ગાબડું Manubhai Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગાબડું

ગાબડું
લેખક: મનુભાઈ જાની

વીરા પટેલની ચડતીનો સૂરજ તપતો તપતો મધ્યાહ્ને પહોંચી ગયો છે. ગઢમાં દોઢીની વચ્ચોવચ્ચ ઢાળેલા પાંચ મણના પલંગ પર ગાદલા ઉપર અઢેલીને પડેલા પટેલ સામે કોઇથી આંખ્ય મેળવીને વાત ન કરાય. આખા ય પરગણા ફરતે એકજ વાત આંટો વાઢી ગઈ છે: પટલાઈ તો ઘણા કરી ગયા ને કરશે પણ વીરા પટેલનો વડ્ય ન થાય!

પણ આજે કૈંક ગ્રહો જ વંકાઈ ગયા હોય એમ સવારના પહોરમાં લખીરામ મહારાજની લલૂડી સખણી ન રહી ને દિ’ બગાડી માર્યો પટેલનો. છતાંય જાણે પોતાના કાન પર ભરોસો નહોતો પડતો: “શું વાત કર’છ અલ્યા?”

“અરે લોઢામાં લીટો, પટેલ!”

“પણ ઈ ગધેડી ગાય બનેજ કેમ?” પટેલની બીજી શંકા.

“બને કે ન બને, પણ વાત સોળ આના ને માથે એક રતી. ખાતરી ન થાતી હોય તો કરો ખરાઈ. ને ખરાઈ કરતે હું ખોટો પડું તો બાવાના બુંદનો નહીં.” લખીરામનું લાબું કબૂલાતનામું અને ધગીને ત્રંબાઈ ગયેલી પટેલની આંખો જાણે હમણાં જ નીકળી પડશે! પણ લખીરામ જેનું નામ, વાતને અંતે જાણે તાજાકલમ ઉમેરી રહ્યો: “જો લખીરામ ખોટો ઠરે તો એનું તાલકું ને તમારું ખાસડું, બસ!” અને લખીરામના ટાલવાળા માથા પર પટેલનો જોતર જેવો પંજો ફરી રહ્યો, “હાંઉ કર્ય હવે, તું તો રગતનું ઠીબડું કે’વા…”

અને થોડીવારે, અરુંપરું જોઇ લખીરામે તક ઝડપી: “ તો હવે હું જાઉં, બાપુ?”

“તે જાને વળી, તેડાવ્યો’તોજ કોણે તને?”

લખીરામ ગઢની બહાર નીકળી ગયો.

પટેલના બેઉ હાથ લમણે દબાયા.’માળો આ લંગોટ, અટાણામાં ખરેખર ચેતાવવા આવ્યો હશે કે પછી નાક વાઢવા! કે પછી બેઉ ભેળું!! પણ તને ખબર નહીં હોય દીકરા, કે એવાં લખણ ખોટાંનો તો હું કાળ છું. જુવાની જાળવે નહીં; ને ઉપરિયામણમાં ગધેડિયું ને ગાયું બનાવે! ઓખાત ખાટો કરી નાખું દિકરાવનો, પછી એ પભલો ગોર હોય કે મોટો ગાદીપતિ…’

“નારાયણ હરી…”

પાછલા ફળિયે વસતી ચેતાવી રહેલા લખીરામનો જ અવાજ ફરી સંભળાયો ને જાણે કાનમાં સીસું રેડાયું. ક્રોધથી કંપી રહેલો હાથ પડખે પડેલી કડિયાળી તરફ વળ્યો. કે કડિયાળી કે જેણે કૈંક હરામીઓનાં હાડકાં ખોખરાં કરી નાખેલાંમ. કૈંક ચમરબંધીઓનાં લીંબુ સોંઘાં કરી નાખેલાં, ભલભલાને ભૂ પીતા કરી દીધેલા, કૈંકને નમાવેલા અને નહીં નમનારને ગામ છોડાવેલાં. પરિણામે પોતે પટેલ નહીં પણ ગામનો રાજા કહેવાતો, ગામ વચાળે બાપ-દાદાવારીનો ડેલો પણ પેટ વધારીને ’ગઢ’ બની ગયેલો, અને પોતે પૂરેલા અનેક પરચાઓને કારણે પેલી સાડાસાત શેર અને અઢી રૂપિયાભારની કડિયાળી પણ રાજદંડનું બિરુદ પામેલી. એ કડિયાળીના સૌ પ્રથમ પરચાનો પ્રસંગ હજુ ગામમાં ઘણાને હૈયે અને હોઠે હતો.

કોઇ એક નનામી અરજીને આધારે તાલુકેથી ફોજદારે ગામમાં રેડ નાખેલી. ગામની પછવાડે આવેલ હાથલા થોરની વાડ્યમાંથી ખાસ્સા પંદર ડબ્બા હાથ લાગ્યા, પણ આરોપી ન મળે. ફોજદાર સાહેબ વટનું ફાડિયું. આરોપી વગર ખાલી હાથે તાલુકે પગ ન મેલવાની જીદમાં બબ્બે દિવસ વીતી ગયા. નાકનો સવાલ આવીને ઊભો. કોઇજ નતીજો ન નીકળતાં છેવટે, બિન-વારસી પંચક્યાસ કરવાની ઘડીઓ ગણાતી હતી. ત્યાંજ સરકારી ચાવડીનાં બારણાં ભભડ્યાં, “બાર ઉઘાડજો, સાહેબ..” “દેખો તો કોણ છે?” અને ફોજદાર સાહેબના હુકમની અમલવારી કરવા ઊઠેલા જમાદારે બારણાં ખોલતાં જ હરદોર રાશ વડે બંધાયેલા ચાર જણ, ને પાછળ હાથમં કડિયાળી સાથે એક લબરમૂછિયો જુવાન- સૌએ ઉતારામાં પ્રવેશ કર્યો.

“ લ્યો સાહેબ, આ આરોપી; ને પડતો મેલો તમારો પંચક્યાસ!” પેલા જુવાને ધડાકો કર્યો.

આવી થરકાટ વગરની ને સત્તાવાહી વાણી એક પ્રજાજન બોલતો હોય એ અનુભવ સાહેબને માટે નવો જ હતો. ખુરશીમાંથી ઊભા થતાં એણે એકાએક સવાલ કર્યો: “ પણ આને હાથ ક્યાંથી કર્યા?”

“એની માના પેટમાંથી!” જુવાને જીભે ચડ્યું તે બોલી ગયો.

“ રંગ છે દોસ્ત, શું નામ છે તારું?” એની ટટ્ટાર છાતી પર ફોજદારે ધબ્બો લગાવ્યો.

“વીરો- વીરો ચૌહાણ.” જુવાનના હોઠના ખૂણે મરકાટ હતો.

“બરાબર! પણ આ બધા માન્યા કેવી રીતે?”ફોજદાર સાહેબના મગજમાં હજુ કશું બેસતું નહોતું.

“સાહેબ, અમને તો ખબર હોયને- ગામના ગંદવાડની! બરકી લીધા ડેલીમાં ને કરી લીધી પોલીસ ચોક્સી, પછી ન માને ને જાય ક્યાં?” જુવાને સાવ સાહજિકતાથી કહ્યું, અને લાકડીના છેડા વડે એક જણની પાછલી છાળ ઊંચી કરી, “લો જુઓ આ આપણી પોલીસ ચોક્સી!” ફાટી આંખે પેલાની પીઠ પરના સોળ ભણી તાકી રહેલા ફોજદાર સાહેબ વીરાની બહાદુરીને મનોમન નવાજી રહ્યા.

“આવ દોસ્ત, બેસ મારી બાજુમાં.” ફોજદાર સાહેબે પોતાની પડખેની ખુરશીમાં વીરાને બેસાડ્યો. ત્યાં પોતાને અચાનક યાદ આવ્યું કે એક મહત્વનો સવાલ તો પૂછવાનો રહી જ ગયો, “તે વીરા, તારે આ બધું….” અને વીરાએ અધવચ્ચે જ વાત ઉપાડી લીધી, “મારે આ બધું કમઠાણ કેમ કરવું પડ્યું એ જ ને?”

“હા બસ એ જ!”

“એ તો સાહેબ, ગામ માટે- ગામની આબરુ માટે. જૂ ન જડે તો આખું લૂગડું કવખોડાઈ જાય એટલે.” વીરો હસ્યો.

“વાહ વાહ, આજે તારા જેવા જ જુવાનોની જરૂર છે અમને, દેશને અને સરકારને.” ફોજદાર સાહેબે વીરાનો ખભ્ભો થપથપાવ્યો. અને જરૂરી સ્ટેટમેન્ટ અંગે સૂચના આપવા રાઈટર ભણી વળ્યા એટલે વીરાએ બીજો ધડાકો કર્યો: “ હવે આનો પંચક્યાસ ન હોય, સાહેબ!”

“કેમ, કેમ? અમારે તો…”

“પણ એ બધાએ આજથી પાણી મેલ્યું છે સાહેબ! દારૂ ગાળવાનું, પીવાનું ને વેચવાનું.” વીરાએ બ્યાન કર્યું.

“આ તો તેં બચાવ પક્ષના વકીલ જેવી વાત કરી, વીરા.” ફોજદાર સાહેબે રમૂજ કરી અને સાથે સાથે સવાલ પણ: “પણ ધારો કે એમાં કંઈ ફેર પડે તો?”

“ લાખ રૂપિયાનો સવાલ સાહેબ, પણ જો કંઇ ફેર પડે તો આપણું જામીનગતરું-વીરા ચૌહાણનું.” વેરાનો હાથ મૂછે ગયો.

“તો પંચક્યાસ બંધ! ન થાય, પછી કાંઇ?” અને ફોજદાર સાહેબનો જમણો હાથ વીરા તરફ લંબાયો.

“તો બસ.” વીરાએ હાથ મેળવ્યો અને પેલા ચારેય તરફ નજર વાળી “તો સાહેબ, હવે જવા દઈએ આ બધાને, એટલે વાંસા ચોળાવતા થાય!”

“હા, બરાબર છે. કરો છુટ્ટા બધાને.” સાહેબે ઓર્ડર છોડ્યો ને વીરાની વાતને સમર્થન આપતાં ઉમેર્યું, “વીરા જેવા મરદ માણસની વાત પર આપણે મદાર રાખવો જ જોઇએ.-“ અને વીરા તરફ હસીને-“કેમ ખરું ને?”

“હા જ સ્તોને, નકર આ ચૌદમું રતન ક્યાં નથી?” કહેતાં વીરાએ પોતાની ભારેખમ કડિયાળી દબાવી.

“જોઉં..” સાહજિકતાથી સાહેબે કહ્યું એટલે વીરાએ એના લંબાયેલા હાથમાં વજનદાર લાકડી મૂકી દીધી,

“અસ્સલ છે હોં સાહેબ! ખોપરીમાં પડ્યા ભેગી જ સેંથો પૂરી દે.”

ફોજદાર સાહેબ ઘડીભર એ લાકડીને હાથમાં રમાડી રહ્યા, “જેનાથી ગામનું, સમાજનું, રાજનું અને સરકારનું માથું ઊચું રહે એવા સાધન માટે ખરેખર તો ’રાજદંડ’ શબ્દ યોગ્ય ગણાય; ને એમાં ય મહત્વ સાધાન કરતાં ય અનેકગણું એના વાપરનારનું છે.”

હથિયાર વિશેની આગવી ફિલસૂફી વ્યક્ત કરતી સાહેબની આ સાલસ વાણી વીરાને સ્પર્શી ગઈ.

“હે સાહેબ, મને બંદૂક ચલાવતાં આવડે?”

“હોવે, કેમ નહીં? જોગવાઈ કરી આપું વિચાર હોય તો!”

“આપણાથી તાલુકે ન પૂગાય.” વીરાએ પોતાની અગવડ રજૂ કરી.

“અહીં બેઠા થાય તો?” સાહેબે હસતા મોઢે હાથ ધર્યો.

“તો લાગે!” વીરાએ તાળી લીધી.

“ભલે તો, પંદર દિવસમાં જ આ ગામે ગ્રામરક્ષકદળનો કેમ્પ ચાલુ કરીએ છીએ. અને એ કેમ્પનો નાયક તું.”

ગ્રામરક્ષકદળ શિબિરની પૂર્ણાહુતિને દિવસે હાંડા જેવડું વીરોદર ગામ ઉત્સાહને હેલે ચડ્યું. ગામની કુંવારિકાઓએ તાલુકેથી પધારેલ મહેમાનોનું અક્ષત કુમકુમથી સ્વાગત કર્યું. ફૂલહાર, નાળિયેરનાં પાણી, અને ગરમાગરમ દૂધની અડાળીઓ છલકાણી.ગામની જાગૃતિ, યૌવનધન અને શહૂરને બિરદાવતાં પ્રવચનો, અને નિશાનબાજીના ટાર્જેટની વિધિ આટોપાઇ ગયા બાદ ખુદ ફોજદાર સાહેબે માઇક ઉપર આવી જાહેરાત કરી: “હવે થોડીવાર પછી નિશાનબાજીના વિજેતાઓનાં નામો જાહેર કરવામાં આવશે, દરમિયાન આપણે સૌએ ગામના એક યુવાનની અદ્ભૂત કલાશક્તિનો પરિચય કરવાનો છે… અને કેમ્પના સંચાકલ ફર્સ્ટ ગ્રેજ જમાદારે ઊંચા અવાજે નામનું એનાઉન્સમેન્ટ કર્યું. “વીરાભાઈ, વીરાભાઈ ચૌહાણ ચોગાનમાં આવે.”

હાથમાં કડિયાળી સાથે- કુરુક્ષેત્રમાં પ્રવેશી રહેલા કર્ણ જેવા એ જુવાન પર હજારો આંખો જડાઈ ગઈ. બીજા આઠેક જણે એના ફરતે વર્તુળ રચ્યું. વર્તુળના મધ્યબિંદુ સમે એ જાણે કશું ન બનવાનું હોય એમ લાકડી બગલમં ટેકવીને ઊભો.

અને માઈકમાંથી આખરી ઓર્ડર: “ચાલો તૈયાર..એક…બે…ત્રણ.”

વીરાના હાથમાં ચક્કર ચક્કર ફરી રહેલી લાથીનું અભેદ્ય બખ્તર રચાઈ ગયું. વર્તુળાકારે ઊભેલાના હાથોમાંથી પથરાની બૌછાર વરસી. વછૂટેલા પથરા લાઠીને ટકરાઈને બમણા વેગથી આખા મેદાનમાં આડેધડ ઉછળી રહ્યા. દોઢેક મિનિટની સમયમર્યાદાના આ જીવ સટોસટના અદ્ભૂત તમાશાએ સૌના શ્વાસ અધ્ધર કરી દીધા. ઉત્તેજના, હોંકારા, પડકારા અને તાળીઓના ગડગટાડની વચ્ચે હાથમાંથી લાકડી હવામાં અધ્ધર ઉછાળી વીરાએ સૌનુ અભિવાદન કર્યું.

આવો તરવરિયો જુવાન ગામનો આગેવાન થાય એ કોને ન ગમે? ગણતરીના મહિનાઓમાં વીરાના ગળામાં પટલાઇની વરમાળા આવી પડી.

પટલાઈના કવચમાં પગ મેલતાં જ વીરા પટેલે બાપદાદાના વખતના ડેલાના ગડગડિયા પાણા દૂર કરાવી વિસ્તાર વધારી એનું ગઢમાં રૂપાંતર કરાવ્યું. ગામમાં દાંડી પીટાવી: હવેથી ગામના સવાલોની પતાવટ ગામમાં જ કરવામાં આવશે. આમ કરવા પાછળ વીરા પટેલની બેવડી ગણતરી હતી. એક, તાલુકાના મુલકી, ફોજદારી કે દિવાની રેકર્ડમાં ગામની ઘસાતી વાત ન પહોંચે, અને બીજું, પોતાની જાણ બહાર ગામનું ચકલું ય ન ફરકે.એટલે સ્તો, ગામનાં અદકપાંસળિયાં ઊંબાડિયાં જેવા તત્વોને ય ગઢમાં રૂબરુ બોલાવીને દાટી દીધી: “ આજ ’દિ લગણ ભલે હાલ્યું બધું, પણ હવે સખણીના રે’જો. માનું દૂધ ધાવ્યા હોય તો.” પેલા છેલબટાઉ જુવાનિયાવના અંગત શોખ ઉપર પણ વણલીપ્યું રેશનીંગ આવ્યું, તે એટલે સુધી કે કોઇથી આંખ્યુંમાં સોયરું ન અંજાય, ચોરણીની નાડીમાં ફૂમતાં લટકતાં ન રખાય કે ન કોઇથી માથે ઓડિયાં રખાય. પટેલનું કહેણ કે ગઢનું તેડું આવે એટલે મૂછનો વળ આપોઆપ ઉખળી જાય. જાહેર તહેવારોમાં ગામના ચકલા વચ્ચે છડેચોક પીરસાતા અને પીવાતા દારૂના સગડ ન મળે. અને ગામની બેન-દીકરીયું કે વહુઓને ફટવતા પેલા રામલીલાવાળા, ભવાયા કે ઓછબિયા પણ વીરોદરથી આઠ ગાઉ આઘા રહેવા લાગ્યા. એક ’દિ જરૂર જણાઈ તો સગા બાપને ય પટેલે સૂણાવી દીધું: “જુઓ, તમે મારા બાપ છો એટલે કહું છું, અહૂર-સવાર ગઢની બહાર નહીં જવાનું. હોકાની ગડાકુ મશેય નહીં. મળી રહેશે અહીં બેઠાં, માણસ ઘણાં છે આપણી પાસે.”

આમ વીરા પટેલની વારિયું છૂટવા માંડી ને ગામ આખું કડે થઈ ગયું. તે’દિ વારસાઈ હક્કે પરંપરાગત ચાલી આવતી પટલાઈ પોતે પણ વીરા પટેલને અરઘીને જાણે ઉજળી બની ગઈ.

પણ સોળે કળાએ સમરાઈ ઊઠેલા આ વાડની વચ્ચે આજે લખીરામ નામનું શિયાળવું કોણ જાણે ક્યાંથી કૂદ્યું તે પટેલના મગજના મિજાગરાં હલબલી ગયાં.

ફણીધરની ફેણ જેવો કાળઝાળ પંજો કડિયાળીને ભીડાયો: “ નક્કી એનો ’દિ ધરે નહીં; ને એય દેખીપાખીને મારા જ ગામમાં? ધાવણ કાઢી નાખું છઠ્ઠીનાં…”

પટેલનો પિત્તો ફાટે ત્યારે કોઇથી પાસે ન ઊભાય, એટલે ધીરે ધીરે બધા પગ કરી ગયા.

“આ ભા્ણું કંયેં’નું ઠરે છે; ટાણું થ્યું તોય ઊઠ્યા નહીં!” અંદરને ઓરડેથી રોટલાનું કહેણ આવ્યું.

“ઈ ઢાંકી રાખો, આજ.” પટેલે હાથ હલાવ્યો.

“પણ માલીપા તો આવો.” પટલાણીનો આગ્રહભર્યો અવાજ, “સાવ નમેરા થઈને શું બેસી ગ્યા ’છ!”

પટેલને ઊઠીને ઓરડામાં જવું પડ્યું.

“એવી તે કઈ વેળા આવી પડી ગૈ’છ કે સાવ અણોહરા થઈ ગ્યા છ?” પાટલો ઢાળતે પટલાણીએ પૂછી નાખ્યું.

“છોકરાંવ? ગામતરે વયાં ગ્યાં’ છ બધાંય?” પીરસણા સામે પલાઠી વાળતાં પટેલે જોયું કે ઓરડામાં પટલાણી સિવાય કોઇ નથી.

“હશે આઘાપાછાં.”

“આઘાપાછાં હશે પછી કરી દેવામાં આવ્યાં છે?” પટેલે ચાલાક પટલાણી સામે સૂચક નજરે જોયું.

“જે ગણો તે,” થાળી પાસે માખણની તાંસળી મેલતાં પટલાણી હસ્યાં: “તમે શિરાવી લ્યો”

પટેલને ખૂંચ્યું: “જુઓ આ હસવાની વેળા નથી

“તે અહીં શું છે, ભાણાં માથે? અન્ન તો દેવતા કહેવાય.”

પતેલની અંદરનો પુરુષ વધુ ગિન્નાયો: “એ ડા’પણ છે મારામાં.”

“છે એટલે સ્તો કહું છું…” વાતને હળવેકથી વાળી લેતાં પટલાણી ફરી હસ્યાં અને ભાણામાંથી બટકું ભાંગી પટેલના મોઢા આગળ ધર્યું, “લ્યો, મૂકો મોંમાં.” મોઢા માથે ઝળુંબી રહેલા હાથ ભણી પટેલ તાકી રહ્યા, જેમાંથી હેતની સરવાણી નીતરતી હતી.

“અરે, અરે! પણ હું કાંઇ કીકલો થોડો છું!” અચાનક બટકાવાળો હાથ પટેલથી પકડાઈ ગયો.

“આજ એના કરતાં ય હેઠ, લ્યો જોઉં મારા સમ.” પટલાણીએ વાત જારી રાખી.

“કહું છું- આ તમારી જીદ છે હોં.” બટકો મોંમાં મૂકાઇ ગયા ગયા કેડે પણ પટેલે વાત ન છોડી તો સામે પક્ષે ઘરવાળી પણ આજ ઓછી ઊતરે એમ નહોતી, રોકડું પરખાવ્યું:”હા હવે એતો, તમારી હઠ અને અમારી જીદ, બીજું શું?”

અને છેવટે ખાલી થઈ ગયેલા ભાણા સામે લાંબો ઓડકાર લઈ રહેલા વીરા પટેલે કહેવું પડ્યું, “આજ તો બહુ ખવાઈ ગ્યું માળું, દામ(કાયમ) કરતાં દોઢું!” અને પાણી માટે આસપાસ નજર ફેરવી.

“લેમ ઈતો સાવ ભૂલાઈ જ ગ્યું.” કહેતાં પટલાણી સફાળાં ઉઠતેક પાણિયારેથી ક્ળશો લાવ્યાં, “લ્યો, રાખો હાથ, આજ તો હું નામું.”

ચળુ કરી લીધા પછી રોજની જેમ હાથમાં હોકો લેતેકને બહાર નીકળવાને બદલે પટેલે સાંગામાચી ઢાળી એટલે પટલાણીથી રમૂજ કર્યા સિવાય ન રહેવાયું: “કેમ, પડખું નથી ઢાળવું આજ, કે પછી બટકા ગણવા ’છ અમારા!”

હોકાની ઘૂંટ ઉપર ઘૂંટ તાણી રહેલા પટેલે કશો હોંકારો ન ભણ્યો, એટલે પોતાનું તૈયાર ભાણું લઈ પટલાણી સાંગામાચી નજીક આવ્યાં, “કહો હવે; શાનું અહખ છે તમને?” પટેલે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું એટલે ઉમેર્યું, “જો ન કો’તો આ બટકો અગરાજ! હાથમાં જ ઠઠ્યો રે’શે..”

“એમાં તમને ખબર ન પડે- બાયું ને!” પટેલે વાત ઉડાવી, ઉમેર્યું- પોતાની જાત સાથે ઝઘડતા હોય એમ: “ગોલકીનાવ હાલી નીકળ્યા ’છ; પણ એમ કાંઇ ગધેડી ગાય થાતી હશે?”

“કોની પરભા ગોરના જેસુખની ને રાણકી વાઘરણની વાત કરો ’છ ને?”

“હં……” પટેલના કાન ચમક્યા, આને ક્યાંથી ખબર?

“ખબર છે, આખું ગામ જાણે ’છ; પણ તમે તમારી પટલાઈમાંથી ઊંચા આવો તો ને” પટલાણીએ સણસણતી સંભળાવી, ઉમેર્યું: “ને ઈ લખીરામ તો નખ્ખોદિયો છે જ નવરો.”

પટેલ સમસમી ગયા, આજે આટલાં વરસે આ બાઈના મોઢામાંથી આટલાં આકરાં વેણ! પણ પટલાણી તો જાણે ઘા ઉપર નમક ભભરાવી રહ્યાં, “હોય, તેવ-તેવડાં તે જીવ મળી ગ્યો બેયનો, એમાં લખ્ખીરામના બાપનો લોટ ઢોળાઈ ગયો?”

પટેલનો પિત્તો સાતમા આસમાનને આંબી ગયો: “ઈ રાણકી વાઘરણ તારા બાપની દીકરી થા’છ? ને લખીરામે શું બગાડ્યું ’છ તારું?”

“રાણકી મારી નહીં; પણ કોડભરી કોકની દીકરી છે એ કેમ ભૂલી જાવ છો? ને લખીરામે કોનું સારું કર્યું ’છ ઈ તો કો’?”

“ધૂડ્ય પડી અટાણ લગણના ઘરવાસમાં, કોણ, આ તું તું બોલે છે?”

“હા હું બોલું ’છ, અથર્યા થાવ મા, ને ઠેકાણે રાખો.”

“એટલે શું મારી ડાગળી ચસકી ગઈ ’છ એમ કહેવા માગે ’છ તું?”

“નહીં તો? “ અને પટલાણીએ જાણે રીતસર નો મોરચો જ માંડી દીધો: “જો પેટ ખાતર તેજુડી હાડણ તરાના થઈ શકે, ડાયલો ઢેઢ ડેવીડ થઈ શકે તો પ્રેમને ખાતર રાણકી રોહિણી કેમ ન બની શકે? હું પૂછું છું કે જો ગાયમાંથી ગધેડાં બની શકે તો ગધેડીમાંથી ગાય કેમ ન થઈ શકે?”

“ખબરદાર, ચૂપ થઈ જા કહું છું, નહીંતર…”

“નહીંતર તગેડી મેલીશ એમ જ કહેવા માગો ’છ ને! અરે કાપીને કટકા મરની કરી નાખો; બાકી આજ બંધ થાઉં તો બે બાપની…અમથાં યે ઈ તેજુડી, ડાયલો કે રાણકી ક્યાં આપણા બાપનાં છોકરાં છે તે રેઢું માથે લઈને ભમવું? પગમાં ઝાળ બળતી હોય ન્યાં…”

“એટલે શું કે’વા માગે ’છ તું?”

“મારે નહીં કહેવું પડે, કહેશે તો ગઢની આથમણી ભીંતે પડેલું ઓલ્યું દોઢ હાથનું ગાબડું; ને વધારામાં કહેશે અરધી રાતે ઓશરીનો રેઢો ખાટલો…” પટલાણીએ જાણે જામગરી ફોડી.

“તું શું બોલે છે એનું ભાન છે તને? ઈ ખાટલામાં તો બાપા સુવે ’છ, ખબર નથી તને?”

“છે, મને તો ખબર છે, ને તમને આજથી પાડી. હવે સાનમાં સમજો. આ ભીંતને ય કાન છે; છાનામાના ગાબડું પૂરાવી દ્યો, રાતોરાત મલક આખો કરુવરુ કરે ’છ.”

“અરે, રામ…..” વીરા પટેલની આંખમાં દોરા આવી ગયા. એ પ્રયત્નપૂર્વક ઊભા થયા, “હવે કોની કરવી આમાં…” અને એનાં ઢીલાંઢફ પગલાં બારણાં તરફ વળ્યાં.