Jivan Ghatmad books and stories free download online pdf in Gujarati

જીવન ઘટમાળ

શબ્દાવકાશ પ્રસ્તુત

સમર્થીણી ગ્રુપ લિખિત.

જીવન ઘટમાળ

પ્રસ્તાવના: શબ્દાવકાશ ગ્રુપ, એક પછી એક સહિયારા સર્જન આપવામાં માહિર છે. સામાન્ય રીતે આપને એવું માનીએ છીએ કે ૩૫ કે ૪૦ કે પછી ૪૦+ ઉમરની સ્ત્રીઓ થોડી શીથિલ થઇ જતી હોય છે. જીવનમા ઉમરના એવા પડાવે ઉભી હોય છે કે જ્યાં ક્યારેક એ એવું અનુભવતી હોય કે હું કશા કામની નથી .... પરંતુ જમાનો બદલાયો છે સ્ત્રી પોતાની ઓળખ ઉભી કરતી થઇ છે. અને એમાં પણ ઘરની જવાબદારીઓમાંથી પોતાના માટે સમય કાઢતા શીખી ગઈ છે.

અહી એવી પંદર ‘સમર્થીણી’ઓ એ સાથે મળીને એક સહિયારું સર્જન વાર્તાનું કર્યું છે,”જીવન ઘટમાળ”. જેમાં તમારી મારી આસપાસ બનતી ઘટના વણાયેલી છે. આશા છે આપ સૌને ગમશે .

જીવન ઘટમાળ

હફતો -૧.

લેખિકા: જાહ્નવી અંતાણી

.ટીંગ..ટોંગ…ટીંગ..ટોંગ..

.

જ્યોતિ ચા બનાવતી ઝડપથી રસોડામાંથી બહાર આવી બારણું ખોલી.. દૂધની થેલીઓ હાથમાં લેતા અછડતી નજરે સામે દરવાજે મૈત્રીનાં ઘર તરફ જોઈ અને જલ્દી દરવાજો બંધ કરી ફરી રસોડામાં આવી… મનમાં બોલી, ” આજે મૈત્રી ઉઠી નથી કે શું ? રોજ તો વહેલી ઉઠે છે.તબિયત તો બરોબર હશે ને! બરોબર જ હશે .હું પણ શું સાવ મૈત્રી જેવી ઢીલી થતી જાઉં છું. મારે તો એની વેદનાનો સધિયારો બનવાનું છે ને હું જ એની જેમ ઢીલી પડું છું ! ”…અને જ્યોતિ હસી પડી. એને સામે રહેતી મૈત્રીના ઘર તરફનો દરવાજો ખોલતા અચૂક નજર કરવાની ટેવ હતી. મૈત્રી અને રાજ એક સુંદર અને ઢીંગલા ઢીંગલી જેવું યુગલ…નિર્દોષ છતાંય ચહેરા પર અછડતી દર્દની રેખા અને ચિંતાનું આવરણ જ્યોતિને દેખાતું .. કેમ કે એ લોકોની વેદના એ જાણતી હતી. નહીં નહીં તોય પાંચ વરસથી પાડોશી હતા એટલે એક માયા બંધાઈ ગઈ હતી.

બંને બાળકો અને પ્રકાશનું ટીફીન તૈયાર કરી તેજસ અને ઓજસ શાળા કોલેજ રવાના થયા અને પ્રકાશ પણ ઓફીસ જવા નીકળ્યા પછી દરવાજો ખોલી છાપું હાથમાં લઇને એ વાંચવા બેઠી. છાપાંમાં રોજબરોજના સમાચારો અને પૂર્તિ ઉપર નજર ફેરવીને નિરાંતે બેઠી હતી .નજર સામે દરવાજે અટકીને વિચાર આવ્યો હજુ મૈત્રીનું બારણું કેમ ખુલ્યું નહીં?. જ્યોતિ અને મૈત્રીનું મન મળી ગયું હતું એટલે એ સવારે દેખાય નહીં તો એને ચિંતા થતી. એ જાણતી હતી કે મૈત્રી પ્રેગ્નન્ટ હતી. અને એની બધી જ તકલીફ જાણતી જ્યોતિ મૈત્રીને નાનીબેન સમજી આ સમયમાં એની ખુબ સંભાળ લેતી. એના કુટુંબીજનો ગામડે રહેતા હોવાથી આવા સમયે મૈત્રી પણ કંઈ તકલીફ હોય તો જ્યોતિને વાત કરતી.

ત્યાંજ મૈત્રી બારણું ખોલીને આવી અને કહ્યું, “આંટી,અમે દવાખાને જઈએ છે..રાજે પણ રજા લીધી છે. એટલે બતાવી જ આવીએ સોનોગ્રાફી પણ કરવાની છે.” .”સારું, ચિંતા ન કરતી બધું બરોબર થઇ જશે. જઈ આવો શાંતિથી.” જ્યોતિએ કહ્યું. બંને દવાખાને જવા નીકળ્યા .જ્યોતિ દરવાજો બંધ કરી કામે વળગી. ગઈકાલ સાંજની જ વાત હતી…… મૈત્રી એની બે વરસ પહેલા ચોથે મહીને કરાયેલા મિસકેરેજ ને ભુલી નહોતી શકતી અને કહેતી હતી, ”જ્યોતિબેન મારું શું થશે ?..મને ડર લાગે છે રાજ પણ બોલતા નથી પણ મને ખબર છે એમને પણ ચિંતા તો છે જ.” જ્યોતિએ કહ્યું, “મૈત્રી, હવે તું જો આવી નબળા મનોબળની વાત કરીશ તો હું તારી સાથે વાત નહીં કરું. આ શું માંડ્યું છે? તમારા બંનેની ઉંમર શું છે… આટલા નીરસ કેમ બની ગયા છો ? તકલીફો તો આવે અને જાય એમાં જીવન આમ સ્થગિત ન કરી દેવાય, મનને જેટલું આનંદમાં રાખશો એટલું જ જીવન જીવવું ગમશે. જીવનમાં જેવું વિચારશું એવું જ બને છે.. એટલે સારું જ બનશે એવું વિચાર.”

જ્યોતિને યાદ આવી ગઈ બે વરસ પહેલાની એ બપોર.. હજુ રાજ અને મૈત્રી આવ્યા કે નહીં એ જોવા નીકળી, ત્યાંજ રાજ સામે જ આવ્યો અને જરા ગંભીર મોઢે કહ્યું, ” આંટી, “ એમ કહી સોફામાં બેસી ગયો. છ ફુટ ઉંચો સોહામણો નવયુવાન જાણે જિંદગી હારીને આવ્યો હોય એમ બેસી ગયો. જ્યોતિને થયું કે કંઈક બરોબર નથી . એ અંદર જઈ ઠંડા પાણીનો ગ્લાસ લાવી અને રાજના હાથમાં આપી.કહ્યું,”બોલો, શું કહ્યું, ડોક્ટરે? ” રાજ એકી શ્વાસે ગટગટાવીને જાણે મનને પણ એકદમ ઠંડુ કરવા પ્રયત્ન કરતાં સજળ આંખે બોલ્યો, ”આંટી, બાળક નોર્મલ નથી આ વખતે એબોર્શન કરાવી નાખવું પડશે.” જ્યોતિ શું બોલે !!! એને પણ થોડી વાર રહીને થયું કે મૈત્રી ક્યાં છે? એટલે પૂછ્યું, ”મૈત્રી ક્યાં? ઘરે છે કે દવાખાને?” રાજે કહ્યું,” ઘરે છે અને તમે તો એને ઓળખો છો.. એ દવાખાનેથી નીકળી ત્યારની રોવે છે. આવતીકાલે એડમીટ થવાનું છે અને સાંજે ઘરે આવી જશે.” જ્યોતિએ કહ્યું,”ચાલો હું ઘરે આવું છું.” જમવાનું પણ મૈત્રીએ નહીં બનાવ્યું હોય એ જાણતી હતી .. અને એટલે જમવાની થાળી તૈયાર કરી સાથે લઈને જ ગઈ . મૈત્રી આગળના રૂમમાં જ સોફા પર આડી પડીને બસ રોયા જ કરતી હતી . એ જ્યોતિને જોઈ બેઠી થઇ અને ફરી એને ભેટીને રડવા લાગી.. જ્યોતિએ પહેલાં તો ચુપચાપ એના માથા પર હાથ ફેરવતી રહી અને કંઇ જ બોલી નહિં ,પછી થોડી વાર રહીને કહ્યું,” ચાલ જમી લે, બંને થોડું થોડું ખાઈ લો અને શાંતિથી વિચારો..આવું એકાદવાર થવાથી આમ હારી ન જવાય પહેલાના જમાનામાં તો દવાઓ નહોતી ત્યારે અવારનવાર આવું સ્ત્રીઓ સાથે બનતું. તમે બંને તો હજુ નાના છો. જીવનમાં મુશ્કેલીઓ તો આવે પણ એના સમાધાન પણ હોય જ છે. બાળકના જન્મ પછી ખબર પડી હોત તો એ વાત પણ તમારા બંને માટે એ વખતે પણ એટલીજ દુખ દાયક હોત પણ એ abnormal અસામાન્ય બાળકને પણ કેટલું સહન કરવું પડે એ વિચારો.! એના કરતા કાલે ડોક્ટર પાસે જઈને એબોર્શન કરાવી આવો.” અને જ્યોતિએ વાતને હળવાશમાં લેતા કહ્યું, “ જિંદગીના ખરાબ સમયને એક ખરાબ સપનું માની ભૂલી જવું. .. અને નવી ઘોડી નવોદાવ..સમજી જીવનને નવેસરથી શરુ કરવું. ભગવાન ચોક્કસ તમારી સામે જોશે.”…

અને હવે એ દિવસ ફરી આવી પહોચ્યો હતો. અને જ્યોતિ, મૈત્રી માટે દિલથી ભગવાનને પ્રાર્થના કરતી કે આ વખતે આ બંને બાળક સમ નિર્દોષ યુગલનું ઘર બાળકના ખીલખીલાટથી ગુંજવું જોઈએ.

આ બધું જ ગઈકાલે મૈત્રી અને જ્યોતિએ એ બે વરસ પહેલાનો સમય જાણે rewind કર્યો તો ..અને બંનેના હૃદય એ દિવસ ને યાદ કરીને ભીંજાતા રહ્યા ..વાત કરતા હતા ત્યાં જ પ્રકાશ પણ આવીને બેઠા અને કહ્યું, “કેમ આજે જમવાનો પ્રોગ્રામ અમારા ખિસ્સામાંથી બનવાનો છે કે શું? ” અને ત્યારે જ રાજ પણ ઓફીસથી આવીને કહે, “ચાલો આજે આપણા માટે મૈત્રી કંઈક બનાવશે.” જ્યોતિ કહે, “ ના એને તકલીફ નથી આપવી. હું મારે ત્યાં બનાવું છું અને મૈત્રી, તું રાજ ફ્રેશ થઇ જાય એટલે ઘરે આવો આપણે સાથે જમીએ.” આવું તો બંને પરિવાર વચ્ચે અનેક વાર બનતું. આમ જ્યોતિના ઘરમાં મૈત્રી અને રાજ છવાયેલા રહેતા અને રાજ- મૈત્રી માટે ઘરમાં જ્યોતિબેન પ્રકાશભાઈ પણ વડીલની હુંફ આપતા મિત્ર હતા. જ્યારથી મૈત્રીને નવમો મહીનો શરુ થયો ત્યારથી ગામડેથી એના સાસુમા આવી ગયા હતા. અને એમના ઘરના હોય એટલે જ્યોતિ પણ નિશ્ચિંત હતી છતાય એ ભગવાનને પ્રાર્થના કરતી રહેતી કે આ સારસ બેલડીને ત્યાં પારણું બંધાય,. ઘણી બધી તકલીફ પછી આજે ફરી એજ સવાર આવી હતી..અને સવારે રોજની જેમ ઘંટી વાગતા જ્યોતિએ બારણું ખોલ્યું ત્યાંતો મૈત્રી ના સાસુ સુશીલાબેન ઉભા હતા અને કહ્યું, ”મૈત્રી દવાખાને ગઈ છે.અને હું પણ બધું કામ પતાવી ને જઈશ. તમે ઘર જોતા રહેજો, જેવા સમાચાર આવશે એવું તમને રાજ ફોન કરશે એવું કહ્યું છે. વહેલી સવારે ગયા એટલે તમને ઉઠાડ્યા નહીં .” જ્યોતિ બહેને ભલે કહી .ભગવાન ને હાથ જોડ્યા અને કહ્યું, ”જોજે હો હવે, તારે સાબિત થવાનો સમય આવી ગયો છે. તારા પરથી શ્રદ્ધા ઉઠી ન જાય એનું ધ્યાન રાખજે.”

આમ કહી જ્યોતિ કામે વળગી અને જલ્દી કામ પતાવવા લાગી. વારેવારે પોતાના મોબાઈલ સામે નજર કરતી જતી હતી. ત્યાં જ બપોરે બાર વાગે ફોનની રીંગ વાગી અને રાજનું નામ વાંચતા જલ્દી ફોન ઉપાડ્યો અને રાજનો ખુશખુશાલ અવાજ સાંભળી રહી…”આંટી મૈત્રી જેવી જ સુંદર દીકરી આવી છે.. “

— જાહ્નવી અંતાણી

જીવન ઘટમાળ

હફતો-૨

લેખિકા: સ્પંદન પારેખ

” હલ્લો …..! હે? ….દિ…ક…..રી આવી , સારૂ સારૂ કેટલાં વાગે ,? ટાઇમ બરોબર તો નોંધ્યો છે ને ?, હલ્લો રાજ ! બેઉની (તબીયત) તબિયત સારી છે ને ? બેબીનું વજન ? ” જ્યોતિબહેનના પ્રશ્ર્નોએ રાજને મુંજવી દીધો અને રાજ હા….હમ…..કરતો રહ્યો

” હવે તો એ દરિયામાં મહાલશે ” કહી જ્યોતિ બહેન હસી પડ્યાં

“હા ‘ સમજ્યા વગર કહી રાજે લેબર રૂમની બહાર ઉભા ઉભા જ જ્યોતિબ્હેનનો ફોન કાપ્યો..

આ બાજુ જ્યોતિબહેન પણ ઘરમાં રઘવાયા બની પડેલા કામો આટોપવા લાગ્યા , પહેલા કરી રાખેલી ગોળપાપડી લઇ , ઘર મંદિરમાં માગાયત્રી સામે ધરી બોલ્યા

” હે મા જગજનની જગદંબા, આવેલ આ નવા જીવને તારા આશીર્વાદ આપજે ” કહી હોલમાં આવી ઘડીયાળ સામું જોતાં ઘડીયાળનાં બેઉ કાંટા જ્યોતિબહેનના આનંદને બેવડાવતાં એક બીજાને વળગી પડ્યાં હોય તેવુ જ્યોતિબહેનને લાગ્યું અને બબડયાં, ” લે……૧૨ વાગી ગયા . હમણાં બધા જમવા આવી પહોચશે .” ,અને ઝડપથી સામેના દરવાજે જઇ , મૈત્રીના ફ્લેટની બેલ મારી . તેમના બેઉ ઘર વચ્ચે કામ કરતી સુનંદા બાઇએ દરવાજો ખોલતાં જયોતિબહેને તેને ઉતાવળે કહ્યું ” તારી શૈઠાણીને દિકરી આવી. ચાલ, જલદી અહીંનું કામ પતાવી સામે આવ , એ બધા હમણાં જ જમવા આવશે ” કહી જયોતિબહેને પીઠ ફેરવી તેવી જ સુનંદા બોલી

” પહેલી દિકરી કરતાં દિકરો આવ્યો હોત તો ? ”

” કેમ એ આપણાં હાથની વાત થોડી છે ? દિકરો કે દિકરી જે હોય તે . તુ નહીં સમજે ”

” હા અમે તો ના સમજીયે ,પણ શેઠની ( રાજ ) ની ‘બા ‘ને તો છોકરોજ જોઈતો હતો .

” ચુપ કર, તું તારૂ કામ કર ” જલ્દી આવ કહી જયોતિબહેન ધૂવાં ફૂવાં થતાં ઘરના દરવાજે આવી પોતાનો બધો ગુસ્સો કાઢ્યો .દરવાજા પર… ધડામ્ કરતાં દરવાજો બંધ કર્યો .

અર્ધી કલાક ઉભડક જીવે મોબાઇલના બટનો દાબતાં રહ્યાં , પતિદેવને વધાઇ આપી .

” સાંભળો રાજ -મૈત્રી ને ઘેર નાની પરી આવી ,તમે આજે ઓફીસે થી જરા વહેલાં જમવા માટે નીકળી જજો .હો મોડુ ના કરતા ”

લગ્નની વીસી વટાવી ચૂકેલ પતિદેવ જયોતિબહેનને નખ-શિખ જાણતાં અને ચાહતા , આજના તેના ઉત્સાહીત અવાજને મલકાતે મોંએ સાંભળી રહ્યાં હતાં તેનો આ આનંદ અસ્થાને ન હતો , કારણ મોટો તેજસ , બાદ જ્યોતિબહેનને દિકરીની પ્રબળ ઇચ્છા , પણ નાનો ઓજસ આવતાં એ આશાને પૂર્ણ વિરામ મૂકાઇ ગયું હતું .

તેજસ ઓજસને પણ વોટસ્ અપ પર મેસેજ મૂકી (દિધો) દીધો કે ” તમને નાનકડી ભાણી આવી .” બેઉ દીકરાઓને પણ નવાઇ લાગી મમ્મીના આ શબ્દો વાંચતાં કારણ હજુ સુધી કયાંરેય આવા સંબંધનો ઉલ્લેખ સાંભળ્યો ન હતો . હા આજનો સૂરજ કંઇક અલગ ખૂણે (એંગલે) થી જયોતિબહેનના ઘરમાં પ્રવેશી ચુકયો હતો . પોતાને પિયર ભાભીને પણ કહી દીધુ કે

” ભાભી ! હું સોમવારે આવવાની હતીને ત્યાં , હું નહી આવી શકું , સામેવાળી મૈત્રીને દિકરી આવી છે .” ભાભીએ તો મોં વકાસી ફોન મૂકાતાં બબડી સામેવાળીને દિકરી આવે તેમાં ………..

પણ તેને શું ખબર કે તેની નણંદબા આજે વહાલના દરિયામાં પ્રવેશી ચૂક્યાં હતાં .સામેના ઘરેથી સુનંદા આવતાં વેત બોલી ” બા ” આવી ગયા છે , અને જયોતિબહેન ઝડપથી ગેસ પેટાવી રસોઇ ગરમ કરવા લાગ્યા ,સુનંદાને ટેબલ પર પાણી ,છાશના ગ્લાસ મૂકવાનું કહી પ્રકાશભાઇને બૂમ પાડી કહે ” જાઓ તો જરા રાજ અને બા ને કહો ચાલો જમવાં ” અને મગના પાપડની સુંગધ સાથે ડાઇનીંગ ટેબલની ખુરશીઓ ખેંચાણી. રસોડામાંથી બહાર આવતાં જ

જયોતિબહેન રાજની બાને કહેવા લાગ્યાં

” આવો બા , વધાઇ છે વધાઇ. લાવો બરફી .લક્ષ્મી પધાર્યાની . ”

” બરફી ?” બાએ મોં બગાડતાં પુછ્યું.

” હા અમારાં સુરતીઓમા દિકરો હોય તો પેંડા અને દિકરી આવે તો બરફીની વહેંચણી થાય ” કહી જયોતિ બહેને બાની થાળીમાં ગોળપાપડીનું બટકું મૂકતાં પૂછયું,

” રાજ કેમ ઘરમાં રોકાયો ,બોલાવો ” કહેતાં પતિદેવ સામુ જોયું અને તુરત બા ને પુછી બેઠા,

” કોના જેવી છે ? દિકરી મમ્મા જેવી કે પપ્પા જેવી ? ”

” મેં જોઇ નથી ” કહેતાં બાએ ગોળપાપડીનૂં બટકુ પાછું નાની પ્લેટમાં મૂકી છાશનો ઘૂંટ ભર્યો જયોતિબહેન અવાક્ થઇ ગયા , અને આસ્તેથી બાની પીઠ પસવારતાં કહે

” બા આ તો માતાજીનો પ્રસાદ છે , અને આજ તો મોં ……….” તેને અધવચ્ચ રોકી બા બોલ્યાં ,

” કારેલાનો રસ હોય તો આપો , પછી વાત વાળતાં બોલ્યાં , ” ડાયાબીટીસ ખરો ને ”

” રાજ ” પ્રશ્ર્નાર્થી આખોથી પતિદેવને પુછયું અને રાજને ફોન લાગી ચુક્યો હતો

” રાજ હ્લલો રાજ કયાં છે ?

રસ્તાં માં ? અમે જમવાની તારી રાહ ……….”

” હે ”

” ઓહ , હમ….હમ.. ઓકે ,

આવુ ? ઓકે, કંઇ પણ હોય તો જરૂર ફોન કરજે ” કહી પ્રકાશભાઇએ ફોન મૂકી જયોતિબહેન સામુ જોઈ બોલ્યા

” ચાલો…ચાલો…કકડીને …….”.પણ તે પત્ની સામે આંખ મેળવી ભૂખ બોલી શક્યા નહી …

જેમ તેમ કરી પતિ-પત્ની સાંજના પાંચ વાગવાની રાહમાં હોસ્પીટલની નીચેની લોબીમાં લોકોના શોરબકોર વચ્ચે અાંતર મૈાનની આહુતિ આપતાં રહ્યાં . જેવો મુલાકાતનો સમય થયો ને લોકો લીફટની સામે કતાર લગાડી , અને જયોતિબહેને ધીરજ ન રહેતાં દાદર ચડવા લાગ્યા ,પાછળ પતિદેવે ડગ ભર્યા .

રાજ પ્રકાશભાઇ અને જયોતિબહેન ને સીડીથી આવતાં જોઈ સામે આવી પગે લાગ્યો , જયોતિબહેનને હાંફ ચડ્યો હતો એટલે હાથના ઇશારે કયાં ? પુછતાં રાજ તે બેઉને ચીલ્ડ્રન વોર્ડના બાજુના રૂમ તરફ દોરી જતાં દરવાજા ઉપરના આઇ વિન્ડોમાઁથી ત્રણ નંબરના ઇન્ટીકયુબીટર બોક્સ સામે આંગળી ચીંધતાં બોલ્યો ,

” જૂઓ ……. તમે જ કહો કોના જેવી ?….” કહેતાં ‘ જસ્ટ ડેડી ‘ બનેલા રાજનો અવાજ તરડાયો..

” અર……..ર કેમ આટલી બધી ટયુબો ખોસી છે ? ” પુછતાં જયોતિબહેનની આંખો છલકાઈ ઉઠી , ” બ્લડમાં કમળો ભળી ગયો છે ” કહેતાં રાજ તેઓ ને મૈત્રીના રૂમ તરફ દોરી ગયો , તેને આ બાબતની જાણ નથી કરી તેથી કોઇ વાત ન ઉચ્ચારવાની તાકીદ પણ કરી દીધી . રૂમમાં ત્રણેને આવતાં જોઇ મૈત્રી હસતા સહસા બોલી ઉઠી ,

” કોના જેવી લાગે છે ? મારી પાસે તો થોડીવાર જ રાખી ” ફરિયાદી સ્વરે બોલી .

” અરે, દિકરીઓ તો માની પ્રતિકૃતિ જ હોય , દિકરી ! તે અસલ તારા જેવી જ મને લાગી ” કહી જયોતિબહેને મૈત્રીને ઉષ્માભેર નીતરતી આંખોએ .આલિંગન આપ્યું અને તેને કપાળે ચુમી ભરી આશીર્વાદ આપતાં બોલ્યા ” રાશી મુજબ જ નામ રાખવાનું છે હો ” કહી મૈત્રી સાથે વાતોએ વળગ્યાં અને પ્રકાશભાઇ અને રાજ બેઉ બેબીની ટ્રીટમેન્ટ માટે ચર્ચા કરવાં લાગ્યા . . બે કલાક રોકાઇ ઘરની ચિંતા ન કરવાનું વચન લઇ બેઉ પતિ પત્ની ઘેર પરત ફરવા ટેક્સી પકડી . બેઉ મૂંગા મૂગાં પસાર થતાં રસ્તાં ને અન્ય મનસ્ક થઇ જોઇ રહયાં . ઘેર પહોચ્યા , આજે પ્રકાશભાઇએ જયોતિબહેનનું માતૃ સ્વરૂપ કંઇક અલગ જ જોયું .ઘેર જઇ સોફામાં ‘હાશ ‘ કરી બંધ આંખો એ બેસી રહ્યાં , સામે ઉભેલા પાણીનો ગ્લાસ પકડી જેની સાથૈ વીશ વર્ષ પહેલાં પાણીગ્રહણ કરલો તે પાણીયલ હાથમાંથી ગ્લાસ લઇ હસ્તાં બોલ્યાં

” બેસ થોડી વાર અહીં ”

” કેમ તમને કેવી લાગી નાની પરી ? ”

” મને તો આજે બે પરી જન્મી હોય તેમ લાગે છે ” કહી હળવું હસ્યાં

” કયાં ? કોણ ? ”

” એકે મૈત્રીને ‘મા ‘ બનાવી , અને બીજીએ જયોતિને ”

” હા……સવારથી મને તો એવુ જ લાગે છે ” મે તો પ્લાન કરી લીધો છે, હું આ નન્હી પરીને સાચવીશ અને મૈત્રીને ભલે ઓફીસે જવું હોય તો જાય..

પ્રકાશભાઈ જ્યોતિબહેના આ નવા અવતારને જોઈ રહ્યા .

— સ્પંદન પારેખ

જીવન ઘટમાળ

હફતો -૩

લેખિકા :સ્મિતા શાહ

મૈત્રી અને પરી ના ઓવારણાં લઇ ગૃહપ્રવેશ કરાવ્યો .

પાણીનો લોટો અને મુઠી ભરીને કાળી રાઈ માથે થી ઉતારી બેઝીનમાં વહાવતા જ્યોતિ ખુબજ ચિંતિત હતી . મરાઠી બાઈની પાસે પણ નજર ઉતરાવી ગેસ પર મરચાંનો ભડકો કર્યો . સાથે સ્વગત બબડતા કહ્યું ..

” જોયું ..મારી દીકરીઓને કેવી કડક નજર લાગી છે .. ભગવાને રૂપ પણ કેવું આપ્યું છે નજરાઈ જવાય એવું .”

ગળથૂથી બનાવી રૂ ની દિવેટથી પરીને ચટાડતા એમણે મૈત્રી ને ઢગલાબંધ સૂચનો આપી દીધા . વાયડું તીખું તળેલું નહીં ખાવાનું , કાન પર કપડું બાંધવાનું , માલીશ અને શેક લેવાનો ..વગેરે વગેરે ..

મૈત્રી એને સ્નેહપૂર્વક જોયા કરતી .

મા એ તો લગ્ન પછી મોં પણ નથી જોયું . રાજ ગામડાનો , સામાન્ય સ્થિતિનો અને મૈત્રીના પપ્પા શહેરમાં ખમતીધર , પાંચમાં પુછાય તેવા . ..

બંને જણનો પરિચય જોબ ના પ્રથમ દિવસે જ થયો .મૈત્રી શહેરની અને રાજ બિન અનુભવી.. બંને ના ટેબલ બાજુબાજુમાં જ હતા . રાજ ને ગુંચવાતો જોઈ મૈત્રીને ખુબ મજા આવતી .

છ ફૂટ ઉંચો , રૂડો રૂપાળો અને વાંકડિયા વાળવાળો રાજ એને ગમી ગયો . કોમ્પુટર સામે બેઠેલો રાજ જયારે મૂંઝાય ત્યારે રડવા જેવો થઇ જતો .

ધીરે ધીરે મિત્રતા ગાઢ થવા લાગી. એક દિવસ મૈત્રી નાં પપ્પાને જાણ થઇ ગઈ .

ઓફીસથી છૂટી ને બંને જણા એકબીજાના હાથમાં હાથ પરોવી ચાલતા હતા ને મૈત્રીના પપ્પાનું ગાડીમાં જવું .

ઘરે પહોચતા જ જ્વાળામુખી ફાટ્યો, કાલથી જોબ પર નથી જવાનું .પપ્પાનો વટ હુકમ બહાર પડી ગયો …

મમ્મીએ પટાવીને રાજ વિષે પૂછી લીધું અને દીકરી ને ખુબ સમજાવી .

“જો બેટા , તું લાડકોડમાં ઉછરી છો. પાણી માંગતા દૂધ હાજર થયું છે અને તમારા બંનેનો પગાર ભેગો કરો તો તારો બ્યુટી પાર્લરનો અને કપડાનો ખર્ચો જ નીકળે.ખાશો શું? બે પાંદડે થતા જન્મારો નીકળી જશે તોય પત્તો નહિ પડે તમારો . એના કરતા તારા માટે ગઈકાલે જ માંગું આવ્યું છે .જૈન છે અને ખુબ જ પૈસાવાળા છે . તું રાણીની જેમ રાજ કરીશ ” .

મૈત્રીને રડવું આવી ગયું .

હવે રાજ સિવાય કોઈ જ ન ગમે મનોમન એને જ વરી ગઈ હતી એ .મન મક્કમ કરી મમ્મીને કહી દીધું કે હવે તો રાજ સાથે જ પરણીશ . નહીં તો કુંવારી રહીશ .

મૈત્રી અને એના મમ્મી પપ્પા વચ્ચે રીતસરના અબોલા થઇ ગયા .

પપ્પાએ તો એટલે સુધી કહી દીધું કે રાજ સાથે લગ્ન કરશે તો જિંદગીભર મોં નહીં જુએ .

મૈત્રી પણ એના પપ્પાની જ દીકરી હતી . જીદ્દી અને મક્કમ .

રાજને ફોન પર બધી વાત કરી . રાજ પણ થોડો વિચારમાં પડી ગયો . ” મૈત્રી મારા માથે ખુબ જવાબદારી છે .બા , નાના ભાઈ બેન . હજુ એમનો જ ખર્ચો હું ઉઠાવી નથી શકતો ત્યાં લગ્ન .! કેવી રીતે થશે બધું ? ”

મૈત્રીએ કહ્યું કે “હવે તો બે જણ કમાઇશુ .તું ચિંતા ન કરીશ .”

અને બંને પરણી ગયા . ઓફીસના બે પાંચ મિત્રોની હાજરીમાં .અને એક ફ્લેટ ભાડે રાખી લીધો .

એમાં પણ મિત્રો જ કામ લાગ્યા. .ઓળખાણમાં ઓછું ભાડું અને પાઘડી જરાપણ નહિ .

રાજે બાને ફોન કરી બધી વાત કરી. શરૂઆતમાં તો ગુસ્સે થયા પછી માની ગયા .

” દીકરા , સમય મળે ત્યારે વહુને લઈને ગામ આવજે .”

મૈત્રી અને રાજનું સુંદર લગ્નજીવન શરુ થઇ ગયું . રાજ પણ ખુબ જ પ્રેમાળ અને રોમેન્ટિક હતો .દિવસો પાંખો લગાવી ઉડતા હતા .

એક સવારે મૈત્રીથી ઊઠાયું નહીં . ખુબ જ ચક્કર આવતા હતા .રાજે ગભરાઈને ડોક્ટર બોલાવ્યા … ઘરમાં નવા મહેમાનના આગમનના વધામણા થયા .

મૈત્રીને ડોકટરે આરામની સલાહ આપી . એક અઠવાડિયા પછી સોનોગ્રાફી કરાવવાની હતી .

સામેના ફ્લેટમાં જ્યોતિબેનની સાથે આમતો હસવા અને ‘જયશ્રી કૃષ્ણ’ કહેવા જેટલો તો સંબધ હતો .

સુનંદા એ જઈને વાત કરી કે મૈત્રીબેન ની તબિયત સારી નથી એટલે સ્ત્રી સહજ સહાનુભુતિ થી જ્યોતિએ મૈત્રીની કાળજી લેવા માંડી .

પ્રકાશભાઈ પણ જ્યોતિને ખુશ જોઈ ખુશ થતા . તેજસ અને ઓજસ દીદી જીજુ કરીને જ બોલાવે . બે કુટુંબ એકાકાર થવા લાગ્યા .

જ્યોતિબેન કઈ સારું બનાવે એટલે મૈત્રીને કહીજ દે કે

“આજે સુનંદા પાસે રસોઈ ના કરાવીશ . આપણે સાથે જમીશું .”

દિવસો વીત્યા .સોનોગ્રાફી પછી

મૈત્રી પાછી જોબ પર જવા લાગી .જ્યોતિબેન એનું ખુબજ ધ્યાન રાખતા અને મગસ, ગોળપાપડી, ગુંદરપાક, વગેરે બનાવી ખવડાવતા .

એક દિવસ રાજે જ્યોતિબેનને કહ્યું કે “લગ્ન પછી ગામ જવાયું નથી . બા બહુજ યાદ કરે છે .તો અમે અઠવાડિયું જઈ આવીએ . ”

જ્યોતિનો જીવ કપાઈ ગયો

” પણ આવી તબિયત માં !”

એનાથી પુછાઈ ગયું .,

“ડોકટરે છૂટ આપી છે ? ”

એ સાંભળતા આગળ કંઈ બોલાયું નહીં . આખરે સંબંધમાં સહેજ મર્યાદા તો હોય જ ને ! એણે મન મનાવ્યું .

રાજ અને મૈત્રી ગામડે ગયા .

જ્યોતિના આગ્રહથી રાજે ટેક્સી કરી .ગામડે પહોચ્યા .ત્યાં સાંજ ઢળવા આવી હતી . મૈત્રી પહેલીવાર ગામડે જતી હતી .રસ્તામાં લીલીછમ્મ હરિયાળી અને ચોખ્ખી હવા ફેફસામાં ભરી ને રીલેક્સ થઇ ગઈ .

બા એ ઓવારણાં લઇ બંનેને પોંખ્યા .ગામની બીજી ઘણી સ્ત્રીઓ પણ હાજર હતી .બધાએ વહુને ખુબ વખાણી .મોં જોણું પણ આપ્યું

બા ફુલાતા હતા રાત્રે સાદું જમવાનું હતું તે જમીને બધા જંપી ગયા .સવારે બા બારણું ખખડાવી બંનેને ઉઠાડી કુળદેવી દર્શન માટે લઇ ગયા . બધા મંદિર ની પરસાળમાં બેઠા હતા ત્યાં ગામના એક ઓળખીતા બેન મળ્યા .”કેમ છો ? ” એમ કહી વાતે વળગ્યા .

બા એ બધી વાત કરી કે કેવી ઉતાવળમાં લગ્ન થયા અને હવે વહુને સારા દિવસ છે .

પેલા બેન મોઢું મચકોડતા બોલ્યા .”અમારામાં તો કુળદેવીને પગે ન લગાડે ત્યાં સુધી વરકન્યાને ભેગા જ ન થવાદે . આતો અપશુકન કહેવાય . ”

મૈત્રી ગભરાઈ ગઈ .રડવા જેવી થઇ દયામણી નજરે રાજ સામે જોયું . રાજે દુરથી ઈશારો કરી એને સાંત્વન આપ્યું .

ઘરે પહોચતા સુધી મૈત્રીનો મૂડ ખરાબ હતો . એને અહીં આવવાનો પસ્તાવો થયો .

બે ત્રણ દિવસ તો પસાર થઇ ગયા . એ ઓટલા તરફ જતી હતી ત્યાં સહેજ ગુસપુસ કાને પડી .

એના સાસુ પાડોશણ સાથે ધીમા અવાજે વાતો કરતા હતા .બહુ ખાસ તો ન સંભળાયું પણ એટલો ખ્યાલ આવ્યો કે “વહુ શું લઈને આવી છે કરિયાવર માં !”

એના સાસુ કહેતા હતા કે

“સાવ ખાલી હાથે આવી છે .અહી નાના દિયર નણંદ માટે ય કઈ લાવવાનું ભાન નથી .મારા માટે તો શું લાવે ! અહી આપણા ગોળ ની છોકરી લાવી હોત તો મારું ઘર ભરાઈ જાત ..!!!”

અને મૈત્રીને બહુજ ખરાબ લાગ્યું .

રૂમમાં જઈને ખુબ જ રડી .

જમવા પણ ન ગઈ તબિયત નું બહાનું કાઢી . રાજે એને બહુજ પૂછ્યું તો ધીમે રહીને એને બધી વાત કરી .એ રાત્રે ઘરમાં મોટો ઝગડો થયો . રાજ અને બા વચ્ચે .

બા એ તો એમ પણ કહી દીધું કે વહુના પગલા સારા નથી .ઘરમાં ઝગડા કરાવે છે .અસંસ્કારી છે!

…અને મૈત્રી અને રાજ બીજે જ દિવસે ટેક્સી બોલાવી શહેર રવાના થઇ ગયા . બા મોઢું ફુલાવીને બેઠા હતા . “રોકાઈ જાવ “એમ પણ ન બોલ્યા .ન મૈત્રીના હાથમાં શુકનનો રૂપિયો મુક્યો કે આશીર્વાદ આપ્યા. . ભારે હૈયે બંને ઘરે આવ્યા .જ્યોતિ ચિંતામાં પડી કે અઠવાડિયાને બદલે જલ્દી કેમ આવ્યા? મૈત્રીની તબિયત બગડી કે શું .!

ઉતાવળે એ મૈત્રીને ત્યાં ગયા . મૈત્રી મ્લાન વદને પલંગ પર સુતી હતી .એમણે એના માથા પર હાથ મુક્યો .

મૈત્રી એમને વળગી ખુબ રડી .

એને અસંસ્કારી અને ખરાબ પગલાની એ શબ્દો કાળજે ઘા કરી ગયા હતા .રાજ અને જ્યોતિ એને સમજાવતા રહ્યા અને એ પુષ્કળ રડતી રહી … જેમ તેમ કરીને એને સુવાડી જ્યોતિ એના ઘરે ગઈ. .પ્રકાશભાઈ પણ ચિંતામાં પડી ગયા .” આવી હાલતમાં છોકરીને આવો ઘા ?… કેવા માણસો હોય છે દુનિયા માં ! ”

વહેલી સવારે રાજે જ્યોતિબેન ને જગાડ્યા કે મૈત્રીને પુષ્કળ તાવ છે અને લવરી કરે છે .

ઈમર્જન્સીમાં હોસ્પીટલાઈઝ કરવી પડી . ડોકટરે કેસ સીરીયસ જાહેર કરી દીધો . મૈત્રી આઈ સી યુ માં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી . ખુબ ઇન્વેસ્ટીગેશન પછી ડોકટરે રાજને બોલાવ્યો .” જુઓ , પેશન્ટ ની હાલત ખુબજ નાજુક છે . અને બાળકને પણ ઈજા થઇ છે .એને પણ પુષ્કળ તાવ છે .જો જન્મ લેશે તો પણ એના બ્રેઈનને થયેલું નુકસાન એમ જ રહેશે . હવે એબોર્શન સિવાય બીજો રસ્તો જ નથી .”

રાજ અને જ્યોતિબેન ખૂબ રડ્યા .

પણ હવે બીજો કોઈ રસ્તો પણ ન હતો .ડોક્ટરે બે વર્ષ સુધી પ્રેગ્નન્સી ન થવી જોઈએ એવી કડક સૂચના આપી દીધી .

મૈત્રી બચી તો ગઈ પણ એનું હાસ્ય ,ઉમંગ ,તરવરાટ છીનવાઈ ગયું .

એ મોટાભાગે મૌન જ રહેતી …

–સ્મિતા શાહ

ક્રમશ :

જીવન ઘટમાળ

હફતો -૪

લેખિકા: સરલા સુતરીયા

ભૂતકાળમાં ખોવાયેલી મૈત્રી સહસા પરીના રડવાના અવાજે વર્તમાનમાં આવી ગઇ. સુશીલાબેન રોકાયા હતાં પણ ન રોકાયા બરોબર જ. ઉલ્ટાના મહેણા ટોણા બોલી મૈત્રીના મનને આહત કરતાં રહેતાં.

જ્યોતિબેનને મૈત્રીની આળપંપાળ કરતાં જોઇ સુશીલાબેન મોં મચકોડીને આડું જોઇ જતાં મનોમન બોલતાંય ખરા કે, “ પથરો જણ્યો એના વળી આવા લાલન પાલન શા?” જેવા જ્યોતિબેન પોતાના ઘરે જતાં કે એમનો બબડાટ ચાલુ થઇ જતો., ‘ એક તો ખાલી હાથે આવી ને વળી આ પથરો જણ્યો. આનો ય ખરચો તો મારા દીકરાને માથે જ પડશે ને! આવી આવી વાતોથી મૈત્રી મનોમન બળતી રહેતી. રાજને કહેતીય ખરી કે આ બા આમ કેમ નારાજ જ રહે છે? રાજ, તારે પણ બહેન છે ને ? એ જનમ્યા ત્યારે ય બાએ આમ જ કહેલું ? પોતે પણ સ્ત્રી છે , એ વાત એ કેમ સમજતાં નહી હોય? રાજ બિચારો શું જવાબ આપે !

દિવસો પસાર થઇ રહ્યા હતાં. જન્મતાં જ કમળાની ભોગ બનેલી પરી આમેય જરા નબળી હતી. થોડું વિશેષ ધ્યાન રાખવું જરુરી હતું. આજે ડોકટરની એપોઇન્ટમેન્ટ હતી પરીને લઇને બતાવવા જવાનું હતું. ને સુશીલાબેને ઝગડો માંડ્યો હતો પૈસા બાબત. દસ હજાર રુપિયાની માંગ કરી હતી એમણે.

રાજ, મારે દસ હજાર રુપિયાની જરુર છે. કહી રમાબેન રાજ સામે જોઇ રહ્યા.

રાજ ડઘાઇ જ ગયો. અરે બા, એકદમ આટલાં બધા રુપિયાની શી જરુર પડી ? તું જુવે છે ને કે હોસ્પિટલમાં કેટલો ખર્ચો થયો છે. ને હજી તો પરીની તબિયત પણ બરાબર નથી . મૈત્રીનેય હજી ઘણાં આરામની અને દવાની જરુર છે.

સુશીલાબેન છંછેડાઇ ગયા “ હા, તું તારે એમની પાછળ ખર્ચો કર્યા કર. ઘેર મા બેન ને ભાઇ ભલે ભુખે મરતાં. હું હવે અહીં રહેવાની જ નથી ને. કહી પોતાનો સામાન પેક કરવા લાગ્યા. એમને તો અહીથી જવું જ હતું ને બહાનુ મળ્યું,

રાજ ને મૈત્રી અવાક થઇ ગયા. જ્યોતિબેન ત્યારે જ મૈત્રીને રાબ દેવા આવ્યા હતાં એ ય ત્યાં ને ત્યાં જડાઇ ગયા. એ લોકોની અંગત વાતમાં એ બોલેય શું ?

સુશીલાબેન એમને ઘસાઇને નીકળી ગયા ને બોલતા ગયા, “ લો સાચવજો તમારી દીકરીને. બહુ દાઝે છે ને તમને એનું ?

જ્યોતિબેન જલ્દી જલ્દી અંદર ગયા. મૈત્રી ડુસકે ડુસકે રડી રહી હતી ને રાજ પણ મુંઝવણમાં કંઇ ના સુઝતાં મૈત્રીને પસવારી રહ્યો હતો.

જલ્દીથી જ્યોતિબેને મૈત્રીને અત્યંત વહાલથી પોતાની ગોદમાં લઇ લીધી. મૈત્રી એમને વળગી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. જ્યોતિબેન એને માથે મોઢે હાથ પસવારતાં કહેવા લાગ્યા, “ અરે બેટા ! આમ શું ઢીલી થઇ જાય છે. રડવાથી માથું દુઃખશે તારૂં. ને દુધનો પ્રવાહ પણ ઓછો થઇ જાય બેટા. બસ બધું બરાબર થઇ જશે. તમે બન્ને જરાય ચિંતા ન કરશો. હું ને તારા અંકલ છીયે ને તમારી સાથે. ચાલ મોં ધોઇને આ ગરમ ગરમ રાબ પી લે. જરા સારૂ લાગશે.

રડમશ અવાજે મૈત્રી કહેવા લાગી , હે દીદી, આ અમારા બા કેમ કાંઇ સમજતા નહી હોય ! હું પરન્યાતની છું એટલાં માત્રથી હું ખરાબ કહેવાઉં કંઇ ! મારા ગુણ કેમ એમને નહીં દેખાતાં હોય ! આટઆટલું મને કહ્યા કરે છે તોય મેં કદી જવાબ નથી વાળ્યો. નાતની છોકરી જો હોત તો આ સહન કરત ખરી ?

જ્યોતિબેન એને પસવારતાં બોલ્યા, “ બેટા, એમના બોલ્યા સામું ના જોઇશ. એમની પરિસ્થિતિ જ કૈંક એવી થઇ હશે કે આવો સ્વભાવ ઘડાઇ ગયો હશે. હશે વડીલ છે. ભુલી જા બધું . જો પરી રડી રહી છે. લે એને દુધ પીવડાવ પછી હોસ્પિટલ જવાનું છે ને આજે ….

સુનંદાને કહી રાખ્યું છે મેં કે આજે તારા માટે ઘીમાં શેકીને મેથીના થેપલાં કરે.. ને આંબા હળદર પણ લાવી રાખી છે તારા માટે ને તારા માટે ગુંદરવાળો મેથીપાક બનાવું છું હમણાં. બધુ ભુલીને બસ પ્રફુલ્લિત મન રાખ. હજુ ખોરાક અને આરામ બન્ને તારે વ્યવસ્થિત લેવાના છે સમજી ? ચાલ હસ જોઉં ને આ રાબ પી લે, કહી વહાલથી ટપલી મારી ઉભી કરી.

મૈત્રીના મ્લાન વદન પર જરા તરા સ્મિત આવ્યું ને જતું રહ્યું. પણ જ્યોતિબેનને ખરાબ ના લાગે એ માટે હસતું મોં રાખી રાબ પીવા લાગી.

ડોકટરે પરીને તપાસીને કહ્યું કે, ‘હવે પરી એકદમ ઠીક છે. ચિંતાની કોઇ વાત નથી. બસ હજું એને આ થોડી દવાઓ અને પૂરતી ઉંઘ આપજો. વજન પણ થોડું વધ્યું છે એટલું સારૂં છે.’ નિશ્ચિંત મને બધા ઘરે આવ્યા.

દિવસો સુખરૂપ વીતી રહ્યા હતાં. મૈત્રીની તબિયત પણ સુધરી રહી હતી. પરાણે વહાલી લાગે એવી નાનકડી પરી જાણે કે પરીઓનું રૂપ લઇને જ આવી હતી.

જ્યોતિબેન ઘણીવાર વિચારતાં કે મૈત્રીના માતા પિતાને આ વાતની જાણ કરી હોય તો સારૂ. એમને પ્રેમ લગ્નનો વિરોધ હતો એ તો ઠીક…. પણ નાના નાની બન્યા એની ખુશીમાં એમને સામેલ કરી શકાય તો કેવું સારૂં એ વિચારે મૈત્રીને કહ્યું કે, “ મૈત્રી, તારા મમ્મી પપ્પાને જાણ કરવી છે ને પરીના જન્મની ?’’ મૈત્રી વિચારમાં પડી ગઇ. આંટી , એ લોકો આવશે ખરા ? પપ્પાને તો બહુ ગુસ્સો છે મારા ઉપર. જ્યોતિબેન કહે, “ બેટા, એ તો માવતર છે. પોતાના સંતાન પર ભલે ગુસ્સે થયાં હોય પણ સંતાનના સંતાન એમને બહુ વહાલા હોય ! જરૂર આવશે એવું મારૂં માનવું છે.”

હા આંટી .. પણ મને તો ડર લાગે છે ફોન કરતાં પણ.

અરે કાંઇ વાંધો નહીં બેટા… હું એમને ફોન કરી સમાચાર આપીશ, તું એમનો નંબર આપ મને.

મૈત્રીએ નંબર આપ્યો. ત્યાંથી જ વાત કરવાને બદલે નંબર લઇ જ્યોતિબેન પોતાને ઘરે જતાં રહ્યાં. એમને પણ ડર હતો કે, કદાચ સરખી રીતે વાત ના કરે તો મૈત્રીને દુ:ખ થશે.

ઘરે આવી એમણે મૈત્રીના પપ્પાને ફોન લગાડ્યો. સામેથી હેલ્લો સંભળાયું એટલે જ્યોતિબેને ખુબ આત્મિયતાથી કહ્યું, “ મૈત્રીના પપ્પા બોલો છો ? ઉજ્જવલ ભાઇ ?”

સાંભળી સામે છેડે થોડીવાર ખામોશી છવાઇ ગઇ. એ થોડી ક્ષણની ખામોશીએ જ્યોતિબેનને જરા ડગાવી દીધા. પણ તરત જ સામેથી હુંફાળો ભીનાશ વાળો પ્રતિસાદ સંભળાયો. “ હા, હુ મૈત્રીના પપ્પા બોલુ છું. આપ કોણ ? તમે કેવી રીતે મૈત્રીને ઓળખો છો ?”

જ્યોતિબેનના જીવમાં જીવ આવ્યો. તરત જ કહે, ઉજ્જવલ ભાઇ, મૈત્રી અમારી પડોશમાં જ રહે છે. ને એને ત્યાં નાનકડી પરીનું આગમન થયું છે. એના શુભ સમાચાર દેવા જ મેં તમને ફોન કર્યો છે.

શું વાત કરો છો બહેન… કહેતાં ઉજ્જવલ ભાઇ એકદમ ઉત્સાહિત થઇ ગયાં. પણ વળી એમનો અવાજ વિલાઇ ગયો. કહે કે, “ બહેન, કેમ એણે ફોન ન કર્યો ? હજુયે મારી પર એને ગુસ્સો છે ? હોય જ ને મારા જેવી જ જીદ્દી છે. મેં ય ક્યાં એની ભાળ લીધી આટલા વખતમાં ! કેટલાં લાડકોડમાં ઉછેરી છે એને .. એને ગરીબાઇના ઠેબા ખાતી કેમ જોઇ શકીએ અમે ! એટલે ના પાડેલી. એના ગયા પછી અમેય મનથી ક્યાં ખુશ રહી શક્યા છીયે ! પણ એ સુખી હોય તો એથી વિશેષ બીજું શું જોઇયે !

જ્યોતિબેન એક પિતાનો વલોપાત સાંભળી રહ્યાં.

પણ હા… તોયે એની મમ્મી હજુ ય એના પર ગુસ્સે છે. ઘરમાં મૈત્રીનું નામ કોઇએ ના લેવું એવું એનું ફરમાન છે. મનાવી જોઇશ એને. તમે એડ્રેસ લખાવી દો. હું તમને જાણ કરીને આવીશ. તમે મારી દીકરીનું ધ્યાન રાખજો બહેન. કહી ફોન મુક્યો.

ઘરે પહોંચી ઉજ્જવલ ભાઇએ બૂમ મારી, અરે મીના ! સાંભળ તો ! જો એક ખુશ ખબર આપું તને !

તમને તો બહુ ધાડ આવી જાય ઘરે આવતાંવેંત જ ! ખમો જરા, ચા નાસ્તો લઇને આવું જ છું. કહેતાં કહેતાં મીનાબેન ચા નાસ્તાની ટ્રે સાથે બહાર આવ્યા અને ખુરશી પર બેસતાં બોલ્યા, લો કહો હવે શું છે ખુશ ખબર ?

રહેવા દે, પહેલા નાસ્તો કરી લઉં, આજ તો ખુબ ભુખ લાગી છે. કહી ઉજ્જવલ ભાઇ નાસ્તો કરવા લાગ્યા. મીનાબેન જોતાં જ રહ્યાં કે, આજ આમને થયું છે શું ? પણ ઉજ્જવલ ભાઇ ઉંધું જોઇને નાસ્તો કરતાં રહ્યાં. હસુ હસુ મોં ને ખુશાલીની લકીરોથી ચહેરો ઓપતો હતો. નક્કી કૈંક સારા સમાચાર હોવા જોઇયે. પણ શું હશે એ કલ્પી ના શક્યાં.

ઉજ્જવલ ભાઇ પણ મનોમન પોતાને તૈયાર કરી રહ્યાં હતા. કેવી રીતે વાત રજુ કરૂં તો મીના માની જાય ! હળવેથી કહે, “ હે મીના ! તને મૈત્રીની યાદ નથી આવતી ?” મીનાબેન સુન્ન થઇ ગયા. પોતાનું મન ટટોલી રહ્યાં. ઉપરથી ભલે કઠોર હોવાનો દેખાવ કરતાં’તાં પણ મનોમન મૈત્રીને રોજ જ યાદ કર્યાં કરતાં. પણ તો યે કઠોરતાથી બોલ્યાં , “ના”

હવે ? શું બોલું એમ વિચારતાં ઉજ્જવલ ભાઇ અનાયાસે જ બોલી પડ્યાં, “ મીના, આપણે નાના નાની બની ગયાં છીયે…..

એક પળ હેતનો ઉછાળો આવી ગયો મીનાબેનના હૈયામાં. પણ તરત જ સંયત થઇ ગયા. કહે, “ હશે , આપણે શું ! આપણાં હોય એનો હરખ હોય ! આ ક્યાં આપણી છે ! આપણી હોત તો છોડીને જાત ખરી?”

મીના ! આમ કઠોર ના બન. મૈત્રી આપણી જ દીકરી છે. એને આમ પરાયી ના કર. જો સાંભળ, કાલે આપણે એને ત્યાં જશું. જે કાંઇ દેવાનું હોય તે લઇ આવજે. કાલે સાંજે તૈયાર રહેજે. મીનાબેને કાંઇ જવાબ ના આપ્યો. બસ આંખ ભરપૂર થઇ ગઇ.

જ્યોતિબેનને ફોન કરી કહી દીધું કે, “ કાલે સાંજે આવશું” . …

આવો આવો, ડીનર અહીઁ સાથે જ લેશું. કહી હરખભેર મૈત્રીને સમાચાર દેવા દોડી ગયા જ્યોતિબેન. મૈત્રીની આંખમાં ભીનાશ તગતગી રહી.

સાંજ પડી. મૈત્રીની ને જ્યોતિબેનની આતુરતાનો અંત આવી ગયો. ઉજ્જવલ ભાઇ અને મીનાબેન આવ્યા.પર મમ્મી પપ્પાને જોઇ મૈત્રી ગળગળી થઇ ગઇ. એમણે કરેલા લાડ એની નજર સમક્ષ આવી ગયાં. હરખથી એ પહેલાં પ્રવેશેલ પપ્પાને ભેટી પડી. ઉજ્જવલ ભાઇ પણ ગળગળા થઇ ગયાં પણ મીનાબેન કશું ય બોલ્યા વગર બેસી ગયા. હાથમાં દીકરી માટે જે પેકેટ્સ હતાં તે સોફા ઉપર મુકી ઉજ્જવલ ભાઇએ પરીને ગોદમાં લીધી. મીનાબેન તરફ નમાવીને કહે, “ લે જો તો ખરી, આ પરી તો બિલકુલ તારા પર જ ગઇ છે.” હજુયે રીસનો દેખાવ કરી રહેલા મીનાબેનથી સહસા બોલાય જવાયું, “ શું ફાયદો ? મારા જેવી હોય કે ના હોય પણ એની મા જેવી ના થાય તો સારૂં !” સન્નાટો છવાય ગયો ઘરમાં. જ્યોતિબેન પણ દંગ રહી ગયાં ને ઉજ્જવલ ભાઇ તો કાપો તો લોહી ના નીકળે એવા થઇ ગયા.

પણ આતો દુધનો ઉભરો હતો. માની રીસ હતી.

જેવું પરી સામે જોયું કે એના કિલકિલાટથી મીનાબેન હસુ હસુ થઇ ગયા. એકદમ જ એને ગોદમાં લઇ ગાલે પપ્પી કરી બોલ્યા, “ માફ કરજે હો બેટા. તને જોવા આવતાં આટલું મોડું થયું.” અને તરત જ પાછળ ફરી મૈત્રીને બાથ ભરી રડી પડ્યાં. બધાની આંખ સભર થઇ ગઇ. પછી તો બધા ગિલા શિકવા રાવ ફરીયાદ બધું વિસરાઇ ગયું ને આનંદ મંગળ થઇ રહ્યો.

ક્રમશ:

— સરલા સુતરિયા … “સરલ”

જીવન ઘટમાળ

હફતો -૫

લેખિકા: અનસુયા દેસાઈ

એ દિવસે મૈત્રી કેવી તો ખુશ ખુશાલ હતી !

મૈત્રીના માં-પિતા જો પ્રથમવાર એના ઘરે આટલા વરસોની નારાજગી છોડી દીકરી પરી ના જન્મની ખુશી મનાવવા આવી ગયા હતા. નાનકડી પરી માટે સુંદર કિમંતી કપડા ,રમકડા, લકી ચેઈન , ચાંદીની થાળી, વાટકી વગેરે વગેરે ઘણું ઘણું લઇ આવ્યા હતા. દીકરી-જમાઈને પણ લગ્નમાં ના આપેલ ભેટ-સોગાદ આપી ગયા હતા. મૈત્રીના પિતા ઉજ્જવલભાઈની એના ગામમાં ખુબ મોટી જાગીર હતી.તે વેચી, શહેરના અત્યંત ભદ્ર અને શ્રીમંત ગણાતા વિસ્તારમાં તેઓ રહેતા હતા. પોતાનો વેપારધંધો પણ સારો ચાલતો હતો. સ્વભાવે ધર્મભીરુ પણ ચલણી નાણાથી તાસપત્તા રમવાના શોખીન પણ ખરા..મૈત્રીની માતા મીનાબેન ખુબ સુંદર રૂપાળા . મૈત્રીને માંના રૂપરંગ મળ્યા હતા તો નાનકડી પરી પણ સુદર ફૂલ જેવી હતી.

રાજે સાસુ-સસરાને મળી આનંદ વ્યક્ત કર્યો પણ હ્રદય અંદરથી ખુબ વ્યાકુળ હતું. કારણ એની માતા સુશીલાબેનનું ઝઘડો કરી ચાલ્યા જવું .

.

મીનાબેન અને ઉજ્જવલભાઈ ના ગયા બાદ મૈત્રી પરીને આપેલ ભેટ જોતા ખુશ થતી એની પ્રશંસા કરી રહી હતી .અનાયાસે જ એનાથી માતાની અને સાસુની તુલના થઇ ગઈ. સુશીલાબેન ગમે તેવી પણ એની માં હતી ને ! તો વ્યાકુળ રાજ ચિડાઈ ગયો. નાની વાતે તકરારનું સ્વરૂપ લઇ લીધું.

મૈત્રી તો સ્વભાવે ખુબ સાલસ , નમ્ર અને પ્રેમાળ . સત્તર-અઢાર વર્ષની વયે જયારે એ વધુ અભ્યાસ અર્થે યુનિવર્સીટીમાં દાખલ થયેલી ત્યારે એની માતાએ શિખામણ આપેલી , “ બેટી ! સારો ચહેરો નહીં પણ સારી વર્તણુક અને સારા કર્મથી સારા બની શકાય છે .લોકો એવી વ્યક્તિને જ પ્રેમ અને માનની નજરે જુએ છે. સહનશીલતા , ક્ષમા અને નમ્રતા એ જીવનના આભુષણ છે આટલું ધ્યાન રાખજે .” આ વાત એના અંતરમાં સોંસરી ઉતરી ગઈ હતી .આથી જ એ સાસુ સુશીલાબેનની કટુતાભરી વાતથી અંજપો અનુભવતી ,પણ નિરુત્તર રહેતી. માત્ર મોટીબેન જેવા જ્યોતિબેન આગળ કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વગર બસ રડીને હળવાશ મેળવતી.

પરંતુ આજે મૈત્રીને શું થયું ? ના જાણે કેમ એનાથી રાજ સાથે તકરારમાં ઉગ્રતાથી ઉત્તર પ્રત્યુત્તર અપાઈ ગયા. કોઈ વ્યક્તિ ક્યારેક સહાનુભુતિ ને કારણે , ક્યારેક પોતાની શાલીનતા / નમ્રતાને કારણે તો ક્યારેક સમાજના ડરથી ચુપ /નિરુત્તર રહી સમાધાન કરી શકે પણ ક્યારેક તો એ કંટાળી બળવો પોકારી ઉઠે. સુશીલાબેનના કટુ વાક્યો સાંભળી સાંભળી મૈત્રી પણ કંટાળી ગઈ હતી .પરી અને એની ના-તંદુરસ્ત તબિયતની પણ અસર હોય , એના મુખે ના બોલવાના શબ્દો નીકળી ગયા . રાજ ખુબ દુઃખી દુઃખી થઇ ગયો..એ સોફા પર જડવત બેસી રહી બારણાના હાલતા પડદાને જોઈ રહ્યો.

” રાજ’ ઓ ‘રાજ ” છેલ્લા અડધા કલાકથી મૈત્રી રાજ સાથે વાત કરવા પ્રયત્ન કરી રહી હતી. પણ એ ચુપચાપ બેસી રહ્યો .

“ રાજ ! શું કામ આટલો મોટો ઈશ્યુ કરે છે ? હું જાણું છું કે મારી ભૂલ થઇ ગઈ છે .મારાથી આજે ગમેતેમ બોલાઈ ગયું છે. પણ શું કરું ? મારી પણ સહનશક્તિ હોય કે નહિ ? “ તો પણ રાજ ચુપ રહ્યો..થોડીવાર પહેલા એની માં સુશીલાબેન અને બહેન વિષે મૈત્રીએ જે કંઇક અણગમતા વાક્યો વાપર્યા હતા ,તે રાજના મગજમાં પડઘાઈ રહ્યા હતા. ગમે તેવા પણ સુશીલાબેન માતા તો ખરી જ ને ! રાજ પોતાની માતાની નિંદા કઈ રીતે સાભળે ? એના જેવો સંસ્કારી યુવાન સમજે પણ કઈ જીભે કહે કે “ માં સુશીલા એના જીવનમાં કાંટા વેરે છે . રાજના હ્રદયમાં તો નરી નમ્રતા અને નિર્મળતા હતી. માં માટે મમતા તો હોય ને ? તે ખુબ દુઃખી અને અપસેટ હતો .બસ…. એ મૈત્રી ને જોઈ રહ્યો . આ એજ મૈત્રી હતી જે પોતાના મનનો આક્રોશ શબ્દોમાં નહીં માત્ર આંસુથી કાઢી નાખતી હતી .

સામાન્યરીતે થતા પતિ-પત્ની જેવા મીઠા ઝઘડા તો ક્યારેક રાજ-મૈત્રી વચ્ચે પણ થતા પરતું આજે રાજને મૈત્રી કંઇક જુદું જ સ્વરૂપ જોવા મળ્યું હતું . રાજે મૈત્રીને પણ સમજવા પ્રયત્ન કર્યો . સુશીલાબેનનું રાજ પાસે પૈસા માંગવા, મા અને બહેનની જવાબદારી બતાવી ભાવાત્મક ભયદોહન ( ઈમોશનલી બ્લેકમેઈલ) કરવું અને ઝઘડો કરી ગામ પ્રયાણ કરી જવું મૈત્રી અને પરીની સારવારનો ખર્ચની ચિંતા.. મૈત્રીનું પણ અચાનક ગુસ્સે થવું …..રાજ કરે તો પણ શું કરે ?

સામાન્ય રીતે બધા પુરુષો સુખી અને શાંત લગ્નજીવન ઈચ્છતા હોય છે. એ માટે શક્ય એટલા સમાધાન પુરુષ પણ કરી લેતો હોય છે . રાજે પણ મૈત્રી ને કંઇ કહ્યા વગર સાહજિક થવા પ્રયત્ન કર્યો . પરી ને વ્હાલથી લઇ રમાડવા લાગ્યો……..અને પ્રેમથી બોલ્યો . ” મૈત્રી ઓયે મારી વ્હાલી !! જ્યોતિબેન અને પરેશભાઈને હું પરીની ભેટ સોગાદ જોવા બોલાવી લાવું છું …પ્રકાશભાઈ ઓફિસેથી આવી જતા એ ઘરે ચાલી ગયા હતા ને ! .એમને પણ ખુબ આનંદ થશે ! ચાલો સૌ આઇસ્ક્રીમની લિજ્જત માણીએ ”

— અનસુયા દેસાઈ

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો