માવોલોજી Adhir Amdavadi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માવોલોજી

માવોલોજી

લેખક: અધીર અમદાવાદી

તમે ઘરની બહાર નીકળો અને એકાદ કિલોમીટર દૂર જાવ એટલામાં તમને એકાદ માવાલય દેખાશે જ્યાં કોક વ્યક્તિ માવામર્દન એટલે કે માવો ઘસતો જોવા મળશે. થોડે આગળ જાવ એટલામાં કોક માવાવમન કરતો એટલે કે થૂંકતો પણ દેખાશે. ટૂંકમાં ‘માવો એ આપણા સમાજનું અભિન્ન અંગ છે’ એવું માવા ઉપર નિબંધ પુછાય, તો લખી શકાય. આપણા સદનસીબે આપણી પાસે વૈજ્ઞાનિકો નહીં હોય એટલાં માવોલોજીસ્ટ પડ્યા છે. કેટલો જાડો કે પાતળો ચૂનો નાખવો, નાખેલી સોપારીમાંથી વીણીને કયો એક ટુકડો કાઢીને ફેંકી દેવો, માવો કઈ રીતે કેટલી વાર સુધી મસળવો વગેરેને લગતા વિજ્ઞાનને માવોલોજી કહે છે. માવોલોજીના અભ્યાસીઓને માવોલોજીસ્ટ કહે છે.

ગુજરાતની માવાસૃષ્ટિમાં નીચે જણાવેલા ૫૧ પ્રકારના જીવ જોવા મળે છે.

૧.માવક્કડ: માવાના નશામાં ઝૂમી રહેલ માનવી.

૨.માવજી : માવો ખાનાર નાનો માણસ.

૩.માવદૂત: માવો લઈને આવનાર ઈશ્વરીય મનુષ્ય.

૪.માવલેગર: માવા તથા તેના કાચાં માલની ગેરકાયદેસર ફેરાફેરી અને ડીલીવરી કરનાર સજ્જન.

૫.માવાકવિ: માવા પર કવિતા લખનાર, માવો ખાઈને કવિતા લખનાર.

૬.માવાકાર: માવો બનાવનાર કલાકાર.

૭.માવાકિંગ: માવો ખાનારાંઓમાં મોખરાના સ્થાને પહોંચેલ વ્યક્તિ.

૮.માવાકોશી: માવો ખાધા વગર જેને હાજત નથી થતી તેવો સંગ્રહી.

૯.માવાક્ષી: કાચી પાંત્રીસની પોટલી જેવા ડોળા ધરાવતી નારી.

૧૦.માવાખોર: માવાનો બિનજરૂરી સંગ્રહ કરનાર.

૧૧.માવાગુરુ: માવો ખાવાની પ્રેરણા અને દીક્ષા આપનાર જન.

૧૨.માવાઘ્ન: માવો ખવડાવનારની જેને કદર નથી તેવો નગુણો.

૧૩.માવાચંદ્ર, માવાલાલ: માવો ખાતા જમાઈ કે જીજાજી.

૧૪.માવાચક: માવો ખાઈને ગમે ત્યાં થૂંકનાર વ્યક્તિ.

૧૫.માવાચતુર: માવા ખાઈને સુપેરે હોશિયાર થઈ ગયેલ માનવ.

૧૬.માવાચર: રાત્રે બાર પછી અને સવારે પાંચ પહેલા માવો શોધવા ગામ કે શહેરમાં ભટકનાર.

૧૭.માવાજીત: માવો ખાઈને મોટી ધાડ મારનાર સુપર માનવ.

૧૮.માવાજ્ઞ: માવો ખવડાવનારની કદર કરનાર અને ઋણ ચૂકવવા તત્પર નર.

૧૯.માવાઝાદો: માવો ખાનારનો લીગલ વારસ.

૨૦.માવાડીયો: માવો બનાવનાર જેવો બનાવે તેવો માવો ખાઈ લેનાર.

૨૧.માવાણી, માવેન્દ્ર: માવો ખાનાર મોટો માણસ

૨૨.માવાતુર : ગલ્લે જનાર ગમે તેની સાથે થઈ જાય તેવો માવો ખાવા આતુર માનવ.

૨૩.માવાદેવ બાબા: હર્બલ તમાકુ-સોપારીનો જ માવા ખાનાર.

૨૪.માવાધિકારી: માવો ખાનાર સરકારી અધિકારી.

૨૫.માવાધિરાજ: માવાના કાચાં માલનો સ્ટોકિસ્ટ

૨૬.માવાધિપતિ: માવાની દુકાન ચલાવનાર.

૨૭.માવાનંદન: જેનો જન્મ જ માવો ખાવા માટે થયો છે તે.

૨૮.માવાનરેશ : જેની પાસે દિવસના કોઈ પણ સમયે ૭-૮ માવાનો હાજર સ્ટોક હોય તે.

૨૯.માવાપતિ: જેના ગજવામાં એક અને હાથમાં એક એમ ઓછામાં ઓછા બે માવા છે તે.

૩૦.માવાપીર: માવો ખવડાવી દુ:ખ ભાંગનાર ઓલિયો.

૩૧.માવાભગત: માવાના પ્રસાદ માટે સાધના કરનાર.

૩૨.માવારક્ષક: જેની પાસે માવો છોડીને જવું સુરક્ષિત છે તેવો માવો ન ખાનાર.

૩૩.માવારામ: માવો ખાનાર યુપીનો વ્યક્તિ.

૩૪.માવાલી: માવો ખાનાર ટપોરી.

૩૫.માવાવંશી: માવો ખાનાર પરિવારમાં જન્મ લેનાર.

૩૬.માવાવાદી: માવો ખાવામાં માનનાર માનવ.

૩૭.માવાવીર: લોકડાઉનમાં દંડા ખાધા પછી પણ માવો લીધા વગર પાછો ન આવે તેવો વીર.

૩૮.માવાશત્રુ: સ્ત્રી, પત્ની, અર્ધાંગની, બેટર હાફ.

૩૯.માવાસમ્રાટ: માવો ખાનારાંઓમાં જેની આણ પ્રવર્તે છે તેવો અગ્રણી.

૪૦.માવાસાધક: માવો ખાધા બાદ બે કલાક સુધી મૌન ધારણ કરનાર યોગી પુરુષ.

૪૧.માવાસી: માવો ખાતા માસી.

૪૨.માવાહરામ: માવો ખવડાવનારનાં બાપુજીને કે પત્નીને ચાડી ખાનાર.

૪૩.માવાહલાલ: માવા ખવડાવનારની ખાતર પોતાના પ્રાણ આપી દે તેવા પ્રણવાળો.

૪૪.માવેજર: ઘરમાંથી બહાર નીકળ્યા વગર બીજા પાસે, ત્રીજાના પૈસે માવો મંગાવનાર પરોપજીવી.

૪૫.માવેતુજાર: માવો ખાઈને જેનું મુખ સમૃદ્ધ થયું છે તે.

૪૬.માવેશ: માવો ખાનાર આમ ગુજરાતી યુવાન.

૪૭.માવેશ્વર: પોતે માવો ખાય પણ બીજાને ખાવા ન દે તેવા ખાખી વર્દીધારી સંત.

૪૮.માવેસવાર: માવાની દુકાન પર બાઈક પરથી ઊતર્યા વગર માવો લેનાર અસવાર.

૪૯.માવોજક: માવો ખાવાનો પ્રોગ્રામ બનાવી ટોળા સાથે ગલ્લે જનાર.

૫૦.માવોલોજીસ્ટ: માવોલોજીનો અભ્યાસુ.

૫૧.માવલોકવાસી: માવો ખાવાથી થયેલ કેન્સરને કારણે પરલોકમાં સ્થાન પ્રાપ્ત કરનાર.

******