દેશ Kunal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દેશ

શૌર્યનો ચારણ

કાજળ, કુમકુમ, કંકણ વાળા ગીત હું નહિ ગાવાનો,

હું શૌર્યનો ચારણ છું, હું વેવલો કદી નહિ થાવાનો,

આંસુ, રક્ત ને પરસેવાનો સાક્ષી થઇ સમ ખાવાનો,

શમણાની રંગીન સલોણી દુનિયામાં નહી જાવાનો,

ખયાલ પુલાવી પકવીને મનમાં નહી મલકાવાનો,

વાસ્તવિકતાના નક્કર ખડકો સાથે હું અથડાવાનો,

દરબારી રાગ સુણાવા કાજે સત્ય નહી દફનાવાનો,

સફળ થવાને માટે ખોટા રસ્તા નહી અપનાવાનો,

ત્યાગ તપસ્યા બલીદાનોની ગાથા હું સંભળાવાનો,

ચરણોમાં હું લક્ષ્મીના કદીય કલમ નહી પધરાવાનો,

અન્યાયી આતતાયી સામે કદી ના માથુ ઝુકાવાનો,

સમાજના દુષણોની સામે સીધે સીધો ટકરાવાનો ,

હું શૌર્યનો ચારણ છું, હું વેવલો કદી નહિ થાવાનો,

-કુણાલ શાહ

સળગતી સરહદો

મારી સળગતી સરહદોને ચૂલો બનાવી મારો રાજા શેકે છે એનો રોટલો,

ને ઈમાનદારી નું મને ગણિત ગણાવી કરે ભ્રષ્ટાચાર એવો કે ના મળે ટોટલો,

જાતને પોતાની લોકસેવક જણાવી એને જોઈએ વિમાનો ને મોટરો,

ગરબડ ગોટાળા ને ઉઠા ભણાવી સ્વીઝ બેંક માં ભર્યા છે એણે લોકરો,

વેરામાં વધારા ને વાજબી ઠરાવી અમને બનાવે બલી નો બોકડો,

ઈશ્વરનેય પરસાદ એ ધરાવી પરખાવી દે ભાવ સાવ રોકડો,

મારી સળગતી સરહદોને ચૂલો બનાવી મારો રાજા શેકે છે એનો રોટલો,

  • કુણાલ શાહ
  • નદીઓ, નાળા, ઝરણાં છલક્યા,

    તોયે શેરડીના સાંઠા ભડક્યા,

    તાત જગતનો સાથે પીલાયો,

    સળગતા આંસુ આભે અડક્યા,

    મિલ માલિક ક્યાં જરાય ફડક્યા,

    પોલીસના ધાડે- ધાડા ખડક્યા,

    મીઠી ખાંડની કડવી કહાણી,

    પરસેવે નહાનારા જ સળગ્યા,

    કોઈ માનવતાવાદીના ફરક્યા,

    જાણે મનમાં મનમાં મલક્યા,

    મજુર ને માટે શું જાવાનું,

    બસ પ્રેસનોટ આપીને અટક્યા,

    આપણા પણ ક્યાં હ્રદયો ધડક્યા,

    આંખોથી ક્યાં આંસુ છલક્યા,

    આત્મદાહ આ લાગે છે સહુનો,

    ચુપચાપ આપણે કામે વળગ્યા.

    -કુણાલ શાહ

    મુજફ્ફરનગરની આ આગને કોણ રોકશે ?

    મુજફ્ફરનગરની આ આગને કોણ રોકશે ?

    કોણ રોકશે આ ધર્માન્ધતાને ? માણસને માણસ માંથી પશુ બનતા કોણ રોકશે ?

    જે મૃત્યુ પામ્યા , જે ઘાયલ થયા તેમનો વાંક ગુનો શું હતો ?

    આ પ્રશ્નો કાયમ પ્રશ્નો જ રહેવાના છે, નિરુત્તર, નિશબ્દ આને સહેવાના છે,

    ચર્ચાઓ ચાલશે બે દહડા, સખત પગલા લેવાની થશે વાતો,

    પછી મુદ્દાને કઈ પણ કરીને પાછો ઠેલવાના છે,

    હિંદુ મુસ્લિમ વચ્ચેનો પ્રશ્ન હોત તો મરી મારી ને પણ ઉકેલાઈ જાત,

    આ પ્રશ્ન નહિ ઉકલે કારણકે તેને રાજકારણીઓ ઉકેલવાના છે,

    મડદાઓ પરની આ રાજનીતિ અટકાવશું કેમ કરીને?

    ગીધોના ટોળાઓ તો મડદાઓ પરજ ખેલવાના છે,

    ઘણું થયું જાગો ઓ ભારતવાસીઓ , હજુ કેટલા જખમો હૈયા પર ઝેલવાના છે?

    આઝાદ ભારતને કરવા માટે જે ફાંસી ફંદે ઝૂમ્યા છે,

    શું ફરી એમને અગ્નિકુંડ માં ધકેલવાના છે?

    હાથા બનવાનું બંધ કરવું પડશે હવે, ઉપયોગ કરવા વાળા તો કાયમ ઉપયોગ જ કરવાના છે.

  • કુણાલ શાહ
  • માટીની મહેક

    પૂછો કેસરિયા કરતા રાજપૂતની તલવારને ,તલવારની એ ધા૨ને ને શૌર્ય સ્વરૂપ પ્રહારને,

    હલ્દીઘાટી ના રણમાં થીજેલી બોજિલ હારને, જોહર ગાથા સુની લાલ બનેલી રક્તભીની સવારને ,

    લાશ બની છવાઈ ગયેલા નીરવ શાંત અંધકારને, હિન્દુરાષ્ટ્રના સ્વપ્નદ્રષ્ટા વીર શિવા સરદારને,

    ઝાંસીની રાની ની વાણીના રણકારને, ભગતસિંહ બિસ્મિલની બેડીના ઝણકારને,

    આઝાદના અંગથી ટપકતી શોણિત ધારને, તિલકના ચમકાર શા કેસરીના પડકારને,

    સાવરકરના કાલાપાણી સામેના પ્રતિકારને, ફાંસીની વણઝારને,શહીદોની કતારને,

    ચિતા પરના અંગારને, કબર પરના સૂનકારને, કાળમીંઢ પત્થરથી બનેલા કારાગાર ને,

    જલિયાવાલા બાગના નિર્મમ અત્યાચારને, મૃત્યુના અણસારને ને જીવનના સંચારને,

    માતૃભૂમિના પ્રેમમાં ઝબોળેલી આશાના આધાર ને ,

    પૂછો કે આ માટીની મહેક શું છે?

    -કુણાલ શાહ

    કેમ અમે શહીદ થયા

    કાળા કારાવાસો કે લોહી નીંગળતા શરીર, કે હાથ પગ તોડનારી એ નિર્દયતા,

    કશું અમને ના થકવી શક્યું, ના તોડી શક્યું, ના ખરીદી શક્યું, ના હરાવી શક્યું,

    લડતા રહ્યા ત્યાં સુધી જ્યાં સુધી રુધિર નું એક બુંદ પણ શરીરમાં રહ્યું,

    પછી કાં તો ફાંસીનો માંચડો વ્હાલો કર્યો, કાં ગોળીઓથી વીંધાયા ગોરાઓની,

    કાં કાલાપાની ની એ કોટડીઓમાં, ગુંગળાતા-ગુંગળાતા કટકે કટકે મોત મેળવ્યું,

    ક્યારેય અફસોસ નથી થયો અમને, અમારા કરેલા કોઈ પણ કામ પર,

    પણ આજે આઝાદ ભારત જોઈએ છીએ ત્યારે ચીરાઈ જાય છે હૃદય આખેઆખું,

    અફસોસ થાય છે કે કેમ અમે શહીદ થયા, અમારે જરૂર હતી જીવતા રહેવાની,

    સંઘર્ષ હજુ ક્યાં પૂરો થયો છે, લડત અધુરી રહી છે જાણે,

    પોતાનાથી છેતરાયા છીએ આજે, પોતાનાઓથી જ ઘવાયા છીએ આજે,

    થાક્યા છીએ, હાર્યા છીએ, લાગે છે કોડી દામ વેચાયા છીએ.

    અફસોસ થાય છે કેમ શહીદ થયા અમે ???

  • કુણાલ શાહ
  • કાશ્મીર

    કાશ્મીરના આંગણાઓ જયારે આક્રંદથી ઉભરાઈ રહયા હતા,

    એ.કે.૫૬ ની ગોળીઓથી નિર્દોષ જવાનો વીંધાઈ ગયા હતા,

    બર્ફીલી ઘાટીઓમાં,લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા,

    મડદા ચૂંથી ચૂંથી ગીધો ધરાઈ ગયા હતા,

    બોમ્બના વિસ્ફોટો થવાના કારણે

    માણસો માંસના ટુકડા બની વિખરાઈ ગયા હતા,

    ત્યારે ક્યાં મિષ્ટાન રંધાઈ રહ્યા હતા

    એ યાદ છે મને,

    બધાજ સુવરોના ચહેરાઓ જે

    શોકસભાના મંચ પર ગોઠવાઈ ગયા હતા.

    -કુણાલ શાહ

    બિસ્મિલનું ગીત.

    મોત પણ છીનવી નથી શકતું વિજયના સ્મિત ને,

    ખાતરી ના હોય તો પુછીલો એ બિસ્મિલના ગીત ને,

    ફંદા ફાંસીના ફફડી ગયા સાંભળી શહાદતના સંગીતને,

    સલામ સેંકડો એ દેશ માટે મરી ફીટવાની રીત ને,

    દુનિયા માનતી હશે ભલે વિશ્વ વિજેતાઓની જીત ને,

    અમે તો પૂજતા રહ્યા કાયમ એ કોટડીઓની ભીંત ને,

    બની સાક્ષી, જોઈ જેણે દેશ માટેની અનોખી પ્રીત ને,

    હસીને ગળે મળતા કેદીઓ સામે જલ્લાદ ભયભીત ને,

    ઉપસ્થિત મોત થર થર કાંપતુ જોઈ સહુ રણજીત ને,

    મોત પણ છીનવી નથી શકતું વિજયના સ્મિત ને,

    ખાતરી ના હોય તો પુછીલો એ બિસ્મિલના ગીત ને,

  • કુણાલ શાહ
  • થોડું ગાંડપણ.

    આઝાદ, ટીળક, બિસ્મિલ, અશફાક,ભગતસિંહ એ બધાના જમાના હવે ગયા,
    શાહરૂખ સલમાન આમીર ને અભિષેક આપણા આદર્શ હવે થયા.
    લીમોઝીન,મર્સીડીસ અને બીએમડબ્લ્યુ ના સપના મનમાં લઈને ચાલતી અમારી આજની પેઢી ,
    આદર્શો અને ધ્યેય માટે ,મરી ફીટવાની ભાવનાને ,સમજે છે નર્યું ગાંડપણ,
    અને કઈ પણ કરીને આગળ વધવું, સફળ થવું સ્થાન મેળવવું ગણાય છે શાણપણ,
    પણ શાણાઓને એક સલાહ , દુનિયા કદી બદલાઇ નથી શાણાઓ ના શાણપણ થી,
    આથી સ્વાગત કરીએ આઝાદ અને ટીળક નું ફરી એજ ગાંડપણથી,
    સત્ય માટેનું ધ્યેય માટેનું મુલ્યો માટેનું દેશમાટેનું ગાંડપણ.
    -કુણાલ શાહ

    ૧૫ ઓગસ્ટ

    અર્ધી રાત્રે મળી આઝાદી કરોડો આંખોનું સપનું સાકાર,

    સ્વાભિમાન નો ઉદય થયો ને પાછી ગઈ ગોરી સરકાર,

    સંઘર્ષો વર્ષો ના વર્ષો બલિદાની ગાથાઓ અપરંપાર,

    લાઠી, ફાંસી, કાલાપાની, ગોળી સાથે રુધિરની ધાર,

    લડત અનોખી માંડી સાથે સત્ય,અહિંસાનો લઇ આધાર,

    સભા,સરઘસ ખાદી,ચરખો ને સરકારની નહિ કોઈ દરકાર,

    લાખો જીવતા લાશ થયા ને લાખો પહોચ્યા મોત ને દ્વાર,

    ત્યારે વિધાતા દેવા આવ્યા સ્વાતંત્ર્ય તણો મોંઘો ઉપહાર,

    અવસર એવો આજ છે ચાલો કરીએ ક્ષણભર એક વિચાર,

    કરજ દેશનું ચુકવીએ એવું વિચારતો રહે કાયમ સંસાર.

    -કુણાલ શાહ