સોશિયલ મીડિયા Well Wisher Women દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

''પ્રિન્ટ મીડિયા''

છેલ્લા કેટલાક વર્ષોથી પરિવર્તન નો પવન ફૂંકાયો છે, ફક્ત ભારત પુરતું સીમિત નથી પણ પૂરી દુનિયામાં ઈન્ટરનેટ દ્વારા સોશિયલ મીડિયાનું વાવાઝોડું ફુંકાયું છે. તેમાં દુનિયામાં મોટા ભાગના લોકો અસરગ્રસ્ત છે.

'' સોશિયલ મીડિયાનું

વાવાઝોડું

ક્યાંક પોતીકાને જ

ધૂળની ડમરીઓમાં

દુર દુર અને ખુબ દુર

ફંગોળતાં તો નથી ને ???

તેમાં જોઈએ તો પ્રિન્ટ મીડિયા, સ્ક્રીન મીડિયા,ફેસબુક,વોટ્સઅપ,ટ્વીટર, ઈન્ટરનેટ,ઓનલાઈન શોપિંગ અને સ્માર્ટ ફોન વગેરે લોકોમાં ખાસું પરિવર્તન જોવા મળે છે. એનાથી દુનિયા નાની થઇ ગઈ છે, પણ દુરના લોકો નજીક આવી રહ્યા છે અને નજીકના લોકો દુર થઇ રહ્યા છે. અતિરેક હમેશા દુખદ જ હોય છે.

'' Social Media is about sociology and psychology more than Technology''.

મને ઘણી વાર વિચાર આવે છે કે ઈન્ટરનેટ નહોતું ત્યારે શું દુનિયા ના સમાચાર લોકો સુધી નહોતા પહોચતા ? ચોક્કસ પહોચતા હતા. જયારે ટીવી યુગ નહોતો ત્યારે પણ સમાચાર પહોચતા જ હતા. ત્યારે માધ્યમ હતું રેડીઓ અને સમાચાર પત્ર. એટલે એવું કહી શકાય કે સોશિયલ મીડિયા માં જુના માં જુનું પ્રિન્ટ મીડિયા જ કહી શકાય.કારણ રોજેરોજ નિયમિત ઘરે ઘરે પહોચતું ''છાપું''. મને યાદ છે ત્યાં સુધી મારા ઘરમાં સવારે જ્યાં સુધી સવારની ચાઈ અને છાપું ન મળે તો બેબાકળા થઇ જતા. અને મજા ની વાત તો એ હતી કે મોટા ભાગ ના લોકો ને પછી જ પ્રેશર આવે. એક જાતનું વ્યસન જ થઇ ગયું હતું. ગમે એટલી ઉતાવળ હોય સવારે પણ છાપામાં હેડલાઈન તો વાંચવી જ પડે. એ સમય માં છાપું એ લોકો ના હૃદય નો ધબકાર હતો. દરેક ભાષામાં સમાચાર પત્ર બહાર પડતા. આપણે ગુજરાત માં વાત કરીએ તો જનસત્તા થી માંડીને દિવ્યભાસ્કર સુધીની સફર રોમાંચક જ રહી છે.આપણે બધા એના સાક્ષી છીએ. અલગ અલગ દિવસે આવતી એની પૂર્તિ માં વાંચન નું કેટકેટલું વૈવિધ્યપૂર્ણ રહેતું. આજે પણ આજ સમાચાર પત્ર લોકોના દિલ પર રાજ કરે છે અને કરતા રહેશે.દિવસ ની શુભ-શરૂઆત આજે પણ ન્યુઝપેપર ની શાહી સવારીથી જ થાય છે.હા, આજે થોડો ફરક છે કે કારણ આગળના દિવસે રાતે ટીવી માં જોઈ લીધેલા ન્યુઝ બીજે દિવસે થોડા વાસી લાગે છે. તેમ છતાં તેનું મહત્વ ઘટ્યું નથી જ ! આજે એક જ ઘરમાં ચાર જાતના ન્યુઝપેપર આવતા હોય છે. આજથી વર્ષ ત્રીસ પહેલા તો ઈલેક્શન હોય, રોગચાળો ફાટી નીકળ્યો હોય, યુદ્ધ ચાલતું હોય અથવા કુદરતી હોનારત થઇ હોય આવા સમય માં લોકો કાગડોળે ન્યુઝપેપર ની રાહ જોતા હોય. અને ઘણી વાર સ્પેશીયલ બુલેટીન ના નામે સાંજના સમયે પણ છાપું પબ્લીશ થતું. કારણ ત્યારે સમાચાર મેળવવાનું એક જ માધ્યમ હતું અને એ પણ સૌથી સરળ અને સૌને પોસાય તેવું સસ્તું પણ. વાંચન ના શોખીન લોકો તો એક એક લાઈન રસથી વાંચતા. અને પાછું એ પણ વિચારતા કે વાંચેલા જુના છાપા ના પણ પૈસા આવવાના જ છે.

હાલ ની વાત કરું તો ન્યુઝપેપર નું મહત્વ ઓછું તો નથી જ થયું. હા, ૨૦% લોકો એ ઈન્ટરનેટ પર વાંચતા થયા છે. આજે ઈન્ટરનેટ ના યુગ માં પણ છાપા અને મેગેઝીન ઘરે ઘરે આવે જ છે અને વંચાય જ છે. એક વાત કહીશ કે જયારે તમારી પાસે વધુ વિકલ્પો હોય છે ત્યારે વધુ ગુંચવણ ઉભી થાય છે અને સરવાળે સમય પણ વધારે બરબાદ થાય છે. આજે દરેક ના ઘરમાં એક દ્રશ્ય સામાન્ય છે કે ડ્રોઈંગ રૂમ માં ટીવી ચાલુ હોય અને દરેક સભ્ય એના મોબાઈલ માં રાત હોય. જયારે ફક્ત પ્રિન્ટ મીડિયા હતું એટલે કે ન્યુઝપેપર,મેગેઝીન અને પુસ્તકો વાંચ્યા પાછી પણ એક પરિવારના લોકો સાથે બેસીને રોજ રાતે સમય વિતાવતા હતા અને એકબીજાના માં ની વાત જાણતા અને એના રસ્તા નીકળી શકતા હતા. આજે સ્ટ્રેસ નું પ્રમાણ વધવાનું એક કારણ આ પણ હોઈ શકે છે. ઘરમાં શું વંચાય છે એની જાણ વડીલોને રહેતી. જેનાથી ઘણા બધા અનર્થો થી બચી શકાતું હતું.

નીતા શાહ

'' ફેસબુક''

સોશિયલ મીડિયામાં ફેસબુક અત્યારે છવાઈ ગયું છે.

કેટકેટલા ફ્રેન્ડસ..કેટલા સંબંધો.. લાઈક્સ.. અનલાઈક્સ. .બ્લોક.. અનફ્રેન્ડ.. કોમેન્ટ્સ...અને બહુ બધું...!

કેટલા બધા શબ્દો કોમન કરી નાખ્યા, કે જેને આપણે રોજબરોજ ઉપયોગમાં લેવા લાગ્યા ! ચોક્કસ તેણે લોકોને પોતાના ભાવ શબ્દ દ્વારા, ચિત્ર દ્વારા રજુ કરવા માટે એક સ્ટેજ પૂરું પાડ્યું છે! જે વ્યક્તિની જરાય નોંધ લેવાતી નહોતી, અથવા તો પોતાના વિચારો રજુ કરવા માટે જે પ્રિન્ટ મીડિયા સુંધી પહોંચી શકે તેમ નહોતા, તેમને જાહેરમાં જાણે કે સ્વર્ગ મળી ગયું. અને ધારોકે ઓછી સ્કીલ હોય, તો એને વધારવા માટે પ્રેક્ટીસ કરવા માટેનું લોકોને સાધન મળી ગયું..!

એવા કેટલા લેખકો કે કવિઓને મેં ફેસબુકના માધ્યમથી પ્રચલિત થતા જોયા છે ! તે એક વિશાળ વર્ગખંડ બની રહ્યું છે. ગઝલની જ વાત કરું તો કેટલા બધા કવિઓનું પોલિશિંગ આ માધ્યમ દ્વારા થયું છે, અને હવે તેઓ પ્રખ્યાત ગઝલકાર છે. ગઝલને ઊંડાણથી જાણકાર અમુક કવિઓ તો રીતસર પોતાના પ્રોફાઈલમાં ગઝલ, એનું બંધારણ અને નિયમો વિષે માહિતી આપે છે! આમ એક બહોળું સ્ટેજ મળી ગયું લોકોને પોતાની કોઈ પણ આવડત બતાવવા માટે! અને તે સારું જ છે, કે આખી દુનિયા એક મંચ પર એકઠી થઇ અને જાણે નાની બની ગઈ. કેટલા લોકો એવા છે કે જેઓ પોતાનાં સ્નેહીઓ વિદેશમાં કે દૂર રહેતા હોવાને કારણે મળી નહોતા શકતા, કે ફોન પર વાત નહોતા કરી શકતા, તેઓ આ માધ્યમથી રોજ એકબીજાને મળતા થયા !

અને લોકોએ ધમધોકાર ફ્રેન્ડસ બનાવવા માંડ્યા, રોજની ધડાધડ પોસ્ટ મુકવા માંડી, એક વ્યક્તિના ૧૦-૧૦ પ્રોફાઈલ્સ હોય, એવું થવા માંડ્યું..! કારણ? આપણે તો માણસ ! આપણને લીમીટમાં રહેતા આવડે છે જ ક્યાં? એટલું ઓછું હોય એમ સરખામણી વધવા માંડી ! એનામાં આટલી લાઈક્સ અને મારામાં આટલી ઓછી? અને પછી સંઘર્ષો શરુ થાય ! મેસેન્જર આવ્યા પછી તો ડાટ વળી ગયો ! રીતસરના મેસેજ આવે, કે તમે પેલાની પોસ્ટ પર તો રોજ લાઈક આપો છો, મારી પોસ્ટમાં કેમ નહિ? તમે અમારા બંનેના ફ્રેન્ડ છો, તો કોમેન્ટ તો આપો ! અને પછી વધારે લાઈક્સ મેળવવાની હોડમાં ખોટા આઈડી સાથે ખોટેખોટું છોકરીના નામનું પ્રોફાઈલ બનાવી લોકોની વાહ વાહ એકઠી કરી રાજીના રેડ થઇ જવું, આ વ્યવહાર વધવા માંડ્યો.

અહી સુંધી તો ઠીક છે, પણ લોકોનું ઓબ્સેશન વધવા માંડ્યું ! છોકરીઓને પ્રપોઝ કરવું, પરેશાન કરવાથી માંડી તેમને બ્લેક્મૈલ કરવું, આ બધું જ બનવા માંડ્યું..આવું ખાલી છોકરીઓ સાથે થાય, એવું પણ નહિ હો ! અને હદ તો ત્યારે આવી કે પોતાને પોતાની પોસ્ટ પર વધારે લાઈક્સ નાં મળે, કે કોમેન્ટ નાં મળે, તો લોકો પોતાને બિનજરૂરી સમજવા લાગ્યા..! પોતે કોઈને ગમતા નથી, એવી ભ્રાંતિમાં ડીપ્રેશનના કેસો વધવા લાગ્યા. અને હદ તો ત્યારે પાર થઇ ગઈ કે આપઘાતના કેસ રોજબરોજ વધતા જાય છે ! યુવાન દીકરીઓ, એટલેકે ૧૪-૧૫ વર્ષની બાળકીઓ, કે જેઓ એક ચંચળ હરણીની જેમ હોવી જોઈએ, પતંગિયાની જેમ ઉડાઉડ કરતી નટખટ દીકરીઓ સેલ્ફી અપલોડ કરવામાં અચાનક મુગ્ધામાંથી યુવાન અને ઠાવકી બની ગઈ! આ શું થવા બેઠું છે!

કોઈના હાથમાં ચાકુ હોય, તો એનો ઉપયોગ શાક કાપવા કે ફ્રુટ કાપીને પોષણ મેળવવા પણ થઇ શકે, અને કોઈનું ખૂન કરવા પણ થઇ શકે..! એમાં ચાકુનો શું વાંક?

શું આપણે કશું જ સારું, સારી રીતે વાપરી નહિ શકીએ? વિચારી જુઓ, પ્રકૃતિ તો અત્યારે આપણને જવાબ આપી રહી છે ! સારી વસ્તુને સારી રીતે વાપરતાં ક્યારે શીખીશું ?

સુષ્મા ઠક્કર

ઓનલાઈન શોપિંગ

ટીવી ઉપર ઘણા વખતથી ઘણી જાહેરાતો જોતી હતી, ઓનલાઈન શોપિંગની ! ક્યારેય કશું ય મંગાવવાનો પ્રયત્ન કરવાનું મન પણ ન હતું થતું. પણ અઠવાડિયું દીકરીને ત્યાં રોકવા ગઈ ત્યારે જોયું એમનું ઓનલાઈન શોપિંગ. એણે કહ્યું,'' મમ્મી વિદેશોમાં તો આ કેટલા વખતથી ચાલે છે અને હવે તો અહી અમારી જનરેશન તો આના ઉપર આધાર રાખે છે.''

એના ઘરમાં અમુક વસ્તુઓ ખલાસ થઇ ગઈ હતી એટલે બેસી ગઈ એ તો ફોન લઈને ઓર્ડર કરવા. ઓર્ડર મોકલી દીધો સાથે પેમેન્ટ પણ કરી દીધું અને બીજા દિવસે સાંજનો સમય આપી દીધો. જયારે એ નોકરી પરથી પાછી આવી ગઈ હોય ! બીજા દિવસે રાત્રે તો એક માણસ લખાવેલી બધી જ વસ્તુઓ લઈને હાજર! અમુક રકમથી વધારે બીલ હતું એટલે ૬ હાફૂસ કેરી ફ્રી આપી અને આપેલ સમય કરતા થોડું મોડું થયું હતું એટલે પાંચ ટકા ડીસ્કાઉન્ટ, જે એના પછીના ઓર્ડરમાં વળતર રૂપે આપી દેવામાં આવે.

હું તો ચકિત થઇ ગઈ ! આ તો કેવું સારું ? ઘેર બેઠે,પેટ્રોલ બચાવીને, બજારની ભીડભાડથી દુર, કાઉન્તર પર ઉભા રહેવાનો સમય બચાવીને, યોગ્ય કિંમતમાં,આપણા સમયે ઘેર બેઠે બધી વસ્તુઓ મળી જાય ! શાક અને ફળોથી માંડીને બધી જ વસ્તુઓ આપણે જાતે ચૂંટીને લઇ આવીએ એના કરતા પણ સારી !

પછી તો ઓનલાઈન શોપિંગ વિષે ઘણું બધું જાણવા મળ્યું. ઘરની ચીજ વસ્તુઓ, કપડા,જૂતા,ફર્નીચર બધું જ બધા ઓનલાઈન મંગાવતા થઇ ગયા છે, ખાસ કરીને યુવાનવર્ગ. એક ઘર માં તો વળી ત્રણ વર્ષનું બાળક પણ એક રમકડાનો ફોટો બતાવી એની મમ્મી ને કહે,'' મારા માટે આ ઓર્ડર કરજે ને !''

કેટલું સારું છે ઓનલાઈન શોપિંગ! ઘેર બેઠે ફોનથી ઓર્ડર કરો અને બધું જ હાજર ! વસ્તુઓ સારી,પૈસાની કોઈ માથાકૂટ નહિ અને સમયનો બચાવ. કેટલા ફાયદા ! શાંતિથી વિચાર કર્યો જાતે ખરીદી કરવા મોલમાં જવું છું ત્યારે ખાસ બે-ત્રણ કલાક સરસ રીતે પસાર થઇ જાય છે, ત્યાં કોઈ ઓળખીતું મળી જય તો હાથમાં ટ્રોલી પકડીને કેટલી સરસ જાતજાતની વાતો થાય ! ઓનલાઈન શોપિંગ કરીને માણસો સાથે નો સંસર્ગ ઓછો જ કરવાનો ને !

બહાર જવાનો બીજો ફાયદો -ઘેર બેસીને તો એનો જ ઓર્ડર કરીએ જેની આપણને ખબર હોય. બહાર ખરીદી કરવા જઈએ તો ન ખબર હોય એવી પણ કોઈ વસ્તુ બજારમાં આવી હોય તો ખબર પડે. એ આપણી મૂળ પસંદગી કરતા સારી પણ હોઈ શકે. વસ્તુ ફોટા માં જોવી અને હાથ માં લઈને ફિલ કરવી બે માં કેટલો બધો ફેર પડી જાય ?

ખાસ કરીને કપડા... ઘણી વાર દુકાન માં એવું થાય કે સાડી કે ડ્રેસ,પેન્ટ કે શર્ટ જોઇને ખુબ ગમે પણ પહેરીને લાગે કે ના,ના એટલું સારું નથી લાગતું. બીજું ટ્રાય કરો. દસ ડ્રેસના ટ્રાયલ લઈને એક પણ ન લો. ઓનલાઈન માં તો ફોટો જોઇને મંગાવવાનું ને ? આવી સવલત થોડી મળે ?

દરેક વસ્તુની જેમ ઓનલાઈન શોપિંગ ના ફાયદા-ગેરફાયદા બંને છે. દરેક સિક્કાની બે બાજુ તો હોય જ ને ? બહુ વ્યસ્ત રહેતા હોઈએ અને બહાર જવાનો બિલકુલ સમય ના મળતો હોય, શરીર કે મન અસ્વસ્થ હોય તો ઓનલાઈન શોપિંગ બહુ સારું. બાકી જાતે જઈને ખરીદવા જેવી બીજી મજા નહિ.ક્યારેક લીસ્ટ માં ભુલાયેલી વસ્તુ પણ દુકાનમાં જોઇને ખરીદવાની યાદ આવી જાય. દરેક જણ પોતપોતાના સમય,સંજોગો,સગવડ પ્રમાણે નક્કી કરી લે.

ગીરીમા ધારેખાન

ઈન્ટરનેટ ની શોધ નો જશ આપવો હોય તો લીયોનાર્દ ક્લેનરોક ( Leonard kleinrock) ને આપી શકાય. મે 31 1961 ના દિવસે લોકો માટે જાહેરમાં મુકાયુ.
1962 માં જે.સી.આર. લીકલાઈડર ( J.C.R.Licklier) પહેલા PITO ના ડાયરેક્ટર થયા ને વિઝન સ્પષ્ટ કર્યુ. રોબર્ટ ટેલર( Robert taylor) ની મદદથી લીયોનાર્દ ક્લેનરોક અને જે.સી.આર લીકલાઈડર એ મળી ને આરપનેટ ઈનીટીઅલ ક્રિએશન ( Arpanet Initial creation ) નામથી કામ શરુ કર્યુ.

અત્યારે આપણે જે ઈન્ટરનેટ નો ઉપયોગ કરીએ છીએ એની શરૂઆત યુનાઇટેડ સ્ટેટ ના કેલિફોઁનિયામા 1960 માં થઈ એમ કહી શકાય. પણ 1968 ના ડિસેમ્બરમાં ‘A study of computer network design perameters’ નામની સંસ્થા બની જેમા બીજા પણ ઘણાની મહેનત કામે લાગી. ને જાહેર જીવનમાં લોકો શિખવા લાગ્યા ઈન્ટરનેટ વિશે. જૂલાઈ 3 1969 ના દિવસે UCLA
યુનિવઁસીટી ઓફ કેલિફોઁનિયા ...લોસ એન્જલસ.. એ લોકો સમક્ષ પ્રેસમાં આપી ને જાહેર જનતા માટે ઈન્ટરનેટ ખુલ્લુ મુકયુ.

આ રીતે ઈન્ટરનેટ આપણા બધા સુધી પહોચ્યુ..ને આજ ના યુગ ની જરૂરીયાત બન્યુ. દરેક ક્ષેત્રમાં ઈન્ટરનેટ એ પગપેસારો કર્યો છે. પછી તે ગામડાની ખેતીવાડી હોય કે હાયટેક શહેરનું ટેકનોલોજી થી ભરેલું જીવન. આજે ઈન્ટરનેટ ની શોધ થઈ છે તો દુનિયા એકદમ નજીક લાગે છે. ફેસબુક. ...વોટ્સઅપ..ટ્વિટર. ..આવી તો કેટલીએ સાઇટ ઈન્ટરનેટ ને આભારી છે. એક ક્ષણમાં કયાં ના કયાંની જાણકારી મળી જાય. ....દુનિયાના કોઇ પણ ખૂણે રહેલી વ્યક્તિ સાથે વાત કરવી ...આ બધુ તો સહજ વાત થઈ ગઈ છે.

ધંધા રોજગારના ફેલાવા માટે તો જાણે એના વગર ચાલે જ નહી. ઓન લાઇન ધંધાની બોલબાલા વધતી જ જાય છે. પહેલા જે માન્યતા હતી કે જોઈ ચકાસી ને જ ખરીદી કરાય એ વાત ની તો હવે આજ ના જનરેશન ને જરૂર જ નથી લાગતી. એટલે એવું પણ નથી કે જોયા વગર માથે પડે એવુ બધુ મળી જાય છે. ઓનલાઈન

ખરીદીમાં પણ બધુ જોઈ ને ખરીદી શકાય છે. એ ત્યાં સુધી કે ન ગમે કે વસ્તુ સારી ન નીકળે તો બદલી પણ શકાય.

એજ રીતે આરોગ્ય ને લગતી બાબતોમાં પણ ઈન્ટરનેટ નો ખુબ બહોળો ઉપયોગ થાય છે. અરે અંતરીયાળ ગામડામાં પણ ઈન્ટરનેટ ની મદદથી દેશ વિદેશના તબીબો સાથે વિચાર વિમસઁ કરી માગઁદશઁન મેળવી સારવાર શક્ય બનતી થઈ છે.

તો ખેતીવાડી ના કામમાં પણ એનો વ્યાપક ઉપયોગ લાભદાયી સાબિત થયો છે. દેશ વિદેશના ખેડૂતો નવી નવી ટેકનોલોજી ની આપ લે કરી વધારે સારી ખેતી કરતા થયા.

વિદ્યાભ્યાસમાં તો એમ લાગે કે સૌથી વધારે ઈન્ટરનેટનો ઉપયોગ થતો હશે. એક દેશમાં બેઠાબેઠા બીજા દેશમાં પરિક્ષા આપવી તો જાણે રમત વાત થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ ને કંઇ પણ મુંઝવતા પ્રશ્ર્ન હોય મોટા મોટા થોથા ઉથલાવી શોધવાનું ને એ માટે કાં તો પુસ્તકો ખરીદવા પડે કે પુસ્તકાલયમાં જવાનો સમય કાઢવો પડે. એ માટે પણ પ્રવાસી સાધનનો ઉપયોગ કરવો પડે. એટલે પેટ્રોલ કે ડિઝલ નો ઉપયોગ થાય. ને પ્રદૂષણ ફેલાય. એ રીતે પરોક્ષ રીતે પ્રદૂષણ ન ફેલાય. ઈન્ટરનેટ નો ઉપયોગ ઘર બેઠા જ કરી જે જોઇએ સચઁ કરી લે એટલે.

આ ટેક્નોલોજી ને કારણે માનવ સમયનો ખુબ બચાવ થયો છે. એટલે ઓછા સમય ને ઓછી માનવ શક્તિ એ કામ ઝડપી થાય છે. બેન્કિંગ ક્ષેત્રમાં તો દરેક કામ ઈન્ટરનેટ દ્વારા જ થાય છે. પૈસાની લેવડ દેવડથી માંડીને બધી જાતના કામ ઈન્ટરનેટે સરળ બનાવી દિધા છે.

તો સામે અમુક ગેરફાયદા પણ છે. માનવ કલાકની બચત ને લીધે બેકારી વધી. જોબ પર ઓછા લોકો ને રાખીને પણ કામ વધારે થઈ શકે એટલે બાકીના લોકોને કામ ન મળે. ને નવરું મગજ ઉલ્ટા કામ કરવા પ્રેરાય.

દરેક નવી શોધના ફાયદા ને ગેરફાયદા તો રહેવાના જ.

આ ઈન્ટરનેટ ને લીધે સોશિયલ મીડિયા નો વ્યાપ વધ્યો. અને આપણે બધા એકબીજાની વધુ નજીક આવ્યા. પોતાના વિચારો મુક્ત રીતે પ્રદર્શિત કરતાં થયા. જે વાત સામે સ્પષ્ટ રીતે ન કહી શકીએ એ આ માધ્યમ દ્વારા સહજતાથી કહી શકાય. પોતાના વિચારો દેશ વિદેશમાં ક્ષણોમાં શેર કરી શકાય. જે પહેલા શક્ય ન હતું. પહેલા તો પોતાના વિચારો ને લખીને પુસ્તક કે ચોપાનીયા રુપે છાપી બધે મોકલવા પડે...એની પાછળ આર્થિક રીતે પણ ઘસાવુ પડે ને એ પછી પણ કોઈ ખરીદશે કે વાંચશે એ બધી બાબતો ખુબ ભાગ ભજવતી. જ્યારે હવે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ સરળ બન્યો છે. ત્યાં કંઈ પણ મુકો એટલે ઈન્ટરનેટ દ્વારા આખી દુનિયામાં પહોંચી જાય. કોઈ વધારાની ઝંઝટ વગર. આ લેખની જ વાત કરું તો જો પુસ્તક રુપે હોય તો જાણીતા લેખકનું કોઈ પણ ખરીદે પણ અજાણ્યા નો ભાવ કોઈ ન પુછે, પણ અહી તો સહજ રીતે એમ જ ફ્રી માં સામે આવે અને સારું લાગે તો આપોઆપ જ એનો પ્રચાર થાય. આ રીતે ઘણા અજાણ્યા સાહિત્યકાર ને આગળ આવવાની તક મળી છે.

સાહિત્ય જ નહિ પણ બીજી પણ ઘણી બાબતો સાથે આ સાધન જોડાયેલું છે. આ માધ્યમ દ્વારા નવા પરિચય થાય એ દ્વારા જે એકલા પડી ગયા હોય એમને પોતાને ગમતી કંપની મળે. જો કે સમજીને. હવે તો એ રીતે મળેલા બે જીવો એક થઈ પોતાનો સુખી સંસાર પણ ઈન્ટરનેટ ના પ્રતાપે વધારી શકે છે. તો કોઈ વાર ખોટી વ્યક્તિ પણ ભટકાઈ જાય ને જીવનભર પસ્તાવાનો વારો આવે એવું પણ બને. કોઈપણ વસ્તુનો ઉપયોગ સમજદારી થી થાય તો ફાયદો છે જ. પણ અતીરેક વજ્યતે.

ટૂંકમાં આજના યુગમાં ઈન્ટરનેટ વગર કોઈ જ કામ શક્ય નથી. એટલે નાના મોટા સહુએ એનો ઉપયોગ કેવી રીતે કરાય એ શિખવું જ જોઇએ.

...લતા સોની કાનુગા...

...રેખા સોલંકી...

અંતે ઈન્ટરનેટ માટે દિલમાં ઉઠતા ભાવો ને રોકી નથી શકતી.

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ વણાયું જીવન સંગ

માણો મોજથી

ખોલો જાદુઈ છડી

આવે અસંખ્ય કામે એ તો

આપે અચાનક આનંદાશ્ચયઁ

મળે જુના મિત્ર રુપી ખજાનો

તો કોઈ દિવસ

એકલવાયા જીવનને

નવા મિત્રો ની વણઝાર ...

થઈ જરૂરત બિમાર ને લોહી ની

પહોંચાડે સંદેશ ક્ષણોમાં

ને

એમાં એ પડે જરૂરત ધનની વધૂ

કે

નિષ્ણાત તબીબ ની

મળે તુરત એ પણ...

છે ને ફાયદો જ ફાયદો...!

હોય કાઢવી ખોડ એમાંથી

નિકળશે ભૂલો એમાંથી પણ...

અતી વજ્યતે...!

...લતા...