Taro Vikalp tu Pote Mahesh Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Taro Vikalp tu Pote

ભૂકંપનો ભેંકાર

ચોતરફ ભીંતો મહીં કણસી રહ્યો ભેંકાર છે વેદનાના લાવારસનો છત લગી વિસ્તાર છે

સ્નેહભીના સંબંધોના સેંકડો ટૂકડા થયા કાળના ખાપરની જુઓ કેવી કાતિલ ધાર છે

શોકની ચાદર તળે તાજાં ફૂલો જંપી ગયાં નિર્દોષ સ્વપ્નોના જીગર પર ભારે ઘણનો માર છે

આભથી તડકો નહિ લાશો વરસતી જાય છે

સ્મિતના રેશમ ઉપર ભેંકારના આકાર છે

યમરાજની ભાષાના એ અક્ષર ઉકેલાતા નથી અંતની કાતિલ શક્તિ, માનવી લાચાર છે.

એક ઘર મારું હતું

જે નગરમાં ઘોર અંધારું હતું એ નગરમાં એક ઘર મારું હતું

આમ તો રસ્તા બધા પોલા છતાં આંખ પાસે યાદનું બારું હતું

બાર સાખો, દ્વાર, સાંકળ સ્તબ્ધ છે શૂન્યતાનું ભીંત પર તાળું હતું

સાવ સુની શેરીઓ પૂછે મને :

‘જે વિલાયું સ્મિત તે તારું હતું?’

હાથ પર ફૂલો ઉછેરી ના શક્યો

લોહી મારુ જન્મથી ખારું હતું.

સ્પર્શના સર્પો સરે છે

સ્પર્શના સર્પો સરે છે આરપાર

ખાલ તો ખખડી ગયેલું ગામ છે

પાંપણો ચીર્યા પછી ટોળું રડે આંખમાં ભોંઠા પડેલા રામ છે

પગ તળે ઉકળે ચરૂ આકાશનો હાથમાં બળતી દિશાનું નામ છે

રોજ પોલાં પ્રેત ભટકે ‘હું’ બની આયખું પળને દીધેલો ડામ છે

કોઈ કાચો ગર્ભ કોઠા સુંઘતો આવતા નવતરને ક્યાં આરામ છે?

મળે ના વિસામો

હવે આ નગરને મળે ના વિસામો કફન હાથમાં લઈ ફરે છે મકાનો

ભલે શ્વાસનો ભોમિયો રાહ ભૂલે ગહનમાં હશે વેદનાનો ખજાનો

સમયને પ્રતિકૂળ થવાની સજા એ

સકળ લોકમાં હું ગણાયો દીવાનો

નથી ક્યાંય પળો હજી કૃષ્ણનો કૈં

ખભે દ્વારકા લઈ ફરે છે સુદામો

‘મહેશ’ નામ પર તો ઘૃણા છે ઘણાને

છતાં શ્વાસ કહે છે કે હું છું બધાનો

નીતરે છે ઉદાસી

હવાનું ગવન ફરફરે આ હવામાં અને પાલવે નીતરે છે ઉદાસી

સુતેલી પળો પર અરીસો ધરીને

નવાં બિંબ કૈં ચિતરે છે ઉદાસી

ત્યહીં જીર્ણ ભીંતે ખટકતા ખીલા પર

પુરાણા વસન પર સરે છે ઉદાસી

હવે છત ઉપરથી છલકાય આંસુ તરે બારસાખો, ખરે છે ઉદાસી

તરસને ગ્રહી યાદ આવે તમારી

સુકા હોઠ પર થરથરે છે ઉદાસી

ઝાંખી બની સૂર્યની સૌ દિશાઓ

ચરાચર મહીં વિસ્તરે છે ઉદાસી

લોહીમાં તરતું નગર

માત્ર કોરા સ્પર્શની ચીસો તરે છે એ તરફ

લોહીમાં તરતું નગર તો ક્યારનું ડૂબી ગયું

સામટી તૂટી ગઈ’તી મનની દિવાલો છતાં કોઈ મધરાતી ટકોરા દ્વાર પર મૂકી ગયું

જન્મ જન્માન્તરની કેવી આકરી શ્રધ્ધા હશે!

એટલે અસ્તિત્વનું શ્રીફળ સ્વયં ફૂટી ગયું

એજ અશ્રુ પર ઝળુંબ્યાં શ્વાસનાં ઝુમ્મર હવે

સાત પાતાળો ચીરી જે આંખ પર ઊગી ગયું

એ સરિસૃપ મન પછી સરક્યું ખડકની ધાર પર જન્મના પથ્થર વડે ઈચ્છાનું દર તૂટી ગયું.

પ્યાદાં બધિર છે

શતરંજની બાજીનાં સૌ પ્યાદાં બધિર છે

ભૂખ્યો વજીર છે અને રાજા અમીર છે

તૃપ્તિનો ઓડકાર તો સપનું બની ગયો કરમાં તૂટેલ પાત્ર છે, મન પણ ફકીર છે

ઈચ્છાને સજાવી હતી દુલ્હન સમી અમે

પીડાના પાનેતરમાં તો કાળી લકીર છે

તરસી નજરથી તાકવાનો અર્થ શો હવે?

દૃષ્ટિના ભાથામાં પડ્યું એ બુઠ્ઠુ તીર છે

હમણાં કરું છું સ્નાન, ભાવિની ખબર નથી

સૌને ખબર છે ઝરણું તો ભાગેડું નીર છે

વૃત્તિનું વિભાજન થયું અસ્તિત્વમાં એ રીતે એક અંશ સાખી છે, તો બીજો સંત કબીર છે

સ્પર્શ ગઝલ

રોમરોમેથી વરસતી સ્પર્શની શીળી અસર

લો, સતત ભીંજાય છે અસ્તિત્વનું કોરું નગર

તપ્ત રેતીના કણો પર એક ટીંપુ ટળવળે એ અધુરો સ્પર્શ દરિયાની હશે કોરી નજર

સ્પર્શનો એ મ્હેલ ખાલીખમ રહ્યો વર્ષો લગી કોઈ અવગત રૂહ ભટકે છે હજીયે છત ઉપર

જે સુંવાળા સ્પર્શનાં તેં ફૂલ આપ્યાં’તાં કદી જો હથેળી પર હવે કરમાય છે તારા વગર

વૃક્ષ પર પંખી તણો અણસાર વરતાતો નથી શુષ્ક માળો સ્પર્શનો ઝૂલ્યા કરે છે ડાળ પર

લાશ પર ફૂલો વિખેરી સ્પર્શ ના કરશો હવે આંસુઓને ચિરવા ના કોઈએ રાખી કસર

સુંદર મળ્યું બહાનું

આવ્યા’તા એકલા ને છે એકલા જવાનું

પીડાને પ્રેમ કરવા સુંદર મળ્યું બહાનું

આકાર નિત બદલે પ્રત્યેક પળ પ્રણયની હસવાનું સૌની સાથે, રડવાનું છાનુંમાનું

અકબંધ છે હજીયે તારા મિલનની યાદો તો પણ સ્વયં ખૂલે છે તાજી વ્યથાનું ખાનું

જીવતરને હૂફ આપી ચાલી ગયા પછીથી

ખૂબ જ દિલ દુભાયું હેતાળ આ હવાનું

આભાસી મંઝિલોમાં કાપ્યો મેં પંથ લાંબો તો પણ હજી લલાટે લખ્યું છે ચાલવાનું?

તોરલ, તમે ગયાં ને અંધારપટ છવાયો દિશાઓ બોલી ઊઠી, છે થઈ ગયું થવાનું

સંતાપનો સૂરજ

સરકે છે કાળજે સતત સંતાપનો સૂરજ વિછિન્ન થાય પળપળે આંસુની ભીની રજ

ડૂબી ગઈ છે નાવ મરણની પથારીએ તોયે હજી લહેરાય છે ચિંતાના ચાર ધ્વજ

ભેદી ના શક્યો એક પણ કોઠો હજી લગી

ભવની ભૂગોળને તું હવે આખરે સમજ

ઈશ્વર ઊભો છે દ્વાર પર, મળવા તને હવે

ઈશને શું પડતી હશે માનવ તણી ગરજ?

ઉત્સાહનો આલાપ તો પંચમ સુધી ગયો

ને આખરે તો કંઠમાં આવી ગયો ખરજ

અશ્વત્થામા

તીરને સળગું કરી પીંછુ હવામાં સળવળે આભલે થીજી ગયેલું લોહી કોનું ઉકળે?

લોહીમાં તો કેટલા તાજા યુગોની છાપ છે શંખની ઝેરી હવાથી જે પળેપળ ઓગળે

ઓગળી ચાલ્યા જવાનું કોઈને ગમતું નથી

સ્થિર પગલાં હોય તો ના ધૂળને પણ કળ વળે

ધૂળ પર થંભી ગયું જીવન હજી લંબાય છે

મોત આવે હાર પર, વાતો કરી પાછું વળે

સ્વપ્ન! મારા શ્વાસ હંકારો

સ્વપ્ન ! મારા શ્વાસ હંકારો હવે શક્યતાના શઢ સવારે તૂટશે

આ ચરણ અટકે નહિ યુગો લગી શું થશે જ્યારે ધરાતલ ખૂટશે?

હે ઉદાસી! તુ પ્રલંબાતી રહે

ભાગ્યરેખા પણ હજીયે ફૂટશે!

દર્દને આપી દીધી એવી સજા શ્વાસ અળગા થાય ત્યારે છુટશે

કોઈ ડાળી પર હવે ફૂલો નથી આ નજર ઈચ્છાઓ ક્યાંથી ચૂંટશે?

અરમાનની દોલત બધી ખૂટી ગઈ

ખાલી હાથે કોણ કોને લુંટશે?

થાય તે ખરું

સુખનો પડ્યો દુકાળ જે થાય તે ખરું

ઈશ્વરને દીધી ગાળ, જે થાય તે ખરું

કણસી રહ્યા છે પ્રાણ, આ ખંડેર દેહમાં બદલે ય તે મુકામ, જે થાય તે ખરું

મૌનના લીંપણ થકી તું સીવાતા અધર

પાંપણ કરી મેં બંધ, જે થાય તે ખરું

સુકાય છે આ ડાળી અને પર્ણો લીલાંછમ

ભેદી હશે વળગાડ, જે થાય તે ખરું

ભીતરનું વ્હેણ પળપળે બદલાતું જાય છે અવકાશ પડખું ફેરવે, જે થાય તે ખરું

ખીલા બની ગયા

છેલ્લી પળોના શબ્દ સૌ ખીલા બની ગયા

ને લાગણીના ધોધ સૌ શીલા બની ગયા

બુલંદી માપવા અમે તેડાવ્યો હિમાલય ઈચ્છાના ચરણ ઓગળી ઢીલા બની ગયા

મટકીને તોડવાના તો અવસર હતા સરળ પણ કાનુડાના કંકરે લીલા બની ગયા

મેં તો પ્રણયની કેડી પર, ખેંચ્યા હતા લીટા વિરહના ઘસારાથી એ ચીલા બની ગયા

વસિયતમાં તારા નામનો ઉલ્લેખ જોઈને આ અક્ષરો ય રંગરસીલા બની ગયા

સવારી નીકળે

ભીંતને ભેદું ને બારી નીકળે

પાંપણે તારી સવારી નીકળે

માની લીધી હોય મેં નિજની છતાં એની માલિકી તમારી નીકળે

અશ્રુઓ જાગ્યાં હશે મોડે લગી

પાંપણે ભીની પથારી નીકળે

પ્હાડ - શીલા ભાળીને ફંટાઉ છું કો અહલ્યા રૂપ નારી નીકળે

રાફડા પાસે વગાડું બીન તો

સર્પના બદલે મદારી નીકળે

ફૂલ ના મૂકશો આ મારી લાશ પર શક્ય છે કંટક કટારી નીકળે

હસવું પડે છે

હસવુુંં પડે છે

દર્દ હડસેલી કદી હસવું પડે છે અણગમાની આંખમાં વસવું પડે છે

આયખું કિમતી ગણાતું સર્વનું તે છતાં તક્ષક બની ડસવું પડે છે

મૌનનું મ્હોરૂં લગાવ્યું તે છતાં શ્વાન સમ ક્યારેક તો ભસવું પડે છે

પ્રેમની આ રેસ છે અળવીતરી

માંદલા અશ્વો લઈ ધસવું પડે છે

શુધ્ધ કુંદન છે તમારું આ મિલન

પણ પ્રતિક્ષા પત્થરે ઘસવું પડે છે

હિંદના સરદારને

હાક જેની સાંભળી સુતેલ મડદાં સળવળે

હિંદના સરદાર તારું નામ નભમાં ઝળહળે

જ્ઞાનતંતુઓ સઘન પોલાદનું સર્જન હતું

ને ભીતરમાં દેશભક્તિનો સમંદર ઉછળે

રાષ્ટ્ર કાજે ના કદી પરવા કરી નિજ પદ તણી

ઈતિહાસનાં પૃષ્ઠો ઉપરના અક્ષરો આજે રડે

તોતિંગ કિલ્લા સમ હતું શાશન વિદેશી લોકનું આપની વેધક નજરથી તે મનોમન ખળભળે

ખંડ સત્તાને અખંડિત સાંકળે બાંધી તમે

દુશ્મનોના દળ તમારી હાંકથી પાછાં વળે

‘જો’ અને ‘તો’ ની વચાળે કલ્પના કરવી રહી

દેશની ધરતીનો ડૂમો આજ પણ અટકે ગળે

પગલાં પાડે છે છાનુમાનું

કાપીને સીવવાનું, સીવીને કાપવાનું આ દર્દનું વસ્તર તો, દશ વાર માપવાનું

નિજત્વની દિશામાં આગળ વધ્યા પછીથી આ હૈયુ ઠાલવીને વધ્યું તે આપવાનું

ધીરજની નાવ ડૂબતી આંસુના સાગરે તો જળની વચાળે યાદના સ્થાનકને સ્થાપવાનું

કલમથી જે લખાયું તે શીલાલેખ સમજું ગમતું નથી મને તો શબ્દો ઉથાપવાનું

ભૂલો કરું છું કાયમ, પૂરી સભાનતાથી

પણ હોઠ પર સરે છે કાંઈ રૂપાળુ બ્હાનું

આંસુ મહીં હવે આ સળવળાટ શેનો?

ભીતરમાં કોઈ પગલાં પાડે છે છાનુંમાનું

ડૂબવા ખાતર તરી હશે

જળની સપાટી કેટલુંયે કરગરી હશે!

તો પણ એ નાવ ડૂબવા ખાતર તરી હશે!

તારાં જ ગીતો ગણગણે દીવાલો ક્યારની

‘ભીંતોને કાન હોય’ એ કહેવત ખરી હશે!

વિચ્છિન્ન મારું મન પછી વર્તુળ થઈ ગયું તારું જ નામ દર્દની ચુંબક-ધરી હશે!

તારું થયું ન આગમન એ વાત ચર્ચવા આંખોમાં કોણે આંસુની મહેફિલ ભરી હશે!

ગમતી કથાનો અંત પણ જુદો જ નીકળ્યો શબ્દોએ મારી સાથે બનાવટ કરી હશે!

ફંટાય છે મારી દિશા તારાથી ઘણી દૂર કાતિલ પરિબળોએ રમત આદરી હશે!

મારી આ લાશ સળવળી બેઠી થવા મથે તારી છબી મારી કબર પાસે સરી હશે!

મન કળતો નથી

તું કહે તો પણ હવે, હું તારું મન કળતો નથી એક પડછાયો જે સ્પર્શે તોય પીગળતો નથી

કેટલી તાસીર છે, તારી નજરના ફેરમાં તું મળે કે ના મળે, પણ હું મને મળતો નથી

સર્પની જીભે તેં તારું મન મૂક્યું છે ત્યારથી

સ્પર્શનો આકાર અંધારામાં સળવળતો નથી

આંસુઓના દેશમાં ભૂલો પડ્યો છું ત્યારથી કોઈ મારગ શબ્દની મંઝીલ તરફ વળતો નથી

થાય છે સઘળી કથાનો અંત આ નિરમ્યો હશે શબ્દ છે પણ અર્થનો સંદર્ભ ઉછળતો નથી

દુર્દશાનો કડિયો છું

તૂટેલ સ્લેબનો લબડી ગયેલ સળીયો છું આ ઈમારતની દુર્દશાનો હું જ કડિયો છું

પડ્યો છું ક્યારનો રસ્તાના સાવ છેડા પર

સમયની ઠોકરે ગબડી ગયેલ ઠળીયો છું

બધું વહી ગયું છે ખાલીપો કેવળ બાકી કોઈ અક્કરમીના પતરાળા કેરો પડિયો છું

વ્યથાના બે ધ્રુવોની વચ્ચે રોજ ભટકું છું

નરી ફોગટની ખેપ કરનારો આંગડિયો છું

નજર જો એક થશે તો તમે મલકવાના

નથી બંસી છતાં હું સ્મિતનો શામળિયો છું

ઉર ઉપર અંકાય છે

કોઈ ઊર્મિ ઉર ઉપર અંકાય છે નિત નવા આકારમાં પથરાય છે

વસવસાના પાળિયાની પોકથી

લાગણી પથ્થર બની ધરબાય છે

કંઈક કહેવું છે ને કહેવાનું નથી

મૌન પણ કારણ વગર મુંઝાય છે

રાત દિવસની પળો ભિક્ષુક બની એક ઘરથી બીજે ઘર ભટકાય છે

છે અખંડિત રૂપ અવનિનું છતાં શા કારણે ટપકાં રૂપે વિખરાય છે?

આથમતો નથી

રોજ સુકી ડાળ થઈ તૂટ્યા કરું હું હવે આ વૃક્ષને ગમતો નથી

આ નગર ખાલીપણાનો ભાર છે શ્વાસ મારું ખોળીયું ખમતો નથી

વાત પર વર્ષો વીત્યાના તાડ છે ટોચ પર સણકો હજી શમતો નથી

ખાલ પર નક્કી ઉધઈના થર હશે આંખ ઢાળું છું ને આથમતો નથી

રોમ રોમે ચાસ છે

આંગણે ઊગ્યા અબીલના સાથિયા

ખોરડે રત્નો જડેલા શ્વાસ છે!

સોડમાં સહવાસ માઝમ રાતનો

ભીંતને ટહુકો ફૂટ્યાની આશ છે!

ગોખલે ડૂસકાં ભરે છે દીવડો શગ હવે ઈચ્છાની બળતી લાશ છે!

એમના કોઈ સગડ મળતા નથી કાગડાના બોલ પણ આભાસ છે!

ખેતરો લટકી રહ્યાં છે ખીંટીએ રોમ રોમે લોહીભીના ચાસ છે

ઘેરા નિસાસાઓ

કદી વરસી નહિ તારા મિલનની કોઈ આશાઓ

છતાં અંતર વિશે ઊગી ગયા ઘેરા નિસાસાઓ

લખે પત્રો ભલે કોઈ ગુલાબોની લકીરો પર

ઉકેલાતી નથી અક્ષર થકી આંખોની ભાષાઓ

ચમત્કારો હજી પણ આજ બનતા જાય છે જાણ્યું હથેળીમાં અમે જોયા રૂપેરી ચાંદ તારાઓ

મહોબતની અદાલતમાં વિરહની કેદ પામો તો

ચૂકાદામાં નથી હોતા સજાના સૌ ખુલાસાઓ

નથી તારી નજર મારા તરફ એ વાત જાણીને

મને મળવા તરત દોડી રૂપાળી કૈ હતાશાઓ

અમે આંસુ દીધાં વેચી, કર્યુ લીલામ કિસ્મતનું જતનથી જાળવ્યા છે તોય પણ તારા દિલાસાઓ

પ્રણયની રીત

સાહ્યબીનો ઠાઠ દિલમાં રણઝણે હોઠ પર ઈચ્છાના અશ્વો હણહણે

સ્પર્શ, ઉષ્મા, રૂપની જાજમ ઉપર

લાગણી વનફૂલના મહેલો ચણે

ઝુમ્મરો અજવાળતાં સહવાસનાં તે હવામાં ગીત કોઈ ગણગણે

દિલરૂબાના સ્વર તણા કંપન વિશે શબ્દ પણ સઘળા મલાજા અવગણે

રાજ સિંહાસન હતું, તોરલ હતી

સ્પર્શના દરબારીઓ સ્તુતિ ભણે

હા, પ્રણયની શાન રજવાડી હતી

ના મળે ઈલ્કાબ તો મસ્તક હણે

સાવકી ઈચ્છાને

સ્થિર સંબંધોનું પાનું ડાળખી તોડી પડ્યું એક આંસુ ભીંતના ખીલાને તરછોડી રડ્યું

બે ઘડી વાતો કરીને, લ્યો તમે ચાલ્યાં ગયાં

સાવકી ઈચ્છાને શું પોતાનું પિયર સાંભર્યું?

રેશમી પરદા ઉપર ચકલીનો માળો ચિતર્યો તોય ડાળી પર નવું સગપણ નિહાળી ઘર કર્યું

કૈંક આઘાતો ને પીડાઓની મૂડી છે હવે જે હતું સઘળું એ તારી યાદના ચરણે ધર્યું

કોરા કાગળ પર કલમ મૂકી ને આવી યાદ તું

લો, નસીબ આડેનું આજે પાંદડું પળમાં ખર્યું

રિસાય તારું નામ તો

શબ્દમાં ધરબાય તીણી ખીલીઓ અર્થમાં એની અણી ભોંકાય છે

એક પળ રિસાય તારું નામ તો

સ્નેહના અક્ષર સ્વયં ભીંજાય છે

પીપળાનો પ્રેમ ભવભવનો હશે!

ભીંતની છાતી ચીરી ડોકાય છે

એ કબર પાસે હવા થંભી ગઈ

એટલે સંબંધ ત્યાં ઘુમાય છે

જગ અજાણ્યું થઈને દૃષ્ટિ ફેરવે

લાશ વારસના જ ગુણલા ગાય છે

જે ધરાએ ફૂલને ખીલવ્યાં હતાં એ ધરા પાતાળમાં કરમાય છે

અઘરો સવાલ છે

હું એના ખ્યાલમાં છું એને મારો ખ્યાલ છે?

અઘરો સવાલ છે કે પરસ્પરનું વ્હાલ છે?

પાંપણ ઢળી ને ઊર્મિઓ હળવેક સળવળી એકાંત પણ પૂછી ગયું : ‘શેની ધમાલ છે?’

મારી જ જેમ આખી રાત એ રડ્યાં હશે!

તસ્વીરમાં ય આંખો કેવી લાલ લાલ છે!

પીડાનું વાવેતર અમે ન્હોતું કર્યું કદી તો પણ જુઓ કે બમણો આજ એનો ફાલ છે

નિર્જન ભૂમિના બાંકડે કણસું છું ક્યારનો

ને શ્વાસ પણ પૂછતા નથી કે કેવા હાલ છે?

મંઝીલ નિકટ કે દૂર મને કૈં ખબર નથી

ઈચ્છાના દગ્ધ હાથમાં બુઝતી મશાલ છે

માલવપતિ શું મન હવે સાંકળમાં કેદ છે

ને લાગણી જાહેરમાં રડતી મૃણાલ છે

એટલો બસ ખેદ છે

શબ્દ તારા પ્રેમરસનો વેદ છે હું ન સમજ્યો એટલો બસ ખેદ છે

શાંતિ સંયોગી પળોના દેશમાં તારી - મારી વચ્ચે શેનો ભેદ છે!

સ્વપ્ન પર કાબુ રહ્યો ના મન તણો આ રમત તારી નજરમાં કેદ છે

શબ્દ ઉભરાયો, તરત શમી ગયો હોઠ પર શું સાવ ઝીણો છેદ છે?

ફૂલ પર ઝાકળ નિહાળી થાય છે

ભીનો ભીનો પ્રેમનો પ્રસ્વેદ છે

સરકી ગયું છે આભ

સરકી ગયું છે આભ ધરાની સુવાસમાં કોઈ હસી રહ્યું છે મારી આસપાસમાં

જંપી ગયેલ ફૂલ પર ટૌકી હવા અને

પડઘા તરત ફૂટી ગયા પંખીના શ્વાસમાં

આતુરતા કોની અહીં ફોરાં બની દ્રવે કે સીમ પણ ખેંચાઈને આવી ઉજાશમાં

લાંબા વિયોગે ઝૂરતી નાજુક નદી હવે હળવેકથી ભીંસાય કોઈ બાહુપાશમાં

ભીની ધરાના સ્પર્શથી હું તરબતર થયો

ફણગી ગયાં મીઠાં સ્મરણ હૃદયના ચાસમાં

શ્વાસ બાજુ પર મૂકી

દેહમાં ભોંકાય તીણા કંટકો હું પળોનાં ફૂલને સુંઘ્યા કરું

ધુમ્મસે લીંપી દીધી આખી છબી હું અનાગત દૃશ્યને લુંછ્યા કરું

પ્હાડનું જીવતર હજીયે પાંગરે હું સમયના ભારથી તૂટ્યા કરું

દૂર ભાગે છે, જુઓ અવકાશ પણ હું હવે એકાંતને ખૂંચ્યા કરું

થાય છે અસ્તિત્વ જેવું કૈં નથી શ્વાસ ઓશિકે મૂકી ઊંઘ્યા કરું

જીર્ણ અસ્થિ બાળીએ

દેહનો દરિયો ઉલેચી જલ ધરાવ્યું પાળિયે તો હવે ચાલો, આ મારાં જીર્ણ અસ્થિ બાળીએ

શબ્દની ચિતા જલે છે મૌનના પાદર ઉપર

ને સમય ડાઘુ થઈ, રોઈ રહ્યો છે ડાળીએ

ખોરડાની ભીંતથી ચિંતા ખરે છે એટલે

લાગણીનું પોટલું મૂકી દીધું છે માળીયે

અંજલિમાં ના સમાયું ને પછી છલકી ગયું એ જ આંસુ સ્થિર થઈ જંપી ગયું છે ઢાળીયે

પ્રશ્નની આંખે ભીડ્યા પાટા હવે ખૂલી ગયા તો હવે આતમને બીજા કોઈ રસ્તે વાળીયે.

લીલું સપન સળગી ગયું

ફૂલ પર કંપી રહેલા કોઈ ભીરુ જળ સમું એક આંસુ હોઠ પર હળવેકથી સરકી ગયું

પલ્લવોની ચાંચ ખોલી ગેલતું પ્હેલું કિરણ

પાંખમાં ધુમ્મસ ભરી વેરાન શું થરકી ગયું

ઝાડ, પંખી, પ્હાડ, આંખો ચૂપ વાયુ સ્થિર છે શું પરોઢે મૌનનું ઝાકળ બધે વરસી ગયું?

સાવ સુના સ્પર્શના ઓળા બુઝાવે જ્યોતને તેજમાં અસ્તિત્વનું લીલું સપન સળગી ગયું!

કાચની દીવાલ કૂણી લાગણી છેદી રહે આયખું એકાંતના આ વ્રણ મહીં વણસી ગયું.

એફિલની ટોચ પર

ઈચ્છાઓ ખેંચી જાય છે એફિલની ટોચ પર

ને હું ધરાના ફર્શ પર સરતો રહું સતત

મારા કવનની રોજ દીવાલો ખર્યા કરે

ને હું હવાની છત લઈ ફરતો રહું સતત

એની નજરની પાળ પર સપનાં ડૂબી ગયાં

ને હું સમયના જળ મહીં તરતો રહું સતત

ખાલી દિશામાં કોઈ ધકેલે છે મારા પ્રાણ

ને હું પળોના પુલ પર મરતો રહું સતત

એની હથેળી પર તિરાડો વિસ્તરે છે હજી

ને હું નસોના ગર્ભમાં ઝરતો રહું સતત

તોરલ, આ તારા સ્પર્શનો

તોરલ. આ તારા સ્પર્શનો પાલવ સરી ગયો તાજી હવામાં નામ તારું કોરવું હતું!

ઝુલ્ફોની ભીની ભોંય પર ઊર્મિઓ પાથરી વાસંતી ફૂલ થઈને સદા મ્હોરવું હતું!

તારી દિશાની કુંજમાં મોસમ સર્યા પછી શીતળ હવાની લ્હેર સંગ ફોરવું હતું!

તારી ખુશીની છાલકે ભીંજાઈ જાઉં હું એકાદ એવું ચિત્ર મારે દોરવું હતું!

રાધાનું મન તેં જે ક્ષણે માગી લીધું હતું એ ક્ષણનું ગગન કહ્‌ાન બની ચોરવું હતું

યાદનો અન્વય

સ્થિરતા કંપી રહી વેરાનમાં કોઈના હોવા વિશે સંશય હશે!

હું ઊભો સામે અને દેખાઉ ના શું અરીસો સ્વપ્નમાં તન્મય હશે!

પાંપણો ચોકી કરે છે રાતભર આંસુઓ ભાગી જવાનો ભય હશે!

હોઠ પર શબ્દો અટકતા હરપળે વિસ્મરણમાં ગીત જેવો લય હશે!

રોજ હું ખાલીપણું શોધ્યા કરું એ જ તારી યાદનો અન્વય હશે!

રાધાની એકોક્તિ

આંખ પર છલકે એ કાલિંદીનું કોરું જળ હશે?

કે હૃદય ઊંચા કદંબી ડાળ કેરું ફળ હશે?

દેહમાં તરતી શિરાઓ કોઈ વનરાવન સમી

લોહીનું સરકી જવું એ શ્યામ કેરું છળ હશે?

આમ તો ગોરસ સમું હૈયું મુલાયમ છે છતાં રોજ છેદાયા કરુ એ કોઈ લીસી ચળ હશે?

હેમની ગાગર સમું આ મન સતત પૂછ્યા કરે વાંસળી અસ્તિત્વને ભરમાવતું મૃગજળ હશે?

રોમ રોમે સ્પર્શની ધેનુ હવે ચરતી નથી

મોર પિચ્છે લ્હેરતી એ લાગણી પોકળ હશે?

લો હવે ભીંજાઉં છું કાળાશના વરસાદમાં

શ્યામનાં અશ્રુ હશે કે સ્નેહનું વાદળ હશે?

શબ્દનું પીંછુ સ્પર્શી ગયું

સ્પર્શનું પીંછુ મને સ્પર્શી ગયું પણ તે પછી... સ્મિત સંગે દર્દ પણ હરખી ગયું પણ તે પછી...

છે ગજબની સ્નિગ્ધતા તારા અનાગત વેણમાં

પત્થરો ભેદી ઝરણ સરકી ગયું પણ તે પછી...

ચાંદનીનું મન ઘણાં વર્ષો પછી તરલ બન્યું

ખાલીપાના છાપરે વરસી ગયું પણ તે પછી...

વેદનાનો ધોધ તારી પાંપણે થંભી ગયો આંગળી ઝાલીને જળ મલકી ગયું પણ તે પછી...

લો, હવે તો અક્ષરોનાં પંખીઓ ઉડી રહ્યાં

ને કવિતાનું ગગન છલકી ગયુ પણ તે પછી...

આભથી ખરતો રહ્યો

કોઈ ઉલ્કા આભથી ખરતો રહ્યો અંતનું અસ્તિત્વ ચીતરતો રહ્યો

ભીંતમાં ડૂબી ગઈ ઝાંખી છબી

સ્પર્શ પોલા કાચ પર તરતો રહ્યો

પોપચાં સંકેલતાં ચ્હેરા બધા

દેહ પડછાયો લઈ સરતો રહ્યો

લાગણી થીજી ગઈ તો હોઠ પર શબ્દ કોઈ શિલ્પ કોતરતો રહ્યો

ઓરડે મૃગજળ હતું અકબંધ ને ટોડલે સંબંધ ઓસરતો રહ્યો

દર્પણો ડરતાં રહ્યાં’તાં રાતભર જ્યાં લગી હું એકલો ફરતો રહ્યો

કંઠ ક્યાં રુંધાય છે

પંખીઓનો કંઠ ક્યાં રુંધાય છે? પથ્થરો પાતાળમાં મુંઝાય છે!

આંખમાં કાજળ હજી અકબંધ છે રાત અશ્રુવેગમાં ધોવાય છે

એ ઋણાનુબંધ ક્યાંથી તૂટશે? પાનખર તો પાંદડે અટવાય છે

સૂર્ય ડૂબે કે ઊગે ના ફેર કંઈ

શૂન્યનો આકાર ક્યાં બદલાય છે?

ધૂળ જો હસતી રહે અવકાશમાં આ હવાના હૈયે કૈં કૈં થાય છે

રંગ હીનાનો ખીલે એ હાથમાં હસ્તરેખાઓ અહીં લોપાય છે

વર્તુળો તરતાં રહ્યાં

આંખમાં આભાસી દૃશ્યો એમ વિસ્તરતાં રહ્યાં કાંકરી જળમાં ડૂબી ને વર્તુળો તરતાં રહ્યાં

રેતના ઢગલા થઈને મૌન પથરાતું ગયું શબ્દના ભૂખ્યાં હરણ ખંડેરને ચરતાં રહ્યાં

આગળા સજ્જડ ભીડાવી મેડીએ ચાંદો સુતો આયખાનાં પુર બે આંખોમાં ઓસરતાં રહ્યાં

‘આવજો’ના પાળિયા અસ્તિત્વને ધરબી ગયા રોજ પડઘાનાં શબ્દો ખીણોમાં અવતરતાં રહ્યાં

ક્ષણોની પાંખમાં ફફળાટ છે

સાવ સુની કેડી જેવી વાટ છે

સૌ દિશાનો એક સરખો ઘાટ છે

ચોકમાં આંધી ભલે જંપી ગઈ

કોઈનાં પગલાં તળે કણસાટ છે

હાથ ફરક્યો ને હવા સળગી ઊઠી

ને પવનની પાંખમાં ફફડાટ છે

શબ્દનું કોઈ પગેરું ના જડ્યું હોઠ પર એ વાતનો ગભરાટ છે

આંખ પડખું ફેરવે આકાશમાં દૃશ્યના દરવાજે ઊંડી ફાટ છે

મરી જશું અમે

અવકાશમાં રજકણ થઈ સરી જશું અમે

સ્મરણોની આસપાસ ઘર કરી જશું અમે

અમનેય થોડું મ્હોરવા દો આ વસંતમાં

મોસમ બદલશે રંગ તો ખરી જશું અમે

મૂકી દીધી છે નાવ આ રેતી ઉપર હવે આપે નસીબ યારી તો તરી જશું અમે

આંખોમાં જગા થોડીઘણી મળી જાય તો

સપનું થઈને પ્રેમથી પ્રસરી જશું અમે

ઈચ્છાની ત્વચા પર હજી આ શેના ઘાવ છે? થોડું હસો તો વેદના વિસરી જશું અમે

આવીને મોત કૈં વખત પાછું વળી ગયું કરશે હવે જો સાદ તો મરી જશું અમે

જીવતરને ગણ્યું નંદન સમું

આંખડીને ભીંજવે આંસુ પછી કૈંક થરકી જાય છે સ્પંદન સમું

ડાળખીનું મન કદી તરડાય તો કૂંપળોને લાગતું બંધન સમું

દીપ સામે આ નજર સરકી અને જ્યોત ઝૂકીને કરે વંદન સમું

લાગણી સુકાઈને ખરતી રહી તોય જીવતરને ગણ્યું નંદન સમું

કૂકડો બોલ્યો ને સૂરજ આથમ્યો

ને સમયનું તૂટવું કંગન સમું

વ્યાકરણમાં સ્વર બધા છુટા પડ્યા

દૂર તડપે છે કશું વ્યંજન સમું

ઊઘડતી સવારમાં

આવે છે યાદ તારી ઊઘડતી સવારમાં કિરણો હસી રહ્યાં છે આજ મારા દ્વારમાં

આ તારો દેશ છે કે મારો! કૈં ખબર નથી

ધરતી ભૂલી દિશાઓ શું તારા વિચારમાં?

ઉપચાર આખા દર્દનો તારી જ પાસ છે

ઘાયલ થઉં છું રોજ પ્રતિક્ષા પ્રહારમાં

મિલનનો અર્થ માણવા યુગો સુધી મથ્યો

સમજી શક્યો ન મર્મ સ્હેજ ઈન્તજારનો

લાંબી કિતાબો વાંચવી ફોગટ દિસે મને અટકી ગયું છે મન ફક્ત અનુસ્વારમાં

સંબંધ આભાસી હશે

આપણો સહવાસ આભાસી હશે! ને ક્ષણોના શ્વાસ સન્યાસી હશે!

દૃષ્ટિનાં પંખી નગર છોડી ગયાં શું ઋણાનું બંધ વનવાસી હશે?

મન વિશે માતંગ ઝૂલે સ્નેહના

ને ઉદાસી સ્વપ્નની દાસી હશે?

એમની ઈચ્છાના જળમાં ડૂબવું એજ મારા પ્રેમનું કાશી હશે?

પળપળે બસ એ જ ભ્રમણા થાય છે જે મળ્યાં’તાં ફૂલ એ વાસી હશે?

અવનવાં રૂપો ધરે

શબ્દ, ઈચ્છા, અર્થનાં પીંછાં ખરે જે ધરા પર ઉડી ઉડી વિસ્તરે

રિક્તતાના ગર્ભમાં ધબકાર છે હર પળે ઘેરી નિરાશા અવતરે

હોઠને તસ્વીરમાં સ્પર્શ્યા પછી ટેરવાં મૂંગાં થઈ પાછાં ફરે

કો અજાણ્યા શહેરમાં શોધું મને વૃત્તિઓ પણ અવનવાં રૂપો ધરે

ધારણાનાં વાદળો તૂટી ગયાં

લો, હવે ચિત્કારનાં ફોરાં ઝરે

આભાસી જળની વાવ

આ સરિતા જાણે કે આભાસી જળની વાવ છે! છે કિનારો દૂર ને ખંડિત થયેલી નાવ છે!

રાતભર આકાશી તારાઓ સતત લણવા રહ્યા એજ મારા રક્તનો કોઠે પડ્યો સ્વભાવ છે!

શબ્દની પાનીથી ટપકે છે કુંવારી વેદના

છે દરદ તાજું પરંતુ યુગ પુરાણો ઘાવ છે

સ્મિત રેલાવી નજરને છેતરી ચાલ્યા જવું

છે રમત હળવી છતાં ઉતરે ન એવો દાવ છે

એકબીજાને સદા વિસરી જવાની વારતા તે જ અર્પેલો મને એ વૈભવી ખિતાબ છે

વરસો પછી નયનને મળી

વરસો પછી નયનને મળી એવી શુભ ઘડી!

મારગ ભૂલેલ આંસુને સાચી દિશા જડી

ભ્રમિત મનોભૂમિમાં તમારા ગમન પછી તોરલ, તમે સમીપ છો એવી ખબર પડી

માળો હતો વિષાદનો દિલની બખોલમાં

ખાલીપણાની શુષ્ક સળી ત્યાં મને નડી

ચિંતાનું જળ તો સાવ નિરર્થક વહી ગયું

ધોવાતી ગઈ પાળ અહોનિશ રડી રડી

ઊર્મિઓ થનગની હવે તમને વધાવવા

પોકારે તારા નામની અખંડસૂર છડી

ઝાંઝવાં તરસે મરે

કોઈ સુકું રણ મને આગળ ધરે હું જીવું ને ઝાંઝવાં તરસે મરે

છે ઋણાનુબંધ ભ્રમણાની નજર

દર્પણોને બિંબ ક્યાંથી સાંભરે?

તો ઉદાસી તું પ્રલંબાતી રહે

ભાગ્યરેખાઓ હજીયે વિસ્તરે

આભ જીરવે ના હયાતિ એટલે આંખના છેડે પીડાઓ ઘર કરે

ભીંસ કેવી છે અનાગતની અહીં

શબ્દ પણ પ્રાગટ્ય માટે તરફડે

લાશમાં અકબંધ છું

દર્દના કિલ્લા વિશે હું બંધ છું

સૂર્યના ઘરમાં સદાયે અંધ છું

કોઈ ખોદે ના હવે મારી કબર

નામ રૂપે લાશમાં અકબંધ છું

એમ સમજી મિત્ર સૌ ચાલ્યા ગયા હું સમયના દ્ધેષની દુર્ગંધ છું

હો ભલે વિચ્છિન્ન ભીતરની દીવાલો હું યુગોને જોડતો સંબંધ છું

કોઈ શાયર દિલ મને પોકારશે હું ગઝલનો કાફિયા ને છંદ છું

ઊગ્યું આદર જેવું

અણગમતી આંખોમાં ઊગે આદર જેવું ગામ વચાળે ગલીઓ મલકે પાદર જેવું

ધરા ધ્રુજતી ભીતરની ભીનાશ ઉછાળી તડકાએ ઓઢાડ્યું ઝીણી ચાદર જેવું

વ્યથા વરસતી ફૂલો પર ઝાકળના નામે ડાળી પર્ણોમાં શોધે કૈં ગાગર જેવું

રેત પાથરી નામ કોતર્યું અજવાળાનું

ફરી વળ્યું અંધારું પળમાં સાગર જેવું

અક્ષરને વનવાસ મળ્યો એ વાત ખરી છે

નથી અંગ પર વસ્તર કાના - માતર જેવું

જગ જોવાનો અર્થ નથી આથમતી આંખે ગત યાદોનું ટપકું કનડે કસ્તર જેવું

પોઢવાનું મન થયું

વિસ્મરણના ઘાસ ઉપર પોઢવાનું મન થયું! સૂર્યની સરહદ વટાવી દોડવાનું મન થયું!

ઓષ્ઠ પર બિંદુ ઊગ્યું કોની નિશાની રાખવા!

એની શીળી છાપ દિલમાં ચોડવાનું મન થયું!

સ્પર્શનાં તોરણ ભલે તન્મય થઈ બાંધ્યાં હતાં

પર્ણ નિત ખરતાં રહ્યાં ને છોડવાનું મન થયું!

કો અજાણ્યો વાયરો, ભરખી જવાના ભય થકી

યાદની ગાગર ભીતરમાં ફોડવાનું મન થયું!

જે સંબંધો માળીયે છૂટા કરી ફેંક્યા હતા એ સંબંધોને ફરીથી જોડવાનું મન થયું!

આકાર બંધાતો નથી

તારા મનનો કોઈ છેડો, ક્યાંય સંધાતો નથી એટલે સંબંધનો આકાર બંધાતો નથી

સાવ ખુલ્લો પત્ર પગરવમાં પડ્યો છે તે છતાં અટકળોના આવરણમાં એય વંચાતો નથી

ઈચ્છાઓના દેશમાં ભૂલો પડ્યો છું ત્યારથી

મારા મનનો કોઈ મારગ ક્યાંય ફંટાતો નથી

અંધકારે વિશ્વ આખાને ભલે ઘેરી લીધું, તારો પડછાયો છતાંયે ક્યાંય સંતાતો નથી

વાદળો ઘેરાય છે, ભીનાશ અડકી જાય છે

પણ લાગણીનો એક છાંટો મુજને છંટાતો નથી

શ્રધ્ધા દીઠી

દૂર - સુદૂરે શ્રધ્ધા દીઠી હવે સમયને ચોળો પીઠી

જીવતરની દીવાલ વચાળે આશાઓને ખોડો ખીંટી

પાંચ વરસની ઈચ્છાઓની આંગળીએ પહેરાવો વીંટી

ભલે થઈ બદનામ છતાંયે

ઈચ્છાઓ છે હજી અજીઠી

પૂર્વ પળો પંપાળુ ત્યારે

યાદ તમારી લાગે મીઠી

નસીબ જ મળ્યું છે

અરમાન તાણે સમંદરની નીચે

પ્રથમ શ્વાસ રુંધે અને ગુંગળાવે

મોતીની આશામાં મુઠ્ઠી ભરું તો

નર્યા શંખ ને છીપલાં હાથ આવે

પ્રિયા કરતાં પીડા વધારે ગમે છે કરું ના ઈશારા છતાં દોડી આવે પ્રિયા જો કરે વાયદો સાવ સાચો છતાં એ કદીયે સમયસર ન આવે

ઊર્મિ ને આંસુનું સગપણ નિકટનું છતાં ભિન્નતા મારું મન ભરમાવે રૂઠેલ ઊર્મિઓ પાછી વળે પણ રૂઠેલ આંસુઓ પાછાં ન આવે

મરીને જીવું છું, જીવીને મરું છું આ કેવી માયા જે મુજને ફસાવે

ઘરની દીવાલો રડાવે છે કાયમ

કબરની દીવાલો હસે-ફોસલાવે

નસીબ જ મળ્યું છે મને એવું ભીરૂ નજર પણ સતાવે, નગર પણ સતાવે

મને ખૂદને પૂછું હું ઠેકાણું મારું

તો એ પણ અજાણી દિશાઓ બતાવે

દંભનું ઝરણ

દંભનું ઝેરી ઝરણ સુકાય ના

મુખવટાના મોહથી છુટાય ના

દૃશ્યની સોગાત સુની છે છતાં આયખાથી એક પળ લુંટાય ના

શબ્દસરમાં સેંકડો ખીલ્યાં કમળ

તે નજરથી કો ગઝલ ચૂંટાયના

સંગના તટ પર વિસામો ના રહ્યો

દર્દ ઘુંટવું છે છતાં ઘુંટાય ના

એવી ગોપીની મટુકી હું થયો કહ્‌ાનના કંકર થકી ફૂટાય ના

દૂર થાય ના

વિચાર વંધ્ય મન મહીંથી દૂર થાય ના

ને વ્યર્થ એનો બોજ નો મુજથી ખમાય ના

તારી ઉદારતાને ખુદા સેંકડો સલામ દુઃખો દીધાં તેં એટલાં, મનમાં સમાય ના

તારા ગમન પછીથી દિશાઓ ભૂલી પડી આગળ વધાય ના અને પાછા જવાય ના

મિલનની માનતાનું શ્રીફળ તારે હાથ છે

પથ્થર બને જો ફૂલ તે વધેરાય ના

મોસમ હસે છે ડાળ પર પાગલ બની હવે

ને રિક્તતામાં પર્ણથી ગીતો ગવાયના

અલખના ઓટલે

સત્ય ઉચ્ચારી લગીર પાછો ખસું છું

ને પછી હું ડર તણા ઘરમાં વસું છું

ના અભિનયનો કર્યો અભ્યાસ મેં

તે છતાં પીડા દબાવીને હસું છું

જાળ ગૂંથું નિત નવા સંબંધની વણ પ્રયાસે એ પછી એમાં હસું છું

જિંદગી મારી કસોટી શું કરે?

મોતને એકાંતમાં લઈ જઈ કસું છું

જીર્ણ બીબાંમાં હવે ઢળવું નથી

લો, અલખના ઓટલે બેસી શ્વસું છું

જશે એ કિનારે

ઘણાં મોત જોયાં છે આ જિંદગીમાં હવે જીવવું છે સમયને સહારે

તમે ફક્ત ઈચ્છાનું તરણું જ ફેંકો

મને ઊંચકી લઈ જશે એ કિનારે

અમે સ્વપ્ન ને ફૂલ જોયાં બરાબર

ભલે બન્ને ખીલે યુવાનીના આરે

ફૂલો ડોક ઢાળીને કરમાય સાંજે

અને સ્વપ્ન ચીમળાય વહેલી સવારે

તમારી નજરનો નથી પાર પામ્યો

ઘણાં રૂપ સર્જે છે એક જ ઈશારે

ઘડીમાં મિલનની એ જાજમ બિછાવે

ઘડીમાં હણે મન મુલાયમ પ્રહારે

ચૂંદડીયું ઓગળતી વ્હાલમ

ઓકળીયાળી ભીંત અમારી હથેળીએ સળવળતી વ્હાલમ !

ઉજાગરાનું કંકુ છાંટી રાત્યું પાછી વળતી વ્હાલમ્‌ !

પાદરની શીળી છાયાને હૂંફ હવે ના મળતી વ્હાલમ્‌ !

ભણકારાનાં ઢોલ ઢબુકે

પડઘે છાતી કળતી વ્હાલમ્‌ !

સૂરજ લાગે મસાણિયો દવ

ભીતર ભડકે બળતી વ્હાલમ !

જીવતર જાણે પીર પાળિયો

ચૂંદડીયું ઓગળતી વ્હાલમ્‌ !

સાલા અક્કરમી

ભર દરિયાની વચ્ચે દીઠો,

આભાસી ઓવારો સાલા અક્કરમી

ચાલ મહશિયા ડૂબી મર તું,

મરવાનો છે વારો સાલા અક્કરમી

રેકર્ડ લેતી નામ રામનું,

ટેપ સીતાને વ્હાલી સાલા અક્કરમી

લંકામાં વસવાટ સહુનો,

અયોધ્યા છે ખાલી સાલા અક્કરમી

પડી પટોળે ભાત હવે તો

સાફ થઈને રૂવે સાલા અક્કરમી

ખાલીખમ પીચકારી લઈ તું,

હજી ભટકતો કૂવે સાલા અક્કરમી

ફળમાં તીણી ચાંચ હુલાવી

પોપટ બેઠો ડાળે સાલા અક્કરમી ડાળીની છોલાય નસો ને

કીડી થડ પંપાળે સાલા અક્કરમી

‘દુઃખનો દરિયો’ એવું બોલી

જીભ થઈ છે ડોશી સાલા અક્કરમી

મોતીના ગોતાયુ તેથી

બની ગયો તું જોશી સાલા અક્કરમી

રાધા રાધા નામ જપંતા

માધવ હૈયું ગૂંથે સાલા અક્કરમી વેણુના બે સૂર વચાળે

કાગ અભરખા ચૂંથે સાલા અક્કરમી

ચિંતાઓ મોભારે બેસી

અરધી રાતે ચૂવે સાલા અક્કરમી

લાભ શુભને લાંબા રેલા

અંધારામાં ધુએ સાલા અક્કરમી

રેલા દરિયો થાય અને

દરિયાને ના આવારો સાલા અક્કરમી

ચાલ મહેશિયા ડૂબી મરતું

જીવતરનો ના આરો સાલા અક્કરમી

હઝલ - સપ્તક

નોકર બની ગયો!

હીરો હતો હું પોળમાં, જોકર બની ગયો ! પત્ની પિયર સીધાવતાં નોકર બની ગયો !

જખ મારીને કરવાં પડ્યાં ઘરનાં તમામ કામ

ગજરાજ જેવો હું મરદ, ખચ્ચર બની ગયો

કુકર ઘસી ઘસીને પડ્યા ટેરવે ચીરા

લેંઘો ય મેંશ સ્પર્શથી ડસ્ટર બની ગયો

સાકરના બદલે ભૂલમાં નાખી દીધું નમક

ને શીરો પણ ખારાશનો પત્થર બની ગયો!

પાણીની ડોલ છટકીને ઊંધી પડ્યા પછી આખોય રૂમ દાલ સરોવર બની ગયો

પત્નીની બચત શોધવા ફંફોસ્યું આખું ઘર

પાવન હું કથાકાર પણ તસ્કર બની ગયો !

વાઈફ મારી દૂરથી દેખાય દોસ્તો ગુડબાય ! આ ઘડીથી હું સધ્ધર બની ગયો !

હતાશ પ્રેમીની ગઝલ

પ્રેમમાં વસમી ઘડી, વણનોતરી આવી પડી શાયરી છોડીને મારે રામધુન ગાવી પડી!

એના વિચારમાં નજર ચોંટી ગઈ એક ડાળ પર કાગ ચરક્યો ગાલ પર ને ધુળ આંખોમાં પડી!

કપરા વિયોગી કાળમાં ભૂખ્યો રહ્યો હું રાતભર તે સવારે સાવ ટાઢી ખીચડી ખાવી પડી!

એને કદમ ભરતી નિહાળી કીક મારી જોરથી બાઈક પરથી ઉછળી, આવી ગટરમાં જઈ પડી!

બાપ એનો લવ તણા લંગર વિશે જાણી ગયો તે પછી સપનામાં આવી, એની લાંબી લાકડી!

ચટણી લસોટે એમ મારું દિલ લસોટે છે પ્રિયા

થાય છે તંબુરો લઈ બાવો બનું હું અબ ઘડી!

ખીણમાં પડજો ભલા, પણ પ્રેમમાં પડશો નહિ

ચંચૂ ખીલીથી કોચશે સુપર રૂપાળી કાગડી!

વિજેતા ઉમેદવારનું સ્વપ્ન

ઘણા ય દુશ્મનો ભસેલા મારી હાર થશે! પરંતુ ફેમિલી ભુવો કહે જયકાર થશે!

કર્યો ટિકીટનો સોદો મેં લાખો રૂપિયામાં હવે કરોડનાં બંડલ થકી વ્યવહાર થશે!

કદી ભાગોળ ના ભાળીતી ખુદના જિલ્લાની હવેની એન્ટ્રી મારી દિલ્હીના દરબાર હશે!

રળીશ પાંચ વરસમાં હું વીસ પેઢીનું

પછીતો બાર અને કાર અને યાર હશે!

કરીશ જલસા, ગરીબોના શ્રમનાં નાણાથી

મારા કુટુંબી પર લક્ષ્મી મધરનો પ્યાર હશે!

આ પોલિટિક્સનો ધંધો છે એક નંબરનો વિકાસ ગ્રાન્ટના પારસથી બેડો પાર થશે!

એક મહિલા સરપંચની સ્વગતોક્તિ

ભલે લોકો કહે સરપંચડી આંખે કાણી

સ્વભાવે મંથરામાસીની હું સગી ભાણી!

મરદ મૂછાળા પણ ફફડે છે મારા ઘાંટાથી

છરીની ધાર જેવી તેજ છે મારી વાણી!

ચરાની બાવળી વેચીને ભરાવ્યું ધાબું

છતાંય સૌની નજરમાં છું નેક ને શાણી!

પેલી રમતુડીના બે ઓટલા મેં તોડાવ્યા

મને ઉધાર ન્હોતી આપી બે કીલો ધાણી!

મારો ધણી તો સાવ ઘેટા જેવો બાઘો છે વગાડું ઘંટડી તો દોડતો લાવે પાણી!

ઘણાય સાહેબો મારા ચરણમાં ઝૂકે છે કરે મંજુર ખોટાકામ ને લઈ લે લ્હાણી!

હવે તો પાંચ વરસ ખાયકીનું પરમીટ છે

જીગર જો હોય તો કોરટમાં લઈ જજો તાણી!

ભલે અભણ રહી પણ ગામને ભણાવું છું કહું છું આટલું બસ સાનમાં લેજો જાણી

એક પોલીસની પ્રેમ ગઝલ

પ્રણયના પ્રંથ પર લાંબી પરેડ કરવી છે!

પ્રિયાના દિલ મહીં ઓચિંતી રેડ કરવી છે!

ચાહું છું એને હું, અડ્ડાના બોસની જેમ જ હવે હપ્તાની રકમ એના કરમાં ધરવી છે!

મળે મોકો જો પેટ્રોલિંગની પળો વચ્ચે પ્રિયા તસ્વીરને બપોરે કીસ કરવી છે

ધુળેટી - હોળીના તહેવારમાં દિલ ખોલીને પ્રિયાને ખાખી રંગે પ્રેમથી ચિતરવી છે!

કરીને દંડાના બે પીસ નવલી રાતોમાં

દાંડીયા-રાસની રમઝટ થકી નચવવી છે!

મળી જો જાય અનાયાસ કોઈ લારી પર

મફતિયા ડુંગળીથી એની થેલી ભરવી છે!

‘જાણવા જોગ’ ની ફરિયાદ જેવી ભાષામાં

લખીને પત્ર એની લાગણી જગવવી છે?

હવે તો એ જ મારા દિલની ડીજીપી સાચી

ઝડપથી પ્રેમ-પ્રમોશનની અરજ કરવી છે!

તીખા ગોટા

તર્યા શ્રીમતીએ સરસ તીખા ગોટા!

કે પીવા પડ્યા પાણીના તેર લોટા!

હતા એવા નક્કર તૂટ્યા દાંત સત્તર

ઉદરમાં કૂદે જેમ ભારે લખોટા!

થોડી ક્ષણોમાં પડ્યો ધોધ પાછો ગળફા પડ્યા પેન્ટ પર મોટા મોટા!

પછી પેટમાં શૂળ ઉપડ્યું જ એવું

દવાખાને દોડી પડાવ્યા બે ફોટા!

ચડી રીસ અમને પછી શ્રીમતી પર કૂદી કૂદી ફટકાર્યા વાંસામાં સોટા!

અને ક્રોધમાં એવું જજમેન્ટ આપ્યું હવે તારા ગોટા પર કાયમનો પોટા!

પ્રભુ ! તારી સૃષ્ટિ

પ્રભુ! તેં આ સૃષ્ટિ બનાવી છે સુંદર!

અધમ આદમીઓએ બનાવી અસુંદર!

ચણા ફાકી ખાતા તે ચૂંટણી જીતીને

પાંચ જ વરસમાં બન્યા છે તવંગર

કૂદાકૂદ કરી વૃક્ષની ડાળો ભાંગી હવે શિસ્તતા પાઠ શીખવે એ બંદર

બધો દેશ ફોલીને ખાધો સિફતથી

છતાં જ્યુસ માગે છે ધોળા છછુંદર!

કર્યો ઊંધા ચત્તાં એ ઊંધા સુએ છે

નથી જંપવા દેતો કાતિલ ભગંદર!

ભીખના શકોરાની પ્રેઝન્ટ આપી વેચ્યા પહાડો ને વેચ્યા સમંદર!

થઈ ત્રસ્ત દુનિયા ડિજીટલ ઠગોથી જે આકાશને પણ કરી દે છુમંતર!