નાદાન પ્રેમ Bhatti Naishadh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાદાન પ્રેમ

નાદાન પ્રેમ

ભટ્ટી નૈષધ


નાદાન પ્રેમ

રાહુલ ગુજરાતના સૌથી મોટા ઉદ્યોગપતિઓ રાગીણીબેન અને અરવિંદભાઈ પારેખનો એક નો એક દીકરો હતો. તેર વર્ષની ઉંમરનો રાહુલ તરુણાવસ્થા માં પ્રવેશ્યો હતો. પારેખ દંપતી મોટે ભાગે કામના કારણે રાહુલ પર પૂરતું ધ્યાન ન આપી શકતા એટલે તેની સારસંભાળ રાખવા માટે આયા રાખી હતી. એને પણ હવે રાહુલ મોટો થતા રજા આપી દીધી હતી. રાહુલ એ આયા પાસે પોતાની બધી વાતો શેર કરતો. પણ હવે ગોપીમાસી ના (રાહુલ આયા ને માસી કહી ને બોલાવતો ) ગયા પછી તેની વાતો તેના મનમાં જ અટકી જતી. ભણતર માં અવ્વલ હતો. તેની ઉંમર થી પણ વધારે ટ્રોફી ઓ અને મેડલો તેની પાસે હતા. ગોપીએ એનામાં સારા એવા સંસ્કારોનું સિંચન કરેલું હતું.

આજનો દિવસ રાહુલ માટે ખુશીઓ અને ઉત્સુકતા વાળો હતો. કારણ હતું તેનો નવ માં ધોરણમાં પ્રવેશ. નવી સ્કૂલ, નવા મિત્રો અને નવા શિક્ષકો બધું જ નવું નવું હતું. વહેલી સવારથી જ રાહુલે તૈયારીઓ શરુ કરી દીધી હતી. કોઈપણ ચીજ રહી ના જાય એટલે બે ત્રણ વાર દફતર પણ તપાસી લીધું હતું. પહેલા જ દિવસે ક્યાંય વાંક માં ન ચડે તેવી મનોમન પ્રાર્થના કરતો તે શાળાએ પહોંચે છે.

એક વિશાળ વિસ્તાર માં પ્રસરાયેલી રાહુલની આ શાળા વિવિધ સુવિધાઓ થી સજ્જ હતી. પ્લેગ્રાઉન્ડ , વિવિધ લેબ્સ , આધુનિક ડીસાઇનિંગ વાળી બિલ્ડીંગ , બહારના વિદ્યાર્થીઓ માટે હૉસ્ટેલ ની સુવિધા , અને સામાન્ય શાળાઓમાં ન જોવા મળે એવું સ્વિમિંગ પુલ જેવી અનેક સુવિધાઓ વાળી આ શાળાના ગેટ પર સુંદર કલાત્મક અક્ષરો માં લખેલું હતું – ‘ N.B highschool.’ શાળાની સુવિધાઓ જોઈને જ ખ્યાલ આવી જાય કે અહીં મોટા સેલેબ્રિટીઓ ના બાળકો જ ભણતા હશે .

રાહુલ સ્કૂલ માં જઈ સૌથી પેહલા પોતાનો કલાસરૂમ શોધે છે અને ક્લાસ માં જઈને એક ખાલી બૅન્ચ પર બેસે છે. પછી પોતાનું બેગ ખોલી જરૂરિયાત મુજબની વસ્તુઓ બહાર કાઢે છે. આ દરમ્યાન તેની બાજુમાં એક છોકરી આવી ને બેસે છે. હજુ રાહુલનું ધ્યાન તેની બેગ માં જ હોય છે.

“ હાઈ , મારી પેન્સિલ તમારા પગ તરફ પડી ગઈ છે જરા લઈ આપો ને.” અચાનક આવા મીઠા અવાજથી રાહુલ સફાળો જાગે છે અને પોતાના પગ તરફ પડેલી પેન્સિલ ઉઠાવી ને પેલી છોકરીને આપવા માટે હાથ લંબાવે છે. રાહુલ ક્યારેય કોઈ છોકરી સામે આંખ ઉઠાવી ને પણ ન જોતો પણ આ વખતે પોતાના સ્વભાવ થી વિરુદ્ધ તેણે પેન્સિલ આપતી વખતે તે છોકરી તરફ નજર ફેરવી. એક વાર માં મન ના ભરાયું હોય એમ એકધારો તેની સામે જોવા લાગ્યો.

સુંદર અપ્સરાને છાજે તેવો ચેહરો. આંખોની આગળ રાખેલા બોડીગાર્ડો ( ચશ્મા ) ચહેરાને સુંદર આકાર આપતા હતા. ગાલ ઉપર રહેલું તલ તેને નજર લાગવાથી બચાવવા માટે ભગવાને મુક્યું હોય એવું લાગી આવતું હતું . વાળને સરસ રીતે બાંધેલા હતા.પહેલા દિવસે ગણવેશ ન પહેરવાની છૂટ ને લીધે તે આજે મેઘધનુષ્ય ના રંગો વાળા સુંદર ડ્રેસ માં સજ્જ હતી. નીચે મેચિંગ લેગીસ હતી અને એની નીચે મેચિંગ અને હિલ વગરના ચપ્પલ પહેર્યા હતા.

રાહુલ પહેલી નજરમાંજ તેની ઉપર મોહિત થઇ ગયો.આ ઉપરાંત તેનો મીઠો અવાજ રાહુલ ના દિલ માં ઘર કરી ગયો હતો. આ ઉંમર જ એવી છે કોઈને બક્ષતિ નથી. સાધુનું પણ શાણપણ ભુલવાડી દેતી હોય છે આ ઉંમર. રાહુલ હજુ તે છોકરીને મન ભરીને નિહાળતો હોય છે ત્યાં થોડીવાર માં ક્લાસમાં સરની એન્ટ્રી થાય છે. બધા નવા જ વિદ્યાર્થીઓ હોવાથી સર બધાને પરિચય આપવાનું જણાવે છે.

બધા વિદ્યાર્થીઓ ઉભા થઇ થઇ ને પોતાના નામ અને પાછળ ના ધોરણ માં મેળવેલ ટકા બોલતા હતા. હવે વારો હતો રાહુલ ની બેન્ચ પાર્ટનર નો .

“ મારુ નામ … પ્રિયા દેસાઈ …. 99.07 %..” આખો ક્લાસ પ્રિયા તરફ જોવા લાગે છે . ત્યાંજ રાહુલ ઉભો થઇ પોતાનો પરિચય આપે છે.

“ હું …રાહુલ પારેખ….99.81 %..”પછી તો આખા ક્લાસે રાહુલ ને તાળીઓ થી વધાવી લીધો.

જેમ જેમ દિવસો પસાર થાય છે એમ એમ રાહુલ પ્રિયાના ગળાડૂબ પ્રેમ માં પડે છે .બેન્ચ પાર્ટનર હોવાને કારણે બન્ને વચ્ચે સામાન્ય રીતે વાતચિતોનો દોર ચાલુ જ રેહતો હોય છે. બન્ને એકબીજાને ધીરે ધીરે જાણે છે, એકબીજના વિચારો સમજવાનું શરુ કરે છે. એકતરફ રાહુલ નો પ્રેમ વધતો જ જાય છે અને બીજીતરફ પ્રિયા તો તેને એક સામાન્ય બેન્ચપાર્ટનર થી વધારે કઇજ માનતી નથી હોતી.

