શબ્દાવકાશ પ્રસ્તુત
સમર્થીણી ગ્રુપ લિખિત.
જીવન ઘટમાળ
પ્રસ્તાવના: શબ્દાવકાશ ગ્રુપ, એક પછી એક સહિયારા સર્જન આપવામાં માહિર છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ૩૫ કે ૪૦ કે પછી ૪૦+ ઉમરની સ્ત્રીઓ થોડી શીથિલ થઇ જતી હોય છે. જીવનમાં ઉંમરના એવા પડાવે ઉભી હોય છે કે જ્યાં ક્યારેક એ એવું અનુભવતી હોય કે હું કશા કામની નથી .... પરંતુ જમાનો બદલાયો છે સ્ત્રી પોતાની ઓળખ ઉભી કરતી થઇ છે. અને એમાં પણ ઘરની જવાબદારીઓમાંથી પોતાના માટે સમય કાઢતા શીખી ગઈ છે.
અહી એવી પંદર ‘સમર્થીણી’ઓ એ સાથે મળીને એક સહિયારું સર્જન વાર્તાનું કર્યું છે,”જીવન ઘટમાળ”. જેમાં તમારી મારી આસપાસ બનતી ઘટના વણાયેલી છે. આશા છે આપ સૌને ગમશે .
આપ સૌએ અત્યાર સુધી જાહ્નવી અંતાણી, સ્પંદન પારેખ, સ્મિતા શાહ, સરલા સુતરિયા અને અનસુયા દેસાઈ,ના હફ્તાઓ વાંચ્યા. આ ગૃહિણીઓ જ છે, આ શિક્ષિત ગૃહિણીઓએ આવા સર્જનાત્મક કામ વાર્તા દ્વારા સમયનો સદુપયોગ કર્યો છે.
હવેના પાંચ હફ્તા શિલ્પા સોની, નીવારોઝીન રાજકુમાર, પૌરવી ત્રિવેદી, વાસંતી પરમાર અને રીના માણેકએ લખેલા છે. આપેલ સમય મર્યાદામાં આ દસે દસ ગૃહિણીઓ એ એક સરસ મજાની વાર્તા લખી નાખી. અને આ પછી પણ.. પાંચ હફ્તા આવશે તો મિત્રો વાંચો, અને અભિપ્રાય આપો.
જીવન ઘટમાળ
હફતો-૬
શિલ્પા સોની
રાજ લાડલી પરીને રમાડતો સામે ઘરે જ્યોતિબેનને બોલાવવા ગયો હતો. શાયદ ત્યાં પ્રકાશભાઈ સાથે વાતે વળગ્યો હતો. રાજ સાહજિક રીતે વર્તતા મૈત્રી પણ હળવાશ અનુભવવા લાગી હતી. એ સાંજ માટે શાક સુધારવા બેઠી .ઘણા સમયે માં –પિતાને મળી તો એમની જ યાદો મનમાં ઘુમરાતી હતી.
તો એક દિવસ એને માં સાથે કરેલી વાત યાદ આવી ગઈ ……મનમાં મુસ્કુરાઈ જવાયું .
મૈત્રીના ઘરે પૈસાની ખોટ ના હતી, પણ બી.કોમના અભ્યાસ બાદ કંપની સેક્રેટરીનો કોર્સ કર્યો હતો., તો પિતાના મિત્રની ઓફિસમાં અનુભવ લેવા એ જોડાયેલી . મૈત્રી ઓફિસેથી આવતી તો મીનાબેન એને માટે નાસ્તો તૈયાર રાખતા .તે દિવસે મૈત્રી ઓફિસેથી આવી બોલી , “ મમ્મા ! ઝટપટ કંઇ ખાવાનું આપ .ખુબ ભૂખ લાગી છે “મમ્મા ! તે બનાવેલું બધું જ સ્વાદિષ્ટ હોય પણ તારા હાથના થેપલા ,ખીચડી અને સ્પેશીયલ કઢી ….મળી જાય તે …. પંચતારક હોટલમાં પણ ના મળે .મમ્મા ! મારી વ્હાલી મમ્મા ..તું તો દુનિયાની શ્રેષ્ઠ કુક છે .”
મૈત્રીના ઘરે નોકર-ચાકર , રસોઈયો બધું જ હતું , પણ મીનાબેન રસોઈમાં મસાલા જાતે જ કરતા અને મૈત્રીને ભાવતી વાનગી પણ જાતે બનાવી આપતા . મીનાબેને વ્હાલથી મૈત્રીના માથે ટપલી મારતા હસતા હસતા કહ્યું , “ બહુ મીઠડી ના થા . મારી રસોઈ તને ભાવે એ ગમે પણ બેટા ! મને પણ તારા હાથની કોઈ ડીશ બનાવી ખવડાવ ને ! “ “અરે મમ્મા ! એ તો બહુ કઠીન કામ ! તું કહે તો સ્પેશ્યલ કોફી બનાવી આપું .” મીનાબેને મીઠું હસતાં કહ્યું , “ જો બેટા ! તારા જેવી યુવાન છોકરીઓ કેરીઅર માટે પ્રયત્ન કરો એ સારી વાત છે પણ એ જ સાથે ભવિષ્યમાં સારી ગૃહિણી અને સારી માતા બનવાનું પણ વિચારવું જોઈએ ને ! .”
મૈત્રી બોલી , “ મમ્મા ! તું ચિંતા ના કર . સમય આવશે .હું બધું જ ખુબ સરસ કરીશ. તું તો મારે માટે આદર્શ છે .” મીનાબેન ખુશ થતા બોલ્યા ,“ બસ…બસ..હવે કિચનમાં જવા દે, તો તને નાસ્તો આપું ને !”. આ બધું મૈત્રીને યાદ આવતું હતું ….ત્યાં જ ડોરબેલ વાગી .
રાજ જ્યોતિબેન અને પ્રકાશભાઇને મૈત્રીના મમ્મી-પપ્પાએ આપેલી ભેંટ સોગાદ બતાવવા લઇ આવ્યો હતો. આટલી બધી સુંદર અને મોંઘી વસ્તુઓ જોઇ જ્યોતિબેન પણ ખૂબ ખૂશ થયા તો પ્રકાશભાઇ પણ જ્યોતિબેનનો આટલો ઉમળકો જોઇ મનોમન ખૂબ પ્રસન્ન હતા.. રાત્રી ભોજનનો સમય થતા તેઓ ઘરે ગયા. .
રાત્રે કામકાજથી પરવારી, પરી ને સુવડાવી મૈત્રીએ સુવાની તૈયારી કરી .મૈત્રીને ફરી મીનાબેનની યાદ આવી. એના મમ્મી-પપ્પાએ મૈત્રીને થોડાક દિવસ નાનકડી પરીને લઇ આરામ કરવા એમને ત્યાં લઇ જવાની ઇચ્છા પણ દર્શાવી હતી,, પણ રાજનું મન બન્નેને પોતાની નજરોથી દૂર કરવા સહેજ પણ માનતું ન હતું. પોતાના મમ્મી-પપ્પાનો આગ્રહ જોઇ મૈત્રીને એકવાર તો એમની સાથે જવાનું ખૂબ મન થઇ ગયું પણ જે રીતે રાજ વહાલ વરસાવી, પ્રેમથી રિસામણા મનામણા દૂર કરી એનું ધ્યાન રાખતો હતો જોઈ, એનું મન પણ બદલાઇ ગયું . રાજને એકલો મુકીને એ ક્યાંય નહીં જાય એવું મનોમન નક્કી કર્યું. પતિના પ્રેમમાં ખરેખર આ અદભૂત તાકાત રહેલી હોય છે ને !
બસ આ જ વિચારોમાં ક્યારે એ રાજના બાહુપાશમાં નિંદ્રાધીન થઇ ગઇ, એનો પણ ખ્યાલ ન રહ્યો. કેટલાય દિવસની ઉંઘ પૂરી કરી રહી હોય, તેમ એક સંતોષ સાથે ઘસઘસાટ ઉંઘી ગઇ હતી.
ગરમાગરમ રાબ, નાસ્તો, દૂધ સાથે જ્યોતિબેને વહેલી સવારે દરવાજો ખખડાવ્યો ત્યારે જ એની આંખ ખૂલી. ઉઠીને જોયું તો રાજ એની નાનકડી પરીને ઉચકીને વહાલ કરી રહ્યો હતો, જાણે કહી રહ્યો હતો કે મારી વ્હાલી પરી, જો તારી મમ્મી કેવી શાંતીથી સુઇ રહી છે, હમણાં રડીશ નહી હોં, નહી તો મમ્મી જાગી જશે.” આટલું સુંદર દ્રશ્ય જોઇ મૈત્રી મનોમન ખૂબ ગર્વ અનુભવી રહી હતી, ખૂબ ખૂશ થઇ રહી હતી.
જ્યોતિબેન તો સગી માંની જેમ જ મૈત્રીની ખૂબ કાળજી લઇ રહ્યા હતા.
મૈત્રીની જ કેમ,, રાજ અને નાનકડી ઢીંગલીનું પણ એટલા જ પ્રેમથી ધ્યાન રાખતા. મૈત્રી આરામ કરતી હોય ત્યારે તો તેઓ ખાસ ધ્યાન રાખતા કે નાનકડી ઢીંગલી એકલી ન પડી જાય, સહેજ રડે કે આવીને તરત એને હાથમાં લઇ લે, જેથી મૈત્રીના આરામમાં ખલેલ ન પડે.
સાચે જ, બહુ નસીબવાળાઓને પાડોશીરૂપે આટલા પ્રેમાળ અને સાચા સંબંધ મળતા હોય છે ….
( ક્રમશઃ )
શિલ્પા સોની
જીવન ઘટમાળ
હફતો -૭
નીવારોઝીન રાજકુમાર
પરી …પરીના આગમનથી ઘણા સમીકરણો બદલાઈ ગયા હતા …
એક સરખી ચાલી રહેલી જિંદગીને જાણે પ્રવાહ મળ્યો હતો .બાળક એક જાદુગર જેવું હોય છે … દરેકની જીંદગીમાં ચહલપહલ લાવી મુકે છે. એમાંય એક બાળક ગુમાવી ચુકેલા માબાપ માટે બીજું બાળક ખુબ વધુ કીમતી હોય છે .
મૈત્રી છેલ્લા ચાર મહિનાથી પરીના ઉછેરમાં સતત વ્યસ્ત રહેતી .પણ શારીરિક નબળાઈના કારણે થાકીને ચુર થઈ જતી …રાજ પણ પરીના આગમનથી ખુશખુશાલ તો હતો પણ મૈત્રીના થાકને એ પોતાની અવહેલના સમજવા માંડ્યો હતો . સુશીલાબેનનાં વર્તન અને મૈત્રીના માતાપિતાના આગમને એના જીવનમાં એક છાની અસલામતી પેદા કરી હતી. સાવ નાની નાની વાતમાં થોડીક દલીલો થવાનું શરુ થઇ ગયું હતું. બેયને સમજાતું હતું કે કશુંક ઠીક નથી પણ હવે મૈત્રીને પોતાની વાત કહેવા માટે ફોનથી એના પપ્પામમ્મીનો સંપર્ક કરવો ઘણો સહેલો હતો.જો કે ઠાવકી મૈત્રી પોતાના ઘરની વાત પિયરમાં પહોંચાડે એવી ન હતી પણ રાજના મનમાં એક શંકાનો કીડો સળવળવા લાગ્યો હતો. મીનાબેન દીકરીના ખબર પૂછવા ફોન કરે ત્યારે મૈત્રીનો ચહેરો ખીલી જતો જે જોઈ રાજ પોતે ખુશ થવું કે નારાજ થવું એ નક્કી ન કરી શકતો. મૈત્રી રોજે રોજ “મમ્મી, આજે તો પરી આમ હસી , પરીએ પડખું ફર્યું , પરી આખી રાત રડી કે પરી ખુબ ઉંધી છે ” એવી વાતો કર્યા કરતી ….પ્રેમ લગ્ન પછી ઘણો સમય નારાજ રહેલા ઉજ્જવલભાઈ અને મીનાબેન સાથે સાવ સામાન્ય વહેવાર કરી શકવો રાજ માટે થોડો અઘરો હતો . “ક્યારે રહેવા આવો છો ?” એવા સવાલનો જવાબ એ મહામુશ્કેલીથી ” પ્લાન કરીએ જ છીએ …પરી જરાક મોટી થાય પછી થોડો લાંબો સમય રહેવા મોકલું છું ” એવું કહી ટલ્લે ચડાવી દેતો અને એમાં સુશીલાબેનનું વર્તન અને માંગણીઓ એને વધુ લઘુતાગ્રંથીમાં નાખી રહ્યા હતા .
“મૈત્રી, શું વાત છે ? આજકાલ તો મમ્મી પપ્પા સાથે બહુ વાતો થાય છે … તે અહીની બધી વાતો ત્યાં આરામથી પહોંચી જતી હશે નહી ? ”
આવા સવાલનો જવાબ મોટે ભાગે મૈત્રી ચુપચાપ રહીને ટાળી દેતી . એને પણ પોતાનું અપમાન અને ગુમાવેલું બાળક યાદ આવી જતું. અને “ભલે મારા માબાપે આટલો સમય સંબંધ ન રાખ્યો પણ તમારી બુરાઈ કે અપમાન ક્યારેય કર્યું છે ?” એવું બોલાઈ જતું ….એકની સારપ બીજા માટે હંમેશા નાનપ લાવે છે . આ બાજુ સુશીલાબેન પણ પોતાના વેવાઈ સાથે થયેલા સમાધાનથી ક્યાં ખુશ હતા !! હવે દીકરો એ બાજુ ઢળી જશે એ ચિંતા એમના મનને કોરી ખાવા લાગી. એટલે ઉપરાઉપરી ફોન ત્યાંથી પણ આવવા લાગ્યા. “દીકરી લઈને આવ તો અહીં પૂજા રખાવીએ ..એમ કાંઈ અમને સાવ લાગણી નથી એવું નથી ” આવું સાંભળતા જ રાજ વીતેલું બધું ભૂલી એક નવી શરૂઆત કરવા વિષે વિચારવા લાગતો …
બેય પોતપોતાના સગાને સંભાળવામાં લાગી પડ્યા હોય એવું ભારેખમ વાતાવરણ આકાર લેવા લાગ્યું હતું. સુશીલાબેન બેયને ગામ બોલાવતા હતા પણ રાજને મુકીને પિયર ન જનાર મૈત્રીને રાજ ‘ચાલ ,ગામ જઈએ’ એવું કહી શકતો ન હતો …. મનમાં ને મનમાં ધૂંધવાઈ રહેલા લાગણી ગમે તે આકાર લઇ શકે છે . બે પરિવાર અને ભાવનાઓ વચ્ચે ફક્ત સ્ત્રીઓ જ નહી પુરુષો પણ સતત પીસાતા હોય છે . ‘હવે તો બધું ઠીક છે તો શું કામ નવેસરથી શરુ ન કરવું ? ” એવું રાજ સતત વિચારતો રહેતો.
અને આ બાજુ જ્યોતિબેન દીકરી ઉછેરવાના પોતાના ઓરતા પરીમાં વાવી ચુક્યા હતા. માલીસવાળી બાઈ સાથે પરીના કાનમાં ફૂંક મારવા માટે માથાકૂટ હોય કે દૂધ પીવડાવવા બેસવાની રીત … જેમ પરી રડે એમ એ પોતાના બધા કામ પડતા મૂકી દોડી આવતા અને મૈત્રીના હાથમાં એને આપી દેતા. પલંગની બાજુમાં રહેલી બારી ખોલી દેતા અને મૈત્રીના હાથમાં સુવાદાણા અને કોપરાનો મુખવાસ પકડાવી દેતા. ” પરીને દૂધ પિવડાવ ત્યારે પવન આવવો જોઈએ … સરસ વિચારો કર ..બાળકના ઉછેરમાં આ બધું વિચારવાનું ” એવું બધું રોજે રોજ કહ્યા કરતા. કોઈ વડીલની ખોટ ન જ પડે એવું વર્તન જ્યોતિબેનનું હતું . પ્રકાશભાઈ ખુશ તો થતા પણ સાથે સાથે જ્યોતિબેનને થોડું ટોકતા પણ ખરા ” જો જ્યોતિ , આ બેની જીંદગીમાં ઝાઝી દખલ ઠીક નથી” પણ ” તમને સ્ત્રીઓની લાગણીઓ વિષે શું સમજ પડે ? “કહી પોતાની તાનમાં મશગુલ જ્યોતિબેન બધું હસી કાઢતા ..એમના જીવનનું કેન્દ્ર હવે ફક્ત પરી હતી .
એક બપોરે સફાળી ઉઠેલી મૈત્રીએ બાજુના ઘોડિયામાં પરીને ન જોઈ … હાંફળીફાંફળી એ સહેજ અઢેલાયેલા દરવાજાને ધક્કો મારી સામે જ્યોતિબેનના ઘર તરફ દોડી. જ્યોતિબેન પ્રેમભરી આંખે પરી સામે જોઈ બોટલમાં દૂધ પીવડાવી રહ્યા હતા … એ દ્રશ્ય જોઈ મૈત્રીના પગ સાવ થંભી ગયા. એ સાવ આઘાતમાં સરી ગઈ. પણ મમતાની મૂર્તિ જેવા જ્યોતિબેન સામે કશું બોલવાની એની હિમ્મત ન થઇ. ધીમે રહી એ જ્યોતિબેન પાસે આવી બેસી ગઈ અને પરીને હળવે હાથે પોતાના ખોળામાં લઇ લીધી . માણસના મન જેવું ઉપજાવ કશું નથી….બોટલ એક બાજુ મુકાઈ ગઈ અને જ્યોતિબેન તરફનો અણગમો હ્રદયમાં ઊગવાનું શરુ થયું. આટલા સમયની કાળજી . ઉજાગરા , માયા અને મમતા એક બાજુ ખસેડાઈ રહયા હતા . એની ગડમથલથી સાવ અજાણ જ્યોતિબેને બોલ્યા કર્યું ” તું થાકીને કેવી સુતી હતી …..મને અહીં સુધી પરીના રડવાનો અવાજ આવ્યો . પણ તને જગાડવાની ઈચ્છા ન થઇ ..અને આમ પણ હવે પરી ચાર મહિનાની થઇ છે … આજે એને પાણી પીવડાવ્યું .ગળું સુકાતું હશે એનું ”
ઓહ . તો આ દૂધ નથી …પાણી છે ..!!! એને જરાક હાશકારો તો થયો પણ એનાથી બોલ્યા વગર રહેવાયું નહી ” પણ ડોકટરે કીધું હતું છ મહિના સુધી પાણી પણ ન આપવું …આના કરતા તમે મને જગાડી હોત તો સારું હતું ”
“સારું બેન , બીજી વાર તને જગાડીશ બસ ..પણ જો આ તેજસના પપ્પા કાલે જ આ શીશી લાવ્યા કહે કે હવે પરીને જરૂર પડશે … મૈત્રીને ક્યાંક જવું હોય તો આપણે સાચવી શકીએ અને આજે જ કામ લાગી …અને હા , જો ,આ ડોકટરોનું બધું નહી માનવાનું અને પાણી મેં ઉકાળીને ઠાર્યું હતું હો ..”
“આ તેજસ અને ઓજસ નાના હતા ત્યારે હુંય સાવ નાની જ હતી . અને મારા સસરાને બદલીની નોકરી હતી એટલે મારી સાથે કોઈ વડીલ સતત રહી ન શકે … મેં કેમ આ બે ને મોટા કર્યા છે એ હું જ જાણું છું ..પણ જો જે તને જરાય હેરાન નહી થવા દઉં … મીનાબેનને ઘણો હરખ હશે અહીં રહી તને સાચવવાનો પણ જમાઈનું ઘર અને એય પાછુ હમણાં જ સમાધાન થયું છે એટલે અડવું તો લાગે જ ને …. પણ તોય સારું થયું કે બોલચાલ તો થવા લાગી છે ”
જ્યોતિબેન ભોળાભાવે બોલતા રહ્યા …
થોડી વાર એમની વાતો સાંભળી ન સાંભળી કરી મૈત્રી ચુપચાપ પરીને લઇ ઘરે આવી ગઈ …. પણ મારા બાળક પર કોઈનો આટલો હક કેમ એ વિચારોએ એને ઘેરી લીધી …
ક્રમશ :
— નીવારોઝીન રાજકુમાર
જીવન ઘટમાળ
હફતો ૮
પૌરવી ત્રિવેદી
મૈત્રી પરીને હૈયા સરસી ચાંપીને પોતાના ઘર તરફ આગળ વધી, અંદર આવી એણે દરવાજો રોજ કરતા સ્હેજ જોરથી બંધ કર્યો અને સ્ટોપર પણ મારી દીધી.મનોમન વિચારવા લાગી કે બારણું ખુલ્લું હતુ, તો કોઇ પણ આવી જાય. વિચાર ખંખેરી નાખવા એ બાલ્કનીમાં જઈ ઉભી રહી. એકધારા પસાર થતા વાહનોની ગતિ જોતી રહી. મનમાં જ્યોતિબહેનનો વિચાર રીતસર અડ્ડો જમાવી બેસી ગયો હતો, જે ખસવાનું નામ લેતો ન હતો.આમ જોવા જાઉં તો આમાં અજુગતું કશું જ ન હતું, પણ આજે આ ખૂંચ્યું. પંડમાંથી સોંસરવું ચીરી કોઇ અણમોલ પોતીકી ચીજ ચોરી ગયું હોય એવી ભાવના ને સંવેદન આવી ગયા.
પરીને સરસ મઝાનું મીનાબહેને આપેલ ઝુલવાળું પેટીકોટ પહેરાવ્યું, પાવડર છાંટી તૈયાર કરી.માની નજર જલ્દી લાગી જાય એમ બોલતાં બોલતાં કાળું ટપકું કરી દીધું.એટલામાં જ ફોન રણક્યો, ઘડિયાળ સામે નજર ગઇ, મમા નો ફોન જ હશે! લગભગ દોડતા જઇને ઉપાડ્યો,
“હેલો,
હા બોલ,મમા હું તને જ યાદ કરતી હતી.”
“હા, બેટા એમ કહે મારી પરી શું કરે છે? ”
“લે બોલ મારા ખબર તો પૂછ!”
‘બેટા, હવે તો તારો વારો પછી પહેલા પરી! એને રસી અપાવવાનો સમય થયો હશેને! હવે તો બોટલ થી પાણી ને દૂધની આદત પાડજે .”
“હા,હા મને ખબર છે !” અવાજમાં થોડો રોષ ભળ્યો.
મીનાબહેન પારખી ગયા.
“કંઇ રાજ સાથે થયુ છે?”
“ના, રે” હોઠ સુધી આવેલા શબ્દો મૈત્રીએ પાછા ધકેલ્યા.જયોતિબેનની વાત કહેવી કે નહિ, ગડમથલ ચાલી.
“સારું બેટા, રાજને યાદ આપજે.”
રીસીવર મૂકીને મૈત્રી વિચારે ચડી.
જયોતિબેનને મૈત્રીનું વલણ બદલાયેલું લાગ્યું, અચાનક આમ કેમ થયું! એનો જવાબ શોધવા લાગ્યા.બે પળ માટે એમને લાગ્યું એ એમનો ભ્રમ હશે.રસોઇનો સમય થયો હતો, એ વિચારો ખંખેરીને ઉભા થયા. હમણાં તેજસ આવશે ને પાછળ જ ઓજસ અને પ્રકાશ પણ આવી પહોંચશે.ઉતાવળે પાલક સમારવા લાગ્યા.મરકટ મન પાછું ત્યાં જ પહોંચી જતું. આમ પણ માણસનો સ્વભાવ છે જે દિશાથી મન પાછુ વાળવા માંગે તે તરફ બમણી તીવ્રતાથી ભાગે છે.
તેજસ , ઓજસ અને પ્રકાશભાઇ આવી ગયા.સરસ મઝાનાં પાલક પરાઠા , દહીં ને બટર સાથે જમી લીધું..વરિયાળી ખાતાં ખાતાં ટીવી ઓન કર્યું. સમાચારની ચેનલ રોજ મુજબ જ શરુ થઈ , એકધારા અવાજો આવવા લાગ્યા, ત્યાં જ બાજુમાંથી મોટેથી અવાજ આવ્યા. વોલ્યુમ પ્રકાશભાઇએ ધીમું કર્યું..
“મૈત્રી , હજી સુધી જમવાનુ નથી બનાવ્યુ? તારી મોમ સાથે તડાકા મારવા બેસી ગઇ હોઇશ! સમયનુ તને ભાન જ નથી!” રાજ બરાડ્યો.
“જો રાજ , તારા બધા ઓફિસના ટેન્શન અહિં ન ઉતાર, બોલતાં પહેલા વિચાર કર.”
રાજ કશુ સાંભળવાના મુડમાં આજે ન હતો, એ બેવડા જોરથી બોલવા લાગ્યો,
“માણસ થાકીને ઘરે આવે ત્યારે પણ શાંતિ નહિ, હું જયોતિબેન ને ત્યાં જમવા જાઉં છું.”
જયોતિબેન સમસમી ગયા, થોડો ડર પણ લાગ્યો કે રાજ આવશે તો મૈત્રીનું સાંભળવું પડશે.
“બે મિનિટ શાંતિ રાખ રાજ, તું પરીને સાચવ , હમણાં બનાવી દઉ છું” મૈત્રીનો એકદમ ઢીલો અવાજ સંભળાયો.
રોજ તો જયોતિબેન પરીને રમાડતાં જાય અને જાતભાતના ગીત ગાતાં જાય, ત્યારે મૈત્રી કામ આટોપી લેતી, એ હોય તો જ કામ થાય એવું થોડું છે..એમ બબડતી એ રસોડામાં ગઈ.
પ્રકાશભાઇએ જયોતિબેન તરફ જોયુ.એ કંઇ ઉંડા મનોમંથનમાં હોય એમ લાગ્યું, એ નજરમાં ઇશારો હતો કે જા પરીને લઇ આવ, જોયું ના જોયું કરી એ ઉભા થઇ ગયા.
“હું નીચે થોડું ચાલીને આવું”, બોલી જયોતિબેન બારણું આડું કરી બહાર નીકળી ગયા, અછડતી નજર સામેના બંધ બારણે નાંખી.
રેડિયૉમાં ગીત વાગતુ હતુ.
આ ચલકે તુઝે લે કે ચલુ એક એસે ગગનકે તલે,
જહાં ગમભી ના હો બસ પ્યાર હી પ્યાર પલે.
ક્રમશ :
— પૌરવી
જીવન ઘટમાળ
હફતો-૯
વાસંતી પરમાર
જ્યોતિબેન દરવાજો આડો કરીને ચાલવા નીચે ઉતરી ગયા…મૈત્રીના વર્તનથી એકદમ અવાક થઇ ગયા..વિચારવા લાગ્યા… ક્યાં શું ઓછું રહી ગયું.? મેં તો દીકરી સમજીને એની દરેક સમસ્યા સરળ કરી, ..મૈત્રીને શું ઓછું આવ્યું હશે? એને પૂછ્યા વગર હું પરીને લઇ આવી એ કે એને પૂછ્યા વગર પાણી પીવડાવ્યું એ?..એ સમજી જ ના શક્યા. ક્યાં મારી ભૂલ થઇ.? .એક સ્ત્રી સહજ લાગણીથી એમણે મૈત્રીના દરેક કાર્ય સરળ બનાવી દીધાં .માબાપની નારાજગી વ્હોરીને રાજ સાથે પરણી હતી…નવો ઘરસંસાર માંડવામાં ખુબ સહાય કરી હતી… હશે ! હું જ વધુ લાગણીમાં તણાઈ ગઈ..કદાચ મૈત્રીને લાગ્યું હશે, કે હું એના જીવનમાં વધુ પડતી ખલેલ કરી રહી છું .કદાચ હવે એના મમ્મી એને રોજ ફોન પર મળવા લાગ્યા એટલે એને મારા સહારા ની જરૂર ઓછી હશે…
મૈત્રીએ પરીને સુવડાવી દીધી, પછી.રાજ માટે જમવામાં શું બનાવું..? નારાજ રાજને કેમ રિજવવો એ વિચારવા લાગી…મૈત્રીને હવે મમ્મી સાથે રોજ વાતો થતી હતી.. એટલે ખુબ જ સંતોષ હતો..પહેલા એ સંપૂર્ણ રાજમય બની ગઈ હતી, માબાપને છોડી રાજ સાથે પરણી અને રાજનો પ્રેમ અને હુંફ મળતાએ એને પુરેપુરો સમય આપતી, પણ હવે પરીના આગમન પછી પરી (દીકરી) અને ગૃહસ્થીની બેવડી જવાબદારીથી રાજ તરફ થોડી લાપરવાહ રહેતી હતી,.. એનું જ પરીણામ હતું કે એ સમય પર રાજની થાળી ના પીરસી શકી..આજે થયું હું એને માટે કંઇ મનગમતું બનાવીને એને રીઝાવું……વિચારી ફ્રીઝમાંથી શાક કાઢ્યું,..સુધારવા લાગી…. રાજને રિંગણાનો ઓળો અને રોટલા બહુ જ ભાવતા હતા…થયું આજ એજ બનાવી ને જમાડીશ..રાજ થાકેલો.. આવીને જોયું જમવાની થાળી તૈયાર નથી, જાણી ધૂંધવાઈને ગુસ્સો મૈત્રી પર ઉતાર્યો હતો …એ ગુસ્સામાં હતો, બાલ્કનીમાં જઈને ઉભો રહ્યો,પવનની લહેરખી એના મો પર આવી એના વાળ ફરફરતા હતા, મન થોડું શાંત થયું,.. થોડીવાર પછી શાંત થઇ વિચારવા લાગ્યો કે જ્યારથી મૈત્રીના મમ્મી અને પપ્પા સાથે સમાધાન થયું છે, મૈત્રીનું વર્તન બદલાઈ ગયું છે..સૌમ્ય અને પ્રેમાળ મૈત્રી આજે આટલી બધી ગુસ્સે થઇ ગઈ..!!! શું એના મમ્મી એને શીખવતા હશે? એમની મરજી વિરુદ્ધ મારી સાથે પરણી એનો પ્રતિશોધ લેવો હશે?…
પરી સુતી એ દરમ્યાન મૈત્રીએ રસોઈ તૈયાર કરી અને બેઉ જમવા બેઠા ,પણ બેઉના મન ધૂંધળા હતા…કોઈ કંઈજ બોલ્યું નહી…અને કોઈ કંઈ પુરતું જમ્યું પણ નહિ….ગુપચુપ સુઈ ગયા.. સવારે મૈત્રી એ ઉઠીને પ્રાત: કાર્ય પતાવી પરીને નવડાવી , નવું ફ્રોક પહેરાવ્યું, તૈયાર કરી, રમવા મૂકી, ત્યાં જ ફોન આવ્યો….મમ્મીનો હતો..મૈત્રી કઈ બોલે એ પહેલા જ મમ્મી એ પૂછ્યું,..’શું કરે છે મારી રાજકુમારી..?” મૈત્રી કહે,. ”હમણા જ નવડાવી તૈયાર કરી, બસ જો રમે છે..રાજ પણ તૈયાર થઇને હમણા જ ઓફિસે ગયા’”… ખુબ મનોમંથન બાદ મૈત્રીથી આજ કહેવાઈ જ ગયું,.. “ મમ્મી, આજ કાલ રાજ એકદમ બદલાઈ જ ગયા છે,..જ્યારથી તમે મને અપનાવી છે એનું વલણ એકદમ બદલાઇ ગયું છે…ઘરે આવે ત્યારથી ગુસ્સામાં હોય, બોલવાનું પણ ઓછું કરી નાખ્યું છે…ગઈ કાલે એને ભાવતો ઓળો અને રોટલો બનાવ્યો પણ કંઇ જ બોલ્યા કે જમ્યા વગર સુઈ ગયા “… મમ્મી એ પૂછ્યું , “.’પહેલા આવું કરતા હતા? “ ત્યારે મૈત્રીએ કહ્યું,. ‘”ના”.. રાજના આવા વલણથી મૈત્રીની મમ્મી પણ સહેમી ગઈ…
મૈત્રીના મમ્મી એ વિચારવા લાગ્યા કે રાજ એમ તો નહિ વિચારતા હોય કે અમે મૈત્રી ને એના વિરુદ્ધ ચઢાવીએ છે…જો એવું હોય તો રાજ અને મૈત્રી વચ્ચે અંટસ વધી જશે..
મમ્મીએ મૈત્રીને સમજાવી,..” બેટા! તે અમારા બધાના વિરુદ્ધ જઈને પણ જયારે રાજ સાથે લગ્ન કર્યા જ છે તો હવે એ નિભાવી જાણ,…હવે તું એકલી નથી,તમારી વચ્ચે પરીનું પણ આગમન થયું છે,તો એને ખાતર પણ તારે એની સાથે સંબંધ સુધારવો જ રહ્યો “… ત્યારે મૈત્રીએ છણકો કરીને કહ્યું, ..’મમ્મી હું એનું દરેક કાર્ય પ્રેમથી કરું છું, પણ પરીની જવાબદારીથી કોઈ દિવસ જમવામાં મોડું વહેલું થઇ પણ જાય ,એમાં એને આટલો મોટો ઈશ્યુ કરવાની જરૂર નહતી,..મને એ કઈ પણ કહે હું સાંભળીશ પણ તમારા વિરુદ્ધ ( કંઇ કહેશે તો ) એક પણ શબ્દ નહીં ”… આટલું કહી મૈત્રીએ ફોન મૂકી દીધો…
ક્રમશ :
— વાસંતી પરમાર
જીવન ઘટમાળ
હફતો ૧૦
રીના માણેક
ફોન મૂકી મૈત્રી ઘરના કામ પતાવવામાં લાગી. પણ મનમાં ને મનમાં ધુંધવાયેલી હતી એટલે કામમાં પણ જીવ ન ચોંટ્યો. એને તરત જ્યોતિબેન યાદ આવ્યા, મમ્મી સાથેના સંબંધો સુધર્યા એ પહેલાં મૈત્રી મનની બધી વાતો જ્યોતિબેનને કહેતી. એના મનનો બોજ પણ હળવો થઈ જતો અને જ્યોતિબેનની પીઢ સલાહથી એની મુંઝવણમાંથી કોઈ રસ્તો પણ નીકળી જતો. પણ જ્યોતિબેનનું પરી પર વધુ પડતું હક જતાવવું હવે એને ખટકતું હતું.
બધું કામ છોડી મૈત્રી થોડીવાર બારી પાસે ખુરશી લઈ બેઠી. આંખ સામેથી ઘણા પ્રસંગો પાર થવા લાગ્યા. રાજ સાથે મા બાપની ઇચ્છા વિરુધ્ધ કરેલ લગ્ન….સુશીલાબેનનું અકારું વર્તન….. જ્યોતિબેનનો આધાર…. તેજસ-ઓજસને રક્ષાબંધનને દિવસે બાંધેલી રાખડી…. પ્રેગ્નેન્સી વખતે એની નાની નાની વાતોનું ધ્યાન રાખતા જ્યોતિબેન…પરીના ઉછેરમાં એને દોરવણી આપતા જ્યોતિબેન….
મૈત્રી વિચારતી હતી ત્યાં જ એની નજર સામેથી આવતા જ્યોતિબેન પર નજર પડી. એ જ ઘડીએ જ્યોતિબેને પણ તેની તરફ જોયું. મૈત્રીએ હાથ હલાવી સ્મિત આપ્યું. બધી વાતો યાદ આવતા એને પોતાના વર્તન પર શરમ આવતી હતી. માની જેમ પોતાનું ધ્યાન રાખતા જ્યોતિબેનની સાથે પોતે કરેલ વર્તન બદલ એને અફ્સોસ થતો હતો. એણે ઇશારો કરી જ્યોતિબેનને ઘેર આવવા કહ્યું.
બેલના અવાજથી પરીની ઉંઘમાં ખલેલ ન પડે એ ડરથી એ ફટાફટ દરવાજો ખોલવા દોડી. જ્યોતિબેન સામે જ ઊભા હતા.
“શું કરે છે પરી”? મૈત્રીને એમના અવાજમાં સંકોચ સંભળાયો.
“બસ, દૂધ પીને સુતી છે. પણ આ ટાઈમે વધુ નથી સુતી, હવે ઊઠવી જ જોઇએ.”
“તમે આજે સવારના પહોરમાં શીદ ગયા હતા? ”
“કઈં ખાસ નહીં, બસ જરા મંદિર આંટો મારી આવી. ઘણા દિવસથી વિચારતી હતી પણ જવાયું નહોતું.” જ્યોતિબેન મૈત્રી સામે જોઈ બોલ્યા. મૈત્રી એમની સામે આંખ ન મિલાવી શકી. એણે નીચે પડેલું પરીનું મોજું ઉપાડવાના બહાને નજર ફેરવી કહ્યું, ” સારું થયું જઈ આવ્યા, એ બહાને થોડું ચલાઈ પણ ગયું ને? અરે હા ! તે દિવસે તમારો પગ દુખતો હતો, હવે કેમ છે?”
“સારું છે બેટા” જ્યોતિબેન પરી તરફ જોતા બોલ્યા. એમના ચહેરા પર જરા સંકોચ હતો. મૈત્રીને આ જોઈ દુઃખ તો થયું પણ પરી પર જ્યોતિબેનનું હક જતાવવું એનું મન કોઈ પણ રીતે સ્વીકારી શકે એમ ન હતું.
મૈત્રીના મનમાં મથામણ ચાલતી હતી ત્યાં જ પરી સળવળી. ઊંઘમાં એના ચહેરા પર આવેલું સ્મિત જોઈ બન્નેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.
“કેવી મીઠ્ઠી લાગે છે ઊંઘમાં, હમણાં ઊઠશે એટલે ધમાલ મચાવશે.” મૈત્રી બોલી.
“તારે કઈં કામ પતાવવાનું હોય તો….” જ્યોતિબેનના અવાજમાં હિચકિચાહટ હતી.
મૈત્રી એ કૈંક વિચાર્યું અને બોલી ” હા, ઊઠે એટલે થોડીક વાર માટે લઈ જાવ પરીને, હું કામ પતાવીને આવું એને લેવા.”
“મને જ કદાચ વહેમ થયો હશે મૈત્રીના વર્તન માટે, અત્યારે તો એવું કઈં જ નથી લાગતું” જ્યોતિબેને વિચાર્યું.
પરીએ આંખ ખોલી અને ચકળવકળ આસપાસ જોવા લાગી. જાણે કહેતી હોય ” કોઇક તો ખોળામાં લો મને”.
” બસ દસ મિનિટ જ્યોતિબેન, એને ફીડ કરી દઉં, એટલે બે કલાક શાંતિ !” પરીને ખોળામાં લેતા મૈત્રી બોલી.
જ્યોતિબેનના ગયા પછી મૈત્રી કામ કરતા કરતા વિચારતી હતી ” જ્યોતિબેન થોડીવાર માટે પરીને લઈ જાય કે એની સાથે રમે એમાં મને ક્યાં વાંધો છે? આ તો એ વગર મને પૂછ્યે જ્યારે મન પડે ત્યારે મારી દીકરીને લઈ જાય તો મને ખરાબ તો લાગે જ ને?!”
ત્યાં જ મોબાઈલ રણક્યો. રાજનો ફોન હતો.
“મૈત્રી, આજે મારો એક જુનો ફ્રેંડ બહારગામથી આવ્યો છે, એને ડીનર માટે ઘેર લઈ આવું કે પછી તને ન ફાવે તો બહાર જ પતાવું.” રાજનો અવાજની રૂક્ષતા મૈત્રીને ખટકી.
“તને જેમ ઠીક લાગે તેમ કર, પણ જો ઘરે આવવાના હો તો મને હમણાં જ કહી દે તો હું તૈયારી કરવા લાગું. નાના બાળક સાથે આ બધું કરવું સહેલું નથી “.
“રહેવા દે, હું એને હોટલમાં જ જમાડી દઈશ. મને ઘેર આવતા થોડું મોડું થશે, રાહ નહીં જોતી સુઈ જજે.” રાજ બોલ્યો.
“આજે રાજે બાય પણ ન કહ્યું” મૈત્રીએ મનોમન નોંધ્યું.
ઘરનું કામ પતાવી એ પરીને લેવા જ્યોતિબેનને ઘેર ગઈ. જ્યોતિબેનને પરી સાથે તોતડું તોતડું બોલતા જોઈ એને હસવું આવ્યું.
“અરે મારી પરી તો વાતો એ વળગી છે ને કઈં”.
એ પરીને તેડે એ પહેલા ફરી મોબાઈલની રિંગ વાગી.
“મમ્મીનો ફોન છે”. કહી મૈત્રી એ ફોન લીધો.
“હા , બોલ મમ્મી, હું અહીં જ્યોતિબેનને ત્યાં પરીને તેડવા આવી છું. હું કામ પતાવું એટલી વાર એ રમાડતા હતા પરીને”.
“સારું, સારું….. બેટા તારે સારું છે , આવા સારા પડોશી છે તો બધું સચવાઈ જાય. અમે તો દૂર બીજે ગામ બેઠા છીએ. આમેય કહે છે ને પહેલા સગા પડોશી. એમની સાથે સારાસારી જ રાખવી”. મીનાબેન દિકરીને શિખામણ આપતા બોલ્યા.
“મમ્મી, હમણાં ફોન મૂક, હું ઘેર જઈ તને ફોન કરું.” મૈત્રી ફોન કાપતા બોલી.
“જ્યોતિબેન, પરીએ તમને બહુ હેરાન ન કર્યા ને! હમણાં જરા તોફાની થઈ ગઈ છે” મૈત્રીએ જ્યોતિબેનને પૂછ્યું.
મૈત્રીનો ઔપચારિક્તા ભર્યો વર્તાવ જ્યોતિબેનને ખટક્યો તો સહી પણ એમણે એને મનનો વહેમ ગણી એ વિચાર નકારી કાઢ્યો.
“ના રે ના, મારી ઢીંગલી જરાય હેરાન કરે એવી નથી….. એ તો સાચુકલી પરી જેવી મીઠ્ઠી છે.” એ હસતા હસતા બોલ્યા.
ઘેર જઈ મૈત્રીએ મીનાબેન સાથે વાત કરી. મીનાબેન એને થોડા દિવસ આરામ કરવા આવવા માટે આગ્રહ કરતા હતા. મૈત્રીએ મીનાબેનને પ્રોમિસ કર્યું કે એ આ બાબત રાજ સાથે જરૂર વાત કરશે.
આજે રાજ જમવામાં ન હતો એટલે મૈત્રીએ ઘઉંના ફાડાની ખીચડી શાક નાખી કૂકરમાં મૂકી દીધી. અને પરી સૂતી હતી ત્યારે જ જરા વહેલું જમવાનું પતાવી ટીવી ચાલુ કર્યું. એને પણ થોડા દિવસ પિયર જઈ આરામ કરવાની ઇચ્છા હતી. જ્યોતિબેનનો સહારો હતો છતાંય મા પાસે થાય એવા લાડ વર્ષો પછી ફરી માણવા હતા. સુશીલાબેને ક્યારેય એને મનથી અપનાવી ન હતી. એટલે મૈત્રી સાસુના પ્રેમથી યે વંચિત રહી હતી. વિચાર કરતા કરતા મૈત્રીને પણ ઝોંકુ આવી ગયું.
પરીના રડવાના અવાજથી મૈત્રીની ઊંઘ ઊડી ગઈ. ઘડિયાળના કાંટા દસ વાગ્યાનો સમય બતાવતા હતા. પરીને ઘોડિયામાંથી કાઢી એનું નૅપી બદલાવ્યું. એને દુધ પીવડાવી અને પલંગ પર પોતાની પાસે સુવડાવી એ પરીને રમતા જોતી રહી. ભગવાને પરીનાં રૂપમાં એના સંસાર પર આશિર્વાદ વરસાવ્યા હતા. કલાકેક રમીને પરી ફરીથી ઊંઘી ગઈ. બાર વાગ્યા, હજુ રાજ ન આવ્યો કે ન એણે ફોન કર્યો !
