શબ્દાવકાશ-6 લેખ-5 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શબ્દાવકાશ-6 લેખ-5

શબ્દાવકાશ અંક-૬

લેખ : ૫

માતૃભારતી દ્વારા મેગેઝીનને એક નવતર સ્વરૂપે આપની સમક્ષ રજુ કરવાનું વિચાર્યું છે. દરેક લેખને, દરેક લેખકને એક સરખું ફૂટેજ મળે એ હેતુથી આ નવા સ્વરૂપે ‘શબ્દાવકાશ અંક-૬’નો પાંચમો લેખ —‘વિજાણું’ વિજયએ પત્રરૂપે પ્રસ્તુત કરીએ છીએ.

તમારા ફીડબેક અને રચનાઓ અમને kathakadi.online@gmail.com પર મોકલી આપો . આ આપણું મેગેઝીન છે તમે પણ જોડાઈ જાઓ .


પત્રનો પટારો





ઈ-સીવી તરંગને પત્ર :

મારા વ્હાલા ‘ઈ’ સેવી તરંગ,

આમ મૂંઝાઈ જા મા. કાગળ તને જ છે. તને જ સંબોધન કર્યું છે. ઉનાળો છે તોય મારી મતી ઠેકાણે જ છે. તું ‘ઈ’ દીવાનો ને હું ‘આમ’ દીવાનો. અરે યાર હજુ મુંઝાય છે? આજ કાલ ‘સબકો પતા હૈ’ ‘ઈ’ ના મતલબની. ચારે કોર્ય એની ‘ચર્ચા હર ઝબાન પર. સબકો માલૂમ હો ગઈ, સબકો ખબર હો ગઈ.’ એલા આ કઈ ગીત ના શબ્દો નથી લખતો. જા હવે તારી જેવું કોણ થાય! લે ફોડ પાડી દઉ. ‘ઈ’મતલબ ‘ઈલેક્ટ્રોનિક’. ‘ઈ’ મીડિયા, ‘ઈ’ મની, મારી જેવા સારું ‘ઈ’ બૂક ઈ. ઈ. ઈ. હવે આ છેલ્લા ‘ઈ ઈ ઈ...’ નું કઈ નહિ કહું. તારા સમજદાર હોવાની કૈક તો મારે આમન્યા રાખવી પડે ને! તું હિન્દી, અંગ્રેજી, કન્નડ ને ગુજરાતી જાણનારો. બેગ્લુરૂમાં રહીને ‘મેટ્રો’ કલ્ચરવાળો બની ગયો. અને અમે અહિ ગુજરાતમાં હજુ મેટ્રો મેટ્રો કર્યા કરીએ છીએ. એમ તો ગાંધીનગર અમદાવાદ અને ભાવનગરમાં ‘મેટ્રો’ કેટલાય વખત પહેલા આવી ગઈ. પણ એમાં અંદર જવાનું સામાન્ય માણસ માટે ગજું નથી. સાલ્લુ એક જોડી ચપ્પલ સારું ત્રણ ચાર હજાર નાખી દેતા બધાય વિચાર તો કરે કે નહિ? એટલે અમે ‘મેટ્રો’ની બહુ આશા નથી રાખતા. તારા ‘ઈ’ હોવાની વાત હવે બરાબર ને? હવે મારા આમ હોવાની વાત પણ સમજાઈને? ‘આમ’ નો મતલબ મારા માટે હિન્દી અને ગુજરાતી બંનેમાં. ઉનાળે આવે ને આમ સાવ ‘આમ’ ખાઈએ નહિ ‘ઈ’ વળી કેવું? આમ માણસોય ગમે તેવી પણ આમ તો ખાય જ.

મને આજે ‘ઈ’ વા ઉપાડ્યો છે તે થયું લાવ્યાને તારી જોડે જરીક બે ચાર વાતું કરું. મારા સ્વભાવની તને ખબર છે. દુનિયાને નહિ પણ ખુદને ઉંધા ચશ્માં પહેરાવવાના. આપણે જ જુદી નજરિયા અપનાવીએ. એટલે આજે તને વાત કરીશ હું ’ઈ’ની પણ ‘ઈ’ મેઈલ નહિ કરું. વોટ્સેપ નહિ કરું. મોબાઈલથી કનેક્ટ નહિ થાઉં. ટેલીફોનને ચુપ રહેવાનું કહી દીધું છે. એટલે આ કાગળિયો. ને હું કઈ ‘કાગળિયાં લખી લખી થાકી’ એવું તો કઈ કે’વાનો જ નથી.

માય ડિયર, મારા શહેરને હવે આંખો આવી છે. વળી ગરબડ ગોટાળો ન કર. મેં હમણાં કહ્યુંને કે અલગ રીતે જો. પહેલી વાત એ કે શહેર કઈ વ્યક્તિ નથી કે એને ‘આંખો આવે’. હું એમ કહું છું કે હવે મારું શહેર સી.સી. કેમેરાથી સજ્જ થયું છે. હું ભાષા અંગે બીજી વાત પણ કરીશ પણ અત્યારે આ ‘અખિયન’ કિ. આ ‘ઈ’ મીડિયાનો યુગ છે એ ખરું પણ કોના માટે? એક બાજુ આવી વાતો થાય ને બીજી બાજુ આપણને પાષાણ યુગમાં જિવતા હોઇયે એવું લાગે. આપણા આ ‘સુપર’ ભાઈયું આઈ મીન કે ‘સુપર કોપ્સ’ હવે ઓફિસમાં બેસીને ‘વહીવટ’ કરશે. મોટા સ્ક્રીન ઉપર ટ્રાફિક નિહાળવ લાગી ગયા છે. કોણ કોણ નિયમોને કોરાણે મુકે છે એ જુએ છે. પછી ‘ઈ’ લોકો ‘ઈ’ મેમો જનરેટ કરે છે ને નામ-ઠેકાણા ગોતી રૂબરૂ ‘ડીલીવર’ કરે છે! કમ્માલ કે’વાય કે નંય? આને કે’વાય ગ્રેટ ગોલ્ડન સર્કસ! હવે બધું તમે ‘ઈ’ કરો છો તો ડીલીવરી પણ ‘ઈ’ હોવી જોઈયએને! અને પેમેન્ટ પણ ‘ઈ’ થી થવું જોઈએ કે નહિ? કદાચ કોપ્સની આ ટેવ હશે. કોઈની ઉપર ભરોસો નહિ કરવાનો. એટલે સીસ્ટમ ઉપર પણ નહીને!

હવે આવી ભીંસ વધવાની એટલે અમે ‘સુધરી જઈશું’. કારણ ‘ખુદા ગવાહ!’ પણ તું જાણે કે માણસ કોનું નામ! ‘વિપદાયે આતી ઓર નયા માર્ગ ઢુંઢતી’ . Necessity is the mother of all inventions. વળી, When it gets tough, tough gets going. Every dark cloud has silver line. Adversity is the touch-stone of character. વાળી પાછું? બસ કરું એમ? આ શું માંડ્યું એમ? અરે બધી જગ્યાએ આ ‘નેત્રો’ ફીટ થઇ ગયા પછી આ બધી અંગરેજી કે’વતોનું અનુવાદ અમે અમારા આચરણથી કરીશું. સર્જનાત્મકતાથી વ્યવહાર કરીશું. મતલબ નવી તરકીબો નીકાળીશું. Where there’s will there’s way.

પણ આ બધામાં એલર્ટ મારે થવાનું રહ્યું. હું મારી ધૂનમાં હમેશા હોઉં. એથી આ ‘આંખો’એ મારી આંખો ઉઘાડી છે. પ્રોબ્લેમ એ થાય છે કે મને સાલું હોય એ દેખાતું નથી ને ન હોય એ દેખાય. કયારેક વળી આનાથી સાવ ઊંધું જ ! વળી ક્યારેક હોય એ જ દેખાય. ના હોય એ કેવી રીતે દેખાય? પણ માળા બેટા આ પોલીસવાળા આમાં ઊંડા ઉતરેલા હોય. બાઈક લઈને આપણે ક્રોસ થવા જઈએ ત્યારે કાંક લાઈટ હોય ને મધ્યે પહોંચીએ તારે કાંક લાઈટ! આપણને ઉભા રાખે ને જનરેટ કરવાનું હોય ઈ જનરેટ નો કરે ને બીજું કાંક કરે હવે આમાં મને કાંય સમજાય નંય. બધું કહ્યે સમજાય એવું થોડું? ભાસા ગડ બડ ગોટારા કડાવે એમ નો’તો કે’તો હું? સરવાળે મારી દલીલો, દીદાર અને ખરી સ્થિતિને ‘મદદે નજર રખતે હુએ’ મને જવા દે પણ મનમાં મને ભાંડતા હોય - મારી સાથેની કડાકૂટમાં એમના બીજા ‘શિકાર’ જતા રહ્યા હોય એટલે!

આ ‘ઈ’ યુગના વંટોળમાં ઘણું સારું ઉડીને જઈ રહ્યું છે. નવાનું સ્વાગત પરંતુ જૂનું સારું હોય તે સાચવવાની જવાબદારી આપણી સહિયારી છે. તકલાદી હોય તે ન ટકે પણ ભાષા ક્યારેય તકલાદી નથી હોતી. તકલાદી માણસો ભાષાને નબળી બનાવી દે છે ને સરવાળે ભાષા તકલાદી હોય એવું આપણને લાગે. ભાષા ઘરેણું છે આપણું. છેલ્લી મૂડી છે. વ્યક્તિ પાસેથી સઘળી ભૌતિક છીજ જતી રહે છે ત્યારે ભાષા અડીખમ ઉભી રહે છે તમારી સાથે. ભલે આપણે કોઈ અભિયાનમાં ન જોડાઇયે, જરૂર પણ નહિ. એનો ઝંડો લઈને ન ફરીએ. આમ છતાં તરણા સરીખો ઉદ્યમ અવશ્ય કરી શકાય.

મેં એક ઉદ્યમ કર્યો. તું પણ કરજે. મારી ભલામણ છે તને એક નાટક જોવાની. સહકુટુંબ ‘સંતુ રંગીલી’ જોવા જજો. ગુજરાતી નાટકો એક વખતે ધૂમ મચાવતા હતા એની નવી જનરેશનને કેમની ખબર હોય! એમને ‘થીયેટર’ અને ‘સિનેમા’ વચ્ચે કંઈ ફરક નથી લાગતો. બધે ફિલ્લમ ફિલ્લમ દેખાય! અલબત્ત મેં પણ કઈ ગઈ સદીના ગુજરાતી રંગભૂમિના સુવર્ણ દિવસો જોયા નથી પણ પછીથી જાણી લીધું, સાંભળી લીધું, અને માણી લીધું. અત્યારનું અને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી થીયેટર સસ્તા, દ્વિઅર્થી મનોરંજક નાટકોમાં સારી પડ્યું. અલબત્ત વચ્ચે આ ‘બા’એ આવીને જરાક સંભાળી અવશ્ય લીધું એની ના નહિ.

લે પહેલા ‘બા’ની વાત કરી દઉ. મારા બેય ટેણીયા ગુજરાતી ઓછું પસંદ કરે. મને કેમ પાલવે?

મેં એક દિવસ એમને સરપ્રાઈઝ આપ્યું. કહ્યું બેય બેસી જાઓ મારી બાજુમાં. અને પછી એમને ‘બાએ મારી બાઉન્ડ્રી’ દેખાડ્યું. પછી જે કંઈ ઘરની હાલત થઇ છે રીપીટ કરું છું – જે કઈ ઘરની હાલત થઇ છે! આખું ઘર ‘ગોકીરા’, ‘દેકારા’, ‘ઘોંઘાટ’, ‘કોલાહલ’માં ફેરવાઈ ગયું! નાટક પ્લે -રીપ્લે થવા માંડ્યું. એકના એક દ્રશ્યો કેટલી વાર જુએ. એકના એક ડાયલોગ કેટલી વખત સાંભળે. દી’ આખામાં લાગ મળે કે એની એક્ટિંગ થાય. પ્રયોગો થાય. ખીખીયાટા કરે. બા, નાનુ, અને મનોહર આખા ઘરમાં ફરતા ભળાય. ઘર ચૈતન્ય ફુવારો થઇ પડ્યું મારા વાલીડા!

. ગુઝરાતી ભાસાને પરેમ કરતો હોય તો ‘સંતુ રંગીલી’ જોવા જાજે. મહાન અંગ્રેજી નાટ્યકાર બર્નાર્ડ શો લઈને આવ્યા હતા ‘પીગ્મેલીયન’. એનું મજાનું રૂપાંતર આપણા મધુ રાય ભાયે કરી દીધો. આ તકનો લાભ મેં લઇ લીધો. બચ્ચાઓને ઓફર કરી નાટકની કે તરત હા. ‘પીગ્મેલીયન’ મેં મેં અને તારી ભાભીએ કેટલીય વખત વાંચ્યું હશે પણ બાળકોની જિજ્ઞાસા વૃતિને અકબંધ રાખવા કોઈ ભૂમિકા ન બાંધી ને ઉપડ્યા બધા. જેવી પ્રફેસરની એન્ટ્રી થઇ કે કાંચી બોલી ઉઠી, ‘અરે ડેડડિ... આ તો દર્શન જરીવાલા’. આનંદે પણ કહ્યું, ‘હા ડેડી એ ફટા પોસ્ટર ફિલમમાં છે.’ કાંચીએ જે ફિલ્મોમાં એમને જોયા તેના નામ મને કહ્યા. એના આશ્ચર્યનું પર નહિ? ‘એ ગુજરાતી નાટકોમાં કામ કરે એમ?’ એના આશ્ચર્યને બેવડાવતા મેં કહ્યું, ‘પેલી સંતુ છે ને એ સુજાતા મહેતા છે. આપણા ભાવનગર શહેરની છે ને હિન્દી સીનેમાની હિરોઈન છે. એની ‘પ્રતિઘાત’ ફિલ્મે ધૂમ મચાવી હતી એક વખતે.’ હરખની હેલી ઉભરાઈ. આંખો જાણે થીયેટરનો પડદો થઇ ગઈ. ભાગ્યે પંદર વિશ મિનીટ સ્થિર બેસતા ભાઈ બહેન પૂરેપુરા ત્રણ ત્રણ કલાક રાતના શોમાં બેસી રહ્યા પુરેપુરા ઉત્સાહથી. એમના ચહેરાને અમે વાંચી લઈએ અને મરક મરક મલકી લઈએ મનમાં. નિષ્પલક અને મોજેથી બેય માણતા રહ્યા આ નાટક.

નાટક પૂરું થયે મેં એમને કહ્યું, ‘મળવું છે એમને?’ ‘મળશે?’ અને અમે ઘુસી ગયા ગ્રીન રૂમમાં. મેં સુજાતાબેન અને દર્શનભાઈને કહ્યું, ‘હું પીગ્મેલીયન જીવું છું.’ એમને સમજાયું નહિ. મેં એમને અમારા પ્રેમ લગ્નની વાત કરી સમજાવ્યું કે મારા ‘એ’ મારા સંતુ છે અને હું ભાષાનો પ્રફેસર છું ત્યારે બંનેએ ખૂબ દાંત કાઢ્યા. બાળકોની વાત કરી તો એમને નાટકની સફળતાનો આનંદ આવ્યો એટલો જ આનંદ મારા બાળકોને મળી થયો. અમારા પ્રયત્નોને એમણે બિરદાવ્યો અને એનો રોમાંચ અમને થયો. ફોટોઝ ક્લિક થયા. ઓટોગ્રાફ લેવાયા. અને પછી બાકીના દિવસોમાં યહાં-વહાં, ઇધર-ઉધર ‘બા’ અને ‘સંતુ’, ‘બા’ અને ‘સંતુ’ જ વળી!

તારા શહેર બેન્ગ્લુરુમાં આગામી દિવસોમાં એ આવશે. મુકતો નહિ કોરાણે આ તક ઝડપવાનું. મૂકજે કામ એક કોર્ય. તમે અર્ધા કન્નડ થઇ ગયા પણ ભાઈ ગુજરાતીને કન્નડની સહોદરી બહેન બનાવજે. એક સરખો ન્યાય કરજે. માર માર આવતા પ્રવાહમાં અંગ્રેજીને અવગણાય નહિ, તીરસ્કારાય નહિ, ‘ઈ’ એઈજમા એની આવશ્યકતા, પણ એ ધોધ આપણને તાણી ન જાય એ જોવું રહ્યું.

આ બધું ‘ઈ’ ‘ઈ’ જોઇને લાગે છે કે આપણા દેશે બહુ મોટી ડાયનોસોર ફાળ ભરી છે! India ડીજીટલાઈઝડ થઇ ગયું ને ભારત પાછળ ધકેલાઈ ગયું! આ તારી યાર શંકા કરવાની આદત હજી ગઈ નથી હો? હું શંકાવાદી નથી, જરીકેય શ્રદ્ધાવીહીન ન ગણીશ મને. પણ મારા દોસ્ત, પાયાની સુધારણા એક બાજૂએ રહી જાય છે અને કહેવાતી ટેકનોલોજી કઈ કામ આપતી નથી. તને ખબર છે મારું વતનનું ગામ ભાદ્રોડ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર મારા શહેરથી નેવું કિલોમીટર દૂર છે. મારું મોસાળ ત્યાંથી પાંચ કિલોમીટર અંતરિયાળ ગામે. મારી માનું મોસાળ ત્યાંથી બીજા ત્રણ ચાર કિલોમીટર આઘે. ધૂળજડિત માર્ગેથી મામાના ઘરે પહોચીએ ત્યારે બધી ‘ઈ’ ચીજ વસ્તુઓ આપણને ‘મામુ’ બનાવે. મારા ‘ભાયું’ને બેન્કના તમામ ટ્રાંજેક્શન માટે બધા કામ પડતા મેલીને ભાદ્રોડ ગામે આવવું પડે. મારા બીજા મામુને વૃદ્ધ પેન્શન માટે, મારી વિધવા મામીને પણ એ પેન્શન સારુ, પડોશમાં રહેતા નાનુભાઈને અપંગ સહાય માટે, અને બીજા પણ એમનું રોજિંદુ દનૈયું પાડીને, પડતા-આથડતા-કુટાતા; છકડામાં બેસી; નાની નાની ચાર પાંચ નોટ વાપરીને; મળેલી સહાય લઈને આવતા દેખું ત્યારે તેમના ચહેરા ઉપર અસહાયતા સિવાય કશુયે ન ભળાય!

હા મારા દોસ્ત શહેર મારું પણ એમાં બાકાત નથી. મારે ત્યાં રસોઈ કરતા બહેન ગેસ ઉપભોક્તા છે. એની સબસીડી બેંકમાં. પહેલા સબસીડી કાપીને આપતા એટલે સીધી બચત થતી. પૈસો હાથમાં રે’તો. સો દોઢસો માટે રસોઈ ને કામ છોડીને બેંક જશે? પાલવે નહિ, પોસાય નહિ. નવી પધ્ધતિમાં પહેલા રોકડા આપી દેવાના. એલા રોકડા હોય તો આવી માઠી દશા હોય ખરી? વાત આ એક નથી. જો ને હવે બધા ફોનથી ‘સ્માર્ટ’ થવા માંડ્યા તે હવે ‘સ્માર્ટ’ કાર્ડ માટે જાવ, આધાર કાર્ડ કઢાવવા જાવ, ચૂંટણી કાર્ડ કે PNR કાર્ડ, બાર કોડેડ રેશન કાર્ડ માટે જાવ. યાર કામ કરવાના કે કાર્ડ કઢાવ્યા કરવાના? કાર્ડ સરકારને જોઈએ છે સામાન્ય પ્રજાને નહિ એટલા માટે કે એના ડોક્યુમેન્ટની માથાકૂટ, લાંબી લાઇનોનો પળોજણ, ભુલોવાળા અને કેટલીય બિનજરૂરી કરામતોવાળા કાર્ડથી પ્રજા ત્રાસે કે નહિ? મારી પાસે આ સિવાયના કેટલાય કાર્ડ છે: મારું ATM કાર્ડ, મારું PAN કાર્ડ; સંસ્થાનું, NGO નું, મેમ્બરશીપ, ખાસ ખરીદીનું, અને એવા બીજા. મેં તો હવે એક ખાસ સુટકેસ વસાવી લીધી છે: મારા, તારા ભાભી અને બેય બાળકોના કાર્ડ સાચવીને રાખવા સારું. પડ્યા પડ્યા આઠ વર્ષે કદાચ ડબ્બલ થઈ જાય! Bravo digital India! દાંત ન કાઢ યાર મારા! તું સ્માર્ટ સીટીવાળો મારી પાસે એકેય સીટી વગાડાય એવી નથી. તું IT હબમાં. અમારે એકેય હબ નથી. હબાકા ઉપાડે આ બધા ’ઈ’માં! આમાંથી મને એકેય Bang કરતુ lure નથી કરવાનું!

ચલ હવે મારી કને જાજો સમય નથી. મારે કોલેજ જવાનું છે ને આજે ‘ઈ’ મીડિયા વિષે ભણાવવાનું છે. મોડો પડીશ તો મારા આચાર્યશ્રી ‘ઈ’ મેમો નહિ આપે પણ ‘ઈ’ કાઢીને મેમો જરૂર આપશે. ચલ બચકે રેહના બાબા! કોનાથી ઈ નહિ પૂછવાનું. જા તારા ગુગ્લ્યાને પૂછ.

ભાભીને યાદ. રીવા અને રીશાન ને વ્હાલ.

તારો ‘ઈ’ ટીચ્ક્યો, ‘ઈ’સુગ્યો

-- વીજાણું ‘વિજય’