Soumitra - 30 books and stories free download online pdf in Gujarati

સૌમિત્ર - કડી 30

સૌમિત્ર

સિદ્ધાર્થ છાયા દ્વારા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


-ઃ પ્રકરણ ૩૦ : -

‘ગોન્ડોગોલ, અબ વસુંધરાકે બર્થડે કા સેલિબ્રેશન કા ભી કોઈ પ્લાન કીયા હૈ તુમને યા સિર્ફ મુજે યહાં બુલાને કા હી પ્લાન થા?’ ભૂમિ વસુંધરાના એક ફોટાને ધ્યાનથી નીરખી રહેલા શોમિત્રોના ખભાને હલાવીને બોલી.

‘બોશુન્ધોરા કા જોન્મોદિન હો ઔર આમી શેલીભ્રેટ ના કોરે એ શોમ્ભોબ હી નેહી હૈ. દુઈઠો મિનીટ રૂકીએ આમી આતા હૈ.” આટલું કહીને શોમિત્રોએ રૂમના દરવાજા તરફ રીતસર દોટ મૂકી.

ભૂમિ ફરીથી વસુંધરાના ફોટા જોવા લાગી.

‘હુહ ગોન્ડોગોલ...” એક ફોટામાં વસુંધરા અને શોમિત્રોએ પોતપોતાના કપાળ અડાડીને વિચિત્ર ચહેરા બનાવ્યા હતા આ ફોટામાં શોમિત્રોજે જોઇને ભૂમિ આપોઆપ હસી અને બોલી પડી.

લગભગ ત્રણેક મિનીટ બાદ શોમિત્રો એક નાનકડી કેક લઈને રૂમમાં દાખલ થયો. આ કેક પર ૐટ્ઠઅ મ્ૈિંરઙ્ઘટ્ઠઅ ર્મ્જરેહઙ્ઘરટ્ઠટ્ઠિ લખ્યું હતું અને કેકની બરોબર વચ્ચે એક કેન્ડલ પણ ખોંસેલી હતી.

શોમિત્રોએ પોતાના બીજા હાથે રૂમની બરોબર વચ્ચે એક નાનકડું ટેબલ મુક્યું અને તેના પર તેણે કેક મૂકી. પછી તે થોડી વખત આમતેમ જોવા લાગ્યો અને પછી રૂમમાં રહેલા બેડની બાજુમાં મુકેલા વસુંધરાના એક ફોટાને લઈને તેણે કેકની સામે મૂક્યો. ભૂમિ શોમિત્રોની આ તમામ ગતિવિધિઓને ધ્યાનથી જોઈ રહી હતી અને સ્મિત કરી રહી હતી. ભૂમિને શોમિત્રો પર માન થઇ ગયું કે પોતાની પ્રેમિકાને પામવા માટે આટલી બધી તકલીફો ભોગવી છતાં તેને પોતાની પ્રેમિકા ન મળી પરંતુ તો પણ એ એને એની વિદાય પછી પણ એટલો જ પ્રેમ કરે છે.

‘બોશુન.’ અચાનક શોમિત્રોએ ભૂમિનું ધ્યાનભંગ કર્યું.

શોમિત્રો પેલા નાનકડા ટેબલની સામેજ જમીન પર બેસી ગયો હતો અને ભૂમિને ઇશારાથી પોતાની બાજુમાં બેસવાનું કહ્યું. ભૂમિ શોમિત્રોની લગોલગ બેસી ગઈ અને પછી શોમિત્રોએ પહેલા તો કેક પર લાગેલી કેન્ડલ સળગાવી અને પછી તેને એક જ ફૂંકે બૂઝાવી દીધી. શોમિત્રો અને ભૂમિ એક જ સૂરમાં હેપ્પી બર્થડે ટુ ... વસુંધરા ગાઈ ઉઠયા. શોમિત્રોએ કેકના બે નાના નાના હિસ્સા કર્યા અને એમાંથી એક ટૂકડો લઈને તેણે ભૂમિને ખવડાવવા માટે તેના ચહેરા નજીક લઇ ગયો. ભૂમિએ હસીને એ કેકના ટુકડાનો નાનકડો હિસ્સો ખાધો. પછી શોમિત્રોના હાથમાંથી જ એ કેક લઈને જેવો ભૂમિએ શોમિત્રોને ખવડાવ્યો કે શોમિત્રો રડવા લાગ્યો અને ધીરેધીરે એનું રૂદન વધવા લાગ્યું.

‘અરે ક્યા હુઆ?’ ભૂમિએ કેકનો બચેલો ટુકડો ટેબલ પર પડેલી કેકની બાજુમાં મૂકી દીધો.

શોમિત્રો પોતાનું ડોકું નકારમાં હલાવતા હલાવતા રડી રહ્યો હતો. ભૂમિને ખ્યાલ તો આવી ગયો કે શોમિત્રો વસુંધરાને ત્યારે ખૂબ મીસ કરી રહ્યો છે, પરંતુ તે રડી રહેલા શોમિત્રોને કેમ શાંત કરે તેની તેને ખબર નહોતી પડતી. જો અત્યારે શોમિત્રોની જગ્યાએ સૌમિત્ર હોત તો તે એને ગળે વળગાડી દેત, પણ અહીં તેને એમ કરતાં કોઈક રોકી રહ્યું હતું. પણ શોમિત્રોનું રડવાનું પૂરૂં તો શું ધીમું પણ પડતું ન હતું. શોમિત્રોએ પોતાના પગ વાળીને તેની વચ્ચે પોતાનું માથું મૂકી દીધું અને રડવાનું ચાલુ રાખ્યું. ભૂમિ પુરેપુરી અસમંજસમાં હતી. તેણે શોમિત્રોનો ખભો પકડયો, શોમિત્રોના વાંસે હાથ પણ ફેરવ્યો, પણ શોમિત્રો શાંત ન થયો.

શોમિત્રોના રૂદનનો અવાજ ધીરેધીરે વધી રહ્યો હતો આથી એને સાંભળીને ક્યાંક કોટેજનો સ્ટાફ દોડતો દોડતો રૂમમાં ન આવી જાય એમ ધારીને ભૂમિએ રૂમનો દરવાજો ઉપરથી બંધ કરી દીધો અને ફરીથી તે શોમિત્રોની બાજુમાં બેસી ગઈ અને તેના વાંસા પર હાથ ફેરવવા લાગી.

‘બસ, શોમિત્રો...બસ. અબ હમ ક્યા કર સકતે હૈ? જો સચ હૈ વો યહી હૈ ના? વો તો ચલી ગઈ અબ તુમ ઐસે રોને લગોગે તો કૈસે ચલેગા? મેં સમજ સકતી હું કી યે ઇતના આસાન નહીં હૈ પર....’ ભૂમિએ શોમિત્રોને શાંત કરવાની ફરીથી કોશિશ કરી.

‘એ શોબ મેરે નોશીબ મેં હી ક્યૂં હૈ ભૂમિ? અમને ભીશોન પ્યાર કીયા ઉશકો ક્યા એઈ આમરા ગોલોતી હૈ? ભોગવાન બોહુત બુરા હૈ, બોહુત બુરા...’ અત્યારસુધી પોતાના ઘૂંટણ પર ટેકવી રાખેલું માથું હટાવીને ભૂમિ સામે રડતા રડતા આટલું બોલીને શોમિત્રો ફરીથી રડવા લાગ્યો.

‘ના ના શોમિત્રો, ઐસા નહીં હૈ... પ્લીઝ રોના બંધ કર દો....પ્લીઝ....’ ભૂમિ હવે શોમિત્રોને ખરેખર શાંત પાડવા માંગતી હતી.

શોમિત્રોને આમ રડતા જોઇને ભૂમિનું હ્ય્દય પણ ભારે થઇ રહ્યું હતું અને એની આંખો ભીની થઇ ગઈ અને અચાનક જ તેણે રડી રહેલા શોમિત્રોનો દૂરનો ખભો પકડયો અને પોતાની તરફ ખેંચ્યો. શોમિત્રો રડતા રડતાજ ભૂમિ તરફ ખેંચાયો અને ભૂમિએ એને ભેટી પડી. શોમિત્રો ભૂમિને વળગીને એના ખભે માથું મૂકીને રડી રહ્યો હતો અને ભૂમિ પણ શોમિત્રોને શાંત કરવાની કોશિશમાં માથામાં ધીરેધીરે પોતાનો હાથ ફેરવી રહી હતી.

==ઃઃ==

‘સોરી સૌમિત્ર મેં તમને એક દિવસ વધારે રોકી રાખ્યા.’ પ્રતિકની કેબીનમાં સૌમિત્ર અને ધરા પ્રવેશ્યા કે તરતજ પ્રતિક ટેબલ પાછળથી નીકળીને તેમની તરફ ગયો અને સૌમિત્રના બંને હાથ પકડીને એની માફી માંગી.

‘અરે, એમાં શું સોરી યાર. હવે આપણે આ બધી ફોર્માલીટીઝમાંથી બહાર આવીએ તો સારૂં, બરોબરને ધરા?’ સૌમિત્ર ધરા સામે જોઇને બોલ્યો. જવાબમાં ધરાએ માત્ર સ્મિત સાથે પોતાનું ડોકું હલાવ્યું.

‘હું તો બીજું સોરી પણ કહેવા માંગતો હતો.’ સૌમિત્ર માટે ખુરશી ખેંચીને પ્રતિકે તેને બેસવાનો ઈશારો કર્યો અને પોતે ટેબલની બીજી તરફ જવા લાગ્યો.

‘હું તમને એક સોરી કહેવાની ના પાડું છું અને તમે વળી બીજું સોરી લઇ આવ્યા?’ સૌમિત્ર હસતાંહસતાં બોલ્યો.

‘હા, એક તો તમને ફેમીલી સાથે અમદાવાદ જવા ન દીધા એનું સોરી અને બીજું તમારાથી આપણે અત્યારે શું ડિસ્કસ કરવાના છીએ એ વાત ખાનગી રાખી એનું બીજું સોરી.’ પ્રતિકે પોતાની ઝૂલતી ખુરશીમાં બેસતાં જ કહ્યું.

‘ચાલો, તો પછી તમે અત્યારેને અત્યારે જ એ સિક્રેટ રીવીલ કરો તો હું તમને માફ કરવા માટે વિચારી શકું છું.’ સૌમિત્રનું હાસ્ય ચાલુ જ હતું.

‘શ્યોર, પણ પહેલા મારે તમને કોન્ગ્રેચ્યુલેશન આપવા છે. બસ પછી હું તમને બધું કહીજ દઉં છું.’ આટલું બોલીને પ્રતિકે સૌમિત્ર તરફ પોતાનો હાથ લંબાવ્યો અને સૌમિત્રએ ઉભા થઈને તેને પકડી લીધો.

‘શેના કોન્ગ્રેચ્યુલેશન્સ?’ પ્રતિકનો હાથ હલાવતાં સૌમિત્રએ પૂછ્‌યું.

‘ગઈકાલે પહેલા દિવસે જ તમારી ધરાની સિક્સ હન્ડરેડ એન્ડ ટ્‌વેંટી થ્રી કોપીઝ સેલ થઇ ગઈ જે કદાચ ગ્રાન્ડ પબ્લિકેશન્સનો ફર્સ્ટ ડેનો એક રેકોર્ડ છે. લગભગ ટુ ફિફ્ટી તમે લોન્ચ પછી સાઈન કરી બાકી બધીજ કોપીઝ સેલ કરવાની ક્રેડીટ તમારી બાજુમાં બેઠેલી ધરાને જાય છે, એણે એની સ્માર્ટનેસથી અમારા ઘણા ક્લાયન્ટ્‌સને તમારી નોવેલનું એડવાન્સ બુકિંગ કરવા માટે કન્વીન્સ કરી લીધા. માઈન્ડ યુ આ બધા જ અમારા ડાયરેક્ટ ક્લાયન્ટ્‌સ છે અને હાર્ડકોર રીડર્સ છે.’ સૌમિત્ર અને ધરા સામે વારાફરતી જોતા પ્રતિક બોલ્યો.

‘ધરા એટલે ધરા, મને હવે એ તમારી રાઈટર્સ ફેસીલીટી એક્ઝીક્યુટીવ નથી લાગતી , એ મારી દોસ્ત જ છે, બિલકુલ તમારી જેમજ.’ સૌમિત્રએ ધરા સામે જોઇને કહ્યું. ધરાના ચહેરા પર અભિમાન મિશ્રિત શરમ આવી ગઈ.

‘ગ્રેટ! ક્યા બાત હૈ! ચાલો તો હવે તમને વધારે રાહ નહીં જોવડાવું, તમને જે માટે રોક્યા છે તે સસ્પેન્સ રીવીલ કરી દઉં.’ પ્રતિક છેવટે મુદ્દા પર આવ્યો.

‘હા, હવે તો મારાથી પણ નથી રહેવાતું.’ સૌમિત્રની ઉત્કંઠા વધી ગઈ હતી.

‘સૌમિત્ર, સામાન્યરીતે જે મોટા રાઈટર્સ હોય તેમના ખુદના કેટલાક પી આર એટલેકે પબ્લિક રિલેશન્સના કન્સલ્ટન્ટ હોય છે અને એ લોકો આ રાઈટર્સનું ઘણીબધી જગ્યાએ બૂક રીડીંગ ગોઠવી આપતા હોય છે. રાઈટર્સ માટે ઇન્ક્મનો આ બીજો પણ સોર્સ છે. હવે તમારી નોવેલ મેં જે બે-ત્રણ બૂક ક્રિટીક્સને તેમનો ઓપિનિયન જાણવા આપી હતી, તેમણે મને સામેથી તમારી ધરાનું બૂક રીડીંગ ગોઠવી આપવાની ઓફર કરી છે.’ પ્રતિકે શ્વાસ લીધો.

‘ઓહ, ઓકે!’ સૌમિત્રને પ્રતિક હવે કોઈક સારા સમાચાર આપશે એવું લાગવા માંડયું.

‘જન્મે અને કર્મે મારવાડી છું એટલે પછી મેં જ વિચાર્યું કે તમારાથી જ હું પોતે આ પ્રકારનું પી આર કેમ શરૂ ન કરૂં? મેં ધરાની પણ અડવાઈઝ લીધી અને શી ઇઝ ક્વાઈટ રેડી ફોર ઈટ. ધરાએ ગ્રીન સિગ્નલ આપી દીધો એટલે હું પણ રેડી થઇ ગયો છું. હવે જો તમને બૂક રીડીંગમાં વાંધો ન હોય તો આપણે ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ નક્કી કરી લઈએ? તમારૂં ફર્સ્ટ બૂક રીડીંગ આપણે નેક્સ્ટ મન્થ અહીં મુંબઈમાં જ ગોઠવીશું. બોલો શું કો’ છો?’ પ્રતિક સૌમિત્ર સામે એવી રીતે જોઈ રહ્યો હતો કે જાણેકે એણે ખાતરી હતી કે સૌમિત્ર ના નહીં જ પાડે.

‘જો દરેક બૂક રીડીંગમાં ધરા મારી સાથે આવે તો મને કોઈજ વાંધો નથી.’ સૌમિત્રએ પ્રતિકની ઓફર શરત સાથે સ્વિકારી.

‘તમે મારો ધંધો બંધ કરાવશો....એની વેઝ આઈ એમ ઓકે વિથ ઈટ. ધરા તમારા બધાં જ બૂક રીડીંગમાં તમારી સાથેજ હશે, પછી એ મુંબઈ હોય, દિલ્હી હોય, અમદાવાદ હોય, વિશાખાપટ્ટનમ હોય કે પછી જમશેદપુર.’ પ્રતિકે સ્મિત સાથે સૌમિત્રની શરત પર મંજૂરીની મહોર મારી દીધી.

‘જમશેદપુર?’ સૌમિત્ર જાણેકે ચમક્યો.

‘જી, હા લગભગ બે મહિના પછી તમારૂં બૂક રીડીંગ જમશેદપુર સ્ટીલ ફેક્ટરીમાં ગોઠવવાનું છે. કાલે તમે વરૂણ પટેલને મળ્યાને? જેમણે તમારી બૂક પરચેઝ કરી લીધી હતી? એમણે પણ મારી જેમજ બૂક કાલે એમની હોટલે પહોંચીને વન સીટીંગમાં જ વાંચી લીધી! પંદર વીસ મિનીટ પહેલાં જ હું જ્યારે મારી કેબીનમાં એન્ટર થયો ત્યાંજ એમનો કોલ આવ્યો અને એમણે તો તમારા અને ધરાના જે વખાણ કર્યા છે કે હું તમને મારા શબ્દોમાં તો નહીં જ સમજાવી શકું. પણ એમણે તમારી બૂક રીડીંગની ઓફર મને સામેથી આપી કારણકે એમની ઈચ્છા છે કે એમની ત્યાંની સ્ટાફ રીક્રીએશન ક્લબ પણ તમારી નોવેલ શું છે એ જાણે બીકોઝ એઝ પર હીમ, ઈટ ઇસ વેરી મચ ક્લોઝ ટુ રીયાલીટી એટલે લોકોને પણ એ ગમશે. આપણે જમશેદપુરમાં પણ તમારી નોવેલની કોપીઝ સેલ કરીશું, આફ્ટર યોર રીડીંગ ગેટ્‌સ ઓવર, એટલે એક પંથ ને દો કાજ. તો આર યુ રેડી ફોર જમશેદપુર?’ પ્રતિકે સૌમિત્રને પૂછ્‌યું.

સૌમિત્રના ચહેરા પર રેખાઓ ખેંચાઈ ગઈ, એણે ધરા સામે જોયું? ધરાએ પોતાની ભમરો ઉંચી કરીને સૌમિત્ર ને શું થયું એવો મૌન પ્રશ્ન કર્યો.

‘ઠીક છે, આઈ એમ રેડી.’ સૌમિત્રએ કદાચ ભારે હ્ય્દયે પ્રતિકને જમશેદપુર બૂક રીડીંગ માટે હા પાડી.

==ઃઃ==

ભૂમિના આગોશમાં આવેલા શોમિત્રોને જાણેકે મહિનાઓ બાદ થોડીઘણી માનસિક શાંતિ મળી રહી હોય એમ એનું રડવાનું ધીમેધીમે બંધ થવા લાગ્યું.

‘મૈ કિચન મેં સે પાની લે આતી હું.’ શોમિત્રોને હળવેકથી પોતાનાથી અળગો કરીને ભૂમિ ઉભી થઇ.

‘અરે, નેહી આઈ એમ ઓકે નાઉ. વો થોરા બોશુન્ધોરા કા યાદ આ ગીયા થા તો...’ શોમિત્રોએ નીચે બેઠાબેઠા જ ભૂમિનો હાથ પકડયો અને તેને સહેજ ખેંચી.

‘મુજે પતા હૈ શોમિત્રો, બટ થોડા પાની પીને સે તુમ્હેં અચ્છા લગેગા. મેં લે આતી હું.’ ભૂમિએ સહેજ નીચા વળીને શોમિત્રોનો હાથ છોડાવ્યો.

‘અચ્છા તો હમેં દુઈઠો મિનોટ પહેલે હી લોગ રહા થા, પાની કી જોગાહ ઉ ચોલ્બે.’ શોમિત્રોના ચહેરા પર હવે મસ્તી હતી.

‘શટ અપ ગોન્ડોગોલ.’ ભૂમિ પણ હસતાંહસતાં રૂમની બહાર ગઈ.

શોમિત્રોના રૂમની બહાર નીકળતાં જ એક વિશાળ હોલ હતો અને એના દૂરના ખૂણે રસોડું હતું. રસોડાનું બારણું પાછળની તરફ હતું પરંતુ હોલમાં રસોડાની નાનકડી બારી પડતી હતી એટલે ભૂમિ એ બારી પર ટકોરા માર્યા અને મહારાજે સ્લાઈડીંગવાળી બારી ખોલી.

‘ફીઝ મેં સે પાની કી એક ઠંડી બોટલ દેંગે પ્લીઝ?’ ભૂમિએ સ્મિત સાથે મહારાજને કહ્યું.

‘હાં હાં ક્યૂં નહીં.’ મહારાજ રસોડામાં જ્યાં ફ્રીજ રાખ્યું હતું તે તરફ ગયા.

ભૂમિની નજર રસોડામાં ફરવા લાગી. મહારાજ જ્યાં પહેલા ઉભા હતા ત્યાં લોટની કણક બંધાઈને પડી હતી. અંગ્રેજી એલ આકારના પ્લેટફોર્મની બીજી બાજુએ એક યુવાન છોકરી ગેસ પર મુકેલા વાસણમાં કશુંક બનાવી રહી હતી અને એમાંથી નીકળી રહેલી વરાળમાંથી કોઈની પણ ભૂખ ઉઘડી જાય એવી જબરદસ્ત સુગંધ આવી રહી હતી. છોકરીનો માત્ર સાઈડ ફેસ જ ભૂમિને દેખાયો. એકાદ વખત તેને જોઇને ભૂમિને લાગ્યું કે એ છોકરીનો સાઈડ ફેસ જાણીતો છે. મહારાજ ફ્રીઝમાંથી બોટલ લઈને આવ્યા ત્યાં સુધી ભૂમિને ખાતરી થવા લાગી હતી કે એ છોકરીને તેણે ક્યાંક જરૂરથી જોઈ છે. મહારાજે બોટલ બારી પર મૂકી એટલે ભૂમિએ વધારે સમય પેલી છોકરીને જોવા માટે મહારાજ પાસે પાણી પીવાના બે ગ્લાસ પણ માંગ્યા. મહારાજ વળી રસોડાની બીજી તરફ ગયા એટલે ભૂમિએ ફરીથી પેલી છોકરીને નીરખવાનું શરૂ કરી દીધું. હવે એ ચોક્કસ થઇ ગઈ હતી કે તે ભૂતકાળમાં આ છોકરીને ખરેખર ક્યાંક મળી છે, પણ ક્યાં મળી છે એનો એને ખ્યાલ નહોતો આવી રહ્યો. આ દરમિયાન મહારાજે બે કાચના ગ્લાસ બારી પર મૂક્યા એટલે ભૂમિ પાસે હવે શોમિત્રોના રૂમ તરફ જવા સિવાય બીજો કોઈજ ઓપ્શન ન હતો. પણ શોમિત્રોના રૂમમાં દાખલ થવા સુધી ભૂમિ સતત વિચારી રહી હતી કે એ છોકરીને તેણે અગાઉ ક્યાં જોઈ છે.

==ઃઃ==

‘તને ખબર છે ધરા, કે વરૂણ પટેલ ખરેખર કોણ છે?’ ધરા સાથે મુંબઈના એક પોશ રેસ્ટોરન્ટમાં પોતાની ખુરશી પર બેસતાં જ સૌમિત્રએ પૂછ્‌યું.

‘પ્રતિકના ફ્રેન્ડ છે. એણે જ તો કાલે કીધું હતું ને કે એમને ફ્લાઈટમાં મળ્યા હતા અને એ હાર્ડકોર રીડર છે?’ ધરાએ સૌમિત્રને સ્વાભાવિક જવાબ આપ્યો.

‘પ્રતિકની એ વાતે તો મને પણ આડે પાટે ચડાવી દીધો હતો એમાં પાછો બૂક લોન્ચનો નશો ભળ્યો.’ સૌમિત્રના ચહેરા પર સ્મિત હતું.

‘તું શું બોલે છે ને એની મને જરાય ખબર નથી પડતી.’ ધરાએ સ્પષ્ટ વાત કરી.

‘એમાં તારો વાંક નથી કારણકે તારા અને વરૂણનું કોઈજ કનેક્શન નથી, જ્યારે મારૂં છે અને એ પણ જબરૂં.’ સૌમિત્રએ ધરાની આંખમાં આંખ નાખીને કીધું.

‘તું હવે મારી સામે નોવેલીસ્ટ ના બન પ્લીઝ, અત્યારે તારા મનમાં જે પ્લોટ હોયને એ મને કહી દે.’ ધરાએ ગુસ્સા મિશ્રિત હાસ્ય સાથે સૌમિત્રને રીતસર હુકમ આપ્યો.

‘ઓકે, તો લીસન... વરૂણ પટેલ એટલે મિસિસ ભૂમિ પટેલના પતિદેવ, એજ ભૂમિ પટેલ જે પહેલાં ભૂમિ પ્રભુદાસ અમીન હતા અને જેના પ્રેમમાં આ બંદા પાગલ હતા અને એટલેજ એમણે પોતાના પ્રેમના અનુભવો પર એક આખી નોવેલ લખી અને ફક્ત ભૂમિનું નામ બદલીને ધરા કરી નાખ્યું અને ગઈકાલે એજ ભૂમિ પટેલના પતિએ એ નોવેલ ફક્ત ખરીદી જ નહીં પરંતુ એને વાંચી અને વખાણી પણ ખરી અને મને સામે ચાલીને બૂક રીડીંગ માટે પોતાના શહેરમાં આમંત્રણ આપ્યું.’ સૌમિત્રએ ધરા સમક્ષ આટલું મોટું સસ્પેન્સ ખોલ્યું પણ છતાં એનો ચહેરો (અને કદાચ મગજ પણ) અત્યારે એકદમ શાંત લાગી રહ્યો હતો.

‘ઓહ માય ગોડ!! સાચ્ચેજ?’ ધરાનું મોઢું બે-ત્રણ સેકન્ડસ માટે ખુલ્લું જ રહી ગયું.

‘હા યાર. સાચ્ચે જ.’ સૌમિત્રએ ગંભીર સ્મિત આપ્યું.

‘ધેટ મીન્સ કે બે મહિના પછી તું કદાચ તારી ભૂમિને લગભગ બે વર્ષ પછી મળીશ અને એ પણ ફેઈસ ટુ ફેઈસ! વાઉ!’ ધરાના અવાજમાં ઉત્તેજના હતી.

‘પ્રતિકે જ્યારે બૂક રીડીંગની ઓફર મૂકી ત્યારે મેં ફક્ત એમજ દાવ રમ્યો હતો કે તું જો મારા દરેક બૂક રીડીંગમાં હશે તો જ હું આ ઓફર માટે રેડી છું, કારણકે હું તારી સાથે વધુને વધુ રહેવા માંગતો હતો. પણ હવે મને એવું લાગી રહ્યું છે કે મારા એ દાવ લગાવવામાં એક ઈશ્વરી સંકેત પણ છે.’ સૌમિત્ર બોલ્યો.

‘કેવી રીતે?’ ધરાએ જાણવાની ઈચ્છા કરી.

‘જો, વરૂણની ઓળખાણ બૂક લોન્ચ વખતે પ્રતિકે કરાવી ત્યારે હું મારી ફર્સ્ટ નોવેલના પબ્લીશીંગને લીધે એટલો બધો એક્સાઈટમેન્ટમાં હતો કે તે વખતે તો મને ખ્યાલજ ન આવ્યો કે વરૂણ કોણ છે અથવાતો કોણ હોઈ શકે છે. રાત્રે હોટલના રૂમમાં સુતી વખતે આખા દિવસમાં શું બન્યું એ બધું વાગોળ્યું ત્યારે મને અચાનકજ સ્ટ્રાઈક થયું કે અલ્યા મૂરખ! વરૂણ પટેલ વત્તા જમશેદપુર સ્ટીલ ફેક્ટરી મતલબ મિસ્ટર ભૂમિ પટેલ થાય! પછી આજે પ્રતિકે પહેલા મને બૂક રીડીંગની ઓફર કરી અને મેં તને સાથે લઇ જવાનું કહ્યું પછી એણે જમશેદપુરની વાત કરી.’ સૌમિત્રએ ધરાને સમજાવવાની કોશિશ કરી.

‘તો?’ ધરાનો સવાલ હાજર જ હતો.

‘તો એમ કે હવે જ્યારે આપણે જમશેદપુર જઈશું ત્યારે ભૂમિ પણ ત્યાં હશેજ, કારણકે એનો પતિ મારો આટલો મોટો ફેન થઇ ગયો છે તો એ એને સાથે લઈજ આવશેને? ત્યારે તું મારી સાથે હશે, હું તારી સાથે હસીને વાતો કરીશ પણ ભૂમિ સામે એકદમ નોર્મલ જ રહીશ એટલે એને ખ્યાલ આવી જશે કે એણે ભલે સૌમિત્રને છોડી દીધો છે પણ સૌમિત્રને એનો કોઈજ ફરક પડયો નથી કારણકે સૌમિત્ર હવે ખૂશ પણ છે અને એને કોઈ બીજું મળી પણ ગયું છે. થયોને ઈશ્વરી સંકેત?’ સૌમિત્રએ આટલું કહીને ટેબલ પર રહેલા ધરાના હાથની આંગળીઓમાં પોતાની આંગળીઓ ભેરવી દીધી.

‘પણ મેં ક્યાં હજી તને હા પાડી છે.’ ધરાએ આંખ મીંચકારી.

‘એની ભૂમિને ક્યાં ખબર છે?’ હવે આંખ મારવાનો વારો સૌમિત્રનો હતો.

‘ઓહો તો જનાબ મારો ઉપયોગ કરીને પોતાની એક્સ ગર્લફ્રેન્ડને બળતરા આપવા માંગે છે?’ ધરા હસી રહી હતી.

‘હા અને ના. હા એટલા માટે કારણકે તું સાચી છે અને ના એટલા માટે કારણકે હવે મેં નક્કી કરી લીધું છે કે તું જો ના પાડીશ તો હવે હું લગ્ન નહીં કરૂં. જો ભગવાન મારા માટે બે-બે સારી છોકરીઓ બનાવે પણ એમાંથી એક સાથે પણ મારે જો જિંદગી ન વિતાવવાની મળે તો પછી મારે મારા નસીબ સાથે બીજી ટ્રાય નથી કરવી.એટલે તારી અટકળ સાવ સાચી પણ નથી.’ સૌમિત્ર હવે ગંભીર બની ગયો.

‘ઓહો, મારો સૌમિત્ર તો સીરીયસ થઇ ગયો! ચલ, આજે હું તને એક પ્રોમિસ આપું છું. જમશેદપુરનું બૂક રીડીંગ થાય, આપણે ભૂમિને મળીએ પછી હું તને મારૂં ફાઈનલ ડીસીઝન આપી દઈશ.’ હવે ધરાએ પણ સૌમિત્રનો હાથ પકડી લીધો.

‘સાચ્ચેજ?’ સૌમિત્રએ ધરાના સાચ્ચેજ બોલવાના ટોનની નકલ કરી.

‘હા બાબા સાચ્ચેજ. બસ બે મહિના રાહ જોઈ લેજે.’ ધરા હસી પડી.

‘જોઈ લઈશ, પણ ફક્ત મારા સંતોષ માટે મને એટલું કહીશ કે કેમ જમશેદપુર બૂક રીડીંગ પછીજ? તું મને આવતા વર્ષની ડેડલાઇન આપીશ તોપણ મને વાંધો નથી એની તને ખબર છે, પણ તે ખાસ જમશેદપુર કીધું એટલે મારે જાણવું છે.’ સૌમિત્રના ચહેરા પર ઉત્કંઠા દેખાઈ રહી હતી.

‘એ હું તને ત્યારેજ કહું તો?’ ધરા જાણેકે વિનંતી કરી રહી હોય એવા સ્વરમાં બોલી.

‘તો.... મને કોઈજ વાંધો નથી.’ સૌમિત્રએ ધરાના બંને હાથ પકડયા હતા અને એની સામે એણે પોતાની બંને આંખો મીંચકારી.

==ઃઃ==

‘શોમિત્રો વો લડકી કૌન હૈ કિચનમેં?’ ધરાએ શોમિત્રોને પાણી ભરેલો ગ્લાસ આપવાની સાથેજ પૂછી લીધું.

‘કૌન લેડકી?’ શોમિત્રો પાણી પીતાંપીતા બોલ્યો.

‘વો જો કિચનમેં મહારાજ કી હેલ્પ કરતી હૈ?’ ભૂમિએ આમ બોલતી વખતે પણ કિચન તરફ જોયું જો કે રૂમનો દરવાજો આપમેળે બંધ થઇ ગયો હતો.

‘ઇધોર કા શ્ટાફ તો બાબા કે એકદોમ ખાશ આદમી બુદ્ધોબાબુ ડીશાઈડ કોરતા હૈ તો આમી જાની ના. ઉ લેડકીને આપકો કુછ ગોલોત શોલોત કહા ક્યા?’ શોમિત્રોએ ભૂમિને પૂછ્‌યું.

‘અરે નહીં, મુજે લગતા હૈ મૈને ઉસે કહીં દેખા હૈ.’ ભૂમિએ પોતાની મુંજવણ શોમિત્રોને જણાવી.

‘તો ફીર ભાય ભેઈટીંગ? ચોલો કીચોનમેં આપ ખુદ પૂછલો?’ શોમિત્રોએ પોતાનો ગ્લાસ કેકની બાજુમાં મૂક્યો અને દરવાજા તરફ ચાલવા લાગ્યો.

ભૂમિ પણ શોમિત્રોની પાછળ દોરવાઈ. શોમિત્રો અને ભૂમિ હોલ અને બાદમાં પેસેજ પસાર કર્યા અને કોટેજની પાછલી બાજુ જ્યાં રસોડાનો દરવાજો હતો ત્યાં આવ્યા. શોમિત્રોએ દરવાજો ખોલ્યો.

‘લીજીયે ભૂમિજી આપકો જીશ્કો જો પૂછના હૈ પૂછ લીજીએ.’ દરવાજો ખોલીને અંદર આવતાં જ શોમિત્રો એ ભૂમિ માટે રસોડામાં વધારે અંદર જવા માટે રસ્તો કરી આપતાં કહ્યું.

‘હલ્લો, ક્યા મૈ આપકો દેખ સકતી હું?’ પેલી છોકરી અત્યારે એક તવામાં પૂરી તળી રહી હતી અને એની પીઠ ભૂમિ તરફ હતી એટલે ભૂમિ તેનું ધ્યાન દોરવા સહેજ જોરથી બોલી.

ભૂમિનો સવાલ કાને પડતાં જ એ છોકરી ભૂમિ તરફ વળી. અમુક સેકન્ડસ ભૂમિ અને એ છોકરી એકબીજાને ધ્યાનપૂર્વક જોઈ રહ્યા અને એકસાથે જ એ બંને એકબીજાને ઓળખી ગયા.

એ છોકરીની ઓળખ પાક્કી થતાં જ ભૂમિના પગ એ જ્યાં ઉભી હતી ત્યાંજ ખોડાઈ ગયા જ્યારે પેલી છોકરી પણ ભૂમિને ઓળખી જતાં એ એક ડગલું પાછળ ગઈ પણ ત્યાંજ તે પ્લેટફોર્મ ને અડી જતાં ત્યાંને ત્યાં ઉભી રહી ગઈ. એકબીજા સામે જોતાંજોતા ભૂમિ અને પેલી છોકરી બંનેની આંખો અત્યારે પહોળી થઇ ગઈ હતી, પરંતુ ભૂમિને જોયા બાદ પેલી છોકરીની આંખોમાંથી દડદડ આંસુઓ વહેવાના ચાલુ થઇ ગયા.

-ઃ પ્રકરણ ત્રીસ સમાપ્ત :-

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED