ખોવાયેલ પ્રેમ nk maher દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોવાયેલ પ્રેમ

સ્વાતંત્ર્ય સેનાની તરીકે મળતું પેન્શન હાથમાં લઈને નિહાલચંદ કાકાએ નોટો ગણી લીધી. પેન્શનની રકમ ખાદિના ઝભ્ભાના પહોળા ખિસ્સામાં સેરવી દીધી. પછી કોઈને ન સંભળાય અને ન સમજાય એવો એક નાનો અને છાનો નિસાસો છોડીને એ લાકડાના બાંકડા ઉપરથી ઊભા થયા.

”એક મિનિટ ! જરા આપની પેન આપશો ?” બાજુમાંથી કોઈ વૃદ્ધ મહિલાનો અવાજ સંભળાયો : ”આટલું ફોર્મ ભરીને પાછી આપું છું…”

નિહાલચંદે એમની દિશામાં જોયા વગર જ પેનવાળો હાથ લંબાવ્યો. પંચોતેર વરસની ઉંમરે હાથ પણ ધ્રૂજતો હતો. પેલી વૃદ્ધાએ પણ ઉંચુ જોયા વિના પેન લેવા માટે હાથ લાંબો કર્યો. સાવ અનાયાસ બને છે એમ બંનેની આંગળીઓ એકમેકને સ્પર્શી. બંનેને જાણે વીજળીનો આંચકો લાગ્યો. પહેલાં શારીરિક અને પછી માનસિક.

આ ઉંમરે આવી ઝણઝણાટી ?! નિહાલકાકાએ ઉપર જોયું. બંનેની નજરો ટકરાણી.

”કોણ ? રેણુ ? રેણુ તો નહીં ?”

”અરે, નિહાલ ! તું ? તમે…?”

પંચોતેર – પંચોતેર વરસના બે વૃદ્ધ સ્ત્રી-પુરૂષ તુંકારાની ભાષામાં વાત કરી રહ્યા હતા અને આઁફિસના કર્મચારીઓ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતાં.

”તમે અહીં કયાંથી ?” સ્ત્રી હોવાના નાતે રેણુબહેને પહેલાં સ્વસ્થતા ધારણ કરી લીધી : ”સ્વાતંત્ર્ય સેનાનીનું પેન્શન લેવા માટે…?”

”હા.” નિહાલચંદે ફરી એકવાર નિ:સાસો નાંખ્યો; આ વખતે જોઈ પણ શકાય એવડો અને સમજી પણ શકાય એવો ! પછી માથું ઝુકાવી દીધું : ”ગાંધીજીના મારગ ઉપર પગલું માંડતી વખતે કલ્પના યે કયાં હતી કે એ પગલાના બદલામાં દેશ પાસેથી પૈસા માંગીશું ? પણ ઉંમરે તોડી નાંખ્યો ! જ્યાં સુધી દેહમાં તાકાત હતી, ત્યાં સુધી કામ કર્યે રાખ્યું. એકલા પંડને ખાવા માટે કેટલું જોઈએ ? પણ કામેય નથી થતું અને…”

”કેમ, એકલા પંડે એટલે ? પત્ની, બાળકો ? નથી ?” રેણુબહેને સોનેરી ફ્રેમના ચશ્માંમાંથી પૂછપરછ ફેંકી.

નિહાલચંદ હસ્યા : ”હતાં…! હવે નથી. પત્ની પાંચ વરસ પહેલા મરી ગઈ, દીકરી સાસરે છે અને એક દીકરો હતો… છે… પણ એ ય સાસરે છે. અમેરિકન સિટીઝન છોકરીને પરણીને અમેરિકા ચાલ્યો ગયો છે.”

”તમે તો લગ્ન નહોતા કરવાના ને ! અડગ નિર્ણય હતો એનું શું થયું ?”

”કોણે કહ્યું કે નહોતાં કરવાં ?”

”તમે જ કહેતા હતા.” રેણુબહેન હસ્યાં : ”બેંતાલીસની કિવટ ઇન્ડિયાની લડત વખતે તમે જ મોહિતભાઈને કહેતા હતા ! મેં કાનોકાન સાંભળ્યું હતું.”

”મોહિત…! અરે, હા ! એ કયાં છે અત્યારે ? અમે તો વરસોથી એકબીજાને મળ્યાં જ નથી. શું કરે છે ?”

”નથી. આઝાદી પછી બે વરસે એ કોંગ્રેસ છોડીને સર્વોદયમાં જોડાયો. પછી દેશની દશા જોઈને એનું મન ઊઠી ગયું. રાજકારણ છોડીને કમાવા માટે એડન ચાલ્યો ગયો. બાંસઠની સાલમાં ભર જુવાનીમાં આથમી ગયો.”

”અફસોસ ! કેવો તરવરીયો જુવાન હતો ! તારો ભાઈ પણ મારો તો ભાઈબંધ ! પરણ્યો હતો ખરો ?” ”ના.”

”અને તું ?” નિહાલચંદનો અવાજ અજાણતા જ મોટો થઈ ગયો. આઁફિસનો પટાવાળો કાન સરવા કરીને બંનેની વાતો સાંભળી રહ્યો હતો. પંચોતેર વરસની ડોશીને કોઈ એકવચનથી સંબોધે એ એણે જિંદગીમાં પહેલીવાર સાંભળ્યું હતું.

રેણુબહેન ક્ષોભ પામ્યા, ઝટપટ ફાઁર્મ ભરીને કલાર્કને સોંપ્યું. પછી પગ ઉપાડતા બોલ્યા : ”ચાલો, આપણે સામેના બગીચામાં બેસીએ. અત્યારે ત્યાં કોઈ નહિ હોય.’

બંને વૃદ્ધોએ જવા માટે પગ ઉપાડયા પણ બગીચામાં ગયા પછી ખબર પડી કે એમનું અનુમાન ખોટું હતું; નમતી બપોરે બગીચાના ઝાડવે ઝાડવે પ્રેમીપંખીડા ‘ગુટર-ગૂં’ કરી રહ્યા હતાં.

નિહાલચંદ શાહ વાણીયા હતા. ભલે વેપારમાં નહોતા પડયા, પણ બજારની રૂખ પારખી શકતા હતા. પ્રેમી યુગલોને જોઈને એ વિચારી રહ્યા : કેવી નિખાલસ યુવાની છે ! જે છોકરો કે છોકરી પસંદ પડે એની આગળ પ્રેમની કબૂલાત કરતાં અચકાતા નથી. અમારા જમાનામાં આવી હિંમત કયાં હતી ? એમ તો એમને ખુદને ય રેણુ ગમતી હતી, ખૂબ ગમતી હતી. પણ એમનાથી કયાં કયારેય એની સમક્ષ લાગણીની જાહેરાત થઈ શકી ! મોહિત જોડેની મૈત્રી એ તો એક બહાનું હતું, રેણુના ઘરે જવાનું. અલબત્ત, મોહિત સારો છોકરો હતો, એની સાથેની દોસ્તી પાછળથી ગાઢ થઈ ગઈ હતી, પણ એ જો રેણુનો ભાઈ ન હોત તો ?

”શું વિચારો છો ?” રેણુબહેને ગુલમહોરના વૃક્ષ નીચે પર્ણ આચ્છાદિત બાંકડા ઉપર બેસતા પૂછૂયું.

”વિચારું છું કે એ દિવસો કેવા હતાં ? અને આજે કેવા છે ! બધું જ બદલાઈ ગયું છે… કપડાં પણ… ! તું હજુ પણ ખાદિ પહેરે છે ?” એમની નજર જાણે હવે જ રેણુબહેનની કાળી બોર્ડરવાળી સફેદ સાડી ઉપર પડી

”હવે જ પહેરું છું. લગ્ન પછી બંધ કરી દીધી હતી. મારા પતિને ખાદી પસંદ ન હતી.”

