હું મારી રીતે જિંદગી જીવી જ નથી શકતો! Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

હું મારી રીતે જિંદગી જીવી જ નથી શકતો!

હું મારી રીતે જિંદગી

જીવી જ નથી શકતો!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હાથ ખુલ્લા હોય તોપણ કોઈ ના પામી શકે!

છે ખરેખર બંધ મુઠ્ઠીની કરામત જિંદગી,

લાભ લે ઈન્સાન એનો, છે ખુદાઈ હાથમાં!

ચાર દી' તો ચાર દી', પણ છે હકૂમત જિંદગી.

-શૂન્ય પાલનપુરી

જિંદગી પાસેથી દરેક માણસને શું અપેક્ષા હોય છે? દરેક માણસને મોટાભાગે એવી ઇચ્છા હોય છે કે હું મારી રીતે મારી જિંદગી જીવું! ક્યારેક કોઈના વિશે અથવા તો કોઈની પાસેથી જિંદગી વિશે વાત સાંભળીએ ત્યારે આપણું મન એવું કહે છે કે, આને કહેવાય લાઇફ! લાઇફ હોય તો આવી! ક્યારેક કંઈક સારું વાંચીએ ત્યારે મન એવું કહે છે કે મારે પણ આવી જિંદગી જીવવી છે! આપણે જેવું વિચારીએ કે જેવું ઇચ્છીએ એવી રીતે જિંદગી જિવાતી નથી. સમય, સંજોગો, સ્થિતિ, ઘટનાઓ અને બીજું ઘણું બધું એવું બનતું રહે છે કે આપણે ઇચ્છતાં હોઈએ કંઈક અને થઈ જાય કંઈક. કરવું હોય અલગ અને કરવું પડે કંઈક જુદું જ. બધા જ લોકો બે જિંદગી જીવતાં હોય છે. એક તો એની કલ્પના મુજબની કાલ્પનિક જિંદગી અને બીજી હકીકતમાં હોય એ જિંદગી. સમય સાથે બહુ ઓછા માણસો સમાધાન કરી શકતા હોય છે. જે સમાધાન નથી કરી શકતા એ લોકો ફરિયાદ કરતાં રહે છે.

જિંદગી આપણી ઇચ્છા મુજબ ચાલતી નથી. ક્યારેય ચાલવાની પણ નથી. જિંદગીને આપણે પકડી રાખી શકતા નથી. જિંદગીને છુટ્ટી મૂકી દેવી પડે છે. જિંદગી માટે દરેક પાસે સુંદર વિચારો હોય છે. માણસ જિંદગીને ખેંચી ખેંચીને પોતાની કલ્પનાની નજીક લઈ જવાનો પ્રયાસ કરતો રહે છે. માણસને એવું લાગે કે હવે તો જિંદગી આપણી કલ્પનાની જિંદગીની સાવ નજીક છે ત્યારે જ જિંદગી છટકી જાય છે. આપણે પત્તાંના મહેલ બનાવતાં રહીએ છીએ. ટોચ ઉપર છેલ્લું પત્તું મૂકવા જઈએ ત્યાં આખો મહેલ તૂટી પડે છે. અફસોસ થાય છે. દુઃખ થાય છે. આઘાત લાગે છે. આંખો ભીની થઈ જાય છે. જિંદગીનો કોઈ મતલબ લાગતો નથી. સવાલ થાય છે કે ફરીથી બધું એકડે એકથી શરૂ કરવાનું?

સફળતા માટે કોઈ બહાનું નથી હોતું. નિષ્ફળતા માટે હજાર બહાનાં હોય છે. સૌથી મોટું બહાનું હોય છે સમય! મારી પાસે ટાઈમ જ ક્યાં છે? સમય હોય એ વળી એવી વાત કરે છે કે સમય મારી ફેવરમાં નથી. દુનિયામાં જેટલા સફળ લોકો છે એની પાસે પોતાના દોષ દેખાતાં નથી. એક યુવાનની વાત છે. તે હંમેશાં એવું કહેતો કે મારી જોબના કારણે હું કંઈ કરી શકતો નથી. મારામાં ટેલેન્ટ છે પણ નોકરી મારો આખો દિવસ ખાઈ જાય છે. એને પૂછયું કે તું તારી જોબ છોડી શકે એમ છે? મોટાભાગના લોકોનો જે જવાબ હોય છે એ જ જવાબ એ યુવાને આપ્યો. તેણે કહ્યું કે મારા પર જવાબદારી જ એટલી બધી છે કે હું જોબ છોડી શકું એમ નથી. તો પછી નક્કી કરી લે કે તારે જોબ કરવી પડે એમ જ છે. જોબ છોડવી શક્ય નથી. પહેલાં હકીકતનો સ્વીકાર કર અને પછી બાકીના સમયમાં તું તારી ઇચ્છા મુજબનું જીવી શકે એમ હોય તો એનું પ્લાનિંગ કર. ફરિયાદ ન કર.

દરેક માણસે પોતાની મર્યાદામાં રહીને જ જિંદગી જીવવી પડે છે. ઘણાંને ઘરના પ્રોબ્લેમ હોય છે. કોઈનાં મા-બાપ માનતાં નથી, તો કોઈને પતિ કે પત્ની સામે ફરિયાદ છે. આપણે કેમ જે સ્થિતિ હોય અને જેવી જિંદગી હોય એને સ્વીકારીને જીવી શકતા નથી? તમે કોઈને બદલી શકતા નથી. તમે તમારી જાતને બદલી શકો છો ખરાં? એક માણસની વાત છે. તેણે કહ્યું કે લગ્ન પછી મારો પ્રોગ્રેસ અટકી ગયો. પત્ની ડિમાન્ડિંગ છે. ઘરે ગયા પછી એ મને કંઈ કરવા જ દેતી નથી. રોજ કંઈ ને કંઈ ઊભું જ હોય છે. એનાં સગાં-વહાલાં એટલાં બધાં છે કે વ્યવહારોમાંથી જ નવરો નથી થતો. મને ગમતું નથી એવું જ કરવું પડે છે. બે ઉકેલ હોય છે. એક તો પત્નીને સમજાવવી કે મારે આમ કરવું છે. તું મને એમાં મદદ કર અથવા તો જે સ્થિતિ હોય તેને સ્વીકારવી અને નવી સ્થિતિને એન્જોય કરવી.

ચાર મિત્રો કાર લઈને ફરવા જતાં હતા. બે દિવસનો સમય હતો. બધા હોલીડે એન્જોય કરવાના મૂડમાં હતા. અડધે રસ્તે પહોંચ્યા ત્યાં કારનો એક્સિડન્ટ થયો. સદ્નસીબે ચારમાંથી કોઈને ઈજા ન થઈ. કાર એટલી ડેમેજ થઈ ગઈ કે આગળ જઈ શકાય એમ ન હતું. એક મિત્રએ કહ્યું કે આખા પ્લાનિંગની પથારી ફરી ગઈ. માંડ માંડ મેળ ખાધો હતો પણ આ અકસ્માતે બધા ઈરાદાઓ પણ પાણી ફેરવી દીધું. આ સ્થળે કોઈ મદદ પણ મળે એવું નથી. બધું મેનેજ કરીને પાછા પહોંચશું ત્યાં જ રજા પૂરી થઈ જશે. બીજો મિત્ર ચાલીને થોડોક અંદર ગયો. એક નાનકડું ગામ હતું. ગામના લોકો કોઈ ઉત્સવ મનાવતા હતા. નાચતાં હતા. તેણે કહ્યું કે હું તમારી સાથે જોડાઈ શકું? ગામના લોકોએ પ્રેમથી તેને આવકાર્યો. એ બધાની સાથે નાચ્યો. એ લોકોનું ગામઠી ભોજન જમ્યો. આવો ટેસ્ટ તેણે અગાઉ ક્યારેય માણ્યો ન હતો. તેને બહુ જ મજા આવી. જતી વખતે તેણે ગામના મોભીને પૂછયું કે આ શેનું સેલિબ્રેશન હતું?ગામડાના માણસે કહ્યું કે અમારા ગામમાં એવી એક દુઃખદ ઘટના બની કે બધા હતાશ અને નિરાશ થઈ ગયા હતા. ગામમાં ખાવાથી માંડીને પીવાના પાણી સુધીની મુશ્કેલીઓ છે. બધા લોકો રોદણાં રડવામાંથી જ ઊંચા આવતા ન હતા. મેં બધાને ભેગા કર્યા અને કહ્યું કે, તમે બધા કહો છો એ વાત તદ્દન સાચી છે. મુશ્કેલીઓ પારાવાર છે, પણ એની વાતો જ કર્યે રાખવાથી સમસ્યાનો ઉકેલ આવી જશે? પહેલાં મગજમાંથી એને કાઢો. જિંદગી જેવી છે એવી સ્વીકારો. હસો, નાચો, ખાવ-પીવો મજા કરો અને પછી સમસ્યાના રસ્તા શોધો. ફરિયાદોને દૂર કરી જિંદગીની નજીક જવાનું આ સેલિબ્રેશન હતું. એ યુવાન પાછો તેના ત્રણ મિત્રો પાસે ગયો. આ ત્રણેય રોદણાં જ રડતા હતા કે મૂડ ઓફ થઈ ગયો. તેણે એટલું જ કહ્યું કે, કારનું ટેપ ચાલે છે? જવાબ મળ્યો, ના! કંઈ વાંધો નહીં. મોબાઈલમાં મ્યુઝિક ઓન કરો એન્ડ લેટ્સ ડાન્સ! આવી સ્થિતિમાં મસ્તીથી નાચવું એ જ જિંદગી જીવવાની વાત છે અને એ જ જિંદગી છે. તમે પરિસ્થિતિ બદલી ન શકો ત્યારે જે સ્થિતિ હોય તેને એન્જોય કરો તો જિંદગી સામે ફરિયાદ નહીં રહે!

સુખી અને ખુશ રહેવા માટેની પહેલી શરત એ છે કે સમયને અનુકૂળ થતાં શીખી જાવ. કોઈ આકસ્મિક ઘટનાથી ડિસ્ટર્બ ન થાવ. મારે દરેક સ્થિતિમાં ખુશ રહેવું છે એવો નિર્ણય કરો. જો ધાર્યું હોય એવું થાય તોપણ અને ન ધાર્યું હોય એવું થાય તોપણ આનંદમાં રહેવું એ જ સુખી થવાનો શ્રેષ્ઠ ઉપાય છે. દરેક પ્લાનિંગમાં થોડીક સ્પેસ રાખો. જિંદગી પ્લાનિંગ મુજબ ચાલવાની જ નથી. સમય ગમે ત્યારે પલટી મારવાની પ્રકૃતિ ધરાવે છે. આપણે દુઃખી એટલા માટે થઈએ છીએ કે અચાનક આવેલા પરિવર્તનને આપણે સ્વીકારી નથી શકતા. આવા સમયે આપણને એવું લાગે છે કે આપણે આપણી જ જિંદગી આપણી રીતે જીવી શકતા નથી. જિંદગી એટલે આપણે અને આપણાં સંજોગો. બીજા કોઈની સાથે તમારી જિંદગીની સરખામણી ન કરો. જે છે એમાંથી જિંદગીને શોધી કાઢો. હન્ડ્રેડ પર્સન્ટ તો કોઈ પોતાની ઇચ્છા મુજબ જીવી નથી શકતું. જે સ્થિતિ છે તેમાંથી જેટલા ટકા જિંદગી તમે જીવી શકો એ જ સાચી જિંદગી છે. ફરિયાદો કરશો તો કંઈ વળવાનું નથી, ઊલટું એટલી જિંદગી વધુ વેડફાશે. જિંદગી જીવવી હોય એ જીવવા જેવી અને જીવવા જેટલી જિંદગી શોધી જ લેતા હોય છે!

છેલ્લો સીન :

પોતાની જાત ઉપર જેણે સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું નથી એવો કોઈ પણ માણસ સ્વતંત્ર નથી. –પાયથાગોરસ.

(લેખક ‘દિવ્ય ભાસ્કર’માં મેગેઝિન એડિટર છે)

kkantu@gmail.com