Shabdavkash - Ank - 1 books and stories free download online pdf in Gujarati

શબ્દાવકાશ - અંક ૧

શબ્દવકાશ: આ અંકની અનુક્રમણિકા

૧... તંત્રી સ્થાનેથી

૨ ... હરતા-ફરતા- નામનું ગામ ...... અશ્વિન મજીઠિયા

૩ ... ભમતો ભોગી- અરૂબા-કેરેબિયન ટાપુની મુલાકાત ......... અજય પંચાલ

૪ ...પુસ્તક : એક મિત્ર - અડધી રાતે આઝાદી ....... મનીષ ક્રિશ્ચિયન
૫ ... કાવ્ય-પ્રશંસા - 'પણ બોલે નહીં' ....... નિવારોઝીન રાજકુમાર

૬ ... પ્રાસંગિક- હોળી ....... આશિષ ખારોડ

૭ ... સંસ્મરણો ...... વો જો અધુરી સી બાત બાકી હે ....... મેઘા જોશી

૮ ... ધારાવાહિક નવલકથા ....... મિ. લોર્ડ ........ ઈરફાન સાથીયા

૯ ... રસથાળ ...... આવકાઈ અથાણું ........ હેમંત ત્રિવેદી
૧૦ ... પત્રનો પટારો .... લખ્યો પત્ર તર્જનીને ......... જાહ્નવી અંતાણીશબ્દાવકાશ..શબ્દોને અવકાશ..જ્યાં શબ્દોને એક ખુલ્લું અમાપ અવકાશ મળે છે.
સૌ પ્રથમ ઈ-મેગેઝીન અંક 'શબ્દાવકાશ'નો બહાર પાડી રહ્યા છીએ..ત્યારે યાદ આવે છે..શબ્દાવકાશની ફેસબુકથી લિમ્કાબૂક સુધીની, અને પછી માતૃભારતી સુધીની સફર..!.

શ્રીમતી નીવારોઝીન રાજકુમારે એક વાર્તા લખી..કે જેને પછી એક અલગ જ અંદાઝ આપીને 'કથાકડી' બની એ વાત તો તમે સૌ કદાચ જાણો જ છો. એ ક્થાકડી લખતા લખતા, જેમણે જેમણે એ કડીઓ લખાવવાની સફરમાં સતત સાથ આપ્યો, એ બધી વ્યક્તિઓના સમૂહની એક ટીમ બની. અને એ ટીમને નામ અપાયું... 'શબ્દાવકાશ'.

આ ટીમ દ્વારા કચ્છી , અંગ્રેજી અને [નવેસરથી શરુ થયેલ] હિન્દી કથાકડી, ઉપરાંત દોષિણી, સમર્થિણી, નાટક-ચેટક, પત્રોનો પટારો, શાળાના સંભારણા, પુસ્તક-પ્રતિભાવ, પ્રેમકથા, મારા પાપા અને માતૃપ્રસંગ જેવા અનેક પ્રોજેક્ટ હાથ ધરાયા. આમ ફેસબુક પર આ ટીમના લગભગ ૧૫ જેટલા ગ્રુપ, એક બ્લોગ અને એક પેજ પણ ચાલે છે. તેમ જ હાલમાં એક નવી જ કથાકડીનો ‘માતૃભારતી’ પર પણ પ્રારંભ થયો છે.

આ શબ્દાવકાશ ટીમ એવી છે, કે એકનો વિચાર બીજા સભ્યો ઝીલી લે છે, ને ઝીલી લીધા પછી, સતત એ વિચારને શબ્દોના હિંડોળે ઝુલાવવાના પ્રયત્નોમાં પણ કાર્યશીલ રહે છે. અને પછી એમાંથી સર્જન થાય છે, એક કૃતિનો..આ કૃતિ કોઈ પ્રખ્યાત લેખકોની નથી હોતી. આ કૃતિ હોય છે એક વાંચકની, આ કૃતિ હોય છે એક વિચારકની.

માણસનો મૂળભૂત સ્વભાવ વિચારવાનો હોય છે. એ સારું, નરસું, ખરું, ખોટું, એવું કંઈ કેટલું વિચાર્યા જ કરતો હોય છે. એ વિચારો સ્પષ્ટ તો હોય, પરંતુ વિચારોની સામ્યતા કે રીધમ જળવાતી નથી હોતી. એવી વિચારશીલ વ્યક્તિઓને ફેસબુક પર આ ટીમ ઓળખીને લખવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. .

આજે ફેસબુક, એ એક સમય પસાર કરવાનું માધ્યમ છે. પરંતુ એમાં તમને જો કંઇક નવું, સારું, અને ક્રિએટીવ શીખવા મળે, તો આ સમય પસાર કરવાની સાથે સાથે તમને જે આત્મસંતોષ, અને આત્મવિશ્વાસ મળે છે, તે અમુલ્ય જ હોય છે. આ ટીમના બધા જ સભ્યો આવા જ છે..ઉપર જણાવ્યું તેમ..સ્પષ્ટ વિચારોવાળા. અને સાથે મળીને પણ તેઓ આવું જ કંઇક શીખ્યા છે.

પછી તો અમને એક માધ્યમ મળ્યું માતૃભારતીનું, જેના થકી અમે વાંચકોની સાથે સાથે અનેક નવા લેખકો સુધી પણ પહોંચ્યા. આ લેખકો પણ, પોતે લેખકો હોવાનો કોઈ દાવો ન કરતા, ફક્ત મૈત્રીભર્યા નિ:સ્વાર્થ ભાવે જ અમારી સાથે જોડાયેલા રહ્યા..

પંદરેક દિવસ પહેલાના એક શનિવારે ટીમના એક સભ્યને વિચાર આવ્યો કે આપણે વાર્તાઓ તો ખુબ લખી..લખાવી. તો હવે કંઇક નવું શરુ કરીએ. માતૃભારતી જેવું પ્લેટફોર્મ છે; લેખકોની એક ફોજ છે; તો એક સરસ મેગેઝીન બનાવીએ તો?

અને એ વિચારને સહર્ષ વધાવીને ટીમ મંડી પડી કે એમાં શું શું કરશું? શું શું લાવશું? શું શું લખશું? એને કેવું બનાવશું? કોઈ માતા પિતા પોતાના સંતાનને જે રીતે સજાવે-ધજાવે..તૈયાર કરે, કે અમારું બાળક બધામાં એકદમ અલગ જ અને દેખાવડું હોવું જોઈએ. બસ..એ રીતે જ શબ્દવકાશ ટીમના સભ્યો આ મેગેઝીનને એક અનન્ય અને સુરેખ શબ્દ-દેહ આપવા મંડી પડ્યા..

એ રીતે શબ્દાવકાશની એક્ટીવ ટીમ પોતાના આ નવા સાહસને, 'શબ્દાવકાશ' ઈ-મેગેઝીનને જયારે એક શબ્દાકાર આપવા જઈ રહી છે, ત્યારે આભાર શ્રી મહેન્દ્રભાઈ શર્માનો, માતૃભારતી ટીમનો.

અને ઓફ કોર્સ, વાંચકોનો, કે જેમના થકી શબ્દાવકાશનું અસ્તિત્વ બની રહેલું છે..

તો શું હશે આ મેગેઝીનમાં?
આ બાબતમાં હાલમાં તો બસ એટલું જ જણાવવાનું કે, આ મેગેઝીન ફક્ત વાંચવા માટે નથી. વાંચકોએ તેમાંથી પ્રેરણા લેવાની છે..ચકાસવાની છે મેગેઝીનની ગુણવત્તાને..ધ્યાનમાં રાખવાની છે તેની લેખનશૈલી. કારણ..આનાથી આગળ વધીને, આપ સૌએ લખવાનું પણ શરુ કરવાનું છે. .

મિત્રો, કોઈનું લખેલું વાંચવામાં જે મજા છે, તેનાથી ય સવાયી મજા તો છે, આપણું લખેલું કોઈને વંચાવવામાં..આપણા વિચારો તેમની સમક્ષ રજુ કરવામાં. કારણ, આમ કરવાથી એક અનેરો આત્મ-સંતોષ પ્રાપ્ત થાય છે..એક નવો જ આત્મ-વિશ્વાસ મળે છે, .

વિશ્વાસ રાખો અમારી આ વાત પર..! વિશ્વાસ રાખો એટલા માટે, કેમ કે..અમુક સમય પહેલાં અમે સહુ પણ આપ સૌ જેવા જ ફક્ત વાંચક-ગણ જ હતા. અમે પણ આવી જ પ્રેરણા મેળવી હતી, કોઈનું લેખન-કાર્ય જોઇને. અને પછી..અમને સાથ મળ્યો 'શબ્દવ્કાશ' ટીમના અન્ય સભ્યોનો. એક-મેકની ભૂલ સુધારતા, શક્ય એટલું પીઠબળ અને આવડે એવું માર્ગ-દર્શન પૂરું પાડી, આ લેખન-ક્ષેત્રે આગળ વધવાનું પ્રોત્સાહન એક-બીજાને આપતા રહ્યા. કારણ, ઉપર કહ્યું તેમ, જેટલો સંતોષ લખવામાં મળે છે તેટલો જ કોઈને લખાવવામાં પણ ચોક્કસ મળે જ છે, તો 'કથા-કડી' બાદ આવો જ એક સંતોષ ફરી એક વાર પ્રાપ્ત કરવા અમે આ મેગેઝીન શરુ કરી રહ્યા છીએ..

અને માટે જ અમને સતત રાહ રહેશે, આપના લેખન-કાર્યનો. આ મેગેઝીન વાંચીને આપ પણ લખવાનો વિચાર કરી શકો છો...વિચાર કરવો જ રહ્યો.
વિષયનું કોઈ જ બંધન, કે કોઈ જ મર્યાદા નથી. ભવિષ્યમાં ગમે ત્યારે પણ વાંચો તોયે એવું જ તાજગી-સભર લાગે તે હેતુસર, ફક્ત કરંટ-એફેર્સ [રાજકારણના વર્તમાન-વહેણ] ને છોડીને, આપ કોઈ પણ વિષય પર આપની કલમ અજમાવી શકો છો.
અલંકારિક ભાષા ન ફાવે, તો સીધી સાદી સરળ ભાષામાં લખી શકાય. કારણ વાંચકો એવા જ વાંચનને પ્રાધન્ય આપે છે, કે જેને વાંચવામાં, સમજવામાં અને હજમ થવામાં સૌથી ઓછી મુશ્કેલી પડે. ઉચ્ચ કક્ષાનું ગહન વાંચન તો ફક્ત વિચારક-ગણ જ કરતાં હોય છે, જયારે આપણું આ મેગેઝીન તો સામાન્ય વાંચકો માટે જ છે. તમારા-અમારા જેવા સાધારણ કક્ષાનાં વાંચકો જ તે વાંચવાના છે, તો તમને પણ લખવામાં કોઈ જ મુશ્કેલી ન પડવી જોઈએ તેવું અમારું સતત માનવું છે.

.
હા, જોડણી-ભૂલો અને ભાષા-શુદ્ધિનું ધ્યાન રાખવું હિતાવહ અને અપેક્ષિત છે, કારણ અશુદ્ધ લેખન અને વાંચન આપણી આ ગુજરાતી માતૃ-ભાષા માટે હાનીકારક નીવડે છે, તે વાતનો ખ્યાલ એક સાચા ગુજરાતી તરીકે આપણે સૌએ રાખવો જ રહ્યો.
તે ઉપરાંત ભાષા-શુદ્ધિના ક્ષેત્રે થોડી ઘણી મદદ અમારી ટીમ પણ આપને કરતી જ રહેશે. અને હા, સોનામાં સુગંધ ભલે તેવી વાત તો એ છે, કે આપની મહેનત અને ધગશને બિરદાવવા માટે 'માતૃ-ભારતી' પણ દરેક લેખકને [૮૦૦થી ૧૦૦૦ શબ્દની રચના માટે] એક નાનકડો પણ રૂપકડો [રૂ ૩૫૦નો] નગદ-પુરસ્કાર આપશે. .

આ પ્રથમ અંકમાં અમારા મિત્રોએ જ લેખન-ક્ષેત્રે યોગદાન આપ્યું છે, કારણ અગાઉની જાહેરાત વગર જ અમે તેને શરુ કરવા જઈ રહ્યા છીએ. પરંતુ હવે પછીના અંકોમાં આપ સહુ પણ આપના લેખ-વાર્તા, વગેરે મોકલી શકો છો.

kathakadi.online@gmail.com પર આપનું લેખન-કાર્ય ઈમેઇલ કરી શકો છો. .

પખવાડીક પ્રકાશિત થનારા આ મેગેઝીનના કયા અંકમાં આપના લેખન-કાર્યનો સમાવેશ થશે, તે તો અમને કેટલા લેખ-વાર્તા પ્રાપ્ત થાય છે, તેની પર જ નિર્ભર કરે છે. અને માટે જ આ મેગેઝીનનું પ્રકાશન અમે 'પ્રાયોગિક' ધોરણે કરવા જઈ રહ્યા છે.

જો નવા અને ઉત્સાહી લેખકો.વાંચકો મળતા રહેશે, તો આ મેગેઝીન સતત..દર પખવાડિયે પ્રકાશિત થતું જ રહેશે. માટે આ મેગેઝીનને પ્રોત્સાહિત કરવું હવે આપ સૌના હાથમાં છે. મેગેઝીન વાંચ્યા પછી આપનાં પ્રતિભાવો આપ રેટિંગ દ્વારા, કમેન્ટ દ્વારા કે પછી આપ ઈચ્છો તો અમને ઈમેઈલ કરીને પણ આપી શકો છે. .

તો અમારા આ સાહસને આવકારીને, બિરદાવી અને તેમાં સહભાગી બનીને આપ સફળ બનાવશો જ, તેવી ખાત્રી સાથે અમે સહુ, 'શબ્દાવશ' ટીમ વતી આપનો ફરી એકવાર આભાર માની છીએ. .
.

શબ્દાવકાશ ટીમ વતી :
-- અશ્વિન મજીઠિયા--
જાહ્નવીબેન અંતાણી--
અજય પંચાલ--
ઈરફાન સાથીયા--
નિમિષ વોરા
-- નીવારોઝીન રાજકુમાર

નામનું ગામ
શ્રવણ એટલે કે ‘સાંભળવું’..!

પણ જયારે માબાપ પોતાના દીકરાનું નામ ‘શ્રવણ પાડે છે, ત્યારે તેમના મનમાં આ અર્થ નથી હોતો.

તેમના મનમાં તો પૌરાણિક કાળનો માતૃ-પિતૃભક્ત દીકરો જ હોય છે. તેમના મનમાં ઊંડે ઊંડે એવી ઈચ્છા હોય છે, કે તેમનો દીકરો ય શ્રવણની જેમ તેમની સેવા કરે.

હોય હવે.. કયા માબાપને એવી ઈચ્છા ન હોય ? અને આ જ આશાએ, તેઓ દીકરાનું નામ ‘શ્રવણ’ પાડે છે..

.

ઘણી વખત લોકો પોતાની ઈચ્છા અને વલણ પ્રમાણે નામ પડતા હોય છે. દેવીની કૃપાથી આવેલ બાળકનું નામ ‘દેવીપ્રસાદ’, તો દેવ અથવા ગુરુનાં વરદાનથી મેળવેલ બાળકનું નામ દેવદત્ત કે ગુરુદત્ત.

.

પોતાનું બાળક સુખમય જીવન વિતાવે તેવી મહેચ્છાથી, લોકો સુખીલાલ નામ પાડતા. અને આજે, સારું સ્વાસ્થ્ય પામે તે માટે કુશલ નામ પાડે છે. શાંતિ માટે શાંતિલાલ, તો પ્રેમ માટે પ્રેમજીભાઈ, અથવા આજનાં જમાનાનોનો ‘પ્રેમ’

.

અમુક માબાપ તો પોતાના સંતાનોના નામ પાડીને જાણે કે ભૂલી જ જતા હોય છે અને તેનાં બાળપણના હુલામણા નામે જ બોલાવવાનું ચાલુ રાખે છે, જેને કારણે ઘણીવાર આ બિચારા સંતાનોએ પોતાની આખી જિંદગી ‘બાબા-અવસ્થા’ કે પછી ‘બેબી-અવસ્થા’માં જ વિતાવવી પડે છે.

અમારા પડોશમાં એક પચાસ-પંચાવનની ઉમરનાં એક બહેન હતા, કે જેમને આખી શેરીનાં લોકો કાંતો બેબીબહેન અથવા બેબીમાસી કહીને જ બોલાવતા. તેમણે લગ્ન જ નહોતા કર્યા. સાસરામાં કદાચ બેબીભાભી કહીને લોકો બોલાવશે તેવો તેમને ડર હોય તો કહેવાય નહીં. આવા જ એક બાબાકાકા પણ હતા કે જેમનું બાબાપણું ઘડપણ સુધી તેમની સાથે જ રહ્યું.

અમુક નામો પર તો જાણે પ્રાણીઓએ પોતાનો અબાધિત હક્ક જમાવી દીધો હોય તેવું લાવે. મિની ભલે કોઈ નાની છોકરીનું હુલામણું નામ હશે, પણ આ નામ સાંભળતા જ તરત બિલાડી યાદ આવી જાય. અને આવું જ ‘મોતી’નું પણ છે. એટલે જ પોતાનાં દીકરાનું નામ મોતી પાડતા કોઈ સાત વાર વિચાર કરે.

.

એક વાતની નોંધ લીધી? પુરુષોના નામ પાછળ, ભલે માનાર્થે..પણ તોય..આપણે ‘દાસ’ જ લગાવશું..

મથુરાદાસ -મથુરાનો દાસ, તુલસીદાસ -તુલસીનો દાસ, ગોકુલદાસ -ગોકુલનો દાસ, લક્ષ્મીદાસ -લક્ષ્મીનો દાસ [ગૃહલક્ષ્મીનો?]

પણ સ્ત્રીઓના નામ પાછળ તો ‘રાણી’ કે ‘દેવી’ જ લગાવીએ છીએ. દેવિકારાણી, પદ્મારાણી, શ્રીદેવી, માયાદેવી.

તેમનાં નામ પાછળ કોઈ દિવસ ‘દાસી’ લગાવ્યું હોય તેવું નથી જોયું. કોઈ દિવસ લક્ષ્મીદાસી, શારદાદાસી.. કે એવું કંઈ સાંભળ્યું છે ?

તો પછી, સ્ત્રી-દાક્ષિણ્યનો આથી વધુ સારો દાખલો બીજો કયો હોઈ શકે? અમથા જ લોકો વગોવે છે, આપણને…!

.

પણ હા, નામનું પુરાણ બહુ મોટું, છતાં ય રસપ્રદ છે.

પંજાબના શીખ અને જાટ લોકોના નામોમાં તેમની સંસ્કૃતિનું પ્રતિબિંબ પડે છે. તેઓ એક લડાયક અને શુરવીર કોમ છે, મીલીટરી વાળી..!

તેમના નામ જુઓ- શમશેર(તલવાર)શિંહ, બહાદુરશિંહ, રણવીરશિંહ, કર્નલશિંહ વગેરે..

આપણે ગુજરાતી..વેપારી કોમ ગણાઇએ, પણ આપણા નામમાં એ ખાસિયત ચમકતી નથી. હા, અટકમાં જુઓ તો ગાંધી, મોદી, ઝવેરી, દલાલ વગેરે દેખાય છે.

.

એક પ્રાન્તથી બીજા પ્રાંતમાં, પ્રચલિત નામોમાં ઘણા વિવિધતા જોવા મળે છે. મહાદેવ અને વિષ્ણુ જેવા જ અર્થવાળા નામ ચંદ્રશેખર કે વ્યંકટેશ, ફક્ત દક્ષિણ ભારતમાં જ જોવા મળે છે. તેવું જ શ્રીનિવાસ અને કાર્તિકનું પણ છે.

મંદાર હોય કે પછી મંગેશ, કે પછી સચિન. આ બધા નામ મહારાષ્ટ્રમાં વધુ પ્રચલિત છે. જો કે સચિન થોડા પ્રમાણમાં ગુજરાતમાં હોય છે. પણ તે કદાચ સચિન તેન્ડુલકરનાં પ્રભાવને કારણે..

બંકિમચંદ્ર કે નવેન્દુનું પણ એવુંજ છે. (બંનેનો અર્થ બીજનો ચંદ્ર) આ નામ બંગાળમાં જ જોવા મળે. દીવેંદુ (દિવ્ય ચંદ્ર) પણ ત્યાંનાં જ હોય. હા, ગુજરાતમાં હોય છે…પણ, ફક્ત ઈંદુ. ઇન્દુલાલ કે પછી ઇન્દુમતી !

.

એક રસપ્રદ વાત માર્ક કરજો..

ધર્મેન્દ્ર પંજાબ-દિલ્હીમાં હોય, તો ધર્મેશ આપણા મુંબઈ કે ગુજરાતમાં જોવા મળે છે. વિજયેન્દર, ભુપીન્દર યોગીન્દર, પણ ત્યાં પંજાબમાં હોય છે, તો વિજય, ભૂપેશ અને યોગેશ આપણે ત્યાં હોય છે.

એમ તો ભુપેશ, યોગેશ અને ધર્મેશની સાથે સાથે રાજેશ, રાકેશ, મુકેશ, હરેશ, પરેશ, ભાવેશ, જીજ્ઞેશ, દિવ્યેશ, અલ્પેશ, કલ્પેશ જેવા અનેક ‘ઈશ’થી ગુજરાત આખું ઉભરાઈ આવ્યું છે.

.

સતીઓ કે પછી દેવીઓના નામનું ચલણ તો બધાજ પ્રાંતમાં જોવા મળે છે. પાર્વતી, લક્ષ્મી, રાધા, સાવિત્રી, દમયંતી, અનુસુયા, જશોદા જેવા અગણિત સતી-નામો જોવા મળે છે. હા, પણ કુંતી કે દ્રૌપદી જેવા નામો, દેખીતા કારણસર, નથી પડાતા.

એવુ જ સીતાનું છે. સીતા નામ બહુ જવલ્લે જ જોવા મળશે. એનું એકજ કારણ હોઈ શકે, કે કોઈ માબાપ પોતાની દીકરી, સીતા જેવું દુઃખમય જીવન પામે, તેવું ના ઈચ્છે. (‘સીતા ઔર ગીતા’માં એક સીતા હતી, પણ તે ય પાછી દુ:ખિયારી !) હા, પોતાની દીકરીને રામ જેવો પતિ મળે, તેવું તો સહુ માબાપ જરૂર ઈચ્છે; પણ તોય..એના માટે લોકો આવું જોખમ તો નથી જ લેતા. હા, લોકોને જાનકી હજી ચાલે, કારણ લગ્ન પહેલા સીતાજી, ‘જાનકી’ તરીકે વધુ ઓળખાતા હતા, અને તે દરમ્યાન ઘણા સુખી પણ હતા.

.

આવુ જ વિદૂર-સુદામાનું છે. સુદામા એટલે ઐરાવત હાથી..!

આ નામોનાં અર્થ તો સારા, પણ યાર.. આવા ગરીબ દીકરા..? ના ભાઈ ના..કોઈક બીજું નામ ગોતો..!

.

અભિમન્યુ? એ ના હો..!!

તો, તો પછી.. ચિરંજીવ શું ખોટું છે? લાંબુ આયુષ્ય ન ઈચ્છીએ આપણા દીકરાનું..!

.

એમ તો દુર્યોધનનો અર્થ થાય યુદ્ધમાં બહુ મુશ્કેલીથી હરાવી શકાય તેવો, અજીત. અને દુઃશાસન એટલે, જેની પર શાસન કરવું મુશ્કેલ હોય તે. અર્થ તો સારા, પણ આવા બિહામણા નામ પડાય? ના રે ના..!

.

એમ તો વિભીષણ નામ સાંભળતા જ નજર સમક્ષ એક શાંત, સરળ ચહેરો આવી જાય, પણ છતાંય..આ નામ માટે મન તો ન જ માને. હા, કરણ નામ પડાય, બહુ બહાદુર હતો એ. પણ કુંભકરણ ન પડાય. દીકરાને ઊંઘમાંથી ઉઠાડી ઉઠાડીને દમ નીકળી જાય આપણો..!

.

મૂકો લપ હવે.. બીજું કંઈ નામ વિચારીએ, ચાલો..

પશુ-પંખીમાં ગોતીએ? હા, એનાં નામ પણ અપાય, દીકરા-દીકરીને. મયુર (મોર), હંસરાજ, પોપટલાલ, કોયલ, કોકિલા (ફરીથી કોયલ), મેના.. વગેરે વગેરે. મોર જેવો દેખાવડો અને પોપટ જેવો મીઠડો દીકરો, કે પછી કોયલ, કોકિલા જેવી સુરીલી દીકરી કોને ન ગમે?

અને ફળના નામ પરથી નામ પડાય? ચીભડાભાઈ? કેરીબેન? કેળાલાલ? તરબુચચંદ? સફરજન.. સક્કરટેટી.. ચીકુ.. નારંગી..સંતરું..?

અંહં.. નથી જામતુ..! બહુ કે’વાય..ફળના નામ નથી ગમતાં?

અને ફૂલ-ઝાડનાં નામ? હો, એ ચાલે..

અશોક, લતા, ચમ્પા, ચમેલી, કમલ નલિની, માલતી, પ્રાજકતા વગેરે નામ લોકોને ગળે ઉતરી ગયા.

અરે..આખેઆખી ફૂલ-ઝાડની વાડી સુદ્ધા ચાલી ગઈ ભાઈ. આ..આ વાડીલાલ જ જુઓને હવે !

અને હા, કેતન એટલે ઘર, મકાન, સ્થાન…!

હો, હો, ચાલે..ને..!

તો..અનિકેત એટલે ‘ઘર વિનાનો; રહેઠાણ વગરનો; નિવાસ રહિત; ભટકતો..

એ પણ ચાલે !

ચાલવા દો..ચાલવા દો, હવે તો..!

બધું ય ચાલે !

.

પણ વિલાસ, વિપ્લવ, નિષેધ કે નિકાસ જેવા નામો તો કદાચ અર્થ જોયા વગર જ, પડાય છે. હમમ..એમ તો પહેલા ગાંડાલાલ, ઘેલાભાઈ, જુઠાભાઇ અને કચરાલાલ પણ ક્યાં નહોતા? અને ભીખલામાંથી ભીખાભાઈ બનેલા તો પુષ્કળ..

હોય.. હોય હવે એ તો ..!

વિલિયમ શેક્સપિયર કહી જ ગયો છે ને કે.. “નામમાં શું રાખ્યું છે હવે..?” What is in a name..?

-- અશ્વિન મજીઠીયા


ભમતો ભોગી
‘અરૂબા’ નામનાં કરેબિયન ટાપુની મુલાકાત

ઘણા બધાં લોકો વેકેશન દરમ્યાન અલગ અલગ સ્થળો એ ફરવા જાય છે. માણસ ફરવા કેમ જાય છે. નવી નવી દુનિયા જોવા, નવા સ્થળો માણવા, ત્યાંની સંસ્કૃતિથી પરિચિત થવા, ત્યાના લોકોની જીવનસરણી જાણવાં, એ સ્થળોનો ભૂતકાળ જાણવાં વિગેરે વિગેરે. મને પોતાને હરવા ફરવાનો ઘણો શોખ છે. એટલે આ પ્રશ્ન હું ઘણા બધાને પૂછતો રહું છું કે તમે વિવિધ સ્થળોએ ફરવા કેમ જાઓ છો? મને ઘણા નવા જવાબ જાણવાં મળ્યા. એક ભાઈએ કહ્યું કે દર વરસે નોકરી પરથી છુટ્ટી મળે તે વાપરવા માટે ફરવા જવાનું. એક બહેને કહ્યું કે આખું વર્ષ ઘરના કામના ઢસરડા કરીએ તો ક્યાંક તો બહાર જઈને? બાળકોએ કહ્યું કે આખું વરસ સ્કુલમાં ભણી ભણીને કંટાળી જવાય તો વેકેશનમાં ફરવા જવાનો આનંદ મળે. એક ખેપાનીએ કહ્યું કે વેકેશન પછી સ્કુલમાં વેકેશનમાં શું કર્યું એ વિષય પર નિબંધ લખવાનો હોય છે એટલે ફરવા જવાનું. પણ આ બધામાં એક જવાબ બહુ જ રસપ્રદ મળ્યો. ' ફેસબુક પર અલગ અલગ જગ્યાના ફોટાં મુકવા માટે'. મને આ જવાબ સૌથી વધુ પસંદ આવ્યો. હું ફરવા એટલા માટે જાઉં છું કે મને નવા નવા લોકોને મળવાનો, તેમના વિષે જાણવાનો અને ખાસ કરીને એ સ્થળના પ્રખ્યાત ફૂડ અને ડ્રીંક્સ માણવાનો ખુબ જ શોખ છે. પણ એ કરતાં ય હું મારી પત્નીને ખુશ રાખી શકું છું એટલે ફરવા જાઉં છું.

મને અને મારી પત્નીને કરેબિયન દરિયાકિનારા સાથે વધુ લગાવ છે તેથી આ વરસે અમારું વેકેશન સ્પોટ હતું. 'અરૂબા'. અરૂબા એ સાઉથ અમેરિકાના વેનેઝ્વેલાથી 15માઈલ નોર્થમાં આવેલો સધર્ન કરેબિયન આઈલેન્ડ છે. હંમેશા 28 ડીગ્રી સેલ્સિયસ વાતાવરણ ધરાવતો આ નાનકડો ટાપુ 70 સ્ક્વેર માઈલના ઘેરાવામાં અઢળક પ્રાકૃતિક સૌન્દર્ય સાથે પથરાયેલો છે. સફેદ પાવડરી રેતી, નિર્મળ કાચ જેવું ટરકોઇશ (આછા ભૂરાશ પડતું વાદળી) પાણી અને એકદમ સ્વચ્છ બીચ એ અરુબાની ખૂબી છે. હરિકેન બેલ્ટની નીચે આવેલો હોવાથી દરિયાઈ વાવાઝોડાથી હમેશા સલામત રહેતો આ ટાપુ ટ્રાવેલર્સ માટે ફર્સ્ટ ચોઈસ આઈલેન્ડ છે. દુનિયાના મોટાભાગના સ્થળોની માફક અમેરિકન સીટીઝને અરુબાની મુલાકાત માટે અગાઉથી વિઝા લેવાની જરૂર નથી રહેતી.

ઈસ્ટ અમેરિકાના ન્યુ જર્સી રાજ્યના નુવાર્ક એરપોર્ટ પરથી અમારું પ્લેન ઉપડ્યું. નુવાર્કથી અરૂબાની સફર ફક્ત પાંચ કલાકની જ હતી. માનવમન પણ અજીબ હોય છે. આમ તો પાંચ કલાકની સફર પણ લાંબી લાગે પણ અમેરિકાથી ઇન્ડિયાની 16 કલાકની હવાઈ સફર સામે આ બધી જ સફર ટૂંકી લાગે. નેધરલેન્ડની રાજકુમારી બીટ્રીક્ષ (Beatirx) ના નામ પરથી પડેલાં ક્વીન બીત્રીક્ષ ઈંટરનેશનલ એરપોર્ટ પર અમારાં પ્લેને ઉતરાણ કર્યું. સ્પ્રિંગ (વસંત) ઋતુની ગુલાબી ઠંડીમાંથી આવેલા અમે અમેરિકાવાસીઓએ અરુબાની ગરમ હવામાં જાણે સંતોષનો લાભ લીધો. અરૂબા ટાપુ પ્રમાણમાં ઘણો જ નાનો છે પણ એરપોર્ટ અદ્યતન સગવડો ધરાવે છે. સાઉથ અમેરિકા, નોર્થ અમેરિકા, યુરોપ અને ખાસ કરીને નેધરલેન્ડ સાથે હવાઈ માર્ગે જોડાયેલું છે. એરપોર્ટ પરથી ગંતવ્ય સ્થાન પર જવા માટે ટેક્ષી અને પબ્લિક બસની વ્યવસ્થા છે. ટેક્સી લગભગ $25 અને પબ્લિક બસ $2.50 માં ગંતવ્ય સ્થાન પર પહોચાડે છે. આમ છતાં હું હમેશા એરલાઈન ટીકીટ, હોટેલ અને એરપોર્ટ ટ્રાન્સપોર્ટેશન સાથેનું કમ્બાઈન ડીલ પસંદ કરું છું. એટલે અમને અમારા રીઝોર્ટ પર પહોંચાડવા માટે કોચ હાજર જ હતો. મોટાભાગનાં રીઝોર્ટ પર પહોંચતા પંદર થી પચ્ચીસ મિનિટથી વધારે સમય નથી લાગતો.

આ ટ્રીપમાં પત્નીની પસંદગીને માન આપીને અમે અમારી મનપસંદ રીયુ પ્લાઝાને છોડીને ટામાંરીન્જ રિસોર્ટ પર પસદગી ઉતારી હતી કેમ કે આ રિસોર્ટની નાની નાની બંગલીઓ દરિયાથી ફક્ત વીસ ફૂટ દુર બીચ પર જ હતી. રિસોર્ટમાં દાખલ થતાં જ અદ્યતન રીસેપ્શન લોબીમાં અમારું સ્વાગત બબલી શેમ્પેઇન અને સ્ટ્રોબેરી સાથે થયું. બહારથી સાદા દેખાતાં રિસોર્ટમાં અંદર બધી જ સગવડો હાજર હતી. એરકન્ડીશન રૂમની સગવડવાળી બે માળની બંગલીઓ લગભગ અંગ્રેજી એસ આકારના દરિયા કાંઠે પથરાયેલી હતી. બંગલીઓની બહાર તાડછાની છત્રીઓ નીચે લાઉન્જ ચેર્સ અને ટેબલ ગોઠવાયેલાં હતાં. રિસોર્ટમાં બે મોટી સાઈઝના સ્વીમીંગ પુલ હતાં. દર વખતે અમે ઓલ ઇન્ક્લુંઝીવ ડીલ સાથેનો રિસોર્ટ પસંદ કરીએ છે એટલે શું ખાવું અને ક્યાં ખાવું એ મગજમારી જ ન રહે. ઇટાલિયન, જાપાનીઝ, સાઉથ અમેરિકન, અમેરિકન અને ફાસ્ટ ફૂડ આમ પાંચ અલગ અલગ રેસ્ટોરંટ અને સાત બાર ધરાવતાં આ રિસોર્ટમાં શું ખાવું કે શું પીવું કરતાં શું શું ખાવું અને શું શું પીવું એ પસંદ કરવાનું અઘરું પડે. અને એમાંય બે બાર તો સ્વીમીંગમાં પાણીની વચ્ચે અને બીજા બે બાર બીચ પર હતાં. વેઇટર્સ પણ ઝાઝી સંખ્યામાં હતા જેથી પાણીમાં પડ્યા પડ્યા કે બીચ પર લાઉન્જ ચેરમાં પડ્યા પડ્યા સન બાથ લેતાં લેતાં વિવિધ આલ્કોહોલિક કે નોન-આલ્કોહોલિક ડ્રીંક્સની અનલિમિટેડ મજા માણી શકાય. એ સિવાય રિસોર્ટમાં શોપિંગ સેન્ટર, કેસીનો, નાઈટ ક્લબ, બેંક ATM, જીમ, ટેનીસ કોર્ટ, ગોલ્ફ કોર્ટ, લોન્ડ્રી સર્વિસ, મસાજ સેન્ટર્સ વિગેરે સગવડો હાજર હતી. રિસોર્ટમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે ગોલ્ફ કાર્ટની સગવડ હતી. ઠેર ઠેર ટ્રોપિકલ ટ્રી અને બુશીશ અને નાનકડાં ઝરણા સાથે લીલોતરી જ લીલોતરી હતી. રાત્રે આ રિસોર્ટ તરેહ તરેહના રંગીન લાઈટોથી ઝગમગતો. અનલિમિટેડ ફૂડ અને અનલિમિટેડ ડ્રીન્કસ હોવાથી રેસ્ટોરંટ અને બાર સવારના આઠથી રાત્રીના બે વાગ્યા સુધી ઓપન રહેતા. રાત્રે નાઈટ ક્લબમાં અને બીચ પર કેમ્પ ફાયર સાથે વિવિધ પ્રકારના ડાન્સના પ્રોગ્રામ થતાં. આમ જુઓ તો એમ જ લાગે કે સાત દિવસ માટે તમે સ્વર્ગમાં આવી પહોંચ્યા છો.

સાત દિવસના રોકાણમાં અમારો પ્રોગ્રામ હમેશા ભરચક જ રહેતો પણ હું હમેશા એ ધ્યાન રાખું કે વેકેશન એટલે આનંદ અને મજા કરવાનો સમય. એટલે હરવા ફરવાનો પ્રોગ્રામ એટલો પણ ભરચક નહિ રાખવાનો કે જેથી આનંદની જગ્યા એ ટ્રીપ દરમ્યાન થાક અને કંટાળો જ લાગે. હું હંમેશા સગવડો સાથે જ જીવવાં ટેવાયેલો છું. એટલે ટ્રીપ દરમ્યાન આનંદ જ આનંદ મળે એ વાતનો સંપૂર્ણ ખ્યાલ રાખું છું. પહેલો દિવસ વિવિધ રેસ્ટોરાં અને બારની મુલાકાત સાથે રિસોર્ટની ભૂગોળ અને સગવડોથી પરિચિત થવામાં, સ્વીમીંગ અને બીચ પર સમુદ્ર સ્નાન લઈને બીચ પર પથરાયેલાં અમેરિકન સૌન્દર્યને નિહાળવામાં જ કાઢતા હોઈએ છે. પશ્ચિમી જગતમાં શરમ અને સંકુચિતતા બહુ ઓછી હોય છે એટલે બીચ પર નવ્વાણું ટકા લોકો બીચ કોસ્ચ્યુમમાં જ હોય છે. લોકો પણ એકબીજાએ શું પહેર્યું છે કે શું કરે છે એ બાબતે ધ્યાન ન આપતાં નિજાનંદમાં જ મસ્ત રહેતાં હોય છે. બીચ પર વોક દરમ્યાન ઘણી વાર મારી પત્ની અમુક બિન્દાસ્ત યુવતીઓ ટોપલેસ અવસ્થામાં સૂર્ય સ્નાન દ્વારા પોતાની ચામડીને ડાર્ક કરવાની મજા માણતી હોય એમના તરફ મારું ધ્યાન દોરતી હોય છે. અમે બીચ પર જઈએ ત્યારે મારી પત્નીનો મારા માટે નિયમ એ રહે છે કે જે જોવું હોય તે બિન્ધાસ્ત જોવું પણ પંદર સેકંડથી વધારે તાકી નહિ રહેવાનું.

કાચ જેવું નિર્મળ પાણી આછા આસમાની કલરનું પાણી અને સફેદ રેતી ધરાવતાં પચ્ચીસથી પણ વધારે બીચમાં ઈગલ બીચ, પાલ્મ બીચ, દ્રુઇફ બીચ, સર્ફ સાઈડ બીચ, બોકા બીચ, બ્લેક સ્ટોન બીચ, માલ્મોક અને સેન્ટો લાર્ગો બીચ ઘણાં મશહુર છે. મોટે ભાગે બધાં બીચ પર સ્નોર્ક્લીંગ, સ્કુબા ડાઈવીંગ, કાયાકિંગ, સેઇલીંગ, વોટર જેટ સ્કી, મોટર બોટ, બીચ વોલીબોલ, વિગેરે સર્વિસીસ અવેઈલેબલ હોય જ છે. મને આ બધામાં પેરસેઈલીન્ગ, જેટ સ્કી અને સ્નોર્કલીંગ વધુ પસંદ છે. સ્નોર્કલીંગમાં સેફટી જેકેટ બાંધીને નાક અને આંખ પર સ્નોર્ક્લીંગ ગીયર પહેરીને પાણીમાં આડાં પડ્યાં પડ્યાં રંગબેરંગી માછલીઓ અને દરિયાઈ જળચળો નિહાળવાંની મજામાં કલાકો ક્યાં નીકળી જાય એનું ભાન જ નથી રહેતું. અરૂબા પેરાસેઈલીંગ માટે ખુબ જ અગત્યનું છે કેમ કે ત્યાં વરસ દરમ્યાન ભાગ્યે જ વરસાદ પડે છે અને સતત પવન વહેતો જ રહે છે. એટલે પેરાસેઈલીંગ માટે બોટની પાછળ બાંધીને ઉડાડવાની જરૂર નથી પડતી. બલુન સાથે બાંધીને પતંગ ઉડાવતાં હોય તેમ બહુ જ આસાનીથી પેરાસેઈલીંગની મજા માની શકાય છે. ફર્ક એટલો જ કે તમે પતંગની જેમ આકાશમાં 400 ફીટથી વધુ ઉંચાઈએ ચગો છો અને તમારી દોર નીચેવાળાના હાથમાં હોય છે. જેટ સ્કી ચલાવતી વખતે મને ઇન્ડિયામાં મોટરબાઈક ચલાવતાં હોય તેની યાદ આવી જાય છે કેમ કે વિશાળ દરિયામાં કોઈ જ ટ્રાફિક ના હોવાથી જેટ સ્કી ગમે તેમ અને ખુબ જ સ્પીડમાં ચલાવી શકાય છે. એ ઉપરાંત સબમરીન રાઈડનું પણ ઘણું જ મજાનું એટ્રેકશન છે. મેં અરૂબામાં દરિયાની ઉપર 400 ફીટ પેરાસેઈલીંગની , દરિયાની અંદર 200 ફીટ સબમરીનની અને દરિયાની સપાટી પર જેટ સ્કીની આમ ત્રણે ય સાઈડની મજા એક જ દિવસે માણી હતી.

અઢળક પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં અરૂબા ટાપુ પર પોઈન્ટ ઓફ એટ્રેકશન એટલે કે જોવા લાયક સ્થળો ઘણાં બધા છે. કેલીફોર્નીયા લાઈટ હાઉસ (દીવા દાંડી), એલ્ટો વિસ્ટા ચેપલ અઢીસો વરસ પહેલાં ડચ આર્મી દ્વારા બંધાયેલ ફોર્ટ ઝાઉટમેન, નેશનલ આર્કીઓલોજીકલ મ્યુઝીયમ, ત્રિનિદાદ સ્ટેડીયમ અને હ્યુંઈલબર્ગ માઉન્ટેન વોટર પાર્ક જોવાલાયક છે. અરૂબા મેઈનલેન્ડથી મોટરબોટથી જતાં ફક્ત પાંચ મિનીટના અંતરે પાલ્મ આઈલેન્ડ આવેલો છે. જ્યાં નેધરલેંડ કિન્ગડમ હવે એટ્રેક્શનમાં તબદીલ થઇ ગયું છે. જ્યાં સુંદર પ્રાઇવેટ બીચ અને વોટર પાર્ક આવેલા છે. અરૂબાની કરન્સી અરુબન ફ્લોરીન છે. છતાં પણ અમેરિકન ડોલરમાં છૂટથી ખરીદી કરી શકાય છે. મૂળ ડચ માલિકીનો ટાપુ હોવાથી મેઈન લેન્ગવેજમાં ડચ, અંગ્રેજી અને લોકલ પેપિઆમેન્તો ભાષા બોલાય છે. સતત વહેતાં પવનને કારણે વાતાવરણ હંમેશા ખુશનુમાં રહે જ છે પણ સતત વહેતા પવનને કારણે અરૂબામાં ઉગતાં દીવી વૃક્ષો ઉપરની ટોચમાં દક્ષીણી પશ્ચિમ માં વળી ગયા છે. જે અરૂબાની એક અજાયબી લાગે છે. હું કોઈ પણ ટ્રીપ પર જાઉં અને ઘોડેસવારી ના કરું એવું તો ભાગ્યે જ બને. સાત દિવસમાં લગભગ બે કે ત્રણ વાર હું અને મારી પત્ની બે થી ત્રણ કલાક પર્વતો પર, ઝાડી ઝાંખરાવાળી પથરાળ કેડીઓ પર કે દરિયાકાંઠે નિર્જન સ્થળોએ ઘોડેસવારી કરતાં જ રહીએ છે. દરરોજ સવારે વહેલા ઉઠીને સૂર્યોદય થતા પહેલા સ્વચ્છ બીચ પર બે ત્રણ કિલોમીટર ચાલવાનો અને કોકોનટ વોટરની મજા માણતાં દરિયા પર થતાં સૂર્યોદય અને સુર્યાસ્તની મજા લેવાનો નિત્યકર્મ આમે ભાગ્યે જ ચૂકતાં. આ દરેક ક્રિયાઓ દરમ્યાન હું મારા ફોટોગ્રાફીના શોખને ખુબ જ સમય આપી પૂરો કરું છું. સાત દિવસનું આ વેકેશન ખરેખર સ્વર્ગનું સુખ આપે તેવું આહ્લાદક લાગ્યું હતું.

પાછા ફરવાના દિવસે સાત દિવસ કરેલી મજાને તે આઈલેન્ડ પર જ મૂકી અમેરિકા પાછા ફરવાં એરપોર્ટ તરફ પ્રયાણ કર્યું. અમેરિકી સહેલાણીઓ માટે આ એરપોર્ટ પર અમેરિકી ઈમિગ્રેશન અને કસ્ટમની અલગ વ્યવસ્થા કરેલી છે એટલે પાછાં ફરતાં આ બધી વિધિઓ ત્યાં જ નિપટી લેવાની હોઈ અમેરિકામાં ઉતરતી વખતે ડોમેસ્ટિક ફ્લાઈટ ટ્રાવેલર્સની જેમ જ બેગ લઈને બહાર નીકળી જવાનું રહે છે. મારા વેકેશનના આ વર્ણનને વાંચીને જો અરુબાની મુલાકાત લેવાનું મન થઇ ગયું હોય તો મિત્રો પાસપોર્ટ અને વિઝા મેળવી લઈ નીકળી પડો અરુબાની મુલાકાતે. પણ હવાઈ ટીકીટ ખરીદવાનું ભૂલી ના જતાં !!!

-- અજય પંચાલ

પુસ્તક એક મિત્ર :

પુસ્તક: અડધી રાત્રે આઝાદી
લેખક: ડોમનિક લેપીઅર, લેરી કોલીન્સ
પ્રથમ આવૃત્તિ: ૧૯૭૫
ગુજરાતી અનુવાદ: અશ્વિની ભટ્ટ
ગુજરાતી અનુવાદ પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ

.

આઝાદી મળ્યાના ૨૫ વર્ષ બાદ લેખક બેલડી દ્વારા લખાયેલા આ પુસ્તક માટે તેમણે ઢગલા બંધ મુલાકાતો અને અનેક દેશોની રઝળપાટ કરવી પડી હતી. હજારો દસ્તાવેજો તપાસ્યા હતા. જેમાં લુઈ માઉન્ટબેટન સાથેની મુલાકાતનું ટેપ રેકોર્ડીંગ જ ૩૦ કલાકનું હતું. અંગ્રેજોના તત્કાલીન ભારતમાં રહેલા અંગ્રેજ લશ્કરી અને સનદી અધિકારીઓ, ભારતીય નેતાઓ, તે સમયના સરકારી કર્મચારીઓ, વાઇસરોય ગૃહના નોકરો અને ગાંધીજીના હત્યારાઓ જેવી ઘણી બધી વ્યક્તિઓનો આ મુલાકાતોમાં સમાવેશ થાય છે

ભારતની ભવ્યતા, મહાલયો, મુલ્યવાન રત્નો, શિકાર તેમજ સ્ત્રી સમાગમના શોખીન રાજા-મહારાજાઓની ઘેલછા વિષે માહિતી આ પુસ્તકમાં આપેલી છે. (નવાબો અને રાજા ઓ વચ્ચે એક વર્ષમાં સૌથી વધુ કુમળી છોકરીઓના કૌમાર્ય ભંગ કરવાની લાગતી શરતો, બહુપત્નીઓને લીધે જાતીય શક્તિ વધારવાની ચાલતી વેધશાળાઓ, વાઘના શિકાર માટે બકરાની જગ્યાએ પોતાની રિયાસતના ગરીબ નાના બાળકોને બાંધતો રાજા. આવી ઘણી વિગતો આપેલ છે. માઉન્ટબેટને આઝાદી આપવા માટે ભારતના જ નેતાઓ તરફથી ઉભી કરાતી મુંઝવણો, મુસ્લિમ હોવા છતાં દારૂ પિતા, ડુક્કરનું માંસ ખાતા અને કદી મસ્જીદમાં ના જનારા મુસ્લિમ લીગના નેતા મહોમ્મદ અલી ઝીણા(જેમને તે સમયે ભયંકર ટી.બી. હતો અને તે થોડા જ મહિનાઓના મહેમાન હતા પણ આ વાત ફક્ત તેમની હમેશા સાથે રહેનારી બહેન અને તેમનો ડોક્ટર જ જાણતા હતા. મુલાકાતમાં માઉન્ટ બેટને કહ્યું હતું કે તેમને જો આ વાતની જાણ હોત તો તેઓ આઝાદીનો સમય થોડો પાછો ઠેલીને ભાગલા થતા રોકી શક્યા હોત), ભારત કે પાકિસ્તાનમાં ન જોડાવા માંગતા અને પોતે સ્વતંત્ર રહેવાં માંગતા રજવાડાઓ વિષેની માહિતી આપેલી છે. અત્યાર સુધી નાસૂરની જેમ ખટકતો કાશ્મીરનો મુદ્દો, કયા સંજોગોમાં કાશ્મીર ભારત સાથે જોડાયું એ તમામ વિગતો આ પુસ્તકમાં લખવામાં આવેલી છે. ભારતના ભાગલા પડ્યા ત્યારે ફક્ત જમીનોના જ ભાગલા નહોતા પડ્યા પરંતુ દરેક સરકારી અસ્કયામતોના ભાગલા પડ્યા હતા. જેમ કે ખુરશી, ટેબલ, ટાઇપ રાઈટર, સાઈકલો, કબાટો, લાકડીઓ, પાઘડીઓ, રાઈફલો, પાવડા, તગારા, કોદાળી, પોલીસ વાજીંત્રોના પણ ભાગલા પડ્યા હતા, એક વાંસળી ભારતને તો કાંશીજોડા પાકિસ્તાનને મળ્યા, એક ભૂંગળ ભારત ને તો વાજુ પાકિસ્તાનની મિલકત બન્યું હતું. મુસ્લિમ અને હિંદુ સૈનિકોની વિધવાઓને પેન્શન કોણ આપશે એની ચર્ચાઓમાં પણ દિવસો નીકળ્યા. ઘણા લોકોમાં તો સોદાબાજી પણ થઇ, એક શાહીના ખાડિયાને બદલે એક પેન સ્ટેન્ડ, છત્રી ભરવાના સ્ટેન્ડને બદલે હેટ ભરાવવાનું સ્ટેન્ડ, “તે ખરેખર એક જટિલ છુટા છેડા હતા” તે વખતે પંજાબમાં રહેલા એક અંગ્રેજ અફસરે યાદ કરતા આ જણાવ્યું હતું.

આઝાદીની ખુશીની સાથે બંને પક્ષની નિર્દોષ પ્રજાએ સહન કરેલી બર્બરતા, સ્ત્રીઓએ સહન કરેલા બળાત્કારો, બાળકો અને વૃદ્ધોએ સહન કરેલી ક્રુરતા પણ આ પુસ્તકમાં રજુ કરેલી છે. બંને દેશોમાંથી આવતી લાશોના ઢગલા ભરેલી ટ્રેનોનો ચિતાર આ પુસ્તકમાં આપવામાં આવેલો છે. ૧૫ ઓગસ્ટ પછી ભારતમાં જે ખુન-મરકી થઇ તેનાથી જ તત્કાલીન વડાપ્રધાન અને ગૃહમંત્રી, અનુક્રમે નહેરુ અને સરદાર પટેલે ૪૮ જ કલાકમાં અંગ્રેજ સરકારને સમગ્ર મામલો પોતાને હસ્તક લેવા આજીજી કરી હતી અને માઉન્ટબેટનને સીમલાથી દિલ્હી દોડી આવી મામલો પોતાના હાથમાં લીધો હતો.
જયારે પંજાબમાં સંખ્યાબંધ આર્મી જે શાંતિ નહોતી લાવી શકી તે કલકતા જ્યાં સૌથી વધુ હુલ્લડો અને કત્લે-આમ થવાની સંભાવના હતી ત્યાં ગાંધીજી એકલા હાથે લાવી શક્યા હતા. આથી જ માઉન્ટબેટન ગાંધીજીથી ખુબ જ પ્રભાવિત હતા.
ભારતમાં રહેલા મુસલમાનોની સલામતી અને ભાગલા વખતે પાકિસ્તાનને આપવાના ભારતે કબુલેલા પૈસા તેમને અપાવવાની જીદ સાથે ગાંધીજી છેલ્લી વખત આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા હતા(જેમાં બીજી પણ શરતો ગાંધીજીએ મૂકી હતી). બસ, આજ ઘટના એ તેમની હત્યા માટે પહેલેથી તેમની વિરુધમાં રહેલ સાવરકર અને તેમની ટુકડીને ઉશ્કેર્યા હતા. ગાંધીજીની હત્યામાં સામેલ લોકો, હત્યા માટે કરેલું કાવતરું, તેમાં પહેલી વખત મળેલી નિષ્ફળતા, અને ત્યારબાદ કેવી રીતે નથુરામ ગોડસે તેમની હત્યા માટે તૈયાર થયો તે દરેક બાબત ખુબ જ ઝીણવટ પૂર્વક રજુ કરેલી છે.
માઉન્ટબેટનની વાઇસરોય તરીકેની પસંદગીથી ગાંધીજીની હત્યા સુધીનું આલેખન આ પુસ્તક માં આપેલ છે. એક ભારતીય તરીકે આ પુસ્તક વાંચતી વખતે જો આંખોમાં ઝળઝળિયાંના આવે અને અંતરમાં ઘૂઘવાટ ન થાય તો જ નવાઈ. અશ્વિની ભટ્ટે લખ્યું છે કે જયારે આ પુસ્તક તેમણે વાંચ્યું ત્યાર બાદ તેમણે પાંજરામાં પુરાયેલા જાનવરની જેમ રઘવાયા થઇ ઓરડામાં આંટા માર્યા હતા. જે આઝાદી જોઈને અત્યારે આપણે હરખ-પદુડા થઇ એ છે તે મેળવવા માટે અંગ્રેજો કરતા પણ પોતાના જ લોકોથી કેટલી બધી ક્રુરતા અને ત્રાસ નિર્દોષ જનતા એ વેઠ્યો છે તેનું નિરૂપણ આ પુસ્તકમાં છે. ધર્મના નામે જુવાનોને ભોળવવા અને હત્યા કરાવવી એ કઈ અત્યારની આધુનિક પ્રથા નથી એ પણ પુસ્તકમાં ખ્યાલ આવે છે. ગાંધીજીએ પોતે જ જોયેલું ભારતની આઝાદીનું સ્વપ્ન કે જેને માટે તેઓએ પોતાની પત્ની, પુત્રો પોતાની કારકિર્દી પણ છોડી દીધી હતી. જેને માટે તેઓ સત્યાગ્રહના અમોધ શસ્ત્રથી ભારતની તમામ ધર્મની પ્રજાને એક તાંતણે બાંધી હતી તે જ ગાંધીજી જયારે આઝાદી મળી ત્યારે તેમને અજંપો કેમ હતો? જયારે આખો દેશ આઝાદીનો ઉત્સવ ઉજવી રહ્યું હતું, ભારતની ભૂમિ એ સોળે શણગાર કર્યો હતો, લોકો દુર-દુરથી દિલ્હીમાં આ જશન ઉજવવા એકઠા થયા હતા, ત્યારે આ મહામાનવ કેમ એક રૂમમાં એકલો સુઈ રહ્યો હતો? તેમણે કઈ એવી આવનારી ગુલામી કરતા પણ ભયાનક પરિસ્થિતિ પામી લીધી હતી? તે આ પુસ્તકમાં બતાવેલ છે. રાષ્ટ્રપિતાની હત્યાના કાવતરા અને હત્યાની તપાસમાં પોલીસ તંત્ર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી પણ અત્યારની ગોકળ ગાય ન્યાયિક પ્રક્રિયા પુરોગામી જેવી ભાસે છે.
ઘણી બધી બાબતો થોડી અણગમતી લાગશે પણ સચ્ચાઈ જાણવા પણ આ પુસ્તક વાંચવું જ જોઈએ.
.
.
-- મનીષ ક્રિશ્ચિયનકાવ્ય-આસ્વાદ

કવિયત્રી લક્ષ્મી ડોબરિયાની કવિતાનો આસ્વાદ

ઘણા વખતથી લાગતું હતું કે હું ભલે લેખક કે કવિ કે એવું કશું નથી પણ એક ભાવક તરીકે કવિતા કેટલી સમજુ છું એ મારે લેખકને જણાવવું જોઈએ.

એટલે આજે એક નાનકડો પ્રયત્ન કરી રહી છું. આજકાલ ભાગ્યે જ કવિતા વાંચું છું, પણ લક્ષ્મીબેનની કવિતા વાંચવાનું ચૂકતી નથી. એટલે જ આમાં સમસ્યા એ નડી કે લક્ષ્મીબેનના કાવ્યોમાંથી હું કયું કાવ્ય પસંદ કરું? પણ મેં ઝાઝી ખાંખાખોળ ન કરી કારણ ઉત્તમમાંથી ઉત્તમ શું શોધવું …! એમની તો દરેક રચના અર્થસભર હોય છે.

અમદાવાદ આવ્યાને પાંચ કે છ દિવસ પછી લક્ષ્મીબેનને એક વાર રૂબરૂ મળી છું. ટોળા વચ્ચે એક હુંફ જેવી લાગણી અનુભવી છે. લાગણીઓ વાત કરે છે ત્યારે શબ્દો મૌનવ્રત પાળે છે. એ પછી બે વાર ફોનમાં વાત કરી હતી ..એકબીજાને સધિયારો મળી રહે એ ઉત્તમ વ્યવહાર ગણાય. મોટાભાગે એવું બન્યું છે કે એમની કોઈ રચના વાંચી મને એમ લાગ્યું હોય કે આ તો મારી જ વાત છે.

મારા મતે આ સર્જકની સિદ્ધિ ગણાય કે એ વાચકના મન સુધી પોતાની વાત પહોંચાડી શકે. એમના શબ્દો પરાણે મારી મચડીને ઉભા કરેલા ક્યારેય લાગતા નથી. બહુ સ્વાભાવિક અને સરળ ભાષામાં અભિવ્યક્તિ હોય છે.. જે એક સિદ્ધિ ગણાય.

દે સમય પડકાર, પણ બોલે નહીં ! ને, કરી લે વાર, પણ બોલે નહીં !
એક પરપોટાને બસ, જીવાડવા.. થાય જળ આધાર, પણ બોલે નહી !
મેઘ થઈ વરસી જવા, દરિયો લઈ લે, બાષ્પનો આકાર, પણ બોલે નહીં !
જીવતા પર્વત થયા જેનાથી એ- તૃણ છે કસદાર, પણ બોલે નહીં !
ઓસ ને ફૂલો, નિભાવી લે સહજ, આગવો વ્યવહાર, પણ બોલે નહીં !
સાવ સૂકી ડાળખી પણ આપે છે, માળાને ધબકાર, પણ બોલે નહીં !
આ ગઝલ, મારા બધા યે ભારને- ઝીલે છે સાભાર, પણ બોલે નહીં !

— લક્ષ્મી ડોબરિયા

મને અંગત રીતે લક્ષ્મીબેનની સૌમ્યતા બહુ સ્પર્શે છે. એમની રચનાઓમાં એક ખુમારી હોય છે, પડકાર ઝીલવાની ત્રેવડ પણ હોય છે પણ એ ખુમારી પણ સૌમ્ય છે, નમ્ર છે. ઈશ્વર સાથે ફરિયાદની ભાષામાં નહી પણ આપેલ શક્તિમાંથી રસ્તો કાઢી શકવાની ઈચ્છા વધુ વ્યક્ત થતી હોય છે. એ ઝનુનમાં પણ એક સમર્પણનો ભાવ ઉપસી આવે છે. આવી ફ્લેવર ભાગ્યે જ જોઈ છે .નમ્રતાભરી ખુમારી.

દે સમય પડકાર, પણ બોલે નહીં ! ને, કરી લે વાર, પણ બોલે નહીં !

આ કાવ્યની પહેલી બે પંક્તિમાં સમયની ચાલ અને છાનાછાના મરાતા માર વિષે વાત થઇ છે. કોનું જીવન આ અનુભવથી બાકાત હશે? એક દિવસ ટોચ ઉપર તો બીજે દિવસે તળીયે બેસાડી શકવાની હિંમત અને ક્ષમતા ફક્ત સમય પાસે જ છે. આપણે સમજીએ કે જાતને સંભાળીએ એ પહેલા ઝાપટ પડી ચૂકી હોય છે. આપણા કૌશલ્યો, આવડતો, મનોબળ બધાને એરણે ચડાવી આપણે સમયની ચાલ સામે ભીડાઈ જઈએ છીએ.

પણ ખરી વાત તો આ બીજી પંક્તિઓમાં કહેવાઈ છે. તકલીફો અને મુસીબતોમાંથી સાંગોપાંગ બહાર આવનાર વ્યક્તિને આપણે સ્વયંસિદ્ધ કે સ્વયંસિદ્ધા તરીકે ઓળખીએ છીએ. થોડા સમય પહેલા અમારા ઇવેન્ટ માટે એક શીર્ષકની ચર્ચા વખતે મારા મિત્ર RJ Gujarati રીઝવાન ધાંચી સાથે થયેલી વાત મનમાં સરસ રીતે બેસી ગઈ છે. સ્વયંસિદ્ધ કોઈ હોતું જ નથી. કોઈની તો મદદ આપણે લેવી જ પડતી હોય છે. લક્ષ્મી ડોબરિયા

એક પરપોટાને બસ, જીવાડવા.. થાય જળ આધાર, પણ બોલે નહી ! અહી પરપોટાની બે પળની જિંદગી માટે પાણીએ આપેલા આધારની વાત છે. સહકારની વાત છે. એ બે પળની જિંદગી પણ પાણીના આધારે જ જીવી ન કહેવાય? જો આપણે એકમેકના આધારે જ જીવતા હોઈએ તો આપણે શેના માટે અભિમાન કરી શકીએ? મેઘ થઈ વરસી જવા, દરિયો લઈ લે, બાષ્પનો આકાર, પણ બોલે નહીં ! જીવનના મંચ પર આપણા ભાગે આવતી ભૂમિકાઓ પરસ્પર સાવ વિરોધાભાસી હોય એવું પણ બને છે. માથે પડતી જવાબદારીઓમાં વ્યક્તિ પોતાની ઈચ્છાઓની ભાષા બદલી નાખી શકે છે. એ છોકરીમાંથી માતા બનેલી સ્ત્રી હોય કે છોકરામાંથી પિતા બનેલો પુરુષ હોય. વરસવા માટે એક ઊંચાઈ પર પહોચવું જરૂરી છે. એ ઊંચાઈ સમર્પણથી જ આવી શકે. આકાર બદલવાથી જ જીવન સાકાર થાય છે. દરિયામાંથી બાષ્પીભવન થઈ મેધ બની વરસી જતા વાદળ આપણી આજુબાજુ કેટલા બધા હોય છે...પણ ધ્યાન જતું નથી .

જીવતા પર્વત થયા જેનાથી એ- તૃણ છે કસદાર, પણ બોલે નહીં! એવું જ ઘાસનું છે. મનુષ્યની સંગતમાં રહી શકે એ ઘાસ પર્વતની શોભા માટે એ ઉંચાઈએ જઈ ચડે છે. બાકી પથ્થરોથી મઢેલા પર્વત કરતા લીલાછમ પર્વત વધુ સુંદર દેખાય છે. અરસપરસથી જીવાતું જીવન જ અતિ સુંદર ગણાય. જીવનની શોભા એટલે એકમેક માટે ચુપચાપ કરેલા સમાધાનો.

ઓસ ને ફૂલો, નિભાવી લે સહજ, આગવો વ્યવહાર, પણ બોલે નહીં! વાહ, પળ બેપળની જિંદગી લઈને આવેલા ઝાકળને ફૂલો કેવા આસાનીથી જીરવી જાય છે. ફૂલોનો ઓસને આધાર એટલે એક સમજણભર્યો સહારો . ચુપચાપ એ ઓસની બુંદોને સહી લેવું એ કેવી મોટી વાત છે. આવો વ્યવહાર આપણે શીખવાની જરૂર છે . સાવ સૂકી ડાળખી પણ આપે છે, માળાને ધબકાર, પણ બોલે નહીં! વ્રુક્ષ તો કલ્પતરુ છે. એક એક ભાગ ઉપયોગમાં આવે. આધાર આપી શકે છે. માનવજાતનો મૂંગો મિત્ર એટલે ઝાડ. લાકડું હોય, ફળ હોય, ફૂલ હોય કે લીલા સુકા પાંદડા કોઈને કોઈ ઉપયોગમાં આવી જ જાય છે, પણ તણખલું પણ એક માળાને જીવતા રાખવામાં મદદમાં આવે છે. કેવી અદ્દભુત વાત! એ તણખલાની હૂંફમાં નાના પક્ષીબાળો ઉછરે છે ત્યારે કેવી જીવંતતા વ્યાપી જાય છે.

આપણી જાણ બહાર ઘણા લોકો મૂંગા મોં એ આપણને મદદ કર્યા કરતા હોય છે. સમય જયારે પડકાર આપે છે ત્યારે આખી સૃષ્ટિના તત્વો એકમેકના પડખે ઉભા રહી જાય છે. આપણા માટે આ કેટલું મોટું આશ્વાસન છે ! આપણા સંપર્કમાં આવનાર કોઈને હીન સમજવાની ભૂલ કરવા જેવી નથી . આ ગઝલ, મારા બધા યે ભારને- ઝીલે છે સાભાર, પણ બોલે નહીં !

લક્ષ્મીબેન , તમે ખુબ ભાગ્યશાળી છો , આશીર્વાદિત છો કે તમને હૈયું ઉલેચવા શબ્દોનું વરદાન મળ્યું છે, આધાર અને સહારો મળ્યો છે. મને આશા અને ખાતરી છે કે મેં કરેલા અર્થઘટનો તમને ગમશે . અન્ય કોઈની રચના સાથે પ્રથમ પ્રયત્ન કરવાની છૂટ લેવાનો વિચાર આવ્યો જ નહી. કશું બોલ્યા વગર મદદમાં આવનાર સહારાને ઓળખતા શીખીએ. આભાર માનતા શીખીએ .મૂંગી સહાયની સ્વીકૃતિ તો બોલકી જ સારી લાગે. ખુલ્લા દિલે વખાણતા, આભારી બનતા શીખવાનું છે.

-- નીવારાજ

હોળી

“એન્ની માનું કોરૂં નહી જાય કોઇ બાકી,
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી.

વિસરાતા જતા કેસૂડાને ઓળખીએ, અને
હોળી નિમિત્તે થતું વૃક્ષોનું નિકંદન રોકીએ”

ફાગુનું ફટાણું” - શિર્ષકવાળા ગીતમાં કવિ રમેશ પારેખે રંગોત્સંવની વાત કરતા કામણગારા કેસૂડાને યાદ કર્યો છે. બજારમાં જાત જાતની ને ભાત ભાતની ચાઇનીઝ બનાવટની પીચકારીઓ વેચાઇ રહી છે ત્યાેરે ખાખરાની ડાળીની પીચકારીવાળી કલ્પીના કેટલી રોચક લાગે છે.

ઋતુરાજ વસંતના આગમન સાથે જ સોળે શણગાર સજીને નવોઢાની જેમ નવ પલ્લવિત થઇ ઉઠેલી વનશ્રી, પૂરબહારમાં ખીલેલા ફુલો, આંબાડાળે ફુટેલી મંજરીઓ, એમાંથી કયાંક સંભળાતો કોકિલ સ્વર અને મદમસ્તા વાસંતી વાયરાના કુદરતી સૌંદર્યને વધાવવાનો ઉત્સવ એટલે હોળીનો રંગોત્સવ. પણ આપણી આજની પેઢીના બાળકો કે યુવાનો માટે આ બધુ હોલી ડોટ કોમમાંજ સમાઇ ગયું છે ત્યાારે એક જમાનામાં રંગોત્સસવની ઉજવણીના અનિવાર્ય અંગ ગણાતા કેસૂડાની થોડી રંગબેરંગી વાતો ઉપર એક નજર નાખીએ.

વસંત ટાણે જંગલમાં દેખાતા કેસૂડાને અંગ્રેજીમાં ફલેમ ઓફ ધી ફોરેસ્ટ‍ કહે છે. કેસૂડાના ફુલોથી છલોછલ ભરાયેલા વૃક્ષોનો સમૂહ જંગલમાં જાણે લાવારસ ફેલાયો હોય તેવો આભાસ ઉભો કરે છે. સંસ્કૃકતમાં કેસૂડાને પલાશ કહે છે.

નર્મદા જિલ્લાના સાગબારા, દેડીયાપાડા અને નાંદોર તાલુકાના જંગલોમાં પાવાગઢના, જંગલોમાં અને ગીરજંગલો તથા ગિરનારમાં કેસૂડાના વૃક્ષો જોવા મળે છે. કેસૂડાનું આ વૃક્ષ ખાખરો કે ખાખેડો તરીકે ઓળખાય છે. કેસૂડાનું વૈજ્ઞાનિક નામ બ્યુાટિયા મોનો સ્પોર્મા છે.

પોપટની ચાંચ જેવો વળાંક, રેશમ જેવી મુલાયમતા અને લાલ તથા કેસરી રંગોનું અદભૂત સાયુજય ધરાવતા આ કેસૂડાનો ઔષધીય ઉપયોગ પણ થાય છે. પેરીસના એક લેખક ગુઇ બોર્ટે ઔષધિ વિષયક એક પુસ્ત કમાં લખ્યું છે કે એક જમાનામાં કેસૂડાની એક ડાળખી એક પૌંડમાં વેચાતી.

કેસૂડાના ફુલની ત્રણ પાંદડીઓ હોવાથી તેમા બ્રહમા, વિષ્ણુ અને મહેશનો વાસ હોવાનું મનાય છે અને તેનો પૂજામાં ઉપયોગ પણ થાય છે.

અદભૂત સૌંદર્ય ધરાવતા કેસૂડાના ફુલને સુવાસ નથી હોતી એ તેની એકમાત્ર નબળાઇ છે. કદાચ એટલે જ તેનું પુરતા પ્રમાણમાં સંવર્ધન નથી થયું.

આ ફુલમાંથી કાચો પીળો રંગ મેળવાય છે અને રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો પાકો નારંગી રંગ મળે છે. આ ઉપરાંત બીડી વાળવામાં, પશુ આહાર તરીકે, કાગળ અને દોરી બનાવવામાં પણ તે ઉપયોગી છે.

એક જમાનામાં હોળીની ઉજવણી કેસૂડા વગર કલ્પી પણ શકાતી નહોતી, વૈષ્ણંવોની હવેલીમાં પણ હોળી પ્રસંગે કેસૂડાનાંજ રંગછાંટણા થતા પણ વહેતા સમયની સાથે અને યંત્ર યુગમાં આડેધડ કપાતા વૃક્ષોની સાથે સાથે આ પલાશ વૃક્ષ- ખાખરડો પણ નામશેષ થઇ રહયો છે.

ખાખરાનાં વૃક્ષ પરથી યાદ આવ્યું, ફેબ્રુઆરીનો અંત અને માર્ચનો પ્રારંભ એટલે વસંતોત્સંવ હોળીની ઉજવણીનો પ્રસંગ. ફાગણ સુદપૂનમ સંધ્યાટાણે પ્રગટાવાતી હોળી ધાર્મિક આસ્થાનનું પ્રતિક છે. હોલીકાની કથા આપણને અનિષ્ટથના નાશ અને સત્યેના વિજયની યાદ અપાવે છે, તો વૈજ્ઞાનિક રીતે ઋતુ પરિવર્તનથી થતા રોગોથી બચવામાં આ હોળીનો તાપ આપણી સહાયતા કરે છે.

પ્રગટેલી હોળીની પ્રદક્ષિણા કરવાથી આ ઋતુમાં સામાન્યા રીતે જોવા મળતા કફના રોગોમાંથી મુકિત મળે છે એવી પણ માન્યેતા છે અને એથી જ ગલીએ ગલીએ અને દરેક સોસાયટીએ હોળીનું પ્રાગટય કરાય છે.અને તેના બીજે દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે. તે દિવસે લોકો એકબીજા પર ગુલાલ છાંટીને રંગોત્સવ મનાવેછે.

પરંતુ પર્યાવરણ પ્રેમીઓ માટે હોળીએ ખૂબજ નિરાશાનો દિવસ છે. દેશના મોટાભાગના પ્રાંતોમાં હોળી પ્રગટાવીને આ તહેવાર ઉજવાય છે અને તેથી જ હોળી આવે એટલે પર્યાવરણ પ્રેમીઓના પેટમાં ફાળ પડે છે. એનું કારણ માત્ર એટલું જ કે, એ એકજ રાત્રે દેશભરમાં લાખો ટન લાકડાનો ધુમાડો થાય છે.

એક તો પહેલેથીજ આપણે ત્યાં જરુર કરતા વન વિસ્તારનું પ્રમાણ ઓછું છે, એમાં ગેરકાયદે કપાતા વૃક્ષો અને બાકી હોય તેમ હોળીની ઉજવણી માટે સંખ્યા‍બંધ જીવતા વૃક્ષોનું નિકંદન એ પર્યાવરણ પ્રેમીઓની વાજબી ચિંતાનું કારણ છે.

આપણે જાણીએ છીએ કે વૃક્ષો છે તો જીવન છે, વધતી જતી વસ્તી ને પ્રદૂષણથી બચાવવા માટે પ્રાણવાયુનાં કારખાના જેવા વૃક્ષો સચવાશે નહીં તો ગ્લોબલ વોર્મીંગ, ગ્રીન હાઉસ ઇફેકટ કે અલનીનો જેવી પર્યાવરણીય અસમતુલાઓ માત્ર માનવજાત જ નહીં સમગ્ર જીવસૃષ્ટિોનું અસ્તિંત્વ જ અશકય બનાવી દેશે ત્યારે વૃક્ષો કાપીને આપણા પગ પરજ કુહાડો શીદને મારીએ છીએ?

અલબત્ત, ગામડાઓમાં હોળી છાણાંના ઉપયોગથી ઉજવાય છે પણ શહેરોમાં પ્રાણીઓની સંખ્યા ઓછી હોવાથી છાણ અને તેમાંથી બનતા છાણા મળી શકતા નથી એટલે વૃક્ષોનો ખુરદો બોલે છે. હોળી પ્રગટાવવા સામે કોઇ વિરોધ ન હોઇ શકે પણ આપણે પેલા ગ્રામીણજનોનું અનુકરણ કરીને છાણાની હોળી પ્રગટાવીએ કે પછી ચાર-પાંચ મહોલ્લાઓ સાથે મળીને એક હોળી પ્રગટાવે તો પણ ઘણાં વૃક્ષો બચી શકે.

ચાલો, આ વર્ષે એટલું નકકી કરીએ કે રંગે રમશું, હોળી પ્રગટાવશું પણ જીવતા વૃક્ષો કાપીને તો નહીં જ..!

-- આશિષ ખારોડ

વો જો અધુરી સી બાત બાકી હે
.

સનનન...ધડ્ડાક...ફટટાક...!

“ઓહ નો, મર્યા..આવી બન્યું...! ઉભી પૂછડીયે ભાગવું પડશે. જોશીકાકાની બારીનો કાચ તુટ્યો. મેં ના પાડેલી ને કે ધ્યાન રાખજે. બહુ મોટી સિક્સ મારવાની સગલી થતી હતી. લે હવે લેતો જા.”

આટલું કહેતાં તો રાજલો, પપ્પુ-પાપડ, સોનું-સર્કીટ બધા જ વીખરાવા લાગ્યાં. મોન્ટી-જાડિયો આમ પણ સિક્સ મારવાના નશામાંથી હજી બહાર નીકળે ત્યાં તો કાચની બારી તોડીને બોલ જોશીકાકાના ચરણકમળમાં જઈને પડ્યો હતો. મોન્ટી ઘડીક મૂંઝાયો, હિંમત ભેગી કરીને બોલ લેવા જવું કે પચાસ રૂપિયાના બોલ સામે "કડવાબોલ" સાંભળી લેવા એની વિમાસણ હતી. એકસાથે બે દાદરા ઠેકતા-ઉતરતા જોશીકાકા બોલ લઈને ગ્રાઉન્ડમાં હાજર થાય છે. મોન્ટી થોથવાતી જીભે, ‘સ્સો..સોર્ર’ કહે છે. ત્રીજે ઘરે વંડીની પાછળ સંતાઈને ટોળકી તમાશો જોતી હતી. કાકા એકાદ બે કાઠીયાવાડી અસ્સલની ગાળ બોલશે? કે સાથે ફ્રીમાં થપ્પડ પણ ઠોકશે? કે મોન્ટીનાં બાપા પાસે કાચના હજાર રૂપિયા માંગશે? જેવા અનુમાન માટે સટ્ટો રમવાનો હોય એવી તાલાવેલી હતી.

બધી જ અટકળ ખોટી પાડીને જોશીકાકા મોટેથી બુમ પાડીને પોતાની પોઝીશન લે છે..."અલ્યા મોન્ટી, લે હવે મારી એક ઓવરમાં એક પણ રન ખેંચી બતાવ તો ખરો કહું, તું તેન્ડુલકરના વ્હેમમાં છે, તો હું ય અમારી ટીમનો "કપિલદેવ" ગણાતો.”
કપિલદેવ ઉર્ફે જોશીકાકાની ફાસ્ટ બોલિંગ અને મિજાજ જોઇને વંડીની આડશે બેઠેલી ટીમ પોતપોતાની ઘરની બારીમાં લપાઈને બેઠેલા નાનામોટાં સૌ કોઈ દરવાજા ખોલીને બહાર આવી ગયાં. ખરી રસાકસી તો હવે જામી. જોશીકાકાની ટીમમાં મોટેરાઓ ઉમેરાતા ગયા, ને મોન્ટીની ટીમમાં બાળકો. ‘જોશીલા ટીમ’ને બાળપણ મળ્યાનો હરખ હતો, અને ‘મોન્ટીલા ટીમ’ ને પોતે ‘મોટા’ થયાનું ગૌરવ હતું. નિખાલસતા અને પાકટતા અહી પણ અકબંધ હતાં, માત્ર ઘર બદલ્યા હતાં. દરેક બોલે સંભળાતી ચીચીયારીમાં વર્ષોથી ધરબી રાખેલી ઈચ્છાઓનો અવાજ હતો. રોજ બારીમાંથી ખુલ્લી આખે જોવાતા સપના કંઇક અંશે પુરા થયાની ચમક હતી. મજબૂરી કે દાદાગીરીથી ઘર કરી ગયેલા ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, થાયરોઈડનું તો જાણે અસ્તિત્વ જોખમમાં મુકાઇ ગયું હતું. વીતેલા સમયને અભિમાન છોડીને ફરી પાછા આવવું પડ્યું, આવનાર સમયને નવી દિશા મળી.એ સમયને શું કહીશું?
મન ભરીને જીવી લેવાતો સમય, અજંપા અને વસવસા વગરનો સમય અલ્પવિરામ પર અટકી ગયેલા જીવનને પૂર્ણતા તરફ લઇ જતી કડી એટલે આ સમય.

જોશીકાકા જો લાલઘુમ થઈને અપશબ્દનો વરસાદ કરતાં બાળકો પર તૂટી પડ્યા હોત તો? મોન્ટીનો કાન ખેંચી એના પપ્પા-મમ્મી પાસે લઇ ગયા હોત તો? ફરી આ વિસ્તારમાં નહિ રમવાની ધમકી આપી હોત તો? તો મોન્ટીલા ટીમનું કઈ આઘું પાછું ના થાત, બહુબહુ તો બાઉન્ડ્રીની સંખ્યા ઓછી થાત. અઠવાડિયા માટે રમવાની જગ્યા બદલાત. બે દિવસ બાપાની લઢ ખાવી પડત, પણ બાળપણ યથાવત રહેત..એમની રમત યથાવત રહેત..એમનો સમય રોજની જેમ સચવાઈ જાત. જોશીકાકા અને બીજા મોટેરાને શું થયું હોત? ગુસ્સાને કારણે થોડું બીપી વધ્યું હોત; નવી પેઢી પર ફિટકાર વરસાવતાં શબ્દો બોલાત; ત્રીસવર્ષ પહેલા એમના જમાનામાં કેવી અને કઈ રમતો હતી એની ચર્ચા થાત; કાચના તુટવા સાથે અમંગળ ઘટનાને મારી મચડીને સાથે જોડવામાં આવત; ભૂતકાળને ખોતરી શકાત,પણ જીવી ના શકાત.
આપણી ઉંમર વધે છે, ચોકલેટની નથી વધતી. એની મીઠાશ અને એ સાથે જોડાયેલ બાળપણને યથાવત રાખી શકે છે. પોતાના દીકરા-દીકરી કે પુત્ર-પુત્રી માટે હોંશે હોંશે ચોકલેટ લેતા મહીને એકાદ વાર પોતાની માટે લઈને એજ રીતે હથેળીના છેડા સુધી નીતરતી ચોકલેટ ખાઈ લેવાની. ચહેરા પર કરચલી દેખાય એ ભેગા ક્રીમના થપેડા શરુ થાય છે. માથે ધોળા આવે ત્યારથી એ રંગબેરંગી નુસખા શરુ કરીએ છે, તો સ્વભાવમાં કેમ નહિ? સ્વભાવમાં કરચલી દેખાવા લાગશે, ત્યારે પહેલીવાર અરીસો દુશ્મન જેવો લાગશે. કોઈ એક સાંજે સંતાકુકડી રમતા ઝાડની પાછળ સંતાઈ ગયા હોય, અને કોઈ શોધવા જ ના આવે તો શું થાય એ ખબર છે? પકડાઈ જવાનો રોમાંચ ના રહે, અને દાવ લેવાની તક ના મળે. બસ..જીવનભર પોતે સલામત છે, પોતે હોશિયાર છે, એમ માનીને ઝાડની પાછળ સંતાયેલી હાલતમાં જીવન પસાર થઇ જાય. આપણી નજર સામે દાવ લેનાર અને આપનાર બદલાતા જાય, અને આપણે કેટલીક રમત ચુકી જઈએ છીએ. ઘડિયાળનો કાંટો ફરતો રહેશે, સતત. પાછું વળી જોઈને નિ:સાસા નાખવા કરતાં, આજે આજ ક્ષણે ‘જેવું ગમે છે એવું જ’ જીવી લેવાનું.

બાળપણ વેચાતું મળે છે? ના જ મળે ને..પણ દસ રૂપિયાની ગોરસ આંબલી ખરીદીને એના બીયા મોઢામાંથી શક્ય એટલે દુર ફેકતી વખતે કોઈ સુક્કીના નદીના પટ પર પથરાયેલી ગોરસ આંબલી તોડતા વાગેલો કાંટો યાદ આવી જાય તો બહુ થઇ ગયું. નોનસ્ટીક વાસણમાં રસોઈ કરતી વેળા, નાનકડા ગેસ પર તપેલીમાં મમ્મીએ આપેલા મમરામાં પારલે-જી બિસ્કીટનો ભુક્કો કરી શાક વઘાર્યાનું યાદ આવે, તો મોજ પડી જાય છે ને? દરેક છોકરીના જીવનમાં પહેલા લગ્ન એની ઢીંગલીના થાય, પછી પોતાના, અને પછી એના પોતાના દીકરા -દીકરીના, એકમાત્ર ઢીંગલીના લગ્નમાં જ મોંઘવારી નથી નડતી; રીવાજ નથી નડતા; વેવાઈને સાચવવાનો બોજ નથી હોતો. એ નિર્દોષ પ્રસંગ ભલે ફરી ના મળે, પણ એ બહેનપણીઓ ક્યાં હશે? જેને એકવાર મેચિંગની ગુલાબી પીન આપી હશે, એમને તો શોધવાનો પ્રયત્ન કરીએ. બની શકે કે એવું જ ખડખડાટ હસવું ફરી આવી શકે. કાકા ને મામા ભલે બની ગયા હોઈએ, પણ શેરીમાં એના ચોકઠાં દોરીને ‘કાકા-મામા’ રમત રમવાની પણ મજા જ આવે. દરેકને પોતાનો સંસાર સર-આંખો પર, પણ આ કંસાર જેવા દિવસોને શી રીતે ભૂલી શકાય?

યુવાનીમાં બાળપણ ગયાનો વસવસો અને ઘડપણમાં યુવાની ગયાનો વસવસો થશે, પણ જો દરેક પળ ને પોતાની ઈચ્છા મુજબ જીવી જઈએ તો એ અસંતોષ અને અજંપાની તીવ્રતા ચોક્કસ ઘટાડી શકાય.

"અમારા જમાનામાં તો આમ અને તેમ..” -બોલી બોલી અને અન્યને, સમયને, કે જાતને કોસવા કરતાં જમાના સાથે જીવી જવું બહેતર છે. વર્ષો પહેલાં પડોશમાં રહેતા ભાઈબંધે અંચાઈ કરીને બે વાર બેટિંગ લીધી હોય તો હવે એને શોધીને પોતાનો દાવ એકવાર લઇ લેવાનો. જીવનના દરેક પડાવની ગરિમા હોય છે. એને પુરતો ન્યાય આપીને,માન આપીને, એકાદવાર જાત માટે પણ વિચારવું જ રહ્યું. સમય ભલે રીવાઈન્ડ ન થઇ શકે, પણ વીતેલા સમયના કોઈ ગમતા પાત્રને કે ઘટનાને તો વર્તમાન કે ભવિષ્યમાં લાવી શકાય.

"હવે શું? કહીને રોજ લમણે હાથ દઈને, સોફા પર બેઠાં-બેઠા દેશના રાજકારણની ચિંતા અને ચર્ચા કરવા કરતાં સોશિયલ નેટવર્કની સાઈટ પર વર્ષોથી ગમતું નામ શોધવા માંડો. એકાદવાર મનાલી કે દાર્જીલિંગ જવાને બદલે જે સ્કુલમાં ભણ્યા હતાં, ત્યાં એક આંટો મારી આવવાનો. બની શકે કે થીજેલા સ્મરણની કોઈ એક કડી ત્યાં જીવંત હોઈ શકે. અધુરી વાત અને અટકી ગયેલી સાંજ, વર્ષો પછી એ જ સ્થિતિમાં પાછા મળી શકે.

બાળપણને અને વીતેલા સમયને ફોટાના આલ્બમમાં કે ડાયરીના પીળા પડી ગયેલા પાનામાં જોઇને નિ:સાસા નાખવાને બદલે, આજે જ અબઘડી એમની એકાદ ક્ષણ જીવી જવાય તો, ભયો ભયો..!

-- મેઘા જોશી

ધારાવાહિક નવલકથા
"આ હોંડા ફ્યૂરી છે, બારસો સી.સી., ટવીન સ્પાર્ક એન્જીન." મંદિરની બહાર એક બ્લુ કલરની મોટર સાઇકલની આસપાસ ઉભેલા ચાર મિત્રો વાત કરી રહ્યા હતા. આજે ગુરુવાર હતો એટલે સાંઇબાબાનાં મંદિરની અંદર કરતા બહાર ભીડ વધારે હતી. બાકીનાં ત્રણ મિત્રો જાણે પરગ્રહની વાત હોય એમ બોલનાર સામે તાકી રહ્યા.

"બાવીસ લાખ કિમંત છે. ગુજરાતમાં એકેય શૉ રૂમમાં ના મળે. માત્ર મુંબઇમાં એક શો રૂમ વાળો જાપાનથી ઇમ્પોર્ટ કરી આપે છે. બગડે તો સ્પેરપાર્ટ જાપાનથી જ મંગાવવા પડે". બાકીની વાતોમાં કંઇ સમજ પડી ન પડી પણ બાવીસ લાખ સાંભળીને બાકીનાં ત્રણે મિત્રો રીતસર છળી પડ્યા. "
બાપ રે... બાવીસ લાખ...!," અને ત્રણે મિત્રોમાં જાણે સમજદારીનું ઘોડાપૂર આવ્યું."
યાર આટલામાં તો ચુમ્માલીસ સારી બાઇક આવી જાય" પહેલો મિત્ર વાક્ય પુરુ કરે એના પહેલા બીજો બોલ્યો."
યાર બાવીસ લાખમાં તો બે મસ્ત બંગલા બની જાય,સેકન્ડહેન્ડ મારૂતિ પણ એની આગળ ઉભી કરી દઉં" ત્યાંજ ત્રીજો બોલ્યો."
યાર આપણાં ચારેયમાં સૌથી વધુ પગાર આ સુનિલને શહેરમાં મળે છે દશ હજાર. એક ફુટી કોડી પણ પગારમાંથી ખાંડી ના કરે તો પણ બાવીસ લાખ ભેગા કરતા અઢાર વર્ષ લાગે."

ગણિતનો થોડો હોંશિયાર ત્રીજો મિત્ર બોલતો હતો તેને અટકાવતો જઇને સૂનિલ બોલ્યો,"
અલ્યાઓ, આવી તો સાત-આઠ મોટર બાઇક છે એની પાસે."

જાણે કે બાકીનાં ત્રણેય મિત્રોનાં કેલ્કયૂલેટરમાં ખામી આવી ગઇ હોય એમ ગણતરી કરવા અસમર્થતા બતાવતા જઇને બોલ્યા,"મતલબ કે અઢારથી વીસ કરોડની મોટર બાઇકનો કાફલો ગેરેજમાં સડે છે."

"માઇલેજ કેટલુ હશે? " બાઇકનાં ચૌડ વ્હીલ તરફ નજર નાંખતા પહેલા મિત્રએ પૂછ્યું.

સૂનિલે તરત ઉત્સુક મિત્રોને સવિસ્તાર જવાબ આપ્યો ."એક લિટર પેટ્રોલમાં પાંચ કિલોમીટર ચાલે. એટલે કે સ્ટેશનથી અંહી મંદિર આવવા જવામાં સો રૂપિયાનું પેટ્રોલ જોઇએ. એટલામાં આપણે ચારે જણા ગામડેથી આવીને જતા રહીયે. છપ્પન રૂપિયા ટીકીટ, વીસની ચાર કચોરી, બાર રૂપિયાની ત્રણ કટીંગ. તોયે આપણી પાસે બાર રૂપિયા બચે. રીક્ષાવાળો ચાર પેસેન્જર બેસાડીને સ્ટેશનથી મંદિરનાં પાંચ ફેરા મારે તો એકસો વીસ થાય એની પાસે . એનામાંથી અર્ધો એનો પેટ્રોલનો ખર્ચ ગણીયે તો સાંઇઠ રૂપિયા સાંજ પડતા સુધીમાં એની પાસે બચે."

સૂનિલની વાતો સાંભળીને બાકીના ત્રણે મિત્રો નિરાશ નજરે મંદિર તરફ તાકીને બોલતા ગયાં,"યાર, ભગવાનનો ન્યાય પણ કેવો છે ને? આપણે એક પણ ગુરુવાર નથી છોડ્યો. લોકો માત્ર બહારથી જ ભગવાનને હાઇ-હેલ્લો કરીને જતા રહે. આપણે છ થી આઠ પલાંઠી વાળીને બેસી રહીયે છીએ, તોયે બાપાની દવાનાં બસ્સો રૂપિયા ભેગા કરવા ચારે જણાયે ચાર દિવસની બચત વાપરી નાંખવી પડે છે. આવા અમુક લોકો પાંચ રૂપિયાની ચ્હા પીવા રોજ બસ્સોનો ધુમાડો કરી નાંખે."

એમને અટકાવતા જઇને સૂનિલ બોલ્યો,"ભાઇઓ, આમની ચ્હા પાંચ રૂપિયામાં ન આવે. સો રૂપિયા ઓછામાં ઓછા થાય અને એ પણ સ્વાદ વગરની હોં. માર્લબોરો સિગારેટનું પેકેટ બસ્સોનું આવે . એટલે પાંચસોનો ધુમાડો રોજ આરામથી થાય." સુનીલ હસતો જઇને જવાબ આપતો ગયો .

ત્રણેય મિત્રો દુરથી દેખાતા ભગવાન તરફ ફરિયાદી નજરે તાકી રહ્યા. જાતજાતનાં ગણિત અને તર્ક લગાવતા રહ્યા. મંદિરની બહાર ભીડ વધતી હતી. દરેક ભક્તોની નજર બાઇક પર જરૂર પડતી . અંદર પ્રવેશવા જતા લોકોને જાણે ભગવાને જેકપોટ ગોઠવેલો હતો. દર્શન કરીને નીકળતા લોકો માટે આ બાઇક ફરી પધારવા લાલચ હતી. લોકો બાઈકને નિહાળતા . આજુબાજુ નજર મારીને ઉપર બેસી ફોટો પડાવતા. કોઇક પોતાના ચાર-પાંચ વર્ષનાં છોકરાની જીદ પુરી કરતા હોય એમ બાઇક પર બેસાડી દેતા. ઉભેલી બાઇક પર છોકરો વરરરરરરમ વરરરરરમ નાં કુત્રિમ અવાજ મોઢામાંથી કાઢતો.,અંકલ આવી જશે..મારશે, કહી છોકરાને રડતો રાખીને ફટાફટ લોકો ત્યાંથી નીકળી જતા. કોઇક કોઇક કોલેજીયન યુવાનો બાઇકનાં ફોટા કેપ્ચર કરતા હતા. આ ચારે મિત્રો બાઇક જ્યા પાર્ક કરેલી હતી એ વડનાં ઝાડ નીચે બાજુમાં જ એક બાકડા પર બેસીને આવતા જતા લોકોનું અને બાઇકનું નિરિક્ષણ કરતા હતા. હવે મંદિરમાં લાઉડ સ્પિકરમાંથી "જીસને દર્શન કર લીયે હો વો પ્રસાદી લેકે નીકલ જાયે, દુસરે ભક્તકો દર્શનકા લાભ લેને દે. સંયમ બનાયે રખે." જેવા વારંવાર થતા એનાઉંસમેન્ટ ઓછા થવા લાગ્યા હતાં. વડલાનાં ઝાડ ઉપર બેઠેલા બગલાઓની અઘારથી વાતાવરણમાં અજીબ ગંધ આવતી હતી. જેમાં સામે ફૂલો વેચવા બેઠેલા માળીઓનાં ફૂલોની સુગંધ ભળતી અને થોડે દુર મંદીરનાં પ્રાંગણમાંથી આવતીઅગરબત્તીની ધૂપ એકજાતનું અલૈકિક વાતાવરણ બનાવતી હતી. બગલા અને બીજા પક્ષીઓની અવરજવર ઓછી થવા લાગી હતી. અમુક બાળપક્ષીઓનો કલરવ વધી રહ્યો હતો. ઝાડ ઉપર સફેદ બગલાઓ રેલાતી ચાંદનીના કારણે ચાંદી જેમ ચળકી રહ્યા હતા. સામે મુખ્યદ્ધાર પાસેથી એક ફાંકડો યુવાન નીકળતો દેખાયો, એની સાથે પુજારી પણ હતા અને એની પાછળ બીજા બે સ્વામી પરીચારકની જેમ ચાલી રહ્યા હતાં. યુવાન આમથી તેમ હાથ હલાવતો જઇને કંઇક કહેતો હતો. માળાધારી પૂજારી દિવાલો તરફ અને આગળની બારીઓ તરફ ઇશારા કરીને કંઇક પ્રત્યુત્તર આપતો હતો. ટોચ પર ફરકતી પતાકાને જાણે એ યૂવાનનાં કારણે વધુ વેગ મળ્યો હોય એમ બમણા જોશ સાથે લહેરાતી હતી. ચારેય મિત્રો એ યુવાનને આવતો નિહાળતા રહ્યા. પૂજારી જાણે ભગવાનનો દલાલ હોય એમ કોઇક વાટાઘાટો કરતો હતો..ચારેય મિત્રોનો દ્રષ્ટિ પરિધ એ યુવાન સમીપ આવતા ઓછો થતો ગયો.... [ક્રમશઃ]

-- ઇરફાન સાથિયા


આવકાઈ અથાણું

(આંધ્ર સ્ટાઈલમાં)

મુખ્ય ઘટકો: એક મોટી ચિનાઈ માટીની બરણી
કાચી ખાટી કેરી ૨ કિલો [૧૨ નંગ]
મીઠું 3 કપ (૫00 ગ્રામ)
રાઈનો પાવડર ૪ કપ (૫00 ગ્રામ)
લાલ દળેલું મરચું ૪ થી ૫ કપ (૫00 ગ્રામ)
હિંગ બે ચમચી
નલ્લા એન્નાઈ (આદું વાળું તેલ ) એક લીટર

આવાકાઈ અથાણું બનાવવાની રીત :

જો તમે ઇન્ડીયામાં હોવ તો રોહિણી નક્ષત્રના બીજા દિવસે કાચી કેરી ખરીદો અને નીચે બતાવેલી રેસીપી પ્રમાણે કાચી કેરીનું અથાણું બનાવવાનું શરુ કરો.

અથાણું બનાવવા માટે એ જરૂરી છે કે તમે ચોખ્ખાં અને સાત્વિક ઘટકો જ વાપરો. અથાણું ભરવા માટેની બારની ગરમ પાણીથી બરાબર સાફ કરી દો. જો શક્ય હોય તો મીઠાવાળા પાણીથી કે એસેટિક એસિડથી બરાબર સાફ કરો. અથાણું બનાવવા માટેના બધા જ વાસણો પણ ગરમ પાણીથી બરાબર સાફ કરીને સુકવીને વાપરવાં. આવાકાઈ અથાણું બનાવવા માટે અંદરથી તદ્દન સફેદ પણ એકદમ કાચી કેરી જ પસંદ કરો. જીણી રાઈના દાણાઓને દળીને રવા જેવો જીણો પાવડર બનાવી દો અને બાજુ પર મૂકી રાખો. જો શક્ય હોય તો લાલ મરચું પણ ઘરે જ મિક્સીમાં દળો પણ જો એ શકીના હોય તો સારી ક્વોલીટીનું તીખું દળેલું મરચું વાપરો. અથાણું બનાવવાં માટે આયોડાઈઝ મીઠું વાપરવાને બદલે સાદું મીઠું જ વાપરો. સાદું મીઠું ન મળી શકે તો આયોડાઈઝ મીઠાને દસેક મિનીટ માટે શેકી નાખીને આયોડીન ઉડી જવા દો પછી આ મીઠું વાપરો.

કાચી કેરીને બરાબર ધોઈને ચોક્ખા કપડા વડે સુકવી નાંખો. કાચી કેરીને એની ગોટલી અને અંદરની કડક છાલ સાથે કાપીને એના મોટા ટુકડા કરો. ગોટલીને કાઢી નાંખો અને કાપેલીકેરીના ટુકડાઓને ફરીવાર બરાબર રીતે ધોઈને સુકા કપડા વડે સાફ કરીને વાપરવાં. આદુવાલા તેલને દસ મીનીટ માટે કકડાવીને ગરમ કરો અને સાઈડ પર રાખો.

એક પહોળા મોટા વાસણમાં કાચી કેરીના ટુકડાઓને હળવા હાથે મીઠામાં નાંખો. ચાર પાંચ મિનીટ પછી તેલ સિવાયના બધા જ ઘટકો એમાં ઉમેરી દો. હિંગ એમાં છેલ્લે ઉમેરો. આ બધું દસ મિનીટ માટે બરાબર મેળવો. છેલ્લે એમાં ધીરે ધીરે તેલ ઉમેરો ત્યાં સુધી કે કેરીના ટુકડાઓ મસાલા સાથે બરાબર સમરસ રીતે મળી જાય. એટલું બધું તેલ પણ ના ઉમેરવું કે જેથી કેરી અને મસાલો તેલમાં ડબાદુબ ન થઇ જાય. બાકીનું તેલ પછીથી ઉમેરવા માટે રાખી મુકો. આ બધું મિશ્રણ ઉમેરતા ઉમેરતા વચ્ચે ચાખતાં રહેવું. જોમીઠું કે હિંગ ઓછી લાગે તો સ્વાદ પ્રમાણે ઉમેરવું, જો વાળું લાગે તો કેરીના ટુકડા ઉમેરવા.

કેરીના ટુકડાં અને તેલ-મસાલાના મિશ્રણને બરણીમાં મારી લો. બરણીનું મ્હો એક કપડા વડે બાંધી લઇ એક અંધારા ખૂણામાં મૂકી રાખો.

એક અઠવાડિયા પછી દિવસના અજવાળામાં બરણીનું મ્હો ખોલીને બાકીનું વધેલું આદુમાં કકળાવેલુ તેલ ઉમેરો. કેરી અને મસાલો બરાબર ડબાદુબ થઇ જવા જોઈએ. બર્નીને હારી ઢાંકીને ત્રણ અઠવાડિયા માટે મૂકી રાખો. આ ત્રણ અઠવાડિયા દરમ્યાન બર્નીને હલાવતાં રહેવું જેથી અથાણાંનો મસાલો બરાબર મિક્સ થઇ જાય. ત્રણ અઠવાડિયા પછી તમારું આવાકાઈ અથાણું તૈયાર. રાંધેલા ભાત સાથે આવાકાઈ અથાણું ખાવ અને તમારું મન સાતમાં આસમાનની સફર કરવા માંડશે..

આપના ફીડબેક્સ અહીં મોકલાવશો:

--હેમંત ત્રિવેદી [અનુવાદક: અજય પંચાલ]


-આ વિભાગમાં સજીવ કે નિર્જીવ એવી કોઈ પણ વસ્તુને પત્ર લખીને આપણી કલ્પનાઓને નવી જ ઉડાન ભરાવી શકાય છે. તો પ્રસ્તુત છે શ્રીમતી જાહ્નવી અંતાણી દ્વારા તેમની, પોતાના હાથની પહેલી આંગળી, [કે જેને તર્જની પણ કહેવાય છે,] તેને લખાયેલ એક પત્ર-

.

પ્રિય તર્જની,

લે, જો..! આ પત્ર હું તને જ, તારા દ્વારા જ લખી રહી છું.
તર્જની..! તારું આ નામ મને ખુબ ગમે છે, પણ મહત્વની દ્રષ્ટીએ જેટલું મહત્વ તારી બહેન અનામિકા (ત્રીજી આંગળી)નું છે, એટલું તારું નહિ. કેમ કે એનો ઉપયોગ તો શુભ કાર્યમાં જરૂરી છે. વેડિંગ રીંગ પણ એ જ આંગળીમાં પહેરાય. અને માટે જ તને આજે નવાઈ લગતી હશે, કે આ પત્ર એને નહિ અને તને કેમ લખાઈ રહ્યો છે. મહત્વ એનું અને પત્ર તને? અચંબો પણ થતો હશે. તો શાંતિ રાખ, કહું છું. તને એવું પણ થતું હશે કે આખી જીદંગીનું બંધન અનામિકા પર પહેરાય છે તોય મારું મહત્વ કેમ વધ્યું? આવી માનવ સ્વભાવની ઈર્ષા તારામાં કેમ આવી..? અરે, હા, આવે જ ને..! તું તર્જની ખરી, પણ આખરે અંગ તો માનવ શરીરનું જ ને..! તને પણ અસર તો આવે જ ને..!

લે ચલ, કહું તને કે આ પત્ર કેમ લખ્યો.
જમાનો બદલાયો છે. આજે જિંદગી આખીના લાગણીના બંધન કરતા પણ બીજી અનેક વસ્તુઓનું જીદંગીમાં મહત્વ વધ્યું છે, અને એમાં તારી જરૂર વધુ પડે છે. તારા સિવાય આ કામ કોઈ ઝડપથી પતાવી શકે નહિ. જ્યારથી ટેલીફોનનો જમાનો આવ્યો ત્યારથી આમ તો તારા ‘અચ્છે-દિન’ આવવા લાગ્યા હતા. પરંતુ જયારે પાટી-પેન, પેન્સિલ, બોલપેન, વગરેથી ભણતી-લખતી વખતે અને ભણ્યા પછી નોકરી કરતી વખતે પણ તારા સપોર્ટ વગર કઈ લખવું શક્ય જ નથી. હવે જ્યારથી આ કોમ્પુટર, લેપટોપ અને મોબાઈલનો જમાનો આવ્યો છે ત્યારે તો જાણે તારા વગર કઈ શક્ય જ નથી. તું એવી ફટાફટ લખે છે કે જાણે તારા સિવાય હાથમાં કોઈ બીજી આંગળી જ ન હોય. માઉસ પર પણ લેફ્ટ ક્લિક કરવામાં જાણે માહિર. લાઈક કોમેન્ટમાં તો તને કોઈ ન પહોચે એટલી ધડાધડ..ટાઈપીંગ ભલે બધી આંગળીથી શીખવાડવામાં આવ્યું હોય, પણ ઝડપ જાણે તારામાં ખૂટી ખૂટીને ભરી છે. મેક્સીમમ ઉપયોગ તર્જની, તારો જ વધુ થાય છે. અને હવે તો જો...! આ એન્ડ્રોઈડ ફોન..ટચ સ્ક્રીન. અહાહાહા... તું જે એના પર સહેલાઇથી સરકે છે..એક પછી એક સ્ક્રીન..તારા સ્પર્શથી બદલાતા જાય....ફેસબુક, વ્હોટસ એપ, જીમેઈલ, ખુલતા જાય જાણે તારા સ્પર્શથી નવી નવી દુનિયા ખુલે છે. આ મોબાઈલમાં તું જેની છો એ વ્યક્તિઓનો ફોટો પણ તુ જ પાડી શકે. એક ક્લિક કર્યું અને પડ્યો ફોટો... જો તો ખરી, કેટલી આવડત તારામાં ભરી છે...! પાછુ એમાં સાવ આટલું જ.. એવું નહિ હો....! બેંકના કામ, અને બીલ ભરવાનું કામ, મુવી ટીકીટ, ટ્રેઈન બુકિંગ, પ્લેન બુકિંગ, શું શું કામ નથી કરતી. જો..! મેં સાચું કહ્યું ને? છે ને તારું મહત્વ..!!
કહેવત છે કે ‘પાંચે આંગળીઓ સરખી ન હોય.’ ન જ હોય...! છતાં પણ આ કહેવત માણસની સરખામણી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. માણસના સ્વભાવ સરખા ન હોય, એ આ કહેવત દર્શાવે છે. અને જો તો ખરા તારી ત્રણ બહેનોના નામ પણ કેટલા સરસ....! તું તર્જની, ત્યારબાદ મધ્યમા, પછીની અનામિકા, અને છેલ્લી જે ટચલી ટચુકડી આંગળીનું નામ તો કનીષ્ટિકા. અને તારો ભાઈ અંગુઠો. એ જબરો છે હો...! એણે તો વળી પોતાનું સ્થાન ફેસબુક વોટ્સ એપ પર સ્માઇલી તરીકે જમાવ્યું છે.
તર્જની..! તારું સ્થાન અવ્વલ નબંર દર્શાવવા માટે પણ થાય છે. વિદ્યાર્થીઓ શાળામાં પોતાની હાજરી દર્શાવવા માટે પણ તને જ ઉંચી કરીને પોતાની હાજરી દર્શાવે છે. તારું સ્થાન એ નંબર વન છે.અને હા, તું ઉપર જવાની નિશાની તરીકે પણ વપરાય છે.
આમ તો મને એમ લાગતું હતું કે તર્જની, તારા કરતા અનામીકાનું મહત્વ વધારે હશે. પરંતુ આજે તારા વિશે વિચારતા લાગ્યું કે મહત્વ તારું પણ અદકેરું જ છે. તું પણ બહુ કામની છે. તારા વગર અમે બધા શું કરત!
અરે, હા, મને યાદ આવ્યું કે...! સૌથી મોટું કામ તો તારી પાસે કૃષ્ણ ભગવાને લીધેલું. તર્જની, તારી પર તો ભગવાને સુદર્શન ચક્ર ઊંચક્યું હતું.તું તો ભારે નસીબદાર નીકળી. તારી પરથી છુટેલા સુદર્શન ચક્ર એ અનિષ્ટ તત્વોનો નાશ કર્યો હતો. તું તો જબરી નીકળી, સુદર્શન ચક્ર શોભાવ્યું.
પરંતુ જો, તારું પેલું એક કામ કે જે તું કરે છે ને...બીજાની સામે આંગળી ચીંધવાનું એ કામ તારે બહુ ન કરવું... કેમ કે એમાં જાણે તું જેની હોય છે એ વ્યક્તિ જ ગુનેગાર સાબિત થતા હોય એવું લાગે છે, કેમ કે તારા સિવાયની બીજી ત્રણ આંગળીઓ એ વખતે તને [આંગળી] ચિંધનાર જ સામે ચિંધાતી હોય છે. બીજા શબ્દોમાં કહું તો, આ કામમાં તારી નાઈ ત્રણ બહેનો તને સાથ ન આપી ને સત્યને સાથ આપવાનું કામ કરે છે અને આમ કરીને તને પણ બીજા પર દોષારોપણ કરતા બચાવે છે. અને આમેય તે, દોષ બતાવીએ એ કોઈને ગમે નહિ. તો તારે પણ એ કામ ટાળવું. આટલી બધી સારપ પછી તું આવા કામ ન કરતી હો તો..! હશે..! ચલ, માણસના સ્વભાવની ને સિક્કાની બે બાજુઓ હોય એમ તારી પણ બે બાજુ અમારે સ્વીકારવી જ રહી. આખરે તું છે તો અમારી જ ને..!
પણ હા કોઈક કામ એવું પણ હોય છે કે જેમાં આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ મળે. તો એ કામ અવશ્ય કરજે. અને બીજી એક કહેવત મુજબ કોઈ કામ સીધી આંગળીએ ન થાય ત્યારે તને વાંકા થવાની છૂટ છે. પણ ધ્યાન રાખજે એવી ચાલાકી કરવામાં પણ તારો આશય તો સારો જ હોવો જોઈએ, હો..!
પણ હવે જયારે તારો ઉપયોગ વધુ થવાથી એમાં જે થોડીઘણી ખાલી ચડી આવે છે અને સહેજ દુઃખાવો થાય છે, ત્યારે એમ થાય છે કે મારે તારું ધ્યાન રાખવું જોઈએ. હવે સાચવવી પડશે તને, અને એટલે જ, આજે મેં તારું મહત્વ દર્શાવવા તને આ પત્ર લખ્યો. જેથી તને પણ એમ લાગે કે તારી કદર અમે કરીએ છીએ.

ચલ, હવે થોડો આરામ કર. આ લખતા લખતા થાકી ગઈ હોઈશ.
આવજે..ને ધ્યાન રાખજે..!

લી. તારી જ..

જાહ્નવી..


મિત્રો,
આ અંક તમને કેવો લાગ્યો? તમે કેવું વાંચવા/લખવા ઈચ્છો છો, એ અમને લખીને જણાવો.
આભાર....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED