Shabdavkash - Ank - 4 books and stories free download online pdf in Gujarati

શબ્દાવકાશ અંક-૪

અંક-૪

અનુક્રમણિકા


ઝીંદગી, મિલે જો દોબારા...

વાંચક-મિત્રો, આપ સૌને ગુડી પડવો અને નવરાત્રીની શુભકામનાઓ આપવાની સાથે જ, ફરી પાછો આ મનુષ્ય-અવતાર મળવાની શક્યતાઓ ચર્ચવાનું મન થાય છે. જો આવું કંઈ શક્ય હોય, અને ફરી પાછો જન્મ આપતા પહેલાં બાય એની ચાન્સ, જો ઈશ્વર મને મારી કોઈ ચોઈસ પૂછે, તો આગલા જન્મની મારી નવી જીંદગી ઊંધેથી શરુ કરવા માટે તેમને હું વિનંતી કરીશ.
દોસ્તો, એમ કરવાની કલ્પના-માત્ર એકદમ રોચક અને રોમાંચક લાગે છે.
જરા વિચારો,
મારો જન્મ સ્મશાનની રાખમાંથી થશે..
અને જ્યારે મને હોશ આવશે ત્યારે હું કદાચ કોઈક હોસ્પિટલ અથવા કોઈ વૃદ્ધાશ્રમમાં હોઈશ.
દિવસે દિવસે હું વધું ને વધું તંદુરસ્ત અને બળવાન થતો જઈશ.
અને આખરે એક દિવસ, ખુબજ તાજો-માજો અને સાજો-નરવો બની જવાને કારણે મને ત્યાંથી હોસ્પીટલમાંથી કાઢી મુકવામાં આવશે.
પછીનાં અમુક વર્ષ હું મારા પેન્શન પર વીતાવીશ.
અને ત્યાર બાદ હું નોકરીએ લાગીશ, જ્યાં પહેલાજ દિવસે [એટલે કે ખરેખર તો છેલ્લે દિવસે] મને અભૂતપૂર્વ માન-સન્માન પ્રાપ્ત થશે. અને સાથે સાથે એક ગોલ્ડન ઘડિયાળ તેમજ મિજબાની પણ મળશે (વિદાય-સમારંભની જ તો !)
પછી ત્યાં હું ૨૫ કે ૩૦ વર્ષ નોકરી કરીશ..
અને જ્યારે હું નિવૃત થઈશ ત્યારે મારો નિવૃત્તિ-કાળ માણવા માટે હું એકદમ નવજુવાન અને તરવરાટભર્યો હોવાનો.
પછી શરુ થશે મારું કૉલેજ-જીવન, કે જ્યાં બસ..આઝાદી અને મોજ-મજા જ હશે. દોસ્તો-મિત્રો, પાર્ટી,-મુવીઝ વગેરેમાં મદમસ્ત થઈને જીવવાનું.
ચારેક વર્ષ બાદ.. તેના પછી શરુ થશે મારું શાળા-જીવન. તો પહેલાં હાઈ-સ્કુલ અને પછી હું પ્રાઈમરી-સ્કુલમાં જઈશ.
જોત-જોતામાં હું બાળક બની જઈશ. ત્યારે ય મારી ઉપર કોઇ જ જવાબદારી નહીં હોય, અને ખુબ જ આસાનીથી સરસ રીતે બેફીકારીમાં મારું બાળપણ વીતશે.
એના પછી..તે છેક મારા જન્મના દિવસ સુધી હું શિશુ બનીને જીવીશ.. નાનકડો નિર્દોષ શિશુ..ડગુમગુ ચાલતો.. ભાંખોડિયા ભરતો.. પથારીમાં પડ્યો પડ્યો હાથ-પગ ઉલાળતો સ્ફૂર્તિ અને તાઝગીભર્યો શિશુ.
ખેર.. તે પછીના ૯ મહિના હું બાથ-ટબ જેવી અલ્હાદક અને એકદમ આરામદાયી પરિસ્થિતિમાં તરતા-તરતાં વીતાવીશ, જ્યાંના હુંફાળા વાતાવરણમાં મને ઝાડો-પેશાબ, ખાવા-પીવાની કે શ્વાસ સુદ્ધાં લેવાની ચિંતા કે પળોજણ નહિ હોય. રૂમ-સર્વિસની જેમ બધું જ પાઈપ અથવા નાળ દ્વારા પ્રાપ્ત થઇ જશે.
સમય જતાં.. હું નાનો, અને વધું નાનો બનતો-બનતો એકદમ સુક્ષ્મ કદનો થઇ, ને આખરે સુન્યાવકાશમાં વિલીન થઇ જઈશ.....
આમ તદ્દન સહેલાઈથી અને એકદમ સરળતાપૂર્વક હું મારું જીવન-ચક્ર પૂરું કરીશ.
.
.
તો, શું કહો છો?
કેવો લાગ્યો મારો આઈડિયા ?
.
.
વાચક મિત્રો, આપણને બધાને ખબર છે કે આવું બધું શક્ય જ નથી. આ તો બસ એક કલ્પના માત્ર જ છે. પણ કેટલી રળિયામણી કલ્પના લાગે છે આ.. એવા રોમાંચક વિચારો છે, કે જે મનને પ્રફુલ્લિત કરી દે.

હા, કલ્પના કાયમ સુંદર જ હોય છે. અને આવી જ કલ્પનાના પાયાપર ચણાયેલી છે આ લેખન અને વાંચનની દુનિયા..!
તમે પણ તમારી કલ્પનાઓની પાંખો પર સવાર થઈને ઉંચી-ઉંચી ઉડાનો ભરી શકો છો. એક વાર પ્રયત્ન તો કરી જોજો.. ખુબ મજા આવશે, કે જયારે તમારી આ કલ્પનાઓને તમે અક્ષર-દેહ આપશો, અને તમારી કલ્પનાની એ અક્ષર-કાયાને બીજા વાંચકો જોશે, વાંચશે અને પ્રસંશા કરશે ત્યારે.
તમારી એ કલ્પના-શક્તિને વાંચકો સુધી પહોચાડવાનું એક સબળ માધ્યમ છે આ આપણું..'શબ્દાવકાશ' મેગેઝીન.
જી હા,
તમે કોઈ પણ વિષય પર તમારી કાબેલિયતને અજમાવી શકો છો. ટૂંકી વાર્તા.. નિબંધ.. હાસ્ય લેખ.. કાવ્ય આસ્વાદ.. પુસ્તક પરિચય... વ્યક્તિ પરિચય.. વાનગી.. ફિલ્મ, ક્રિકેટ કે સ્પોર્ટ્સને લાગતો કોઈ માહિતીસભર લેખ, જે પણ તમારા રસને અનુકુળ હોય.. તેવું કંઈ પણ.
આ વખતના અંકમાં તમે જોશો કે નીવારોઝીન રાજકુમારનાં એક સામાન્ય-માહિતીસભર લેખનો અત્રે સમાવેશ કર્યો છે, 'ખ્રિસ્તી ધર્મના રીત-રીવાજો વિશેનો. આ ધર્મ વિષે આપણે બહુ જાણતા નથી, એટલે આ બધું આપણને અવનવું પણ રસપ્રદ લાગશે, ને સાથે સાથે જ્ઞાન-વર્ધન પણ થાય.
આવી જ રીતે એક મરાઠી કવિતાનો આસ્વાદ કરાવી આપણા પાડોશી-રાજ્યની પ્રજાના સાહિત્ય અને સંસ્કૃતિ સાથે એક નાની એવી ઓળખાણ કરાવી છે. તો સીધી-સાદી અને સરળ.. કોઈ ઝાઝી કડાકુડ વગરની એક સ્વાદિષ્ટ વાનગીની રેસીપીનો પણ એટલે જ સમાવેશ કર્યો છે.
ડોક્ટર ઈરફાનની રસમય ધારાવાહિક નવલકથાનો વધુ એક એપિસોડ તો છે જ.. ને સાથે સરલાબેન શાહની એક ટૂંકી, હલકી-ફૂલકી વાર્તા ‘મંગળી’ ય વાંચવા મળશે. સરલાબેન એક બહુ જ કાબેલ અને પ્રખ્યાત નવલિકા-લેખિકા છે, કે જેમની ત્રણ ચોપડીઓ પણ પ્રસિદ્ધ થઇ ચુકી છે. તેમની એક ચોપડીમાંની એક ટૂંકી વાર્તા, એટલે આ 'મંગળી'. ચોક્કસ વાંચજો.. ગમશે જ તેની ખાતરી આપું છું.
તે ઉપરાંત છે સ્વાતિબેન શાહનો નિબંધ 'ડર', તો હેમલબેન દવેનાં સંસ્મરણો 'મહાત્મા', અને નિમિષ વોરાનો વેકેશન સ્પેશીયલ 'યુવાનીમાં બાળપણ' જેવા લેખો.
આમ વિવિધ વિષયોની વિવિધ મોતીઓ ગૂંથીને બનાવેલી આ લેખ-માળા, એટલે આપણો આ શબ્દાવકાશનો અંક-૪. વાંચીને પ્રતિભાવ જરૂર આપજો.
અને મન થાય તો કલમ જરૂરથી ઉપાડજો..અમે તમારી સાથે જ છીએ..!

.

શબ્દાવકાશ-ટીમ વતી,

અશ્વિન મજીઠિયા..


તંત્રી Like

Love

Hah

Wow

Sad

Angry

Bottom of Form


ખ્રિસ્તી રીત-રીવાજ

આપણો ભારત દેશ પચરંગી પ્રજા અને એટલા જ રસપ્રદ ધર્મોના કારણે વિદેશોમાં અનેરી આભા ધરાવે છે. સામાન્ય રીતે ધર્મો વિષે આપણે ઉપરછલ્લું જાણતા હોઈએ છીએ. રીતરીવાજો અને દેવીદેવતાઓ વિષે જાણ્યા કરવું આપણને ગમે છે. દરેક ધર્મને એની આગવી શિસ્ત અને નિયમો પણ હોય છે. ધાર્મિક વડાઓ અને ઘરના વડીલો એ વિષે આગલી પેઢીને અવગત કરે છે અને એ રીતે એ સંસ્કાર વારસો આગળ ચાલે છે.

ધર્મપ્રચારનો કોઇ ઇરાદો નથી કે ચર્ચા કરવી ‘જરાય’ ગમતી નથી,કે આવડતી પણ નથી અને બીજા ધર્મ સાથે સરખામણી કરવાનો પણ કોઇ વિચાર નથી.

હું અન્ય વિષયોની જેમ જ આમાં ‘પણ’ પારંગત નથી, પણ ફીલોસોફી ઓફ એજ્યુકેશન વિષયમાં અનેક ધર્મ અને વિચારધારાઓનો થોડો અભ્યાસ થયેલો છે, અને બીજા ધર્મોની અમુક માન્યતાઓ ખુબ ગમે પણ છે. બહુ ચુસ્ત ધાર્મિક લોકોને બાકાત કરતા બધા જ લોકો,કોઈ પણ ધર્મ પાળતા કે માનતા લોકો, સામાન્ય માણસ તરીકે મળવા જેવા ને સાલસ,સરળ , પ્રેમાળ , ગમાડવા જેવા જ હોય છે, એવું મારો અનુભવ કહે છે.તમને શું લાગે છે?
તમારી જેમ જ હું પણ માનું છું કે ધર્મ એ ચર્ચાનો નહિ પણ શ્રધ્ધાનો વિષય છે.

ખ્રિસ્તી ધર્મના મૂળભૂત બે ફાંટા છે ૧.પ્રોટેસ્ટંટ અને ૨.કેથોલિક. હું પ્રોટેસ્ટંટ છું. કેથોલિક લોકોના રિવાજો થોડા અલગ હોય છે. સાદીસીધી સમજ આપું તો પ્રોટેસ્ટંટ ઇસુ ખ્રિસ્તને પરમેશ્વર પુત્ર માને છે. મૂર્તિને મહત્વ નથી આપતા કે અગરબત્તી કે મીણબત્તી પણ નથી કરતા, અને કેથોલિક માતા મરિયમને વધારે મહત્વ આપે છે પણ ઇસુને તો માને જ છે અને મૂર્તિને પણ મહત્વ આપે,અગરબત્તી કે મીણબત્તી કરે.

ખ્રિસ્તી ધર્મ એક જ ઈશ્વરમાં માને છે. ઘણા બધા સમાજોની જેમ જ આ એક શિસ્તમાં માનનાર સંગઠન છે. જેને ઘણા નિયમોથી રિવાજોથી એકસૂત્રે બાંધી રાખવાનો પ્રયત્ન થાય છ. એક વિશ્વાસમાં બાંધી રાખી પોતાનામાં વિશ્વાસ કરતા શીખવવાનું હોય છે. જૈન , બૌદ્ધ જેવા ધર્મોની માન્યતા પ્રમાણમાં ઘણી અલગ હોય છે.

મને લાગે છે કે ખ્રિસ્તી ધર્મ વિષે તમે વધુ જાણતા નહી હો તો, ખાસ ચાર સંસ્કારો વિષે હું થોડી માહિતી આપવાની છું. વધુ માહિતી તમારા નજીકના ચર્ચમાં જઈ પાસ્ટર પાસેથી મેળવી શકો છો.

ખાસ નોંધ : આ ધર્મ પ્રચાર નથી. ઈશ્વરને પામવાના, સમજવાના, એના સુધી પહોચવાના અનેક રસ્તા છે.તમને ગમતો રસ્તો ઉત્તમ છે.

ભાગ ૧. બાપ્તીસ્મા

બાળકના જન્મથી વાત શરું કરીએ?

દરેક કુટુંબની જેમ ખિસ્તી કુટુંબમાં બાળકનો જન્મ બહુ મોટા આશિર્વાદનો પ્રસંગ ગણાય છે.લગભગ ૪૦ દિવસે,સવા મહિને, બાળકને ચર્ચમાં લઇ જવામાં આવે,(જો એના માતાપિતાના લગ્ન ચર્ચમાં થયા હોય તો, આ વિશે લગ્નની વાત કરતી વખતે વિગતે વાત કરીશું.)

આખા ચર્ચ સમક્ષ પાદરી સાહેબ એનો ચર્ચ વતી નવા સભ્ય તરીકે આવકાર કરે, અને માબાપ બાળકને ચર્ચ,દેવને અર્પણ કરે. બાળકને ઈશ્વર દોરશે, ચલાવશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે. બધા બાળક અને એના માતાપિતા માટે પ્રાર્થના કરે. બાળકના યોગ્ય ઉછેર માટે જાહેરમાં માબાપ અને આખી મંડળી વચન પણ લે છે. એ દ્વારા બાળક સમાજનું એક અંગ બને, પછી એકાદ વરસમાં એનું નામ, ( માબાપે કે એનાં કુટુંબે પસંદ કરેલુ ), ચર્ચમાં પાદરી સાહેબ દ્વારા વેદી પાસે જાહેર કરવામાં આવે અને રજીસ્ટર પણ કરવામાં આવે. મોટાભાગે નામો બાઈબલ પર આધારિત હોય છે જે ખુબ અર્થસભર હોય છે. બાળકનાં માથા પર પવિત્ર પાણીનો છંટકાવ કરી નામકરણ થાય. આ સંસ્કારને “બાપ્તિસ્મા” કહેવામાં આવે છે. આ એક મોટી ઉજવણી રૂપે ઉજવવામાં આવે છે. સગા સ્નેહીઓ આવીને બાળકને ભેટ સોગાદ આપે છે અને ખુશી જાહેર કરે છે.

ઘણા ચર્ચ ડૂબકી ખવડાવી બાપ્તીસ્મા આપે છે, એ પોતાની ઈચ્છા પર આધાર રાખે છે.એથી સામાન્ય રીતે બાળક થોડું મોટું, વિચારશીલ અને પોતાની મરજી જણાવી શકે એટલું સ્વતંત્ર થાય એટલી રાહ જોવાની હોય છે. ઘણી વાર બાળપણમાં પાણીના બાપ્તીસ્મા લીધા પછી ગમે તે ઉંમરે ડૂબકીનું બાપ્તીસ્મા લઇ શકાતું હોય છે. કારણ બાળક તરીકે લીધેલા સંસ્કાર યોગ્ય સમજ વગર લીધેલા પણ ગણી શકાય, પણ આ એક સામાન્ય વિધિ છે જે મોટાભાગે એક ઉત્સવ રૂપે પરિવાર ઉજવે છે. દરેક ચર્ચ બહાર પાણીની ટાંકી બનાવવામાં આવી હોય છે જેમાં શુદ્ધ પાણી ભરીને પાળક રીતસર બાળકનું શરીર પાણીમાં ત્રણ વાર ડૂબાડી એનું નામકરણ કરે છે.

ઘણી વાર ગોડફાધર- ગોડમધર, (એટલે કે માબાપ પછીના સીધા જવાબદાર માતાપિતા), પણ વેદી આગળ જઇ બાળકની જવાબદારી લેતા હોય છે. મિત્ર દંપતી, મામામામી કે કાકાકાકી god parent બનવાની જવાબદારી હોંશે હોંશે નિભાવે છે. મારા પપ્પાના એક નિસંતાન મિત્રદંપતિએ મારા જીવનમાં ઘણું યોગદાન આપ્યું છે.એમને મારું નામ પાડવાનો હક મારા પપ્પાએ આપેલો.

આ સંસ્કાર દ્વારા બાળક ચર્ચને, ઇશ્વરને સોંપવામાં આવે,અર્પણ કરવામાં આવે,એટલે કે હવે બાળકના ધાર્મિક કે આત્મિક વિકાસ ને વ્યક્તિત્વના વિકાસ માટે ફક્ત એના માબાપ જ નહિ પણ ચર્ચ મંડળીના સર્વ લોકો જવાબદાર રહેશે એવો વિશ્વાસ કરવામાં આવે છે,એટલે જ બધા ચર્ચમાં સન્ડેસ્કુલ ચાલે છે. જેમાં પણ શાળાની જેમ જ આચાર્ય, શિક્ષકો, વર્ગો, પરીક્ષા, પરિણામ, વાર્ષિક દિવસ , ઉપહારો બધું જ હોય છે. એવી એક ધારણા,ઈચ્છા વ્યક્ત કરવામાં આવે છે કે જેમ માણસોની સમક્ષ તેમ જ દેવની સમક્ષ એ બાળક વખાણને પાત્ર બને, અને એનો ઈશ્વરના ભયમાં, પ્રેમમાં વિકાસ થાય.

એક આડવાત,૧ જાન્યુએ ઇસુનું નામકરણ થયેલું એમ માનવામાં આવે છે એટલે કે ૨૫ ડીસે..જન્મ, જન્મનાં ૭માં દિવસે, જેને આપણે સર્વ નવા વર્ષ તરીકે ઉજવીએ છીએ.બીજી પણએકઆડવાત …બાઈબલ કહે છે કે દેવે છ દિવસ પૃથ્વીની રચના કર્યા પછી સાતમે દિવસે આરામ કર્યો હતો, એટલે જ દુનિયાના મોટાભાગના દેશો રવિવારે રજા પાળે છે.

આ માહિતી નવી લાગી હોય તો બાકીના ૩ ભાગોની રાહ જુઓ,જેમાં ખ્રિસ્તી સમાજમાં પ્રભુભોજન ..લગ્ન અને મરણ વિષે થોડું જાણીશું.

--નીવારાજ

ડર

‘ડર’ શબ્દ સાંભળતા જ વ્યક્તિના મનમાં નિરાકાર ચિત્ર તૈયાર થઇ જતું હોય છે. ડર કહીએ કે ભય કે પછી બીક. સલોનીનું મહિના કે દિવસમાં જેની ઉંમર ગણી શકાય તેવું નાનું બાળક ઘણીવાર ઊંઘમાં ઝબકતું જોયું ને પછી એકદમ તે બાળક રડવા લાગ્યું, તેનાં દાદી બોલી ઉઠ્યા, "ચોક્કસ ગયા ભવનું કશુંક યાદ આવ્યું હશે તેથી ગભરાઈને રડ્યું."

હજી તો ભાખોડિયા ભરતાં થયુંને રસોડામાં કૂકરની સીટી વાગતાં બાળક રડે તો કહે મોટાં અવાજથી ડરી ગયું. આમ વાતે વાતે ડર લાગ્યો શબ્દ આવી જાય. ક્યારેક અવાજનો ડર તો ક્યારેક કોઈ ખરાબ વિચાર આવી જાય અને તે સાચો પડે તેનો ડર. બાળક હજુ નાસમજ હોય અને એને ડર શબ્દની ઓળખ કરાવવામાં આવે. "રાતે વહેલા નહી ઊંઘે તો બાવો આવશે." એકવાર અનુ બહુ રડવા ચડી તો મીના કહે, "ચુપ થઇ જા, નહીતો દાદા એક થપ્પડ લગાવી દેશે." આમ દાદાની પણ બીક બતાવી ને ડરાવવાનું ચાલુ !

જેમજેમ ઉંમર વધે તેમતેમ ડરાવવાના પ્રકાર બદલતા જાય. શાળાએ જાય એટલે શિક્ષકના ડરનો ઉમેરો થાય.આગળ વધતાં પરીક્ષા, પિતા,પરમેશ્વર વગેરેના ડરનો ઉમેરો. ડર બતાવવા માટે પરમેશ્વરને પણ નથી છોડવામાં આવતાં,"આમ કહ્યું નહિ કરે તો ભગવાન નારાજ થઇ જશે." આમ મનુષ્યના જીવનમાં ડરની introduction કરાવવામાં આવતી હોવાનું લાગે. “જોજે ગલીમાં સંભાળીને જજે પેલું કુતરું બધા બહુને કરડે છે." -આવા સૂચન સાંભળી થાય અત્યાર સુધી અવાજ અને માણસોથી ડરાવવામાં આવતા તેમાં હવે પ્રાણીનો ડર બતાવવો શરુ. ધીમે ધીમે ડર રૂપી રાક્ષસ મગજમાં એક સ્થાન ધારણ કરે છે. શરુ થાય ડર સાથેની ઘનિષ્ટતા. જેમજેમ સમજ આવે તેમતેમ ઓળખ થયેલાં ડરની વ્યાખ્યા પણ બદલાય. જે કુકરની સીટીના અવાજથી ગભરાતી હતી તેના જીવનમાં એ કાર્ય તો રોજનીશીમાં લખાઈ ગયું. રોજ સવારે હવે પોતે કુકર ચડાવે ત્યારે એજ સ્ત્રી કુટુંબના સભ્યો માટે ખુબ પ્રેમથી તે કાર્ય કરતી થઇ જાય. બાળપણમાં શાળાની પરીક્ષાનાં ડરનું સ્થાન હવે નોકરીમાં બોસના ગુસ્સાએ લીધું કે પછી સમાજ વિરુધ્ધ પ્રેમલગ્ન કરી સમાજમાં કેવું લાગશે તેના ડરે લીધું..!

કોઈને કોઈ પ્રકારે ડર થી પીછો છુટતો નથી. એ નારાજગી રૂપે હોય કે પ્રેમમાં પણ હોય. પતિ વિચારે કે આમ કરીશ તો પત્નીનો ખોફ વહોરવો પડશે, ને તે વિચાર માત્રથી ડરી જાય, અને પત્ની પણ વિચારે કે આજે પતિની આંખમાં નારાજગી છે, તો શું પોતાનાંથી કંઈ ખોટું થયું હશે? ને એ આંખનો પણ ડર લાગે.

આપણે અત્યાર સુધી જે ડરની વાત કરી તે કોઈ ને કોઈ પ્રકારે બીજા દ્વારા જન્માવેલા ડરની હતી. એ નિર્જીવ વસ્તુની હોય કે જીવિત વ્યક્તિની..! ઘણીવાર સ્વાનુભવે પણ ડરનો અનુભવ થતો હોય છે જે કદાચ પ્રાણી અને પક્ષીના જીવનને જોતા સચોટ લાગે. ક્યારેક આપણા ઘરમાં માળો કરી ઈંડા મુકાયેલા હોય અને એમાંથી બચ્ચાંનો જન્મ થાય ત્યાંથી માંડીને, તે બચ્ચાં ઉડીને જાય ત્યાં સુધીની પ્રક્રિયા ક્યારેક જોશો તો તેનો ખ્યાલ આવશે, એના ઉપરથી આપણને પણ શીખ મળે છે. રસોઈ કરતા ક્યારેક હાથ દાઝ્યો હોય તો તે સ્વાનુભવે જન્મેલા ડરના દાયરામાં આવે.

આમ આપણે બીજા દ્વારા જન્માવેલા ડરની, સ્વાનુભવે થયેલા ડરની વાત કરી. નિર્જીવના ડરની તેમજ જીવંત વ્યક્તિના ડરની વાતો કરી. એવી કોઈ ભાગ્યેજ વ્યક્તિ હશે કે જે આ ડરના સકંજામાંથી છુટી શકે. જેમજેમ પરિપક્વતા આવે તેમતેમ મગજમાં ઉંડા થોપયેલો એ ડર, કેટલા અંશે સાચો છે કે સદંતર ખોટો છે, એવું વિચારનારા કેટલાં? હવે પરિપક્વ ઉંમરના માણસો ઘણા પ્રકારના ડરમાંથી બહાર તો આવ્યા હોય, પરંતુ પોતે જ કરેલાં કાર્યોના ફળસ્વરૂપે સમજીને તે ડરમાંથી બહાર નીકળવું જ હિતાવહ સાબિત થાય. આ લેખ લખતી વખતે મનમાં થાય આ ડરનું લખાણ વ્યવસ્થિત વિચાર માંગી લે છે. એનાં જન્મ વિશેની ઘણી માહિતી આપણને નજરો નજર જોવા મળે છે. તો હવે આ ‘ડર’ નામના નાગિરક કે જેને અનામત અપાવી અને આપણે દરેક લોકોએ નિર્મળતાથી સ્વીકાર કરી લીધો છે, એ આપણી ઉપર હુકમ કરે તે કેમ ચલાવી લેવાય.

અરે, તમને તો દરેકને આ બધા ડરમાંનો કોઈક ડર તો હશે જ, જેનું નિરાકરણ લાવનાર એકજ શક્તિ છે, અને તે છે આપણો પોતાનો આત્મા. એકવાર આ ડરની કેસ ફાઈલ પોતાના અંતરાત્માને કરી દેવાની, તેનાથી એકદમ સાચો માર્ગ મળશે. આજકાલના માણસો એવી દુનિયામાં છે, કે તેઓ હવે પોતાના આત્માથી પણ ડરતાં હોય છે. માટે પહેલા આત્માને સ્વચ્છ કરી, ને તે જે આદેશ આપે તેમાં આસ્થા અને સજાગતા રાખીએ, તો આ ડર રૂપી રાક્ષસથી છુટકારો મેળવી શકાય. ચારે બાજુ જોઈએ તો આત્માનો સચોટ અવાજ સાંભળનારા કેટલાં?
એમ ગજું ન વાગે, તો પાછા આત્માના અવાજની હાંસી ઉડાવતા લોકો હવે મનોચિકિત્સકોની સહાય લેવા માંડયા છે, અનેક પ્રકારની દવાઓ વગેરે લેવા લાગ્યા છે. ઘણા લોકો કહે, "હવે આ બધો ડર મોત સાથે જ જશે..!" પરંતુ એટલું બોલતી વખતે મોતનો ડર તો સતાવતો જ હોય છે. આમ ડર જન્મથી તે મરણ સુધી જોડાઈ રહ્યો છે તે શું એમને એમ જવાનો?
આમ મનુષ્ય પરમેશ્વરનો અને માત્ર પોતાના આત્માનો ડર રાખે તો તેને બધા ડરથી છુટકારો મળે. આમ ઘણીવાર ડરના ફાયદા પણ થતાં હોય છે. આ વિષય તો જેટલો છીણીએ તેટલો વિસ્તાર પામે. પરંતુ અંતે તો જો કોઈ પણ પ્રકારના ડરમાંથી બહાર આવવું હોય, તો જાતે આત્માને સ્વછ કરી શરૂઆત કરીએ તો જ યોગ્ય ફળ મળશે.

--સ્વાતિ શાહ

મહાત્મા

‘સત્યનાં પ્રયોગો’ ગાંધીજી વિષે ઘણું કહેવાયું છે, સાંભળ્યુ છે, સંભળાયું છે, વાંચ્યું છે, જોવાયું છે. પણ મિત્રો, એમાંથી થોડા ઘણા અંશે જીવાયું છે ખરા?
જો હા ..
તો, તમે સદનસીબ છો
અને જો ના,
તો તમે હજુ પણ કઈ ગુમાવ્યું નથી.
હજુ પણ મોડું નથી જ થયું, સત્યનાં પ્રયોગો જાત પર કરવા અને જાહેરમાં મૂકવા એ નાની સૂની વાત જો માનતા હોય, તો એક દિવસ માટે….એક દિવસ માટે જરા સાચું જ બોલીને જોઈ લેવું; પોતાની જાતને પારખી લેવી; રાત્રે સૂતા પહેલા નીરખી લેવી; ને પછી આ બાપુડાનાં વિષે કઈક બોલવું.
હું મારી જાતને નસીબવંતી માનું છું કે, મેં ખૂબ નાનપણમાં દરેક વેકેશનમાં આ ગાંધીને વાંચ્યા છે, યુવાનીમાં જીવ્યા છે, ક્યારેક જીરવ્યા છે અને હવે મારા જીવનમાં એમને ખૂબ ગમાડયા છે.

આ મોહન મીઠાં લોહીવાળો છે. એ તમને એના મોહપાશમાં બાંધીને જ રહેશે. એ પાશનો જો એક તાંતણો પણ તમારામાં વણાઈ ગયો, તો થઈ જશે બેડોપાર.

એક પ્રસંગ છે ગાંધીજીના પિતાજી બીમાર હતા, અને પથારીવશ હતા, ત્યારે તેની પગચંપી કરતાં મોહનદાસને કમરામાં રાહ જોતી કસ્તૂર દેખાતી હતી. પિતાજીના કહેવાથી અને ઉંમરના મોહપાશમાં બંધાઈને મોહન એની પત્ની પાસે જાય છે અને પાછળથી દરવાજાને ટકોરા પડે છે, ખોલે છે અને ઉભેલો ભાઈ કહે છે કે, "પિતાજી ગયા …….."
કદાચ કસ્તૂરને કસ્તુરબા બનાવવાનું બીજ ત્યાં જ રોપાયું હશે!

તેમના બાળ-વિવાહ વિષેની વાત હોય કે વાત હોય તેમણે કરેલી ચોરીની, પીધેલો દારૂ કે બીજી એબની વાત, એ એના હ્રદયનાં ખૂણે ખૂણેથી સત્યના તથ્યો અને તારણો કાઢીને આપણી સમક્ષ મૂકે છે.

ગાંધીજી બહુ સારા પત્રકાર હતા, સંપાદક હતા ને લેખક હતા. આઝાદીની લડતમાં એકસૂત્રતા જાળવવા, સંદેશા વ્યવહાર કરવા અખબારનો ઉપયોગ કરવો એ તો એ લાઠી લઈને દોડતો માણસ જ કરી શકે.
ગાંધીજીને આજની પરિભાષામાં કહીએ તો એ ભારતનાં સી.ઇ.ઓ. હતા. મેનેજમેંટને ઘોળીને પી ગયા હતા, અને કારીગરી ન ચાલે ત્યાં ઉપવાસ નામની હડતાળ હાથવગી રાખતા. ભાગલા વખતે થયેલા વર્ગવિગ્રહ વખતે કલકતામાં જઈને ઉપવાસ કરેલા ને હિંસાનાં માર્ગે વળેલા લોકોને પાછા વાળેલા. ઉપવાસની તાકાતમાં ઉદેશ્યનો જ્યાં વાસ હોય છે ત્યાં ફરી નવી આશાનો સંચાર થયા વગર રહેતો નથી જ.

ફાંકડું અંગ્રેજી અને સૂટ બૂટમાંથી બે ખાદીના હાથે વણેલા કપડાં પર આવવું સહેલું નથી. આજે લોકોના ફાટેલા કપડાં પરથી પણ મોહ છૂટતા નથી, ત્યાં …….!

ગાંધીજી ચાલુ ચર્ચાએ ઊઠીને બકરીનાં પગને સાજો કરવા જઇ શકે છે.આશ્રમમાં જીવાતી જિંદગીને પસંદ ન કરનારને જવાની વાત કહી શકે છે, અને એ જ આશ્રમ-વાસીઓ જ્યારે વિરોધનાં સૂર વ્યક્ત કરે ત્યારે પોતાની ભૂલ સ્વીકારીને પાછા વાળી શકે છે. કસ્તુરબાને એક સમયે હુકમ કરીને પાયખાના સાફ કરવાનો આદેશ આપી શકે છે ને એ જ ગાંધી એ કસ્તુરબાની મરણપથારીએ હાથ પકડીને શાંતિથી બેસી શકે છે. આ કામ એ સુકલકડી શરીર જ કરી શકે.

એક પ્રસિધ્ધ વાત છે કે સ્ટેશનનાં ડબ્બામાંથી ઘા થઈને પડેલા માણસ, નામે મોહન, જ્યારે ઊઠે છે ત્યારે મહાત્મા થઈને ઊઠે છે. જ્યારે આજે આપણે અનેકવાર પડીએ છીએ અને ધૂળ સાથે આત્મા ખંખેરીને ઊભા થઈ જઇએ છીએ.

માનવ બધા જ હોય છે પણ મહામાનવની ભૂમિકા તો ખુદે જ બાંધવી રહી અને ભારત વર્ષમાં જન્મેલો આ મહામાનવ જે ભારતનાં શહેરોના રસ્તા પર હજુ પણ લાઠી લઈને ઊભો છે, હજુ એ થાક્યો નથી, હજુ પણ એના નામનાં રસ્તાને એમ .જી રોડ તરીકે ઓળખવામા આવે તો એને કોઈ જાતનો વાંધો નથી આવતો. હજુ એ સ્કૂલોમાં ,જાહેર સંસ્થાનોમાં છબી બનીને લટકે છે. એમાં પણ એ તો બોખા મોઢે હસ્યા જ કરે છે. હજુ કોઈ જગ્યાએ એની પીઠ પાછળ માળા બંધાય છે, ને સુકાયેલાં ફૂલોનો ભાર લાગે તો પણ એ કોઈને કઈ જ ફરિયાદ કર્યા સિવાય બસ જોયા જ કરે છે જોયા જ કરે છે …………!

-- હેમલ દવે


મધ માગે મુજથી
[કવી: ભા.રા.તાંબે]
..

मधु मागसि माझ्या सख्या परी
मधुघटचि रिकामे पडती घरी !.

મધ માગે છે મુજથી મારા મિત્ર-સખાઓ
પણ ખાલી થઇ ગયો છે હવે તો, મધપુડો મારો.
..
.

आजवरी कमळाच्या द्रोणीं
मधु पाजिला तुला भरोनि,
सेवा ही पूर्वीची स्मरोनी,
करी न रोष सख्या दया करी !.

કમળ-પત્રના વાસણમાં ભરી ભરીને
મધ પીવડાવ્યું છે મેં તમને આજ સુધી,
સ્મરણમાં રાખી મારી આ સેવા
રિસાઓ ના મુજથી, રહેમ કરો હવે..
..
.

नैवेद्याची एकच वाटी
आता दुधाची माझ्या गाठी,
देवपुजेस्तव हि कोरांटी,
बाळगी अंगणीं कशी तरी !.

ઈશ્વરને નૈવેદ્ય ધરવા માટેની
બસ એક વાટકી દુધની, વધી છે મુજ પાસ
દ્દેવ-પૂજા માટે આંગણ-બગીચામાં બસ્સ..
કોરાંટીના [જંગલી] ફૂલો વધ્યા છે જેમતેમ..
..
.

तरुण-तरुणिंची सलज्ज कुजबुज,
वृक्षझर्यांचे गूढ मधुर गुज,
संसाराचे मर्म हवे तुज,
मधु पिळण्या परि बळ न करीं !.

અરે દોસ્તો, જગતનાં ગુઢ રહસ્યો,
ને મર્મ આ સંસારનો, જાણવો-સમજવો હોય જો, તો
સમજાશે તે તમને, યુવા-યુવતીઓના
પ્રેમાળ-શરમાળ સંવાદોમાં, વનમાં ગુજ-ગોષ્ટી કરી
વહેનારા ઝરણાઓમાં, ન દોડો તમે એટલે
ફક્ત શબ્દોની પાછળ પાછળ હવે..
..
.

ढळला रे ढळला दिन सखया
संध्याछाया भिवविति हृदया,
आता मधुचे नाव का सया ?
लागले नेत्र हे पैलतिरीं !.

દિવસ ઢળવા લાગ્યો છે મિત્રો
સંધ્યા-કાળના કાળા ઓળા ડરાવી રહ્યા મને
મધનું રટણ શીદ કરો હજી
નેત્રો મારા તો પેલે પાર હવે
તાકવા લાગ્યા છે, સમજો જરા..!
.

આ અતિ સુંદર કવિતા મરાઠી ભાષાના પ્રખ્યાત કવિ 'ભા.રા. તાંબે'ની લખેલી છે. કવિ ભાસ્કર રામચન્દ્ર તાંબેનો જન્મ ૨૭ નવેમ્બર ૧૮૭૪ના દિવસે ગ્વાલિયર રાજ્યના મુગવલી ગામે થયો હતો. સન ૧૮૯૩માં અલ્હાબાદ યુનીવર્સીટીમાં હાઈ-સ્કુલ મેટ્રિકની પરીક્ષા પાસ કરીને, તેમણે ભાવ-શિક્ષણ માટે દેવાસ રાજ્યમાં નોકરી કરી લીધી. નોકરીમાં પ્રગતિ કરતા કરતા તેઓ દેવાસના રાજાના અંગત સચિવ [પર્સનલ સેક્રેટરી] બની ગયા. તે પછી તેઓ ગ્વાલિયર રાજ્યમાં સ્થાયી થયા અને આજીવન એટલે કે મૃત્યુ [૭ ડીસેમ્બર ૧૯૪૧] સુધી ત્યાં જ રહ્યા. આ જ રાજ્યમાં તેમને 'રાજ-કવિ'ની પદવી અને માન-સન્માન પ્રાપ્ત થયા. ૧૮૯૦ થી ૧૯૪૧ના સમયગાળામાં તેમણે લગભગ ૨૨૫ કવિતાઓ લખી. .

'ભાસ્કર રામચન્દ્ર તાંબે યાંચી કવિતા' અને 'તાંબે યાંચી સમગ્ર કવિતા' નામના પુસ્તકોમાં તેમની કવિતાઓ સંગ્રહિત છે. તે ઉપરાંત પ્રખ્યાત પાર્શ્વ-ગાયિકા આશા ભોસલે અને લતા મંગેશકરે પોતાના મધુર કંઠ આપી તેમની અનેક કવિતાઓને અમર બનાવી દીધી છે.
તાંબે-સાહેબની અનેક કવિતાઓ પતિ-પત્નીના અસીમ પ્રેમ ઉપર લખાયેલ છે, કે પછી પ્રકૃતિના વર્ણન, નિસર્ગની પ્રસંશા પર આધારિત છે. તદુપરાંત સ્ત્રીઓ માટેની તેમની સહાનુભુતિ પણ તેમની અનેક રચનાઓમાં છલકાતી દેખાય છે. .

ઉપર આપેલ આ કવિતા પણ તેમની કાવ્ય-પ્રતિભાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ કવિતા તેમની કેટલીક છેલ્લી કવિતાઓમાંથી એક છે. જયારે તેમની વૃદ્ધાવસ્થામાં તેમનાં રસિકોએ વધુ કવિતા લખવાની માંગણી કરી, ત્યારે તાંબે-સાહેબે આ તેમની છેલ્લી કવિતા લખી હતી, કે જેનો ભાવાર્થ કંઇક એવો થાય છે:-
.

હે મિત્રો,
તમે મારી પાસે કાવ્યરૂપી મધની માંગણી કરો છો, પણ મારી કલ્પના-શક્તિ તો હવે ખૂટી ગઈ છે. આજ સુધી મેં તમને અનેક કવિતાઓ આપી છે. તો મિત્રો, મારી આ સેવાને ધ્યાન-સ્મરણમાં રાખીને મુજથી હવે રીસ ન કરો, બસ દયા કરો.
હવે તો બસ.. ઈશ્વરની પ્રસંશા-પ્રાર્થના કરવા જેટલા જ શબ્દો, તેટલી જ કાવ્ય-શક્તિ મારી પાસે બચી છે, અને તે મેં ફક્ત દેવપૂજા માટે જ બાકી રાખી છે.
કવિતાના શબ્દોમાં સંસારનો મર્મ શોધવાને બદલે યુવા સ્ત્રી-પુરુષોના અસીમ-પ્રેમમાં કે પછી પ્રાકૃતિક સૌન્દર્યમાં તમને એ વધુ સારી પેઠે સમજાશે, તો હવે તમે ચોપડીમાંથી મુખ બહાર કાઢી, તે તમારી આસપાસ શોધો.
હવે જીવન સંધ્યા આવી ગઈ છે ને મૃત્યુના કાળા પડછાયાના એંધાણ વર્તાઈ રહ્યા છે, તો આવે વખતેય તમે મારી પાસે કવિતા આપવાનું રટણ ન કરો, કારણ મારી નજર તો પરલોક તરફ તાકીને બસ હવે..મૃત્યુની વાટ જોઈ રહી છે. .
.

અસ્તુ...
.

ભાવાનુવાદ: શ્રીમતી સઈ કરંદીકર
ભાષાંતર: અશ્વિન મજીઠિયા

Top of Form

Bottom of Form


ઈટાલીયન નગ્ગેટ્સ

.

સામગ્રી:
૧ મકાઈના દાણા [અધકચરા]
૪ બાફેલા બટેટા
૩ કેપ્સીકમ [લાલ, લીલા, પીળા], બારીક સમારેલા
૨ કાંદા [ડુંગળી], બારીક સમારેલા
૭/૮ કળી લસણની, બ્રોસોલી
૨૦૦ ગ્રામ મકાઈના પૌવા, કોર્ન-ફ્લોર, મેંદો, મીઠું, મરી, orageno, peprika, આદુ-મરચાની પેસ્ટ, ચીઝ [મોઝરેલા], બટર

રીત:

સૌ પ્રથમ મકાઈના પૌવાનો પાવડર કરીને બાજુમાં રાખો. ચીઝ ખમણીને ફ્રીઝમાં મુકો. પછી બટેટા છોલીને એક વાસણમાં સ્મેશ કરો. તેના પર ૪ ચમચી કોર્ન-ફ્લોર નાખો.
પછી ફ્રાઈ-પેનમાં ૩ ચમચી બટર લ્યો. તેમાં લસણ, કાંદા, આદુ-મરચાની પેસ્ટ સાંતળો. થોડા ગુલાબી થાય એટલે ૩ કેપ્સીકમ અને છેલ્લે બ્રોસોલી નાખો. હલાવતા રહેવું. છેલ્લે મીઠું, મરી, ૨ ચમચી orageno અને ૨ ચમચી peprika નાખો.
આ બધું મિશ્રણ વધારે ચડવા દેવું નહીં. ઠંડુ કરીને બટેટાના મિશ્રણમાં ભેગું કરવું. છેલ્લે ચીઝ નાખી ચપટા ગોળા તૈયાર કરવા.
હવે પાંચ ચમચી કોર્ન-ફ્લોર અને પાંચ ચમચી મેંદો લઇને સ્લરી [ભજીયા કરતા ય થોડી પાતળી પેસ્ટ] તૈયાર કરવી. તેમાં ગોળા ડુબાડી મકાઈના પૌવાના ભૂક્કામાં રગદોળવા. પછી તેલમાં તળીને ચીલી-સૉસ સાથે પીરસવા. ખુબ જ સ્વાદિષ્ટ લાગશે.

.

-- રૂપા ભાયાણી
.

વેકેશન-સ્પેશીયલ
.

'બાળપણ' આપણા સહુનો પ્રિય એવો આ શબ્દ. કેવું સારું થાય જો આપણે આપણી જાદુઈ વોન્ડ ફેરવીને ફરી બાળપણમાં જઈ શકતા હોઈએ? હવે એ તો કદાચ હેરી પોટર માટે પણ શક્ય ન હોય તો પછી આપણું બાળપણ ફરી એકવાર મેળવવાનો કોઈ ઉપાય ખરો?

ખરો જ ને.. આપણે કુદરત એક એવી ભેટ આપે છે કે જેથી આપણે ફરી આપણું બાળપણ જીવી શકીએ. એ ભેટ એટલે આપણું સંતાન. હા, ગર્ભમાં બીજ રહે ત્યારથી એક યુવતી તો માતા બની જ જાય છે, પણ પુરુષને કદાચ એ સમયે પોતાની જવાબદારીનું હજુ ખાસ ભાન થયું હોતું નથી. એકવાર જયારે તે પોતાના સંતાનને પોતાના ખોળામાં લે છે બસ, એ સમયે તેને એક પ્રાઉડ સાથે જવાબદારીનો પણ અનુભવ થાય છે. અત્યાર સુધી પહેલી તારીખે આવતો પગાર ૨૦ તારીખ સુધી વાપરી નાખતો યુવાન પોતાના મોજ-શોખ ઓછા કરીને પણ SIP કે ચાઈલ્ડ પોલીસીનું ગણિત સમજવા લાગે છે. ધોરણ ૭માં ઓપ્શનમાં કાઢેલું ચક્રવૃદ્ધિ વ્યાજ આજે ફાઇનાન્સ એડવાઇઝર પાસે જઈ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટને નામે ફરી ‘ભણે’ છે. ચાલો એ તો જરૂરી પણ છે, તો, એ ફાઇનાન્સિયલ પ્લાનિંગ તો થઇ ગયું.. પછી? પછી યાર એન્જોય કરો તમારા પોયરાઓ સાથે.

પિતા બન્યા એટલે ફક્ત જવાબદારી લઈને ફરે રાખવાનું? આવનારા વર્ષોના ઇન્ફલેશનની ચિંતા કરી વધુ કમાયા રાખી વધુ રૂપિયા બચાવતા જવાના? બાળકના ભવિષ્યની ચિંતા કરી વર્તમાનમાં તેને બાપના સુખ કે સ્પર્શથી વંચિત રાખવાનો? નહીં, જરા પણ નહીં. ફરી યાદ કરો તમારા સંતાનનો જન્મનો દિવસ, હા, જે દિવસે તમે તેની નાનકડી આંગળી પકડી તેની ખુલ બંધ થતી આંખોમાં આંખો મિલાવી ત્યારે તમારે જવાબદારી સાથે બીજુ શું આવ્યું? બસ, આવી ગયું આપણું બાળપણ પાછું.
તેનું પહેલું બગાસું, તેની પહેલી હેડકી(વધણી), તેનું પહેલું રુદન, તેનું પહેલું ધાવણ, તેની આંગળીની પકડ, તેની પહેલી લાતો (પપ્પા માટે તો પહેલી જ ને વળી), તેની પહેલી કાલી ઘેલી બોલી, વિગેરે જેવી કેટલીય ઘટનાઓના સાક્ષી થવું એ તમારા માટે તો એ સમયે દુનિયાની સહુથી ખુશીની ક્ષણો હોય છે. અહીંથી જ એક બાપ સાથે તમારી અંદર એક બાળકનો પણ જન્મ થાય છે.
તમે ધારો તો તેની સાથે વિતાવેલી એક એક ક્ષણ તમને તમારા બાળપણની યાદ અપાવવા સાથે તમને કૈક નવું જ શીખવી શકે છે. જો બાળક ૩ વર્ષથી નાનું હોય તો તેને ગેમ્સ, ટીવી કે કોમ્પ્યુટર કરતા આઉટડોર ગેમ્સ વધુ ગમશે જોકે તેને ગેમ્સ તો ના કહી શકાય.. પણ પાણીમાં કલાકો સુધી છબછબીયાં કરવા.. માટીને ભીની કરી તેમાંથી કઈ વિચિત્ર બનાવવાની કોશિશ કરવી, રેતીમાં આળોટવું (અને હા ક્યારેક એ રેતી ચાખી પણ લેવી જ). આ બધી પ્રવૃતિઓમાં બહુ હાઇજીનની ચિંતા કર્યા વિના આપણે પણ જોડાઈ જવું જોઈએ. પ્રકૃતિ પાસેથી જ તેને વધુ શીખવા મળશે.
જો બાળક ૩ વર્ષથી ૮ વર્ષ સુધીનું હોય તો તો એ તમારી માટે ગોલ્ડન પીરીયડ છે. કેમકે હજુ તેઓમાં થોડી માસુમિયત બચેલી હોય છે. આ ઉમરે જ તમે તેમની સાથે વિવિધ ગેમ્સ રમતા ઘણી મોજ કરી શકો છે. ઇન્ડોર ગેમ્સ જેવીકે સાપ સીડી, લૂડો, કેરમ (ઓહ! માય ફેવરીટ), ચેસ (આવડતી હોય તો.. મારી જેમ સ્પોર્ટ્સ શુઝ પહેરીને રમી શકો. જો ન આવડતી હોય તો જ) જેવી કેટલીય જૂની રમતો તમે રમી તેને શીખવી પણ શકો અને ખુદ પણ શીખી શકો . પણ હજુ આ ઉમરે બાળકોને બહાર મેદાનમાં રમવાની ખુબ મજા આવતી હોય છે. ક્રિકેટ તો એ લોકોની હજુ પણ ફેવરીટ છે. પણ ક્રિકેટ સિવાય પણ ખુબ બધી ગેમ્સ છે જે તે લોકો એન્જોય કરે, બસ તે લોકોને ફક્ત ફીઝીકલ વર્ક અને તમારો સમય જોઈએ. આપણા સમયની નદી પર્વત કે સાંકળ (જેને તેઓ ‘ચેઈન ચેઈન’ નામથી ઓળખે છે), હાઇડ એન્ડ સીક કે પકડમ પકડી (પકડ દાવ), જેવી રમતો તેમની સાથે રમવાથી સાચું માનજો તેઓ તોમોજમાં આવી જ જાય છે પરંતુ આપણે પણ આપણું બાળપણ યાદ આવી જાય છે. અને, વરસાદ.. આહાહા.. વરસાદમાં કાગળની હોડી બનાવી પલળવા નીકળી જવાનું. હા, આપણે પાછુ ભીડે માસ્ટરની જેમ “હમારે જમાનેમેંની” પીપુડી વગાડી નહિ બેસી રહેવાનું, ખરી મજા તો એ લોકોની આજકાલ જે ટ્રેન્ડમાં ચાલતી હોય તે રમતો રમવામાં છે.

હા, આ ૩-૪ વર્ષની ઉમરે જ તેઓ પેન્સિલ પકડતા શીખે છે (આપણે ૫ કે ૬ વર્ષે ચોક કે પાટી-પેન હાથમાં લેતા, પુઅર કિડ્સ) તો તેઓને આખા ઘરમાં કે દીવાલો પર કે કબાટ પર કે જ્યાં ચોખ્ખી જગ્યા દેખાય ત્યાં આડા અવડા લીટા કરવાની મજા પડે છે. તેઓને ખીજાયા વિના સમજાવીને તેજ લીટા પેજ પર કરવા મનાવવાના.. હા, આ ઉમરે જ તેઓનો સેલ્ફ ઈગો પણ ડેવલોપ થઇ ગયેલો હોય છે, કોઈની પણ સામે તેમને ટોકવામાં આવે તો તેમના આત્મવિશ્વાસ પર તરત અસર પડતી હોય છે, તો બની શકે કે ભવિષ્યમાં બની શકતો એક નામી ચિત્રકાર ફક્ત તમારી ખીજથી આપણે ખોઈ બેસીએ. તેઓની આ જ તો ઉમર છે, ધમાલ મસ્તી કરવાની. તેઓને થોડી છૂટ આપી જ શકીએ, બીલીવ મી, અત્યારે દીવાલ પરના જે લીસોટા તમને ધબ્બા લગતા હોય તે ૨-૫ વર્ષે જયારે ઘરને કલર થઇ જશે અને બીજા ૨-૫ વર્ષે તે હોસ્ટેલ ભણવા ચાલ્યો જશે ત્યારે એજ ખાલી દીવાલ તમને ખાવા દોડશે. એટલે પછી પસ્તાવા કરતા અત્યારે તેમને તેમની મરજીથી કશુંક કરવા દઈએ.

જો આ બાળક છોકરી હોય તો તો આહાહા.. બાપને તો જલસે જલસા.. દીકરી જેટલું વ્હાલ બાપને કોઈ નથી કરતુ આ દુનિયામાં.. થોડી જ મોટી થાય એટલે માની જેમ રીતસરની તતડાવે. જો ઓફિસથી આવવામાં મોડુ થાય તો, અને જો ભરેલું ટીફીન પાછુ આવ્યું તો તો સમજો બાપનું આવી જ બન્યું. આ દીકરી સાથે ઉપરની રમતો ઉપરાંત ઘરઘર જેવી મસ્ત રમત પણ રમી શકાય. તેની ઢીંગલીને કપડા પહેરાવી મસ્ત માથું ઓળવામાં તેની મદદ કરી શકાય. દીકરીઓ તો દોસ્તો, માત્ર મા-બાપના સમયની જ ભૂખી હોય, જો તેમની પાસે અડધો કલાક પણ શાંતીથી બેસીએ તો તેમની વાતો તો ખૂટે જ નહિ. ૩ વર્ષની દીકરી ૩૩ વર્ષના બાપને એ અડધા કલાકમાં તો કેટલું શીખવી જાય.

તો, મિત્રો, જો તમે તમારા બાળકોને થોડો પણ સમય આપી તેમની સાથે રમશો તો તમે ચોક્કસ તમારૂ બાળપણ અને તેની યાદો પાછી મેળવી જ શકશો. હા, તે ઉપરાંતના ફાયદા બતાવું? તમારા બાળકમાં રમતા રમતા તમારા પ્રત્યે લાગણી બંધાશે, રમતમાં હારજીતનું મહત્વ સમજાશે, તમે ઉદાહરણ સેટ કરશો તો ખેલદિલી કોને કહેવાય તે ખ્યાલ આવશે, તેની અને તમારી બંનેની ફીઝીકલ ફિટનેસ ઈમ્પ્રુવ થશે, રમત દ્વારા જ બાળકોમાં કોન્ફિડન્સ ડેવલોપ થતો હોય છે તો એ પણ નફામાં.

હા, જો બાળકો હજુ વધુ મોટા(ટીન એઈજના) થઇ ગયા છે તો? તો શું, તો પણ તમે તેની સાથે રમી શકો, પ્લે સ્ટેશન કે સ્વીમીંગ પુલ, બાઈક રેસિંગ કે માઉન્ટેન ક્લાઈમ્બીન્ગ કઈ પણ તમે કરી શકો છો તેની સાથે.પરંતુ યસ, હવે એ બધું તેની સાથે મિત્રભાવે કરવાનું. તેની સાથે આપણી જૂની રમતો નહિ પણ તેની નવી રમતો કે સાહસોને પ્રોત્સાહન આપી આપણે પણ સાથે જ જોડાવાનું.

તો મિત્રો, હવે બાળકોના આ વેકેશનમાં તમે ઓફિસેથી થાક્યા પાક્યા આવો અને દીકરો કે દીકરી બેટ લઈને આવે તો ચિડાયા વિના તમારા બાળપણમાં ચાલ્યા જજો.

-નિમિષ વોરા

મંગળી

મારા કાકા, કે જે અમદાવાદમાં રહેતા હતા અને જેમનું અવસાન થયું હોવાથી મારી બાએ મને મોકલી. કારણ એટલું જ, કે કાકા સમાજ-સેવક હતા, તેથી ઘણા બધા માણસો તેમની સાદડીમાં આવશે. એમાં જો કોઈ સાથે મારો મેળ પડી જાય -આ ગણતરી હતી.
બાના શબ્દોમાં કહું તો, 'મંગળી છે ને...એટલે જલ્દી ઠેકાણું પડતું નથી, લગનનું. જો ત્યાં કોઈ મળે તો સારું..!
માનું દિલ પણ કેવું? જવાનું સાદડીમાં, ને મેળ કરવાનો લગનનો. મંગળી એટલે મંગળ દોષવાળી.
ખેર, સવારની ગુજરાત એક્ષ્પ્રેસના મહિલા ડબ્બામાં માંડ માંડ ચડી અંદર ઉભી રહી. સુરતી ગાળો, ચરોતરી ઉખાણા-કહેવતો ને કાઠીયાવાડી અપશબ્દોની રમઝટ વચ્ચે ગાડી ચાલતી રહી.
વિરાર સુધી બધું ચાલ્યું. પછી બધું શાંત પડી ગયું. ને બધાએ પોતપોતાના ડબ્બા ખોલીને નાસ્તો કરવાની શરૂઆત કરી. પેલા ચરોતરી માજીએ મને પણ ઢેબરા ધર્યા.
મેં ના પાડી. ત્યારે કહ્યું- "ખાઈ લે દીકરી. જીંદગી જીવવા ખાવું તો પડે જ. આય.. અહીં આય. આ મારા પોટલા પર બેસ. જુઓ બુનો, બિચારી દુઃખિયારી છે. નાનપણમાં વિધવા થઇ ગઈ. જેવી ભગવાનની મરજી. પણ ખાધા વગર થોડું ચાલે?"
મેં મનમાં વિચાર્યું- "માર્યા ઠાર. હજી તો વર શોધવાનો બાકી છે, ત્યાં તો આ માજીએ મારા બનનારા પતિનું ઉઠમણું તો ઠીક, બારમું-તેરમું પણ કરી નાખ્યું. હસવું કે રડવું સૂઝતું જ નહોતું. પણ જગ્યા પર બેસવા મળે ને ખાવા મળે એટલે મેં મૌન સેવ્યું. પછી તો બધા જાણે સગા હોય એમ મને આગ્રહ કરીને નાસ્તો આપ્યો. મને પણ ખરેખર ભૂખ લાગી જ હતી. વળી તેમના કહેવા પછી મને ખ્યાલ આવ્યો, કે કાકાના ઉઠમણામાં જવા સફેદ સાડી પહેરી હતી અને સવારમાં ઉતાવળમાં ચાંદલો ને બંગડી પહેરવાનું ભૂલી ગયેલી એટલે...
પછી તો બધા હસીખુશીથી વાતો કરવા લાગ્યા. ઘડી પહેલાની લડાઈ-ઝઘડાની કોઈને યાદ નહોતી આવતી. દરેક પોતાના પતિના નિંદા-વખાણ કરતી હતી.
માજીએ પૂછ્યું, "દીકરી તારો ધણી.."
હવે ડોળ કરવો જરૂરી હતો. આંખમાં આંસુ સાથે હું ચુપ રહી.
"હશે..! કંઈ નહીં બેટા. સંસારમાં તો ચલા કરે." -માજી બોલ્યા- "અને બેટા, તારી ઉમર તો હજી નાની છે. જમાનો પણ બદલાયો છે. તું જરા વિચાર કરી લે અને પાછા લગન કરી લે. આખી જીંદગી આમ એકલા કાઢવી બહુ કઠીન કહેવાય. કંઈ છૈયું-છોકરું..?"
મેં માથું હલાવીને ના પાડી.
“બસ ત્યારે, કોઈ બીજવર તને મળી પણ જાય."
અરે..! હજી તો પંથવર શોધવાનો હતો, ત્યાં બીજવર..? પણ હું ચુપ રહી. ગંભીર રહી. છૂટકો જ નહોતો. પછી તો વિવાહ-લગ્ન, વિધવા-વિવાહ વગેરેની વાતો શરુ થઇ. વલસાડ આવતા તો બધાની સહાનુભૂતિ મળતી રહી. સુરત આવતા સુરતી બહેન ઉભા થયા અને બધાને પોતાનો ફોન નંબર આપી સુરતનો પોંક અને ઘારી ખાવાનું આમંત્રણ પણ આપ્યું. કદાચ ભારતીય સ્ત્રીઓ લાંબો સમય મનની ગાંઠ પકડી રાખતી નથી. બધું ભૂલી, સાથ-સહવાસ મેળવી લે છે. અને એટલે જ લગ્ન-જીવન જલ્દી તૂટતું નથી, એવું મને લાગ્યું.
વડોદરાવાળા અભિમાની બેન કંઈ બોલ્યા વગર વડોદરા ઉતરી ગયા. હવે ડબ્બામાં ભીડ ઓછી હતી. માજીએ પોતાની બાજુમાં બેસાડીને કંઈ કંઈ બોલતા રહ્યા. નડિયાદ આવતા તેમણે મને ફોન નંબર આપી કહ્યું, "જરૂર આવજે નડિયાદ. મઠીયા, ઊંધિયું અને ચવાણું ખવડાવીશ. તું કહીશ તો તારા લગનનો યે જોગ કરી દઈશ. મારી બહુ ઓળખાણ છે."
તેમના ગયા પછી હાશકારો અનુભવ્યો. અમદાવાદ કાકાના બેસણામાં તો કોઈ મેળ ન પડ્યો, ને વળતા ટીકીટનું રિઝર્વેશન હતું. એટલે કંઈ વાંધો ન આવ્યો. બા નિરાશ થઇ ગયા હતા. પેલા જ્યોતિષ કંઇક પૂજા કરવાનું કહેતા હતા. પણ હું મક્કમ હતી. મેં ના પાડી.
પણ આખરે નસીબનું પાંદડું હલ્યું. મારી સાથે કામ કરતી મરાઠી મુલગી સુનીતાનો એક કઝીન તેને મળવા ઓફીસ આવ્યો. સુનીતાએ મને કહ્યું, "બઘ. હે નવીન આહે. લગ્ન નાહી ઝાલે અજુન. તુઝં આણી ત્યાચં જમલં, તર ફાર બરં હોઈલ. મી ઝાતે કેન્ટીન મધે. તુમ્હી દોઘં ગોષ્ટી કરુન ઘ્યા. સમજલં ન વિનીતા..?"
હું વિમાસણમાં પડી ગઈ. નવીન બહુ સરળ, મજાકિયા અને વાતોડિયા હતા, એટલે મારી મૂંઝવણ તેમણે જ દુર કરી.
'મને થોડું થોડું ગુજરાતી આવડે છે. વાંદરામાં ભણ્યો છું એટલે. હું મરીન એન્જીનીયર છું અને માલવાહક જહાજમાં કેપ્ટન છું. મારે મહિનો-બે મહિના સ્ટીમર લઈને જુદા જુદા દેશોના બંદરો પર જવાનું હોય છે. આટલો લાંબો સમય એકલા રહેવાનું કોઈને ગમતું નથી. એટલે મારો મેળ પડ્યો નથી..", -એમ કહી તે ખડખડાટ હસી પડ્યો.
મેં મારી 'મંગળી' હોવાની વાત કહી. એણે એ વાત હસવામાં કાઢી નાખી અને પેલી કહેવત પ્રમાણે 'બાઇને કોઈ લેતું નહોતું, ને ભાઈને કોઈ દેતું નહોતું' એ રીતે અમારી વાત પાકી થઇ અને બંનેના ઘરના માણસો વચ્ચે બહુ સાદાઈથી અમે લગ્ન કરી લીધા.

નવીન ખરેકર બહુ સાલસ માનવી છે. ક્યારે ય ગુસ્સો ન કરે. શાકમાં મીઠું ભૂલાઈ જાય તો હસતા હસતા કહે- "બરં ઝાલં. તું મીઠું ભૂલી ગઈ તે. આમે ય દરિયાના ખરા પાણીમાં રહીને હું ખારો જ થઇ ગયો છું. થોડી મીઠાશ વધશે.' -ને હસી પડે.
તે એક મહિનાની રાજા સાથે આવ્યા હતા. એ રંગીન દિવસો ક્યારે પુરા થઇ ગયા ખબર જ ન પડી. અને એમના જવાનો સમય પણ આવી ગયો. મને કહે- "રડવાનું નહીં. આપણે સમજીને તો લગ્ન કર્યા છે. પરિસ્થિતિ સાથે સમાધાન કરવાનું."
પછી તો ક્રમ શરુ થઇ ગયો. કોઈકવાર પંદર દિવસ તો કોઈકવાર મહિનો બે મહિના સ્ટીમર લઈને તેઓ જાય. પાછા આવે ત્યારે એવી પ્રેમતરબોળ કરી દે, કે એ લાંબા એકલતાના દિવસો ભુલાઈ જાય. આમ ને આમ ચાર વરસ પુરા થઇ ગયા.
આ વખતે એમને સ્ટીમર લઇ ઠેઠ લંડન જવાનું હતું. બે ત્રણ કે ચાર મહિના લાગવાના હતા. હું થોડી ઉદાસ હતી. પણ છતાં સ્મિત સાથે મેં તેમને વિદાય આપી. આટલો લાંબો ગાળો પસાર કરવો મુશ્કેલ હતો, એટલે હું થોડા દિવસ પૂનામાં રહેતા મારા સાસુ-સસરા પાસે જઈ આવી. થોડા દિવસ બા સાથે રહી. બેચાર દિવસ સુનીતાને ત્યાં ગળ્યા. એમ મહિનો તો પૂરો થઇ ગયો. પણ પછી....? હજી તો લાંબા બે મહિના પસાર કરવાના હતા. શું કરું? કાગળ લખવા બેઠી. હા, અમે નક્કી કર્યું હતું કે બંનેએ કાગળ લખવા. એ મરાઠીમાં લખે અને હું ગુજરાતીમાં. અંગ્રેજીમાં બિલકુલ નહીં. પછી એક કવરમાં રાખી મુકવાના. એ આવે ત્યારે બપોરના સમયે બંને એકબીજાના કાગળો વાંચીએ અને હસીએ. પણ આ વખતે માણ્યે કાગળ લખવાનું મન થયું નહીં. હું વિચારોમાં ખોવાતી હતી. વળી કંટાળો એટલે છાપું વાંચવા માંડ્યું અને એ વાંચતા જ મન દુવિધામાં પડી ગયું. ત્રણ ચાર દિવસ પછી તો 'વેલેન્ટાઇન ડે', સહુ પોતપોતાના પેમલા-પેમલીને ફૂલ આપશે. મળશે. આનંદ કરશે. પણ હું મારો વેલેન્ટાઇન ડે તો નહીં મનાવી શકું.
બસ ન જાણે કેમ મનમાં થયા કર્યું. કંઈ ચમત્કાર થાય અને એ આવી પહોચે તો કેવું સારું. પણ હજી તો પુરા બે મહિના બાકી છે. હા, ગઈકાલે એમણે ફોનમાં કહ્યું હતું, "વિનિતા, આ વર્ષે પણ 'વેલેન્ટાઇન -ડે' આપણે અલગ અલગ રહીને જ મનાવવો પડશે. મેં મોહિતને કહ્યું છે- એ તને ફૂલવાલાને કહીને તને ફૂલનો બુકે મોકલાવશે મારા તરફથી, હમેશની જેમ. મને તો આવતા હજી... "
હું રડી પડી હતી. એમણે પૂછ્યું તો કહ્યું- "તબિયત નથી સારી, જરા તાવ આવે છે, પણ એક બે દિવસમાં સારું થઇ જશે. માંદગીમાં તો પોતાનું માણસ નજીક હોય એવી ઈચ્છા થાય ને..!"
એમના અવાજમાં ચિંતા હતી -"વિનિતા, ગભરા નહીં, મોહિતને ફોન કરું છું. તેનો ફમિલી ડોક્ટર આવીને તને જોઈ જશે, બધું સારું...
"ના, ના, તમે ડોક્ટરને ન મોકલાવશો. એકાદ દિવસમાં સારું થશે તો હું જ મોહિતભાઈને મળી આવીશ. તેમના પત્નીને મળીને મને ગમશે.," -મેં કહ્યું- "જરાય ચિંતા ન કરતા."
મોહિતભાઈ નવીનના ખાસ મિત્ર હતા. મુંબઈમાં તેમનો મોટો હાર્ડવેરનો બીઝનેસ હતો.
અને આખરે 'વેલેન્ટાઇન-ડે' આવી ગયો. સવારથી હું તેમના બુકેની રાહ જોઈ રહી હતી. પણ મનમાં થતું કે, કાશ, એ પોતે જ આવી જાય તો..! પણ પછી હકીકતનું ભાન થતા હું નિરાશ થઇ જતી. એટલામાં ડોરબેલ વાગી. હું ઝડપથી ઉઠીને બારણું ખોલવા ગઈ.
"લાવો બુકેવાળા-ફૂલવાળા ભાઈ, મને આપો. તમને પણ શુભેચ્છા. ક્યાં સહી કરવાની છે?" -મેં કહ્યું, તો મોટો ફૂલનો બુકે પોતાના મુખ પરથી ખસેડીને નવીન બોલ્યા- "જો અહીંયા કરવાની છે," -એમ કહી તેમને દિલ પર ઈશારો કર્યો.
હું પાગલની જેમ તેમને વળગી પડી. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ખરેખર, આ તો તો ચમત્કાર જ હતો. પછી અમે ઘરમાં ગયા. તેમની આંખોમાં પણ હર્ષાશ્રુ હતાં.
"પણ, તમે કેવી રીતે?" -આશ્ચર્ય સાથે મેં પૂછ્યું.
બસ, એમ જ. લગ્ન પછી પહેલી વાર ચાર વર્ષે પણ, આપણો વેલેન્ટાઇન-ડે સાથે ઉજવીએ એટલે...અને સાંભળ, હું તો બે ત્રણ દિવસ પહેલા જ આવી ગયેલો. હકીકતમાં હું ઓફીસમાં જ હતો. બધી પ્રક્રિયાઓ પૂરી કરીને જ આવ્યો. હવે મેં જહાજના કપ્તાનની નોકરી છોડી દીધી છે, અને હવે અહીની મરીન એન્જીનીયર કોલેજમાં પ્રોફેસરની નોકરી લીધી છે. એટલે હવે આપણે સાથે જ રહીશું. બસ..ફક્ત પાંચ છ કલાક કોલેજમાં."
"જાઓ તમારી સાથે બોલવું જ નથી. બે-ત્રણ દિવસ થયા અહીં આવ્યા છતાં એક ફોન પણ ન કર્યો, ને હું અહીં..."
"વિનીતા, સરપ્રાઈઝની પણ એક ઓર મજા હોય છે કે નહીં? તેં તે દિવસે તાવની વાત કરી એટલે હું અપસેટ થઇ ગયો. ઘણા વર્ષો એકલ જિંદગી વિતાવી અને ઘણા પૈસા પણ ભેગા કર્યા છે. હવે અલગ નથી રહેવું એ નિશ્ચય કર્યો છે. વળી ઇંગ્લેન્ડમાં બરફનું તોફાન આવવાનું છે, એવી ખબર મળતા અમે સ્ટીમરમાં જેટલો સામાન હતો તેટલો લઈને જલ્દીથી નીકળી પડ્યા, ને અહીં આવી ગયા. બરોબર કર્યું ને?"
હા કહી વેલેન્ટાઇન-ડેની શુભેચ્છાઓ આપી હું રસોડા તરફ વળી. દિવસો આનંદમાં પસાર થવા લાગ્યા. હું દરરોજ મનોમન પ્રાર્થના કરતી કે, 'હે મંગલ ભગવાન, તમે મને નડતા હતા કે હું તમને નડતી હતી તે ખબર નથી. પણ કદાચ તમારી કૃપાથી મને બહુ સારો વર મળ્યો છે. હવે સુખની કમી નથી. તમારે લીધે મારે રાહ જોવી પડી અને એટલે જ મને નવીન મળ્યા છે. ખુબ ખુબ આભાર તમારો. હું ખુશ છું.'
અને એક દિવસ હું બહુ સુંદર દીકરીની મા બની ગઈ. નવીન હોસ્પીટલમાં જ દીકરીને જોઇને ખુબ ખુશ થતા બોલ્યા- "આનું નામ પરી પાડીશું."
"ભલે, જેવી તમારી મરજી."
"પણ આજે હજી સુધી બા કેમ ન આવ્યા? રોજ તો સવારમાં જ કંઇક ઘરનો નાસ્તો લઈને આવી જાય. ગરમાગરમ ખવડાવે, ને આજે તો..બપોરના બે થવા આવ્યા. મને હોસ્પિટલનું ખાવાનું મળ્યું, તે ખાઈ પણ લીધું. હવે તમે જાઓ નવીન. કંઇક બજારમાંથી લાવીને ખાઈ લેજો, ને સાંજે પાછા આવજો."
નવીને જતા પહેલા દીકરીને ઉચકીને વ્હાલ કર્યું, ને ઉંચે ઉછળતા બોલ્યા કે- "મારી દીકરી તો પાઈલોટ બનશે. વિમાન ઉડાડશે. એટલે અત્યારથી જ હવામાં ઉછાળું છું."
"નહીં, નવીન, હજી તો માંડ પાંચ દિવસની જ છે. બિચારી ગભરાઈ જશે."
ત્યાં બા આવ્યા. મોઢા પર કંઇક ઉદાસી હતી.
"બા, કેમ મોડું થયું?"
"તમે લોકો તો કંઈ માનો નહીં, સમજો નહીં, પણ મારે તો કંઇક કરવું પડે જ ને. જ્યોતિષ પાસે ગઈ હતી. 'પ' અક્ષર પરથી નામ પાડી શકાય."
"જોયું? મારી દીકરી કેવી શાણી ને નસીબદાર છે. પપ્પાએ આપેલું નામ જ એણે ભગવાન પાસે પણ સ્વીકારાવ્યું."
"ના, એ નસીબદાર નથી. જરા પણ નહીં. કારણ માની જેમ દીકરી પણ મંગળી છે. હા, પરી પણ મંગળી છે, ને ભારે દોષવાળી. પૂજા કરાવવી પડશે."
હું ને નવીન ખડખડાટ હસી પડ્યા. [સમાપ્ત]

.

--સરલા શાહ

પ્રકરણ-૪

પાર્કીંગમાં બહુ જુજ મોટરકાર રહી ગઇ હતી. અમુક યંગ કપલ્સ ટુ વ્હિલર પર વિદાય ગોષ્ઠી કરતા હતાં. કોલેજિયન યુવાનોની હજુ પણ અવરજવર ચાલુ હતી. જે ટુંક સમયમાં પરિક્ષા કે પરિણામની ચાડી ખાતા હતા. તેમને જોઇને ત્રણ મિત્રોમાંથી એક ભરતે કટાક્ષ કર્યો."
યાર સુનિલ, આ શહેરીજનો આપણને ગામડીયાઓને અંધશ્રધ્ધાળુ કહેતા હોય છે. તો આ ભણેલા ગણેલા લોકો અંહિ શું કરે છે? ત્રણ કલાકથી હું આ કોલેજીયનોને જોઉં છું. આ ત્રણ કલાક ભણતર માટે મહેનત કરી હોત તો? ભગવાન તો પેપર લખવા નથી આવવાનાને? અને ભગવાને કયાં એવું કીધું છે કે મહેનત કરવાનુ છોડીને બસ મારી અર્ચના કરો. હું તમારું પેપર લખી આપીશ. અને જો આ લોકો પરિણામ માટે માથુ ટેકવા આવતા હોય તો.. એક વાત સ્પષ્ટ છે. તમે જો મહેનત બરાબર કરી હશે તો પેપરમાં અવશ્ય સારું જ લખ્યુ હશે. અને જે લખ્યુ હશે તેના માર્ક મળવાના જ છે. કંઇ મહેનત કર્યા વગર, કંઇ લખ્યા વગર તમે ભગવાન પાસે ઇચ્છા રાખો કે તમે ફર્સ્ટ કલાસે પાસ થઇ જાઓ તો, એ તો તમારી શહેરીજનોની ઘોર અંધશ્રધ્ધા જ કહેવાય ને?” -બોલકણો ભરત, જે ત્રણ કલાકથી ચૂપચાપ બેઠો હતો, તે હવે જાણે સરભર કરવા માંગતો હોય એમ સતત બોલવા લાગ્યો હતો- “અને આ રીતે તમે પેટીમાં પાસ થવા માટે દાન નાંખો છો, એ તો ભગવાનને લાંચ આપી કહેવાય ને? હજારો રૂપિયા આમ પેટીમાં પધરાવાય છે તેના કરતા આપણાં ગામડાઓમાં ઘણાયે ગરીબ છે, કે જે બે રૂપિયા ફી પણ નથી ભરી શકતા. પુસ્તક ખરીદવા અક્ષમ છે અને ભણવાની ભારોભાર ધગશ ધરાવે છે. તેવા છોકરાઓ પાછળ ખર્ચ કરી નાંખતા હોય તો? એક ભણેલો તેની સાત પેઢીઓ તારવાનો જ છે. આમ ભગવાનને લાંચ ધરવા કરતા કોઇના ભણવા પાછળ ખર્ચ કરે તો જરૂર પુણ્ય મળશે. પેલું શું કહો છો તમે યાર ભગવાનને અંગ્રેજીમાં?" "
લોર્ડ" -સુનિલે ચારેય મિત્રોમાંથી તે એકમાત્ર જાણકાર તરીકેની ટાપસી પુરાવી.
ગરમ થયેલુ એન્જીન પાછુ તરત જ ગતિ પકડી લે, તે રીતે ભરતની બોલકણી ગાડી છઠ્ઠા ગિયરમાં સડસડાટ દોડવા લાગી. અને મંદિર તરફ મોઢું કરીને નાસ્તિક ફીલ્મના અમિતાભ જેવી અભિનય મુદ્રા બનાવીને બોલવા લાગ્યો-"
મિ.લોર્ડ.....રોજ તારી પાસે કરોડો લોકો માથુ ટેકવવા આવે છે. રોજ તારા મંદિરોમાં કરોડો વાર ઘંટારવ થાય છે. લાખો મસ્જિદોમાં રોજ પાંચ વખત અઝાનોની બાંગ પોકારાય છે. લાખો દેવળોમાં રોજ સતત પ્રાર્થનાઓ થાય છે. તું તો જાણે જ છે કે તેમાં શહેરીજનો કરતા ગામડીયાઓની સંખ્યા વધુ જ હશે. કેમ કે મારા દેશમાં ગ્રામ્રીણ વસ્તી વધુ છે, એટલી તો તારા ફરિશ્તાઓ..તારા દુતોએ સાચી માહિતી તને પહોંચાડી જ હશે..! કેમ કે તું તો સાંભળતોય નથી અને જોતો પણ નથી. અને જો તું જોઇ શકતો હોય અને સાંભળી શકતો હોય, તો તો તું ભારોભાર અન્યાય કરે છે.
મિ. લોર્ડ, તારી અદાલતમાં ભારોભાર પક્ષપાત ચલાવવામાં આવે છે. તારામાં અમને મનુષ્યોને કેટલી અતૂટ શ્રધ્ધા છે કે અમારી દૂન્યવી અદાલતોમાં પણ સાચું બોલવા માટે ગીતા અને કુરાનનાં સમ લેવડાવાય છે. તારામાં અખુટ શ્રધ્ધા હોવા છતાં અમને કેમ સતત એવું લાગે છે કે તું ન્યાય કરતા અન્યાય વધુ કરે છે?. આ શહેરીજનો પોતાની મરજી મુજબ અઠવાડીયે કે મહિને એકાદ વખત તારા દરબારમાં પોતાની ફુરસદે હાજરી નોંધાવી જાય છે. જાણે કે તને લાંચ આપતા હોય તેમ આવક મુજબ તેઓ તારી પેટી ભરતા રહે છે. તું એમને સારામાં સારું જીવન ધોરણ, ઉચ્ચ કક્ષાનું શિક્ષણ, ઉચ્ચતમ સ્વાસ્થ સૂવિધાઓ, આ સુંદર રસ્તાઓ અને આ ઝળહળતી લાઇટો..!
મિ.લોર્ડ, કદીક તારા દુતોને..તારા ફરિશ્તાઓને અમારા ગામડાઓમાં મોકલ. એમને અમારી પરિસ્થિતી જોવાનું કહે. એમની પાસેથી ગામડાઓનો સાચો ચિતાર માંગ. ગામડાઓનો સાચો અહેવાલ સાંભળ. અમારી કોઇ સવાર તારી પૂજા વગર નથી પડતી. અમારા પડોશી રહીમચાચા અને એવા કેટલાયે મુસલમાનો વ્હેલી પરોઢે ઠંડી હોય કે વરસાદ હોય, અઝાનનો અવાજ સાંભળી મસ્જિદ તરફ દોટ લગાવે છે. ફાધર વિલિયમને શું તું રોજ સવારે પ્રાર્થના કરતા નથી જોતો? મંગુ ચ્હાવાળો રોજ સવારે ચ્હાની તપેલી ચઢાવીને કીટલીમાં ભરતા પહેલા કપ ભરીને તને ધરે છે. અમારા ઘરોમાં હાંડલા કોરા હોય, પણ હળ જોતરતા પહેલા શ્રીફળ અગરબત્તી કરીએ છીએ. બિયારણ અમે દેવુ કરીને લાવ્યા હોય તો પણ એ બિયારણનો ભોગ તને ધરીએ છીએ. અમે ખેતરોમાં શરીર ઓગાળી નાંખીએ છે. અને લહેરાતો પાક જોઇને આકાશ તરફ નજર માંડીએ છીએ. તારો પાડ માનીએ છીએ. પાક લણીને પહેલો તારો ભાગ અલગ તારવી લઇએ છીએ. તોયે મને તારી ટટળાવવાની વ્રુતિ સમજાતી નથી. પરસેવા વાટે શરીરનું બધું પાણી નીતરી જાય, આંખો તારા આકાશ સામે જોઇજોઇને સુકાઇ જાય ત્યારે તું વર્ષા મોકલે છે. અમારા ગળામાં માંડ થોડી ભીનાશ થાય ત્યાં તો અમારા તળાવો કોરા ધાખોર, અને કુવાના તળીયાઓ તું દેખાડી દે છે. અરે તને અમારા માટે પૂર્વાગ્રહ હોય પણ અબોલ જાનવરો સાથે તું કેમ અન્યાય કરે છે? આ જો અમારી હથેળીઓ અને આંગળાઓમાં કોઇ રેખાઓ જ બાકી નથી રહી. પાણી ખેંચી ખેંચીને ઘરનાં દરેક સભ્યોની હસ્તરેખાઓ ઘસાય ગઇ છે." -પોતાના હાથમાં પડેલા રસ્સીનાં વળ બતાવતા જઇને ભરત બોલતો જ જતો હતો- “તારી દરેક શોભાયાત્રામાં હું અગ્રેસર રહ્યો છું. તારી મૂર્તિઓની દરેક પ્રાણ-પ્રતિષ્ઠામાં મેં અગ્રેસર ભાગ ભજવ્યો છે. તોયે.. મારી શું ચુક થઇ ગઇ મિ...લોર્ડ? હશે, મારી કોઇ ભુલ થઇ હશે. હું તને રાજી નહિ રાખી શક્યો હોઉં, પણ મારી નિધી....." -અચાનક ભરતના ગળે ડુમો બાઝી ગયો. અવાજ ગળગળો થઇ ગયો- "માત્ર બે વર્ષની હતી. રોજ તને પગે લાગતી. મારી લાડલી રોજ તારી મુર્તિ આગળ હાથ જોડતી કે- ‘ભગવાન, માલા બાપાને લોજ ચાલ લોટલા આલ દે. તે માલા બાપા વેલ્લા ઘેલ આયી જાય.’ શું માંગતી હતી એ તારી પાસે? હાથી, ઘોડા, હિરા, માણેક? તું એટલો બહેરો અને આંધળો છે? એણે તારું શું બગાડયું હતું કે અર્ધી રાત્રે તે એને શેકી નાંખી? ભુખ્યા પેટે હું ને મારી બાયડી દાકતર પાસે લઇને દોડેલા. તો તેણે એને શહેર લઇ જવા કીધું. અમને તેં વાહનો કયાં આપેલા છે? અને અમે એવી માંગણીઓ તારી પાસે કરી છે ય કે’દિ? એ તો તારા શહેરી ભકતોને જ તું આપી દેતો હોય છે. મેં અને મારી પેટે રહેલી બાયડીએ દોટ મુકી હતી. વાટમાં આવતા ચારેય મંદિરોમાં તને આજીજી કરવાનું ચુક્યા નહોતા કે, ‘હે માડી, હે ભગવાન, અમારી લાજ રાખજે. અમારા કાળજાના કટકાને દૂનિયા જોવા દેજે. હજુ માંડ પોતાની પગલીઓ પર ચાલતા શીખી છે ને તેની નાનકડી પગલીઓ તારા મંદિરીયામાં દોડીને જતી રહે છે. નાની હથેળીઓ રોજ તારી સામે હાથ જોડે છે. હજુ તો એની જીભમાં કળીયો જ ફુટી છે.’ તને હતા એટલા આંસુ ધરીને મેં અને મારી બાયડીએ અરજ કરી હતી કે, ‘ભગવાન, અમારા કલેજાના કટકાને બચાવી લેજે, નકર ઇ ગામજનો એમ કહીને અમારું જીવવાનું હરામ કરી નાંખશે કે, દીકરી હતી એટલે મરવા દીધી. પણ તારા તો ગણિત જ અલગ હોય ને મિ. લોર્ડ, શહેરમાં દાકતરોનાં દર દર ભટકયા. કોઇ દાકતરના મગજમાં તે રહેમ ના નાંખી. દરેકે જાકારો આપ્યો. એક દાકતરે દવા કરવા તૈયારી બતાવી. પણ મિ.લોર્ડ, તે એને ભુખ જ એટલી મોટી આપી હતી તે તેણે મોઢું એટલું મોટુ ફાડયું, કે એટલી રકમ અમે સપનામાંય નથી જોતા. જેટલા હતા એટલા પૈસા એને ધરી દીધા હતા; મારી બાયડી એના પગ પકડીને રાયડુ નાંખતી હતી, પણ તારા બનાવેલા કાળા માથાના ચહેરા પર કોઇ ભાવ બદલાયો નહિ. એની પાસે રકમના નામે એક માત્ર કંદોરો અને સાંકળી હતી એ ઉતારીને આપી દીધી. હું, મારી નિધી.." -ભરતનો અવાજ પાછો ગળગળો થઇ ગયો- "મારી ઢીંગલીને તાવમાં શેકાતી મુકીને એકલો જ ગયો, કેમ કે બાયડીને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. ભુખના કારણે અર્ધ-બેભાન જેવી થઇ ગઇ હતી. અડધી રાતે શેઠીયાના ઘરે એ રકમના જે પૈસા આવે એ લેવા નીકળ્યો હતો. શેઠીયાએ મારી ગરજ માપી. અને જેટલો ટટળાવી શકે એટલો ટટળાવ્યો હતો. માંડ ત્રણસો રૂપિયા આપ્યા હતા. જે હાથમાં આવતા જ મે દવાખાના તરફ હડી કાઢી હતી. મને એક જ આશ હતી કે હું પહોંચીશને તરત જ મારી ઢીંગલી દોડતી આવશે, ‘બાપા શું માલા માટે શું લાયા’ કરતી આવીને વળગી પડશે. મેં મારું બધું જોર લગાવી દીધું હતું. દીકરીનો ચહેરો મારામાં જોમ ભરતો હતો. અને..મિ. લોર્ડ, તેં શું બતાવ્યું? તાવમાં શેકાતી મારી લાડલીને કોલસો બનાવી દીધી. મેં આખા હોસ્પિટલને ચીરી નાંખતી ચીસો પાડી, ‘નિધીઈઈઈ........ નિધીઈઈઈઈ......ઉઠ બેટા, તારો બાપો આયી ગયો છે. જો બેટા.. તારા માટે ટીકડીઓ લાયો છે..!’ દવાખાનાના બધા લોકો ભેગા થઇ ગયાં પણ મિ. લોર્ડ તારા કાને મારો અવાજ ના પડઘાયો. અરે તું મદદ ના કરતો તો ઠીક હતું પણ તું તો બળતા પર ડામ દેનારો નીકળ્યો. મારા એકલાની ચીસો સાંભળીને મને જ નવાઇ લાગવા લાગી હતી. કાયમ મારી બાયડીની ચીસો તારુ આકાશ ચીરી નાંખતી. ‘આવી મારી પેટે રહેલી બાયડીને હું કઇ રીતે સાચવીશ?’ એ વાત મારા હ્રદયને ચીરતી હતી, ને ત્યાં જ મે જોયું કે, તે એની પણ ચીસો હંમેશા માટે શાંત કરી દીધી છે. ને તેની સાથે બીજું એક, કે જેણે હજુ દુનિયાય નહોતી જોઇ, એ પણ તેની સાથે હાલી નીકળ્યું. આમ, એકીસાથે ત્રણ જણને તે મારી પાસેથી છીનવી લીધા. આ તારો ન્યાય મને આજ સુધી નથી સમજાયો.
અત્યારે મારી નિધી હોત તો, આ ઢીંગલી..આ ગાડીયું એના માટે લઇ ગયો હોત.. નાનકા માટે ઘુઘરા લીધા હોત. ઢીંગલી જોડે ઢીંગલી રમતી હોત. ઢીંગલીને ગાડીમાં બેસાડીને મારી લાડલી આખું ઘર માથે લેતી. રોજ ઢીંગલીને નવરાવતી, ખવરાવતી, લગન કરાવતી.." -સામે ફેરિયાઓ તરફ નજર નાંખતા જઇને ભરત ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યો.

ભરતના માથામાં હાથ ફેરવતા ફેરવતા પાણીની બોટલ ધરતા જઇને સુનિલ અને બન્ને મિત્રો ભરતને શાંત કરી રહ્યા હતા- "ભરતા, સબર કર ભાઇ..સંયમ રાખ. લે પાણી પી લે થોડું."
અંદરથી તો ત્રણે મિત્રો હચમચી ઉઠ્યા હતા, કે જે હમણા થોડીવાર પહેલા જ મસ્તીના મૂડમાં હતા. વાતાવરણ એકદમ ભારે બની ગયું હતું. કોઇને શું બોલવું એ સુઝતુ નહોતું. એટલામાં જ બાઇકની ઘર્રાટી સંભળાઇ.. [ક્રમશઃ ]

--ઇરફાન સાથિયા

આ અંક આપને કેવો લાગ્યો?

તમારા અભિપ્રાયોની રાહમાં છીએ, ‘શબ્દાવકાશ’ એ તમારું પોતાનું મેગેઝીન છે.
અમારો સંપર્ક અમારી ટીમ દ્વારા કે ઈમેઈલ દ્વારા તમે કરી શકો છો.

હવે પછીના અંકોમાં આપ સહુ પણ આપના લેખ-વાર્તા વગેરે અમને મોકલી શકો છો. kathakadi.online@gmail.com, આ છે અમારી email-id. આપનું લેખન-કાર્ય આપ અમને અહીં ઈમેઇલ કરી શકો છો.
આવો લખીએ..
.

.
શબ્દવકાશ ટીમ વતી:
--અજય પંચાલ
--જાહ્નવીબેન અંતાણી
--નિમિષ વોરા
--નીવારોઝીન રાજકુમાર-
-ઈરફાન સાથીયા
--અશ્વિન મજીઠિયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED