Rangberangi Vartao MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Rangberangi Vartao

રંગબેરંગી વાર્તાઓ

પ્રસ્તાવના....

આજનાં સમયમાં બાળસાહિત્યની અતિ આવશ્યકતા છે. સર્જન તો બાળ સાહિત્યનું થતું જ રહે છે. પરંતુ બાળ સાહિત્યની ગુણવત્તામાં સબળતાં ખૂબ જ જરૂરી છે. જેનાં માટે બાળ સાહિત્યકારોએ થોડી વધુ ચીવટ રાખવી આવશ્યકતા છે.

બીજું આ બાળ સાહિત્યની વાર્તાઓમાં જ્ઞાન, બોધ, પ્રેરણાં બાળકોને મળ્યાં જ કરે છે. જેથી બાળકોમાં નવીન જોમ, જુસ્સો, દ્રષ્ટિ વગેરે પ્રાપ્ત થાય છે.

રંગબેરંગી વાર્તાઓમાં બાળકોને જ્ઞાન, બોધ મળી રહે તેવી સરળભાષામાં વાર્તાઓનો આ સંગ્રહ આપ સૌના કરકમળમાં મુકતાં હું અતિ આનંદની લાગણી અનુભવું છું. મારાં લેખનકાર્યમાં મને જરૂરી માર્ગદર્શન આપનાર સૌનો હું આભાર માનું છું.

વિશેષ, એમ. એમ. સાહિત્ય પ્રકાશનનાં શ્રી યાકુબભાઈ મલેકને બાળ સાહિત્યનું મેટર મોકલી આપતાં હર્ષ સાથે આવું સુંદર મજાનું બાળ સાહિત્યનું પુસ્તક ખૂબ જ ઝડપભેર પ્રસિધ્ધ કરવાં બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.

- દિપમાલા અગ્રવાલ

-ઃ અનુક્રમણિકા :-

૧. ચતુર શિયાળ

૨. સોનાની બારી

૩. બિલાડીની ખીર

૪. અમથાલાલનો ધોકો

૫. બે ભાઈઓ

૬. ત્રણ શરતો

૭. ઘોડાની પાંખો

૮. સ્વમાની મીની

૯. રામનું નામ

૧૦. ગણેશજીની ખીર

૧૧. વૃદ્ધ અને વૃદ્ધા

૧૨. જાદુઈ લોટી

૧૩. સોનેરી પક્ષી

૧૪. દેરાણી જેઠાણી

૧૫. કુહાડીની ખીચડી

૧૬. સાસુ, વહુ

૧૭. રીંગણાનું શાક

૧૮. અડકી અને દડકી

૧૯. મુર્ખ ભોલો

૨૦. ઊંદરની ઊજાણી

૨૧. શેખીખોર માખી

૨૨. વાઘના બચ્ચા

૧. ચતુર શિયાળ

એક જંગલ હતું. તેમાં એક શિયાળ રહેતું હતું. શિયાળ રોજ જંગલમાં ફરવા નીકળતું. પરંતુ તેને વાઘ, સિંહ, ચિત્તા જેવા જંગલી જાનવરોનો ભય રહેતો. જંગલના કિનારે એક તળાવ હતું. તળાવમાં એક કાચબો રહેતો હતો. કાચબો પણ રોજ તળાવકિનારે ફરવા આવતો. કાચબો અને શિયાળ રોજ મળતા. ધીમે-ધીમે તેઓ પાકા મિત્રો બની ગયા. શિયાળ રોજ કાચબાને જંગલના માંસાહારી પ્રાણીઓથી બચીને રહેવાની શિખામણ આપતો. બંન્ને અલકમલકની વાતો કરતા છુટાં પડતાં.

એક દિવસ કાચબાને જંગલ જોવાનું મન થયું. તેણે શિયાળને પોતાની ઈચ્છા જણાવી. શિયાળ આ સાંભળી મુંઝાઈ ગયું. કારણ કે જો જંગલમાં ફરતા-ફરતા ક્યાંક સિંહ, વાઘ કે વરૂ આવી ચડે તો?

તેણે કાચબાને કહ્યું “હું તને જંગલમાં ફરવા તો લઈ જાઉં પણ ત્યાં સિંહ, વાઘ કે વરૂ આવી ચડે તો આપણને બંન્નેને ખાઈ જાય.”

કાચબો કહે “હું કઈ ન જાણું. બસ મારે તો જંગલ જોવું જ છે.”

આખરે શિયાળ કાચબાને જંગલમાં લઈ જવા તૈયાર થયું. બંન્ને મિત્રો વાતો કરતા કરતા જંગલમાં દુર સુધી નીકળી ગયા. બંન્નેને સમયનું ભાન પણ રહ્યું નહિ. બંન્ને મિત્રો વાતો કરતા હતા ત્યાં અચાનક જ એક સિંહ આવી ચડ્યો. બે શિકારને એક સાથે જોઈને તેના મોંમાં પાણી આવી ગયું. ખુશીથી તેણે મોટી ગર્જના કરી. તેની ગર્જના સાંભળી બંન્ને મિત્રો ડરી ગયા. શિયાળ તો ઝડપથી બાજુના વૃક્ષ પર ચડી ગયું પરંતુ કાચબો ઝાડ પર ચડી શક્યો નહિ તેથી તેણે ભયથી પોતાના શરીરને કોચલામાં છુપાવી દીધું.

સિંહ કાચબાને ખાવા કાચબાની તદ્દન નજીકમાં આવ્યો અને તેને ખાવા માટે લાળ ટપકાવવા લાગ્યો. તેણે કોચલામાં છુપાયેલા કાચબાને પંજો માર્યો પરંતુ કોચલા પર કોઈ અસર થઈ નહિ. ત્યારબાદ તેણે ખૂબ લાતો મારી, દાંત ભરાવ્યા, નખ ભરાવ્યા, ઘણા પ્રયત્ન કર્યા પરંતુ કોચલા પર કોઈ અસર થઈ નહિ.

અંતે, તેણે હારી થાકીને ગુસ્સે થઈને ઝાડ પર ચઢેલા શિયાળ તરફ નજર કરી. શિયાળે તરત જ સિંહને સલામ મારી અને ખુશામતભર્યા સ્વરે કહ્યું

“જંગલના રાજાજી આપની આજ્ઞા હોય તો આ કાચબાને બહાર કાઢવાનો હું એક ઉપાય બતાવું?”

સિંહ શિયાળની ખુશામતથી ખુશ થયો અને બોલ્યોઃ જો તું મને આ કાચબાને તેના કોચલામાંથી બહાર કાઢવાનો ઉપાય બતાવે તો હું તને જીવતો છોડી મુકીશ.

શિયાળે કહ્યું “તો હજુર, આપશ્રી આ કાચબાને તળાવકિનારે લઈ જાઓ અને તેને તળાવના પાણીમાં નાખી દો જેવો તમે આ નાલાયકને પાણીમાં ડુબાડી દેશો તેવો જ તે કોચલામાંથી બહાર નીકળી આવશે.”

સિંહે શિયાળની વાત માની તરત જ કાચબાને પંજામાં પકડ્યો અને તળાવકિનારે લઈ જઈ તેને પાણીમાં નાખી દીધો કાચબો તો ઝડપથી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો. આ બાજુ શિયાળ પણ લાગ જોઈ ઝાડ પરથી નીચે ઊતર્યુ અને પોતાની ગુફા તરફ ભાગી ગયું. સિંહ વિલા મોઢે પોતાની ગુફામાં પાછો ફર્યો.

આમ, શિયાળની હોંશિયારીએ પોતાની તથા પોતાના મિત્રની જાન બચાવી લીધી.

-ઃ અનુક્રમણિકા :-

૨. સોનાની બારી

એક સુંદર ટેકરી હતી. આ ટેકરી પર એક સુંદર મજાનું ઘર હતું. એ ઘરમાં એક સુંદર પરી જેવી છોકરી રહેતી હતી. તેનું નામ ટીના હતું. ટીના તેના મમ્મી પપ્પાની લાડકી દીકરી હતી. ટીનાના મમ્મી જ્યારે-જ્યારે ઘરનું કામ કરતા હોય ત્યારે-ત્યારે ટીના પોતાના ઘરની બારી પાસે બેસી રહેતી અને દુર-દુરના વૃક્ષો, પહાડો, પક્ષીઓને જોયા કરતી. આ તેનો રોજીંદો કાર્યક્રમ હતો.

એક દિવસ ટીના બારી પાસે બેઠી હતી અચાનક જ તેની નજર ટેકરીની તળેટીમાં આવેલા એક ઘરની બારી પર પડી. તે બારી ખુબ જ સુંદર સોનાની દેખાતી હતી. ટીનાને તે બારી ખુબ જ ગમી. હવે, તે રોજ બારી પાસે બેસતી અને તે સોનાની બારી પાસે પહોંચવાના સપના જોતી. આ જ રીતે જોત જોતામાં વર્ષ વીતી ગયું.

ટીનાનો જન્મદિવસ આવ્યો મમ્મી પપ્પાએ ટીનાને ભેટ તરીકે એક સુંદર મજાની રૂપેરી ઘંટડીવાળી સાયકલ આપી. ટીના તો ખુબ જ ખુશ થઈ ગઈ. તેણે મમ્મી પાસે આ સાયકલ રસ્તા પર ચલાવવાની પરવાનગી માંગી. રસ્તા પર વાહનોની અવરજવર ખુબ જ ઓછી હતી. તેથી ટીનાને સાયકલ ચલાવવાની પરવાનગી મળી ગઈ. ટીના રોજ રસ્તા પર સાયકલ ચલાવવા જતી. એક દિવસ તેણે મમ્મી પાસે તળેટીમાં ફરવા જવાની પરવાનગી માંગી. ટીના હવે વ્યવસ્થિત સાયકલ ચલાવી શકતી હતી. વળી, રવિવારનો દિવસ હોવાથી કોઈ વાહન પણ ટેકરી તરફ આવતુ જતુ નહિ તેથી ટીનાની મમ્મીએ ટીનાને સાંજ સુધી પાછા વળી આવવાની શરતે તળેટીમાં જવાની પરવાનગી આપી.

ટીના ખુબ જ ખુશ થઈ અને ઝડપથી પોતાની મનગમતી સોનાની બારીને મળવા તૈયાર થઈ સાયકલ પર નીકળી પડી. તળેટીમાં પહોંચતા-પહોંચતા બપોર થઈ ગઈ હતી.

સૌથી પહેલા તેણે પોતાના ઘરની બારીમાંથી દેખાતી સોનાની બારીવાળું ઘર શોધવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેને ક્યાંય એ ઘર મળ્યું નહિ. તેથી તે નિરાશ થઈને ત્યાં જ ચુપચાપ ઊભી રહી. અચાનક જ તેની નજર પોતાના ઘરની બારી પર પડી. તેણે જોયુ તો પોતાના ઘરની બારી પણ આજે સોનાની બની ગઈ હતી.

તેણે જોયું તો પોતના ઘરની બારી પર સુર્યના સોનેરી કિરણો પડવાથી બારી સોનાની દેખાતી હતી.

હવે, તેને સોનાની બારીનું રહસ્ય સમજાઈ ગયું હતું. તેને સમજાઈ ચૂક્યું હતું કે તે જે સોનાની બારીને પોતાના ઘરની બહાર શોધતી હતી તે સોનાની બારી તો તેના પોતાના ઘરમાં જ છે. તે ખુશીથી ઊછળી પડી. અને ઝડપથી સાયકલ ચલાવી પોતાના ઘર તરફ દોટ મૂકી પોતાની મનગમતી સોનાની બારીને મળવા.

-ઃ અનુક્રમણિકા :-

૩. બિલાડીની ખીર

એક ઊંદર હતો અને એક બિલાડી હતી. બંન્ને ગાઢ મિત્રો હતા. ઊંદરને બિલાડી વગર ન ગમતુ અને બિલાડીને ઊંદર વગર ન ગમતું. ઊંદરને આખા દિવસ દરમિયાન જે ખાવાનું મળતુ તેમાંથી તે અડધો ભાગ બિલાડીને આપતો. અને બિલાડીને જે કંઈ ખાવાનું મળતું તેમાંથી તે અડધો ભાગ ઊંદરને આપતી.

એક દિવસ ઊંદરનો જન્મદિવસ આવ્યો. બિલાડીએ સવારના પહોરમાં ઊઠીને સૌથી પહેલા ઊંદરને શુભેચ્છાઓ પાઠવી. તેણે તે દિવસે પોતાના ખાસ મિત્ર માટે સરપ્રાઈઝ પાર્ટી પણ ગોઠવી. પાર્ટીમાં પપ્પુ પોપટ, કકુ કબુતર, ટોમી કૂતરો, ચીની ચકલી, ચંપક સસલુ, મોન્ટુ વાંદરો, જીની જીરાફ, કીટ્ટી કોયલ, બોની બતક, હની હંસ, શકરો શિયાળ અને અન્ય અનેક પ્રાણીઓ સજીધજીને આવ્યા હતા. બધા એ ખુબ જ મન મુકીને પાર્ટી માણી, નાચ્યા, ગાયા, કેક કાપી, રમ્યા, જમ્યા ખુબ મજા કરી, અને જુદી-જુદી ભેટો ઊંદરને આપી પોતપોતાને ઘરે પાછા ફર્યા. ઊંદર પણ ખુબ જ ખુશ હતો.

બધા પ્રાણીઓ ચાલ્યા ગયા એટલે ઊંદર અને બિલાડી બંન્ને મિત્રો એકલા પડ્યા.

બિલાડીએ ઊંદરને કહ્યું “ચાલ જોઈએ તો ખરા કોણે શું ભેટ આપી છે?” બંન્ને મિત્રો ભેટ ખોલી-ખોલીને જોવા લાગ્યા. કોઈએ ચોકલેટ આપી હતી, તો કોઈએ રમકડાં. આ ઉપરાંત ચીઝના ટુકડા, બિસ્કીટ, ટોપી, બુટ, માખણનું પેક્ટ, બ્રેડના ટુકડા, પાઉંના ટુકડા, જુદી જુદી જાતની મીઠાઈના ટુકડા વગેરે જેવી અનેક ભેટો મળી હતી. પરંતુ એક ભેટ આ બધામાં સાવ અલગ જ હતી. એક સરસ મજાના ચાંદીના ડબ્બામાં બદામની ખીર ભેટમાં મળી હતી. ખીર જોઈને બિલાડીની તો લાળ ટપકવા માંડી. આ ખીરમાંથી એક ટીપુ પણ તે ઊંદરને આપવા તૈયાર નહોતી. ઊંદરને પણ ખીર ખુબ જ ભાવતી. તે કહે : ચાલ આપણે અડધીઅડ ધી ખીર ખાઈએ. પરંતુ બિલાડીની દાનત બગડી હતી.

તેથી તેણે કહ્યું “ના, ના આ તો સૌથી અનમોલ ભેટ છે. આપણે સૌથી પહેલા આ ખીર ભગવાનને ધરવી જોઈએ પછી જ આપણે ખાવી જોઈએ.”

ઊંદર કહે : ભલે, ચાલ આપણે ભગવાનને ખીર ધરી દઈએ પછી સવારે ઊઠીને આપણે બન્ને અડધી-અડધી ખાશું.

ઊંદર અને બિલાડી ભગવાનને ખીર ધરી આવ્યા અને આવીને સુઈ ગયા.

ઊંદર તો સાચે જ સુઈ ગયો પરંતુ બિલાડીને ઊંઘ આવી નહિ. જેવો ઊંદર સુઈ ગયો તે પથારીમાંથી ઊઠી અને મંદિરમાં જઈને બધી જ ખીર ખાઈ ગઈ.

સવારે ઊંદર વહેલો-વહેલો જાગી ગયો અને ભગવાનને ધરેલી ખરી જોવા ગયો. જોયુ તો ખીર તો ડબ્બામાં હતી જ નહિ. તે તો રડવા જ લાગ્યો. તે આ વાત કહેવા બિલાડીને ઊઠાડવા ગયો. બિલાડી તો ટેસથી સુતી હતી. તેની મુછો પર ભાતના દાણા અને મોં પર દૂધ હજી પણ ચોંટેલું હતું. ઊંદર સમજી ગયો કે બિલાડીએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેનું મન તુટી ગયું. તે પોક મુકીને રડવા લાગ્યો. તેનો અવાજ સાંભળી બિલાડી જાગી ગઈ અને તેને મનાવવા લાગી. પરંતુ ઊંદરે બિલાડીની કીટ્ટા કરી દીધી. અને ગુસ્સામાં તે ઘર છોડી બીજા ઘરે રહેવા ચાલ્યો ગયો. તે દિવસથી ઊંદર અને બિલાડીની દોસ્તી તુટી ગઈ અને ફરી પાછા તેઓ ક્યારેય મિત્ર બન્યા નહિ.

-ઃ અનુક્રમણિકા :-

૩. અમથાલાલનો ધોકો

એક હતા અમથાલાલ. અમથાલાલ ભારે ભોળા માણસ. મહેનતની કમાણી કરે અને બધી કમાણી પત્નીને આપી દે. એક પૈસો પણ પોતાની પાસે રાખે નહિ. પરંતુ પત્ની બહુ જ જબરી. અમથાલાલને સુખેથી જીવવા દે નહિ. રોજ કંઈકને કંઈક કજીયો કર્યા જ કરે. એક દિવસ પતિ- પત્ની વચ્ચે ઝઘડો થયો. અમથાલાલ કંટાળીને જંગલમાં ચાલ્યા ગયા અને તપ કરવા લાગ્યા. આખરે ભગવાન પ્રસન્ન થયા અને અમથાલાલને વરદાન માંગવા કહ્યું. અમથાલાલ વધારે વિચારી શકતા નહિ. તેમને તો ખૂબ જ ભૂખ લાગી હતી. તેથી તેમણે કહ્યું “હે ભગવાન હું જે ખાવાની ઈચ્છા કરું તે પકવાન મને તરત જ મળી જાય.” ભગવાને અમથાલાલને એક જાદુઈ ડબ્બો આપ્યો અને કહ્યું “આમાંથી તું જે ખાવાનું માંગીશ તે તરત જ મળશે.” આમ કહી ભગવાન અલોપ થઈ ગયા.

સૌપ્રથમ અમથાલાલે જલેબી ખાવાની ઈચ્છા કરી. ડબ્બામાંથી તરત જ જલેબી નીકળી. પછી અમથાલાલે પેંડા, બરફી, સમોસા, કચોરી, ફાફડા વગેરે વગેરે અનેક પકવાન ખાવાની ઈચ્છા કરી. દરેક વખતે તે ઈચ્છા કરી ડબ્બો ખોલે અને તેમને ડબ્બામાંથી તે પકવાન મળી જાય. અમથાલાલને તો જલસા થઈ ગયા. હવે વનમાં ન કોઈ કજીયા કંકાસ કરનારુ અને ન કોઈ ટોકનારું. તે તો દિવસ આખો જંગલમાં રખડે, મન થાય અથવા ભુખ લાગે ત્યારે ડબ્બામાંથી કાઢીને પકવાન ખાય, ભગવાનનું નામ લે અને રાત્રે આરામથી ઊંઘી જાય.

થોડા દિવસ આમને આમ વિત્યા. પત્નીને અમથાલાલ સાથે ઝઘડ્યા વગર દૃઊંઘ આવતી નહોતી. તેણે વિચાર્યુ “લાવ વનમાં જઈને જોઊં તો ખરી અમથાલાલ શું કરે છે? કેવી રીતે રહે છે?”

પત્ની વનમાં ગઈ અને અમથાલાલને શોધી કાઢ્યા. તે અમથાલાલ સાથે મીઠી-મીઠી વાતો કરવા લાગી. અમથાલાલ પણ ભોળવાઈ ગયા. અને ભગવાન પ્રસન્ન થયાની તથા જાદુઈ ડબ્બો મળ્યાની વાત પત્નીને કહી.

પત્નીથી અમથાલાલનું સુખ જોયુ ન ગયું. તેણે ચતુરાઈપૂર્વક અમથાલાલને ઘરે પાછા ફરવા મનાવી લીધા.

અમથાલાલ ઘરે આવ્યા. રાત્રે જાદુઈ ડબ્બો માથા પાસે રાખી સુઈ ગયા. પત્નીએ ચાલાકીથી ડબ્બો બદલી લીધો અને તેના સ્થાને તેવો જ બીજો ડબ્બો રાખી દીધો. અમથાલાલે બીજા દિવસે ડબ્બા પાસે પકવાન માંગ્યા પરંતુ ડબ્બામાંથી પકવાન મળ્યા નહિ. પત્નીને પુછવા ગયા તો પત્ની વિફરી ઊઠી અને અમથાલાલ સાથે ખુબ ઝઘડો કર્યો.

અમથાલાલ ફરીથી કંટાળીને વનમાં ચાલ્યા ગયા અને તપ કરવા લાગ્યા. ભગવાન ફરીવાર અમથાલાલ પર પ્રસન્ન થયા. અને વરદાન માંગવા કહ્યું.

અમથાલાલે પોતાનો જાદુઈ ડબ્બો પત્નીએ ચોરી લીધાની વાત કરી. ભગવાને અમથાલાલને એક જાદુઈ ધોકો આપ્યો અને કહ્યું આ ધોકો લઈ પત્ની પાસે જજે “જો તારી સાથે ખોટો ઝઘડો કરશે તો આ ધોકો તારી મદદ કરશે.”

અમથાલાલ ધોકો લઈ ઘરે પાછા ફર્યા. પત્ની બેઠી- બેઠી ડબ્બામાંથી પકવાન કાઢી-કાઢીને ખાતી હતી. આ જોઈ અમથાલાલને ગુસ્સો આવ્યો. તેમણે ધોકાને હુકમ કર્યો તેવો જ ધોકો પત્ની માથે તુટી પડ્યો ધોકાનો માર ખાઈ પત્ની અમથાલાલની માફી માંગવા માંડી અને અમથાલાલને ક્યારેય હેરાન ન કરવાની પ્રતિજ્ઞા કરી.

અમથાલાલને દયા આવી. તેમણે જાદુઈ ધોકાને પત્નીને છોડી દેવા હુકમ કર્યો અને તેને સંભાળીને એક ખૂણામાં મુકી દીધો. તે દિવસ પછી પત્ની એકદમ સુધરી ગઈ અને અમથાલાલ ને રોજ નવા-નવા પકવાન ખાવા આપવા લાગી. પતિ-પત્ની સુખેથી રહેવા લાગ્યા.

-ઃ અનુક્રમણિકા :-

૫. બે ભાઈઓ

એક ગામ હતું. તેમાં બે ભાઈઓ રહેતા હતા એકનું નામ શ્યામ અને બીજાનું નામ ઘનશ્યામ. શ્યામ રંગે ઊજળો અને ગોરો હતો અને ભણવામાં પણ હોંશિયાર હતો જ્યારે ઘનશ્યામ વાને કાળો હતો અને ભણવામાં પણ શ્યામ જેટલો હોશિયાર ન હતો. શ્યામ ને ઘનશ્યામ પ્રત્યે અણગમો હતો તે તેને પોતાનો ભાઈ ગણતો નહિ. વળી માતાપિતા પણ શ્યામને જ પોતાનો પુત્ર કહેવામાં ગર્વ અનુભવતા.

એક વખત ગામમાં એક સાધુ મહારાજ આવ્યા. તેમણે ગામના પાદરમાં આવેલા લીમડાના વૃક્ષ નીચે પોતાનું આસન જમાવ્યું. ગામલોકો સાધુ મહારાજને પગે લાગવા આવવા લાગ્યા. સાધુ મહારાજ ખુબ જ ચમત્કારિક હતા. શ્યામ અને ઘનશ્યામના માતાપિતા પણ સાધુમહારાજને પગે લાગવા આવ્યા. તેમણે શ્યામ અને ઘનશ્યામ ને સાધુ મહારાજના પગે લાગવા કહ્યું. શ્યામ ખુબ જ તુંડમિજાજી અને અભિમાની હતો. તેણે સાધુ મહારાજને દુરથી જ પ્રણામ કર્યા અને ચાલવા લાગ્યો જ્યારે ઘનશ્યામ ખુબ જ નમ્ર અને વિવેકી હતો તેણે ખુબ જ શ્રદ્ધાપૂર્વક, આદર અને વિનયથી સાધુ મહારાજને દંડવત્‌ પ્રણામ કર્યા. સાધુ મહારાજે તેને આશીર્વાદ આપ્યા.

થોડા દિવસ બાદ શ્યામ અને ઘનશ્યામના માતાપિતાએ સાધુમહારાજને ઘરે ભોજન કરવાનું આમંત્રણ પાઠવ્યું. સાધુ મહારાજ નિયત સમયે તેમના ઘરે પહોંચ્યા. ઘનશ્યામ અને શ્યામના માતાપિતાને અચાનક જ કોઈ સગાનું મરણ થયું હોવાથી ત્યાં જવાનું થયું. તેથી સાધુ મહારાજને ભોજન કરાવવાનું કામ માતાપિતાએ શ્યામને સોંપ્યું. શ્યામ ને સાધુ મહારાજને ભોજન કરાવવામાં જરાયે રસ હતો નહિ. તેણે સાધુ મહારાજને આવકાર આપ્યો નહિ અને ભોજન પરાણે કરાવે છે તેમ બતાવવા ભોજનના તપેલા જોર-જોરથી પછાડીને સાધુ મહારાજ સામે રાખી દીધા. તથા એક થાળી અને વાટકો સાધુ મહારાજ તરફ ફેંકી કહે “લો જમો”

સાધુ મહારાજને અપમાન લાગ્યું અને તેઓએ ગુસ્સામાં આવી શ્યામને શ્રાપ આપ્યો તથા જમ્યા વગર જ પાછા ફરી ગયા. હવે, શ્યામ ધીમે-ધીમે કદરૂપો અને મંદબુદ્ધિનો થવા લાગ્યો. તેની હોંશિયારી અને રૂપ ઓગળી ગયું. હવે, માતાપિતા પણ તેને પોતાનો પુત્ર કહેવામાં ગર્વ અનુભવતા નહિ. ધીમે-ધીમે બધા તેની અવગણના કરવા લાગ્યા.

ઘનશ્યામ રોજ પોતાના નમ્ર અને વિવેકી સ્વભાવને કારણે સાધુ મહારાજને દંડવત પ્રણામ કરવા જતો. મહારાજ રોજ તેને સારા-સારા આશીર્વાદ આપતા. થોડા જ દિવસમાં ઘનશ્યામ ભણવામાં પણ હોંશિયાર થઈ ગયો.

આ વર્ષે શ્યામને બદલે ઘનશ્યામનો પહેલો નંબર આવ્યો. શ્યામ હવે ઉદાસ-ઉદાસ રહેવા લાગ્યો. તેણે સાધુ મહારાજની માફી માંગવાનું નક્કી કર્યુ. અને તે સાધુ મહારાજ પાસે માફી માંગવા ગયો.

સાધુ મહારાજ કહે “હું તને આઠ દિવસનો સમય આપુ છું. જો તું આઠ દિવસમાં પોતાના નમ્રતા અને વિવેકથી બધાનું મન જીતી લે તો હું તને માફી આપું.” શ્યામે તેમ કરવાનું સ્વીકાર્યું. હવે, તે બધા સાથે નમ્રતાથી વાતો કરતો. તેનું વર્તન પણ વિવેકપૂર્ણ બન્યું. હવે, તે રોજ ઘનશ્યામ સાથે સાધુ મહારાજને પ્રણામ કરવા જવા લાગ્યો. ધીમે- ધીમે તેના નમ્રતા અને વિવેકપૂર્ણ વ્યવહારને જોઈને સાધુ મહારાજે તેને માફી આપી. તથા તેનું રૂપ તથા હોંશિયારી પણ તેને પાછા આપ્યા.

હવે, શ્યામનું અભિમાન ઉતરી ગયું અને તે પોતાના ભાઈ ઘનશ્યામ સાથે હળીમળીને રહેવા લાગ્યો.

-ઃ અનુક્રમણિકા :-

૬. ત્રણ શરતો

એક જાદુગર હતો. તેને એક દીકરી હતી. તે ખુબ જ દેખાવડી હતી. તેને પરણવા માટે દુર દુરથી રાજકુમારો આવતા. પરંતુ જાદુગરની દીકરીને પરણવા માટે તેમણે ત્રણ શરતો પુરી કરવી જરૂરી હતી. જાદુગર દરેક રાજકુમાર પાસે ત્રણ શરતો રાખતો જો તે રાજકુમાર પહેલી શરત પુરી ન કરી શકે તો તેને મૃત્યુદંડ આપવામાં આવતો જો તે બીજી શરત પુરી ન કરી શકે તો તેના હાથપગ કાપી નાખવામાં આવતા અને જો તે ત્રીજી શરત પુરી ન કરે તો તેમને ચકલાં, પોપટ, કાબર બનાવી દેવામાં આવતા. જાદુગરની શરતો એટલી આકરી હતી કે સજા થવાની બીકે કેટલાક રાજકુમાર પરણવાની ઈચ્છા મનમાં જ રાખી બેસી રહેતા.

જાદુગરના રાજ્યની બાજુમાં જ એક વિશાળ રાજ્ય હતું. તેનું નામ વિશાલનગર હતું. તેમાં એક ખુબ જ સુંદર અને સાહસી રાજકુમાર રહેતો હતો. તેના ત્રણ મિત્રો હતા. એક ધનવિંદ્યાાં માહિર હતો. બીજો તરણ કૌશલ્યમાં માહિર હતો. અને ત્રીજો મિત્ર ઉડ્ડયનમાં માહિર હતો.

રાજુમારે જાદુગરની દીકરીની ઘણી ચર્ચા સાંભળી હતી. તેને પણ જાદુગરની દીકરીને પરણવાનું મન થયું. તેણે પોતાના મિત્રોને આ વાત કહી. ત્રણેય મિત્રો રાજકુમાર સાથે જાદુગરના રાજ્યમાં જવા તૈયાર થયા.

જાદુગર રાજકુમાર સામે ત્રણ શરતો મુકી. પહેલી શરત પ્રમાણે તેણે જંગલમાં ખુબ જ ઊંડે ઊંડે એક જાદુઈ વૃક્ષ ઊગાડ્યું અને વૃક્ષના અસંખ્ય પાંદડાઓ વચ્ચે ખુબ જ ઊંચે સોનાનું સફરજન ટીંગાડ્યું. રાજકુમારે સાંજ સુધીમાં આ વૃક્ષ શોધી તેના પર ટીંગાડેલું સફરજન એક જ તીર દ્વારા વિંધીને લઈ આવવાનું હતું. રાજકુમારે ત્રણે મિત્રોને શરત કહી.

ત્રીજો મિત્ર ઉડતો ઉડતો ગયો અને ઝડપથી વૃક્ષ શોધી કાઢ્યું પછી ચારે મિત્રો તે વૃક્ષ પાસે ગયા અને ધનવિંદ્યામાં હોંશિયાર મિત્રએ એક જ તીરમાં સોનાના સફરજનને વિંધી નાખ્યું અને રાજકુમાર તીર સાથે જ એ સફરજન જાદુગર પાસે લઈ ગયો.

બીજી શરત પ્રમાણે એક ઊંડુ જાદુઈ તળાવ હતું. તેમાં એક સોનેરી માછલી રહેતી હતી. તે પકડીને લઈ આવવાની હતી. રાજકુમારનો બીજો મિત્ર તરણવિદ્યામાં ખુબ જ હોંશિયાર હતો તે તો તળાવના તળિયે ખુબ જ ઊંડે જઈને માછલી પકડી લાવ્યો. રાજકુમારે સોનેરી માછલી લઈ જઈ જાદુગરને આપી દીધી.

જાદુગરે વિચાર્યું કે હવે હું રાજકુમારને એટલી આકરી શરત આપીશ કે તે પુરી જ ન કરી શકે.

ત્રીજી શરત પ્રમાણે ઊંચે આકાશમાં એક જાદુઈ મહેલ હતો. આ જાદુઈ મહેલમાં એક સોનેરી પક્ષી સોનેરી પાંજરામાં કેદ કરેલુ હતું. તે પાંજરૂ લઈ આવવાનું હતું. રાજકુમારે તેના ત્રીજા મિત્રને આ શરત કહી.

ત્રીજો મિત્ર રાજકુમારની શરત પુરી કરવા ખુબ જ ઊંચે ઊડ્યો અને જાદુઈ મહેલ શોધી કાઢ્યો તેમાં જઈ સોનાના પાંજરામાં કેદ કરેલ સોનેરી પક્ષી લઈ પાછો આવ્યો. રાજકુમારે તે પાંજરૂ જાદુગરને આપ્યું. જાદુગર ખૂબ જ ખુશ થયો.

હવે, તેણે પોતાની શરત મુજબ પોતાની દીકરી રાજકુમાર સાથે પરણાવી. ખાધુ, પીધુ ને મોજ કર્યું.

-ઃ અનુક્રમણિકા :-

૭. ઘોડાની પાંખો

એક જંગલ હતું. તેમાં એક ઘોડો રહેતો હતો. તેનું નામ માણેક હતું. તે ખુબ જ પ્રામાણિક અને બીજાને મદદ કરવાની ભાવનાવાળો હતો. તે ઘરડા અને અશક્ત લોકોને વગર પૈસે સવારી કરાવતો, તેમને ઊંધનવિંદ્યચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો. લોકો તેનો આભાર માનતા તે જ તેના માટે ઈનામ હતું.

એક વખત જંગલના ઘરડા રાજા સિંહ શિકાર કરવા નીકળ્યા. તેઓ ખૂબ જ થાકી ગયા અને ત્યાં જ બેસી ગયા માણેક ત્યાં પાસે જ ઘાસ ચરતો હતો. તેણે જંગલના રાજાને પુછ્યું “વનરાજા હું કંઈ મદદ કરી શકું.”

સિંહ કહે “ભાઈ મને ઊંધનવિંદ્યચકીને જરા મારી ગુફા સુધી લઈ જાને માણેકભાઈ તો તરત જ સિંહરાજાને પીઠ પર ઊંધનવિંદ્યચકી ગુફા સુધી લઈ ગયા. સિંહે આભાર માન્યો.”

માણેકભાઈ રસ્તામાં ચાલ્યા જતા હતા ત્યાં જ એક ઊંધનવિંદ્યટ પસાર થયો. ઊંધનવિંદ્યટ કહે “માણેકભાઈ મારી પીઠ પર ઘણો સામાન છે. હું ખુબ જ થાકી ગયો છું જરા અડધો સામાન લઈ લેશો?” માણેકભાઈએ તો તરત ઊંધનવિંદ્યટની પીઠ પરથી અડધો સામાન ઊંધનવિંદ્યચકી લીધો અને નક્કી કરેલા સ્થાન પર પહોંચાડી આવ્યા. ઊંધનવિંદ્યટે માણેકનો આભાર માન્યો.

જેવો સામાન પહોંચાડી માણેકભાઈ આવતા હતા ત્યાં રસ્તામાં વરૂભાઈ મળ્યા. વરૂભાઈ કહે “માણેકભાઈ મને જરા આ પુલ પાર કરાવી દો ને.” માણેકભાઈ એ વરૂભાઈને પીઠ પર ઊંધનવિંદ્યચક્યા અને લાંબો પુલ પાર કરાવ્યો.

જેવો પુલ પાર કરીને માણેકભાઈ નદીકિનારે બેઠા તેવા જ નદીમાતા બહાર આવ્યા અને કહે “માણેકભાઈ ારે જલ્દી-જલ્દી સાગરને મળવા જવું છે. મને જરા તમારી પીઠ પર પહોંચાડી દો ને.”

માણેકભાઈ કહે “પરંતુ તમે તો મારી પીઠ પર ઢોળાઈ જશો.”

નદીમાતા કહે “કાંઈ વાંધો નહિ. તમે મને પી જાઓ પછી સાગર પાસે જઈ કોગળો કરી નાખજો.”

માણેકભાઈ ખૂબ જ થાકી ગયા હતા. તેમણે પોતાનું બધું જ જોર લગાડી નદીનું પાણી પીધું. અને સાગરમાં જઈને બધુ પાણી ઠાલવી દીધું. હવે માણેકભાઈ ખૂબ જ થાકી ગયા હતા. તેમને આરામ કરવો હતો તેથી તેઓ સાગરકિનારે ઠંડી-ઠંડી હવામાં બેસી ગયા. ત્યાં જ સમુદ્રમાંથી જળમાછલી બહાર આવી. બોલી “માણેકભાઈ આજે તો મને તમારા પર સવારી કરવાનું મન થાય છે. મને સાગરકિનારે ફરવા લઈ જાઓ ને. માણેકભાઈ ખુબ જ થાકી ગયા હતા. છતાં માછલીના આગ્રહવશ ઊભા થયા અને માછલીને સાગરકિનારે ફરાવવા લાગ્યા. હવે, માણેકભાઈથી ચલાતુ પણ ન હતું. વળી ધીમે-ધીમે સૂર્ય પણ તપી રહ્યો હતો. ગરમી અને થાક ને કારણે ચાલતા- ચાલતા તે ચક્કર ખાઈને પડી ગયા.

થોડીવાર પછી માણેકભાઈ ને ભાન આવ્યું. જોયુ તો સમુદ્રદેવતા માનવસ્વરૂપે ઊભા હતા.

તેમણે કહ્યું “હું તમારી માનવભક્તિથી પ્રસન્ન થયો છું તમે થાકેલા હોવા છતા બધાને મદદ કરવાની તમારી ભાવના ખુબ જ ઉત્તમ છે. તેથી હું પ્રસન્ન થઈને તમને પાંખો આપુ છું. જેથી તમે પાંખો વડે ઊડીને ઘરડા અને અશક્ત લોકોને મદદ કરી શકો.”

તે દિવસથી તે ઘોડાને પાંખો આવી ગઈ. હવે, તે પાંખો વડે ઊડીને લોકોને મદદ કરે છે. અને જાદુઈ શક્તિને લીધે હવે તે જલ્દી થાકી પણ જતો નથી. અને અસંખ્ય લોકોને મદદ કરી શકે છે.

-ઃ અનુક્રમણિકા :-

૮. સ્વમાની મીની

એક છોકરી હતી. તેનું નામ મીની હતું. તે ખુબ જ ગરીબ હતી. પરંતુ તે પ્રામાણિક અને સ્વમાની હતી. કોઈ તેને દયાથી વસ્તુ આપે તે તેને ગમતુ નહીં. વસ્તુના બદલામાં તે કામ કરીને તેનું મહેનતાણું ચુકવી દેતી.

એક દિવસ મીની તેની માં સાથે બજારમાં ઘર જરૂરિયાતની ચીજો લેવા ગઈ. ત્યાં એક રમકડાની દુકાનમાં તેણે એક ખુબ જ સુંદર સોનેરી ફ્રોકવાળી ઢીંગલી જોઈ. મીનીને તે ઢીંગલી ખુબ જ ગમી ગઈ. તેણે માં ને તે ઢીંગલી લઈ દેવા કહ્યું. પરંતુ ઢીંગલીનો ભાવ ખુબ જ વધારે હતો. મીની માં સાથે ઘરે પાછી ફરી. પરંતુ તેના મનમાં તો સતત સોનેરી ફ્રોકવાળી ઢીંગલી જ રમ્યા કરતી હતી.

અંતે ઉદાસ થઈને મીની દરિયાકિનારે જઈ બેસી ગઈ. ત્યાં એક માછલી દરિયાના મોજા સાથે બહાર રેતીમાં ફેંકાઈ ગઈ હતી. તે પાણી વિના તરફડતી હતી. મીનીએ તરત જ તેને ઊંધનવિંદ્યચકીને પાણીમાં નાખી દીધી. માછલી ખુબ જ ખુશ થઈ. તેણે મીનીનો આભાર માન્યો અને મીની સાથે વાતો કરવા લાગી. હવે, માછલી રોજ કિનારા પર આવી મીની સાથે વાતો કરતી. મીની અને માછલી ગાઢ મિત્ર બની ગયા.

એક દિવસ માછલી અને મીની વાતો કરતા હતાં. અચાનક મીની વાત કરતા-કરતા ઉદાસ થઈ ગઈ. માછલીએ મીનીને કારણ પૂછ્યું.

મીનીએ સોનેરી ફ્રોકવાળી ઢીંગલીની વાત માછલીને કહી.

માછલી કહે “બસ એટલી વાત. હું તને દરિયામાંથી અમૂલ્ય મોતી લાવીને આપું. તું તે મોતી દુકાનદારને આપજે. તે તને ઢીંગલી આપશે.”

મીની બોલી : જો મહેનત કર્યા વગર મને એ ઢીંગલી મળશે. તો મને ગમશે નહિ. હું તારી પાસેથી મોતી લઈ શકુ નહિ.

માછલી કહે : ભલે, મારી પાસે બીજો પણ એક ઉપાય છે.

મીની કહે : શું?

માછલી કહે : અહીં સમુદ્રકિનારે ઘણા બધા મીઠુના ક્યારા છે. એ મીઠાના ક્યારામાંથી તારે રોજ એક ટોપલો ભરીને મીઠુ વેચી આવવાનું.

મીની કહે : ભલે

હવે, મીની રોજ માછલીના કહેવા પ્રમાણે એક ટોપલો ભરી મીઠુ વેચી આવતી. આ કામ કરવામાં તેને ખુબ મહેનત કરવી પડતી પણ તેને મહેનત કરવી ગમતી. તેમાંથી જે પૈસા મળતા તે ભેગા કરતી. આમ કરતા-કરતા તેની પાસે સોનેરી ફ્રોકવાળી ઢીંગલી ખરીદવા માટે પૈસા ભેગા થઈ ગયા. તે પૈસા લઈને તે રમકડાની દુકાને ગઈ અને સોનેરી ફ્રોકવાળી ઢીંગલી ખરીદી લીધી. સોનેરી ફ્રોકવાળી ઢીંગલી મળતા તે ખુબ જ ખુશ થઈ. તે ખુબ નાચી, ખુબ કુદી અને નાચતી કુદતી ઢીંગલી લઈ પોતાની ખાસ બહેનપણી પાસે ગઈ.

મીનીને નાચતી કૂદતી જોઈ માછલી પણ ખુબ જ ખુશ થઈ. હવે, મીની રોજ સોનેરી ફ્રોકવાળી ઢીંગલી લઈ દરિયાકિનારે આવતી. અને મીની અને માછલી ઢીંગલી સાથે ખુબ રમતા. અને અલક મલકની વાતો કરી છુટા પડતા.

-ઃ અનુક્રમણિકા :-

૯. રામનું નામ

એક સરોવર હતું. તેમાં એક દેડકો અને એક દેડકી રહેતા હતાં. દેડકી રામ ભગવાનની ભગત હતી. તે રોજ મંદિરે જતી. દેવદર્શન કરતી અને ચોવીસે કલાક રામનું નામ લેતી. પરંતુ દેડકાને એ ગમતું નહિ. તે દેડકીને રામનું નામ લેવાની ના પાડતો પણ દેડકી માનતી નહિ. તેથી તે દેડકીથી ચીડાયેલો રહેતો. અને દેડકી સાથે વાત કરતો નહિ. આથી, ધીમે- ધીમે દેડકીએ રામનું નામ લેવાનું છોડી દીધું.

એક દિવસ દેડકો અને દેડકી સરોવરની પાળ પર બેસીને વાતો કરતા હતા ત્યાં એક ધોબી સરોવરની પાળે કપડા ધોવા આવ્યો. તેણે તો લીલા કાંચ જેવા દેડકા દેડકીને જોયા. તેના મોંમા તો પાણી આવી ગયું. ઘણા દિવસથી તેણે દેડકાનું શાક ખાધુ ન હતું. આજે તેને દેડકાનું શાક ખાવાનું મન થઈ આવ્યું. તેણે ચાલાકીથી દેડકા અને દેડકીને પકડી લીધા અને ઘરે લઈ આવ્યો.

ઘરે પહોંચી તેણે એક માટીના હાંડલામાં પાણી નાખી ચુલે ચડાવ્યું. તેમાં દેડકા દેડકીને રાંધવા માટે નાખ્યા. હવે, માત્ર ચુલો સળગાવવાનો જ બાકી હતો. પરંતુ ચુલો સળગાવવા માટે બળતણના લાકડા ખલાસ થઈ ગયા હતા. તેથી ધોબી માટીના હાંડલા પર એક ભારે પત્થર ઢાંકી બળતણના લાકડા લેવા માટે ગયો.

દેડકો અને દેડકીનો જીવ મુંઝાવા લાગ્યો.

દેડકો કહે : “આજે તો આપણે કાં તો ગુંગળાઈને મરી જશું અને કાં તો ચુલાની આગથી સળગી જશું. તું જલ્દી જ કાંઈક કર.”

દેડકી કહે : “હવે તો રામ સિવાય કોઈનોય આધાર નથી. રામજી જ આપણને બચાવી શકશે.”

દેડકો કહે : ભલે, તો રામનું નામ લે.

દેડકી ખુબ જ મનથી રામનું નામ લેવા માંડી અને બંન્નેને બચાવવાની પ્રાર્થના કરવા લાગી.

એવામાં અચાનક જ ત્યાં બે મોટા- મોટા આખલા ઝઘડતા ઝઘડતા આવ્યા અને તેમને શિંગડાના એક જ ઘા માં માટીનું હાંડલું ફુટી ગયું અને દેડકો અને દેડકી હાંડલામાંથી એક બાજુ ફેંકાયા. હાંડલું ફુટતાવેંત જ દેડકો અને દેડકી જાન બચાવી સરોવરની પાળ પર ભાગી ગયા.

હવે, દેડકો દેડકીને રામના મંદિરે જવાથી, રામની ભક્તિ કરવાથી અને રામનું નામ લેવાથી રોકતો નહિ અને હવે તે પોતે પણ રામનો પરમભક્ત બની ગયો.

દેડકો દેડકી બંન્ને સાથે મળી રામનું નામ લેતા, ખાતા, પીતા અને મોજ કરતા.

-ઃ અનુક્રમણિકા :-

૧૦. ગણેશજીની ખીર

એક ગામ હતું. તેમાં એક મંદિર હતું. તે મંદિર શંકર ભગવાનનું હતું. તેમાં આગળ જ ગણેશજીની મુતિં રાખેલી હતી. એક વખત એક ભક્તના સોળ સોમવાર પુરા થયા. તેથી તેણે શંકર ભગવાનને ખીર ચઢાવી. પરંતુ ગણેશજીને ખીર ચઢાવી નહી. ખીર જોઈને ગણેશજીને ખીર ખાવાનું બહુ જ મન થયું.

તેથી તેઓ ખીર ખાવા માટે મંદિરની બહાર નીકળી આવ્યા. અને રસ્તા પર આવી ઊભા રહ્યા. તે રસ્તેથી એક ગોવાળ નીકળ્યો.

ગણેશજી કહે “ગોવાળ, ગોવાળ મને ખીર ખવડાવ.” ગોવાળ કહે : મારી પાસે ખીર નથી પણ ગાયનું તાજુ દૂધ છે આ લો બરણી ભરીને દુધ. એમ કહી દુધ આપી ચાલ્યો ગયો.

ગણેશજી તો દૂધની બરણી લઈ ઊભા રહ્યા. મુંઝાઈને વિચારવા લાગ્યા. મને ક્યાં ખીર બનાવતા આવડે છે?

થોડીવાર થઈ અને તે રસ્તેથી એક વાણિયો નીકળ્યો. ગણેશજી કહે : વાણિયા, વાણિયા, મને ખીર ખવડાવ.

વાણિયો કહે : મને ખીર બનાવતા નથી આવડતી. આ લો ચોખા અને ખાંડ, દૂધમાં નાખજો ખીર બની જશે.

આમ, કહી વાણિયો ચોખા અને ખાંડ આપી ચાલ્યો ગયો. ગણેશજી ફરી મુંઝાયા.

કહે : મને ક્યાં ખીર બનાવતા આવડે છે?

થોડીવાર થઈને તે રસ્તેથી એક કાબુલી નીકળ્યો.

ગણેશજી કહે : કાબુલી, કાબુલી, મને ખીર ખવડાવ.

કાબુલી કહે : મને ખીર બનાવતા નથી આવડતી. પણ મારી પાસે કાજુ, દ્રાક્ષ, બદામ, પિસ્તા છે. તે નાખવાથી ખીર સ્વાદિષ્ટ બને છે. તેની મને ખબર છે.

આ લો સુકા મેવા. એમ કહી ઘણા બધા સુકા મેવા આપી ચાલ્યો ગયો.

ગણેશજી ફરી મુંઝાયા : હવે મને ખીર કોણ બનાવી દેશે?

થોડીવાર થઈને ત્યાંથી એક ડોશીમા નીકળ્યા.

ગણેશજી કહે : ડોશી, ડોશી મને ખીર ખવડાવ.

ડોશીમા કહે : હું તો ખૂબ જ ગરીબ છું. ખીર બનાવવા માટે તો દૂધ, ચોખા, ખાંડ જોઈએ. તે બધું ક્યાંથી લાવું?

ગણેશજી કહે : આ રાખ્યુ બધું. એમ કહી બધો સામાન ડોશીમાને આપ્યો.

ડોશીમા કહે : આ બધાને ચુલે ચડવી પકાવવું પડશે. ચાલો મારે ઘેર. તમને ખીર બનાવી દઊં.

ગણેશજી તો ખુશ થતા-થતા ડોશીમાને ઘેર ગયા. ડોશીમા એ ખુબ જ ભાવથી ગણેશજી માટે ખુબ જ સ્વાદિષ્ટ ખીર બનાવીને ખવડાવી.

ગણેશજી એ તો પેટ ભરીને ખીર ખાધી અને ડોશીમાને આશીર્વાદ આપી ફરી પાછા મંદિરમાં જઈને બેસી ગયા.

-ઃ અનુક્રમણિકા :-

૧૧. વૃદ્ધ અને વૃદ્ધા

એક જંગલ હતું. તેમાં એક ડોશો અને ડોશી ઝુંપડી બાંધીને રહેતા હતા. ડોશો અને ડોશી ખુબ જ ગરીબ હતા. તેમની પાસે પુરતું ખાવાનું પણ ન હતું. બંન્ને રોજ જંગલમાંથી લાકડા કાપી તેની ભારી બનાવતા અને તે વેચીને તેમાંથી જે પૈસા મળતા તેમાંથી તેમનું ગુજરાન ચાલતું.

એક દિવસ તે જંગલમાંથી બે દેવદૂત પસાર થતા હતા. તેઓ પૃથ્વીની મુલાકાતે નીકળ્યા હતા. પૃથ્વીના લોકો કેવા છે. તે તેમને જોવું હતું. તે ફરીફરીને ખુબ જ થાકી ગયા હતા. તેમણે જંગલમાં ઝુંપડી જોઈ. આમ પણ સાંજ ઢળવા આવી હતી. તેથી રાતવાસો કરવાના હેતુથી તેઓ ઝુંપડી તરફ ગયા અને દરવાજો ખટખટાવ્યો. ઝુંપડીમાં રહેલા વૃદ્ધે દરવાજો ખોલ્યો અને અચાનક આવી પડેલા અતિથીને આવકાર આપ્યો.

દેવદૂતો સામાન્ય મનુષ્યના રૂપમાં હતા તેમને ખૂબ જ ભૂખ લાગી હતી. તેમણે વૃદ્ધ અને વૃદ્ધાને કહ્યું “અમને ખૂબ જ ભૂખ લાગી છે. થોડું જમવાનું મળશે?”

વૃદ્ધ કહે : કેમ નહિ.

વૃદ્ધ તરત જ ઘરની પાછળ રહેલા ઝાડ પરથી થોડા શાકભાજી તોડી લાવ્યા અને તેમની પત્નીએ ચુલા પર પાણી ચઢાવી થોડી મસાલાવાળી ખીચડી ઝટપટ તૈયાર કરી દીધી.

ભોજન તૈયાર થતાં જ ચારે જણ ભોજન કરવા બેઠા. ખીચડી સાથે ભોજનમાં થોડું-થોડું દૂધ પણ લઈ શકાય તે હેતુથી વૃદ્ધે ચાર વાટકામાં થોડું-થોડું દૂધ કાઢ્યું. દૂધ ખૂબ જ ઓછું હોવાથી અડધો-અડધો વાટકો જ ભરાયો. વૃદ્ધ અને વૃદ્ધા પાસે થોડી ખીચડી અને થોડા દૂધ સિવાય કંઈપણ ભોજન ન હતું. બંન્ને દેવદૂતો ઝટપટ ખીચડી ખાઈ ગયા. હવે, દૂધનો વારો આવ્યો. દૂધ પણ ઝટપટ પી ગયા પરંતુ આટલા થોડા ભોજનથી તેમની ભુખ સંતોષાઈ નહી. તેમણે દૂધના તપેલા તરફ નજર કરી. પરંતુ તેમાં ટીપુ પણ દૂધ હતું નહિ. વૃદ્ધ અને વૃદ્ધા શરમાઈને નીચુ જોવા લાગ્યા.

દેવદૂતો તેમની દયનીય સ્થિતિ પામી ગયા.

તેમણે બંન્નેએ એકસામટા દૂધના તપેલા તરફ નજર કરી અને તપેલુ એકદમ દૂધથી ભરાઈ ગયું. અચાનક જ દૂધથી છલકાયેલું તપેલું જોઈ વૃદ્ધ અને વૃદ્ધા આશ્ચર્યમાં પડી ગયા.

દેવદૂતોએ વૃદ્ધ અને વૃદ્ધાને પોતાનું સાચું સ્વરૂપ બતાવ્યુ અને કહ્યું “તમે લોકો ગરીબ હોવા છતા તમારૂ હૃદય ખુબ જ મોટું છે. અમે તો એ જોવા માટે પૃથ્વી પર આવ્યા છીએ કે પૃથ્વીના લોકો કેવા છે? ખરેખર તમને જોઈને લાગે છે કે પૃથ્વીના લોકો ખૂબ જ દયાળુ છે.”

અમે તમારા પ્રસન્ન થયા છીએ. માંગો તમારે જે માંગવું હોય તે.

વૃદ્ધ અને વૃદ્ધા કહે : અમને ધન દોલત કે રૂપિયા પૈસાની કોઈ લાલચ નથી. હવે અમે જીવીશું પણ કેટલા? પરંતુ અમારી એક જ ઈચ્છા છે કે અમે બંન્ને હંમેશા સાથે રહીએ. મર્યા પછી પણ.

દેવદુતોએ તથાસ્તુ કહ્યું અને અંતર્ધ્યાન થઈ ગયા. તે પછી વૃદ્ધ અને વૃદ્ધા એકબીજા સાથે ઘણો લાંબો સમય આનંદથી જીવ્યા. અને દેવદૂતોના વરદાન પ્રમાણે મરીને વૃક્ષો બની ગયા. એક લીમડાનું ઝાડ અને એક પીપળાનું ઝાડ. બંન્ને અવિરત સમય સુધી એકબીજાની સાથે જ રહ્યા.

હજી પણ જે લોકો એ જંગલમાં જાય તેઓ વૃદ્ધ અને વૃદ્ધાને એકબીજા સાથે વાતો કરતા સાંભળી શકે છે.

-ઃ અનુક્રમણિકા :-

૧૨. જાદુઈ લોટી

એક છોકરો હતો. તેનું નામ માધવ હતું. તે ખુબ જ ગરીબ હતો. તેના ગામમાં શાળા પણ ન હતી. પરંતુ તેને ભણવાની ઘણી હોંશ હતી. તેથી, તે એક ગામથી બીજે ગામ ભણવા માટે જતો. રસ્તામાં ઘનઘોર જંગલ આવતું. માધવ રોજ ચાલીને જંગલ પાર કરતો અને બીજે ગામ ભણવા જતો.

શાળામાં એક માસ્તરજી હતા તેમને ખીર ખાવાનો બહુ શોખ હતો. તેમણે દરેક છોકરાનો દુધ લાવવાનો વારો રાખ્યો હતો. બીજા છોકરાઓના ઘરે તો ગાય, ભેંસ જેવા પશુઓ હતા. પરંતુ માધવના ઘરે કોઈ પણ પશુ ન હતું. તેના પિતા પણ મરી પરવાર્યા હતા. બંન્ને મા દીકરા માંડ પોતાનું ગુજરાન ચલાવતા.

એક દિવસ દુધ લાવવાનો વારો માધવનો આવ્યો. માધવ તો રડમસ થઈ ગયો. “જો તે માસ્તરજી માટે દુધ ન લઈ જાય તો માર ખાવાનો વારો આવે.” આ જ ચિંતા કરતો-કરતો તે જંગલમાંના એક પથ્થર પર બેસી ગયો. સાંજ ઢળવા આવી. માધવ શાળાએથી પાછો ન ફર્યો તેથી માં ને ચિંતા થઈ. તેથી માં માધવ, માધવ એવી બુમ પાડતી જંગલ તરફ આવી. માધવની માં કૃષ્ણ ભગવાનની ભક્ત હતી.

માધવની માં ની પુકાર સાંભળીને ભગવાનને થયું કે તે તેમને બોલાવે છે. તેથી ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત પ્રગટ થયા અને પુછવા લાગ્યા બોલો માં શું કામ છે? માં કહે “હું તો મારા દીકરા માધવને બોલાવું છું.” ભગવાનને કહે “હું પણ માધવ જ છું.” એટલીવારમાં અચાનક માધવ પણ માં નો અવાજ સાંભળી ત્યાં આવી ગયો, અને રડવા લાગ્યો. માં કહે : કેમ રડે છે? માધવે પોતાની શાળાના માસ્તરજીની અને દુધની બધી વાતો કહી. ભગવાને પણ માધવની વાત સાંભળી.

ભગવાને માધવને એક જાદુઈ લોટી આપી. અને કહ્યુંઃ “જો આ લોટીમાંથી માંગીશ તેટલું દુધ મળશે.” માધવ તો ખુશ-ખુશ થઈ ગયો. માં અને માધવ ઘરે પાછા ફર્યા.

બીજા દિવસે માધવ તપેલું ભરીને દુધ માસ્તરજી માટે લઈ ગયો. “માસ્તરજી ખુબ જ ખુશ થયા. તે દિવસે માસ્તરજીની ખીર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બની. તેથી, બીજા દિવસે માસ્તરજીએ હુકમ છોડ્યો “હવે, રોજ દુધ માધવે જ લાવવાનું?”

માધવ હવે માસ્તરજી માટે દુધ લઈ આવતો. એક દિવસ એક ઈર્ષાળુ છોકરાએ માસ્તરજીના કાન ભર્યા.

“માધવ તો દુધ ક્યાંકથી ચોરીને લઈ આવે છે.” માસ્તરજીએ માધવને “દુધ ક્યાંથી લાવે છે?” તે પૂછ્યું.

પરંતુ માધવે જવાબ આપ્યો નહિ.

માસ્તરજીએ સોટી ઊગામી. માર ખાવાની બીકે માધવે જાદુઈ લોટીની બધી હકીકત કહી દીધી. વાત સાંભળી માસ્તરજીને લાલચ આવી. માસ્તરજીએ કહ્યું : કાલે તારી એ જાદુઈ લોટી મને આપી દે જે બાકી શાળામાંથી કાઢી મુકીશ.

માધવ ફરી પાછો ઉદાસ થઈ ગયો. તેણે વિચાર્યુ, ભગવાન શ્રીકૃષ્ણ તેની મદદ જરૂર કરશે. તેણે ત્રણ વખત “માધવ” “માધવ” એમ કહ્યું એટલે શ્રીકૃષ્ણ હાજર થયા.

માધવે માસ્તરજીની લાલચની અને લોટી પડાવી લેવાની યોજનાની વાત કહી. ભગવાને વાત સાંભળી માધવને એક સોટી આપી. અને કહ્યું : કાલે જાદુઈ લોટી અને જાદુઈ સોટી બંન્ને લઈ જજે. જેવો એ માસ્તર લોટીને હાથ લગાવશે તેવી આ સોટી તેને મારીમારીને અધમુઓ કરી દેશે.

બીજા દિવસે માધવ શાળાએ લોટી અને સોટી બંન્ને લઈને ગયો. માસ્તર કહે “જોઊંધનવિંદ્ય તો દુધ કેમ નીકળે? ચાલ બતાવ.”

માધવે લોટીમાંથી દૂધ કાઢી બતાવ્યું. માસ્તરજીએ તરત જ લોટી લઈ લીધી. અને બધુ દૂધ પીવા ગયા ત્યાં જ જાદુઈ સોટીએ મારી મારીને તેને અધમુઓ કરી નાખ્યો.

માસ્તરજીએ જેવી લોટી નીચે મુકી સોટી અટકી ગઈ. ફરીથી માસ્તરજીએ લોટી ઉપાડી તો સોટી ફરીથી તેમને મારવા લાગી.

માધવ કહે : માસ્તરજી એ લોટી સાથે સોટી ફ્રી છે.

માસ્તરજી કહે : તો મારે આ લોટી જોઈતી નથી. અને માધવને લોટી પાછી આપી દીધી.

માધવને તેની લોટી પાછી મળી તેથી તે ખુશ થયો. થોડા દિવસમાં તેની માં એ દુધ વેચવાનો ધંધો ચાલુ કરી દીધો.

અને પછી માધવ ખુબ ભણીગણીને મોટો માણસ બની ગયો. હજી પણ તે લોટી અને સોટી માધવ પાસે જ છે.

-ઃ અનુક્રમણિકા :-

૧૩. સોનેરી પક્ષી

એક રાજા હતો. તે પક્ષીઓનો ખુબ જ શોખીન હતો. એક વખત તે જંગલમાં શિકાર કરવા ગયો. ત્યાં તેને એક ખુબ જ સુંદર ઈંડુ મળ્યું. રાજા તે ઈંડાને મહેલમાં લઈ આવ્યો. થોડા જ દિવસમાં તેમાંથી એક સુંદર સોનેરી પક્ષી નીકળ્યું. રાજાને તે એટલુ બધુ ગમી ગયુ કે રાજાએ તેના માટે ખાસ સોનાનું પાંજરૂ ઘડાવ્યું. તેમાં હિરા, મોતી જડાવ્યા. પક્ષીને ભુખ અને તરસ લાગે ત્યારે ચણ અને પાણી આપવા એક ખાસ સેવક ગોઠવ્યો. પક્ષી તો ધીમે-ધીમે મોટું થવા લાગ્યું. હવે, તે એશોઆરામનું આદિ થઈ ગયું.

અચાનક એક દિવસ તે માંદુ પડી ગયું. તે ખાતુ- પીતુ ન હતું. રાજાએ રાજ્યના મોટા વૈદ્યને બોલાવ્યા.

વૈદ્ય કહે “પક્ષીઓને પાંજરામાં ન રખાય. તેમને તો પ્રકૃત્તિનો આનંદ લેવા દો તો જ તેમને આનંદ આવે. જો આ પક્ષીને પાંજરામાંથી મુક્તિ આપવામાં નહિ આવે તો તે થોડા દિવસમાં મરી જશે.”

રાજા કહે “ભલે હું તેને મુક્ત કરી દઈશ.”

બીજા દિવસે રાજાના સેવકો જઈને સોનેરી પક્ષીને જંગલમાં મુકી આવ્યા. પક્ષીને તો એમ કે રોજની જેમ તેને અહીં સમય પ્રમાણે ચણ અને પાણી મળશે. તે તો શાંતિથી ત્યાંને ત્યાં બેસી રહ્યું.

ત્યાં અચાનક એક વાંદરો આવ્યો. તેણે પૂછ્યું “કેમ છો ભાઈ.” સોનેરી પક્ષીએ ઊપર જોયું તો ડાળ પર કાળા મોંવાળો વાંદરો બેઠો હતો. સોનેરી પક્ષી તો તેને જોઈને ગભરાઈ ગયું. અને કંઈ જવાબ આપ્યો નહિ. વાંદરો ઠેકડા મારતો મારતો ચાલ્યો ગયો.

થોડીવાર પછી ત્યાંથી એક સાપ પસાર થયો. તેણે પૂછ્યું “કેમ ભાઈ નવા લાગો છો જંગલમાં. ક્યારેય જોયા તો નથી.”

સોનેરી પક્ષીએ જોયુ તો “લીલા કાંચ જેવો સાપ હતો.” તેને સાપ પ્રત્યે અણગમો થયો. તે ઊડીને એક ડાળ પર બેસી ગયું. સાપ સરકતો-સરકતો ચાલ્યો ગયો.

અચાનક ડાળના પાંદડા પર લીલા રંગનું કંઈક ચાલતું દેખાયું. જોયું તો કાચંડો રંગ બદલીને બેઠો હતો. સોનેરી પક્ષીને જોઈને તેણે પણ રામ-રામ કહ્યું. પરંતુ સોનેરી પક્ષીએ કંઈ જવાબ આપ્યો નહિ. તેને તેનો મહેલ યાદ આવતો હતો. તેને અહીં જરા પણ ગમતું ન હતું. તે મહેલની યાદમાં બેઠું હતું. ત્યાં જ અચાનક એક મોટી સમડી ઊડતી-ઊડતી ત્યાં આવી.

સમડીને જોઈને સોનેરી પક્ષીના તો હોશકોશ જ ઊડી ગયા. સમડી સોનેરીપક્ષીને પોતાની ઝપટમાં લેવાની જ હતી. ત્યાં જ અચાનક કોઈએ સોનેરી પક્ષીને પોતાના પંજામાં હળવેકથી ઊપાડી લીધું. પછી અચાનક પોતે કોઈની પીઠ પર સરકતું હોય તેવું તેને લાગ્યું. અને પછી કોઈએ પોતાને પીળા ફુલની વચ્ચે રાખી દીધુ હોય તેમ લાગ્યું. અચાનક જ પળભરમાં શું થઈ રહ્યુ છે તેની સોનેરી પક્ષીને ખબર પડી નહી. સમડી શિકાર કર્યા વગર જ પોતાના રસ્તે જતી રહી.

સમડીના ગયા પછી કાચિંડાએ સોનેરી પક્ષીને મોટા પીળા ફુલમાંથી બહાર કાઢ્યું. હવે, સોનેરી પક્ષીએ ઊંચે જોયું તો ઊપરની ડાળ પર વાંદરો અને સાપ બેઠા હતા. હવે, સોનેરી પક્ષીને સમજાયુ કે સમડી તેને ઊપાડી ન જાય તે માટે વાંદરાએ તેને પોતાના પંજામાં ઊપાડી સાપની પીઠ પર બેસાડ્યું અને સાપે ઝડપથી સરકી તેને ફુલ પાસે મુક્યું અને કાચિંડાએ તેને તેના જ રંગના ફુલમાં સંતાડી દીધું. જેથી તે બચી ગયું.

સોનેરી પક્ષીએ ત્રણેનો આભાર માન્યો અને તે ત્રણેયને પોતાના મિત્ર બનાવી લીધા.

-ઃ અનુક્રમણિકા :-

૧૪. દેરાણી-જેઠાણી

એક ગામ હતું. તેમાં એક દેરાણી-જેઠાણી રહેતા હતા. દેરાણી ખુબ જ પૈસાદાર હતી. જેઠાણી ખુબ જ ગરીબ હતી. જેઠાણી દેરાણીના ઘરે રોજ લોટ દળવા જતી. તેના બદલામાં દેરાણી તેને થોડો લોટ મહેનતાણા તરીકે આપતી. જેઠાણી લોટ ચાળવાનું કપડું પોતાના ઘરેથી લઈ જતી. અને તે કપડામાં લોટ ચાળી ઘરે આવી તેને પાણીમાં પલાળી દેતી. તેમાંથી જે લોટવાળું પાણી બને તે પોતાના પતિને પીવડાવી દેતી. મળેલા થોડા લોટના નાના-નાના રોટલા બનાવી બાળકોને ખવડાવતી અને પોતે ભુખી સુઈ જતી. આ રીતે દિવસો પસાર થતા હતા.

એક વખત દેરાણીના છોકરા રમતા રમતા મોટી કાકીને ઘેર આવ્યા અને જોઈ ગયા કે કાકી તો લોટવાળું કપડું પલાળી તે લોટ કાકાને પીવડાવે છે. તેમણે જઈને તેમની માં ને બધુ કહી દીધું. દેરાણી ખૂબ જ ઈર્ષાળુ અને લોભી હતી.

બીજા દિવસે તેણે જેઠાણી પાસે લોટ દળાવી લીધો પણ મહેનતાણાનો લોટ આપ્યો નહિ અને લોટ ચાળવાનું કપડું પણ લઈ લીધું. જેઠાણી રડતી-રડતી ઘેર ગઈ.

ઘરે આવી તો પતિ ભુખ્યો હતો. પતિ કહે “ખાવાનું આપ.” જેઠાણી કહે “આજે લોટ મળ્યો નહિ અને કપડું પણ દેરાણીએ રાખી લીધું.”

પતિને ગુસ્સો આવ્યો. તેણે જેઠાણીને ખૂબ માર માર્યો. જેઠાણી રડતી-રડતી ભગવાન ગણપતિનું નામ લેતી-લેતી બેઠી રહી. અડધી રાત્રે ગણપતિજી આવ્યા અને પુછવા લાગ્યા “બોલ માડી તને શું દુઃખ છે.” જેઠાણીએ પોતાના દુઃખની વાત ગણપતિજીને કહી.

ગણપતિજી કહે : “આજે ચોથ છે. ઘરમાં બે દાણા તલ અને એક કાંકરી ગોળ હશે?”

જેઠાણીએ ખૂણા ખાંચરામાંથી શોધી તલ અને ગોળ આપ્યા. ગણપતિજીએ જેવા તલ અને ગોળ હાથમાં લીધા. તગારૂ ભરીને લાડુ બની ગયા. જેઠાણી તો ખુશ-ખુશ થઈ ગઈ. બાળકો અને પતિને ઉઠાડ્યા.

ગણપતિએ પોતાના હાથે બધાને લાડુ જમાડ્યા. પોતે પણ મન ભરીને લાડુ ખાધા. પછી ગણપતિજીને હાજત આવી.

ગણપતિજી કહે “હાજતે ક્યાં જાઉ”

જેઠાણી કહે “મહારાજ ઘર તમારૂ જ છે. મન ફાવે ત્યાં બેસી જાઓ ગણપતિજી એ તો આખા ઘરમાં હાજત કરી. અને અંતર્ધ્યાન થઈ ગયા.”

બધા લાડુ ખાઈને સુઈ ગયા હતા. સવારે ઊઠીને જુએ તો આખુ ઘર ધનના ઢગલાથી ભરાઈ ગયું.

જેઠાણી તો જય ગણેશ, જય ગણેશ કરતી ખુશીથી ગાંડી જ બની ગઈ. અને થાળી વગાડી-વગાડીને નાચવા લાગી.

દેરાણીનું ઘર બાજુમાં જ હતું. અવાજ સાંભળી તે જેઠાણીને ઘરે ગઈ. જેઠાણી તો મન ની ભોળી હતી. તેણે બધી વાત સાચે સાચી તેને જણાવી. દેરાણી તો ભડકે બળી ગઈ.

તે દિવસે તે જાણી જોઈને ભુખી રહી. અને રાત્રે પોતાના પતિને કહે “મને મારો.” પતિ કહે “ન મરાય.” દેરાણી કહે “ના મારો ને મારો” પતિએ તેને ખૂબ મારી. તેણે ગણપતિ માટે લાડુ તૈયાર જ કરી રાખ્યા હતા. જેવા ગણપતિ આવ્યા, દેરાણીએ તેમને પેટ ભરીને લાડુ જમાડ્યા. લાડુ ખાઈને ગણપતિજીને હાજત આવી.

ગણપતિજી કહે “હાજતે ક્યાં જાઉં”

દેરાણી કહે “તમે હાજતે જવાના બહાને ભાગી જાવ તો પહેલા મેં લાડુ ખવડાવ્યા. તેનું વળતર તો આપો.”

ગણેશજી કહે : કેવું વળતર?

દેરાણી કહે “જેઠાણીને આપ્યું તેના કરતા બમણું ધન આપો.”

ગણપતિજીને ગુસ્સો આવ્યો. તેમણે દેરાણીને શ્રાપ આપ્યો. તેનું બધું ધન કોલસા અને પથ્થર બની ગયું.

ગણપતિજી કહે “તે લાલચથી મારુ નામ લીધું અને જેઠાણીએ શ્રદ્ધાથી મારુ નામ લીધું તેથી તમને બંન્નેને એ પ્રમાણે ફળ મળ્યું. આમ કહી ગણપતિજી અંતર્ધ્યાન થઈ ગયા.”

-ઃ અનુક્રમણિકા :-

૧૫. કુહાડીની ખીચડી

એક ગામ હતું. તેમાં એક ડોશીમા રહેતા હતા. તે ખુબ જ કંજુસ અને મૂર્ખ હતા. તેને પોતાના ઘરે કોઈ મહેમાન આવે તે ગમતું નહીં. વળી બીજા લોકો સાથે વ્યવહાર ન રાખવો પડે તેથી તેમણે પોતાની ઝુંપડી પણ ગામથી થોડે છેટે આવેલા જંગલ જેવા વિસ્તારમાં બાંધી હતી. ગામ લોકો તેમની સાથે વ્યવહાર પણ રાખતા નહીં.

એક વખત એક વટેમાર્ગુ ડોશીમાના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો. સાંજ પણ ઢળવા આવી હતી. અને ધીમે-ધીમે વરસાદ પણ પડવા લાગ્યો હતો. વટેમાર્ગુ બીજે ગામથી આવ્યો હતો તેને ડોશીમાના સ્વભાવની ખબર નહોતી તેથી તે આશરો મેળવવા ડોશીમાની ઝુંપડી તરફ ગયો. ડોશીમાને મહેમાન ગમતા નહી. તેથી અચાનક આવી પડેલા મહેમાનને જોઈને તેમનું મોં બગડી ગયું.

વટેમાર્ગુ કહે “માજી અંધારૂ પણ થવા આવ્યુ છે અને વરસાદ પણ ઘણો પડે છે. મને રહેવા માટે થોડી જગા આપશો?”

ડોશી કહે “ભલે પણ મારા ઘરમાં કાંઈ ખાવા પીવાનું છે નહિ.”

વટેમાર્ગુ કહે “કાંઈ વાંધો નહિ તમે માથુ છુપાવવા જગ્યા આપો તો જ ઘણું.”

ડોશીમાએ વટેમાર્ગુને ઝુંપડીનો એક ખુણો બતાવ્યો અને બીજા ખુણામાં જઈ પોતે બેસી ગયા.

થોડીવાર થઈ. રાત પડવા આવી. વટેમાર્ગુને ભુખ લાગી. પણ ખાવાનું માગે તો ડોશીમા ઝુંપડીની બહાર કાઢી મુકે.

વટેમાર્ગુ એ સાથે લાવેલી ટોર્ચ સળગાવી. જોયુ તો એક ખુણામાં કુહાડી મુકેલી હતી.

વટેમાર્ગુને એક યુક્તિ સુજી.

તેણે પૂછ્યું “ડોશીમા તમે કોઈ દિવસ કુહાડીની ખીચડી ખાધી છે?”

ડોશીમા કહે “કુહાડીની ખીચડી તે ખવાતી હશે?” વટેમાર્ગુ કહે “એક વખત ખાઈ તો જુઓ.”

ડોશીમા કહે “તેમાં કંઈ ખર્ચો ન થતો હોય તો ખાઉ.”

વટેમાર્ગુ કહે “તેમાં ખાલી એક કુહાડી જ જોઈએ. બીજુ કંઈ જ નહિ.”

કંજુસ ડોશીમા તો ખુશ-ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા. હા, બેટા ભુખ તો મને પણ લાગી છે. પણ શું કરૂં? અંધારામાં મને કંઈ દેખાતું નથી.

વટેમાર્ગુ કહે : “કંઈ વાંધો નહીં. હું કુહાડી મારી રીતે શોધી લઈશ.”

ડોશીમા કહે : જીવતો રહે બેટા.

વટેમાર્ગુ એ અંધારાનો લાભ લઈ કુહાડી સાથે ટોપલામાં રાખેલા બે ચાર બટાકા, ડુંગળી અને ટમેટા પણ લઈ લીધા. પછી ચપ્પુ લઈ બધુ સમારી નાખ્યું.

તેણે ડોશીમાને કહ્યું : “મેં કુહાડી સમારી લીધી છે. હવે જરા ચુલે ચડાવી દઉં.”

ડોશીમા કહે : ભલે

વટેમાર્ગુએ ચુલો સળગાવી તેના પર પાણી ઊકળવા મુક્યું. તેમાં સમારેલા શાકભાજી નાખ્યા.

વટેમાર્ગુ કહે : કુહાડીની ખીચડી તો તૈયાર થઈ ગઈ છે. પરંતુ તેમાં ચપટી મીઠુ, મરચુ નાખુ તો ખીચડી વધારે સ્વાદિષ્ટ બને.

ડોશીમા કહે : મને તો દેખાતુ નથી. ભાઈ લઈ લે ચપટી મીઠુ, મરચુ. વટેમાર્ગુએ મીઠુ, મરચુ લેતા ડબ્બામાંથી થોડા દાળ, ચોખા પણ લઈ લીધા અને તેને પાણીમાં નાખી મસાલા કર્યા.

થોડીકવારમાં મસાલેદાર ખીચડી તૈયાર થઈ ગઈ. વટેમાર્ગુએ બે થાળીમાં ખીચડી કાઢી અને ડોશીમાને કહ્યું “ચાલો ડોશીમા કુહાડીની ખીચડી તૈયાર છે.”

ડોશીમાએ ખીચડી ખાધી તેમને તો તે ખુબ જ સ્વાદિષ્ટ લાગી. ડોશીમા ખુબ જ ખુશ થયા. વટેમાર્ગુએ પણ પેટ ભરીને ખીચડી ખાધી. અને ખુણામાં ઊંધનવિંદ્યઘી ગયો.

સવારે વટેમાર્ગુએ વિદાય લીધી. ડોશીમા કહે : ફરી પાછો જરૂર આવજે બેટા અને કુહાડીની ખીચડી બનાવતો રહેજે.

વટેમાર્ગુ હસીને પોતાને રસ્તે ચાલતો થયો.

-ઃ અનુક્રમણિકા :-

૧૬. સાસુ વહુ

એક ગામમાં એક સાસુ અને વહુ રહે. સાસુ ભારે જબરી. વહુને સુખેથી જીવવા દે નહિ. વહુ પાસે રોજ ગાય દોવડાવે, દુધમાંથી દહીં બનાવડાવે, દહીંની છાશ બનાવડાવે, છાશમાંથી માખણ કઢાવે, માખણમાંથી ઘી કઢાવે અને પછી પોતે તે બધુ વેચવા નીકળી પડે.

સાસુ વહુ પાસે રોજ ત્રણ બોઘણા ભરાવે. એક બોઘણુ દુધનું, એક બોઘણુ છાશનું અને એક બોઘણુ ઘીનું. વહુ માટે એક ટીપુ પણ રાખી જાય નહિ. પોતાની સાથે ચાર રોટલા ઘડાવીને લેતી જાય. વહુ ઘરમાં બેસી સુકા રોટલા ખાય. અને ડોશીમા ભુખ લાગે ત્યારે બેસીને મજાથી ઘી, દૂધ અને છાશથી રોટલા ખાય. વહુએ સુકા રોટલા જેમ-તેમ ખાઈને ઘરનું બધું કામ પુરૂ કરવાનું અને સાસુ આવીને જુએ કે કોઈ કામ બાકી રહી ગયુ છે તો તેને મારી-મારીને અધમુઈ કરી નાખે.

એક વખત સાસુ રોજની જેમ ત્રણ બોઘણા લઈને દુધ, છાશ અને ઘી વેચવા જતી હતી. રસ્તામાં ગણપતિજી મળ્યા.

ગણપતિજી કહે “માડી મને ઘી પીવડાવો ને.”

ડોશીમા ભારે કંજુસ. કહે “જા-જા દુંદાળા આ કંઈ મફતનું ઘી નથી, ભારે મહેનત કરીને બનાવ્યું છે.”

ગણપતિજીને ગુસ્સો આવ્યો. તેમણે ડોશીમાને શ્રાપ દીધો. શ્રાપને લીધે ડોશીમાના ત્રણે બોઘણા દુધ, છાશ અને ઘી ને બદલે કાંકરા અને પથ્થરથી ભરાઈ ગયા. આજે ડોશીમાનો વેપાર થયો નહિ. કારણ કે કાંકરા અને પથ્થર લેવા કોણ આવે. વળી, ડોશીમા વારેઘડીએ બોઘણામાંથી કાંકરા પથ્થર ખાલી કરે. પરંતુ ગણપતિજીના શ્રાપને લીધે બોઘણા ફરીથી કાંકરા, પથ્થરથી ભરાઈ જાય. સાંજ પડી. ડોશીમાનો ઘરે જવાનો સમય થયો. તે તો ચાલ્યા કાંકરા ને પથ્થર ભરેલા બોઘણા લઈને પણ વજન ન ઊપડતા રસ્તામાં પડી ગયા.ઘણી જગ્યાએ વાગી ગયું. ઘણી જગ્યાએ છોલાયા. પછી જેમ-તેમ કરી ઊભા થઈને પોતાના ઘરે પહોંચ્યા.

બીજા દિવસે ડોશીમાંથી ઘી, દુધ, છાશ વેચવા જવાય એમ નહોતું. વળી વહુને દુઃખી કરવાના વિચારથી તેણે વિચાર્યું “આજે તો વહુ પાસે કાળી મજુરી કરાવું. આમ, પણ બોઘણામાં દુધ, ઘી કે છાશ તો રહેવાનું જ નથી. કાંકરાને પથ્થર બની જશે. વળી વહુ બોજો ઉપાડીને આખો દાડો ફરશે પણ અને ઘરે પાછી ફરીને પૈસા નહિ આપે તો મારવાની મજા આવશે.”

આમ વિચારી ડોશીમાએ વહુને ઘી, દૂધ, છાશ વેચવા મોકલી અને પોતે આરામ કરવા ઘરમાં રહ્યા.

વહુ બિચારી ભોળી હતી. રસ્તામાં જતી હતી ત્યાં ગણપતિજી મળ્યા.

ગણપતિજી કહે “માડી મને ઘી પીવડાવ.”

વહુ કહે “મહારાજ ઘી તો પીવડાવું પણ જો મારી સાસુને ખબર પડે તો મને બહુ મારે.”

ગણપતિ કહે “તું ચિંતા કરમાં મને ઘી પીવડાવ.”

વહુ કહે : આ લો મહારાજ પીઓ.

ગણપતિજી તો બોઘણુ ભરીને ઘી પી ગયા. પછી કહે મને હજી ભુખ લાગી છે. દુધ પીવડાવ.

વહુએ દુધ પણ આપી દીધું. ગણપતિજી કહે : હજી પણ ભુખ લાગી છે. છાશ પીવડાવ.

વહુએ છાશ પણ પીવડાવી દીધી. ગણપતિજી અંતર્ધ્યાન થઈ ગયા.

વહુ કહે : હવે શું કરું? પૈસા નહિ આપું તો સાસુ મારશે. એમ વિચારી ખાલી બોઘણા ઊપાડવા ગઈ. પણ બોઘણા વજનદાર લાગતા હતા.

ખોલીને જુએ તો ત્રણે બોઘણામાં પૈસા ભરેલા. વહુ ઘેર પાછી ફરી. કમાયેલા રૂપિયા સાસુને આપ્યા.

સાસુ કહે “ક્યાંથી આવ્યા?”

વહુ કહે “મેં કમાયા.”

સાસુને વિશ્વાસ થયો નહિ. તેણે મારવા માટે હાથ ઊગામ્યો. જેવો હાથ ઊગામ્યો કે કોઈકે તેનો હાથ પકડી લીધો. જુઓ તો ગણપતિજી. ગણપતિજીએ સાસુનો ચોટલો ખાટલે બાંધીને ખાટલો ગોળ-ગોળ ફેરવ્યો. સાસુ તો ઊંધનવિંદ્યધી ચત્તી થઈ ગઈ.

ગણપતિજી કહે : “બોલ હવે ક્યારેય વહુને હેરાન કરીશ?”

સાસુ કહે : “ના હવે ક્યારેય હેરાન નહીં કરુ.” ગણપતિજી કહે : હવે, હેરાન કરીશને તો ઝાડવે ચોટલો બાંધીને ફેરવીશ.

સાસુ તે દિવસથી એવી બી ગઈ કે મિંયાની મીંદડી બની ગઈ. પછી તેણે ક્યારેય વહુને હેરાન કરી નહિ.

-ઃ અનુક્રમણિકા :-

૧૭. રીંગણાનું શાક

એક દરજી હતો. તેને રીંગણાનું શાક ખુબ જ ભાવતું. પરંતુ તેની પત્ની જ્યારે પણ રીંગણાનું શાક બનાવે ત્યારે-ત્યારે રીંગણાર ીંગણા પોતે ખાઈ જાય અને રસો-રસો દરજી માટે રાખી મુકે. દરજી પત્નીને કંઈ કહે તો તે ખુબ જ ઝઘડો કરે. તેથી તે પત્નીને કંઈ કહી પણ ન શકે.

એક વખત દરજીની દુકાને એક સાધુ મહારાજ આવ્યા. મહારાજને ખુબ જ તરસ લાગી હતી. મહારાજે પીવા માટે પાણી માંગ્યું. દરજીએ ખુબ જ આદરપુર્વક સાધુ મહારાજને પાણી પીવડાવ્યું. તેમજ બેસવા માટે પણ કહ્યું. સાધુ મહારાજ દરજીની દુકાને બેઠા. દરજીએ સાધુ મહારાજ માટે ચા મંગાવી. સાધુ મહારાજ રાજી થયા અને આશીર્વાદ આપ્યા “સદા સુખી રહો.”

દરજી કહે “મહારાજ, સુખ કિસ્મતમાં જ નથી.”

મહારાજ કહે : કેમ?

દરજી કહે : મને રીંગણાનું શાક બહુ ભાવે પણ મારી ઘરવાળી જ્યારે-જ્યારે રીંગણાનું શાક બનાવે ત્યારે- ત્યારે રીંગણા-રીંગણા પોતે ખાઈ જાય અને રસો-રસો મને ખાવા આપે. લગ્ન થયા તે દિવસથી આજ સુધી મન ભરીને રીંગણાનું શાક ખાધુ નથી. પત્નીને કાંઈ કહું તો ઝઘડો કરે.

મહારાજ કહે : “હું એક ઉપાય બતાવું છું. મારા પાસે ચમત્કારિક ભભૂતિ છે. આ ભભૂતિની ચાર પડીકી બનાવજે. અને ઘરના રસોડામાં ચારે ખુણે એક-એક પડીકી સંતાડી દેજે.

દરજી ઘરે ગયો. મહારાજ ના કહેવા પ્રમાણે પત્નીની નજર ચુકવી રસોડાના ચારે ખુણે એક-એક પડીકી સંતાડી દીધી.”

બીજા દિવસે દરજીની પત્નીએ રીંગણાનું ચટાકેદાર શાક બનાવ્યું અને દર વખતની જેમ ખાવા બેઠી.

જેવો પહેલો કોળિયો મોઢામાં મુકવા ગઈ પહેલા ખુણામાંથી અવાજ આવ્યો “રીંગણા, રીંગણા પોતે ખાઈ જાય, રસો, રસો દરજીને આપે.” દરજીની પત્ની ચારે તરફ જોવા લાગી. કોઈ દેખાયુ નહી તેથી કહે “હશે વહેમ થયો હશે.”

ફરીથી કોળિયો મોંમાં મૂકવા જાય ત્યાં તો બીજા ખૂણેથી અવાજ આવ્યો “રીંગણા-રીંગણા ખાય તેને ગાલપચોળિયા થાય.”

પત્નીને તો હવે પાકો વિશ્વાસ થયો કે રસોડામાં જરૂર કોઈક છે. પત્ની ખાતી-ખાતી ઊભી થઈ ગઈ અને બીતી-બીતી પુછવા લાગી “કોણ છે? કોણ છે?”

ત્યાં ત્રીજા ખુણેથી અવાજ આવ્યો : આજે તો દરજી ચટાકેદાર રીંગણાનું શાક ખાશે અને તાજોમાજો થાશે.

ત્યાં ચોથે ખૂણેથી અવાજ આવ્યો : આ મુઈ ખાશે તો અધમૂઈ થઈ જાશે.

પત્ની તો જુદા-જુદા અવાજોથી એવી બી ગઈ કે રસોડામાંથી મુઠ્ઠીઓવાળી નાઠી. અને ઘરના દરવાજે બેસી ગઈ.

બપોરે દરજી જમવા આવ્યો. પત્ની પાસે જમવાનું માંગ્યું.

પત્ની કહે : “રસોડામાં ભૂત છે.”

દરજી કહે : “મને મુર્ખ બનાવમાં. ભૂતબૂત કંઈ ન હોય, જલ્દી જલ્દી જમવાનું આપ. બાકી અધમૂઈ કરી નાખીશ.”

પત્નીને થયું : નક્કી દરજી એ જ રસોડામાં ભૂત બેસાડ્યું છે. તેણે તો છાનીમાની દરજીને જમવાનું પીરસ્યું. દરજીએ તે દિવસે પેટ ભરીને રીંગણાનું ચટાકેદાર શાક ખાધું અને રસો-રસો પત્ની માટે રાખ્યો.

તે દિવસે પત્નીને પોતાના પર પસ્તાવો થયો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે દરજીની માફી માંગી.

તે દિવસ પછી જ્યારે પણ રીંગણાનું શાક બને પતિ-પત્ની બંન્ને સાથે બેસીને રીંગણાના શાકની લહેજત માણતા.

-ઃ અનુક્રમણિકા :-

૧૮. અડકી અને દડકી

એક હતી અડકી અને એક હતી દડકી. બંન્ને બહેનો હતી. અડકીને માથે એક વાળ હતો અને દડકીના માથા પર બે વાળ હતા. દડકી ખુબ જ અભિમાની અને તુંડમિજાજી હતી અને અડકી ખુબ જ દયાળુ અને પરોપકારી સ્વભાવની હતી. બંન્ને પોતાની દાદી સાથે એક નાના ઘરમાં રહેતી હતી. અડકી દાદીનું બધું કામ કરતી. જ્યારે દડકી પોતાને અડકીથી શ્રેષ્ઠ માનતી અને આખો દિવસ ખાઈ-પીને અડકી પર રોફ જમાવ્યા કરતી.

એક દિવસ અડકી જંગલમાં લાકડા કાપવા જતી હતી. ત્યાં તેણે રસ્તામાં કોઈનો રડવાનો અવાજ સાંભળ્યો. જોયું તો મહેંદીનો છોડ રડતો હતો. તે તરસ્યો હતો.

અડકીએ બાજુના કુવામાંથી પાણી સિંચીને છોડને પાણી પીવડાવ્યું. મહેંદીનો છોડ ખુશ થયો અને અડકીને હાથમાં લગાડવા માટે મહેંદી આપી.

અ ડ ક ી આગળ ગઈ. ત્યાં જંગલમાં એક વૃક્ષ સાથે એક ગાય બાંધેલી હતી. ગાયને ખુબ જ ભુખ લાગી હતી. અડકીએ અ ા જ ુ બ્ ા ા જ ુ મ ા ં થ્ ા ી લીલુ-લીલુ ઘાસ કાપી ગાય ને ખાવા આપ્યું અને ગાયની દોરી પણ ખોલી દીધી.

ગાયે અડકીનો આભાર માન્યો અને તેને મીઠુ-મીઠુ દુધ પીવા આપ્યું. દુધ પી ને અડકી આગળ ગઈ અને જંગલમાંથી લાકડા કાપવા લાગી. લાકડા કાપતા-કાપતા તે ખુબ જ થાકી ગઈ. તેથી ભારી માથે ઉપાડી વિસામો કરવાની જગ્યા શોધવા લાગી. અચાનક તેને જંગલમાં એક ઝુંપડી દેખાઈ. અડકી વિસામો ખાવા અને પાણી પીવાના હેતુથી ઝુંપડી તરફ ગઈ. ઝુંપડીમાં એક ડોશીમા રહેતા હતા. ડોશીમાએ અડકીને પાણી પીવડાવ્યું અને તેની સાથે વાતો કરવા લાગ્યા. ડોશીમાએ ઘણા દિવસથી રાંધ્યુ નહોતું કારણ કે અશક્તિને કારણે જંગલમાં લાકડા કાપવા જઈ શકાયુ નહોતું.

અડકીએ વાત જાણી અને ડોશીમાને કહ્યું : આ લો મારા લાકડા લઈ લો. હું તો બીજી ભારી કાપી લઈશ.

ડોશીમા તો ખુશ થયા અને આશીર્વાદ આપવા અડકીને માથે હાથ મુક્યો. હાથ મુકતાવેંત જ અડકીના માથા પર ઘણા બધા વાળ આવી ગયા. અને અડકી સુંદર રાજકુમારી જેવી બની ગઈ. અડકી તો સુંદર લાંબાવાળ પામીને ખુબ જ ખુશ થઈ અને નાચતી કુદતી ઘરે ગઈ.

ઘરે જઈને તેણે બધી વાત દાદીને કહી. દડકી તો અડકીના લાંબાવાળ જોઈ બળી જ ગઈ. અને દાદીને કહે : “કાલથી જંગલમાં લાકડા કાપવા હું જઈશ.”

દાદી કહે : ભલે

દડકી તો બીજા દિવસે ઝડપથી દોડતી-દોડતી જંગલમાં ગઈ અને ઝુંપડી શોધવા લાગી. તે એટલી બધી સ્વાર્થી હતી કે તેણે રસ્તામાં મહેંદીના છોડનો રડવાનો અવાજ પણ ન સાંભળ્યો અને ભુખી થયેલી ગાયને ઘાસ પણ ના આપ્યું.

અચાનક દોડતા દોડતા તેની નજર ડોશીમાની ઝુંપડી પર પડી. તે તો ફટ લઈને ડોશીમાની ઝુંપડીમાં ઘુસી ગઈ અને કશા વિવેક વગર ધમકીભર્યા સ્વરે ડોશીમાને કહે “અડકી જેવા લાંબા વાળ મને પણ આપો.”

ડોશીમાને ગુસ્સો આવ્યો. તેમણે જેવું ગુસ્સાથી દડકી સામે જોયું તો દડકીનું મોં કાળુ થઈ ગયુ અને તેના માથા પરનાં બંન્ને વાળ પણ ખરી ગયા. દડકી તો રડતીરડ તી ઘેર પાછી ફરી. રસ્તામાં ગાયે તેને શીંગડા માર્યા અને મહેંદીના છોડે તેને કાંટા ખુંચાડ્યા.

આમ, ઈર્ષાળુ દડકીને બધી જગ્યાએથી તિરસ્કાર મળ્યો અને દયાળુ અને પરોપકારી અડકીને બધી જગ્યાએ આદર મળ્યો.

હવે, દડકી પાઠ ભણી ચુકી હતી. તેથી તેણે ઘમંડ કરવાનું છોડી દીધું અને અડકી અને દાદી સાથે હળીમળીને રહેવા લાગી.

-ઃ અનુક્રમણિકા :-

૧૯. મુર્ખ ભોલો

એક ગામ હતું. તેમાં એક અત્યંત મુર્ખ માણસ રહેતો હતો. તેનું નામ ભોલો હતું. એક વખત તે ગામમાં એક સારંગી વગાડવાવાળો આવ્યો. તે સારંગી પર જુદીજુ દી ધુનો વગાડતો. તે ઘણા બધા સ્વરો સારંગીમાંથી કાઢી શકતો. તેને જોવા લોકો દુર- દુરથી આવતા. અને તેની સારંગીના વખાણ કરતા.

એક દિવસ ભોલો પણ પોતાના મિત્રો સાથે સારંગીના સુરો સાંભળવા ગયો. સારંગીવાળો ગામના પાદરે તંબુ બાંધીને રોકાયો હતો. સારંગીવાળાએ જેવા સુર છેડ્યા પ્રેક્ષકો તેની આસપાસ ગોઠવાઈને બેસી ગયા. ભોલો અને તેના મિત્રો પણ ગોઠવાઈ ગયા.

ભોલાના મિત્રો સારંગીના સુરો સાંભળી અંદરઅંદર વાતો કરવા લાગ્યા. “કેટલી મીઠી સારંગી વગાડે છે!” ભોલો બધાની વાતો સાંભળતો હતો. તે વિચારવા લાગ્યો કે મારા મિત્રો મારેથી છુપાઈને સારંગીનો સ્વાદ ચાખી આવ્યા લાગે છે. કદાચ સારંગીવાળાની બાજુમાં બેસવાથી મીઠો સ્વાદ આવે. આમ વિચારી ભોલો સારંગીવાળાની સૌથી નજીક જઈને બેસી ગયો. પરંતુ તેને મીઠો સ્વાદ આવ્યો નહિ.

તે દિવસે સારંગીનો કાર્યક્રમ મોડી રાત સુધી ચાલ્યો. પ્રેક્ષકોને પણ એટલી બધી મજા આવી કે તેઓ સારંગી સાંભળતા-સાંભળતા ત્યાં ને ત્યાં જ સુઈ ગયા.

ભોલો પણ પોતાના મિત્રો સાથે ત્યાં જ સુઈ ગયો. પ્રેક્ષકોના સુઈ ગયા બાદ સારંગીવાળો પણ સારંગીને પોતાના માથા પાસે મુકી સુઈ ગયો.

અડધી રાત્રે ભોલાની ઊંધનવિંદ્યઘ ઊડી. તેણે જોયુ તો તેના બધા મિત્રો અને અન્ય લોકો સુઈ રહ્યા હતા. સારંગીવાળો પણ સારંગી માથા પાસે રાખી સુઈ રહ્યો હતો.

ભોલાએ વિચાર્યું : આ સારંગી ચાખવાનો સૌથી સુંદર મોકો છે. તે ધીમે રહીને સારંગીવાળાની નજીક ગયો અને તેના માથા પાસે રહેલી સારંગી ઊપાડી લીધી.

પછી ગામના પાદરથી થોડે દુર જઈ બેસી ગયો અને સારંગીને ફેરવી-ફેરવીને જોવા લાગ્યો. પછી તેણે સારંગીનો ઊપરનો ભાગ ચાટી જોયો પરંતુ તેને કોઈ સ્વાદ આવ્યો નહિ. આમ, કરતા-કરતા તેણે આખી સારંગીને ચાટી જોઈ પરંતુ તેને કોઈ સ્વાદ આવ્યો નહિ. અંતે ભોલો સારંગી ચાખી-ચાખીને થાકી ગયો પરંતુ તેને મીઠો સ્વાદ આવ્યો નહિ તેથી, તેણે ગુસ્સે થઈને સારંગી તોડી ફોડીને ફેંકી દીધી, અને જઈને સુઈ ગયો.

બીજા દિવસે સવારે ઊઠીને સારંગીવાળો સારંગી શોધવા લાગ્યો. પરંતુ તેને સારંગી મળી નહી. તેણે ગામલોકોને પુછ્યુ પરંતુ કોઈને સારંગીની ખબર ન હતી. અંતે સારંગી શોધવા માટે ગામના પાદરમાં દોડભાગ મચી ગઈ. બધા અહીંતહીં સારંગી શોધવા લાગ્યા.

ગામલોકોનો અવાજ સાંભળી ભોલો પણ જાગી ગયો. બધાએ ભોલાને સારંગી વિશે પુછ્યું : ભોલો કહે : એ ધોખેબાજ સારંગીનું તો નામ જ ન લો.

બધા કહે : કેમ?

ભોલો કહે : તમને બધાને એમાંથી મીઠો સ્વાદ આવતો હતો. પરંતુ મેં તેને ચાખી જોઈ પણ મને તેમાંથી મીઠો સ્વાદ આવ્યો નહિ.

બધા કહે : પણ સારંગી છે ક્યાં?

ભોલો કહે : મે તે ધોખેબાજને તોડીફોડીને ગામની બહાર ફેંકી દીધી.

ભોલાની મુર્ખાઈ પર ગામલોકોએ માથુ ફુટી લીધુ અને ભોલાના મિત્રો એ ભોલાની મુર્ખાઈ માટે સારંગીવાળા પાસે માફી માંગી.

-ઃ અનુક્રમણિકા :-

૨૦. ઊંદરની ઊજાણી

એક ઊંદર હતો. એક દિવસ તેને બજારમાં ફરવાનું મન થયું. તે બજારમાં ગયો. ત્યાં તેણે એક મીઠાઈની દુકાન જોઈ. ઊંદરને જલેબી ખાવાનું મન થયું.

ઊંદર તો મીઠાઈવાળા પાસે જઈ કહે “મીઠાઈવાળા, મીઠાઈવાળા જલેબી આપ.”

મીઠાઈવાળો કહે : જા, જા, જલેબી લેવા માટે પૈસા આપવા પડે. એમને એમ થોડી જલેબી મળે.

ઊંદર પાસે પૈસા હતા નહી.

ઊંદર કહે : મીઠાઈવાળા જો જલેબી તું ના આપીશ તો હું ઊંદરનું મોટું લશ્કર લાવીશ અને તેમને જલેબી ખવડાવીશ.

મીઠાઈવાળો તો ગભરાઈ ગયો. ક્યાંક સાચે જ ઊંદર મોટું લશ્કર લઈને આવે તો? મારી દુકાનની બધી મીઠાઈઓ ખાઈ જાય અને ખરાબ કરે તેના કરતા આ ઊંદરડાને જલેબી આપી દેવા દે. મીઠાઈવાળાએ એક મોટું પેકેટ જલેબીનું ઊંદરને આપ્યું.

ઊંદરે તો પેટ ભરીને જલેબીઓ ખાધી અને આગળ ચાલ્યો. આગળ એક શરબતવાળાની દુકાન હતી. ઊંદરને શરબત પીવાનું મન થયું.

ઊંદર કહે : શરબતવાળા, શરબતવાળા, શરબત આપ.

શરબતવાળો કહે : જા, જા, એમ કંઈ મફતમાં શરબત અપાય? તેના માટે તો પૈસા ચુકવવા પડે.

ઊંદર કહે : શરબતવાળા જો શરબત તુ ના આપીશ તો હું ઊંદરનું મોટું લશ્કર લાવીને તેને શરબત પીવડાવીશ.

શરબતવાળો કહે ના ભાઈ ના લશ્કર ના લાવજે. લે આ શરબત. ઊંદર તો શરબત પી ને આગળ ચાલ્યો.

આગળ જતાં એક બેકરી આવી. બેકરીમાં તાજી- તાજી કેક બનતી હતી. તેની સુગંધ ચારેકોર આવતી હતી. ઊંદરને કેક ખાવાનું મન થયું.

ઊંદર કહે “બેકરીવાળા, બેકરીવાળા કેક ખવડાવ.”

બેકરીવાળો કહે : “જા, જા એમ કંઈ કેક ખવડાવાય?”

ઊંદર કહે : બેકરીવાળા જો તું કેક મને ના આપીશ તો હું ઊંદરનું મોટું લશ્કર લાવીશ અને તેને કેક ખવડાવીશ.

કેકવાળો કહે “ના, ના ઊંદરભાઈ લો આ ચોકલેટ કેકનો ટુકડો પણ તમારા લશ્કરને ના લાવશો.”

ઊંદરે તો મજાથી ચોકલેટ કેક ખાધી અને આગળ ચાલ્યો. આગળ જતાં મેળો લાગ્યો હતો. મેળામાં ઘણીબધી ભાતભાતની વસ્તુઓની દુકાનો હતી, ચકડોળ હતા.

ઊંદરને ચકડોળમાં બેસવાનું મન થયું.

ઊંદર કહે “ચકડોળવાળા, ચકડોળવાળા, ચકડોળમાં બેસાડ.”

ચકડોળવાળો કહે “જા, જા ઊંદર કદી ચકડોળમાં બેસતા હશે?”

ઊંદર કહે “ચકડોળવાળા જો મને તું ચકડોળમાં ન બેસાડીશ તો હું ઊંદરનું લશ્કર લાવીશ અને ચકડોળનું મશીન કાતરીશ.”

ચકડોળવાળો કહે “ના, ના, ઊંદરભાઈ મશીન વગર તો ચકડોળ કેમ ચાલે? એમ કરી તેને ચકડોળમાં બેસાડ્યો.”

ઊંદરભાઈ તો ચકડોળમાં બેઠા તેમને એવી મજા આવી કે તેઓ તો ચકડોળમાં ઊંધનવિંદ્યઘી ગયા. ચકડોળના ચક્કર પુરા થયા એટલે ચકડોળવાળા ભાઈએ ઊંદરભાઈને ઊઠાડ્યા.

ઊંદરભાઈને તો આજે ખુબ જ મજા આવી હતી. પોતે બજારમાં અને મેળામાં કેવી-કેવી મજા કરી તેની વાત પોતાના મિત્રોને કહેવા ઊંદરભાઈ ઝટપટ પોતાના ઘર તરફ રવાના થયા.

-ઃ અનુક્રમણિકા :-

૨૧. શેખીખોર માખી

એક માખી હતી. તે ખુબ જ શેખીખોર હતી. તે હંમેશા પોતાની બહેનપણીઓ સામે મોટી-મોટી ડંફાસ મારતી. તેની બહેનપણીઓ તેની ડંફાસ પર હસતી.

એક વખત માખી પોતાની બહેનપણીઓ સાથે જંગલમાં ફરવા ગઈ. ત્યાં જંગલનો રાજા સિંહ આરામ કરતો હતો. બીજી માખીઓએ શેખીખોર માખીને કહ્યું “તું તારી જાતને બહુ હોંશિયાર માને છે ને? તું આ સિંહને હરાવ તો અમે તને હોંશિયાર માનીએ.”

શેખીખોર માખી કહે : ભલે.

શેખીખોર માખી તો સુતેલા સિંહના મોં પર જઈને બેઠી. સિંહે માખીને હટાવવા પંજો માર્યો. પરંતુ માખી તો ઊડી ગઈ અને સિંહના મોં પર નખ લાગ્યા. ત્યારબાદ માખી સિંહની નાક પર બેઠી. આ વખતે સિંહે વધુ જોરથી પંજો માર્યો પરંતુ તે પણ તેને જ લાગ્યો અને તેનું નાક છોલાઈ ગયું. ત્યારબાદ માખી સિંહના કાન, આંખ, હાથ, પગ, માથા પર બેસીબેસીને તેને હેરાન કરવા લાગી. સિંહ પોતે જ પોતાના પંજાથી ઘાયલ થતો જતો હતો. પરંતુ માખીને મારી શકતો ન હતો. અંતે તેણે માખીને હાથ જોડીને કહ્યું “માખીબહેન મહેરબાની કરી મને સુવા દો.”

માખી કહે “એક શરતે સુવા દઉં.”

સિંહ કહે “કેવી શરત?”

માખી કહે “તમારે મારી બધી બહેનપણીઓને કહેવુ પડશે કે મારા જેવું હોંશિયાર આ દુનિયામાં નથી.”

સિંહ કહે “ભલે.”

માખીની બહેનપણીઓ આવી સિંહે કહ્યું “તમારી બહેનપણી આ દુનિયાની સૌથી હોંશિયાર માખી છે.”

માખી તો ફુલાઈને ફટાકડો થઈ ગઈ.

પછી બધી માખીઓ ઊડતી-ઊડતી આગળ ચાલી. આગળ એક શિયાળ બેઠુ હતું.

માખીની બહેનપણીઓ કહે “આ શિયાળને હરાવ તો માનીએ. માખી તો સિંહને હરાવીને પોતાની જાતને ખુબ જ હોંશિયાર સમજવા લાગી હતી.”

તેથી, તે તો ઝટપટ ઊડતી-ઊડતી શિયાળ પાસે પહોંચી ગઈ. અને સિંહની જેમ શિયાળને હેરાન કરવા લાગી.

શિયાળ કહે “માખીબહેન મને હેરાન ન કરો. મેં તમારું શું બગાડ્યું છે?”

માખી કહે “તુચ્છ શિયાળ, તું જાણતો નથી હું હમણાં જ જંગલના રાજા સિંહને હરાવીને આવી છું. હવે હું તને હરાવું તે પહેલા તારી હાર કબુલ કરી લે.”

શિયાળ કહે “હાર તો કબુલ કરું. પણ એક શરત છે.”

માખી કહે “કેવી શરત?”

શિયાળ કહે “પેલો સામેના ઝાડ પર રહેતો કરોળિયો મને બહુ જ હેરાન કરે છે. જો તમે તેને હરાવો તો હું મારી હાર કબુલ કરૂં.”

માખી કહે “તેમાં શું છે? લે આટલી વાત.” એમ કહેતી કરોળિયાના જાળા તરફ ઊડવા લાગી. તેને તો એમ કે મેં સિંહ અને શિયાળ જેવા મોટા મોટા જાનવરોને હરાવ્યા છે. તો આ કરોળિયાની તો શી વિસાત છે.

તે તો ખૂબ અદાથી હોંશિયારી મારતી કરોળિયાના જાળામાં પ્રવેશી. પરંતુ જેવી પ્રવેશી કે તેના બંન્ને પગ જાળામાં ફસાઈ ગયા. તે જેમ-જેમ નીકળવા પ્રયત્ન કરતી હતી તેમ-તેમ વધુ ફસાતી જતી હતી. થોડી જ વારમાં તેને ફસાયેલી જોઈને કરોળિયો તેની પાસે આવ્યો અને એક જ કોળિયામાં તેને ગળી ગયો.

તેનો કરુણ અંત જોઈને તેની બધી બહેનપણીઓ ફટાફટ પોતાના ઘર તરફ ઊડવા લાગી. ત્યારપછી કોઈ માખીએ આજ સુધી ડંફાસ મારવાની હિંમત કરી નથી.

-ઃ અનુક્રમણિકા :-

૨૨. વાઘના બચ્ચા

એક જંગલ હતું. તેમાં એક વાઘ પોતાના પરિવાર સાથે રહેતો હતો. વાઘના પરિવારમાં તેની પત્ની અને ત્રણ બાળકો હતા. ત્રણે બાળકોના નામ રોનુ, મોનુ અને સોનુ હતા.

મોટો પુત્ર રોનુ ખુબ જ શાંત અને સમજદાર હતો. વચલો પુત્ર મોનુ થોડો ચંચળ અને થોડો સમજદાર હતો. જ્યારે નાનો પુત્ર સોનુ ખુબ જ ચંચળ સ્વભાવનો હતો.

એક દિવસ રોનુ, મોનુ અને સોનુ છુપાછુપી રમતા હતા.

સૌ પ્રથમ સોનુ એ દાવ લીધો. રોનુ અને મોનુ આસપાસમાં છુપાઈ ગયા. થોડીવારમાં સોનુએ બંન્નેને શોધી લીધા. સોનુ જીતી ગયો. ત્યારબાદ મોનુ નો દાવ આવ્યો. રોનુ અને સોનુ ફરીથી અલગ-અલગ જગ્યાએ છુપાઈ ગયા. મોનુએ પણ થોડીવારમાં બંન્નેને પકડી પાડ્યા.

હવે રોનુનો દાવ આવ્યો. સોનુ અને મોનુ છુપાવવા માટે જગ્યા શોધવા લાગ્યા પરંતુ જુની જગ્યાએ છુપાઈછુ પાઈને તેઓ કંટાળી ગયા.

સોનુ કહે “મોનુ જલ્દી જલ્દી પકડાઈ જવાની મજા નથી આવતી.”

મોનુ કહે “હા, વળી આપણે એને એ જ જગ્યાઓ પર છુપાઈએ છીએ.”

સોનુ કહે “ચાલ આપણે છુપાવવા માટે કોઈક નવી જગ્યા શોધીએ.”

બંન્ને છુપાવવાની નવી જગ્યા શોધવા લાગ્યાં. શોધતા શોધતા તેઓ ઘણે દુર શહેર તરફ જતા રસ્તા પર આવી ગયા. રસ્તા પર એક ટુરિસ્ટ બસ ઊભી હતી.

સોનુ અને મોનુએ આ પહેલા ક્યારેય બસ જોઈ ન હતી. તેઓને તો બસ જ તેમના છુપાવવાની નવી જગ્યા લાગી.

સોનુ કહે : તું આની નીચે છુપાઈ જા, હું આની અંદર છુપાઈ જાઉં છું.

એમ કહી ઠેકડો મારી ઊભેલી બસમાં ચઢી ગયો. બસના મુસાફરોએ રાડારાડ કરી મુકી. મુસાફરોની રાડારાડ સાંભળી સોનુ પણ ગભરાઈ ગયો અને બસની આગળની સીટ નીચે ભરાઈ બેઠો.

ડ્રાઈવર અને કંડકટર પણ ગભરાઈ ગયા. પરંતુ કોઈની હિંમત વાઘના બચ્ચાને ભગાડવાની થતી ન હતી.

આ બાજુ રોનુએ દાવ દઈને આંખ ઉઘાડી સોનુ, મોનુ ને બધી જગ્યાએ શોધ્યા પરંતુ સોનુ, મોનુ ક્યાંય ન મળ્યા તેથી તે ચિંતિત થઈ ગયો અને બંન્નેને શોધતો- શોધતો તે પણ શહેર તરફ જતા રસ્તા પર આવી પહોંચ્યો. ત્યાં તેણે બસની નીચે બેઠેલા મોનુ ને જોયો. તેણે મોનુને જઈને સોનુ વિશે પુછ્યું.

મોનુ કહે “સોનુ બસની અંદર છે.”

રોનુ એ બસની અંદર ચઢી સોનુ ને અવાજ દીધો. સોનુ તો રોનુની અવાજ સાંભળી જલ્દી-જલ્દી સીટ નીચેથી બહાર આવ્યો અને તેના ગળે બાજી ગયો કારણ કે તે ખુબ જ ગભરાઈ ગયો હતો.

રોનુ હાથ પકડીને સોનુને બસની બહાર લાવ્યો. મુસાફરોના જીવમાં જીવ આવ્યો.

અને રોનુ પોતાના બંન્ને ભાઈઓને લઈને પોતાની ગુફા તરફ પાછો વળ્યો.

-ઃ અનુક્રમણિકા :-