ઉકરડો shriram sejpal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉકરડો

''ઉકરડો''

જેની નજીક જવામાં લોકો પોતાના નાક બંઘ કરી દેતા હોય છે, એવા ખદબદતા ટોપીક ઉપર મેં નિબંધ લખવા માટે પસંદગી ઢોળી છે, બોલો..

ચાલો, તમે રહેવા દો, હું જ બોલું (લખું) છું.. મારી એ પસંદગી એટલે મારા ઘર સામેનો 'ઉકરડો'.. હા, મારા ઘરની સામે થોડે દૂર એક ઉકરડો ઘણા સમયથી ઉગ્યો છે, અને અમારા વિસ્તારના લોકોના સહીયારા અને અથાગ પ્રયાસોથી એ કાયમ ફૂલ્યો-ફાલ્યો-ફેલાયેલો રહે છે.. કયારેક તો મને એવી ભીતિ પણ થાય ખરી કે, એ ઉકરડો મને સેલિબ્રીટી સમજીને મારી મુલાકાત લેવા માટે થઇને કયાંક સાવ મારા ઘરની નજીક તો નહીં આવી જાય ને.? આમેય એ ઉકરડાની ફોરમ એની હાજરીની અનુભૂતિ તો સતત કરાવતી જ હોય છે..

ખબર નહીં કેમ? પણ સૌ લતાવાસીઓને જાણે આ ઉકરડા વગર ચાલતું જ નથી.. એટલે જ તેને ખસેડવાનું કે સદંતર કાઢી મુકવાનું કોઇને મન જ નહીં થતું હોય.. અરે મ્યુનિસિપાલીટીના માણસો રોજ સવારમાં આવીને ટ્રેકટરમાં સમાય એટલો તો એને ઉસેડી જાય, પણ બે-ચાર કલાકમાં તો ફરી પાછા સૌ હળી-મળીને, સંપી-જંપીને એને પાછો તાજો-માજો 'ને હર્યો-ભર્યો કરી મૂકે..

કોઈ દિવસ સૂર્ય સામે હરીફાઇમાં ન ઉતરતા હોય એવા કેટલાક લોકોની કયારેક ફરીયાદ પણ કાને આવે ખરી કે, આ ઉકરડો તો કાલે રાત્રે હતો એવો 'ને એવો જ છે, આને ઉપાડવાવાળા કોઇ 'દિ આવતા જ નથી કે શું? પણ એ લેટલતીફોને કોણ કહેવા જાય કે, 'અલ્યા લોટા, ઉકરડો ઉપાડનારા તો આવ્યા જ હતા, પણ ત્યારે તમો ગોદડીના અંધકારમાં લપાઈને સંતાકૂકડી રમતા હતા (અને એટલે જ એ બિચારાઓને તમો દેખાણા નહી, નહીંતર તો તમોને પણ ઉસેડી જાતે..)

આમ તો અમારા આ લાડકવાયા ઉકરડાની લોકપ્રિયતા પણ જબરી હો? કારણ કે, અમારી આગલી-પાછલી-સામેની-બાજુની 'ને અડખે-પડખેની કેટલીયે શેરીના લોકો પણ અમારા ઉકરડાની જ મુલાકાત લેવા આવે.. તેનું લાલન-પાલન 'ને ભરણ-પોષણ કરીને હોંશેહોંશે ઉછેરે.. અને તો'ય, અમને એ વાતનું સ્હેજે'ય અભિમાન નહીં.. તેમ છતા પણ કયારેક આ વહાલા ઉકરડા પ્રત્યેની 'પઝેસિવનેસ'થી તડપતા અમારા પૈકીનું કો'ક, એ દૂરના પાડોશી શેરીના પારકા લોકોને આ ઉકરડાની આસપાસ ફરકવાની પણ મનાઇ ફરમાવે, ત્યારે તો જોવા જેવી અને સાંભળવા જેવી થઈ જાય.. આ ઉકરડાની લોકપ્રિયતા નહીં તો બીજું શું.?

એમ તો હું પોતે જાહેર સેવક ખરો, પણ આ ઉકરડાનું કાસડ કાઢી નાખવા માટેનું ડિપાર્ટમેન્ટ મારૂ નહીં.. (અરે ખરેખર, તદન અને સાવ સાચું જ કહું છું.. હું એ વિભાગમાં નથી તો નથી.. અને આટલી ચોખ્ખવટ કરવાનું કારણ પણ ખરૂ.. રખે તમે કહેશો કે સરકારી માણુસોનો જવાબ પણ આજકાલની ક્રિકેટ મેચોની માફક ફીકસ જ હોય).. હા તો, આ ઉકરડા ઉપાડવાનું કામ મારૂ નહી.. (અલબત ઉકરડા કરવાનું પણ નહી જ, મારા ઘરમાં મેં કોઇ પણ પ્રકારની લોન લીધા વગર ત્રણ-ત્રણ ડસ્ટબીન વસાવેલા છે, જેમાં ભેગો થયેલો મારો પર્સનલ ઉકરડો રોજ સવારે સીધો જ ટ્રેકટરવાળાને હાથોહાથ સોંપવાનો હું ગર્વ અનુભવતો હોઉં છું..)

હા તો ફરી પાછો મૂળ મુદા પર આવું કે, આ ઉકરડો: મોર્ડન શહેરના મધ્યમવર્ગીય વિસ્તારમાં ઉછરીને, હાથથી ગયેલો 'ને ઉછાછળો કહી શકાય એવો શહેરી ઉકરડો છે, અને હું જુદા વિભાગમાં-એટલે કે શહેરી વિભાગમાં નહીં પણ ગ્રામ્ય વિભાગમાં ફરજ બજાવું છું, એટલે હું પણ જુના પીકચરની હીરોઇનની જેમ મનમાં જ બોલું કે ''મેં કયા કરૂ? મેં મજબૂર હું..'' પણ તો'યે મારા લતાવાસીઓ મારી આવી સ્પીચલેસ લાગણી સમજયા વગર જ, મારી પાસે એવી અભદ્ર અપેક્ષા રાખતા હોય છે કે આ બિચારા લાગતા (પણ હકીકતે તો માથાભારે છે એવા) ઉકરડા માટે હું કંઇક કરી છુટું..

મને પોતાને પણ કયારેક એમ થઈ આવે કે, મારે કંઈક કરવું જોઈએ.. કંઈક બદલાવ લાવવા માટે પ્રયાસ તો કરવા જ જોઈએ.. આ સમાજને બદલું, લોકોની વિચારધારા બદલું, અરે છેલ્લે બાકી આ ઉકરડાની જગ્યા બદલે એવું તો કંઈક કરી જ નાખું.. પણ પછી પેલો વોટસએપમાં ફરતો જોક યાદ આવી જાય કે 'ઘરમાં ટી.વી.ની ચેનલ પણ બદલી ના શકતા લોકોએ, સમાજ-દેશને બદલવાની મોટીમોટી 'ને ખોટેખોટી વાતો ના કરવી જોઈએ'.. એટલે જ પછી મારા વિચારો પર હેન્ડબ્રેક મારતો રહું 'ને નજર સામે પાંગરતા ઉકરડાને નિત્યદિન જોતો રહું..

એવું નથી કે મને રોજ આ ઉકરડો જોવો ગમે છે, મને તો એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોર પર આવેલા મારા ઘરના ઓટલે બેસવું ગમે છે, અને એટલે જ નાછૂટકે મારે આ ઉકરડાને પણ નિહાળવો પડે.. અને એટલે જ આ ઉકરડાની આસપાસ બનતી ઘટનાઓથી હું વાકેફ હોઉં છું..

આમ તો આ ઉકરડાના જન્મસ્થળ પાસે પાલિકાવાળાવે નાનું ડસ્ટબીન મુકયું હતું.. પછી મોટું મુકયું.. આખરે પબ્લીક ડીમાન્ડને માન આપીને ટ્રેકટર સાઇઝનું મોટું કન્ટેનર મુકી ગયા હતા.. પરંતુ 'જેનો આરંભ છે, એનો અંત પણ છે' એ સંવાદ માફક એ કન્ટેનર અમારા સૌની જરૂરીયાતો સંતોષવામાં કાળક્રમે ભાંગી પડયું (હા, હકીકતે તુટી જ ગ્યું).. અને પછી તો અવગતે ગયેલા એ જમ્બો કન્ટેનરે, જમ્બો ઉકરડારૂપે જ જન્મ લઈને અમને સૌને એવા બાનમાં લીધા છે, કે આજ સુધી અમે આ ઉકરડાના મોહમાંથી છુટી નથી શકયા.. અને પાલિકાવાળા? એ તો પોતાના સ્વ.કન્ટેનરને 'એકનો એક દિકરો' સમજતા હશે, એટલે જ એના મૃત્યુનો બદલો લેવા માંગતા હોય એમ અમારા 'જાની દુશ્મન' બનીને નવું કન્ટેનર મુકવાની તસ્દી'ય લેતા નથી..

