કુછ દિન તો ગુઝારિયે ભારત મેં Jaywant Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુછ દિન તો ગુઝારિયે ભારત મેં

શેરોન સ્ટોન વર્ષ ૨૦૧૩માં ભારતની પાંચ દિવસની મુલાકાતે આવી હતી. શેરોન સ્ટોન કોણ છે તે કહેવાની જરૂર નથી. પાંચ દિવસની ભારતની મુલાકાત દરમિયાન શેરોન સ્ટોન મુંબઈ આવી, રાજસ્થાન ફરી, અભિષેક-ઐશ્વર્યાને મળી, અનેક કાર્યક્રમો કર્યા. તેમાં વારાણસી પણ ગઈ. ગંગા નદીના ઘાટે પૂજા કરી, આરતી કરી.

શેરોન સ્ટોન એ પહેલી સ્ટાર નથી કે વિદેશી હસ્તી નથી જેને હિન્દુ ધર્મ કે હિન્દુત્વ પ્રત્યે આકર્ષણ થયું હોય. હમણાં જાપાનના વડા પ્રધાન શિન્ઝો અબે પણ ભારત આવ્યા ત્યારે વારાણસીમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગંગા આરતી કરી. બે હાથ ઊંચા કરી ‘હર હર મહાદેવ’ પણ કર્યું. તેમણે ધાર્યું હોત તો બીજા કોઈ સ્થળે જઈ શક્યા હોત. તેના પહેલાં દિવાળી પર નરેન્દ્ર મોદીની બ્રિટન મુલાકાત વખતે બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમેરોને મોદી સાથે દિવાળી ઉજવી તો તેમનાં પત્ની સામંથા કેમેરોન પણ સાડીમાં જોવા મળ્યાં. આપણે ત્યાં સાડી ભૂલાતી જાય છે પરંતુ બ્રિટનની સ્ત્રીઓ, અન્ય વિદેશની સ્ત્રીઓ સાડી અપનાવી રહી છે.

શેરોન સ્ટોન જે દુનિયામાંથી આવે છે તે ગ્લેમર વર્લ્ડ અથવા ચકાચૌંધ અથવા મોહમાયાની દુનિયામાં જઈને બધું ભૂલી જવાય છે. રૂપાળી દુનિયામાં રૂપાળા દેખાવું, મોંઘા અને સુંદર કપડાં પહેરવા, જૂતાં પહેરવાં, ભારે મેકઅપ કરવો, સારું પર્ફ્યૂમ છાંટવું, કાર ને હેલિકોપ્ટરમાં પ્રવાસ કરવો, મોટી મોટી હસ્તીઓ સાથે યેનકેન પ્રકારેણ સારા સંબંધો રાખવા કે દેખાડવા, મોટી હોટલોમાં પાર્ટી કરવી…અને આ બધા માટે કમાણીનું ચક્કર… આ બધામાંથી પછી ચમચાગીરી, દગાખોરી અને ઝઘડાનું ચક્કર ચાલુ થાય છે જેમાં જાણતા અજાણતા ખૂંપતા જવાય છે. આ ‘સ્ટ્રીટ ઓફ નો રિટર્ન’ છે. જો મજબૂત મનોબળના રહ્યા કે પછી સફળતા મળી તો ટકી ગયા અને નબળા મનના રહ્યા તો આત્મહત્યા સુધીની નોબત આવી ગઈ કે પછી છેલ્લે ઓળખી પણ ન શકાય તેવી ગૂમનામીભરી હાલતમાં મૃત્યુ. નફીસા જોસેફ, કુલજીત રંધાવા, વિવેકા બાબાજી, સિલ્ક સ્મિતા, જીયા ખાન, અનેક ઉદાહરણો છે. આ દુનિયા એવી હોય છે જેમાં તમને આધ્યાત્મિક લાગણી પણ એટલી જ થઈ આવવાની શક્યતા છે. બધું ભોગવી લીધા પછી કંઈ બાકી રહેતું ન લાગે અને એટલે ચાલુ થાય ઈશ્વરની શોધ.

એક થિયરી (જેમ કે રજનીશની) છે જેમાં બધું ભોગવવાની વાત આવે છે અને પછી કોઈ ઈચ્છા જ બાકી રહેતી ન લાગે ને ઈશ્વરભક્તિમાં જ આનંદ આવે. પશ્ચિમની જે દુનિયા છે, તેમાં મોટા ભાગે આવું જ થાય છે. શેરોન સ્ટોન જે ફિલ્મમાં કામ કરીને ચર્ચામાં આવી ગઈ હતી તે ‘બેઝિક ઇન્સ્ટિન્ક્ટ’નો શબ્દ પકડીએ તો ‘બેઝિક ઇન્સ્ટિન્ક્ટ’ જ આખરે માણસને સાચી ‘ઇન્સ્ટિન્ક્ટ’ (ઈચ્છા, પ્રકૃત્તિ, સહજ જ્ઞાન) તરફ દોરી જાય છે. અને એટલે જ કદાચ પશ્ચિમનું જગત ભલે, હંમેશ માટે નહીં તો પણ વારે તહેવારે મૂળભૂત જ્ઞાન જેમાં રહેલું છે તેવા હિન્દુત્વ તરફ મીટ માંડે છે. એની કેટલીક તસવીરી ઝલક આ રહી:

સવાલ એ છે કે આખી દુનિયાને ભારત તરફ જ્યારે આશા જાગતી હોય ત્યારે ભારતનું કેવું વરવું ચિત્ર ઉપસી રહ્યું છે? ભારતને મહદ્ંશે, હવે ‘ઇન્ડિયા’ તરીકે સંબોધાય છે. ‘ઇન્ડિયા’ નામ અંગ્રેજોએ પાડેલું છે અને અંગ્રેજો જે શિક્ષણ પદ્ધતિ, જે સંસ્કૃતિ છોડતા ગયા છે તે તે પછી ઉત્તરોત્તર વધતી ચાલી છે. ખાસ કરીને ઇન્ટરનેટના આગમન અને એમટીવી, વીટીવી, સહિતની વિદેશી ચેનલો આવ્યા પછી, આપણે જાણે કાળા અંગ્રેજ જેવા થઈ ગયા હોય તેમ લાગે છે. (એવું નથી કે ઇન્ટરનેટ, સ્માર્ટ ફોન કે ચેનલો બધાનો ખરાબ જ ઉપયોગ છે… ધારીએ તો તેનો સદુપયોગ પણ થઈ શકે ને કરનારા કરે જ છે, પણ મહદ્ંશે એમ થતું નથી.)

માનો કે અમેરિકા કે પશ્ચિમી દેશમાંથી કોઈ અહીં આવે તો તેને ભારતમાં શું જુદું લાગવાનું? કંઈ નહીં. ત્યાં જે શોપિંગ મોલ છે તે અહીં પણ છે. ત્યાં મલ્ટિપ્લેક્સ છે અહીંય છે. ત્યાં પુરુષો ટીશર્ટ ને બરમૂડામાં આંટા મારતા હોય તો અહીંય એ જ છે. ત્યાં સ્ત્રીઓ ટોપ અને સ્કર્ટ પહેરતી હોય તો અહીંય તે જ છે. ત્યાં વિભક્ત કુટુંબ છે અને અહીંય તેવું જ છે. ત્યા ક્રેડિટ કાર્ડ જેવા પ્લાસ્ટિક મની છે તે અહીંય છે. ત્યાંની ફિલ્મોમાં પ્રણયપ્રચુર (ઇન્ટિમેટ, યુ નો) દૃશ્યો આવતા હોય તો અહીંની ફિલ્મોમાં પણ એ બધું હવે છે. ટીવીની સિરિયલો અને શો પણ એ દેશોની સિરિયલો અને શોની નકલ જ છે અને એટલે જ ‘બિગ બોસ’માં અરમાન કોહલી અને તનીષા મુખર્જી કઢંગી હાલતમાં જોવા મળ્યા કે અગાઉ વીણા મલિક અને અસ્મિત પટેલની વાત હોય…વિવાદો પણ એ જ છે.

જાતીય સતામણીની તો વાત જ શું કરવી? ઠેર ઠેર બળાત્કાર અને જાતીય સતામણીના કિસ્સા ‘આઈ લવ માય ઇન્ડિયા’માં જોવા મળી રહ્યા છે. આસારામ, તરુણ તેજપાલથી માંડીને બસ ડ્રાઇવર સુધી બધાની જાતીયતા વિકૃત રૂપે ઠલવાઈ રહી છે. અને એમાં ક્યાંક ને ક્યાંક માધ્યમોનો કસૂર છે, છે ને સાડી સત્તરવાર છે. (વેસ્ટર્ન કલ્ચરથી ઇમ્પ્રેસ્ડ મેંગો અને એપલ ( મેંગો પીપલ = આમ આદમી એ તો જાણીતી વાત છે, પણ એપલ પીપલ? જેની પાસે એપલના આઈફોન, આઈપેડ, ઇત્યાદિ હોય અને જે અંગ્રેજીના ‘આઈ’ ધરાવતા હોય એટલે કે અહંકાર, હું કહું તે જ સાચું, તેવા લોકો) પીપલ કહેશે કે દુર્યોધનના સમયમાં ક્યાં માધ્યમો હતાં? એ સમયમાં દુર્યોધન જેવા પણ કેટલા હતા એય જોવું જોઈએ. અત્યાર જેવું વ્યાપક ચલણ નહોતું કે જ્યાં જુઓ ત્યાં કેરેક્ટરના ઢીલા જ દેખાય.)

‘સિંઘમ’ ફિલ્મના ‘ગોટિયા’ની જેમ અત્યારે કોઈને સાચી પૂજામાં રસ નથી. (કદાચ પૂજા કરાવતા ગોર/પંડિતો/બ્રાહ્મણોને પણ નહીં) તેમને મન તો પૂજા એટલે એક પ્રોગ્રામ, જે જલદી ‘ફિનિશ’ થવો જોઈએ, યૂ નો. તેમને વિધિ કહેતાં, ક્રિયાકર્મ, કે પછી રિચ્યૂઅલ્સ કેમ અને શા માટે તે સમજવાની તસ્દી નથી લેવી. પૂજા દરમિયાન પણ મોબાઇલ ફોન સાઇલન્ટ, વાઇબ્રન્ટ કે સ્વિચ ઑફ મોડમાં રાખવા નથી. સ્ત્રીઓની પણ એ જ હાલત છે. ચાંદલો, બિંદી વગેરેથી તેમને છૂટ્ટી જોઈએ છે. કેટલાં માબાપ તેમનાં છોકરા-છોકરીને બીજાં કોઈ પુસ્તકો નહીં તોય ગીતાજ્ઞાન વંચાવતા હશે? ભગવદ્ ગીતા તો મેનેજમેન્ટમાંય ભણાવાય છે અને તે કંઈ માત્ર જેને આપણે ધર્મ માની બેઠા છીએ, તેવું ધર્મનું પુસ્તક નથી. એ તો જીવન સારી રીતે જીવવાની પ્રેરણા અને માર્ગદર્શન આપતું પુસ્તક છે, જેને ગાંધીજી જેવા મવાળવાદીથી માંડીને લોકમાન્ય ટીળક જેવા જહાલ મતવાદી સરખું મહત્ત્વ આપે છે. માનો કે કોઈને સાચું જ્ઞાન લેવું છે તો સમજાવનારા પણ ક્યાં છે?

અને સંસ્કાર કે તહેઝીબ કોઈ એક ધર્મના જ મોહતાજ નથી. એ તો જેટલી સંસ્કૃતને મા ગણનારા લોકોમાં છે એટલું જ ઉર્દૂ બોલનારા જનાબમાં પણ છે અને ઇંગ્લિશ કલ્ચર્ડ લોકોમાંય એટલું છે. ઉર્દૂ અને હિન્દીમાં એક સરસ વાત છે- આપ. વ્યક્તિને મોટી ગણાવવા, તુમ (તમે) નહીં આપ કહેવું. અને એમાં માબાપ પોતાના દીકરાને પણ આપ કહે. આપને ખાના ખાયા? એ તુમને ખાના ખાયા કરતાં કેટલું મીઠું ને વિવેકી લાગે! ‘પહેલે આપ’ અને ‘આપ કે દુશ્મન કી તબિયત નાસાઝ હૈ’ની વાત લખનઉની તહેઝિબમાં હતી એ જાણે આ ત્રાસવાદથી બદનામ ઇસ્લામ ધર્મમાં ક્યાંk ખોવાઈ લાગે છે.

જેમ નામ, કપડાં, વિધિ-વ્યવહાર બધું નાનું થતું ગયું તેમ કેટલીક પરંપરા પણ નાની થતી ગઈ. હવે પગે અડીને પ્રણામ કરાતા નથી. હવે પગે લાગવુ એટલે ઘૂંટણિયે લાગવું. ઘૂંટણને અડીને પ્રણામ કરી લીધા. બસ.

અને બીજી તરફ, સવાલ એ પણ છે કે માબાપે તેમના સંતાનને સારી પ્રવૃત્તિ કરાવવી હોય – શીખવાડવી હોય તો સમય ક્યાં છે? અને જો માબાપ પાસે સમય ન હોય તો બીજી કોઈ સંસ્થામાં મોકલવા હોય તો ક્યાં મોકલે? સ્વાધ્યાય પરિવાર? પંકજ ત્રિવેદીની હત્યા બાદ તેનું નામ ખરાબ થઈ ગયું છે. આસારામનાં કરતૂતોના કારણે તો હવે કોઈ પરિવાર એના દીકરા કે દીકરીને ત્યાં મોકલશે નહીં, અલબત્ત, સ્થિતિ એવી છે કે કોઈ ‘ધર્મ’ કે ‘ગુરુ’ની પાસે નહીં મોકલે. સ્વામિનારાયણ સંપ્રંદાયનો ડંકો તો વિદેશમાંય એવો વાગે છે કે બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમેરોન હોય કે ત્યાંના રાજવી પરિવારના પ્રિન્સ ચાર્લ્સ, અક્ષરધામ અચૂક જાય છે. પરંતુ આ સંસ્થાના કેટલાક સજાતીયતાના દુરાચારના કિસ્સા બહાર આવ્યા છે, અરે! સ્વયં પ્રમુખસ્વામી સામે પણ ફરિયાદ થઈ ગઈ. અલબત્ત, એમાં તથ્ય ન હોવાનું બહાર આવ્યું, પરંતુ માધ્યમ ચીજ જ એવી છે કે એમાં બદનામીભર્યા સમાચાર જેટલા મોટા અક્ષરોમાં આવે છે એટલા એના રદિયાના નથી આવતા. એ તેનું ઉધારપાસું છે. અને એ બાબતે કોઈ ફરજ પાડતો ન્યાયાલય (કોર્ટ, યૂ નો)નો આદેશ કે કોઈ નૈતિક નિયમ પણ નથી.

એટલે અંતે તો પ્રશ્ન ત્યાં ને ત્યાં જ ઊભો રહે છે: જાયે તો જાયે કહાં!

જવાબ આપણે જ આપણી આજુબાજુ શોધવો રહ્યો અથવા આપણે જ જવાબ બનવું રહ્યું. માબાપ પાસે સમય ન હોય તો માએ તેના સાસુ-સસરાને આ ફરજ સોંપવી. જેમ કે, અમેરિકામાં રહેતી આ નાની દીકરીને તેના દાદા કનુભાઈ સૂચક અને તેમના પરિવારે સરસ મજાનાં ગુજરાતી બાળગીતો અને સંસ્કૃત શ્લોક શીખવ્યા છે. તેનો વિડિયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો:

દાદા-દાદી સાથે મેળ ન પડતો હોય તો આજુબાજુમાં નજર દોડાવજો, સારી સંસ્થાઓ હજુ પણ છે જ.

ટૂંકમાં, એવું ભારત હજુ રાખીએ જેને ખરા અર્થમાં ભારત કહી શકાય, બહારથી લોકો આવે તો તેને કહી શકીએ,

‘કુછ દિન તો ગુજારિયે, ભારત મેં!’