મૈત્રીએ મોબાઈલ લઈ રાજને ફોન લગાડ્યો.
“ક્યાં છે ? બાર વાગ્યા… ક્યારે આવીશ ઘરે ? ”
“બસ, દસ મિનિટમાં પહોંચીશ. આ સાગર સાથે વાતો કરવામાં સમયનું ભાન જ ન રહ્યું !” રાજ સામે છેડેથી બોલ્યો.
લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ ચાવીથી ગેઇટ ખુલવાનો અવાજ આવ્યો.
“કેટલું મોડું કર્યું, આખો દિવસ પરીને સાચવતા સાચવતા થાકી જઉં છું હું… તને એમ ન થાય કે ટાઈમે ઘેર પહોંચી જઉં…. દીકરી સાથે રમું ..તો થોડીવાર મૈત્રીને ય શાંતિ !” મૈત્રી ફરિયાદ કરતા બોલી.
“પરી તો સુતી છે, તારે પણ સુઈ જવું હતું ને ? ચાવી તો હોય જ છે મારી પાસે. મેં નહોતું કહ્યું તને મારી રાહ જોવાનું !” રાજ કડવાશ સાથે બોલ્યો.
આગલા દિવસની બનેલી વાતોનું ભારણ હજી આજે પતિ પત્ની વચ્ચે હતું. એમાં ઓફિસમાં સુશીલાબેનનો ફોન આવ્યો હતો. એ દિકરા-વહુને પૌત્રી સાથે બોલાવતા હતા. પણ મૈત્રી સાથે એમણે આગળ કરેલા વર્તનને લઈને રાજને પત્નીને આ વાત કહેતા સંકોચ થતો હતો. એમાં વળી આજકાલ મીનાબેનનો રોજ ફોન આવતો એટલે રાજને એમ હતું કે તેઓ મૈત્રીને ચડાવે છે. મૈત્રીમાં આવેલો બદલાવ રાજને બહુ ખૂંચતો હતો. પરીના કામને લીધે મૈત્રીના કામમાં થયેલો વધારો કે એના લીધે લાગતો થાક કદાચ એક પુરુષ તરીકે એ સમજી નહોતો શક્યો.
સવારના અલાર્મ વાગતા જ મૈત્રી માંડ માંડ ઊઠી. રાત્રે પરીને ગેસ જેવું થયેલું એટલે એણે આખી રાત છટપટ કરી કાઢી હતી. રસોડામાં જઈ એણે ચા મૂકી. રોજની જેમ રાજ એનો ચા મૂકવાનો અવાજ સાંભળી ઊઠી ગયો. બ્રશ કરી, સોફા પર પડેલું છાપું લઈ એ ડાઈનિંગ ટેબલ પર આવ્યો. મૈત્રી એક ટ્રેમાં ચા અને ખાખરા લઈ આવી.
“રાજ, તને કઈંક પૂછવું છે. કાલે મમ્મીનો ફોન હતો. મને અને પરીને થોડા દિવસ માટે બોલાવે છે. મને પણ લાગે છે પંદરેક દિવસ રહી આવું, હું પણ થાકી છું. થોડો આરામ મળી જશે.” મૈત્રી , રાજને ચા આપતા આપતા બોલી.
” મમ્મી પણ મને ઘણા દિવસથી ફોન કરે છે. આપણે પહેલા ત્યાં જવું પડશે. એમણે આપણા માટે કોઈ માનતા માનેલી, એટલે એમને પૂજા રાખવી છે. એક વાર ત્યાંથી પાછા ફરીયે પછી થોડા દિવસ રહી તું તારા મમ્મીને ત્યાં જઈ આવજે.” રાજ છાપાનાં પાનાઓ પર નજર ફેરવતા ફેરવતા બોલ્યો.
મૈત્રીના ચહેરા પર આવેલો અણગમો રાજ આડી આંખે જોઈ શકતો હતો.
“મોઢું શા માટે બગાડે છે ? ભૂલ નહીં એ મારી મા છે. અને એણે માનતા આપણા સંતાન સુખ માટે જ માંગી હતી. ” રાજ છાપું ફેકતા બોલ્યો.
” મેં મોઢું નથી બગાડ્યું , અને જવાની ના પણ નથી પાડી. રાજ, તને પણ ખબર છે કે તારી મમ્મીને હું નથી ગમતી. તો પછી મારી પાસે આટલી અપેક્ષાઓ શા માટે? એમને મનાવવા મેં કયારે કોશિશ નથી કરી ! છતાંય તું આજે મને જ સંભળાવે છે” મૈત્રીની આંખમાં પાણી આવી ગયા.
રાજ ચાનો કપ પડતો મૂકી ઊઠી ગયો અને બાથરૂમ તરફ ગયો.
નાનકડી પરી જાણે મમ્મી પપ્પાના ઝઘડા વિરુધ્ધ અવાજ ઊઠાવતી હોય એમ જોરથી રોઈ ઊઠી. મૈત્રીએ આંસુ પોછ્યા અને પરીને ઘોડિયામાંથી બહાર કાઢી એને ખોળામાં લીધી. એની આંખ ફરી છલકાઈ ગઈ.
” પ્લીઝ, મૈત્રી મેં તને એવું કઈં જ નથી કહ્યું કે તારે મારી દિકરીના માથે આંસું પાડવા પડે. તારા મમ્મી પપ્પા તને મળવા આવ્યા પછી તું સાવ જ બદલાઈ ગઈ છે.”! રાજના મોંથી ભીતરનો દબાયેલો આક્રોશ બહાર નીકળી જ ગયો.
“પ્લીઝ, આ બધાની વચ્ચે તું મારા મા બાપ ને ન લાવીશ. એ લોકો એ કંઈ નથી બગાડ્યું આપણું” મૈત્રીએ સામે જવાબ આપ્યો.
રાજ હાથમાંનો ટુવાલ ફેંકી રૂમની બહાર ચાલ્યો ગયો. અને રડતા રડતા મૈત્રી પરીને થાબડતી રહી. આજે પહેલી વાર પતિ પત્ની વચ્ચે જાણે એક દીવાલની પહેલી ઈંટ મુકાઈ…..!!!!!
ક્રમશઃ
— રીના માણેક