેમના મિત્રે મારું કામ કરવાને બદલે જાણીજોઈને બગાડી નાખ્યો હતો. એ જાણે કાંઈ પૂરતું ન હતું એટલે કે કેમ, મારા વરિષ્ઠે મારી નિમણૂક એક સમિતિના અધ્યક્ષ તરીકે કરી. આ સમિતિએ નિશ્ચિત સમયગાળામાં એક અહેવાલ સરકારને સાદર કરવાનો હતો. માત્ર તે માટે આ સમિતિને સમગ્ર રાજ્યમાં પ્રવાસ કરતા ફરવાનું હતું.

આવા કપરા સમયે ઉસ્માની તે સમિતિના સદસ્ય સચિવ તરીકે મારી સાથે કામ કરવા લાગ્યા. તે કહ્યા વગર સમજૂતીથી વધારેમાં વધારે કામ પોતે પતાવવા લાગ્યા. બધાં દસ્તાવેજો સમયસર તૈયાર કરવા, એ હારબદ્ધ વ્યવસ્થિત ગોઠવી રાખવા, મારા ઑફિસમાંથી ઘરે ગયા પછી બાકી રહેલું કામકાજ પતાવીને આગલા દિવસના દસ્તાવેજો તૈયાર કરી રાખવા ઇત્યાદિ જેટલી જવાબદારી લઈ શકાય એ બધી ઉસ્માનીએ એ ગાળામાં સંભાળી. તેને કારણએ મસિતિનો અહેવાલ બિલકુલ સમયસર સરકારને સાદર થઈ શક્યો. એ અહેવાલનું સરકાર સ્તરે ગૌરવ પણ થયું. ઉસ્માની મારી મદદે દોડી આવ્યા ન હોત તો સમિતિનો અહેવાલ કદાચ સમયસર પૂર્ણ થઈ શક્યો ન હોત અને મને જે સમય વચ્ચે વચ્ચે ચૈતન્ય માટે મળતો હતો એ મળી શક્યો ન હોત. મારા સાવધઆની રાખવા જેવા મહત્ત્વના કાર્ય ઉસ્માનીએ સરળ બનાવ્યા.

માધવ પટવર્ધન

સરકારના એક જ્યેષ્ઠ અધિકારી અને એક સાદા સરળ માણસ. તેમણે પોતાની લાગણી ક્યારેય સ્પષ્ટપણે વ્યક્ત કરી નહીં. તે અવારનવાર અમારા ઘરે આવતાં અને કાંઈ મદદ જોઈએ કે ? એમ પૂછતાં. હું નગર વિકાસ વિભાગમાં કામ કરતી હતી ત્યારે તે મારા સાથી હતા. પછી તેમનો મારા કાર્યાલય સાથે કોઈ સંબંધ રહ્યો ન હતો, પણ તે નિયમિત આવતાં. તેમના આવવાથી કોણ જાણે કેમ મને આધાર અનુભવાતો.

ઘણા મહિના પછી કોઈકે મને કહ્યું કે ચૈતન્યને સારું થાય એટલે તે તીર્થયાત્રાએ ગયા હતા. તે ચુસ્ત વ્રત અને નિયમો પાળીને ચૈતન્યને આરામ થાય એટલે પૂજાઅર્ચના કરતાં. પટવર્ધન મધ્યમવર્ગીય અને સુસંસ્કૃત અધિકારી હતા. વાસ્તવમાં આવા અધિકારી પાસે બીજાઓ માટે ખર્ચ કરવા માટે ઉપરના પૈસા નથી હોતા. એક જ પગાર ઉપર આખુંય પરિવાર નભે છે. આમ છતાં માધવ પટવર્ધને ચૈતન્ય માટે વિવિધ પૂજાઅર્ચના પર ખાસ્સા પૈસા ખર્ચ્યા એમ મને જાણવા મળ્યું. એ સાંભળતાં મારું મન ભરાઈ આવ્યું.

પૂજાપાઠ અને વિવિધ આધ્યાત્મિક ઉપાય સાચ્ચે જ માણસને તારે છે કે નહિ એ વિવાદનો વિષય હોઈ શકે, પણ પટવર્ધનની ચૈતન્ય માટેની વ્યાકુળતા તેમના વર્તનમાં મને તીવ્રતાપૂર્વક સમજાઈ. મેં જ્યારે તેમને આ વિશે પૂછ્યું ત્યારે બિચારા કાંઈ કહેવાય તૈયાર થતા ન હતા. અંતે નિરુપાય તેમણે હા ભણતાં ડોકું હલાવ્યું.

આ વિશ્વમાં સાચ્ચે જ પરમેશ્વર નામની શક્તિ હશે તો તેને પટવર્ધન જેવાની અસ્વસ્થતા ચોક્કસ સમજાતી હશે. કારણ તેમની પ્રાર્થના સ્વાર્થપ્રેરિત ન હતી. પ્રેમમાં જેવી સંજીવની છે તેવી જ પ્રાર્થનામાં સુધ્ધાં એક અલૌકિક શક્તિ છે, જેણે વિજ્ઞાનને અને તબીબી વિજ્ઞાનને વખતોવખત ચકિત કર્યું છે. એ જ સંજીવની પટવર્ધન ચૈતન્યને આપવા ઇચ્છતા હતા.

એલ. વી. રાયકર

રાયકર અને પટવર્ધન એકબીજાથી પરિચિત ન હતાં, પણ બન્નેએ અનુસરેલો માર્ગ એક જ હતો. યોગાનુયોગ રાયકર સુધ્ધાં તેમની રીતે ચૈતન્ય માટે વિવિધ પૂજાઅર્ચના કરતા હતા. દાનધર્મ પણ કરતા હતા. તબીબી શિક્ષણમાં તે મારી સાથે આવ્યા તે વખતે તે સહાયક આયુક્ત, અન્ને અને દવા વિભાગમાં કાર્યરત હતા.

મારા કનિષ્ઠ સાથીઓ પાસેથી મને મળેલ અપાર પ્રેમનું આ દાન શબ્દાતીત કરી ગયું. આવા મામસોને સામાન્ય શાને કહેવા ? મને એમ લાગે છે કે આ સામાન્ય લોકોમાં એક અબોલ પણ અમોઘ એવી શક્તિ હોય છે. એ કેટલીક વખત ચમત્કાર સર્જી શકે. આ બધા પ્રેમાળ સાથીઓને કારણે મને જોઈતી માનસિક શક્તિ અને ધૈર્ય વખતોવખત મળતાં રહ્યાં.

ચૈતન્યને ઉછેરતી વખતે એક તરફ થયેલા કડવા અનુભવો સાથે બીજી તરફ આ લોકોના અમૃતના અનુભવ મને સંજીવની આપતા રહ્યા.

સુધીર મેશ્રામ

સુધીર મેશ્રામના એકના એક દીકરાનેય કાંઈક તકલીફ હતી. ચૈતન્ય માટેની તેમને અનુભવાતી અસ્વસ્થતા એટલે જ કોણ જાણે સહજ હતી. પહેલી જ મુલાકાતમાં તેમણે ચૈતન્ય સાથે દોસ્તી બાંધી લીધી. તે એની સાથે રમતાં, એને બહાર લઈ જતાં, એને જેટલું શીખવી શકાય એટલું શીખવતાં. સુધીર મેશ્રામ ચૈતન્ય સાથે સન્માનપૂર્વક વર્તતા. અમારે ત્યાં આવે કે તેઓ એની સાથે ખાસ્સો સમય પસાર કરતાં. સમાજમાં ફરવા માટે જે વિશ્વાસ માણસને જરૂરી હોય છે એ ચૈતન્યને મેળવી આપવા માટે સુધીર મેશ્રામે ખૂબ પરિશ્રમ કર્યો. તેમણે ચૈતન્ય માટે જે કાંઈ કર્યું એ માટે હું તેમની આજન્મ ઋણી રહીશ.

અરૂણ આઠલ્યે

વ્યવસાયે ઉપાહારગૃહ ચલાવનારો આ માણસ મનથી વૈરાગી એવો આ મારો માનેલો ભાઈ. તેમના આખાય પરિવારમાં છોકરાઓ જ હતા. પેઢી દર પેઢીથી કોઈ બહેન જ ન હતી. મેં તેમને ભાઈ માન્યાની સાર્થકતા તેમણે ચૈતન્યના જન્મ પછી કરી બપતાવી. હું હૉસ્પિટલમાં હતી ત્યારે તે મારા

ઘરની સંભાળ રાખતા. હું ચૈતન્યને લઈને ઘરે પાછી આવ્યા પછીય ચૈતન્યને સંભાળવો સહેલો ન હતો. તે મને હિંમત આપતા રહેતા. પુરુષ હોવા છતાંય એને કેવી રીતે સંભાળવો એ તેમને મારાથી સરસ આવડતું હતું, તે મનેય ખૂબ શીખવતાં.

ચૈતન્યને પહેલું સ્નાન અરૂણ આઠલ્યાએ કરાવ્યું. તેમના હાથમાંથી એ નાનકડું શિશુ છૂટી જશે કે કેમ એવો ભય સતાવતો હતો, પણ એકાદ દાયણનેય શરમાવે એટલી કુશળતાથી અરૂણ આઠલ્યે ચૈતન્યને નવરાવતાં. દેખાવે ધીંગા હતા. દાઢીના ખૂંટ વધેલા, આંખો ઊંડી ગયેલી. તેમનું વ્યક્તિત્વ સામાન્ય હતું. પણ એક વખત જે ચૈતન્યને મમતાપૂર્વક ઊંચકી લીધો કે એમના ચહેરા પરનો ભાવ વાત્સલ્યથી છલકાઈ જતો. તેમના હાથ માતાના હાથ બની જતા. ચૈતન્ય સ્થિર થાય ત્યાં સુધી તે રોજ અમારે ત્યાં હાજર રહેતાં. ચૈતન્ય સ્થિર થયા પછી માત્ર તે અદૃશ્ય થયા. આભાર માનવા જેટલો સમય પણ તેમણે મને આપ્યો નહીં. અલબત્ત તેમને આભારની અપેક્ષાય ન હતી.

સામાન્યોમાંનું અસામાન્યત્વ અને તેમણે કરાવેલા ચમત્કાર મેં આ સમયગાળામાં વિપુલ પ્રમાણમાં જોયા. આ માણસો અચાનક દેવદૂતની જેમ આપણા જીવનમાં આવે અને આપણી જરૂરિયાત પૂરી થાય કે અચાનક અદૃશ્ય થાય છે. આવા સેંકડો અનુભવ રોમાંચિત થઈને મનમાં સંઘર્યાં.

મને ખાતરી છે કે મારી પાસેથી ગયા પછી વિશ્વના મારા જેવા અન્ય જરૂરિયાતવાળા લોકોની મદદે અરૂણ આઠલ્યે દોડી ગયા હશે અને તેમની સેવામાં ખૂંપી ગયા હશે. ઈશ્વર તેમને ખૂબ જ લાંબું આયુષ્ય આપો ! વિશ્વનાં બધાં સુખ તેમને મળો. ઈશ્વર પાસે આ સુધ્ધાં પ્રાર્થું છું કે તેમના જેવા હજુય ખૂબ ખૂબ માણસો જન્મે !

અરૂણા શાહ અને બાલકૃષ્ણન

અરૂણા શાહ અને બાલકૃષ્ણન (લાડમાં તેને બાલા કહે છે) સત્યના મિત્ર હતા. છેલ્લાં વીસ-બાવીસ વર્ષથી તે અમારા પરિવારના સદસ્ય બન્યા છે. ચૈતન્યને કારણે અમારી મિત્રતાને સગપણનું સ્વરૂપ મળ્યું.

શરૂઆતથી તેમણે ચૈતન્ય સાથે વિશિષ્ટ સંબંધ બાંધ્યો હતો. એ બન્નેય એની સાથે ક્યારેય મંદબુદ્ધિના તરીકે વર્ત્યાં ન હતાં. તે એની સાથેના સાથી હોય એમ વર્તતા અને વાત કરતાં. ચૈતન્યને આ વાતો પટ્‌ દઈને સમજાતી, કારણ એ મનથી ખૂબ સંવેદનશીલ હતો. અરૂણા અને બાલા એને યોગ્ય મહત્ત્વ આપતાં. તેને કારણે તેમની પાસે જતાં એ હંમેશાં ખુશ રહેતો. જ્યારે જ્યારે સત્ય ચૈતન્યને તેમને ત્યાં લઈ જતા ત્યારે ચૈતન્યનું શાહી સ્વાગત થતું.

અરૂણા કબાટમાં મૂકેલાં સંગ્રહના સરસ કપરકાબી, ઊંચા કાચના ગ્લાસ કાઢીને તેમાં એને ખબરાવતી-પીવરાવતી. સત્યને બીક લાગતી એના હાથમાંથી એ મોંઘાં કાચના વાસણો તૂટી-ફૂટી જશે તો ! અરૂણાને વિશ્વની વિવિધ કાચની વસ્તુઓ ભેગી કરવાનો શોધ છે. ચૈતન્યના હાથે તેમાંનું કાંઈ ફૂટ્યું હોત તો આવી દુર્લભ વસ્તુ પાછી મળીય ન હોત. સત્નયે આ જાણ હોવાને કારણે તે એને સતત કહેતાં કે, ‘તારી આ નાજુક વસ્તુઓ ઊંચકીને મૂક.’ પણ અરૂણા તેમનું ક્યારેય સાંભળતી નહીં. એણે ચૈતન્યને નાજુક કાચની વસ્તુઓ કેવી રીતે સંભાળવી એનું શિક્ષણ આપ્યું. એણે ચૈતન્ય પર જે વિશ્વાસ દર્શાવ્યો એ જોઈને અમે ચકિત થયાં.

ચૈતન્યન ઢોળઅયા વગર ખાતાં શીખવ્યું એ અરૂણાએ. એના આંગળાની હાલચાલ, નિર્બળ રહેલા સ્નાયુઓને કારણે સરખી થતી નહીં. અરૂણાએ એને એટલું સહજ અને મજાથી શીખવ્યું કે ચૈતન્ય ખાતી વખતે કાંઈ પણ ઢોળ્યા વગર, કાંઈ પણ વેર્યા વગર સરસ જમતાં શીખ્યો.

અરૂણા અને બાલા બન્નેએ ચૈતન્યને મિત્રવત્‌ વર્તણૂક આપી. બીજાઓ સામે આપણે જુદા હોવાની ચૈતન્યની લઘુતાગ્રંથિ તેમના સહવાસમાં તેમની મિત્રતાભરી વર્તણૂકને કારણે ઓછી થઈ. અલબત્ત એ ક્યારેક આડોઅવળો વર્તે તો અરૂણા, બાલાએ મંદબુદ્ધિ તરીકે એને ક્ષમા પણ આપી નહીં. ત્યાં ને ત્યાં તે એની ભૂલ બતાવી આપતાં. તેને પરિણામે એ થયું કે પોતે શું ભૂલ કરી છે એ ચૈતન્યે સમજાવા લાગ્યું.

લોકોમાં ઊઠવા-બેસવાની અને હરવા-ફરવાની બધી આદતો ચૈતન્ય એના આ પોતાનથી મોટા એવા મિત્રો પાસેથી શીખ્યો.

ચૈતન્યને જેમ જેમ અરૂણા-બાલા ગમવા લાગ્યાં તેમ તેમ એ તેમની સાથે બોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એને થતું કે તેમની સાથે ગપ્પાં મારવા. પરંતુ એની વાચા વધુ સ્પષ્ટ ન હતી. પરંતુ એ બન્નેને એનું બોલવું સરસ સમજાતું અને પછી તેમના સંવાદ જામતાં. અરૂણા અને બાલાએ ઘણાખરા ઉચ્ચાર સ્પષ્ટ બોલતાં શીખવ્યાં અને સરળ વિચાર કરવાની આદત પાડી.

તેમની આ દોસ્તીને કારણે ચૈતન્ય અમારા ઘરે આવનારા અન્ય મહેમાનોથી ભડકતો બંધ થયો. એ બધામાં ભળવા લાગ્યો. બોલવા લાગ્યો. પોતાની ઊણપને કારણે અકારણ લઘુતાગ્રંથિ ન સેવતાં એ સહુની સાથે હળીભળી વર્તવા લાગ્યો.

અરૂણા અને બાલા એ જાણે એના બીજા પાલક છે. હું આ પાલકોનો આભાર કેવી રીતે માનું ? ચૈતન્ય જેટલી જ કૃતજ્ઞતા અમે બન્ને અરૂણા અને બાલા માટે અનુભવીએ છીએ.

પાર્વતી તળવદેકર

કનિષ્ટ મધ્યમવર્ગીય પાર્વતી અમારે ત્યાં ચૈતન્યની ગવર્નેસ તરીકે આવી. ડૉક્ટરોએ એને બીજાઓને હાથ નહીં અડાડવા દેવાના બંધનો હમણાં જ હળવા થયા હતા. હું ઑફિસમાં હાજર થઈ હતી. આવા સમયે

મારી ગેરહાજરીમાં ચૈતન્યને સંભાળવા પાર્વતી અમારા ઘરે આવી. મને એ પણ એવા દિવસ યાદ નથી કે હું એની ઉપર નિષ્કાળજી રાખવા માટે ગુસ્સે થઈ હોઉં. ચૈતન્યને સંભાળવા ઉપરાંત ઘરની બીજી ઘણી જ બાબતો એ જાતે જ આપમેળે કરતી. અનુરાધા સાથે પ્રેમપૂર્વક વર્તતી. મારી બાબતે એને સહાનુભૂતિ હતી. મારી નાની બહેનની જેમ એણે અમારા પરિવારને પ્રેમ કર્યો.

એના પતિ મિલમાં કામે હતા, પણ આંખે ઝાંખું દેખાવા લાગતાં એની નોકરી ગઈ. આંખો પાંગળી થવાથી એને બીજે ક્યાંય નોકરી મળતી ન હતી. પાર્વતી આવી ત્યારે એને પોતાની ઉપર જ કાંઈ વિશ્વાસ બેસતો ન હતો. ચૈતન્ય સામે જોઈને તો એ હેબતાઈ ગઈ. એને સંભાળવો એની દૃષ્ટિએ એક અગ્નિપરીક્ષા જ હતી. પાર્વતી એમાં પૂરેપૂરી ખરી ઊતરી. ધીમે ધીમે એ અમારા ઘરમાં ગોઠવાઈ ગઈ અને એવી ઘોર તપશ્ચર્યાથી એણે અમારા મન જીતી લીધાં.

આ જન્મે તો પાર્વતીનું ઋણ ચૂકવવું મારા માટે શક્ય નથી. મેં એવી અનેક સ્ત્રીઓની વાતો સાંભળી છે, જે બાળકોને બાઈઓના વિશ્વાસે મૂકીને જાય છે અને બાળકો સંભાળનારી સ્ત્રીઓ એ બાળકોને અનહદ હેરાન કરે છે. આ પાર્શ્વભૂમિ પર પાર્વતી એકાદ ભગવાનની જેમ અમારા જીવનમાં આવી. એનો ખાસ ઉલ્લેખ કર્યા સિવાય ચૈતન્યના બાળપણનો અધ્યાય અપૂર્ણ રહેશે.

સુજાતા, સવિતા, વિશ્વનાથ, બાબારામ

છેલ્લાં કેટલાંક વર્ષોથી ચૈતન્યની હસતાં મોઢે સેવા કરનારા આ ચાર ઘરકામ માટે આવેલાં પણ સ્વજનોથી અધિક આત્મીયતાથી આ બધાંએ વર્ષો સુધી ચૈતન્યની સેવા કરી છે. એની પીડા, રાતના ઉજાગરા - બધુંય વગર ફરિયાદે આ લોકોએ સહન કર્યું છે. એટલે જ તે હવે અમારા જ પરિવારના સદસ્ય છે. અમારા અત્યંત વહાલા માણસો છે.

તેમની સાથે જ મારા કેટલાક (અન્ય કેટલાક મદદનીશ)નો ઉલ્લેખ કૃતજ્ઞતાપૂર્વક હું કરું છું. મારી બદલીઓ થતી રહી. ડ્રાઇવર બદલાાત રહ્યા. મોહિતે, પ્રકાશ પરબ, કાંબળે, કિશન, ગરવારે અને શિંદે ચૈતન્ય સાથે મિત્રતાપૂર્વક વર્ત્યા. જ્યારે એની સાથે કોઈ રમતું નહીં ત્યારે આ જ એના ભેરુઓ હતા. તેમણે ઑફિસના સંબંધની પેલે પાર જઈને અમને સાચવ્યા. તેમનો મનપૂર્વક આભાર.

બીજા રસપ્રદ વિકલ્પો