Sundarvani Shresth Varta Shailesh K. Raychura દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

Sundarvani Shresth Varta

સુંદર વનની શ્રેષ્ઠવાર્તાઓ

શૈલેષ કે. રાયચુરા

અનુક્રમણિકા

૧. બિરબલની ચાણક્યનિતી

૨. રાજા વિક્રમ અને સુવર્ણ પોપટ

૩. નદીકિનારે નાળિયેરી રે

૪. મગરે માર ખાધો

૫. કર્મયોગી હાથી

૬. મખમલી ગુલાબનું સરોવર

૭. વાનરરાજની જય

૮. પક્ષીઓનો કુંભમેળો

૯. રંગ-બે-રંગી ચૂડીઓ

૧૦. સોનાની જેલ

૧૧. સ્વર્ગની સહેલ

૧૨. ચતુર વાંદરો

૧૩. ગરુડની પીઠ ઉપર શિયાળ

૧૪. બળવાન હાથી

૧૫. મોહન અને મધમાખી

૧૬. હાથી અને વાંદરા

૧૭. મખમલી કમળ

૧૮. હંસ અને બિરબલ

૧૯. મખમલી પતંગીયુ

૨૦. હંસે આપ્યું અખરોટ

૨૧. રાજા વિક્રમસિંહ અને સુવર્ણ કમળ

૨૨. રાક્ષસ અને સોનેરી પંખી

૨૩. હંસની ડોકે સોનેરી માળા

૨૪. અદ્‌ભૂત સુવર્ણ પંખી

૨૫. રસનો ચીચૂડો

૨૬. સાત સૂંઢવાળો હાથી

૨૭. બ્રહ્મ રાક્ષસ અને અજબ ખેલ

૨૮. પરોપકારી હંસ

૨૯. કમળનાં ફૂલોનું મધ

૩૦. હાથીને ઉલ્લું બનાવ્યો

૩૧. માધવની વાંસળી

૩૨. ગાતી કોયલ

૩૩. ભેદી ટાપુ

૩૪. સાધુ અને પોપટ

૩૫. સોહામણું બુલબુલ

૩૬. તપસ્વી સાધુ

૩૭. દયાળુ કાગડો

૩૮. ગુફાનો ભેદ

૩૯. કમલદલ અને કાળો ભમરો

૪૦. અકલમાં નકલ ન હોય

૪૧. ચંદનવૃક્ષનાં વનો

૪૨. શેખીખોર કાગડો

૪૩. સુંદરબાગનાં અલબેલાં પંખીઓ

૪૪. હંસ અને હાથી

૪૫. ટામેટાની વાડીમાં

૪૬. બગલો અને કરચલો

૪૭. મધમાખી અને હાથી

૪૮. બ્રાહ્મણ અને વાંદરો

૪૯. જળ રાક્ષસ

૫૦. કમળ અને હાથી

૫૧. હાથી મંડળ

૫૨. શાળામાં પોપટ બો

૫૩. ભોલુની ભલાઈ

૧. બિરબલની ચાણક્યનિતી

દિલ્હીનાં બાદશાહ અકબર જહાંપનાહ. અને તે જહાંપનાહનાં વફાદાર, બુધ્ધિશાળી એવા બિરબલ. બિરબલ એટલે બિરબલ હોં. દરેક પ્રશ્ન, વાત અને તેનો ઉકેલ શોધવાની અજબ બુધ્ધિ ફક્ત બિરબલમાં જ જોવા મળતી હતી. એક વખતની વાત છે.

બાદશાહ અકબર સભા ભરીને બેઠાં હતાં. બાદશાહ અકબરનાં ચહેરાં ઉપર ચિંતાનાં વાદળાંઓ આમતેમ દોડા દોડી કરી રહ્યાં હતાં. અને તેઓ ખરેખર ચિંતિત જ હતાં હોં. કારણ કે અડધું ચોમાસું વીતી જવાં આવેલ હતું. તેમ છતાં રાજ્યમાં વરસાદનું એક ટીપું પણ વરસ્યું નહોતું. આથી તેઓ પાણીની સમસ્યાં માટે ખૂબ જ ચિંતિત હતાં. પ્રજાજનો, દરબારીઓ વગેરે બાદશાહ અકબર સામે આશાભરી આંખે જોઈ રહ્યાં હતાં. રાજ્યમાં પાણીનાં ભયંકર પોકારો પડી રહ્યાં હતાં. પ્રજાજનો કહી રહ્યાં હતાં કે બાદશાહનાં દરબારીઓષ પ્રિતીપાત્રોને જ ફક્ત રાજ્ય તરફથી પાણી મળતું હતું. જ્યારે સામાન્ય નગરજનોને વાપરવાનું તો શું પરંતુ પીવાનું પાણી પણ પુરતાં પ્રમાણમાં મળતું નહોતું. આવો ગંભીર આક્ષેપ સાંભળીને બાદશાહ તો વધુ ગંભીર બની ગયાં. બિરબલે જોયું કે ખરેખર પ્રજાજનોની વાતમાં તથ્ય જરૂર છે. આથી તેણે મનોમન કશોક નિર્ણય કર્યો અને પછી તે ઊભાં થઈને સભા વચ્ચેથી ચાલ્યાં ગયાં. બાદશાહ અકબર તો નવાઈ પામ્યાં કે આ બિરબલ આમ ચાલુ સભાએ ક્યાં જતાં રહ્યાં છે.

ગાઢ રાત્રીનો અંધકાર સમગ્ર પૃથ્વી પર છવાઈ ગયો હતો. આકાશમાં આભલાંઓ સંતાકૂકડી રમવાં ઉપર ઉતરી આવ્યાં હતાં. વાતાવરણમાં ગરમી અને બફારો સખત વર્તાઈ રહ્યો હતો. બાદશાહ અકબરનાં ખાસ માણસો, મંત્રીઓ, વજીરોનાં ઘર પાસે ખાસ પાણીની પાઈપલાઈનો દ્વારા પાણી પહોંચાડાઈ રહ્યું હતું. અને... અને... બિરબલ તો ત્યાં આગળ પહોંચી જ ગયો. અચાનક બિરબલને આવેલ જોઈ મંત્રીઓ, વજીરો, વગેરે તો મનોમન ગભરાઈ જ ઊઠ્યાં. બિરબલે આ રીતે પહોંચાડાઈ રહેલ પાણીને જોઈને ખૂબ જ દુઃખ થયું. હા, નગરજનો સભા વચ્ચે જે કંઈ કહી રહ્યાં હતાં તે સાચું જ હતું ને? બાદમાં તેઓ બોલ્યાં- ચાલ્યાં વગર ત્યાંથી જતાં રહ્યાં.

બીજા દિવસે બાદશાહ અકબરે સભા ભરી. નગરજનો અકડેઠઠ્ઠ હતાં. મંત્રીશ્રીઓ, વજીરો તેમજ નગરશ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત હતાં. તેઓ બધાંનાં પેટમાં તેલ રેડાઈ રહ્યું હતું. હા, ગઈકાલે રાત્રે બિરબલે તેમની પોલ જોઈ લીધી હતી ને એટલે શું? સભા વચ્ચે બિરબલ ઊભા થયાં. હા, નીડર, નિખાલસ, પ્રમાણિકપણે તેઓએ ડર્યા વગર ગઈકાલે રાત્રે આ રીતે શ્રેષ્ઠીઓને પાણી કઈ રીતે પહોંચાડાઈ રહ્યું હતું. તે વિગતે કહ્યું. જે સાંભળી બાદશાહ તો દંગ જ રહી ગયાં. અને તેઓએ તુરંત આદેશ જારી કર્યો કે જેને જેને પાણી આ રીતે પહોંચાડાઈ રહ્યું હતું. તે તમામે તમામનાં કનેકશનનો કાપી નાંખવામાં આવે અને દરેકને સમાનભાવે પાણીની વહેંચણી કરવામાં આવે.

આમ, બિરબલની બુધ્ધિ, ચાણક્યનિતી અને નીડરતાથી બાદશાહ અકબરની પ્રતિષ્ઠામાં દિન-પ્રતિદીન વધારો થતો ગયો હોં.

અનુક્રમણિકા

૨. રાજા વિક્રમ અને સુવર્ણ પોપટ

વૈશાલી નગરીનાં રાજા વિક્રમસિંહનો સ્વભાવ ખૂબ જ ઉમદા, પરોપકારી અને માયાળું હતો. રાજા વિક્રમસિંહનાં રાજ્યમાં ખૂબ જ શાંતિ અને પવિત્રતા જોઈ શકાતી હતી.

એક દિવસની વાત છે. વૈશાલી નગરીમાં ક્યાંકથી એક ચોર આવી ચડ્યો હતો. તે ચોર પણ ખૂબ જ વિચિત્ર હતો હોં. નાનાં-મોટાં શેઠીયાઓને નિશાન બનાવીને તે તેમની મિલકતની ચોરી કરી જતો હતો. આથી તે શેઠીયાઓ, નગરજનો તે ચોરની ફરીયાદ કરવાં માટે રાજા વિક્રમસિંહનાં દરબારમાં પહોંચી ગયાં હતાં. રાજા વિક્રમસિંહે તે શેઠીયાઓની વિગત ખૂબ જ શાંતિપૂર્વક સાંભળી અને તેઓને આશ્વાસન આપ્યું કે તે ચોરને દિવસ આઠમાં તે ખુદ જ ઝડપી લેશે.

રાજા વિક્રમસિંહ વેશપલટો કરીને રાત્રીનાં સમયે નગરની સડકો ઉપર ઘૂમવાં લાગ્યાં. નાની-મોટી ગલીઓમાં છૂપાવેશે શોધખોળ કરવાં લાગ્યાં. પરંતુ તે ચોર પણ અતિ ચાલાક અને હોંશિયાર હતો. રાજા વિક્રમસિંહ સતત સાત દિવસ સુધી નગરમાં રખડ્યાં. પરંતુ તે ચોરનાં કશે જ સગડ મળ્યાં નહીં. આથી તેઓ ઉદાસ બની ગયાં હતાં. અને અત્યારે તેઓ પોતાનાં ઝરુખામાં ચિંતિત ચહેરે બેઠાં હતાં.

બરોબર આવા સમયે ક્યાંકથી ઉડતો ઉડતો એક સુવર્ણ પોપટ આવીને રાજા વિક્રમસિંહનાં ઝરુખાની પાળે જઈને બેઠો. અને પછી તે રાજા વિક્રમસિંહનાં ચહેરાનું અવલોકન કરવાં લાગ્યો. અને તેણે રાજા વિક્રમસિંહની મુંઝવણનો તેમજ તેનો ઉકેલ પણ તેણે શોધી લીધો. બાદમાં તે સુવર્ણ પોપટ બોલ્યો. મહારાજ, તમે જે વિચિત્ર ચોરને શોધો છો ને તે અત્યારે નગરીથી થોડે દૂર ઉપર આવેલ એક અંધારી ગુફામાં ઉંઘી રહ્યો છે. અચાનક સુવર્ણ પોપટની આવી વિચિત્ર અને મદદરુપી વાણી સાંભળી રાજા વિક્રમસિંહનાં ચહેરાં ઉપર રોનક પથરાઈ ગઈ. બાદમાં તે સુવર્ણ પોપટનો આભાર માનતા સિપાહીઓને લઈને અંધારી ગુફા તરફ ચાલી નીકળ્યાં.

જ્યારે તે વિચિત્ર ચોર ગુફામાં મબલખ નાણાં, સોનામહોરો વગેરે સંતાડીને મીઠી ઉંઘ માણી રહ્યો હતો કે અચાનક રાજા વિક્રમસિંહનાં સિપાહીઓએ તેને ચારે બાજુએથી ઘેરી જ લીધો. આથી તે ચોરનાં તો ધોતીયાં જ ઢીલાં પડી ગયાં. તેણે આવી કશી જ કલ્પનાં કરેલ નહીં કે આમ એકાએક સૂતા જ ઝડપાઈ જવાશે. તેણે ભાગવાનાં અનેક પ્રયત્ન કર્યાં. પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. બાદમાં તે ગુફામાંથી છૂપાવેલ દરદાગીનાં, નાણાં વગેરે લઈને રાજા વિક્રમસિંહે બીજા જ દિવસે જેનાં હતાં તેને સુપ્રત કર્યા અને ચોરને કાલ કોટડીમાં બંદીવાન બનાવીને સજા કરી. રાજાની આવડત ઉપર નગરજનો ખૂબ જ ખુશ થયાં અને રાજા ઉપર આશિર્વાદની ગડીઓ વરસાવવાં લાગ્યાં. જ્યારે રાજા વિક્રમસિંહ તો તે સુવર્ણ પોપટો અંતરથી આભાર માનવાં લાગ્યાં.

બોધ : મિત્રો, ચોરી તો એક ના એક દિવસ પકડાઈ જ જાય. કેમ બરોબર ને...?

અનુક્રમણિકા

૩. નદી કિનારે નાળિયેરી રે

એક સુંદર મઝાની નદી ખળ ખળ કરતી વહેતી હતી. તે નદી કિનારે નાળિયેરીનાં પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો ઉગેલ હતાં. જેનાં ઉપર મઠ મીઠાં પાણીથી છલોછલયુક્ત નાળિયેરો લહેરાતાં હતાં.

તે નદીથી થોડે દૂર ઉપર એક ઉપવન આવેલ હતું. તે ઉપવનમાં વિવિધ પ્રકારનાં પશુ-પંખીઓ રહેતાં હતાં. અને સાંજ પડતાં જ તે પશુ-પંખીઓ નદી ઉપર પાણી પીવાં માટે ઉમટી પડતાં હતાં. તે બધાં પશુ-પંખીઓ નાળિયેરીનાં વૃક્ષ તરફ ઉંચે જોઈને નિસાસાં નાંખતાં હતાં. હા, તે બધાંને નાળિયેરનું મધ મીઠું પાણી પીવાંની ખૂબ જ ઈચ્છા થઈ આવતી હતી. પરંતુ નાળિયેરીનાં વૃક્ષ ઉપર ચડવું કઈ રીતે?

એક દિવસની વાત છે. તે ઉપવનમાં રહેતો એક મીઠું વાંદરો હિંમત કરીને તે નાળિયેરીનાં વૃક્ષ ઉપર ચડી ગયો. અને પછી તો તે મીઠું વાંદરો ધનાધન કરતો નાળિયેરને તોડી તોડીને નીચે ઉભેલ પશુ-પંખીઓને તે આપવાં લાગ્યો. આથી તે બધાં પશુ-પંખીઓ નાળિયેર ફોડી ફોડી તેમાંનું મધ-મીઠું પાણી પીવાં લાગ્યાં. અને તે મીઠું વાંદરાનો આભાર માનવા લાગ્યાં. આમ, તે મીઠું વાંદરો હવે તો રોજ સાંજ પડે અને તે નાળિયેરીનાં વૃક્ષ ઉપર ચડી જતો. અને તેમનાં ભાઈબંધોને નાળિયેર તોડી-તોડીને આપ્યે જતો હતો. તે પશુ-પંખીઓમાં એક ઈર્ષ્યાળું શિયાળ પણ હતું. તેને આ મીઠું વાંદરાની આવી પરોપકારી વૃત્તિની ખૂબ જ અદેખાઈ, ઈર્ષા આવતી હતી. આથી તે ઉપવનનાં અન્ય પશુપં ખીઓની કાન ભંભેરણી કરવાં લાગ્યો. અરે જુઓ, જુઓ આ બંદરીયાંને, કેવો મારો બેટો નાળિયેર તોડી તોડીને તેમનાં ગોઢીયાંઓને આપી રહ્યો છે હેં? પરંતુ કોક દાડો તે આ વૃક્ષ ઉપરથી નીચે ખાબકશે ને તો તો પછી તેનાં એકેય હાડકા હાથ લાગશે નહીં હોં.

અને... અને... એક દિવસ તે ઈર્ષાળુ શિયાળની વાણી જાણે સાચી ન પડવાની હોય તેમ એક દિવસ તે મીઠું વાંદરો જ્યારે વૃક્ષ ઉપરથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે એકાએક તેનો હાથ છટક્યો અને તે સીધો જ ગડગડાટ કરતો ઉંધા માથે જમીન ઉપર ધસી આવ્યો. આથી તેના મોઢામાં, માથામાં ખૂબ જ વાગ્યું. આ જોઈ શિયાળ તેમજ તેની ઈર્ષાળુ ટુકડી આનંદમાં આવીને ઠેકડાં મારવાં લાગી. અને મનોમન બોલી ઊઠી. હંમ...? તો બંદર બેટાને હવે જ ભાન થયું હશે કે આવી રોજ પરોપકારની વૃત્તિ સારી નહીં હોં. પરંતુ અન્ય પશુ-પંખીઓ તે વાંદરાની સેવા, શુષૃસા કરવાં લાગ્યાં. તેમને સારા દવાખાને લઈ ગયાં. ફળો ખવરાવ્યાં.

અને... અને... થોડા સમયમાં તો તે મીઠું વાંદરાની તબિયત ઓલરાઈટ બની ગઈ. આ જોઈ ઈર્ષાળું ટુકડીમાં ગણગણાટ શરું થઈ ગયો. પરંતુ તે મીઠું વાંદરો તો પુરા જોસ, ઉત્સાહ સાથે નાળિયેરીનાં વૃક્ષ ઉપર ચડીને ગીત ગાતો ગાતો નાળિયેર તોડી તોડીને તેમનાં પરમ મિત્રો, શુભેચ્છકોને તે આપવાં લાગ્યો.

હા, તે મીઠું વાંદરાનાં ગીતો પણ સાંભળવાં જેવાં હતાં હોં.

“નદી કિનારે નાળિયેરી રે ભઈ, નાળિયેરી રે,

મીઠાં ભરેલી નાળિયેરી રે ભઈ, નાળિયેરી રે.”

મીઠાં, મધુરાં ગીતો સાંભળીને પશુ-પંખીઓ તો મોજમાં આવીને ઝુમવાં લાગ્યાં. તે બધાં જ પશુ-પંખીઓનાં ચહેરાં લાલઘૂમ ટમેટાં જેવાં બની ગયાં હતાં હોં. કારણ કે તેઓએ નાળિયેરનું મીઠું, પૌષ્ટિક પાણી પીધું હતું ને! કેમ, બરોબરને...?

અનુક્રમણિકા

૪. મગરે માર ખાધો

એક વિશાળ તળાવ હતું. તે તળાવમાં એક ખૂંખાર મગર રહેતો હતો. જે તળાવ ઉપર આવતાં પશુ-પંખીઓને ખેંચીને તે તેમનો કોળિયો કરી જતો હતો. આથી પશુ-પંખીઓમાં ભય, ડર અને દુઃખ વ્યાપી ગયાં હતાં.

તે વિશાળ તળાવનાં કાંઠે જાંબુનું એક ઝાડ પણ આવેલ હતું અને તે ઝાંબુનાં ઝાડ ઉપર એક ધ્યાળું વાંદરો રહેતો હતો. તેણે જોયું કે નિર્દોષ પશુ-પંખીઓ પાણી પીવાં આવે ત્યારે તે લુચ્ચો મગર તેમનો કોળિયો કરી જતો હતો. આથી તે ધ્યાળું વાંદરાને પશુ-પંખીઓ ઉપર ખૂબ જ લાગી આવતું હતું. એક દિવસ તેણે મનોમન નિર્ણય કર્યો કે કોઈ પણ ભોગે આ લુચ્ચાં મગરને આ તળાવમાંથી વિદાય તો કરવો જ છે! પછી તેણે પોતાની યોજનાં જંગલનાં પશુ-પંખીઓને કહી. જે સાંભળી પશુ-પંખીઓનાં ચહેરાં આનંદથી ખીલી જ ઉઠ્યાં.

ગાઢ રાત્રીનો અંધકાર સમગ્ર પૃથ્વી ઉપર પથરાઈ ચૂક્યો હતો. ઠંડી હવાં સાંય સાંય કરતી વીંઝાઈ રહી હતી. આકાશમાં આભલાંઓ ટમટમી રહ્યાં હતાં. તળાવમાં રહેલ ખૂંખાર મગર પેટ ઉપર હાથ રાખીને ઘોર નીંદ્રામાં સરી ગયો હતો. તેનાં ચહેરાં ઉપર પરમ શાંતિનાં ભાવો ઉપસી રહ્યાં હતાં. હા, તેને આ તળાવ પણ ખૂબ જ માફક આવી ગયું હતું. હા, તેને આ તળાવ પણ ખૂબ જ માફક આવી ગયું હતું. રોજ નવાં નવાં પશુ-પંખીઓનો તે શિકાર કરતો હતો. તે મગર ગાઢ ઉંઘમાં હતો કે અચાનક ધ્યાળું વાંદરાની આગેવાની હેઠળ અન્ય પશુ-પંખીઓએ કાંઠા ઉપરથી મોટાં મોટાં પથ્થરાંઓ ઉંચકી ઉંચકીને તળાવમાં રહેલ મગર ઉપર તેઓ પ્રહાર કરવાં લાગ્યાં. આથી મગરની ઉંઘ ઊડી ગઈ. તેનાં શરીર ઉપર પણ પથ્થરાઓનો પ્રહાર થતાં તે ખૂબ જ ક્રોધિત થઈ ઉઠ્યો. અને તે ત્રાડ પાડતો કાંઠા તરફ ધસી ગયો. પરંતુ કાંઠા ઉપર કોઈને પણ ન જોતાં તે ફરી ઘુંઘવાતો તળાવમાં ચાલ્યો ગયો.

આમ, રોજ રાત પડે અને ધ્યાળું વાંદરાની આગેવાની હેઠળ વિશાળ સંખ્યામાં પશુ-પંખીઓ કાંઠા ઉપરથી પથ્થરાઓ ઉંચકી ઉંચકીને તે મગર ઉપર તેનો પ્રહાર કરીને જતાં રહેતાં. આથી એક દિવસ તે મગરની પણ સહનશક્તિની હદ આવી ગઈ. તેને લાગ્યું કે હવે પોતાનાં દાડા આ તળાવ ઉપરથી ભરાઈ ગયાં છે. આમ, રોજ રાતનાં પથ્થરાઓ ખાવાં કરતાં સમંદરમાં જઈને વસવું સારું હોં. આમ, વિચારી તે મગર એક દિવસ તે તળાવ છોડી સમંદર તરફ કાયમને માટે ચાલ્યો ગયો. આ જોઈ ધ્યાળું વાંદરા સાથે પશુ-પંખીઓ આનંદમાં આવીને તે ધ્યાળું વાંદરાની જય બોલાવવાં લાગ્યાં. ત્યારબાદ તે ધ્યાળું વાંદરા અને પશુ-પંખીઓ વચ્ચે પાકી મિત્રતા બંધાઈ ગઈ. તળાવ પણ ભયમુક્ત બની ગયું. પશુ-પંખીઓ નિયમિત તે તળાવ ઉપર પાણી પીવાં આવવાં લાગ્યાં.

બોધ : મિત્રો, સંકટમાં દરેકે એક બીજાને હંમેશાં મદદ કરવી જોઈએ! કેમ, બરોબર ને...?

અનુક્રમણિકા

૫. કર્મયોગી હાથી

એક ઘટાઘનઘોર જંગલ હતું. તે જંગલમાં જાત જાતનાં અને ભાતભાતનાં પશુ-પંખી, પ્રાણીઓ રહેતાં હતાં. જેમાં સિંહ, હાથી, વાઘ, દિપડા, હરણાં, સસલાં, વાંદરા, મોર, બગલાં, બતકા વગેરેનો સમાવેશ થતો હતો.

તે જંગલમાં મોતી નામનો એક હાથી પણ રહેતો હતો. તે હાથી ખૂબ જ ઈમાનદાર, પરોપકારી સ્વભાવનો હતો. તે ઈશ્વરને સામે રાખીને દરેક કાર્ય કરતો હતો. અને દરેકને કહેતો હતો. મિત્રો, જીવનમાં હંમેશાં સત્ય, અહિંસા અને પ્રેમને સ્થાન આપવું જોઈએ. આપણે હંમેશાં મહેનત કરવી જોઈએ. પરંતુ ફલની આશા બિલકુલ રાખવી ન જોઈએ શું? ફલ તો ઈશ્વર કર્મ પ્રમાણે દરેકને આપે જ શું? પરંતુ તેની આવી ફિલોસોફી સાંભળી જંગલનાં પશુ-પંખીઓ તેની ઉપર હસતાં હતાં. અને કહેતાં અરે ઓ મહાન આત્મા, આ દુનિયામાં ફલ વગર કશું જ કામ ન થાય શું? અરે આ વૃક્ષનાં પર્ણો પણ ફલ વગર ન ફરકે હોં? પરંતુ તે ‘કર્મયોગી હાથી’ તો પોતાની મસ્તીમાં રહીને જ દરેક કાર્યો ઈમાનદારી પૂર્વક કરતો હતો.

એક દિવસની વાત છે. સંધ્યાનો સમય હતો. તે જંગલનાં ઘણાં પશુ-પંખીઓ જંગલ પાસેનાં તળાવ ઉપર પાણી પીવા આવ્યાં. તે ‘કર્મયોગી હાથી’ પણ પાણી પીવાં આવ્યો. તે તળાવમાં હમણાં થોડાં સમય પહેલા ક્યાંકથી એક ખૂંખાર મગર આવીને રહેતો હતો. જે જંગલનાં ઓછાં પશુ-પંખીઓને તેની જાણ હતી. ‘કર્મયોગી હાથી’ તો નિરાંત, શાંતભાવે તળાવનું મધ-મીઠું પાણી પી રહ્યો હતો. બરોબર આવા સમયે તે તળાવમાં રહેલ ખૂંખાર મગર તે હાથીનો એક પગ પોતાનાં જડબામાં લઈને તે હાથીને તળાવમાં ખેંચી જવાં લાગ્યો. આથી તે ‘કર્મયોગી હાથી’ તો દુઃખ સાથે દર્દનો ચિત્કાર કરવાં લાગ્યો. આ જોઈ તળાવનાં કાંઠા ઉપર રહેલ પશુ-પંખીઓ તેની ઠેકડી ઉડાડતાં બોલ્યાં. કા ‘કર્મયોગી હાથી’ મહારાજ, લ્યો કરો કર્મ ફલની આશા રાખ્યાં વગર શું? જોયું ને ઈશ્વરે તમને કેવું ફલ આપ્યું છે હેં? પરંતુ તે ‘કર્મયોગી હાથી’ કોઈને પણ દોષ આપ્યાં વગર તે ઈશ્વરનું સ્મરણ કરવાં લાગ્યો. અને... અને... ઈશ્વરનું સાચા દિલથી સ્મરણ થતાં જ ઈશ્વર હંમેશાં દોડી આવતાં હોય છે શું? જે મુજબ અચાનક ત્યાં આગળ એક કઠિયારો હાથમાં કુહાડી લઈને આવી ચડ્યો. અને પછી ખૂંખાર મગરને આ રીતે એક નિર્દોષ હાથીનો પગ પોતાનાં જડબામાં લઈને તળાવમાં ખેંચી જતાં મગરને જોઈ તે તુરંત તળાવમાં કૂદી પડ્યો. અને પછી કુહાડીનાં એક જ ફટકાથી તે મગરનું મુખ ચીરી નાંખ્યું. અને આમ હાથીનો પગ મુક્ત થતાં જ તે કઠિયારાનો અંતરથી આભાર માનવાં લાગ્યો. સાથમાં ઈશ્વરનો પણ હોં. જ્યારે કાંઠા ઉપરનાં પશુ-પંખીઓ તો આવી અદ્‌ભૂત ઘટનાં નિહાળીને દંગ જ રહી ગયાં. તેઓએ તો એવી જ કલ્પના કરેલ કે હવે આ ‘કર્મયોગી હાથી’ નો અંત જ આવી જશે. પરંતુ ઈશ્વર છે. તેમ હવે તે બધાંને લાગવાં માંડ્યું. અને પછી તેઓ પણ ઈશ્વરની પ્રાર્થના, પૂજા, અર્ચનાં કરવાં લાગ્યાં.

