Chhe to Chhe Bhavesh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Chhe to Chhe

છે તો છે...

ભાવેશ ભટ્ટ

અર્પણ

જયદિપને...

સાથે જ છે...

હરદ્ધાર ગોસ્વામી, અશોક ચાવડા, ચંદ્રેશ મકવાણા, અનિલ ચાવડા,

અંકિત ત્રિવેદી, સૌમ્ય જોશી, મધુ પટેલ, કૃષ્ણ દવે, કિરણ ચૌહાણ,

રાજેન્દ્ર પટેલ, દિલિપ શ્રીમાળી, પ્રવીણ પંડ્યા, તથાગત પટેલ,

આતિશ પાલનપુરી, ધૂની માંડલિયા, શૈલેશ પંડ્યા,

દ્ધારકાપ્રસાદ સાંચીહર, હરિવદન ભટ્ટ.

ચિનુ મોદી, ઇન્દુ પુવાર, રાજેન્દ્ર શુક્લ, લાભશંકર ઠાકર,

મુકુન્દ પરીખ, ધીરુ પરીખ, મનહર મોદી.

વિક્રમ પટેલ, મનીષ પટેલ (રજવાડું), સંજય વૈદ્ય

નિમિત્ત પુવાર, વિજયસિંહ વાઘેલા, વિપુલ કથીરિયા, પ્રકાશભાઇ,

દર્શન શર્મા, નૈનેશ પટેલ, કપિલ મહેતા.

ભાવેશ, છે તો છે...

ભાવેશ ભટ્ટ, આમ તો મારા નાના દીકરા નિમિત્તનો મિત્ર, એ ઘેર આવે જાય. એના કારણે એને હું ઓળખું-જાણું. એક દિવસ નિમુ એક ચોપડા જેવું લાવી મને આપી કહે, ‘પપ્પા ! આ જોજોને ભાવેશે આપ્યું છે.’ મેં કહ્યું, શું છે ? નિમુએ જવાબ આપ્યો, ‘કવિતાઓ.’ તે વખતે મને આશ્ચર્ય થયેલું, ‘નિમિત્તનો મિત્ર અને એ પાછો કવિતા લખે ?’

હિન્દી- ઉર્દૂ મિશ્રિત ગઝલો વાંચી મેં ભાવેશને સલાહ આપી, ‘કવિ દ્ધારકાપ્રસાદ સાંચીહરને મળ કે જે હિન્દીના સારા કવિ છે.’ ભાવેશ કેટલા રવિવાર ત્યાં ગયો પણ એનું મન માન્યું નહીં, એણે મને કહ્યું, ‘અંકલ, બીજે ક્યાં જવા જેવું ?’

‘સાંભળ’ મેં કહ્યું, ‘ચિનું મોદી દર શનિવારે વિઝયુઅલ આર્ટ સેન્ટર (હવે કનોરિયા)માં કવિ સભા ચલાવે છે. ત્યાં કશુંક લખીને જા. ચિનુભાઇ તને બધું શીખવાડશે પણ ખરાં.’ એની સાથે મને ચિનુભાઇએ કેટલાયનાં બાળોતિયાં ધીયેલાં એ યાદ આવ્યું. ખેર, ભાવેશ કવિસભામાં જતો થયો. એનું પરિણામ એટલે આ ‘છે તો છે...’ કાવ્યસંગ્રહ !

હમણાં હમણાંથી ગઝલમાં કેટલાક નવાં નામ સંભળાતા થયાં છે જેમાં અશોક ચાવડા, ચંદ્રેશ મકવાણા, ભાવેશ ભટ્ટ, અનિલ ચાવડા વગેરેને ગણી શકાય. અછાંદસમાં વત્સલ શાહ, રાજેન્દ્ર પટેલને મૂકી શકાય. આ બધા કવિઓ કવિસભાનું પરિણામ છે. આ માટે ચિનુ મોદીને અભિનંદન આપી શકાય. હું ય ત્યાં જતો હતો. ઠાકર સાહેબ (લાભશંકર ઠાકર), મુકુન્દ પરીખ. સુભાષ શાહ, રમેશ શાહ, કૃષ્ણ દવે, અંકિત ત્રિવેદી - આ બધા ત્યાં આવતા હતા. આજે કેટલાક આવે છે, કેટલાક નથીઆવતા. ધેટ્‌સ ઇટ !

‘છે તો છે... ’માં મૂકેલી ભાવેશની બધી ગઝલો હું વાચી ગયો છું. કેટલીક ગઝલો આખોઆખી ગમી છે, કેટલીક ગઝલોના કેટલાક શેર ગમ્યા છે. પણ આ તો પ્રોસેસ છે, એનું પરિણામ આજે નહીં તો કાલે મળશે. આપણે આપણું કામ સંભાળવું - મતલબ આપણે આપણી આયાસપ્રયાસ ચાલું રાખવો રહ્યો. હું ગઝલકાર ન હોવાના કારણે એની શાસ્ત્રીયતા વિશે કશું નહીં કહું - કેવળ વાત કરીશ તો એના કાવ્યપણા વિશે કહીશ.

‘તારા વગર’, ‘નથી’ રદીફવાળી ગઝલ, બારણાંની ખુમારીવાળી ગઝલ, છે તો છે, ચિંતા કરવાની મેં છોડી, કલમ સાચવું છું, આ બધી ગઝલોમાં કાવ્યતત્ત્વ શોધીએ તો મળે છે. કેટલાક મને ગમેલા અને જેમાં મને કાવ્યતત્ત્વ સિદ્ધ થતું જણાયું છે એવા શેર હું ટાંકું છું.

• તું નદી છે કે નથી કોને ખબર,

તોય દરિયો ખળભળે તારા વગર.

• એક પંખીનો સ્વભાવ,

વૃક્ષને ગમતો નથી.

• હતી એક સરખી જ હાલત અમારી,

મળી ઘર વગરની મને એક બારી.

• હું દિવસને નથી મળ્યો ક્યારેય,

કોઇને ઓળખાય છે તો છે.

• ઘણી કાળજીથી કલમ સાચવું છું.

સતત જિંદગીનો ભરમ સાચવું છું.

• ચોક્કસ ઘટના જેવા છું હું,

તું આવે છે વ્હેલી - મોડી.

• વૃક્ષનું હું વજન નથી જોતો,

છાંયડાનો જ ભાર જોઉં છું.

ભાવેશના સંગ્રહથી પસાર થયા પછી મને જે લાગ્યું તે આ પ્રમાણે છે :

• જે કોઇ લખનાર છે એ અંદરની નીડના કારણે લખતો હોય છે. તમારી એવી તે કઇ સમસ્યા છે કે જેના કારણે તમે લખો છો ? આવી સભાનતાથી લખનારા કેટલા ?

• જે મોટા ગઝલકારો આપણી ભાષાના છે એમણે માત્રા ગઝલો જ નથી નલી. પણ ગઝલ સિવાય કવિતાનાં બધાં ફોર્મમાં કામ કર્યું છે, માટે એ મોટા બની શક્યા છે. દા.ત. આદિલ મન્સુરી, મનહર મોદી, રાજેન્દ્ર શુક્લ....

• ગઝલ એવો કાવ્યપ્રકાર નથી કે જે ઊંડું તાકવું હોય, મોટા પ્રૉબ્લેમ સાથે ડીલ કરવું હોય તો કરી શકે. કાવ્યના બીજાં સ્વરૂપો સાથે બાથ ભીડો, પાણી તરત મપાઇ જશે.

• જાહેરમાં કોઇ તમારા એક બે શેર બોલે તેથી તમે મહાન ગઝલકાર નથી. થઇ જતા. બોલાયેલા શબ્દોનું કોઇ મૂલ્ય સ્થાપિત થયેલું આજ સુધી જાણ્યું નથી.

• સંગ્રહ પ્રગટ કરવાની આટલી બધી ઉતાવળ શું કામ ? થોડાક સ્થાપિત થાવ, સફલ કવિકર્મ સિદ્ધ કરો. માત્ર સભારંજનીથી પોતાનું મૂલ્ય ના આંકો.

ભાવેશ, આમાંથી તને જે લાગુ પડતું હોય એની ઉપર વિચાર કરજે; બાકી બધું છોડી દેજે. તે ઝંપલાવી જ દીધું છે.

જેવું જીવ્યા છીએ લખ્યું એવું,

સાવ નબળું લખાણ છે તો છે.

આમાં જે વ્યંગ્ય છે એ જ તને ભવિષ્યમાં સારો કવિ બનાવશે. નબળું-સબળું પછીની વાત છે તારામાં જે ‘કશુંક’ પડેલું છે એને તપાસવા માંડ, ખોદવા માંડ. ક્યારેક કશુંક જરૂર મળશે. કીપ ઇટ અપ દોસ્ત !

- ઈન્દુ પુવાર

સ્પર્શથી ખળભળતો ધૂમાડો

રૂપાલી પ્રકાશનના ભીખુભાઇ ઠક્કર. એમનો ભાઇ અજય એક શનિસભામાં ભાવેશને લઇને આવ્યો. ઇન્દુ પુવારના દિકરાનો ભાવેશ મિત્ર - ઇન્દુએ જ એને મારી પાસે મોકલ્યો હતો. એણે ઊર્દૂમાં કેટલીક રચનાઓ સંભળાવી. એને ભરચક દાદની અપેક્ષા હતી. એન મેં સાચું લાગ્યું તે કહ્યું, ‘પહેલા ગુજરાતીમાં ગઝલ લખ અને છંદ-રદીફ-કાફિયા એ બધું શીખી લે - બાકી તે સંભળાવ્યું તે ચાલે એવું નથી.’ એ પછી ભાવેશ ત્રણ દિવસની ગઝલની ગઝલના છંદ વર્કશોપમાં આવ્યો અને અદૃશ્ય થયો. એક વરસે આવ્યો ત્યારે એણે જે રચના વાંચી તેમાં માત્ર ગઝલની શિસ્ત જ નહોતી સચવાઇ, એ રચના ઉત્તમ ગઝલ પણ હતી. સહુએ મારી જેમ એને વધાવ્યો અને પોંખ્યો...

આ વાતને પણ પાંચ સાત વર્ષ થયાં હશે. એક સાંજે ભાવેશ શનિવાર સિવાય મને કનેરિયા આર્ટ સેન્ટર પર મળવા આવ્યો અને એની ગઝલોના સંગ્રહની હસ્તપ્રત આપી અને ગઝલો વાંચી કંઇ લખવા કહ્યું અને એને કારણે આ લખી રહ્યું છું - તે ‘છે તો છે...’ ની પ્રસ્તાવના નથી; પણ ત્રુટક ત્રુટક આપેલી એની ગઝલોને દાદનો દસ્તાવેજ છે. ભાવેશનું ‘છે તો છે...’નું વલણા ઉદ્દંડતામાંથી નથી નીપજ્યું કે નથી બેજવાબદારી કે લાચારીમાંથી નીપજ્યું. ‘છે’ એની સામે કોને ફરિયાદ નથી હોતી ? પણ, અહીં એવી ફરિયાદ નથી - ‘છે તો છે...’ શું કરીએ ? એવો લાચારીનો ભાવ પણ નથી. ભાવેશ કવિ છે એટલે બાબરી ઉછાળી પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કરી આપણને કહે છે : ‘છે તો છે...’

ગઝલ આવી રદીફ મેળવવા બડભાગી બની છે. ઘણીવાર રદીફ ગઝલને એક ઉચ્ચસ્તરીય ભૂમિકા આપે છે. અહીં પણ એમ જ બન્યું છે. કવિ મત્લઅમાં કહે છે :

છિદ્રવાળું વહાણ છે તો છે,

પાણીને એની જાણ છે તો છે.

મૃત્યુરૂપી છિદ્ર સાથે જે દેહ સાથે આપણે તરવા પડ્યા છીએ, એ જીવન અર્થાત્‌ જળને આ છિદ્ર છે તો છે. એથી ઓછું નહીં જીવવાનું ? મૃત્યુ છે તો છે. અને આ જીવવું પણ કંઇ સહેલું નથી.

કામ હવે બીજું રહ્યું છે ક્યાં ?

શ્વાસની ખેંચતાણ છે તો છે.

મૃત્યું એ અંત નકકી અને એ ન આવે ત્યાં સુધી જીવવાનું એય નક્કી અને જીવવા માટે શ્વાસ લેવા-મૂકવાના એય નક્કી અને આવી સ્થિતિમાં ‘શ્વાસની ખેંચતાણ’ પણ રહેવાની. પણ કવિ કહે છે કે આવું બધું છે કે આવું બધું છે તો છે. એથી શું ? બહુ ઓછી વાર આવા સરસ શેર - વાતચીતની વાણીમાં - વાંચ્યા સાંભળ્યા છે. શયદાની સાદગી એને મરીઝનું ચિંતન અહીં એક સાથે જોવા મળે છે. આ સાદગી, આ ચિંતન, આ નોખી રીતે જોવાની દૃષ્ટિ પાને પાને દેખાશે. હું ચૂપ રહીને તમને શેર સંભળાવું :

• એક જનમની વાત નથી આ,

કાયમની છે માથાફોડો.

• એવા થાકીને ઘર આવ્યા,

પડછાયાને ચક્કર આવ્યા.

• આબરૂ સાચવું છું પવનની હજી,

આ સુગંધી ન પકડાય એવું નથી.

• પિંજરમાં જે રાખે તમને,

એવા ઇશ્વરને ના પાળો.

ભાવેશની ફકીર જેવા બેફિકરાઇ એની વાણીને તીખ્ખી, એક અનોકા તમા (જોસ્સા)વાળી બનાવે છે. એના એકાદ બે ઉદાહરણ જુઓ :

• ચૂપચાપ પડ્યો રહે ખૂણામાં,

આવ્યો મોટો સપનાંવાળો.

• એય દરિયા આમ આવ,

કેમ ઉછળતો નથી ?

• તું પછી ભગવાનગીરી નહીં કરે,

મારું જીવન ભોગવી જો તો ખરો.

એની ઉંમર મુજબ રંગેતગ ગઝલ અહીં જુદા સ્વાદે આવ્યો છે :

• ચોક્કસ ઘટના જેવો છું હું,

તું આવે છે વહેલી - મોડી.

• આંખ તારી ઉપાડે પછાડે મને,

આમ તો કોઇનાથી ખસું પણ નહીં.

• આ તરસ મારી સમજણી થઇ ગઇ,

તું લઇ લે વાદળો પાછાં હવે.

ભાવેશની ગઝલોનો પોતાનો આગવો મિજાજ છે. આ મિજાજ એની ખુદ્દારીમાંથી આવ્યો છે. એની આવી પડેલી પરિસ્થિતિને જોવાની અને પછી સ્વીકારવાની રીતિ એને બીજાથી અલગ પાડે છે. કેટલાક ચમત્કારો એ ગઝલના શરેમાં સર્જી શક્યો છે. આ ચમત્કાર અચાનક હોવાથી પહેલા એ તમને ચક્તિ કરે, બદ્યવાઇ દે અને પછી આનંદ આપે.

• કદાચ હોઇ શકે એ ક્ષણોનું કાવતરું,

બધા જ શ્વાસ સમયસર અલગ અલગ લાગે.

• વૃક્ષની હું વારતા વાંચું અને,

વારતામાંં પંખીઓ આવે જ નહીં.

• એક બે જગ્યા હતી મારી ફરજ,

હું નથી વરસાદ કે જ્યાં ત્યાં પડું.

• તું સમય છે તો સમયની જેમ ચાલ.

ક્યાં સામો મને અથડાય છે ?

હા, એક વાત નક્કી છે. ભાવેશ લો-પ્રોફાઇલ રાખી, તાળીઓથી જ નહીં રીઝે. કવિતા કરશે તો ગઝલને એક સશક્ત કલમ મળશે. પણ ત્યારે એ મને કહેશે : ચિનુકાકા !

ચિંતા કરવાની છોડી,

જેવું પાણી એવી હોડી.

- ચિનુ મોદી

સ્વપ્નનો ધુમાડો

સ્કૂલ કૉલેજકાળ દરમિયાન પદ્ય પર નજર સુધ્ધાં ન કરનાર હું અને આ હું, બધું ‘કોઇ’ના રીતસરના આયોજન મુજબ ચાલ્યું.

ગીત એટલે કવિતા અને કવિતા એટલે ગીત. બહુ સીમિત સમજણ. કૉલેજના પાર્કિંગમાં મિત્ર જયદીપ એક શેર બોલે છે અને મારી અંદર આંકડામાં ન આવે એટલા રિચર્સ સ્કેલનો હ્યદયકંપ થાય છે. પૂછતાં એણે કહ્યું આને ગઝલ કહેવાય અને જગજિતસિંગ ગાય.

મારા કાવ્યઝનૂનનો એ જન્મદિવસ. છ-સાત વરસ સુધી જગજિતસિંગના મોટાભાગનાં આલ્બમ ભેગા કરી તમામ મોઢે કરી લીધા અને ગઝલની ઠીક ઠીક સમજ કેળવી.

અચાનક એક દિવસ ઉર્દૂ ગઝલસંગ્રહ હાથમાં આવી જાય છે. મને જગજિત નહીં પણ કવિતા આકર્ષતી હતી એ વાતનો પ્રકાશ મારી અંદર સૂર્યની હાજરીમાં થાય છે. આલ્બમની જગ્યા હવે પુસ્તકોએ લઇ લીધી હતી. પુસ્તક ખરીદવું મારા માટે અઘરી બાબત બનતી અટકાવી ધીરુમામાએ (કુમાર બુક બાઇન્ડર્સ). તેમના કારખાનામાં આવતાં દરેક કાવ્યસંગ્રહ મારો ઓરડો સજાવતા થયા.

આ ઘટના હજી શરૂઆતથી આગળ નહોતી વધી ત્યારે અચાનક એક રાતે ચાપ-પાંચ ઉર્દૂ પંક્તિઓ અનાયાસે જીભ પર આવી ગઇ. સમજાયું નહીં આ શું થઇ રહ્યું છે. પછી લાગ્યું કે આ તો ગાલિબ અને બીજા બધા લખે તેવું જ છે. રાતોરાત હું મારી અંદર ઉર્દૂનો મોટો કવિ બની ગયો.

વિચારું, લખું, વાચું, દાદ આપું. પંચાવન-સાઠ જેટલી ગઝલો એક મહિનામાં લખાઇ ગઇ. આ દિવાન છપાતા ખળભળાટ મચી જવાનો છે. મેં કરેલું પરાક્રમ કંઇ જેવું તેવું નથી આ વિચાર સતત મને જકડીને રાખતો.

એટલામાં સ્ફૂરે છે કે મિત્ર નિમિત્તના પપ્પા તો કવિ છે (ઇન્દુ પુવાર). બીજા જ દિવસે કવિતાઓ અને નિમિત્તને સાથે રાખી તેમના ઘરે પહોંચી ગયો.

ઇન્દુકાકાએ હસીને આાવકાર્યો અને ગંભીરતાથી ગઝલો વાંચી. વાંચ્યા બાદ એમણે ગુજરાતીમાં લખવાનો અને ગઝલની સમજ કેળવવા માટે હઠીસિંગ વિઝયુઅલ આર્ટસ્‌ સેન્ટરનું સરનામું આપી ચિનુકાકાને મળવાનું કહ્યું.

ત્યારથી લઇને શનિવાર સુધીનો સમય બસ એ વિચારવામાં ગયો કે ચિનુકાકા મને કેટલી જાતની દાદ આપશે.

શનિવારે સાંજે સેંકડો પ્રકારની દાદ મળવાની સજ્જતા સાથેે મિત્ર અજય ઠક્કરને લઇ શનિસભામાં ગયો. થોડા વ્હેલા પહોંચ્યા હોવાથી ચિનુકાકા એકલા બેઠા હતા. અમે ઝડપી લીધા, અને દિવાન ખોલી નાંખ્યો.

ચિનુકાકાએ દાદ માટે જોયેલાં સ્વપ્નનો સળગાવ્યા વિના ધુમાડો કર્યો. ‘છંદ વગર ગઝલ લખાય નહીં.’ એ વાક્યનાં ભણકારા લઇને અમે બહાર નિકળ્યા. ઋતુરાજ પર ચા પીતા અજયભાઇ ગંભીરતાથી બોલ્યા ‘આપણે નવા છીએ એટલે ગેરમાર્ગે દોરવામાં આવે છે.’ ચા પૂરી થતાં હું પણ આ વાત સાથે સહમત થઇ ગયો.

એના એકાદ અઠવાડિયા પછી ચિનુકાકાએ યોજેલ ‘છંદશિબિર’ ની ખબર પડી. એ શિબિરમાં વિતાવેલ ત્રણ દિવસ આજે આ પુસ્તક બની ગયા છે.

કવિતાને બદનામ કરવામાં મારો નોંધપાત્ર ફાળો રહ્યો છે. જિંદગીની નિષ્ફળતાને લીધે કવિતા સર્જાય છે એવી સમજ મારા વર્તુળમાં રહેલ સૌ કોઇએ મને ટાંકીને ઉપજાવી. હું કવિતા ન લખતો હોત તો તેમના માટે કવિતાનું મૂલ્ય વધારે હોત.

કોઇ પણ જીત હારથી જ શોભે છે. આ સર્જનકાળ દરમિયાન એક આદર્શ કવિની આકૃતિ જે મારી અંદર ઘડતો હતો, એમાં મારી સાથે તમામને નિષ્ફળ થતા જોયા છે. અથવા તો એમ કહો કે સમજ સફળ નથી થઇ.

જે હોય તે ઉત્સવ. ઉત્સાહી ન હોય તો ઉત્સવ કેવો ?

આ બધું

સાચું-ખોટું,

સારું-ખરાબ,

આડું-અવળું,

લાંબું-ટૂંકુ

જે પણ છે તે

‘છે તો છે...’

- ભાવેશ ભટ્ટ

અનુક્રમ

ચિંતા કરવાની મેં છોડી

એવા થાકીને ઘર આવ્યા

શબ્દનો ક્યાં ખરાબ છે ચ્હેરો ?

શોધવાથી મળી જાય એવું નથી

અંધારાં પણ બાંધે માળો

જેમ કોઇ મઝાર જોઉં છું

છિદ્રવાળું વહાણ છે તો છે

સૌ મિલન ભડકે બળે તારા વગર

કશું તૂટવાનાં સમાચાર આંસુ

આંસુને નડતો નથી

વાત પવનની સંભળાશે તો કહેશો કોને !

હતી એક સરખી જ હાલત અમારી

તું જગત ચલાવે છે

ધ્રાસકાને આ રીતે સીધા ન મોકલ

સો દિશા મળશે નવી જો તો ખરો

ખૂબ ખખડતી ખાલી રાતો

એક પરપોટાનો દરિયો થાય છે

કાયમ દરેક પગલે શું હચમચી જવાનું

આમ તો બધું છે ને કશું પણ નહીં

જો પડ્યા એકાંતને વાંધા હવે

છે સળગતા છાંયડાઓ એક જગ્યા એવી છે

કામ દરરોજ કેવું કરવાનું

જિંદગીના શું ખુલાસા થઇ શકે ?

સતત ક્યાંથી નીકળે છે ધુમાડો

હરઘડી કોઇની કમી લાગે

શું મને થાય છે હું તને શું કહું ?

અસર સવારની સૌ પર અલગ અલગ લાગે

પરવડ્યું ના પરવડ્યું અમને કશું ના પૂછશો

થઇ રહ્યું છે શું કશું જોણે જ નહીં ?

જે ક્ષણે ના કોઇની આંખે ચડું

એક તરફી રમત નથી ગમતી

જિંદગીનું કોઇ સંપાદન કરે ?

સૂરજ અલગ હતો અને તડકા અલગ હતા

બારણું ઊઘાડવું સ્હેલું નથી

રોજ ખાનાં આપણા બદલાય છે

વસવાટ ના કરે સુગંધીના સમાજમાં

એકાંત એટલું રડે ખાલી મકાનમાં

વગર પાંજરાની સજા હોય છે

સમયને જરા પણ હસાવીશ નહિ

દર વખત મારા ચરણ ફાંફે ચડે

ઘાવ બેનામી હતાં તો બી ગયો

ક્યાં કહ્યું ઇશ્વર ગમે છે ?

દોડવાનો રિવાજ લાગે છે

હું અરીસો થઇને જ્યારે નીકળ્યો

ઓ નવી રીતે વીતાડે છે હવે

થવાય આગળ-પાછળ તને કહું છું

ઘણી કાળજીથી કલમ સાચવું છું

ક્ષણોની હવે ઝેર જેવી અસર છે

મુક્તકો

ચિંતા કરવાની મેં છોડી,

જેવું પાણી એવી હોડી.

ટુકડા શોધું અજવાળાના,

કોણે મારી સવાર તોડી ?

ચોક્કસ ઘટના જેવો છું હું,

તું આવે છે વ્હેલી-મોડી.

બારી એવા દૃશ્ય બતાવે,

ભીંતો કરતી દોડા-દોડી.

એક જનમની વાત નથી આ,

કાયમની છે માથાફોડી.

એવા થાકીને ઘર આવ્યા,

પડછાયાને ચક્કર આવ્યા.

કેમ સમયજી ખુશ લાગો છો ?

કોને મારી ટક્કર આવ્યા ?

કૈંક લખ્યું જ્યાં તારા માટે,

આંસુ જેવા અક્ષર આવ્યા.

છેક નદીની વચ્ચે પહોંચ્યા,

આજ કિનારા વટ પર આવ્યા.

બસ દુનિયાનાં દ્વારે બેઠાં,

બ્હાર ગયા ના અંદર આવ્યા.

શબ્દનો ક્યાં ખરાબ છે ચ્હેરો ?

ધૂળવાળા અવાજ ખંખેરો.

મારું હોડીપણું ગયું ડૂબી,

એક સાથે શમી ગઇ લ્હેરો.

આવનારી ઉદાસ ક્ષણ ક્ષણનો,

મારી અંદર પિટાય ઢંઢેરો.

સ્વપ્નનું એક ઘર બળે ત્યારે.

ત્યાં બની જાય લાખ ખંડેરો.

મેં કહ્યું ત્યાં તરત થઇ વર્ષા,

વાતને સાંભળી ગયો બ્હેરો.

થઇ શકું છું બધાં જ માપે હું,

બસ મને જેમ-તેમ ના પ્હેરો.

શોધવાથી મળી જાય એવું નથી,

મારું એકાંત દેખાય એવું નથી.

શું મને જોઇને પણ ખબર ના પડી ?

આ ખુદાથી કશું થાય એવું નથી.

ઠીક છે, દૃશ્યને તો જુએ છે બધા,

દૃશ્યને કોઇ દેખાય એવું નથી.

માત્ર બે-ચાર ઉપર ઊભું છે જીવન,

કોઇ કારણ હલાવાય એવું નથી.

આબરૂ સાચવું છું પવનની હજી,

આ સુગંધી ન પકડાય એવું નથી.

અંધારા પણ બાંધે માળો,

મારો સૂરજ કેવો કાળો !

જ્યારે આવો સ્વાગત કરશે,

મારા ઘરમાં છે કંટાળો.

પિંજરમાં જે રાખે તમને,

એવા ઇશ્વરને ના પાળો.

સમય બતાવે સૌના ચ્હેરા,

ચારે બાજુ છે ઘડિયાળો.

લાખો આંસુ આવ્યા ક્યાંથી

બે આંખોનો છે સરવાળો

ચૂપચાપ પડ્યો રહે ખૂણામાં,

આવ્યો મોટો સપનાંવાળો.

જેમ કોઇ મઝાર જોઉં છું,

એવી રીતે સવાર જોઉં છું.

વૃક્ષનું હું વજન નથી જોતો,

છાંયડાનો જ ભાર જોઉં છું.

બારણાંની મને નથી પરવા,

ભીંતનો આવકાર જોઉં છું.

આ નજર પણ ગરીબ થૈ ગૈ છે,

દૃશ્ય સઘળાં ઉધાર જોઉં છું.

કાલ હારી ગયા હતાં પગલાં,

આજ રસ્તાની હાર જોઉં છું.

છિદ્રવાળું વહાણ છે તો છે,

પાણીને એની જાણ છે તો છે.

એ ભલે ફૂલછાબ જેવો છે.

પણ ફૂલોથી અજાણ છે તો છે.

કામ બીજું હવે રહ્યું છે તો છે.

શ્વાસની ખેંચતાણ છે તો છે.

હું દિવસને નથી મળ્યો ક્યારેય,

કોઇને ઓળખાણ છે તો છે.

જેવું જીવ્યા છીએ લખ્યું એવું,

સાવ નબળું લખાણ છે તો છે.

સૌ મિલન ભડકે બળે તારા વગર;

તું મને કાયમ મળે તારા વગર.

મેં પછી આકાર લઇ લીધો હતો,

કોણ પાછું ઓગળે તારા વગર ?

તું નદી છે કે નથી કોને ખબર ?

તોયે દરિયો ખળભળે તારા વગર !

કોણ આ મારી ભીતરથી નીકળી ?

કોણ આ પાછું વળે તારા વગર ?

હું ન ગરજું હું વરસું કૈં જ નહિં,

જિંદ્દ પકડી વાદળે તારા વગર!

કશું તૂટવાનાં સમાચાર આંસુ,

અમારા જીવનનું છે અખબાર આંસુ.

પ્રસંગો બધા હોય છે સાવ હલકા,

છતાં નીકળે છે વજનદાર આંસુ.

બને શ્વાસ સંબંધ, સપનાં, ઉદાસી,

ઘણા વેશ ભજવે અદાકાર આંસુ.

મૂરખ હોય છે જે તમાશો બને છે,

નહીં બ્હાર આવે સમજદાર આંસુ.

વિચારોમાં તારા મને ઊંચકીને,

ગમે એમ લઇ જાય છે ચાર આંસુ.

આંસુને નડતો નથી,

એ કદી હસતો નથી.

એ ય દરિયા આમ આવ,

કેમ ઊછળતો નથી ?

હાંફતી બોલી હવાઃ

આ દીવો હલતો નથી.

સ્વર્ગથી ગભરાય છે.

એટલે મરતો નથી.

એક પંખીનો સ્વભાવ,

વૃક્ષને ગમતો નથી.

વાત પવનની સંભળાશે તો કહેશો કોને !

અર્થ યુગોનો સમજાશે તો કહેશો કોને !

સતત જીવ્યાનો ગુનો કરે છે સમજાવી દો !

શ્વાસો લેતા પકડાશે તો કહેશો કોને !

વાતે-વાતે બતાવશો ના ક્ષિતિજ એને,

સંબંધોથી ગભરાશે તો કહેશો કોને !

કોઇ હિસાબો બાબત એને કૈં પૂછો નહિ !

ઇશ્વર જેવું શરમાશે તો કહેશો કોને !

તાકી તાકી રાતોને ના જોયા કરશો,

એમાં તડકો દેખાશે તો કહેશો કોને !

હતી એક સરખી જ હાલત અમારી,

મળી ઘર વગરની મને એક બારી.

રહસ્યો ખબર છે બધાં ઘરની છતનાં,

નથી કોઇ આકાશની જાણકારી.

ભણેલી-ગણેલી મળે લાગણીઓ,

ન સમજી શકે કૈં અભણ આંખ મારી.

મેં તારી ગલીના ગુનાઓ કર્યા નહિ,

નહીંતર સજાઓ હતી સારી-સારી.

થયા શું અનુભવ ટકોરા જ કહેશે,

તને ક્યાં ખબર બારણાની ખુમારી ?

તું જગત ચલાવે છે,

કે મને હસાવે છે.

કેટલાક તરસ્યાઓ,

વાદળો બનાવે છે.

એક વૃક્ષ જંગલને

પાનખર ગણાવે છે

આંખ બંધ રાખું છું

છાંયડો તો આવે છે

હું જીવ્યો અજાણ્યો થઇ

ક્યાં મને જણાવે છે ?

ધ્રાસકાને આ રીતે સીધા ન મોકલ,

કોઇ રસ્તાને કદી ઘરમાં ન મોકલ.

કોઇનું ખાલીપણું સધ્ધર થવા દે,

રાહ જો થોડી કશું હમણાં ન મોકલ.

માનીને તારો હુકમ આવ્યો જગતમાં,

છે વિનંતી તું મને જ્યાં ત્યાં ન મોકલ.

જ્યાં દીવાના નામથી લોકો ધ્રૂજે છે,

એ ગલીમાં સૂર્યના ટોળાં ન મોકલ.

સો દિશા મળશે નવી જો તો ખરો,

આ હકીકત ગોઠવી જો તો ખરો.

કોઇ પ્રકરણ ક્યાંક સારું આવશે

એક પાનું ફેરવી જો તો ખરો.

જિંદગીમાં એક અજવાળું થશે,

તું અતીતને ઓલવી જો તો ખરો !

હર જગા આકાશ જેવી લાગશે,

એક પીછું સાચવી જો તો ખરો !

તું પછી ભગવાનગીરી નહિ કરે,

મારું જીવન ભોગવી જો તો ખરો !

ખૂબ ખખડતી ખાલી રાતો,

મારા જેવી મારી રાતો.

દિવસો ફેંક્યા ફાડી વાળી,

બેઠા બેઠા ફાડી રાતો.

આ સૂરજ શું જખ મારે છે ?

ધોળે દહાડે આવી રાતો.

અજવાળાએ જાત બતાવી,

ખિસ્સામાંથી કાઢી રાતો.

કેમ મને તેં ઢાંકી દીધો ?

મારી ઉપર નાંખી રાતો.

એક પરપોટાનો દરિયો થાય છે,

મારી હિંમતનું હ્ય્દય ગભરાય છે.

કૈંક વસ્તુ એવી પણ મેં જોઇ છે,

હાથથી નહિં, આંખથી ઉચકાય છે.

આ ગગન તારાં સ્મરણનું કેવું છે !

લાખ તારા રોજ તૂટી જાય છે.

જોઇને રસ્તા બધા હસતો હશે,

કોઇની દિશા જ્યારે ખોરવાય છે.

એ વિચારી મેં જગત છોડી દીધું,

આંસુ ક્યાં ચ્હેરા ઉપર રોકાય છે.

કાયમ દરેક પગલે શું હચમચી જવાનું,

જો ના ગમે આ રસ્તા ત્યાંથી હટી જવાનું.

મ્હેમાનની શરમમાં હું બોલતો નથી કૈં,

આ વીજળીને પાછા ઉપર નથી જવાનું.

તારાં હવે સ્મરણ જ્યાં જ્યાં થશે તમાશા,

મારી ઉદાસીનું ટોળું વળી જવાનું.

આકાર જે હતો એ બદલી શક્યો નહીં હું,

ના આવડ્યું મને ક્યાં કેવા થઇ જવાનું ?

એ દૃશ્યને મૂક્યું છે મારી કબર ઉપર મેં,

તારા જીવનમાંથી મારું કાયમી જવાનું.

આમ તો બધું છે ને કશું પણ નહીં,

આ જગત જોઇને હું હસું પણ નહીં.

કોઇ ઇચ્છાને તો ધર્મ હોતો નથી,

બાળશું પણ નહીં દાટશું પણ નહીં.

આંખ તારી ઉપાડે પઠાડે મને,

આમ તો કોઇનાથી ખસું પણ નહીં.

જો ગરજ હોય એને તો શોધે હવે,

જિંદગીને એમ શોધશું પણ નહીં.

જોઇ દાનત બગડતી હવાની અમે,

કોઇ સિક્કાને ઉછાળશું પણ નહીં.

જો પડ્યા એકાંતને વાંધા હવે,

કોઇ ખખડાવો ન દરવાજા હવે ?

કેમ તું વરસાદથી ગભરાય છે ?

રંગ તારા થઇ ગયા છે પાકા હવે !

હું થયો ચ્હેરા વગરનો જ્યારથી,

ભીંતની સમજાય છે ભાષા હવે.

ચાલવાનું ક્યારનું છોડી દીધું,

છોને જીવનમાં પડ્યા ખાડા હવે !

આ તરસ મારી સમજણી થઇ ગઇ,

તું લઇ લે વાદળો પાછા હવે !

છે સળગતા છાંયડાઓ એક જગ્યા એવી છે,

જ્યાં નથી આવી હવાઓ એક જગ્યા એવી છે.

એ ભલે દુનિયાનો ઠેકો લઇને બેઠા હોય પણ,

કામ ના આવ્યા ખુદાઓ એક જગ્યા એવી છે.

ના હતી ફરિયાદ ના કોઇ ગુના કે બચાવ,

બસ હતી કેવળ સજાઓ એક જગ્યા એવી છે.

જિંદગી આખી ઝઝૂમ્યા છે ટકોરાઓ સતત,

પણ ન ખૂલ્યાં બારણાંઓ એક જગ્યા એવી છે.

કામ દરરોજ કેવું કરવાનું,

સ્વપ્નની ગોળ ગોળ ફરવાનું,

કોમ એકાંતથી થવાનું શું ?

કોઇ ખાલી મકાન ભરવાનું !

છે ગગન ભૂતબંગલા જેવું,

કોઇ ના હોય તોય ડરવાનું ?

બીક તું છો બતાવ દુનિયાની,

કોઇ સપનું નથી સુધરવાનું !

કેમ બેસી રહ્યો રમતમાં તું ?

પાનું એક્કે નથી ઊતરવાનું ?

જિંદગીના શું ખુલાસા થઇ શકે ?

આપણાથી તો તમાશા થઇ શકે !

જે જગતની ખાસ વાતો હોય છે,

કોઇના માટે બગાસા થઇ શકે.

એક ટીપું પણ કરી દે તરબતર,

એક દરિયાથી નિરાશા થઇ શકે !

માન કે ના માન પણ સાચું કહું,

આ નદી પર્વતની ભાષા થઇ શકે !

હું અને મારી ગઝલથી થાય શું ?

એકબીજાના દિલાસા થઇ શકે !

સતત ક્યાંકથી નીકળે છે ધુમાડો,

મને દૃશ્ય સમજી ગળે છે ધુમાડો.

સ્વભાવે ઘણો શાંત ને સૌમ્ય છે એ,

ફક્ત સ્પર્શથી ખળભળે ધુમાડો.

ફરે જાતને કોઇ વાદળ ગણીને,

શરમથી પછી ઓગળે છે ધુમાડો.

ઘણીવાર એ સ્થિર ઊભો રહીને,

બધું ધ્યાનથી સાંભળે છે ધુમાડો.

તમાશા જગતના એ જોયા કરે છે,

ખરેખર તો ટોળે વળે છે ધુમાડો.

હરઘડી કોઇની કમી લાગે,

એક ભેંકાર કાયમી લાગે.

જો ખુદા પણ ખુદા ન લાગે તો,

આદમી કેમ આદમી લાગે ?

સ્હેજ આવે સુગંધ પથ્થરમાં,

ફૂલ ત્યારે જ જોખમી લાગે.

કોઇ ચ્હેરો મળે ન જાણીતો,

સ્વર્ગમાં એટલી કમી લાગે.

ધૂન મીઠી બને ધીરે ધીરે,

ક્યાં સુધી ચીસ કારમી લાગે ?

શું મને થાય છે હું તને શું કહું ?

શ્વાસ ભોંકાય છે હું તને શું કહું ?

ભીંત છું સ્થાન તો કેમ છોડી શકું ?

ઘર પડી જાય છે હું તને શું કહું ?

જિંદગી ક્યાંક પાછી મળી જાય છે,

ક્યાંક ખોવાય છે હું તને શું કહું ?

માર્ગમાં કોઇ દેખાય ના તે છતાં,

કોક અથડાય છે હું તને શું કહું ?

પ્હાડ જેવા દિવસ રોજ મારી ઉપર,

કેમ ફેંકાય છે હું તને શું કહું ?

અસર સવારની સૌ પર અલગ અલગ લાગે,

કે રોજ રોજ મને ઘર અલગ અલગ લાગે.

ડૂબી જવાય છે ત્યારે જુદો જ લાગે છે,

તરી શકાય તો સાગર અલગ અલગ લાગે.

અમારી પર તો નજર ફકત એક જણની છે,

છતાં દરેક જગા ડર અલગ અલગ લાગે.

કદાચ હો ઇ શકે એ ક્ષણોનું કાવતરું,

બધા જ શ્વાસ સમયસર અલગ અલગ લાગે.

સ્વભાવ જેનો જીવનમાં કદી ન બદલાયો,

બધી ગઝલમાં એ શાયર અલગ અલગ લાગે.

પરવડ્યું ના પરવડ્યુું ? અમને કશું ના પૂછશો !

સ્વપ્નમાં શું શું જડ્યું ? અમને કશું ના પૂછશો !

કોઇની અણ-આવડત માટે ટીકા કરવી નથી,

ભાગ્યને કોણે ઘડ્યું ? અમને કશું ના પૂછશો !

સેંકડો નિર્દય ક્ષણો ઘરમાં ધસી આવી નથી,

કોનું પગલું ક્યાં પડ્યું ? અમને કશું ના પૂછશો !

દુર્દશાના દેશમાં હું એકલો રહેતો હતો,

કોણ આવીને અડ્યું ? અમને કશું ના પૂછશો !

જો ખબર પડશે સમયને ત્યાંય વચ્ચે આવશે,

કોણ અંતરમાં પડ્યું ? અમને કશું ના પૂછશો !

મેં ટકોરા તો હવામાં એક-બે દીધા હતા,

બારણું ક્યાં ઊઘડ્યું ? અમને કશું ના પૂછશો !

થઇ રહ્યું છે શું કશું જાણે જ નહીં ?

તો પછી આવો ખુદા ચાલે જ નહીં.

મેં કહ્યું આકાશની સોબત ન કર,

પણ અગાશી વાતને માને જ નહીં.

વૃક્ષની હું વારતા વાંચું અને,

વારતામાં પંખીઓ આવે જ નહીં.

જિંદગીભર એટલે તપતા રહ્યા,

છાંયડાને છાંયડો ફાવે જ નહીં.

જે ક્ષણે ના કોઇની આંખે ચડું,

શક્ય છે તારાં સ્મરણમાંથી જડું.

એ જ કારણસર અલગ રસ્તો ઘડું,

હું દિવસ ને રાત શ્વાસોને નડું.

એક-બે જગ્યા હતી મારી ફરજ,

હું નથી વરસાદ કે જ્યાં ત્યાં પડું.

વીજળીનો નહિ સમયનો કંપ છે,

ધ્રૂજતા હાથે તને ક્યાંથી અડું.

એક પરપોટાનો આપી દાખલો,

રોજ સપનામાં જ સપનાને લડું.

છે બનાવો સાવ ફિક્કા શું કરું ?

તો હસું આછું અને આછું રડું.

એક તરફી રમત નથી ગમતી,

મોતની આ શરત નથી ગમતી.

ફૂલ જેવો સ્વભાવ છે મારો,

કોઇ કાળે બચત નથી ગમતી.

આવવા દે ન જે દિવસ ઘરમાં,

રાત એવી સખત નથી ગમતી.

છોડ દુનિયા સજાવવાનું તું,

નર્કની માવજત નથી ગમતી.

એ ગલીની અવરજવર છોડો,

શ્વાસગીરી સતત નથી ગમતી.

જિંદગીનું કોઇ સંપાદન કરે !

મોતને પ્રસ્તાવના લખવી પડે !

એકલો ચોક્કસ નથી હું, કોઇ છે,

રોજ સાથે કોણ આવે છે બધે ?

આંખમાં રહી આંખ જેવી થઇ ગઇ,

આ તરસનું નામ બદલું છું હવે.

અર્થની થોડી ગણી લાશો સિવાય.

મૌનના દરિયા કિનારે શું મળે ?

હું કહું કે આ સમય એ કોણ છે ?

ચોર છે તો કોઇને ચોરી શકે !

જાદુની કોઇ જ છડી પાસે ન હોય,

જો મળે એવી પરી, ક્યાંથી ગમે ?

સૂરજ અલગ હતો અને તડકા અલગ હતા,

શબ્દો જુદા હતા અને પડઘા અલગ હતા.

છેવટ સુધી તપાસ કરી પણ મળ્યા નહીં,

જે સ્વપ્નમાં જોયા હતા રસ્તા અલગ હતા.

દાઝી ગયાનું કોઇ કારણ પૂછશો નહીં,

વરસાદ એનો એ જ છે તણખા અલગ હતા.

મારી જગા હતી સમય કબ્જે કરી ગયો,

ત્યાં ઘર ભલે બની ગયા નકશા અલગ હતા.

ભજવાય એક સરખા જ નાટક આ શ્વાસનાં,

બસ એટલો ફરક હતો તખ્તા અલગ હતા.

બારણું ઊઘાડવું સ્હેલું નથી,

કોઇનું પણ આવવું સ્હેલું નથી.

કોઇ ના દેખાય પણ સાથે રહે,

નામ એનું પાડવું સ્હેલું નથી.

આ હવાની કાયમી ભૂલો વિશે,

ફૂલને સમજાવવું સ્હેલું નથી.

બહુ સરળતાથી અમે હારી ગયા.

જે રમતમાં હારવું સ્હેલું નથી.

રોજ ખાનાં આપણાં બદલાય છે,

તે છતાં પણ ક્યાં રમત સમજાય છે.

એટલે તો મૌન મારું પ્રિય છે,

ક્યાં નિઃસાસા આપણા વખણાય છે ?

તું સમય છે તો સમયની જેમ ચાલ,

આમ ક્યાં સામો મને અથડાય છે ?

એ બધું ક્યાંથી નજર શોધી શકે ?

આમ ક્યાં સામો મને અથડાય છે ?

આ મદદના ધૂંધળા આકાશમાં

સેંકડો ઇશ્વર મને દેખાય છે.

વસવાટ ના કેર સુગંધીના સમાજમાં,

રખડેલ હોય છે પવન પૂરો મિજાજમાં.

સાચું કહું તો એ ક્ષણે તૂટી જવાય છે,

જ્યારે પડે તિરાડ પણ તારા અવાજમાં.

તોફાન જોઇ એટલી ધ્રૂજારી થાય છે.

ડૂબ્યા પ્રથમ ઢળી પડીશું આ જહાજમાં.

આભાર માનવો પડે શ્વાસોનો એટલો,

લાગ્યા કરે મનેય કે છું કામકાજમાં.

હું એટલે ફર્યો સદાયે એકલો બધે,

બેસી ગયા હતા બધા જાણે નમાંજમાં.

એકાંત એટલું રડે ખાલી મકાનમાં,

ભીંતોય ધ્રૂસકે ચડે ખાલી મકાનમાં,

માણસ વગર સમયને પણ સ્હેજે ગમે નહીં,

એનેય ધ્રાસકો પડે ખાલી મકાનમાં.

બીજા કશાયના અવાજો આવતા નથી,

ખાલી છબી જ બડબડે ખાલી મકાનમાં.

એને શિકાર જો કોઇ ચ્હેરાનો ના મળે.

દર્પણ ઘણુંય તરફડે ખાલી મકાનમાં.

ખંડેરને ઘણી શરમ આવે જો જોઇને,

એવું બધું ઘણું જડે ખાલી મકાનમાં.

વગર પાંજરાની સજા હોય છે,

ખરી દુર્દશાની મજા હોય છે.

હવાના રવાડે કરે ગાંડપણ,

ગતાગમ વગરની ધજા હોય છે.

કર્યાં બારણાં બંધ ઘરના અમે,

છતાં કોઇની આવ-જા હોય છે.

બની જડભરત બસ એ જોયા કરે,

ખરા ભીંતના કાળજા હોય છે.

આ એકાંતનો એ જ આભાર છે,

મને બોલવાની રજા હોય છે.

સમયને જરા પણ હસાવીશ નહિ,

બળેલાં ઘરોને સજાવીશ નહિ.

મને તું કદી આપવાનો નથી,

મને એ જ વસ્તુ બતાવીશ નહિ.

હવે ભૂલ તારી કબૂલીને તું,

કબરમાંથી અમને ઉઠાડીશ નહિ.

સ્મરણ સાવ નવરું છે પણ તું નહિ,

વીતેલી પળોને હલાવીશ નહીં.

દર વખત મારા ચરણ ફાંફે ચડે,

ના બને ક્યારેક ક્ષણ ફાંફે ચડે.

ધોધ પાણીનો તમે ના છોડતા,

એકદમ તો કોઇ રણ કાંફે ચડે.

ઘર બને અંધારનો પર્યાય જયાં,

આંગણે આવી કિરણ ફાંફે ચડે.

લાશ તો શું છે, હવે તું જો મને,

જોઇને જેને મરણ ફાંફે ચડે.

હદ વગરની આ તરસનું શું કરું,

પાસ જાઉં તો ઝરણ ફાંફે ચડે.

ઘાવ બેનામી હતાં તો બી ગયો,

બાળતા છાતી હતાં તો બી ગયો.

ઘાતકી ખાતા હવાઓ ફૂલ સૌ,

કેટલા રાજી હતા તો બી ગયો.

વેઠતાના ક્યાં હતા બે ચાર ભવ,

લાખ ચૌર્યાસી હતા તો બી ગયો.

ખૂબ મિત્રોએ મજા લીધી હતી,

દુશ્મનો બાકી હતા તો બી ગયો.

એ ધજા લઇ એકલો દોડ્યો હતો,

માર્ગ સૌ ખાલી હતા તો બી ગયો.

ક્યાં કહ્યું ઇશ્વર ગમે છે ?

હા મને પથ્થર ગમે છે.

આંસુની કોઇ સભામાં,

મારવા ચક્કર ગમે છે.

તું સવાલો શું કરે છે,

ક્યાં તને ઉત્તર ગમે છે.

તું નહીં તારી ગલીને,

કોઇની હરકર ગમે છે!

દોડવાનો રિવાજ લાગે છે,

ઝાંઝવાનો સમાજ લાગે છે.

જેનો પડઘો જણાય આંખોમાં,

એ તરસનો અવાજ લાગે છે.

વ્યંગ સામેનું મૌન એ શું છે,

લાગણીની નમાજ લાગે છે.

શૂન્યતામાં તરીને આવે છે,

એ સ્મરણનાં જહાજ લાગે છે.

હું ન બોલું છતાં બધાં જાણે,

આંસુનાં કામકાજ લાગે છે.

હું અરીસો થઇને જ્યારે નીકળ્યો,

લોહીના દરિયા કિનારે નીકળ્યો.

એકલો ક્યાં નીકળી શકતો હતો.

હું ક્ષણો માફક કતારે નીકળ્યો.

નીકળ્યો છું ઠોકરો ખાધા પછી,

હું વળી ક્યારે ઇશારે નીકળ્યો ?

રાતનો પીછો કર્યા કરતો હતો,

પણ અજાણ્યો થઇ સવારે નીકળ્યો.

મોતને થોડુંક કગરાવત હજી,

પણ ખુદા તારા વિચારે નીકળ્યો !

એ નવી રીતે વીતાડે છે હવે,

શબ્દ પણ અર્થો ઘટાડે છે હવે.

હાથમાં મારા તણખલું જોઇને,

કેમ દરિયા મોં બગાડે છે હવે ?

જ્યારથી ઘરમાં ફરે છે આ સમય,

દર્પંણો માથા પછાડે છે હવે.

બે ઘડી હું તો વમળ જોતો હતો,

તો નદી ખોટું લગાડે છે હવે.

જે તને ગમતો નથી એ તું જ છે,

હાથ કોના પર ઉપાડે છે હવે ?

થવાય આગળ-પાછળ તને કહું છું,

ધ્યાન દઇને સાંભળ તને કહું છું.

બ્હાર ભલે તું આકારોમાં ફરતો,

ઘરમાં જઇને ઓગળ, તને કહું છું.

ઉદાસ ના થા ઘણા અવાજો મળશે,

પડઘામાંથી નીકળ તને કહું છું.

બોલી બોલી મેં ક્યાં કંઇ પણ કીધું,

ચૂપ રહીને કેવળ તને કહું છું.

સૂક્કાં રાખે કેમ પલાળે નહિ તું ?

માણસ છે કે વાદળ તને કહું છું.

ઘણી કાળજીથી કલમ સાચવું છું,

સતત જિંદગીનો ભરમ સાચવું છું.

ક્ષણોને જે ભેગા મળી વાપરી નહિ,

હજી આપણી એ રકમ સાચવું છું.

યુગોથી ભલે ચડઉતર હું કરું છું.

નથી જાણ કોનો નિયમ સાચવું છું ?

હવે એટલે તો નથી બોલતો હું,

વીતેલા સમયની શરમ સાચવું છું.

અડીને નથી એને અભડાવવાનો,

બધા ઝાંઝવાનો ધરમ સાચવું છું.

ક્ષણોની હવે ઝેર જેવી અસર છે,

મને પણ ખબર છે તને પણ ખબર છે.

કહ્યું કોને એને નથી માનતો હું,

અમારા હ્ય્દયમાં ખુદાની કબર છે.

કરું શું અને ના કરું શું ન સમજાય ?

અમારી ઉપર કોની આવી નજર છે ?

ગરમ શ્વાસ, શબ્દો ગરમ ને ગઝલ પણ,

હવે આગ લાગી ધુમાડા વગર છે.

મુક્તકો

પ્હોંચી શકે નજર જવું છે એટલા જ દૂર,

દેખી શકાય ઘર જવું છે એટલા જ દૂર.

આકાશ તો પ્રથમથી જ ગમતું નથી મને,

મારી મળે કબર જવું છે એટલા જ દૂર.

ઘાત આઘાતનો વિસ્તાર બનાવી દીધો,

તેં સિફતથી મને લાચાર બનાવી દીધો.

કોઇનો પણ મને આધાર નથી મળવાનો,

એ જ વિશ્વાસને આધાર બનાવી દીધો.

એકાંત છે, અંધાર છે હું એકલો નથી,

તારા ઘણા આકાર છે હું એકલો નથી.

આ સાવ ખાલી લાગતા મારા જીવનમાં જો,

અફસોસ ભારોભાર છે હું એકલો નથી.

અડધે રસ્તે કેમ ઊભા છો ?

પાછા પગલે કેમ ઊભા છો ?

આવો દુનિયા વચ્ચે આવો,

ખુદની પડખે કેમ ઊભા છો ?

સમજમાં કૈંજ ન આવે તો શું સમજવાનું,

ખુદાય જાત બતાવે તો શું સમજવાનું.

આ ભૂતકાળ અમારો તો પ્હાડ જેવો છે,

છતાંય કોઇ હલાવે તો શું સમજવાનું.

ઓઢાડતા નથી કફન કે દાટતા નથી,

હું ક્યારનો મરી ગયો છું જાણતા નથી.

એ પત્રનું નસીબ પણ કોણે ઘડયું હશે ?

એ વાંચતા નથી અને એ ફાડતા નથી.