Avarsad Nagar books and stories free download online pdf in Gujarati

અવસાદ નગર

(વિજીલાન્ટીસ ઓફ) અવસાદ નગર

-પાર્થ નાણાવટી

“હલ્લો, હલ્લો, નિમિષ, હલ્લો કેન યુ હીયર મી?”

“હલ્લો, હલ્લો નિમિષ.”

“યાર સિટીની બહાર નીકળો એટલે સિગ્નલના બહુ લોચા.”

આકાંક્ષાના અવાજમાં અકળામણ સ્પષ્ટ વર્તાતી હતી.

બીજા છેડે નિમિષને પોતાની સગી બહેન આકાંક્ષાનો તૂટક અને તરડાયેલો અવાજ સંભળાતો હતો.

“હા બોલ, લાઈન બહુ ખરાબ છે, લીસન, જસ્ટ લીસન, કુડ યુ મેસેજ મી, હું મીટીંગમાં છું” નિમિષે એની આસપાસ બેઠેલા બીજા એક્ઝેક્યુટીવસની સામે ક્ષોભભરી નજરે જોતા કહ્યું.

“ઓકે, કરું છું, બટ, ઈટ્સ અરજન્ટ, તારે આ મેટર....” આકાંક્ષા વાક્ય પૂરું કરે એ પહેલા કોલ ડ્રોપ થઇ ગયો.

“ગોડ ડેમ ઇટ, બ્લડી હેલ.” એણે પોતાની આસપાસ ટોળે વળેલી ગ્રામીણ મહિલાઓને ન સમજાય એવી ભાષામાં ભડાશ કાઢી.

“લીસન, સોરી આ ડીડ નોટ ગેટ યોર નેઈમ.” પોતાની સાથે આવેલી સહાયક તરફ જોઈ એ બોલી.

“જી, શ્વેતા.” સહાયક બોલી. ચાર કલાકથી સાથે એકજ કારમાં, બાજુમાં બેસીને મુસાફરી કરતા હોવા છતાં, મેડમને પોતાનું નામ પણ યાદ નથી એ વાતનો ખેદ શ્વેતાની આંખોમાં હતો.

“સોરી, શ્વેતા, કેન યુ સોર્ટ ઓફ, ટોક વીથ ધીસ લેડીઝ, આઈ નીડ હાફ એન અવર, સમથીંગ કેઇમ અપ, પ્લીઝ.” આકાંક્ષા આટલું કહી, પોતાની કાર તરફ ચાલવા લાગી.

માર્ચ મહિનાના આકરા તડકાને કારણે એનો ગોરો ચહેરો લાલ થઇ રહ્યો હતો.

“સ્યોર, મેડમ, નો પ્રોબ્લેમ.” એને પોતાને ઈમ્પ્રેસ કરવા મથતી સહાયક શ્વેતાના શબ્દો સંભળાયા.

આકાંક્ષાએ પોતાની કારનું એ.સી ફુલ-ઓન કર્યું. વિટામીન વોટરની બોટલ મોઢે માંડી, અને સનગ્લાસીસની પાછળ છુપાયેલી આંખો મીચી થોડા ઊંડા શ્વાશો ભર્યા.

એન.જી.ઓનો કારોભાર લઈને બેઠી હતી, એટલે ફીલ્ડ વિઝીટ કર્યા વીના છુટકો’તો હતો નહીં. જોકે ઉનાળામાં એ સવારના ભાગે આવા ફીલ્ડ ટ્રીપના કામ પતાવી દેતી, જેથી આખી બપોર ઓફીસના વાતાનુકુલિત વાતાવરણમાં વિતાવી શકાય.

આમ તો આકાંક્ષાને આ ફીલ્ડ વિઝીટસ અને તડકામાં રખડપટ્ટી કરવાની કોઇ જરૂર ન હતી, પણ એન.જી.ઓ ચલાવવામાં એને, પોતે કંઇક કર્યાનો સંતોષ મળતો. હાઉસવાઈફ તરીકેની બોરિંગ લાઈફ જીવવી એના માટે શક્ય ન હતી. એનો હસબન્ડ અનીલ મોટેભાગે બિઝનેસ ટુર પર હોય. એક ટીનએજર દીકરો હતો, એ બૉર્ડિંગ સ્કુલમાં ભણતો, અને આ વખતે ઉનાળાની રજાઓમાં એની ફોઈને ત્યાં બેંગલોર ગયો હતો. બંગલામાં એકલી બેસીને પાગલ થવા કરતા એ તડકામાં રખડવા માટે રાજી હતી. લોકો સાથે ગ્રાસરૂટ લેવલ પર કનેક્ટ થવું. જયારે એ બીજાઓની સમસ્યા નજરે જોતી, ત્યારે પોતે કેટલી ખુશનસીબ છે એનો રીલેટીવ એહસાસ એને થતો.

પણ, આજે એને ખરેખર આ ફીલ્ડ વિઝીટ પર આવવા માટે પસ્તાવો થયો. કારણ હતું, એની ઓફીસમાંથી કલાક પહેલા આવેલો કોલ.

ગામડાઓમાં મોબાઈલ નેટવર્કની હમેશાં સમસ્યા રહેતી, એટલે એણે સ્ટાફને કોઈ અગત્યનું કામ હોય તો વોઇસમેલ મુકવાની સુચના આપેલી. જ્યાં અને જયારે સિગ્નલ મળે ત્યારે એ વોઇસમેલ સાંભળીને જરૂર પ્રમાણે કોલ રીટર્ન કરતી.

“મેડમ, ગુડ મોર્નિંગ, સતીશ હીયર, સોરી ટુ ડીસ્ટર્બ યુ. મેડમ, આપના બાપુજીના નેબરનો ઓફીસ પર ફોન આવ્યો હતો. સી સેઈડ કે, આપના બાપુજીને પોલીસ, ઘરે આવીને લઇ ગઈ છે, મે બીજી ડીટેઈલ્સ પૂછી જોઈ, બટ સી હેસ નો આઈડિયા, પ્લીઝ કોલ મી બેક, થેન્ક્સ સતીશ.”

આકાંક્ષાએ ફરી વોઇસમેલ રીપ્લે કરીને સતીશનો મેસેજ સાંભળ્યો.

“બાપુજીને પોલીસ લઇ ગઈ?”

“ફોર વ્હોટ?”

“શેના માટે? કેમ?”

અહીં શહેરથી ચાર કલાક દૂર આદિવાસી વિસ્તારમાં બેસીને આ પ્રશ્નોના જવાબ મળવાના ન હતા અને રૂરલ ડેવલપમેન્ટના સેક્રેટરી ગાંધીનગરથી એના એન.જી.ઓના પ્રોજેક્ટનું ઇન્સ્પેકશન કરવા જાતે આવવાના હતા, એટલે તાત્કાલિક પાછા શહેર જવું પણ અસંભવ હતું.

“આઈ હોપ કે નિમિષ કંઇક કરે, ફોર વન્સ.”

નિમિષ, આકાંક્ષાનો નાનો ભાઈ હતો. બિઝનેસ બેન્કિંગના ક્ષેત્રમાં બહુ મોટું નામ, એની કન્સલ્ટન્સીની સર્વિસીસ માટે પડાપડી થતી, ખાસ’તો આઈ.ટી કંપનીઓ, ફંડીગ માટે નિમિષની ફર્મ સીવાય ક્યાંય જાય નહીં. નિમિષ અને એની ગર્લફ્રેન્ડ સીમા, નાની ઉંમરમાં અઢળક કમાતા અને વાપરતા પણ.

ખેર, અત્યારે આ ક્ષણે નિમિષ અને સીમાની મટીરીયાલીસ્ટીક લાઈફ-સ્ટાઈલ ચિંતાનો વિષય હતી નહીં. ચિંતાનો વિષય હતો, એમના બાપુજી કે જેમને ૭૮ વર્ષની ઉંમરે પોલીસ, ઘરે આવીને લઇ ગઈ હતી.

એણે ફટાફટ નિમિષને બનાવની માહિતી આપતો મેસેજ કર્યો. મેસેજ સેન્ડ કરીને મનોમન પ્રાથર્ના પણ કરીકે, અતિવ્યસ્ત નિમિષ મેસેજને જુવે અને તાત્કાલિક કંઇક એક્શન લે. સીમાને મેસેજ કરવાનો અર્થ હતો નહીં, કારણકે એનો ફોન એની સેક્રેટરી પાસે રહેતો.

પોતે જાતે ડ્રાઈવ કરીને આવી એ પણ બીજી ભૂલ હતી, ઉબડખાબડ રસ્તાઓ પર જાતે કાર લઈને ફટાફટ પાછા ફરવું પણ જોખમી હતું.

કારના ડાર્ક વિન્ડો ગ્લાસ પર ટકોરા પડતા, આકાંક્ષાની વિચાર-યાત્રા અટકી. સહાયક શ્વેતા કારના દરવાજા પાસે ઉભી હતી.

ઓહ ગોડ, આ નવા લોકો દરેક બાબતે પૂછવા આવે, એવું વિચારી એણે કમને કારનો દરવાજો ખોલ્યો.

“શું થયુ?” આકાંક્ષાના ચહેરા પર ગુસ્સો ઉભરી આવ્યો.

“સોરી મેડમ, ધેર ઇઝ અ પ્રોબ્લેમ.” શ્વેતા અચકાતા બોલી.

“ઓહ ગોડ, વ્હોટ નાવ!” કારનું એન્જીન બંધ કરીએ કારમાંથી નીચે ઉતરી.

“મેડમ, એક લેડીનો હસબન્ડ આવ્યો છે, હી સીમ્સ વેરી અનહેપી, એ બન્નેની વચ્ચે આર્ગ્યુમેન્ટ થઇ, એન્ડ ધેન હી એસોલ્ટેડ હર.” શ્વેતા રડમસ અવાજે બોલી. શહેરમાં ઉછરેલી અને સોશીઅલ-વર્ક પુસ્તકોમાં ભણેલી શ્વેતાનો નગ્ન વાસ્તવિકતાઓ સાથેનો આ પ્રથમ સંપર્ક હતો.

“ઓહ, નો, ક્યાં છે?” આકાંક્ષા એન.જી.ઓની નાનકડી ઓફીસ તરફ દોડી. ઓફીસના પ્રાંગણમાં મહિલાઓનું ટોળું થઇ ગયું હતું. જેના પર હુમલો થયો હતો એ સ્ત્રી, ટોળાની વચોવચ બેઠી હતી. એની ભમ્મર ઉપરથી લોહી વહી રહ્યું હતી. આંસુની સાથે લોહીની ધારા, એ સાડીના છેડાથી ઘા ને દાબવાનો પ્રયાસ કરી રહી હતી. જયારે એનો પતિ બીજા ખૂણે, પોતાની મોટરસાયકલ પર ટેકો દઈને મૂછ પર તાવ દેતો ઉભો હતો. એની સાથે રહેલા એના સાગરીતો ઝીણું ઝીણું હસતા હતા.

“ઓફિસમાંથી ફર્સ્ટ એઇડ કીટ લાવો, જલદીથી.” આકાંક્ષાએ પેલી સ્ત્રી પાસે બેસતા કહ્યું. કીટ આવતા એણે ઘા ને સાફ કર્યો. પેલી સ્ત્રીને અંદર ઓફિસમાં લઇ જવા કહ્યું.

“કોણ હતો એ જંગલી?” આકાંક્ષા હવે વિફરી હતી, એણે મોટરસાયકલ પાસે ઉભેલા ટોળા તરફ કુચ કરી.

“ઓલી, જંગલી તારી મા, સાલી રખડેલ, અહીં આવીને અમારા બૈરાઓને બગાડે છે.” પતિએ સામો પ્રહાર કર્યો.

“શું નામ છે તમારું, તમને ખબર છે આ એક ગુનો છે.” આકાંક્ષાએ ગુસ્સો દબાવી વાત વાળવાની કોશિશ કરી, એ જાણતી હતી કે અત્યારે આ ક્ષણે એ લાચાર છે. રૂરલ ડેવલપમેંટના સેક્રેટરી સાથે જીલ્લાના બીજા અધિકારીઓ પણ થોડીવારમાં આવી પહોંચશે, આ પ્રોજેક્ટના રીપોર્ટ પર બહુ મોટી સરકારી ગ્રાન્ટ મળવાની હતી. આ જંગલી લોકો જો કોઈ બખેડો કરશે તો, અત્યાર સુધીની એની બધીજ મહેનત પર પાણી ફરી વળશે.

“રાજુ, નામ છે, મારું, બોલ શું તોડી લેવાની છે, બોલ, તને અડધો કલાક આપું છું, બિસ્તરા પોટલા બાંધીને અહીંથી રવાના થઇ જાજે, નહિતર જોવા જેવી થશે.” પતિએ ટીપીકલ ધમકી ઉચ્ચારી.

એની સાથે આવેલા મુફલિસોના ટોળામાં હસાહસ થઇ, એટલે એ વધુ જોરમાં આવ્યો.

“વર પૈસાવાળો હશે, અને બહેનને ઘરે બેસવામાં ચૂલ આવતી હશે, એટલે અહીં આવી આપણા બૈરાઓને બગાડે છે, પાપડ વણો, અથાણાં બનાવો, સ્વ-નિર્ભર બનો. બેનઠોક અમે બાયલા છીએ, અમારાથી પૂરું નથી પડતું, હે!”

પતિ હવે નેતા બની ગયો.

“જો બુન, આ બધું ફેશનવાળુ અમારે ના જુવે, અમારે’તો લેડીઝ ઘરનું કોમ કરે, છોકરું હાચવે, ભેંસો સાચવે, તમે આ પાપડ-મસાલા બીજે ચલાવો, હેંડો રાજુભઈનું છટકે એ પેલા બધીયો અહીંથી રવાના પડો.” ટોળાના એક વડીલે થોડી સભ્ય ભાષામાં રાજુભાની ધમકી ફરી દોહરાવી.

“ક્યાં ગઈ, તારે ઘરે આવવું છે કે નહીં, સીધે સીધી હેંડ, નઈતર ટાંગો તોડીને લઇ જઈશ.” રાજુભાએ હવે એન.જી.ઓની ઓફિસ અંદર રહેલી પત્ની તરફ નિશાન તાંકયુ.

આકાંક્ષા સમજી ગઈ કે, આ લોકો સાથે માથાકૂટ કરવાનો અર્થ નથી. ગમે ત્યારે સેક્રેટરીનો કાફલો આવી ચડે એમ હતો. એણે તાત્કાલિક પલટી મારી.

“ઓકે, રાજુભા, તમે તમારા વાઈફને લઇ જાઓ, હું એમને મોકલી આપું છું. અમે લોકો પણ એક બે દિવસમાં અહીંથી ઓફીસ બંધ કરીને જતા રહીશું, પ્લીઝ એટલો ટાઈમ આપો. પ્લીઝ.”

શ્વેતા, આકાંક્ષામાં આવેલા પરિવર્તનને જોઈ આઘાત પામી, આ એજ મેડમ છે, જ સેમિનારોમાં નારી-સ્વાતંત્ર્યની વાતો કરે છે.

આકાંક્ષાએ સ્વીકારેલી શરણાગતીથી પતિદેવનો અહમ જાણે પંપાળવામાં આવ્યો હોય એમ એ ઠંડો પડ્યો.

એની લોહીલુહાણ પત્નીને એણે ડોળા કાઢી મોટરસાઈકલ પર બેસવા કહ્યું. આકાંક્ષાએ પર્સમાંથી પાંચસોની નોટ, પેલીના પતિને આપી,

“પ્લીઝ લઇ લો, દવા-દારુ માટે.”

પતિ આમપણ, ખિસ્સા-ખાલી હતો, જે દેશી દારુ પીવા કામમાં આવે એમ વિચારી એણે રકમ રાખી લીધી.

બીજા પાંચસો આપ્યા બાદ એની સાથે આવેલી ટોળકી પણ રવાના પડી. આકાંક્ષાએ બાકી રહેલી બહેનોને રી-ગ્રુપ કરી. સેક્રેટરીના આવવાની રાહ જોવાવા લાગી. અને, આ બધા બખેડામાં પોલીસ સ્ટેશને બેઠેલા બાપુજી ભૂલાઈ ગયા.

*******

આકાંક્ષાની ધારણા પ્રમાણે નિમિષે છેક મોડી બપોરે મેસેજ જોયો. મેસેજ જોયા બાદ એણે તાત્કાલિક પોતાના એક ક્રિમીનલ લોયર દોસ્તને ફોન લગાવ્યો. પેલાએ તપાસ કરી નિમિષને મેસેજ આપ્યો કે, એના બાપુજીને સીટી પોલીસ સ્ટેશને લઇ ગયા છે. કોઈ ગુનો દાખલ નથી થયો, હજી પૂછપરછ ચાલે છે.

બન્ને જણાએ અડધા કલાકમાં સીટી પોલીસ સ્ટેશનની બહાર મળવાનું નક્કી કર્યું.

નિમિષ અને આકાંક્ષાના ફાધરને એ લોકો નાનપણથી બાપુજી કહેતા. એ શહેરની વિખ્યાત હાઇસ્કુલમાં ગણિત ભણાવતા. એમની ‘નો નોન સેન્સ’ શિક્ષક તરીકેની છાપ હતી. મધર થોડા વર્ષો પહેલા ગુજરી ગયા હતા. ફાધર એકલા એમના અવકુલ નગરના બંગલે રહેતા. નિમિષ અવકુલ નગરને મજાકમાં અવસાદ નગર કહેતો. ત્યાં મોટાભાગના રીટાયર લોકો ત્યાં રહેતા. સૌ કોઈના સંતાનો બીજા શહેરોમાં કે પ્રદેશ સ્થાયી થઇ ગયા હતા. આકાંક્ષાએ બંગલામાં બાપુજીનું ધ્યાન રહે એ માટે, સર્વન્ટ ક્વાટરમાં એક પરિવારને રહેવાની છૂટ આપી હતી. વર કોઈ ફેક્ટરીમાં કામ કરતો, અને વહુ બંગલાની સાફસફાઈ અને બાપુજીની દેખરેખ રાખતી.

નિમિષને એના વકીલ દોસ્તારે, પોલીસ સ્ટેશનની સામેના રેસ્ટોરન્ટમાં રાહ જોવા કહ્યું, એ પોતે પોલીસ સ્ટેશનમાં જઈને તપાસ કરીને આવે છે એમ કહી નીકળી ગયો.

નિમિષને સખત અકળામણ થઇ, કેટલું કામ બાકી છે. આ લફરાને લીધે બે મીટીંગ કેન્સલ કરવી પડી. એણે સીમાની સેક્રેટરીને ફોન કરી, પોતે ક્યાં છે એની વિગત આપી અને કોલ્ડ કોફી ઓર્ડર કરી.

અડધા કલાકે વકીલ મિત્ર પરત ફર્યો. એના ચહેરા પર સ્મિત હતું. જે જોઈને નિમિષને ધરપત થઇ.

“તારા બાપુજી આઈટેમ છે, દોસ્ત.” એણે નિમિષના ખભા પર ધબ્બો મારતા કહ્યું.

“વ્હોટ હેપન્ડ?” નિમિષ બોલ્યો.

“અરે યાર, ઈટ્સ વિયર્ડ, એકોરડિંગ ટુ પોલીસ, તારા ફાધરે કોઈ માણસને કિડનેપ કરીને બંગલામાં હોસ્ટેજ રાખ્યો હતો.”

નિમિષ ફાટી આંખે વકીલની સામે જોઈ રહ્યો.

વકીલે આગળ ચલાવ્યું.

“યાર, પેલો માણસ સીરીયસ છે, મલ્ટીપલ ટ્રોમા અને સીવીયર ડીહાયડ્રેશન. એણે પોલીસને સ્ટેટમેન્ટ આપ્યુંકે, એ એના મોટા ભાઈ એટલે કે બંગલાના સર્વન્ટ ક્વાટરમાં રહેતા વ્યક્તિને ત્યાં આવ્યો હતો, ત્યાં કઈ તકરાર થતાં એણે અને એના મોટા ભાઈએ મોટા ભાઈની પત્નીને ફટકારી, તારા ફાધરે બારીમાંથી આ સીન જોયો, પણ કઈ બોલ્યા નહીં. છેક સાંજે એમણે બન્ને ભાઈઓને બંગલામાં બોલાવ્યા અને સ્કોચ પીવરાવ્યો. બસ ત્યારબાદ બન્ને ઉઠ્યા ત્યારે સાંકળેથી બંધાયેલા હતા.”

“અવકુલ નગરના વડીલો એમની આસપાસ હતા, બધાએ ભેગા મળીને બન્ને ભાઈઓનો પ્રમાણસરની ધોલાઈ કરી.”

“તારા ફાધરે બન્નેને હવે કોઈ દિવસ સ્ત્રી પર હાથ નહીં ઉપાડું એવું વીસ હાજર વાર લખવાની સજા કરી.”

“અને જો ન કરે તો ક્રમશઃ એમનો ખોરાક અને પાણી બંધ કરવાની ધમકી આપી.”

“મોટાભાઈએ’તો લખી પણ નાખ્યું.”

“સોસાયટીના ઘરડાઓ વારાફરતી બન્ને ભાઈઓ પર ચોકી પહેરો ભરતા.”

“અઠવાડિયાથી આ ખેલ ચાલતો હતો, છેવટે મોટોભાઈ બાથરૂમ જવા મોકલ્યો ત્યારે છટકી ગયો, અને સીધો પોલીસ સ્ટેશને ગયો. ત્યાં ખબર આપી ત્યારે પોલીસે તપાસ કરી.”

“નવાઈની વાત એ છે કે એની વાઈફને આ બધી ખબર હતી.”

“તારા ફાધર સવારના ત્યાં છે, પણ એકપણ શબ્દ બોલતા નથી, કે કોઈનું પણ નામ આપતા નથી.”

“એનીવે, મે પતાવી દીધું છે, નો ચાર્જીસ. આપણે પેલા ભાઈઓની ટ્રીટમેન્ટનો ખર્ચો આપવાનો છે. ફાધરને કલાકમાં એમના મોટા સાહેબ આવે એટલે જવા દેશે.”

“ઓકે, ચાલ હું નીકળું.”

વકીલ મિત્રએ ચાલતી પકડી.

ઠંડી પડી ગયેલી કોલ્ડ કોફી સામે જોઈ, નિમિષ બોલ્યો.

“બ્લડી, વિજીલાન્ટીસ ઓફ બ્લડી અવસાદ નગર.”

*******

સેક્રેટરી સાહેબની મુલાકાત અને ‘વેરી ગુડ’ની રીમાર્ક બાદ આકાંક્ષા સમી સાંજે શહેર જવા પાછી નીકળી. એક વધુ ગ્રાન્ટ, એક વધુ પ્રોજેક્ટ, એક વધુ અચીવમેન્ટ, સ્ત્રી-સ્વાતંત્ર્ય તરફ. થોડા કલાકો પહેલા સ્થળ પરજ જેણે રાજીનામું આપ્યું હતું એ શ્વેતા, હાઇવે પર બસની રાહ જતી ઉભી હતી.

૧૩મી મે ૨૦૧૫

સિડની.

-પાર્થ નાણાવટી

બીજા રસપ્રદ વિકલ્પો