દરેક સામાન્ય છોકરા ની જેમ રાહુલ તેના નવા બનેલા મિત્ર દિનેશ ને પોતાના દિલ ની બધી વાત જણાવે છે. દિનેશ નવમા ધોરણમાં બે વાર ફેઇલ થયેલો અને બગડેલો છોકરો હતો. એણે માત્ર પોતાની ભોળી ભોળી વાતો થી રાહુલ ને મિત્ર બનાવ્યો હતો. તે રાહુલ ને સલાહ આપે છે તેમ પ્રમાણે રાહુલ કરતો જાય છે. તેણે સમજાવેલી હરકતો રાહુલ કરવાનું શરૂ કરે છે. પ્રિયાને દિવસે દિવસે રાહુલ ના વ્યક્તિત્વ માં આવતો ફેરફાર ખટકે છે. પણ તેણે જેટલો રાહુલ ને સમજ્યો હતો એ પ્રમાણે એ માનતી હતી કે રાહુલ સાફ દિલ નો માણસ હતો. એટલે તે શાંત રેહતી. જેની રાહુલ પર ઉલ્ટી અસર થાય છે એને લાગે છે કે તે કઈ બોલતી નથી એટલે તે પણ એને પ્રેમ કરતી હશે એટલે તે છેલ્લે દિનેશ ની સલાહ લઈ પોતાના પ્રેમ નો ઈઝહાર કરવાનું નક્કી કરે છે. અને પ્રિયા ને સ્કૂલ બાદ નજીક ના ગાર્ડન માં બોલાવે છે. એ પણ એમ ખોટું બોલીને કે તારી ફ્રેન્ડ બોલાવે છે. અને છેવટે પ્રિયા પાસે પોતાના પ્રેમ નો ઈઝહાર કરે છે. પ્રિયા તેને સમજાવે છે કે તે તો ક્યારેય રાહુલને પ્રેમ નહોતી કરતી એક માત્ર બેન્ચપાર્ટનર હોવાને લીધે બન્નેની વાતો થતી હતી. અને પ્રેમ જેવી ચીજ માટે તેની ઉંમર નાની છે.

એ દિવસ થી રાહુલ ભાંગી પડે છે. તેની સીધી અસર તેના પરીણામ પર પડે છે અને એનું દુઃખ વિકલી ટેસ્ટ ના રિઝલ્ટ રૂપે અરવિંદ ભાઈના ટેબલ પર પહોંચી જતું. પરિણામ માં આવેલ ધરખમ ઘટાડા ના લીધે રાહુલ ને અરવિંદ ભાઈ એ કારણ પૂછ્યું. અને જવાબ ના મળતા બે સમસમતા તમાચા રાહુલ ના ગાલે ચોંટી જાય છે. એ દિવસે રાહુલ પુરી રાત રડે છે. સવારે પોતાના લવ ગુરુ સમાન મિત્ર દિનેશ ને મળે છે. એ કોઈ જવાબ દેવાને બદલે વાત ટાળી ને છટકી જાય છે. રાહુલ ફરીવાર ઘરે આવી તકિયા માં માથું નાખી ને બોવજ રડે છે આજે એને પોતાના મમ્મી ના ખોળામાં માથું નાખીને ખુબ રડવું હતું પણ એ પણ શક્ય નહોતું રાગીણી બેન તો ઓફિસે ગયા હતા. છેવટે ટી.વી જોવાનું પસંદ કરે છે.એક ચેનલ પર થોડા ગીતો વાગતા હતા બીજી એક ચેનલ પર કોઈ ફિલ્મ ચાલતું હતું તો રાહુલે ફિલ્મ જોવાનું પસંદ કર્યું. ફિલ્મમાં હીરો હિરોઈન ને પોતાના પ્રેમ નો ઈઝહાર કરે છે અને રાહુલ ની જેમ જ તેને ના પડે છે. અને તે છેવટે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરે છે. આ જોઈ રાહુલ વિચાર કરે છે કે આવું થોડું થતું હશે આમ થોડુ જીંદગી થી હારી જવાય.

સાંજે અરવિંદ ભાઈ અને રાગીનીબેન ઓફિસે થી ઘરે આવે છે. આ સમયે રાહુલ પોતાના રૂમ માં ગીતો સાંભળતો હતો.

“રાહુલ…એ...રાહુલ બહાર આવ જલ્દી.” અરવિંદભાઈ પુરા ગુસ્સાભેર અવાજ માં બોલ્યા.

“સાંભળો…તમે રાહુલ ને વધુ નઈ ખિજાતા” રાગીણીબેન અરવિંદભાઈ ને મનાવવા માટે બોલે છે.

“રાગીણી તને સમજાવી દઉં છું તું આજે વચ્ચે જરાય ન આવતી” અરવિંદભાઈ નો મગજ આજે ખુબ ગરમ હતો.

એટલામાં ત્યાં રાહુલ આવી પહોંચે છે.

“શું પપ્પા ?”રાહુલે પૂછ્યું .

“આ બધું શું છે રાહુલ?”અરવિંદભાઈ પોતાના હાથ માં રહેલ રાહુલ નું પ્રોગ્રેસ રિપોર્ટ બતાવતા કહે છે.

“હા રાહુલ કેમ અચાનક તારા પ્રોગ્રેસ રિપોર્ટ માં તું પાછળ પડવા લાગ્યો છે ?” રાગીણીબેન પણ રાહુલ તરફ થોડો ગુસ્સો કરતા કહે છે .

“પપ્પા ..અઅ…એ” રાહુલ પાસે કોઈ જવાબ નથી હોતો.

પોતાના પુરા ગુસ્સામાં અરવિંદભાઈ રાહુલ ને પોતાના ચામડા ના બેલ્ટ થી મારે છે . રાહુલ પોતાના રૂમમાં જઈ ધ્રુસકે ને ધ્રુસ્કે રડે છે. તેના મગજ માં સવારે જોયેલી ફિલ્મ ચાલવા માંડે છે. રાહુલ નો રડવાનો આછો આછો અવાજ અરવિંદભાઈ અને રાગીણી બેન ના રૂમમાં પણ સંભળાય છે. અવાજ એકધારો સવારના ચાર વાગ્યા સુધી આવતો રહે છે અને ચાર વાગે અચાનક બંધ પડી જાય છે. અરવિંદભાઈ એમ વિચારે છે કે તે સુઈ ગયો હશે.અને તે પણ આ વાતને ધ્યાન માં લીધા વિના સુવાની કોશીશ કરે છે પણ સુઈ શકતા નથી. તેમને પારાવાર પસ્તાવો થાય છે કે તેમણે પોતાનાજ દીકરાને હેવાન ની જેમ માર્યો હતો. તેમણે રાગીણી બેનને પણ જણાવ્યું તો રાગીનીબેને સવારે રાહુલ પાસે જઈ તેને મનાવી લેવાની વાત કરી. આમ છતાં પણ અરવિંદભાઈ ને ઊંઘ નથી આવતી સમયે સમયે તેઓએ રાહુલ ને જેમ માર્યો હતો તે જ યાદ આવતું હતું .

છેવટે રહી જ ના શક્યા અને પાંચ વાગ્યા માંજ રાહુલ ની માફી માંગવા રાહુલનો રૂમ ખોલવાની કોશિશ કરી પણ રૂમ અંદરથી બંધ હતો એટલે બે ત્રણ વાર રાહુલ ને ખોલવા માટે બોલાવે છે.પણ અંદરથી કોઈ જવાબ નથી આવતો તે ઘણીવાર સુધી રૂમનો દરવાજો ખખડાવે છે. પણ તેમ છતાં અંદર થી કોઈ પ્રકાર નો અવાજ નથી આવતો એટલે છેવટે અરવિંદભાઈ દરવાજો તોડી અંદર ઘૂસે છે. અંદર જતા જ તે રાહુલ ને એક દોરડાના સહારે લટકતો જુએ છે. એ દોરડું રાહુલના ગળા ફરતે કઠણ રીતે વીંટળાયેલ હોય છે. અને તેનો ચેહરો ડાબા ખંભા તરફ ઢળેલો હોય છે .

સવાર ના પહોરમાં મીડિયા અને અખબારો માં બ્રેકિંગ ન્યુઝ તરીકે સમાચાર આવે છે – ‘ગુજરાત ના ઉદ્યોગપતિઓ રાગીણીબેન અને અરવિંદ ભાઈ પારેખના દીકરા રાહુલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.’

આજના સમય માં દરેક માતાપિતાએ સમજવા જેવી બાબત છે કે બાળક પ્રતિ પોતાનો વ્યવહાર કેવો રાખવો. અને ખાસ કરીને તરુણાવસ્થા માં બાળકનું ખુબ ધ્યાન રાખવું જોઈએ. ધ્યાન રાખવું એટલે તેના પર નજર રાખવી એમ નહીં પણ તેની સાથે રેહવું, સમય પસાર કરવો, તેની કાળજી લેવી જોઈએ. કારણ કે આ ઉંમરે બાળક મા આવતા હોર્મોન્સ ના ફેરફારો ના થતા હોય છે જેનાથી તમે અવગત છો જ એ કઈ નવી વાત નથી. પરંતુ આ ઉંમરે બાળકની સમજ શક્તિ વિકાસશીલ હોય છે અને તે કોઈપણ મીઠડું બોલીને છેતરનારા લોકો પર આરામથી વિશ્વાસ કરી લેતું હોય છે. અને આવા વ્યક્તિઓ પોતાના સ્વાર્થ માટે આ ઉંમરના બાળકોને વધુ શિકાર બનાવતા હોય છે. ત્યારે આ બાબતે માતાપિતાએ પૂરતું ધ્યાન રાખવું ખુબજ જરૂરી બને છે.

હવે વાલીઓમાં નવો ક્રેઝ આવતો જાય છે બાળક ના મિત્ર બનવાનો.એ ખુબ સારી બાબત છે છતાં એમાં પણ પેરેન્ટ્સ ઉણપ રાખતા જોવા મળે છે. જેમકે બાળક ને કેહતા હોય કે દીકરા તારે કોઈપણ તકલીફ હોય તો મને જરૂરથી કહેજે આપણે તો મિત્ર જેવા છીયે. પણ ક્યારેક છોકરું કહે કે પપ્પા મને પ્રેમ થયો છે ત્યારે ? ત્યારે આપણે થોડીવારમાં મિત્રતા તોડી દઈએ છીયે. આ ન હોવું જોઈએ બાળકને સમજાવવાની ફરજ છે કે બેટા તું જે અનુભવો કરે છે તે કંઇજ ખોટું કામ નથી છતાં તારે થોડીવાર રાહ જોવી જોઈએ દીકરા થોડું મોટા થયા પછી પ્રેમ વિષે વિચાર કર કારણ કે ત્યારે તારી વિચારસરણી માં ખુબ મોટો બદલાવ આવ્યો હશે.આમ બાળક ને સમજાવી શકાય કારણ કે તમનેય ખબરજ છે કે આ ઉંમર માં આ બધું સામાન્ય છે અને આવા અનુભવો તો તમે પણ કરેલા જ છે. બાળક મોટેભાગે એટલે જ તેના પ્રેમ વિષે નથી કહેતું કારણ કે તેને લાગે છે કે તે કૈક ખોટું કરી રહ્યો છે. એટલે આ ડર તેના મનમાંથી દૂર કરવો જ જોઈએ.જો વાર્તામાં અરવિંદ ભાઈ એ કર્યું તેવું પગલું ભરશો તો બાળક ગુમાવવાનો વારો ના આવે એ જોજો અને ચેતજો.

નમસ્કાર મિત્રો હું નૈષધ ભટ્ટી આ ઇબૂક ડાઉનલોડ કરી વાંચવામાટે તમારો ખુબ આભારી છું અને તમારા પ્રતિભાવો જાણવા હું ખુબ અધીરો છું . તમે મને મારા નીચેના એડ્રેસ પર જણાવી શકો છો.

  • Mail- bhattinaishadh@gmail.com
  • Mo- 9537494472
  • Facebook – Bhatti Naishadh