”મતલબ કે હવે તારા પતિ…”

”હા, એ હવે નથી. એ ગયા અને ખાદિ પાછી આવી. તમે ? હજુ યે ખાદી જ પહેરો છો ?”

”હા, ગાંધીના નામે પાણી મૂકેલું, એટલે ચાલુ રાખી છે. એ એક જ તો સતૂયુગી જીવ થઈ ગયો આ કળિયુગમાં. અને આમ પણ ગાંધીબાપુની બીજી કોઈ નિશાની બચી છે આ દેશમાં ? મનમાં ઘણીવાર સવાલ ઊઠે છે કે આ દેશ માટે આપણે લાઠીઓ ખાધી હતી ? આ ભ્રષ્ટાચાર માટે આપણે જેલમાં ગયેલા ? આ… આ બેઇમાન નેતાઓના હાથમાં રાજપાટ સોંપવા માટે આપણે અંગ્રેજોને કાઢી મૂકયા હતા ? ઘણીવાર મનમાં એક ભયાનક વિચાર ઝબકી જાય છે : જેટલા વૃદ્ધો બચ્યા છે આ દેશમાં… એ બધાંને ભેગા કરું… એમની સહીઓ ઉઘરાવીને એક આવેદનપત્ર તૈયાર કરું… પછી અંગ્રેજોને લખી મોકલું કે… આવો, તમે પાછા પધારો… અને આ લાલુપ્રસાદો અને નરસિંહરાવોથી અને હર્ષદ મહેતા જેવા કૌભાંડકારીઓથી ખદબદતા અમારા પ્રાણથી યે પ્યારા એવા ભારત દેશનું સુકાન ફરીથી સંભાળી લો ! અમે આઝાદીને લાયક નથી… અમે આઝાદીને લાયક નથી…” ”અને તમે માનો છો કે અંગ્રેજો પાછા આવશે ?”

”ના, નહીં આવે. ગયેલો સમય પાછો નથી આવતો, તો અંગ્રેજો કયાંથી આવે ? અને આ તો મારી ગાંડી કલ્પના છે, બાકી આવું કરવાની હિંમત કયાં છે મારામાં ? બાકી જો હિંમત હોત તો…” નિહાલચંદ અટકી ગયા. જાણે કંઈક બોલવા જતા હતા, પણ સભાન બની ગયા.

જે અધૂરું રહ્યું એ વાકય એમના મનમાં પૂરું થયું : જો હિંમત હોત તો તારા ઘરે આવીને તારો હાથ ન માંગી લેત ! સત્યાગ્રહના આંદોલનમાં આટલા વરસ સાથે કામ કર્યું, ખભેખભો મીલાવીને લડયાં, માથું ફોડાવ્યું અને તારા હાથે પાટાપીંડી પણ બંધાવ્યા. પાટો બંધાવતા હૈયા સાથે હૈયું પણ ગંઠાઈ ગયું, પણ તને કહેવાની હિંમત કયાં હતી ?

”તો ?” રેણુબહેને એમની વિચારયાત્રાને અટકાવી.

”શેનું તો ?” નિહાલચંદને વાતનું અનુસંધાન મેળવવામાં વાર લાગી.

”કેમ, ભૂલી ગયા ? તમે કહેતા હતા કે… બાકી જો હિંમત હોત તો ?…”

નિહાલચંદ થડકી ગયા. ગજબની યાદશકિત છે આ બાઈની ! એ જુવાન હતી ત્યારે ‘પણ’ કેવી સુંદર હતી ! આ વિચાર સાથે જ એમને હસવું આવી ગયું, આ ‘પણ’નો મતલબ તો એવો થાય કે રેણુ, અત્યારે પણ…! કે પછી એ સુંદરતા પોતાની નજરમાં હતી ? બાકી સફેદ ખાદિના સાડલામાં ઢંકાયેલું આ કરચલીવાળું માળખું, દાંત વગરનું મોં, જાડા કાચના ચશ્માવાળી આંખો અને માથે રૂની વીગ મૂકી હોય એવા સફેદવાળ ! અને છતાં સમયે જો સાથ આપ્યો હોત તો અત્યારે રેણુ એમની પત્ની હોત ! બસ, કમી માત્ર થોડી હિંમતની હતી.