લાચાર લોકો પણ શું કરે? પાલિકા સામે બાંયો ચડાવવા ધરણા કરે, દેખાવો કરે, અરે બહુ બહુ તો પાલિકા કચેરીના દરવાજે સુંડલો એક કચરો ઠલવી આવે, એનાથી'ય સંતોષ ના થાય તો નગરસેવકને આગામી ચુંટણીમાં મત નહીં આપવા ધમકી આપે.. બસ.. આખરે બિચારા-બાપડા લોકોથી બીજું થાય પણ શું.? બાકી તો 'ગ્રીન સિટી-કલીન સિટી', 'જયાં ત્યાં કચરો ના ફેકોં', 'એક પગલું સ્વચ્છતા તરફ', 'કચરો-કચરાટોપલીમાં જ નાખો' વગેરે વગેરે જેવા પ્રેરક સુત્રોથી કોણ અજાણ હોય.?

પરંતું, અહીંયા તો વાત કચરાટોપલી વિહોણા ઉકરડાની છે.. તમે જ કહો, લોકો કચરો નાખે તો નાખે કયાં.? શું ઘરમાં સંઘરી રાખે? કે પછી કચરો કરવાનું બંધ કરી દે.? શું એ શકય છે? અરે ભાઈ, કચરો કોઈ કરતું ના હોય, બસ થઈ જાતો હોય.. ઘણીવાર તો મારા-તમારા જેવા કંઇ કેટલા'યના પણ કચરા થઈ જતા હોય છે.. સાચું ને.? એમ કંઈ કચરો કરવાનું બંધ ના થઈ શકે, કે કોઈને કચરો કરતા રોકી પણ ના શકાય..

હજુ ગઈ કાલે જ અડધી રાત્રે શેરીમાં કૂતરાઓના ભસવાના અવાજથી મારી ઉંઘ ઉડી ગઈ, અને શું થયું જોવાના બહાને હું ઘરના ઓટલે ઉભ્યો, અને ત્યાં જ આદતવશ હું અને ઉકરડો-એકબિજાની સામે એકીટસે જોઇ રહયા.. રોજ કરતા પણ આજે, એ કંઈક વધુ જ પાંગર્યો હતો, જાણે સોળે કળાએ ખીલ્યો હતો.. ત્યાં જ કૂતરાઓના પુન: ભસવાના અવાજે મારી વિચીત્ર વિચારયાત્રાને અટકાવી, અને મારી નજર ભસવાની દિશા ભણી મંડાણી.. સામેથી કચરાવાળો (આજકાલ વાઇરલ થયેલા વિડીયોમાંના એક પાત્ર મુજબ: કચરો વિણવાવાળો) આવતો દેખાયો.. અને પછી એ બંદો ઉકરડાને આમતેમ ફંફોસવા-ફીંદોળવા-ઉલાળવામાં અને હું એને તાકવામાં-કુતુહલવશ મંડાયા..

થોડી વારમાં તો એણે આખ્ખા ઉકરડાને વેરવીખેર કરી નાખ્યો, થોડી કોથળીઓ કે પછી એને કંઈક કામ લાગી શકે એવા અન્ય કચરા પોતાની પીંઠ પાર લાદેલા મોટા કોથળામાં ઠાલવી દીધા.. પછી તો પ્લાસ્ટીકની મોટી કોથળી પણ મળી, જે એણે ઉકરડામાં જ ઉંધી ઠાલવી.. કોથળીમાંથી અઢળક કચરાની સાથે કાચની બોટલો પણ નીકળી.. (દારૂની જ હોવી જોઈએ, આમે'ય ગાંધીના ગુજરાતમાં એ સિવાય બોટલ હોય પણ શાની.?) અને એ બંદાને જાણે આ ખાલી બોટલોની જ તલાશ હોય, એમ ઝડપથી પણ સાચવીને પીંઠ પાછળના કોથળામાં બધી બોટલો અને મોટી કોથળી ઉતારી દીધા.. જોતજોતામાં જ તહસનહસ કરેલા ઉકરડાને પડતો મૂકીને એ 'બેવફા સનમ' બની ગયો, અને ચાલતી પકડી..

મને તો એને રોકીને કહેવાની ઈચ્છા થઈ કે, 'હેં ભાઈ, આ ડુંગર માફક વિસ્તરેલા ઉકરડાને, આ રીતે બેરહમીથી વેરણછેરણ કરીને પીંખી નાખતા તારો જીવ કેમ હાલ્યો.?' પણ, હું કાંઈ કહી ન શકયો.. મને એ જ નહોતું સમજાતું કે, ઉકરડાને વેરવીખેર કરવા બદલ એને ટોકું, કે પછી ઉકરડાનો જથ્થો ઓછો કર્યા બદલ એને વઘાવીને દુ:ખણા લઉં.? હું તો બસ એને અંધારામાં ઓગળતા જોતો રહયો, જોતો જ રહી ગયો..

-સેજપાલ શ્રી'રામ', ૦ર૮૮ (રર૦૪ર૦૧૬)