ટુ પી ઓર નોટ ટુ પી Adhir Amdavadi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટુ પી ઓર નોટ ટુ પી

થોડાં સમય પહેલાની વાત છે. આગ્રા પોલીસે તો હદ કરી નાખી. રેલ્વેની હદમાં અને જાહેરમાં પેશાબ કરનાર ૧૦૯ જણાને સેક્શન ૩૪ અંતર્ગત પકડીને જેલમાં મોકલી આપ્યા. હવે એમને ગુનાની ગંભીરતા પ્રમાણે ૧૦૦ રૂપિયાથી માંડીને ૫૦૦ રૂપિયા સુધી દંડ થશે. એકી કરવાના પાંચસો રૂપિયા મોંઘા કહેવાય. અમે માનીએ છીએ કે જાહેરમાં પી કરનારને સજા ન થવી જોઈએ. તમને થશે કે અમે બહુ જ અસભ્ય અને અસંસ્કારી માણસ છીએ. દેશ આખાની ગંદકી માટે અમે અને અમારા જેવા જવાબદાર છે. અમારા જેવાને તો અમેરિકા મોકલી દેવા જોઈએ. જોકે હાલમાં સમલૈંગિક સંબંધોને અમેરિકામાં કાયદેસર માન્યતા મળ્યા બાદ તાત્કાલિક અમેરિકા જવાથી ગેરસમજ ફેલાય એવું છે, એટલે હાલમાં અમેરિકા જવાનો અમારો કોઈ ઈરાદો નથી. આજકાલમાં જે ગયા છે તે છો ખુલાસા કરતાં ફરે !

આગ્રામાં પોલીસે જે કર્યું તે એક રીતે નિંદનીય છે. સમાચારમાં એ સ્પષ્ટતા નથી કે રેલ્વે હદમાં લઘુશંકા કરી રહેલા ૧૦૯ જણને કામ પૂરું કર્યા બાદ પકડવામાં આવ્યાં હતા કે પહેલા. કારણ કે અધૂરા કામે પકડીને જેલમાં ધકેલી દેવામાં આવે તો જેલમાં નર્કાગાર સર્જાઈ જાય. પોલીસ ધરપકડ કરે ત્યારે મોટે ભાગે છાપો મારતી હોય છે, એટલે પોલીસ ૧૦૯ જણા માટે બે મિનીટ લેખે અંદાજે ૨૧૮ મિનીટ રાહ જોવે તેટલી ધીરજ પોલીસમાં હોય, એ વાત માનવામાં આવે એવી નથી. આ ઉપરાંત પોલીસની પાછળ કાયમ હાથ ધોઈને પડી જતાં અમુક ચોખલિયા લોકોએ સવાલ કર્યો છે કે પોલીસે આરોપીઓને હાથ ધોવાનો મોકો આપ્યો હતો કે નહિ? જોકે આમ ગેરકાયદે, કમ્પાઉન્ડ વોલ પર કે ઝાડી-ઝાંખરા શોધીને પેશાબ કરનારાં વોશબેસિન સુધી જવાની તસ્દી લે નહિ. ન એ હેન્ડ સેનીટાઈઝર લઈને ફરતાં હોય.

અમારા મત મુજબ આ હ્યુમન રાઈટ વાયોલેશનનો કેસ પણ બની શકે. કારણ કે વી હેવ રાઈટ ટુ પી. આ અમારું અંગત મંતવ્ય છે કે વિચારો અને કુદરતી હાજતને કદી રોકવા નહિ. પોલીસ અધવચ્ચે તો ન જ રોકી શકે. અને પોલીસ રોકે તો પણ કથિત આરોપીઓ રોકી શકે કે કેમ તે પણ સવાલ રહે જ. એટલે જ કહ્યું છે ઈશ્ક, મુશ્ક ઓર પેશાબ રોકે ન રુકે. ખબર છે, ખરા શબ્દો જુદા છે, પણ દલીલ કરવા માટે ચાલે. જેમ સ્વબચાવમાં થયેલ ખૂનને કાયદો હળવાશથી લે છે, એમ અસહ્ય દબાણ હેઠળ માણસ હળવો થવા જાય તો એને કાયદાએ હળવાશથી લેવું જોઈએ. જોકે પોલીસની કડક કાર્યવાહી પછી શંકા નિવારણ કરતાં પહેલા માણસ બે વાર વિચારશે કે : ટુ પી ઓર નોટ ટુ પી.

આ ઘટના આગ્રામાં બની તે પણ સૂચક છે. આગ્રા તાજમહાલ, શાહજહાં અને પાગલખાના માટે જાણીતું છે. શાહજહાં પણ પાગલ જ હતા, મુમતાઝનાં પ્રેમમાં, એટલે જ આવું અદ્ભુત સ્મારક બનાવ્યું. એ પછી કેટલીય સ્ત્રીઓ પતિના આશ્વાસન સાથે મરી ગઈ હશે પણ કોઈએ તાજમહાલ તો ઠીક, એના સોમાં ભાગ જેટલું પણ ભવ્ય સ્મારક પોતાની પત્ની પાછળ બનાવ્યું નથી. પણ વાત સ્વચ્છતાની છે. દુનિયાની સાત અજાયબીઓમાં સ્થાન પામેલાં તાજમહાલને જોવા દેશવિદેશના કરોડો પ્રવાસીઓ ખાસ આવતાં હોય તેવામાં આપણે આમ ખુલ્લેઆમ પેશાબ કરીએ તો દેશની કેવી છાપ પડે?

તેલંગાણાના મુખ્ય પ્રધાન ચન્દ્રશેખર રાવ મીટીંગ લાંબી ચલાવવા માટે જાણીતાં છે. એમાં ચાલુ મીટીંગે બહાર અવરજવર કરવાની પાછી મનાઈ. એમની સાત કલાક ચાલેલી તાજેતરની મીટીંગમાં એક અધિકારીએ ટચલી આંગળી ઉંચી કરી, પણ સામે રાવે દૂરનું જોવાનાં જ ચશ્માં પહેર્યા હોવા છતાં ટચલી આંગળીને તર્જની ગણી કડક અવાજે પૂછ્યું કે ‘તમારે કંઈ કહેવું છે?’ જેના જવાબમાં અધિકારીએ કમને ના પાડી હતી. આ ઘટના બાદ અધિકારીઓ અચૂક પણે એકીપાણી કરીને જ મીટીંગમાં જાય છે અને મીટીંગ દરમિયાન ચા-પાણી તો ઠીક, ગળામાં થૂંક ઉતારતાં પણ ડરે છે.

એકી કરવા માટે અસરગ્રસ્ત માણસ પ્રાઈવસી, ગંધ રહિત સ્થળ, પગ ઠેરવવા માટે અગાઉના ઉપભોક્તા દ્વારા અવશેષ ન છોડ્યા હોય તેવી સમતલ જમીન શોધતો હોય છે. દબાણ હેઠળ આમાં ક્યારેક બાંધછોડ પણ કરી લે છે. આમ છતાં આપણે ત્યાં જાહેર મુતરડી કઈ તરફ આવી છે તે દર્શાવવા માટે બોર્ડ મારવા નથી પડતાં, ગંધનો પીછો કરો તો આસાનીથી મળી જાય. હા, જેમને શરદી કે સાયનસ જેવી તકલીફ હોય તેમનાં માટે બોર્ડ જરૂરી થઈ પડે.

પેશાબ કરવાની ક્રિયા પી, પીપી, સુસુ, એકી, એક નંબર, મૂત્રવિસર્જન, ધાર મારવી, લઘુશંકા, હળવા થવું, બ્રેક/મેક વોટર, લુ એવા વિવિધ નામથી ઓળખાય છે. આમાંની કોઈપણ સ્ટાઈલમાં, એ પણ જાહેરમાં, પેશાબ કરવાનો ઈજારો પુરુષોનો છે. એ મનફાવે ત્યાં ઊભા રહી જઈ શકે છે. દીવાલ અને ખાંચા એ પુરુષોનો થાંભલો છે. આ સિવાય ઝાડનો ઉપયોગ સર્વસામાન્ય છે. ઝાડના થડ પાસે પેશાબ કરનાર તો યુરીનમાનાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પાણી ઝાડને અર્પણ કરી પર્યાવરણ પર ઉપકાર કરતો હોય એવો ભાવ રાખતો હોય છે. આમ રસ્તે જતાં સગવડ મળી રહેતી હોવાથી પુરુષો ઘેરથી ભરપેટ નીકળે છે. સ્ત્રીઓ અહીં પુરુષ સમોવડી બનવાની કોશિશ નથી કરતી. જોકે સ્ત્રીઓને દિવસમાં પુરુષો કરતાં ઓછીવાર હળવી થવાની જરૂર પડે છે એવું સંશોધન કહે છે. એ જે હોય એ દેશનાં ફાયદામાં જ છે.

જાહેરમાં પેશાબ કરનાર પર અમુક શહેરમાં વોટર કેનનથી પાણીનો મારો ચલાવી અત્યાચાર કરવામાં આવે છે એ આયરની છે. અમુક તો જાહેરમાં હળવા થતાં લોકોનાં ફોટા પાડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આગ્રામાં લોકોને પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા, પણ જેલમાં ૧૦૯ જણ માટે એકીપાણીની પૂરતી સુવિધા હશે કે કેમ એ સવાલ છે. દેશમાં પૂરતા જાહેર શૌચાલય ન હોય તેવામાં આ ધરપકડ અને દંડ અન્યાયકારી છે. પણ સરકારનું જેટલું ધ્યાન ઘેરઘેર શૌચાલય બનાવવા પર છે એટલું પણ જાહેર મુતરડીઓ બનાવવા પર નથી. કેટલાક તો એવું પણ કહે છે કે જે તે સમયે લલિત મોદી કાંડ પરથી લોકોનું ધ્યાન હટે તે માટે સરકારે રેડ કરાવી હતી. સાચું ખોટું આપણને શું ખબર, પણ એટલું નક્કી છે કે જાહેરમાં એકી કરતાં હવે વિશેષ સાવધાન રહેવું પડશે. ચેતતો નર સદા સુખી કહેવત એટલે જ નર જાતિ માટે વપરાતી હશે ને?