પ્રકાશ....એક વીતેલી કાલ Bhavin Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રકાશ....એક વીતેલી કાલ

“પ્રકાશ....એક વીતેલી કાલ”

જીવી લે મુસાફર હર એક ક્ષણ મોજમાં,

કાલની ક્ષણ નથી તારી કે નથી મારી,

સમેટી લે સપના જે છે તારી આંખોમાં,

કાલની સવાર નથી તારી કે નથી મારી,

તણાઈ જશે અરમાન સમુદ્રની રેત સમા,

કાલની હકીકત નથી તારી કે નથી મારી,

કર એકરાર એ પ્રેમનો જે છે તારા દિલમાં,

કાલની પળ નથી તારી કે નથી મારી,

સમય પર જીત નો દાવો વ્યર્થ છે ‘અકલ્પિત’,

કાલની જીંદગી નથી તારી કે નથી મારી.

 • ભાવિન દેસાઈ ‘અકલ્પિત’
 • જી હા, આ સ્ટોરી કંઇક આમજ છે. ‘પ્રકાશ’........ એક એવો વ્યક્તિ જે ખુબ ગરીબ, શરીર, દેખાવથી કદરૂપો, આંખોની કીકી જાણે સમુદ્રની લહેરમાં નાવ ડગમગે એમ અસ્થિર છતાં સ્વભાવે ભોળો અને દિલથી ખુબજ અમીર.

  ઈ.સ. ૧૯૯૭-૯૮ ની આ વાત છે. S.S.C.ની પરીક્ષા પાસ કરી અને ધોરણ 11 કોમર્સમાં મેં એડમિશન લીધું. મારા માટે સ્કુલ, સહવિદ્યાર્થીઓ, શિક્ષક આ તમામ અજાણ્યા હતા. એવામાં પ્રથમવાર મારી સાથે હાથ મિલાવી મને મિત્ર બનાવનાર હસ્તી એટલે ‘પ્રકાશ’. પ્રકાશ ચાંડવેકર, જેનું આર્થિક પરિબળ એક માત્ર એનાં પિતા હતા. એના પિતા પણ આંખથી લાચાર, માતા પણ ઓછું જોઈ શકતાં અને એની બહેન આંધળી છતાં દેખતાને પણ ના દેખાઈ શકે એમ એ વ્યક્તિને અવાજ પર થી ઓળખી લેવાની અજબ શક્તિ ધરાવતી હતી. પ્રકાશનાં પિતા સ્કુલમાં જયારે રીસેસ પડે ત્યારે પથારો લઇ આમલી, ભૂંગળા, ચોકલેટ એવું છુટક વેચીને ગુજરાન ચલાવતા હતા. પ્રકાશને આંખે જોવામાં ખુબજ તકલીફ છતાં ભણીને કંઇક બનવાની એક મહત્વકાંક્ષા હતી. એનો ભણવાનો લક્ષ્ય બસ એટલો જ હતો કે મારે ભણીને સૌ પ્રથમ નોકરી શોધવી અને થોડા ઘણાં પૈસા ભેગા થાય એટલે પોતાની, તથા માતા-પિતા અને બહેનની આંખોનો ઇલાજ કરાવવો. જેથી ભવિષ્યમાં એનાં પરિવારનાં સભ્યોને કોઇનાં આધાર પર રહેવું પડે નહિ.

  આ વર્ષો દરમિયાન BSNL નાં ફોનનો જમાનો હતો. મારા ઘરે ફોન હતો પણ પ્રકાશ જયારે પણ મારો સંપર્ક કરવા ઈચ્છતો ત્યારે S.T.D. બુથનો ઉપયોગ કરતો. આમ ને આમ વર્ષો વિતતાં ગયા, અમે F.Y.B.Com માં પ્રવેશ લીધો. પરીક્ષાનાં ટાઈમ ટેબલ પણ એ મારા દ્વારા લખતો કારણ કે 15 જેટલાં ચશ્માનાં નંબર હોવાને કારણે એ વાંચી શકવા માટે સમર્થ ન હતો. લગભગ 1 સે.મી. નું અંતર હોય તો જ એને વાંચવામાં ફાવટ આવે તે પણ સામાન્યતઃ. ભણવાની તમન્ના અને શક્તિ એવી કે એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં અમે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરતાં પણ અસહ્ય ગરીબી અને દ્રષ્ટિથી લાચાર એ ફક્ત આંગળી ના વેઢે ગણતરી કરતો હતો. છતાં માર્ક્સમાં અમારાથી આગળ. આમ ને આમ દિવસો વિતતા ગયાં, વર્ષો વિતતા ગયાં અને તે અરસા દરમ્યાન ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા. આ દરમ્યાન લગભગ ૨ મહિના સુધી અમે સંપર્કમાં ન રહ્યાં.

  એક દિવસની વાત છે. અચાનક રાત્રે ૮:૩૦ વાગ્યે મારા ફોનની ઘંટડી રણકી. મેં ફોન ઉઠાવ્યો અને જે અવાજ આવ્યો એ સાંભળીને મને ખુબ જ ખુશી થઈ. એ ફોન પ્રકાશનો હતો. ‘હેલો ભાવિન હું પકાસ’.... પ્રકાશ હંમેશા પોતાનું નામ ‘પકાસ’ જ કહેતો. આ ફોન ૨ મહિના પછી હું પહેલો ગણું કે છેલ્લો ગણું, ત્યાર પછી કદીયે એ અવાજ સાંભળવા મળ્યો નહિ.

  ઘણાં સમય પછી અમે બે મિત્રોએ ઘણી વાતો કરી અને એનાં એક શબ્દએ આજદિન સુધી મને બેચેન કરી દીધો છે. વાતનાં અંતિમ તબક્કે એણે એમ કહ્યું કે “ તું કદી મારા ઘરે તો આવ! ઘણાં સમયથી આપણે મળ્યાં નથી. તું મને ભૂલી ગયો કે શું? વાત આગળ ચલાવતા એણે કહ્યું કે તું તો એટલું ભૂલી ગયો છે કે પ્રકાશ મરી જશે તો પણ તું નહિજ આવી શકે.” બસ, અને આમ જ થયું. કોલેજમાં એક્સ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરતાં અને અમારા કોમન મિત્ર એવાં રાજેશભાઈનો ફોન આવ્યો, સાંભળતાં જ મારા પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ હતી, હાથ-પગ ઠંડા પડી ગયા હતાં અને શરીર પ્રસ્વેદથી તરબતર થઇ ગયુ હતું, હ્રદયનો ધબકાર પણ જાણે એક ક્ષણ માટે થંભી ગયો હતો. મગજમાં જાણે એક પ્રકારનો શુન્યાવકાશ છવાય ગયો હતો. પ્રકાશ સાથે વાત થયાં ને બે જ દિવસમાં એના મૃત્યુનાં સમાચાર મળ્યાં.

  પ્રકાશ હંમેશને માટે આ જગતથી ઓઝલ થઇ ગયો હતો. હંમેશા મારા ફોનમાં ગુંજતો શબ્દ ‘પકાસ’ હવે મુંગો થઈ ગયો હતો. અમારી આખરી વાતચિતમાં એનાં જણાવ્યા મુજબ હું એની સ્મશાનયાત્રામાં પણ જઈ શક્યો નહિ, તે પણ ક્યાં સુધી? આજનો દિવસ ......હું એના ઘરે જઈ શક્યો નથી.

  વિધિની વક્રતા એટલી હદ સુધી કામ કરી ગઈ કે મારા દ્વારા એને આપવામાં આવેલો વાયદો કે હું તને ચોક્કસથી મળવા આવીશ; એ વાયદો જ રહ્યો. આજે મારો મિત્ર “પ્રકાશ....એક વીતેલી કાલ” બની ચુક્યો છે. પણ એને નહિ મળી શકવાનો, એનાં અંતિમ દર્શન પણ નહિ કરી શકવાનો રંજ આજે પણ મારા હ્રદયમાં છે. પ્રકાશની ચિતા તો ઠરી ગઈ છે પણ પશ્ચાતાપની ચિતા આજે પણ મારા અંતરમાં ભડકે સળગી રહી છે. કાશ હું એક વખત પણ મારું આળસ ત્યજીને એને મળવા ગયો હોત, કાશ એનાં ફોન આવતાં પહેલાં જ હું સામેથી વાતચિત કરવા ઉત્સાહી થયો હોત તો કદાચ આજે મારું મન આટલો રંજ અનુભવતું ના હોત.

  ક્યારેક આપણાં મિત્રો, સ્વજન કે નિકટ રહેલા વ્યક્તિઓ આપણી સાથે જે કંઈ પણ અસહજ વાત કરે, એને સમય પર છોડીને વાયદો આપવાનું ટાળો. ભગવાન શ્રી રામ પણ અજાણ હતાં કે એમણે અયોધ્યા નગરીનો મહેલ છોડી 14 વર્ષ વનમાં રહેવું પડશે. આ પરથી ભગવાન શ્રી રામને ઉદ્દેશીને લખાયેલી એક પંક્તિ યાદ આવે છે,

  “ન જાણ્યું જાનકી નાથે, કાલે શું થવાનું !”

  બની શકે એટલી આજને જીવો, કાલ પર વિજય કોઈનો થયો નથી અને થવાનો નથી.

  “અસ્તુ”

  -ભાવિન દેસાઈ ‘અકલ્પિત’