Ghavayela Pareva MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ghavayela Pareva

ઘવાયેલાં પારેવાં

યાકુબ

અર્પણ

નડિયાદ જિલ્લા સરકારી પુસ્તકાલયના ગ્રંથપાલ શ્રી ગોપાલભાઇ વ્યાસ જેમના થકી ખેડા જિલ્લા પુસ્તકાલયોને વેગવંતા બનાવનાર....

લેખકીય પ્રેમની સાચી તરસને ઉજાગર કરતી કથા. ઘવાયેલાં પારેવા

જ્યારે સોહામણો યુવાન યૌવનની ધરતી પર પગ મૂકે છે અને ધબકતા હૈયામાં સ્નેહના તાર ફૂટી નીકળે અને તેમાંથી સર્જાય છે . હૃદયમાં ઉઠેલા અભિવ્યક્તિના પ્રસંગો અહીં ચિતાર નથી કર્યા. પાત્રોથી નાયક નાયિકાની મનોદશાનો ચિતાર નથી છતાંય અહીં આખી દુનિયામાં એક અજબ તરવરાટ ભિન્ન ભિન્ન સ્વરૂપે પ્રગટ કર્યા છે.

સંસાર એક મનના તાંતણાને આધારે ટકી રહ્યો છે. તાંતણો છે પ્રેમનો કોઇપણ બે વ્યક્તિ વચ્ચે પ્રેમનો શુદ્ધ સંબંધ હોય તો એક મેકના પ્રકૃતિ તથા સંવેદન સમજાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. પણ જ્યાં આવા શુદ્ધ પ્રેમનો અભાવ હોય છે. ત્યાં અનેક સંઘર્ષો પેદા થાય છે. છેવટે એ સંઘર્ષના દાવાનળમાં કોઇને કોઇ ભરખાઇ જાય છે. ત્યારે અક્કડમાં અક્કડ રહેનાર જીવને હૃદયના કોઇ ખૂણામાં રડી લઇ હૈયાને હળવું કરવાનું મન થઇ આવે છે.

અહીં અપરિચિત સૃષ્ટિને પરિચિતના આકાર આપવાનો મારો નમ્ર પ્રયાસ રહ્યો છે. સાહિત્યની સંજ્ઞામાં બંધ બેસે કે ન બેસે પણ મારે મન તો તેનું ઘણું મૂલ્ય છે. સાહિત્યની આધુનિકતા હજી મને સ્પર્શી નથી. આ તો મારા મનમાં જે ઉદ્‌ભવ્યું તેને યથાવત સ્વરૂપ અહીં રજુ કર્યું છે.

મારી આગળની નવલકથાઓ વાચકો તરફથી જે સદ્‌ભાવ સાંપડે છે તે વાચકોને પણ કેમ ભૂલાય...? આ નવલકથા એટલા જ ઉમળકાથી વાચકો સ્વીકારી લેશે એજ...

એમ.એમ. સાહિત્ય પ્રકાશન, આણંદ યાકુબ

લેખકના અન્ય પુસ્તકો

હૈયાનું પિંજર

મોતનો ફરિસ્તો

લાગણીનું વૃંદાવન

ઘવાયેલા પારેવાં

પાલવડે બાંધી પ્રિત

ધરતી કરે પુકાર

પ્રકરણ : ૧

જુવાની

હા, જુવાની આંધળી છે. તેને આંખો છે. છતાં તે આંધળી બની જાય છે. તે જુવાનીમાં આવીને ન કરવાનું કરી બેસે છે.

પ્રેમ!... પ્રીતી!... પ્યાર!... સ્નેહ!... હેત!... લગની!... મમતા!...

આહાહા...! કેટલાં બધાં નામ? અને એ નામો જ્યારે હૃદયમા તાદૃશ્ય રૂપ ધારણ કરે છે. ત્યારે નર નારીના જીવન પ્રવાહમાં પૂર આવે છે અને તેઓ તણાય છે. તેના તાણમાં ક્યારેક મોતને પણ મીઠું ગણે છે.

કોલેજનો મનોરંજન ખંડ આજે ગાજી ઊઠ્યો હતો. કોલેજના યુવક યુવતીઓનાં મુખ પર હાસ્ય અને આનંદ ઊભરાઇ રહ્યા હતા.

આનંદ અને ઉમંગના આવરણ નીચે કોઇની પ્રતિક્ષાનો ભાવ સર્વેના મુખ પર વર્તાઇ રહ્યો હતો. સૌના હૃદયમાં ક્યારે આવશેનો પ્રશ્ન રમી રહ્યો હતો. છતાં તેને દબાવીને વાતોમાં મગ્ન હતાં.

એટલામાં જ આચાર્યનું આગમન થયું. આગમનની સાથે જ વાતોની આગ જાણે બુઝાઇ ગઇ. ઘડી પહેલાં ગાજતો ખંડ શાંત થઇ ગયો. બધાંની આંખો આચાર્યના મુખ પર મંડાઇ ગઇ.

આચાર્યે સૌના પર દ્રષ્ટિ દોડાવી, આછું સ્મિત કર્યું. ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢી મુખ પરનો પરસેવો લૂછ્યો. ફરી રૂમાલવાળી પેન્ટના ખિસ્સામાં મૂકતાં બોલ્યા : ‘ભાઇઓ અને બહેનો,

આપણો પ્રવાસ ત્રણ વાગ્યે નીકળશે. જેની તૈયારી માટે રજા આપવામાં આવે છે. સૌ તૈયારી સાથે વેળાસર આવી જાઓ. સૌ પોતાની જવાબદારી સમજી પ્રોફેસરના કહ્યા પ્રમાણે ચાલે, એેટલું કહી તે શાંત થઇ ગયા.’

ફરી પાછો એ જ ઘોંઘાટ! તાળીઓનાં ગડગડાટથી ખંડ ગાજી ઊઠ્યો. બધાંનાં મુખ પર આનંદની રેખાઓ ઉપસી આવી. હૃદયમાં દબાયેલો આનંદ હાસ્યરૂપે સૌનાં મુખ પર છવાઇ ગયો. બધાં તૈયારી માટે વિખરાઇ ગયાં.

સુધાએ પણ ઝપાટાબંધ હોસ્ટેલ પર આવી રૂમ ખોલ્યો. હૃદયનો ઉલ્લાસ જાહેર કરવા મુખે ગીત ગણગણતી તે તૈયાર થવા લાગી.

આજે તેના હૃદયમાં અનેરો આનંદ હતો. લાંબા પ્રવાસનો તેનો પહેલો અનુભવ હતો. જો કે, તેણે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવાસ કર્યા હતા. પરંતુ તે સાવ ટૂંકા! એક બે દિવસના...

જ્યારે આતો દસ દિવસનો પ્રવાસ હતો ‘ભારતનું સ્વર્ગ’ અરે! ના, ‘આનંદનું વન!’ ‘કુદરતી સૌંદર્યથી ભરપૂર,’ એવા કાશ્મીરની સહેલગાહ હતી.

પોતે કાશ્મીરની વાતો તો ઘણી ઘણી સાંભળી હતી. તે આજે પ્રત્યક્ષ જોવા મળશે. તે જાણી તેનું મન મલકાઇ ઊઠ્યું.

બા અને બાપુ માટે કાશ્મીરથી શેતરંજી, ગાલીચા અને ઉનનાં કપડાં લાવવા તે અધીરી બની હતી. તે માટે તેણે પૈસા પણ મંગાવી લીધા હતા. બાપુએ તો વળી ગરમ કોટ લાવવા વધારાના સો રૂપિયા પણ મોકલ્યા હતા.

‘અને પેલો નાનો ભાઇ, ગોવિંદ! એને શિયાળામાં નિશાળે જતાં કેટલી ઠંડી લાગતી હશે? એને માટે તો સારામાં સારી જરસી અને હાથ પગનાં મોજાંય લેતી આવું?’ તેને બાળપણમાં સહન કરેલી ઠંડીનો અનુભવ યાદ આવ્યો.

તે ઝડપથી તૈયાર થઇ ગઇ. તેણે કાંડાઘડિયાળ પર દ્રષ્ટિ કરી, તો પોણાત્રણ થઇ ગયા હતા.

ઝડપથી રૂમ બંધ કરી ચાલતા, જોડેની રૂમમાં રહેતી શારદાને બૂમ મારી : ‘અલી શારદી ચાલ, પોણા ત્રણ થઇ ગયા !’

‘એ... આવી ઉભી રહી’ કહેતી શારદા આવી પહોંચી એટલે બંને પ્રવાસ સામાન સાથે, કોલેજ તરફ રવાના થઈ ગઇ.

તેમણે જ્યારે, કોલેજના પટાંગણમાં પ્રવેશ કર્યો, ત્યારે સાચે જ સૌ તેમની પ્રતિક્ષામાં હતા.

બંનેને આવતાં જોઇ : ‘જલદી ચાલો!’ કહી બધાંએ બૂમ મારી.

બંને દોડતાં બસમાં ગોઠવાઇ ગયાં એટલે મુસાફરીની સગવડથી સજાયેલી બે લક્ઝરી બસ ઉપડી.

કાશ્મીર જતાં વચ્ચેનાં ઐતિહાસિક, ધાર્મિક સ્થળોની યાત્રામાં કરતાં કરતાં બધાં કાશ્મીર આવી પહોંચ્યાં.

સમૃદ્ધિના શિખરે પહોંચેલું એનું શ્રીનગર ! પ્રવાસઓથી ઉભરાતા શ્રીનગરની જાહોજલાલી જોઇ બધાં ખુશ થઇ ગયાં.

‘અને પેલા શિકારા તો જુઓ ! દૂર દૂર પાણીમાં જવાની કેવી મજા આવતી હશે? સમુદ્રની તાજી હવા, પાણી પર મુસાફરી કરતાં, જોવા મળતું કુદરતી સૌંદર્ય ! વાહ ! વાહ !’ ના શબ્દો બધાંના મુખમાંથી સરી પડ્યા.

પાણીમાં વિચરતા શિકારાઓએ બધાંના મન આકર્ષી લીધા.

ક્યારે રજા મળે અને આપણે શિકારાઓની મજા માણીએ ! એવા વિચારમાં સૌ રમતાં થઇ ગયાં.

અધીર મનવાળા કેટલાંય તો બોલી પણ ગયા : ‘સર, ફરવા જવાની છુટ્ટી આપોને?’

જુવાન હૃદયના વર્ષોના અનુભવી આચાર્ય બોલ્યા : ‘ફરવા જવાની છુટ આપીએ એ પહેલા દરેક જણ પોતાનો સામાન વ્યવસ્થિત ગોઠવી દે. આપણે અહીં પાંચ દિવસ રહી, કાશ્મીરની મોજ માણવાની છે. કોઇ ઉતાવળ ન કરે. બધાં વેળાસર ઉતારે આવી જાય.’ એમ કહી રજા આપી.

બસ! તરુણોને બીજા કશાની જરૂર ન હતી. તેમને તો ફરવું હતું. પોતપોતાની રુચિ પ્રમાણે, શ્રી નગરને નિહાળવા સૌ ચાલી નીકળ્યા.

મોટા ભાગનાં યુવક યુવતીઓનાં મન, પેલા શિકારાઓની સહેલગાહમાં ચોટ્યાં હતા.

તેઓએ તો છુટ્ટી મળતાં જ, તે તરફ પ્રયાણ આદર્યું. ઘણાં તો જગા મળી તો બેસી પણ ગયા.

‘ચાલ શારદા ! આપણે શિકારામાં બેસીશું?’ સુધાએ શારદા સામે જોયું.

‘હજુ પાંચ દિવસ રહેવાનું છે. શા માટે ઉતાવળી થાય છે? બધાંને બેસવા દે, આપણે કાલે! આજે તો આખું શ્રીનગર નિહાળી આવીએ?’ શારદાએ પોતાનું મંતવ્ય જણાવ્યું.

‘હવે ચાલને બધાની સાથે જ.’ એમ કહી સુધાએ શારદાનો હાથ પકડી શિકારા તરફ ખેંચી.

શારદાએ થોડી આના કાની કરી અને સાથે ચાલી.

બંને કોલેજ મિત્રોના ટોળામાં આવી ઊભી રહી.

ત્યાં અક શિકારો આવી પહોંચ્યો.

આતુર વદને રાહ જોતાં એકબીજાને હડસેલા મારતાં સૌ તેમાં ગોઠવાયાં.

સુધા અને શારદા પણ શિકારામાં ચડી ગયાં.

શિકારો ખીચોખીચ ભરાઇ ગયા. આવકની લાલચે શિકારા માલિકે પણ કોઇને રોક્યાં નહિ. શિકારો સરોવરમાં ચાલ્યો.

આજુબાજુનું સૌંદર્ય નિહાળતાં, ઠઠ્ઠા મશ્કરી કરતાં, કોલેજ યુવક યુવતીઓથી શિકારો ગાજી ઊઠ્યો.

આનંદના હિલોળા સાથેની મુસાફરી શરુ થઇ. ગીચોગીચ ભરેલા શિકારામાં પગ મૂકવાની જગા ન હતી. બધાં સંકડામણ અનુભવતા, સાગર સહેલની મોજ માણી રહ્યાં હતાં.

ત્યાં બાકીના કોલેજ મિત્રોને લઇ, બીજો શિકારો આવી પહોંચ્યો. બંને શિકારાઓમાં અરસ પરસ મીઠી મશ્કરીઓ શરુ થઇ ગઇ.

પાછળનો શિકારો જોડે થઇ જતાં, પાછળથી શા...બા...શના અવાજો આવ્યા.

આ સાંભળી આગળના સહેલાણીઓએ તેના ચાલકને પાણી ચડાવવા માંડ્યું.

ચાલક પણ હર્ષમાં આવી ગયો. તેને ધીમે હાંક્વા બદલ શરમ આવી. તે આવેશમાં આવી ઝડપથી હાંકવા લાગ્યો.

એકની ગતિ જોઇ, બીજો તેની હરીફમાં ઊતર્યો. બંને શિકારા પૂરપાટ દોડવા લાગ્યા.

બધાં સહેલાણીઓ આનંદમાં આવા ગયાં. બૂમરાણ અને તાળાઓના ગડગડાટથી શિકારા ગાજી ઊઠ્યા. ચાલકો ઉત્સાહમાં આવી ગયા. એકબીજાની હાડમાં શિકારા દોડાવવા લાગ્યા.

બંને શિકારા સાથે થઇ ગયા. વચ્ચે નજીવા અંતરને કારણે ભેગા પણ થઇ જતા હતા. પાણીનાં મોજાંથી ક્યારેક અથડાતા પણ હતા. એકબીજાની સ્પર્ધામાં અંધ બનેલા ચાલકોમાં જાણે, વેરની જ્વાળા, સળગી! ઇર્ષાની આગમાં મૂળ સિદ્ધાંત બળવા લાગ્યો. એટલામાં સરોવરનું એક તોતિંગ મોજું આવ્યું. બંને શિકારા મોજાં સાથે ઉછળ્યા. એકબીજાની વધુ નજીક આવી ટકરાયા. ખીચોખીચ ભરેલા શિકારાઓને આંચકો લાગ્યો. ઊંચા શ્વાસે બેઠેલાં ગભરાઇ ગયાં. ઘડીભર લોહીના ધબકારા વધી ગયા. જોરથી આવેલો આંચકો શિકારાની કિનાર પર બેઠેલી સુધાને લાગ્યો. ધ...બા...ક કરતી તે પાણીમાં પડી. આ જોઇ, જોડે બેઠેલી શારદા ગભરાઇ ગઇ. બીજી છેકરીઓ પણ શિકારાના ધક્કાથી સ્તબ્ધ થઇ ગઇ હતી. ગભરાયેલા અવાજે શારદાએ બૂમ પાડી : ‘સુ...ધા પડી ગઇ !’ ગતિમાન શિકારા સહેજ દૂર નીકળી ગયા હતા. સૌ ગભરાઇ ગયાં. બંને શિકારાઓમાંથી અવાજો આવ્યા : ‘રાખો ! સુધા પડી ગઇ !’ બૂમો સાંભળી શિકારા ધીમા પડી ગયા. બધાંએ પાછળ જોયું તો સુધા પાણીમાં સહારા માટે તરફડિયાં મારતી હતી. પરંતુ પાણી ભરાઇ જવાથી, શબ્દો સંભળાતા ન હતા. સુધાનો દેહ પાણી પર દેખાયો. ફરી પરપોટા કરતો પાણીમાં ડૂબવા લાગ્યો.

‘બચાવો’ની બૂમો બધા પાડતા હતા. પણ જીવનું જોખમ ખેડવા કોઇની તૈયારી ન હતી.

જેમ લાખો નિરાશામાં, એક આશા છુુપાયેલી છે, તેમ લાખો કાયરોમાં એક વીર હોય છે જ.

ધ...બા...ક કરતો એક અવાજ આવ્યો.

સૌની નજર તે તરફ ગઇ, તો દિનેશ ત્વરિત ગતિથી પડવાની દિશા તરફ જતો હતો.

ડૂબવાની જગ્યાએ પહોંચતાં જ તેણે ડૂબકી મારી.

સરોવરને તળિયે જતો દેહ તેણે પકડી લીધો. મિનિટ બે મિનિટમાં તો તે પાણી ઉપર લઇ આવી ગયો.

પણ હવે શું થાય?

સહારો શોધતી સુધા, દિનેશના દેહને બાજી પડી. થોડી ભાનમાં ન ભાનમાં, પાટલા ‘ઘો’ની માફક, જડ બે સલાક વળગી પડી.

દિનેશને તરવામાં મુશ્કેલી પડવા લાગી. તે ગભરાયો !

પણ તેણે હિંમત કરી સુધાના હાથ છોડાવી નાખ્યા. પોતાનાથી અળગી કરી તેનો ચોટલો પકડી રાખી ઊભા તારે કામ લીધું.

તેણે સહારાની દ્રષ્ટિ શિકારા ભણી કરી.

‘શું થાય છે? શું થયું?’ જેવી આતુરતાથી નિહાળી રહેલાં કોલેજ મિત્રો બોલી ઉઠ્યાં : ‘શિકારો એ તરફ લઇ લ્યો!’

શિકારાવાળો પણ એજ વિચારમાં હતો. તેણે શિકારો એ તરફ હંકાર્યો.

સુધાના બેભાન દેહને શિકારા પર ખેંચી લીધો. દિનેશ પણ શિકારામાં ચડી ગયો.

ઘડી પહેલાં હાસ્યથી ખીલી ઊઠેલા શિકારામાં શોકનું વાતાવરણ પ્રસરી રહ્યું. ભય અને શોકથી બધાં ગંભીર બની ગયા.

શિકારો કિનારે આવતાં જ સુધાના બેભાન દેહને જમીન પર સુવરાવવામાં આવ્યો.

આચાર્ય અને પ્રોફેસરો આવી પહોંચ્યા.

સુધાના બેશુદ્ધ દેહને દવાખાનામાં ખસેડવામાં આવ્યો

પીધેલું પાણી ઓકાવી, ગરમી આપતાં, સુધાએ આંખો ખોલી. ચારે બાજુ તેનાં સહાધ્યાયીઓ ઊભાં હતાં.

સુધાને ભાનમાં આવેલી જોઇને બધાંના જીવ હેઠા બેઠા.

સુધા સ્વસ્થ બની બેઠી થઇ. દાક્તરે તેને ઉતારે જઇ આરામ કરવા સલાહ આપી.

તેની સખી શારદા, તેને લઇ ઉતારે આવી પહોંચી.

સુધા આજે પથારીમાં બેસતાં બોલી : ‘હાય બાપ ! ઘડીમાં શું થઇ ગયું? ધારીએ છીએ કાંઇ અને કાંઇ થઇને રહે છે! દિનેશે તને ના બચાવી હોત, તો કોણ જાણે તારું શું થયું હોત?’

‘દિનેશ કોણ?’

‘અરે ! આપણા ક્લાસમાં છે તે વળી! તેણે બિચારાએ જીવના જોખમે તને બચાવી?’ શારદાએ હકિકત બતાવી.

‘શું આપણા ક્લાસમાં ભણતા, દિનેશે બચાવી? મારે ખરેખર તેનો આભાર માનવો જોઇએ?’ સુધાના હૃદયમાં લાગણીની, આછી રેખા દોરાઇ.

તે સાથે જ પોતાના મરણથી મા બાપ અને ભાઇની શી દશા થાત તેનું તાદ્રશ્ય ચિત્રણ આંખો સામે ખડું થઇ ગયું.

તે વિચારોના વમળમાં અટવાઇ ગઇ.

જેમ જેમ વિચાર કરતી ગઇ, તેમ તેમ તે પસ્તાવા લાગી : ‘હું કેવી મૂર્ખ છું? દિનેશને મારે ધન્યવાદ આપવો જોઇએ!’ તેનું દિલ લાગણીના કિનારે આવી બેસી ગયું.

એટલામાં જમવાનો સમય થઇ ગયો.

બધાં જમી રહ્યાં પછી આચાર્યે સભા ભરી કહ્યું, : ‘આજે દુઃખદ પ્રસંગ જોઇ ઘણું દુઃખ થાય છે. આનંદનો અતિરેક બીજાને કેવી મુશ્કેલીમાં મૂકી દે છે. તેનો પ્રત્યક્ષ અનુભવ બધા મિત્રોને થઇ ગયો છે.’

વિશેષમાં દુઃખ સાથે કહેવું પડે છે તે શ્રીનગરમાં રહેવાનો પ્રોગ્રામ પાંચ દિવસનો હતો. પરંતુ આ પ્રસંગની જાણ વર્તમાન પત્રો જરૂર બધે પહોંચાડશે. જેથી તમારા માતા પિતાઓને ચિંતા થાય તે સ્વભાવિક છે. માટે આવતી કાલે જ આપણો પ્રવાસ પાછો ફરશે.

અને દિનેશને સાહસ બદલ ધન્યવાદ આપી, સભા વિસર્જન કરવામાં આવી.

બીજા દિવસે કોલેજ ટૂર પાછી ફરી.

ત્યારે?

વર્તમાનપત્રોએ સમાચાર ચમકાવ્યા જ હતા : ‘પ્રવાસે આવેલ સાહસિક અને હિંમતવાન યુવાન દિનેશકુમારે ડુબતી કોલેજ કન્યાને બચાવી.’

દસ દિવસનોે પ્રવાસ પાંચ દિવસમાં પાછો આવ્યો. બધાંના હૃદયમાં રમતો આનંદ ઓસરી ગયો. પ્રવાસનો આનંદ લૂંટવાનો અધુરો રહી ગયો.

કોલેજમાં થાક ઉતારવા અને પોતપોતાને ઘેર જઇ આવવા માટે બે દિવસની રજા રાખવામાં આવી.

બધાં ઘરે જઇ માતાપિતાની ચિંતા દૂર કરી આવ્યાં.

સુધાએ ઘેર આવી, માતા પિતાને આ વાત કહી ત્યારે મા બાપે બહુ દુઃખ અનુભવ્યું.

બચાવનાર પ્રત્યે હમદર્દી બતાવી આશીર્વાદ આપ્યા.

સુધાએ બીજા દિવસે રજા લીધી માબાપે દુઃખી વદને વિદાય આપી.

સાંજે હોસ્ટેલના પલંગમાં સુધા સુતી ત્યારે તે વિચારતી જ રહી, તેને સ્વપ્નેય ખ્યાલ ન હતો. તેવો બનાવ જીવનમાં બની ગયો હતો.

‘પેલા બચાવનાર દિનેશ સામે મેં નજર સુધ્ધાં પણ કરી નથી. મારે અને તેને શો સંબંધ હશે? કે જેણે મારા માટે જીવને જોખમમાં મુકી આવું સાહસ આદર્યું! શું દુનિયામાં બધા યુવાનો આવા હશે? જે પરોપકાર માટે જીવની પણ પરવા ન કરે! હું તો જીવનસાથી એવો જ સાહસિક અને સંકટોનો સામનો કરે તેવો જ પસંદ કરાશ!’ તે વિચારી રહી.

‘પણ એના સાહસિકપણાની મને શી ખબર પડશે?’ વળી પાછું એનું મનમાકડું એની ઉલટ તપાસ લઇ રહ્યું.

‘હું એવો પ્રસંગ ઊભો કરીશ?’ તે બબડી.

ત્યાં તો જાણે એના દિલે દલીલ કરી : ‘પ્રસંગ ઊભો કરવા કરતાં, જેની સાહસિકતા માટે, પ્રત્યક્ષ પુરાવો તારી સામે જ છે, આનાથી વધારે શું જોઇએ?’

ઘડીભર સુધાનું હૃદય, કાંઇક જુદો જ અનુભવ કરવા લાગ્યું. તે પોતાને બચાવનારને, આભારના બે શબ્દો કહેવા આતુરતા અનુભવવા લાગ્યું.

‘પણ હું દિનેશને શું કહીશ? મને યુવાન સાથે વાતો કરવામાં સંકોચ અને શરમ આવે છે !’ સુધાની આડે ગામડાના સંસ્કારો આવી પડ્યા.

ખરેખર, સુધાની સંસ્કારિતા સાચી હતી. તેણે પોતાનો અતીત ઉકેલ્યો, તો કોઇ દિવસ યુવાન સાથે ખુલ્લા દિલથી વાતો કરવાનો પ્રસંગ યાદ આવ્યો નહિ.

સજાતી સાથે ભળી જતાં તેને આવડતું હતું. પણ વિજાતીય સાથે વાતોમાં ઊતરતાં તે સંકોચ અનુભવતી હતી.

કોલેજમાં આવ્યા પછી તેને અનુભવ મળ્યો હતો. પણ તે નજીવો. પોતાને જરૂર પુરતું જ, કોલેજ મિત્રો સાથે બોલતી. તેય સાથે બેનપણીઓ હોય ત્યારે જ.

છતાં પણ તેણે મન મજબૂત કરી, દિનેશનો આભાર માનવા મનને તૈયાર કર્યું.

બીજે દિવસે સહુથી વહેલી કોલેજ પહોંચી ગઇ અને દરવાજે ઊભી રહી તે દિનેશની રાહ જોવા લાગી.

કોલેજમાં યુવક યુવતીઓનો ટોળાં આવવા લાગ્યાં. ઘણાં મિશ્ર ટોળાં પણ આવતાં હતાં.

બધાં સુધા સામું જોતાં, કોઇ આછું સ્મિત કરતું, તો કોઇ મીઠી મશ્કરી કરતું. ત્યારે કોઇ તો વળી, ‘પ્રવાસની મજા મારી નાખનાર’ની ઉપમા પણ આપતાં હતા.

આમ બધાંની નજર અને વાણીમાં બાણ સહન કરતાં થાકી પણ દિનેશ ન આવ્યો. છેવટે શારદા દેખાઇ.

દૂરથી જ તે બોલી ઊઠી : ‘અલી, બહુ વહેલી આવી ગઇ છું? ચાલ, કોની રાહ જુએ છે?’

‘તારી, બીજા કોની જોવાની હોય!’ રોડ પર છેલ્લી નજર નાખતી સુધા શારદા સાથે ચાલી.

કોલેજમાં જ્યાં જ્યાં યુવકોનું વૃંદ દેખાતું ત્યાં સુધા ત્રાંસી નજરે જોઇ લેતી : ‘ક્યાંય દિનેશ દેખાય છે?’

પણ તેની સર્વ આશામાં નિષ્ફળતા મળતી.

કોલેજ શરૂ થઇ ગઇ.

પ્રથમ પીરિયડના પ્રોફેસર પણ આવી ગયા.

પ્રોફેસર કંઇ વિચાર સાથે બોલવા જાય છે. ત્યાં જ બારણામાંથી કોઇનો અવાજ આવ્યો : ‘મેં આઇ કમીન, સર?’

‘યસ.’ પ્રોફેસરે અનુમતિ આપી.

દિનેશે અંદર પ્રવેશ કર્યો. આજ સુધીના આગમન કરતાં, આજના આગમને બધાંની દ્રષ્ટિ દિનેશ તરફ ખેંચાઇ. તેણે પોતાની સીટ લીધી ત્યાં સુધી, આખો ક્લાસ તેની તરફ જોઇ રહ્યો. દિનેશે સીટ લીધા પછી બધાંની દ્રષ્ટિ પ્રોફેસર તરફ મંડાઇ. ત્યારે પણ પેલી સુધા તો દિનેશ તરફ જ તાકી રહી હતી.

પ્રોફેસરની વાણી શરૂ થઇ ત્યારે સુધાની નજરોનાં બાણ દિનેશ પર વરસવાં શરૂ થઇ ગયાં.

ક્ષણે બે ક્ષણે, તે દિનેશ તરફ આંખો દોડાવી લેતી, પણ દિનેશની દ્રષ્ટિ પ્રોફેસરમાં જ રહી, તેણે સુધા તરફ નજર સુદ્ધાં પણ ન કરી.

દરરોજ કરતાં સુધાનું આજનું વર્તન જુદું જ હતું. બધાંના ધ્યાનમાં તે આવ્યું. સુધાના વર્તનમાં બધાંને આસક્તિની અધિરાઇ વર્તાઇ. પણ દિનેશ તેનાથી અજાણ રહ્યો.

સુધાનું હૃદય દિનેશ તરફ ખેંચાઇ રહ્યું હતું. આભારના બે શબ્દો કહેવા તલસી રહ્યું હતું. અરે એની આગળ વધીને તે દિનેશ પર ઓળઘોળ થઇ જવા પણ તલસી રહ્યું હતું તેની તો ખુદ સુધાને ક્યાં ખબર હતી!

આખરે જ્યારે કોલેજ છુટી ત્યારે કોઇનો સંગાથ કર્યા સિવાય તે એકલી ચાલી નિકળી, રખેને, દિનેશ એકલો મળી જાય.

પરંતુ બંનેને આવવા જવાવા રસ્તા જુદા હતા. છતાં પણ દિનેશ ચડ્યો તે જ બસમાં, સુધા પણ ચડી ગઇ. સીટ પણ દિનેશ જોડે જ લીધી.

સુધાને દરરોજ કરતાં જુદા વિસ્તારમાં આવતી જોઇ દિનેશે કહ્યુંઃ ‘કેમ આજે, આ બાજુ?’

‘મારે મણીનગર જવું છે’ સુધાએ જુઠ્ઠાણું હાંક્યું.

‘કોઇ સગા હશે!’ દિનેશે પૂછ્યું.

‘હા મારા કાકાના સાળાની દીકરી. શિક્ષિકાની સર્વીસ કરે છે.’ સુધાએ સંબંધનો વિસ્તાર બતાવતાં કહ્યું.

આ સાંભળી દિનેશને મશ્કરીનો ભાસ થયો. પણ તેણે એમાં રસ ન લીધો. તે ‘હા’ કહી ચૂપ રહ્યો.

સુધાને થયું કે દિનેશ હમણાં કાંઇક બોલશે, પણ તે પુસ્તકનાં પાનાં ઉથલાવતો મૌન જ રહ્યો. તેનું મૌન તોડાવવા સુધાએ કહ્યું : ‘પ્રવાસમાં મજા ન આવી, નહીં?’

‘હોય એ તો સંજોગોને આધીન છે ને?’ દિનેશે તત્વજ્ઞાન દર્શાવ્યું.

‘તમને સંજોગોએ બહુ તકલીફ આપી ! તમારા ઉપકારનો બદલો હું ક્યારેય નહીં વાળી શકું.’ સુધા મૂળ વાત પર આવી.

‘ના...રે...ના...! એમાં શાનો ઉપકાર? મેં મારી ફરજ અદા કરી છે.’ નરમાશથી દિનેશે કહ્યું.

દિનેશનાં આવાં વચન સાંભળીને, સુધાના હૃદયમાં જાણે પૂર આવ્યું ! નિસ્વાર્થ, સાહસિક પુરુષ પ્રત્યે તેનું હૃદય પૂર જોશથી ખેંચાયું.

આભારના ભારથી તેની જીભ સીવાઇ ગઇ. તે ઘણું કહેવા આવી હતી, પરંતુ ‘શું કહેવું?’ના વિચારોમાં જ અટવાઇ ગઇ.

દિનેશે પણ તેને અટવાયેલી જ રહેવા દીધી. ડહાપણની ડાબલી તેણે પણ ન ખોેલી. પણ હમણાં જ સ્ટેશન આવી જશે! તે ખ્યાલ આવતાં જ સંકોચથી સુધા બોલી : ‘તમને મેં ઘણું કષ્ટ આપ્યું તે બદલ હું દિલગીર છું !’

‘ના...ના... એમાં શાનું કષ્ટ ! સંકટમાં સપડાયેલી અબળાને મદદ કરવી તે પુરુષ જાતની ફરજ છે ! એમાં મુશ્કેલીઓનો વિચાર કર્યે કેમ પાલવે?’

‘અને વિચાર કરવા રહે તે પહેલાં જ, મારા જેવી અબળા, મદદ માગવા જીવતી પણ ન રહે !’ સુધા વચ્ચે જ બોલી ઉઠી.

આનો જવાબ દિનેશ આછા સ્મિત સાથે : ‘સાચી વાત !’ કહી આપી મૌન થઇ ગયો.

ઘેર જઇ બાપુને મેં વાત કરી, ત્યારે તેઓ બહુ ખુશ થઇ ગયા હતાં. તેમણે કહ્યું : ‘તેમને આપણે ગામ તેડી લાવજે.’ ‘તમે મારે ગામ આવશો?’ જવાબની પ્રતિક્ષામાં સુધા દિનેશ સામે તાકી રહી.

‘અત્યારે તો શું કહી શકું?’ કોઇ વખત સમય મળશે તો જરૂર આવીશ.’ દિનેશે કહ્યું.

એટલામાં સ્ટેન્ડ આવી ગયું દિનેશ : ‘બસ ત્યારે’ કહેતાં ઊભો થયો.

દિનેશને ઊભો થયેલો જોઇને સુધાના હૃદયમાં ઊંડે ઊંડે જાણે વિરહની રેખા દોરાઇ ! તેને હાથ પકડી બેસાડી દેવાનું મન થયું પણ તે એવી અછકલાઇ ન દાખવી શકી. જતાં દિનેશને, તે જોતી જ રહી.

સાંજે સૂતી ત્યારે તેને એ જ વિચારો સતાવી રહ્યા. દિનેશની મૂર્તિ તેની આંખો સમક્ષ વારંવાર ઉપસ્થિત થવા લાગી.

દિનેશ કેટલો સંસ્કારી યુવાન છે ! જેટલો સંસ્કારી છે. તેટલો જ દેખાવડો છે, અને તેનાથીય વધારે સાહસિક છે. કોણ જાણે તેનામાં બીજી કેટલીય આંતરિક શક્તિઓ પણ પડી હશે?

પણ તે ઓછું બોલે છે તે મને ના ગમ્યું.

તેણે મારા માટે કેટલું જોખમ ખેડ્યું. છતાં તેનામાં સ્વાર્થ, ગર્વ કે આડંબર સુદ્ધાં નથી. જ્યારે આજના યુવાનો? આડંબરોનો તો પાર નહીં. બાહ્ય દેખાવ સિવાય આજના યુવાનોમાં કશું જ નથી. જ્યારે દિનેશ...!

તે જેમ જેમ વિચારવા લાગી તેમ તેમ તેના હૃદયમાં દોરાયેલી પ્રેમની રેખા ગાઢ બનવા લાગી. હૃદયમાં પ્રેમના અંકુરોનો સંચાર થયો. તે દિનેશ તરફ વધારે આકર્ષાઇ!

બીજા દિવસે સુધા ક્લાસમાં બેઠી ત્યારે તેણે દિનેશની દ્રષ્ટિ મેળવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તે સાવ નિષ્ફળ ગયા.

દિનેશ એક ધ્યાનથી ભણતો હતો. સમયે આવતો અને જતો હતો.

સુધાને થયું : ‘આ યુવાન કેવો છે? સાવ નિઃસ્પૃહી ! હું તેના માટે કેટલા પ્રયત્ન કરું છું. જો બીજો કોઇ હોત, તો ક્યારનોય ખેંચાઇ આવ્યો હોત !’

તેણે ખૂબ વિચાર કરી, એક કાગળ લખ્યો. તેમાં ઘણું ઘણું લખ્યું. આડકતરી રીતે પ્રેમ પ્રકરણની શરૂઆત પણ દર્શાવી.

દિનેશે ટુંકમાં જ જવાબ આપ્યો : ‘પ્રેમ એ તો કુદરતી લાગણી છે. તેની ભીખ માગવાની ના હોય ! એ તો સહજ પ્રગટે છે ! પણ હું માનું છું કે તારી આ લાગણી તારા ઉતાવળીયા ભ્રામક વિચારોનો જ પરિપાક છે. શાંતિથી વિચારીશ તો તને મારું કહેવું સાચું લાગશે જ.’

એક દિવસ સુધાએ એકાંત જોઇને પૂછ્યું : ‘તમને પિક્ચર જોવાનો શોખ છે?’

‘હા.’

‘કાલે રવિવાર છે. આપણે જોવા જઇશું?’

ક્ષણભર તો દિનેશ તેની આ સીધી માંગણીથી વિચારમાં જ પડી ગયો પછી સહેજ હસ્યો અને હસતાં હસતાં જ સુધાને ખોટું ન લાગે તેમ બોલ્યો : ‘હું અહીં ભણવા આવ્યો છું. પિક્ચર જોવા નહીં...’

આ સાંભળી સુધા આશ્ચર્યમાં પડી ગઇ. તેને લાગ્યું : ‘આ તો કાંઇ સમજતો જ નથી. તેના પ્રયત્નો એળે જતા જોઇ, તેનાથી બોલાઇ ગયું : ‘તું તો સાવ અણસમજુ છે. કશું સમજતો જ નથી.’

‘મારે માટે તે હિતકારી છે. જેટલી સમજ વધારે તેટલું દુઃખ વધારે ! મારે હાથે કરી દુઃખ વહોરવું નથી?’ દિનેશે સુધાની આંખમાં આંખ પરોવી ઉદાસ ચહેરે કહીને ત્યાંથી વિદાય થયો.

સુધા નિરાશ થઇ. તેણે મન સાથે નક્કી કર્યું કે દિનેશને હવે ભૂલવો જોઇએ. મારા હૃદયની લાગણી, તેના હૃદયમાં ઉલટી જ છે. હું તેનું દિલ માંગું છું. પણ એ દિલમાં જરૂર કોઇનો વાસ થઇ ગયો છે. એવી શંકા સુધાના દિલમાં જાગી.

તે ભૂલવા પ્રયત્ન કરવા લાગી. પણ પેલી હૃદયરૂપી સ્લેટમાં દોરાયેલી સ્નેહની રેખા દિવસે દિવસે ગાઢ બનતી જતી હતી.

ઘણી વખત તે કોલેજના બગીચામાં, વૃક્ષો નીચે એકલી બેસી રહેતી. વિચારના વમળમાં ક્યાંય સુધી અટવાઇ રહેતી.

એક દિવસ સુધા, બગીચાના વૃક્ષ નીચે બેસી કંઇક વિચાર સાથે બબડી રહી હતી, : ‘દિનેશ કેટલો સંસ્કારી અને સાહસિક છે? મારો પ્રેમ તે સ્વીકારે તો? હું તેને તનમનથી ચાહું છું. મારું સર્વસ્વ તેને અર્પણ કરી ચુકી છું પણ એના હૃદયમાં મારું સ્થાન જ નથી !’

અને દેવનું કરવું કે દિનેશ પણ પોતાની ધૂનમાં ને ધૂનમાં બગીચામાં લટાર મારવા નીકળ્યો હતો. તેણે આ બબડાટ સાંભળ્યો. પછી તેણે સુધાને જોઇ. ને તેનાથી નિસાસા સાથે બબડી જવાયું : ‘કોણ જાણે આવા કેટલાય જીવો તડપતા હશે ! જેમને ન્યાય નહીં મળતો હોય !’

તે ધીમે રહીને બોલ્યો : ‘સુ...ધા...’

પોતાની નામની બૂમ સાંભળી, સુધાએ પાછળ જોયું. તે શરમાઇ ગઇ. પોતાનાથી કાંઇ અઘટિત બોલાઇ ગયું હોય તેમ ભોંઠી પડી ગઇ.

તે જોઇ દિનેશ બોલ્યો : ‘કેમ સુધા, એકાંત બહુ પ્રિય લાગે છે?’

અને અધર પર સ્મિત લાવતાં ઉમેર્યું : ‘કોઇ નાટકના પાત્રનો, મુખપાઠ કરતી હતી કે શું?’

‘મુખપાઠ તો છે, જ.’

’ત્યારે ગોઠવણી કરતી હશે, કેમ?’

‘ના, તેને બીજાના દિલમાં ઉતારવાનો પ્રયત્ન વિચારતી હતી.’ એટલું બોલતાં સુધા ગળગળી થઇ ગઇ.

‘સાચી વાત છે. સુધા, પણ એ પ્રયત્ન સફળ કરવા હું મજબૂર છું.’ કહેતાં તે સુધાની નજીક આવી ઉભો.

‘કેમ?’ સુધાએ દયામણે ચહેરે સામું જોતાં પૂછ્યું. ‘કારણ કે હું એક ગરીબ ઘરનો દીકરો છું. તારા જેવી શ્રીમંત

કન્યાને દિલનાં દાન આપી શકું તેમ નથી?’ દિનેશે મૂળ હકિકત જણાવી.

‘પણ, પ્રેમ માર્ગમાં અમીર ગરીબનો ભેદ હોતો નથી.’

‘ખાતરી શી?’

‘એ તો અનુભવે સમજાશે. મારા દિલમંદિરમા તારા પ્રેમની પૂજા, હું જીવન પર્યંત કરવાની ખાતરી આપું છું. સુધાએ દિલની લાગણી ઉકેલી.

‘સુધા તારી લાગણી હું સમજી શકું છું, પણ મેં ઘણાંય પ્રેમીઓ જોયાં છે. જે કામાવેશમાં તરફડતાં હોય છે. કામતૃપ્તિ પછી પ્રેમ જેવું કશું રહેતું નથી !’ દિનેશે સત્યને ખુલ્લું કરતાં કહ્યું.

‘એ પ્રેમ વાસનામય હોય છે. હું એવા પ્રેમમાં માનતી નથી. હું તો જીવનપર્યંત તારા પ્રેમની પૂજારણ રહેવા માગું છું.’

‘તેમાં ઉણપ આવશે તો?’

‘તે વખતે સુધા પૃથ્વી પર નહીં હોય !’

‘હું એવા પ્રેમનો પૂજારી બનવા માટે મને ભાગ્યશાળી માનું છું!’ એમ કહેતાં દિનેશે સુધાની સામે આંખમાં આંખ પરોવી સ્મિત કર્યું.

ઘણાય દિવસથી તલસતી સુધાને, દિનેશના શબ્દોથી તૃપ્તિ મળી. તેનું દિલ ઉભરાઇ ગયું. દિનેશના બાહુમાં છુપાઇ જવાનું મન થયું.

પણ ત્યાં તો કોલેજનો બેલ રણક્યો.

આખરે બંને કોલેજમાં ચાલ્યા ગયા.

ક્લાસમાં સુધા આનંદીત હતી. કેટલાય દિવસોની મૂંઝવણનો આજે અંત આવ્યો હતો. તેને બધું પ્રાપ્ત થઇ ગયું હોય, તેવા આનંદથી તેનું મુખ ખીલી ઉઠ્યું હતું.

તે હોસ્ટેલ પર આવી, ત્યાં પણ શાંત ન રહી શકી. આખો દિવસ શારદા સાથે ધીંગામસ્તીમાં જ પસાર કર્યો. ન લેશન કર્યું કે ન કોઇ પુસ્તક વાંચ્યું.

રાત પણ એ જ રીતે પસાર થઇ. પલંગમાં પડી ક્યાંય સુધી દિનેશની યાદ વાગોળતી રહી.

નિદ્રામાં પણ તે બોલી રહી હતી, : ‘દિનેશ, હું તારા પ્રેમની પુજારણ બની, સુગંધોથી જીવન સંસારને મહેકાવી દઇશ !’

બીજે દિવસે, દિનેશે જ્યારે પિક્ચર જોવાનું સ્વીકાર્યું, ત્યારે તો જાણે તે ભાન જ ગુમાવી બેઠી ! આનંદના અતિરેકમાં તેનું વર્તન ગાંડપણભર્યું બની ગયું. અમદાવાદના ત્રણ વર્ષના અનુભવમાં, તે આજે જ આનંદીત હતી. હૈયાનો આનંદ આજે જ તેને જાણે પ્રાપ્ત થયો હતો.

જ્યારે દિનેશની પરિસ્થિતિ ઊલટી જ હતી.

તેને અભ્યાસની ચિંતા હતી, વૃદ્ધ માતા વારંવાર જાણે કહેતી હતી : ‘બેટા, અભ્યાસમાં ધ્યાન રાખજે ! આ તો અમદાવાદ છે. આપણી પરિસ્થિતિને નજર સમક્ષ રાખી ચાલજે.’

સુધા જ્યારે દિનેશના મુખ પર દ્રષ્ટિ કરતી, ત્યારે દિનેશ સાવ ઉદાસ, દેખાતો હતો. જાણે કોઇ ગંભીર વિચારોની ઊંડી ખાઇમાં હોય, તેમ, સુધાના પ્રશ્નોના હા કે ના માંજ જવાબ આપતો હતો.

આ જોઇ સુધાએ પૂછ્યું : ‘દિનેશ, તું તો સાવ ઉદાસીનતામાં જ ઝુર્યા કરે છે. શું તને કાંઇ અઘટતું લાગે છે? જરા હસ, આનંદમાં રહે. જીવન હસવા માટે છે. એટલુંય તું સમજતો નથી?’

‘પણ આપણું હસવું બીજાને દુઃખી કરે એવું ન હોવું જોઇએ. એ તો તું જાણે છે, ને?’

‘હા, બરાબર જાણું છું. પણ મને એ નથી સમજાતું કે આપણા હસવાથી બીજું કોઇ શા માટે દુઃખી થાય?’

‘તો મને લાગે છે કે હું મારી માતાને છેતરી રહ્યો છું. વૃદ્ધ માતાના વચનો વિચારી રહ્યો છું. ખરેખર, મારે આમ ન ફરવું જોઇએ.’ એટલું બોલતાં દિનેશ ગળગળો થઇ ગયો. સુધા થોડા દિવસોમાં જ દિનેશની ઘરની પરિસ્થિતિથી વાકેફ થઇ ગઇ હતી. તેથી આજે સુધાને દિનેશનું દુઃખ સમજાયું. તેણે દિલાસો આપ્યો. મદદ કરવા માટે વચન પણ આપ્યું અને બન્ને પ્રેમ પંખીડાઓ પછી અંતરથી ક્યારનાય થઇ ગયેલા પ્રેમના કોલકરારને વાચા આપી. પછી સાંજ ક્યારે પડી ગઇ તેની બે માંથી કોઇનેય જાણે ખબર જ ન પડી.

પછી તો જાણે દિવસો પાણીના રેલાની માફક વહેવા માંડ્યા. આખરે બેઉ ટી.વાય.બીએમાં આવી પહોંચ્યાં. વેકેશન પણ વિરહની મીઠી વ્યથામાં પસાર થઇ ગયું. ને નવા સત્રના દિવસો શરૂ થઇ ગયા.

વર્ષને પહેલે જ દિવસે, દિનેશે ટકોર કરતાં કહ્યું : ‘સુધા, આ આપણું છેલ્લું વરસ છે. અભ્યાસમાં ધ્યાન આપવું પડશે.’

પણ આખરે પરિણામ ‘ધૂળની બેન રાખોડી’ જ. સુધાનું વર્તન એ જ રહ્યું. સંજોગોની જાળમાંથી તે ન નીકળી શકી. દિલની ચાહનામાંથી, દૈહિક પ્રેમનું જોર વધતું ચાલ્યું. સુધા પ્રેમાવેશમાં વધારે ને વધારે ડૂબવા લાગી.

‘સ્વતંત્ર હોસ્ટેલજીવન, ઘરની સુખી અને અમદાવાદ જેવું સગવડી શહેર, પછી કહેવાનું જ શું?’

દિનેશની ના મરજી હોવા છતાં પણ, આજે સિનેમા ઘર તો કાલે હોટેલની ફેમીલી રૂમ, તેમને માટે સહજ થઇ ગયાં.

કુદરતે માનવ સ્વભાવ બહુ જ વિચિત્ર ઘડ્યો છે. માનવ બહુ અનુકરણ વૃત્તિવાળું પ્રાણી છે. બીજાનું દેખી પોતે તે પ્રમાણે કરવા પ્રેરાય છે. પછી તે સારું હોય કે નરસું તેનો વિચાર કરવા રહેતું નથી.

સુધાના જીવનમાં પણ આવું જ બન્યું.

જે યુવતી સ્ત્રીસ્વતંત્ર્યમાં માનતી હતી. સમાજમાં માનભર્યું જીવન જીવવા માગતી હતી. તેના જીવનમાં શહેરી વાતાવરણ અને

પશ્ચિમી અનુકરણનાં બીજ રોપાયાં.

ઋણ બદલ દિનેશથી દિલ સાથે દેહનાં પણ દાન દેવાઇ ગયાં.

કહેવાય છે કે ‘સરસ્વતી’ કુંવારી છે. તેને આવાં ચેડાં ગમતાં

નથી. તેથી તે આવાં યુવક યુવતીઓના મગજમાંથી વિદાય લે છે.

પણ બન્યું એવું જ! સુધા ટી.વાય.બી.એ.માં નાપાસ થઇ. હા દિનેશ સારા ટકાએ પાસ થયો. તેમાંય જાણે, એના નસીબે જોર કર્યું હોય તેમ, તેને નડિયાદની ન્યુશોરોક મિલમાં, ક્લાર્કની નોકરી પણ મળી ગઇ.

બંનેના માર્ગો જુદા થઇ ગયા. વેકેશન પસાર થવા લાગ્યું અને સુધાના દિલમાં નિરાશાનાં જાળાં બાઝતાં ગયાં. તેની અને દિનેશની વચ્ચે એક વર્ષ લાંબી ખાઇ જાણે આવી ગઇ. એક વર્ષ લાંબી ખાઇ? તે વિચારી રહી. લોકો ખાઇને ફૂટમાં કે મીટરમાં માપે છે. પણ તેનું મન પેલી ખાઇને વર્ષમાં માપી રહ્યું.

લોકો શા માટે પ્રેમ કરતા હશે? તેની હતાશા વિચારી રહી.

પ્રકરણ : ૨

સુખ અને દુઃખનું ચક્ર માનવ જીવનમાં ફર્યા જ કરે છે, તેને કોઇ રોકી શકતું નથી. એ તો કુદરતી છે!

દુનિયાના કોઇ પણ માનવને પૂછવામાં આવે કે તમે સુખી છો? તો તે જવાબ, નકારમાં જ આપશે.

પટાવાળાને સાહેબ થવું છે અને સાહેબને પ્રધાન થવું છે. આમ એક પછી એક મુરાદો વધતી જ જાય છે. તૃષ્ણા વધે છે અને એટલે જ, દુઃખ વધે છે.

ગોપીપુરાના જમીનદાર રામજી પટેલની દીકરી સુધા, આવા જ કોડ સેવતી હતી.

મેટ્રિક સુધીનો અભ્યાસ કરી. તેને આગળ ભણવાની તૃષ્ણા જાગી, રામજી પટેલે તેની ઇચ્છાને માન આપી, વધુ અભ્યાસ માટે અમદાવાદ મોકલી.

ભણવામાં હોંશિયાર, ઘરની સુખી, સુધાના એક પછી એક દિવસો પસાર થવા લાગ્યા. છેવટે સંજોગોએ તેને જકડી લીધી. ટી.વાય.બીએમાં તે નિષ્ફળ ગઇ.

તે જાણી, ઉનાળાના ધગધગતા દિવસોમાં શરીરને બાળી નાખે તેવી વૈશાખની બપોરમાં, આરામ કરતાં, રામજી પટેલે સુધાને પોતાની પાસે બોલાવી કહ્યું : ‘બેટા સુધા! તારી બા થી હવે કામ બનતું નથી. તે બિચારી આખા ઘરનું વૈતરું કૂટે છે વળી, તેનું શરીર ઘડપણને લીધે બહુ અશક્ત રહે છે. એટલે બેટા! હવે તું, ભણવાનું માંડીવાળ અને તારી બાને ઘરકામમાં મદદ કર. આપણા ઘરમાં બીજું કામ કરનાર કોણ છે? ગોવિંદ હજુ નાનો છે. તેની દેખભાળ પણ તારે જ રાખવાની છે. બેટા! અમે તો પાકુ પાન, ક્યારે ખરી પડીએ તેનું નક્કી નહીં!

આ સાંભળી સુધાનું મન બેબાકળું બન્યુીં. તેનું હૃદય ધડકી ઊઠ્યું. તે પિતાને કંઇક કહેવા ગઇ, પણ તેની જીભ ઊપડી નહીં. તેને લાગ્યું કે, હમણાં તે બેભાન થઇ જશે.’

તે ઝડપથી ઊભી થઇ ગઇ.

‘સારું બાપુ! હું મદદ કરીશ.’ કહેતી ક તે રસોડામાં ચાલી ગઇ ને વૈશાખના બળતા બપોરે પણ જાણે સુધાને ઠંડી ચડી! તે ધ્રુજતી ચૂલા પાસે બેસી પડી. ઢીંચણોમાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડી, રડતી જ રહી.

તેની માતા અમૃતબા આવી, બરડે હાથ ફેરવવા લાગ્યાં. તેનો પણ તેને ખ્યાલ ન આવ્યો, પણ જ્યારે અમૃતબાએ તેનું માથું પકડી ઊંચું કર્યું. ત્યારે તે શરમાતી, ગભરાતી ગઇ. તેને થયું : ‘અરે! આ શું થયું? જો બા રડવાનું કારણ પૂછશે તો શું કહીશ?’ ને તે તરત જ સતેજ થઇ ગઇ. ને તેની બા સામે દયામણે ચહેરે જોવા લાગી.

દીકરીને રડતી જોઇ, અમૃતબાને લાગી આવ્યું. પોતાની એકની એક દીકરીને શું દુઃખ આવી પડ્યું? તે બિમાર પડી કે શું? આમ અનેક વિચારો વાગોળતાં, અમૃતબાએ પૂછ્યું : ‘બેટા! કેમ રડે છે? તને તાવ આવ્યો છે? તારું માથું દુઃખે છે? તને થયું છે શું?’

તરત જ ચતુર સુધા પરિસ્થિતિ પામી ગઇ. તે ફિક્કું હસીને બોલી : ‘હા, બા! મારું માથું દુઃખે છે.’

પણ એટલુું કહેવાથી માતાને સંતોષ થાય? તેમણે તો ઉપચારોની સલાહ આપ્યા જ કરી : ‘બેટા, એસ્પ્રો લઇ લે, એનેસીન લઇ લે. કાં તો આપણા કબાટમાં બામની શીશી છે તે ઘસી દઉં.’

પણ સુધાને ક્યાં માથું દુઃખતું હતું! તેને ન તો તાવ આવ્યો હતો કે ન તો માથું દુઃખતું હતું. તેને તો દુઃખતું હતું દિલમાં દિનેશનો

વિરહ. તેના દુઃખનું કારણ હતો.

તેમાંય પિતાજી ભણવાની ના પાડે છે. ભણવા ન જવાય તો ઘરની બહાર ઓછું જવાય અને દિનેશને પણ પછી તો ક્યાંથી મળી શકાય?

‘દિનેશને હું દિલ આપી બેઠી છું, તેની સાથે વચનથી બંધાઇ ચૂકી છું, તેના સિવાય હું રહી શકું તેમ નથી, મારા દિનેશનું શું થશે? મારું શું થશે? શું અમે લગ્ન કરવામાં નિષ્ફળ જઇશું?’

આવા બધા વિચારોએ તેના દિલને દુઃખી કર્યું હતું. વિરહની વેદના તેને કોરી ખાતી હતી. તેના ઉમંગો તરંગોની નાવ દરિયામાં ડૂબી રહી હોય તેમ તેને લાગતું હતું.

પણ દુઃખનું ઓસડ દહાડા !

માણસને ગમે તેટલું દુઃખ હોય, પણ જેમ જેમ દિવસો પસાર થાય છે, તેમ તેમ તે ઓછું થતું જાય છે. છેવટે માનવી આરામ અનુભવવા લાગે છે.

જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ સુધાના હૃદયમાંથી દિનેશના વિરહની વેદના ઓછી થવા લાગી. તે હવે સ્વસ્થ બની કામ કર્યે જતી હતી. કોઇ કોઇ વખત દિનેશની યાદ આવતી. પણ તે મનને મનાવી લેતી હતી.

રજાઓ પૂરી થવા આવી હતી.

કોલેજ શરુ થવાની અઠવાડિયું વાર હતી. તેવામાં જ દિનેશનો કાગળ આવ્યો.

‘પ્રાણ પ્યારી સુધા,

હવે કોલેજ શરુ થવાની અઠવાડિયું વાર છે જેથી તારો નિર્ણય જાણવા, આ પત્ર લખી રહ્યો છું.

તું નાપાસ થઇ, તે ઘણું દુઃખ દાયક હતું. પણ હવે શું થાય?

છતાં પણ તું કોલેજ ચાલુ રાખીશ, તો જરૂર સફળ થઇશ. હું પણ તને મદદ કરીશ. જો તું અભ્યાસ અધુરો છોડી દઇશ તો મને લાગે છે કે આપણાં સ્વપ્નો પણ અધૂરા જ રહી જશે. અને આપણે કદાચ લગ્નગ્રંથીથી ન પણ જોડાઇ શકીએ. કારણ સફળતાની સીડી ચડવામાં

અનેક અડચણો છે.

લિ.

સદાનો તારો

દિનેશ.’

કાગળ વાંચી સુધા રડી પડી.

‘પિતા ભણવાનું ના પાડે છે, અને દિનેશ અભ્યાસ અધૂરો ન મુકવાનું લખે છે. મારે પણ અભ્યાસ અધૂરો તો નથી જ મૂકવો.’ વિચારમાં તે મન સાથે બબડી : ‘હું પિતાને સમજાવીશ !’

‘મારું નહીં માને તો?’ પાછું પેલું શંકાશીલ મન ડર અનુભવી

રહ્યું.

‘મામા દ્વારા મનાવડાવીશ.’

તેણે ઘણીયે હિંમત કરી પિતાને કહેવા નિર્ણય કર્યો. પણ તેની

જીભ ઉપડતી નહોતી. આજ કહું, કાલ કહું માં દિવસો વીત્યે જતા હતા.

કોલેજ ખૂલવામાં ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી હતા.

જગત આખું રજનીની ગોદમાં પોઢી ગયું હતું. પણ સુધાની આંખોમાં ઊંઘ નહોતી. તે પાસાં બદલતી, વિચારોમાં ગરકાવ થઇ ગઇ હતી.

ઘણા ઘણા વિચારો કર્યાં છતાં જ્યારે તે ચોક્કસ નિર્ણય પર ન આવી શકી કે તેના પિતાને વાત કરવાની હિંમત તે ભેગી ન કરી શકી ત્યારે તે રડી પડી. અને પછી રડતાં રડતાં જ નિદ્રાની ગોદમાં સરી પડી.

માણસ જેવા વિચાર કરે છે. તે નિંદ્રામાં ઘણીવાર સ્વપ્નરૂપે પ્રગટ થાય છે. ઘણી વખત તેનું સ્વરૂપ જુદું હોય છે પરંતુ તેનો હેતું એક જ હોય છે.

સુધા પણ સ્વપ્નમાં સરી પડી :

‘સુધાબેન તમારું નામ?’ પોસ્ટમેને પ્રશ્ન કર્યો.

‘હા’ આંગણામાં વાસણ ઘસતી, સુધાએ કુતુહલથી જવાબ આપ્યો.

‘લ્યો, તમારી કંકોત્રી !’ હાથમાં કંકોત્રી મૂકી પોસ્ટમેન રવાના થઇ ગયો.

‘કોની હશે ? પેલી શારદીની? બહું વહેલી પરણવા નીકળી?’ એમ વિચારતી, કવર ખોલી, વાંચવા લાગી. પણ તે પૂરી વાંચી ન શકી. તેના હૃદયમા ધબકારા વધી ગયા. આંખોએ અંધારાં આવવાં લાગ્યા. મન બેચેન બન્યું. વાંચવાનું બંધ કરી ધરતી પર નજર કરતી બબડી : ‘બની શકે જ નહિં ! દિનેશ મને જ ચાહે છે ! તું આવું કરે જ નહીં.’

તેને જાણે વિશ્વાસ ના આવ્યો હોય તેમ ફરી વાંચવા લાગી.

ધબાક કરતી તે આંગણામાં ફસડાઇ પડી. તેણે ઊંડો નિશ્વાસ નાખ્યો. તે રડી પડી.

‘શું કરું?’ તે બેચેની અનુભવવા લાગી. તેને લાગ્યું કે તે જાણે હમણાં બેભાન થઇ જશે?

તેણે કંકોત્રીને લોચો વાળીને એક ઝાટકા સાથે દૂર ફેંકી દીધી. તે એકદમ ઊભી થઇ ગઇ. મનોમન બબડી : ‘હું અત્યારે જ જાઉં છું!’

તે ઘરમાં ગઇ. બેગ ઉઘાડી. કપડાં પહેરી તૈયાર થઇ ગઇ.

પણ ક્યાં જવું? તે દોડતી આંગણામાં આવી. મસળાયેલી કંકોત્રી ઉઠાવી સરનામું વાંચવા લાગી, ને તેને ખબર પડી કે લગ્ન આજનાં જ હતાં અને નડિયાદ મુકામે હતાં.

તે બેબાકળી ઘરમાં દોડી ગઇ. તેણે બેગમાંથી પાકિટ કાઢ્યું. અંદરનું પરચૂરણ ગણ્યું. ‘આ તો ભાડા જેટલુંય નથી !’ તે દોડતી મેડા પર ચડી ગઇ, ને તેણે પટારો ખોલ્યો.

બાના દાબડામાંથી દસની નોટ લઇ લીધી અને સડસડાટ નીચે ઊતરી પડી.

ઓસરી વટાવી, આંગણામાં પગ મૂકે, ત્યાં તો બાએ બૂમ પાડી : ‘સુધા ક્યાં જાય છે?’

‘હમણાં પાછી આવું છું.’ કહી સુધાએ ઝડપથી પગ ઉપાડ્યા.

બા બાપુ એકદમ બોલ્યાં : ‘પણ કહે તો ખરી, ક્યાં જાય છે?’ કહેતાં માએ કાંડું પકડ્યું.

‘મને જવા દો ને? મારો ભવ શા માટે બગાડો છો?’ સુધાએ છણકા સાથે આંચકો માર્યો. વૃદ્ધ માતા નીચે પડી ગયાં. ને સુધાએ દોટ મૂકી.

‘અરે? પણ આ નદી વચ્ચે ક્યાંથી આવી?’

તેણે ચારેકોર નજર દોડાવી. પાણીમાં તોતિંગ મોજાં ઘોડાની જેમ દોડતાં હતાં.

સુધાએ પાણીમાં કુદી પડવા મનસુબો કર્યો. તે પડતું મૂકવા તૈયાર થઇ. ત્યાં જ સામે કિનારેથી બે નાવ આવતી દેખાઇ.

તે અટકી બૂમો પાડવા લાગી : ‘ઓ ભાઇઓ ! આ બાજુ નાવ લાવો ? મારે સામે પાર જવું છે?’

બંને નાવ કિનારા તરફ આવતી દેખાઇ. સુધા આનેદમાં આવી ગઇ.

બંને નાવ કિનારે આવી પહોંચી. બંને નાવ સુંદર હતી. બંને નાવિકો જુવાન અને સશક્ત હતા.

‘કોની નાવમાં બેસું? કોણ પાર ઉતારશે?’ તે વિચારમાં પડી ગઇ. ત્યાં તો પહેલો નાવિક બોલ્યો : ‘ચાલ, આ નાવ તારા માટે છે. બેસી જા, પાર ઉતારી દઉં?’

તરત જ બીજાનો અવાજ આવ્યો : ‘ત્યાં નહીં, અહીં આવ.’ એમ કહેતાંની સાથે જ તેણે સુધાને ઊંચકી નાવમાં નાખી દઇ હંકારી મૂકી,

સાથેનો નાવિક જતી નાવને જોતો રહ્યો.

‘જલ્દી હાંકો. મારું સર્વસ્વ લૂંટાઇ રહ્યું છે. હું તમારો ઉપકાર માનીશ?’ સુધાએ વિનવણીના સ્વરમાં કહ્યું.

આ સાંભળી નાવિક બોલ્યો : ‘તારું સર્વસ્વ લૂંટાઇ રહ્યું છે ? ત્યારે મારે ફક્ત, તારું શિયળ જ લૂંટવું છે.’ એમ કહી સુધા તરફ ઘસ્યો.

‘હટ, લુચ્ચા?’ કહે સુધાએ જોરથી ધક્કો માર્યો. નાવિક નાવની કિનારે ભટકાઇ પડ્યો. પણ વળી પાછો કામાવેશમાં રાતો માતો થતો નાવિક ઊભો થઇ, સુધા તરફ પૂરજોશમાં ધસ્યો.

સુધાએ બૂમ પાડી : ‘બ...ચા...વો?’

કિનારાનો નાવિક નાવ લઇ મદદે દોડ્યો. તેને આવતો જોઇ સુધાને હિંમત આવી. તે ધસેલા નાવિકનો સામનો કરવા સાબદી બની. જેેવો નાવિક સુધા પર ધસ્યો, તેવી જ સુધા બાજુ પર ખસી ગઇ. નાવિક જોરથી કિનારીએ ભટકાયો. તેનું માંથું ફૂટી ગયું. લોહીની ધારા વહેવા લાગી. તે ફરી ઊભો થઇ હુમલો કરવા જાય છે ત્યાં જ મદદ માટે બીજો નાવિક આવી પહોંચ્યો.

બંને નાવિકો વચ્ચે ઝપાઝપી થઇ. બંને મલ્લયુદ્ધમાં ઉતરી

પડ્યા.

સુધા બંને તરફ તાકી રહી.

લડતાં આથડતાં બંને નદીમાં પડી ગયા. પાણીના વહેણ સાથે

ઘસડાવા લાગ્યા.

સુધા આનંદ અને શોક વચ્ચે સહેજ ગુંચવાઇ ગઇ. પછી તેણે નાવમાં પડેલું દોરડું રક્ષક તરફ ફેક્યું. નાવિકે એ પકડી લીધું અને તે નાવ

પર આવી પહોંચ્યો.

નાવ કિનારા તરફ હંકારી મૂકી.

કિનારો આવતાં જ સુધા ઉતરી પડી.

આંગળથી વીંટી કાઢી નાવિકને આપી દઇ તેણે દોટ મૂકી.

એક શ્વાસે તે નડીયાદમાં આવી પહોંચી. તે સીધી જ સંતરામ

મંદિરે પહોંચી.

સંતરામ મંદિરમાં લગ્મ મંડપ બરાબર શણગારેલો છે. માણસોની ઠઠ્ઠ જામી છે. પગ મૂકવાનીય જગા નથી.

સુધા જગા કરતા માણસોની મેદનીમાં ઘૂસી ગઇ. હડસેલા મારતી ચોરી પાસે આવી પહોંચી.

દિનેશ એક કન્યા સાથે ચોરીમાં બેઠો છે. બ્રાહ્મણ મંત્રોચ્ચાર કરી રહ્યા છે. ચારે બાજુ માનવ મહેરામણ ઉભરાયેલો છે.

સુધાએ દિનેશને ઓળખ્યો. તેણે એકદમ બૂમ પાડી : ‘દિનેશ આવો છેહ?’

‘સુધા તું આવી પહોંચી?’

ડુંસકાં ભરતી સુધા બોલી : ‘દિનેશ, તને આટલોય વિશ્વાસ ન રહ્યો? આટલી હદે વાત આવી ગઇ, તોય મને ઊંધતી જ રાખી.’ ગળગળા સાદે દિનેશ બોલ્યો : ‘સુધા સમાજે મને મજબૂર બનાવ્યો હતો. છતાં મને ઊંડે ઊંડે વિશ્વાસ હતો જ કે સુધા જાગશે તેવી જ ભાગશે. અને તું ખરેખર જાગી ગઇ.’

‘તું તો...?’ આગળ બોલવા જાય ત્યાં જ અમૃતબાએ બૂમ મારી : ‘અલી સુધા જાગ સવાર થઇ ગયું.’

સુધા જાગી ગઇ. તેણે આંખો ચોળીને જોયું તે પોતે સ્વપ્નમાં હતી.

તે સહેજ ઉદાસ બની ગઇ.

જગતની બધી વાતો જેમ સત્ય હોતી નથી. તેમ માણસને આવતાં, બધાં સ્વપ્નો સાચા હોતા નથી. છતાં પણ માણસ ખરાબ સ્વપ્નોથી ગભરાઇ જાય છે. આવા સ્વપ્નોનો તેનામાં વહેમ પેસી જાય છે.

સુધાને જ્યારથી આવું સ્વપ્ન આવ્યું ત્યારથી તે ઘણી ચિંતામાં રહેવા લાગી.

‘શું આવું હશે? દિનેશ મને છેહ દેશે?’ વગેરે વહેમો તેને ગભરાવી મૂક્તા હતા. તે ઉદાસ ચહેરે હરતી ફરતી હતી. ઘરનું કામ ઝડપથી કરતી હતી પરંતુ બધું મૂંગે મોઢે.

આ સ્વપ્ન આવ્યા પછી તેનું હાસ્ય, વાણી, વિચારો અને માતાપિતા સાથેનો વ્યવહાર તદ્‌ન બદલાઇ ગયાં હતાં.

જગતમાં પોતે જાણે ઓશિયાળી હોય તેમ તે રહેતી હતી અને ઘરકામ કરતી હતી.

તે માતાપિતા અને બેનપણીઓ સાથે ઓછું બોલતી હતી. તેઓ જાણે તેનાં દુશ્મન હોય? તેમના પ્રત્યે ધૃણા હોય તેમ તેમનાથી અતડી અતડી ફરતી હતી.

મોંની ઉદાસીનતા વધ્યે જતી હતી. ભૂખ ઓછી લાગતી હતી. શરીર પીળું પડતું જતું હતું. મૂઢતા વધ્યે જતી હતી.

આ બધા ફેેરફાર જોઇ, એક દિવસ રામજી પટેલે, અમૃતબાને કહ્યું : ‘તને ખબર પડે છે? આપણી સુધાનું શરીર દિવસે દિવસે નબળું પડતું જાય છે?’

‘હું તોે, કેટલાય દિવસથી તમને કહેવાનો વિચાર કરું છું. પણ ભૂલી જાઉં છું.’ છીંકણી તાણતા અમૃતબાએ કહ્યું.

‘એ છોકરીને શું થાય છે? એય તુ જરી પૂછતી હોય તો ખબર પડે ને?’ ઓસરીમાં ખાટલો નમાવતાં રામજી પટેલ બોલ્યા.

‘હું તો ઘણીયવાર પૂછું છું, પણ મૂઇ કંઇ ઉત્તર જ નથી આપતી ને? જાણે મારી સાથે વઢી હોય તેમ બોલતી જ નથી ને?’ ખાટલા આગળ બેસતાં અમૃતબાએ કહ્યું.

‘તો એમ કર. આજે સાંજે તું બાબર ભૂવાને બોલાવી મંગાવ. હું ખેતરે જઇ, હમણાં આવું છું.’ રામજી પટેલે કહ્યું.

‘બાબર ભૂવાને બોલાવી શું કરીશું?’ શંકા બતાવતાં અમૃતબાએ પતિને પૂછ્યું.

‘જરા દાણાબાણા નંખાવી જોઇએ, કોઇ ચકલામાં પગ તો નથી પડ્યો ને?’ શંકાનું નિવારણ કરતાં રામજી પટેલ બોલ્યાં.

‘કદાચ આપણી ખોડિયારનું પણ રાંટુ હોય, તોય કોને ખબર? નિવેદ આપે બાર મહિના થઇ ગયા.’ નાક સાફ કરતાં, અમૃતબાઅ કારણ બતાવ્યું.

‘એ જે હશે તે જણાઇ આવશે. ત્યાં ઓછું છૂપું રહેવાનું છે? ત્યાં તો દાણા પૂર્યે જ છુટકો !’ રામજી પટેલે શ્રદ્ધા બતાવી કહ્યું.

આ સાંભળી અમૃતબાએ કહ્યું : હારું ત્યારે ! તમે જઇને પાછા આવો. હું ભુવો આવે એટલે ઘેર કોઇને મોકલી કહેવડાવીશ કે, સાંજે આપણે ઘેર આવે.’

‘હાર, હું હમણાં જ જઇને આવું છું.’ એમ કહી રામજી પટેલ ઊભા થયા.

પતિને જતા જોઇ અમૃતબાએ કહ્યું : ‘ઊભા રહો ! આવતાં ભાગોળે થઇને આવજો. પેલા લવાણાને ત્યાંથી કંકુ, નાડાછડી અને અગરબત્તી લેતા આવજો.’ એમ કહી અમૃતબાએ પતિને બે રૂપિયા આપ્યા.

‘હારું!’ કહી રામજી પટેલ ખેતરભણી ઊપડ્યા.

રામજી પટેલ અને અમૃતબા વચ્ચે આ વાત ચાલતી હતી. ત્યારે સુધા રસોડામાં રહી બધું સાંભળતી હતી. તેના હાથ રોટલી વણવામાં રોકાયેલા હતા. જ્યારે કાન માતા પિતાની વાતો સાંભળવામાં તલ્લીન હતા. તેણે રજે રજ વાત સાંભળી હતી.

આ બધી વાતો સાંભળી, સુધાને પોતાનાં અંધશ્રદ્ધાળું મા

બાપને કહેવાનું મન થઇ ગયું : ‘મને ભૂત બુત કે ખોડિયાર કશુંય નડતું નથી! મને મારાં કર્મો નડે છે! મને ભૂત નહીં, પણ દિનેશ વળગ્યો છે! મારે માટે ખોડિયારનું રાંટું નથી, પણ તમે ભણવાનું ના પાડો છો તેનું રાંટું છે!’

તેનું દિલ કકળી ઊઠ્યું ! તેનાથી નિસાસો નંખાઇ ગયો! મનોમન ભગવાનને કહેવા લાગી : ‘હે ભગવાન ! જગતમાં બધું દુઃખ આપજે. પણ આવા અભણ અને અંધશ્રદ્ધાળું માતા પિતાનું દુઃખ કોઇનેય ન આપીશ!’

માણસો અનેક દુઃખો સહન કરે છે. શરમ કે મજબૂરીથી ઘણું સહન કરે છે. પણ જ્યારે સહન કરવા છતાંય દુઃખોની પરંપરા સર્જાયા જ કરે છે. ત્યારે માણસની સહનશક્તિ ઘટે છે. તે અકળાય છે, નિરાશ થાય છે અને તેનો બદલો લેવા પ્રેરાય છે.

અશક્ત બળદને ચાલુ હાંકવામાં આવે તો તે બેસી જઇ માલિક પર બદલો વાળે છે.

ત્યારે સુધા તો માણસ હતી. તે આવા વાતાવરણથી અકળાઇ ઊઠી. તેણે પણ બદલો લેવા મનોમન નક્કી કર્યું.

‘એક તો ભણવાનું ના પાડી બાળે છે. તેમાંય વળી અધુરું હોય તેમ દાઝયા ઉપર ડામ દેવા તૈયાર થયાં છે? ભલે ભુવાને આવવા દે, તેને પણ ખબર પાડી દઉં!’

‘મારા દુઃખનું કારણ ખોડિયાર નહીં આપે! હું પોતે જ આપીશ. આવાં વહેમી અને અંધશ્રદ્ધાળું માબાપ સામે, વહેમ અને અંધશ્રદ્ધાથી જ કામ લેવું પડશે.’ એમ વિચારી રાત પડવાની રાહ જોવા લાગી.

પ્રકરણ : ૩

બાબર ભૂવો આ ગામનો એકમાત્ર ભૂવો હતો.

લોકવાયકા એવી હતી કે ખોડિયાર તેને હાજર હજૂર છે. તેના સાથે વાતો કરે છે.

બાબર ભૂવાની બાધા એટલે ખલાસ! ગમે તેવો કપરો વળગાળ હોય તેને ગયે જ છૂટકો ! ગમે તેવા ભૂતને તે વશ કરતો!

આ બાબર ભૂવો બાપના નામથી ખ્યાતી પામ્યો હતો.

એક વખત બહુ વાવઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો. તે વખતે રણછોડ ભૂવાનું છાપરું પડી ગયું. એટલે રણછોડ ભૂવો રામજી પટેલના જુના ઘરમાં રહેવા લાગ્યો.

તેની બૈરી સાબલી અને પંદર વર્ષનો દિકરો બાબર. આટલાં તેના કુટુંબમાં હતાં.

રણછોડ ભૂવાની નાતજાતનું કાંઇ ઠેકાણું હતું નહીં. કોઇ કહેતું કે ‘તે વાઘરી છે,’ તો વળી કોઇ તે રબારી હોવાનો દાવો કરતું.

આ બધી શંકાઓ સામે દલીલ કરતો રણછોડ ભૂવો કહેતો : ‘હું તો ઠાકોર છું! મારે ભાવનગરના રાજાનું દીવાનપણું હતું. પણ, તેમાં મારી માથે ચોરીનો આરોપ આવવાથી, દીવાનપણું છોડી દીધું. એટલે મારી ખોડિયાર ચોરો પાછળ ગઇ. રાજાનો બધો માલ સહી સલામત પાછો મળી ગયો. માલ પાછો મળતાં રાજા ખુશ થઇ ગયા. તેઓ વાજતે ગાજતે મને પાછો બોલાવવા માટે આવ્યા.

પણ હું એકનો બે ના થયો, પાછો ના ગયો. ને મા ખોડિયારને આસરે આ બાજુ ચાલ્યો આવ્યો.’

આવી અસત્ય વાતો લોકોના મગજમાં ઠસાવી. તે અહીં સ્થાઇ થઇને રહેતો હતો.

પોતાના પુત્ર બાબરની બાબતમાં પણ તે કહેતો હતો : ‘મારે સંતાનમાં કાંઇ હતું નહીં એટલે ખોડિયારને બોલાવી કહ્યું : ‘માં ! હું તારી આટલી, આટલી, સેવા ચાકરી કરું છું. છતાં પણ તું મારે ઘેર, સવાશેર માટીની ખોટ રાખે છે?’

ત્યારે ખોડિયારે હાજર થઇ મને કહ્યું : ‘હે, ભૂવા! તારા નસીબમાં છેકરા નથી, પણ હું તને એક છોકરો આપું છું. તે તારી નામના કાઢશે!’

અને કહેવાય છે કે, તે જ છેકરો, તે બાબર ભૂવો.

પછી રણછોડનું મરણ થતાં બાબર પણ બાપને પગલે ભૂવો થઇ ગયો.

લોકો ભૂવા પાસે, બાધા આખડી લેવા આવવા લાગ્યા. ભૂવો દાણા નાખી જોઇ બાધા આપતો.

આમાં કાગડાને બેસવું એને ડાળને ભાગવું. સો એ પંચોતેર બાધાઓ ફરતી. ને તેમાંથી જ ભૂવાને રોટલો મળી રહેતો હતો.

ભૂવો પાસે દરરોજ કોઇને કોઇ આવતું જ રહેતું.

તેવી જ રીતે સુધાના દાણા જોવરાવવા રામજી પટેલે પણ તેને જ બોલાવવાનું નક્કી કર્યું. ને સંધ્યા ટાણે અમૃતબાએ, બાબરભુવાના ઘર તરફ ડગ માંડ્યા.

ઘેર છે કે?’

‘ના બા! એ તો સવારના સામે ગામ ગયા છે. હજુ નથી આવ્યા.’ ઊંચી નજર કરતી બબલી બોલી.

‘ક્યારે આવવાનું કહીને ગયો છે?’ અમૃતબાએ નજીક આવતાં પૂછ્યું.

એવું તો કશું કીધું નથી. પણ ત્યાં મુખીના ઘેર બાધા કરાવવા ગયા છે. હવે આવતા જ હશે! બબલીએ જવાબ આપ્યો.

‘મુખીને ઘેર શાની બાધા હતી?’ અમૃતબા નીચે બેઠાં.

‘એમના છોકરાની વહુનો ખોળો ભરાતો નહતો. બાધા પછી સારા દિવસો દેખાયા એટલે ભૂવાને તેડવા માણસ આવ્યું હતું, ત્યાં ગયા છે.’ બબલીએ કહ્યું.

‘બરાબર આપણું ધારેલું કામ થાય એટલે બોલ્યા હોય તેમ વરતવું પડે.’નીચે બેસી અમૃતબાએ છીંકણી તાણતાં કહ્યું. અને આગળ ઉમેરતાં બોલ્યા : ‘જો ને પેલા શંકુ પટેલને કરાવ્યું? એ તો હારું થયું કે સારું થઇ ગયું. એટલે એને ના પહોંચાય હાં?’

એ તો શું બા? પણ તમારા છોકરાએ (બાબરે) આમ રયાંક બાધા આપી હતી. તે બધુંય સારું થઇ ગયું. પણ બાધા ના કરી. એટલે એમની બાયડીના દાંત બંધાઇ ગયા. એનું ખોળિયું ટાઢું બોર થઇ ગયેલું, તે રાતોરાત માણસ તેડવા આવ્યું. તે તમારો છોકરો ત્યાં જઇ કગરી પડ્યા ત્યારે જીવ આવ્યો. આખરે ડબલ બાધા કરવી પડી. બોલો !

લોકોનું ભલું કરવામાંય ક્યાં હખ છે? બબલીએ વધારે પુરાવો આપ્યો.

‘હા બોન! અત્યારના વખતમાં કોઇનો વિશ્વાસ નહીં. બોલે કંઇ અને કરે કંઇ!’ સાલ્લાથી નસકોરા લૂછતાં અમૃતબાએ જમાનાની હવા વર્ણવી.

‘પણ કાકી શું થાય? લોકો આદુ ખાઇને પાછળ પડે છે! હું તો એમને ઘણુંય કહું છું. પણ માનતા જ નથી ને? કોક દિવસ બાધામાં અવળું થઇ જાય તો આપણા પગ ભાંગે! પણ ભુવો એવા દિલનો છે કે એમનાથી કોઇનું દુઃખ જોયું નથી જતું.’

હશે ત્યારે આપણે શું કરીએ. આપણે ક્યાં ખોટું કરવું છે તે સંતાપ? બબલીએ ચોખાનું સૂપડું બાજુ પર મૂકતાં કહ્યું.

‘હારું ત્યારે બેસ. હું જાઉં. ભૂવો તો હજુય ન દેખાયો.’કહેતાં અમૃતબા ઊભાં થયાં.

‘કાકી, તમારે શું કામ પડ્યું એમનું?’ બબલીએ જાણવા કારણ પૂછ્યું.

‘બોન, મારે પણ દાણા જોવરાવવા છે. પેલી સુધલી સ્તો? એને કાંઇક થયું છે!’ અમૃતબાએ કારણ બતાવ્યું.

‘સુધા બોનને વળી શું થયું છે?’ બબલીએ જાણવા ઇંતજારી બતાવી.

‘કુણ જાણે? એ છોડી, જ્યારથી અમદાવાદથી આવી છે. ત્યારથી સાવ મુંગી બની ગઇ છે. છાની છાની રડે છે. એટલે મેંકું કંઇ વળગ્યું તો નથી ને? એમ વિચારી ભૂવા પાસે આવીતી.’ અમૃતબાએ વાત વર્ણવી.

‘તે મુંઠી દાણા, સવારૂપિયો કે નાળિયેર, માથે વાળીને મૂકવું હતું ને? જે હોત તે ખબર પડત’ ધણીના ધંધામાં અનુભવ બતાવતી બબલીએ સલાહ આપી.

‘મને શી ખબર, નહીં તો એવુંય કરું! ગમે તેમ પણ ક્યાંક ચકલામાં પગ પડ્યો લાગે છે. નહીં તો આવું ના કરે.’ અમૃતબાએ દુઃખનું કારણ બતાવ્યું.

‘એવું ય હોય, કાકી! શહેરમાં ફરતાં, ક્યાંક ચકલામાં પગ પડી ગયો હોય.’ શહેરની બિનઅનુભવી બબલીએ કહ્યું.

‘મનેય એવું લાગે છે. હોં, બબલી !’ આ આજકાલનાં છોકરાં કહીએ તોય સમજતાં નથી.

‘હારું તારે બેસ! ભૂવો આવે એટલે ઘેર મોકલજે.’ કહી અમૃતબા ઘર તરફ ઉપડ્યાં.

એટલામાં બાબરભૂવો આવતો દેખાયો.

ભૂવાને આવતો જોઇને અમૃતબા હરખાઇ ઉઠ્યાં. તેમણે ઘર તરફ ઉપાડેલા પગ અટકાવી દીધા.

‘લે, ભૂવો તો એ આવ્યો.’ અમૃતબા ફરી નીચે બેઠાં.

‘હું નહોતી કહેતી કે હમણાં જ આવશે. બેસો જુઓ, આવ્યા ને?’ બબલીએ આત્મવિશ્વાસ બતાવ્યો.

એટલામાં ભૂવો ઘેર આવી પહોંચ્યો.

આંગણામાં પગ મૂકતાં જ અમૃતબા સામે જોઇ બોલ્યો : ‘કેમ છો બા.’

‘હારું, ભૈ? આજ તો મુખીને ઘેર કંસાર ખાઇને આવ્યા હશો.

સાથે કંઇ લાભીને પણ આવ્યા લાગે છે.’ અમૃતબાએ મીઠી મશ્કરી કરી.

‘હા, કાકી! મુખીએ ચોખ્ખા ઘીનો શીરો જમાડ્યો અને એકસો એક રૂપિયા બક્ષીસ આપી. એમાં તો ના નહીં કહેવાય!’

‘તે ના આપે ભાઇ? માડીએ તેના ઘેર લીલી વાડી કરી! તે એટલુંય આપતાં શું થાય?’

‘મુખીનું ઘર છે અને ક્યાં દયાદાન કરવાનાં છે. કામ કરાવીને

આપવાનું છે ને?’ અમૃતબાએ ઉદારતા બતાવી.

‘કેમ કાકી, તમે સંધ્યા ટાણે નવરાં પડ્યાં?’ ભૂવાએ કહ્યું.

‘જો ને ભઇ, હુંય તારા કામ માટે આવી છું. આ મારી સુધલી મૂઇને, કંઇક થયું છે. તે ખાય પીએ છે છતાં તેનું શરીર કવળતું જ જાય છે. એટલે મે’કું ભૂવાને બોલાવી દાણા નખાવી જોઉં! ખબર તો પડે ને શું થયું છે?’ અમૃતબાએ આવવાનું કારણ બતાવ્યું.

‘સારું ત્યારે, સાંજે આવું છું. કાકા ઘેર છે ને? કહેજો બધું લાવી મૂકે.’ ભૂવાએ તૈયારી બતાવી.

‘હારું ત્યારે સાંજે આવજો!’ કહી અમૃતબા ઘર તરફ ઊપડ્યાં.

તે દિવસની સાંજ પડી.

રામજી પટેલ ખેતરેથી આવી ગયા હતા.

સાથે પત્નિએ મંગાવેલી ચીજો પણ લઇ આવ્યા હતા. તે પત્નીની પ્રતિક્ષામાં જ ઓસરીમાં હુક્કો ગગડાવતા હતા.

સામેથી પત્નીને આવતી જોઇ સીધો સવાલ કર્યો. ‘ચ્યમનું થયું? ભુવો મલ્યો?’

‘હોવે, સાંજે આવવાનું કહ્યું છે. આપણે પરવારી બધી તૈયારી કરો.’ કહેતાં અમૃતબા ઘરમાં ગયાં

તે પહેલાં જ સુધા, દુકાને દોડી ગઇ.

કંકુ અને લીંબુ લઇ આવી. તેને કોઇ જુએ નહીં. તેમ સંતાડી મૂકી દીધાં.

જમી પરવારી બધાં ભૂવાની રાહ જોવા લાગ્યા.

રાત પડી.

ફળિયામાં બધાં રામજીપટેલને ઘેર એકઠાં થયાં. સૌ પોતપોતાનું ગાતાં હતા. બીજી બાજુ બૈરાં છીકણીના સડાકા તાણતાં વાતોમાં મગ્ન હતાં.

સામે પાઠ પુરેલો હતો.

પાઠમાં નવું ધોતિયું વાળીને મૂકેલું હતું. તેની પર અડધો શેર ઘઉંના દાણાની ઢગલી પડી હતી. ઘીનો દીવો કોડિયામાં સળગતો હતો. અગરબત્તીની સુવાસ ઘરમાં પ્રસરી રહી હતી. ને ભૂવો કંઇક વિચાર સાથે, બીડી ચૂસી રહ્યો હતો.

ભૂવાને શરૂઆત કરવાનું કહેતાં, અમૃતબા બોલ્યાં : ‘ભૂવા છેકથી તે આજ સુધીનું જે હોય તેને શોધી કાઢો. જેને જે જોઇશે તે આપીશું, પણ મારી આ છોડીને સારું થઇ જવું જોઇએ.’

‘સારું, બા! એમાં આ બાબરને કહેવું નહીં પડે! જે હશે તે હમણાં જણાઇ આવશે. એના પીરનોય છુટકો નથી.’ એમ કહી ભૂવાએ દાણા નાખવા માંડ્યા.

‘હેંડ, માં! જે હોય તે! શિકોતર, મેલડી, જોગણી, સેંઘણી,

ઘવાયેલાં પારેવાં કાળકા, અંબા, લીંબો જ, મસાણી, વહાણવટી, હડકાઇ, બળિયાદેવ, અથવા કોઇ પૂર્વેજ જે હોય તે.’

‘કોઇ નહીં?’ ભૂવો બબડ્યો.

‘ત્યારે કોઇ વરગણ છે?’ ‘ચૂડેલ, ભૂતડી, ઝંડ, ભૂત, પલીત ડારણ.’

‘એમાંથાય કોઇ નહીં?’

‘ત્યારે કોનું છે?’ ‘ચોરાનું, ચૌટાનું, ગામનું, ફળિયાનું, ભાગોળનું, સીમાડાનું, ઘરનું, ઘાટનું.’

‘એમાથીય કોઇ નહીં? ત્યારે છે, કોણ?’ ભૂવાએ હાકોટો નાખ્યો.

આ સાંભળી અમૃતબા વચ્ચે જ બોલી ઊઠ્યાં : ‘ચ્યમ ભૂવા, કશુંય પકડાતું નથી?’

‘અરે ના શું પકડાય? એના બાપનોય છૂટકો નથી.’ ભૂવાએ બડાસ મારી.

આ બધી માથાકુટ ચાલતી હતી. તે જોઇ સુધા સમય પારખી બાને કહેવા લાગી : ‘બા, મને ફેર ચડે છે. મારે સૂઇ જવું છે.’

‘ના, સુઇ જવાનું નથી. એમ કહી છટકવા માગે છે. પણ હમણાં તારી વલે કરે છે.’ અમૃતબાએ વહેમ આગળ કર્યાં.

આ સાંભળી સુધા ઢીંચણોમાં માથું ઘાલી બેસી રહી.

ધીમે રહી સુધાએ કંકુનો ડૂચો ભર્યો. થોડુંક હથેળીમાં ચોપડ્યું. બીજું માથામાં સરકાવી દીધું. ધીમે રહી માથાના વાળ છુટા કર્યા.

બધાં ભૂવાનું કાર્ય નીરખવામાં મશગૂલ હતા. તે તકનો લાભ લઇ સુધા સંપૂર્ણ તૈયારીમાં આવી ગઇ.

થોડો સમય એમનેમ બેસી રહી.

થોડા સમય પછી તેણે મોંઢામાં ભરેલો કંકુનો કોળીયો ઊંચો ફૂકાર્યો. હાથમાં રાખેલા લીંબુનાં ફાડીયાં દબાવી પાણી ઉડાવતાં ‘હા...ટ’ કહી બૂમ મારી.

આવું અચાનક થતાં બધાં ગભરાઇ ગયાં.

અમૃતબાનો શ્વાસ ઊંચો ચડી ગયો. રામજી પટેલ અને બીજા તો છેટા ખસી ગયા. બૈરાં ધ્રુજી ગયાં અને અંદરથી તે છેક બહાર સુધી થયેલી છોકરાંની કતાર, જીવ લઇને નાઠી.

આમ સૌનામાં ભયંકરતા છવાઇ ગઇ.

આ જોઇ ભૂવો ઊભો થઇ શાંત રહેવા, સુચનો કરવા લાગ્યો. સૌ શાંત થઇ સુધાને નીરખવા લાગ્યા.

તરત જ પોતાની ટેવ પ્રમાણે ભુવાએ ધુણતી સુધાને સવાલ કર્યો. ‘તું કોણ છે? ક્યાંથી આવી છું?’

આ સાંભળી સુધા વધારે ધુણવા લાગી. તેણે જોરથી હાકોટો કરતી બોલી : ‘ભૂવા હું રામજી પટેલની કુળદેવી શિકોતર છું.’

‘તે તારે શું રાંટું પડ્યું છે? કે આમ છોકરાંને હેરાન કરે છે? બોલી નાખ?’ ભૂવાએ ધુણતી સુધાને પુછ્યું.

આ જોઇ, ધુણતી સુધાએ તક સાધી લીધી. તેણે કહ્યું : ‘રામજી પટેલ, તું છોડીને ભણવાનું ના પાડે છે? એ તારી નહીં પણ મારી છે? એનું દિલ દુઃભાય છે એટલે મારું કાળજું બળી ઊઠે છે!

એ તો સારું થયું કે તું વહેલો ચેત્યો અને હું આવી ઊભી રહી. નહીં તો , પટેલ ... કહેતાં સુધાએ હા...ટ... કહી જોરથી બૂમ મારી શરીરને વધારે ધુણાવતી, આગળ બોલી :

તારા ઘરનું ખેદાન મેદાન કરી નાખત! જો, મારે કશું જોઇતું નથી. પણ મારી છોડીને ભણાવજે. તેને દુઃખી ના કરીશ!’

‘હારું, માં! હું તેને તેની ઇચ્છા હશે ત્યાં સુધી ભણાવીશ. પછી છે કૈ?’ ગભરાતા રામજી પટેલ બોલ્યા.

‘શાબાશ! પટેલ, મારે એટલું જ જોઇએ. જા, હું તેને કોઇ વખત નાપાસ નહીં થવા દઉં. એટલું મારું વચન છે!’

એમ કહી ધુણતી સુધાએ, બાપના હાથમાં તાળી આપી. તાળી લઇ હાથ જોડતા રામજી પટેલ બોલ્યા : ‘મા, તારા બતાવ્યા માર્ગે ચાલીશું. સહુને સાજા સમા રાખજે? મા.’

પણ, તેને અચાનક યાદ આવ્યું. ‘મૂળ વાત તે રહી ગઇ?’

તેણે ‘હા...ટ’ કહી હાકોટો નાખ્યો અને જોરથી ધુણવા લાગી.

‘રામજી પટેલ, તું પણ મારો સેવક છું! જા, તારી ઇચ્છા પ્રમાણે વર્તવાની છુટ આપું છું.’ સુધાએ કહ્યું.

આ સાંભળી રામજી પટેલને આનંદ થયો. તેમને થયું કે ‘સુધાને ન ભણાવવાની માતાજી છુટ આપે છે.’

‘સુધાને ના ભણાવવાની ઇચ્છા પુરી કર! તે અમદાવાદ ભણે છે તેને બદલે નડીયાદ ભણવા મોકલ, તેમાં મારું અને તારું બેઉનું વચન સચવાય જા, બસ! તું તારું ધાર્યું કર.’ ધુણતી સુધા પોતાના સ્વાર્થની વાત કરતી બોલી.

‘સારું મા, જેવી તારી મરજી!’ રામજી પટેલ હાથ જોડી, કરગરતા બોલ્યા.

સુધાને જે જોઇતું હતું. તે બધું મળી ગયું એટલે, ધુણવાનું ધીમું કર્યું.

ભૂવાએ પોતાના રિવાજ પ્રમાણે ગોળનો પીયાલો કરી સુધાને પીવડાવ્યો.

બધાં માતાને શાંત થવા, વિનંતી કરવા લાગ્યાં.

આ તકનો લાભ લઇ સુધા ધુણતી બંધ પડી.

પોતે ઢીંચણોમાં માથું નાખી બેસી રહી.

સવાર થયું પંખીનો કલરવ શરૂ થયો. આમ્રરસથી મસ્ત બનેલી કોયલ ટહુકી ઉઠી. મોરનો મલાર વાતાવરણમાં પ્રસરી રહ્યો.

ગામડાનું, સવારનું દ્રશ્ય તો જેણે જોયું હોય તેને ખ્યાલ આવે.

સવાર થતાં ગામડાં જાગી ઉઠે છે. કુદરતી સૌંદર્યથી શોભાયમાન બને છે. ગાયો, ભેંસો પોતાનું દૂધ પચાવવા માટે ભાંભરે છે. ક્યાંક ક્યાંક ઘંટીઓ અને વલાણાના અવાજો સંભળાઇ છે. મંદિરો ઘંટનાદથી ગાજી ઊઠે છે. પાણીયારીઓ કોકીલ કંઠે ગીતો ગુંજતી પાણી સંચરે છે.

ખેડૂતો ઉલ્લાસભર્યા ઊઠે છે. ભક્તજનોના કંઠમાં પ્રભાતિયાં રણકે છે. આવું રૂપ લઇ ગામડું જાગે છે.

આજે સવાર થતાં જ અમૃતબા વહેલાં ઊઠી ગયાં.

નાહી ધોઇ ભગવાનની અને માતાજીની છબી આગળ દીવો પ્રગટાવ્યો.

સાંજે, જે જગ્યાએ કંકુ, લીંબુ પડ્યું હતું. ત્યાં ધૂપ અગરબત્તી કરી, સાફ કરી દીધું.

તે કોઇના પગ નીચે ના આવે એટલે થોરની વાડમાં પધરાવી દીધું.

રામજી પટેલ, પત્નીની હિલચાલ ખાટલામાં પડ્યા પડ્યા જોઇ રહ્યા હતા.

આવી ભક્તિભાવ વાળી પત્નિ પ્રત્યે ખુશ થતાં ખાટલામાં બેઠાં થતાં બોલ્યા : ‘સુધા હજુ નથી જાગી? એને જગાડ તો ખરી?’

‘આ પાણી ગરમ થાય એટલે જગાડું. તેને સારી રીતે નવડાવવી પડશે. આખા શરીરમાં નર્યું કંકુ છે!’ અમૃતબા એ પોતાનો વિચાર જણાવ્યો.

‘હારું, નવડાવજો અને હા, જો?’ નવરાવ્યા પછા બે કુંવારીકાઓ જમાડજો. તે ભૂલી ના જતી.’ રામજી પટેલે સમજણ પાડી.

‘હા, હા, હવે? તમારા કહ્યા વગર, બધું તૈયાર જ છે. એમાં કહેવું નહીં પડે?’ અમૃતબાએ વ્યવહાર કુશળતા બતાવી.

પાણી ગરમ થઇ ગયું. એટલે અમૃતબાએ સુધાને જગાડતાં કહ્યુંઃ ‘સુધા, ઓ સુધા? બેટા જાગ હવે સવાર થઇ ગયું.’

પણ સુધા ક્યાંથી જાગે? એની તો કેટલાય દિવસોથી નીંદઊડી ગઇ હતી, તે બધુય જાણે સાટું વાળતી હોય તેમ ઘસઘસાટ ઊંધતી હતી.

બે દિવસ પછી તે ભણવા જવાની હતી. અરે? ભણવા નહીં પોતાના પ્રિયતમની જોડે જવાની હતી. ત્યાં તેને શહેરની ધમાલ ક્યાં સૂવા દેવાની હતી?

ત્યાં જઇને સૂવે તો અભ્યાસ કરે ક્યારે? દિનેશને મળે ક્યારે?

છતાં માતાનો અવાજ થતાં તે બેઠી થઇ ગઇ. ચારે બાજુ નજર કરતી, બગાસાં ખાવા લાગી.

એટલામાં અમૃતબા દાતણ અને લોટો પાણી આપી ગયાં. ‘બેટા, જલ્દી પરવાર!’ કહેતાં તે ફળિયામાં ગયાં.

સુધા નાહી રહી પછી તેમણે ફરિયામાંથી બે, ચાર કુંવારી છોકરીઓને બોલાવી પ્રેમથી જમાડી સવા સવા રૂપિયો દક્ષિણા આપી વિદાય કરી.

નાનો ગોવિંદ તો ક્યારનો જમી રમવા નાસી ગયો હતો. એટલે પછી રામજી પટેલ સુધા અને અમૃતબા જમવા બેઠાં.

જમતાં જમતાં અમૃતબા મૂળ વાત ઉકેલતાં બોલ્યાં : ‘જુઓ, તમે વાળુ કરીને સીધા, ત્રિભુવન માસ્તર પાસે જાવ.’ તેમને કહેજો કે, ‘સુધાને નડીયાદ ભણવા મૂકવી છે. તે ભલામણ કરે.’

‘અરે એ તો ભલામણ વગર જગા મળી રહેશે. તેની ચિંતા કરવા જેવી નથી.’ રામજી પટેલે વિશ્વાસ દર્શાવ્યો.

‘ના, એવું ઠેકાણા વગરનું રાખવાનું નહીં. જોયું ને? વગર સમજે હાંકે રાખ્યું તો બકરું કાઢતાં ઊંટ પેસી ગયું? તમે એમને પુછી તો જો જો? એ હરતા ફરતા માણસ એટલે એમને આપણા કરતાં વધારે ખબર હોય. એ શું કહે છે? એ તો ખબર પડે.’ અમૃતબાએ પશ્ચાતાપ બતાવ્યો.

‘અરે ત્યાં તો, કેટલીય કોલેજો છે. બધી ઓછી પુરાઇ જવાની છે? એક નહીં તો બીજી, તારી સુધાને જ્યાં ત્યાં ભણવું જ છે ને? એમાં આપણે શી ચિંતા કરવાની છે. તેની ચિંતા શીકોતર કરશે. એ બેઠી છે. ત્યાં સુધી જગ્યાની શી ખોટ?’ રામજી પટેલે આંધળો વિશ્વાસ બતાવ્યો.

‘બળ્યું, તમે તો હા, ના, નું માનતા જ નથી. હું કહું છું કે આ નિશાળોે શરૂ થઇ એટલે કદાચ જગ્યાઓ ના પણ હોય. આપણે પુછવામાં શું જાય છે?’ પત્નિએ સમજાવતાં કહ્યું.

‘સારું ભૈ! હું કાલે માસ્તરને મળી આવી બધું નક્કી કરી દઇશ પછી કૈ?’ રામજી પટેલે આશ્વાસન આપ્યું.

‘ત્યારે આજે જ ગયા હોય તો કાલેય જવું ને, આજેય જવું. નિશાળ ચાલુ જ હશે. હુકો પીતા પીતા ઉપડોને?’ અમૃતબાએ ઉતાવળ બતાવી.

‘ના અત્યારે વખત નથી. મારે બહાર જવું છે.

પેલા કાન્તાની વહુનું લખણું લેવા, આજે જવાનું છે. એટલે નવરાશ નથી.’ રામજી પટેલે કારણ બતાવ્યું.

‘સારું, કાલે શનિવાર છે એટલે માસ્તર પણ વહેલા આવશે. વળી, બીજે દિવસ રવિવાર છે. નડીઆદ જવાનું થાય તોય જવાય. બરોબર, એમ રાખો.’ એમ કહી અમૃતબા કામમાં પરોવાયાં.

પ્રકરણ : ૪

આજે શનિવાર હતો. શનિવાર એટલે શિક્ષકની અડધી રજા. પણ બિચારો માસ્તર? કહેવાય છે કે, જેને કોઇ ખાતાએ ન સંઘર્યો તેને શિક્ષક

ખાતાએ સંઘર્યો. મહિનો માંડ માંડ પૂરો કરે તેને સમાજે માસ્તર નામ આપ્યું. માસ્તર એટલે મા સ્તર, માના સ્તરે પહોંચે તેવો માણસ. નિશાળ હમણાં જ ખુલી હતી. ત્રિભુવન માસ્તર બાળકોને પ્રાર્થના માટે તૈયાર કરી રહ્યા હતા. ત્યાં જ સામેથી રામજી પટેલ આવતા દેખાયા. આવા આગળ પડતા માણસનું આગમન જોઇ માસ્તર બહાર

આવ્યા. છોકરાં પાસે બહાર ખુરશીઓ મંગાવી, પ્રાર્થના બોલવા હુકમ

કર્યો. લોબીમાં ખુરશી નાખા રાવજી પટેલને બેસાડ્યા. બીજી ખુરશીમાં પોતે બેસતાં બોલ્યા : ‘બોલો કાકા, બહુ દિવસે

ભુલા પડ્યા.’

‘કામ તે તમારું ખાસ છે એટલે જ અત્યારમાં આવ્યો.’ ખુરશીમાં ગોઠવાતાં રામજી પટેલે કહ્યું.

‘એવું શું ખાસ કામ છે?’

‘જુઓ, વાત એમ છે કે સુધાને અમદાવાદથી ભણવાનું છોડાવી નડીયાદ મૂકવી છે. એટલે જરા હપાડું થાય તો કરજો!’ એમ કહેવા આવ્યો છું.

‘કેમ અમદાવાદ નથી ફાવતું? તે નડીઆદ મૂક્વી છે?’

‘હા, એ છોડીને અમદાવાદ માફક આવતું નથી. એટલે કહે છે કે, મારે નડીઆદ ભણવું છે.’ રામજી પટેલે મૂળ વાત છુપાવી.

‘પણ કાકા, તમારે મને વહેલી વાત કરવી હતી ને? કોલેજો ખુલ્યે અઠવાડિયું થઇ ગયું. હવે જગ્યાઓ હોય ના હોય તેની શી ખાત્રી?’

‘એ ગમે તેમ હોય પણ તમારે આટલું કામ કરવું જ પડશે. તેમાં છુટકો નથી.’ રામજી પટેલે માસ્તરને છટકતા અટકાવ્યા.

‘અરે કાકા, એવું તે હોય? તમારું કયું કામ ના કર્યું? હું પ્રયત્ન કરીશ. કાલે રવિવાર છે એટલે હું ભાળ કાઢી આવી તમને કહીશ. પછી કૈ?’ ત્રિભુવન માસ્તરે દિલાસો આપ્યો.

‘ભાળ શું કાઢવાની છે? ગોઠવીને જ આવવાનું. આપણે જો પાંચ પચ્ચીસ આપવાના થશે તો આપીશું. એવું તમને માથે નહીં નાખું? પણ આટલું કામ તો તમે કરજો જ? કોક દિવસ છોડીનું પુણ્ય આડે આવશે.’

‘નિશાળ છુટે એટલે ઘેર આવજો, જમીને જવાશે.’ એમ કહી રામજી પટેલ ઊઠ્યા.

ઊઠતાં તેમણે દસ રૂપિયાની નોટ, ત્રિભુવન માસ્તરને ભાડા પેટે આપી. ઘર તરફ રવાના થયા.

આ સાંભળી ત્રિભુવન માસ્તર વ્યવહાર કુશળ માણસ પ્રત્યે અમી નજર નાખતાં બોલ્યા : ‘બસ જવું છે? ચિંતા કરશો નહીં, બધું પતી જશે.’ એમ કહી, રામજી પટેલને વિદાય આપી.

રામજી પટેલના ગયા પછી ત્રિભુવન માસ્તર ખુશ થતાં બબડ્યા. ચાલો બદલી માટે જિલ્લા પંચાયતમાં જવાનું જ હતું. આ ઘા ભેગો ઘસરકો.

એમ વિચારી વર્ગમાં ગયા.

ત્યાં જઇ પોતાની ફરજ અદા કરવામાં લાગી ગયા.

જ્યારે રામજી પટેલને સામેથી આવતા જોઇ, અમૃતબાએ તરત જ સવાલ કર્યો : ‘ચ્યમનું થયું?’

‘એમાં જોવાનું જ ના હોય? માસ્તર કાલે ભાળ કાઢી, સોમવારે સંદેશો લેતા આવશે. વળી એમનું જમવાનું અહીં બનાવજો. હું કહીને આવ્યો છું. બિચારો ઘેર જઇ જમે. થાક્યો પાક્યો, આપણા લફરા માટે નાસે. એના કરતાં અહીંથી જમીને જ જશે.’ રામજી પટેલે દયા બતાવી.

આ સાંભળી, અમૃતબાએ રસોઇ બનાવવાની તૈયારી કરવા માંડી જોતજોતામાં દાળ, ભાત, શાક અને કંસાર બનાવી દીધો.

માસ્તર આવે એટલે, જમાડી જમીએ. એમ વિચારી રાહ જોવા લાગ્યાં.

ગામના આગેવાનોના કામે જવાનું છે એટલે નિશાળ, કલાક વહેલી છુટે તોય શું?

‘લ્યે, અલ્યા સોમલા કુંચી? હું સોમવારે વહેલો મોડો આવું તો નિશાળ ઉઘાડી, શાંતિથી બેસી જજો.’

એમ કહી, રામજી પટેલના ઘર તરફ પગ ઉપાડ્યા.

રામજી પટેલ તેમની રાહ જોઇને જ બેઠા હતા.

માસ્તરને આવતા જોઇ, ખુશ થતાં બોલ્યા : ‘આવો માસ્તર?’

એમ કહી, ખાટલામાં બેસાડી બૂમ મારી : ‘સુધાની મા જમવાનું તૈયાર હોય તો કાઢો. માસ્તર આવી ગયા છે. હાથે કરી મોડું ના કરશો એમને હજુ દૂર જવાનું છે.’

આ સાંભળતા જ અમૃતબા બોલ્યાં : ‘બધું તૈયાર જ છે ચાલો, બેસી જાવ.’ એમ કહી, સુધાને હાથ ધોવા પાણી આપવા હુકમ કર્યો.

સુધાએ ત્વરિત બાની આજ્ઞાનું પાલન કર્યું.

રામજી પટેલ અને માસ્તર જમવા બેસી ગયા.

અમૃતબાએ જમાડતાં જમાડતાં માસ્તરને ઘણું સમજાવ્યા.

જમી પરવારી માસ્તરે વિદાય લીધી.

ત્રિભુવન માસ્તર સીધા જ નડીયાદ ગયા.

જિલ્લા પંચાયત તરફ જતા હતા ત્યાં જ લાલવાણી બજારમાં કોલેજના આચાર્ય, ત્રિવેદી સાહેબ મળી ગયા.

ત્રિભુવન માસ્તર, ત્રિવેદી સાહેબનાં ખિસ્સાં ગરમ કરાવી, કોલેજની ખાલી જગ્યાઓ પુરવા મદદ કરતા હતા.

પોતાનો ચમચો જોઇ સ્મિત સાથે સાહેબ બોલ્યા : ‘કેમ છે ત્રિભુવન ? ક્યાં જવું છે?’

‘તમારી પાસે જ આવતો હતો. સારું થયું કે તમે અહીં જ મળી ગયા.’ કપાળ પરનો પરસેવો લુછતા ત્રિભુવન બોલ્યા.

‘બોલો શું કામ છે?’ ટાલ પર હાથ ફેરવતાં સાહેબે પૂછ્યું.

‘તમારી કોલેજમાં એક જગા જોઇએ છીએ, આપણે જેમ વર્તીએ છીએ તેમ જ વર્તવાનું છે.’ માસ્તરે હકિકત જણાવી.

‘પણ, હવે જગા રહી નથી. વહેલા આવવું હતું ને? એક છે પણ તેય થોડા દિવસમાં હાજર થશે. એવા સમાચાર મળ્યા છે.’ ત્રિવેદી સાહેબે દિલગીરી બતાવી.

‘એમાં આઘુંપાછું થાય એમ નથી? કોણ છે એ?’ માસ્તરે ઇંતજારી બતાવી.

‘ના, એના માટે છેક કેળવણી પ્રધાનની ભલામણ છે. નામ તો કંઇ .... સુધાબેન રામજીભાઇ જેવું છે. મને બહુ ખબર નથી.’ ત્રિવેદી સાહેબે અજાણતા દર્શાવી.

આ સાંભળી માસ્તર ચોંકી ગયા હોય તેમ એકદમ બોલ્યા : ‘હા, સાહેબ એ જ. એ ભલામણ કોણ લાવ્યું હતું?’

‘એક યુવાન હતો. તેને પૂછતાં માલુમ પડ્યું પડ્યું કે તે અહીં મીલમાં નોકરી કરે છે. તે શિક્ષણ મંત્રીની ચિઠ્ઠી લઇને આવ્યો હતો.’ સાહેબે સંપૂર્ણ હકિકત જણાવી.

આ સાંભળી, ત્રિભુવન માસ્તર બોલ્યા : ‘સારું સાહેબ, એ હાજર થઇ જશે. આ વાતની કોઇને ખબર નથી. હું જે અપાવું તે લઇ લેજો. પણ આ તક ચૂકશો નહીં.’

આમ બધી ચાલભરી હકિકત સમજાવી માસ્તર છુટા પડ્યા.

આજના જમાનામાં લાગવગનું જોર વધારે છે.

દિનેશે પોતાની પ્રિયતમા માટે શેઠ દ્વારા શિક્ષણ મંત્રીની ભલામણ કરાવી હતી.

આવા પ્રધાન જેવાની ભલામણ આવે પછી અરજી, ફોર્મ કે

સર્ટિફિકેટોની જરૂર શી?

સુધાને હાજર થવાનું હતું.

દિનેશ તેની રાહ જોતો હતો.

સોમવારે નિશાળનો ઘંટ રણક્યો.

ઘંટ સાંભળતાં જ રામજી પટેલ, નિશાળ તરફ ઊપડ્યા.

જતાં વેંત જ પૂછ્યું : ‘બોલો માસ્તર, શું સંદેશો લાવ્યા? વહેંત

પડ્યો નહીં?’

‘બધું કામ પતી ગયું છે. કોલેજમાં જગ્યા જ ન હતી. આચાર્ય તો ના પાડીને જ બેઠા. પણ મેં કહ્યું : ‘સાહેબ આ કામ કર્યા સિવાય ચાલે તેમ નથી. ગમે તેમ કરો.’

છેવટે સાહેબે ચારસોમાં હા પાડી, પણ પૈસા લાંચના આપવાના નથી આતો ગરીબ વિદ્યાર્થીઓ માટે ચોપડીઓ વસાવવા વપરાશે.

બોલો, શું વિચાર છે પછી જગા ભરાઇ જશે, પાછળથી કહેશો તો નહીં બને... અને હા...

સુધાને ત્યાં મુકવા જાવ ત્યારે જ રૂપિયા લઇ જવાના છે. માટે

જે વિચાર હોય તે કહો.’ માસ્તરે ચોખવટ કરી.

‘હા, હા, બેસાડવાની. વળી એમાં બીજું બોલાય.’

‘બસ ત્યારે માસ્તર, હું જાઉં છું. સુધાની માને કહું કે તૈયારી

કરે. તમે પાંચ વાગે ઘેર આવજો. બ્રાહ્મણને પૂછી જવાનો ટાઇમ નક્કી કરી દઇએ?’ એમ કહી રામજી પટેલ ઘર તરફ ઊપડ્યા.

ઘરના આંગણામાં પગ મૂકતાં જ રામજી પટેલે બૂમ મારી : ‘ઓ...સુધાની મા! સાંભળે છે કે નહીં? સુધાને કાલે જવાનું છે એટલે તૈયારી કરો.’ આ સાંભળી અમૃતબા હરખાઇ ગયાં. તેમણે સુધાને બૂમ પાડી કહ્યું : ‘અલી ઓ સુધલી! કાલે તારે જવાનું છે એટલે તૈયારી કર. ખૂટતી વસ્તુ તારા બાપુ થોડા દિવસ પછી આપી જશે. અત્યારે જેટલું હોય તેટલાથી ચલાવજે!’

આ સાંભળી સુધાનું મુખ ખિલી ઊઠ્યું. હૃદયમાં આનંદનો ઉછાળો આવ્યો.

બાળક મનગમતું રમકડું મળતાં જેટલો આનંદ અનુભવે, તેટલો સુધાએ અનુભવ્યો.

પાંચ વાગ્યે ત્રિભુવન માસ્તર આવ્યા. ગોરને બોલાવી ચોઘડિયું જોવરાવ્યું.

બીજે દિવસે સવારમાં જ નીકળવાનું મુરત આવ્યું એટલે માસ્તરને રાત ત્યાં જ રોકી લીધા.

અમૃતબાએ, સુધાને બધું સંભાળી સંભાળીને લેવરાવ્યું.

સાંજે બધાં ફળિયાનાં પણ બેસવા આવ્યાં.

મોડી રાતે સુધા ઊંઘવા ગઇ, પણ તેને ઊંઘ આવતી ન હતી. તેને દિનેશના જ વિચારો આવતા હતા.

‘આટલા દિવસના વિરહબાદ, કાલે દિનેશ મળશે ત્યારે હું શું કહીશ? તે મને ઓળખશે? તે બદલાઇ ગયો હશે, તો હું ઓળખીશ?’ અને ઘડીભર જાણે તે રિસાઇ જતી!

‘જો દિનેશ મળે તો તેની સામું બોલું જ નહીં. તેને બરાબરની ખબર પડવા દઉં કે તે મારા સિવાય ક્યાં સુધી રહી શકે છે?’

આમ અનેક વિચારોના તળિયે તેનું મન ડુબકીઓ મારતું રહ્યું. એટલે આખી રાત તેને નિંદ્રા ન આવી.

જ્યાં નિંદ્રા આવવાની થઇ ત્યાં ભીંતે લટકાવેલ ઘડિયાળે પાંચ વાગ્યાનું એલાન આપ્યું.

બહાર અમૃતબાની બૂમ પડી. સુધા બેઠી થઇ ગઇ. કલાકમાં તો બધાં તૈયાર થઇ ગયાં.

બે ચાર જણાં પણ સુધાને વળાવવા સ્ટેન્ડ સુધી આવ્યા અને બસ આવતાં : ‘આવજે’ કહી ફળિયાનાં બીજાં પાછાં વળ્યાં.

માતા જેમ દીકરીને સાસરે વળાવતાં શિખામણ આપે તેમ અમૃતબા સુધાને શિખામણ આપવામાં પરોવાયાં. બોન શહેરમાં સાચવીને રહીએ. એકલાં ફરવા ન જઇએ. હંમેશાં ભણવામાં મન રાખજે માડી તને સહાય કરશે અને અઠવાડિયે કાગળ લખતી રહેજે. જેવી અનેક શિખામણનો શીરો પીરસતાં હતાં અંતે ‘બેટા સુધા આ...વજે?’ માંડ માંડ તે બોલ્યાં.

ત્યાં જ બસ ઊપડી.

અને છેવટે નડીયાદ આવ્યું.

ત્રણે જણાંએ કોલેજ તરફનો રસ્તો પકડ્યો.

કોલેજ શરૂ થઇ ગઇ હતી. એટલે કાર્યાલયમાં જઇ આચાર્યને મળ્યાં.

સુધાનાં સર્ટિફિકેટો તપાસ્યાં.

છાત્રાલયની રૂમ ૧૨માં તેને જગા આપી.

ત્રિભુવન માસ્તર રૂમ નંબર બારમાં, સુધાનો સામાન મૂકાવવા સાથે ગયા.

ત્યાં સુધી આચાર્યે, રામજી પટેલ સાથે ઘણી વાતો કરી. તેટલામાં સુધા અને માસ્તર સામાન મુકીને આવી પહોંચ્યાં. માસ્તરને આવેલા જોઇ આચાર્યે નૈવેદ્યની માગણી દર્શાવતી

ઇશારત કરી. આ જોઇ માસ્તરે, રામજી પટેલે ચારસો રૂપિયા કાઢી,

ત્રિભુવન માસ્તરને આપ્યાં. માસ્તરે ગણવાનો ડોળ કરી આચાર્યના હાથમાં મૂક્યાં. આચાર્યે વિના વિલંબે સ્વીકારી લીધા. તેમણે કાગળમાં કોઇ જાણે નહીં તેમ સોની નોટ મૂકી માસ્તરને

આપતાં કહ્યું, : ‘લ્યો માસ્તર, આ કાગળ મારા સાળાને પહોંચાડી દેજો.’ એમ કહી પોતાનું ઋણ અદા કર્યું.

સુધા પોતાનો સામાન ગોઠવી કોલેજ છુટવાની રાહ જોવા લાગી. તેણે છાત્રાલયની દિવાલો પર નજર ફેરવતાં માલુમ પડ્યું કે પોતાના જેવી ઘણી છોકરીઓ અહીં રહે છે. તેમનાં નામો જ્યાં ત્યાં લખાયેલાં હતાં.

તે ખુશ થઇ. તેને સંતોષ થયો. પણ એક વાતે તેને અકળાવી મૂકી. ‘મારા પિતાએ ચારસો રૂપિયા શેના આપ્યા?’ આટલી હદ સુધી લાંચ રુશવત ચાલે છે છતાં સરકાર ઊંઘે છે? સરકાર પણ કોણ? આપણા જ ચૂંટેલા પ્રતિનિધીઓ?

જેમના ધારાસભામાં ભાવ બોલાય. અમારા પક્ષમાં આવો પંદર હજાર આપીએ. સામો પક્ષ વળી પચ્ચીસ હજારનું લીલામ કરે. આમ, જે પ્રજાએ અનેક આશાઓ સાથે જે પ્રતિનિધીને ચૂંટ્યો

તે ધન કે હોદ્દાની લાલચે પક્ષપલટો કરવામાં જ રચ્યો પચ્યો રહે છે. લાગવગ અને લાંચ રુશવત કરી પક્ષ પલટા કરે છે. એ શું પ્રજાનું ભલું કરવાનો છે. જ્યાં વાડે જ ચીંભડાં ગળતાં હોય ત્યાં બીજાને શું કહે!

આ બધું વિચારતી તેને ભણતર પ્રત્યે અણગમો પેદા થયો. લોકશાહી સરકાર પ્રત્યે ક્રોધ ઉપજ્યો.

પણ એમાં એનો શો સ્વાર્થ.

ભણનારા ભણશે, ખાનારા ખાશે, અમાં આપણી પિપુડી કોણ સાંભળનાર છે. સત્તા આગણ શાણપણ શા કામનું?’

એમ વિચારી પોતાનું મન પુસ્તકો જોવામાં પરોવ્યું. તે એક પછી એક પાનાં ઉથલાવતી રહી.

સમય થતાં કોલેજ છૂટી.

એના જેવી બીજી યુવતીઓ આવી. તે પોતાની રૂમમાં નવી છોકરી આવી જાણી ખુશ થઇ.

ટોળટપ્પામાં જ દિવસ પસાર થઇ ગયો.

સાંજે બધી ફરવા ચાલી, તેમણે સુધાને પણ સાથે લીધી.

‘ભાવતું હતું ને વૈદે બતાવ્યું?’ સુધા ક્યારનીય એજ વિચારી રહી હતી. ‘ક્યાંક દિનેશ મળી જાય?’ તે આનંદ સાથે ફરવા ચાલી.

સહુ ઠઠ્ઠા મશ્કરી કરતી શહેર તરફ ચાલી. બધી શહેરની અનુભવી હતી.

જ્યારે સુધાને માટે નડીયાદ અજાણ્યું હતું. તે મુંગા મોઢે સહુની સાથે રસ્તો કાપી રહી હતી.

બધી સંતરામ મંદિરમાં આવી પહોંચી.

તરત જ તેનું દિલ ધડકી ઊઠ્યું? મુખ પર હાસ્યની રેખાઓ ઉપસી આવી. તે એકાએક બબડી : ‘અરે? પેલો આવે છે તે કોણ? કદાચ દિનેશ હોય તેમ લાગે છે?’

પોતાની આંખો પર વિશ્વાસ ના આવતો હોય તેમ ધારી ધારીને જોવા લાગી. ત્યાં તો દિનેશ છેક આવી પહોંચ્યો.

બે અધીરાં હૈયાં મળ્યાં. એકબીજાના સમાચાર પૂછ્યા.

બંનેને મન ભરી વાતો કરવી હતી. હૈયાની બધી લાગણીઓ ઠાલવવી હતી, પણ વચમાં વાડ સરખી છોકરીઓ સાથે હતી.

એટલે આબરૂની મારી સુધા વધારે ન બોલતાં મુંગી રહી.

દિનેશ પણ પરિસ્થિતિ પામી ગયો. તેણે ‘કાલે સાંજના અહીં મળીશું’ એમ કહી મિત્રના લગ્નમાં હાજરી આપવા રવાના થયો.

સુધાએ સાહેલીઓ સાથે ફરી, બધું જોયું. છેવટે સહુ પાછાં ફર્યાં.

રસ્તામાં અનેક નવાજુની વાતો કરતી સહુ છાત્રાલયે આવી પહોંચી જમી પરવારી લેશન, વાંચન અને ગમ્મતનો ગોળ વાગોળતી સર્વ સુઇ ગઇ. પણ તેને નિંદ્રા ન આવી.

કોણ જાણે? જગ્યા બદલાઇ હોય કે માતાપિતા યાદ આવતાં હોય કે પછી કોઇનો વિરહ સતાવતો હોય. એ જે હોય તે પણ -

બીજે દિવસે સાંજના દિનેશને મળવાનું હતું તેના વિચારમાં તે વહેલી સવાર સુધી પાસાં ઘસતી રહી. છેક મળસ્કે તેની આંખો મીંચાઇ.

સવારમાં નિત્યક્રમ પરવારી કોલેજ ભરી, ને એમ સાંજ પણ પડી.

સુધા દિનેશને મળવા જવા તૈયાર થવા લાગી.

‘કઇ સાડી પહેરું? દિનેશને ક્યો રંગ ગમશે? ભુરી, વાદળી, રાતી કે આ જાંબુડીયા રંગની પહેરું?’

તે એક પછી સાડીઓ પહેરી કાઢી નાખવા લાગી.

આમ પોતાનો સમય બરબાદ થતો હતો. તેની પણ ખબર રહી નહીં. સમયનું ભાન થતાં જ તેણે સફેદ સાડી પહેરી.

સફેદ સાડીમાં સફેદ બ્લાઉઝ અને સફેદ ચણિયામાં સજ્જ થઇ શહેરમાં જવા રવાના થઇ. સફેદ વસ્ત્રોેમાં તે પરી જેવી લાગતી હતી. તેના ગોળ મટોળ મુખ, લલાટે ભુરા રંગનો ચાંલ્લો, ગુલાબી ગાલ લાલી ભર્યાં અધર, પાતળી અને ગર્વથી ફુલાયેલી ડોક, ચાલતાં વળાંક લેતી સાગના સોટા જેવી પાતળી કમર તેના રૂપમાં વધારો કરતાં હતા.

એને જતી અનેક યુવાનો જોઇ રહ્યા હતા. કેટલાય પાણી પાણી થઇ રહ્યા હતા. તો, કોઇ નજર ખેંચવા નખરા પણ કરાતા હતા.

આ બધું સહન કરતી તે સંતરામ મંદિરે આવી પહોંચી.

દરવાજે ઊભાં રહી ચોતરફ નજર કરી, ક્યાંય દિનેશ દેખાયો નહીં એક એક પળ તેને યુગ જેવી લાગવી માંડી.

‘દિનેશ નહીં આવે કે શું? તેને જરૂરી કામ આવી પડ્યું હોય તો ના પણ આવે?’ તેણે અવિશ્વાસમાં આળોટવા માંડ્યું. તેને અજાણ્યા સ્થળે, એકલી ઊભી રહેતાં સંકોચ થતો હતો.

કલાક, દોઢ કલાક થયો. પણ દિનેશ દેખાયો નહીં. તેને એકલી ઉભેલી જોઇ ઘણા યુવાનો તેની સામે ટોળે વળ્યાં.

એ જોઇ તે અકળાઇ. તેણે પાછા જવા મનસૂબો કર્યો.

ત્યાં જ તેના આશા ફળી.

સામેથી દિનેશ ઝપાટાબંધ આવતો દેખાયો.

તેને જોઇ સુધાનો જીવ હેઠો બેઠો. તે અવળી ફરી ઊભી રહી.

દિનેશે નજીક આવતાં જ બૂમ મારી : ‘સુધા તું આવી ગઇ

છું?’

‘આટલું બધું મોડું કરવાનું? હું ક્યારની રાહ જોઇ ઊભી છું?’ સુધાએ મોઢું ચઢાવી છણકા સાથે કહ્યું.

‘તારી વાત સાચી છે. પણ હું શું કરું સુધા? વચ્ચે જરૂરી કામે રોકાઇ જવું પડ્યું.’ દિનેશે ભૂલ કબૂલ કરી.

‘રોકાઇ ગયો કે કોઇએ રોકી રાખ્યો હતો?’ સુધાએ અણગમો બતાવ્યો.

‘હા, રોકી રાખ્યો હતો. અમારી મીલના શેઠ મળ્યા. એમના કામે રોકાઇ જવું પડ્યું. એમાં ખોટું શું લગાડે છે?’ નમ્રભાવે કહ્યું.

‘હા, હા, શેઠ નહીં પણ શેઠાણી મળી હશે. એના પ્રેમના વાયદા ચૂકવવા રહ્યો હશે.’ ગુસ્સામાં બોલતી સુધા મંદિર તરફ ચાલી.

‘ના,ના સુધા? સંતરામ મહારાજના સોગંદ? બસ, એવું હોય તો? તને આટલો વિશ્વાસ નથી આવતો? તારા સિવાય કોઇ મારા દિલમાં નથી! તું મારા મનની ઢેલ છે! તું મારું મહામૂલું રમકડું છે! મારું ગુલાબ છે! મારી આંખોની કીકી છે! મારી જીવન સંગીની છે! મારા જીવન

સાગરની નાવ છે! મારા મનમંદિરની મૂર્તિ છે! મારા હૃદયનું રટણ છે! સુધા તું જ મારું સર્વસ્વ છે! છતાં તને વિશ્વાસ નથી આવતો!’ દિનેશ ચાલતાં ચાલતાં, એકી શ્વાસે બોલી ગયો.

આ સાંભળી સુધાનો ગુસ્સો ઊતરી ગયો. તેને દિનેશ તરફ કુણી લાગણી ઉદ્‌ભવી.

તેને વધારે હેરાન કરવાનું માંડી વાળી હસતા મુખે ખબર અંતર પુછ્યા સાથે સાથે પોતે વાપરેલ યુક્તિનું વર્ણન કર્યું.

આ સાંભળી, દિનેશ સુધા પ્રત્યે વધારે લાગણીશીલ બન્યો. તેના હૃદયમાંથી સ્નેહનાં ઝરણાં વહેવા લાગ્યાં! તેણે પોતાને ઘેર રોકાઇ જવા કહ્યું.

આ સાંભળી સુધાએ ‘ અત્યારે નહીં. કોઇક દિવસ આવીશ. વળી લગ્ન પછી રહેવાનું જ છે ને?’ એમ કહેતાં આગળ પુછ્યું : ‘બોલ હવે શું પ્રોગ્રામ છે? મારાથી વધારે રોકાવાય તેમ નથી. ત્યાં હોસ્ટેલ બંધ થશે.’

બંને લોજમાં જઇ જમ્યાં.

‘આવતા રવિવારે મળીશું? તે દિવસે તો બહાનું નહીં કાઢે ને? રાત્રે રોકાવું જ પડશે.’ એમ નક્કી કરી, દિનેશ સુધાને હોસ્ટેલ સુધી મૂકી આવ્યો.

સુધા લપાતી, છુપાતી રૂમ પર આવી સૂઇ ગઇ.

પ્રકરણ : ૫

આજે રવિવાર હતો.

જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ ઉભરાયેલો નજરે પડે. એસ.ટી. માં ધમાલ, સ્ટેન્ડમાં ધમાલ, બજારોમાં ધમાલ, સિનેમા ઘરો અને આરામગૃહોમાં જાણે કીડિયારું ઊભરાયું હોય તેમ લાગે! દરેક જણ અનેક પ્રકારે રજાની મોજ માણવા નીકળી પડ્યાં હતાં.

દિનેશ અને સુધાએ પણ મધુર મિલનની મોજ માણવા રવિવાર જ નક્કી કર્યો હતો ને?

દિનેશ ક્યારનોય આવી, સંતરામ મંદિરે સુધાની રાહ જોતો હતો. તેની આંખો ચારેકોર દોડતી હતી. મન અનેક શંકાઓ સેવતું હતું. તે ઘડિયાળમાં જોઇ બબડ્યો : ‘નવ વાગી ગયા તોય ના આવી? તેને કોઇ કામ તો નહીં હોય ને? કહેવાય નહીં, કોલેજનું જરૂરી કામ હોય તો ના પણ આવે?’

ત્યાં તો સુધા પ્રત્યેના વિશ્વાસે સમાધાન કર્યું : ‘ના, સુધા એવી નથી. ગમે તે કામ છોડી ચાલી આવશે? તેણે મારા માટે કેવી કેવી યુક્તિઓ અજમાવી છે, તે હું ક્યાં નથી જાણતો?’

એટલામાં તો જાણે ચાંદની પ્રકાશી? વીજળીનો ઝબકારો થયો? કોઇ મેના પોપટને મળવા દોડી? કોયલનો મીઠો ટહુકાર થયો કે શરણાઇના મીઠા સૂર પ્રગટ્યા!

ના, એમાંનું કાંઇ ન હતું?

આ તો પ્રિયતમા પ્રેમીને મળવા આવતી હતી. દિલના દેવનો વાયદો નિભાવવા આવતી હતી?

સામેથી આવતી સુધાને જોઇ, દિનેશ અવળો ફરી ગયો. જાણે સુધાને જોઇ ન હોય, તેમ નીચા મસ્તકે બેસી રહ્યો.

પોતાને જોઇ દિનેશ ખુશ થશે. મધુર હાસ્યથી મને આવકારશે. એવું વિચારતી સુધા નજીક આવી પહોંચી.

છતાં એમાંનું કંઇ ન થયું.

તેણેે છેક નજીક આવી, દિનેશને બોલાવ્યો. તો દિનેશ ઉદાસ ચહેરે સામે જોઇ, નિસાસો નાખ્યો.

‘કેમ તબિયત સારી નથી?’ સુધાએ અચાનક પુછ્યું.

‘ના એવું કંઇ નથી.’

‘તો નિરાશ વદને કેમ બેસી રહ્યો છે?’

‘એ તો મારા ઘરના સમાચાર જાણી જરા દુઃખ થયું. જે થાય તે ખરું! આપણે ક્યાં જોઇને બેસી રહેવાનું છે?’ દિનેશે વાતને વળાંક આપ્યો.

‘શું થાય એ? જરા વિગતે વાત કરું તો સમજણ પડે? આમ નિસાસા નાખ્યે દુઃખ ઓછું થવાનું છે?’ સુધાને શંકા જાગી.

‘કંઇ નહીં? જેની સાથે નસીબ મંડાયું હશે, ત્યાં થશે? લખ્યા લેખ ઓછા મિથ્યા થાય છે?’ એમ કહેતાં દિનેશે ઊભા થતાં, સુધા સામે જોઇ પુછ્યું : ‘બોલ, કયું પિક્ચર જોઇશું?’

‘મારે પિક્ચર બિક્ચર નથી જોવું? હું તો પાછી જવા માંગું છું? સુધાએ રીસનો છણકો કર્યો.’

પોતાના પાસા બરાબર પડતા જોઇ, દિનેશ બોલ્યો : ‘સુધા, વાત કહેવાય તેવી નથી અને કહીને પણ એનો કંઇ અર્થ નથી. એટલે ખોટી જીદ મૂકી દે? ચાલ, આપણે આપણા રસ્તે જઇએ.’

‘ના, તું માંડીને વાત નહીં કરે ત્યાં સુધી હું અહીંથી ખસવાની નથી.’ એમ કહેતાં સુધા નીચે બેસી ગઇ.

‘તું નકામી હઠ પકડે છે? ચાલ, હમણાં સમય થઇ જશે. આપણે પિક્ચર જોયા સિવાય રહીશું.’ દિનેશે ઘડિયાળમાં જોતાં ઉતાવળ કરી.

‘હજુ તો ઘણો સમય છે. બીજો શો પકડીશું? પણ તું કહે તો જ હું આવીશ.’ સુધાએ સ્ત્રી સહજ ભાવે હઠ લીધી.

સુધાની હઠ જોઇ દિનેશ તેની જોડે બેસતાં બોલ્યો : ‘સુધા તું ખરી છે. મારે કહેવું જ પડશે એમ?’

‘હા,હા, કહેવું જ પડશે વળી?’ સુધાએ મક્કમ અવાજે કહ્યું.

‘વાત એમ છે કે...............’ દિનેશ અટકી ગયો.

‘શું વાત છે જે હોય તે કહી દે ને? આમ વાગોળ વાગોળ શું કરે છે?’ સુધાએ વાત સાંભળવા આતુરતા બતાવી.

‘જો ને સુધા, વાતમાં તો કંઇ માલ નથી. પણ કાલે મારા પિતાજીનો લેટર આવ્યો છે. તેમાં એમણે જણાવ્યું છે કે ‘દિનેશ તું જલ્દીથી લગ્ન કરવાનું નક્કી કરી દે. બે માંથી જે પસંદ હોય તે જલ્દીથી જણાવજે અને સુધાના ખભે કોણી ટેકવતાં ઉમેર્યું : ‘બોલ, હવે મારેે શું કરવું? બે માંથી કોને નક્કી કરું બોલ, તું રસ્તો બતાવે છે?’

‘બંનેને તું મળી ચુક્યો છે?’ સુધાએ ગભરાટ અનુભવ્યો.

‘હા, સુધા એમાંની એક છોકરીને તો હું બરાબર ઓળખું છું. તે ગઇ સાલ ટી.વાય. બીએમાં ભણતી હતી. અત્યારે ખ્યાલ નથી શું કરે છે?’

‘અને બીજી?’ સુધાએ ધડકતા હૃદયે પૂછ્યું.

‘એ મારી સાથે લેડીઝ ક્લાર્કમાં છે. બંને સારી દેખાવડી છેકરીઓ છે? કોને પસંદ કરું? એ જ સમજાતું નથી.’ દિનેશે હોઠો પર સ્મિત લાવી કહ્યું.

‘તને પસંદ પડે, તેની સાથે કરને. મારે શું લેવા દેવા?’ કહેતી સુધા અવળી ફરી ગઇ.

સુધાના આવા વર્તનથી દિનેશ ખુશ થઇ ગયો. તે હૃદયમાં આનંદ દાબી રાખતાં બોલ્યો : ‘પણ આ મારે વૈશાખ સુધીમાં નક્કી કરી નાખવાનું છે. લગ્ન કર્યા સિવાય હવે ચાલે તેમ નથી.’ એમ દાઢીએ હાથ મુકતાં ઉમેર્યું : ‘વિચાર છે કે પેલી કોલેજીયનને પસંદ કરું. તેને હું સારી રીતે ઓળખું છું. અમે એક બે પિક્ચર પણ સાથે જોયેલાં છે. શું રૂપ છે? એનું આહ? સુધા તું જ કહેને, હું શું કરું?’ આમ દિનેશ બોલ્યે જતો હતો ત્યારે સુધા ઇર્ષામાં બળી રહી હતી. તેના મુખના હાવભાવ જોઇ દિનેશ વધારે ખુશ થતો હતો. તે ઊંધું ઘાલી બોલ્યે જતો હતો. જાણે કોઇ દારૂડિયો લવરીએ ચડ્યો : ‘અપ્સરાનેય આંટી જાય એવા એના અંગ મરોડ? સાગના સોટા જેવી કાયા? ચંદ્રમાં જેવું મુખ? પારેવડી જેવી પાતળી અને ગર્વિલી ડોક? અણિદાર નાક? હરિણી શી અણિયારી આંખો? ભર્યાભર્યા ગાલ? આવી રૂપાળી છોકરી જોઇ હૈયું હાથ નથી રહેતું સુધા? માટે હું તો આજે જ કાગળ લખવાનો વિચાર કરું છું.’

દિનેશ લગ્ન કરવાની ઇચ્છા એને છોકરીનાં વખાણ સાંભળી સુધાનું હૃદય બેસી ગયું. ‘તો શું દિનેશ મારી સાથે પ્રેમની રમત રમે છે?’ તેની ધીરજ ખૂટી ગઇ. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

દિનેશ તેને આમ રડતી જોઇ ગભરાઇ ગયો. કોઇ જોતું તો નથી તે જોવા તેણે આમ તેમ નજર કરી તેને ઓચિંતી રડતી જોઇ, દિનેશને પ્રતિતી થઇ કે સુધા શુદ્ધ હૃદયથી ચાહે છે તે સામું જોતાં બોલ્યો : ‘સુધા તું કેમ રડે છે? તને આ બધું ના ગમ્યું? બોલતો ખરી?’

પણ ક્યાંથી સુધા જવાબ આપે? તેનું હૈયું ભાંગી ગયું હતું. છતાં હિંમત ભેગી કરી ધ્રુસકાં ખાતી તે બોલી : ‘ત્યારે શું તું મને રમકડું ધારી મારી સાથે પ્રેમની રમત રમે છે?’

‘ના સુધા એવું નથી?’

‘એવું નહીં ત્યારે કેવું? તારા પર ભરોસો રાખી હું જીવી રહી છું. તારા માટે મેં મા બાપને છેતર્યાં. ત્યારે તું મને છેહ આપે છે? મને શી ખબર પડે કે જેને મારો દેહ સોંપી હું કુદરતની ગુનેગાર બની? એ આવો બદલો આપશે?’ સુધા અવિરત વાણીમાં બોલ્યે જ જતી હતી. ચહેરો લાલચોળ બની ગયો હતો. જ્યારે દિનેશ મુંગે મોંઢે સાંભળી રહ્યો હતો.

ક્રોધમાં તપેલી સુધાનો વાણી પ્રહાર જોરથી ચાલ્યો. તેના ક્રોધની ગરમીમાં તેનાં આંસુ ઊડી ગયાં હતા. તે આગળ બોલ્યે જતી હતી : ‘દિનેશ તું દગા ખોર છે? તેં અનેક છોકરીઓને ભોળવી હશે? છેતરી હશે? પણ કુદરતને નહીં છેતરી શકે? માનવ તને માફ કરશે પણ કુદરત નહીં કરે? તું પાપી છે? તું જુઠ્ઠો છે? દગાખોર છે? પ્રપંચી છે?’ બોલતાં બોલતાં સુધા પાછી રડી પડી. તે પહાડ જેવો નિસાસો નાખી, આકાશ સામે જોઇ બોલી : ‘અરે, ભગવાન? તેં મને આ શું સુઝાડ્યું? હું આપઘાત કરી મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ?’ એમ કહેતાં તે એકદમ ઊભી થઇ ગઇ અને મંદિરમાં પગથિયાં ચડવા લાગી.

સુધાનું આવું વર્તન જોઇ, દિનેશ હેબતાઇ ગયો. તે એકદમ ઊભો થઇ, સુધાને પકડવા દોડ્યો.

નહિ જેવી લાગતી બાબત ઘણીવાર ગંભીર પરિસ્થિતિ ઊભી કરે છે? હસવા માંથી ખસવું થઇ જાય છે.

દિનેશને ખ્યાલ પણ ન હતો કે, સુધા આવું કરશે.

તે સુધાને પકડવા દોડ્યો પણ સુધા છેક પહોંચી ગઇ હતી.

મંદિરના વિશાળ આવાસોમાંના ચોક ઉપર તે છેક ત્રીજે મજલે ચઢી અગાસીની પાળીએ પહોંચી ગઇ હતી. તે ત્યાંથી પડતું મૂકવા જતી હતી ત્યાં જ દિનેશ આવી પહોંચ્યો. તેણે સુધાના હાથ પકડી લીધા, ને તેને બાથ ભરી લીધી.

સુધાના શ્વાસોચ્છાસ વધી ગયા હતા. તે બેભાન થવાની તૈયારીમાં હતી.

તે જોઇ ગળગળો થઇ જતાં દિનેશ બોલ્યો : ‘સુધા, મારી સુધા? તને શું થઇ ગયું હતું? મને માફ કરજે? હું તો તારા પ્રેમની પરીક્ષા કરતો હતો. ‘સુધા તું મારી છે? આપણે સાથે રહી સંસાર સાગર પાર કરીશું? જીવન નૌકાને સાથે મળીને હંકારીશું? સુધા સિવાય, મારા હૃદયમાં કોઇ નથી?’

દિનેશનાં આવાં વચનો સાંભળી સુધાને ધીરજ આવી. તેનું હૈયું હેઠું બેઠું? હસતા મુખે તે બોલી : ‘શું તું સાચું કહે છે?’

‘હા, સુધા? આપણે એકબીજાથી પર નથી. ‘જેમ એક મ્યાનમાં બે તલવાર નથી સમાઇ શકતી, તો એક દિલમાં બે દિલ ક્યાંથી સમાઇ શકે?’ આમ પ્રેમાવેશમાં દિનેશ ઘણું ઘણું બોલી ગયો. પણ સુધાના લોહીના ધબકારા વધી ગયા હતા. શરીર ધ્રુજતું હતું.

પણ દિનેશના પ્રેમભર્યા વચનો સાંભળી સુધા તેને વળગી પડીઃ ‘મારા દિનેશ? હવે કોઇ દિવસ પ્રેમની પરીક્ષા ન કરતો? હું તો એટલું જ જાણું છું કે હેત હોય, તો હૈયામાં વરતાય, પ્રેમિકાની કીકીમાં વંચાય, દિનેશ તેં મારી સુધાને ખોઇ નાખી હતી અને તેં જ તેને બચાવી પણ લીધી.’ એમ કહી તેણે દિનેશને ગાલે ટપલી મારી, તે આગળ બોલી : ‘ચાલ હવે બાર થઇ ગયા પિક્ચર ચાલુ થઇ જશે.’ એમ કહી તેણે દિનેશનો હાથ પકડી નીચે તરફ ખેંચ્યો.

બંને સડસડાટ પગથિયાં ઊતરી ગયાં. ‘બોલ સુધા, કયું પિક્ચર જોઇશું?’ ‘તને ગમે એ?’ ‘ચાલ ત્યારે ‘શેતલને કાંઠે’ પિક્ચર નવું જ છે. આપણા જેવાં

પ્રેમીઓની એ કહાની છે.’ એમ કહી બંને સિનેમા ઘર તરફ ચાલ્યાં.

બંનેએ મનભરી પિક્ચર જોયું. ‘દેવરો અને આંણલદે’ નો અમર પ્રેમ નિહાળી બન્ને ભાવનાય તરબોળ થઇ ગયાં.

માનવીના જીવનમાં એક જ્વાર પ્રણયની વસંત ખીલે છે. એ વખતે હૈયું, બીજા હૈયાને બોટે છે. હૃદય જેને ચાહે છે. તેને જાનથી પણ વધારે ચાહે છે. તેનો અણુએ અણુ પ્રેમીને ઝંખે છે. તે પ્રિયતમની થવા અને તેને પોતાનો કરવા તલસે છે. એમાં કોઇ પણ પાત્ર નિષ્ફળ જાય, તો માટીના વાસણ પેઠે તેનું હૈયું નંદવાઇ જાય છે. એવી કેટલીય અનુભૂતિ તેમના દિલમાં થઇ રહી.

પિક્ચર છુટ્યું એટલે દિનેશે, ગયા રવિવારનો વાયદો યાદ દેવરાવ્યો.

સુધા હોસ્ટેલ પર બહાનું બતાવી ને જ આવી હતી. તેથી તેણે હા કહી બન્ને દિનેશની રૂમ પર આવ્યા. દિનેશ એકલો હતો એટલે નાની છતાં સંપૂર્ણ સગવડવાળી રૂમ ભાડે રાખી રહેતો હતો. તે રૂમ બીજા માળે હતી.

રૂમમાં દાખલ થતાં જ સુધાએ મશ્કરીમાં કહ્યું : ‘દિનેશ આવડી રૂમમાં કેમનું ફાવે છે?’

‘આપણે બંન્ને હઇશું. ત્યાં સુધી, તો ફાવશે જ. પણ જ્યારે પપ્પા કહેનારા પ્રગટ થશે ત્યારે, બંગલો વસાવીશું. એમાં કહેવું નહીં પડે?’ દિનેશે મીઠી મશ્કરીનો જવાબ આપ્યો.

આ સાંભળી બંને હસી પડ્યાં. સુધાએ ચ્હા બનાવી. બંનેએ નાસ્તો કર્યો. બે અતૃપ્ત હૈયાં. તેમાંય એકાંત મળ્યું હતું. એટલે વાતોની

લક્ષ્મણ રેખા ક્યાંથી જળવાય? અને પછી જેમ હૈયે હોય એ હોઠે આવે તેય હોઠે હોય એ પછી વ્યવહારમાં પણ આવે જ ને?

આનંદમાં ને આનંદમાં આઠ વાગી ગયા. જમી પરવારી સુધાએ નીચે પથારી બનાવી. તે જોઇ દિનેશ બોલ્યો : ‘કેમ પલંગમાં સૂતાં નહીં ફાવે?’

‘તું ક્યાં સુઇ રહીશ?’

‘પલંગમાં?’ કહેતાં દિનેશે સુધાને હાથ પકડી પલંગમાં નાખી

દીધી.

‘જો, એવું નહીં?’ શરમાતી સુધા બોલી.

‘કેમ?’

‘આજે નહીં, ફરી?’

‘જા, જા, હવે વાયદાના વેવલા કર્યા વગર?’

‘પણ આજનું એકાંત, આપણને નડશે.’

પણ દિનેશને એવી સમજણની ક્યાં પડી હતી?

એકાંત મહાન બૂરી ચીજ છે. તેમાંય બે અતૃપ્ત હૈયાં મળે પછી

બાકી શું રહે?

દિનેશે સુધાને જકડી લીધી. થોડીવાર પહેલાં, ભીંત પર પડતા પડછાયા એક થઇ ગયા, પલંગના પોકારો શરૂ થયા. ગાદલું રોળાઇ ગયું. ને અડધીરાત સુધીના શરીર શ્રમ પછી તેમને ક્યારે નિંદ્રા આવી ગઇ તેની પણ ખબર પડી નહીં.

હાં. રાત્રે કહેલા શબ્દો યાદ રાખજે. ભૂલી ના જતો.’ સુધાએ ભવિષ્યમાં આવનારી આપત્તિથી ચેતવ્યો.

આ ટકોર તે સમજી ગયો કે નહીં. એ તો એ જાણે? પણ એણે ‘કોઇ વાંધો નહીં.’ કહી ચિંતાનો અંત આણ્યો.

દિનેશના શબ્દો સાંભળી, સુધા ઘડીભર આનંદીત બની ગઇ. તેને મધ કરતાંય મીઠો લાગ્યો. તે મુંગી જ રહી.

ત્યાં જ દિનેશ બોલ્યો : ‘લે ત્યારે આવજે. ફરી ક્યારે મળીશું?’

‘હમણાં નહીં મળાય. આવતા રવિવારે ઘેર જવા વિચાર છે.’ એમ કહી સુધાએ કોલેજ તરફનો રસ્તો લીધો.

બંને છુટાં પડ્યાં. થોડે થોડે અંતરે બેઉ પાછું વાળી જોતાં, છેવટે દેખાતાં બંધ થયાં.

એકલી પડતાં, સુધાને ઘણા વિચારો આવી ગયા. ઘણા સારા અને ઘણા ખરાબ. તે બધાનું સમાધાન કરતી, તે છાત્રાલયમાં આવી પહોંચી.

છાત્રાલયમાં આવ્યા પછી તેની બહેનપણીઓએ સ્ત્રી સહજ સ્વભાવે, ઘણું ઘણું પૂછ્યું. પણ સુધાએ ગોળગોળ જવાબ આપી સમજાવી દીધી.

ગામડાનાં ધૂળ અને ઢેફામાં, ખેતરને ખોળે, સ્વતંત્રતાથી, સુખી માતા પિતાના સંસારની છાયામાં, પ્રેમનું સિંચન પામી આ છોડ ઊછર્યો હતો એમાં કહેવાનું હોય?

ભલે ને પછી બેનપણીઓ ગમે તેટલું પૂછે એને ઉત્તરો આવડતા હતા.

અનુભવી માતા પિતા, ખોડિયાર અને તેના ભૂવાની આંખમાં ધૂળ નાખનારની આગળ, બેનપણીઓ ક્યા ખેતરનું ખોડિયારું? એમને આડા અવળા જવાબો આપી ખુશ કરી દીધીને પોતાનું નિત્યકર્મ સંભાળી લીધું.

આખું અઠવાડિયું ધ્યાનથી અભ્યાસ કર્યો. ને શનિવારે તે પોતાને ગામ જવા નીકળી.

સ્ટેશને આવી આંખોને દિનેશની શોધમાં લગાવી પણ દિનેશ દેખાયો નહીં. તેને રૂમ પર પાછાં જવાનું મન થયું. પણ તેણે શનિવારે આવવાની છું. તેવું માતા પિતાને જણાવી દીધું હતું. માતા પિતા રાહ જોતાં હશે. તેમાંય માની મમતાએ તેને પાછી ફરતાં રોકી. મન મનાવી તે ઝડપથી બસમાં બેસી ગઇ. બસ પણ તેની પ્રતીક્ષામાં જ હોય તેમ તરત જ ઊપડી.

સુધાને થયું કે ઘડીક રોકાઇ ગઇ હોત તો સારું! દિનેશ મળી જાત. જ્યારે ઘડીકમાં ઘર, ગામ, માતા પિતા અને બેનપણીઓ આગળ મન દોડી જતું હતું અને દિનેશ નડીયાદમાં હતો. પણ હવે ગામ નજીક આવી ગયું હતું.

ગામની સીમમાં ઝાડ દેખાતાં હતાં. જે ઝાડોની છાયામાં તે રમી હતી. જે ખેતરના ખોળા ખુંદ્યા હતા. તે પણ દેખાવા લાગ્યાં. તે બધાંય જાણે, તેને આવકારતાં હતાં.

‘મારી બા મને જોઇને હર્ષઘેલી બની જશે. આખોમાં આંસુ સાથે મારા દુખણા લેશે? અને મારો નાનો ભાઇ ગોવિંદ? મોટી બહેન આવ્યાં જાણી, મને વળગી પડશે? ઘડીભરના આવા વિચારોને તેને ખુશ કરી. દિનેશની યાદ ઝાંખી થઇ તેનું હૈયું નાચી ઊઠ્યું.’

ગોપીપુરા આવતાં, બસ થોભી, તેની સાથે તેના વિચારો પણ જાણે થોભી ગયા.

નીચે ઉતરતાંની સાથે જ સુધાએ ઘર તરફનો રસ્તો પકડ્યો. ફળિયામાં આવતાં જ સામેથી અમૃતબા દોડતાં આવતાં દેખાયાં. તેમણે આંસુભીની આંખે દીકરીને આવકારી. જ્યારે પેલો ગોવિંદ તો મોટીબેનને વળગી જ પડ્યો.

રામજી પટેલ ‘આવી બેટા’ કહી આવકારો આપ્યો.

જ્યારે પેલી બબલીએ : ‘આવ્યા બુન’ કહી સ્મિત કર્યું. અને સુધાના હાથમાંની થેલી ઊંચકી લીધી.

ફળિયાનાં બધાંએ સુધાના ખબર અંતર પૂછ્યા.

સાંજે સુધા બેનપણીઓને મળવા ગઇ. તે બધાંયને મળતી ત્યારે પેલી યાદ તો તેના હૈયામાં આવી જ જતી હતી. જેથી તેનું ઉરતંત્ર ઝણઝણી ઊઠતું. પાછા જવાનું મન થઇ આવતું જાણે, દિનેશ બોલાવતો હોય તેવો ભાસ થતો? તેનું મન, દિનેશ પાસે દોડી ગયું હતું. માત્ર દેહ જ બધાંને મળતો હતો.

સાચે જ પ્રેમીઓ એકબીજાથી દૂર થતાં નથી.

જ્યારે તેઓ એકબીજાથી નજીક હોય છે. ત્યારે માત્ર દેહનું જ સાનિધ્ય હોય છે. પરંતુ જ્યારે તેઓ એકબીજાથી દૂર હોય છે, ત્યારે સમગ્ર ઉરતંત્ર તદ્રુપ થઇ જાય છે. તે નવી જ દુનિયા રચે છે. આ દુનિયા તેમને પરાઇ લાગે છે. પોતાની દુનિયા જ સાચી લાગે છે.

સુધા અને દિનેશ એકબીજાથી દૂર હતાં. પરંતુ તેમનાં હૃદય સમીપ હતાં. જે પરિસ્થિતિ સુધાની હતી તે જ દિનેશની હતી. તેનો રવિવાર ઉદાસમાં પસાર થઇ ગયો.

સુધા સવારમાં ઊઠી ત્યારથી જ જવાની તૈયારીમાં હતી. પણ માતા પિતાને તે કહી શકતી નહતી. એટલે ઘરકામમાં જીવ પરોવી રહી હતી.

સોનેરી સવારના સાત વાગ્યા હતા. સૂર્યનાં કિરણો પૃથ્વી પર સંપૂર્ણ પથરાઇ ચૂક્યાં હતાં.

સુધા પાણિયારું ખાલી કરી ગોળો વિછરતી હતી. ત્યાં જ બબલીએ બહારથી બૂમ મારી : ‘ચાલો સુધાબોન, પાણી નથી આવવું?’

‘ઊભી રહે આવું છું.’ કહેતી સુધા ઝટપટ ગોળો વિંછળી બબલી સાથે ચાલી.

આખી વાટ બબલીએ મૂંગે મોંઢે પસાર કરી, જાણે તે કંઇક વિચારતી હતી. તેને મુંગી જોઇ સુધાએ કહ્યું : ‘કેમ અલી સાવ મુંગી થઇ ગઇ છે? જરા બોલ તો ખરી? શા વિચારમાં પડી છું?’

આ સાંભળી બબલીએ મોઘમમાં કહ્યું : ‘શું બોલું બોન? અમારું બોલેલું તમે ઓછાં સાંભળવાનાં છો?’

‘એવું તે શું છે? કહે તો ખરી, એનો ઇલાજ કરીશું.’ સુધાએ બોલાવવા ખાતર કહ્યું.

‘જુઓ પણ કોઇનેે કહેવાનું નહીં. ઇલાજ થાય તો કરજો. કૂવા કાંઠે બેઢું મૂકતાં બબલીએ જણાવ્યું.

‘જે હોય તે કહી નાખ ને? વાગોળ વાગોળ શું કરે છે? બીજાને કહેવાથી રસ્તો જડે?’ સુધાએ જાણવાની ઉત્સુક્તા બતાવી.

‘તમે ભુવાની વાત જાણો છો? તે પેલી સમલી સાથે આડો સંબંધ રાખે છે?’ બબલી વાતનું પ્રથમ પગથિયું ચડી.

‘ના ભઇ? હું ઓછી ભગવાન છું તે જાણું?’ સુધાએ માંટલી વિંછળતાં જવાબ આપ્યો.

‘એટલે ભૂવો હમણાંથી મારી સાથે બોલતો નથી. એમને મારી શોક્ય પેલીએ શું સુંઘાડ્યું છે કે, બસ એને જ દેખે છે? મારી સામે તો જોતો જ નથી. જાણે, મારી સાથે ઝઘડ્યો ના હોય તેમ ઊતરેલી કઢી જેવું મોં રાખી ફરે છે?’ બબલીએ હકિકત જણાવી.

‘તે છોને ન બોલે, તારે શું? પ્રેમ વસ્તુ જ એવી છે કે, પ્રિયતમ વગર કશું સારું દેખાતું જ નથી?’ સુધાએ પ્રેમનો અનુભવ દર્શાવ્યો.

‘એવું તે હોતું હશે, બોન? પોતાનું માણસ મૂકી, બીજે ખાવા જાય એ તો કંઇ પ્રેમ કહેવાતો હશે?’ બબલીએ આગ ઠાલવી.

‘બબલી, પ્રેમનો તો જેને અનુભવ છે તે જાણે છે કે પ્રેમ શું છે? એ તો કુદરતી લાગણી છે? તેમાં કાળો ગોરો, કે ઊંચ નીચના કોઇ ભેદ આડે આવતો નથી?’ સુધાએ પ્રેમનું પ્રકરણ સમજાવ્યું.

‘બોન, તમને શી ખબર કે પ્રેમ આવો છે? શું કોઇને પ્રેમ આપ્યો છે? કે ખાલી વાતો જ કરો છો?’ કહેવા કરતાં, કરવું ભલું. પછી જ કહેવાય?’ બબલીએ કહ્યું.

‘બરાબર, તારી વાત સાચી છે. જેમ તારા પતિ બીજીને દિલ આપી બેઠો છે. તેમ હું પણ એક છોકરાને આપી બેઠી છું. એટલે જ કહું છું?’ સુધાએ પોતાની વાત જણાવી.

‘ત્યારે એમ કહોને કે તમેય લફરામાં પડ્યાં છો. તમને વળી એ શું સૂઝયું? જુવાની ઝાલી ના રહી?’ લટકા સાથે બબલીએ કહ્યું.

‘તો એમાં ખોટું શું છે? આમેય વહેલું મોડું કોઇને દિલ આપવાનું જ છે, તો પછી પોતાના મનપસંદ પાત્રને આપવું શું ખોટું?’ આગળ બોલતાં સુધા અટકી ગઇ. તે લાગણીના આવેશમાં શું બોલી ગઇ તેનું ભાન રહ્યું નહીં. ન કહેવા જેવું કહી બેઠી તે જાણી તેને ઘડીભર પસ્તાવો થયો. તે બબલીને સમજાવતાં બોલી : ‘બબલી, આ વાત કોઇને કહેતી નહીં. આ તો તને કહેવાય એવું હતું એટલે કહ્યું. હવે ત્રીજે કાને વાત ન જવી જોઇએ, સમજી ને?’

‘પણ બોન, તમારી પસંદગી પિતા મંજુર નહીં કરે તો?’ બબલીએ શંકા રજુ કરી.

‘ના કેમ રાખે? છોકરીને ઓછી ઘરમાં રાખી મુકાય છે? એ તો પારકા ઘરની થાપણ? વળી, હું પ્રેમ કરું છે તે મારી જ નાતનો છે. એટલે બાપુ માનશે જ? એમણે પણ મારા માટે કોઇ છેકરો ખોળવો જ પડશે ને? એના કરતાં હું જ મારી મેળે જ ખોળું તો તે શું ખોટું? એમને એટલી માથાકુટ ઓછી?’ સુધાએ મનપસંદ લગ્નમાં રહેલી સફળતાની આશા બતાવી.

‘ખરેખર, તમારું કહેવું સાચું છે. બોન?’ જાણે સુધાએ પોતાને જ કહ્યું હોય તેમ માની બબલી બોલી :

‘માન ન માન પણ બબલી તું આજે ઉદાસ છે. મનેય નહીં કહે? બોલ શું થયું છે તને?’ સુધાએ અચાનક પૂછ્યું : ને બબલીના હૈયા આડેના બધાય બંધ જાણે એક સામટા તુટી પડ્યા.

તે બોલી : ‘બોન, તમને શું કહું. જ્યાં મારા કરમની જ બધી કઠણાઇ છે ત્યાં? આ ભૂવો છે તે કોઇ સારી નાતનો નથી. એ વાઘરી છે. અને એનો બાપ દરબારને ત્યાં ચોરી કરીને ભાગી આવેલો હતો. એના બાપને પગલે આ ભૂવો પણ ચોર પાક્યો છે. એ મને ભોળવીને સવેલી ઉપાડી લાવ્યો છે. હું એના મોહમાં આંધળી થઇ હતી. એટલે મેં મારા ધણીને ઊંઘતો છોડ્યો છે.’

‘હેં? તારું ગામ કયું? તારો ધણી શું કરે છે?’ સુધાએ પહેલી વખત ભૂવાના અંધકાર ભર્યા પાસાની વાત જાણી, કદાચ આખા ગામમાં ફક્ત તેણે એકલીએ જ. એટલે તેનું આશ્ચર્ય એના અવાજમાં ડોકાયા સિવાય ન રહી શકાયું.

‘બોન, મારું સાસરું છેક સુરત તરફનું એક નાનકડું ગામ છે. હું જાતની મુસલમાન છું. મારા ધણીનું નામ રસુલ છે. હું મૂકીને નાસી આવી એટલે તે ફકીર થઇ ગામેગામ માગી ખાતો ફરે છે. એ અત્યારે આપણા ગામની ધર્મશાળામાં પડ્યો છે. એને જોઇ મારું શેર લોહી બળી જાય છે. એને છોડીને હુંય દુઃખી થઇ અને મેં એનેય દુઃખી કર્યો.’ બબલીએ હૈયા વરાળ કાઢી.

એની વાત સાંભળી સુધાને દયા આવી, તેણે કહ્યું : ‘પણ એમ કર, તારા ફકીરને નડીયાદ મોકલ. હું તેને ચ્હાની લારી કરી આપીશ. શહેરમાં ચ્હાનો ઉપાડ બહું થાય છે. થોડો પગભર થાય એટલે તું ચાલી આવજે. ત્યાં ખાવાપીવા અને રહેવાની સગવડ, હું મારે ખર્ચે કરી આપીશ. બોલ છે કબૂલ? આજે સાંજની બસમાં હું જવાની છું એટલે જેવુુંં હોય તેવું કહેવડાવજે.’

સુધાની આ તૈયારી જોઇ બબલી હરખાઇ ઊઠી. પણ એકાએક વિચાર આવતાં તે બોલી : ‘આમ એકા એક કેમનું તૈયાર થવાય. એના કરતાં, આજનો દિવસ રોકાઇ જાવ તો સારું. આપણે બંને તેમને મળી, રૂબરૂ નક્કી કરીએ. મારા માટે આટલું દુઃખ વેઠશો, તો ભગવાન તમારું ભલું કરશે!’ બબલીએ વિનંતી કરી.

‘એવું હોય તો એક દિવસ મોડી જાઉં. એમાં મારે વાંધો નથી. જો તારું ભલું થતું હોય તો?’ સુધાએ નિર્ણય ફેરવ્યો.

ઘાનું દુઃખ ખમ્યું હોય તે જાણે! પ્રેમનું દુઃખ પ્રેમી જાણે! પ્રસૂતિની પીડા તો જેણે ભોગવી હોય તે જાણે!

સુધાએ પ્રેમનો અનુભવ હતો. એટલે તો તે મદદ કરવા તૈયાર થઇ ને?

પ્રકરણ : ૬

આમ દુનિયાનો દરેક માનવી પોતાની દ્રષ્ટિ છોડી, બીજાની દ્રષ્ટિથી જોતો થશે. ત્યારે એને જગત જીવવા જેવું લાગશે.

સુધા અને બબલી નક્કી કરી, સાંજે ફકીરને મળવા ગયાં.

મરિયમ સાથે બીજી છોકરીને જોતાં, રસુલ ફકીર ગભરાઇ ગયો. ચોેક્કસ પાપનો ઘડો ફૂટવા બેઠો. તે કશું બોલી શક્યો નહીં. બાઘાની માફક તાકી રહ્યો. તે જોઇ સુધાએ, પોતાની ઢબે, ‘સલામમાલે કૂમ’, કહી સલામ કરી.

આ જોઇ રસુલને ધીરજ આવી. તેણે પણ સલામ કરી પ્રત્યુત્તર આપ્યો. ચાદર પાથરી બેસાડ્યા. બેસતાંની સાથે જ બબલીએ વાત ઉપાડી : ‘તમે કાલે તૈયાર થઇ જાવ. તમારે નડીયાદ જવાનું છે!’ અને સુધા સામે જોઇને ઉમેર્યું : ‘આ મારી બેનપણી તમને કંઇક ધંધો શોધી આપશે.’

બબલીનો ઓચિંતો હુકમ સાંભળી રસુલ ફકીર સુધા સામે જોઇ વિનંતીના સ્વરમાં બોલ્યો : ‘મને ગરીબને શું ધંધો બતાવશો? હું તો સાવ અભણ માણસ છું!’

આ સાંભળી માયાળુ સ્વભાવમાં સુધા બોલી : ‘તમને ચ્હાની લારી કરી આપીશ, બોલો આવશોને?’

‘પણ આ બધી માથાકુટ કરવાની શી જરૂર છે? મારા એકલા માટે આ સ્થિતિ સારી છે.’ રસુલે ના મરજી બતાવી.

‘જુઓ, ફકીર બાબા, હું બધું જાણું છું. આ મરિયમ તમારી પત્ની છે. તો પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માંગે છે. હવે તે તમારું સાનિધ્ય માગે છે. માટે હું તમને મદદ કરાવા માંગું છું.’ તમને શહેરમાં કશું દુઃખ નહીં પડે. તમે કમાતા થશો. એટલે તમારી મરિયમ ચાલી આવશે. તે જવાબદારી મારી છે. તમે ગભરાશો નહીં. સુધાએ વાતનો મર્મ સમજાવ્યો.

આ જાણી રસુલને ચેતન આવ્યું. મરી પરવારેલી આશા સજીવન થઇ તેણે જવા માટે હા પાડી.

તેની તૈયારી જાણી સુધાએ કહ્યું : ‘કાલે દસ વાગ્યે, સ્ટેશને આવજો.’

બધો પ્લાન ગોઠવાઇ ગયો એટલે બંને ઘેર જવા તૈયાર થઇ. બબલીએ પચ્ચીસ રૂપિયા રસુલને આપતાં કહ્યું : ‘લ્યો, આ પૈસા જરૂર પડ્યે કામ લાગશે. કાલે દસ વાગ્યે સ્ટેશને મળીશું.’ એમ કહી ઘર તરફ ચાલી નીકળી.

રસુલ પણ પોતાના ફાટેલા તૂટેલા ધાગા ભેગા કરી સુધાના ગુણ ગાતો સૂઇ ગયો.

બીજા દિવસની સોનેરી સવાર ઊગી.

ઊઠતાંની સાથે જવાની તૈયારીમાં સુધા પડી.

આમ તો દિનેશની યાદે આખી રાત જગાડી હતી. તેમાંય વળી, રસુલને ગોઠવવાની ચિંતાએ વધારો કર્યો. એટલે ઊંઘ જાણે વેરણ બની ગઇ. રાતે ઊંઘી ન ઊંઘી ને જાગી ગઇ.

સુધાને આજે જવાનું છે. એમ જાણી રામજી પટેલ અને અમૃતબા પણ વહેલાં જાગી ગયાં હતાં.

જમી પરવારતાં નવ વાગ્યા. એટલે અમૃતબાએ સુધાને તૈયાર થવા કહ્યું.

સુધાએ કપડાંલત્તા સુટકેશમાં ભરી દીધાં ન સમાયાં તે થેલીમાં ભર્યાં. જમવાનું વહેલું મોડું થાય ત્યારે નાસ્તો કરવા અમૃતબાએ થોડી પુરીઓ પાપડ વગેરે અલગ થેલીમાં ભરી, બબલીને ભૂમ મારી : ‘અલી બબલી, સુધી જાય છે. હેંડ જોય, આ પેટી અને થેલી સ્ટેન્ડ સુધી લઇ લે જો?’

આ બૂમ ની જાણે રાહ જોઇને બેઠી હોય તેમ : ‘એ આવી બા.’ કહી બબલી દોડતી આવી. સૂટકેશ અને થેલી ઊંચકી લીધી.

બધાં ચાલવાની તૈયારીમાં હતાં. ત્યારે અમૃતબાએ સુધાને કહ્યુંઃ ‘લે બોન, આ ચોખા. આપણી ખોડિયારને પગે લાગી આવ? પછી ચાલીએ?’

સુધા માની આજ્ઞાનું પાલન કરી ખોડિયારને પગે લાગી આવી.

બધાં ફળિયામાંથી નીકળ્યાં એટલે : ‘આવજે બોન? ભણવામાં ધ્યાન રાખજે, અમે તો અમારું જીવતર ધૂળમાં રગદોળ્યું. પણ તું એવું ના કરતી?’ જેવી શિખામણો આપતાં પાછાં વળ્યાં.

સુધા પણ બધાંને : ‘આવજો કાકી, આવજો ભાભી, આવજો ફોઇ, આવજો દાદી’ કહેતી હસતે વદને બસ સ્ટેન્ડ તરફ ચાલી.

માતા પિતા બસ સ્ટેન્ડ તરફ ચાલતાં હતાં. ત્યારે બબલી અને સુધા જરા જુદાં થઈ, ગુુપચુપ વાતો કરતાં, વારંવાર પાછળ જોતાં હતાં.

ઘણી વખતની નજરોએ જ્યારે સફળતા ન દેખાઇ, ત્યારે બબલી બબડી : ‘મુવો હજુય દેખાતો નથી! ગયો હશે કે સૂઇ રહ્યો હશે? ગાંડા જેવાનું કશું ઠેકાણું નહીં. એકલવાયો એકલું રહેવાનું જ પસંદ કરે ને?’ વગેરે ચિંતાઓમાં બસ સ્ટેન્ડ આવી ગયું.

‘બોન, આ બાંકડે બેહો! અહીં મોટર ઊભી રહેશે.’ એમ કહી અમૃતબાએ, થેલીઓ અને સૂટકેશ બાંકડા પર મુકાવી.

બબલી બાંકડા પર સામાન મૂકી કેડે હાથ દઇ ઊભી રહી, ત્યાં જ તેની નજર ફકીર પર પડી.

તેને જોતાં જ બબલીએ, સુધાને ઇશારો કરી, ધીમેથી કહ્યું : ‘બોન સંગાથ મળી ગયો.’ અને થોડી અલગ બોલાવી ઊમેર્યું : ‘જરા ખટકો રાખી ગોઠવી દે જો હો. મારી પર આટલી દયા કરજો. તેનું ઠેકાણું પડી જાય એટલે કાગળ લખજો.’

બબલીનાં બધાં સૂચનોનો જવાબ : ‘સારું! એમાં વાંધો નહીં આવે.’ એમ કહી સુધાએ આપ્યો.

દસ લાગ્યે મોટર આવી ગઇ.

બબલીના ઇશારા સાથે રસુલ પણ બસમાં ચડી ગયો, તેણે બારણા સામેની સીટમાં જમાવ્યું.

‘આવજે બોન,? જઇને કાગળ લખજે, જેવાં સૂચનો માતા પિતા આપતાં હતાં. જ્યારે બબલી તે જ સુચનો દ્વારા, પોતાના આગળની ઇચ્છા પ્રદર્શિત કરતી હતી.

આમ, મા બાપ દીકરીને વાત્સલ્યભર્યા હૃદયે વિદાય આપતાં હતાં.

જ્યારે બબલી અને રસુલની નજર એકબીજાને ઘણું ઘણું કહેતી હતી.

આંખો અને વાણીની બેઉ દુનિયાઓ નિરાળી છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપવું આજના યુગ માટે સહેલું છે પણ આંખ અને વાણી વચ્ચેનું અંતર કાપવું કઠીન છે.

બસે ઉપડવાની જાહેરાત કરી. એટલે અમૃતબા પોતાની લાડકી દીકરીને આંસુભીની આંખે વિદાય આપતાં બબડ્યાં : ‘બિચારીને કોઇ દિવસ હૈયેથી અળગી કરી નથી. પણ શું થાય?’ એમ કહેતાં આંસુનાં બિંદુઓ, સાલ્લાને છેડે લૂછી નાખ્યાં.

જ્યારે બબલીએ રસુલ સામે જોઇ, તેના દયામણા ચહેરાની દયા ખાતી, ‘આવજો સુધા બેન.’ કહી વિદાય આપી. ત્યાં તો બસ ઉપડી.

બબલીએ ટપકતાં આંસુઓને પાલવથી અટકાવી દીધાં. પણ આંસુ કંઇ એમ અટકે? તેની ધારા તો ચાલુ જ રહી. બબલીએ ઘણો પ્રયત્ન કર્યો. પણ જ્વાળામુખી ઉપર હાથ મૂકી તેને રોક્યો એ જેટલું કઠીન છે. તેટલું જ ઉભરાતા હૃદયને આંસુમાં પ્રગટ થતું અટકાવવું. તે અઘરું અને કઠીન છે. બબલી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

તેને રડતી જોઇ અમૃતબાને થયું કે તેને સુધાનો વિયોગ રડાવે છે. એમ જાણી આશ્વાસન આપ્યું.

આંસુ વહી ગયા પછી હૃદય હળવાશ અનુભવે છે. તેમ બબલીએ શાંતિ અનુભવી.

આખી વાટ તેણે જાણે કોઇ સ્વજન ગુમાવ્યું હોય અને તેનો શોક પાળતી હોય, તેમ પડેલા મુખે ઘેર આવી.

જ્યારે સુધા રસુલને લઇ નડીયાદ આવી પહોંચી. તેણે સીધો જ દિનેશના ઘરનો રસ્તો પકડ્યો.

અગિયાર વાગી ગયા હતા. દિનેશ રાતની પાળીનો ઉજાગરો મટાડવા, ખાઇપીને આરામ કરવાની તૈયારી કરતો હતો. પલંગ પાથરવા તેણે ગાદલું ઉઠાવ્યું, તો સાવ તોળાયેલું. ગાદલું જાણે નિસાસો નાખતું હોય તેમ લાગ્યું : ‘આ જોને બિચારું ગાદલું? તેને સાચવીને રાખનાર, ક્યારે આવશે?’

આમ ભવિષ્યના વિચારોમાં આળોેટતો, નિસાસા સાથે દેહને પલંગમાં નાખી, ઉંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

ત્યાં તો દાદરના પગથિયાંનો અવાજ આવ્યો. તે બારણા તરફ નજર કરે ત્યાંતો બારણામાં સુધા દેખાઇ. પોતે જાણે સ્વપ્ન જોતો હોય તેમ તાકી રહ્યો.

ન ધારેલો પ્રસંગ, સાચે જ પ્રગટ થાય ત્યારે શું બોલવું તેનું ભાન માનવને રહેતું નથી. દિનેશ આવકારના બે શબ્દો પણ ના બોલી શક્યો. સુધા...સુધા રડતું હૃદય, સાચી સુધાને આવકારી ના શક્યું?

તે કંઇક બોલવા જાય. ત્યાં તો કોયલ ટહુકી ઊઠી : ‘દિનેશ શું સામે જોઇ રહ્યો છે? જાણે ઓળખતો જ ના હોય? તું તો સાવ આવો જ રહ્યો એમ કહી રસુલને પલંગ બતાવી, ‘બેસો’ કહી પોતે થેલીઓ અને સૂટકેશ મૂકતા ઊમેર્યું :‘લગ્ન પહેલાં બેબાકળો થાય છે. ત્યારે તો મને લાગે છે લગ્ન પછી ભાન ગુમાવી બેસીશ.’

‘સીધી જ અહીં આવે છે?’ દિનેશે મુખ ખોલ્યું.

‘કેમ, ના આવું એવું ઇચ્છે છે?’

‘ના રે, એવું શું બોલે છે? આ ઘર તારું જ છે ને? એમાં પુછવાનું શું હોય?’ અને રસુલ સામે જોઇ ઉમેર્યું : ‘આ ભાઇ કોણ છે? બેસો, પાણી લાવું.’ એમ કહી રસુલને પાણીનો પ્યાલો આપ્યો.

દિનેશ ચ્હા બનાવવા સ્ટવ સળગાવવા લાગ્યો. તે જોઇ સુધા ઊભી થઇ, પોતે સ્ટવ સળગાવી ચ્હા બનાવવા લાગી.

‘અગિયારની બસમાં આવ્યાં, એમ ને, સુધા?’ દિનેશે ઘડિયાળ સામું જોઇ કહ્યું.

‘હા, આવવાની હતી ગઇ કાલે. પણ જરૂરી કામે રોકાઇ જવું પડ્યું.’

‘શું જરૂરી કામ આવી પડ્યું? પણ એમ કહેને કે મા બાપને છોડવાં ગમતાં નહીં હોય?’

‘એવું કશું નહીં? તોય માતાપિતાનો ખોળો, ઓછો કાયમ રહેવાનો છે? પણ આ ભાઇનું, એક કામ કરવાનું છે.’ રસુલ સામે જોઇ સુધાએ કહ્યું.

‘શું કામ છે? મિલમાં દાખલ કરવાના છે કે કોલેજમાં?’

‘ના એવું નથી. જો સાંભળ. આ ભાઇ મારી બેનપણીના પતિ

છે.’

‘હા, જેમ હું તારો છું તેમ?’ દિનેશ વચ્ચે બોલ્યો.

‘જોઇ છે સાણસી? એક જ પડશે.’ સુધાએ રીસ ચડાવતા કહ્યું.

‘સાણસી મારીને ક્યાં જવાની છું? સાસુ પછી વહુનો વારો

આવશે ત્યારે, સાંબેલું નહીં સંભાળે? સોનીના સો કરતાં, લુહારનો એક જ સીધી દોર કરી નાખશે?’ દિનેશે કહ્યું.

‘એ તો સમય આવ્યો ખબર પડશે કે ઘરમાં કોનું ચાલે છે?’

‘કોનું તે મારું? હંમેશાં પુરૂષનું જ ઘર હોય છે. એમાં કંઇ નવું છે?’

આવી ગમ્મત વચ્ચે, કાગડાને મન હસવું અને દેડકાના પ્રાણ જાય! એવી પરિસ્થિતિ રસુલની થઇ રહી હતી.

બંને પ્રેમીઓ મૂળવાત છોડી, અવળે પાટે ચડી ગયાં હતાં.

પોતાને મન અગત્યની વાત આમ મશ્કરીમાં ઊડતી જોઇ રસુલને દુઃખ થવા લાગ્યું. તેને પોતાનું નસીબ અહીં ગોઠવાય, તેમ લાગ્યું નહીં.

વાત વાતમાં મશ્કરી બોલતો દિનેશ, પોતાની વાતને મશ્કરીમાં ઊડાવી દેશે એમ જાણી તે ગળગળા સાદે વચમાં જ બોલ્યો : ‘દિનેશભાઇ, સુધાબેનની વાત તો, સાંભળો? પછી મશ્કરી કરજો! આટલી વાતથી હું માનું છું કે તમે એકબીજાને ચાહો છો. તમારી વચ્ચે અખૂટ પ્રેમનું ઝરણું વહે છે! એમ સંસારથી જોડાઇએ પણ હું બહુ ગરીબ આદમી છું.! મારી પાસે આજીવિકાનું કોઇ સાધન નથી! એટલે સુધાબેન મને અહીં લાવ્યા છે તે કહે તે મારે કરવાનું છે. માટે મારા પર દયા કરી મને આશરો આપશો, તો ખુદા તમારું ભલું કરજો!’ બોલતાં બોલતાં રસુલનું હૈયું ભરાઇ આવ્યું.

રસુલની કરુણતા જાણી દિનેશ ગંભીર થઇ ગયો. સુધાનું ખીલેલું મુખ પડી ગયું.

તેણે દિનેશ સામે જોઇને કહ્યું : ‘સાચું કહે છે, દિનેશ! આપણે બંનેએ થઇ મદદ કરવાની છે.’

‘કેવી મદદ કરીશું, બોલ?’

‘તેમને એક ચ્હાની લારી કરી આપવાની છે. તેમનું રહેવા જમવાનું તારી ભેગું રાખવાનું છે. થોડા પગભર થશે એટલે મારી બેનપણી ચાલી આવશે, માટે જલ્દીથી આટલી સગવડ કરી આપ. પૈસા હું આપું છું. તારે પણ મદદ કરવી પડશે, સમજ્યો?’ સુધાએ મદદ કરવાની રીત વર્ણવી.

‘કશો વાંધો નહીં, તમતમારે ખુશીથી રહો. હું આજે જ હાથલારી અને બીજો સામાન લાવી દઉં છું. વળી અમારી મિલથી હોટલો દૂર છે. એટલે કારીગરોને મુશ્કેલી પડે છે. માટે શેઠને પૂછી, ત્યાં જ ગોઠવાવી દઉં, પછી કાંઇ વાંધો?’ દિનેશે મદદગાર થવા તૈયારી બતાવી.

‘બહુ સારું! તમને ગમે તે, મને મંજુર છે. તમારો ઉપકાર હું નહીં ભૂલું!’ રસુલ આભાર વશ થઇ ગયો.

પછી ત્રણેયે ચા નાસ્તો કર્યો.

સુધાએ જવાની રજા માંગતાં રસુલ સામે જોઇ કહ્યું : ‘તમ તમારે નિશ્ચિંત થઇ, જીવને કામમાં લગાડજો! હું અવાર નવાર ખબર લેતી રહીશ.’ અને દિનેશ સામે જોઇ ઉમેર્યું. ‘બસ, ત્યારે, દિનેશ. હું જાઉં છું. બધી ગોઠવણ કરી દેજે. પૈસાની જરૂર પડે તો કહેજે. ફરી રવિવારે મળીશ!’ એમ કહી સુધાએ પગ ઉપાડ્યા.

જતી સુધાને, રસુલ એકીટશે જોઇ રહ્યો : ‘કેટલી દયાળુ છે છોકરી? ધન્ય છે એનાં માતા પિતાને કે આવું રત્ન પેદા કર્યું.’

થોડા સમય બાદ રસુલ અને દિનેશ પણ, મિલ તરફ ઊપડ્યા.

‘જુઓ આ અમારી મિલ.’ દિનેશે મિલમાં પ્રવેશ કરતાં કહ્યું.

દિનેશ રસુલને શેઠ પાસે લઇ ગયો.

મિલમાલીકને જોઇ રસુલ સંકોચ અનુભવવા લાગ્યો. બગલાની પાંખ જેવા કપડામાં બિરાજેલા શેઠ સામે, મેલા ઘેલા રસુલને શરમ અને સંકોચ થયાં. શેઠ પૂછે તો જવાબ આપવાની હિંમત પણ જાણે હણાઇ ગઇ હોય, તેમ દિનેશ પાછળ ઊભો રહ્યો.

દિનેશને જોતાં જ શેઠે પૂછ્યું : ‘આવ દિનેશ, કેમ આવવું થયું?’

શેઠના શબ્દો કાને પડતાં, દિનેશે નમશ્કાર કરી સ્મિત કર્યું. ટટાર ઊભા રહી હાથની અદબવાળી, આવવાના કારણની રજુઆત કરતાં બોલ્યો : ‘સાહેબ, આપણી મિલમાં કેન્ટીનના અભાવ બાબતમાં, આપે જે વાત કરી હતી. તે મુજબ આ માણસને લાવ્યો છું. તે પ્રામાણિક અને મહેનતું છે. જો આપની ઇચ્છા હોય તો કેન્ટીન ઊભી કરી તેનું

સંચાલન આ માણસને સોંપીએ. જેથી આપણા કારીગરોનો સમય બચે, ને ચા નાસ્તો મળે.’

શેઠે રસુલના માથાથી પગ સુધી નજર નાખી.

ત્યારે રસુલને પરસેવો છૂટી ગયો. ‘શેઠ શું પૂછશે?’ જેવા વિચારોથી તે ગભરાઇ ગયો.

શેઠનું મુખ ખુલ્યું. તેમાંથી પ્રશ્ન સરી પડ્યો.

‘શું પગાર લેશો?’

આ સાંભળી ઘડીભર, રસુલને ધ્રુજારી આવી ગઇ. ‘શું જવાબ આપું?’ તેણે ધાર્યું હતું કે, દિનેશ લારી કરી આપશે, એટલે પગાર જેવો કોઇ શબ્દ તેના મગજમાં ન હતો.

જ્યારે આતો ઉલટું થયું. છતાં ધ્રુજતા હોઠે બોલ્યો.

‘મા...મા...લીક, પગાર તો આપ જે આપશો તે લઇશ. દયા કરી, પોષાય તેટલો આપજો.’

‘ના, એવું નહીં. પાછળથી રકઝક થાય તે અમને ના પરવડે. અહીં તો ચોખ્ખે ચોખ્ખી વાત.’ શેઠે ચોખવટ કરી.

આ સાંભળી, ડુબતો માણસ, કિનારા પર ઊભેલા તરફ દયામણે ચહેરે જુએ. તેમ રસુલે, દિનેશ તરફ જોયું.

તે જોઇ દિનેશ બોલ્યો : ‘સાહેબ, આપણે હમણાં તેમને માસિક દોઢસો રૂપિયા મહેનતાણું આપીશું. પાછળથી કામ જોઇ, વિચારીશું

બરોબરને?’ ત્રાંસી નજરે રસુલ સામે જોઇ કહ્યું.

‘આપ જે કહો તે, બરાબર છે.’ રસુલે સંમતિ આપી.

‘સારું જાવ. શરૂ કરી દેજો. સાધન સામગ્રીનું બીલ બતાવજો.’

મિલમાલીકે હુંકમ કર્યો.

મોટા માણસની જીભ અને નાના માણસના હાથપગ! તે જ દિવસથી કેન્ટીન શરૂ થઇ ગઇ.

આ વાતની જાણ થતાં, કારીગરોને આનંદ થયો. તેમને સંતોષ

કારક ચા નાસ્તો મળવા લાગ્યો.

કરમની કઠનાઇ તો જુઓ?

ઘાસતેલ વેચતો વહોરો ફકીર બની, પાછો કેન્ટીન લઇ બેસી

ગયો. જેને બોલવાનુંય ભાન ન હતું. તે મધુરા અવાજોથી કારીગરોને આવકારવા લાગ્યો.

ખરેખર સંજોગો માણસને નાનો મોટો બનાવે છે.

પ્રકરણ : ૭

માનવીની ઇચ્છા પ્રમાણે જ્યારે બધું બનતું હોય છે. ત્યારે તે ઘડીભર બધા પૂર્વગ્રહો અને ભૂતકાળની કડવી વાતો ભૂલી જાય છે.

રસુલ સારી રીતે કેન્ટીન ચલાવતો થઇ ગયો હતો.

સુધા અવારનવાર ખબર લેતી હતી. જ્યારે દિનેશ તો સાથે જ હતો.

બધાં એકબીજાના સહકારથી ખુશીમાં દિવસો વિતાવી રહ્યાં હતાં.

જ્યારે બબલી બાબર ભૂવાના જુલમ નીચે દિવસો પસાર કરતી હતી. આવા અપમાન જનક અને દુઃખી જીવનમાંથી મુક્તિ મેળવવા તલપાપડ થઇ રહી હતી. તેનું હૈયું અધીરું બન્યું હતું.

ક્યારે સુધાબેન મને તેડાવશે! સુધાની મહેરબાનીની વરસાદની પેઠે વાટ જોઇ રહી હતી.

પણ એમ કંઇ ઓછી સુધા બોલાવે? કરેલા પાપોનું પ્રાયશ્ચિત થાય, ત્યારે જ કોઇ દિલાસો આપે ને? ત્યાં સુધી પોતાનાં સ્નેહી સંબંધીઓ પણ મોંઢું ફેરવી લે છે.

રસુલને ઘણી વખત મરિયમને લાવી દેવાનો, વિચાર થતો હતો. સુધાને એ બાબતમાં પૂછતો પણ ખરો. પણ સુધા તેમાં ટાઢી નજર બતાવતી હતી. ‘હમણાં નહીં હજુ વાર છે.’ એમ કહી રસુલને વાળતી હતી.

દુઃખની પણ હદ હોય છે? બીજા માટે અનેક દુઃખો સહન કરવાં છતાં, સામેથી દિલાસો ના મળે, તો માણસ અકળાય છે. બબલીથી હવે દુઃખ સહન થતું ન હતું. તેની ધીરજ ખુટી હતી. એટલે કોઇની પાસે સુધા પર કાગળ લખાવ્યો.

બબલીનો કરુણતાભર્યો કાગળ જ્યારે સુધાને મળ્યો ત્યારે તેનું હૈયું વલોવાઇ ગયું! કરુણ સ્થિતિનું ચિત્રણ આંખો સામે ખડું થયું.

ઘડીભર તે વિચારી રહી, ‘રસુલ હજી બરાબર પગભર થાય ત્યારે બબલીને બોલાવવી છે. હજુ તેની પહેલમાં પૂણી છે.’ એમ વિચારી તેણે થોડા દિવસ મુલતવી રાખવા મનોમન નક્કી કર્યું.

તે કાગળની ખબર આપવા, સાંજની શહેરમાં આવી. કેન્ટીનમાં નાસ્તો કરતાં, સુધાએ રસુલનો ભાવ જાણવા પૂછ્યું : ‘કેમ રસુલભાઇ, તમારી મરિયમ યાદ નથી આવતી?’

‘બોન યાદ તો ઘણી આવે છે. પણ શું કરુ? તમારો અનાદર થાય!’

આ સાંભળી સુધા બોલી : ‘ધીરજ રાખો! ધીરજનાં ફળ હંમેશાં મીઠાં હોય છે!’

‘પણ વધારે મીઠાશમાં જીવડાં પડે છે.’ દિનેશ વચ્ચે જ બોલ્યો.

‘સારું તું ડાહ્યો ના થઇશ. તું તારું ગાય છે તારે હજી વાર છે,’ અને રસુલ સામે જોઇ, આગળ કહ્યું : ‘રસુલભાઇ, મરિયમનો કાગળ છે તેમાં અહીં આવવા ઘણા કાલાવાલા કર્યાં છે, અને જવાબ લખવા જણાવ્યું છે.’

‘તે તમે જવાબ લખી દો?’ રસુલે એકી શ્વાસે કહ્યું.

‘ના, હું રવિવારે ઘેર જવાની છું. એટલે ખબર લેતી આવીશ.’ એમ કહી તેણે દિનેશ સામે જોઇ ઉમેર્યું : ‘ચાલ સંગાથ થાય.’ એમ કહી બંને રવાના થયાં.

સુધા અને દિનેશને સાથે જતાં જોઇ, રસુલને કહેવાનું મન થઇ ગયું : ‘ખબર લેતા આવવા કરતાં, તેને જ લેતા આવજો ને?’ પણ તે શરમથી ન બોલી શક્યો. કારણ કે સુધા અને દિનેશના ઋણથી તે નમેલો હતો.

સુધા ત્યાંથી ચાલી ગઇ. એટલે રસુલ પોતાના કામમાં પરોવાયો.

ઘડીભર તેને પણ કહેવાનું મન થઇ ગયું : ‘બેન સાથે હું પણ મરિયમને મળવા જાઉં તો?’ પણ તે મનમાની બેસી રહ્યો.

જુઓ તો ખરા, સ્ત્રીની માયાજાળ? જે રસુલ મરિયમને મારી નાખવા માગતો હતો. તેને જ મેળવવા અધીરો બન્યો. સ્ત્રીને દગાખોર માનનાર જ સ્ત્રીનો સહચાર શોધવા લાગ્યો.

ખરેખર, સ્ત્રી આ જગતનું સર્વસ્વ છે!

જો ધરતી પર સ્ત્રી અવતરે જ નહીં, તો દયા, માયા, પ્રેમ પરાક્રમ, સુંદરતા અને સતીત્વ કોને આશરે જાય? આ બધું સ્ત્રીને આભારી છે.

રસુલનું દિલ મરિયમને ઝંખતું હતું. તે રવિવાર વાગોળતો દિવસો પસાર કરવા લાગ્યો.

કાળનો પ્રવાહ વહેતો ગયો.

સોમ ગયો અને શનિવાર પણ આવી ગયો.

કોલેજ છુટ્યા બાદ સુધા આવી.

રસુલ તેની જ રાહ જોઇને બેઠો હતો. આવતાંની સાથે જ તેણે કપડાંની થેલી આપતાં કહ્યું : ‘લો બેન, આ થેલી મરિયમને આપજો.’

કપડાંની થેલી લેતાં સુધાએ કહ્યું : ‘તે આવે, તો લેતી આવું?’

આ સાંભળી રસુલને કહેવાનું મન થઇ ગયું કે લેતા જ આવજો ને? પણ તેણે મર્યાદામાં રહી જવાબ આપ્યો : ‘તમને યોગ્ય લાગે તેમ કરજો!’

રસુલના દિલની વાત સુધા પામી ગઇ હતી. તેણે ‘સારું’ કહી વિદાય લીધી.

ઉભા પગે દિનેશને મળી સ્ટેન્ડે આવી તેણે બસ પકડી.

બપોરની એક વાગ્યાની બસનો ભોપું બોલ્યો. તરત જ સુધાને લેવા આવેલા, માતાપિતા અને બબલી ઊભાં થઇ ગયા.

સુધા નીચે ઊતરી તરત જ અમૃતબાએ પુછ્યું : ‘બહુ મોડું કર્યું બોન કાગળમાં તો વહેલા આવવાનું લખ્યું હતું?’

માતાના સવાલનો જવાબ આપતી સુધા બોલી : ‘બા, ઘણીય વહેલી નીકળી હતી. પણ આ બસોમાં ધમાલ જો ને? પરાણે બસ મળી.’

દીકરીના જવાબમાં અનુમતિમાં, રામજી પટેલ બોલ્યાં : ‘આજકાલ બસોમાં બહુ જ ધમાલ રહે છે. સરકાર આટલી બધી બસો દોડાવે છે તોય ગજબ..........’

ત્યાં તો ડોસુ રાવળ હાંફતો આવી બોલ્યો : ‘બાપુ, ગજબ થઇ ગયો?’

‘શું થયું? સીધે સીધો ભસને?’ રામજી પટેલે, હવાલદારને છણક્યો કર્યો.

‘અરે બાપુ? તમારા ફળિયામાં મોટરવાળા આવીને, આખું ફળિયું આંતરીને બેઠા છે. ઘરોમાં પેસીને કંઇક તપાસે છે!’ ડોસુ રાવળ એક શ્વાસે બોલી ગયો.

આ સાંભળી રામજી પટેલે : ‘તમે ધીમે ધીમે આવો, હું જાઉં તો ખરો, શું બીના છે?’ એમ કહી મુખ્ય માર્ગ છોડી સુંસરા ચાલ્યા.

ફળિયામાં આવીને જુએ, તો ખરેખર સિપાઇઓ ફળિયુ ઘેરી બેઠા હતા. કોઇને પૂછ્યા સિવાય આમતેમ કંઇક તપાસી રહ્યા હતાં.

સિપાઇઓની આવી હિલચાલ જોઇ એક સિપાઇને પૂછ્યું : ‘ભાઇ શી ધમાલ છે? કંઇક કહો તો સમજણ પડે!’

‘કાકા કહેવા જેવી વાત નથી! નહીં તો વાત બગડી જાય તેમ છે. અમે ભાવનગરના સિપાઇઓ છીએ! કેપ્ટન જેવાએ જવાબ આપ્યો.’

આટલી વાત થઇ ત્યાં તો સામેથી બેત્રણ સિપાઇઓ બાબર ભૂવાને પકડી, ફટકારતા ઘસડી લાવતા દેખાયા.

આ જોઇ રામજી પટેલ દુઃખ અને નવાઇ સાથે, એકદમ બોલી ઊઠ્યા : ‘અરે, ભલા માણસ? આ તો બાબર ભૂવો છે? એને વગર વાંકે શું કામ રંજાડો છો? જરા માણસ તો ઓળખો!’

આ સાંભળી કેપ્ટન ઊંચા સાદે બોલ્યો : ‘કાકા, આ તો આમારા ભાવનગરનો વાઘરી છે? ઠાકોરના મહેલમાં ચોરી કરી ભાગી આવ્યો છે. તેણે તો ઠાકોરની પુત્રીનું ખૂન પણ કર્યું છે? એટલે સાલો હવે જીવતો નહીં રહે? કેટલાય વરસથી છૂપી તપાસ ચાલતી હતી. એનો બાપ તો હાથ ના લાગ્યો. નહીં તો બંનેની આ જ દશા હતી. આ સાલા વાઘરાની હવે માઠી દશા થશે?’ એટલું કહેતાંમાં તો બાબરને જીપકારમાં ધકેલી દેવામાં આવ્યો.

કેપ્ટન ડ્રાઇવર પાસે બેસતાં બોલ્યો : ‘લ્યો, આવજો ગ્રામજનો? અમારા ચોરને સંઘર્યો તે બદલ આભાર?’ અને બાબર ઉપર નજર કરતાં ઊમેર્યું : ‘આવા ચંડાળ વાઘરાઓથી ચેતતા રહેજો! એમની ચાલાકીમાં ફસાઇ ન જતા?’ અને હાથ ઊંચો કરી વિદાય લીધી.

ત્યારે બબલીએ સુધા સાથે ફળિયામાં પ્રવેશ કર્યો.

દર વખતે સુધા આવતી હતી, ત્યારે ફળિયાનાં બધાં મીઠા હાસ્યથી આવકારતાં હતાં. પણ આજની પરિસ્થિતિ જુદી જ દેખાઇ. બધાં ટોળે થઇ, છુપી વાતો કરતાં હતાં. બધાંના મુખ પર ભયની લાગણી હતી. આખું ફળિયું શોકાતુર બની ગૂપચૂપ વાતો કરતું હતું.

સુધા અને અમૃતબા સાથે, બબલીને જોઇ, એકે તો કહી પણ નાખ્યું : ‘બબલી, તારા ભૂવાને સિપાઇઓ પકડી ગયા!’

આ સાંભળી બબલીને દુઃખને બદલે આનંદ થયો. પણ, લોકલાજે તે આનંદને દાબી દઇ, જાણે અપાર દુુઃખ થયું હોય તેમ ફળિયા વચ્ચે જ બેસી પડી, ને મોટેથી રડવા લાગી.

બબલીને રડતી જોઇ, પોચા હૃદયનાં ઘણાં બૈરાં રડી પડ્યાં.

તમાસાને તેડું હોય? ઘડીમાં આખું ગામ ઊમટી આવ્યું.

બધા આશ્વાસન આપવા લાગ્યાં. કેટલાક દયા બતાવતા, તો કેટલાક હિંમત આપતા, તો કેટલાક પોતાનું ગાતા હતા. આમ દરેક જણ, પોતાની આગવી ફિલોસોફીથી, દિલાસો આપવા લાગ્યાં.

અમૃતબા તેને ઊભી કરી ઘેર લઇ ગયાં. તેને છાની રાખવા પ્રયત્ન કરવા લાગ્યાં. પણ, બબલી રડ્યે જ જતી હતી.

સુધાએ તેને કોઇ સાંભળે નહીં તેમ ધીમે રહી દિલાસો આપ્યો. તેનું રુદન બંધ પડ્યું.

બબલીને શાંત પડેલી જોઇ, બધાં ટોળે વળી પૂછવા લાગ્યાં.

સૌ પ્રથમ જ અમૃતબાએ જ અધીરાં થઇ પૂછ્યું : ‘બબલી, ઠાકોરના મહેલમાં ચોરી કરી, એ તો શું જાણતી જ હશે ને?’

આ સાંભળી બબલી, અજાણતાં દર્શાવતાં બોલી : ‘ના કાકી. હું એકનું બેય જાણતી નથી? મને કોઇ દિવસ વાત કરી હોય, ત્યારે જાણું ને? આ તો વાજતે ગાજતે માંડવે આવ્યું ત્યારે જાણ્યું કે આ વરરાજાએ ચોરી કરી છે. મૂઆએ એનું કાળું કર્યું. પણ મારું શું? હું કોને આશરે રહીશ? આ તો છતા ધણીએ રાંડી! આના કરતાં તો મરી ગયો હોત તો સારું. જેથી મને રાંડેલી જાણી કોઇક દયા બતાવત? આ તો આશરો આપતાંય કોઇક વિચાર કરે તેવું કર્યું!’ બબલીએ આજ સુધીની, બધી આગ ઠાલવી નાખી.

તેનાથી અમૃતબા લાગણીશીલ થતાં બોલ્યા : ‘કાંઇ નહીં બોન? એમાં શું ગભરાય છે? અમે છીએ ત્યાં સુધી તને દુઃખ નહીં પડવા દઇએ. આ પેલું ઘર છે. જીવું ત્યાં સુધી વાપરજે. અમારે ઓછું લઇ લેવું છે?’

બધાં વિખરાઇ ગયાં. એટલે બબલીએ સંતોષનો દમ લીધો. શિકારીના પંજામાંથી શિકાર છુટી જઇ સંતોષ અનુભવે એટલો સંતોષ બબલીએ અનુભવ્યો.

તે અમૃતબાનાં ઢોરોનું વાસીદું ભરવા મંડી પડી.

બાબર ભૂવાને પકડી ગયાની વાત, ગામમાં વાયુવેગે પ્રસરી ગઇ. લોકો ટોળે વળી અનેક પ્રકારની વાતો કરવા લાગ્યા.

કોઇ ખુશ થયું, પણ કેપ્ટને ઉચ્ચારેલ શબ્દો બધાને કાંટાની માફક ખૂંચવા લાગ્યાં.

‘આ તો અમારા ભાવનગરનો વાઘરી ચોરી કરી ભાગેલો છે.’

આવું યાદ આવતાં બધા તેને ધુત્કારવા લાગ્યાં : ‘જોયું ને? મારો સાલો વાઘરો, જાત છુપાવી ગામને અભડાવી માર્યું? પણ ભાઇ, પાપ છુપું રહેતું હશે એ તો મોભારે ચડી પોકારે?’

જ્યારે કોઇ રામજી પટેલને વગોવતું હતું : ‘હું રામજી કાકાને કહેતો હતો કે રામજી કાકા જો જો હોં? આ કોઇ હલકું કુળ છે? એનો વિશ્વાસ ના કરતા. પણ રામજી કાકા માને? એ જાણે તો ઠાકોર માની, ગામમાં ઘાલ્યો તે ઘાલ્યો. પણ ઘરમાંય ઘાલ્યો. ત્યારે વખાણી ખીચડી દાંતે વળગી. જોયું ને? ક્યાંનું ક્યાં જઇ નીકળ્યું? આ જમાનામાં તો કોઇનો વિશ્વાસ ના કરાય!’

આમ પાંચ તેને ધુતકારતા હતાં, તો પાંચ વખાણતા પણ હતા.

‘જોયું તે ઠાકોર સરખાના આંખમાં ધૂળ નાખી, અહીં ભાગી આવ્યો? તેમાંય જાત છુપાવી, કેવો ગામમાં પેસી ગયો? કામરૂદેશમાંથી વહુ લાવ્યો? ખોડિયારને નામે ચરી ખાધું! આખા ગામની આંખોમાં ધૂળ નાખી, વાઘરું કમાલ કરી ગયું?’

‘ત્યારે ભાઇ, ચાલાકી આનું નામ! બુદ્ધિ કંઇ કોઇના બાપની છે?’

ગોળાને મોંઢે ગરણું હોય, પણ ગામે લોકોના મોંઢા પર ઓછું મુકાય છે?

બધા બાબર ભૂવાની ચિંતા મૂકી, બબલીની ચિંતા કરવા લાગ્યાં. તેમાં ખાસ તો કુંવારા રાંડેલા અને કામી લોકોને મન આ બાબત વધારે અગત્યની હતી.

‘અલ્યા, ભૂવો ગયો પણ એની બબલી ક્યાં જશે? તેને તો કોઇનું ઘર માંડવું પડશે ને?’

‘કાળીયો કુંવારો છે. અલ્યા, એનું બેડું બેસાડી દો, બિચારો રોટલા ભેગો તો થાય. નહીં તો તેને કોઇ છોડી આપે તેમ લાગતું નથી. ના મામા કરતાં કહોણો મામો શું ખોટો?’

આ સાંભળી કોળિયો જાણે બબલીને પરણી જ ગયો હોય તેવા ભાવ સાથે બોલતો : ‘વળી, એવી નાતજાત વગરની કોણ રાખે?’

‘અલ્યા, તારે વળી નાતજાતનું શું કામ છે? તારે તો કામ સાથે કામ છે ને? પાડાપાડીનો શો મેળ. તું તારે દૂધ ખાધે રાખને?’

ત્યારે કોઇ વળી, રમતું રાંડેલા પર પસંદગી ઉતારતું : ‘વિચારોની ચાર ચાર છોકરાં મૂકી તેની વહુ મરી ગઇ છે. તેનું ઘર મંડાવો! બાકી તેનું ઘર માંડવા કોઇ આવે તેવું લાગતું નથી. બીજું શું છોકરાં તો મોટા કરશે?’

આમ અનેક પ્રકારની વાતો થતી હતી. ત્યારે બબલી જુદા જ મિજાજમાં હતી. લોકોને તેની ચિંતા હતી. પણ એને કોઇની પડી ન હતી. તેના હૈયાનો આનંદ પૂરજોશમાં ઉછાળા લેતો હતો. ‘સારું થયું ભગવાન! દુઃખના દરિયામાંથી છૂટી. નહીં તો ખોટા રૂપિયા જેવું જીવન જીવવું પડત.’ જાણી તે હળવી ફૂલ જેવી બની ગઇ હતી.

તેણે સુધાને પણ શરમ રાખ્યા સિવાય કહી દીધું : ‘હું તમારી સાથે જ આવવાની છું! અહીં મારે રહેવું નથી.’

સુધાને પણ આ સમય યોગ્ય લાગ્યો હતો. એટલે તેણે દિનેશ અને રસુલને જણાવી દીધું.

પોતે બે દિવસ વધારે રોકાઇ ગઇ.

બે ત્રણ દિવસ વિત્યા એટલે સુધાએ જાણ્યું કે હવે વાતાવરણ શાંત પડી ગયું છે.

તેણે સાંજનું ભોજન પતાવી, અમૃતબાને કાને વાત નાખી.

‘બા, હું કાલે જવાની છું. પરીક્ષા નજીક હોવાથી રોકાવું નથી પણ એકવાત કહું?’

‘શી વાત કહેવી છે? તારે વળી ખાનગી વાત સંઘરી રાખવી પડે છે? બોલ શું છે?’ અમૃતબાએ, વાત સાંભળવા ઇચ્છા દર્શાવી.

‘બા, આ બબલીની વાતો શું થાય છે. તે તું જાણે છે?’

‘હા, તારા બાપુ કહેતા હતા કે તે હલકા કુળની છે.’

બાપુ એકલા નહીં. આખું ગામ કહે છે. તેમાંય આપણો દોષ નીકળે છે. લોકો કહે છે કે ‘વાઘરીને ગામમાં તો ઘાલ્યો પણ ઘરમાંય ઘાલ્યો. અને આખું ગામ અભડાવી માર્યું.’ સુધાએ સમય પારખ્યો.

પણ હવે શું થાય? થવાનું હતું તે થઇ ગયું? હવે કશું વરવાનું નથી! અમૃતબાએ મજબૂરી બતાવી.

આ સાંભળી સુધાએ જાણ્યું કે પોતાનું તીર વાગે તેમ લાગે છે. એટલે તેણે બાને સમજાવવા માંડ્યું : ‘બા, આપણા આબરૂદાર ઘરની આવી વાતો થાય તો સારું ના કહેવાય? આજે ગામમાં થાય છે ને કાલે પરગામ થશે. એટલે આનો કોઇ ઉપાય કરો!’

‘તારી વાત સાચી છે. પણ એ બિચારીને કાઢીયે મૂકાય? તો બિચારી ક્યાં જાય?’ અમૃતબાએ મૂંઝવણ બતાવી.

‘હું પણ એ જ કહું છું. આનો એક ઉપાય છે. જો તું માને તો?’ સુધાએ યુક્તિ વાપરી કહ્યું.

‘તારી કયી વાત માની નથી? બોલ, ઉપાય બતાવ! તેનો ફેંસલો થઇ જાય!’ અમૃતબાએ ઉતાવળ બતાવી.

‘અમારી છાત્રાલયમાં એક કામવાળી જોઇએ છીએ. જોતું કહેતી હોય, તો ત્યાં ગોઠવી દઉં?’ સુધાએ ઉપાય બતાવ્યો.

‘એમાં હું શું કહેવાની છું? જા, તેને તારી સાથે જ લઇ જા. સોટી ભાગે નહીંને સાપ મરે? ત્યાં તાલ ના પડે તો ગમે ત્યાં ગોઠવાવી દે જે. પછી અમે પણ લોકોના વગોણામાંથી છૂટીએ!’ અમૃતબાએ સંમતિ આપી.

‘પણ મારા બાપુ માનશે?’

‘અરે, ના કેમ માને? હું કહીશ! એની તારે ચિંતા કરવાની નહીં?’

એટલામાં રામજીપટેલે બળદ માટે ઘાસ લેવા, ઓસરીમાં પગ મૂક્યો. તેમને જોઇ અમૃતબાએ કહ્યું : ‘એય, અહીં આવો? વાત કહું? આ બબલીને સુધા સાથે કાલે મોકલી દો. ત્યાં એની ગોઠવણ કરી દેશે. નકામું આપણે લોકોનું સાંભળવું પડે?’

‘હા બાપુ? હું તેની ગોઠવણ કરી દઇશ. જેથી આપનું વગોણું થતું અટકે?’ સુધાએ સાથ આપ્યો.

‘એમ કરો? જાઉં ત્યારે લેતી જજે.’ એમ કહી રામજી પટેલ બહાર નીકળી ગયા.

સુધાની વાતનો છેદ મીંડેમાંડું ઊડી જાય એટલી સહેલાઇથી ઊડી ગયો. તેથી આનંદ અનુભવતી બબલીને ખબર આપવા ગઇ.

સુધાએ બબલીને જ્યારે આ વાત કરી. ત્યારે તો જાણે નવું જીવન મળ્યું હોય તેમ સુધાને ભેટી પડી. ને તેને ઊંચકીને ફુદરડી પણ ખવરાવી દીધી.

બીજા દિવસની સોનેરી સવાર, અવનવા આનંદ સાથે આવી પહોંચી.

નવ વાગ્યે જમી પરવારી સુધા અને બબલી તૈયાર થઇ ગયાં. ઘર વખરી રામજી પટેલના ઘરમાં મૂકી, ચાવી તેમને સોંપી દીધી.

દસની બસ પકડવા સ્ટેન્ડ તરફ ચાલ્યાં. સાથે રામજી પટેલ અને અમૃતબા હતાં. નાનો ગોવિંદ પણ આજે સામેલ થઇ ગયો હતો.

સુધા સાથે બબલીને જતી જોઇ ગામ લોકો નવાઇ પામવા લાગ્યા.

કામીઓની કામવાસના મરી પરવારી. રાંડેલાઓનું ઘર માંડ્યા વગર રહી ગયા. કુંવારા માટે જાણે કન્યાઓની અછત ઊભી થઇ?

બધાને હાથ તાળી આપી ચાલી જતી હોય તેમ બબલી ગર્વથી ચાલી રહી હતી. જે ગામે આશરો આપ્યો. તેને છોડતાં દુઃખ તો થતું હતું. તે જીવનની રહી સહી યાદો મૂકી જતી હતી. આ બધાં દુઃખોમાં, રસુલના સહવાસની આશા, સુખ ઉપજાવતી હતી.

સ્ટેશન આવતાં જ તેને રસુલની યાદ તાજી થઇ.

રસુલ ગયો હતો તે જ દિવસ, તે જ વાર. તે જ સમય. તે જ બસ, વળાવનારાં પણ એ જ, લઇ જતી સુધા પણ એ જ, તેમાંય જાણે અધુરામાં પૂરુ બસ આવી ત્યારે રસુલ બેઠો હતો તે જ સીટમાં બબલી ગોઠવાઇ ગઇ.

મા જેવાં અમૃતબાએ આંસુથી બંનેને વિદાય આપી.

થોડીવારમાં આંચકાખાતું એન્જિન બંનેને લઇ ઊપડ્યું.

‘ચાલ અલી, ઊતર? નડીયાદ આવ્યું.’ સીટ પરથી ઊભી થતાં સુધાએ કહ્યું. ત્યારે બબલી વિચારોની ઊંઘમાંથી ઊઠી, ઊભી થઇ. બંનેએ દિનેશના ઘરનો રસ્તો પકડ્યો.

શહેરની ધમાલ જોઇ બબલીને થયું કે આટલા બધાં માણસો ‘ક્યાંથી આવ્યા? ક્યાં જતા હશે?’

‘માનવ કતારો અહીં અટકશે, ત્યાં અટકશે.’ વિચારતી તે સુધાની પાછળ પાછળ ચાલી જતી હતી.

પણ ભીડનો અંત આવે તે પહેલાં સુધા અટકી. તે ઊભી રહા બબડી : ‘અલી, આપણે ઘેર જઇએ પણ નહીં મળે? ચાલ, મિલમાં જ જઇએ. બેમાંથી એક તો મળશે જ?’ એમ કરી સુધાએ રસ્તો બદલ્યો.

સુધાનો આ વિચાર બબલીને ગમ્યો. તેને જે જોઇતું હતું, તે જેને ઝંખતી હતી, તેના સાનિધ્યમાં સીધાં જ જવાનું થતાં તે બોલી : ‘સુધાબેન, રસુલ ત્યાં હશે?’

‘હા, હા, રસુલની કેન્ટીન ત્યાં જ છે. બંને ત્યાં જ મળશે.’ સુધાએ તેની શંકાનું નિવારણ કર્યું.

સુધાની પાછળ અવનવાં સ્વપ્નો રચતી, શહેરની રોનક નિહાળતી બબલી, મિલ નજીક આવી પહોંચી.

મિલ દેખાઇ એટલે સુધાએ કહ્યું : ‘જે પેલી દેખાય છે તે મિલ છે. અને આંગળી લાંબી કરી ઊમેર્યું તેની જોડે, દરવાજા સામે કેન્ટીન દેખાય છે. તે રસુલની છે. અને જો પેલો...’

કહેતાં કહેતામાં તો રસુલનો અવાજ આવ્યો : ‘ગરમ ચ્હા? ગરમા ગરમ ભજીયાં, ફાફડા?’

તે સાંભળી સુધાએ કહ્યું : ‘એ બોલે છે તે જ રસુલ, ઓળખ્યો?’ બબલી ઝીણી નજરે જોવા લાગી. પણ રસુલ ના ઓળખાયો, છતાં તે બોલ્યા ચાલ્યા વગર ચાલતી જ રહી.

તેઓ મિલ પાસે આવી પહોંચ્યાં.

સુધા અને મરિયમને આવતાં જોઇ દૂરથી જ રસુલે હસી આવકાર્યા. સુધાની હાજરીમાં તેણે મરિયમને બોલાવીને ના આવકારી પણ આંખોથી જરૂર આવકારી.

જ્યાં અખંડ પ્રેમની જ્યોત હોય? એક દિલ બીજા દિલને પોકારતું હોય? તેને વાણી રૂપી આવકારવાની શી જરૂર? સાચા દિલના સ્વાગત જેવું, બીજું શું હોય?

મરિયમ સુધા સાથે જ જોડેની ખુરશીમાં ગોઠવાઇ ગઇ. રસુલે પાણી આપ્યું તે પીતાં પીતાં જ સુધાએ પુછ્યું : ‘દિનેશ અહીં છે, કે ઘેર?’

‘અહીં જ છે. હમણા જ ચ્હા પીને ગયા. તમે થોડાંક મોડાં પડ્યાં. નહીં તો ભેટો થઇ જાત?’ પાણીના ગ્લાસ પાછા લેતાં, રસુલે જવાબ આપ્યો.

‘કેમ, એની પાળી, રાતની નથી?’ સુધાએ અચાનક યાદ આવતાં પૂછ્યું.

‘ના, પહેલી તારીખથી દિવસની થઇ ગઇ છે. તમે ગયાં ને, બીજા જ દિવસે.’ રસુલે યાદ આવતાં કહ્યું.

‘તો હવે ક્યારે છુટશે?’ સુધાએ અકળામણ અનુભવી.

‘હવે તોતે પાંચ વાગ્યે? પણ તમારે જરૂરી કામ હોય તો બોલાવી લાવું?’ રસુલે ચિંતાનું નિવારણ કર્યું.

‘તો જાવને? પાંચ મિનિટ મળી જાય? મારું નામ દેજો.’ સુધાએ બોલાવી લાવવા કહ્યું.

તરત જ રસુલ બંનેને ચ્હા આપી અંદર ગયો.

દિનેશ પોતાના કામમાં મગ્ન હતો, તેણે રસુલને જોઇ પૂછ્યું : ‘રસુલ કેમ આવવું પડ્યું?’

‘બહાર સુધા બેન તમને બોલાવે છે!’ રસુલે સંદેશો કહ્યો.

‘એકલી છે, કે કોઇને લાવી છે?’ દિનેશે ઊંધું ઘાલીને પૂછ્યું.

આ સવાલનો જવાબ આપતાં જાણે રસુલ શરમાયો? તેણે સ્મિત કરીને જ હકારની લાગણી દર્શાવી.

આ જોઇ દિનેશ બહાર આવ્યો.

કેન્ટીનમાં આવી જોયું, તો સુધા જોડે બીજી સ્ત્રી મૂર્તી દેખાઇ. તે તરત જ સમજી ગયો. એટલે ઓળખાણ કરવાની જરૂર ન પડી. છતાં વ્યવહારું દ્રષ્ટિથી તે બોલ્યો : ‘કેમ સુધા? બારોબાર આવતાં લાગો છો?’

‘હા, ઘેર જતાં હતાં. પણ વિચાર આવ્યો કે તું નહીં મળે? એટલે અહીં બેમાંથી એક તો મલો જ? એમજાણી સીધાં અહીં આવ્યાં.’

‘સારું કર્યું? પહેલીથી મારી પાળી દિવસના થઇ છે.’ એમ કહી મરિયમ સામે જોઇ ઊમેર્યું : ‘આ બેન, એ જ ને? જેની તું વાત કરતી હતી?’

‘હા, એ રસુલભાઇની પત્ની છે? તેને સાથે લાવી છું.’ સુધાએ ઓળખાણ આપી.

‘સારું તો લે ચાવી? રૂમ પર રસોઇ બનાવી જમી લેજો. હું પાંચ વાગ્યે આવું છું.’ એમ કહી દિનેશે ચાવી આપી.

ચાવી આપી દિનેશ મિલમાં ચાલ્યો ગયો.

તરત જ સુધાએ રસુલ સામે જોઇ કહ્યું : ‘રસુલભાઇ, અમે જઇએ છીએ. સાંજના વેળાસર આવજો? હજુ ઘણું કામ છે.’ એમ કહી બંને ઊઠ્યાં.

અનેક રળિયામણી અને ભપકાદાર દૂકાનો નિહાળતાં બંને રૂમ પર આવી પહોંચ્યા.

રૂમની સફાઇ કરી. સુધાએ રસોઇ બનાવી. બંનેએ જમી લીધું. અને સાંજની માથાકુટ ન કરવી પડે એટલે, રસુલ અને દિનેશ માટે રસોઇ રાખી મૂકી. બંને વાતોએ વળી.

પાંચ વાગ્યે દિનેશની ફરજ પૂરી થઇ. એટલે તેણે સીધા જ કેન્ટીને આવી ચ્હા પીધી.

‘રસુલ તું આવ, હું જાઉં છું?’ એમ કહી ઘર ભણી ચાલ્યો.

દિનેશ રૂમ પર આવ્યો ત્યારે રસોઇ તૈયાર જ હતી. તેણે જમી લીધું.

થોડીવાર રહી તે બોલ્યો : ‘સુધા, તમે બેસો હું ઘર માટે જતો આવું.’

‘કેટલે દૂર છે?’ હમણાં જ આવું છું? એમ કહી દિનેશે પગ ઉપાડ્યા.

ત્યાં જ રસુલ આવી પહોંચ્યો. ‘લે, રસુલ પણ આવી ગયો.’ એમ કહી તે થોભ્યો.

રસુલને આવેલો જોઇ સુધા બોલી : ‘હું અને દિનેશ બંને ઘર જોતા આવીએ. તું રસુલને જમાડજે.’ એમ કહી બંને નીકળી પડ્યાં.

રસુલ અને મરિયમ એકલાં પડ્યાં.

બંનેની વચ્ચે મૌન છવાયું?

પણ સુધા અને દિનેશ હમણાં આવી જશે, એમ જાણી, મરિયમ બોલી : ‘ચાલો જમી લ્યો ને? ભૂખ લાગી નથી?’

અનાજની જરૂર જ ન પડે? ચાલો ઊઠો?’ કહી મરિયમે રસુલનો હાથ પકડ્યો.

મરિયમનો સ્પર્શ થતાં જ, રસુલનું હૈયું ધડકી ઊઠ્યું! દિલમાં ગલી પચી જાગી! વીજળીનો પ્રવાહ ખેંચે, તેમ મરિયમને ખેંચી, ચુંબનોથી નવરાવી નાખી.

‘કોઇ આવી જશે?’ કહી મરિયમ છટકવા પ્રયત્ન કરવા લાગી.

‘એમાં કોઇને શું? પોતાનું છે. પારકું થોડું છે?’ રસુલે ચોખવટ કરી.

‘છાનામાના જમી લ્યો? હમણાં પેલા આવશે?’ મરિયમે શંકા

બતાવી.

તે સાંભળી રસુલ ઊભો થઇ ગયો.

બંને જીવો આનંદથી જમવા લાગ્યાં.

એટલામાં દિનેશ અને સુધા આવી પહોંચ્યા.

આવતાની સાથે જ, ઘર મળી ગયાની વધામણી આપી.

‘અત્યારે જ જવાનું છે. બીજો ભાડુત આવી પહોંચશે, તો ઘર

નહીં મળે?’ દિનેશે પરિસ્થિતિ જણાવી.

‘અમારે લેવાય શું જવાનું છે. થોડો સામાન? બીજી જરૂરી ચીજો ખરીદી લઇશું?’ એમ કહી રસુલે હાથલારી મંગાવી.

ચારે જણ, નવા ભાડુતી મકાન તરફ ઉપડ્યાં.

નવા મકાનમાં સામાન ઉતારી દિનેશે મકાન માલીક સાથે ઓળખાણ કરાવી.

‘બસ ત્યારે રસુલ? અમે જઇએ છીએ. કામકાજ કહેતો રહેજે.’ એમ કહી સુધા, દિનેશે રજા લીધી.

બંનેના ગયા પછી, રસુલ અને મરિયમને એમનો નવજીવન માળો, સજાવવા લાગ્યા.

સંધ્યાનો સમય હતો. માનવો ઘેર જવા આતુર જણાતા હતા. વીજળીના થાંભલા પર લાઇટો અને સાથે સાથે સડકો પણ હસી રહી હતી. ને એ હસતી સડકોના ભીડમાં સુધા અને દિનેશ ચૂપચાપ ચાલી રહ્યાં હતાં.

દિનેશની રૂમ તરફ જવાનો વળાંક આવ્યો, એટલે સુધા બોલીઃ ‘બસ ત્યારે, દિનેશ જા, હું પણ જાઉં છું?’

‘બહુ ઉતાવળ છે? ચાલને જવાય છે?’

‘ના, મારે હજુ ઘણું કામ છે. પરીક્ષાનું કશું વંચાતું નથી. વળી, કોલેજ ગયે આજે ત્રણ દિવસ થઇ ગયા. માટે હું નહીં રોકાવ!’ એમ કહી સુધાએ હોસ્ટેલ તરફ પગ ઉપાડ્યા.

‘ચાલને હવે? ડાહી થયા વગર?’ એમ કહી દિનેશે, સુધાનો હાથ પકડી, પાછી ખેંચી.

દિનેશનું આવું વર્તન સુધાને ન ગમ્યું પણ શું કરે?

બીકનું માર્યું પારેવું અને લાજની મારી યૌવના આંખો જ મીચીં જવાનું. સુધાએ લોકલાજથી છુટવા નમતું નાખ્યું.

રૂમ પર જઇ કપડાં બદલતાં દિનેશે કહ્યું : ‘સુધા, અત્યારે હવે કોણ જાય છે? સવારમાં જતી રહેજે ને?’

‘ના રે ના? મારે ઘણું કામ છે? મારાથી રોકાવાય તેમ નથી!’ એમ કહી સુધા પાછી ઊભી થઇ. તેનું દિલ ફફડાટ અનુભવી રહ્યું હતું.

દિનેશે તેનો હાથ પકડી નીચે બેસાડતાં કહ્યું : ‘લેં, જા! જોઉં તો ખરો તું કેવી જાય છે?’

‘તું મને ઝાલી રાખીશ કે બાંધી રાખીશ, પણ હું આજે રોકાવાની નથી! સમજ્યો? બહુમાં ઝાઝી મજા નથી?’ ગભરાતા હૃદયે સુધાએ કહ્યું.

સુધાનો દ્રઢ નિશ્ચય જોઇ દિનેશે બારણું બંધ કર્યું. આ જોઇ સુધા વધારે ગભરાઇ. તે બારણું ઉઘાડવા ગઇ. પણ તે પહેલાં દિનેશના બાહુઓએ તેને જકડી લીધી.

સુધાના હૃદયના ધબકારા વધી ગયા? તેનું શરીર ધ્રુજી ઊઠ્યું! તે થોથરાતી જીભે બોલી : ‘દિનેશ સીધો રહે એક વાત કહું.’

‘શું વાત છે? જે હોય તે જલ્દી કહી દે, પણ આજે તો તને નહીં જ જવા દઉં! એટલું સમજી લેજે?’ દિનેશે કહ્યું.

‘મેં તને એક વખત કહ્યું હતું તે યાદ છે?’

‘મને તો કશું યાદ નથી. જેવું હોય તેવું કહી નાખ ને?’

‘પહેલી વખત રોકાઇ ત્યારે શું કહ્યું હતું?’

‘કહું છું કેે મને યાદ નથી. એમ કરી છુટવાના બહાના કાઢે છે. પણ આજે શિકાર છુટવાનો નથી. સમજી? તારે રાતના ના રોકાવું હોય તો ના રોકાઇશ. પણ આટલું તો...’કહેતાં દિનેશે આંખનો ચાળો કર્યો. દિનેશ હવે પુરી ઘેલછામાં આવી ગયો હતો.

તે જોઇ સુધાએ કહ્યું : ‘તું ભડકી, તો નહીં જાય ને?’

‘હું કુદરત સિવાય કોઇથી ભડકતો નથી?’

‘જુઠ્ઠું તો નહીં બોલું ને?’

‘ના,ના, સુધા એટલો વિશ્વાસ નથી? હું એવો લાગું છું? જે હોય તે કહી દે. નકામો સમય બગાડે છે.’ દિનેશ ઉતાવળો બન્યો.

‘મેં તને કહેલું કે, આજની રાત દુઃખ ઉપજાવનારી બની રહેશે?’

‘હા, બરાબર કહેલું! પણ મને એમાં કશું દુઃખ દેખાતું નથી.

તને દેખાય છે?’

‘એ રાતે આપણને ચિંતા કરતાં બનાવ્યાં છે?’

‘એટલે?’

‘એટલે કે હું મા બનવાની છું? તારું લોહી મારા પંડમાં ઉછરી

રહ્યું છે! હું બે જીવી છું?’ સુધાએ એકી શ્વાસે કહી દીધું.

આ સાંભળી દિનેશ હેબતાઇ ગયો. તેના લોહીના ધબકારા વધી ગયા. સુધાના દેહને અળગો કરી, નવાઇ સાથે બોલ્યો : ‘તું સાચું

બોલે છે? કેટલો વખત થયો?’

‘મને શું પૂછે છે? તું જ કહે ને?’

ગણતરી કરતો દિનેશ બોલ્યો : ‘ઓગષ્ટ, સપ્ટેમ્બર અને આ

ઓક્ટોબર, ત્રણ મહિના?’

‘હા, ત્રણ મહિના પૂરા.’

‘ઓ હો? સુધા તેં આ શું કર્યું? મને આજ સુધી જણાવ્યું પણ

નહીં?’

‘તે, આ જણાવ્યું? વહેલું મોડું તારે જાણવું જ હતું ને?’ સુધાએ નિશ્ચય ભાવે કહ્યું.

‘પણ તારે વહેલું કહેવું હતું ને? એનો કોઇ રસ્તો થાત!’

‘શું રસ્તો થાત? ગર્ભપાત કરાવત? એમ ને?’

‘હા, હા, પરણ્યા પહેલાં આ પરિસ્થિતિ જોઇ, લોકો શું કહેશે?’

‘એમાં શું? આપણે ઓછાં લગ્ન નથી કરવાનાં? હું તો રજાઓમાં જ પિતાને કહેવાની છું કે તારી સાથે મારાં લગ્ન કરી નાખે.’ સુધાએ નિશ્ચય જણાવ્યો.

‘અરે સુધા? તું કહે છે એટલું સહેલું નથી? તેં ખોટી ઉતાવળ કરી નાખી છે? મને કહેવું તો હતું કે મને મહિના રહ્યા છે.’ તે મુંઝવણ અનુભવવા લાગ્યો.

દિનેશની મૂંઝવણ જોઇ, સુધાને પસ્તાવો થયો. તે દિનેશ નજીક જઇ, તેની પીઠે હાથ પસારવા લાગી.

આ જોઇ દિનેશ બોલ્યો : ‘સુધા એમ કર, સવારમાં મારી સાથે ચાલ, આપણે મારા મિત્ર ડોક્ટર પાસે જઇએ. એ કંઇક ઉપાય બતાવશે!’

‘ના, દિનેશ? મારે હાથે કરી પાપમાં નથી પડવું?’સુધા ગભરાતાં બોલી.

‘તું તો સાવ ગાંડી છે? તને અવિશ્વાસ છે કે હું તને છોડી દઇશ?’ એમ કહી સુધાને નજીક ખેંચી.

‘ના, એવું નથી. પણ આ વિચાર માંડી વાળ? તે યોગ્ય નથી?’ સુધાએ વિનંતી કરી.

‘સુધા તું આવળું સમજે છે? માણસ પોતાના પગ પર ઊભોે રહેતો ના થાય. ત્યાં સુધા એણે સંસારનાં સ્વપ્ન ન સેવવાં જોઇએ. અને તું જાણે છે કે આપણે હજુ લગ્ન કર્યા નથી. તારું ભણતર ચાલુ છે. હજુ તું સારી નોકરી મેળવી લે. પછી લગ્ન કરી સુખેથી સંસાર સર્જીશું....સમજી?’

આમ દિનેશે ઘણું સમજાવી ત્યારે સુધાએ સંમતિ આપી. ને તે રાત રોકાઇ ગઇ.

સવારમાં વહેલાં ઊઠી, બંને ડૉ.ભટ્ટ પાસે ગયાં.

પોતાના મિત્રને આવેલો જોઇ. ડોક્ટર ભટ્ટ ખુશ થઇ ગયા. તેમણે સ્મિત વદને, આવવાનું કારણ પૂછ્યું.

આ જાણી દિનેશ શરમાયો, છતાં ના છુટકે તેણે હકિકત જણાવી.

આ સાંભળી ના ખુશ થતાં ડોક્ટર ભટ્ટ બોલ્યા : ‘દિનેશ, આવા અનેક કેસ મારી પાસે આવે છે. બધાને હું ના જ પાડું છું. કારણ કે આ મોટું પાપ છે? વિકસતા ફૂલને કચડી નાખવાનો અધિકાર, કુદરત સિવાય કોઇનો નથી? છતાં ના છુટકે મારે માથે લેવું પડશે, એટલે કહું છું કે ફરી આવું અવિચારી પગલું ભરશો નહીં? તારા જેવા શિક્ષિત માણસને આ શોભે નહીં? છતાં, જુવાની ઝાલી ના રહેતી હોય, તો નિરોધ લઇ જવા. જેથી આવો સવાલ ઉપસ્થિત થાય નહીં.

તને ભલે મનથી લગ્ન ગ્રંથિથી જોડાઇ ચૂક્યાં હો, પણ જ્યાં સુધી સમાજની દ્રષ્ટિથી લગ્ન ન કરો ત્યાં સુધી કોઇ પ્રેમી યુગલે આવું પગલું ન ભરવું જોઇએ. કારણ કે આપણે ધારીએ છીએ તેટલાં પ્રેમલગ્નો સહેલાં હોતાં નથી? વળી, આજકાલ આપણા દેશમાં પશ્ચિમી વાયરો વહી રહ્યો છે? નવયુવક યુવતીઓ તે વાયરે ચઢી ગયાં છે? તેને લીધે આપણે, આપણી સંસ્કૃતિ અને સંસ્કાર ભૂલી ગયા છીએ?

આ તો તું મિત્ર છે એટલે કહું છું કે આવા ચેડાં મૂકી દઇ, મોજશોખનો ત્યાગ કરી, સંયમ કેળવવો જોઇએ.’

આમ અનેક શિખામણો આપી. ત્યારબાદ એક દવાની બોટલ આપતાં કહ્યું : ‘આ બાટલીની દવા નિયમિત લેજો. જેથી ફાયદો થઇ

જશે.’ એમ કહી કોકા કોલાનો ઓર્ડર આપી સુધા અને દિનેશ સાથે વાતોએ વળગ્યા.

સુધા સામે જોઇ બોલ્યા : ‘જુઓ, આ તો દિનેશ મારો ખાસ મિત્ર છે એટલે કહું છુું કે આનાથી ઘણું નુકશાન થાય છે?’

ડોક્ટરનું આવું બોલવું સાંભળી, પોતાની ઇચ્છા દર્શાવતી સુધા બોલી : ‘હું તો ના કહું છું. પણ તમારો મિત્ર માનતો નથી. એટલે હું શું કરું?’

‘સાચું દિનેશ?’ ડોક્ટરે કારણ પૂછવા કહ્યું.

‘હા, તેની વાત સાચી છે, ડોક્ટર? પણ મને એમ થાય છે કે અમે જ્યાં સુધી સમાજની દ્રષ્ટિથી લગ્ન ન કરીએ ત્યાં સુધી, સંતાનની ઇચ્છા હિતાવહ ન ગણાય! વળી, પ્રેમ લગ્નમાં અનેક સંકટો ઊભાં થાય છે. આ સંકટોનો સામનો કરવા, અમે અસમર્થ થઇએ, તો લગ્નમાં નિષ્ફળ જઇએ.’

આ વખતે સ્ત્રીને સમાજમાં જીવવું ભારે થઇ પડે છે. તેને પારકે ઘેર જઇ, પારકાને પોતાના બનાવવાના હોય છે. જ્યારે પુરુષ તો બાવા બંગાળી જેવા હોય છે! તેમને કશું સહન કરવું પડતું નથી!

મિત્રની દ્રષ્ટિ જોઇ ડોક્ટર ખુશ થયા. પણ પ્રેમમાં નિષ્ફળ જવાની તેની શંકાથી થોડા ઉદાસ પણ થઇ ગયા.

કોકા કોલાને માન આપી, બંનેએ વિદાય લીધી.

હોસ્ટેલ તરફનો રસ્તો આવ્યો. એટલે સુધાએ કહ્યું :‘દિનેશ હું જાઉં છું, હમણાં મળીશ નહીં. મારે ઘણું કામ છે.’ એમ કહી તેણે પોતાનો રસ્તો પકડ્યો.

દિનેશે સીધો જ મિલનો રસ્તો પકડ્યો. રસ્તામાં તેને અનેક વિચારોએ ધ્રુજાવી મૂક્યો.

‘સુધા મને અત્યંત ચાહે છે. પણ તેનાં માતાપિતા લગ્નમાં સંમતિ નહીં આપે તો?’ કહેવાય છે કે પ્રેમલગ્નો સહેલાં હોતાં નથી. અને હોય તો સો એ નવ્વાણું ટકા સફળ થતાં નથી?

શું આ સાચું હશે?

ના,ના, એવું નહીં બને? અમે સફળ થઇશું. સહકારથી જીવીશું, વિચાર મંથનમાં મિલ ક્યારે આવી ગઇ. તેનો પણ ખ્યાલ રહ્યો નહીં? તે સીધો કેન્ટીનમાં ચ્હા નાસ્તા માટે ગયો.

ત્યાં મરિયમ ઉત્સાહ સાથે ઝપાટાબંધ, ડીસો સાફ કરતી હતી.

આ જોઇ દિનેશ બબડ્યો : ‘જો આપણામાં સાથ અને સહકારથી જીવવાનું દ્રઢ મનોબળ હોય, તો ચોક્કસ સફળતા મળે છે.

રસુલ અને મરિયમ સમાજની દ્રષ્ટિથી પરણેલાં હતાં તેમનામાં નફરતની આગ લાગી? ફરી પાછા, તેમના હૃદયમાં અંકૂરો ફૂટ્યા! નવીન જીવન મળ્યું? એમ અમે પણ શુદ્ધ પ્રેમમાં સહકારથી જીવીશું? સંકટોના સામનામાં ભાગીદાર થઇશું?’

તે એકીટશે, મરિયમના થનગનાટને નિહાળી રહ્યો.

પ્રકરણ : ૮

શિવરાત્રીનો એ દિવસ હતો.

શિયાળાની ઠંડી વિદાય લઇ ચૂકી હતી. બપોરે ગરમીની અસર વર્તાતી હતી. ઉનાળો લૂ વરસાવતો આવી રહ્યો હતો. જ્યારે ઠંડી શિવ શિવ કરતી કુવામાં પડી ચૂકી હતી.

શિવરાત્રીની શુત્ર પ્રસંગે શક્કરિયાં અને બટાકાનું ઉંધિયું સૌના મુખમાં પાણી લાવી દેતું હતું.

રામજી પટેલ ઘઉંની રખેવાળી કરી હમણાં જ આવ્યા હતા. ને ઉંધિયું ખાઇ રહ્યા હતા.

ખાતાં ખાતાં જ અમૃતબાએ વાત ઉપાડી : ‘તમે પેલા છોકરાની વાત કરતા હતા. એનું શું થયું?’

‘એ લોકો તો તૈયાર છે. હાલ, આવે? પણ સુધા ત્યાં અને તેઓ અહીં આવે?’ એ કેમનો મેળ આવે? રામજી પટેલે વાંધો બતાવ્યો.

‘આપણે સુધાને બોલાવીએ, એમાં શું?’ અમૃતબાએ માની આતુરતા બતાવી.

‘બોલાવીશું? ઉતાવળ શું છે?’ રામજી પટેલે બાપની ઢીલાસ છતી કરી.

‘એમ બેસી રહે બનશે? એ ના પાડે તો બીજે? પણ આ વૈશાખમાં આપણે વિવાહ કરી નાખવા છે! તેઓ શું કહે છે? એની તો ખબર પડે.’ અમૃતબાએ ઉતાવળ બતાવી.

‘લેં એમ કઇ, આપણી ઉતાવળે ઓછું બનવાનું છે?’

‘ત્યારે કોની ઉતાવળે બનવાનું છે? છોકરી નાહતી ધોતી થઇ તોય, તમારી આંખ ઉઘડતી નથી.’ એ તો પારકી થાપણ? જ્યારે ત્યારે દેવાની જ છે?’ અમૃતબાએ ઊંડી સૂઝ બતાવી.

‘તારી વાત સાચી છે. છોકરી તો સાપનો ભારો? હું પણ સમજું છું. પણ ઉતાવળે આબાં ન પાકે? છતાં હું આજે કાગળ લખાવું છું. એમના જવાબ પછી સુધાને તેડાવીએ. એમની જાતે આવીને જોઇ જાય.’ રામજી પટેલે આશ્વાસન આપ્યું.

‘હા, પણ જો જો? આપણે આપણા પ્રમાણે શોધવાનું છે. મારી સુધા, ભણેલી ગણેલી અને દેખાવડી છે? તેનું જેવું તેવું નહીં જોવાનું સમજ્યા? મારે ક્યાં ઝાઝી છોડીઓ પૈણાવાની છે...તે સંતાપ? તેમને જેટલી પૈઠણ જોઇએ, તેટલી ભલે લે? પણ મારી સુધાને ઓશિકે હાથ ખોળવાનો? સાંભળ્યું? તમે આજે કાગળ લખાવી નાખો. પછી આપણને આગળ સૂઝ પડે!’ અમૃતબાએ વળી પાછી માના હૈયાની અધીરાઇ બતાવી.

‘તું ય ખરી છે ને? સુધા તારી અને, મારી નહીં? તે હું તેને દુઃખમાં નાખું. સુધાને તો પરદેશ રહેવાનું થશે? છોકરો અમેરિકામાં રહે છે. તે લગ્ન કરવા જ, આવવાનો છે. પછી તરત જ પાછો જવાનો છે. ઘેર લક્ષ્મીની રેલમ છેલ છે? કોઇ વાતની ખોટ નથી? બોલ, આનાથી કયું સારું જોઇએ?’ રામજી પટેલે ભાવી જમાઇની હકિકત જણાવી.

‘એ વાત સાચી પણ બળ્યું છોડી પૈણીને તરત જ પરદેશ જતી રહે, તે સારું ના કહેવાય? એનું મોંઢું ક્યારે જોઇએ? હું તો મારી સુધલીને જોઉં નહીં ત્યાં સુધી અનાજેય ગળે ના ઉતરે?’ અમૃતબા લાગણીવશ થઇ ગયા.

‘ત્યારે ભાઇ, બેઉ બાજુનો લાડવો ના ખવાય? એ તો છોડી નથી એમ માનીને જ જીવવું પડે? સમજી?’ અને એમાં શું? આપણા લક્ષ્મીદાસની છોડી નથી? આજકાલ કરતાં પાંચ વરસ થઇ ગયાં તોય હજુ આવી નથી. ત્યાં લીલા લહેર કરે છે?’ રામજી પટેલે દાખલો આપ્યો.

વૃદ્ધ પતિપત્ની વાત ઉપર જ હતાં. ત્યાં જ પરગામથી આવતા ગીરધર સુથારે બૂમ મારી : ‘રામજીકાકા ઘેર છે કે?’

‘હોવે ભાઇ, આવ, શું કામ છે?’ રામજી પટેલે આવકારો દીધો.

‘આવવું નથી? તમારો સંદેશો છે.’

પેલા કાન્તીભાઇ, મને નડીયાદ ભેગા થયા હતા. તેઓએ કહેવરાવ્યું છે કે અમે હોળી પછી ત્રીજા દિવસે આવીશું એટલે તૈયાર રહે? એમ કહી ગીરધર, ઊભા પગે જ ઘર તરફ રવાના થયો.

‘લેં આપણે તો કાગળ લખવાની વાત કરતા હતા. જ્યારે એ તો હોળી ધૂળેટી પછી આવવાના જ છે?’ અમૃતબાએ સાંભળેલા સંદેશાને રામજી પટેલે ફરી સંભળાવતા કહ્યું.

‘સારું તો આપણે સુધાને કાગળ લખી દો.’ એ હોળી પર ઘેર આવે. નહીં તો પાછી કોઇ બેનપણીને ત્યાં હોળી ઉજવવા જતી રહેશે. અમૃતબાએ અગમચેતી બતાવી.

આ સાંભળી રામજી પટેલ બોલ્યા : ‘લાય તારે, તારી પાસે છુટા હોય, તો કાગળ લઇ આવું?’

‘લઇને શું આવવાનું છે? બળદેવ ગાંધી પાસે લખાવી, બારોબાર નાખતા જ આવજો?’ અમૃતબાએ પૈસા આપી સૂચન કર્યું.

‘સારું એમ કરીશ?’ એમ કહી, રામજી પટેલ પોસ્ટઓફિસ તરફ રવાના થયા.

જ્યારે આ કાગળ સુધાને મળ્યો ત્યારે તે અનેક શંકાઓમાં ખોવાઇ ગઇ.

‘મારું શું કામ હશે?’

‘હોળી પર હું જવાની છું. એવું તો મેં જણાવી દીધું છે. છતાં પિતાને કાગળ લખવાની કેમ જરૂર પડી? શું તેઓ ક્યાંય જવાના હશે?’

અને તેને જાણે યાદ આવ્યું : ‘હા, બા બાપુ જાત્રા કરવા જવાનું કહેતા હતા.કદાચ એટલે જ બે દિવસની રજા લઇ આવવા જણાવ્યું હશે?’ એમ વિચારી પોતાના કાર્યમાં લાગી, ને આતુર હૈયે હોળીની રાહ જોવા લાગી.

સુધાએ હવે કેડ બાંધી અભ્યાસ કરવા માંડ્યો.

માતા પિતા પોતાના માટે જાત ઘસી નાખે છે! તડકો છાંયો જોયા વગર ધરતી સાથે બાથો ભરે છે! કાળી મજૂરી કરી પૈસા પેદા કરે છે ને એ પૈસા નિઃસ્વાર્થ પણે મારી પાછળ ખર્ચે છે?

‘અમારું જે થશે તે ખરું. પણ મારાં સંતાનને દુઃખ ન પડવું જોઇએ એને ભણવું હોય તેટલું ભલે ભણે? અને તેને ભણાવીશું?’ આવી ભાવના સેવનાર માતાપિતા પ્રત્યે સુધાને હેત ઊભરાઇ આવ્યું! તેણે દિનેશને કહી દીધું કે હમણાં મળીશ નહીં! ભૂલેચુકે મળી જવાય તો ઠીક? બાકી, હું મારો અભ્યાસ છોડી, પરીક્ષા સુધી મળવા નહીં આવું? એટલે તે ઘણા દિવસથી કોઇને મળી ન હતી. તે હવે અભ્યાસ પાછળ તનતોડ મહેનત કરવા લાગી. ને એમ જ હોળી ધૂળેટી આવી ગઇ. તેની રજા પણ જાહેર થઇ. તે જ દિવસે સુધા દિનેશને મળવા ગઇ. જેના માટે વિશ્વાસ અને શુદ્ધ હૃદયની ચાહના છે? તેને પૂછ્યા વગર પગલું કેમ ભરાય?

મધુર મિલનની મોજ માણતાં સુધાએ પૂછ્યું : ‘દિનેશ કાલે હોળી છે. અમારે બે દિવસની રજા હોવાથી હું ઘેર જવાની છું!’

‘કેમ, હોળી તારે ઘેર જ મનાય છે? અહીં નહીં મનાતી હોય?’ દિનેશે અણગમો બતાવ્યો.

‘હોળી તે બધેય મનાય છે? આખા હિન્દુસ્તાનનો એ તહેવાર છે. પણ મારા બાપુનો પત્ર છે. એટલે ગયા સિવાય ચાલે તેમ નથી? એમણે તો બે દિવસની વધારે રજા લઇ આવવા જણાવ્યું છે. પણ હું બે દિવસ રહી આવતી રહીશ.’ સુધાએ જવાનું કારણ બતાવ્યું.

‘અરે, બેના ચાર દિવસ રહેજે ને? મારે શું?’ દિનેશના અણગમામાં ક્રોધ પણ વ્યક્ત થતો હતો.

‘તું સાચું માનતો નથી? જો મારા પિતાનો પત્ર?’ એમ કહી સુધાએ કાગળ બતાવ્યો.

તે વાંચી દિનેશ બોલ્યો : ‘કેમ તારાં માબાપને આટલી બધી જરૂર ઊભી થઇ?’

‘એ તો મને શી ખબર? પણ મને એવું લાગે છે કે તેઓ બહાર જવાના છે?’

‘બહાર શું કામ જવાના છે? ક્યાંક તારું ગોઠવવાતો નથી જવાના ને? એ ધ્યાન રાખજે? ઘરડાં ભણેલાં ઓછું હોય છે. પણ ગણેલાં વધારે હોય છે?’ દિનેશે શંકા મૂકી.

‘એવું તો લાગતું નથી. પણ હું જઇને વાત કરીશ. જો તું રાજી હોય તો?’

‘કેવી વાત?’

‘આપણા લગ્નની?’

‘તારાં માતાપિતા માનશે?’ ‘નહીં કેમ માને? હું તેમને મનાવીશ.’ ‘કદાચ ના માને અને અહીં આવવાનું ટાળી દેશે તો?’ ‘એ વાત અશક્ય છે.’ ‘કેમ?’ ‘કારણ કે મેં બરાબર પાઠ ભણાવ્યો છે. એટલે ભણાવવાની તો

ના નહીં પાડે? એની મને ખાતરી છે!’ સુધાએ વિશ્વાસ દર્શાવ્યો.

‘આ સાંભળી દિનેશ બોલ્યો : ‘ના, એવી ઉતાવળ કરવાની જરૂર નથી. એ તો વગર પૂછ્યે કહેવાઇ જશે? એની ચિંતા કરીશ નહીં!’

‘પણ તેઓ બીજે વિચારે, એ પહેલાં આપણે કહી દીધું હોય તો? તે વિચારતાં મટે!’ સુધાએ મનની શંકા બતાવી.

‘મા બાપ સંતાન માટે જે કાંઇ વિચારે છે તેની જાણ કરે જ છે! માટે તારા વિષે જે કંઇ વિચારશે, તેની જાણ તને કરશે જ? તેની ચિંતા કરીશ નહીં, સમજી?’ દિનેશે વણઘડ્યો નિયમ બતાવ્યો.

‘જેવી તારી ઇચ્છા? પણ જો લગ્નની વાત વિચારશે તો, હું કહી દઇશ કે મેં વિચારી લીધું છે! તેમાં તમારે વિચારવાની જરૂર નથી?’ હૈયાનું હોઠે લાવતાં સુધાએ કહ્યું.

‘સારું પણ, તેઓ સામેથી ના પૂછે ત્યાં સુધા આપણી બાબતમાં, એક શબ્દ પણ કહેવાનો નહીં? આટલી વાત યાદ રાખજે? જા, એક બે દિવસ રહી આવતી રહેજે?’ દિનેશે રજા આપી.

દિનેશની અનુમતિ મળતાં સુધાએ કહ્યું : ‘ચાલને ત્યારે, પેલાં બેઉને મળતા આવીએ.’ એમ કહી બંને રસુલના ઘર તરફ ઊપડ્યાં.

મરિયમ અને રસુલ જમી પરવારી ફરવા જવાનો વિચાર કરતાં હતાં. સુધા ઘણા દિવસથી મળી ન હતી. એટલે દિનેશને લઇ, હોસ્ટેલ પર જવાનો તેમનો વિચાર હતો. એટલામાં જ દિનેશ અને સુધા આવતાં દેખાયાં.

તરત જ મરિયમ બોલી : ‘અરે? સુધાબેન તો અહીં આવે છે? સાથે દિનેશ ભાઇ પણ છે?’ ને તેમને આવકારો આપતાં ઉમેર્યું : ‘આવો સુધાબોન? બેઉની આવરદા બહું લાંબી છે. હાલ જ સંભાળ્યાં હતાં! એટલામાં જ દેખાયાં? બહુ દિવસે ભૂલાં પડ્યાં?’

‘કેમ સંભાળો છો? કંઇ નવા જુની છે કે શું?’ આરામ ખુરશીમાં બેસતાં સુધા બોલી.

‘નવા જુની તો શું હોવાનું છે? પણ વિચાર એમ હતો કે બધાં ભેગા થઇ ફરવા જઇએ. એકાદ પિક્ચર જોઇએ.’ દિનેશ માટે બીજી ખુરશી મુકતાં મરિયમે જવાબ આપ્યો.

‘અમે સાથે હઇશું તો નહીં ફાવે! જોવાનું તો બેનું જ કામ. એમાં જો વધારે ભર્યા તો સમજી લેવું કે મજા મારી ગઇ?’ દિનેશ વચ્ચે જ બોલ્યો.

‘સારું હવે બહુ ડાહ્યો? જે તે વાતમાં ડહાપણ કરતાં, શરમ નથી આવતી? આવું સાંભળીને આવીએ શરમાય છે. એટલુંય નથી જોતો?’ સુધાએ છણકો કર્યો.

‘હું ક્યાં ના પાડું છું? આ તો ખાલી કહું છું?’

‘ત્યારે મારે પણ ક્યાં જવું છે? હું પણ ખાલી જ કહું છું?’

આ સાંભળી મરિયમે કહ્યું : ‘કેમ સુધાબોન, અમારી સાથે ફરવા નથી આવવું?’

‘અલી, હવે શહેરમાં આવી તોય નથી સુધરી? બોન, બોન શું કરે છે? બેન કહે.’ સુધાએ મરિયમનું ઉચ્ચારણ સુધાર્યું.

‘સારું હવે બેન કહીશ, બસ?’ મરિયમ સુધારીને બોલી.

થોડા સમયની શાંતિ, બાદ સુધાએ કહ્યું : ‘હું તો તમને મળવા આવી છું. મારે કાલે ઘેર જવું છે.’

‘તમે ઘેર જવાનાં છો? થોડા દિવસ પછી ગયાં હોય, તો હુંય આવત.’ મરિયમે કહ્યું.

‘ફરી જઇશું ત્યારે આપણે બંને જઇશું. આતો બાપુનો કાગળ છે. એટલે જાઉં છું.’ જાણે ના છુટકે જવું પડતું હોય તેમ અણગમાનો ભાવ સુધાના મુખ પર ઉપસી આવ્યો.

‘સારું બેન, બાને કહેજો કે બબલી બહુ યાદ કરે છે?બાપુને ખબર પૂછજો?’ કહેતાં કહેતાં મરિયમનું હૈયું ઢીલું થઇ ગયું. તે આગળ ન બોલી શકી. જાણે હમણાં રડી પડાશે. આખરે તે રડી પડી.

‘અરે ગાંડી, એમાં રડે છે શુું? આવી સાવ ઢીલી પોદળો ક્યાંથી?’ આશ્વાસન આપતાં સુધાએ કહ્યું.

‘કેમ ન રડું, બેન? તમારાં માતાપિતા એ જ મારાં મા બાપ સમાન છે. પોતાની પુત્રીની માફક મને પોષી છે! મારી નિરાધારીના એ આધારથી આંસુ વધારે! ખરેખર બેન, તમે આવાં માતાપિતા મેળવવા માટે ભાગ્યશાળી છો. હું તમારા માતા પિતાની ઋણી છું! આ શરીરની ચામડીના જોડા સીવડાવી પહેરાવું તોય ઋણ પૂરું થઇ શકે તેમ નથી!’

મરિયમના દુઃખી હૃદયને, દિલાસો આપતાં સુધાએ કહ્યું : ‘એમાં દુઃખી થવા જેવું કશું નથી. માનવી સંજોગોનો ગુલામ છે! સંજોેગો તેને રાખે તેમ તેને રહેવું પડે છે.’

સુધા અને મરિયમ વચ્ચે સર્જાયેલી સ્થિતિથી દિનેશ અને રસુલ પણ ગંભીર થઇ ગયા હતા. મરિયમની કરુણતામાં તેઓ પણ ડૂબી ગયા હતા.

સુધાને મોડું થતું હતું. તે ઊભી થઇ.

‘સારું ચાલ દિનેશ! થોડે સુધી સંગાથ થાય.’ જેવા શબ્દો દિનેશના કાને પડ્યા. ત્યારે જાણે તે ઊંઘમાંથી ઊઠ્યો હોય તેમ આળસ મરડી ઊભો થયો.

પોતાનો રસ્તો આવ્યો એટલે :‘બસ ત્યારે, આવજે અને મારી વાત ધ્યાનમાં રાખજે?’ કહી દિનેશ અલગ થયો.

સુધા ઝપાટાબંધ હોસ્ટેલમાં આવી. કપડાં લત્તાં સૂટકેશમાં ભરી લીધાં નાનાભાઇ માટે ખરીદેલ કપડાં અને નવરાશે વાંચવાના પુસ્તકો લઇ તૈયાર થઇ ગઇ. અને બસ સ્ટેન્ડે આવી પાંચની બસ પકડી.

સુધાના આગમનથી માતાપિતા હરખાઇ ગયાં.

નવાં કપડાં જોઇ ગોવિંદ ઘેલો બની ગયો.

બીજે દિવસે હોળી હતી. રાબેતા મુજબના ઉત્સાહમાં હોળીનો અવસર ઉજવાયો અને પછી

આવી ધૂળેટી?

છોકરાઓની એક ટોળી તો ક્યારનીય અમૃતબાના ઘેર આવી પહોંચી હતી : ‘દાદીમા? ખજૂર આપો. નહીં તો બગાડીએ છીએ?’

ત્યારે અમૃતબાએ ખોબલો ભરી ખજૂર આપી, વિદાય કર્યા હતાં.

કેટલાય દિયરોએ ભોજાઇઓને રંગમાં રંગી નાખી હતી, તો કેટલીયે દેરાણી જેઠાણી રંગમાં આવી ગઇ હતી. જેમને ભાભી ન હતી. તેમણે આડોશી પાડોશીને આજના દિવસ પુરતી ઉછીની ભાભી બનાવી લીધી હતી.

આમ અનેરા આનંદમાં ધૂળેટી રમાઇ રહી હતી. ત્યારે રસોઇ

બનાવતાં, અમૃતબાએ સુધાને પૂછ્યું : ‘સુધા, કેટલા દિવસની રજા લીધી છે?’

‘એકેય દિવસની નહીં બા? પરીક્ષા ટાઇમે કોઇનેય રજા મળી નથી, ફક્ત હોળી ધૂળેટીની રજા છે?’ સુધાએ જવાબ આપ્યો.

આજના આવા વાતાવરણના, બિનઅનુભવી અમૃતબાને શી ખબર પડે કે રજા કેમના મળી? અરે? જેણે શાળાનું પગથિયું જોયું નથી તેને કોલેજની શી ગતાગમ? જેણે કાળા અક્ષરોને કુહાડે માર્યા છે. લખાણ જેને, કાળા કાળા મંકોડા અને રાતી રાતી ઝેમેલો જ દેખાય છે. તેવી અમૃતબા બિચારી શું જાણે? કે છોડી સાચી છે કે જૂઠ્ઠી?

એ તો સાચું માની બોલ્યા : ‘ત્યારે તો ઉપાધી થઇ, સુધા?’

‘શેની ઉપાધી બા? તમારે ક્યાંય જવું છે કે શું?’

‘ના, બોન? અમે ક્યાં જવાના છીએ હવે તો ઉપર જઇએ ત્યારે.’ અમૃતબાએ કંટાળો બતાવ્યો.

‘ત્યારે રજાની શી જરૂર છે. બા?’ સુધાએ એ જ સવાલ ફરી કર્યો.

‘આ પેલા આવવાના છે એટલે સ્તો? આજે આવે તો સારું? પાછા તારા દહાડા પડશે?’ અમૃતબાએ મૂળ વાત જણાવી.

‘પેલા કોણ?’ સુધાએ શંકા બતાવી.

‘આ પેલા, ગામના બળ્યું? એનું નામેય ભૂલી ગઇ. એ આવે ત્યારે પૂછી જોજે ને? મને ખબર નથી.’ અમૃતબાએ કહ્યું.

‘તે આપણે ઘેર શું કામ આવવાના છે?’ શંકા દ્રઢ થતાં સુધાએ કારણ પૂછ્યું.

‘તને જોવા સ્તો વળી, શું કામ આવવાના છે તે?’ બાએ વાત બહાર પાડી કહી નાખ્યું.

આ સાંભળી સુધાનું હૃદય ધડકી ઊઠ્યું. તે ગભરાઇ ગઇ હોય તેમ થોથરાતી જીભે બોલી : ‘બા, મ...મને જોવા આવવાના છે?’

‘ત્યારે શું મને જોવા આવવાના છે?’ જાણે છોકરીની વાત ના ગમી હોય તેમ અમૃતબા બોલ્યાં.

‘પણ બા, મારે પરણવાની ઘણી વાર છે? અત્યારથી આ શું માંડ્યું છે?’ સુધાએ અણગમો વ્યક્ત કર્યો.

એટલામાં રામજી પટેલ ઘી લઇ આવી પહોંચ્યા. મા દીકરીની વાતો સાંભળી બોલ્યા. : ‘શું બબડો છો?’

આ સાંભળી સુધા શાંત થઇ ગઇ. પણ અમૃતબાને જવાબ આપ્યા સિવાય છુટકો જ ન હતો. એટલે તે બોલ્યાં : ‘એ તો કંઇ નહીં? આ સુધલી એમ કહે છે કે, મારે પરણવાની વાર છે? અત્યારથી શું કામ ઉપાધી વહોરો છો?’

આ સાંભળી બહુ બોલા, રામજી પટેલ બોલી ઊઠ્યા : ‘હજુ ક્યાં સુધી વાર છે? આમ ઘરડી થવા આવી તોય વાર વાર કરે છે?’

‘બાપુજી હું ક્યાં ઘરડી થઇ ગઇ છું? હજુ તો મને આ એકવીસમું વર્ષ જાય છે?’

‘ત્યારે શું તારે એકાવન પૂરાં કરવાં છે? આ જોતી નથી? આપણા ઘોળમાં છોકરાઓની અછત છે તે? પછી કોણ તારો ભાવ પૂછશે? એંસી, એંસી તોલા આપતાંય કોઇ, મોઢું નથી માંડતું. એ વિચાર કરતી નથી અને એનું જ ગા, ગા કરે છે?’ રામજી પટેલ ગરજી ઊઠ્યા.

‘પણ બાપુ, મને ભણી તો રહેવા દો?’

‘તે ભણજે ને પછી ક્યાં નથી ભણાતું? અને વળી, તારે હવે કેટલું ભણ ભણ કરવાનું છે? છોકરો અમેરિકા કમાય છે? લગ્ન કરવા જ આવવાનો છે. પછી તરત જ પાછો જતો રહેવાનો છે? ઘેર લક્ષ્મીની રેલમ છેલ છે. તારે તો બસ બેઠાં બેઠાં ખાવાનું જ છે. આટલું બધું સારું હોય ત્યાં વળી, ભણવાની શી જરૂર?’

‘તે પૈસા હોય એટલે, ભણવાનું નહીં?’ સુધાએ કહ્યું.

‘પણ હું ભણવાની ક્યાં ના પાડું છું? અમે ભણ્યા નથી, તો અત્યારે સાંભળે છે કે ભણ્યા હોય તો સારું? પણ હવે પાકા ઘડે કાંઠા ચડે? એ તો જે સમયે થવાનું હતું તે થઇ ગયું. બળી ગયું, ઢળી ગયું અને ખોવાઇ ગયું. તે ગયું? એમાં અફસોસ કર્યે શું વળે?’ રામજી પટેલે પોતાની ફિલોસોફી ડાહોળી.

‘ત્યારે ભણવું હતું ને? શું કામ ના ભણ્યા?’ સુધાએ રીસમાં કહ્યું.

‘શું ભણું? મારું કપાળ?’ એકડિયામાં બે દિવસ ગયો ને, મારો ડોસો પાછો થયો. જેમ તેમ કરી બીજી ચોપડીમાં ગયો ત્યાં તો મારી બા એ, મારાં લગ્ન કરી દીધાં પાછો વિધવાનો એકનો એક દિકરો, એને અળગો મૂકો? માને લાડલડાવીને, નિશાળે જતો બંધ કરી દીધો. હૈયેથી અળગો જ ન કર્યો ને? તેમાંય એની વંશ જતી રહેતી હોય તેમ, હું દસ વર્ષનો થયો, ત્યાં તો તારી બાને તેડી લાવ્યા. દસ વર્ષનો હું, અને પંદર વર્ષની તારી બા? એની આગળ હું છોકરા જેવો લાગતો? કોઇ અજાણ્યું તો અમને મા દીકરો જ સમજે. બોલ હું શું ભણું? મારા બાપનું માથું? જ્યાં નસીબમાં જ ડોળિયું હોય, ત્યાં ઘી ખાવાનું ક્યાંથી મળે? અમારું કજોડું પરાણે રાગે પડ્યું!’

પૂછ તારી બાને? એ તો ઘર માંડવાનું જ ના કહેતી હતી, એમ કહેતાં જ, રામજી પટેલને પેલી જગજીવનરામ વાળી વાત યાદ આવી ગઇ.

તેમને કહેવાનું મન થઇ ગયું કે : ‘કજોડું વહોરે તેને જોડું શોધવા, બીજે ફાંફા મારવાં પડે છે? પણ ઉંમર લાયક દીકરી આગળ તે વધારે ન બોલી શક્યાં. તે મૂળ વાત પર આવી, આગળ ઉમેર્યું : ‘એટલે હું કહું છું કે બેટા, તું અમારા કરતાં, બહુ નસીબદાર છું? તું ભણી ભણી અને આવો છોકરો મળે છે? એટલે મારો વિચાર તો આ વૈશાખમાં જ લગ્ન કરી નાખવાનો છે? બીજા તો એંસી એંસી તોલા અને ઉપરથી પૈઠણ માગે છે. જ્યારે આને તો પૈઠણની પડી જ નથી. એક રતી ભારેય સોનું લેવાની ના પાડે છે. પૈસાવાળાને શું? ઘેર મોટરો ફરે છે. નોકર ચાકર પછી શું જોઇએ? માટે બેટા કહું છું કે લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે, તો કપાળ શા માટે ધોવા જવું? ભણવાનું માડીવાળ અને ચાંલ્લો કરાવી લેં?’

‘ના બાપુ, મારે ચાંલ્લો નથી કરવો? ભણવું છે?’ સુધાએ હઠ બતાવી.

સુધાની હઠ જોઇ, રામજી પટેલ તપી ગયા. તે ક્રોધાવેશમાં આવી બોલ્યા : ‘ભણી ભણી ને તારે પણ, શું હસમુખ ઠક્કરની છોડીની જેમ ભાગવું છે? એ પણ તારી જેમ પરણવું નથી? ભણવું છે? એમ કહેતી હતી. અને આખરેય ગોલાને લઇને નાસી ગઇ. એટલે હવે, એ બધા ચાળા છોડી દઇ, છાનીમાની જે કરવાનું છે તે કર?’

પિતાની આવી વાણીથી, સ્વમાની સુધા પણ તપી ગઇ. ‘પરણવાનું મારે છે. એમાં તમે ઉતાવળ શું કામ કરો છો? મને વિચારવા તો દો?’

‘કેમ ઉતાવળ ન કરું? હું તારો બાપ છું?તારી જવાબદારી મારેે શિર છે? એમાં વિચાર શું કરવાનો? વહેલું મોડું પરણ્યા વગર છુટકો છે?’ રામજી પટેલે જવાબદારી જણાવી.

‘નહીં, મારું પાત્ર હું પસંદ કરીશ?’

‘શું આ પાત્ર પસંદ નથી? એમાં નાપસંદગી જેવું શું છે? છોકરો ભણેલો, દેખાવડો અને કમાઉ છે? પછી તારે જોઇએ શું? અને તને એમ હોય, તો તારી સગી આંખે જોજે ને? એ લોકો કાલે આવવાના છે. પછી કૈં?’ રામજી પટેલે શંકાનું નિવારણ કરવા ઉપાય સુચવ્યો.

‘ના હું મારું દિલ કહેશે, તેને પસંદ કરીશ?’

‘તારું દિલ તો કદી કબૂલ ના કરે, તો અમારે વાટ જોઇ બેસી રહેવાનું એમ ને?’ રામજી પટેલે આવનાર વ્યક્તિને જ પસંદ કરવો પડશે, તેવા ભાવ સાથે કહ્યું.

‘બાપુ, તમે અવળું સમજો છો?’ લગ્ન એ કંઇ નાની સૂની વાત છે? એ તો આખા જીવનનો સવાલ છે? પાત્રને પસંદ કરવા વિચારવું તો પડે જ? એ કંઇ ઓછી શાકભાજીની દુકાન જેવું છે કે રીંગણું બગડેલું નીકળ્યું, તો બીજુ બદલી લેવાય? સુધાએ પિતાને સમજણ પાડી.

આ સાંભળી રામજી પટેલનો હઠીલો સ્વભાવ ભભૂકી ઊઠ્યો. પોતાની મરજીનો અનાદર થતો જોઇ સ્વમાની બાપ વધારે ચિડાયો : ‘તો શું તને અમારી પસંદ મંજૂર નથી એમ ને? તું તારી મરજી પ્રમાણે ચાલવા માગે છે? એ નહીં બને? કાલ ઊઠીને તું વાઘરીને પરણવાની ઇચ્છા બતાવે, તો અમારે એમ કરવાનું?’

‘અરે બાપુ, તમેય ખરા છો? તમને એટલો વિશ્વાસ નથી આવતો? મને પણ મારા બાપની આબરૂ છે? હું એવું ના કરું? હું તો એમ કહું છું કે મારું દિલ ચાહે તેને પસંદ કરીશ. પણ પરનાતનો નહીં? સમજ્યા?’ સુધાએ મૂળ વાત કરી.

‘તો શું આવનાર તને પસંદ નથી?’ રામજી પટેલે ઊંડા મૂળ તપાસવા માંડ્યાં.

બિલકુલ નહીં? ‘તો કોણ પસંદ છે? એ તો કહે?’ આ સાંભળી સુધા ખચકાઇ. તે વિચારમાં પડી ગઇ. છતાં

વહેલું મોડું કહેવું જ પડશે. એમ વિચારી બાપુની મર્યાદા તોડી બોલી : ‘મારી સાથે ભણતો દિનેશ.’

આ સાંભળી રામજી પટેલને, સુધા પ્રત્યે ગુસ્સો આવ્યો. પોતાનું લોહી શુદ્ધ છે? એવો વિશ્વાસ રાખનાર, વિશ્વાસ ઘાત થતો જોઇ, તપી ગયા. લાલચોળ આંખો કરી બોલ્યા : ‘ના, એ નહીં બને? હું કહું ત્યાં જ તારે પરણવું પડશે.’

‘ના, એ નહીં બને?’ સુધાએ બંડ પોકાર્યું.

આ સાંભળી રામજી પટેલ છેલ્લા નિશ્ચય પર આવી ગયા. તે પોતાની દીકરીને ચેતવણી આપતાં બોલ્યા : ‘છોકરી, તું મારી બે આબરૂ કરવા માંગે છે? આવનાર મહેમાનોને પાછા કાઢવા માગે છે? એ નહીં બને? કાન ખોલીને સાંભળી લે, તારે આવનાર યુવક સાથે જ પરણવાનું છે? એમાં કંઇ આઘું પાછું થયું તો, પરિણામ સારું નહીં આવે?...સમજી?’

‘હું આપઘાત કરીશ?’ સુધાએ પોતાનો નિશ્ચય જણાવ્યો.

આ સાંભળી રામજી પટેલ બોલે, તે પહેલાં અમૃતબા બોલી ઊઠ્યાં : ‘ના, દીકરી એવું ના કરીશ? અને પતિ સામે જોઇ ઊમેર્યું : ‘બળ્યું તમેય મૂકોને? છોકરાં જેવા શું થાવ છો? અત્યારે જ વિવાહ કરતાં હોય તેમ કરો છો? એ તો છોકરું છે. ના સમજ્યું બોલે? એમાં તમેય સમજતા નથી?’ આટલું કહી અમૃતબા મૌન થઇ ગયાં. કારણ કે તે પતિના સ્વભાવથી પરિચિત હતાં. આવા વાતાવરણમાં તે પતિ સાથે મૌન રહેવામાં માનતા હતા. તેનું પરિણામ પણ સારું આવતું. પણ ‘આપઘાત’

જેવો શબ્દ સાંભળી, તેમનું વાત્સલ્ય ભર્યું હૃદય, મૌન રહી ન શક્યું?

અમૃતબાનું ડહાપણ સાંભળી, રામજી પટેલ વધારે તાડૂક્યા : ‘તું છાની રહે? તમારી બંનેની એક ગાંઠ છે? એ હું જાણું છું? ભલે આપઘાત કરે? એની મને બીક નથી? હું સમજીશ કે મારે છોકરી ન હતી અને હોય તોય શું? જેને બાપની આબરૂની નથી પડી. તે મરેલી જ સમજી લેવી?’

બાપનો નિશ્ચય જોઇ, ચતુર સુધા સમજી ગઇ કે વાત આગળ વધારવામાં સાર નથી. હઠીલો બાપ એકનો બે થવા માગતો નથી. એટલે તેનું ધાર્યું કરવા જો અત્યારથી જ રોકી દેશે, તો બધું ધૂળમાં ભળી જશે. વધારે પ્રતિકારનું પરિણામ સારું આવે તેમ લાગતું નથી. એમ વિચારી આડે લાકડે આડો વહેર કાઢવા તેણે મનોમન નક્કી કર્યું. તે ધ્રુસકા ખાતી બોલી : ‘બાપુ, મને પાસ તો થઇ જવા દો? આમ શું કરવા કરો છો?’

દીકરીને રડતી જોઇ અમૃતબા ઢીલાં થઇ ગયાં. રામજી પટેલને પણ દીકરી પ્રત્યે કુણી લાગણી ઉદ્‌ભવી, તે ધીમા સાદે બોલ્યા. ‘હું તને એવું ક્યાં કહું છું કે તું પરીક્ષામાં ના જઇશ કે ના ભણીશ? વિવાહ તો હજુ વૈશાખમાં કરવાના છે? આ તો નક્કી કરવા જ આવવાના છે. એકબીજાથી બંધાઇ ગયા હોઇએ, તે બીજે હા, ના પાડે? એકબીજાને નિરાંત થાય એ જ?’

‘પણ બાપુ, મને રજા નથી મળી? એનું શું કરું?’ સુધાએ બહાનું કાઢ્યું.

‘અરે એક દિવસ મોડી જજે? એમાં શું ખાટું મોળું થઇ જવાનું છે?’ રામજી પટેલે ઉપાય સૂચવ્યો.

‘સારું ત્યારે એમ કરીશ? જેવી તમારી મરજી. તમ તમારે તૈયારી કરો બાપુ? મારી ચિંતા કરશો નહીં.’ એમ કહી સુધા શાંત થઇ

ઘણા આનંદમાં આવી ગયા. તે ખુશ થતા, અમૃતબાને કહેવા લાગ્યા : ‘જોયું ને? આખર તો મારું લોહી? એમાં કહેવા પણું હોય?’ અને સુધા સામું જોઇ ઉમેર્યું : ‘બેટા, આખરે તેં બાપનો બોલ રાખ્યો ખરો? બેટા, શહેરમાં તો, એવા ભોળવનારા બહુ મળે? આપણે આપણાં લૂગડાંને ડાઘ ના લાગે, એ સાચવીને ચાલવાનું?’

‘અરે બાપુ? આ તમારી સુધા કંઇ કાચીપોચી છે કે એવાથી ભોળવાઇ જાય? હું દિનશ બિનેશ કોઇને ઓળખતી નથી? આ તો તમારું મન જોવા કહેતી હતી. ખરેખર બાપુ તમે એકના બે ના થયા હોં?’ સુધાએ બાપને વધારે ચડાવવા માંડ્યો.

આ સાંભળી રામજી પટેલ ગર્વના કિનારે આવી ગયા. તેઓ ખોંખારો ખાઇ બોલ્યા : ‘એતો બેટા, મને પહેલેથી જ ખબર હતી કે સુધા મારું લોહી છે? તે આવું ના કરે?’

બાપના દિલાસાની જાણે અસર થઇ હોય તેમ ફિક્કું હસી સુધા બોલી : ‘બાપુ, હું બહુ રોકાઇશ નહીં કારણ કે મારે પરીક્ષાની તૈયારી કરવાની છે. એટલે મહેમાન આજે આવશે, તો સાંજની છેલ્લી બસમાં પણ જતી રહીશ?’ અને મોંઘમમાં ઉમેર્યું : ‘મારે જઇને ગોઠવણ કરવી પડશે. જેથી તૈયારી થાય?’

‘કશો વાંધો નહીં. તને જોઇ લે, એટલે તારે જવું હોય, તો જજે ને?’ પછી તારું કામેય શું છે? અમારે જે વાત કરવાની હશે, તે કરીશું.’ રામજી પટેલે અનુમતિ આપી.

‘સારું બાપુ, ચાલો ત્યારે જમી લ્યો?’ એમ કહી, લાડલી દીકરીએ બાપને પ્રેમથી જમાડ્યો.

બાપ પણ ચતુર છોકરીની ચતુરાઇ પર આંધળો વિશ્વાસ રાખી, જમ્યો.

સાંજ પડી ચૂકી. એટલામાં બે મહેમાનો, ફળિયામાં આવતા દેખાયા.

દૂરથી આવતા મહેમાનને જોઇ, રામજી પટેલ સામે ચાલ્યા. અડધા ફળિયા વચ્ચે રામરામ કરી પાછા ઘર તરફ વળતાં બોલ્યા : ‘હું તો ક્યારનીય વાટ જોતો હતો. જોઇ જોઇને થાક્યો એટલે મને થયું કે નહીં આવે? એમ વિચારી, ખેતર બાજુ કીધું, આંટો મારી આવું? એમ વિચાર કરતો હતો એટલામાં તમે દેખાયા.’

અને આંગણામાં પગ મૂકતાં જ બૂમ મારી : ‘ઓ સુધાની મા? ખાટલામાં ગાંદડા નાખજો, મહેમાન આવ્યા છે.’

આ સાંભળી, અમૃતબાએ ઝટપટ બહાર નીકળી, ખાટલા ઢાળી દીધા. તેમાં નવા ગોદડાં અને ઓશિકાં મૂકી દીધાં. મહેમાનો બેઠા.

મહેમાન સાથે સામેના ખાટલામાં બેસતાં બોલ્યાં : ‘બેટા સુધા, પાણી આ મહેમાનો ને આપજે.’

આ સાંભળી સુધાને શરમ સાથે, પિતા ઉપર ક્રોધ પણ આવ્યો. તે તેમની મૂળ ઇચ્છા સમજી ગઇ.

તે સ્ટીલના બે પ્યાલામાં પાણી લઇ આવી. નીચી નજરે, તેણે મહેમાનો આગળ પ્યાલા ધર્યા.

આ બે માં, પેલો કયો હશે? જે આંધળી આશા લઇ આવ્યો છે. તે જાણવા તેણે આંખ ઊંચી કરી તો?

ખરેખર, આંખને આંજી નાખે તેવું મસ્ત વદન, પુરી છ ફુટ ઊંચાઇ, ભરાવદાર ગોળ ચહેરો પેન્ટ, કોટમાં સજ્જ, ગળામાં સોનાનો અછોડો, આંગળીઓમાં સોનાની વીંટીઓ, કાંડા પર સોનાની ચેનવાળું, ઓટોમેટીક ઘડિયાળવાળા જુવાનને જોયો.

તે સાથે યુવાન પણ કંઇક વિચારમાં રમવા લાગ્યો : ‘આ પાણી

આપવા આવી છે તે જ પોતાની ભાવિ પત્ની. તેને જોઇ યુવાન ખુશ થયો. તે મનોમન બબડ્યો પણ હશે : ‘છોકરી તો મસ્ત છે?’

કમરને વળાંક આપી, લાંબા કરેલા હાથમાંથી પ્યાલો લેતાં, આ નટખટ યુવાનના દિલમાં સ્પર્શ કરવાની તૃષ્ણા જાગી. પણ આટલા વચ્ચે તે કેમ શક્ય બને? છતાં પણ, તેણે પ્યાલો લેતાં ગોરા હાથની આંગળીઓને ખાલી તો ન જ જવા દીધી.

આ જોઇ ચતુર સુધા સમજી ગઇ કે યુવાન પોતાનામાં મસ્ત છે. તેને પૈસાનું અભિમાન છે. મારા માટે આંધળો વિશ્વાસ છે. તેને વધારેે ખુશ કરવો જોઇએ. એમ વિચારી તેણે આછું સ્મિત કર્યું.

પણ ભીતરતો નફરતની આગ સળગી રહી હતી.

પાણી બાદ, ચ્હાની મજા માણી.

આદરમાનની મીઠી વાતો કરતાં, મહેમાનોએ જણાવ્યું કે અમારે સવારમાં વહેલું પાછું જવું છે. જેથી, જેમ બને તેમ બધું નક્કી થઇ જવું જોઇએ?

આ સાંભળી રામજી પટેલે કહ્યું : ‘તમે શાંતિથી બેસો. હજુ આખી રાત પડી છે? જમી પરવારી આપણે વિચારીએ છીએ?’

જમી પરવારી રહ્યાં એટલે કાન્તિભાઇએ, ભાવિ પતિ પત્નિને એકાંત આપવા જણાવ્યું.

આ રામજી પટેલે અમૃતબા દ્વારા કહેવડાવ્યું કે મહેમાન મેડા પર બેઠા છે. એમને જોઇએ તે આપી આવજો. અમે કાન્તિભાઇને બેઉ, ભાગોળ બાજુ ફરીને આવીએ છીએ.

પરણવાની ઉમેદવારી લઇ આવેલો, કૌશિક એકલો પડ્યો. મેડા પર કોઇની પ્રતિક્ષામાં બેસી રહ્યો.

ક્ષણ બે ક્ષણની રાહ બાદ, સુંદર કપડાં અને અલંકારોમાં શોભીત સુધા, ઇન્ટરવ્યું આપવા આવી પહોંચી.

તેને જોઇ કૌશિક ઘડીભર મૂઝાયો. શું પૂછું તેવા વિચારમાં તે આવેલી સુધાને જોઇ રહ્યો.

અજાણી સ્ત્રીને એકાંતમાં મળવા વખતે શું હાલત થાય છે. તેનો અનુભવ કરતો, ઉભેલી સુધા તરફ જોઇ બોલ્યો : ‘આવો બેસો. અને હસતુ મુખ કરી ઉમેર્યું : ‘ખરેખર તો તમારે અમને કહેવું જોઇએ, એના બદલે, હું તમને જ, તમારા ઘરમાં, આવકારો આપું છું.’

આનો જવાબ સુધાએ, આછુ સ્મિત કરી આપ્યો. અને યુવાનના આવકારને માન આપી સામેની ખુરશી પર ગોઠવાઇ.

‘તારું નામ?’

‘સુધા.’

‘શું ભણે છે?’

‘ટી.વાય.બી.એ.માં?’

‘તને કેવા શોખ છે?’

‘ગરીબોના આંસુ લૂછવાનો, નિરાધારનાં આધાર બની, સાચી લોકસેવાનો, દેશ સેવાનો?’

‘એ તો કંઇ શોખ ગણાતા હશે?’

‘ત્યારે આપ કોને શોખ ગણો છો?’

‘કોઇ રમત, નાટક સિનેમાં તેમ જ વાંચવાનો?’

‘એ બધા શોખ પૈસાદારોના છે. અમારા જેવા ગરીબો માટે નહીં?’

‘પણ તું એક પૈસાદારની પત્ની થવાની છે?’

‘મારે એવા પૈસાદાર પતિની જરૂર નથી.’

‘ત્યારે કેવા પતિની જરૂર છે?’

‘જેની પાસે દિલ હોય, સંસ્કાર હોય, ગરીબ છતાં દેશાભિમાની હોય?’

‘તો શું, પૈસાદારોમાં આવા ગુણ નથી હોતા?’

‘લક્ષ્મીના આવરણ નીચે તેમના સંસ્કારો મરી પરવાર્યા હોય છે. તેઓ દિલ, દિલથી નહીં. પણ પૈસાના જોરે ખરીદવા માગતા હોય છે. તેઓ પૈસા દેશની સેવામાં નહીં. પણ પરદેશ ખેડી મોજશોખમાં જ ઉડાવે છે.’

‘પણ એમાં કોઇ શું કરે? ધન કમાવવું, પરદેશ ખેડવો એ તો પોતાની આવડતની વાત છે?’

‘જે દેશમાં જનમ્યાં? જે માતૃભૂમિનું ધાવણ ધાવી, પોષણ મેળવ્યું. એની સેવા કરવા જેવા થયા, ત્યારે તેના ધાવણને લાત મારી, પરદેશ જનારનામાં આપ કઇ આવડત દેખો છો?’

સુધાની વાક્‌છટા જોઇ કૌશિક ચોંક્યો. તેણે સંકૂચિતતા અનુભવિ. તે શંકાસ્પદ વાણીમાં બોલ્યો : ‘તો તું પરદેશમાં કમાવનાર સાથે લગ્ન કરવા નથી માગતી?’

‘કદાપી નહીં. દેશદ્રોહી અને દેશ ભક્ત વચ્ચે આભજમીનનો અંતર છે. તેમનું સંસાર ગાડું ચાલી શકતું નથી.’

આ જાણી કૌશિક વિચારમાં પડી ગયો.

‘દેશમાં આવી વિરાંગનાઓ પણ છે. જે પોતાના દેશ માટે, પોતાનું સુખ જતું કરે છે?’

તે વિચારમાંથી જાગી બોલ્યો : ‘હું મારા ધનને દેશ સેવામાં વાપરું તો આપ તૈયાર છો?’

‘તેની સાબિતી શી?’ ‘તું કહે તે સાબિતી આપુ?’કૌશિકે તૈયારી બતાવી. આ સાંભળી, વિચારી સુધા બોલી : ‘પરદેશ તમે શાનો ધંધો

કરો છો?’

‘એક્ષપોર્ટ ઇમ્પોર્ટનો.’

‘દર વર્ષે કેટલી આવક થતી હશે?’

‘એ તો જેવો સમય? કશું નક્કી ના કરી શકાય.’

‘સારું ચાલો, દર વર્ષે પાંચ હજાર રૂપિયા, અનાથ આશ્રમને

આપવા ખુશી છો?’

‘હા, ચોક્કસ?’

‘તો લાવો આ વર્ષના પાંચ હજાર, બીજા આવતે વરસે.’

તરત જ કૌશિકે પોતાની એટેચી ઉઘાડી.

તે જોઇ સુધા પણ અવાક બની ગઇ. આખી એટેચી નોટોથી

ભરેલી હતી. તેણે તરત જ પૂછ્યું : ‘આટલા બધા રૂપિયા?’

આજે જ જર્મનની ઘડિયાળનો સોદો પતાવ્યો? ત્યાંથી સીધા જ અહીં આવ્યા છીએ. એમ કહેતાં કૌશિકે, પાંચ હજાર રૂપિયાની થપ્પીઓ, સુધા આગળ મૂકી દીધી.

સુધા તે લઇ ઊભી થતાં બોલી : ‘લ્યો ત્યારે આવજો. વૈશાખમાં ઘોડે ચડી લાડી લેવા? નહીં તો કોઇ દિલદાર, લાડીને લઇ જશે. તો, આંખો ચોળતા પાછા જવું પડશે?’

આ સાંભળી કૌશિક ઉત્સાહમાં આવી ગયો. તે સુધાના કટાક્ષનો જવાબ આપતો, અભિમાન પૂર્વક, છાતી પર હથેળી પછાડતાં

બોલ્યો : ‘હવે તો લાડી આપણી થઇ ચૂકી છે? તેને લઇ જનારને, તો દુનિયામાં ફરી અવતાર લેવો પડશે?’

માટે આમેય બિચારાને માર્યો છે. તો થોડો વધારે. એમ વિચારી આંખ ઉલાળતાં બોલી : ‘એમ ના ધારશો? શેરને માથે સવાશેર હોય છે?’ એમ કહી સડસડાટ પગથિયાં ઉતરી ગઇ.

સવારમાં મહેમાન પહેલાં જ સુધાએ વિદાય લીધી.

નડીયાડ સ્ટેશને ઊતરી, સીધો જ દિનેશના ઘરનો રસ્તો પકડ્યો. દિનેશ હમણાં જ પરવાર્યો હતો.

શાક શું બનાવું? તેવા વિચારમાં, બજારમાં, બજારમાં નીકળવાનો વિચાર કરતો હતો. ત્યાં જ પગથિયાં ચડતી સુધા દેખાઇ. દિનેશ તેને આવકારો આપે, તે પહેલાં તે દિનેશને વળગી પડી તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

આ જોઇ દિનેશ હેબતાઇ ગયો. તે નવાઇ પામતાં બોલ્યો : ‘સુધા આમ એકાએક શું થઇ ગયું? શાંત થઇ જા? જરા માંડી વાત તો કર?’

‘વાત કરવાનો વખત નથી? વાતમાં દુઃખનાં અંગારા ઊડે છે?’ સુધાએ ડૂસકાં ખાવા માંડ્યા.

‘ઠંડા પાણીની એક જ છાલકથી, તે અંગારાને હોલવી નાખીશ? સુધા, બોલ શું વાત છે?’ પોતાના હાથ વડે સુધાનાં આંસુ લૂછતાં, દિનેશે કહ્યું.

‘મારા વિવાહ થઇ ગયા? વૈશાખમાં લગ્ન થવાનાં છે?’ સુધાએ ડૂસકાં ખાતાં એકદમ બોલી નાખ્યું.

‘એમાં શી ચિંતા કરે છે. ગાંડી? એમાં તું સંમત છે?’

‘ના, બિલકુલ નહીં?’

‘તો પછી, સંમતિ વગર નક્કી કેમનું થયું?’

આ સાંભળી, આંસુ સારતી સુધા, ગળગળા સાદે બોલી : ‘વિરોધ કર્યો હતો. પણ પરિણામ સારું આવે તેવું લાગ્યું નહીં.’ હઠીલો બાપ પોતાનું ધાર્યું કરશે જ? તેમાં બળ નહીં. પણ કળ વાપરવી પડશે એમ વિચારી તો હા પાડી છે?’

‘બાપને હા પાડી. તેમ, યુવાનને પણ હા પાડી જ હશે ને?’

‘હા, તેને પણ મેં હા પાડી છે. સાથે વિશ્વાસમાં લઇ તેને દબાવ્યો છે.’ સુધાએ સામું જોઇ કહ્યું.

‘કેવી રીતે?’

‘તેની સાથે લગ્ન કરીશ. એવો વિશ્વાસ આપી દર વર્ષે પાંચ હજાર રૂપિયા, અનાથ આશ્રમને મદદ કરવાની ફરજ પાડી છે. અને આ સાલના પણ લઇ લીધા છે. તે આ રહ્યા.’ એમ કહી સુધાએ પોતાની શૂટકેશમાંથી રૂપિયા બતાવ્યા.

‘હવે, તારો શો વિચાર છે?’

દિનેશની ખુશીમાં ખુશ થતી સુધાએ કહ્યું : ‘આ રૂપિયા અનાથ આશ્રમને મોકલાવી દઇએ. આપણે વૈશાખ પહેલાં લગ્ન ગ્રંથિથી જોડાઇ જઇએ? નહીં તો પરિણામ ગંભીર દેખાય છે?’

‘પણ લગ્ન તો હજુ વૈશાખમાં છે ને?’

‘હા.’

‘તો પછી અત્યારથી શી ચિંતા કરે છે? કોડભર્યા એ વરરાજાની,આંખમાં ધૂળ નાખી આપણે પરણી શું? તું વિશ્વાસ રાખ?’ દિનેશે વિશ્વાસ આપ્યો.

‘એના કરતાં, ચાલને ભાગી જઇએ?’ સુધાએ ઉતાવળ બતાવી. ‘નહીં, એમ કરવામાં આપણી મર્દાનગી ન ગણાય? તું તારે

શાંતિ રાખ? તારો દિનેશ તને દગો નહીં કરે. એટલો તો વિશ્વાસ છે ને?’ ‘મેં ક્યારે, તારી ઉપર અવિશ્વાસ રાખ્યો?’ ‘બસ ત્યારે, હવે મારે જોવાનું, તારે નહીં?’ એમ કહી દિનેશે

સુધાને નાસ્તો કરાવ્યો. સુધા નાસ્તાને માન આપી હોસ્ટેલે રવાના થઇ. ત્યારે ગોપીપુરામાંથી રામજી પટેલના મહેમાનો વિદાય લઇ

ચૂક્યા હતા. સુધાનાં માતાપિતા, દીકરીના વિવાહ થઇ જવાથી ચિંતા મટી. એમ જાણી આનંદ અનુભવી રહ્યાં હતાં.

પ્રકરણ : ૯

જગત પરથી શિયાળે વિદાય લઇ, ઉનાળાનો ચાર્જ સોંપી દીધો હતો. ગરમ લૂ પોતાના અસ્તિત્વનું ભાન કરાવતી હતી.

તેવા સમયે, એક નાની રૂમમાં કોઇ યુવતી, પોતાના પ્રેમી યુવકને આંસુ ભીની આંખે વિનવી રહી હતી : ‘દિનેશ, હું જાઉં છું. છતાં તું ના કહેતો હોય તો માંડીવાળું?’

‘ના, ખુશીથી જા? નિશ્ચિંત રહી દિવસો વીતાવજે. મનને કાબૂમાં રાખજે? પ્રભુ પ્રત્યે વિશ્વાસ રાખી આનંદમાં રહેજે?’

‘દિનેશ તું માનતો નથી એટલે ઇચ્છા ન હોવા છતાં પણ જવું પડે છે? હજુ કહું છું કે ચાલ, ચાલ્યાં જઇએ.’

આ સાંભળી દિનેશ, વિશ્વાસ આપતો, સમજાવવા લાગ્યો : ‘સુધા તું નકામી ચિંતા કરે છે? વિશ્વાસ રાખ? તારા સિવાય જગતની દરેક સ્ત્રી મારે મા બેન છે. જ્યાં સુધી આ ખોળિયામાં જીવ હશે ત્યાં સુધી મારી સુધાને અળગી નહીં થવા દઉં?’

દિનેશે દિલની દરેક લાગણીથી સમજાવી ત્યારે સુધા ગામ જવી તૈયાર થઇ. છેલ્લે છેલ્લે પણ તેને વિશ્વાસના આવતો હોય તેમ કહેવા લાગી : ‘દિનેશ હું વિશ્વાસથી જાઉં છું. જો તું લગ્ન પહેલાં નહીં આવે તો હું આપઘાત કરીશ?’

દિનેશે મીઠાં ચુંબનોથી તેના ગાલ ચૂમી લીધાં.

એકબીજાના બાહુઓમાં જકડાઇ કંઇક હળવાસ અનુભવે ત્યાં તો રસુલ અને મરિયમનાં પગલાં સંભળાયાં.

હૈયે વળગેલાં હૈયાં જુદાં થઇ ગયાં.

સુધા સંપૂર્ણ તૈયારી સાથે જ આવી હતી. તે જોઇ ગળગળા સાદે મરિયમ બોલી : ‘સુધાબેન, તમે જાવ છો, પણ આ દુઃખીયારી બેનની ખબર લેશો કે નહીં?’

આ સાંભળી રસુલ વચ્ચે જ બોલ્યો : ‘હા, બેન! તમે તો, હવે અહીં આવવાના નહીં, તો અમને દુઃખીને દિલાસો કોણ આપશે?’

આ સાંભળી દુઃખી થયેલા આત્માઓને દિલાસો આપતી સુધા બોલી : ‘તમારું જીવન આનંદમાં રહે એવી મારી શુભેચ્છા.’

આ સાંભળી રસુલ બોલ્યો : ‘સુધાબેન, કેમ કરીને પણ ભૂલાય એમ નથી? તમે અમારી ઉપર ઘણી મહેરબાની કરી છે.’

‘જરૂર, અવસર આવ્યે તમને યાદ કરીશ? પછી કૈ?’ એમ કહી સુધાએ જવાની તૈયારી બતાવી.

આંસુભીની આંખે, સુધાએ વિદાય લીધી.

સુધાના આવતાં રામજીભાઇના ઘરનું વાતાવરણ આનંદથી ધમધમી ઊઠ્યું.

કોઇએ તબીયત તો કોઇએ પરીક્ષાના હાલ પૂછ્યા. બધાને યોગ્ય ઉત્તરો આપતી સુધા મનોમન ઘરના બદલાયેલા વાતાવરણને પી રહી માણી રહી.

ઘરમાં હરતી ફરતી સુધાને, નવી આણેલી વસ્તુઓ જોઇ, ક્યારનોય ખ્યાલ આવી ગયો હતો કે આ બધી તૈયારી પોતાના લગ્નની છે.

એક બે, દિવસના સહવાસ બાદ, તેણે બાપુની નાસભાગ અને અમૃતબાની વાતોથી એ પણ જાણી લીધું કે પોતાના લગ્ન વૈશાખમાં પહેલાં પંદરમાંજ લેવાના છે.

આજે સુધાને ગયે ઘણા દિવસ થઇ ગયા. છતાં પણ તેનો સંદેશો કે કાગળ ન મળતાં, દિનેશને ચિંતા થવા લાગી. દરરોજ ટપાલીને પોતાની ટપાલ બાબતમાં પૂછતો. પણ નકારાત્મક જવાબ સાંભળી, તેનું હૈયું વલોવાઇ જતું. આશાઓનો મિનારો તૂટી પડતો. સુધા પ્રત્યે તેને ક્રોધ આવતો હતો. સારા અને ખરાબ વિચારો મનને બેચેન બનાવી દેતા હતા. ઘણી વખત પત્ર લખવાનો વિચાર થઇ જતો, પણ પત્રની રાહમાં પત્ર લખી ન શકતો. તેવામાં એક દિવસ, રસુલ અને મરિયમે પત્ર લખવા પ્રેર્યો. બંનેના પ્રેમભર્યા આગ્રહને લીધે, તેણે સુધાને પત્ર લખ્યો.

પત્ર જ્યારે ટપાલી આપવા આવ્યો, ત્યારે સુધા લગ્ન માટે અનાજ સાફ કરવા, બેનપણીઓને બોલાવવા ગઇ હતી. એટલે ટપાલી રામજી પટેલને પત્ર આપી, છુટકારાનો દમ ખેંચતો ચાલ્યો ગયો.

અભણ રામજી પટેલ પોતાનો કાગળ જાણી, સીધા જ બળદેવ ગાંધી પાસે પત્ર લઇ પહોંચી ગયા.

પત્રની હકિકત જાણી રામજી પટેલ ધૂંઆ પૂંઆ થઇ ગયા. પોતાની આંખમાં ધૂળ નાખતી દીકરી પ્રત્યે તેમને ક્રોધ ઉપજ્યો. અને એથી વધુ ક્રોધ તો એમને ઉપજ્યો કે બળદેવ ગાંધીએ આ વાત જાણી.

ઘર આંગણે આવેલી જાન પાછી જાય? પોતાનાં ધોળામાં ધૂળ ભરાય? એ વાત યાદ આવતાં, તે રાતા પીળા થતા ઘેર ગયા.

કોઠારમાંથી ઘઉં કાઢી ઓસરીમાં નાંખતાં અમૃતબાને કહેવા લાગ્યા : ‘જોયાં તારી દીકરીનાં કાળાં કામ? મારા ધોળામાં ધૂળ નાખવા ફરે છે?’

અને જાણે સુધાને કહેતા હોય તેમ બોલ્યા : ‘પણ, બેટી એમ કંઇ આ મૂર્તી છેતરાય તેવી છે? મને વર્ષો થયાં છે, એટલા તને દિવસોય નથી થયાં? તારા કરતાં વધારે દિવાળીઓ જોઇ છે. એટલું યાદ રાખજે?’

પતિનો ઓચિંતો વાણી પ્રહાર જોઇ અમૃતબા નવાઇ પામતાં બોલ્યા : ‘પણ થયું છે શું? એ તો કહો?’

આ સાંભળી રામજી પટેલનો પીત્તો ગયો. તેઓ પત્ની પર ક્રોધ ઉતારતાં બોલ્યા : ‘જો આજથી તારી છોડીને ઘર બહાર પગ મૂકવા દીધો, તો યાદ રાખજે. તારું અને અને એનું આવી જ બન્યું? એ ચંડાળ છોડીએ, તો મારી આબરૂ લીધી હોત. પણ સારું થયું કે કાગળ મારા હાથ આવ્યો.’

આ વાતો થતી હતી. એટલામાં સુધા આવી પહોંચી તેને જોઇ રામજી પટેલ બોલ્યા : ‘જો છોકરી, આજથી હું તને કહી દઉં છું કે તારો હવે ઘર બહાર પગ મૂકવાનો નહીં. આમાં જો કોઇ આનાકાની કરી, તો તને અને તારી બાને મરતાંય નહીં આવડે?’ અને અમૃતબા સામે જોઇ ઉમેર્યું : ‘જો સાંભળી લે, તારી છોડીને ચોવીસે કલાક, મેડા પર રાખવાની છે. તેની જવાબદારી તારી છે? સમજી?’

બાપુના આવા શબ્દો સાંભળીને સુધા સ્તબ્ધ થઇ ગઇ. તે બાપ સામે તાકી રહી, ના કશું બોલી કે ના કશું વિચારી શકી.

તરત જ રામજી પટેલે તેને મેડા પર જવા હુકમ કર્યો. સુધા બિચારીએ ભાંગેલા હૃદયે, પિતાની આજ્ઞાનું પાલન કર્યું. તેને કશી સમજણ ન પડી કે પિતાનું વલણ એકાએક કેમ બદલાઇ ગયું.

પણ બીજે દિવસે નાના ગોવિંદે, નિર્દોષ હૃદયે કાલીકાલી ભાષામાં જણાવી દીધું, કે ‘મોટા બેન, તમારો કાગલ આવ્યો તો. તે બાપુજીએ લઇ લીધો તો. બા બાપુ બેઉ વલ્યાં તા.’

આ સાંભળી સુધાને સાચી હકિકતનો ખ્યાલ આવ્યો. તેને પોતાની ઢીલાસ પ્રત્યે ધૃણા ઊપજી. પોતાનો પત્ર નહીં મળ્યો હોય એટલે દિનેશે કાગળ લખ્યો હશે. હવે શું? આ જાણી સુધા ગભરાઇ ગઇ. મન બેચેન બન્યું. વિચારના વમળમાં અટવાઇ ગઇ.

તે દિવસથી સુધાની પરિસ્થિતિએ ગંભીર રૂપ લીધું. આખો દિવસ મૂઢ બની બેસી રહેતી. આંસુ સારતી. ગભરાતી, પાછી વિચારતી કે ‘દિનેશને કાગળ લખું?’ પણ ક્યા સમયે? દિવસે, રાતે, ખાતાં પીતાં, નાહતાં ધોતાં, બેસતાં, ઊઠતાં, સૂતાં દરેક વાતે માતા સાથે જ રહી છે.’

વૈશાખ શરૂ થયો.

ઘરમાં એકાંત મેળવી રામજી પટેલ અમૃતબાને કહ્યું : ‘જે આજે અમે લગ્નનું નક્કી કરવા જઇએ છીએ. તેની સુધાને ખબર પડવી જોઇએ નહીં. નહીં તો નીચું જોવા વખત આવશે....સમજી?’

‘હજુ તો તેઓ આવે તો ખરા? અમથા આમ, ભેંસ ભાગોળે છાશ છાગોળે ને, ઘેર નકામી ધમાલ કરો છો?’ અમૃતબાએ પતિની વાત અમસ્તી માની કહ્યું.

‘તેઓ બેઓ કોઇ આવવાના નથી. મેં કહેવડાવ્યું છે કે અમે

ત્યાં આવીશું?’

ત્યાં તો છગન પટેલ તૈયાર થઇ આવી ગયા.

અમૃતબા ખુશ થતાં બોલ્યાં : ‘છગનભાઇ, પહલું લગ્ન આવે તેજ માન્ય રાખજો? અમારા ઘરનું પહેલું પતે, પછી બીજા લગ્નોના લ્હાવા લેવાય સમજ્યા?’

આ સાંભળી છગન પટેલ મૂછોમાં હસતા બોલ્યાં : ‘એ સારું ભાભી? એમાં કહેવું પડશે નહિં? આ પાંચ દિવસમાં લગ્ન પતી જાય, એવું કઢાવીને આવ્યા સમજો?’

બંને ઘરની બહાર નીકળ્યા.

‘બાપુ ક્યાં ગયા, ગોવિંદ?’ સુધાએ ગોવિંદને પૂછ્યું.

એ તો કહેતા તા કે કૌશિકલાલને ત્યાં જઇએ છીએ. ગોવિંદે

હકિકત જણાવી.

આ સાંભળી સુધાને પિતાની ચાલાકીનો ખ્યાલ આવી ગયો. ‘જરૂર પિતા પોતાનો વહેત ઉતારવા ગયા હશે?’

તેનો ચહેરો પડી ગયો. હૈયું ધડકવા લાગ્યું. ઘડીભર શું કરવું? તેના વિચારમાં પડી ગઇ.

અમૃતબા આઘાંપાછાં થયાં એટલે સુધાએ દિનેશને એક કાગળ લખી રાખ્યો. અને રામજીપટેલ આવે એટલે બધી વાત જાણી કાગળમાં ઉમેેરી તેને રવાના કરવા તૈયાર રાખી સંતાડી દીધો.

બીજે દિવસે બાર વાગ્યે રામજી પટેલ આવી ગયા. પતિનું આગમન જાણી અમૃતબા નીચે ગયાં. તે જોઇ સુધાએ પણ ગોવિંદને નીચે મોકલ્યો.

લગ્નનો સમય જાણવા ઉત્સુક અમૃતબા બોલી ઊઠ્યાં : ‘શું બધું પતી ગયું ને? લગ્ન ક્યારે આવ્યું?’

‘લગ્ન તો બહુ પહેલું નીકળ્યું છે?’ એમ કહી ખીસ્સામાંથી લગ્ન પત્રીકા કાઢી, અમૃતબાને આપતાં બોલ્યાં : ‘આ પાંચમે જ?’

આ જાણી અમૃતબા હર્ષઘેલાં થઇ ગયા. ‘સારું થયું લ્યો? ધાર્યા પરિણામે જ નીકળ્યું.’ એમ કહી બ્રાહ્મણે લખી આપેલો કાગળ કબાટમાં મૂકી લગનની જાણ કરવા બેડુ લઇ કુવા તરફ ચાલી નીકળ્યા.

રામજી પટેલ પણ ગરમી અને થાકમાં આરામ મેળવવા, શરીર પરનું ડઘલું અને બંડી કાઢી, છગન પટેલની લીંમડી નીચે ખાટલો ઢાળી બેઠા.

બિચારો ગોવિંદ આઘો પાછો થવા લાગ્યો. તેને આ વાતોમાં કંઇ સમજણ પડી નહીં. બાધા જેવો, પિતાએ આપેલ ચવાણું ચાવતો ઘરમાં ફરવા લાગ્યો.

એકાએક તેની નજર કબાટ પર પડી. બારણાના કાચમાંથી દેખાતી પત્રિકા તરફ તેનું મન ખેંચાયું. ‘આમાં કશુંક લખાવી લાવ્યા છે.

તરત જ તેણે કબાટ ઉઘાડ્યું. તેમાંથી પેલો કાગળ કાઢી ‘મોટીબેન, મોટીબેન? બાપુ, આ કાગળ લાયા છે.?’ એમ કહેતાં સુધા પાસે પહોંચી ગયો.

‘શું લાવ્યા છે? લાય જો?’ સુધાએ કાગળ જોયો.

તરત જ ગભરાતા હૃદયે તેણે દિનેશને લખેલા પેલા અધુરા કાગળમાં લખવા માંડ્યું.

વૈશાખ સુદ પાંચમ, તારીખ પાંચમી અને શુક્રવારના રાત્રે પાંચ વાગ્યાનો લગ્ન સમય.

નીચે એક લીટીમાં જણાવ્યું કે ‘આ સમય પહેલાં નહીં આવે તો સુધા આ લોકમાં નહીં મળે?’

ચોક્કસાઇ ભરી ઉતાવળમાં આખો પત્ર પૂરો કરી કવર બીડી દીધું.

ગોવિંદને પિતાની બીક બતાવી કાગળ પાછો મૂકી આવવા જણાવ્યું.

ગોવિંદને પેલું કવર આપી ટપાલ પેટીમાં નાખી દેવા જણાવ્યું. અને કોઇને એ અંગે ન કહેવા પણ સૂચના આપી.

ગોવિંદ દોડતો ટપાલ પેટીએ પહોંચ્યો પણ ટપાલ પટી તો ઊંચી હતી. તેણેે આજુબાજુ નજર કરી તો કાળિયો ખેતરે જવા ત્યાં થઇ નીકળ્યો.

‘આ કાગળ નાખી આપને કાળિયા?’ ગોવિંદે કાળિયાને કાગળ આપતાં કહ્યું.

ખેતરે જવામાં ઉતાવળીયા કાળિયે ઝડપ લઇ કાગળ ટપાલ પેટીમાં પધરાવી દીધો.

દિનેશ જમી પરવારી, રાતની પાળીનો ઉજાગરો શાંત કરવા,

વિચારી રહ્યો હતો.

ત્યાં જ ટપાલીએ ‘દિનેશ કુમાર’ કહી બૂમ પાડી.

તેણે કવર લઇ સરનામાંના અક્ષરો જોયા.

‘સુધાનો પત્ર છે?’ બબડતા તેણે કવર એકદમ ખોલી, વાંચવા માંડ્યું. ત્યારે તે સ્તબ્ધ બની ગયો. તેનું હૃદય ભાંગી ગયું. હૃદયના ધબકારા વધી ગયા.

‘પાંચમ, પાંચમી તારીખ, રાત્રીના પાંચ કલાક પહેલાં હું સુધાને ના મેળવું, તો તે મૃત્યુને આધીન થશે?’

રાત થોડીને વેશ ઝાઝા? આજે બીજ, ત્રીજ, ચોથ અને પાંચમે લગ્ન એટલે એ તો ગણાવાનો નહીં. વચ્ચે ત્રણ દિવસ?

‘આ ત્રણ દિવસમાં હું સુધાને મેળવી શક્યો તો સાચું? નહીં તો....’

આવા અનેક વિચારોએ તેને ઘેરી લીધો.

ત્યાં તો એના શરીરમાં જાણે ચેતન આવ્યું. મગજે માર્ગ બતાવ્યો. તે એકદમ ઊભો થઇ ગયો. કપડાં બદલી રૂમ બંધ કરી. સીધો દોડાદોડ રસુલ પાસે આવી પહોંચ્યો.

પાણી પાઇ ધીમેથી રસુલે પૂછ્યું : ‘કેમ ભાઇ, એકાએક આવવું થયું? અને બેચેન મને?’.

આ સાંભળી હાંફતા દિનેશે પત્ર કાઢી રસુલને આપતાં ધ્રુજતા હોઠે બોલ્યો : ‘જો આ પત્ર સુધાએ લખ્યો છે. પાંચમે અને પાંચમી તારીખે, રાત્રે પાંચ વાગ્યે તેના લગ્ન છે. જો તે પહેલાં નહીં જઇએ તો, સુધાને ખોઇ બેસીશું? બોલ, હવે શું કરીશું?’

‘કશો વાંધો નહીં? લગ્ન પહેલાં, સુધાને અહીં જ સમજો? એમાં ચિંતા કરવાની જરૂર નથી.’ રસુલે હસતા મુખે ધીરજ આપી.

‘પણ કેવી રીતે? એ તો કહે? મને વિશ્વાસ આવે?’ દિનેશ અકળાઇને બોલ્યો.

‘તમ તમારે એક ટેક્ષી લઇ લેજો. બસ, પછી હું ને મારી મરિયમ, હજારો માણસો વચ્ચેથી, સુધાબેનને ઉપાડી લાવીશું. તેની ચિંતા તમારે કરવાની નહીં.’ રસુલે ધીરજ આપી.

‘ક્યારે જવાનું?’

‘પાંચમે, તારીખ પાંચ, દિવસના પાંચ વાગે નીકળવાનું.’

‘તો હું તૈયાર રહીશ? તમે પાંચમના દિવસે આવી જજો?’

એમ કહી દિનેશ ઊભો થયો. પાંચમને દિવસે દિનેશ રસુલ પાસે પહોંચ્યો અને બોલ્યો :

‘બોલો, આપણે કેવી રીતે તૈયારી સાથે જવાનું છે?’

‘આપણે, ત્યાં ઝડપી વાહન લઇ જવું પડશે?’

‘એ માટે ટેક્ષી ભાડે લઇ લઇશું, ચાલશે ને?’

‘હા, ટેક્ષી અને આપણા રક્ષણ માટે, કોઇ સાધન પણ જોઇશે?’

‘આપણા રક્ષણ માટે સાધન શું કરવું છે?’

આ સાંભળી, રસુલ બોલ્યો : ‘જુઓ, દિનેશભાઇ, આપણે ત્યાં કોઇની જાનમાં નથી જતા? સુધાબેનનું હરણ કરવા જઇએ છીએ, એમ કહું તોય ખોટું નથી.’

‘અરે રસુલ? તને ખબર નથી? સુધા મારી રાહ જોઇને જ બેઠી હશે? મને જોઇ તરત જ દોડી આવશે? ત્યાં હથિયાર શું કરવા છે?’ દિનેશે વિશ્વાસ બતાવ્યો.

‘તો આજે રાતે પાંચ વાગે લગન છે, કેમ સુધાબેન આજે ભાગી ના આવ્યાં?’

આ સાંભળી દિનેશ મૂંઝાયો. તેને કોઇ જવાબ જડ્યો નહીં. તેને થયું કે રસુલની વાત સાચી છે?

ખરેખર, તેને આવવા કોઇ બારી નહીં હોય. તે બંધનોમાં ઝકડાઇ ગઇ હશે?

આવા બંધનોમાં ઘેરાયેલીને, ભગાડી લાવવી અ કંઇ રમત વાત છે? તેને મુક્ત કરવા જતાં આપણે બંધાઇ જઇએ?

લગ્ન જેવાં પ્રસંગે કોણ ના હોય?

સગાઓ, જાનૈયા, ગ્રામજનો હજારો જણ હોય. એ બધાની આંખમાં ધૂળ નાખી છટકવું, એ કંઇ છોકરાની રમત ના કહેવાય? ત્યાં સાથી મિત્રો અને હથિયાર જોઇએ?’

વિચારમાં પહેલાં દિનેશને, રસુલે કહ્યું : ‘શું વિચાર કરો છો? ચાલો તૈયાર થઇ જાવ?’

‘પણ રક્ષણ માટે હથિયાર, તો એક જ છે, બીજું ક્યાંથી લાવીશું?’

‘તમારી પાસે છે કે નહીં?’

‘પણ તારો સવાલ?’

‘તમે તમારું સાંભળો, હું મારું ફોડી ખાઇશ?’ એમ કહી રસુલે કોટના ખિસ્સામાંથી રિવોલ્વર કાઢી.

તે જોઇ, દિનેશ પોતાની રિવોલ્વર લઇ તૈયાર થઇ ગયો. ‘સારું ત્યારે ચાલો, નહીં તો મોડું થઇ જશે?’ એમ કહી રસુલ અને મરિયમ પાછળની સીટમાં ગોઠવાયાં અને દિનેશ ડ્રાઇવર પાસે બેસી ગયો.

ગોપી પુરાના રસ્તે, ટેક્ષી પૂરપાટ દોડી.

પ્રકરણ : ૧૦

વૈશાખના બળબળતા બપોર, પક્ષીઓના કલકલાટનો અભાવ અને એમાંય વરસતી લૂ. રાષ્ટ્રપતિ શાસન હોય તેમ ચારે બાજુ માત્ર ગરમીનું જ વાતાવરણ હતું.

એ સમયે બસ સ્ટેશનથી દૂર એક એમ્બેસેડર કાર આવીને ઊભી રહી.

એ ગાડીમાં રસુલ, મરિયમ અને દિનેશ બેઠાં હતાં. ગાડી ઊભી રહી એટલે રસુલ બોલી ઊઠ્યો : ‘મરિયમ, હવે તું સુધાબેનને ઘેર જા અને એમને બોલાવી લાવ પછી છૂ થઇ જઇએ.’

‘રસુલ?’ દિનેશ બોલી ઊઠ્યો : ‘આજની કામગીરી તને સોંપેલી છે. તેમાં હું કાંઇ ન જાણું. પરંતુ કામ વ્યવસ્થિત થવું જોઇએ.’

મરિયમ હસીને નીચે ઊતરી અને ગામ તરફ ચાલી નીકળી.

બીજી તરફ ટેક્ષી ડ્રાઇવરે ટેક્ષી એક બાજુ મૂકી અને કારમાં બેઠાં બધાં વાતો કરવા લાગ્યાં.

‘ભૈયાજી? આપકો માલૂમ હૈન? યહાં હમ ક્યું આયે હૈ? યહાં તો ખતરો સે ખેલને કા ખેલ હૈ. ક્યા હિંમત રહેગીન? અગર ઐસા હો તો અબ ભી વક્ત હૈ. બોલ દેના.’

‘કોઇ બાત નહીં. ખતરેમે ચલના હમારા કામ હૈ? ડ્રાઇવિંગ સિવા, કામ હો તો ભી કહના. ગભરાના નહીં?’

ડ્રાઇવરની તૈયારી અને હિંમત જોઇ બંને ખુશ થયા. ‘કામ ફતેના થાય, તો જરૂર બદલો મળશે.’ એમ જણાવી ત્રણે ટેક્ષીમાં આવી બેઠાં.

મરિયમને જોઇ અમૃતબા ખુશ થઇ ગયાં. તે વિવેક બતાવતાં બોલ્યાં : ‘સારું થયું લે. તું આવી ગઇ. અમે તો ધમાલમાં ભૂલી જ ગયાં હતાં.’

‘તમે ભૂલો, પણ હું કેમ ભુલું? પોતાના ઘેર આવવામાં આમંત્રણની શી જરૂર છે?’ મરિયમે ઉલ્લાસથી કહ્યું.

‘બરોબર બોન? આ તારું જ છે ને? સારું કર્યું અવસરે આવી ગઇ. જો ને કેટલું કામ પડ્યું છે? કોઇ મદદ સરખું પણ કરતું નથી. બધાં મહાલવા આવ્યાં છે?’ અમૃતબાએ કંટાળો બતાવ્યો. આ જોઇ મરિયમ મદદમાં લાગી ગઇ. તે જોઇ અમૃતબા ખુશ થઇ ગયાં.

અમૃતબાને આનંદમાં જોઇ, મરિયમે કહ્યું : ‘બા? સુધાબેનનું ઘર તો સારું ગોત્યું છે ને?’

‘હા, બધું આપણા પ્રમાણે જ છે. સુધાને કશું દુઃખ નથી પણ...?’

‘પણ શું બા?’ અમૃતબાનેે અટકેલા જોઇ, મરિયમે નવાઇનો ભાવ બતાવતા કહ્યું.

‘બળ્યું શું કહું? આ સુધલી રાંડ, પૈણવાનું ના પાડે છે? આ તો પરાણે ઊભું કર્યું છે.’

‘કેમ ના પાડે છે?’

‘દૈ જાણે? કહે છે કે મારે પેલા....બળ્યું એનું નામેય નથી આવડતું? એને પૈણવું છે. એવડાઓનો કાગળ પણ આવ્યો હતો.’

‘કોનો કાગળ? પેલાનો?’

‘કે આપણે જતાં રહીશું?’

‘તે સુધાબેન જતાં રહ્યાં?’

‘ના, ક્યાં એના માથામાં જાય?’

‘તારે દેખાતા નથી ને?’

‘પેલાનો કાગળ તારા બાપુના હાથ આવ્યો. ત્યારથી સુધાને મેંડા પરથી નીચે ઊતરવા દેતા નથી. તેની પર ચોવીસે કલાક ચાંપતી નજર રાખે છે.’

‘કેમ?’

‘કેમ તે આબરૂને ધૂળમાં નાખી, છોડી છટકી જાય એટલે.’ અમૃતબાએ કહી નાખ્યું.

આ સાંભળી, અજાણતા બતાવતાં મરિયમ બોલી : ‘આટલી હદે વાત આવી ગઇ છે. એની મને શી ખબર? આમ તો સુધાબેન બહુ શાણા દેખાય છે?’

‘એ તો એટલી બીજી ભોયમાં છે.’ અને થોડું અટકી બોલ્યા : ‘અલી બબલી, તે કોઇની સાથે હસતી ફરતી જોઇતી?’

‘ના રે ભૈ? મેં તો કોઇ દિવસ જોયાં નથી. પછી ભગવાન જાણે?’

‘પણ મહીં કોલેજમાં બોલતી હશે એની શી ખબર?’

‘હા, એ વાત સાચી. કોલેજમાં હું ક્યાં જોવા જવાની હતી કે ત્યાં કેવાં નાટક ખેલાય છે.’ મરિયમે નિર્દોષતા બતાવી.

આમ વાતોમાંને વાતોમાં કલાક વીતી ગયો. તેનો ખ્યાલ મરિયમને રહ્યો નહીં.

પણ જ્યારે રામજી પટેલે આવી કહ્યું : ‘સુધાનાં કપડાં તૈયાર થઇ ગયાં છે. તે લઇ આવજો.’

ત્યારે મરિયમને યાદ આવ્યું કે પોતે શું કરવા આવી છે. અને શું કરી રહી છે?

તે તરત જ ઊભી થઇ બોલી : ‘હશે બા. આપણે ક્યાં જોવા રહેવાનું છે. કરશે તે ભોગવશે? અને અમૃતબા સામે જોઇ ઉમેર્યું : ‘હું તો સુધાબેનની ખબર કાઢવાનીય ભૂલી ગઇ. ક્યાં છે બા, સુધાબેન?’’

‘એ તો પેલા મેંડા પર.’ આંગળી બતાવતા અમૃતબાએ કહ્યું.

તરત જ મરિયમ સડસડાટ કરતી દાદરનાં પગથિયાં ચડી ગઇ. તે સુધાના પલંગ પાસે આવી ઊભી રહી.

મરિયમે ખાટલા પાલે ઊભી રહી બૂમ મારી : ‘સુધાબેન, ઓ સુધાબેન? જરા આંખ તો ખોલો?’

મરિયમનો પરિચિત અવાજ સાંભળી સુધાએ એકદમ આંખો ખોલી. તે બેઠી થઇ ગઇ. મરિયમના હાથ પકડી રોવા લાગી.

આ જોઇ મરિયમ પણ ગળગળી થઇ ગઇ. તે દિલાસો આપતી બોલી : ‘હોય બેન? સુખ દુઃખ તો સર્વના જીવનમાં આવ્યા કરે છે. તેનાથી હારી ના જવાય? હું તમારું દુઃખ દૂર કરવા જ આવી છું?’

આ સાંભળી, સુધાના મુખ પર ચેતનની રેખા ઉપસી આવી. તે ધીમે રહી બોલી : ‘મારું દુઃખ તારી એકલીથી દૂર થાય તેમ નથી. જોને, આ જમડા ચોવીસ કલાક નજર રાખે છે. હવે તો આશા છોડી દેહ છોડવા સિવાય છુટકો નથી.’

સુધાની નિરાશા જોઇ મરિયમ પણ ગળગળી થઇ ગઇ. તે સમજાવતાં કહેવા લાગી. ‘ના બેન, એવું ના થાય? દિનેશભાઇ તમારા સિવાય ઘડી પણ રહી શકે તેમ નથી. તેઓ ગામ બહાર તમારી રાહ જોઇને જ બેઠા છે. ચાલો, હું તમને લેવા માટે આવી છું.’

‘તું જો તો ખરી? મારાથી હવે કેમનું આવી શકાય? જા તું દિનેશને કહેજે કે સુધા મરણ પામી છે? યોગ્ય પાત્ર શોધી પરણી જાય.’ સુધાએ આશા મૂકી જણાવી દીધું.

સુધાની નિરાશા જોઇ, તે કહેવા લાગી : ‘અરે, સુધાબેન આવું અપશુકનિયાળ શું બોલો છો? અને કંઇ મરી પરવાર્યા છીએ? તમ તમારે ઠેકાણે જીવ રાખો. જ્યાં લગી આ મરિયમ બેઠી છે. ત્યાં સુધી તમારા પ્રેમની આડે કોઇને નહીં આવવા દે?’

એમ કહી મરિયમ નીચે ઉતરી સ્ટેન્ડ તરફ ઉપડી.

દૂરથી મરિયમને આવતી જોઇ રસુલ અને દિનેશ ઊભા થઇ ગયા. સાથે સુધાને ન જોતાં કારણ જાણવા અધીરા બન્યા.

તેઓ કંઇ પૂછે, તે પહેલાં જ મરિયમે કહી નાખ્યું : ‘સુધાબેનથી આવી શકાય તેમ નથી. તેના પર પૂરો પહેરો રાખેલો છે. તેઓ આશા મૂકી આપઘાતની તૈયારીમાં છે.’

આ સાંભળી દિનેશ ગભરાઇ ગયો. તેણે ઊંડો નિસાસો નાખ્યો. હૃદય ધડકી ઊઠ્યું.

દિનેશની આવી હાલત જોઇ રસુલ બોલ્યો : ‘દિનેશભાઇ ગભરાશો નહીં? અત્યારે તો કામ બની શકે તેમ લાગતું નથી. રાત પડતાં સુધી મુલત્વી રાખો.’

‘ના, રસુલ એ નહીં બને? પાંચ વાગે તો જાન આવવાની છે. સુધા ધીરજ ખોઇ અવળું કરે તો?’

‘તો શું કરશું?’

‘હું અત્યારે જ જાઉં છું. ભલે સુધા પર ગમે તેવી દેખરેખ હશે? હું તેને લઇ આવીશ?’

દિનેશનો આવેગ જોઇ રસુલ બોલ્યો : ‘દિનેશભાઇ, આ તમારા જુવાન લોહીનો આવેગ છે. આવા આવેગમાં તણાઇ જવાની કોઇ જરૂર નથી. એનાથી તો બાવાનાં બેઉ બગડશે?’

‘ત્યારે શું હું હાથ જોડી બેસી રહું?’ દિનેશે ઉંચા સાદે પ્રશ્ન કર્યો.

‘ના, હું એમ નથી કહેતો? પોતાનું પ્રિયતમ જોખમમાં હોય. ત્યારે તમે તો શું પણ જગતનો કોઇ પુરુષ હાથ જોડી બેસી રહે નહીં?’ રસુલે સત્યવાત ઉચ્ચારી.

‘તો પછી બીજું શું કરું?’

દિનેશનો આંધળો આવેગ જોઇ, રસુલ બોલ્યો : ‘તમે શાંત થાવ? ગમે તેવા દુઃખમાં ધીરજ રાખવી, એ માણસની કસોટી છે. જ્યાં બળ કામ ન્‌ આપે, ત્યાં કળ વાપરવી જોઇએ?’

‘મને કોઇ કળ સૂઝતી જ નથી.’ એમ કહી દિનેશે ઘડિયાળ સામું જોયું તો સાત વાગ્યા હતા. તરત જ તેણે રસુલને કહ્યું : ‘આ દસ કલાકમાં આપણે શું કરીશું? હમણાં પાંચ વાગે જાન આવશે. પછી તો ખ...લા...’

ત્યાં તો શાંત ઉભી રહેલી મરિયમ બોલી : ‘જો તમને પસંદ પડે, તો ઉપાય બતાવું?’

‘જરૂર બતાવ? પસંદ પડશે જ? બંને સાથે બોલી ઊઠ્યાં?’

‘જુઓ, હું સુધાબેનને શિખવાડું કે તેમને મહાદેવની પૂજા કર્યા સિવાય, ચોરીમાં નહીં બેસવાનું વ્રત છે. એટલે તે પૂજા કરવા જશે. વળી, તેમનાથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી. એટલે બેસવા વાહન મંગાવશે. તે વખતે આપણી ટેક્ષી તૈયાર રાખજો.’

‘પણ આપણી ટેક્ષી ઓળખાઇ જાય તો?’ રસુલે શંકા બતાવી.

‘ના ઓળખાય? મરિયમે શંકા દૂર કરી.’

‘કારણ આ બધો પ્લાન જાન આવ્યા પછી જ અમલમાં મૂકવાનો છે. કૌશિકની જાનમાં અનેક ટેક્ષીઓ આવશે. તેમાં કોણ ઓળખવાનું છે?’

બધા આનંદમાં આંધળાં હશે. જાનવાળા જાણે ગામની ટેક્ષી છે અને ગામવાળા જાણે જાનની કે કોઇ સંબંધીની હશે. કોઇ કોઇને પૂછશે નહીં. તમતમારે અહીં જ ઉભા રહેજો. અમે આવીએ કે તરત જ રફુચક્કર થઇ જવાનું. સમજ્યા?

‘ફાઇન આઇડિયા?’ દિનશે ચપટી વગાડતાં કહ્યું.

‘પણ એમાં બહુ જ સાવધાની રાખવાની જરૂર છે. જો, સહેજ પણ બનાવટનો અણસાર આવી ગયો, તો રામ રમી ગયા સમજો?’ રસુલે ગંભીરતા બતાવી.

‘કશો વાંધો નહીં. પડશે તેવા દેવાશે?’ દિનેશે હિંમત આપી.

‘જાન આવે કે તરત જ, તેમાં ટેક્ષી લઇ સામેલ થઇ જજો. હું બધું ગોઠવી દઇશ.’ એમ કહી મરિયમ ગામ ભણી ચાલી.

અમૃતબાની આંખો ક્યારનીય મરિયમને ખોળી રહી હતી. ત્યાં મરિયમ દેખાઇ. તેને જોતાં જ અમૃતબા બોલ્યા : ‘અલી રાંડ, હેંડને? ક્યાં નાસી ગઇ હતી?’

‘બા, ગામમાં પેલી ચંચળને ત્યાં બેઠી હતી. મેં’કું ભેગી થઇ આવું. પણ મૂઇએ ના કહેતી હતી છતાં ચ્હા મૂકી. એટલે પીવા રહી. બોલો શું કામ છે?’ મરિયમે કામ માગ્યું.

‘જો ને બળ્યું આ કામ? મારે માથે પડ્યું છે. જશ લેનારા લેશે અને મારે બધા કઢાપા? હું તો કંટાળી ગઇ છું. બોલ?’અમૃતબાએ કંટાળો બતાવ્યો.

‘હોય બા? એમ અકળાઇ ગયે ચાલે? આ તો વિવાહનું કામ? બે દિવસ એવુંય ચાલે? ઓછું દરરોજ પહોંચવાનું છે?’ મરિયમે આશ્વાસન આપ્યું અને ઉમેર્યું બા હવે સુધાબેન, તનમનથી તૈયાર થઇ ગયાં છે. એમણે ખાવાનું પણ મંગાવ્યું છે. એ તો હું ભૂલી જ ગઇ? એમ કહી થાળી સાફ કરવા લાગી.

આ સાંભળી અમૃતબા ખુશ થઇ ગયાં. તેમણે થાળીમાં ભોજન પીરસી મરિયમને આપતાં કહ્યું : ‘લે બબલી, આ થાળી, સુધાને આપી આવ, અને કહેજે કે શાંતિથી જમી લે. હવે જે થવાનું હતું તે થઇ ગયું. ખોટો વલોપાત ન કરે.’

ભોજન પીરસેલી થાળી લઇ મરિયમ સુધા પાસે આવી ગઇ.

સુધા તેની રાહ જ જોતી હતી. તેનું આગમન થતાં તે બેઠી થઇ, મરિયમના હાથમાં થાળી જોઇ બોલી : ‘શું લાવી છું અલી?’

‘જમવાનું લાવી છું. જમી લ્યો.’ એમ કહી મરિયમે થાળી, તેના મોંઢા આગળ મૂકી.

‘ના બેન, મારે અન્નપાણી હરામ છે? હું નહીં જમું.’ સુધાએ

પોતાનો નિશ્ચય જણાવ્યો.

‘અરે ખાધા સિવાય ચાલતું હશે. થોડું તો ખાવું જ પડશે નહીં તો હમણાં ભાગવાનું છે. કેમનું ભગાશે?’ મરિયમે અણસારો કરી કહ્યું.

‘ભાગવાનું ક્યાં? હવે તો દેહ અહીં જ પડશે. પછી ચાલવાની વાત શી?’ સુધાએ ઉદાસ ચહેરે મરિયમ સામે જોયું.

‘ના સુધાબેન, હવે તે વેળા વહી ગઇ છે. અમે એવી યોજના બનાવી છે કે ભલભલાની આંખમાં ધૂળ નાખી તમને લઇ જઇશું.’ મરિયમે કહ્યું.

‘એવી કેવી યોજના છે?’ સુધાએ સાંભળવા ઇંતેજારી બતાવી.

આ સાંભળી મરિયમે પોતાની યોજના સમજાવવા માંડી.

‘જુઓ, હમણાં જાન આવે એટલે તમારે કહેવાનું કે મારે મહાદેવની પૂજા કરીને, ચોરીમાં બેસવાની બાધા છે. એટલે મારે મહાદેવની પૂજા કરવા જવું છે. માતાપિતા આવી બાબતમાં રજા આપશે

જ. તેમાં શંકા નથી. એટલે કોઇ સાધન મંગાવો. તે વખતે આપણી ટેક્ષી આવી ઊભી રહેશે, તેમાં બેસી રફુ ચક્કર....સમજ્યા?’ કહેતાં મરિયમે સુધાના ગાલ પર ટપલી મારી.

‘પણ મને શી ખબર પડે કે ટેક્ષી આપણી જ છે? હું તો જે આવે તેમાં બેસી જાઉં?’ સુધાએ શંકા બતાવી.

‘એ તો બધું પાકું કરીને જ આવી છું.’એમ કહી મરિયમે ટેક્ષીનો નંબર આપ્યો. સુધાએ તે નંબર જોયો, તો ખરેખર, તે ટેક્ષીમાં દિનેશ સાથે દૂર દૂર સુધી સહેલગાહ કરી હતી. ડ્રાઇવર પણ ઓળખશે. એમ જાણી આનંદ અનુભવ્યો.

સુધાને ખુશ થતી જોઇ મરિયમ બોલી : ‘લ્યો ત્યારે હવે જમી લ્યો. હમણાં ભુખ્યા પેટે ભાગવું મુશ્કેલ પડશે.’

મરિયમનો મશ્કરી ભર્યો હુકમ મીઠો લાગતાં, સુધાએ જમવાની શરૂઆત કરી. આ જોઇ સુધાની ફોઇ અને તેમનાં બે દીકરા રાજી થયા. જો કે, પહેલાં ગુપચૂપ વાતોથી વહેમ પડ્યો હતો. પણ એ તો

જમવા માટે સમજાવટ થતી હશે. એમ માની સંતોષ અનુભવ્યો.

જમી પરવારી એટલે મરિયમે પાણી પાયું, અને : ‘હમણાં ખબર આપવા આવું છું. તૈયારીમાં રહેજો.’ એમ કહી સડસડાટ દાદરના પગથિયાં ઊતરી ગઇ.

રામજીપટેલને ઘેર આજે જાન આવવાની હતી.

ગામના મોભાદાર ઘેર લગ્ન હતું. જેથી આખું ગામ હિલોળે ચડ્યું હતું. લાંબા પહોળા ઓળખીતા આવી લગ્નનો લ્હાવો લૂંટી રહ્યા હતા. નાનું સરખું ગામ, માનવોથી ઉભરાઇ ગયું હતું.

રાત્રીના ચાર વાગ્યા હતા. છતાં પણ જાણે હમણાં જ સવાર થયું હોય, તેમ બધાંના મુખ પર તાજગી હતી. છોકરા આનંદથી કિલકિલાટ અને દોડાદોડ કરતાં હતા. જુવાનો વાજાંના મધુર ગીતો સાથે સીટીનો સુર મિલાવી ડોલતા હતા. ઘરડાં રામજીપટેલના વખાણ કરતાં બેઠાં હતાં. આમ બધા પોતપોતાનામાં મસ્ત હતાં ત્યારે છોકરાં ખબર લાવ્યાં કે ‘જાન આવી ગઇ.’

આ સાંભળી, જુવાનો, વૃદ્ધો જાનની સરભરામાં દોડ્યાં.

છોકરાં ટેક્ષીઓ જોઇ ચક્તિ થઇ ગયાં. કોઇ જાનમાં આવેલાં સગા સંબંધીઓને મળવામાં પરોવાયાં. જુવાન વધુઓના મુખમાંથી લગ્ન ગીતો સરી પડ્યાં ગામ ચેતનમાં આવી ગયું. જાન, જાન, ના શબ્દો, સૌના મુખ પર રમી રહ્યાં.

જાનના આગમને રસુલ અને દિનેશને તૈયાર કરી દીધા. તેઓએ સિફ્તથી પોતાના ટેક્ષી જાન ભેગી જોડી દીધી.

થોડી જ વારમાં જાન ને જમવા બોલાવવામાં આવી. જાન જમવા બેઠી. આ તકનો લાભ લઇ મરિયમ અમૃતબા પાસે દોડી ગઇ. ‘બા,બા? સુધાબેન તમને બોલાવે છે?’

‘દુઃખ, દર્દમાં પડેલી દીકરી યાદ કરે અને બા દોડતી ના જાય, તો સમજી લેવું કે પોતાનું પેટ નહીં.’

અમૃતબા દીકરી પાસે દોડી ગયાં.

માતાએ તરત જ સવાલ કર્યો. ‘ચ્યમ બોન, શું કામ છે?’

ભલી ભોળી બાની હુંફ! પાંચ દસ મિનિટ પછી છોડવી પડશે. તેય સગીમાને છેતરી, આ અભાગી દિકરી ચાલી જશે? એવો વિચાર સ્ફુરતાં, સુધાની આંખોમાં આંસુનાં તોરણ સર્જાયાં. ડુસકાં ખાતી સુધા બોલી : ‘બા, જાન આવી ગઇ છે. પણ મારે એક બાધા છે. તે બાકી રહી ગઇ છે.’

‘કેવી બાધા છે, બોલ? હજુ ઘણો વખત છે.’ અમૃતબા એ લાગણી ભર્યું આશ્વાસન આપ્યું.

‘મારે મહાદેવની પૂજા કર્યા પછી જ, ચોરીમાં બેસવાની બાધા છે. એટલે મારે મહાદેવ જવું છે.’ સુધાએ બાધા જણાવી.

‘તે જાવ? એમાં શું કહેતી નથી? હું તારી ફોઇના રમણ અને રાવજીને કહું છું. તેઓ સાથે આવશે. જલ્દી આવતાં રહેજો.’ અમૃતબાએ અનુમતિ આપી.

રમણ, રાવજીની વાત સાંભળી, મરિયમે સુધા સામે જોઇ આંખ દબાવી. માંથું હલાવ્યું. તે જોઇ સુધા સમજી ગઇ. તેણે કહ્યું ‘ના બા, તેમની જરૂર નથી. કોઇ પુરૂષ સાથે લઇ જવાની મનાઇ રાખેલી છે. એટલે હું ને બબલી બહુ છીએ.’

‘પણ આવા રાતના સમયે ગામ બહાર એકલાં જવાય? રાતે શું છે શું નહિ?’ અમૃતબાએ વાંધો ઉઠાવ્યો.

આ સાંભળી સુધા બોલી ઊઠી : ‘બા અમે ચાલતાં નહીં જઇએ. બેસવાનાં સાધન તો બહાર આટલાં બધાં છે. એટલે બીક શાની છે?’

આ તકનો લાભ લઇ મરિયમ વચ્ચે જ બોલી ઊઠી : ‘હા બા, બરાબર છે. જાનની ટેક્ષીઓ ખાલી જ પડી છે. એકાદ લઇ જઇશું.

ડ્રાઇવર તો સાથે હશે જ. પછી શી બીક છે?’

આ વાત અમૃતબાને ગળે ઉતરી : ‘વાત સાચી છે. કન્યા ના કામ માટે ટેક્ષીની ના નહીં પાડે. અને ચલાવનાર તો જો કે હશે જ? પછી બીક શાની છે?’ એમ વિચારી અમૃતબાએ રજા આપી દીધી.

તરત જ અમૃતબા નીચે ઊતર્યાં : તેની સાથે જ મરિયમ પણ ટેક્ષી બોલાવવા નીચે ઊતરી ત્યારે સુધા....બધી લાગણીઓ, આળસ અને મંદવાડ ખંખેરી ઊભી થઇ ગઇ. ફોઇ જાણતાં હતાં કે તે પૂજા કરવા જાય છે. જ્યારે તેમના બંને દીકરા જાનની સરભરામાં લાગી ગયા હતા..

તેણે પોતાની શૂટકેશ ઉપાડી. તેમાંથી કપડાં લઇ થેલીમાં મૂક્યાં. ઘરેણાનો દાબડો પણ લઇ લીધો. તેમાંય જાણે અધુરુ હોય તેમ, લગ્ન માટે લાવેલા કપડાં પણ લઇ તૈયાર થઇ ગઇ.

નીચે ટેક્ષીનું હોર્ન વાગ્યું.

મરિયમ દોડતી ઉપર આવી એટલે સુધાએ બધું મૂકી દેવા જણાવ્યું.

મરિયમે બહુ જ સાવચેતીથી છુપાવીને કપડાંલત્તાની થેલી, ટેક્ષીમાં મૂકી દીધી.

આંગણામાં ટેક્ષી જોઇ, છોકરાં ભેગાં થઇ ગયાં. બીજા જુવાનો પણ આવી આજુબાજુ ઊભા રહ્યા.

જાનૈયા માનતા હતા કે ગામની ટેક્ષી છે. જ્યારે ગામના માનતા કે જાનની ટેક્ષી હશે. કોઇ કોઇને પૂછતું ન હતું. બધાં આંધળી ધારણામાં હતાં.

પોતાના આંગણામાં માણસોનું ટોળું જોઇ, રામજી પટેલ પણ આવી ગયાં. તેમણે નવાઇ પામતાં જ પૂછ્યું : ‘ટેક્ષી ક્યાં જાય છે?’

તરત જ ઊભેલાં અમૃતબાએ જવાબ આપ્યો. કંઇ નહીં. એ તો મહાદેવે જઇ, પાછી આવે છે?

કામની ઉતાવળમાં રામજી પટેલ કંઇક પૂછવા જાય ત્યાં જ છગન પટેલે બૂમ પાડી. ને તરત જ તેઓ જાન તરફ રવાના થઇ ગયા.

થોડીવારમાં જ સુધા અને મરિયમ આવી ગયાં. સુધાએ હસતાં મુખે માતાને મનોમન નમસ્કાર કર્યાં. માતાએ સ્મિત કરી અનુમતિ આપી.

સુધા જાણે છેલ્લી વિદાય માગતી હોય તેમ ગળગળા સાદે બોલી : ‘બા, અમે હમણાં જ આવીએ છીએ?’

ત્યાં તે રામજી પટેલ ફરી દોડતા આવી પહોંચ્યા. ટેક્ષીમાં સુધા સામે જોઇ બોલ્યા : ‘બેટા, ભાઇને સાથે લઇ જાને?’

‘સાથે પુરુષ લઇ જવાની મનાઇ છે.’ હાજર જવાબી, અમૃતબાએ કહ્યું.

‘પણ એમાં શું? બહાર ઉભો રહેશે.’ એમ કહી ભાણા રમણને બેસી જવા હુકમ કર્યો.

રમણ પણ મામાનો હુકમ માથે ચડાવી, ડ્રાઇવર પાસે બેસી ગયો.

વધુ માથાકુટમાં મજા નથી. જાણી સુધા કશું બોલી નહીં. પણ પગની ઠેસથી મરિયમે જણાવ્યું કે ઉપાધિ થઇ, ત્યારે મરિયમે ઇશારાથી જવાબ આપ્યો : ‘તેની દવા થઇ જશે.’

ધીમી ગતી એ ટેક્ષી ઊપડી.

ફળિયું ગામ અને સ્ટેશન વટાવી ટેક્ષી ઊભી રહી.

થોડે દૂર જતાં દિનેશ તથા રસુલ રસ્તાની ધારે ઊભેલા દેખાયા. ટેક્ષી તેમને જોતાં ઊભી રહી. તે બંને અંદર બેસી ગયા અને બંનેએ રમણને બાવડુ ઝાલી ઉતારી મૂક્યો.

અંદર ગોઠવાયાની સાથે જ ટેક્ષી ઊપડી.

આવા વર્તનથી રમણ ગભરાઇ ગયો. તે બૂમો પાડતો

ગામભણી દોડ્યો.

જ્યારે રમણ....?

‘રામજીમામા, સુધાને લઇ કોઇ ભાગી ગયો?’ એમ બૂમો પાડતો ઘેર આવી પહોંચ્યો.

તેની બૂમો સાંભળી બધાં ભેગા થઇ ગયાં. જાનૈયા અવાક્‌ થઇ ગયા.

જ્યારે રામજીપટેલ અને અમૃતબાને ઠસી ગયું કે ‘છોડી છટકી ગઇ?’

બધાના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે ‘કન્યા ભાગી ગઇ? સુધા નાસી ગઇ?’

કન્યા ભાગી ગઇ જાણી કૌશિક તો વાઢ્યો હોય તોય લોહી ના નીકળે તેવો થઇ ગયો. તેણે વરમાળા ફેંકી દીધી. આબરૂ રોળાતી જોઇ તેનામાં ઝનૂન ઉભરાયું.

આખરે એ પણ જુવાન લોહી હતું. પરદેશી વેપારી હતો. સરકારની આંખોમાં ધૂળ નાખી દાણ ચોરીનો ધંધો કરતો હતો. એ કંઇ કાચો પોચો હોય? તે પણ જમાનાનો ખાધેલ સંજોગોને ખ્યાલમાં રાખી સજીને જ આવ્યો હતો. લાંબા પહોળા સરકારના હાથને જવાબ આપતો તે કંઇ ગમાર હોય? તેનું લોહી ઉકળી ઊઠ્યું. તેણે પોતાની એટેચીને તળિયેથી કાઢી રિવોલ્વર સંભાળી.

વેપાર અર્થે રાખેલ પોતાની જીપકારમાં ચડી ગયો. એક્ષી લેટર દાળી ગેયરમાં નાખી. જીપ બીજી ટેક્ષીઓથી અલગ કરી. નડીયાદના રોડે જતી ટેક્ષીને પકડવા ટૂંકો રસ્તો પકડ્યો.

જાનમાં આવેલા બીજાઓએ પણ પોતાના વાહનો દોડાવ્યા. ઘડી પહેલાં આરામ કરતો રોડ જાણે જાગી ગયો. તે વાહનોના અવાજથી ધમધમી ઊઠ્યો.

રસુલ અને દિનેશ પાછું વાળી જોતા હતા. પરંતુ કાંઇ ભય જેવું દેખાતું ન હતું. જેથી તેઓ નિરાંત અનુભવતા જઇ રહ્યા હતા.

પણ દસેક કિલોમીટર ગયા હશે. ત્યાં તો પાછળ લાઇટો પૂરપાટ આવતી જીપકાર દેખાઇ.

પોતાની પાછળ પૂરપાટ આવતી જીપકાર જોઇ, બંને એકી સાથે બોલી ઉઠ્યા : ‘પીછો?’ બંને સાવધાન થઇ ગયા. પાછળ આવતી જીપકાર નિહાળી રહ્યા.

ક્ષણ બે ક્ષણમાં જીપ નજીક આવવા અધીરી બની! હમણાં પકડી લેશે. તેવો ભાસ થયો. પાછળ અનેક ટેક્ષીઓની લાઇટો દેખાઇ.

પોતાનો પીછો થતો જોઇ સુધાનો જીવ ઉંચો થઇ ગયો. મરિયમ પાછું વાળીને નિહાળવા લાગી.

જ્યારે દિનેશ અને રસુલ મીંટ માંડી આવતી જીપકાર અને ટેક્ષીઓનું નિરિક્ષણ કરતા હતા.

જોત જોતામાં તો જીપકાર નજીક આવી ગઇ. તેમાંથી રિવોલ્વરનો અવાજ થયો તેની સાથે ટેક્ષીની પાછલા લાઇટ વીંધાઇ ગઇ.

કૌશિકે જોતજોતામાં જીપકાર ટેક્ષી સાથે કરી દીધી. બંને વાહનો સાથે દોડવા લાગ્યાં.

બંને પક્ષો એકબીજાને પ્રતિકારની રાહ જોઇ રહ્યા હતા. બંને વાહનો પુરપાટ દોડ્યે જતાં હતાં.

કૌશિકની આંખો, દગાખોર સુધાને ખોળતી હતી ને તેને સજા આપવા માગતો હતો.

પણ સુધા તો, સહીસલામત પાછળની સીટ નીચે બેઠી હતી. તેની કૌશિકને ખબર ક્યાંથી હોય?

વળી ભાગતી વખતે તેને ક્યાં ખબર હતી કે સાથે બીજી સ્ત્રી છે એ તો સુધાને એકલીને ધારતો હતો. એટલે તે આગલી સીટમાં બેઠેલી,

મરિયમને સુધા માની બેઠો હતો.

અંધારી રાત, ભય અને ક્રોધમાં તે સુધાને ન ઓળખી શક્યો.

‘ક્યારે લાગ આવે અને ગોળી છોડું?’ ના વિચારમાં જ તે જીપ દોડાવે જતો હતો.

આખરે તેણે સિફ્તથી જીપકાર નજીક લઇ જઇ રિવોલ્વર ચલાવી. જેનો ભોગ બની....મરિયમ!

‘ઓ બાપ રે, મરી ગઇ?’ તેણે એક ચીસ પાડી.

દિનેશ અને રસુલે જાણ્યું કે મરિયમ ઘાયલ થઇ ગઇ.

કૌશિકે તરત જ જીપકારની સ્પીડ વધારી દીધી હતી. ટેક્ષીની આગળ થવા સ્તો?

પણ તે આગળ ન થઇ શક્યો.

ત્યાં અચાનક જીપકારનું ટાયર ફાટી ગયું. જીપની સ્પીડ અટકી ગઇ. કોઇ અણીદાર પથ્થર પર ચડી જતાં હવા વગરના વ્હીલ ઘસડાવવા લાગ્યાં.

કૌશિકે જાણ્યું કે હવે આપણે ફાવીશું નહીં. કારણ કે પોતાની સાથીદાર જ ઘાયલ થઇ ગઇ હતી. છતાં પણ તેણે ધાર્યું હતું, તો ક્યારનીય ટેક્ષીમાં કુદી પડ્યો હોત. પણ તેને યોગ્ય ન લાગ્યું. કારણ પોતાની દુશ્મન ઘાયલ થઇ ગઇ હતી. તેણે જીપકાર ઊભી રાખી.

ત્યાં તો પાછળથી ટેક્ષીઓ આવી પહોંચી. બધાંએ જોયું તો ટાયર ફાટી ગયું હતું અને આડી થઇ ગયેલી જીપકારને લીધે રસ્તો પણ બંધ થઇ ગયો હતો. સાથે રામજી પટેલ પણ આવ્યા હતા. તેઓકૌશિકની જીપકાર પાસે આવી બોલ્યા : ‘માફ કરજો કે મારે આંગણે બોલાવી, તમને બે આબરૂ કર્યા? મને ખબર નહતી કે ચંડાળ છોકરીઆવું કરશે? હું તમારો ખર્ચો આપી દઇશ?’

ભલા ભોળા ડોસાની દર્દભરી વાણીથી કૌશિકનું હૃદય દયાથીઉભરાઇ ગયું. તેણે નિઃસંકોચ રાવજી પટેલના ખભે હાથ મૂકી કહ્યું :

‘કશો વાંધો નહીં. એમા કોઇનો વાંક નથી. બધુ બનવા કાળે બન્યે જ જાય છે?’

કૌશિકને દુઃખતો હતું જ પરંતુ નહીવત!

કારણ કે તે ધનવાન હતો. એટલે સુધાથીય ચડિયાતી કન્યા પ્રાપ્ત કરશે. પણ તેને એક વિચાર વારંવાર દુઃખી કરતો હતો.

‘એક ગામડાની છોકરી ચાલાકી વાપરી છટકી ગઇ. પોતાને બે આબરૂ કરી અને વળી તેમાંય અધુરુ, હોય તેમ પાંચ હજાર રૂપિયા લઇ ગઇ.’

આ વિચાર તેના હૃદયને કોરી ખાતો હતો. કાંટાની માફક ખુંચતો હતો. દિલને દઝાડતો હતો.

જ્યારે રામજી પટેલને અનેક ઘણું દુઃખ થતું હતું. પોતાની બે આબરૂ કરાવનાર છોકરીનું મોંઢુ તે જોવા જ માગતા ન હતા. લોકો શું કહેશે? એવા વિચારે ગભરાતા તેઓ છાનામાના ઘરમાં આવી ભરાઇ ગયા. ગભરાટ અનુભવવા લાગ્યા.

જ્યારે મરિયમને ઘાયલ જોઇ ત્રણે ગભરાઇ ગયા. ઘા દબાવી સુધા ગભરાટ હૃદયે બેઠી હતી.

પાંચ વાગી ચૂક્યા હતા. રાત્રીની નિરવ શાંતિ મટી ભળભાંખરૂ થઇ ગયું હતું.

નડીયાદ આવ્યું જાણી દિનેશે ટેક્ષી હોસ્પિટલ તરફ લઇ જવા હુકમ કર્યો.

પણ ત્યાં તો જાણે પોતાનું ઋણ અદા થઇ ગયું હોય તેમ મરિયમ બોલી : ‘મારે દવાખાનાની જરૂર નથી. હવે તમે સીધા ઘેર જાઓ અને રસુલ સામે જોઇ, આંસુ વરસાવતી બોલી : ‘મારા ખાવિંદ હું જાઉં છું? મારા આત્માને શાંતિ ઇચ્છતો હોય તો બીજી શાદી કરી લેજો.’ એમ કહી સુધાના માથે હાથ મૂકી ‘તમારો સંસાર સુ...’બોલતાંમાં જ માથું ઢાળી દીધું. આંખોનું તેજ ચાલ્યું ગયું. શરીર ઠંડું પડી ગયું.

આ જોઇ સુધા મરિયમના દેહને વળગી પડી : ‘ઓ મારી બેન?’ તું મને મૂકી ચાલી ગઇ? કહેતા પોંક મૂકી.

રસુલ અને દિનેશ પણ રડી પડ્યા.

રસુલે સમાજના રિવાજ પ્રમાણે મરિયમના શબને દફનાવ્યું. ત્રણે આંસુભીની આંખોએ અંજલિ આપી.

બીજા દિવસે ઉઠતાંની સાથે જ રસુલે કહ્યું : ‘દિનેશભાઇ ચાલો, આપણે કોર્ટમાં જઇએ. તમે લગ્નગ્રંથિથી જોડાઇ જાવ. જેથી મરિયમના આત્માને પણ શાંતિ થાય.’

ત્રણે જણાં કોર્ટમાં ગયાં.

મેજીસ્ટ્રેટની સમક્ષ, સુધા અને દિનેશ લગ્નગ્રંથિથી જોડાઇ ગયાં. કોલકરાર પડ્યા. રસુલે સાક્ષી તરીકે સહી કરી.

આજે સુધાને ગયે ચોથો દિવસ થઈ ગયો હતો. તોય રામજીપટેલના ઘરની વાતો ઓલાતી ન હતી. કોઇ રામજીપટેલનો વાંક જોતા હતા. તો કોઇ સુધાનો, તો વળી કોઇ ભણતરને વગોવતા હતા.

આ બધી વાતો રામજી પટેલને કાને આવતી હતી. પણ હવે શું થાય?

પોતાના ધોળામાં ધૂળનાખનાર દીકરી પ્રત્યે તેમને ગુસ્સો આવતો. તેને શોધી લાવી ભડાકે દેવાનું મન થઇ આવતું. પણ હવે ગઇ આબરૂ પાછી આવે?

સવારના નિત્યકર્મ પરવારી, હુક્કો ભરી ઓસરીમાં બેઠા હતા.

ત્યાં જ તેમનો ભાણો રમણ દૈનિક છાપુ લઇ દોડતો આવ્યો : ‘મામા જુઓ, સુધાબેને લગ્ન કરી નાખ્યાં.’ એમ કહી છાપામાંની તસ્વીરો બતાવવા લાગ્યો.

આ સાંભળી અમૃતબા રસોડામાંથી ઘસી આવ્યાં. રામજી પટેલ પાસે વાંકાં વળી તસ્વીરો જોવા લાગ્યાં. પોતાની દીકરી દુનિયામાં સહી

સલામત છે. એમ જાણી આનંદ અનુભવવા લાગ્યાં. દીકરીના ભૂલની માફી આપતું વત્સલભર્યું હૈયું ઘડીભર નાચી ઉઠ્યું.

જ્યારે રામજી પટેલે છાપાને દૂર હડસેલી તિરસ્કાર કર્યો.

એ જ સમયે પેલા દાણચોર કૌશિકે પોતાની બેઠક રૂમમાં જઇ શિગારેટ સળગાવી.

બજારોની હવા જોવા છાપું ઉકેલ્યું.

તરત જ તેની આંખો સમક્ષ, પેલી તસ્વીરો ‘અમે લગ્નગ્રંથિથીજોડાયા છીએ.’ મથાળાવાળી હસી રહી.

તેણે સુધાની તસ્વીરો ઓળખી લીધી.

જાણે તે સ્વપ્ન જોતો હોય તેમ ધારી ધારીને જોવા લાગ્યો. ‘બની શકે જ નહીં? તેને મેં ઘાયલ કરી છે.’ તેની કરુણ ચીસ, તેને જાણે ફરી સંભળાઇ.

તેણે દાંતની દાબડી દબાવી. તસ્વીરો સામે આંખો મોટી કરી મૂઠીનો પ્રહાર કર્યો.

‘હત, તારીની, તું હજીયે આગળને આગળ આવે છે? લગ્નકરવાનું કહી છેતરી ગઇ. બે આબરૂ કરી. પાંચ હજાર રૂપિયા લઇ ગઇ.એમાંય અધૂરામાં પુરુ પાછી સામે આવે છે? પણ તું યાદ રાખ? તનેયઠોકર મારે તેવી ન પરણું, તો હું કૌશિક મટી જાઉં?’ તે ઘડીભર જાણેસારી કન્યાના વિચારમાં પડી ગયો.

ક્યાંય સુધી તેનું મગજ વિચારોના વમળમાં અટવાઇ રહ્યું. તે મનોમન યોજના ઘડતો હોય તેમ બબડ્યો.

‘બે બદામની છેકરી મને બનાવી ગઇ? હું વેર લઇશ? તેનેસુખે નહીં રહેવા દઉં?’

વેરની જ્વાળા તેના હૃદયમાં ભડકે બળવા લાગી. ચપટીવગાડી ઊભો થયો.

‘સુધરેલી સુધલીને બતાવી દઉં કે પુરુષ સાથેની છેતરપીંડીનું પરિણામ શું આવે છે?’

તેણે નડીયાદ તરફ જીપકાર હંકારી મૂકી.

પ્રકરણ : ૧૧

રસુલની કેન્ટીન પાસે આવી જીપ થોભી. તેમાંથી શેઠ શાહુકાર જેવો દેખાતો, કૌશિક નીચે ઊતર્યો.

રસુલે તેને સ્વપ્નેય જોયો ન હતો.

કૌશિકે નીચે ઊતરી દૂધનો ઓર્ડર આપી આરામથી ખુરશીમાં ગોઠવાયો.

આંખ પર ચડાવેલાં ગોગલ્સ, ઉતારતાં બોલ્યો : ‘આપ અહીં કેટલા સમયથી કેન્ટીન ચલાવો છો?’

‘સાહેબ, હું નથી ચલાવતો? આ તો મિલ માલીકની છે? હું તો ખાલી પગારે કામ કરું છું.’ રસુલે જવાબ આપ્યો.

‘એમ? ત્યારે તો બધા કારીગરો, આનો જ ઉપયોગ કરતા હશે કેમ?’

‘હા, સાહેબ?’ રસુલે ટુંકો જવાબ આપ્યો.

‘તો તો તમે બધા કારીગરોને ઓળખતા હશો?’ કૌશિક મૂળ વાત પર આવ્યો.

‘હા, સાહેબ સારી રીતે?’

આ સાંભળી, જાણે, યાદ કરતો હોય તેમ થોડું અટકી કૌશિક બોલ્યો : ‘દિનેશ નામનો કોઇ યુવાન, અહીં સર્વીસ કરે છે?’

‘હા, સાહેબ કરે છે. તે મારો ગાઢ મિત્ર છે.’ રસુલે એકીશ્વાસે સંબંધ પણ બતાવી દીધો.

‘મારે તેમનું કામ છે. તેઓ મળશે?’ કૌશિકે આવવાનું કારણ બતાવ્યું.

‘હા, હમણાં જ રિસેસ પડશે. ત્યારે તેઓ અહીં જ આવશે. આપને બહુ જરૂરી કામ છે?’ રસુલે કારણ પૂછ્યું.

‘હા, મારે ખાસ તેમને મળવું છે. કેટલા વાગ્યે આવશે?’ કૌશિકે કામની અગત્યતા બતાવી.

‘બાર વાગ્યે?’ રસુલે સમય બતાવ્યો.

આમ કૌશિકે બની શકે તેટલી હકિકત મેળવી લીધી. તેને હજુ ઘણું પૂછવું હતું. પરંતુ બાર વાગ્યાની વિશ્રાંતિ પડી.

દિનેશ છુટ્યો તેવો જ કેન્ટીન તરફ આવતો દેખાયો. તેને આવતો જોઇ, રસુલે દૂધનો પ્યાલો આપતાં કહ્યું : ‘જુઓ સાહેબ, દિનેશભાઇ સામેથી આવે છે. જેને આપ મળવા માગો છો.’

એટલામાં દિનેશ નજીક આવી ગયો. તેની સામુ જોતાં રસુલ બોલ્યો : ‘દિનેશભાઇ, આ સાહેબ તમને મળવા માંગે છે.’

આ સાંભળી દિનેશે,કૌશિક સામું જોયું. કૌશિકે અધૂરો પ્યાલો બાજુ પર મૂકી, દિનેશ સાથે હાથ મિલાવ્યા. દિનેશે સસ્મિત માથું હલાવ્યું.

બાજુએ મૂકેલ દૂધનો પ્યાલો ઊઠાવતાં કૌશિક બોલ્યો : ‘દિનેશ આપનું નામ?’

‘હા.’

‘ત્યારે તો મને ઓળખતા હશો.’ ઘુંટ ભરતા કૌશિકે કહ્યું.

‘બિલકુલ નહીં?’

આ સાંભળી દૂધનો કટોરો ટેબલ પર મૂકતાં કૌશિકે કહ્યું : ‘મળ્યા છીએ, યાર? આપણે એક જ ફુલના બે માળી બન્યા હતા. તેમાંથી સાચા માળીનો હક્ક તમને પ્રાપ્ત થયો? ગુલાબનું ફુલ મેળવ્યા બદલ, ખરેખર તમે ભાગ્યશાળી છો?’

કૌૈશિકની કાવ્યમય વાણી સાંભળી, દિનેશને તરત જ ખ્યાલ આવી ગયો. આમેય તે લેઉઆ કણબીનો એજ્યુકેટેડ દીકરો હતો. તે આશ્ચર્ય સાથે બોલ્યો : ‘શું આપનું નામ, કૌશિક?’

‘હા, એ જ હું કૌશિક? ખરેખર, મારે તમને મોંઢું ન બતાવવું જોઇએ. તમારા બંનેની સ્નેહની સરિતા વચ્ચે, બંધ સમો હું આવ્યો. જેથી તમને ઘણી વિપત્તિ પડી હશે? તે બદલ, હું માફી માગવા આવ્યો છું?’ પેટમાં પાપ રાખી કૌશિકે વાતની શરૂઆત કરી.

‘ના રે, એવું હોય? તમે તો અમારા પ્રેમની એરણ કહેવાવો? તમારાથી ટીપાઇ અમારો પ્રેમ શુદ્ધ થયો? તમારે માફી માગવાની હોય?’ દિનેશે, કૌશિકના સાહસ બદલ આભાર વ્યક્ત કર્યો.

પોતાનું તાક્યું તીર વાગતું જોઇ કૌશિકે પેંતરો ગોઠવવા માંડ્યો. હમદર્દી બતાવતાં બોલ્યો : ‘ખરેખર દિનેશ? મને તમારા પ્રેમની ખબર જ નહતી. નહીં તો હું આવું ના કરું? જો સુધાબેન અહી હોત તો હું માફી માગી દુઃખ હળવું કરું? પણ હાજર છે નહીં? એટલે શું કરું?’

કૌશિકની હમદર્દી જોઇ, દિનેશ બોલ્યો : ‘મિત્ર, એમાં કોઇનો વાંક નથી? બધું કુદરતને આધીન છે.? મારાં કરતાં મારા મિત્રે ઘણું ગુમાવ્યું છે.’

‘ક્યાં છે એ મિત્ર? બોલાવો? હું ગુમાવેલું પરત કરવા તૈયાર છું.’ કૌશિકે લાગણીવશ થઇ કહ્યું.

આ સાંભળી દિનેશે, રસુલને બતાવતાં કહ્યું. ‘આજ મારો મિત્ર. જેનો હું ભવોભવનો ઋણી છું. તેની ગુમાવેલ ચીજ, કોઇ કાળે પાછી મળે તેમ નથી?’

આ સાંભળી કૌશિકને ખ્યાલ આવી ગયો. રાત્રી વાળી ચીસ જાણે ફરી સંભળાઇ? છતાં તે અજાણતાં બતાવતાં બોલ્યો : ‘ખરેખર, એમણે કઇ ચીજ ગુમાવી છે?’

‘એની ઓરતને તમે ઘાયલ કરી સ્વર્ગવાસી બનાવી.’ દિનેશે દુઃખ ભરી વાણીમાં જણાવ્યું.

આ જોઇ કૌશિક વિચાર તો થઇ ગયો.

‘ખરેખર મિત્ર આનું નામ કહેવાય? જેણે મિત્રતા માટે ઓરત ગુમાવી. છતાં મોંઢા પર સહેજે ઉદાસીનતા નહીં? મિત્ર તરફના ભાવમાં ઉણપ નહીં? જગતમાં આવા મિત્રો છે. તેનો તેને ખ્યાલ આવ્યો. તે રસુલ સામે જોઇ બોલ્યો : ‘ખરેખર દોસ્ત. હું તારો ગુનેગાર છું? મને માફ કર?’

આ સાંભળી રસુલ ગળગળો થઇ ગયો. તે હમદર્દી બતાવતાં બોલ્યો : ‘સાહેબ, એમાં કોઇનો વાંક નથી? કુદરતની મરજી આગળ, આપણે શું કરી શકવાના છીએ?’ એમ કહી રસુલે, બંનેને નાસ્તો આપ્યો. નાસ્તો જમી રહ્યા બાદ કૌશિકે કહ્યું : ‘દોસ્તો? તમારી માફીથી હૃદય હળવું થઇ ગયું. પણ સુધાબેનની માફી નહીં મેળવું ત્યાં સુધી, પશ્ચાતાપથી હું સળગતો જ રહીશ.’

આ સાંભળી રસુલ વચ્ચે જ બોલી ઉઠ્યો : ‘અરે ભાઇ? તમે નકામા વલોપાત કરો છો. છતાં તમારું મન ના માનતું હોય, તો જાવ ઘેર. માફી માગી આવો.’

રસુલની આ આજ્ઞાથી કૌૈશિક ખુશ જાયો. તેને સુધાના ઘેર જવું જ હતું. રસુલ તો બોલ્યો. પણ ઘરમાલિક તો હજુ મૂંગો જ હતો. તેને સારું લગાડવા વિનય બતાવતાં બોલ્યો : ‘ના, અત્યારે મારે નવરાશ નથી. અને ખાલી હાથે અવાય? નવદંપતીને ઘેર ખાલી હાથે જઇએ, તે સારું ન દેખાય. કંઇક તો ભેટ જોઇએ ને?’

‘ના રે યાર? એમાં શું? આપણે ક્યાં લગ્ન પહેલાના મિત્ર છીએ? આ તો સંજોગોએ મિત્રતા બંધાઇ? એમાં ભેટ શું કરવી છે? તમારે જ્યારે ફુરસદ હોય, ત્યારે અવશ્ય પધારજો?’ દિનેશે આમંત્રણ પાઠવ્યું.

‘ના, એવું હોય યાર? સમય તો નથી પણ સાંજનો આવીશ. તમે ઘેર હશો ને? નહીં તો સુધાબેન મને જોઇને જ ભડકી જશે’ કૌશિકે આમંત્રણ ઝીલ્યું.

‘સારું આવજો. હું ઘેર જ છું.’એમ કહી બંને નવા મિત્રો હાથ મિલાવી છુટા પડ્યા.

કૌશિક દિનેશને છુટતા પહેલાં, જીપકાર લઇ પહોંચી ગયો.

બંને જીપકારમાં બેસી, દિનેશના ઘર તરફ રવાના થયા. બંનેના હૃદયમાં નવી મિત્રતા રમતી હતી.

મૌન તોડતાં કૌશિકે કહ્યું : ‘દિનેશ, મને તારી સાથે જોઇ સુધાબેન અવળું તો નહીં ધારી બેસે ને?’

‘ના યાર? સુધા એવી નથી.’ દિનેશે સુધાના દિલનું પ્રમાણ પત્ર રજુ કર્યું.

‘ભાઇ? કશુંયે કહી શકાય નહીં. સ્ત્રીની જાતને ના પહોંચાય. એ તો શુંયે ધારીને બેસે?’ કૌશિકે શંકા બતાવી.

‘ના, ના, હવે આપણે મિત્રો બની ગયા છીએ. દુશ્મનીની દિવાલ તૂટી ગઇ છે. તમારે એવું ન ધારવું જોઇએ.’ દિનેશે નિર્દોષતા વ્યક્ત કરી.

વાતોમાં ને વાતોમાં દિનેશનું ઘર આવી ગયું. આમ તો ઘરનો એક ભાગ, રૂમ કહી શકાય. પણ હવે સાચા અર્થમાં ઘરવાળો થયો હતો.

ઘર આવતાં દિનેશે જીપકાર ઊભી રાખવા સૂચન કર્યું. કૌશિકે કાર થોભાવી.

નીચે જીપકાર થોભવાનો અવાજ આવ્યો : ‘કદાચ, દિનેશ શેઠની મોટરમાં આવ્યો હશે.’ એમ જાણી, જોવા ઊભી થઇ. નીચે જોતાં તેનો ખ્યાલ સાચો ઠર્યો. દિનેશ જીપકારમાંથી નીચે ઊતરતો હતો.

સાથેના માણસને જોઇ તે ઓળખી ગઇ. મોંઢા પર નફરતનો ભાવ લાવી મોં મચકોડતી પાછી ચાલી ગઇ.

કૌશિક અને દિનેશ ઉપર ગયા. દાદરમાંથી જ દિનેશે બૂમ મારી : ‘સુધા, ઓ સુધા? મહેમાન આવે છે.’

આ સાંભળી સુધા ફરી ઊભી થઇ ગઇ. તે અજાણી થઇ મહેમાન તરફ જોવા લાગી.

ત્યાં તો કૌશિકે પોતાની જાળ પાથરવાની શરૂઆત કરી દીધી. તે દોડતો સુધા પાસે આવી ગયો. અને બે હાથ જોડી, ગળગળા સાદે બોલ્યો : ‘સુધાબેન મને માફ કરો? મેં તમને બહુ રંજાડ્યા છે? મને ખ્યાલ ન હતો કે તમે મારા મિત્રને ચાહો છો? તમારે મને વાત તો કરવી હતી.?’

કૌશિકનું વર્તન જોઇ સુધા ઘડીભર શરમાઇ ગઇ. તે વિચારમાં પડી ગઇ. તેને કૌશિકનું કહવું સાચું લાગ્યું.

દિલાસો આપતાં બોલી : ‘હશે હવે, અજાણમાં બધું થઇ ગયું. એમાં આટલું બધું માંઠુ લગાડવાની જરૂર શી?’

બસ કૌશિકને આટલું જ જોઇતું હતું. તે પેન્ટના ખિસ્સામાં હાથ પરોવતાં બોલ્યો : ‘પણ મને શી ખબર પડે કે તમે મારા પ્રત્યે દ્વેશ રાખતાં નથી?’

‘ખરેખર, હું સાચા હૃદયથી કહું છું? બનવા કાળે બધું બની ગયું. એમાં તમારો વાંક નથી.’ સુધાએ શુદ્ધ હૃદયની ભાવના પ્રગટ કરી.

‘ખરેખર, તમારી વાત સાચી છે, સુધાબેન? તમે હવે સાચા અર્થમાં મારા ભાભી થયાં. તમારે દિયર તરીકે તમારા હૃદયમાં સ્થાન આપવું જોઇએ. પણ હું ત્યારે જ માનું કે, આ મારી ભેટ તમે સ્વીકારશો.’ એમ કહી નીચે પડેલું સાડીનું બંડલ ઉઠાવી સુધા સામે ધર્યું.

આ જોઇ સુધા ખચકાઇ. તેણે દિનેશ સામે જોયું. દિનેશે સ્વીકારી લેવા અનુમતિ આપી.

સુધા મનમેલા કૌશિકની ભેટ સ્વીકારતાં સસ્મિત બોલી : ‘લાવો, બસ હવે તો સંતોષ થયો ને? જાવ શાંતિથી બેસો પેલા પલંગ પર હું ચ્હા બનાવી લાવું.’ એમ કહી અનેક વહેમો સેવતી ચ્હા બનાવવા લાગી.

ચ્હા પીધા બાદ દિનેશે કૌશિકની રસોઇ પણ અહીં જ બનાવવા હુકમ કર્યો.

આ સાંભળી કૌશિક બોલ્યો : ‘હા, બરાબર છે. આજનું ભોજન પણ હું અહીં જ લઇશ? ભાભીનું ભોજન ફરી, ક્યારે આરોગવા મળવાનું છું?’

કૌશિકના સવાલનો જવાબ આપતી, નિર્દોષ ભાવે સુધા બોલી : ‘અરે, દરરોજ આવો ને? કોણ ના પાડે છે? તમારા નસીબનું તમે ખાજો, એમાં શું?’

જેના હૃદયમાં જેવું હોય છે. તે જ ભાસે છે. કૌશિકને થયું.

‘ખરેખર સુધાને મારા પ્રત્યે ઊંડી ઊંડી લાગણી છે? નહીં તો તે આવું ના બોલે?’

‘દરરોજ આવોને? કોણ ના પાડે છે? તમારા નસીબનું તમે ખાજો?’

તે બોલ્યો : ‘સુધાબેન, હું જમું પણ તમારે મારા ત્યાં જમવા આવવું પડશે.’ અને દિનેશ સામે જોઇ પૂછ્યું : ‘બોલ દિનેશ, ક્યારે આવશો?’

‘આવીશું હવે, ઘણા દિવસ આવવાનું છે.’ દિનેશે ટુંકો જવાબ આપ્યો.

‘ના યાર એવું નહીં? પછી મારે પરદેશ જવાનું થાય તો? એમ કરો. આવતા રવિવારે આવો. હું પણ નવરો છું.’ કૌશિકે આમંત્રણ દીધું.

‘ના યાર? મારે મિલનું હિસાબી કામ ઘણું છે. ફરી કોઇ વખત આવીશુું.’ દિનેશે ના મરજી બતાવી.

‘તું તો સાવ કામગરો રહ્યો. કામ, કામને કામ, બીજું તને કશું દેખાય છે? નવાં પરણેલાં છે. ઘડી બેઘડી ફરો અને આનંદ કરો. કામ તો જીવીશું ત્યાં સુધી રહેવાનું જ છે?’ અને જાણે હુકમ કરતો હોય તેમ બોલ્યો : ‘આ રવિવારે તમારે આવવું જ પડશે છે? એમાં હું કશું સાંભળવા માગતો નથી.’ એમ કહી સ્ટવ પર તપેલી ગોઠવતી સુધા તરફ જોઇ બોલ્યો : ‘બોલો ભાભી, બરાબર છે ને?’

‘એમાં હું શું કહું? એ તો તમારા ભાઇની મરજી. ઓછું મારે એકલી આવવાનું છે? એ કહે એટલે આપણે તો તૈયાર.’ દિનેશ સામે જોઇ સુધાએ કહ્યું.

આ સાંભળી કૌશિકે, દિનેશના ખભે હાથ પછાડતાં કહ્યું : ‘તો દિનેશ તારે શો વાંધો છે? સુધાભાભી તૈયાર છે ને? કામ ફરી થશે, યાર? મારા માટે એટલું વધારે વેઠજો.’

‘સારું ભાઇ, એમ રાખો. આવીશું બસ?’ દિનેશે કમને મરજી બતાવી.

‘હા, બસ તો હવે મને ગમ્યું. હું તમને જીપ લઇ લેવા આવીશ. પછી કંઇ છે?’ કૌશિકે ખુશી સાથે કહ્યું.

‘જો પણ, રાત નહીં રહીએ. મારે ઘણું કામ બાકી છે. જેથી રાતે કામ થાય.’ દિનેશે મૂળ વાત કહી.

‘સારું ભાઇ, રાતે તમ તમારે કરજો ને? હું રાત નહીં રોકું.’ કૌશિકનું હૈયાનું હોઠે આવી ગયું.

આ સાંભળી દિનેશ અને સુધા શરમાઇ ગયા. તેઓ મૂંગા થઇ ગયા.

કૌશિકે ધાર્યું હતું કે આ સાંભળી બંને હસશે. પણ ધાર્યા કરતા ઉલટી અસર જોઇ, તે ભોંઠો પડી ગયો. પોતાનાથી અઘટતું બોલાઇ ગયું તે સુધાને ગમ્યું નહીં, તે જાણી વાતને વળાંક આપતો, તે તરત જ બોલ્યોઃ ‘દિનેશ, એક વાત કહું?’

‘શું છે, બોલો?’

‘વાત એમ છે કે મારે બહેન છે. તે એસ.એસ.સી.માં ભણે છે. તેને મારે ઇગ્લેન્ડ લઇ જવી છે. એટલે મારે અંગ્રેજીનું ટ્યુશન રાખી. તેનું ઇંગ્લીશ સ્ટ્રોંગ કરાવવું છે. જેથી તેને મુશ્કેલી ના પડે.’ કૌશિકે વાતનો પેંતરો રચવા માંડ્યો.

‘તે કોઇનું ટ્યુશન રખાવી દો ને?’ સુધાએ સલાહ આપી.

‘હા તો હું એમ જ કહું છું કે તમે એનું ટ્યુશન રાખો તો શો વાંધો છે? હું તમને વેતન આપીશ.’ કૌશિકે પોતાના વિચારની, ગોઠવણી કરવા માંડી.

‘મારે ત્યાં ટ્યુશન આપવા આવવું પડે. અહીં દિનેશના ખાવાનું શું? એ બધી મુશ્કેલીઓ નડે?’

‘જુઓ ત્યારે એમ કરો. હું પુષ્પાને દરરોજ અહીં મૂકવા આવીશ. સાંજે લેવા પણ આવીશ. આમેય મારે દરરોજ નડીયાદ આવવાનું જ હોય છે. તેમાં આ વધારાનું કામ બોલો, હવે તો તૈયાર છો ને?’ કૌશિકે સુધા સામે જોઇ કહ્યું.

‘મને વાંધો નથી. દિનેશ કહેતો હોય તો?’ સુધાએ દિનેશની અનુમતિ જાણવા, દિનેશ તરફ જોયું.

‘તમેય ભાભી ખરા છો? કેમ જાણે? દિનેશે તમને શું સુંઘાડ્યું છે તે વાત વાતમાં દિને...શ.

‘હવે તો બિચારાને છોડો?’ દિનેશ પ્રત્યેના, સુધાના પ્રેમની ઇર્ષા કરતાં કૌશિકે કહ્યું. અને ઉદ્ધતાઇથી ઉમેર્યું : ‘અલ્યા બોલને ભાઇ? કે મને વાંધો નથી. તો તમારી શ્રીમતિજી હા, પાડે.’

કૌશિકને વાતવાતમાં દિનેશની અનુમતિ લેતી, સુધા પ્રત્યે દ્વેશ જાગ્યો. તેમના પ્રેમની ઇર્ષા થઇ. તે દ્વેશમાં સળગવા લાગ્યો.

સુધાને દિનેશની અનુમતિ મળી ગઇ. એટલે ટ્યુશન માટે ‘હા’ પાડી. કૌશિકે માસિક વેતન સો રૂપિયાનું આપવાનું નક્કી કર્યું અને વધુમાં જણાવ્યું કે ‘હું મારી બેનને અહીં મૂકી જઇશ. આખો દિવસ તમારી પાસે રહેશે. તમારે ગમે તે અનુકુળ સમયે ટ્યુશન આપજો. એમાં મારે વાંધો નથી. સાંજે હું લેવા આવીશ. ત્યાં સુધી તમારે પણ કંપની રહેશે.’

સો રૂપિયા ટ્યુશન ફી અને આવી અનુકુળતા જોઇ સુધા પણ રાજી થઇ ગઇ. તેણે પણ દિનેશને ઉપયોગી થવાનો આનંદ અનુભવ્યો.

પણ પ્રપંચી કૌશિક તેની જાળ રચતો હતો. તેની કૌશિક અને કુદરત સિવાય, કોઇને ખબર ન હતી.

પ્રકરણ : ૧૨

બીજા દિવસે દસ વાગ્યે જીપકાર આવી ગઇ. તેમાંથી કૌશિકની બેન, પુષ્પા નીચે ઊતરી.

સુધાએ ધાર્યું હતું કે મોટા ઘરની દીકરી રૂપગુણમાં પોતાનાથી, સવાઇ હશે. પણ, તેના ધારણા ખોટી પડી. પુષ્પા બધી રીતે સામાન્ય છોકરી હતી.

‘પુષ્પાબેન, મારી જોડે અંગ્રેજી ભણવાનું ગમશે ને?’ ઓળખવિધિ પતાવી સુધાએ પૂછ્યું.

‘હા, ગમશે?’ પુષ્પાએ ઠંડકથી જવાબ આપ્યો. સુધાએ જોયું કે અવાજ પણ તેના રૂપ જેવો કર્કશ હતો.

એટલામાં સવારનો ગયેલો રસુલ જમવા માટે આવી પહોંચ્યો.

રસુલને જોઇ કૌશિકે જાણ્યું કે ‘આપણો ઘા અત્યારે વાગશે નહીં.’ એમ સમજી ઊઠતાં બોલ્યો : ‘બેસો ત્યારે સુધાબેન, હું જાઉં છું. હજુ મારે ઘણું કામ છે. સાંજનો પુષ્પાને લેવા આવીશ.’ એમ કહી તે રવાના થયો.

રસુલ પોતાની મેળે પીરસી જમવામાં પરોવાયો.

ત્યારે સુધાએ પુષ્પાને પૂછ્યું : ‘પુષ્પા બેન ક્યાં સુધા અભ્યાસ

કર્યો છે?’

‘એસ.એસ.સી. સુધી.’

‘કેટલી ઉંમર થઇ?’

‘ઓગણીસ વર્ષ?’

આ સાંભળી સુધા નવાઇ પામી. તેણે પુષ્પાના દેખાવથી ધાર્યું હતું કે પુષ્પાને પચ્ચીસથી ઉપર વર્ષ થયાં હશે. પણ આતો ઓગણીસ વર્ષની વાત કરે છે? શું વાત સાચી હશે?

શિક્ષણમાં પણ તે એવી જ નીપજી. ઉપલો માળ સાવ ખાલી?

પુષ્પા જ્યારે હાઇસ્કુલમાં ભણતી હતી ત્યારે શરીર વિજ્ઞાનમાં, શરીરના અંગો ઉપાંગની ચર્ચા કરતા વિજ્ઞાન શિક્ષકને સેવ્યો. પણ એ બિચારો બદલી થતાં ચાલ્યો ગયો.

ત્યારબાદ ગુજરાતીમાં મધુર રાગમાં કવિતા ગાતા, ભાષા શિક્ષકને સેવ્યો. પણ તેને ગાયક કલાકારને ચાન્સ મળતાં ચાલ્યો ગયો.

આમ અનેકના સંપર્કમાં આવેલી પુષ્પા શું ભણે?

છતાં તેના ભાઇએ પરદેશ લઇ જઇ લગ્ન કરવાની લાલચ આપી, સુધા પાસે ટ્યુશન રખાવ્યું. જેમાં બંનેનો સ્વાર્થ સધાતો હતો.

સુધાએ ટ્યુશનની શરૂઆત કરવા કહ્યું, ત્યારે તે બોલી : ‘સુધાબેન, આપણે કાલથી શરૂઆત કરીશું. આજે બે ઘડી વાતો કરીએ.’

સુધાને પણ કોના બાપની દિવાળી? તેણે પણ કાલ પર મુલત્વી રાખ્યું. બંને વાતોના ગપાટામાં ગરકાવ થઇ ગયાં.

રસુલ જમી પરવારી પરત જવાની તૈયારી કરતો હતો. ત્યાં જ પુષ્પાએ પૂછ્યું : ‘આ ભાઇ, તમારા સગા હશે, કેમ?’

‘હા, એ મારા દિયર થાય.’ સુધાએ જુઠાણું હાંક્યું.

‘એમ? ત્યારે તો એ પણ મિલમાં જ હશે?’

આ સાંભળી સુધા કંઇક બોલવા જાય ત્યાં જ રસુલ વચ્ચે બોલી ઉઠ્યો : ‘ના, હું મિલની કેન્ટીન ચલાવું છું. કોઇ વખત એ બાજુ આવજો?’

‘આવીશું ક્યારેક સુધાબેનની સાથે.’ આંખો નચાવતાં પુષ્પાએ કહ્યું. આ જોઇ, રસુલને જાણે, રમલા રમકડું મળી ગયું હોય તેમ જવામાં ઢીલાસ મૂકી. સામે આવી બેઠો.

ઉલાળા, રસુલ સામે મીંટ માંડતા નયનો, ખરેખર, રસુલને લલચાવા લાગ્યાં.

વાતવાતમાં હસવાની ટેવ, સ્ત્રી માટે અસંસ્કારી સાબિત થાય છે. હસી તે ફસી માની લો?

પ્રથમ પરિચયથી જ રસુલ પુષ્પાના હૃદયમાં રમતો થઇ ગયો. અંગ્રેજી ભણવા આવેલી પુષ્પાને, અંગ્રેજીને બદલે રસુલમાં રસ જાગ્યો.

શહેરમાં આવ્યા પછી, શહેરી વાતાવરણમાં રંગાયેલો રસુલ પુષ્પાનું પતંગિયું બની ગયો.

થોડીવાર ગપ્પાં હાંકી, રસુલ કેન્ટીને ગયો એટલે પુષ્પા બોલીઃ ‘સુધાબેન, તમારા દિયર ખરેખર રમકડું છે, હાં?’

‘રમકડું બહુ સારું છે. પણ તેને રમનાર નથી.’ સુધાએ પુષ્પાનું મન પારખી જવાબ આપ્યો.

‘રમનારી પણ તમારે જ લાવી આપવાની છે ને?’

‘પણ એમાં અમારા એકલાની મરજી ચાલે. એમની પણ જોઇએ ને?’

રસુલના જીવનમાં આટલો રસ લેનાર, પુષ્પાને જોઇ, સુધાને તેના પ્રત્યે કંઇક જુદી જ લાગણી થઇ. તે આગળ બોલી.

‘એક વખત પરણી ચૂક્યા છે. તે પત્ની મરી ગયા પછી, પશ્ચાતાપમાં ઝૂર્યા કરે છે. બીજી પત્નીની ઇચ્છા દર્શાવતા નથી.’

પત્ની વગરનો પુરુષ સ્ત્રી ઝંખે છે. તેને સ્ત્રીના સંપર્કમાં આવતાં વાર લાગતી નથી. તે પુષ્પાનો સ્વાનુભાવ હતો. એટલે તેણે આગળ ન પૂછતાં વાત બીજે રસ્તે વાળી સમય પૂરો કર્યો.

આમ કૌશિક આવતો, પુષ્પાને લાવતો, સુધા તેને ભણાવતી અને રસુલ અને પુષ્પા વચ્ચે આકર્ષણ વધતું જતું હતું.

તે બંને એકાંત ઝંખતાં થઇ ગયા.

પણ તેમને કૌશિક નડતો હતો. સુધા તો કાયમ નડતી જ હતી.

તે એકલો હતો ત્યારે કોઇ ચિંતા ન હતી. પણ હવે બે થયાં હતાં. તેમાંય વળી, એક દિવસે સુધાએ કંઇક ખાનગી વાત કહી. ત્યારથી તેઓ બેનાં ત્રણ થવાનાં છે. એવો ખ્યાલ આવતાં વધારે કામગરો બની ગયો હતો.

રસુલ અને પુષ્પાની વાતો કરવાની ઢબ, આંખોના ઇશારા, એક બીજાની પૂછાતી ખબર. તેમની નજરોથી, સુધાને ક્યારનોય ખ્યાલ આવી ગયો હતો.

પણ બિચારી શું કરે?

તેને ટ્યુશનની જવાબદારી હતી. સો રૂપિયાના વેતનનું ઋણ અદા કરવાનું હતું.

એક દિવસ પુષ્પા કહે : ‘સુધાબેન, પ્રેમીઓ એકબીજાને મળવા ચાહે ને છતાં તેમાં કોઇક અવરોધ ઊભો કરે તો?’

પુષ્પાનો આ સવાલ સુધા સમજી ગઇ. કારણ કે વગર કહ્યે સમજે તે દેવ. કહેવાથી સમજે તે માનવ. અને કહેવા છતાંય ન સમજે તે મુર્ખ?

સુધાને પસ્તાવો થયો. તે તરત જ સમય પારખી બોલી : ‘પુષ્પાબેન, મારે તો આખું કોરું શાકમાં જાય છે. હું તો વાતોમાંને વાતોમાં, બધું ભૂલી ગઇ.’

‘કેમ શું ભૂલી ગયા?’ પુષ્પાએ આશ્ચર્યથી પૂછ્યું.

‘તમારા ભાઇએ ટિફીન આપી જવા કહ્યું છે.’ સુધાએ જુઠાણું હાંક્યું.

‘કેમ, તેઓ ઘેર નથી આવવાના?’ પુષ્પાએ કહ્યું.

‘ના, એમણે હમણાં હિસાબી કામ ચાલે છે. એટલે નવરાશ નથી. મારે જવું જ પડશે.’ સુધાએ તૈયારી બતાવી.

સુધાની તૈયારી જોઇ, પુષ્પા પણ સાથે જવા તૈયાર થઇ.

આ જોઇ સુધાએ કહ્યું : ‘તમે બેસો. હું હમણાં જ આવું છું. બંને જઇએ, તો ચાવી વગર રસુલ શું કરે?’

‘આ આવી સમજો?’ એમ કહી સુધાએ ટિફીન લઇ દાદરો ઉતરવાની શરૂઆત કરી દીધી.

સુધાને જતી જોઇ પુષ્પાએ કહ્યું : ‘સુધાબેન જલ્દી આવજો. મને એકલીને નહીં ગમે.’ જો કે, મન તો, સુધા સાંજ સુધી ના આવે તેવું ઇચ્છતું હતું.’ પણ સુધાને સારું લગાડવા, પુષ્પાએ મોંની મિઠાશ વાપરી.

સુધા દેખાતી બંધ થઇ, એટલે પોતાનો કાંટો દૂર થયો સમજી, પુષ્પા આનંદ અનુભવતી, રસુલની રાહ જોવા લાગી. દસ પંદર મિનિટની પ્રતીક્ષા બાદ કોઇકનાં પગલાંનો અવાજ આવ્યો. પુષ્પા હરખાઇ ગઇ.

રસુલે આવતાંની સાથે જ ‘સુધાબેન’ કહી બૂમ મારી.

ત્યાં તે જવાબ મળ્યો : ‘એ તો ટિફીન આપવા ગયાં છે. તમને મળ્યાં નહીં?’

‘ના ભાઇ, મને કોઇ મળ્યું નહીં. અને દિનેશભાઇ તો મારી પાછળ આવે છે. ત્યાં શા માટે ટિફીન લઇ ગયા?’ રસુલે નવાઇ પામી પૂછ્યું.

‘ત્યારે સુધાબેન તો એમ કહેતાં હતાં કે ઘેર જમવા આવવાના નથી. એટલે ટિફીન લઇ ગયાં છે.’ પુષ્પાએ પણ નવાઇ અનુભવી.

આ સાંભળી રસુલનું માથું, સમજુ સુધાના આભારથી જાણે તેના ચરણોમાં નમી ગયું? તે ખુશ થતાં બોલ્યો : ‘સારું ત્યારે, તેઓ ત્યાં જમશે, જ્યારે આપણે અહીં જમીએ. ચાલો.’

‘ના રે, હું તો જમીપરવારીને આવી છું. તમતમારે જમી લ્યો.’ પુષ્પાએ ના મરજી બતાવી.

‘અરે હોતું હશે? તમારે પણ થોડું જમવું પડશે. નહીં તો મારે પણ નથી જમવું.’ એમ કહી રસુલ પલંગમાં બેસી ગયો.

‘તું તો બહુ જબરો કહેવાય?’ પુષ્પાથી તુંકારો થઇ ગયો. પણ તેથી રસુલને આનંદ થયો.

બંનેએ જમી લીધું. પછી રસુલે પૂછ્યું : ‘તમારા ભાઇ નથી આવવાના?’

‘ના એ તો જરૂરી કામે શહેરમાં ગયા છે. સાંજે આવશે.’ પુષ્પાએ શાંતિથી જવાબ આપ્યો.

‘ત્યારે તો તમે એકલાં જ સાંજ સુધી માંખો મારવાનાં. સુધાબેન સાથે જવું હતું ને? મિલ તો જોવાત.’

‘કેમ, સુધાબેન જલ્દી નહીં આવે?’

‘ના, હવે તો સાંજ વગર એ પણ નહીં આવે, અને હું પણ આ ચાલ્યો.’ એમ કહી રસુલે બનાવટી ડગ ભર્યાં.

રસુલની જવાની તૈયારી જોઇ અધીરી પુષ્પાએ કહ્યું : ‘તમેય જાઓ છો? હું એકલી અહીં રહું?’

‘કેમ અમે ઘર લઇ ઓછા જઇએ છીએ? તમ તમારે શાંતિથી બેસો. અહીં કશી બીક નથી.’

પુષ્પાએ જાણ્યું કે રસુલ જતો રહેશે. તેને રોકવા મનમાં ચટપટી જાગી.

જો કે, રસુલને પણ જવાનો વિચાર ન હતો. પણ તે પુષ્પાનું મન જાણવા માંગતો હતો. બંનેના મન એક જ રસ્તે વહેતાં હતાં. છતાં કોઇ કોઇને કહેતું ન હતું.

તેમાંય સ્ત્રી તો કદી કહેતી જ નથી. એ તો પુરુષે સમજીને જ પહેલ કરવાની હોય છે.

પુષ્પા મોંઢેથી તો ના કહી શકી. પણ વર્તન દ્વારા તો કહી દીધું. તે જોઇ રસુલ સમજી ગયો. તરત જ પલંગમાં બેસી ગયો.

આ જોઇ સ્ત્રી સહજ ભાવે, પુષ્પાએ શરમાતાં કહ્યું : ‘આઘા બેસોે ને? કોઇક જોઇ જશે તો?’

‘બસ, બીજી ચિંતા નથી ને? અહીં કોઇ જોવા વાળું નથી.’ એમ કહી રસુલે બારણું બંધ કર્યું.

બે અતૃપ્ત હૈયાં ભેગાં મળે, પછી શું બાકી રહે?

તે વખતે પોતાનું કામ પતાવી કૌશિકે વિચાર્યું : ‘લાવ કાલે રવિવાર છે. દિનેશ અને સુધા મારે ઘેર આવવાનાં છે. અત્યારના સમયે, પુષ્પા અને સુધા બંને જ હશે. તો હું સુધા સાથે કંઇક લાલચભરી વાતો કરી તેને ભરમાવું.’ એમ ધારી તો તકવાદીએ તક સાધવા, સુધાના ઘર તરફ જીપ હંકારી મૂકી.

નીચે જીપ ઊભી રાખી. તે દાદરો ચડવા લાગ્યો.

પણ અરે? બારણું તો બંધ છે?

કદાચ તેઓ ફરવા ગયાં હશે. થોડીવાર પછી આવીશ. એમ વિચારી પાછો ફર્યો.

ત્યાં તો તેના કાને ધીમો અવાજ આવ્યો : ‘રસુલ, કેટલાય દિવસથી હૈયું ઝંખતું હતું. તે આજે શાંતિ વળી.’

કૌશિક અટકી ગયો.

‘અરે, આ તો પુષ્પાનો અવાજ? પણ તે અવાજમાં રસુલનું નામ?’

કદાચ પોતાના કાન ભૂલ કરે છે. તે બારણા પાસેના જાળિયામાં રહી જોવા લાગ્યો.

ખરેખર, તેનાથી ના જોવાય તેવું દ્રશ્ય તેની બંધ આંખો પાછળ દેખાયું? પોતાની જ બેનનું શિયળ, રાજીખુશીથી લૂંટાતું દેખાયું.

ત્યાં તો તેના દિલે દલીલ કરી.

તારે પણ સુધાનું શિયળ જોઇતું હતું ને?

પુષ્પા તારી બેન છે. તેમ સુધા પણ કોઇની બેન હશે ને? એના શિયળનું રક્ષણ તેનો ભાઇ કે પતિ તારી જેમ નહીં ઇચ્છતો હોય?

રસુલને કચડી નાખવાની કોઇ જરૂર નથી.

પુષ્પાને ફેંકી દઇ શું કરીશ? એની ઇચ્છા વિરુદ્ધ ઓછું રસુલ વર્તે છે?

તેઓને શિક્ષા કરતાં પુષ્પા કહી દેશે કે ‘કૌશિક, મારી મરજીની વાત છે. એમાં તારે દખલ કરવાની જરૂર નથી. તો તું શું જવાબ આપીશ?’

ઘડીભરમાં આવા વિચારોએ કૌશિકને જાણે સમજુ અને શાણો બનાવી દીધો.

તે કપાળ દાબતો, સડસડાટ દાદરો ઊતરી ગયો.

એકી શ્વાસે જીપમાં બેસી જીપ હંકારી મૂકી. જાણે મજબૂરીથી શિકાર મૂકી વાઘ ભાગ્યો?

જીપનો અવાજ થતાં જ પુષ્પા ઊભી થઇ ગઇ. જેમ તેમ વસ્ત્રો લપેટી, બારણું ખોલી, નીચે જોવા લાગી.

તો કૌશિકની જીપકાર પૂરપાટ જતી દેખાઇ.

‘હાશ?’ કરતી પુષ્પા પાછી વળી, પલંગમાં પડી ઊંડોે શ્વાસ લીધો.

‘શું થયું?’

‘બચી ગયાં. નહીં તો શું નું શું થઇ ગયું હોત?’

‘કેમ, કોણ હતું?’ ‘કૌશિક ભાઇ?’ પુષ્પાએ ધ્રુજતા હોઠે જવાબ આપ્યો. ‘સારું થયું કે તેઓ અહીં ના આવ્યા નહીં તો...’ તે બોલતામાં

તો કપડાં પહેરી રસુલ તૈયાર થઇ ગયો. ‘બેસ, હવે હું જાઉં છું.’ કહેતો તે દાદરો ઉતરી પડ્યો.

દસેક મિનિટ બાદ સુધા સામે મળી. રસુલને મોડો આવતો જોઇ સુધા સમજી ગઇ કે ‘રસુલ આજે ધરાઇને જમ્યો લાગે છે.’

છતાં પણ રસુલ પોતાની મર્યાદા રાખે છે. એટલે પોતે રાખવી રહી. એમ સમજી ફક્ત એટલું જ બોલી : ‘સાંજના તમારા ભાઇનો સંગાથ કરીને આવજો. આપણે બહાર જવાનું છે.’

રસુલ પણ ‘સારું’ કહી, સુધાની નજરથી દૂર થયો.

સુધા ઘેર આવી પહોંચી.

માણસ ધારે છે શું? અને થાય છે શું?

બીજાની લાજ લૂટવાનો મનસૂબો કરનારની જ લાજ જવા

બેઠી.

ઘરમાં જોયેલું દ્રશ્ય કૌશિકની સામે વારંવાર તાદ્રશ્ય થતું હતું. તેને આપઘાત કરવાનું મન થઇ આવતું.

‘પણ એમાં કોઇનું શું જશે? હું મારા જીવનો જઇશ. મારી

સંપત્તિની લોકો મોજ ઉડાવશે.’ કૌશિક અકળામણ અનુભવવા લાગ્યો.

જીપકાર દોડ્યે જતી હતી.

થોડું આમ તેમ રખડી તેણે જીપકાર પાછી વાળી અને સુધાના

ઘર તરફ હંકારી મૂકી.

આજે શનિવાર હતો. કૌશિકની ઇચ્છા બધાંને રાત રાખવાની હતી. જેથી તેની ઇચ્છાને માન આપી દિનેશે આજે સાંજના જઇ રવિવારે

પાછા આવતું રહેવાય તેમ નક્કી કરી આજે જવાનું ગોઠવ્યું હતું જેથી બધાં તૈયાર થઇને બેઠાં હતા.

ત્યાં તો કૌશિક જીપકાર લઇ આવી ગયો.

પુષ્પા સામે કરડી નજર કરતાં બોલ્યો : ‘ચાલો, બધાં તૈયાર થઇ ગયાં છો ને?’

આ સાંભળી પુષ્પા તરત જ બોલી : ‘મોટાભાઇ, અમે તો તમારી રાહ જોઇને જ બેઠાં છીએ.’

‘ચાલો ત્યારે બેસી જાઓ. હમણાં જ મારા ઘેર પહોંચાડી દઉં.’ રસુલ સામે દાંત કચકચાવી કહ્યું.

‘ઊભાં રહો, હું તાળું લગાવી દઉં.’ એમ કહી સુધા ઘરને તાળુ લગાવવા લાગી.

આ જોઇ કૌશિક બોલ્યો : ‘કેમ તાળું લગાવો છો? રસુલ અહીં છે ને?’

‘અમે બધાં આવીએ છીએ. અહીં કોઇ રહેતું નથી.’ એમ કહી સુધાએ તાળું લગાવી દીધું.

આ જાણી કૌશિકને ઘણું લાગી આવ્યું. પણ શું કરે? તેને ના કેમ પડાય? જો તેને ના પાડે તો સુધા અને દિનેશને ખોટું લાગે. કદાચ આવવાનું પણ માંડી વાળે, તો પોતાનું ધાર્યું ધૂળમાં ભળી જાય મનની મનમાં રહી જાય. એટલે તેણે કમને પણ રસુલના આગમનમાં ખુશી બતાવી.

આજે મહેમાન આવવાના છે. એવું કૌૈશિક કહીને જ ગયો હતો. એટલે રસોઇની થોડીઘણી તૈયારી બાએ કરી હતી.

બધાં કૌશિકની જાહોજલાલીનું દર્શન કરતાં બેઠક રૂમમાં ગયાં.

પુષ્પા બધાંને પાણી પાઇ. ચ્હા મૂકવા રસોડામાં ગઇ.

‘આપ એકલા જ છો? કૌશિકભાઇ?’ દિનેશે કૌશિકના જીવન પર નજર નાખતાં પૂછ્યું.

‘હા, મારા કુટુંબમાં, અમે ત્રણ જણાં જ છીએ. પિતા આજથી ત્રણવરસ પહેલાં સ્વર્ગવાસી થયા છે.’ કૌશિકે પોતાના કુટુંબનો પરિચય આપતાં કહ્યું.

‘બા અને બેન તમારી સાથે જ રહે છે કે અહીં જ?’

‘હા, તેઓ આજ સુધી, તો અહીં જ રહેતા હતા. પણ હવે વિચાર છે કે તેમને પણ સાથે લેતો જાઉં?’ કૌશિકે પોતાનો વિચાર જણાવ્યો.

‘તમે બધાં જશો, પછી આ બધું કોણ વાપરશે?’ દિનેશે બંગલા તરફ નજર કરતાં પૂછ્યું.

‘જો કે મને પણ એ સવાલ મુંઝવે છે. પણ વિચાર પાછો આમેય કહે છે કે પુષ્પાનાં લગ્ન કરી. તેઓને બધુ સોંપી દઉં. તેઓ બાની સંભાળ રાખશે અને હું નિરાંતે અમેરિકા બાજુ ચાલ્યો જાઉં?’ કૌશિકે પોતાનો વિચાર જણાવ્યો.

‘હા એ બરાબર. તમને કશી ચિંતા તો નહીં.’ રસુલ બોલ્યો.

આ સાંભળી કૌશિકને કહેવાનું મન થઇ ગયું : ‘હા, બેટા? તારે તો એવું જ જોઇએ છે ને? પણ આ બધું ક્યાં રસ્તામાં પડ્યું છે?’ પણ તે ગમ ખાઇ ગયો.

પુષ્પા, સુધા અને વૃદ્ધ માતાએ મળી, રસોઇ તૈયાર કરી દીધી. બધાં જમવા બેઠાં.

જમી પરવારી, સુવા માટે પલંગો પાથરવાની તૈયારી થઇ.

કૌશિકે પોતાના પ્લાન પ્રમાણે પુષ્પાને સૂચન કર્યું : ‘જો પુષ્પા, તારો અને સુધાબેનનો પલંગ નીચેના દાદરવાળા ખંડમાં રાખજો. અને બધા ઉપરના ખંડમાં સૂઇ જઇશું.’

આ સુચને રસુલનું ધ્યાન પણ ખેંચ્યું. તેને પણ પુષ્પાના પલંગની ચિંતા હતી.

મોડી રાત સુધી બધાં ગપાટા હાંકતાં રહ્યાં. તેમાં કૌશિકે બડાસો હાંકી પોતાની મોટાઇ વર્ણવી.

દિનેશ અને સુધાએ પોતાની પ્રેમકહાની ગાઇ. જ્યારે રસુલ અને પુષ્પાએ મૌન થઇ, આંખો દ્વારા પોતાના પ્લાનની તૈયારી ગોઠવી.

વાતોમાંને વાતોમાં બારના ટકોરા થયાં.

બધાં સૂવા માટે ઊભાં થયાં. એટલે કૌશિકે મોટેથી કહ્યું : ‘બેન, દાદર બાજુના નવા પલંગમાં સુધાબેનને સુવાડજે. પેલી બાજુના પલંગમાં તું સૂઇ જજે. એમને નવા ગાદલાં અને ઓશિકાં આપજે.’

આ સૂચન રસુલે ધ્યાનથી સાંભળી, મનોમન નક્કી કર્યું. ‘પેલી બાજુનો પલંગ પુષ્પાનો?’

સુધા અને પુષ્પા દાદરો ઊતરી નીચેના ખંડમાં આવ્યાં. આવતાં પહેલાં પુષ્પાએ રસુલને ઇશારો કરી કહ્યું પણ ખરું કે ‘આવું તો પેલી બાજુનો પલંગ પકડજે. હું જાગતી જ રહીશ.’

સુધા અને પુષ્પા નીચે આવ્યાં. પછી સુધાને વિચાર આવ્યો : ‘કૌશિક કેમ મારા પલંગની, ચિંતા રાખતો હશે?’

તેણે પુષ્પાને કહ્યું : ‘પુષ્પાબેન, મને દાદર પાસે ઊંઘ નહીં આવે, વળી ઉપર સૂતેલાઓને એકી પાણી માટે નીચે આવવું હોય, તો બિચારા અજાણ્યા ક્યાં જાય? એટલે તમે દાદરવાળા પલંગમાં હોય તો તરત જ રસ્તો બતાવો. અને પુષ્પાને ખુશ કરવા, હોઠો પર સ્મિત લાવી ઉમેર્યું : ‘અમારા રસુલભાઇને રાત્રે એકી કરવા, બહુ ઊઠવું પડે છે. એટલે તમે ત્યાં જ સૂઇ રહો. બિચારા, અંધારે પછડાઇ ના પડે?’

પુષ્પાના આયોજનમાં ખલેલ પડેલી જોઇ તેને ગમ્યું નહીં. પણ તે સુધાને કશું કહી શકી નહીં.

બંને સૂઇ ગયાં.

સુધાને હવે શાંતિ વળી એટલે તે વાતો કરતી કરતી સૂઇ ગઇ.

પરંતુ પુષ્પાને ઊંઘ આવતી ન હતી.

તેને વધારે ચિંતા તો એ હતી કે ‘અમે પલંગ બદલ્યા છે. જેથી રસુલ ભૂલ કરી બેસે તો? આબરૂ જાય?’ એટલે તે રસુલની રાહ જોઇ, જાગતી પડી રહી.

ઘરની બધી લાઇટો બંધ હતી. બંધ ઓરડામાં, એક બીજાનું મુખ સુદ્ધાં પણ ન દેખાય, તેટલો અંધકાર હતો.

આવા અંધકારમાં પણ પુષ્પાને રસુલનો ચહેરો વારંવાર તાદ્રશ્ય થતો હતા. હમણાં આવશે? એ આવ્યો? જેવા વિચારમાં તે આળોટતી હતી.

જ્યારે રસુલ અને કૌશિકની પણ એ જ દશા હતી.

દિનેશ તો બિચારો પડ્યો તેવો જ સૂઇ ગયો.

રસુલ જાણે કૌશિક સૂઇ જાય તો સારું. જ્યારે કૌશિક જાણે,

રસુલ સુઈ જાય તો સારું? આમ એકબીજાને ઊંઘાડવામાં જ પોતાની નિંદ્રા ખોઇ બેઠા હતા.

એમ કરતાં બે વાગ્યા.

રસુલે જાણ્યું કે પોતાની આશા ફળે તેમ લાગતું નથી. એમ વિચારી સૂઇ ગયો.

જ્યારે કૌશિક ધીમે રહી ઊભો થયો. ભેંકાર અંધકારમાં ફાંફાં મારતો, કૌશિક દાદરે આવી પહોંચ્યો.

વેર અને અશુદ્ધ ભાવના સંતોષવા જતાં, કોઇ જાણી ન જાય, તે બીકે તેનું શરીર ધ્રુજતું હતું.

અવાજ કર્યા સિવાય તે ધીમે ધીમે દાદરો ઊતરવા લાગ્યો.

ખટખટ ધીમો છતાં, સાવચેતી અવાજથી પુષ્પા સજાગ થઇ ગઇ. તે અંધકારમાં આંખો ફેરવવા લાગી. પણ, કશું દેખાયું નહીં.

ક્ષણ બે ક્ષણમાં, તો તેના પલંગમાં કોઇનો હાથ પડ્યો હોય તેવો ભાસ થયો.

જરૂર રસુલ હશે. બીજુ કોઇ ઊઠીને આવવાનું હતું? અને કદાચ આવે તોય બૂમ પાડે.

આ તો રસુલ, પેલા પલંગમાં જતો ન રહે એટલે તેણે હાથ ખેંચ્યો.

પોતાનો હાથ ખેંચાતો જોઇ, કૌશિકનું હૃદય આનંદથી ઉછળી ગયું. તેને પોતાના જેવું ભાગ્યશાળી કોઇ દેખાયું નહીં. પોતાના વિચારો સત્ય હતા કે ‘સુધા પોતાને ચાહે છે. પણ તે મોંઢે કહી શકતી ન હતી.’

એમ વિચારી તે પલંગમાં ચડી ગયો.

કૌશિકના દેહમાં કામાગ્નિ એટલો બધો પ્રજ્વળી ચૂક્યો હતો. કે તે છતી આંખે આંધળો બની ગયો હતો.

જ્યારે સામે પુષ્પાની પણ એ જ દશા હતી. તેની આંખોમાં હવસ ઉભરાયો હતો. તે પોતાનાભાઇ અને રસુલના દેહ વચ્ચે તફાવત ન

જાણી શકી.

ખરેખર કામી માનવો શું નથી કરતાં?

જ્યારે સગી બહેને પણ રસુલ ધારી દેહ સોંપી દીધો.

થોડીવારમાં માત્ર શ્વાસોચ્છવાસના સિસકારા સંભળાયા. જે

થવાનું હતું તે બધું થઇ ગયું.

એટલે પુષ્પાએ ધીમે રહી કહ્યું : ‘રસુલ, ધીમે રહી સાચવીને ચાલ્યો જા. નહીં તો સુધાબેન જાગી જશે?’

સુધાબેન જાગી જશે? આ સાંભળી કૌશિક ધ્રુજી ગયો. તેને ભયંકર ભૂલ સમજાઇ ગઇ. તે કોના પલંગમાં છે. તે જાણી, તેની શું દશા થઇ હશે?....

પથારીમાં આવી, તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

‘હે, ભગવાન? મારાથી આ શું થઇ ગયું? પ્રભુ હું તારો ગુનેગાર છું? મને આકરામાં આકરી સજા કરજે? મારા જેવો અધમ, આ દુનિયામાં કોઇ નહીં હોય? હે, ધરતીમાતા, મને મારગ આપ, તારામાં સમાઇ જાઉં? પણ ધરતી મારા જેવા પાપીને સંઘરે?’

તે ઊભો થયો.

સડસડાટ કરતો અગાશી પર ચડી ગયો.

ત્યાં જઇ તેણે બૂમ મારી ‘પુષ્પા?’

શાંત અંધારી રાતમાં તેના બુલંદ સ્વરો, દૂરદૂર સુધી ગાજી ઉઠ્યા. નીચે સૂતેલી પુષ્પા જાગી ગઇ, ગભરાતી ફટાફટ સ્વીચો દબાવી. ઓરડામાં પ્રકાશ ફેલાઇ ગયો.

ઘરનાં બધાં જાગી ગયાં.

રસુલ અને દિનેશ બેબાકળા જાગ્યા. ત્યાં તો પુષ્પા આવી ગઇ. બધાં અવાજની દિશા, અગાશી તરફ દોડ્યાં.

તેમણે જોયું, તો કૌશિક નીચે પડવાની તૈયારી કરી રહ્યો છે. તે જાણે પુષ્પાની રાહ જોતો હોય, તેમ પુષ્પા દેખાઇ એટલે ‘પુષ્પા મને માફ કર?’ એમ જોરથી બૂમ પાડી નીચે ઝંપલાવ્યું.

બધાં પકડવા ગયાં. પણ તે પહેલાં તેનો દેહ ધરતી પર પડી ચૂક્યો હતો.

‘મોટાભાઇ’ કહી પુષ્પા પડવા જતી હતી. ત્યાં રસુલ તેની વહારે આવ્યો. તેને પકડી લીધી.

બધાં દોડાદોડ નીચે ઊતરી, કૌશિકના દેહ પાસે આવ્યાં. વૃદ્ધમાતા અને સુધા પણ ત્યાં આવી પહોંચ્યા.

ઘડી પહેલાં જ્યાં આનંદ વર્તાતો હતો. ત્યાં શોકજનક ભયંકર વાતાવરણ સર્જાઇ ગયું.

નહીં ધારેલા, ઓચિંતા બનાવથી બધાં ગભરાઇ ગયાં.

આડોશી પાડોશી અને ગામનાં, જેને ખબર પડી, તે બધાં આવી ગયાં. ઘડીભરમાં આખું ગામ ઊમટી આવ્યું.

પણ સાચી હકિકત કૌશિક એકલો જ જાણતો હતો.

કૌશિકનો દેહ બેભાન હાલતમાં પડ્યો હતો. માથમાં પથ્થર ઊંડે સુધી ઊતરી ગયો હતો. તેમાંથી અવિરત લોહીની ધારા વહી રહી હતી.

બેભાન હાલતમાં પણ તે બોલ્યા કરતો હતો : ‘પુષ્પા મને માફ કર? મેં અધમ કૃત્ય કર્યું છે?’

દિનેશે ડોક્ટરને ફોન કરી દીધો હતો. એટલે થોડીવારમાં ડોક્ટર મોટર લઇ આવી પહોંચ્યા.

ડોક્ટરે તપાસ બાદ સલાહ આપી કે ‘દર્દીને માથા અને હૃદય પર ગંભીર અસર થઇ છે. એટલે વીમા જેવું છે. છતાં બનતો ઉપાય કરું છું.’ એમ કહી સારવારમાં લાગી ગયા.

ડોક્ટરની કુશળતા ભરી સારવાર કહો કે ગત જન્મનું પુણ્ય કહો. ઘડીભર કૌશિક ભાનમાં આવ્યો.

આંખો ખોલતાં જ તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા : ‘સુધાબેન.’

ત્યાં તો ‘સુધા કોણ હશે?’ એ જાણવા ચોગરદમ નવાઇ ભરી નજરથી જોવા લાગ્યા.

આ સાંભળી બેભાન માતાની સારવાર કરતી સુધા દોડી આવી. તેને જોઇ કૌશિક બોલ્યો : ‘સુધાબેન મને માફ કરો? તમારો પ્રેમ શુદ્ધ છે? તમે દેવી છો?’

આ સાંભળી સુધા ધ્રુજતા હોઠે બોલી : ‘હું તમને માફી આપું છું. તમારા આત્માને શાંતિ વળે!’

કૌશિકને જાણે આટલા જ શબ્દોની ભૂખ હોય તેમ પાસે બેઠેલા દિનેશનો હાથ, ખેંચી, નજીક લાવ્યો.

સુધા અને દિનેશના માથા પર હાથ મૂકી બોલ્યો : ‘તમારો સંસાર પ્રભુ સુખી રાખે? તમને સાચા આત્માઓને હું ન ઓળખી શક્યો? એમ કહેતાં આંખોમાંથી દડદડ આંસુ વહેવાં લાગ્યાં.’

થોડીવાર તેણે આંખો બંધ કરી દીધી. બંધ આંખોમાંથી પણ આંસુની ધારા અવિરત વહેતી હતી.

ત્યાં તો કૌશિકે એકાએક આંખો ખોલી. ચારે તરફ આંખો ફેરવતો બોલ્યો : ‘પુષ્પા? મારી બેન?’

આ સાંભળી ભાઇ જોડે ચિંતિત બેઠેલી પુષ્પા બોલી : ‘શું છે? મોટાભાઇ? હું તમારી પાસે જ છું? બોલો શું કહો છો?’

કૌશિક લોચાતી જીભે બોલ્યો : ‘પુષ્પા? ર...સુલ ક્યાં ગયો?’

‘આ રહ્યો ભાઇ.’ કહેતો, રસુલ વધુ નજીક આવી બેઠો.

તરત જ કૌશિકે, પુષ્પા સામે જોઇ બોલ્યો : ‘બેન પુષ્પા? તું રસુલને ચાહે છે?’

આ સાંભળી પુષ્પા સંકોચાઇ. ‘આટલા બધા માણસો વચ્ચે ભાઇ આવું કેમ પૂછે છે?’ એનું મુખ શરમથી બીડાઇ ગયું. ત્યાં તો કૌશિક ફરી બોલ્યો : ‘બેન, જલ્દી જવાબ આપ. મારે મોડું થાય છે?’

ભાઇની અસહ્ય વેદના જોઇ, પુષ્પા ધીમે રહી બોલી : ‘હા!’

અને રસુલ તું? કૌશિકે એકાએક બોલ્યો.

‘હું પણ પુષ્પાને દિલથી ચાહું છું?’ રસુલે હાજર જવાબ

આપ્યો.

‘તો બંને મારી વધુ નજીક આવો.’ કૌશિકે હાથનો ઇશારો કરી કહ્યું.

આ સાંભળી બંને, સંકોચાતાં, શરમાતાં, ગભરાતાં, કૌશિકની નજીક આવ્યાં.

‘મને વચન આપો કે અમે સહભાગી થઇ જીવન જીવીશું?’ કૌશિકે હાથની હથેળી, તેમની આગળ પહોળી કરી કહ્યું.

બંનેએ કૌશિકના હાથમાં હાથ મૂકી કહ્યું : ‘અમે એકબીજાને

પુરક બની, જીવન જીવીશું!’

ત્યાં તો આંચકા સાથે, કૌશિકે આંખો બંધ કરી દીધી.

ઘડીભર એ જ શાંતિ? એ જ ગભરાટ? જે પહેલાં હતું એ જ

વાતાવરણ સર્જાયું?

બધાંને થયું કે હવે આંખો નહીં, ખોલે?

ત્યાં ફરી આંખોના પોપચાં સરવર્યાં. મુખમાંથી શબ્દો સરી

પડ્યા : ‘પુષ્પા, મારી બેઠક રૂમમાંથી કાગળ કલમ લઇ આવ?’

ભાઇની આજ્ઞા સાંભળી પુષ્પા દોડી. જાણે હવામાં કઠપૂતળી ઊડી? ભારેખમ શરીરમાંય જાણે નવું જોમ આવ્યું?

પળ બે પળમાં તો કાગળ અને કલમ લઇ આવી પહોંચી.

એટલે કૌશિકે દેહને કષ્ટ આપી, બેઠો કર્યો.

કલમ હાથમાં પકડી કાગળ પર કંઇક લખવા માંડ્યું.

શું લખે છે? તે જોવા, બધાંની આંખો કાગળ પર મંડાઇ. આતુરતાથી બધાં જોઇ રહ્યા.

જેનાથી વંચાયું તેઓ કહેવા લાગ્યા કે ‘સંપત્તિ તેની બેનને લખી આપી.’ જ્યારે ન વાંચી શકનાર, બાધાની જેમ જોઇ જ રહ્યા.

ત્યાં જ કૌશિકે જાહેર કર્યું.

‘હું મારી બધી સંપત્તિ, પુષ્પાને અર્પણ કરું છું. અને રસુલ સાથે લગ્નગ્રંથિથી જોડી આપું છું?’ એમ કહી, કાગળ પુષ્પાના હાથમાં મૂકી, હસ્તમેળાપ કરી આપતાં, આશીર્વાદ આપ્યા : ‘તમારો સંસાર સોળે કળાયે ખીલે? મારી બેન અખંડ સૌભાગ્યવતી રહે!’ જાવ, માતાની સેવા કરજો. તેનું દિલ દુભાય તેવું વર્તન કરશો નહીં?’

કૌશિકના વર્તને, ખરેખર બધાંને આશ્ચર્યમાં મૂકી દીધા.

એ આશ્ચર્તમાં વધારો કરતો કૌશિક બોલ્યો : ‘સુધાબેન, લ્યો આ દશહજારનો ચેક? તેને અનાથાશ્રમમાં પહોંચતો કરજો? આ મારી છેલ્લી મદદ છે! હવે હું રહેવાનો નથી?’ એમ કહી ચેંક અર્પણ કર્યો.

ઘડીભર મૂંગા રહી તેણે માતાનો બેભાન દેહ પોતાની પાસે મંગાવ્યો. માતાને નમન કરતો બોલ્યો : ‘માં? આ તારો અભાગી દીકરો જાય છે. નસીબમાં જ્યાં સુધી સેવા હતી ત્યાં સુધી ફરજ બજાવી? તેમાં કોઇ ઉણપ આવી હોય તો માફ કરજે?’ એમ કહી માતાના બેભાન

દેહને ફરી માથું નમાવી. આંખો મીંચી દીધી.

કૌશિકના એક બે વખતના આવા વર્તનથી, બધાં આંખો ખોલવાની રાહ જોવા લાગ્યાં. ને કૌશિકની આંખો ખુલ્લી પણ તેમાં તેજ ન હતું. આંખોની કીકીઓ સ્થિર હતી. જરૂર કરતાં વધારે ખુલ્લી હતી. મુખ પણ ખુલ્યું. પણ તેમાં શબ્દો ન હતા? બંને ડાચાં સદા છેટા થઇ ગયાં હતાં.

હૃદયના ધડકારે વિદાય લીધી. ડોક ઢળી પડી. શરીરની ગરમી ગઇ.

કૌશિકને સદાને માટે આલોક છોડી, પરલોક પહોંચી ગયો.

ડોક્ટર બોલ્યા : ‘ખલાસ?’

ઘડી પહેલાં જ્યાં શાંતિ હતી. ત્યાં રોકકળના અવાજો પ્રસરી રહ્યા.

પુષ્પાના માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો. તેણે આક્રંદ શરૂ કર્યું.

રસુલ પણ રોયો.

સુધા અને દિનેશ આશ્વાસન આપવા લાગ્યાં.

પણ પુષ્પા શાંત ન થઇ. તે જોઇ વૃદ્ધ માતા બોલી : ‘બેટા, કેમ રડે છે? ભાઇને કેમનું છે?’

આ સાંભળી પુષ્પાથી ન રહેવાયું. તે જોરથી રડવા લાગી. રડતાં રડતાં જ કરુણ સ્વરમાં બોલી : ‘બા, ભાઇ તો આપણને મૂકી, ચાલ્યા ગયા!’

વિધવાના એકના એક દીકરાના, મૃત્યુના સમાચાર સાંભળી તેની શી દશા થાય? તેનો ખ્યાલ વિધવા સિવાય કોઇને આવી શકે તેમ નથી.

કરવામાં આવે, તો માણસનો જીવ જોખમમાં મૂકાય છે. વિધવા વૃદ્ધ માતાની પણ એ જ સ્થિતિ થઇ, તે દિકરાના શબ પર ઢળી પડી. તે ઢળેલી જ રહી. દિનેશે મુખ ઊંચું કરી જોયું ત્યારે સમજાયું કે, ‘બા, તેના

દીકરા પાછળ ગઇ!’ ભાઇના મરણનો ઘા તાજો હતો. ત્યાં માતાના અપશુકનિયાળ

સમાચાર સાંભળી પુષ્પા હેબતાઇ ગઇ. તે માથુ પટકારતી રડવા લાગી. સુધાએ બધાંને આશ્વાસન આપી શાંત કર્યાં. રસુલ અને દિનેશ, અગ્નિ સંસ્કાર કરવાની તૈયારીમાં લાગી

ગયાં. બંને શબોને અગ્નિ સંસ્કાર માટે ખસેડવામાં આવ્યાં.

પ્રકરણ : ૧૩

વૈશાખ વિદાય લઇ ચૂક્યો હતો. જેઠ મહિનાની શરૂઆત હતી. પવન ફુંકાતો હતો. છ વાગી ગયા હતા.

સાંજના સંતરામ મંદિરમાં દર્શાનાર્થે આવેલી સુધાએ કહ્યું : ‘દિનેશ, આજે તો સંતરામ પ્રભુ પાસે મારે એક વસ્તુ માંગવી છે?’

‘શું માંગવું છે? તારે વળી?’ દિનેશે પૂછ્યું.

‘પરણ્યા પછી દુનિયાના લોકો શું ઇચ્છે છે?’

‘છોકરાં?’

‘છોકરામાંય, છોકરો? આજે હું સંતરામ મહારાજને વિનંતી કરીશ કે મને પહેલે ખોળે છોકરો આપે.’ સુધાએ પોતાની મૂળ ઇચ્છા જણાવી.

‘અને છોકરી આપશે, તો શું ખોટું છે?’ દિનેશે વિરોધ કર્યો.

‘ના, એ મને નથી ગમતું?’ દીકરો તો કુળ દીપક કહેવાય?

‘અને દીકરી?’

‘એ તો પારકા ઘરની થાપણ?’

‘જો છોકરા જ પૃથ્વી પર અવતરે અને છોકરીઓ જન્મે ન નહીં, તો પૃથ્વીનું અસ્તિત્વ રહે જ નહીં. બંને જાતિની પૃથ્વી પર જરૂર છે.’

‘એ તો ગમે તેમ હોય, પણ મારે છોકરો જ જોઇએ.’ સુધાએ હઠ લીધી.

‘એ સારો પાકે તો દીકરો. નહીં તો છો...કરો કર્યા કારવ્યા ઉપર છો...........(પ્લાસ્ટર) કરે?’

આમ છોકરા છોકરીની માથાકુટમાં, ઘણો સમય વીતી ગયો. તે જાણી સુધાએ કહ્યું : ‘ચાલ, બહુ મોડું થઇ ગયું? હજુ ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર શી ધમાધમ. જે જનમશે તે ખરું. આપણા હાથની વાત ઓછી છે?’ એમ કહી બંને દર્શન કરી ઘર તરફ વર્યા.

સાંજનું વાળું પાણી પરવારી સૂતાં, સુધાને એક વાત યાદ આવી.

પલંગમાં આડા પડખે થતાં, તેણે દિનેશને કહ્યું : ‘દિનેશ, આપણે ઘર માંડ્યા પછી કોઇ દિવસ તારા ગામ ગયાં નથી. ચાલ એક દિવસ જઇએ?’

આ સાંભળી દિનેશ ગળગળો થઇ ગયો. તે દયામણા અવાજે બોલ્યો : ‘સુધા, મારા ગામ જવાનો કશો અર્થ નથી? ત્યાં મારું કશું રહ્યું નથી?’

‘કેમ, તું કહતો હતો ને? કે મારે બા છે? બેન છે? ઘર છે? હું ભણતો હતો ત્યારે તો જતો હતો? કાગળ પણ લખતો હતો?’ સુધાએ ભૂતકાળ ઉકેલ્યો.

‘તારી વાત સાચી છે, સુધા? પણ એ વખતે બધું હતું. અત્યારે નથી.’ દિનેશે કહ્યું.

‘કેમ?’

‘એ બધું જાણવાની તારે શી જરૂર છે?’

‘કેમ, હું તારી પત્ની છું. પતિની બાબત પત્ની ના જાણે તો કોણ જાણે?’

‘તો સાંભળ.’ હું એવી પરિસ્થિતિમાંથી પસાર થયો છું કે તેની આગળ, દુનિયાની બીજી પરિસ્થિતિઓ મારે મન સહેલી છે.

‘તો પછી મને બધું જણાવતો તો ખરો?’

‘સાંભળ, મારા પિતા ગુજરી ગયા ત્યારે હું નવ વર્ષનો હતો. મારી માતાએ ઘરેણાં વેચીને મને ભણાવ્યો. ને બે વરસ પહેલાં મારી માતા ગુજરી ગઇ. ત્યારે ગણી ગાંઠી પાંચ વીઘાં જમીન અને એક ઘર અમારી પાસે હતા.’

‘પછી?’

‘જમીનની તો તપાસ કરી ત્યારે ખબર પડી કે ગણોતીયાએ જમીન પચાવી પાડી હતી અને એના હપ્તાના બે હજાર ઉપર થોડા રૂપિયા થતા હતા તે કોરટમાં જમા પડ્યા હતા.’

‘પછી?’

‘પછી શુ? નાતવાળા કહે કે બારમું કર, તારી માએ આખા ગામનાં બારમાં ખાધાં છે તે તારે કરવું પડશે. એટલે બારમામાં ન માનતો હોવા છતાં પણ બાને માથે કાળીટીલી ન આવે એટલે બારમું કર્યું, ને એમાં ઘર અને જમીનના પૈસા વેચી પૂરા કર્યાં. બોલ હવે એ ગામમાં જઇને શું કરવું? અને કોને ત્યાં રહેવું?’ કહેતાં દિનેશ ઉદાસ થઇ ગયો.

થોડીવાર રહી તેણે ઉમેર્યું : ‘બાનું બારમું પતાવીને ઘર તેના નવા માલિકને સોંપવાનું હતું તે દિવસ મને હજુ યાદ આવે છે.’

‘જે ઘરની તસુએ તસુ જમીનમાં મારું બાળપણ વીત્યું હતું. માતાની મીઠી હૂફનું સેવન કર્યું હતું. બેનોને રહ્યો સહ્યો છાંયડો મળ્યો

હતો. તે ઘરની માટી લઇ માથે ચડાવી રહી સહી ઘરવખરી ભેગી કરી, ઓસરીમાં મૂકી, ચોધાર આંસુએ રડ્યો. ઘરમાં નજર નાખતાં ભૂતકાળ સાંભળી આવતો હતો? બા બાપુ અને બેનોના ચહેરા, પ્રત્યક્ષ તાદ્રશ્ય થતા હોય તેવો ભાસ થતો હતો.’

ખૂબ રોયો? જીવનમાં કદાચ પહેલી વખત જ રોયો હોઇશ. એમ કહેતાં દિનેશ સાચે જ રડી પડ્યો. આંસુ ભરી આંખે, તેણે આગળ કહ્યું : ‘સુધા, હૃદય ના પાડતું હતું. જીવ કપાતો હતો. હૈયું હાયા નાખતું હતું. મગજ મનાય કરતું હતું. છતાં ધ્રુજતા શરીરે, ઘરને છેલ્લા પ્રમાણ કરી, ધ્રુજતા હાથે, દસ્તાવેજમાં સહી કરી.’

ગામને જમાડી, ઘર વખરી પણ મારી નથી એમ માની બ્રાહ્મણને દાનમાં આપી દીધી.

ઘર, ગામ છોડી, પહેર્યા લૂગડે અહીં ચાલ્યો આવ્યો.

‘ખરેખર, દિનેશ? સરકારે, સમાજે અને કુદરતે તને બહુ ફટકા માર્યા છે?’ સુધાએ આશ્વાસન આપ્યું.

‘હશે,? એમાં કોઇનો વાંક કાઢીએ તે બરોબર નથી. મારા ભાગ્યનો જ વાંક હશે. મારા કર્મો એ જ મારે સહન કરવું પડ્યું હશે.’ દિનેશે મન મનાવ્યું.

‘મેં મા બાપને છેતર્યાં, તે ખરાબ કર્મ જ કહેવાય ને? તો શું મને તેનો બદલો મળશે?’ સુધાએ બંધ બેસતી પાઘડી પહેરી લીધી.

‘ચોક્કસ?’

આ સાંભળી સુધાનું મુખ પડી ગયું. તે ગળગળી થઇ બોલી :

‘હું વાલિયાની માફક બગડેલી બાજી સુધારી લઉં તો?’

‘તું વાલિયામાંથી વાલ્મિકી બની શકું છું?’

‘મને કોઇ ઉપાય બતાવ?’

‘હવે તો એક જ ઉપાય છે!’

તું જઇને તારા મા બાપની માફી માગ? દુભાવેલાં હૈયાંની આશિષ વગર તારું પાપ ધોવાશે નહીં?

જે મા બાપે તને પાળી પોષી મોટી કરી. હૈયાના હેત નીચોવી નીચોવીને અંતરના આંગણે વડલાની માફક, તેને ઉછેરી ત્યારે છાયાને બદલે, તે તો હાયના અંગારા આપ્યા? તને ઉછરતી જોઇ ગર્વથી ફુલાવતાં મા બાપની છાતીમાં, તેં મુક્કો મારી હૃદય ભાંગી નાખ્યું?

જે માબાપે તારા પર વિશ્વાસ મૂકી, દૂર ભણવા મોકલી ત્યારે તે વિશ્વાસ ઘાત કર્યો? માટે સુધા વિશ્વાસઘાત જેવી કોઇ હત્યા નથી. માટે જા માબાપ તને ધુત્કારે? તારી પર કડવા વેણના પ્રહારો કરે? તને જાનથી મારી નાખવા તૈયાર થાય? તો પણ તેમની માફી માગજે?

મારા જેવાને, મા બાપનો છાંયો નથી મળ્યો. તેને ખબર છે કે તેના હૃદયની શી પરિસ્થિતિ છે? માટે મા બાપને છેતરવાં તે મહાપાપ છે?’

દિનેશનું આટલું જ્ઞાન જોઇ જ્ઞાની પતિ મેળવ્યા બદલ સુધા આનંદ અનુભવવા લાગી.

પરંતુ ઊંડે ઊંડે પેલું દુઃખ કાંટાંની માફક ખૂંચવા લાગ્યું.

મા બાપને છેતર્યા બદલનાં પસ્તાવાએ ઉગ્ર સ્વરૂપ લેવા માંડ્યું.

તેને માતાપિતાની માફી માંગવા જવાનું મન થઇ ગયું. પણ તે જ ક્ષણે તે વિચાર કરવા લાગી.

‘હું જાઉં તો ખરી, પણ માતાપિતા સ્વીકારે નહીં તો? એ તો કહે છે કે અમારી દીકરી મરી ગઇ છે?’

આ બધા વિચારોથી તેનું સ્વમાન ઘવાતું હોય તેમ લાગ્યું. તેણે મનોમંથન બાદ દિનેશને કહ્યું : ‘દિનેશ જવાનું મન થાય છે. પણ જાણે હું જવા લાયક રહી નથી? સ્વમાન ત્યાં જવા ના પાડે છે. પણ એમ કરું? માતાપિતાને માફી પત્ર લખું?’

‘તારું હૃદય એમ કહેતું હોય તો એમ કર. તે પણ ખોટું નથી?’

માતાપિતા કાગળ દ્વારા માફી અને આશિર્વાદ આપતાં હોય, તો તે રૂબરૂ આપ્યા બદલ છે.

વળી, મોખિક કરતાં, લખીને બીજાનું મન સારી રીતે જીતી શકાય છે એટલે તારો વિચાર વ્યાજબી છે.

દિનેશની સલાહ માની, બીજા દિવસે સુધાએ પત્ર દ્વારા, માતાપિતાની માફી માંગી. તેમનું દિલ દુઃખાવ્યાનો એકરાર કરી આશીર્વાદ માગ્યા.

પણ તેનું પરિણામ, ધૂળની બેન રાખોડી?

માતા પિતાનો અંગારા વરસાવતો પત્ર આવ્યો.

‘એમ નહોતું જાણ્યું કે તું દૂર થઇને પણ અમને શાંતિ થી નહીં જીવવા દે? તેં તો તારું કાળું કર્યું, પણ સમાજમાં અમારા કપાળે કારી ટીલી કરતી ગઇ? આના કરતાં તો પથ્થર જણ્યો હોત તો સારું? બિચારા લોકો લુંગડાં તો ધોઇ શકત? પણ તું તો પથ્થર કરતાંય ગઇ?’

માટે હવે કોઇ દિવસ કાગળ લખતી નહીં. અને ભૂલેચૂકે પણ અમારા આંગણે? અરે આંગણે શું? ગામમાં પણ પગ મૂકતી નહીં?

અમે તારું કાળું મોંઢું જોવા માગતા નથી?

માતાપિતાનો આવો ધુતકાર ભર્યો પત્ર વાંચી, સુધા રડી પડી.

તે નિરાશ થઇ. તેનું હૃદય ભાંગી ગયું. તે પલંગમાં પછડાઇ પડી. આખો દિવસ ખાધાપીધા સિવાય પસ્તાવાની આગમાં બળતી

રહી.

દિવસ ક્યારે મેળ બેઠો, તેનો પણ ખ્યાલ રહ્યો નહીં.

દિનેશે આવી તેને જ્યારે હલાવી ત્યારે તે નિંદ્રામાંથી જાગી.

આ જોઇ દિનેશને થયું કે તે સગર્ભા છે. એટલે તેની પીડા

થતી હશે. એમ માની તેણે ન દુઃખનું કારણ પૂછ્યું કે ન આશ્વાસનના બે શબ્દો કહ્યા.

તે સાંજની રસોઇ બનાવવામાં લાગી ગયો.

દિનેશના આ વર્તનથી સુધાને માઠું લાગ્યું. પણ હવે શું કરે?

‘જેને કારણે જીવજોખમમાં મૂક્યો. માતાપિતાને તરછોડ્યા? ત્યારે દિનેશ દવા તો શું? પણ આશ્વાસનના બે શબ્દો કહેવાય સમર્થ નથી?’

સુધાથી ન રહેવાયું તે રડી પડી. આ જોઇ દિનેશ સુધા પાસે બેસી ગયો. તેનું મુખ ઊંચું કરી બોલ્યો : ‘કેમ બહુ પીડા થાય છે?’

‘પીડા સહન કરવા સર્જાઇ છું? એટલે સહન કરવા સિવાય છુટકો છે?’ સુધાએ રડમસ અવાજે કહ્યું.

‘તો પછી રડે છે શા માટે? પહેલી પ્રસૂતિ છે એટલે પીડા તો થાય પણ એમ હારી ગયે ચાલે? જરા હિંમત રાખ?’ દુઃખના અજાણ દિનેશે કહ્યું.

‘દિનેશ મને એનું દુઃખ નથી?’

‘ત્યારે તને શું દુઃખ છે?’

‘મારા માબાપે મને ધુતકારી? તેઓ માફીના બે શબ્દો કહેવા પણ રાજી નથી. તેનું આ રુદન, આંસું અને દુઃખ છે?’

સુધાનાં મા બાપે લખેલો પત્ર વાંચી દિનેશને પણ દુઃખ થયું. સુધાએ પોતાના માટે શું નથી કર્યું?

‘સુધા તારું દુઃખ હું સમજી શકું છું? પણ શું કરીએ? સમય સમયનું કામ કરશે? ચાલ ઊભી થા?’ એમ કહી સુધાને પાણી પાયું. હાથે રસોઇ કરી જમાડી.

દિવસો, મહિનાઓમાં બંધાયેલો કાળનો પ્રવાહ વહેતો ગયો. સુધા પસ્તાવાની આગમાં જલતી રહી? દિનેશ તેને આશ્વાસન આપતો રહ્યો.

સુધાને પહેલે ખોળે પુત્ર અવતર્યો.

પુત્ર જોઇ બંને નાચી ઊઠ્યાં. બધું દુઃખ ભુલાઇ ગયું.

‘પુત્રનું નામ શું રાખીશું?’ દિનેશે ગાલે ટપલી મારી કહ્યું.

‘એ તો આપણા કુળનો‘દીપક’ કહેવાય માટે તેનું નામ ‘દીપક’

રાખીશું?

અને ‘દીપક’ની સંભાળમાં ભૂતકાળ ભુલાઇ ગયો.

‘દીપક’ પણ દિવસો, મહિનો અને વર્ષો વાગોળતો, શેરી

બહારની સફર કરતો થઇ ગયો.

સુધા ફરી સગર્ભા બની.

બીજી વખત પણ પુત્રને જન્મ આપ્યો.

બીજા પુત્રનું નામ પસંદ કરતાં દિનેશ બોલ્યો : ‘સુધા, પહેલાં

પુત્રનું નામ તે પસંદ કર્યું હતું. એટલે બીજાનું હું પસંદ કરીશ.’

‘હા, બોલ? શું નામ રાખીશું?’ ‘આ પુત્ર આવતાં, અમારા પગારમાં ‘દેસાઇ પંચનો’ અમલ

થયો.

વળી, આજ સુધીનું બોનસ પણ સરકારે આપવા નક્કી કર્યું.

એટલે પોષાય તેટલો પગાર થયો. અને બોનસ મળતું રહેશે.

એટલે આપણી રહીસહી ગરીબી હઠશે. આ બધું બીજા પુત્રનું કારણ હોય તેવું લાગે છે માટે તેને

આપણી ગરીબીનો હાથ માની તેનું નામ ‘દીનકર’ રાખીશું.

‘રાઇટ?’ સુધાએ આનંદ સાથે અનુમતિ આપી.

આમ બીજા પુત્રનુ નામ પસંદ કરી, બંને હરખાઇ ઊઠ્યાં.

આનંદમાં આળોટતી સુધાએ કહ્યું :‘હવે ત્રીજાનું નામ હું પસંદ

કરીશ.’

‘ત્યારે ચોથાનું નામ હું પસંદ કરીશ?’ દિનેશે કહ્યું.

‘ના, ત્રીજા પછી તો ચોથું નહીં?’ ‘ઓછાં બાળ, જય ગોપાળ’

સુધાએ સૂત્ર પુકાર્યું.

‘નાનું કુટુંબ સુખી કુટુંબ?’ દિનેશે બીજુ સૂત્ર પુકાર્યું.

‘સારું હવે ઊભો થા? લેં આને રમાડ. હું રસોઇ બનાવું.

હમણાં જવાનો સમય થઇ જશે.’ અમ કહી સુધા રસોઇ બનાવવા લાગી ગઇ.

જ્યારે દિનેશ બંને બાળકોને રમાડવામાં લાગી ગયો.

આમ બે બાળકો અને પ્રેમી પરિણિત યુગલના દિવસો, પાણીના રેલાની માફક વીતવા લાગ્યા.

પ્રકરણ : ૧૪

સુધા વળી પાછી ફરી સગર્ભા થઇ. તે અરસામાં જ દિનેશના જીવનમાં એક પ્રસંગ બની ગયો. જે મિલમાં તે નોકરી કરતો હતો તે મિલમાં નોકરી કરતી એક

વિધવા યુવતી પર બળાત્કાર કરવા તૈયાર થયેલા તે મિલના એક મેનેજર સાથે દિનેશને ટકરાવું પડ્યું.

દિનેશ પેલી બાઇને ઓળખતો પણ ન હતો. તે તો ફક્ત એક વાઉચર પર સહી લેવા ઓફિસમાં ગયો ત્યાં એણે આ જોયું અને તે પેલી બાઇની મદદે ગયા સિવાય ન રહી શક્યો.

પછી તો મારામારી થઇ. શેઠે વાત જાણી અને તેમણે તરત જ મેનેજરને બરતરફ કર્યો અને દિનેશને મેનેજરની જગા આપી.

તે કારકુન મટી મેનેજર બન્યો. તેનું કિસ્મત પલટાઇ ગયું. તરત જ તેણે પોતાનો ચાર્જ સંભારી લીધો.

થયેલો ઘા ડોક્ટરને બતાવ્યો. ડોક્ટરે પાટો બાંધ્યો.

જ્યારે દિનેશને સમયસર ન આવેલો જોઇ, સુધાને ચિંતા થવા લાગી.

તે વારંવાર બારીએથી જોયા કરતી.

‘દિપક’ ને પણ ‘પપ્પા જોવા’ વારંવાર હુકમ કરતી.

પણ તેની નજર અને દીપકનો જવાબ નકારાત્મક નિવડતા.

ત્યાં એકદમ ‘દિપક બોલ્યો : મમ્મી પપ્પા આવે છે?’

આ સાંભળી સુધાને શાંતિ વળી.

‘પણ આ શું?’ અચાનક ચમકી જતાં સુધાએ પૂછ્યું.

‘કંઇ નહીં? એ તો જરા ચપ્પુ વાગ્યું? ક્યાં ગયો ‘દીનકર?’ એમ કહી સૂતેલા ‘દીનકરને’ ઢંઢોળવા લાગ્યો.

‘અરે પણ કેમનું વાગ્યું?’ કહતાંમાં તો સુધા દિનેશનો ઘાયલ હાથ પકડી જોવા લાગી.

જોતાં જોતાં તેણે કેટલાય સવાલો પૂછી નાખ્યા.

એ બધાનો એક જ જવાબ આપતો દિનેશ બોલ્યો : ‘સુધા, એમાં ગભરાવવા જેવું નથી. નજીવો ઘા છે. પણ તેનો ઉપકાર બહુ મોટો છે.’

દિનેશની આવી વાણી સાંભળી, સુધા વધારે ગભરાઇ. તેને લાગ્યું કે ‘દિનેશને ઘાની અસર વધારે લાગે છે? તેનું મગજ ઠેકાણે નથી? નહીં તો તે આવું ના બોલે?’

તે ગભરાતી બોલી : ‘તું આવું ના સમજાય, તેવું શું બોલે છે? ચાલ ડોક્ટર ભટ્ટ પાસે જઇએ, ધનુરનું ઇંજેક્શન મૂકાવીએ. નહીં તો ઉપાધિ કરીશ?’

‘જો સાંભળ? અમારી મિલની જવાન, રૂપાળી અને વિધવા જમનાબાઇ ઉપર મેનેજરે બળાત્કાર કરવા પ્રયત્ન કર્યો. તેને બચાવવા જતાં અમારી વચ્ચે ઝપાઝપી થઇ.’

‘ત્યારે મને પણ એમ લાગે છે કે તું વિધવા થાય, તો લોકોની નજરથી બચવા નાતરે જાઉં ખરી’ દિનેશે મૂળવાત બતાવી.

‘તું શું બોલે છે? જરા શરમેય નથી આવતી? જો એવું જ કરવું હોત તો શા માટે માબાપને તરછોડી, અડધી રાતે ચાલી આવત?’ સુધાએ વધારે રોષ કરી કહ્યું.

‘બસ ત્યારે, એની પણ આજ વાત છે. તે પણ એક પતિમાં માને છે.’ દિનેશે જમનાબાઇની ઇચ્છા સંભળાવી.

‘તો તારે પણ પારકી પંચાયત વહોરવાની શી જરૂર હતી? ઘા થયો તો તને થયો. એમાં એનું શું ગયું? એનાથી કંઇ લાભ ખરો?’ સુધાએ રોષને, બીજી દિશામાં વાળ્યો.

‘નહીં કેમ? એનાથી ઘણો લાભ થયો. જમનાનું શિયળ સચવાયું અને હું કારકુન મટી, મેનેજર બની ગયો?’ દિનેશે લાભ બતાવ્યો.

‘ખરેખર?’

‘હા, ખરેખર ‘દીપકના’ સોગન બસ?

‘મિલ માલીકે મારા કાર્યની કદર કરી. મારી મેનેજર તરીકે નિમણુક કરી દીધી.’

આ જાણી સુધા હર્ષમાં આવી ગઇ.

પતિની બઢતી એ પત્નીની જ છે. પતિમય પત્ની પતિના આનંદમાં જ આનંદીત રહે છે.

ઘડીભર સુધા બધુ દુઃખ ભુલી ગઇ.

સુધાને કામની માફક ખીલેલી જોઇ, તેના ગાલે ટપલી મારતાં ઉમેર્યું : ‘આપણે કાલથી અમદાવાદી બજારમાં રહેવા જવાનું છે. ત્યાં મકાન પણ રાખ્યું છે.’

‘ત્યારે તો બધું નક્કી કરીને જ આવ્યો છે. એમને?’

હાસ્તો? એટલે જ મોડું થયું ને?

હવે નાના મટી મોટા થયા. એટલે મકાન પણ મોટું જોઇએ.

એમ કહી સુધાને પોતાની તરફ ખેંચી.

બીજે દિવસે મકાન બદલી નાખ્યું.

દિનેશનું કુટુંબ સુખના હિંચકે હિંચવા લાગ્યું.

જ્યારે

મિ. મહીડા પદભ્રષ્ટ થયો. તે બેકાર બન્યો. એટલે વેરની

આગમાં બળતો જમનાને આવતાં જતાં પજવવા લાગ્યો.

આ વાત જમનાએ દિનેશને કરી.

ત્યારે દિનેશનું પરોપકારી દિલ વધારે ઊકળી ગયું. તે આવતાં

જતાં જમનાબાઇનો સંગાથ કરી જવા લાગ્યો.

આ જોઇ મહીડો દિનેશ પ્રત્યે વધારે ખિજાયો. તેણે દિનેશને બેઇજ્જત બનાવવા મનસૂબો કર્યો.

એક દિવસ દિનેશની ગેરહાજરીમાં તે દિનેશના મકાને પહોંચી

ગયો.

ઘરમાં સુધા અને બે બાળકો હતાં.

મહીડાએ અજાણ્યો થઇ છેટેથી બૂમ મારી : ‘દિનેશ ભાઇ છે?’

‘એ...ના, એ તો મિલમાં ગયા છે? આવો?’ અંદરથી સુધાએ જવાબ આપ્યો.

મહીડો મકાનમાં દાખલ થયો..

સુધાએ તેને કોઇ દિવસ જોયો ન હતો. એટલે તે નામથી ઓળખતી હતી. પણ પ્રત્યક્ષ ઓળખતી ન હતી. કે આ પદભ્રષ્ટ મહીડા છે.

એટલે તે સહજ ભાવે બોલી : ‘કેમ કંઇ કામ હતું?’

‘હા, મારે તેમને ખાસ વાત કહેવાની હતી.’ મહીડે વગર કહ્યે સામે પડેલી ખુરશીમાં જમાવતાં કહ્યું.

‘જે હોય તે કહો? આવશે એટલે હું કહીશ? એમાં શું?’ સુધાએ વાત જાણવાની ઉત્સુક્તા બતાવી.

‘ના, વાત બહું સારી નથી. આ તો બૈરાંને કહેવાય પણ નહીં.’ મહીડે ચાલાકી વાપરવા માંડી.

‘અરે ગમે તેવી ખાનગી હોય તોય શું? કહો? હું કોઇને નહીં કહું?’ સુધાએ સ્ત્રી સહજ ભાવે, ખાનગી વાત જાણવા અધીરાઇ બતાવી.

મહીડાએ જાણ્યું કે હવે તાક્યુંતીર વાગે તેમ લાગે છે. સુધાની અધીરાઇ જોઇ તે બોલ્યો.

‘જુઓ બેન? વાત કહેવાય એવી નથી. પણ તમે બહુ દબાણ કર્યું એટલે દિનેશની લાગણીને વશ થઇ કહું છું. બાકી મારે શું? દિનેશ ગમે તેની સાથે સંબંધ રાખે તોય?’

‘કોની સાથે સંબંધ રાખે છે?’ સ્ત્રી સહજ ઇર્ષાથી સુધાએ પૂછ્યું.

‘આ પેલી જમના સાથે જ તો? દરરોજ સાથે જાય છે અને આવે છે. એવું શોભે? એના લીધે તો તમારા પતિ જોખમમાં મૂકાશે?’

‘પેલો મહીડો વેર લેવા તલસે છે. એટલે હું તો કહું છું બાકી મારે શું?’ મહીડાએ ઠાવકું મોં કરી વાત ગળે ઉતારવા માંડી.

આ સાંભળી સુધાનું સ્ત્રી સહજ હૃદય, ઇર્ષાથી સળગી ઊઠ્યું. છતાં તે વાતને વધારે ચોળતી બોલી.

‘પણ એતો એમ કહેતા હતા કે મહીડાએ જમના પર બળાત્કાર કર્યો હતો. એટલે જોખમ ખેડવું પડ્યું.’

‘ના, એવું કશુંય નથી. જમના અને દિનેશનો સંબંધ જોઇ, મેનેજર દાઝે ભરાયો એટલે બંને વચ્ચે ઝપાઝપી થઇ.’

પહેલાં જમની મેનેજર સાથે સંબંધ રાખતી હતી. હવે દિનેશને ઝાલ્યો છે. એટલે તમે દિનેશને કહી દેજો. એમ કહી મહીડો ઊભો થયો.

મહીડાની જવાની તૈયારી જોઇ, સુધાએ આગ્રહ કરી બેસાડ્યો. તેને ચ્હા બનાવી પીવડાવી. ઘણી વાતો સુધાએ જાણી લીધી.

મહીડે પણ ચતુરાઇ વાપરી, ઘણી વાતોનું પોટલું બંધાવ્યું. મારી વાત સાચી ના લાગતી હોય તો દિનેશની જતાં આવતાં નજર રાખજો. બંને સાથે હોય છે કે નહીં? એમ કહી મહીડો સુધાના હૃદયમાં વહેમની અંગારી મૂકી ચાલતો થયો.

મહીડાના ગયા પછી સુધા વિચારમાં પડી ગઇ.

‘ખરેખર વાત સાચી હશે? દિનેશ તો હંમેશા મારી સાથે પ્રેમથી જ વર્તે છે? મારી પર કદી ગુસ્સે થતો નથી. મને તો વાત સાચી લાગતી નથી?’

પણ સ્ત્રીસહજ વહેમી સ્વભાવે, તરત જ દલીલ કરી. ‘હોય પણ ખરું? નહીં તો જમનાને કોઇએ નહીં અને દિનેશે જ કેમ મદદ કરી?’

‘એ તો મને વહેમ ના પડે એટલે મારા પ્રત્યે ઉમદા વલણ દાખવે છે? પણ બધા જ કાગડા કાળા જ હોય છે!’

આ વિચારે તેના દિલમાં વહેમનું પાકું ચણતર કર્યું. તેણે મનોમન નક્કી કર્યું. ‘મારે સાંજ, સવાર ધ્યાન રાખી વાત પાકી કરવી પડશે હું મારી સગી આંખે જોયા પછી જ કહીશ. ત્યાં સુધી મારે કંઇ કહેવું નથી. નહીં તો તે ચેતી જશે.’ એમ વિચારી, તે સાંજ પડવાની રાહ જોવા લાગી.

સામેના ટાવરે પાંચ વાગ્યાની ખબર આપી. એટલે તે ઉપલા માળની અટારીમાં આવી દૂરદૂર નજર નાખવા લાગી. પણ તેની નજરમાં માનવ મેદની સિવાય કશું દેખાયું નહીં.

છ વાગ્યાના સુમારે, ઝીણી નજર કરી જોતાં તેને દેખાયું. દિનેશ અને એક જુવાન દેખાવડી બાઇ, છુટથી વર્તન લેતાં ચાલતાં આવતાં હતાં.

આ જોઇ સુધાનો વહેમ દ્રઢ થયો.

ત્યાં પેલા અટકી ગયાં.

થોડી ગુપચુપ વાતો કરી.

જાણે દિનેશ વાયદો કરતો હોય તેમ કાંડા ઘડિયાળસામું જોઇ કંઇક બબડ્યો.

બંને છુટા પડ્યાં.

આ જોઇ, દાંત કચકચાવતી સુધા અંદર ચાલી ગઇ. અંદર જઇ કંઇક વિચારે ત્યાં તો બહાર દિનેશનો અવાજ આવ્યો. ‘બેટા! ‘દીપક’‘ દીનકર’ ક્યાં છે?’

આ સાંભળી બંને બાળકો ‘પપ્પા આવ્યા’ કહી દિનેશને વળગી પડ્યા.

બંને બાળકોને ઊંચકી લઇ બેઠેલી સુધાના ખભા પર દીનકરને બેસાડી પોતે દીપકને લઇ સુધા સામે બેસી ગયો.

આ જોઇ સુધા ફિક્કું હસી. જાણે હસવું નથી છતાં, હસવું પડ્યું. તેને દગો દેખાતો હતો. દિનેશના વર્તનમાં તેને છેતરામણનો ભાસ થયો હતો.

છતાં પણ જાણે કશું થયું નથી? કશું જોયું નથી? તેમ એણે વર્તન દાખવ્યું.

આમ સુધા દરરોજ નિરીક્ષણ કરતી હતી. સ્ત્રી સહજ વહેમી સ્વભાવે દાઝતી હતી. પણ તે દિનેશને કહી શકતી ન હતી.

કારણ?

દિનેશના વર્તનમાં કદી ઉણપ જણાતી ન હતી. તેનો પ્રેમ જેવો હતો તેવો જ વહેતો રહેતો હતો. છતાં પણ કાલે કહીશ આજે કહું? હમણાં કહું? એવા જ વિચારે દિવસો વહેતા જતા હતા.

થોડા દિવસો આમ જ વીત્યા ત્યાં સુધાએ છોકરીને જન્મ આપ્યો. તરત જ સુધાએ કુટુંબ નિયોજન અપનાવી લીધું.

એક દિવસ ટકોર કરતાં સુધાએ કહ્યું : ‘દિનેશ, તું દરરોજ મોડો આવે છે. સમયસર આવી જતો હોય તો? આ બાળકો અને કામનો ઢસરડો, મને હેરાન કરી નાખે છે?’

‘તારી વાત સાચી છે? પણ તું જોતી નથી? જ્યારથી મેનેજરની પદવી મળી છે. ત્યારથી, જવાબદારી પણ વધી છે. સમય કસમય મારે રોકાવું પડે છે?’ દિનેશે નિર્દોષ ભાવે હકિકત જણાવી.

‘તું પણ બધાં મજૂરો સાથે જ છુટતો હશે ને?’ સુધાએ તાક મેળવવા પૂછ્યું.

‘ના, મજૂરો પહોલા છુટે. પછી જ મારે છુટવાનું!’

‘ત્યારે તું તો મજૂરો સાથે જ હોય છે?’

‘કોઇક દિવસ વહેલો નીકળું, તો એમ બને. બાકી બધાં છુટે પછી જ મારે છુટવાનું?’

‘ત્યારે પેલી, દરરોજ કેમની સંગાથ હોય છે?’ સુધાનું હૈયાનું હોઠે આવી ઊભું રહ્યું.

‘પેલી જમનાને? એને બિચારીને, પેલો મહીડો પજવે છે. એટલે જતાં આવતાં, મારો સંગાથ કરીને જ નીકળે છે.’ દિનેશે નિર્દોષ ભાવે કહ્યું.

‘તે પજવે એમાં તારે શું? મને બધી વાતની ખબર છે. હવે પછી તેને સાથે જોઇશ, તો પરિણામ સારું નહીં આવે...સમજ્યો?’ સુધા એકદમ તાડૂકી.

‘સુધા તું ખોટો વહેમ રાખે છે? એ બિચારી, નિર્દોષ પર ખોટું આળ શા માટે ચડાવે છે? જરા વિચાર તો કર?’

‘વહેમ નહીં? સાચી વાત છે? હું કેટલાય દિવસથી નિરીક્ષણ કરું છું. એટલે કહું છું. મારાથી તે સહન નહીં થાય?’

‘તું ખરી છે સુધા? તને આટલોય વિશ્વાસ નથી?’

‘ના, આજ સુધી હતો, પણ હવે નથી. માટે કહું છું ચેતી જજે?’ સુધાએ ચેલેન્જ ફેંકી.

આમ એકબીજાની દલીલો આગળ, વહેમે ઝઘડાના બીજ વાવ્યા.

દિનેશ નિર્દોષ ભાવે વિધવાની દયા ખાતો હતો.

જ્યારે સુધા તેને વહેમનું રૂપ આપી, વહેમના વમળમાં ઘસડાતી હતી.

તેમના સુખી સંસારમાં, જ્યાં પ્રેમ, સદ્‌ભાવના, વિશ્વાસ અને એકબીજાને અખૂટ ચાહના હતી તેમાં કંકાસ પ્રવેશ્યો.

દિવસમાં એકવાર ન ઝઘડે, તો જાણે આખો દિવસ નકામો ગયો.

આમ વહેમે ઝઘડાનું વ્યસન પાડી દીધું.

એ વહેમ અને એ ઝઘડાનું સ્વરૂપ કેવું આવત એ તો ભગવાન જાણે પણ એક દિવસ દિનેશની તબિયત બરાબર ન હતી એટલે તે ઓફિસેથી બપોરે ઘેર આવી ગયો.

સુધા આરામ કરતી હશે કે બપોરની ચ્હા પીતી હશે? એમ ધારી બારણું ખખડાવવાનો વિચાર કરતો હતો ત્યાં જ દિનેશે અંદરથી ઘુસપુસ વાત થતી સાંભળી તે અટકી ગયો અને તેમાંય જ્યારે એક પુરુષનો થોડો ઘણો પરિચિત અવાજ સંભળાયો ત્યારે તો તે કાન દઇને વાત સાંભળવાની વૃત્તિને ન જ રોકી શક્યો.

અને તેણે જે સાંભળ્યું તેનાથી તે ક્રોધથી ધૂંઆંપૂઆં થઇ ગયો. મહીડા અંદર સુધાને સરાસર જુઠાણાંની કથની સંભળાવતો હતો અને તેમાં સુધા હોંકારો દેતી જતી હતી.

છેવટે ક્રોધ કાબુમાં ન રહેતાં દિનેશે બારણાને લાત મારી. બારણું ઠાલું જ વાસેલું હતું. એટલે એટલા જોરથી ખુલી ગયું કે ખુરશીમાં આગળ નમીને બેઠેલા મહીડાના કપાળમાં અથડાયું. દર્દ અને ગભરાટથી મહિડા અવાક્‌ થઇ ગયો. સુધા પણ કસમયે દિનેશને જોઇ છોભીલી પડી

ગઇ. તે કાંઇ ન બોલી શકી.

છેવટે દિનેશ જ બોલ્યો : ‘બોલો મહીડા સાહેબ કેમ આવવું થયું હતું?’

મહીડા ગૂંચવાયો અને તે ગુંચવાયો તેનાથી વધુ તો સુધા ગુંચવાય. ‘મહીડા?’ તે બોલી ઊઠી.

‘તો બીજું કોણ? આ નાલાયક મારી પર વેર વાળવા તને ભંભેર્યા કરે અને તું મારી પર વહેમાયા કરે પછી’

‘તો આ મહીડા છે. એમણે તો કહ્યું હતું કે તેમનું નામ રજનીકાન્ત ત્રિવેદી છે. અને તે નાઇય શીફ્ટ મેનેજર છે?’

ને પછી ગભરાઇને ભાગી જતાં મહીડાને દાદરાને ભીંસે પકડી પાડી દિનેશે પીઠમાં એક એવી લાત લગાવી દીધી કે મહીડા દાદરાનાં આઠદસ પગથિયાં એક સામટાં ઉતર્યાં હોય એમ વાગ્યું. એ બહાર નીકળ્યા ત્યારે પગે લંગડાતા હતા એ તો સુધા અને દિનેશે બન્નેએ જોયું.

-પછી દિનેશે સુધાને નજર ભરીને નીરખતાં આંખથી જ પૂછ્યુંઃ ‘હવે સમજાયું?’

-ને સુધાની ઢળી ગયેલી આંખોએ જાણે માફી માગી લીધી અને પેલા બધા વહેમ અને ઝઘડા બે હૈયાં અને ચાર હોઠના મિલનમાં પીગળી ગયાં.

પ્રકરણ : ૧૫

જેમ જેમ ઉનાળો જામતો હતો તેમ તેમ લગ્નગાળો પણ જામતો હતો. રામજી પટેલે ગોવિંદનાં પણ લગ્ન લીધાં હતાં. અને આ લગ્ન માટે તેમના સૌને માટે કપડાં લેવા માટે રામજી પટેલ, અમૃતબા અને ગોવિંદ નડીઆદ આવ્યા હતાં.

અમદાવાદી બજાર પાસેથી તેઓ પસાર થતાં હતાં ત્યાં કોઇ ગઠિયો રામજી પટેલના હાથમાંથી થેલી ખેંચી લઇને ભાગ્યો. ને રામજી પટેલે તથા અમૃતબેને હો હો કરી મૂકી, જુવાન ગોવિંદ પેલા ગઠિયાની પાછળ દોડ્યો.

આજુબાજુના રાહદારીઓ પણ : ‘પેલો જાય, સફેદ શર્ટ વાળો.’ વગેરે કહી આંગળી ચીંધવા લાગ્યા અને કેટલાક તો તેની પાછળ દોડ્યાં.

આ વખતે દિનેશ મિલની કાર લઇને કોઇ કામ અંગે બજારમાં આવ્યો હતો. તેણએ આ બૂમાબૂમ સાંભળી અને તેણે પેલા ભાગતા ગઠિયાની નજીક કાર લઇ જઇ તેને ભીંત સાથે ભીડાવી દીધો. એવામાં ગોવિંદ આવી લાગ્યો. દિનેશ પણ બારણું ખોલી કારમાંથી બહાર નીકળ્યો.

બન્ને જણાએ થઇને પેલા ગઠિયાની ખૂબ ધોલાઇ કરી. આ ઝપાઝપીમાં ગોવિંદનું શર્ટ ફાટી ગયું. પેલો ગઠિયો તો આજુબાજુ વધું માણસોને આવતા જોઇ થેલી પડતી મૂકીને જીવ બચાવી ભાગી ગયો.

એવામાં રામજી પટેલ અને અમૃતબા આવી પહોંચ્યાં. થેલી સંભાળી લીધી અને દિનેશનો આભાર માની ગોવિંદની હાલત જોઇ તેની ચિંતા કરવા લાગ્યાં.

‘તારું ડગલું ફાટી ગયું છે. તે કાંઇ વાગ્યું તો નથીને?’ તેમણે પૂછ્યું.

‘ના, વાગ્યું નથી. એ તો હાથમાં પણ ના આવત પણ આ ભાઇએ કારની ભીંસમાં લઇ ભીંત સાથે ભીડાવી દીધો એટલે એનાથી ભગાયું નહીં’ ગોવિંદે પરસેવો લૂંછતાં જવાબ આપ્યો.

પછી દિનેશે તેમના આવવાનું કારણ પૂછ્યું. તેઓ કપડાં માટે આવ્યાં છે તે જાણી તેણે કહ્યું : ‘હું અહીં મિલમાં નોકરી કરું છું એટલે કાપડ બજારમાં મને ઘણા વેપારીઓ ઓળખે છે એટલે હું સાથે આવી તમને કપડાં લઇ આપીશ. પણ તે પહેલાં હું મિલમાંથી રજા લઇ લઉં.’ એમ કહેતાં તેણે બધાંને કારમાં બેસવા જણાવ્યું. અને નજીકમાં આવેલા પોતાના મકાન તરફ કાર લીધી.

બધાંને ઘરમાં લઇ જતાં તેણે કહ્યું : ‘તમે અહીં શાંતિથી બેસો ત્યાં સુધીમાં હું મિલમાં આંટો મારતો આવું. પછી આપણે બજારમાં જઇશું.’

એ આમ વાત કરે છે ત્યાં તો રસોડામાંથી સુધા કોઇ આવ્યું

જાણી બહાર આવી. ને આ બધાંને જોતાં જ બારણા વચ્ચે ઊભી રહી ગઇ. તેણે બોલવા પ્રયત્ન કર્યો પણ આનેદની મારી જાણે તેની વાચા જ હણાઇ ગઇ હતી. ને તેની આંખમાંથી ડબ ડબ ડબ આંસુ સરી રહ્યાં.

દિનેશે એ જોયું તે ગૂંચવાઇ ગયો અને સુધા અને રામજી પટેલ તરફ નજરો ફેરવતો ખુલાસો શોધી રહ્યો.

ઉંમર અને સુખને કારણે બદલાઇ ગયેલી સુધાને પહેલી નજરે તો કોઇ ઓળખી શક્યું નહોતું. રામજી પટેલે તો જે જે કરવા બે હાથ પણ જોડ્યાં હતાં. પણ માનું દિલ એમ છેતરાય ખરું? એમણે બીજી જ ક્ષણે એને ઓળખી લીધી અને કોઇ કાંઇ સમજે તે પહેલાં તો : ‘ઓ મારી દીકરી.’ એમ કહેતાં તેને બાથમાં લઇ લીધી.

સુધાની જેમ તેમની આંખોમાંથી પણ આંસુ સરી પડ્યાં.

રામજી પટેલ અને ગોવિંદ પણ ઘડીમાં સુધા તરફ તો ઘડીમાં દિનેશ તરફ તાકી રહેતા હતા.

છેવટે લાંબી ખામોશી તૂટી અને રામજી પટેલ બોલ્યા : ‘સુધા, આ તારું ઘર છે?’

‘હા,’ કહેતાં સુધાએ દિનેશ તરફ જોયું. જાણે કહેતી ન હોય : ‘ઘર અને વર બેય મારાં છે.’ એમ.

ને રામજી પટેલ અને ગોવિંદ બેય સમજી ગયા. ગોવિંદ તો દિનેશને કોઇ મોટો સાહેબ સમજી બેઠો હતો. હવે આ સાહેબ જ પોતાના બનેવી છે એ જાણી તે હરખાઇ ગયો.

‘-ને જીજાજી તમારું નામ તો દિનેશકુમાર હતું, ખરું ને.’ તે બોલી ઊઠ્યો.

‘તે હજુય દિનેશ જ છે. બદલાયું નથી.’ હસતાં હસતાં દિનેશે કહ્યું અને ગોવિંદનો ખભો થાબડ્યો. અને સુધા તરફ ફરતાં ઉમેર્યું : ‘સુધા, ગોવિંદને મારાં કપડાંમાંથી એક બુશશર્ટ કાઢી આપ. એ લડાઇમાંથી આવ્યો છે જોતી નથી.’

ને સુધાનું ધ્યાન પહેલી જ વખત ગોવિંદ પર સ્થિર થયું : ‘અરે, આ શું થયું? તને વાગ્યું તો નથી ને, ગોવિંદ?’ તે બોલી ઊઠી.

‘અરે, વાગવાની ક્યાં વાત કરે છે? વાગ્યું તો હશે પેલાને, ગઠિયાને ગોવિંદે બરાબરનો ઝૂડી નાખ્યો છે. મહિના સુધી તો યાદ કરશે.’ દિનેશે કહ્યું.

‘અને તમે કાંઇ બાકી રાખ્યું નથી. જો તમે ન આવી પહોંચ્યા હતો તો એ ગઠિયો પૈસા લઇને ભાગી જ ગયો હોત.’ ગોવિંદે કહ્યું.

પછી સુધાએ ગોવિંદને બુશશર્ટ આપ્યું અને ચ્હા મૂકતાં મૂકતાં બધી વાત વિગતે પૂછી લીધી.

પછી સુધાએ કંસારનું આંધણ મૂક્યું અને દિનેશ મિલમાં રજા મૂકવા ચાલ્યો ગયો.

જમ્યા પછી બપોરે કપડાં લઇ આવ્યા. પછી બધાં બેઠાં હતાં ત્યાં જ રામજી પટેલે ગોવિંદને કહ્યું : ‘તારે બેન બનેવીને કંકોત્રી મોકલવી એના કરતાં અત્યારથી જ સાથે લઇ લે એટલે ચિંતા નહીં.’

‘સુધાને લઇ જાવ, પણ હું તો લગ્નને આગલે દિવસે આવીશ. મારે નોકરી એવી છે એટલે.’ પછી કાંઇક વિચાર ગોઠવતાં ઉમેર્યું : ‘જો તમે આજનો દિવસ રોકાઇ જાવ તો હું કાલે કારમાં તમને બધાંને મૂકી જઇશ, બસ.’

ને પેલા દીપક અને દીનકર તો મામાને વળગી જ પડ્યા : ‘મામા, રહી જાઓ, કાલે જજો.’

પછી બીજે દિવસે બધાં ગામ ગયાં. લગ્ન પર દિનેશ પણ ગયો. બધાંએ ગોવિંદના લગ્ન આનંદથી માણ્યાં.

સહુથી વધુ તો અમૃતબા અને સુધાએ. અમૃતબાને દીકરી તો દીકરી પણ સાથે ભાણેજાં પણ મળ્યાં હતાં. ને સુધાને પિયર પાછું મળ્યું હતું ને હવે ભાભી પણ મળવાની હતી.