બોધ : જોયું મિત્રો, ઈશ્વરમાં હંમેશાં શ્રધ્ધા રાખવી જોઈએ. તેમની ઉપર પુરો ભરોસો મૂકવો જોઈએ. કેમ, બરોબર ને...?

અનુક્રમણિકા

૬. મખમલી ગુલાબનું સરોવર

એક સુંદર મઝાનું સરોવર હતું. તે સરોવરમાં ‘મખમલી ગુલાબ’ નો મબલખ ફાલ લહેરાઈ રહ્યો હતો. તે મખમલી ફૂલોની સુગંધ તો આસપાસનાં, અને દૂર દૂરનાં ગામો સુધી ફેલાયેલ હતી. આથી સાંજ પડે અને લોકો તે મખમલી ગુલાબનાં સરોવર ઉપર ખૂશ્બો મેળવવાં માટે પહોંચી જતાં. અને સુગંધનો મુક્તમને આનંદ ઉઠાવતાં હતાં.

સાંજ પડે અને ગામ લોકો સાથે રંગ-બે-રંગી પતંગીયાં, ભમરાં તેમજ નિર્દોષ, પ્રકૃતિ-પ્રેમી પંખીઓ તે સરોવર ઉપર આવી પહોંચતાં હતાં. અને મખમલી ગુલાબની ખુશ્બોનો તેઓ પણ લાભ ઉઠાવતાં હતાં.

એક દિવસની વાત છે. સંધ્યાનો સોનેરી, આહ્‌લાદક સમય હતો. મખમલી ગુલાબનાં સરોવર ઉપર અસંખ્ય પંખીઓ, પતંગીયાઓ, ભમરાંઓ વગેરે આનંદ કિલ્લોલ કરતાં ખૂશ્બો માણી રહ્યાં હતાં. બરોબર આવા સમયે વૈશાલી નગરીનાં રાજા ગુલાબસિંહ તેમનાં રસાલા સાથે તે મખમલી ગુલાબનાં સરોવર ઉપરથી પસાર થઈ રહ્યાં હતાં. સહસા તેનાં નાકમાં મખમલી ગુલાબની મહેંકનો ધોધ-ખૂશ્બો અથડાતાં જ તેનાં દિમાગમાં કોઈ અનેરી સ્ફૂર્તિનો ખજાનો લહેરાવા માંડ્યો. બાદમાં તેઓ મખમલી ગુલાબનાં સરોવર ઉપર આવ્યાં. અને.. અને.. તે સરોવર ઉપરનું પ્રાકૃતિક, કુદરતી વાતાવરણ જોઈ તેઓની આંખો ચાર ઊઠી. ઘડીભર તો તેઓ સ્વપ્નોની દુનિયામાં જ ખોવાઈ ગયા. ત્યારબાદ તેઓનાં દિમાગમાં તે સરોવરમાં રહેલ મખમલી ગુલાબોને લઈ જવાની યોજનાઓ ઘડાવાં લાગી. અને પછી તેઓએ સિપાહીઓને આદેશ જારી કર્યો કે તે સરોવરનાં તમામ મખમલી ગુલાબનાં ફૂલોને તોડીને મહેલમાં લઈ આવે.

આ તરફ સરોવરમાં રહેલ મખમલી ગુલાબોને પંખીઓ, પતંગીયાઓ મનમૂકીને આનંદ ઉઠાવી રહ્યાં હતાં કે સામેથી સરોવરમાં ખુલ્લી તલવાર સાથે સિપાહીઓને આવતાં જોઈ મખમલી ગુલાબો સાથે પંખીઓ ચોંકી જ ઉઠ્યાં. અને તેઓ વિચારવાં લાગ્યાં કે આ શું...? અમ જેવાં નિર્દોષને રંઝાડવાની રાજા ગુલાબસિંહને શું જરુર પડી હેં? બાદમાં તે બધાં પંખીઓ, ભમરાંઓ સિપાહીઓને પાઠ ભણાવવા માટે તેમનાં તરફ ગુસ્સાભેર ઉડવાં લાગ્યાં. અને એક પછી એક સિપાહીઓને તેઓ ચાંચો સાથે ઉંડા ડંખો પણ મારવાં લાગ્યાં. આ જોઈ રાજા ગુલાબસિંહતો દંગ જ રહી ગયાં. અને પછી તેઓનાં અંતરમાંથી પોકાર ઉઠ્યો. અરે ઓ રાજા ગુલાબસિંહ, આ નિર્દોષ, પ્રકૃતિ- પ્રેમ પંખીઓ, ગુલાબોને શા માટે તું કનડે છે હેં? શું થોડી ખૂશ્બોનાં બદલામાં તું તેઓની આઝાદ મુક્ત જીંદગીને બરબાદ કરવાં માંગે છે હેં?

આમ, રાજા ગુલાબસિંહને અંતરથી બેહદ પસ્તાવો થતાં જ તેઓએ સિપાહીઓને પુનઃ પરત બોલાવી લીધાં. અને પંખીઓ, મખમલી ગુલાબોની માફી માંગતાં તેઓ પસ્તાવાં સાથે ચાલ્યાં ગયાં. આ જોઈ મખમલી ગુલાબ, પંખીઓ, પતંગીયાઓને રાહત સાથે આનંદ થયો.

પુનઃ તે બધાં પંખીઓ, પતંગીયાઓ, મખમલી ગુલાબોનાં ખૂશ્બોભર્યા સાનિધ્યમાં રહી આનંદ કિલ્લોલ કરવાં લાગ્યાં. આ જોઈ તે સરોવર પણ આનંદપૂર્વક ઝુમવાં લાગ્યું.

અનુક્રમણિકા

૭. વાનરરાજની જય

એક વિશાળ વડનાં વૃક્ષ ઉપર કેટલાંક વાંદરાઓ એક સંપ, સાથ સહકારપૂર્વક રહેતાં હતાં.

એક દિવસની વાત છે. સંધ્યાનો સમય હતો. ચારે તરફ ખૂશ્નુમાં વાતાવરણ હતું. જંગલની કેડીઓ ઉપરથી એક ભીમકાય હાથી ડોલતો ડોલતો જઈ રહ્યો હતો. અચાનક કેડીથી થોડે દૂર ઉપર તેણે જમીન ઉપર કેટલાંક કેળાઓની લૂમો પડેલ જોઈ. આ ઉપરાંત લીલાંછમ પર્ણો પણ હતાં. આથી તે હાથી કેળાની લૂમો તરફ વળ્યો. અને... અને... તે હજૂ થોડે જ ગયો હશે કે તે જમીન ઉપર શિકારીઓએ ગોઠવેલ ખાડામાં ગબડી પડ્યો. આથી તે નિર્દોષ, પ્રકૃતિપ્રેમી હાથીને અનેક જગ્યાએ વાગ્યું. તેની સૂંઢ પણ એક તરફ દબાઈ ગઈ હતી. બાદમાં તે દુઃખાવાં સાથે જમીન ઉપરથી ઉભો થવાં લાગ્યો. અને તે ચીંધાડવાં પણ લાગ્યો.

તે હાથીની ચીંઘાડ સાંભળી વડનાં વૃક્ષ ઉપરનાં વાંદરાઓ દોડી આવ્યાં. અને હાથીની આવી કરુણ હાલત જોઈ તેઓ બધાં દ્રવી જ ઉઠ્યાં અને તેઓ તે શિકારીઓને કોસવાં લાગ્યાં. બાદમાં તેઓ તે હાથીને ખાડામાંથી કઈ રીતે બહાર કાઢી શકે તેની તેઓ ચર્ચા વિચારણાંઓ કરવાં લાગ્યાં.

એક વાંદરો બોલી ઉઠ્યો. મહાશયજી, આ હાથીનું વજન એટલું બધું છે કે આપણાથી તો શું પરંતુ આપણાં જેટલાં કેટલાંય વાંદરાઓ આવે ને તો પણ તે હાથીને ઉંચકી તો ન જ શકે શું? પરંતુ અન્ય એક ભીમકાય વાનર બોલ્યો. તો બોલને ભઈલા, અમે ક્યાં ના પાડી છે હેં? પુનઃ તે ચતુર વાંદરો બોલ્યો મિત્રો, આપણે થોડી ધીરજ ધરીએ, અને એક મોટાં વૃક્ષ ઉપર જઈને છુપાઈને જોઈએ કે શિકારીઓ આ હાથીને કઈ રીતે બહાર કાઢે છે અને બાદમાં આપણે બધાં તે શિકારીઓને બરોબરનાં હંફાવીને આ નિર્દોષ હાથીને બચાવી શકીએ. બરોબરને?

ચતુર વાંદરાની વાત બધાંને યોગ્ય લાગી. હા, હા, આ ઉપાય જ શ્રેષ્ઠ છે હોં. બાદમાં, તે બધાં વાંદરાઓ એક મોટાં વૃક્ષ ઉપર ચડી સંતાઈને શિકારીઓનાં આવવાની તેઓ પ્રતિક્ષાઓ કરવાં લાગ્યાં. આ તરફ ખાડો ખોદેલ શિકારીઓ સાંજ પડતાં જ હરખભેર તે ખાડા પાસે આવ્યાં. અને... અને... ખાડામાં એક વિશાળ કદનાં હાથીને પડેલ જોઈ તેઓ આનંદથી ઝુમવાં લાગ્યાં. અને મનોમન તેઓ બોલી ઉઠ્યાં. હાશ...? આખરે સફળતાં તો મળી જ ગઈ છે હોં. દૂર વૃક્ષ ઉપર છુપાયેલ વાંદરાઓ પણ તે શિકારીઓને ઝુમતાં જોઈ જ રહ્યાં હતાં. અને મનોમન તેઓ પણ બોલી ઉઠ્યાં. દિકરાઓ, ઝૂમી જ લ્યો શું? પરંતુ પછી તમારો વારો છે શું!

ત્યારબાદ તે શિકારીઓએ લોખંડની સાંકળો વડે ખાડામાંથી તે હાથીને બહાર કાઢી, બાંધીને તેઓ તેને લઈ ચાલ્યાં. પરંતુ તેઓ થોડે જ ગયાં હશે કે એક સામટાં વિશાળ સંખ્યામાં વાંદરાઓએ તે શિકારીઓ ઉપર આક્રમણ કર્યું. શિકારીઓ તો ભયપૂર્વક આટલાં બધાં વાંદરાઓને પ્રતિકાર કરતાં જોઈને ડઘાઈ જ ગયાં. અને પછી તો તેઓ ઘવાતાં, ડરનાં માર્યા ત્યાંથી વંજો જ માપી ગયાં. ત્યારબાદ બધાં વાંદરાઓએ હાથીને સાંકળની ઝંઝીરમાંથી મુક્ત કર્યો. આ જોઈ તે હાથીએ દરેક વાંદરાઓનો અંતરથી આભાર માન્યો. અને તે બોલી જ ઉઠ્યો. જય હો વાનરરાજનો, જય હો વાનરરાજનો. ત્યારબાદ તે હાથી અને વાંદરાઓ પાકા મિત્રો બની ગયાં હોં.

બોધ : મિત્રો, પ્રાણીઓમાં પણ એક સંપ, સાથ, સહકારની ઉચ્ચ ભાવનાં હોય છે હોં.

અનુક્રમણિકા

૮. પક્ષીઓનો કુંભમેળો

શિયાળાની ઠંડી, આહ્‌લાદક ઋતુ હતી. શરીરને નિરોગી, તંદુરસ્ત રાખવાં માટેની ઋતુ એટલે શિયાળો. બજારોમાં શાકભાજીઓ, ફ્રુટ ઉભરાઈ આવે છે. લીલીછમ શાકભાજીઓમાં પાલખ, મેથીની ભાજી, ડુંગળી, મૂળા, બીટ્‌સ, ગાજર, કોથમીર, લીલા વટાણા તો ફ્રુટમાં લીલી, કાળી દ્રાક્ષ, દાડમ, પપૈયા, ચીકુ, ઝીંઝરા, બોર, વગેરે હોય છે. દરેક વ્યક્તિઓને શિયાળામાં તરોતાજા રાખે છે.

જ્યારે પક્ષીઓને માટે તો દર-બ-દર ભટકવું જ પડે છે. શિયાળામાં દેશ-વિદેશથી પક્ષીઓ કે જેમાં લાલ ચાંચવાળા હંસો, સારસો, બગલાઓ વગેરે આપણાં ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતનાં સાગરકાંઠા વિસ્તારોમાં તેઓ મુક્ત મને વિહાર કરવાં આવી પહોંચતાં હોય છે. શિયાળાની ઋતું તેઓને ખૂબ જ માફક આવતી હોય છે. સાગરકાંઠા વિસ્તારોમાં, નદી, તળાવો ઉપર તેઓ પોતાનો મુકામ કરતાં હોય છે.

આવો જ એક પક્ષીઓનો કુંભમેળો આબુ ઉપર આવેલ નખી તળાવ ઉપર એક વખત જોવા મળ્યો હતો. એક સરખા, એક લાઈનમાં રંગ-બે-રંગી પક્ષીઓને જોવાં તે પણ એક અનેરો લ્હાવો ગણાય છે હોં. હા, તો નિર્દોષ રંગ-બે-રંગી પક્ષીઓ નખી તળાવ ઉપર આનંદ વિહાર કરી રહ્યાં હતાં. માણસોની અવર જવર ખૂબ જ અલ્પ સંખ્યામાં હતી. પ્રકૃતિ-પ્રેમી પંખીઓ જલ વિહાર કરી રહ્યાં હતાં. બરોબર આવા સમયે કેટલાંક લુચ્ચાં, લાલચું શિકારીઓ લપાતાં છુપાતાં તે નખી તળાવ ઉપર આવી પહોંચ્યાં. મૂળ તેઓનો ‘ધંધો’ પણ પક્ષીઓ પકડવાનો હતો હોં. નખી તળાવ ઉપર એક સામટાં આટલાં બધાં પક્ષીઓને જોઈ તેઓ દંગ રહી ગયાં. બાદમાં સાથમાં લાવેલ ‘જાળ’ ને ખોલી તેઓએ તે જળ વિહાર કરી રહેલ પક્ષીઓ ઉપર નાંખી.

બસ, ખાલસ? લુચ્ચાં શિકારીઓની જાળમાં તે નિર્દોષ પક્ષીઓ સપડાઈ ગયાં. અને પછી તેઓ ધ્રુજી જ ઉઠ્યાં. જ્યારે શિકારીઓ તો તેમની અદ્‌ભૂત સફળતાં ઉપર ખડખડાટ કરતાં અટ્ટહાસ્ય કરી ઉઠ્યાં. અને પછી તેઓ જાળમાં સપડાયેલ પક્ષીઓને ઉંચકીને ચાલતાં થયાં. પરંતુ તેઓ હજું વધુ આગળ વધે તે પહેલાં તો સામે જ ફોરેસ્ટ ઓફિસર મી. વર્માને જોઈ તેઓનાં ટાંટીયાં ઢીલા ઢફ થઈ ગયાં. હા, તે શિકારીઓ મી. વર્મા સાહેબને સારી રીતે જાણતાં હતાં.

ત્યારબાદ તે શિકારીઓએ જાળમાંથી બધાં પક્ષીઓ મુક્ત કરી, મી. વર્મા સાહેબની સમક્ષ માફી માંગી. અને હવે પછી તેઓ આવી હીન, હિંસાત્મક પ્રવૃત્તિ કદાપી નહીં કરે ના સોગન ખાધા. આ જોઈ મી. વર્મા સાહેબે તેને માફ કર્યા.

પુનઃ બધાં પક્ષીઓ નખી તળાવ ઉપર પહોંચીને જળ વિહાર કરતાં કરતાં મી. વર્મા સાહેબનો મનોમન આભાર માનવાં લાગ્યાં.

બોધ : જોયું મિત્રો, મારનાર કરતાં તારનાર આ દુનિયામાં અનેક લોકો છે હોં.

અનુક્રમણિકા

૯. રંગ-બે-રંગી ચૂડીઓ

રઘુ શહેરમાં જઈને કટલેરી સ્ટોર્સમાંથી હોલસેલનાં ભાવે ચૂડીઓ, રંગ-બે-રંગી પાટલાઓ, બીંદીઓ, બક્કલો, રિબીનો, અત્તરો, વગેરે લઈ આવીને તે ગામમાં છૂટક ભાવે રેકડીમાં ફેરીયાની જેમ વસ્તુઓ વેચવાનો ધંધો કરતો હતો. રઘુ આમ તો ખૂબ જ સંતોષી, પરોપકારી સ્વભાવનો હતો.

રઘુ જે ગામમાં રહેતો હતો તે ગામમાં બરોબર વચ્ચે એક વિશાળ વડનું વૃક્ષ આવેલ હતું. અને તે વડનાં વૃક્ષ ઉપર એક વાંદરો અને એક વાંદરી ક્યાંકથી આવી ચડ્યાં હતાં. અને તેઓએ ત્યાં આગળ પોતાનું રહેઠાણ બનાવ્યું હતું. આમ તો તે બંન્ને એટલે કે વાંદરા અને વાંદરીનો કોઈ ઉત્પાત તો નહોતો. આથી ગામ લોકો તેને ત્યાં આગળ રહેવાં દેતાં હતાં.

એક દિવસની વાત છે. રઘુ રેકડીમાં રંગ-બે-રંગી ચૂડીઓ, રિબીનો, બક્કલો, પાટલાંઓ વગેરે લઈને બૂમો પાડતો ફરી રહ્યો હતો. લ્યો કોઈ રંગ-બે-રંગી ચૂડીઓ, પાટલાઓ, રિબીનો! આમ, તે ફરતો ફરતો ગામ વચ્ચે આવેલ વડનાં વૃક્ષ નીચેથી પસાર થયો. સહસા વૃક્ષ ઉપરનાં વાંદરા, વાંદરીની નજર રેંકડીમાં ઝગારા મારી રહેલ કાચની ચૂડીઓ ઉપર સ્થિર થઈ ગઈ. અને... અને... વાંદરીએ તો ભઈ જીદ કરી ને તેમની ભાષામાં કહ્યું. મારે પેલી રેંકડીમાં ઝગારા મારી રહી છે તે રંગ-બે-રંગી ચૂડીઓ જોઈએ છે. એટલે તમો કોઈ પણ ભોગે મને તે રંગ-બે-રંગી ચૂડીઓ લાવી આપો શું? અન્યથાં હું તમારી સાથે બિલકુલ બોલીશ નહીં હોં?

બસ, ખાલસ? વાંદરીની જીદ પાસે વાંદરાભાઈનું તે શું ચાલે હેં? બાદમાં વાંદરાભાઈ તો લપાતા-છુપાતાં તે રઘુની રેકડીની પાછળ ને પાછળ ચાલવાં લાગ્યાં. અને યોગ્ય તકની તે રાહ જોવાં લાગ્યો. રઘુએ એક જગ્યાએ રેકડી ઉભી રાખી અને તે સોની નોટનાં છુટા કરાવવાં એક દુકાનમાં ગયો. આવો સુંદર મોકો જોઈને વાંદરાભાઈએ છલાંગ લગાવીને રેઢી રેકડીમાંથી ઝગારા મારી રહેલ બંગડીનો આખો ઝુડો ઉપાડીને તે તો હૂપા... હૂપ.. કરતાં વડનાં વૃક્ષ ઉપર આવ્યો. અને જીદી વાંદરીને તે રંગ-બે-રંગી ચૂડીઓ આપતાં બોલ્યો. લ્યો રાણીસાહેબા, સપ્રેમ ભેટ સ્વીકારો? રાણી સાહેબા એવાં જીદી વાંદરીને તો બસ આટલું જ જોઈતું હતું. તેણે તો ફટાફટ રંગ-બે-રંગી ચૂડીઓ બંન્ને હાથમાં પહેરીને તે તો ચૂડીઓને ખન ખનાવવાં લાગ્યાં. તેને તો ભારે મજા પડી ગઈ હતી.

બીજા દિવસે પણ રઘુની રેંકડીમાં અતરો જોઈ જીદી વાંદરીએ વાંદરાને તે અતરોની શીશીઓ લાવી આપવાની જીદ કરી. વાંદરાભાઈ બૈરી પાસે લાચાર બનીને તેની એક પછી એક જીદ પુરી કરતાં ગયાં. અને... અને... અંતે ગામ આખામાં હાહાકાર મચી ગયો. લોભ ને થોભ ન હોય તેમ હોં!

અંતે ગામલોકની સહનશક્તિની હદ આવી ગઈ. અને તેઓએ ભેગા મળીને તે વાંદરા અને વાંદરીની તે વડનાં વૃક્ષ ઉપરથી જંગલ તરફ તગેડી મૂક્યાં.

બોધ : જોયું મિત્રો, જીદ ક્યારેક ખૂબ જ ભારે પડતી હોય છે કેમ, બરોબરને...? ઘર-બાર પણ છોડવું પડે હોં.

અનુક્રમણિકા

૧૦. સોનાની જેલ

રાજા ગૌતમસિંહને પંખીઓનો ભારે શોખ હતો. તે જાતે જ ઘણી વખત વનોમાં ઉતરીને પંખીઓને કેદ કરીને મહેલમાં આવેલ પંખી સંગ્રહાલયમાં રાખતાં હતાં. તેમનું પંખી સંગ્રહાલય ખૂબ જ અજીબો ગરીબ હતું. તેનાં પાંજરાની દિવાલો પણ સોને મઢી હતી હોં. આ ઉપરાંત પંખીઓને ખાવા ન્હાવા માટેની પણ વિશિષ્ઠ સગવડો તેઓએ ઉભી કરાવી હતી. વિશાળ હોજમાં પંખીઓને ન્હાવાનું હતું. તો જમવાં માટે ખોરાકમાં તેઓએ લાલ જાજમ બીછાવીને પંખીઓને ચણવાં માટે, તેમજ ફળો ખાવા માટેની ગોઠવણો પણ તેઓએ કરાવી હતી. આથી ઘણાં પંખીઓ તો જાતે જ રાજા ગૌતમસિંહની આ સોનાની જેલ કહો તો જેલ અને પાંજરા કહો તો પાંજરામાં સ્વેચ્છાએ પુરાવાની તૈયારીઓ કરીને આવતાં હતાં.

એક વખતની વાત છે. ચોમાસાની ઋતુ હતી. પરંતુ રાજા ગૌતમસિંહનાં રાજ્યમાં વરસાદનું એક ટીપુંય વરસ્યું નહોતું. આથી રાજા ગૌતમસિંહ, નગરજનો, પશુ-પંખીઓ પણ અતિ ચિંતિત થઈ ઉઠ્યાં હતાં. પાણી વગર તો ભૈય કોઈને પણ ચાલે નહીં બરોબર ને? વન-વગડાનાં પશુ-પંખીઓ, પ્રાણીઓ પાણી વગર આમતેમ ભટકવાં લાગ્યાં અને ઈશ્વરને યાદ કરવાં લાગ્યાં. આવા સમયે પણ રાજા ગૌતમસિંહ તેમનાં મનોરંજન માટે પંખીઓને પકડવાનું તો ચાલું જ રાખ્યું હતું. એક વખત તેઓ સિપાહીઓ સાથે વનમાં ઉતરી ગયાં હતાં. અને એક વિશાળ મેદાનમાં કેટલાંક નયનાકર્ષક એવાં રંગ-બે-રંગી પોપટીને જોઈ તેઓની આંખો ચમકી ઉઠી હોં. હા, તે બધાંમાં એક સુવર્ણ પોપટ પણ હતો. અને તે સુવર્ણ પોપટનાં દિવ્ય શરીરમાંથી રોશનીનો ઘોઘ ચાલ્યો જતો જોઈ રાજા ગૌતમસિંહ તો વિસ્ફારીત બની ગયાં. અને પછી સિપાહીઓને આદેશ કર્યો કે જાળ બિછાવી તે બધાં જ રંગ-બે-રંગી પોપટોને જાળમાં કેદ કરી લ્યે. બસ, ખલાસ? સિપાહીઓ તો ચીઠ્ઠીનાં ચાકર હોં. આ જોઈ સુવર્ણ પોપટ બોલી ઉઠ્યો. અરે ઓ રાજા, તું તે આ શું કરી રહ્યો છે તેનું મને ભાનબાન છે ખરું કે?

અચાનક સુવર્ણ પોપટનાં મુખમાંથી આવા કટાક્ષભર્યા શબ્દો સાંભળી રાજા ગૌતમસિંહ તો નવાઈ જ પામ્યાં. પુનઃ તે સુવર્ણ પોપટ બોલ્યો. રાજા ગૌતમસિંહ એક તો તમારા પાપે તમારા આ રાજ્યમાં વરસાદનું એક ટીપુંય વરસતું નથી અને ઉપરથી તમો વધુ ને વધુ પાપનો ઘડો ભરતાં જાવ છો શું? તમો અમ જેવાં નિર્દોષ, પ્રકૃતિની રખેવાળી કરતાં પંખીઓને કેદ કરીને “સોનાની જેલ” ભર્યા કરો છો તો શું તે ઉચિત કહેવાય? અને તેનાં કારણે જ તમારા રાજ્યમાં વરસાદ વરસતો નથી શું? બસ, ખલાસ. રાજા ગૌતમસિંહનાં દિમાગમાં તે સુવર્ણ પોપટની વાત બરોબરની બેસી ગઈ. અને તેણે તે પોપટને જાળમાંથી મુક્ત કરાવ્યાં. તેઓની અંતરથી માફી પણ માગી. બાદમાં તેઓએ તેમનાં પંખી સંગ્રહાલયમાં જાતે જઈ બધાં જ પંખીઓની માફી માંગી તેઓને મુક્ત ગગનમાં વિહરતાં કરી મૂક્યાં. અને... અને... બીજા જ દિવસે રાજા ગૌતમસિંહનાં રાજ્યમાં મેઘરાજા મન મૂકીને ચારે કોર વરસવા લાગ્યાં. આ જોઈ રાજા ગૌતમસિંહ તે સુવર્ણ પોપટનો મનોમન આભાર માનવાં લાગ્યાં.

બોધ : મિત્રો, ક્યારેય પણ કોઈ પંખીને કેદ કરાય નહીં. કેમ, બરોબર ને...?

અનુક્રમણિકા

૧૧. સ્વર્ગની સહેલ

સુંદરપુર નામે એક રળીયામણું ગામ હતું. તે ગામમાં પાર્થ નામનો એક નાનો છોકરો રહેતો હતો. સુંદરપુર ગામથી થોડે દૂર ઉપર ઘૂઘવતો સમંદર આવેલ હતો. પાર્થ રોજ સાંજનાં સમયે તે ઘૂઘવતાં સમંદરની પાળે જઈને બેસતો. અને દૂર દૂર નજર ફેલાવીને તે આ અફાટ, અલૌકિક સમંદરને અને તેનાં ઉછળતાં મોજાંને મનભરીને માણતો હતો. સમંદરની અંદર દૂર દૂર નાની નાની હોડીઓ, જહાજો વગેરે ટપકાં સમાન ભાસી રહ્યાં હતાં.

એક દિવસની વાત છે. પાર્થ સમંદરની પાળે જઈને બેઠો હતો. અને... અને... ક્યારે અંધકારનાં ઓળાં પૃથ્વી ઉપર ઉતરી આવ્યાં તેની પાર્થને ખબર જ ન રહી. આકાશમાં આભલાંઓ આંખમિચોલી રમવાં ઉપર ઉતરી આવ્યાં હતાં. સમંદર વચ્ચે જહાજોની લાઈટો ઝગમગી રહી હતી. દીવાદાંડી તેનો તેજોમય પ્રકાશ ચારે તરફ ઘુમાવી રહ્યો હતો. ઠંડી આહ્‌લાદક હવા સમંદરની વચ્ચેથી ઉઠીને પાર્થનાં મનોજગતને આનંદની અનુભૂતિ કરાવી રહી હતી.

બરોબર આવા સમયે આકાશમાંથી એક સફેદ દૂધ જેવાં વસ્ત્રો ધારણ કરેલ સોનપરી પોતાની શ્વેત પાંખો હલાવતી હલાવતી તે પાર્થની સામે જઈને ઉભી રહી ગઈ. અચાનક સામે સોનપરીને ઉભેલ જોઈ પાર્થ તો આશ્ચર્યચકિત જ રહી ગયો. સોનપરીએ જોયું કે પાર્થ ખૂબ જ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો છે. આથી તેણે પાર્થની તંદ્રા તોડી અને બોલી. અરે ઓ છોકરા, તું અહીં અંધકારમાં તે એકલો શું કરી રહ્યો ચે હેં? શું તને આ સમંદરની જરાં પણ બીક લાગતી નથી કે? આ સાંભળી પાર્થ બોલ્યો, હે સોનપરી, આ સમંદર મને ખૂબ જ ગમે છે. તેનાં ઉપરથી ઉઠતી ઠંડી લહેરો મારા મનોજગતને ખૂબ જ શાતા આપે છે. પુનઃ સોનપરી બોલી. છોકરા તારું નામ શું છે? પાર્થ બોલ્યો, જી મારું નામ પાર્થ છે. અને હું સુંદરપુર ગામમાં રહું છું. ફરી સોનપરી બોલી. પાર્થ શું તારે સ્વર્ગની સહેલ કરવી છે? આ સાંભળી પાર્થ રાજી થતાં બોલ્યો. હા, હા, જરૂર મારે સ્વર્ગની સહેલ કરવી છે. તે સાથે જ સોનપરીએ પોતાની પાંખોને પૂર્ણપણે ખોલીને પાર્થને તેણે પાંખ ઉપર બેસાડીને તે આકાશમાં ઉંચે ને ઉંચે ઉડવાં લાગી. જ્યારે પાર્થ રોમાંચ અનુભવતો આંખો ફાડી ફાડીને વિશાળ સમંદરને પૃથ્વીને જોતો જ રહ્યો. સોનપરી તો થોડીવારમાં આકાશમાં પહોંચી ગઈ. હા, આકાશની પણ એક અનોખી દુનિયા હતી હોં. આકાશમાં પણ ચારે બાજુ મોટા મોટાં સોનાનાં બિલ્ડીંગો, રસ્તાઓ, પુલો, બાગ-બગીચાઓ વગેરે આવેલ હતાં. આવું સુંદર વાતાવરણ જોઈ પાર્થ તો દંગ જ રહી ગયો. આકાશમાં રહેતાં દરેક મનુષ્યો પાસે ઉડવાં માટે પાંખો હતી. આથી તેઓ કોઈ પણ જગ્યાએ આસાનીથી જઈ આવી શકતાં હતાં. સોનપરી આકાશને એક વિશાળ ફળ-ફૂલોથી ઉભરાતાં બાગમાં લઈ ગઈ. પછી પાર્થને ખાવા માટે મીઠાં મધ જેવાં સફરજન, દાડમ, ચીકુ વગેરે તોડીને આપ્યાં. તેમજ સોનાનાં હિંચકામાં બેસાડીને તેણે પાર્થને હિંચકા પણ ખવડાવ્યાં.

બાદમાં સોનપરીએ સ્વર્ગમાં રહેલ દેવ-દેવીઓનાં દર્શન પણ કરાવ્યાં. આથી પાર્થ તો દેવ-દેવીઓનાં દર્શન કરીને ધન્યતાં અનુભવવાં લાગ્યો. ઘડીભર તો તેને આ બધું સ્વપ્ન સમાન લાગી રહ્યું હતું. તે પછી સોનપરીએ સ્વર્ગમાં જોવાલાયક સ્થળો, ધર્મસ્થાનો, દેવસ્થાનો બતાવ્યાં. અને કહ્યું. જો પાર્થ અહિં અમારામાં બિલકુલ ઈર્ષા, રાગ, દ્ધેષ, ક્રોધ, લોભ, મોહ, માયાનાં આવરણો નથી. દરેક એકબીજાં સાથે હળીમળી, સંપીને, સુખ, શાંતિપૂર્વક રહે છે. એકબીજાનાં કાર્યમાં હંમેશાં મદદરુપ બને છે. અને એથી જ અમારા સ્વર્ગ ઉપર રાક્ષસો હંમેશાં આક્રમણ કરવાનાં મુડમાં રહે છે. પરંતુ અમારામાં સંપ, એકતા અને વિશ્વાસ હોવાથી અમો તે રાક્ષસોનાં નાપાક ઈરાદામાં કામયાબ થવાં દેતાં નથી શું? આ સાંભળી પાર્થ તો પ્રસન્ન થઈ ઉઠ્યો. અને મનોમન તે વિચારવા લાગ્યો કે કાશ, પૃથ્વી ઉપર પણ અહિં જેવાં જ વિચારો ધરાવતાં મનુષ્યો જો હોય ને તો તો સ્વર્ગ પૃથ્વી ઉપર જ ઉતરી આવે હોં.

ત્યારબાદ સોનપરીએ ફરી પાર્થને પોતાની સુંદર, શ્વેત પાંખો ઉપર બેસાડીને તેને પૃથ્વી ઉપર ઉતારી દીધો. બાદમાં પાર્થે સોનપરીનો અંતરથી આભાર પણ માન્યો. હા, આ સોનપરીની કૃપાથી જ પોતે સ્વર્ગની સહેલ કરી શક્યો હતો ને હેં? બાદમાં સોનપરી પાર્થ ને આવજો કહી આકાશ તરફ પોતાની શ્વેત પાંખોને ફેલાવીને ઉડી ગઈ. આ જોઈ ઘડીભર પાર્થ દુઃખ અનુભવતો પોતાનાં ગામ સુંદરપુર તરફ ચાલતો થયો. દુઃખ અનુભવતો પોતાનાં ગામ સુંદરપુર તરફ ચાલતો થયો. હા, આજે જીવનનો એક નવો જ પાઠ આ સોનપરી પાસે શીખવાં મળ્યો હતો હોં. કે જીવનમાં કોઈની તરફ રાગ, દ્ધેષ, ઈર્ષા, ક્રોધ, લોભ, મોહ, માયા રાખવાં જોઈએ નહીં શું.

તો મિત્રો, તમો પણ પાર્થની જેમ જ ટેક લેશો કે જીવનમાં દરેક સાથે હળીમળીને એક સંપથી જ રહેવું છે. બસ, પછી જોશો કે તમોને પણ જીવન જીવવાની ખૂબ જ મઝા આવશે હોં. કેમ, બરોબર ને...?

અનુક્રમણિકા

૧૨. ચતુર વાંદરો

એક ગાઢ જંગલ હતું. તે જંગલમાં વિવિધ પ્રકારનાં પશુઓ, પંખીઓ, રહેતાં હતાં. તે ગાઢ જંગલથી થોડે દૂર ઉપર એક વિશાળ તળાવ હતું અને તે તળાવમાં એક ખૂંખાર મગર રહેતો હતો અને તે મગર જંગલનાં જે કોઈ પશુ-પંખીઓ પાણી પીવાં આવતાં તેનો તે લપાઈ, છુપાઈને શિકરા કરતો હતો. આથી તે જંગલમાં હાહાકાર મચી ગયો. કારણ કે પાણી પીવાં તો તળાવ ઉપર જવું જ પડે હોં.

એક દિવસ સિંહ રાજાએ સભા ભરી અને તે તળાવમાં રહેલ મગરનાં શિકારથી કઈ રીતે બચવું, અથવા તે મગરને તળાવમાંથી કઈ રીતે હાંકી કાઢવો. તેની ચર્ચા વિચારણાંઓ શરુ થઈ. દરેક પશુ-પંખીઓએ પોત પોતાનાં વિચારો મુક્ત મને રજૂ કર્યા. પરંતુ સિંહરાજાને તે વિચારોમાંથી એક પણ વિચાર મગજમાં બેસતો નહોતો. આ જોઈ ત્યાં આગળ રહેલ એક ચતુર વાંદરો ઉભો થઈને તેણે પોતાનો વિચાર રજૂ કર્યો. મહારાજ, મારા વિચાર પ્રમાણે આપણે બધાં એક મજબૂત જાળ અને તે પણ લોખંડની બનાવી નાંખીએ. અને પછી તે જાળને તળાવમાં બીછાવી દઈએ કે જેથી મગર જાળમાં સપડાઈ જાય ને તો આપણે બધાં તેને ઢસડીને દૂર દરિયામાં છોડી આવીએ. આ સાંભળી સિંહરાજા સાથે બધાં પંખીઓ, પશુઓ સંમત થઈ ગયાં. અને પછી તે ચતુર વાંદરાની આગેવાની હેઠળ બધાં પશુ-પંખીઓ લોખડની એક મજબૂત જાળ ગુંથવાં, બનાવવાં લાગ્યાં.

આ તરફ તે તળાવમાં રહેલ ખૂંખાર મગર તાજોમાજો ખોરાક ખાઈપીને શરીરે એકદમ હષ્ટપૃષ્ટ બની ગયો હતો. તેને આ તળાવ ખૂબ જ માફક આવી ગયું હતું. રોજ કોઈ ને કોઈ ખોરાક આરામથી ખાવાં મળી જતો હતો. અત્યારે તે પેટ ઉપર હાથ પસવારતો પગ ફેલાવીને તળાવમાં બિન્દાસપણે આડોપડ્યો હતો. બરોબર આવા સમયે ચતુર વાંદરાની આગેવાની હેઠળ ઘણાં બધાં પશુ-પંખીઓ જાળ લઈને તળાવ ઉપર આવી પહોંચ્યાં. અને... અને... પછી તે બધાં પશુ-પંખીઓએ આડા પડેલ ખૂંખાર મગર ઉપર લોખંડની મજબૂત જાળ નાંખીને તેને બંદીવાન બનાવી દીધો. આ જોઈ મગરની તો રુંવાળાં ઉભાં થઈ ગયાં. અને તે ક્રોધથી ગર્જનાં કરવાં લાગ્યો. અરે મૂર્ખાઓ, મને કેદ કરીને તમો બધાયે જીંદગીમાં ગંભીર ભૂલ કરી છે હોં? માટે મને તુરંત મુક્ત કરી ધ્યો? અન્યથાં હું તમો બધાંને ચાવી જઈશ શું?

