Shraddha - andhshraddhano atirek books and stories free download online pdf in Gujarati

શ્રધ્ધા - અંધશ્રધ્ધાનો અતિરેક

''શ્રધ્ધા - અંધશ્રધ્ધાનો અતિરેક''

શ્રધ્ધા કોને કહેવાય..? શ્રધ્ધા કોના પર રખાય.? શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે શું અંતર.? પૂજા તો સાંભળ્યુ છે, પણ આ વ્યકિત પૂજા વળી શું? અંધશ્રધ્ધાની શરૂઆત કયાંથી થઈ કહેવાય.? અને શ્રધ્ધા તથા અંધશ્રધ્ધાનો અતિરેક - એ વળી શું.?

આજના યુગમાં, શ્રધ્ધા કોઈ એક ભગવાન પૂરતી સિમીત નથી રહી.. એમ પણ કહી શકાય કે, શ્રધ્ધા ઉપર ફકત ભગવાનનો 'કોપીરાઈટ' રહયો નથી.. આજકાલ શ્રધ્ધા તો કોઈ ખાસ વ્યકિત ઉપર પણ હોઈ શકે છે.. આમ તો કોઈના પર અતૂટ વિશ્વાસ હોવો એ પણ શ્રધ્ધાનો જ એક ભાગ છે.. પણ શ્રધ્ધાનો જયારે અતિરેક થવા લાગે ત્યારે તેનું અંધશ્રધ્ધામાં પરિવર્તન થતા વાર નથી લાગતી.. પછી એ ભગવાન પર હોય કે કોઈ વ્યકિત ઉપર.. તો ચાલો પહેલા તો શ્રધ્ધાના અતિરેકના કેટલાક કિસ્સા વાગોળીએ..

શ્રાવણ માસ દરમ્યાન બિચારા ભોળાનાથને આખો મહીનો રિઝવે 'ને પછી તુરંત સૌ કોઈ એમના દિકરાને રિઝવવા કામે લાગી જાય છે.. હા હા, એવુ જ કંઈક થાય છે ને.? ફિલ્મ દિવારના અમિતાભની જેમ, જે બંદો કોઈ દિવસ મંદિરના દાદરા ચડયો ન હોય, એ'ય રાતના બાર વાગે'ય મહાદેવના મંદિરે જઈને, હોય એટલું જોર લગાડીને, આસપાસના વિસ્તારના બે પગા કે ચો પગા પ્રાણી જાગી જયાં ત્યાં સુધી ઘંટ વગાડશે.. હજી તો મહાદેવ માંડ માંડ નાહી ધોઈ, કોરા થઈને બેઠા હશે, ત્યાં તો એ ભઈલો લોટો એક પાણી એની માથે ચડાવી દેશે.. જોરજોરથી પ્રખરપંડિત માફક મંત્રોચ્ચાર કરશે.. અને પછી ઘરે જાતા ભૂલેચૂકે'ય રસ્તામાં કો'ક ભેગુ થાશે એની સામે બડાઈ પણ હાંકશે કે ''શ્રાવણમાં મહાદેવના દર્શન કઈરા વીના આપડે તો સુતા જ નથી, ભલે ગમે એટલા વાયગા હોય તો'ય મંદિરે જાવુ એટલે જાવુ જ..''

અને પછી જયારે શ્રાવણ પૂરો થાય એટલે મહાદેવ જાણે અજ્ઞાતવાસમાં નિકળી ગયા હોય તેમ એના મંદિરે માલોભાયે'ય (આઈ મીન કોઈ) નહીં ફરકે.. પછી તો બધા પાછળ પડશે એમના દિકરા શ્રી ગણેશની.. આજકાલ તો એકાદ એરીયા કે વિસ્તારમાં જ નહીં પણ ગલીએ ગલીએ, અરે અનેક એપાર્ટમેન્ટોમાં ગણપતી ઉત્સવ થવા લાગ્યા છે.. એક સમય હતો જયારે ગામ આખામાં એકાદ બે જગ્યાએ ગણેશ ઉત્સવ મનાવાતો, પૂજા થતી, અને વિસર્જનમાં અનેક લોકો ભાગ લેતા..

(ગણેશ ઉત્સવની શરૂઆત કેવી રીતે થઈ એ તો સૌ જાણે જ છે અને વિકીપીડીયા'બાઈ' તથા ગૂગલ'બાબા' માં વિશેષ્ા માહિતી મળી શકે છે કે સન-૧૮૯૩માં લોકમાન્ય તિલકના માર્ગદર્શન અને ભાઉસાહેબ લક્ષમણ જવલેના નેતૃત્વ હેઠળ પૂનામાં આ ઉત્સવની શરૂઆત થઈ હતી વગેર વગેરે.. એટલે અહીં વધારાની માહિતી આપવી નથી..) પણ આજના સમયમાં આ ગણપતિ ઉત્સવમાં પણ હોડ-હરિફાઈ અને દેખાદેખીનો પ્રભાવ જ જોવા મળે છે, જેમ કે..

- ઓલા એરીયાના ગણપતી કરતા'ય મોટા ગણપતી આપણે લઈ આવવા છે..

- ફલાણા બિલ્ડીંગવારા'વ ચાર 'દિ રાખવાના છે? તો આપણે પાંચ 'દિ રાખસુ..

- વિસર્જનમાં પાછલી ગલીવારા'વ બે ટ્રક અને ઢોલીડા લયાવસે, પણ આપણે તો ત્રણ ટ્રક અને એક ડી.જે. લઈ જાસુ..

અને પછી તો, ગણપતિ ઉત્સવના બહાને મંડપમાં આખો દિવસ અને મોડી રાત સુધી ડી.જે. થકી કાન ફાડી નાખતા અવાજે ફીલ્મી ગીતો(?) પર દાંડીયારાસ, સ્થાપન તથા વિસર્જનમાં છાંટો-પાણી કરીને સરઘસ કાઢીને રાક્ષસ ડાન્સ.. આ બધુ તો સાવ સામાન્ય અને જરૂરી પણ બની ગયું હોય એવું લાગે..

અને છેલ્લે બિચારા વિનાયકજીની હાલત પણ એમના બાપા જેવી જ થઈ જશે એ'ય નકકી.. વિસર્જન પછી 'અગલે બરસ તુમ જલ્દી આના' કહીને, એક વર્ષ સુધી સહુ કોઈ દુંદાળા દેવને ભૂલી જશે અને, આગામી રાવણ દહન, હોલીકા દહન, રામજન્મ, કૃષ્ણજન્મ માટેની એક નવી હરીફાઈ જીતવા માટે કામે લાગી જશે..

કદાચ, આપણી આસપાસ બનતા રહેતા - ચર્ચાતા રહેતા, ખૂન - બળાત્કાર - મોંઘાઈ - બ્લાસ્ટ - સ્કેમના બનાવોને ભૂલી જવા માટે આ તમામ ઉત્સવો ઘણા મદદરૂપ થતા હોય છે.. અને એટલે જ 'ટીમ ભગવાન' પણ આપણને શ્રધ્ધાના અતિરેક ભર્યા આવા કાર્યો કરવામાં મુંગો સહકાર અને હિમ્મત આપતા હશે..

-----

હવે બિજી વાત કરીએ, અંધશ્રધ્ધના અતિરેકની.. એ છે વ્યકિત પૂજા.. મારા અંગત અભિપ્રાય મુજબ 'ભગવાનને પૂજાય, પણ ભગવાનને પૂજનારાને ના પૂજાય..' આ તો એવી વાત થઈ કે કોઈ તમારા મારફતીયા કે આંગડીયા થયા.. જેનો ચાર્જ, એક યા બિજી રીતે આપણે એ મારફતીયાને ચુકવવો જ રહયો.. તો પછી એના કરતા તો ભગવાન સાથે ડાયરેકટ ડિલીંગ કે ડાયલિંગ કેમ ન કરાય.? સાલા કોઈ છુપા કે ફુદળીવાળા ચાર્જ જ નહીં.. અને આમેય 'ઓ.એમ.જી. - ઓહ માય ગોડ' જેવી ફીલ્મમાં જોવા મળ્યા મુજબ, ભગવાને કયાં કોઈ બ્રાંચ ખોલીને પોતાના એજન્ટ નીમ્યા છે? ભગવાન કયાં પૂછે છે કે ભાઈ, તમે કોના રેફરન્સથી મારી ઓફીસમાં આવ્યા.? એ તો તમારી શ્રધ્ધાનો પૂરાવો પણ કયાં માંગે છે.?

પણ, આપણે ભારતિય લોકો આ વાત સમજી નથી શકતા, આમ તો સ્વિકારી નથી શકતા, અને કદાચ એટલે જ શ્રધ્ધાના નામે અંધશ્રધ્ધા ચલાવનારાઓના રાફડા આપણા દેશમાં ફાટયા છે.. (અન્ય દેશોમાં પણ છે, પણ એનાથી આપણે કેટલા ટકા.?) અને આવા રાફડાના કેટલાય સાંપ, ફકત ફૂંફાડા જ નથી મારતા પણ દંશ પણ આપે છે, ઝેર પણ ઓકે છે, અને તો'ય દંશ ખાનારા - ઝેરથી પીડાતા સિવાય, અન્ય લોકો આંઘડા બનીને ગાડરની માફક એ સાંપને દૂધ પાયે રાખે છે, પૂજયે રાખે છે.. જેથી એવા લોકો પોતાની આસુરી શકિતઓનો વધારો કરીને વધુ બળવાન બનતા જાય છે..

આજના સમયમાં તો મને લાગતું પણ નથી, કે આવી આસુરી શકિતઓનો વિનાશ કરવા ભગવાન ફરી પાછા મનુષ્યરૂપે અવતરે અને આવા લોકોનો સંહાર કરીને આપણને એમની જંજાળમાંથી મુકત કરે.. હવે તો સ્વબચાવ સિવાય કોઈ વિકલ્પ જ નથી.. એટલે આપણે પોતે આવી આસુરી શકિતઓ સામે ફકત ઝઝુમવું જ નહી પણ લડવું પડશે, અને જીતવું પણ પડશે..

અને આના માટે આપણે કોઈએ કાનૂનને હાથમાં લેવાની કે હિન્દી સિનેમાના હીરોની જેમ માથે કફન બાંધી, હાથમાં ભાતભાતના હથિયાર સાથે, મા ના આશિર્વાદ લઈ, ૫ત્નિ કે ગર્લફ્રેન્ડને 'મેરા ઈન્તઝાર કરના' કહેવાની પણ જરૂર નથી.. આપણે તો આવા લોકો ઉપર મૂકેલો અંધશ્રધ્ધારૂપી વિશ્વાસ પડતો મૂકી, એમની કહેવાતી ઓફીસોની મુલાકાતો બંધ કરીને એમને નોંધારા કરવાની જરૂર છે.. એક વાર આપણે એમને પડતા મૂકી દેશું તો પછી એમનું અસ્તિત્વ જ નષ્ટ થઈ જશે અને આફુડા કંઈક બીજા કામધંધે વળગી જશે..

..સેજપાલ શ્રી'રામ', ૦ર૮૮

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED