શબ્દાવકાશ અંક -૬
લેખ : ૨
શબ્દ –નિકેતા વ્યાસ
માતૃભારતી દ્વારા મેગેઝીનને એક નવતર સ્વરૂપે આપની સમક્ષ રજુ કરવાનું વિચાર્યું છે. દરેક લેખને, દરેક લેખકને એક સરખું ફૂટેજ મળે એ હેતુથી આ નવા સ્વરૂપે ‘શબ્દાવકાશ અંક-૬’નો દ્વિતીય લેખ USAના રહેવાસી , કવિયત્રી નિકેતા વ્યાસ નો લેખ ‘શબ્દ’ પ્રસ્તુત કરીએ છીએ. વાંચક મિત્રો, આપનો અભિપ્રાય જરૂર જણાવશો.
તમારા ફીડબેક અને રચનાઓ અમને kathakadi.online@gmail.com પર મોકલી આપો . આ આપણું મેગેઝીન છે તમે પણ જોડાઈ જાઓ .
કેટલો અસરકારક! પ્રભુના વાઘાંની માફક એને પણ કેટલા સ્વાંગે સજાવી શકાય! વાક્યમાં એકાદ શબ્દની હેરફેર, અને અર્થઘટન બદલાઈ જાય. શબ્દનો માર પણ કેવો ચોટદાર – આંખે દેખ્યો વાગે પણ નહિ છતાંય વાગ્બાણથી થયેલ ઘા ને રૂઝાતા ખુદ સમયને પણ હાંફ ચડે. ટીકા – ટિપ્પણ – ખુશામત – વહાલ – અણગમો ઈત્યાદી શબ્દોને સહારે જ તો રજૂઆત પામે.
થોડાંક કે અસંખ્ય શબ્દોને વાક્યની હારમાળામાં પરોવી રજુ કરવામાં આવે તો સામાન્ય માનવી પણ પાણીપત, સત્યાગ્રહ, “ભારત છોડો” ની ચળવળ, વર્લ્ડવોર ૧,૨,3,... કે કુરુક્ષેત્ર ના મેદાનમાં છાતી કાઢી અને એક ઝનુન સાથે લડી લેવા કે પરિવર્તન નો અહેમ હિસ્સો બનવા સક્ષમ છે. બસ, આમ જ શબ્દોને જો સુંવાળા વાઘાં પહેરાવીએ તો મૌનની પરિભાષા થઇ – બે ધબકતા હૈયાની અખૂટ વાતો, લાગણીની સેજ પર ઐક્ય થયાંની સળ બાખુબી ઉભરાવી શકે છે. જ્યાં શબ્દ તુલસીક્યારો થઇને કૌટુંબિક ભાવનાની ગરિમા સાચવી ઘરનું આંગણ સજાવી – સાચવી શકે છે; ત્યાં સામસામે ગુસ્સાના ગુમાનમાં બોલાયેલ કટુવચન એક નાનકડાં ઓરડાના પણ બે ભાગલાં પાડી શકે છે. કેટલું મહત્વનું છે શબ્દોનું આપણા જીવનમાં પ્રક્રિયક શ્વાસોઉચ્છવાસ લેવું!.
કવિઓ, લેખકો, વિવેચકો, અરે! આમ આદમી સુધ્ધાં, શબ્દોનો ઉપયોગ – ઉપભોગ કરી તૂટેલ લાગણીઓને સાંધવાનો, નવા સગપણ કે સ્પંદનોને વાચા આપવાનો, રીસવાનો, કે મનાવવાનો અવિરત પ્રયત્ન કરે છે. શબ્દોને સહારે બંધનોનું જોડાણ ચકાસવાનો, સામે ઉપસ્થિત વ્યક્તિની મનો:દશા, દિલ – દિમાગનો તાલમેલ જાણવાનો પ્રયાસ સહેલો બને છે. અરે હાસ્ય અને રૂદનને પણ તો શબ્દો સાથે સીધો સંબધ છે!. સંગી – સાથી, સબંધી, સહેવાસી, ને પોતીકાની ખુશી, ઉમંગ, સુખ સમાચાર, ગૌરવ – સઘળું શબ્દોજ હારમાળામાં ગોઠવાઈને રજુ કરી શકે; એમ આખરે રૂદન પણ તો કોઈકના બત્રીસ પહેરેગીરના હોવા છતાંય હોઠરૂપી વાડ ઓળંગી ઉપદ્રવી બાળકોની જેમ મુખ કવચમાંથી નીકળેલ શબ્દોનો જ પ્રતાપ છે. ભલેને આંસુ ખુશીના હોય કે કોઈકના કટુવચન ને આભારી – શબ્દો ના આટાપાટા ને આળપંપાળ સદીઓથી ચાલી આવી છે ને ચાલશે. વિરહીજન શબ્દોનો આશરો લઇ પોતાની મનોવેદના રજુ કરે છે, તો પ્રેમી પોતાની માનુનીને મનાવવાનો યત્ન. શબ્દ ભાઈ-બહેનની ઢાલ અને તલવાર – બહેનને હરહાલ ગૌરવવંતી રાખવા શબ્દો ભાઈની તેજ તલવાર બને અને ભાઈનું નીચાજોણું એક બહેન કઈ રીતે સાંખી લે? તો એ ભાઈની રક્ષા કાજે શાબ્દિક ઢાલ બને.
શબ્દએ આપણને ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, ક. મા. મુન્શી, પન્નાલાલ પટેલ, જ્યોતિન્દ્ર દવે, ધૂમકેતુ, ચંદ્રકાંત બક્ષી વિગેરે જેવાં સિદ્ધહસ્ત લેખકોથી સમૃદ્ધ કર્યા છે તો કલાપી, નર્મદ, મીરાંબાઈ, નરસીંહ મહેતા, અખો, પ્રિયકાંત મણિયાર, રાજેન્દ્ર શુક્લા, રમેશ પારેખ ઈત્યાદી અગણિત કવિઓથી માલામાલ કર્યા છે. અને આ તો વાત ફક્ત ગુર્જરી ભાષાની થઇ. ભારતગણ માં ૧૨૨ સરકારમાન્ય ભાષા વપરાશમાં છે. વિચારો, દરેક ભાષામાં શબ્દોને કારણે ભારતીય પ્રજા, ભારતીય સંસ્કૃતિ કેટલી ભાગ્યશાળી ને આબાદ છે કે અગણિત વિરલા આપણી ધરતી પર શબ્દોને કારણે વર્ષોથી સદેહે – અદેહે રાજ કરે છે. આપણું સાહિત્ય કેટલું નાવીન્યપૂર્ણ અને હરિયાળું બન્યું છે બસ એક આ શબ્દોના વૈભવ ને કારણે!. શબ્દોએ આપણે શકુંતલા થી માંડીને સરસ્વતી ચંદ્ર, માનવીની ભવાઈ, કે કાશીની કરવત જેવાં દળદાર સંગ્રહ આપ્યાં તો આખાના છપ્પા, મીરાંબાઈ ના ભક્તિસભર કાવ્યો, નરસિહ મહેતાના પ્રભાતિયા ,અગણિત શોર્ય ગીતો, દોહા અને માં ના વહાલથી લથબથ હાલરડાં પણ આપ્યાં. શબ્દની બદોલત ગીતા, રામાયણ, મહાભારત અને ભૃગુસંહિતા જેવાં ગ્રંથો પણ વારસામાં મળ્યાં.
માનવીના દેહમાં અગણિત લાગણીઓ નું બીજ શબ્દોને આભારી છે. મમતા, સ્નેહ, નફરત, પ્રેમ, આશક્તિ, ઝનુન, ઉદાસી, અંતર્મુખ, ગુસ્સો, લાલસા વગેરે કોઈ ને કોઈ શબ્દને કારણે જ જન્મ લેતાં હોય છે. કહેવતે કહેવાયું છે ને કે : “ કમાન માંથી છુટેલ તીર કદાચિત પાછું વાળી શકાય પણ મુખેથી નીકળેલ શબ્દ કદી પાછો વળતો નથી.” એ એના નિશાન પર વાગીને જ રહે છે ને તેથી પોતાની નિશાનીઓ પણ મુકતો જાય છે – વિવિધ પ્રકારે!. માટેજ વડવાઓ કહે છે કે સો વખત વિચારીને બત્રીસી ખોલવી, રખેને એકાદ અળવીતરો શબ્દ બે હોઠની વાડ ઠેલી નીકળી ગયો તો અનર્થ ! એમ વાક્યોમાં પણ શબ્દો ગોઠવી મનમાં અરીસા સામે ઉભા રહી કોક નિબંધનો ભાગ યાદ કરતા હોય એમ વિચારી લેવું કે એકાદ શબ્દ આડોઅવળો તો નથી થયો ને? નહિ તો ધીંગાણું થયું જ સમજો. માનુની માની જવાની તૈયારીમાં હોય ને એકાદ ખોટો શબ્દ સબંધ નો અકાળે અંત લાવે. કે પછી બે દેશો વચ્ચે શાંતિ પ્રસ્તાવના અગ્રીમેન્ટ પેપર્સ પર બસ સ્યાહીપેનથી દસ્તખત થવાની તૈયારી હોય ને શબ્દોની લેવડ દેવડ માં જરાક સરખી ગરબડ – ને સીમાઓ રક્તપાત ને યુદ્ધના ઝનુને તલપાપડ થઇ જાય. શબ્દ ....ખુબ અઘરો છે નહિ? સમજવો ને સાચવવો.
અસ્તુ!
-- નિકેતા વ્યાસ