Bhoot Bangla Zarina Chand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Bhoot Bangla

ભૂતબંગલા

લેખિકા

ઝરીના ચાંદ

એમ. એમ. સાહિત્ય પ્રકાશન

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા

મહાવીર માર્ગ, આણંદ - ૩૮૮ ૦૦૧, તા.જી.આણંદ

અર્પણ

સ્વર્ગસ્થ લીલાધર સાહેબ ચૌધરી

(આચાર્ય) (નવદુર્ગા હાઇસ્કૂલ, ઉમલ્લા)

હિંમત, બહાદૂરી અને સચ્ચાઇના અમૃત પાનાર

ગુરૂજનને આત્મિક આદરભાવ સાથે

સમર્પિત...

હૃદયકુંજનું કુંજન

હું બચપણમાં બધાં બાળકોને ભેગા કરી વાર્તા કરતી ત્યારે ઘડીક મોટેરાંઓ પણ મારી વાર્તા સાંભળવા ભેગા થઇ જતા. ‘આ પોતે એક બાળકી છે ને બાળકોના ટોળાંને ભેગા કરી વાર્તા માંડે છે.’ લોકોને આશ્ચર્ય થતું.

ગામડામાં થોડું શૈશવકાળનું જીવન વ્યતિત થઇ ગયા પછી શહેરનું જીવન શરૂ થયું ત્યારે પણ ઉપરોક્ત સ્થિતીનું નિર્માણ થયું. ઘરના ઓટલે જ્યારે હું પરીઓની કે રાક્ષસોની કે ભૂતોની વાર્તા માંડતી ત્યારે બાળકોના ટોળે ટોળાં એકત્રિત થઇ જતાં. ઘણીવાર તો ત્યાં શું ચાલી રહ્યું છે એવી જિજ્ઞાસાવૃત્તિ લઇને મોટેરાંઓ પણ આવતાં ને ઘડીભર મારી વાર્તા સાંભળવા ઊભા રહી જતાં. આને હું મારું અહોભાગ્ય સમજતી.

‘ભૂતબંગલા’ આવી જ મારા નાનલાં બાળદોસ્તો માટે આલેખાયેલી કથા છે. હકીકતમાં જોવા જોઇએ તો ભૂતપ્રેત, ડાકણ શાકણ એ બધી કોરી કાલ્પનિક્તા છે. નબળાં માનવીય મનને પંપાળવાનો નર્યો પ્રયાસમાત્ર છે. વાસ્તવિક્તાની ધરાતલ પર એનું અસ્તિત્ત્વ હું નકારું છું. અને બાળકોને પણ હું એવો જ સંદેશો આપવા માંગું છું કે આવી બધી તર્ક પર આધારિત અંધશ્રદ્ધાઓથી દૂર રહે.

બીજી વાર્તા ‘નાગમણિ’માં પણ સબળ કલ્પનાઓ ભારોભાર ભરેલી છે. એક કિશોર એની શાળાના સાહેબ પાસેથી નાગમણિ વિશેની વિગતો સાંભળી લાવે છે. એને ખૂબ જ અચરજ થાય છે અને એની નાગમણિ મેળવવાની લાલસા બળવત્તર બને છે. આ કિશોર નિંદ્રાધીન થતાં મદમસ્ત સ્વપ્નસૃષ્ટિમાં સરી પડે છે!

બે બોલ લખી આપવા બદલ હું પ્રેમાનંદ સાહિત્યસભાના પ્રમુખ સાહેબ શ્રી ચંન્દ્રકાન્તભાઇ રાવનો આભાર માનું છું. એમનું નિખાલસ અને નિષ્કપટ વ્યક્તિત્ત્વ માણી મેં મનમાં ઘણી જ હર્ષની લાગણી અનુભવી.

મારા વ્હાલાં બાળકો તેમજ રસિક મોટેરાંઓ મારી આ વાર્તાઓને આવકારશે એવી અભ્યર્થનાઓ સાથે...

કૃપાભિલાષી,

ઝરીના ચાંદ

આવકાર એક કથાને અને કથાકારને

ઝરીના ચાંદની ‘ભૂત બંગલા’ નામક આ વાર્તા એમણે કિશોરો માટે લખી છે. કિશોરોની આંખમાં હંમેશા આશ્ચર્ય અને આતુરતાના ભાવ દ્રષ્ટિગોચર થાય છે. ‘હવે શું’ એ એવો પ્રશ્ન કિશોરોની નજરમાં હંમેશા ડોકાય છે. એટલે એમના માટેની વાર્તામાં ન માની શકાય એવા બનાવ, ઉતાર ચઢાવ કે વળાંક આવે તો જ એમનો રસ જળવાઇ રહે. અલબત્ત, એમાં વાસ્તવિક્તા કે સંભવિતતાનું તત્ત્વ જેટલું વધારે એટલી લેખકની સિદ્ધિ ગણાય. ઉંમરલાયક વાંચકોને આવી વાર્તાઓ પ્રતીતિકર ન જ લાગે, પણ આ તો કિશોર કથા છે એટલે આ વાર્તાની આ વાસ્તવિક્તાભરી મર્યાદાઓ અહીં ‘પ્લસપોઇન્ટ’ બની જાય છે!

ભૂતની વાતો બાળકોને ડરામણી લાગે છતાં એ સાંભળવી એમને ગમે છે કારણ કે એમાં વિસ્મયનું તત્ત્વ ભારો ભાર ભર્યું હોય છે. ‘ભૂત બંગલા’ વાર્તામાં પણ અણધાર્યા અકસ્માત, અવાસ્તવિક યોજનાઓ, અપમૃત્યુ, ભૂતના હોકારાં પડકારા એવું ઘણું બધું આવે છે. જે કિશોરોના ચિત્તને જકડી રાખી શકે. વાર્તા વાંચનાર કે સાંભળનાર કિશોર સતત ઉત્તેજના અનુભવે એવી આ કથા જરૂર છે.

બાકી તો વાસ્તવિક્તાની ધરતી પર પગ મૂકતાં જ આ વાર્તા એક ગપગોળો લાગે પણ કિશોરકથાનું લેબલ આ વાર્તાના અને વાર્તાકારના બધા દોષોને ક્ષમ્ય ગણાવે છે.

કરસનનું કૂવામાં પડવું, દીપક અને મનોહરનું ભૂતબંગલામાં જઇ બિહામણાં દૃશ્યો જોઇ માંદા પડવું, માથે બળતી સગડી લઇ ભૂતોનું ફરવું, રઘાપટેલની બહેન રાધાની બંગડી ભોંયરામાંથી મળવી, રાધાનું અપહરણ, રઘાપટેલના પિતાએ મિત્રને કરેલો દગો વગેરે જેવા બનાવો સતત કુતૂહુલ જગાવે છે. અંતે સાચી વાસ્તવિક્તા સામે આવે છે ત્યારે ભૂતનું અસ્તિત્ત્વ જ નકારાય છે. આમ સાચો ભેદ ખૂલતાં કલાયમેક્ષ સર્જાય છે. એમાં જ લેખકની સફળતા છે.

આમ અવાસ્તવિક્તાની ભૂમિ પર રચાયેલી કિશોરો માટેની એક કુતૂહુલપ્રેરક રસદાયક કહાની છે. બેન ઝરીના ચાંદની આ કથાને કિશોરો રસપૂર્વક વાંચશે અને માણશે.

ચંદ્રકાન્ત રાવ

પ્રમુખ : પ્રેમાનંદ સાહિત્ય સભા, વડોદરા

ભૂતબંગલા

એક નાનકડું ગામ હતું. આ ગામનું નામ હતું વલ્લભીપુર. આજુબાજુ પર્વતોની વચ્ચે ઘેરાયેલું સુંદર ગામ. આ ગામમાં કરસન નામનો એખ ખેતમજૂર પોતાની પત્ની ગંગા સાથે સુખચેનથી રહેતો હતો. રઘુપટેલના ખેતરમાં, ખેતીની પૂરબહાર સીઝનમાં તે મજૂરી કામ કરતો. ક્યારેક પહાડો પર પત્થરો ફોડવા જતો.

થોડા વર્ષો પછી આ કરસનને ઘેર એક પુત્રનો જન્મ થયો. પુત્ર પ્રસવથી કરસન ઘણો ખુશ હતો. કરસને તેના બેટાનું નામ દિપક રાખ્યું.

દિપક ઘણો ચાલાક અને બુદ્ધિશાળી છોકરો હતો. કરસનને પોતાના પુત્ર પર ઘણું ગુમાન હતું. દિપક મોટો થતાં કરસને તેણે શાળામાં મોકલવા માંડ્યો. પુત્રને શાળામાં મોકલવાથી ખર્ચ વધ્યો. તેથી તે ખર્ચને પહોંચી વળવા માટે ગંગા પણ મજૂરીકામ કરવા લાગી. કરસન હંમેશા ગંગાને કહેતો જો ગંગા આપણે આપણાં બેટડાંને મજૂર બનાવવો નથી. પરંતુ દિપકને આપણે એક મોટો અફસર બનાવીશું. જેથી આપણી વૃદ્ધાવસ્થા સુધરી જશે. આફણો પનોતો પુત્ર અફસર બની આખા દેશમાં ડંકો વગાડી દેશે. આપણે હવે રોજ રઘુપટેલના ખેતરમાં જઇ સખત પરિશ્રમથી કામ કરીશું. અને અધિક પૈસા કમાઇ તેમાંથી બચત કરી દિપકને ભણાવીશું.

ગંગા કહેતી : ‘હા...હા, દિપકના બાપુજી, તમે સાચી વાત કરો છો. આપણો દિપુ છે પણ કેવો હોંશિયાર.’

ગંગા પણ ખેતરમાં તાપ તડકો જોયા વગર ખૂબ ધીરજ અને પરિશ્રમથી કામ કરતી. તેણીની પોતાનો લાડલો દિકરો અફસર બને તેના મીઠાં મધુરાં સ્વપ્નો જોતી. દિપક પણ પોતના મા બાપને ખૂબ ચાહતો. તેના મનમાં પણ ભણી ગણીને ખૂબ ખૂબ આગળ વધવાની ઉમ્મેદ હતી. તે રઘુપટેલના દિકરા મનોહર સાથે શાળાએ જતો. કરસન દિકરાને શાળાએ જતો જોઇને ખૂબ ખુશ થતો. તે મનમાં ઇશ્વરનો આભાર માનતો.

એક વહેલી સવારે દિપકના શાળાએ ગયા પછી કરસન અને ગંગા બંનેવ રઘુપટેલના ખેતરમાં ગયા. રઘુપટેલ કરસનની જ રાહ જોઇ રહ્યા હતા. ‘આવ કરસન હું ક્યારનોય તારી જ વાટ જોતો બેઠો હતો. મને તો રાતના ઊંઘ પણ નથી આવી....ને હું મળસ્કાનો અહીં આવીને બેઠો છું.’

‘હા....એ....તો બાપુ હું...હાલ્યો...જ આવું છું. આ...તો દિપકને શાળાએ મોકલતા થોડી વાર થઇ ગઇ નહીં....તો હું તો મળસ્કુ...ફાટતા જ હાજર થઇ જઉં છું.’

‘ઠીક! ઠીક! જો ભઇ કરસન સામે ઓતરડી દિશામાં આપણું એક ખેતર છે. તે ઘણાં વરસોથી અવાવરૂ પડ્યું છે. તારે એને બરાબર સાફસફાઇ કરાવી, થોડું ખોદકામ કરાવી તેને ખેતી લાયક બનાવી દેવાનું છે. આ કામ આજથી જ તને સોંપ્યું.’ રઘુપટેલે બીડીની રાખ ખંખેરતા કહ્યું.

‘ન....ના....બાપુ....આવું અઘરૂ કામ કેમ ના કરાવવું? ને...ઉપરથી મારી તબિયત કાંઇ સારી રહેતી નથી.’ કરસનને બગાસું આવી ગયું.

રઘુપટેલે કરસનનો ઇશારો સમજી ગયા. એમણે કરસનને થોડા વધારે પૈસા આપવાની ઓફર કરી. પહેલા તો કરસને થોડી આનાકાની કરી. પરંતુ દિપકને ભણાવી ગણાવીને અફસર બનાવવાની વાત યાદ આવી એટલે તેણે આવું અઘરૂ કામ કરવાની પણ હા પાડી દીધી.

વાત જાણે એમ હતી. રઘુપટેલ ઘણા વરસોથી અવાવરૂ પડેલું એક ખેતર કરસન પાસે સાફ કરાવવા માંગતા હતાં. રઘુપટેલનો વિચાર આ વરસે ત્યાં મગફળીનો પાક લેવાનો હતો. ખેતર કંઇ ઉબડ ખૂબડ ખાડાઓ વચ્ચે હોય એમ લાગતું હતું. ઠેર ઠેર જંગલી ઘાસ ઊગી નીકળ્યું હતું. કંઇક ઝાડી જેવો આભાસ લાગતો. ખેતર સાફ કરવામાં પણ જોખમ જેવું લાગતું હતું. છેવટે કરસન સાથે વાત કરતા તેણે આ બાબતે સંમતિ આપી દીધી.

કરસન પોતાની પત્ની ગંગા સાથે આવા જોખમી કામ કરાવવા માંગતો ન હતો. તેથી પતિનું મન સમજી ગંગા ત્યાંથી બીજુ કામ કરવા માટે ચાલી ગઇ.

થોડીવાર પછી રઘુપટેલનો ચાકર હરીયો દોડતો દોડતો આવ્યો અને રઘુપટેલના કાનમાં કશુંક કહી ગયો. રઘુપટેલ વિચારમાં પડી ગયા. એગ્રી કલ્ચર ખાતાના કેટલાક સંશોધનકર્તાઓ આજે રઘુપટેલના ખેતી નિરીક્ષણાર્થે આવવાના હતાં. કેમકે આખા ગામમાં રઘુપટેલનું ખેતર વિશાળ અને સર્વશ્રેષ્ઠ હતું. ખેતરમાં ઘણા વર્ષોથી ફાજલ પડી રહેલું રઘુપટેલનું એક મકાન હતું. અત્યાર સુધી રઘુપટેલને તેમાં વસવાટ કરવાની કે તે મકાનને કોઇ ઉપયોગમાં લેવાની જરૂર જણાઇ ન હતી...પરંતુ આજે જે માણસો આવવાના હતા તેમણે ઉતારો આપવા માટે આ મકાન ઠીક રહેશે એમ રઘુપટેલે વિચાર્યું. પરંતુ ઘણાં વર્ષોથી એમ જ પડી રહેવા દીધેલા મકાનને સાફ સુથરૂ કરવાની તાકીદની જરૂર ઊભી થઇ.

રઘુપટેલે ચાકર સાથે ઘરેથી ચાવી મંગાવી. ચાકર ચાવી લઇને આવી પહોંચ્યો. તાળાને સખત કાટ લાગી ગયો હતો. જેમ તેમ કરીને તાળું ઉઘાડ્યું, અંદર ધૂળના થપેડાંને થપેડાં બાઝેલાં હતાં. જ્યાં ત્યાં ઝીણાં ઝીણાં જંતુઓએ ઘર કર્યાં હતાં. કરોળિયાના જાળાંઓની તો કોઇ હદ ન હતી.

રઘુપટેલે આ અવાવરૂ મકાન સાફ કરવાનું કામ પાંચ છ મજૂરોને સોંપ્યું. હવે પાણીની જરૂર ઊભી થઇ. થાળા વગરનો કૂવો હતો અને ગરગડી વડે પાણી ખેંચવાની કોઇ શક્યતા ન હતી. કામ જોખમ ભરેલું હતું.

ઓતરાદી દિશા તરફ કરસન અર્ધુ પર્ધુ ખેતર સાફ કરી ચૂક્યો હતો. કરસનનો સ્વભાવ ચીવટવાળો અને ખંતીલો હતો. પાણી ખેંચવાનું કામ તેણે જ સોંપવુ એમ રઘુપટેલે મનમાં નક્કી કર્યું.

‘એઇ....કરસન! ત્યાંનું કામ કહેવા દે. અહિંયા આવી જા.’ રઘુપટેલ ખેતરની એક ધારે રહી કરસનને બૂમો પાડવા માંડ્યા. કરસન કામમાં ડૂબેલો હતો તે એકદમ ચોંકી ગયો. પરસેવે તેનું શરીર રેબઝેબ થઇ ગયું હતું. સાંજ પણ થવા આવી હતી. સૂરજ મહારાજ ધીમે ધીમે પશ્ચિમ આકાશ તરફ ઢળી પડ્યાં હતાં.રઘુપટેલની બૂમો સાંભળી કરસન કામ પડતું મૂકી આવી પહોંચ્યો. ગંગા હજુ આવી ન હતી.

‘હા, બોલો પટેલ બાપુ, શું કામ પડ્યું?’ કરસને માટીવાળા હાથ ખંખેરીને રઘુપટેલને પૂછ્યું.

‘કરસન, આપણો પેલો કૂવો છે...ને ત્યાંથી આઠ દશ બેડાં પાણી કાઢી આપવાનું છે કેમ કે આજે થોડા મહેમાન ખેતીના સંશોધન માટે આવવાના છે’ રઘુપટેલે હાથ ઊંચા કરી આળસ મરડી. તે જાણે કશું કામ કર્યા વગર પણ થાકી ગયા ન હોય!

કરસનને આશ્ચર્ય થયું થાળા વગરના કૂવામાંથી પાણી કાઢવાનું ઘણું અઘરૂ હતું....જાનનું જોખમ પણ ખરૂં! ઉપરથી પાતાળ કૂવો...આગળ...પાછળ સખત કીચડ. કરસસને નન્નો ભણી દેવાનું મન થયું. પરંતુ તે એમ ન કરી શક્યો. કેમ કે રઘુપટેલે વધારે મજૂરી આપવાની લાલચ બતાવી તેનું મોઢું બંધ કરી દીધું. કરસન એમ તો સંતોષી જીવ પરંતુ દિપકને અફસર બનાવવાનું સપનું તેનો પીછો છોડતું ન હતું. તેથી તે થોડો ઘણો લોભી થઇ ગયો હતો.

મકાનમાં જઇને કરસન પાંચ દશ પિત્તળના બેડાં લઇ આવ્યો. સાથે એક મોટી ડોલ અને દોરડું પણ લીધું. કૂવા પાસે આવી ઇશ્વરનું સ્મરણ કરી તે પાણી ભરવા લાગ્યો.

રઘુપટેલ અમસ્તા જ લટાર મારતાં મારતાં ખેતરના બીજે છેડે પહોંચી ગયા. ત્યાં સુધી તો કરસને ચાર પાંચ બેડાં પાણી ભરી લીધું. રઘુપટેલ ફરી પાછા ત્યાં આવી ઊભા રહ્યાં. કરસને ફરી જેવી ડોલ કૂવામાં નાખી કે એક ભયાનક કાળો ઓળો પેલા સૂમસામ મકાનમાંથી નીકળી સીધો જ ધબાક દઇને કૂવામાં પડ્યો. ‘અંદર...એ શું પડ્યું.’ કૂતુહલ વશ થઇ તે કૂવામાં ડોકિયાં કરવા લાગ્યો... ત્યાં....જ અચાનક પગ લપસી પડતા તે પણ ચક્કર ખાઇને પાતાળ કૂવાના તળિયે જઇને બેઠો.

રઘુપટેલ બહાવરાં બહાવરાં થઇ ગયા. એમના દિલની ધડકન જોરશોરથી ચાલવા લાગી. ‘એઇ...દોડો...દોડો..આ કરસન...કૂવામાં પડ્યો....બચાવો...બચાવો.’ રઘુપટેલનો અવાજ જાણે ફાટી ગયો!

રઘુપટેલની ચીસો સાંભળી દશબાર મજૂર પોતાનું કામ પડતું મૂકી દોડી આવ્યાં. બધાના મોઢમાં થી એક દુઃખદ હાયકારો નીકળી ગયો.

તાત્કાલિક કૂવામાં ઉતરી કોઇ કરસનને બચાવે એવી શક્યા ન્હોતી. બધા બહાવરાં થઇ આમથી તેમ દોડવા લાગ્યાં. રઘુપટેલે એક ચાકરને બોલાવ્યો. ‘હરિ...યા, જા! જલ્દી ગામમાં જઇને શંભુદાદાને બોલાવી લાવ. તેઓ જરૂરથી હેમખેમ આપણા કરસનને બહાર કાઢશે.’ વધારાના શબ્દો રઘુપટેલના ગળામાં ડૂમો બનીને બાઝી ગયા.

કરસન કૂવામાં પડ્યો છે એવું સાંભળતાં જ ગંગા પોતાનું કામ છોડી કૂવા તરફ દોડવા લાગી. એની આંખમાં રાતાપીળા દેખાવવા માંડ્યાં. એનું શરીર ધ્રુજવા માંડ્યું.

ગંગાના આવા હાલ જોઇ રઘુપટેલ ગભરાઇ ગયા. ગંગા આઘાત સહન નહીં કરી શકે નક્કી તેણીની કૂવા તરફ જ દોડી રહી છે. એવું તેમણે લાગ્યું. રઘુપટેલે સમયસૂચકતા વાપરી ગંગાના હાથ અર્ધે રસ્તે જ પકડી લીધા. તેમણે તેણીને એક પત્થર ઉપર બેસાડી દીધી!

‘ગંગા! રડ નહીં બહેન. ધીરજ રાખ. કરસનને...અમે કૂવામાંથી બહાર કાઢીશું. ઇશ્વર એની રક્ષા કરે.’ રઘુપટેલે ગંગાને આશ્વાસન આપવા માંડ્યું.

ગંગા ચોધાર આંસુએ રડવા માંડી. ખેતમજૂરોના દિલમાં પણ કરૂણા જન્મી. કરસન બચી જાય એવી સૌ મનમાં પ્રાર્થના કરવા માંડ્યાં.

પંદર મિનિટમાં રઘુપટેલનો ચાકર શંભુદાદાને તેડીને આવી પહોંચ્યો. મજૂરોની મદદ લઇને શંભૂદાદાએ કરસનને બહાર કાઢ્યો.

કરસનના મસ્તકેથી લોહી વહેતું હતું. શ્વાસ ધીમે ધીમે ચાલતો હતો. પછડાટ ખાવાથી કરસનના શરીર પર કાળા લીલાં ચકામાં પડી ગયા હતા. રઘુપટેલ જેવો નિડર માણસ પણ થોડો ભય પામી ગયો. ગંગા દોડતીક આવીને કરસનના દેહને વળગી પડી. તેણીની હૈયાફાટ રૂદન કરવા લાગી. દિપકની યાદ આવતા તે વધારે દુઃખી થઇ.

રઘુપટેલે કરસનની પાસે બેસી તેના મસ્તકે હાથ ફેરવ્યો. કરસને બોલવાનો પ્રયત્ન કર્યો - ‘પાણી...પા...ણી...’

‘કરસન, લે...આ...પાણી...રઘુપટેલે પાણીના થોડાં ટીપાં તેના મોઢામાં નાખ્યાં. કરસને આંખો ખોલી એક નજર ગંગા પર નાખી. કરસન રઘુપટેલનો હાથ પકડી તૂટક...તૂટક બોલવા માંડ્યો. ‘રઘુશેઠ...મારું...મૃત્યુ શા કારણે થયું છે તે હું...જાણું છું. ભૂતકાળના વેરઝેરે મારુ કાસળ કાઢી નાખ્યું છે. ગંગાને મારા પુત્રની સંભાળ રાખજો...દિપકને વધારે બહાર હરવા ફરવા ન દેશો. તમારા...પુત્ર...મનોહરને પણ સાચવજો. મારૂ સ્વપ્ન દિપક...અફસર...’ વેદનાનો એક જબરો હુંકાર ખાઇને કરસનનું મસ્તક એક બાજુ ઢળી પડ્યું.

ગંગાના દુઃખની કોઇ સીમા ન હતી. ‘મારા બાપુજી ક્યાં ગયા છે?’ એમ દિપક પૂછે ત્યારે તેને શું જવાબ આપવો તે ગંગાને સમજાતું ન હતું. દિપક તેના પિતા વિના રહી શકે તેમ ન હતો. દિપકની દુનિયા કરસનમાં સમાયેલી હતી. ગમે તેવા બહાનાં બનાવ્યે ચાલે તેમ ન હતું. દિપક કાચી બુદ્ધિનો છોકરો ન હતો. નાની અમસ્તી વાતના પણ હઝાર સવાલ કરી નાખે.

‘રઘુશેઠ...મારા દિપકને હું કેમ...નો...સમજાવીશ. સથવારા વિના મારી આવડી ભારેખમ જિંદગી કેમ નીકળશે. ગંગાની આંખોમાંથી આંસુ રૂકવાનું નામ લેતા ન હતા.

રઘુપટેલે ગંગાને જેમ તેમ સમજાવી, ઘરે મોકલી. ગંગાની જિંદગીમાં અસહાયતા, નિરાધારપણા અને ચિંતાની આગ લાગી ગઇ. ગંગાના સ્વપ્નનો મહેલ ઘડીના છઠ્ઠા ભાગમાં ભસ્મીભૂત થઇ ગયો.

રિવાજ પ્રમાણે આજુબાજુની વસ્તીની કેટલીક સ્ત્રીઓ ગંગાની બંગડીઓ ઉતારવા માટે આવી પહોંચી હતી. બંગડીઓ નંદવાઇ ગઇ. ચાંદલો ભૂંસાયો ને...કોકની જિંદગી લૂંટાઇ ગઇ!

હવે દિપકના આવવાનો સમય થઇ ગયો હતો. દિપક આવતો દેખાયો. હાસ્યથી એનું મોઢું ખીલું ખીલું થઇ ગયું હતું. ફરી એકવાર ગંગાનું દિલ ધડકી ગયું.

દિપકે ઘરમાં પ્રવેશતાની સાથે જ ‘બાપુ...બાપ’ ના નામની બૂમાબૂમ કરવા માંડી. પરંતુ બાપુ ક્યાંયે દેખાતા ન હતા. તે દોડતોક ગંગા પાસે આવ્યો. બા!બા! આજે શાળામાં હું પ્રથમ નંબરે પાસ થયો. મનોહરના ચાર દાખલા ખોટા પડ્યાં. મારા તો બધાં દાખલા ખરા પડ્યાં. ગુરૂજીએ મને બહુ જ શાબાશી આપી.’ દિપક ગંગાનો હાથ પકડી તેણીને ખેંચવા લાગ્યો.

‘ઓ...મારા દિકરા, શાંતિ રાખ, હમણાં આવશે તારા બાપુ. રઘુશેઠે એમણે બહારગામ મોકલ્યા છે...ચાલ..ખાઇ...લે...બેટા.’ ગંગા એ દિલનો ડૂમો જેમ તેમ કરીને સમાવ્યો...પણ આવું સાંભળતાં જ દિપકનો ચહેરો ઉતરી ગયો. આવેલી ખુશીની ભરતી એકદમ શમી ગઇ!

ગંગાએ ઘણું સમજાવ્યો. છતાંયે કશું ખાધા વગર દિપક, મનોહર તેમજ તેના બીજા સાથીઓ સાથે બહાર રમવા ચાલ્યો ગયો.

સમય જતાં છુપાવીને રાખેલી વાત ફૂટી ગઇ. પોતાના પિતાજી કૂવામાં પડી જવાથી મૃત્યુ પામ્યા છે એ વાત દિપક જાણી ગયો. નાનકડાં મન ઉપર સખત આઘાત લાગ્યો. જેમ તેમ દુઃખના દિવસો વહેવા માંડ્યાં.

ગંગા, કરસનના મૃત્યુ પથારીને કીધેલાં શબ્દો યાદ રાખતી અને દિપકને મનોહરથી છેટે રાખવાના પ્રયત્ન કરતી...પરંતુ દિપક, મનોહરથી વધુને વધુ મળતો ગયો. બાળ માનસ મોટાં ઓની વાતો ઝીલી શકતું ન હતું. એમની નિર્દોષ, ભોળી ને મસ્ત દુનિયા, છળકપટ, કાવા દાવાં, ઇર્ષા ને શત્રુતાના રાક્ષસોથી જોજતો દૂર હતી.

સમય ધીરે ધીરે વીતતો ગયો. ઉનાળાની સીઝન આવી. આંબાવાડિયા મ્હોરી ઉઠ્યાં. દિપક, મનોહર અને તેના બીજા લંગોટિયા મિત્રો હવે નવરાં પડ્યાં હતાં. શાળામાં વેકેશનની શરૂઆત થઇ ચૂકી હતી.

કેરીની મોસમ હતી. આંબાવાડિયાના વૃક્ષો કેરીના ભારથી લચી પડ્યાં હતાં. કોયલના મસ્ત ટહુકારા કાનને ભરી દેતા હતા. દોસ્તોમાં બેઠા બેઠા દિપકે રઘુપટેલના આંબાવાડિયે જઇ કેરીઓ ખાવની વાત છેડી. સૌ ગોઠિયાઓ ખુશ ખુશ થઇ ગયા. સૌના મોંઢામાં જાણે પાણી ફરી વળ્યું. પરંતુ... મનોહર થોડો ઉદાસ થઇ ગયો. કેમ કે આંબાવાડિયે જવાની પરવાનગી તેના પિતા આપશે નહીં એવી તેને ખાત્રી હતી. છેવટે કોઇને પણ કશું કીધા વગર, ખેતરના છેવાડે આવેલા આંબાવાડિયામાં સાંજના પાંચ વાગે જવું એવું નક્કી કરી બધા દોસ્તો છૂટાં પડ્યાં.

બીજા નાનાં સાથીદારોએ રઘુપટેલની ધાકને લીધે સાથે આવવાની ના પાડી. છતાં પણ મનોહર અને દિપક ગાંજ્યા જાય તેમ ન હતાં.

સાંજના પાંચ વાગતાની સાથે જ બંન્ને તોફાની બારકસો ખેતરમાં પહોંચી ગયા. દિપક પાસે કેરી કાપવાની ધારદાર છરી હતી જ્યારે મનોહર પાસે જીરા મીઠાની નાનકડા ડાબલી. બંનેવ તોફાની બારકસોને કેરી બહુ જ ભાવે. તેઓ સીધા ખેતરેથી નજીકના આંબાવાડિયે પહોંચી ગયા.

આંબાવાડિયામાં તો અનેક પ્રકારની કેરીઓના વૃક્ષ અને વૃક્ષો પર લાગેલી કેરીઓ તો અધધધ! કાંઇ કહેવું પડે! બંનેવ ટાબરિયાં તો ખુશખુશાલ થઇ ગયાં. બંનેવે પૂરા હોંશથી કેરીઓ ખાધી. ધરવ થયો એટલે તેઓ એક નજીકના પત્થર પર બેઠાં. હવે દિપકને તો પાણીની તરસ લાગી.

‘મનોહરિયા, હવે મને પાણી પીવાની ધખ જાગી છે. ચાલ આપણે પાણીની તપાસ કરીએ.’

‘હા...તારી વાત તો ઠીક છે. મને પણ તરસ તો ઘણી લાગી છે...પણ મને પેલા સામે દેખાતાં ભવ્ય મકાન વિશે મનમાં કશોક વિચાર આવે છે.’ મનોહર કપાળ ઉપર હાથ મૂકા કશુંક વિચારવા લાગ્યો.

મનોહરના મનમાં થયું કે બાપુ તો કોઇક દિવસ પણ આ મકાન ઉઘાડતા નથી. મકાન ખુલ્લુ હોય તો ધીંગામસ્તી કરવાની કંઇ ઓર જ મઝા આવે.

‘દિપક, તું અહિંયા થોડીક વાર બેસી રહે. હું ઘેર જઇને સામેના મકાનની ચાલી લઇ આવું. આપણે જોઇએ તો...ખરાં...કે...સાલ્લું મકાન કેવુંક છે!’ દિપકને એકલો બેસાડી મનોહર દોડતોક ઘરે પહોંચ્યો.

રઘુપટેલ પરસાળમાં આરામખુરશી નાખી નિંદ્રામાં પડેલાં હતાં. મનોહર હળવે પગલે કોઠાર તરફ સરકી ગયો. તે બાપુના ખાનગી રૂમને ખોલીને એખ કબાટમાંથી ચાવીઓ શોધવા લાગ્યો. પરંતુ ચાવીને બદલે આખો ઝૂડો હાથમાં આવ્યો. તેણે આખો ઝૂડો ગજવામાં સરકાવી દીધો. યથાવત્‌ બધુ બંધ કરીને તે ખેતર તરફ દોડ્યો.

સાધારણ અંધારૂ થવા આવ્યું હતું. દિપક અને મનોહર એકબીજાના હાથ પકડી ખેતરમાં આવેલાં મકાન પાસે આવ્યાં. મનોહરે ગજવામાંથી ચાવીનો ઝૂજલો કાઢ્યો. અમસ્તા જ તેણે બેચાર ચાવી લગાવી જઇ અને પાંચમી ચાવીથી ખટાક દઇને તાળુ ખુલી ગયું.

‘આપણા નસીબ સારા છે યાર...દેખ...તાળુ કેવું જલ્દી ખુલી ગયું.’ મનોહરે ફરીથી દિપકનો હાથ પકડી લીધો.

મનોહરે આ પહેલાં કદી આ મકાન જોયું ન હતું. મનોહરને મનમાં ઘણું અચરજ થયું. તે આ આલિશાન મકાનમાં જઇ દરેક ઓરડાઓની તપાસ કરવા લાગ્યો. અંદરના ઓરડાઓ એટલાં બધાં આંટીઘુંટીવાળા હતાં કે તેઓ બંનેવ ફરી બહાર આવવા માટે ફાંફાં મારવા માંડ્યાં. અંધારૂ પણ થવા આવ્યું હતું.

કમનસીબે તે મકાનમાંથી ચિત્રવિચિત્ર અવાજો આવતાં બંનેવે સાંભળ્યાં. દિપક અને મનોહર બંનેવ બીકના માર્યા થરથર ધ્રુજવા લાગ્યાં. થોડીક થોડીક વારે તે મકાનમાં ચિત્ર વિચિત્ર પડછાયા દેખાવવા માંડ્યાં. કોઇક મોટેથી હસતું હોય એવો ભાસ થવા માંડ્યો. ભયંકર અટ્ટહાસ્યથી બંનેવના દિલ ધડકી ગયાં. કેમકે આખરે તો બંનેવ કોમળ હૃદયના બાળકો હતા...છતાં બહાદુર હતાં.

મકાનમાં ઘડીકમાં પ્રકાશ તો ઘડીકમાં અંધારૂ થઇ જતું. આજુબાજુ પડતાં પડછાયા નર્તન કરતા હોય એમ લાગતું. અચાનક એક ઝબકારો થયો અને તેની સાથે જ એક સ્ત્રી તે ઓરડામાં નૃત્ય કરવા લાગી. તેની આજુબાજુ હાડપિંજરો ફરવા લાગ્યાં. નૃત્ય કરતાં કરતાં તે સ્ત્રી ઘણી દર્દનાક ચીસો પાડતી. તેણીનું મોઢું દેખાતું ન હતું. મનોહર બીકનો માર્યો દિપકને બાઝી પડ્યો. તેના મોઢામાંથી ચીસ નીકળતાં નીકળતાં રહી ગઇ. ગમે તેમ કરી, અથડાતાં કૂટાતા તેઓ બંનેવ મકાનમાંથી બહાર નીકળી ગયા.

આવુ બધુ વાર્તાઓની ચોપડીઓમાં વાંચવા મળતું પરંતુ જ્યારે આવી ભૂતાવળ નજર સમક્ષ નિહાળવા મળી ત્યારે બીકના માર્યા મનોહરને તો તાવ ચઢી ગયો હતો. અને દિપક પણ ભયનો માર્યો ધ્રુજવા લાગ્યો હતો. તેની આંખોમાં રાતાપીળા દેખાતા હતા. મનોહરને હવે સમજાયું કે બાપુજી તેને વારંવાર આ ખેતરમાં આવવાની મનાઇ કેમ ફરમાવતા હતા.

‘દિપુ, હાલ જલ્દી ઘરે જતા રહીએ. આપણે આ વાત કોઇને કહીશું નહીં.’

‘ઠીક છે મનોહર, આપણે કશું જોયું નથી એવું વર્તન રાખીશું ને હવે કોઇ દિવસ પણ આ ખેતરમાં નહીં આવીએ.’

મનોહર અને દિપક બંનેવ મુઠ્ઠીવાળીને ગામ ભણી દોડ્યાં. દિપક તો સીધો જ પોતાના ઝૂંપડામાં જતો રહ્યો અને સીધો જ ખાટલામાં ફસડાઇ પડ્યો. મનોહરની પણ એ જ હાલત થઇ. રઘુપટેલે તેને જમવા માટે બોલાવ્યો છતાં પણ તે ગયો નહીં. દરરોજ એકલો નિંદ્રાધીન થતો મનોહર તેના ઘરની ચાકરડી માયાના પડખામાં જઇ સૂઇ ગયો.

રાતે ઘણી વખત ઊંઘમાંથી જાગી જતો. ‘ઓ...ભૂત મને...મારે છે...મને...બચાવો...ઓ...બા તું ક્યાં છે?...ભૂત’ રઘવાયો થઇ ગયેલો મનોહર ખાટલા પરથી નીચે પટકાયો. માયાને પણ આશ્ચર્ય થયું તે ક્યારનીયે ઝબકીને ઊઠી ગઇ હતી.

‘’એ....ઇ, બાબ...લા, ઊઠ ઊભો થા. શું થયું છે તને? કેમ આવી કિકિયારીઓ નાખે છે?’ માયાએ મનોહરનું શરીર તપાસી જોયું. તાવથી મનોહરનું શરીર ધખતું હતું. માયાએ જેમ તેમ કરીને રાત વીતાવી.

પરોઢ થતાં વેંત તે સીધી રઘુપટેલ પાસે પહોંચી ગઇ. ‘માલિક, મનોહરભાઇને સખત તાવ ચઢ્યો છે. તેઓ રાતે ઊંઘમાં ભૂત...ભૂત કરી કંઇક લવારો કરતાં હતાં. બાબલાભાઇ કંઇક ડરી ગયા હોય એમ લાગે છે.’ માયાએ રઘુપટેલ સાથે વાત માંડી.

માયાની વાત સાંભળી રઘુપટેલ ગંભીર થઇ ગયા. ચાર વર્ષ પર ગુજરી ગયેલી પત્ની કંચન તેમણે યાદ આવી. અત્યાર સુધી તો રઘુપટેલે મનોહરને કદી માની ખોટ સાલવા દીધી ન હતી. મા વગરના બાળક માટે તેમના દિલમાં સંતાપની માત્રા વધી ગઇ.

તેઓ ઝડપથી મનોહરની પાસે પહોંચી ગયા.

‘બેટા, મનોહર, શું થઇ ગયું દીકરા?’ તેઓ મનોહરના કપાળે હાથ પસારવા માંડ્યાં. ધીમે ધીમે રઘુપટેલે મનોહર પાસેથી બધી વાત પડાવી લીધી.

મનોહરની વાત સાંભળી રઘુપટેલ હબકી ગયા. મૃતક કરસનના શબ્દો દેના માનસપટ પર વારે વારે અથડાવવા લાગ્યા. ‘કોઇ પણ સંજોગોમાં મનોહર અને દિપકને આ ખેતરમાં ન આવવા દેશો રઘુપટેલ.’ તે મરતાં મરતાં વારે વારે આવુ બોલતો હતો.

એક એક કરીને ભૂતકાળના દૃશ્યો તેમના મગજમાં ઘુમવા લાગ્યાં. ધીમે ધીમે પેલા મકાન અને પેલાં ભૂતો વિશેનો ભેદ કળાતો હોય તેમ લાગ્યું.

‘માયા, ડોક્ટર સાહેબને બોલાવી લે. આપણા મનોહરનું ઠીકઠીક દવાદારૂ થવું જોઇએ.’ રઘુપટેલ માયાને સમજાવી અને મનોહરને આશ્વાસન આપી ત્યાંથી ચાલ્યાં ગયાં.

તેઓ બીજે દિવસે દશ પંદર વન્ય આદિવાસીઓ સાથે રાતના પ્હોરે ખેતરમાં પહોંચી ગયા.

રાત્રિ બરાબર જામી હતી. રઘુપટેલ અને બીજા સાથીદારો મકાન ઉઘાડી અંદર પ્રવેશ્યા. રઘુપટેલ ચોર દ્રષ્ટિ રાખી, ચારેકોર આંખો ફેરવવા માંડ્યાં.

માંડ અર્ધોએક કલાક થયો હશે અને તે મકાનમાં શોરબકોર શરૂ થઇ ગયો. કોઇ મોટે મોટેથી હસતું હોય એવો ભાસ થવા લાગ્યો. ચિત્રવિચિત્ર પડછાયા નૃત્ય કરતાં દેખાયા. ઘડીકમાં અજવાળુ થતું તો ઘડીકમાં ઝાંઝરના ઝંકાર સંભળાતા. કોઇ સ્ત્રી પીડાની મારી ચીસો નાખતી હોય એવું પણ રઘુપટેલને લાગ્યું. રઘુપટેલની આંખોમાં ઓર ચમક આવી ગઇ.

થોડીકવાર પછી એક કાળો ભીમ જેવો પડછાયો તેમની નજીક આવતો દેખાયો! ખરેખર! ત્યાં પડછાયાનો આભાસ થતો હતો પણ આજુબાજુ કોઇકનું અસ્તિત્ત્વ હોય એ નક્કી હતું. પડછાયાના મસ્તક પર સગડી સળગતી હતી. ગળામાં માણસની ખોપરી પહેરેલી હતી. જાણે કે રઘુપટેલને કોઇ ડરાવવા માંગતું ન હોય!

અચાનક કોઇ અંધારામાં આવીને રઘુપટેલના માથાના વાળ તાણી નાસી ગયું. તેમની પાઘડી એક બાજુ પડી ગઇ! ફરી બીજીવાર હુમલો થયો. કોઇ તેની ગરદન પકડતું હતું. રઘુપટેલે હિંમત દાખવી એક ઝાપટ મારી. કોઇ હાથમાં ન આવ્યું પણ રઘુપટેલ બચી ગયા!

બિચારાં વન્ય આદિવાસીઓના ચહેરાઓ પરથી નૂર ઊડી ગયું હતું. તેઓ પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં. ભૂતોની વાતો તો ઘણી સાંભળી હતી પણ જિંદગીમાં આવું પહેલીવાર જોવા મળ્યું.

રઘુપટેલ તો મનમાં ઘણું બધું સમજી ગયા હતાં. એમનું મોઢું ગભરાટને બદલે ખુન્નસથી ભરેલું હતું. રઘુપટેલે મનમાં કંઇક મનસુબો ઘડી સઘળાં વન્ય આદિવાસીઓને ધીરે ધીરે મકાનમાંથી બહાર નીકળી જવાનું કહ્યું. આદિવાસીઓ તો બિચારાં ગામ આવતાં પોત પોતાનાં રસ્તે ગયાં અને રઘુપટેલ ઘરે આવી આરામખુરશીમાં ફસડાયાં.

રઘુપટેલ વિચારવાયું એ ચઢ્યાં. ત્યાં જ બિમાર મનોહરે કીધેલી એક વાત તેમના ચિત્તતંત્રમાં ઘુમરીઓ લેવા માંડી.

મનોહર અને દિપક જ્યારે તે મકાનમાંથી ભાગ્યા હતાં ત્યારે ઘરે આવતા તેઓ થાક ખાવા માટે એક મકાનના ખંડેર પાસે ઊભા હતાં ત્યારે ત્રણ ધાબળા ઓઢેલા માણસો પરસ્પર રઘુપટેલ વિશે વાતો કરતાં હતાં. એક કહેતો હતો કે આપણા પિતાજીને રિબાવી રિબાવીને મારનારના પુત્ર પર બદલો લેવાનો સમય હવે પાકી ગયો છે. દગો કરી પચાવી પાડેલા હીરા કોઇ પણ ભોગે પાછા મેળવવા જ રહ્યાં!

‘ચાલો સાથીઓ, આપણે બધા એક એક કરીને નીચે ઉતરતા જઇએ. નક્કી અહીં નીચે કોઇ ભોયરૂ હોય એમ લાગે છે.’

‘હા! હા! પટેલ કશી ચિંતા નથી.’ બધા નીચે ઉતરવા લાગ્યાં.

ત્યાં જ રઘુપટેલની નજર એક ચળકતી ગોળાકાર વસ્તુ પર પડી. કુતૂહલવશ થઇને તેમણે તે વસ્તુ હાથમાં લીધી. પટેલે ફરી એક આંચકો ખાધો. કેમ કે જે ગોળાકાર વસ્તુ હતી તે એક બંગડી હતી. તે પણ...ઘણાં વર્ષો પહેલાં મેળામાં ખોવાઇ ગયેલી. પોતાની પ્યારી અને લાડલી બહેન રાધાની!!! બંગડી હાથમાં આવતા જ પટેલને કંઇક સુખદ અને કંઇક દુઃખદ સ્મૃતિઓની અનુભૂતિ થઇ. પટેલ ત્યાં જ થંભી ગયા. વર્ષો પહેલાનો તે પ્રસંગ તેમની આંખો સામેથી ચિત્રપટની માફક સરકવા લાગ્યો.

જ્યારે રઘુપટેલ સત્તર, અઢાર વર્ષના યુવાન હતા ત્યારે પણ તેમનું કુટુંબ પૈસેટકે સધ્ધર અને સારૂ હતું. રાધા એમની એકની એક લાડલી બહેન હતી. એકવાર ગામથી થોડે દૂર ભરાતા જન્માષ્ટમીના મેળામાં જવા માટે રાધાએ હઠ પકડી. રઘુ, રાધાને લઇને મેળો જોવા ગયો. સાથે બીજા ભાઇબંધો અને રાધાની સહેલીઓ પણ હતી. મેળામાં સખત ભીડ હતી. રઘુ, રાધાનો હાથ પકડી, તેણીને મેળામાંની અવનવી ચીજો બતાવતો હતો. રાધાએ સુંદર હીરાજડીત સોનાની બંગડીઓ પહેરેલી હતી. મેળામાં, ફરતાં ફરતાં રાધાએ ચકડોળ જોયું. એ ચકડોળમાં રાધાની સહેલીઓ પણ બેઠેલી હતી. રાધાને પણ ચકડોળમાં બેસવાનું મન થયું. રઘુએ ના પાડી કેમકે આટલી બધી ભીડમાં ત્યાં જવું શક્ય ન હતું. પરંતુ રાધાની જીદ પાસે તેમને નમતું જોખવું પડ્યું.

રઘુ, ભીડમાંથી રસ્તો કરી રાધાને ચકડોળ તરફ લઇ જવા લાગ્યો. અચાનક ભીડ એકદમ વધી ગઇ. ધક્કામુક્કી થવા માંડી. તેવામાં રાધાનો હાથ, રઘુના હાથમાંથી છૂટી ગયો. રઘુ, ‘રા...ધા...રા...ધા’ કહીને બૂમો પાડવા ઘોડા પર બેસાડી લઇ જતાં હતાં.

રાધા, ‘રઘુ...રઘુ...ભાઇ’ની ચીસો નાખતી હતી....તટફડતી હતી. રઘુના તો હોંશ કોશ ઊડી ગયા. તેનો ચહેરો રડવા જેવો થઇ ગયો. પરંતુ તે હિંમત ન હાર્યો. પીપળાના ઝાડ સાથે બાંધેલા કોઇકના ઘોડાને છોડીને તે પણ ઘોડા પર ચઢી ગયો. અને ડાકુઓ પાછળ ઘોડો મારી મૂક્યો. રાધાની ઇજ્જત ખતરામાં હતી.

રઘુ પાછળ પડી ગયો. રસ્તામાં એક નદી આવી. તેના પુલ પરથી ડાકુઓ ઘોડા દોડાવવા લાગ્યા. રાધાના મનમાં થયું કે આવા શેતાનોના પંજામાં ફસાવવા કરતા મૃત્યુ શું ખોટું? રાધા, ધબાક કરતી નદીમાં કૂદી પડી. રાધા નદીમાં કૂદી પડી તેથી ડાકુઓએ વધારે ઝડપથી ત્યાંથી ઘોડા દોડાવી મૂક્યા.

રઘુએ રાધાને નદીમાં કૂદી પડતા જોઇ. એના હૃદયને સખત આઘાત લાગ્યો. રઘુને તરતકા આવડતું ન્હોતું તેથી તે રાધાને બચાવી શક્યો નહીં. તે બેહોશ થઇને ત્યાં જ પડી ગયો. તેના ભાઇબંધો તેને શોધતા અહીં આવી પહોંચ્યા અને રઘુને નજીકના દવાખાને લઇ ગયા. જ્યારે રઘુની આંખ ખુલી ત્યારે તેના પિતા માધવપટેલ તેની પાસે આંખોમાં આંસુ ભરી ગુમસુમ થઇને બેઠાં હતાં. જમના હૈયાફાટ રૂદન કરતી હતી. રઘુએ રડતી આંકે પિતાજીને સઘળી વાત જણાવી. માધવ પટેલે, રાધા પાછળ પડનારાઓની પણ ઘણી તપાસ કરાવી...પણ કશી ભાળ મળી નહીં.

દિવસો વહેતા ગયા. વ્હાલસોયી દીકરી ગુમાવ્યાના આઘાતમાં એક મહિનાની અંદર અંદર માધવપટેલ પણ ગામતરૂ કરી ગયા.

રઘુપટેલના વિચારવાયુનો વેગ અટક્યો. તેમણે તેની જાતને સંભાળી લીધી. ફરી તે પગથિયાં ચઢીને ભોંટરાની બહાર આવ્યા. રઘુપટેલને ઘણું બધું સમજાય ગયું હતું. દ્રઢ નિશ્ચય કરીને તેઓ પોતાના વન્ય સાથીદારોને લઇને ઘર તરફ ચાલી નીકળ્યા. બીજે દિવસે રઘુપટેલ ગંગા અને દિપકના હાલચાલ જાણવા માટે તેમના ઘરે ગયા.

‘કેમ...ગંગા...શું....ચાલી રહ્યું છે? દિપક...દેખાતો નથી?’

‘શેઠ...સાહેબ...હું અહિંયા છું.’ ખૂણામાં સુતેલો દિપક ઊભો થઇને રઘુપટેલને પગે લાગ્યો.

‘જીવતો રહે. કેમ...ઘેર નથી આવતો. ગભરાયેલો લાગે...છે. હવે કેમની છે....તારી તબિયત...’

‘શેઠ...મારા...બાપુજી ક્યારે આવશે? મને એમની...ઘણી યાદ આવે છે.’ દિપકે રઘુપટેલને કરસનના વાવડ પૂછ્યા.

રઘુપટેલ અને ગંગાનું હૃદય ભરાઇ આવ્યું. રઘુપટેલ દિપકના મસ્તકે વ્હાલભર્યો હાથ પસરાવી ત્યાંથી બહાર નીકળી ગયા.

તે જ દિવસે પુરતી તૈયારી કરીને રઘુપટેલ પોતાના બહાદૂર વન્ય સાથીદારો સાથે ફરી રાતના બાર વાગે ખેતરવાળા મકાનમાં ગયા. રઘુપટેલે હાથમાં પકડેલું ફાનસ જાણીબૂઝીને ઓલવી નાખ્યું.

ફરીવાર અટ્ટહાસ્ય, બિભિત્સ નર્તન, ગંદી હો હા...અને પડછાયા પડવાના ચાલુ થઇ ગયા.

એવામાં રઘુપટેલના કાને પાયલનો ઝંકાર સંભળાયો. સાથે એક તીણી ચીસ અને ચાબૂકના ફટકાનો અવાજ સાંભળી તેઓ ચોંકી ગયા.

અવાજ કંઇક ચિરપરિચિત લાગ્યો. રાધાના સ્વર જેવો આભાસ થયો કેમકે બચપણમાં કોઇકવાર જ્યારે રઘુપટેલ અને રાધા ઝઘડતા ત્યારે રાધા આવી જ રીતે ચીસો પાડતી હતી. તેવામાં ચૂડેલનો વેશ પહેરેલી એક સ્ત્રી નર્તન કરવા લાગી. કોઇ તેણીને બળજબરીપૂર્વક નચાવતું હોય એમ લાગ્યું.

રઘુપટેલ સમજી ગયા. એમના આખા શરીરમાં ધ્રુજારીની એક લહેરખી દોડી ગઇ. હા! આ સ્ત્રી રાધા હતી. પ્યારી રાધા! લાડલી...વ્હાલી...રાધા!!!

રાધાને જોઇને રઘુપટેલ બહાવરાં બની ગયા. રાધાને ફરી આટલા વર્ષે જીવતી જોઇને એમનું હૃદય હાથમાં ન રહી શક્યું. મૃત્યુની બીક વગર રઘુપટેલ રાધાની પાછળ દોડી પડ્યા! ત્યાં તો ભડાક દઇને ભોંયરાનું બારણું ખુલ્યું. ત્રણ જઇ, ડરામણા ભૂતોના વેશ પ્હેરેલા વ્યક્તિઓ રાધાને ખભે નાખી નાસવા લાગ્યાં. રઘુપટેલને હવે ઝનૂન ચઢી ગયું. તેમણે વન્ય સાથીદારોને ઇશારો કરીને ભોંટરામાં બોલાવ્યા. તેમણે એ લોકોના કાનમાં કંઇક કહ્યું અને ઝપાટબંધ ભોંયરાના પગથિયાં ઊતરવા લાગ્યાં. ઘણું બધું ચાલી નાખ્યું. હવે તેઓને થાક લાગ્યો હતો. તેઓ એક ખંડેર પાસે આવ્યાં. ત્યાં તાપણું સળગતું હતું. ત્રણ પઠ્ઠા જેવી વ્યક્તિઓ હાથમાં ખુલ્લી તલવાર રાખી કંઇક ચર્ચાવિચારણા કરી રહ્યા હતાં.

ખંડેરના આગળના ભાગમાં આવીને રઘુપટેલે તીરછી નજરે તેઓના ચહેરા જોયા. જોતા જ તેઓ અચંબો પામી ગયા. આ ત્રણ વ્યક્તિઓ કોઇ નહીં પણ કાશીરામ, શીવપ્રસાદ અને કાનજી હતા. રઘુપટેલથી હવે ગુસ્સો જીરવાયો નહીં. તેથી તેઓ દોડતાક આવ્યા અને ત્રણેવની વચ્ચે પડી, બે જણની બોચી ઝાલી પરસ્પર માથા અફળાવી, બે ચાર લાતો લગાવી દીધી. અચાનક થયેલા આ હુમલાને કારણે તેઓ હેરાન થઇ ગયા. પછી ત્રણેવની વચ્ચે પડી, બે જણની બોચી ઝાલી પરસ્પર માથા અફળાવી, બે ચાર લાતો લગાવી દીધી. અચાનક થયેલા આ હુમલાને કારણે તેઓ હેરાન થઇ ગયા. પછી ત્રણેવ જણે ઊભા થઇને રઘુપટેલને પછાડ્યા. કાનજી તેમની છાતી પર ચઢી બેઠો અને મુષ્ટિપ્રહાર કરવા લાગ્યો. ત્યાં જ રઘુપટેલ ઊંધી ગુલાટ ખાઇને ઊભા થયા અને પેલા ત્રણેવને બાઝી પડ્યાં. ‘કાશ્યા...રાધાને સોંપી દે...નહીં....તો હું.. બધાને મોતની ગોદમાં સુવડાવી દઇશ.’

‘રાધા...જા...જા..કૂતરા! રાધા હવે...કદી જીવતી તારા હાથમાં નહીં આવે. એ..ઇ..શંભૂ...બે સળિયા ભઠ્ઠીમાં ગરમ કર...આ...પાજીની આંખો ફોડી નાખીએ...તે પોતાની બહેનનો તો શું...પણ દુનિયા યે નહીં જોઇ શકે...’ કાશીરામે ત્રાડ નાખી...એક કાળા, અલમસ્ત, ચોટલીવાળા આદમી તરફ ફરીને કહ્યું.

શંભૂ બે લોખંડના સળિયાને અગ્નિમાં તપાવવા લાગ્યો. ત્યાં તો પાછળથી આવી પાંચ દશ વન્ય આદિવાસીઓ તેના પર તૂટી પડ્યા. ગડદાપાટુ, મુષ્ટિપ્રહાર અને ઘોલધપાટાનું યુદ્ધ ચાલુ થઇ ગયું.

જાડિયો પણ ગાંજ્યો જાય તેવો ન હતો. પુરી તાકાતથી તે વન્ય આદિવાસીઓનો સામનો કરવા લાગ્યો. તેઓને ઘણી હેરાનગતિ ભોગવવી પડી.

અચાનક કેવટ ઉશ્કેરાઇને શંભૂ પર પડ્યો. તેણે પુરી તાકાતથી શંભૂની ચોટલી ખેંચવા માંડી. બીજા બે જણાએ તપાવેલા સળિયા ઉઠાવી તેને ડામ દેવા માંડ્યાં. ત્યાં જ વન્ય આદિવાસીઓને કંઇક રમૂજ સૂઝી. તેઓ એકબીજાની કમર પકડી એક કેવટને કમ્મરેથી પકડી લીધો. હવે બધાએ ભેગા મળીને બળ અજમાવ્યું. ચીસાચીસ મચી ગઇ. જાડિયાની ચોટલી કેવટના હાથમાં આવી ગઇ. જાડિયો દુઃખનો માર્યો બરાડા પાડવા લાગ્યો. અંતમાં તે બેહોશ થઇને ઢળી પડ્યો.

વન્ય સાથીદારો માટે તો આ મજાકની વાત થઇ. તેઓ હસી હસીને લોથપોથ થઇ ગયા. એવામાં રઘુપટેલ પણ ત્યાં આવી પહોંચ્યા. રઘુપટેલ અને વન્ય સાથી દારોએ ત્રણેવનો ઘેરો ઘાલ્યો. છે...લ્લે તેઓએ પોતાની હાર સ્વીકારી લીધી.

કેવટે, શંભૂની ચોટલી ગજવામાં મૂકી દીધી. કુસ્તીબાજીમાં એક પહેલવાનને હરાવી તેની ચોટલી ઉખાડી નાખી એવી બહાદૂરી મારવા તે ગામ લોકોને ચોટલીનો પુરાવો બતાવવા માંગતો હતો.

છેવટે બધા રઘુપટેલની આસપાસ ટોળે વળી ગયા. પેલા ત્રણેવ જણા રઘુપટેલની માફી માંગવા માંડ્યાં. રઘુપટેલે સમાધાનનો રસ્તો વિચારી લીધો. અર્ધા હીરાઓ પરત આપી દેવાની વાત પેલા ત્રણેવે સ્વીકારી લીધી. પછી હીરાઓ બાબતની વાત અથથી તે ઇતિ સુધી કાશીરામે કરવી એવું નક્કી થયું. કાશીરામે વાત માંડી.

‘માધવ પટેલ અને અમારા પિતાજી વલ્લભદાસ બચપણથી એકબીજાના જિગરી દોસ્ત હતા. સ્થિતી અતિ સાધારણ હતી. તેઓ બંન્ને બીજાઓના ખેતર ખેડી ગુજરાન ચલાવતા હતા. જવાન થતા બંનેવની ગૃહસ્થી વસી. માધવ કાકાને એક પુત્ર અને પુત્રી થયા. તેમાંથી એક રઘુ અને બીજી રાધા. મારા પિતાજીની ખુશીની કોઇ સીમા ન હતી. દોસ્તીનું સગપણ કાયમ જળવાઇ રહે તે માટે રાધાનું મારી સાથે વેવિશાળ કરવામાં આવ્યું.’ વન્ય સાથીદારો અને બીજાઓ ધ્યાનથી કાશીરામની વાત સાંભળતા રહ્યા. કાશીરામે આગળ ચલાવ્યું.

‘કરસન...મારા...કાકાનો દીકરો. મારો જિગરી દોસ્ત. એક દિવસ માધવ પટેલ અને મારા પિતાને ખેતર ખેડતા ખેડતા એક ચરૂ હાથ લાગ્યો. તેમાં છલોછલ હીરાઓ ભરેલા હતાં. દાગીના અને બીજુ ઝરઝવેરાત પણ હતું. બંનેવના હર્ષની કોઇ સીમા ન્હોતી. ભાગ્ય દેવી રૂમઝૂમ પગલે તેમની પાસે આવી પહોંચ્યા હતાં જાણે!!!

માધપટેલ અને પિતાજી તે ચરૂને સંતાડીને ઘરે લઇ આવ્યાં. મારા પિતાજી ત્યારબાદ માધવપટેલને ત્યાંથી ઘરે આવ્યાં. અમે ત્રણેવ ત્યારે ઘરના આંગણામાં રમતા હતા. પિતાજીનો હર્ષિત ચહેરો જોઇને અમને પણ આનંદ થયો. પરંતુ પેલી તરફ અઢળક ધનસંપત્તિ જોઇને માધવકાકાની આંખો ચકરાઇ ગઇ!!!

માધવપટેલની બુદ્ધિભ્રષ્ટ થઇ ગઇ. મારા પિતાજી જ્યારે તેમનો હિસ્સો લેવા માટે તેમની ઘેર પહોંચ્યા ત્યારે માધવકાકાએ આગળ પાછળનો કંઇ પણ વિચાર કર્યા વગર એક તેજ ધારવાળો ચાકુ તેમની છાતીની આરપાર કાઢી નાખ્યો. મારા પિતાજી એક દર્દનાક ચીસ નાખી ત્યાં જ ફસડાઇ પડ્યાં. અમે ત્રણે નાના ભાઇઓ ત્યારે પિતાજીની પાછળ જ આવતા હતાં. અમે ઘરના પાછળના ભાગમાં પડતા નાના બાકોરામાંથી કાકને પિતાજી શું વાત કરે છે તે સાંભળવા માંડ્યાં.

‘માધવ, દોસ્ત, લાલચમાં આવી તું વર્ષોની મૈત્રી વિસરી ગયો! છટ્‌...ભૂંડા દૌલતે તારી મતિ બગાડી નાખી. તે મારા નાનકડા માસુમ પુત્રો સામેય ન જોયું? છતાં...ય હું તને માફ કરી દઉં છું....મને મરતાં ને બે ટીપાં પાણી આપ....ઓ ભગવાન...હે....રામ,’ મારા પિતાજી લોહીના ખાબોચિયા વચાળે પડ્યાં હતા ને માધવકાકા મૂછમાં હસતાં હતા. ક્રોધથી હું ફાટી જતો હતો. રઘુપટેલ, તમારા પિતાજીએ પાણીનું એક ટીપું પણ મારા મરતા બાપુના મોઢામાં ન નાંખ્યું. તેઓ તરસી તરસીને મર્યા.

એ દિવસનું દ્રશ્ય અમે ત્રણે જણાં આજ સુધી નથી વિસર્યા. વેરની આગ અમારા મનમાં ભડકતી ચાલી. તેની જ લા’યમાં અમે મેળામાંથી રાધાનું અપહરણ કર્યું. રાધા ખરેખર મરી ગઇ નથી. એ નદીમાં કૂદી ગઇ હતી. અમે ત્રણેવ તેણીને બહાર કાઢી અમારી સાથે લઇ ગયા હતા. માધવકાકા તો છેલ્લે બિમારીમાં રિબાઇ રિબાઇને મોતને ભેટ્યાં. પણ અમે તાતા દિકરા મનોહરને મારીને અમારા વેરની તૃષ્ણાને સંતોષવા માંગતા હતા. તેથી જ અમે તે મકાનમાં બનાવટી ભૂતાવળ ઊભી કરી હતી. રઘુ, અમે તમને પણ મારી જ નાખવા માંગતાં હતાં. તેથી અમે એક ભૂખી બિલાડીને કાળા કપડામાં લપેટીને તમારા તરફ દોડાવી હતી પરંતુ તે કૂવામાં જઇ પડી ને અમારો કરસન અકાળે મૃત્યુ પામ્યો. તે માટે પણ જવાબદાર તમે જ છો.’ કાશીરામે વારતા સમાપ્ત કરી. ક્રોધ અને સંતાપથી હજુ તેમનો ચહેરો લાલ હતો.

પિતાજીના કરતુકોની વાત સાંભળી રઘુપટેલનું મસ્તક પણ શરમથી ઝૂકી ગયું. રઘુપટેલે કાશીરામના પગમાં પડી પિતાજી વતી માફી માંગી. કાશીકામનું દિલ પણ પીગળી ગયું. પાડાને વાંકે પખાલીને ડામ દેવાની વાત તેમણે પણ છોડી દીધી. તેણે રઘુપટેલને ઊભા કર્યા. રાધા દોડતીક આવીને રઘુપટેલને વળગી પડી. રઘુપટેલ ખુશ ખુશ થઇ ગયા.

રઘુપટેલે, પોતાની મિલ્કતમાંથી અર્ધી મિલ્કત અને ખેતરો કાશીરામ અને તેના ભાઇઓને સોંપી દીધા. રાધાનું લગ્ન પણ કાશીરામ સાથે કરાવી આપ્યું. રઘુપટેલે રાધાની જેમ કરસનની વિધવ ગંગાને પોતાની બેન ગણી અને તેના પુત્ર દિપકને દત્તક લઇ લીધો.

વર્ષો પાણીના રેલાની જેમ વહી ગયા. દિપક અફસર અને મનોહર ડોક્ટર બની ગંગાના આશીર્વાદ મેળવવા તેમની પાસે આવ્યા. ગંગાની આંખો હર્ષ અને વિસ્મયના ભાવથી ભરાઇ ગઇ. સામે કરસન અને ગંગાનો પુત્ર દિપક અફસર બનીને ઊભો હતો!!!

નાગમણિ

શાળા છુટી ગઇ. મુનીરને ભૂખ લાગી હતી. દોડતોક એ તો ઘરે આવી રસોડામાં ઘુસી ગયો.

‘અમ્મા! અમ્મા! કશું ખાવાનું આપી દે. બહુ જ ભૂખ લાગી ગઇ છે. રિસેસમાં કેન્ટીનમાં નાસ્તો કરવા પણ ગયો નથી’ મુનીરે દફતર જમીન પર પટકતાં કહ્યું.

‘અરે! બેટા સબર કર. નાસ્તો તૈયાર થાય છે અને દફતરને બહાર રૂમમાં ખીંટી પર લટકાવી દે. રસોડામાં દફતરને લઇને અવાય?’ શાહીનબાનુ એ ખારી પૂરીઓ તળતા તળતા મુનીરને ઠપકાના ભાવ સાથે કહ્યું.

મુનીરનું મન શાળામાંથી જ કોઇ ચકરાવે ચઢ્યું હતું. તે ગુજરાતી માધ્યમના નવમાં ધોરણમાં શેઠ હિંમતરાય સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. આજે ઇતિહાસના શિક્ષક તપન સાહેબે વર્ગમાં નાગમણિ વિશે વાત કરી હતી. એક ઝગમગતો, ઝળાહળાં પ્રકાશનો પુંજ એટલે નાગમણિ કે જેના સ્પર્શથી લોખંડનું સોનામાં પરિવર્તન થાય છે એ. નાગમણિ નાગરાજાના મસ્તક ઉપર બિરાજમાન હોય છે.

મુનીરે તપન સાહેબની આ આખી વાત ઘણાં ધ્યાનથી સાંભળી હતી.

‘અરે! એવું હોતું હશે? લોખંડનું સોનું બની જાય?’ એણે એના લંગોટિયા દોસ્ત રેહાનને સઆશ્ચર્ય પૂછી લીધું.

‘હોય પણ...ખરૂં...આ તો માસ્તર કહે એ બધું સાચું.’ રેહાન હસતો હસતો ત્યાંથી ભાગી ગયો.

‘જો બેટા! પૂરીઓ તળાઇ ગઇને ચા પણ તૈયાર છે. તું પહેલા હાથ પગ ધોઇને બિસ્માને સાથે લઇને અહીં આવી જા.’ શાહીનબાનુએ મુનીરને આજ્ઞાના સ્વરમાં કહ્યું.

‘બિસ્મા...બિસ્મા ક્યાં મરી ગઇ? ચાલ અમ્મા નાસ્તો કરવા માટે બોલાવે છે.’ મુનીરે બાથરૂમ બાજુ જતાં જતાં તેની નાની બહેન બિસ્માને હાંક મારી.

નાસ્તો પતાવી મુનીર એના સ્ટડીરૂમમાં ચાલ્યો ગયો. ધીમે ધીમે રાત્રિનું અવતરણ થવા માંડ્યું. ઘરના તમામ સભ્યો પોતાના રોજિંદા કામકાજ પતાવી, રાત્રિનું ભોજન લઇ નિંદ્રાધીન થવાની વેતરણમાં પડ્યાં હતાં.

નાગમણિના અદ્‌ભૂત વિચારોને લઇને મુનીરથી રાત્રિનું ભોજન બરાબર થઇ શક્યું ન હતું. તેને થોડો થાક પણ લાગ્યો હતો. એણે રૂમની લાઇટ બંધ કરી પથારીમાં લંબાવ્યું.

હુમા અને હયા બિસ્માની બે નાનકડી સહેલીઓ સાથે મુનીર અને રેહાન. આ પાંચેય જણા એક દૂરના જંગલમાં ભૂલા પડ્યાં હતા.ં ઘોર અંધકાર. ચારે બાજુ ઊંચાઊંચા ઘટાદાર વૃક્ષો. ટમરાંનો ગણગણાટ. ચારે બાજુ નાના નાના ચામડચિડિયાંના ઝુંડના ઝુંડ વૃક્ષો પર ઊંધા લટકી ચિચિયારીઓ કરતાં હતાં. નીરવ અંધકાર વચ્ચે ક્યાંક ક્યાંક વાઘની ત્રાડનો અવાજ પણ શરીરમાં કંપન પેદા કરતો હતો.

મુનીર પાસે બેટરી હતી પરંતુ તેનો પ્રકાશ અંધારાને હંફાવી શકવા માટે અસમર્થ હતો. પાંચેય નાના નાના બાળુડાં પડતાં આથડતાં આગળ વધી રહ્યાં હતાં. ત્યાં જ બિસ્મા બિચારી કાંટાળા છોડ વચ્ચે જઇને ફસાઇ પડી.

‘મુનીર...મુનીર...ભૈયા મને બચાવો. મારા પગમાં કશુંક ભોંકાઇ ગયું છે...મારાથી ઊભું થવાતું નથી.’

‘બિસ્મા...બિસ્મા ગભરાઇશ નહીં...અમે આવીએ છીએ...તું જરા પણ ડરતી નહીં.’ મુનીરે હાથ હલાવી રેહાનને ઝડપથી આવવાનું સૂચન કર્યું.

રેહાને નીચે ઝૂકી જઇ બિસ્માનો હાથ પકડી તેણીને કાંટાળા છોડ વચ્ચેથી બહાર ખેંચી લીધી. કાંટાઓના ઉઝરડાં થવાથી બિસ્માના હાથ પગ ઉપર લોહીની ટશરો ફૂટી નીકળી હતી. તેણીથી રડી પડાયું.

‘રડ....નહીં બિસ્મા...એમ હિંમત હારી જઇશ તો કેમ ચાલશે? આપણે નાગમણિની શોધમાં અર્ધે તો આવી ચઢ્યા છીએ. હવે પાછા ફરવું કાયરતા કહેવાશે.’ મુનીરે બિસ્માની પીઠ થાબડતા કહ્યું. ‘આપણે આજે ગમે તેમ કરીને પણ નાગમણિ મેળવીને જ જંપીશું.’

ફરી હિંમત એકત્રિત કરી પાંચેય જણ આગળ ચાલવા માંડ્યાં.

‘મને ખૂબ જ તરસ લાગી છે મુનીરભાઇ...પાણીનો કંઇક તો બંદોબસ્ત કરો.’ બિસ્માએ મુનીર તરફ ફરીને રડમસ અવાજે કહ્યું.

‘રેહાન...પાણી તો બધાને જ પીવું છે. સૌ તરસના માર્યા આકુળ વ્યાકુળ થવા લાગ્યાં છે.’

‘હા....હા જૂઓ સામે કૂવા જેવું કશુંક દેખાઇ રહ્યું છે...આપણે તે તરફ ચાલીએ.’

‘ચાલો બધા તે તરફ ઝડપથી.’ હુમાએ હયા અને બિસ્માનો હાથ પકડતા કહ્યું.

બધા બાળકો કૂવા તરફ આગળ વધ્યાં. કૂવો ઘણો જ પ્રાચીન અને અવાવરૂ લાગતો હતો. કૂવામાં ઉતરવા માટે નાના નાના પગથિયાં બનાવવામાં આવ્યાં હતાં. આજુબાજુ નાના નાના છોડ અને ઝાંખર ઊગી નીકળ્યા હતાં.

મુનીરે બેટરીનો પ્રકાશ કૂવા તરફ ફેંકીને અંદર જોયું. પાણી તો ઘણું દેખાતું હતું. બિસ્મા, હયા અને હુમા કૂવા પાસે ઊભા રહ્યાં. જ્યારે મુનીર અને રેહાન કૂવાના પગથિયાં તરફ આગળ વધ્યાં થોડે નીચે ઊતર્યા કે અંદરથી અવાજ આવ્યો.

‘થોભો બાળકો...સાવધાન...આ કૂવાનું પાણી તમને પીવાનું નથી. આ પાણી પીવાને લાયક નથી...તમે...બધા અહિંયાથી જતા રહો.’

થોડીક વાર તો બધા બાળકો ગભરાઇ ગયા. આવો ભારેખમ અવાજ કૂવામાંથી આવતો હતો. રેહાને નીડરતાથી કહ્યું.

‘આપ સાહેબ...કોણ...બોલી રહ્યાં છો?...દેખાતા ય નથી?...કૂવામાં ક્યાં સંતાયા છો?’

‘બેટા, હું દ્રશ્યમાન નથી...પણ તમે લોકો મારા અવાજથી ડરશો નહીં...હું બાળકોનો હિતેચ્છુ છું.’

‘પણ...તો પછી આપ અમને તરસ્યા ઓને પાણી પીવા માટે કેમ ના પાડો છો? પાણી વિના અમારો જીવ જઇ રહ્યો છે.’ મુનીરે કૂવામાં જોઇ ચિંતા ગ્રસ્ત સ્વરે કહ્યું.

‘હા...દીકરા...તમને મારી વાતનો ગુસ્સો તો આવશે...જ પણ આ પાણી લોહિયાળ છે. આ પાણી પીનાર કોઇ પણ સજીવ શરીરથી ક્ષતિગ્રસ્ત એટલે કે અપંગ થઇ જાય છે...આ પાણી...શાપિત પાણી છે.’ કૂવામાંથી અવાજ આવ્યો.

‘હા...પણ કેવી રીતે? આપ સાહેબ અમને માંડીને વાત કરશો?’ રેહાને કૂવામાંથી બહાર નીકળતા કહ્યું. સાથે મુનીર પણ કૂવામાંથી બહાર આવ્યો.

‘અહિંયા ઘણા વરસો પૂર્વે એક સુંદર નગરી હતી. નગરના લોકો ને પાણીની તંગી વરતાવવા માંડી. તળાવો, નદીઓ, કૂવાના પાણી ઓછા પડવા માંડ્યાં. પાણી વગર ખેતરો સૂકાભઠ્ઠ થવા માંડ્યાં. અનાજની તંગી વરતાવવા માંડી. બાળકો, તરસ અને ભૂખના માર્યા ટળવળવા લાગ્યાં. પશુ પંખીઓ ટપોટપ મરવા માંડ્યા. આખુ નગર ચિંતાગ્રસ્ત થઇ ગયું. લોકો નગરમાંથી હિજરત કરવા માંડ્યા.

ગુપ્તચરોએ રાજાને બાતમા આપી કે પ્રજાના દુઃખોનો કોઇ પાર નથી. નગરજનો નગર છોડીને જવા માંડ્યાં છે. રાજાની વેદનાની કોઇ સીમા ન રહી. રાજારાણી અને કુંવરોએ ખાવાપીવાનું છોડ્યું. નગરજનો ભૂખ્યા તરસ્યાં દિલમાં ઘણું દુઃખ દેખાવવા માંડ્યું.’

‘સવારે ઢંઢેરો પીટાવો. કોઇ નગર છોડીને જશે નહીં. રાજકોષ ખુલ્લાં મૂકવામાં આવશે. અન્નભંડારોમાંથી અનાજનું દાન આપવામાં આવશે. હું પ્રજાના હિત માટે મહાયજ્ઞ કરાવીશ. ઠેર ઠેર નવા કૂવા અને તળાવ ખોદાવવામાં આવશે. વરૂણદેવતા પાસે યાચના કરવામાં આવશે.’ રાજાએ મંત્રીને બોલાવીને કહ્યું.

મંત્રીએ નગરમાં રાજાના કહેવા મુજબ ઢંઢેરો પીટાવ્યો. લોકો ખુશ થયા. લોકોએ નગર છોડીને જવાનું માંડી વાળ્યું.

રાજાએ ઠેર ઠેર કૂવા ખોદાવવા માંડ્યાં. પણ...જમીનમાં પાણી હોય તો દેખાયને...રાજાના મનમાં થયું આ તો રાતદિવસની મહેનત માથે પડી. રાજાના મનમાં ફરી વિષાદે ઘેરો ઘાલ્યો. એમણે આખી રાત ઇશ્વર પાસે ગદ્‌ગદિત મને પ્રાર્થના કરી.

રાજાને સપનું આવ્યું. સપનામાં એક દૈવી પુરુષે કહ્યું. ‘નગરના ચાર રસ્તે તારા પરદાદાની વીરતાનું સ્મરણ કરાવતી એક ખાંભી મૂકેલી છે. એ જગ્યાએ ત્રીસફૂટનું ખોદાણ કર. અઢળક મીઠું પાણી મળી આવશે.’

સવારે ઊઠતાં જ રાજાનું હૃદયકમળ ખીલી ઊઠ્યું. એમણે તાત્કાલિક મંત્રીને તેડાવ્યા ને રાત્રિના સપના વિશે વાત કરી. મંત્રીએ ગુપ્તચરોને નગરના ચાર રસ્તે દોડાવ્યા. વાત સાચી હતી. ચાર રસ્તા પર એક ખાંભી હતી.

મજૂરો એ તાત્કાલિક આજુબાજુની જમીન ખોદવાનું ચાલુ કર્યું. રાજા પોતે રસાલા સાથે હાજર રહ્યા. બધાની આંખો આકાશ તરફ મંડાયેલી હતી. બધાના દિલમાંથી પ્રાર્થના સરી રહી હતી. મસ્જીદોમાંથી અઝાન અને મંદિરોમાંથી પ્રાર્થાનાના સ્વરો ગૂંજવા માંડ્યાં.

‘અરે! આ શું? હજી તો પચ્ચીસ ફૂટ પણ ખોદાયું નથી ને પાણીની ટશરો ફૂટવા માંડી’ ખોદનારાઓ ચીચીયારીઓ પાડવા માંડ્યાં. રાજા હર્ષોન્મત થઇ ગયા. ‘માલિકે પ્રાર્થના સાંભળી ખરી.’ લોકોની આંખો ગગનને ભેદવા માંડી.

ત્રીસ ફૂટનું ખોદાણ થતાં જ પાણીની રેલમછેલ થવા માંડી. લોકો નાચી ઊઠ્યા. રાજાના આનંદનું પૂછવું જ શું? પુષ્કળ પ્રમાણમાં પાણી મળી આવ્યું. રાજાએ નહેરો બનાવડાવી અને પ્રજાને જીવતદાન આપ્યું.

થોડા મહિનાઓ આ રીતે સારું ચાલ્યું. લોકો સુખે રહેવા માંડ્યા. એક દિવસ રાજા પોતાના રસાલા સાથે, બીજા નગરના રાજાના આમંત્રણને માન આપી, તેના નગરમાં જવા માટે નીકળ્યા.

રાજાએ અદ્‌ભૂત કૂવા પાસે આવી પોતાના રાજકીય સલાહકારો સાથે કૂવાનું પાણી પીધું. પરંતુ હાયરે! દુર્ભાગ્ય ડાકુઓના એક ટોળાએ આવી રાજા પર સીધું આક્રમણ કરી દીધું. રાજા અને તેમના સાથીદારોનું સર્વસ્વ લૂટી લીધું. ડાકુઓએ બધાને મારી નાખ્યા અને દયાળુ રાજાનું મસ્તક એક જ ઝાટકે વાઢી નાખ્યું. એ જ મસ્તક ઉછળીને આ કૂવામાં પડ્યું. ત્યારથી જ આ કૂવાનું પાણી શાપિત પાણી બની ગયું. નગર બરબાદ થઇ ગયું. વરસો પછી નગરનું જંગલમાં રૂપાંતરણ થઇ ગયું. સાંભળો છો બાળકો એટલે હુ તમને આ કૂવાનું પાણી પીવાની ના પાડું છું. કૂવામાના અવાજે કહ્યું.

‘પરંતુ આપ સાહેબ અમને એવો નિર્દેશ કરી શકશો ને કે પાણી બીજે ક્યાંથી મેળવી શકાશે?’ હયાએ ભાવવાહી સ્વરમાં કહ્યું.

‘હા...હા...બેટા શા માટે નહીં? જુઓ હવે પ્રભાતના કિરણ ફૂટી રહ્યા છે. સૂરજદાદાનું અજવાળું રેલાવવા માંડ્યું છે. તમે બધા અહિંયાથી ત્રણસો પગલાં જેટલું જમણે ચાલશો તો તમને ત્યાં વિશાળ જળ સાગર દેખાશે. એ જળસાગરમાં એક સુંદર મત્સ્યકન્યા રહે છે. તમે એને સાદ કરશો તો તે એક સુવર્ણકલશ સાથે હાજર થશે તમારી તૃષાને શાંત કરશે.’ કૂવામાંથી અવાજ આવતો બંધ થયો.

બાળકો ખુશ થતા થતા જમણી બાજુના વળાંક ઉપર ચાલવા માંડ્યા.

‘પગલાં ગણવા પડશે મુનીર કે એમ જ જળસાગર આવશે.’ રેહાને મજાકના સ્વરમાં કહ્યું.

‘ચલતા રહો આગે ફતેહ હૈ આગે.’ મુનીરે હાથ હલાવી બધાને આગળ ધકેલવા માંડ્યાં.

તરસ્યા બાળકો અથડાતાં કૂટાતાં આગળ વધવા માંડ્યા. દૂરથી જળસાગર દેખાવવા માંડ્યો. બાળકોના મન ખુશીથી ઝૂમી ઊઠ્યાં. ખરેખર! વાત તો સાચી જ નીકળી.

જળસાગર એટલે વિશાળ સમુદ્ર નહીં પરંતુ નાનકડું એવું સ્વચ્છ તળાવ. કૂવામાંના અવાજે આને જ જળસાગર એમ કહ્યું હશે. બિસ્માનું મન કંઇ ચકરાવે ચઢ્યું. કંઇ વાંધો નહીં આપણે તો પાણી પીવાથી જ કામને!

બાળકો જળસાગરની એકદમ નજીક આવ્યાં. પાણીમાં અસંખ્ય સોનેરી માછલીઓ તરતી હતી. કાંઠે ઊગેલી રાતરાણીના ફૂલોથી વાતાવરણ મધમધ થઇ રહ્યું હતું.

‘મત્સ્ય કન્યા તો નજર આવતી નથી! બેનબાને કેમ ખબર પડશે કે તળાવકાંઠે તૃષાતુરોનું લશ્કર ઊભેલું છે?’ રેહાને મજાક કરતાં કહ્યું. ને આવી વિપત્તિની વેળાએ પણ બધા ખડખડાટ હસી પડ્યાં.

અચાનક એવું શું થયું કે સૂર્ય મહારાજ ફરી વાદળા પાછળ સંતાવવા માંડ્યા. પવન જોરશોરથી ફૂંકાવા માંડ્યો. જળ સાગરના નીર હાલક ડોલક થવા માંડ્યાં. પાણીમાં અનેક ગણા વર્તૂળો રચાવવા માંડ્યાં. પાણીના વમળમાંથી એક મત્સ્યકન્યા બહાર આવવા માંડી. પરી જેવી મત્સ્ય કન્યા. એનું અર્ધુ શરીર પરી જેવું અને અર્ધું શરીર માછલી જેવું ને કેડે ઊચકેલો સુવર્ણકલશ. કાંઠે ઊભેલા બાળકો આ જોઇને છક થઇ ગયા. ‘એય...જૂઓ...જૂઓ માછલીરાણી પાણીમાંથી બહાર આવી રહી છે. હુમાથી ચીસ પડાઇ ગઇ.’

‘વ્હાલા બાળકો, બોલો કેમ આવવું થયું? શું હું તમારી કાંઇ મદદ કરી શકું?’ માછલીરાણીએ સ્મિત કરતા કહ્યું. હયાને લાગ્યું કે જાણે માછલીરાણીની મીઠી મુસ્કાનથી હજારો શ્વેત મોતી વેરાઇ ગયા ન હોય!

‘માછલીરાણીજી અમે આ જંગલમાં નાગમણિની શોધ કરતાં કરતાં આવી પહોંચ્યા છીએ. પરંતુ અમને ઘણી તરસ લાગી છે શું તમે અમને તમારા આ સુવર્ણકલશમાંથી થોડું પાણી પીવડાવી શકશો?’

‘જરૂરથી, હું આને મારું સદ્‌ભાગ્ય સમજીશ પરંતુ એ પહેલા તમને પણ મારુ એક કામ કરવું પડશે. બોલો બહાદૂર બાળકો તમે તે કામ કરી શકશો?’

‘રાણીજી...કામ કરવા માટે શક્તિ પણ જોઇએ પહેલાં પાણી પીવડાવી દો પછી બધું તમારું કામ કરવા તૈયાર. તરસ્યા જીવ શું કામ કરવાના.’ રેહાને અધીરા જીવે માછલીરાણીને રોકડું પરખાવી દીધું.

‘હા...બાળકો. હું તરતાં તરતાં સામે કાંઠે આવું છું. તમે પણ ત્યાં ચાલો અને એક પછી એક ખોબો ધરી પાણી પીવા માંડો.’

બિસ્માને શરીરમાં કાંટા ભોંકાઇ ગયા હતાં. તરસને કારણે તેનો જીવ જતો હોય એમ લાગતું હતું. તેથી સૌથી પહેલાં નાનકડાં બિસ્માબેન પાણી પીવા ખોબો ધરી આગળ ઊભા.

એક પછી એક સૌએ માછલીરાણીના સુવર્ણકલશમાંથી ભરપેટ પાણી પીધું. પાણી એટલું મીઠું મધુરું કે વારંવાર પીવાનું મન થાય જાણે કે નાળિયેરનું પાણી!

‘બોલો માછલીરાણી હવે અમે તમારું શું કામ કરીએ જણાવશો.’ હુમાએ મોઢું લૂંછતા કહ્યું.

‘દૂર સામે તમે એક પર્વત જોઇ રહ્ય.ાં છો ને? ત્યાં એક ગીધ રાજા રહે છે. તે મારી સુવર્ણકંઠમાળા લઇને ભાગી ગયો છે. શું તમે તેને પાછી લાવી આપી શકશો?’

‘પણ...માછલીરાણી...તમે એ સુવર્ણકંઠમાળાનું શું કરશો?’

‘બાળકો, એ તમે નહીં સમજો. અત્યારે હું બેધારું જીવન જીવી રહી છું. સુવર્ણકંઠમાળા એ મારી મુક્તિનું સાધન છે!’ ‘તમે જાતે જઇને ન લાવી શકો?...શું ગીધ...રાજા તમારાથી બળિયો છે.’ મુનીરે આશ્ચર્યના ભાવ સાથે કહ્યું.

‘નહીં બેટા, હું આ જળસાગરમાંથી બહાર જઇ શકતી નથી.’

‘પણ...રાણીજી, અમે તો નાગમણિ લેવા આવ્યાં છીએ ને અમને લાગે છે કે અમે બીજા બધા લફરામાં ઊંડા ઉતરતા જઇએ છીએ.’ રેહાને મોઢું મચકોડતા કહ્યું.

‘પરોપકાર કરવો એ પણ એક સારી બાબત છે તમારી થોડી મહેનતથી જો કોઇનું સારું થતું હોય તો તે કરવામાં શું વાંધો હોય શકે. પુણ્યનું કામ તમને સામે ચાલીને મળી રહ્યું છે તમે એને શોધવા ગયા નથી.’

‘સારૂ...સારૂ અમે એ તરફ જઇ રહ્યાં છે. પરંતુ ગીધરાજા એમ આસાનીથી સુવર્ણકંઠમાળા આપી દેશે શું?’ એ પાછી આપવા માટે થોડા લઇ ગયા છે? રેહાને શંકા વ્યક્ત કરતા કહ્યું.

‘હા...માછલીરાણી મારા મિત્રની વાત તો સાચી જ છે...ને...ઝપાઝપી થશે તો અમે પણ શું કરીશું?...અમારી પાસે કાંઇ થોડું રક્ષા કવચ છે? અમારી પાસે તો નાની જેવી છરી પણ નથી.’ મુનીરે ચિંતાગ્રસ્ત ભાવ સાથે કહ્યું.

‘હું એવી મુર્ખ નથી બેટા, આ મારી પાસે એક ઊડતી. કટાર છે. તમે એને ગીધરાજા સામે ફેકશો તો તે ચકરાવો લઇને ગીધરાજા પર પ્રહાર કરશે. એમ કરતાં જો ગીધરાજા ક્ષતિગ્રસ્ત થશે ને જમીન પર પડશે તો તમારું કામ થયું જ સમજો...પણ તમે ગીધરાજાને મારી ન નાખશો...એ જ તમને આગળ ઉપર નાગમણિ મેળવવાનો રસ્તો બતાવશે.’

‘સારું સારું’ મુનીરે કટાર હાથમાં લેતા કહ્યું. પછી પાંચેય બાળકો પર્વતના રસ્તે આગળ વધવા લાગ્યાં. ચારે બાજુ લહેરાતાં આચ્છાદિત વૃક્ષો આકાશને જાણે ઢાંકી દેતા હતા. પર્વત નજીક આવતો જતો હતો. દૂરથી જ પર્વત ઉપર એક ઘેઘૂર વડનું ઝાડ ઊભેલું દેખાતું હતું. વડની જટાઓ જમીન સુધી ઊતરી ગઇ હતી.

કેટલું વિશાળ વડનું ઝાડ હતું એ! બિસ્મા આશ્ચર્યમાં ગરકાવ થઇ ગઇ હતી. વડની એક બખોલમાં ગીધરાજા બેઠાં હતાં. એની ગરદનમાં ઝળાંહળાં થતી સુવર્ણ કંઠમાળા દેખાઇ રહી હતી. આટલો બધો ખૂબસૂરત હાર! હુમા અને હયાના ગળામાંથી જાણે સીસકારો નીકળી ગયો.

ગીધરાજાની ગુસ્સાથી ભરેવી મોટી મોટી લાલ આંખો. બાળકો થોડા તો ગભરાઇ જ ગયા પરંતુ બહાદૂર રેહાને ગીધરાજા તરફ દ્રષ્ટિ નાખતાં કહ્યું.

‘વાહ! ગીધરાજા વાહ! કોઇની વસ્તુ લૂંટી લઇને કેટલાં નિરાંતથી જલસા કરો છો! તમારો કોઇ જવાબ નથી.’

‘હા...હા...હા...હું જાણતો જ હતો કે એ માથા ફૂટેલી જળરાણી તમને લોકોને આ સુવર્ણકંઠમાળા લેવા માટે અહીં મોકલશે જ! વાત સાચી જ પડી.’ ગીધરાજાએ અટ્ટહાસ્ય કરતાં કહ્યું. અટ્ટહાસ્યથી વડ પર બેઠેલાં નિર્દોષ પક્ષીઓ કલબલાટ કરતા ઊડવા લાગ્યાં.

મુનીરે જોયું તો એક ભયંકર નાગરાજા દરમાંથી નીકળી ગુફા તરફ આગળ વધવા લાગ્યાં. એની લંબાઇ એની જાડાઇ એના મોઢાની ફેણ...શું કહેવું? પણ...ના..એના મસ્તક પર કાંઇ મણિજેવું તો હતું જ નહીં. બાળકો થોડા નિરાશ તો થયા જ. ગીધરાજાએ આ વાતની નોંધ કરી.

‘વ્હાલા બાળકો, હું તમારા મનની વાત જાણું છું તમારૂ અહિંયા જંગલમાં ભટકવાનું શું પ્રયોજન છે એની મને જાણ છે. તમે બધા અહિંયા નાગમણિ લેવા માટે આવ્યા છો પરંતુ નાગમણિ મેળવવો એ કાંઇ રમત વાત નથી. ભલભલા શૂરવીરો નાગમણિ નથી મેળવી શકતા. તો તમારી શું વિસાત છે?’

ભલે ગીધરાજા અમે એ વાત જાણીએ છીએ પરંતુ અમારી પાસે હિંમત અને સાહસ છે. તમે જો આ સુવર્ણકંઠમાળા અમને આપી દેશો તો ત્યાં જળસાગરની મત્સ્યકન્યારાણી અમને જરૂર નાગમણિ મેળવવા માટે મદદ કરશે.’

‘હું તમને સુવર્ણકંઠમાળા નહીં આપુ તો તમે શું કરશો? શું તમે મારી સાથે લડાઇ કરશો?’ ગીધરાજાએ મશ્કરી કરતા કહ્યું. ‘હા...એવું બને પણ ખરૂ અમે આ ઊડતી કટારથી તમારી ગરદન કાપી પણ નાખીએ.’ રેહાને કટાર પર હાથ ફેરવતાં કહ્યું.

‘અરે...ભોળિયા બાળકો તમે કશું સમજવા તૈયાર નથી.’ ‘અમે શું સમજવા તૈયાર નથી?’ હુમાએ પવનથી લહેરાતા માથાના વાળને સરખા કરતા કહ્યું.

‘આ મત્સ્યકન્યા એક નંબરની ઉઠાવગીર છે. બાળકો એની મીઠી મીઠી વાણીથી તમે લોકો ભરમાય ન જાવ. હકીકતમાં તો એ સુવર્ણકંઠમાળા ઇરાનની શહાના બેગમ સાહેબાના મહેલમાંથી જળરાણી ઊઠાવીને લાવી છે. ને ચૂપચાપ શાપિત થઇને જળસાગરમાં પડી રહી છે.’

‘પણ...પછી...આ સુવર્ણકંઠમાળા તમારી પાસે કેમ છે? તમે એને બેગમસાહેબાને કેમ પાછી આપી દેતા નથી?’ મુનીરે ઉતાવળા થઇને ગીધરાજાને ઊંઘી ચોપડાવી દીધી.

‘બેટા, હું ઘરડો થઇ ગયો છું. સુવર્ણકંઠમાળા લેવા જતા મત્સ્યકન્યા સાથેની ઝપાઝપીમાં મેં મારી બંન્ને પાંખો ગુમાવી દીધી છે. હવે હું ઊડી શકતો નથી. મારી આંખોથી પણ ઝાંખુ દેખાય છે. વડ પર રહેતા પક્ષીઓ અને જંગલના પશુઓ મારી ચાકરી કરે છે ને મને જીવતા રહેવાની હિંમત આપે છે. જ્યારે હું આ સુવર્ણકંઠમાળા બેગમ સાહેબા સુધી પહોંચાડીશ પછી જ કદાચિત્‌ મારો જીવ જશે.’

‘ઓહો એમ વાત છે. શું અમે તમારી કાંઇ મદદ કરી શકીએ એમ છીએ? મુનીરે ગીધરાજા પાસે મદદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો.’

‘જરૂરથી...તમારી મદદ મારા માટે ઘણી જરૂરી છે. તમને આ સુવર્ણકંઠમાળા બેગમ સુધી પહોંચાડવાની છે.’ તમે માર્ગ ચીંધશો તે પ્રમાણે અમે કરવા તૈયાર છીએ. ગીધરાજા, પણ એમાં અમારો ફાયદો શું?’ રેહાને વેપારી ભાષામાં વાત કરતાં કહ્યું.

‘કેમ...તમે...નાગમણિની તપાસમાં નથી આવ્યા? જોઇએ...છીએ...ને...નાગમણિ?’ ગીધરાજાએ વ્યંગની ભાષામાં વાત કરતા કહ્યું.

‘જરૂર...જરૂર...ચાલો હવે તમે જ કહો કે અમે શું કરીએ?’

ગીધરાજાએ કહ્યું, અહિંયાથી ડાબે જતા ચાર માઇલ દૂર ઇરાનના બાદશાહ જમીલઅહેમદનો એક અફલાતુન મહેલ આવશે ત્યાં જઇ તમે આ સુવર્ણકંઠમાળા બેગમ સાહેબાને આપીને મારી પાસે પાછા આવજો.

બાળકો સુવર્ણકંઠમાળાને એક સુંદર લાકડાની પેટીમાં મૂકી મહેલના રસ્તે આગળ ચાલવા માંડ્યાં. રસ્તામાં એક નાનકડું મજાનું તળાવ આવ્યું. બાળકોએ ત્યાં પોતાના હાથ પગ ધોયા. હવે ભૂખ પણ ખૂબ લાગી હતી કરવું શું? આજુબાજુ જાતજાતના ફળોના વૃક્ષો દેખાતા હતાં.

‘રેહાન...ભાઇ...તમને ઝાડ પર ચઢતા તો આવડે જ છે ને...ટોકરી ભરીને ફળો તોડી લાવો...ને હવે તો ભૂખથી જીવ જઇ રહ્યો છે.’ બિસ્માએ ઊડું ઉતરી ગયેલું પેટ બતાવતા કહ્યું.

‘થોડો સબર કરો. હું ઘણા બધા ફળોને તોડીને અહિંયા ભેગા કરું છું. મન ભરીને ખાવા માટે સમજ્યા?’

‘એ...ઇ છોકરા શું કરી રહ્યો છે નીચે ઊતર’ ચોકીદારે વૃક્ષ પર ચઢતા રેહાનને અટકાવ્યો.

‘કોની પરવાનગી ફળો તોડવા ચઢ્યો છે? આ બધા કાંઇ સામાન્ય ફળોના વૃક્ષો નથી. આ વૃક્ષો ના ફળો ખાવાથી મહિનાઓ સુધી ભૂખ લાગતી નથી અને શરીર તંદુરસ્ત રહે છે સમજ્યો?’ ચોકીદારે ગુસ્સો કરતાં કહ્યું. પણ પણ ચોકીદારભાઇ અમને ઘણી ભૂખ લાગી છે. અમારી ઉપર દયા કરો. હુમાએ ભૂખથી વ્યગ્ર થતા કહ્યું.

‘એમ મફતમાં ફળો મળતા નથી.’

‘પણ...અમારી પાસે આપવા માટે તો કાંઇ નથી ન...પૈસા...છે...ને સોનામહોરો...છે ન...કોઇ એવી કિંમતી વસ્તુઓ છે.’ મુનીરે કહ્યું.

‘અમારી પાસે તો ફક્ત આ સુવર્ણકંઠમાળા છે જે ઇરાનના બેગમસાહેબાની અમાનત છે. અમે તે તમને આપી શકતા નથી.’ રેહાને થોડા કર્કશ અવાજે કહ્યું.

‘નહીં...નહીં...આ સુવર્ણકંઠમાળા તો અમારા કશા કામની નથી...એ સિવાય તમારી પાસે શું છે...આપવા જેવું?’

‘રસ્તામાં ચાલતા ચાલતા કૂવા પાસેથી અમને આ ચળકતા પત્થરો મળ્યા છે. એ શું અમે તમને આપી શકીએ?’ હયાએ ખોબો ભરીને ચળકતા પથ્થરો ચોકીદાર સામે ધરતાં કહ્યું.

‘પથ્થરો જોઇને ચોકીદારની ખુશીનો કોઇ પાર ન રહ્યો. કેટલાં સમયથી હું આવા ઝગારા મારતા પથ્થરોની શોધમાં હતો...બાળકો...લાવો...આ બધા દિવ્ય પથ્થરો મને આપી દો. અને તમને જેટલા ખાવા હોય એટલા ફળો તોડીને ખાઇ શકો છો.’ ચોકીદારે પથ્થરો લઇને ફળો ખાવાની છૂટ આપી દીધી.

બાળકોએ ભરપેટ ફળો આરોગ્યા. પછી તેઓ મહેલના રસ્તે આગળ જવા તૈયાર થયા.

ભવ્ય મહેલ આવ્યો. મહેલની રોનક જોઇને બાળકો સ્તબ્ધ થઇ ગયા. આવો ભવ્યાતીભવ્ય મહેલ આ પહેલા કોઇએ જોયો નહીં હોય. સફેદ આરસપહાણથી મઢ્યો ધવલ મહેલ. એના વિશાળ સોનાના દરવાજા. દરવાજા પાસે ડાબે જમણે બે હાથીઓ ચોકીદાર સાથે ઊભા હતા. મહેલના સામે એક સુંદર બગીચો હતો.

મુનીરે ચોકીદારને કહ્યું, ‘મહેરબાની કરીને અમને બધાને શહાનાબેગમ સાહેબા પાસે લઇ જાવ. અમે એમની સુવર્ણ કંઠમાળા લઇને આવ્યા છીએ.’

થોભો બાળકો, તમે એમ જ અંદર જઇ શકાતાં નથી. મારે પહેલાં દાસીને બોલાવવી પડશે. દાસી જઇને બેગમસાહેબા સાથે મસલત કરશે પછી જ તમે અંદર જઇ શકશો.’ ચોકીદારે ગજરાજની સૂંઢ પસરાવતા કહ્યું. ચોકીદારની વાત સાંભળી બંન્ને ગજરાજાએ બાળકો સામે સૂંઢને ઊંચી કરી, તેઓ જાણે બાળકોને જોઇને ખુશ થઇ ગયા હોય એમ એક પગ ઊંચો કરી થનગનાટ કરવા લાગ્યાં.

થોડીવાર પછી ચોકીદાર દાસીને બોલાવીને બાળકો સમક્ષ હાજર થઇ ગયો.

દાસીએ કહ્યું. ‘બાળકો, આ સુવર્ણકંઠમાળા તમે મને આપી દો. હું એ બેગમસાહેબા પાસે પહોંચતી કરી દઇશ.’

‘નહીં...નહીં...અમે એમ તે માળા તમને નહીં આપી શકીએ. અમે તેને રૂબરૂ જઇને આપવા માગીએ છીએ. મહેરબાની કરીને તમે અમને સાથે લઇ જાવ.’ રેહાને વિનમ્રતા બતાવતા કહ્યું.

‘ના...બેટા...તું...ખોટી જીદ ન કર.’

‘ના...ના આ જીદ નથી...જ્યાંથી અમને આ અમાનત બેગમસાહેબાના આપવા માટે કહ્યું છે તેમણે રૂબરૂ જ આપવાની વાત કરી છે.’ મુનીરે કહ્યું.

‘અમે વચનભંગ કરી શકતા નથી. શા...માટે કોઇ અમને આવી કિંમતી ચીજ આપે? આપનારે અમારી ઉપર ભરોસો મૂક્યો છે.’

તમારી વાચ સાચી છે પણ બેગમસાહેબા હમણાં ઇરાનથી આવેલાં તેમના વ્હાલાં મહેમાનોની સરભરામાં છે. મહેલમાં જલસાનો આરંભ થઇ ચૂક્યો છે. નૃત્યની મહેફિલ જામી છે. વચ્ચે બધું પડતું મૂકીને તેઓ કેવી રીતે આવી શકશે? દાસીએ શંકા વ્યક્ત કરતાં કહ્યું.ભલે એ ન આવી શકે...પણ અમે તો અંદર જઇ શકીએ છીએ ને...આ બાબતને વિનયભંગ નહીં ગણાય ને?’ હુમાએ કહ્યું.

‘શું તમે અમને બાદશાહ સલામતનો મહેલ બતાવવા નથી માંગતા? અમે કેટલે બધે દૂરથી નાગમણિની શોધમાં અહિંયા સુધી આવ્યા છીએ?’

‘પરંતુ....અજાણ્યા બાળકોને જોઇને બાદશાહ સલામત નારાજ થઇ જશે તો ?’

‘ન...ના...નહીં થાય...અમે એમના સામે નહીં આવીએ. અમે દૂરથી જ બસરાની નૃત્યાંગનાઓનું નર્તન જોઇને ખુશ થઇશું...અમને નિરાશ ન કરો.’ હયાએ વિનવણીના સ્વરમાં દાસીને કહ્યું.

‘અચ્છા...તો ચાલો લપાતા છુપાતા મારી પાછળ ચાલ્યા આવો.’

દાસી પાંચેય બાળકોને મહેલના અંદર લઇ ગઇ. મહેલના અંદરની સમૃદ્ધિ જોઇને તો બાળકો છક થઇ ગયા. રેહાને તો પોતાની જાતને ચૂંટી ખણી જોઇ. આ કંઇ સપનું તો નથી...ને.’

બાળકો ધીમે રહીને બાદશાહ સલામતના વિશાળ સિંહાસન પાછળ છુપાઇને બેસી ગયા. તેઓ શાંતિથી ખૂબસૂરત નર્તકીઓનું નાચ ગાયન જોવા લાગ્યા.

થોડા કલાકો પછી બધું જ સમાપ્ત થઇ ગયું. થોકેલા મહેમાનો મહેલના ભવ્ય ઓરડાઓમાં જવા લાગ્યાં. વિશાળ રાજદરબારની મધ્યમાં ફક્ત બેગમસાહેબા અને બાદશાહ સલામત જ રહ્યા.

‘દાસીએ કુરનીશ બજાવી બેગમ સાહેબાને બાળકો વિશેની વાત કરી. દાસીની વાત સાંભળી બેગમસાહેબા જાણે ખુશીથી ઉછળી પડ્યાં. બાદશાહ સલામત પણ ખુશખુશાલ થઇ ગયો.’

‘અરે! રાહેલા...જોયા શું કરો છો? તમે બાળકોને તાત્કાલિક મારી સમક્ષ હાજર કરો.’ બાદશાહ સલામતે કહ્યું.

‘હા...હા...તેમને જલ્દી લાવો. હવે મારાથી સબર થતો નથી.’ બેગમસાહેબાએ આતુરતાપૂર્વક કહ્યું.

રાહેલા દાસીએ બાળકોને બાદશાહ સલામત સમક્ષ હાજર કર્યા.

પાંચેય બાળકો પહેલાં વિવેકપૂર્વક બાદશાહ સલામત અને બેગમસાહેબાને કુર્નિશ બજાવી લાવ્યાં. બેગમસાહેબા અને બાદશાહ સલામત તો આ પાંચેય બાળકોના ભોળાને સુંદર વદન જોઇ ખુશ થઇ ગયા. ‘કેવાં મઝાના આ નાનકડાં બાળકો...જાણે કે ખુદાના પયગંબરો!’

‘બેગમ સાહેબા, આદાબ આ આપની સુવર્ણકંઠમાળા હાજર છે.’ મુનીરે ગરદન ઝૂકાવી નાનકડી લાકડાની પેટી આગળ ધરી.

બેગમસાહેબાએ પેટી ખોલી અંદરની ઝગારા મારતી સુવર્ણકંઠમાળા બહાર કાઢી. આવી બેનમૂન સુવર્ણકૃતિ જોઇને સૌ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા. બેગામસાહેબાની આંખો માંથી બે અશ્રુઓ સરી પડ્યાં.

આ...જ તો છે મારા વ્હાલાં અમ્માજાનની એક આખરી નિશાની. બીજુ...કાંઇ જ...બચ્યું નથી. બધું જ વ્હાણના ચાંચિયાઓ લૂંટીને ચાલ્યાં ગયા છે.’ બેગમસાહેબાએ સુવર્ણકંઠમાળાને આંખોએ લગાવતા કહ્યું.

‘પણ...પણ...આપની પાસે તો આટઆટલી જાહોજલાલી, આટલી સમૃદ્ધિ, આપ પોતે પણ એક બહાદૂર બાદશાહ સલામતના બેગમ છો અને આવી એક ના ચીજ સુવર્ણકંઠમાળા માટે આટલી બધી આસક્તિ ધરાવો છો?’ રેહાનની સમજમાં બેગમસાહેબાની વાત બેસતી નથી.

‘હા...હા...બેટા તું ઠીક કહે છે પણ આ સુવર્ણકંઠમાળાનો ઘણો લાંબો ઇતિહાસ છે. એમ જ હું કાંઇ એની પાછળ ગાંડી થઇ નથી.’ બેગમસાહેબાએ રાહેલાદાસીને બાળકોને આસનો પર બેસાડવા કહ્યું.

‘રાહેલા...પહેલાં બધા બાળકોને જલપાન કરાવો. બાળકો ઘણાં થાકી ગયેલા લાગે છે. પછી એમને બાવરચીખાનામાં ભોજન માટે લઇ જાવ. એમની સરભરામાં કોઇ કમી ન આવવી જોઇએ. બાકીની વાત કાલે શાંતિથી કરીશું.’ બાદશાહ સલામતે બેગમસાહેબા સાથે આરામગૃહ તરફ જતા જતાં કહ્યું.

જમી કરીને થાકેલાં પાકેલાં બાળકો મહેલના વિશાળ ઓરડામાં આવેલા છત્રપલંગ પર પોઢી ગયા.

સવાર પડી. નિત્યક્રમ પતાવી ફરી પાછા બધા રાજદરબારમાં ભેગા થયા.

શહાનાબેગમે આગળ વાત ચલાવી. ઇરાન દેશમાં બાદશાહ સલામતનું ઘણું સમૃદ્ધ રાજપાટ હતું. નગરના લોકો ઘણાં ખુશહાલ હતાં. પરંતુ રાજદરબારમાં અનેક ખટપટિયાં ને અદેખા કારભારીઓ હતાં. કોઇની પણ સારપ એમનાંથી ખમી જતી ન હતી. તેમાં વળી બાદશાહ સલામતનાં ચાચાજાનનો દીકરો જૈદ વધારે ખારીલો અને દ્વેષી હતો. તે અમારા નવાબજાદા શાહનીલની વધારે અદેખાઇ કરતો હતો પરંતુ અમે તેને ગણકારતા ન હતાં. અમે તો જૈદને પણ અમારો જ દીકરો માનતા હતાં. પરંતુ એવી અમને જાણ નથી કે કેવી રીતે પેલાં બધા કાવતરાખોરોનો હાથો બની બેઠો.

એક દિવસ તેણે અમારા શાહનીલને મારી નાખવા માટેનો કારસો રચ્યો. સત્તર અઢાર વરસના અમારા ભોળિયાં દીકરાને ઇન્સાનના મનમાં ઘર કરી ગયેલાં કપટની ખબર ન હતી.

એક દિવસ તે આવ્યો. ‘ચાચીજાન, ચાચીજાન, શાહનીલને ઘોડેસવારી માટે મોકલો. અમે થોડા મિત્રો સાથે બાજુના નગરમાં જઇ રહ્યા છે. જૈદે શાહનીલ સામે જોઇને હસતાં હસતાં કહ્યું.

‘નહીં...નહીં...બેટા...શાહનીલની તબિયત આજકાલ કાંઇ સાજી નરવી રહેતી નથી...હું એને ઘોડે સવારી માટે મોકલવા તૈયાર નથી. તું...જઇ...શકે છે.’ બાદશાહ સલામતે ચોખ્ખો નન્નો ભણી દીધો.

‘પણ...બાદશાહ સલામત શા માટે ના કહો છો? ચાર પાંચ કલાકમાં તો અમે પાછા આવીશું. આમેય નગરમાં ફરવા માટે તો રોજ શાહનીલ અમારી સાથે આવે જ...છે...ને. અમે તેને અમારા જીવની જેમ સાચવીશું.’ જૈદ શાહનીલથી ઉંમરમાં થોડો મોટો હતો.

‘હા...હા...મને જવા દોને અબ્બાજાન...બહાર જવાથી મારું દિલ થોડું સારુ રહેશે. આમેય આરામ કરી કરીને તો હું સાવ કંટાળી ગયો છું. શરીરની તજાગરમી ઓછી થતી નથી. રાજવૈદની દવા ખાઇ ખાઇને પણ હું કંટાળી ગયો છું. હવે આપ તો મને થોટો છૂટો મૂકો.’ શાહનીલે બાદશાહ સલામતને વિનમ્ર સ્વરે કહ્યું.

બાદશાહ સલામતનું મન માનતું નથી. લાડલા શાહનીલને તે આ બધા તોફાની બારકસો સાથે બહાર મોકલવા તૈયાર નથી. રાજદરબારમાં ચાલતી ખટપટોથી બાદશાહ સલામત વાકેફ હતા.

‘નહીં...નહીં...જૈદ તું આગ્રહ ન કર. હું એને નહીં જ મોકલું. રાજમહેલમાંથી એનું બહાર નીકળવું કોઇ પણ રીતે ઉચિત નથી.’

‘પણ...બાદશાહ સલામત શા માટે તમે ના પાડો છો? અમારી સાથે આટઆટલા પાવરધા અને ખડતલ રક્ષકો છે. શાહનીલનો તેઓ વાળ પણ વાંકો નહીં થવા દે.’ જૈદે શાહનીલને લઇ જવાની આતુરતા દર્શાવતા કહ્યું.

‘મને...જવા દો અબ્બાજાન...હું સહીસલામત પરત આવીશ શૂરવીરતામાં હું કાંઇ આપનાથી કમ નથી.’

‘જવા....દો...બાદશાહ સાલામત...એનું આટલું મન છે...તો જવા દો...બીજા આપણા દશબાર વફાદાર રક્ષકોને સાથે મોકલો. તે આપણા શાહનીલની આજુબાજુ જ રહેશે. સાંજ ઢળતાં તો તેઓ રાજમહેલમાં પરત આવી જશે.’ શહાનાબેગમે શાહનીલનો પક્ષ લેતા કહ્યું.

કમને પણ બાદશાહ સલામતને પરવાનગી આપવી પડી. તરવરાટથી થનગનતા મિત્રો સાથે શાહનીલ ચાલી નીકળ્યો.

શાહનીલનો ઘોડો પાણીદાર હતો. તંબુલથી શાહનીલ માટે આ ઘોડો બાદશાહ સલામતે મંગાવ્યો હતો. ચાર જણા ઘોડાની દેખરેખ અને સુરક્ષા માટે તહેનાતમાં હાજર રહેતાં હતાં. ઘોડાને દરેક પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. ઘોડો શાહનીલને ઓળખતો હતો. શાહનીલ પણ તેના આ જીવથી વ્હાલા ઘોડાને રોજ દાણા પાણી આપવા જતો હતો. વ્હાલથી તેને ડિલે હાથ પસરાવી કહેતો, ‘આ...જ...સાલાર...કોઇક વાર એની દોસ્તી નિભાવશે. સાલાર...ઘોડાનું નામ તેણે સાલાર રાખ્યું હતું. સાલાર પણ તેના આગલા બે પગ ઊભા કરી શરીરને હણહણાવી શાહનીલને જવાબ આપતો...હા...હા...કેમ નહીં...’

ઘોડેસવારી કરતાં કરતાં મિત્રો ઘણાં આગળ નીકળી ગયા. વફાદાર રક્ષકોએ શાહનીલના ઘોડાની આગળ પાછળ એવું વર્તૂળ ઊભુ કર્યું હતું કે જૈદ પણ એની સાથે વાત કરવાની હિંમત કરી શકતો ન હતો...ને જૈદના ધારવા પ્રમાણેનું કાંઇ થયું નહીં. સાંજ ઢળતાં ઢળતાં તેઓને રાજમહેલમાં પરત ફરવું પડ્યું. શાહનીલને લાગ્યું કે બહારની હવામાં તેનું મન કેટલું પ્રસન્ન થઇ ગયું છે! તેનાં ચહેરા પર નૂર છલકાવવા લાગ્યું હતું. શાહનીલે મનમાં નક્કી કરી લીધું કે હવે તે રોજ એકલો જ તેનાં વ્હાલાં ઘોડા સાલારને લઇને બે ત્રણ કોસ જેટલું ફરી આવશે. આ વાત તેણે કોઇને જણાવી નહીં. દિવસો વીતતા ગયા. રોજ સાંજના સમયે શાહનીલ ઘોડાને લઇને બહાર ફરવા જવા લાગ્યો. બસ એ જ એકલો ને સાથે એનો આ મદમસ્ત ઘોડો સાલાર.

પણ...એક દિવસ. એના માટે ઘણો દુર્ભાગી સાબિત થયો. સાલાર અશ્વને લઇને સાંજના સમયે શાહનીલ ચાલી નીકળ્યો. બંન્ને મસ્તીમાં હતાં. ઘોડો તબડક...તબડક કરતો આગળ વધતો હતો...તેઓ...પાછા વળવાનું જાણે નામ પણ લેતા ન હતા.

પણ...શાહનીલને ખબર ન હતી કે એમની પાછળ એનો પીછો કરતો જૈદ અને તેના મિત્રો આવી રહ્યા હતાં.

શેતાનોએ વેશપલટો કર્યો હતો. જૈદે તલવાર કાઢી શાહનીલ પર વાર કર્યો પણ....આ શું ઘોડાએ તલવારને ઉછાળીને નીચે ફેંકી દીધી. શાહનીલ થોડો ગભરાયો...આ શું આ બધા કેમ મારી પાછળ પડી ગયા છે?

શાહનીલે પણ તલવાર કાઢી. નક્કી આ પાસેના દરિયાના વહાણખેડું ચાંચિયાઓ લાગે છે.

મને લૂંટવા માટેનું કોઇ તરકટ કર્યું હોય એમ લાગે છે. આવવા...દો એને લાગમાં...’ સામસામે ઝપાઝપી થવા લાગી. બંન્ને પક્ષે કોઇ ગાંજ્યું જાય તેમ નથી. શાહનીલનો ઘોડો ચારેબાજુથી ઘેરાઇ ગયો છે.

ત્યાં જ એકની તલવાર ઘોડાની ગરદન પર પડી. ઘોડો લોહીલુહાણ થઇ ગયો...ને વળી બીજાની તલવારે શાહનીલની પીઠ ચીરી નાખી.

શાહનીલ ઘોડા પરથી પડતો પડતો રહી ગયો. તે તંદ્રાવસ્થામાં જવા લાગ્યો. પણ તેણે જોરથી ઘોડાની ગરદન પકડી રાખી.

ઘોડાને પરિસ્થિતીનો તાગ મેળવતા વાર ન લાગી. અહિંયાથી...ભાગવું પડશે...નક્કી મારું અને માલિકનું આવી બન્યું.

ઘોડાએ ગુસ્સામાં આવી જોરદાર હણહણાટી કરીને સાત આઠ ફૂટ ઊંચે ઉછળી, દુશ્મનોના શિકંજામાંથી નાસવાની પેરવી કરી. સાલાર...પૂરપાટ દોડતો જાય છે. દુશ્મનો કોશો દૂર રહી જાય છે. સાલાર...ઘાયલ માલિકને લઇને એક ઝૂંપડી પાસે આવીને થોભી જાય છે.

ઘોડાની આંખો ચકળવકળ થતી જાય છે. એના શરીરમાંથી ન જાણે કેટલુંયે રક્ત રેલાઇ ગયું હોય છે. ઘોડો તમ્મર ખાઇને પડી જાય છે. જોત જોતામાં એનું પ્રાણ પંખેરું ઊડી જાય છે. ઘાયલ શાહનીલ પણ ત્યાં પડી જાય છે. તેના મોઢામાંથી પાણી...પાણી ના ઉદ્‌ગાર સરી પડે છે.

‘પાણી’ એવો અવાજ સાંભળી ઝૂંપડીમાંથી એક ઓલિયા પુરુષ બહાર આવે છે. એમના વદન પરથી શ્વેત દાઢી તેમની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. પણ આ શું આ તો આખો લોહીલુહાણ મુસાફર છે. અશ્વ પણ તરફડી તરફડીને મરી ગયો છે.

ઓલિયા પુરુષે શાહનીલની નાડી તપાસી જોઇ...નહીં...નહીં...નાડી તો ધબકે છે. હજુ આની પાસે જીવન છે. ઓલિયા પુરુષે ઓસડિયાં તૈયાર કર્યા. શાહનીલને પીવડાવી એના કારમા ઘા સાફ કર્યા.

શાહનીલ હોશમાં આવ્યો. શાહનીલની પીડા શાંત થઇ. એણે અહોભાવની દ્રષ્ટિથી ઓલિયા પુરુષ સામે જોયું. ‘ડર નહીં બેટા, હવે તું સુરક્ષિત છે.’

ઘોડા પાસે જઇને શાહનીલથી ચીસ પડાઇ ગઇ. ‘ઓહ! મારા વફાદાર દોસ્ત...અંતે તે મને તારું જીવન આપી દીધું.’

શાહનીલે ઓલિયા પુરુષ પાસે જવાની પરવાનગી માંગી. ‘નહીં...નહીં દીકરા, તું હજુ સ્વસ્થ નથી. તારો આ ઘા ભરાતા સમય લાગશે. હું તને એક અલૌકિક વસ્તુ આપું છું. તું તે કાયમ તારા ગળામાં પ્હેરી રાખજે. તે હંમેશા તને શત્રુઓથી બચાવશે.’ ઓલિયા પુરુષે એક ઝગમગતી સુવર્ણ કંઠમાળા શાહનીલના ગળામાં પહેરાવી દીધી.

બે ચાર દિવસે રસ્તાઓ ખોળતાં ખોળતાં શાહનીલ રાજમહેલમાં પહોંચ્યો.

રાજમહેલમાં સન્નાટો છવાઇ ગયો હતો. ચારે બાજુ માતમનું વાતાવરણ હતું.

બાદશાહ સલામત અને બેગમસાહેબાની આંખોમાંથી આંસુ રૂકવાનું નામ લેતા ન હતાં. શાહનીલ જઇને બેગમ સાહેબાની ગોદમાં આળોટી પડ્યો.

શાહનીલે આખી વીતકકથા અબ્બા અને અમ્માજાનને સંભળાવી દીધી. અને ઓલિયા પુરુષે આપેલી દિવ્ય સુવર્ણ કંઠમાલા પણ બતાવી. તેમની ખુશીનો કોઇ પાર ન રહ્યો.

થોડા વરસો ખુશીમાં પસાર થયા. ફરી ખટપટિયાંના ષડયંત્રો શરૂ થયા. કાચા કાનની પ્રજાએ બાદશાહ સલામત સામે બળવો કર્યો ને અમે ઇરાન છોડીને ભાગી આવ્યાં. આ આખી સુવર્ણકંઠમાળાની વાત છે બાળકો! બેગમસાહેબાએ આંખોમાં ઉપસી આવેલા અશ્રુઓને રોકતાં કહ્યું.

બાળકો, તમે અમને આ સુવર્ણકંઠમાળા મેળવી આપીને અમારા સાહેબજાદાને નવું જીવન અર્પણ કર્યું છે. તમારો શુક્રિયા અદા કરવા માટે મારી પાસે શબ્દો નથી.’ બેગમસાહેબાનો સ્વર ગદ્‌ગદિત થઇ ગયો.

‘મહેલની નીચે ભોયરામાં નાગ અને નાગરાણી રહે છે. બાળકો, અમાસની રાતે નાગરાજા પોતાના શિર પર નાગમણિ ધારણ કરીને બહાર આવે છે. નાગમણિના દિવ્ય ઝળહળાટથી ચારે બાજુ પ્રકાશ રેલાઇ જાય છે. નાગમણિને આપણે સીધી નજરથી જોઇ શકતા નથી કેમ કે એના દિવ્ય પ્રકાશથી આપણી આંખો અંજાઇ જાય છે...ને કદાચ આંખો જતી રહેવાનો ખતરો તોળાઇ જાય છે...જોનાર અંધ પણ થઇ શકે છે.’ બાદશાહ સલામતે મુનીરની અધીરાઇ માપતા કહ્યું.

‘ને...એ નાગરાજા પાસેથી બળજબરીથી નાગમણિ લઇ લેવામાં આવે તો નાગરાજાનું મૃત્યુ નીપજી શકે છે. આ નાગમણિ, પારસમણિની ગરજ સારે છે. એનો સ્પર્શ લોહને કંચનમાં પરિવર્તિત કરી શકે છે. બેગમસાહેબાએ હયા સામે જોતાં કહ્યું.

‘તમે શા માટે એક નિર્દોષ પ્રાણીના જીવનનો અંત લાવવા માટે ઉત્સુક થયા છો? નાગમણિને લઇને તમે કરશો શું? નાગરાણી પછી તમને છોડશે? લાલચ બૂરી બલા છે મારા વ્હાલા બાળકો! તમે બધા નાગમણિ મેળવવાની મમત છોડી દો.’ બાદશાહ સલામતે બાળકોને સમજાવતા કહ્યું.

‘હા...હા...બાદશાહ સલામત. અમને નાગમણિ નથી જોઇતો. એ પણ કોઇની નિર્દોષ જિંદગીના ભોગે?...નહીં...નહીં...અમે એવું નહીં કરીએ. પરંતુ અમે એના માટે આટલા લાંબા થયા છે એનું અમને ફળ તો મળવું જોઇએ ને.’ રેહાને નિર્દોષતા મઢ્યાં ચહેરે કહ્યું.

‘હવે અમાસ ક્યાં દૂર છે? અમે દૂરથી જ નાગમણિના દીદાર કરી લઇશું. અમે બધા આવો અદ્‌ભૂત અવસર જતો કરવા માંગતા નથી. જહાપનાહ.’ મુનીરે બાદશાહ સલામતને વિનવણીના સ્વરમાં કહ્યું.

બાદશાહ સલામત અને બેગમસાહેબાએ બાળકોની વાતને માન આપી સંમતિ આપી દીધી. મુનીર, રેહાન, બિસ્મા, હયા અને હુમા પાંચેય બાળકો ખુશખુશાલ થઇ ગયા.

અમાસની રાત્રિ આવી. બાદશાહ સલામત અને બેગમસાહેબા બાળકો સાથે નાગરાજાના આવવાના રસ્તે સંતાઇને બેસી ગયા. સૂસવાટા મારતો પવન ફૂંકાયો. ધીમે ધીમે નાગરાજા, નાગરાણી સાથે ભોંયરામાંથી બહાર નીકળવા લાગ્યાં.

ચારેકોર ઝળહળતો પ્રકાશ રેલાયો. એવું લાગતું હતું કે સૂરજ જાણે એ નાગમણિને સલામી ભરતો ન હોય!!!

મુનીરથી ચીસ પડાઇ ગઇ, ‘નાગમણિ...નાગમણિ...નાગમણિ.’

શાહીનબાનુ, અબ્બાજાન અને નાનકડી બિસ્મા દોડતાક મુનીરના સ્ટડીરૂમમાં આવી ગયા.

‘મુનીર...મુ...નીર આ શું લવારો કરે છે?’ ઊઠ ઊભો થા...કેટલો સમય થઇ ગયો છે? આજે શાળામાં નથી જવું શું?...નાગમણિ...નાગમણિ...એવી શું બૂમો પાડ્યા કરે છે?’ અબ્બાજાને મુનીરને ઊઠાડતા કહ્યું.

મુનીરની ઊંઘ તૂટી ગઇ. તે સાથે આખી સ્વપ્ન સૃષ્ટિનો વિનાશ થઇ ગયો. ‘ઓત્તારીની...આ...તો સાલ્લું સપનું હતું.’

બેબાકળા થઇ ગયેલા મુનીરને જોઇને બધા જોરથી હસી પડ્યાં.