break up....patch up Jigna Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

break up....patch up

“ બ્રેક અપ....પેચ અપ ......”

Pateljigna1190@gmail.com

અનિરુદ્ધના ફોનમાં ત્રીજી વખત ‘વિશ્વા કોલિંગ..’ બતાવી રહ્યું હતું. લગાતાર ત્રણ કોલ આવવા છતાં પણ અનિરુદ્ધે ફોન રીસીવ કરવાની જેહમત ઉઠવાનું ટાળ્યું. ‘વિશ્વા’.. અનિરુદ્ધની પત્ની તેને ક્યારની કોલ કરી રહી હતી. જેની સાથે બે મહિના પેહલા જ તેના લવ મેરેજ થયા હતા. કોઈ ખાસ વાત ના હોત તો અનિરુદ્ધ ચોક્કસ ફોન રીસીવ કરી લેત પણ મીટીંગમાં બીઝી હોવાથી અનિરુદ્ધે ફોનને સાઈડમાં મૂકી દીધો. કોઈ પણ સંજોગોમાં એ ફોન રીસીવ કરી શકે તેમ ન’તો.

પેલી બાજુ એકધારા ત્રણ કોલ કરીને કોઈ જ રીપ્લાય ના મળતા વિશ્વાના દિમાગનો પારો ચડી ગયો હતો. હા, એવો વિચાર પણ જરૂર આવ્યો કે કદાચ અનિરુદ્ધ કોઈ જરૂરી કામમાં હશે પણ તો શું થયું, ‘કોલ યુ લેટર’ કહી દેત તો પણ ચાલી જાત. ત્રણ વખત પોતાની અવગણાના થવા બદલ તેને થયેલું દુ:ખ તેના માટે અસહ્ય જ હતું.

“ ઓહ, તો હવે ‘એની’ એટલો બીઝી છે કે તેને મારો...વિશ્વા...વિશુનો ફોન રીસીવ કરવાની પણ નવરાશ નથી.?”

હજુ બે કલાક પેહલા જ ઓફિસે ગયેલા અનિરુદ્ધની યાદ આવી જતા વિશ્વા બેચેન બની ગઈ હતી. પેલી બાજુ અનિરુદ્ધ કામમાં બીઝી હોવાથી તેની કોલેજ ફ્રેન્ડ વિશ્વા.. જેની સાથે તેમણે હમણાં જ મેરેજ કર્યા છે, તેના લગાતાર આવતા ફોન કોલ્સને અનફોર્ચ્યુનેટલી ઇગ્નોર કરવા પડ્યા છે. કેમકે અનિરુદ્ધ માટે આજની બીઝનેસ મીટીંગ વધુ ઈમ્પોર્ટન્ટ હતી. તેમની હજુ નવી નવી જ જોબ હતી અને મેઈન થિંગ એ કે તે પોતાના કામમાં એકદમ પરફેક્ટ રેહવાવાળો હતો.

દરેક પત્ની કે પ્રેમિકા અમુક અંશે એવું જ વિચારતી હોઈ છે કે જયારે ‘પોતે’ તેના પતિ કે પ્રેમી સાથે વાત કરવાના મુડમાં હોઈ ત્યારે સામે પક્ષે સાતેય કામ પડતા મુકીને તેને એટલા જ ઉમળકાથી આવકાર મળે. બધા જ કામ કરતા એ વધુ મહત્વની છે તેવું સાબિત થવું જોયે. ક્યારેક પોતે સાજ-સણગાર કરીને એન્ટ્રી કરે તો સામે પક્ષે આંખો ફાટી રેહવી જોઈએ. ઓહ્હ દીપિકા કે પ્રિયંકા કરતા પણ એ વધુ બ્યુટીફૂલ છે, તેવું તેના કાનને વારંવાર સાંભળવા મળવું જોયે. અને પોતે ધરાઈ ના જાય ત્યાં સુધી તેના વખાણ થતા રેહવા જોયે. વિશ્વા પણ આવું જ ધારીને બેઠી હતી. તેને હતું કે અનિરુદ્ધ કામમાં હોઈ તો પણ તેને સમય આપે. પણ ‘અફસોસ’ એવું ન’તું બન્યું.

એટલે એ પોતાને ઇગ્નોર કર્યાની કાળી અગ્નિમાં બળી રહી હતી. ગુસ્સામાં ક્યાંકથી અચાનક ઘર સાફ કરવાનો વિચાર આવી ગયો અને આજે બહેર મારી ગયેલું મગજ એ વિચારને અમલમાં મુકવા માટે સક્ષમ હતું. જે બેડ પર બેઠી હતી ત્યાંથી જ શરૂઆત કરી દીધી. એક પણ કરચલી ન’તી તેમ છતાં પણ બેડશીટને ખુબ પછાડી પછાડીને ખંખેરવા લાગી. બેડશીટની દશા હતી તેના કરતા બેશ કરી નાખી. ડેકોરેશનમાં ગોઠવેલા શોપીસને તેની જગ્યાએ ઠીક નથી એમ સમજીને હેરફેર કરવા લાગી. સાથે- સાથે બબડવાનું તો ખરું જ વળી,

“ એની ને તેની ભૂલ માટે સજા તો જરૂર મળશે. હું એક- એક ફોન નો બદલો લઈશ. મારે આ ખાવું ને તે ખાવું. હવે જો હું એને એવું સુરતી મરચું ખવડાવું છુ ને કે ખાવાનું નામ જ નહિ લે. એણે મારા ત્રણ કોલ ના રીસીવ કર્યાને ! હું હવે તેના છ કોલ નહિ રીશીવ કરું ત્યાં સુધી મને શાંતિ નહિ મળે.”

વિશ્વા હવે એકદમ સ્પીડ મોડમાં આવી ગઈ હતી. પરસેવાથી રેબજેબ થઇ ગઈ. કામ કરતા કરતા પણ એ જ વિચારો મગજમાં ઘૂમતા હતા. જગડો કરવાની પણ એક મજા હોઈ છે. જેની મજા લુંટવામાં લેડીઝ બહુ માહિર હોઈ છે. વિશ્વાએ ગુસ્સામાં જ હોમ થીયેટરમાં ફૂલ વોલ્યુમ સાથે સોંગ ચાલુ કરી દીધા.

પેલી બાજુ અનિરુદ્ધ જેવો મીટીંગમાંથી ફ્રી થયો કે તરત જ ફોન ચેક કરવા લાગ્યો. વિશુના નામ પર ત્રણ મિસ્ડ કોલ હતા.

“ ઓહ, મારી વિશુ મને કેટલું મિસ કરતી હશે. જમવાનો બ્રેક હાફ એન અવરનો જ છે સો મેસેજ કરી દવ. કોલ કરીશ તો મારું જમવાનું રહી જશે”.

એમ વિચારીને મોબાઈલ હોમ સ્ક્રીન પર વિશ્વાનું સેટ કરેલું ઈમેજ આંખો સામે આવ્યું. તેને જોઈને તેનો મીઠો અવાજ સાંભળવાની ઈચ્છા થઇ આવી. અનિરુદ્ધે વિશ્વને કોલ કરી જોયો. કોલ પૂરો થઇ ગયો પણ સામેથી રીસીવ ના થયો. ફરી લગાવી જોયો. નતીજો એ ને એ જ.

“ કૃપયા થોડી દેર બાદ ફોન કરે. આપ જિસ નંબરસે બાત કરના ચાહતે હે વો અભી આપકી કોલ કા જવાબ નહિ દે પા રહે હૈ.”

દસે દસ વાર પેલી બેન એકજ વાતનું રટણ કરીરહી હતી. અનિરુદ્ધને વિશ્વા કરતા એના પર વધુ ગુસ્સો આવ્યો.

“ તું તારા લવારા બંધ કરને. એને શું જોર પડ્યું કે કોલ કા જવાબ નહિ દે પા રહી”

પણ અનિરુદ્ધની બળતરા કોણ સાંભળે?

એક પછી એક એમ દસ કોલ કરી જોયા બટ એક પણ કોલ ના રીસીવ થયો. તેનું લાસ્ટ સીન પણ બે કલાક પેહલાનું બતાવી રહ્યું હતું. વિશ્વા ફૂલ વોલ્યુમને લીધે રીંગ સાંભળી શકી નહિ. એને ક્યાં ખબર હતી કે અનિરુદ્ધ તેનું જમવાનું ભૂલીને તેને આમ રઘવાયો બનીને ફોન કરે છે.

અનિરુદ્ધ ચિંતામાં પડી ગયો.

“એ ઘરે એકલી જ છે. કંઈ થયું તો નહિ હોઈ ને? લીફ્ટના આજકાલ બહુ ધાંધિયા થાય છે. એ ફસાઈ ગઈ હશે તો ? ”

એવા કેટલાય નેગેટીવ વિચારો કરીને એ પરેશાન થઇ ગયો. પણ એ ક્યાંક ને ક્યાંક સ્યોર જ હતો કે..

“વિશ્વા ફસાઈ જાય એ વાતમાં દમ નહિ, એ તો કોઈ મારા જેવાને ફસાવી દે તેવી છે.”

ચિંતા ધીમે ધીમે ગુસ્સામાં બદલતી જતી હતી. તેને ધીમે-ધીમે એવું મેહ્શુસ થવા લાગ્યું કે આવું પેહલા તો ક્યારેય નથી બન્યું. કદાચ મેં તેનો કોલ રીસીવ ના કર્યો તેના ગુસ્સામાં જ તે મને ઇગ્નોર કરી રહી હશે. ઓકે જો એમ જ હોઈ તો હવે હું સામેથી કોલ નહિ જ કરું. એના લીધે આજે મારે ભૂખ્યા રેહવું પડ્યું.

લંચ બ્રેક પણ પૂરો થઇ ગયો હતો . તેનું જમવાનું પણ રહી ગયું. ભૂખનો માર્યો એ ડબલ ગુસ્સે થતો જતો હતો.

પેલી બાજુ ગુસ્સામાં આખા ઘરની શકલ બદલાઈ ગઈ હતી. ઘર તો એકદમ ચકાચક થઇ ગયું. રેકોર્ડ બ્રેક કામ કરીને લોથપોથ થયેલી વિશ્વા બેડ પર આડી પડી. પોતાનો ફોન ચેક કર્યો. “ ઓહ્હ ટેન મિસ્ડ કોલ ફ્રોમ એની.. બિચારો.. ચલ કોઈ મેસેજ તો કર્યો જ હશે પેલા એ જોઈ લવ. પછી કોલ કરું.”

ડેટા ઓન કર્યા. એક પછી એક ધનાધન કેટલા મેસેજ હતા. પણ અનિરુદ્ધનો એક પણ મેસેજ ન’તો. વિશ્વા એ જોઇને ફરી ગુસ્સે થઇ.

“ ઓહ ગોડ, હવે એને કોણ સમજાવે કે jan koum વોટ્સ એપની સેવા શોધી આપી છે તો તેનો યુઝ પણ કરવો જોઈએ ને !” એક વખત એને શબક મળવો જ જોઈએ કે બિચારી વિશુ તેની યાદમાં કામ કરીને ચીથરેહાલ થઇ ગઈ છે. એ તો એ.સી. રૂમમાં ભોજન ગ્રહણ કરીને ખુરસીમાં બેઠો હશે. એને શું ખબર કે એની બૈરીએ આજે એક મહિનાનું કામ એક દિવસમાં ભેગું કરી નાખ્યું. પેહલા તો એક દિવસમાં એક હાજર મેસેજ અને હવે એક પણ નહિ. આજે બોલીશ જ નહિ તેની સાથે.”

ભૂલમાં લેવાઈ ગયેલા કામ કરવાના નિર્ણયથી એ પસ્તાવા લાગી. અને વિચારતી વિચારતી થાકને માર્યે સુઈ ગઈ.

તાજેતરમાં જ લવ મેરેજથી જોડાયેલા બંને પતિ-પત્ની એક બીજાથી ચડિયાતા છે. ઓફિસમાં સવારથી કામમાં વ્યસ્ત અનિરુદ્ધ વિશ્વાથી નારાજ છે. તેના લીધે એ આજે જમી પણ નથી શક્યો અને ફરીથી ભૂખ્યા પેટે એ કામમાં લાગી ગયો છે અને વિશ્વા... એ તો છ મિસ્ડ કોલ થાય ત્યાં સુધીની લીમીટ બાંધીને બેઠી હતી. જે લીમીટ ક્રોસ મિસ્ડ કોલ જોઇને પણ તેને ફોન ના કરવાનું નવું બહાનું મળી ગયું હતું.

વાસ્તવમાં બંને એવું ઈચ્છતા હતા કે સામે પક્ષેથી તેને આજીજી ભર્યો આવકાર મળે. તેને મનાવવામાં આવે. ભૂલ બદલ સોરી પણ કહે. પણ પેહલા આવું કહે કોણ? ક્યારેક સમય પણ આવા લોકોના માસુમ નખરાઓની મજા લેતો હોઈ છે. બંને સાંજ પાડવાની રાહ માં છે. હું સામેથી નહિ જ બોલાવુંનો બંને તરફથી પાક્કો નિર્ણય થઇ ચુક્યો છે.

અનિરુદ્ધને રોજ કરતા આજે ઘરે જવાની વધુ જ ઉતાવળ હતી. અને વિશ્વા આજે રોજ કરતા વધુ વખત ઘડિયાળમાં સમય જોયા કરતી હતી. જેવી ડોરબેલ વાગી કે તરત જ એ કામમાં છે નો ખોટો ઢોંગ કરવા માટે ટીપોઈ કપડાથી સાફ કરવા લાગી. ડોરબેલ લગાતાર ચાર વખત વાગી એટલે “ આવું છું, કઈ બેરી નથી” કહીને ધીમે પગલે ચાલવા લાગી. એકદમ નિરાંતે દરવાજો ખોલ્યો. મનમાં એવી જ આશા હતી કે અનિરુદ્ધ તેને પ્રેમથી પૂછશે કે “તું ક્યાં હતી.? મને તારી ચિંતા હતી...કોલ કેમ રીસીવ ના કર્યો, તને કઈ થયું તો નથી ને!...એન્ડ...એટસેટ્રા...એટસેટ્રા...”

પેલી બાજુ અનિરુદ્ધ એમ સમજતો હતો કે દસ કોલ નો જવાબ ના આપ્યો એના બદલામાં વિશ્વા ઘણા બહાના બતાવશે. અને પોતે દરેક બહાના માટે દલીલ કરશે અને અંતે એ તેને સોરી કહીને તેને સ્ટ્રોંગ હગ આપશે. પણ બંનેના વિચારોથી ઉલટ પરિસ્થિતિ સર્જાઈ. અનિરુદ્ધે વિશ્વા સામે જોયું પણ નહિ અને વિશ્વા તેની પ્રેઝેન્સને નોટ કર્યા વગર કામમાં લાગી ગઈ.

બંને જે ધરીને બેઠા હતા એવું તો કઈ બન્યું જ નહિ. બંનેને એક-બીજા સાથે વાત કરવી હતી પણ પહેલ કોણ કરે એ યક્ષ પ્રશ્ન હતો. થોડીવારમાં તો અનિરુદ્ધ માટે મનોમન ‘અકડું, નોનસેન્સ,’ જેવા વિશેષણો અપાઈ ચુક્યા હતા.

અનિરુદ્ધ તેને સામાન્ય રીતે વિશુ કહીને બોલાવતો પણ આજે “ વિશ્વા, પાણી લઇ આવ” કહીને હુકુમત ચલાવતો હતો.

વિશ્વાને વિશુ ના કહ્યાનો અપાર વશવસો હતો. પણ કોને કહે?

કોઈ આમ દિવસ હોઈ તો અનિરુદ્ધ આવે એટલે વિશ્વા તેની બાજુમાં બેસીને આખો દિવસ ઓફિસમાં શું કર્યું તેની વાતો પૂછત. પોતે દિવસમાં જોયેલા 9xm પર આવતા બીટલ નટના જોક કહીને અનીરુદ્ધ અને બંને ખુલીને હસી લેત. ઓફિસેથી રીટર્ન થતા વિશ્વા માટે આઈસક્રીમ કે નાસ્તો લઇ આવ્યો હોઈ એ અનિરુદ્ધ તેને પોતાના હાથે ખવડાવત. ગમે તેટલો થાકેલો હોઈ તો પણ કીચેનમાં વિશ્વા સાથે કામે લાગી પડત.

વિશ્વા પણ તેના માટે આદુ વાળી ચા બનાવીને અનિરુદ્ધની બાજુમાં બેસી જાત.. અનિરુદ્ધ ના પૂછે તો પણ પોતે શું કરતી હતી ની લાંબી લાંબી વાતો કરત. પોતે યુ ટ્યુબ પરથી ડાન્સ વિડીયો ડાઉનલોડ કરીને જે ડાન્સ સ્ટેપ સીખી હોઈ તેના એકાદ સ્ટેપ અનિરુદ્ધ સામે કરી દેત. અને અનિરુદ્ધ તેના પર વારી જઈને તેને જપ્પી અને પછી પપ્પી કરીને મોટીવેટ કરત. બટ આજે એવું કશું જ ન’તું બન્યું.

વિશ્વા વીલું મોં કરીને રસોઈ બનાવવામાં વ્યસ્ત થઇ ગઈ. આજે તેની સાથે- સાથે વાસણો પર ગુસ્સે હતા કે શું? કીચેનમાં વાસણોના અવાજની તીવ્રતા સામાન્ય કરતા વધારે હતી. અનિરુદ્ધને આ અવાજ ડીસ્ટર્બ કરે છે તેવું જતાવવા માટે ટી.વી.નું વોલ્યુમ થોડું ફૂલ કર્યું. આખો દિવસ ફૂલ વોલ્યુમમાં ગીતો સાંભળ્યા એ વાત વિશ્વાથી ભૂલી જવાઈ હશે એટલે જ એ મનમાં બબડતી હતી કે “ બેરા લોકો પણ આટલા વોલ્યુમ રાખીને ટી.વી. નહિ જોતા હોઈ.”

પોતે વોલ્યુમ વધાર્યું છે તે વિશ્વાએ નોટ કર્યું કે નહિ તે ચેક કરવા માટે અનિરુદ્ધ કિચેનમાં ડોકાવતો હતો. પેલી બાજુ, અનિરુદ્ધ પોતાને આમ ઇગ્નોર કરીને શું મજા લે છે તે ચેક કરવા માટે વિશ્વા તેની તરફ જોઈ રહી હતી. એ સમયે બંને ની આંખો મળી ગઈ. એક પલ માટેતો બંને એ નક્કી કરી લીધું કે હવે સમાધાન થઇ જશે. વિશ્વા સ્માઈલ આપશે અને સોરી કહી દેશે. વિશ્વા પણ એમ વિચારી રહી હતી કે અનિરુદ્ધ જયારે આ રીતે જોવે છે ત્યારે એક આંખ બહુ પ્રેમથી બંધ કરે છે, એટલે આજે પણ એ એમ જ કરશે.

એવું પણ કશું ના બન્યું. આવું તો પેહલી વખત બન્યું હતું કે બંને એક બીજા સાથે આખો દિવસ બોલ્યા વગર રહ્યા હોઈ. ત્રણ વર્ષના તેમની લવ સ્ટોરીના ઈતિહાસમાં પ્રથમ વખત આવી ‘દુર્ઘટના’, ઘટી હતી. ક્યારેક એક બીજાથી નારાજ થતા તો કેન્ટીનમાં સમોસાથી સસ્તામાં સમાધાન થઇ જતું. પણ આજે તો કોઈ સામેથી પહેલ કરવા જ ન’તું માંગતું. કેમકે વાત ઈગોની હતી.

ગુસ્સામાં બનાવેલ રસોઈમાં સ્વાભાવિક છે કે મરચું તો વધુ જ હોવાનું. પણ સિંહ ના મોઢામાં હાથ કોણ નાખે? જેવું બન્યું છે તેવું ખાઈ લેવામાં જ ભલાઈ છે તેમ સમજીને જમવાનું પતાવ્યું.

પોતે રસોઈ બનાવીને મોટો ઉપકાર કર્યો છે તેમ સાબિત કરવા માટે અંતે વિશ્વાએ બોલવાની પહેલ કરી.

“ આજે બહુ ગરમી છે, મારે બીચ પર જવું છે.”

“ તો કોણે કીધું હતું આટલું મરચું નાખવાનું?” અનિરુદ્ધે વિશ્વા ના સાંભળે એટલા ધીમા અવાજે કહ્યું.

પણ વિશ્વાને ખબર જ હતી કે એ કઈ આડું અવળું જ બોલશે એટલે કાન એકદમ સરવા જ રાખ્યા હતા.

“ એ તો તને તીખું બોવ ભાવે એટલે.... હું તો જવાની છું તું આવવાનો હોઈ તો તૈયાર થઇ જા.”

“ ઓકે, તે તો કહી દીધું ચાલો, હું કેટલો થાકી ગયો છું એ તને થોડી ખબર હોઈ?” અનિરુદ્ધે તેનો પક્ષ મજબુત કરવાની કોશિશ કરી.

“જો હું હવે રેડી છું. જઈએ?” વિશ્વા એટલું કહીને ચાલતી થઇ. અનિરુદ્ધ પણ પાછળ પાછળ ચાલતો થયો.

તેમનું ઘર એવી જગ્યાએ હતું જ્યાં પાછળના ભાગે બીચ હતો. થોડી જ વારમાં બંને તેના ડેસ્ટીનેસન પર પોહચી ગયા.

જ્યાં આકાશે રંગ બદલી નાખ્યાની ભાળ મળતા પોતે પણ રંગ બદલીને બેઠો હતો એવો ફલકમાં ફેલાયેલો અવધી. આકાશમાં દેખાતા ચંદ્રને જોઇને એ કૈક વધુ જ હરખમાં આવી જાય છે. આવા દરિયા કિનારે એ સમયે જિંદગીને બે હાથ ખુલ્લા છોડીને માણી લેવામાં માનતા કેટલાક લોકો પણ હતા. જેમાં સંગીત પ્રેમી એક કુલ ડુડ જે- સ્ટાર પ્રોડક્શનનું ના..ના..ના..ના.. વાળું સોંગ ફૂલ ધમાકાથી વગાડી રહ્યો હતો. મફતમાં મજા લેતા બીજા કેટલાક ફંકી સ્ટાઈલ વાળા કોલેજીયનો ધૂન સાથે મેચ થતો ડાન્સ કરી રહ્યા હતા.

જેમ રાત વધુ કાળી થતી જતી હતી તેમ લોકોની ભીડ વધુ થતી જતી હતી. જેનો અનિરુદ્ધ અને વિશ્વા પણ એક હિસ્સો હતા. એક જગ્યાએ બંને બેસી ગયા હતા. દિવસે ચાલેલા સંગ્રામની અસર હજુ ક્યાંક જરૂર હતી. જે ધીમે ધીમે ઓગળી રહી હતી.

થોડે દુર વાગી રહેલા ડી.જે.ની અસર અનિરુદ્ધની બાજુમા બેઠેલી વિશ્વા ના અંગ-અંગમાં વ્યાપી હતી. બેઠા-બેઠા એ નેચરલ મોમેન્ટ ને ફિલ કરી રહી હતી. અચાનક જ તે ખુશ થઈને અનિરુદ્ધનો હાથ પકડીને તેને ઉભો કરવા માટે ખેંચવા લાગી.

“ ચાલને ‘એની’ સોંગને એન્જોય કરીએ.”

“ ના, તું કર. મારું મૂડ નથી.” અનિરુદ્ધે તેનો હાથ છોડાવતા કહ્યું.

“એની, જો તું મને ઇગ્નોર કરે છે. મને હર્ટ થાય છે. ચલ ને કેટલુ મસ્ત સોંગ વાગે છે. તું એક વાર ઉભો થઇ ને જો તો ખરી.”

વિશ્વા થોડું આગળ ચાલી ને દરીયાના મોજા માં છબછબિયાં કરવા લાગી. પોતાના બંને હાથ ફેલાવી ને એ દરિયાને તેમાં ભરી લેવા માંગતી હોઈ તેવી ઈચ્છા સાથે એ થોડી વાર એમ જ ઉભી રહી.

“એની, એક દરિયાને કિનારે તું ને હું એકલા.., બેકગ્રાઉન્ડ મ્યુઝીક..., ઠંડો પવન.., ઓહ્હ કેટલી રોમાન્ટિક છે આ મોમેન્ટ.”

વિશ્વના ચેહરા પર એક અલગ જ નુર હતું. સીફોર્નનું આછા ગુલાબી રંગના ટોપમાંથી તેનું યુવાન હૈયું ચોખ્ખું ધડકતું દેખાતું હતું. તેના વાળ પણ મ્યુઝીક સાથે એકતાલ થઇ ગયા હતા કે શું? કેપ્રી પહેરેલા તેના ખુલ્લા પગ સાથે દરિયો ક્યારનો રમ્યા કરતો હતો અને હવે રેતી નો લેપ લગાડેલા એ પગ હજુએ સોંગની બીટ સાથે મુવમેન્ટ કરતા હતા. અનિરુદ્ધ તેને જોઈ રહ્યો હતો. તેના નખરાથી જાજી વાર સુધી તેનાથી નારાજ ના રહી શક્યો. વિશ્વાને આમ જોઇને તે પણ રોમાન્ટિક થતો ગયો.

વિશ્વા દરિયાની તરફ મો રાખીને ઉભી હતી. અનિરુદ્ધ પાછળથી તેને વેલની જેમ વીંટળાઈ પડ્યો.

“ વિશુ, હું આજ જમ્યો જ ન’તો.”

“ હું પણ”

બંને દરિયાના ઉછળતા મોજાને જોઈ રહ્યા.

“ એની, તું બીઝી હતો તો હું પણ બીઝી હતી.”

“ હમમ, એ તો મેં ચકાચક થયેલું ઘર જોયું એટલે સમજી ગયો.”

બંને હસવા લાગ્યા. થોડી વાર આંખો બંધ કરીને મૌનને માણી રહ્યા.

“ મેં રીપ્લાય ના કર્યો તો તને ચિંતા ના થઇ?”

“ અંમ્મ્હ.. જરા પણ નહિ. મને તો મારી ચિંતા થતી હતી કે હવે હું આ વાવાઝોડાનો સામનો કેમ કરીશ?”

“ ચલ સોરી કે,” વિશ્વાએ અનિરુદ્ધની તરફ ફરીને કહ્યું.

“ જરૂરી એ નથી કે હું તને સોરી કહું, કે તું મને કહે, બટ એ જરૂરી છે કે... વી શૂડ એન્જોય ધ મોમેન્ટ. હવે મેં અખો દિવસ કેમ ફોન ના રીસીવ કર્યો, અને તું ક્યાં હતી એવી લપમાં પડીશું તો આ દરિયો આપણાથી બોર થઇ જશે. એના કરતા તેની સાથે પણ થોડી મસ્તી કરી લઈએ”

એક બીજાની આંખોમાં ઘુસણખોરી શરુ થઇ. બંનેનું અંતર ઘટતું ગયું, એક લોંગ, ડીપ કીસ્સથી સમાધાન થઇ ગયું. ઠંડા પવનની વછે ગરમ ઉચ્છવાસ માણી રહ્યા. દરિયાને પણ મજા આવી. એક મોટા મોજા સાથે આ બંનેને રીયલ લાઈક મળી. જે ફેસબુક લાઈક કરતા ઘણી ચડિયાતી હતી. દિવસભાર ચાલેલું બ્રેક અપ અંતે પેચ અપમા પરિણમ્યું.

સંબંધોનું સાયન્સ બીજા બધા સાયન્સથી અઘરું જરૂર છે પણ એટલું જ દિલચસ્પ પણ છે. રીસવવા-મનાવવામાં થતા મીઠા જગડા અને મીઠી તકરારો, દિલને અંદરથી હસાવતા અને બહારથી ખોટો ગુસ્સો બરકરાર રાખવાની મજા પ્રિય પાત્ર ની હા માં હા અને ના માં ના મેળવવા કરતા કેટલાય ગણી ઉમદા છે. આપણે ત્યાં તો આ કલામાં પારંગત શ્રી નટખટ (ઓહ નોટી) કૃષ્ણએ આખો ગ્રંથ અર્પણ કર્યો છે.

આપણે હંમેશા તેનાથી જ રીસાતા હોઈએ જ્યા આપણું દિલ અંદરથી સ્યોર હોઈ કે એ ગમે તેમ આપણને માનવી લેશે. પણ જો રીસાવાનો અતિરેક થતો રહે તો સંબંધની નજાકતતા નષ્ટ થઇ જાય છે. તેમાં પેહલા અણગમો..સુગ..માનશીક ખેંચ, ડીપ્રેસન..અને અંતે કરુણ અંજામ પણ આવી શકે. લાગણી અને પ્રેમના પુષ્પો જેટલા આઝા રહે એટલા જ મઘમઘતા રહે છે.

બ્રેક અપ પછીનો સમય એટલે હેન્ડલ વિથ કેર. આગ ઓકતા હૈયા એક બીજાની ભૂલ શોધવામાં એટલા તો વ્યસ્ત થઇ જાય છે કે એ પણ ભૂલાય જાય કે જેનો દોષ શોધે છે તેને ક્યારેક પ્રેમ પણ કરતા હતા. ડીપ્રેસનને હાથે જ કંકોત્રી લખીને આમંત્રણ આપે અને પછી તેન આગમનથી ચિડાય. આ તો નરી મૂર્ખાઈ. પણ થોડી સ્પેસ આપો. જરૂરી નથી કે દર વખતે જાણી જોઇને જ હેરાન કરતુ હોઈ ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ ભાગ ભજવી જાય. જો એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ કેટલાય સમયના પ્રેમને હણી નાખે તો ત્યાં પ્રેમનો અવકાશ જ ના હોઈ એ વાત પાક્કી છે. પણ જો મેચ્યોર પ્રેમ હોઈ ત્યાં પછી એક બીજાના વાંક શોધવાની કે સોરીની પળોજણમાં પાડીને જૂની પોથી ખોલીને ઇતિથી અંત સુધીની કથા સંભળાવવાની પણ જરૂરત નથી રેહતી. સોરી એ શબ્દ નથી એ વ્યવહાર છે વર્તન છે.