પણ હવે શું ? જિંદગીની નવલકથા સમાપ્તિના આરે આવીને ઊભી છે. છેલ્લા પ્રકરણના અંતિમ શબ્દો લખાઈ રહ્યા છે. ગમે તે ક્ષણે પૂર્ણવિરામ મૂકાઈ જાય અને આ ધરતી ઉપરથી ઉઠતી વખતે હવામાં ચિતાની રાખની સાથે સાથે એક વસવસો પણ ધૂમાડો બનીને પથરાતો રહેશે; જે સ્ત્રી પોતાને ગમતી હતી એને કયારેય એક વાકય કહી ન શકાયું; માત્ર એક જ વાકય કે…

નિહાલચંદને ખબર પણ ન રહી કે મનોમન ચાલી રહેલો સંવાદ કયારે જીભ ઉપર આવી ગયો. સ્વગતોકિત કયારે પ્રગટોકિત બની ગઈ : ”રેણું, હું તને પ્રેમ કરું છું. ત્યારે પણ તું મને ગમતી હતી, આજે પણ ગમે છે, આવતા ભવે પણ ગમતી રહીશ.”

”હે !?” રેણુબહેન સ્તબ્ધ થઈને સાંભળી રહ્યાં.

”હા, રેણુ ! આઘાત ન પામીશ. તને થશે કે હું ગાંડો થઈ ગયો કે શું ? ભજન ગાવાની ઉંમરે આ ડોસો એક ડોશી આગળ એની છાતીના કમાડ ખોલી રહ્યો છે. રેણુ , હું તારા’ ભાઈને કહેતો હતો કે મારે લગ્ન નથી કરવું એ વાકય અધૂરું હતું હકીકતમાં હું એમ કહેવા માટે આવ્યો હતો કે, રેણુ વગર બીજી કોઈ પણ સ્ત્રી સાથે મારે લગ્ન નથી કરવું. પણ તારી હાજરી મારી જીભને શિથિલ બનાવી મૂકતી હતી અને તું યે ગાંડી, મારું કહેવું સાચું માની બેઠી !’

”ફટ રે ભૂંડા !” રેણુબહેને કપાળ ઉપર હાથ મૂકયો : ”નિહાલ, હું યે તારી પાછળ ગાંડી હતી. પણ મને શું ખબર કે તું મને ચાહે છે ? તેં તો મારું જીવતર બગાડયું. એક વાર તો મને સાદ પાડવો હતો….”

નિહાલચંદ પાણીના રેલાની જેમ વહી ગયા : ‘હશે, રેણુ ! હું તને એ સવાલ નહીં પૂછું કે તારું લગ્નજીવન કેવું ગયું. પણ તારા એક વાકયમાં તારું આખું દાંપત્ય પડઘાઈ ગયું હોઈ શકે કે મેં તારું જીવતર બગાડયું પણ… પણ તેં તો મારું મોત સુધારી દીધું.’

”મોત ? સુધારી દીધું ?”

”હા, હવે મૃત્યુ ગમે તે ક્ષણે આવે. મને એક વાતનો અફસોસ કયારેય નહીં રહે કે મેં મારી પ્રેમિકા આગળ મારા પ્રેમનો એકરાર ન કર્યો. બાકી એનાથી વધીને તો આ અઢી અક્ષરમાં બીજું સમાયું પણ શું છે ?”

ખાસ્સીવાર સુધી બગીચાના એ ગુલમહોર નીચે ખામોશી પથરાયેલી રહી. પછી રેણુબહેને જ ઉઠવામાં પહેલ કરી : ”ચાલ, નિહાલ ! હવે ઉઠીએ. લૂરજ ઢળી રહ્યો છે…!”

અને ઢળતા સુરજ જેવા બે પ્રેમીઓ એમની અંગત ક્ષિતિજની નીચે છુપાઈ જવા માટે ઊભા થયાં.