Amar prem books and stories free download online pdf in Gujarati

અમર પ્રેમ - Love Story

Shilpa Soni

shilparsoni@gmail.com

અમર પ્રેમ *********

કેતકીએ એના ડ્રાઇવરને હાક મારી, 'ગનુભાઇ, ચાલો ગાડી કાઢો !!... મારે આજે મંદિરે થઈ ને પછી સ્કૂલે જવાનું છે . આજે કેશવનો જન્મદિવસ છે, તો ત્યાં દાદરે બેસતા જીવોને કેશવના મનભાવતા ખીરપુરી ખવડાવવાના છે. મને તો આનંદ થશે જ, પણ સાથે મારા કેશવનો આત્મા પણ પુલકીત થઇ ઉઠશે. છેલ્લા સાત વર્ષથી આ રીતે જ કેશવના જન્મદિવસની શરૂઆત થતી. મંદિરેથી પછી તે 'નવજીવન વિધાલય' પહોંચતી. . સ્કૂલના દરેક બાળકને પેસ્ટ્રી આપવામાં આવતી.
બાળકો પણ જાણે આ જ દિવસની રાહ જોતા હોય તેમ હોંશભેર કેક, ચોકલેટ ની મિજબાની માણતા... અને આ જોઇને કેતકી એક અનોખો સુખદ સંતોષ અનુભવતી.
કેતકી મહેતા - દેખાવે સુંદર, અંગ્રેજી સાથે M.A, B.ed થયેલ, ખૂબ હેતાળ, લાગણીશીલ સ્વભાવ ધરાવતી આજે લગભગ પંચાવનની આસપાસ પહોંચેલી જાજરમાન માનુની. .
નાનપણમાં જ માતાપિતાનું કાર એક્સીડેન્ટમાં મૃત્યુ થયુ હોવાથી તેના મોટાકાકા તથા કાકી થોડા ગમા-અણગમા સાથે ઉછેરી રહ્યા હતા. તેના સગા ભાઈ બહેન તો હતા નહી પરંતુ કાકાને એક દિકરો અને એક દિકરી હતા. - રાકેશ અને રાધિકા.
રાકેશ કેતકી કરતા ચાર વર્ષ મોટો, પણ રાધિકા કેતકી કરતા બે વર્ષ નાની હોવાથી તેને દીદી કહેતી. કહેવા પૂરતુ જ દીદી નહોતી કહેતી, પણ તે કેતકીને ખૂબ પ્રેમ કરતી; અંતરંગ સખી પણ માનતી.
બીજી તરફ કેતકીને પણ રાધિકા ખૂબ વહાલી હતી. સાવ એવુ પણ ન હતું કે કાકા કાકીને કેતકી ગમતી નહોતી, કારણ તે હતી જે પરાણે વહાલી લાગે તેવી. . દેખાવડી તો હતી જ, પરંતુ દરેક કામમાંય ચપળ અને ભણવામાં પણ એટલી જ હોશિયાર. દસમા ધોરણની પરીક્ષામાં તો તેના 75% માર્કસ પણ આવ્યા.
સામેના મકાનમાં એક ગોહિલ પરિવાર રહેતુ હતું. તેમનો એક નો એક દિકરો એ જ- કેશવ.
તે કેતકીથી બે વર્ષ મોટો, અને ભણવામાં તેની જેમ જ તેજ.
સાંજે સ્કૂલેથી આવીને સોસાયટીના બધા બાળકો ભેગા થતા. ક્યારેક કોઈ રમત રમતા, તો ક્યારેક જીવનગાડીને કઇ તરફ હંકારવી તેનુ મનોમંથન પણ કરતા. . કોઈને ડૉક્ટર બનવાની ખ્વાહીશ, કોઈ ને વકીલ, કોઈને શિક્ષક તો કોઈ ને વળી ફક્ત લોકોની સેવા કરવામાં જ રસ..

આમ ને આમ શાળાજીવન પૂર્ણ કરી કૉલેજમાં પ્રવેશ્યા. કેતકીએ આર્ટસ લીધું હતુ. કેશવ પણ તેની જ કૉલેજમાં હતો, તેનાથી બે વર્ષ આગળ. . સાથે જ હસતા-રમતા-ભણતા મોટા થયેલા, કેતકી અને કેશવના જુવાન હૈયા હવે એકબીજાનો સાથ ઝંખવા લાગ્યા હતા. . ખૂબ પ્રેમ કરવા લાગ્યા હતા.
બંને જણા પ્રેમી હૈયા ને જેમ ભીડભાડથી દૂર એકાંત ગમતું હોય તેમ ક્યારેક દરીયાકિનારે પણ ઉપડી જતા. ક્યારેક સિનેમા, ક્યારેક હોટલ માં મળતા. . એકાંત ની રોમાંચક પળોમાં જ્યાં કોઈ પણ સ્ત્રી અને પુરુષ તેમના પરનો કાબુ ગુમાવી દેતા હોય છે. ... તેવી પળે કેતકીએ પોતાને અને કેશવને સંભાળ્યા હતા. . તે તટસ્થપણે માનતી સ્ત્રી અને પુરુષના મન મળવા જોઈએ, જીવ મળવા જોઇએ... તનનું મિલન તો લગ્ન બાદ જ હોવુ જોઇએ.. અને એટલે જ તેમનો પ્રેમ મનથી જ નહી, તનથી પણ પવિત્ર હતો. . ખરેખર, ઇશ્વરે ખૂબ માવજતથી કંડાર્યા હતા બંને ના મનને..
ક્યારેક નજીવી બાબતે થોડીઘણી બોલાચાલી પણ થઈ જતી અને એકબીજાથી રિસાઈ પણ જતા... પણ પ્રેમ કોને કહ્યો- કહેવાય છે ને કે જ્યાં લખલૂટ લાગણીના ધોધ વહેતા હોય ત્યાં ઝાઝો વખત રિસામણા ટકે જ નહી. એકમેક તરફની લાગણીને લીધે જે કહેવાતા અહમ જેવું કંઈ જુદી તેમની વચ્ચે ક્યારેય ન હતું.

કેશવે જ્યારે તેના માતાપિતાને કેતકી વિશે વાત કરી, ત્યારે તે લોકો ખૂબ રાજી થઈ ગયા હતા. . તેમની નજર સામે જ કેતકી મોટી થઈ હતી.
તેઓ જાણતા હતા કે કેતકી દેખાવડી જ નહીં, પણ બોલવા ચાલવામાં, ઘરકામમાં પણ પાવરધી હતી.
તેઓ તો કેશવની પસંદગીથી ખૂબ ખુશ હતા. હવે કેશવના માતાપિતાએ
નક્કી કરી લીધુ કે સારો દિવસ જોઇ સમય લઇને કેતકીના કાકા-કાકી પાસે વાત લઈને જવુ. બીજી તરફ કેતકી- કેશવ પણ તેમના ભાવિ જીવનના સપનાઓ સજાવવામાં રચેલા હતા. બંનેની એક જ ઇચ્છા હતી - એક સ્કૂલ ખોલવી અને બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા. . કેતકીએ B.A કર્યા પછી માસ્ટર્સમાં એડમિશન લઈ લીધુ, સાથે B.Ed નું ફોર્મ પણ ભરી દીધુ હતું. તેના કાકાને તેમા જરાય વાંધો ન હતો પરંતુ કાકીને તેનું આમ આગળ ભણવું રુચતું જ નહોતુ. . તેઓ તો બસ કેતકીને પરણાવીને વિદાય કરી દેવા માંગતા હતા. કેશવ હવે એના પિતાના ધંધામાં જ મદદ કરવા લાગ્યો હતો.

કેતકીના કાકાના દિકરા, રાકેશના હવે લગ્ન થઈ ગયા હતા. તેની પત્ની આમ તો સારી હતી પણ ઘરમાં બબ્બે નણંદ તેને ક્યારેક ખૂંચતીજ. .

આજે કેશવ ઓફિસ થી વહેલો આવી ગયો હતો. તેની મમ્મીએ કારણ પૂછતાં ઘણા બધા ડીલરો સાથે એક ની એક વાત બોલીને માથું ચઢી ગયુ હોવાની ફરિયાદ કરે છે. ગરમ ચા પીવાથી રાહત થશે તેવું જણાવી તેના રૂમમાં જઈ આરામ કરવા માટે લંબાવે છે. કેશવની મમ્મી મસ્ત મસાલાવાળી ચા બનાવી તેને આપી તેને થોડીવાર આંખો બંધ કરી આરામ કરવાનું જણાવે છે.. અને કેશવ ખરેખર ચા પીને નિંદ્રાધીન થઈ જાય છે. લગભગ બે કલાક પછી જ્યારે તેની આંખ ખૂલે છે, ત્યારે તેને થોડુંક સારુ લાગે છે પણ માથુ તો ભારે જ હોય છે.
આ માથુ દુખવાનો ક્રમ હવે દર બે -ચાર દિવસે થવા લાગ્યો હતો. કેશવના માતાપિતા કામકાજનો આટલો બોજ શીદને માથે લઇ ફરવાનું, બધુ શાંતિથી કરવાનું.. કહીને સમજાવતા. પરંતુ માથાનો દુઃખાવો હવે દિવસે દિવસે વધીને અસહ્ય બનતો જતો હતો.. તેના માતા પિતા ડૉક્ટરને બતાવવાનું નક્કી કરે છે . તેમના ફેમિલી ડૉ. ફોજદાર સાહેબ પાસે તેઓ જાય છે. બધુ પૂછી તપાસીને કંઈક દવા ગોળી પણ લખી આપે છે. ગોળી લેવાથી કેશવને હવે 4-5 કલાક રાહત જેવું લાગતુ, પણ વળી પાછું એજ શૂળ ઉપડતું. હવે ડૉ.એ કેશવને સોનોગ્રાફી, સીટી સ્કેન પણ કરાવવાનું કહ્યુ હતું. સહુને આશ્ચર્ય સહ ચિંતા થવા લાગી હતી. .
માથાના દુખાવામાં આ બધુ....
બીજે જ દિવસે બધા ટેસ્ટ થાય છે.
રીપોર્ટ્સ સાંજે આવવાના હોવાથી બધાંય દિવસભર અજંપ જ રહે છે.
કેતકી પણ કેશવની પડખે જ રહેવા લાગી હતી. તેને પણ કેશવની ખૂબ ફીકર થતી.
સાંજે કેશવ તેના પિતા સાથે રિપોર્ટ્સ લેવા જાય છે. ઉંચા જીવે કેશવ બધું વાંચે છે. એના પપ્પાને પણ બધુ કહે છે. .
એક ધ્રાસ્કો.... એક વજ્રઘાત...
મગજ માં ગાંઠ, બ્રેઇન ટ્યુમર...
આ સાલું કેવી રીતે બન્યું... ઘરમાં કોઈ ને પણ આવી કોઈ બિમારી નથી, તો કેશવને જ કેમ થયુ !!...
ઘરે આવીને માતાને અને કેતકીને વાત કરી, તો તેઓને પણ ખૂબ આઘાત લાગે છે. .. કોણ કોને સાંત્વના આપે.... પણ કેતકીએ જ પોતાના આંસુ રોકી, હિંમત એકઠી કરી બધાને સમજાવ્યા કે હવે તો વિજ્ઞાન ઘણું વિકસ્યું છે, દરેક દર્દનો ઇલાજ શક્ય બન્યો છે. . આપણે પણ કેશવનો ખૂબ સારો ઇલાજ કરાવીશું અને એને આ તકલીફ માં થી મુક્ત કરાવીશું.
પૈસેટકે તો કેશવને ત્યાં કોઈ જ પ્રોબ્લેમ નહોતો, ડૉ. ને મળી ઑપરેશનનું નક્કી થાય છે.
મન- હ્રદયે અનુભવાતી એક ટીસ સાથે બસ પછી તો શરુ થાય છે હૉસ્પિટલ, દવાઓ અને પ્રાર્થનાઓ....
બધાએ મક્કમ મન રાખી કેશવની આસપાસ જ પોતપોતાને કેન્દ્રીત કરી દીધા હતા.

સમયસર મળેલ ઉચિત સારવાર, પરિવારજનો નો સ્નેહભર્યો સાથ, કેતકીની હૂંફ - આ બધાં પરિબળો થકી જ કેશવને જાણે ફરી નવજીવન મળ્યુ . હવે તે ધીમે ધીમે સ્વસ્થતા પ્રાપ્ત કરી રહ્યો હતો.
સમય ક્યાં કદી એકસરખો કોઇનો રોક્યો રોકાયો છે... એની ગતિ ને ક્યારેય કોઈ આંબી નથી શક્યું.
કેશવ હવે સંપૂર્ણપણે સ્વસ્થ હતો. એણે એના માતા પિતાને કેતકીને ત્યાં જઈને લગ્નનો પ્રસ્તાવ મુકવાની વાત કરી..

બીજે જ દિવસે કેશવના માતાપિતા કેતકીને ત્યાં ગયા.
કેશવ અને કેતકી બંને પરીપકવ છે અને એકબીજાને પસંદ કરે છે, તો તેમના માબાપ તરીકે તેઓને સહજીવન માણવા લગ્નગ્રંથી થી જોડી દેવા જોઈએ, તેવી વિનંતી કરી.. પરંતુ આ તરફ કેતકીના કાકા-કાકીને આ સંબંધ બિલકુલ પસંદ નહોતો. પહેલા તો જ્ઞાતી જુદી હોવાનું અને બીજુ કેશવની હાલ જ થયેલી બિમારીનુ મસમોટું બહાનુ બતાવ્યુ.
કેતકીએ, કેશવે અને તેના માતા પિતાએ પણ હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાની ખાતરી આપી પણ તેઓ ટસના મસ ના થયા.
એમ ને એમ દિવસો વહી રહ્યા હતા.
કેતકીને એક આસ હતી કે તે તેના કાકા-કાકીને જરૂર લગ્ન માટે રાજી કરશે.
કેતકી હવે B.Ed પણ થઈ ગઈ હતી.
બીજી તરફ કેશવને ઝીણો તાવ રહેવા લાગ્યો હતો. તેની ભૂખ પણ ઓછી થઈ ગઈ હતી. . ધીમે ધીમે એની બિમારી ફરી ફેણ ફુલાવી એના શરીરમાં પગ પેસારો કરી રહી હતી.
વળી પાછા ડૉ. ને ત્યાં આંટાફેરા, ફરીથી બધા ટેસ્ટ. .... અને એ જ નિદાન .
એની બિમારીએ ફરી ઉથલો માર્યો હતો અને ખૂબ ઝડપથી પ્રસરી રહી હતી. . હવે કેશવ પણ હિંમત હારી ચુક્યો હતો. ઘણું મન મક્કમ કરવા જતો પણ એની પરવશતા એને સાથ ન દેતી. દિવસે દિવસે હવે એનું દર્દ પણ વધતુ જતું હતુ- જે ક્યારેક તો એટલુ અસહ્ય થઇ જતુ કે તે ચીસો પાડી ઉઠતો, ચોંધાર આંસુએ રડી પડતો. તેના માતા પિતા ખૂબ સાંત્વના આપતા, ઇશ્વરને ખૂબ આજીજી કરતા તેમના કેશવને સાજો કરવા... પણ આ વખતે ઇશ્વર પણ બહેરો બની ગયો હતો. કેતકી ખડે પગે કેશવ પાસે હાજર રહેતી. તેના કાકા -કાકીને આમ દિવસ રાત તેનું કેશવને ત્યાં રહેવુ પસંદ ન હતું. .. પણ કેતકીને હવે કોઈ ફરક નહોતો પડતો. .
ઘણી વેદના, અપાર યાતના સહીને પણ કેશવ હવે રહ્યો નથી. માતાપિતાને તથા કેતકીને સાવ એકલા અટૂલા મૂકી ચાલ્યો ગયો હતો. .

કહ્યુ છે ને કે દુ:ખનુ ઓસડ દહાડા.
ધીરે ધીરે કેતકીને, કેશવના માતાપિતાને કળ વળી રહી હતી.
જવા વાળા ચાલ્યા જાય પણ તેની પાછળ આપણે કંઇ ઓછુ જીવવાનું છોડી દેવાય છે.
જીવવું તો પડે જ છે ... સાથે વિતાવેલા દિવસોની યાદોને વાગોળતા.....સંસ્મરણો સંજોવતા....

કેતકી હવે વધારેમાં વધારે સમય કેશવને ત્યાં જ વિતાવતી.. કેશવના
માતાપિતાની જવાબદારી તેને તેના હસ્તક લઇ લીધી હતી. .
કેશવના માતાપિતા કેશવનુ સ્વપ્ન પુરુ કરવા માંગતા હતા. એક સ્કૂલ બનાવવા માંગતા હતા. ; જેની સંપૂર્ણ જવાબદારી તેઓ કેતકીને સોંપવા માંગતા હતા.
સમય જતા સ્કૂલ તૈયાર થાય છે.
કેતકીનો બસ હવે એક જ ધ્યેય હતો જીવનમાં. ..
કેશવની યાદોના સહારે જ જીવવાનુ, અને કેશવના સપનાને સાકાર કરવાનું.
તેની અથાગ મહેનત, કર્તવ્યનિષ્ઠ આચરણ, વિનમ્ર સાલસ સ્વભાવ અને ઇશ્વર કૃપાથી બધું હેમકુશળ પાર પડ્યુ હતું.
હવે તેના કાકી પણ નથી રહ્યા, કાકાનું શરીર પણ હવે સાથ નથી દેતું. રાધિકા ને કાકીની ખોટ ન સાલે તેમ, ત્યાં દરેક પ્રસંગે હાજર રહી રંગેચંગે તેના લગ્ન પણ ઉજવ્યા..
હવે તે થોડી મુક્ત થઈ હતી. .
બસ, હવે તેનુ એક જ લક્ષ્ય...કેશવના માતાપિતાની સેવા કરવી અને કેશવના સ્વપ્નને સુંદર રીતે કંડારવું. અને તેમા તે ખૂબ સફળ પણ થઈ છે.
હવે તે ખૂબ ખુશ રહે છે. .. કારણ તે જાણે છે કે તેના થકી જ તેની આસપાસ ના લોકો પણ ખુશ રહેશે.

કેતકી-કેશવની અણમોલ પ્રેમ ગાથા......

બીજા રસપ્રદ વિકલ્પો