પરંતુ સિંહરાજા, ચતુર વાંદરો, હાથી વગેરેએ તે મગરની એકપણ વાત કાને ધર્યા વગર તે મગરને તળાવમાંથી ઢસડવાં લાગ્યાં. અને પછી તેઓ તે મગરને દરિયામાં છોડી આવ્યાં. મગર તો ઘણો જ કરગરતો હતો. પરંતુ પરિણામ શૂન્ય આવ્યું.

આમ, ‘ચતુર વાંદરા’ની બુધ્ધિશક્તિ ઉપર બધાંએ તેની જય બોલાવી. આમ જ્યાં આગળ એકતા, સંવાદીતા અને સ્નેહ હોય ને તો આવેલ આફતમાંથી હેમખેમ ઉતરી શકાય હોં. કેમ, બરોબરને...?

અનુક્રમણિકા

૧૩. ગરુડની પીઠ ઉપર શિયાળ

એક વનમાં એક લુચ્ચું શિયાળ રહેતું હતું. તે શિયાળ એક વખત પાણી પીવાં માટે તળાવ ઉપર ગયું. તળાવનું પાણી પીતાં પીતાં તેની નજર આકાશ તરફ ગઈ. જ્યાં આગળ એક વિશાળ કદનું ગરુડ પૂર્ણ પાંખો પ્રસરાવીને ઉડયન કરી રહ્યું હતું. તેની વિશાળ પાંખો, રાજાશાહી ઉડયન જોઈ લુચ્ચાં શિયાળને પણ આકાશની સહેલ કરવાની ઈચ્છા થઈ આવી. પરંતુ તેની પાસે પાંખો કે સાધનો ન હોવાથી તેણે પોતાની મનની વાત મનમાં જ ધરબી દીધી. અને તે બરોબરનું મગજ કસવાં લાગ્યું કે કોઈ પણ ભોગે આકાશની સહેલ એક વખત તો કરવી જ છે. તેણે પોતાનાં દિમાગને બરોબરનું ચકરાવે ચડાવ્યું. અને... અને... તેનાં કપટી, ફળદ્રુપ મગજમાં એક યોજનાં આકાર ધારણ કરવાં લાગી. બાદમાં તે તળાવથી થોડે દૂર આવેલ એક વિશાળ વડની બખોલમાં જઈને છૂપાઈ ગયું.

સાંજ પડવાં આવી હોવાથી તે વિશાળ કદનાં ગરુડને પાણી પીવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. આથી તે બિન્દાસપણે તળાવ ઉપર આવીને શાંતિપૂર્વક પાણી પીવાં લાગ્યું. બસ, ખલાસ? લુચ્ચાં શિયાળે બખોલમાંથી જોઈ લીધું કે ગરુડ એક ધ્યાને તળાવનું પાણી પી રહ્યું છે. આથી તે દબાતાં પગલે ગરુડની પાછળ જઈને ઉભું રહી ગયું. અને...અને... ગરુડ ચેતવાં જાય કે ત્યાંથી ઉડવાં જાય તે પહેલાં તે લુચ્ચાં શિયાળનાં પંજામાં સપડાઈ ચૂક્યું હતું. આથી તે ફફડી જ ઉઠ્યું. તેને લાગ્યું કે હવે પોતાની આઝાદી, અરે જીંદગી પણ પૂરી થાય છે શું? પરંતુ શિયાળની વિચિત્ર વાત સાંભળી તે ઘડીભર તો ડઘાઈ જ ગયું. હા, શિયાળે તેને પોતાની પીઠ ઉપર આકાશની સહેલ કરવાં લઈ જવાની વાત કરી. અને જો તેને આકાશની સહેલ કરાવશે ને તો જ તેને મુક્ત કરશે. અન્યથાં તેની આવરદાં તે અહીં જ પુરી કરી નાંખશે?

ગરુડ પોતાની જીંદગી બચાવવાં માટે તે લટકા એવાં લુચ્ચાં શિયાળને પોતાની પીઠ ઉપર બેસાડ્યું. શિયાળે ગરુડની ડોક મજબૂતપણે પકડી લઈને ગરુડને આદેશ કર્યો. ચાલો ગરુડ મહારાજ, આકાશની સહેલ કરાવો? દુઃખ સાથે ગરુડ તો આકાશ તરફ ઉડ્યું. થોડીવાર તો શિયાળને આકાશમાં સહેલ કરવાની ભારે મોજ પડી હોં. ગરુડે વિચાર્યું કે જો હું આને પરત જમીન ઉપર ઉતારીશ ને તો પણ તે મને હરગીઝ મુક્ત તો નહીં જ કરે હોં. કારણ કે હાથમાં આવેલ શિકાર કોઈપણ છોડે નહીં હોં.

ત્યારબાદ ગરુડ પણ કોઈ યોગ્ય તકની રાહ જોવાં લાગ્યો. અને પછી તે બોલ્યું. અરે શિયાળમીયાં, તમો આમ ડોક પકડીને બેસશો તો મારો શ્વાસ જ બંધ થઈ જશે. અને તમો પૃથ્વી ઉપર જઈ પડશો હોં. તે સાથે જ શિયાળે ગરુડની ડોક છોડીને બિન્દાસપણે તે બેસી ગયો. બસ, પછી તો પૂછવું જ શું? ગરુડે હવામાં ગુલાંટ મારી કે શિયાળીયું તો એક જ ગુલાંટમાં પીઠ ઉપરથી સરકીને પૃથ્વી તરફ રોકેટની ગતિએ ધસવાં લાગ્યું. તેને બહુ મોડું ભાન થયું હતું કે ગરુડ તેને બનાવી ગયું હતું હોં. પરંતુ હવે પસ્તાયે શું થાય હેં?

પુનઃ ગરુડ શાહી સવારીથી આકાશની અટારીએ વિહરવાં લાગ્યું. જ્યારે શિયાળમીયાં...?

બોધ : મિત્રો, કપટ તો ક્યારેય સ્વયંમને પણ ભારે પડતું હોય છે કેમ, બરોબર ને...?

અનુક્રમણિકા

૧૪. બળવાન હાથી

એક વિશાળ જંગલમાં એક ‘બળવાન હાથી’ રહેતો હતો. તે હાથીને પોતાનાં બાહુબળ ઉપર ખૂબ જ ગર્વ અને અભિમાન હતાં. તે જંગલમાં દરેકને કહેતો ફરતો હતો કે આ જંગલમાં મારા જેવું બળવાન કોઈ પ્રાણી નથી શું?

‘બળવાન હાથી’ ની વાત સાંભળી કેટલાય પશુ-પંખીઓ કટાક્ષમાં હસતાં હતાં. અને કહેતાં પણ ખરાં કે બળનું ક્યારેય પણ પ્રદર્શન કરાય નહીં. કે ખોટો ગર્વ, અભિમાન પણ કરાય નહીં શું? પરંતુ ‘બળવાન હાથી’ તો પોતાનાં મદમાં અને શક્તિ પ્રદર્શનમાં જ મસ્ત રહેતો હતો.

એક દિવસની વાત છે. તે જંગલમાં એક સામાન્ય સભા સિંહરાજાનાં અધ્યક્ષ સ્થાને ભરાણી. દરેક પશુ-પંખીઓ શાંતિપૂર્વક સિંહરાજાને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યાં હતાં. હા, જ્યારે કોઈ મોટી વ્યક્તિ કે હસ્તિ બોલતી હોય ત્યારે તેઓને સાંભળવા ખૂબ જ જરુરી હોય છે. પરંતુ ‘બળવાન હાથી’ તો કંઈક ને કંઈક નખરાં કર્યે જતો હતો. જોરશોરથી ઉધરસ ખાતો તો ક્યારેય પોતાની પૂંછડીને ગોળ ગોળ ઘુમાવ્યાં કરતો હતો. આ જોઈ કેટલાંય પશુપં ખીઓ તેની તરફ કતરાતાં જોઈ રહ્યાં હતાં. પરંતુ એક મધમાખીને તે ‘બળવાન હાથી’ની આવી હરકત બિલકુલ પસંદ નહોતી હોં. તેણે જોરથી બૂમ પાડી. અરે ઓ ‘બળવાન હાથી’ શા માટે તું ખોટાં નખરાં કર્યા કરે છે હેં? જોતો નથી અહીં ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે? બસ, ખલાસ? આટલાં બધાં પશુ-પંખીઓ વચ્ચે પોતાને આવી રીતે અપમાનિત થતાં જોઈ તે ‘બળવાન હાથી’ રુએ રુએ સળગવાં લાગ્યો. અને ગુસ્સાભરી આંખે તે મધમાખીને ઉદ્દેશીને બોલ્યો. અરે ઓ ફોતરાં જેવી મધમાખી, તું વળી કઈ વાળીની મુવી છે હેં? મારી એક ફૂંકથી તું જોજનો દૂર જઈ પડીશ શું? માટે મુંગીમંતર થઈને એક તરફ બેસી રહે શું?

મધમાખીની પણ પીતો ગયો હોં. તેણે ચેલેન્જ ફેંકી. અરે ઓ નબળા હાથી, જો તારામાં હિંમત હોય તો તું મેદાનમાં આવી જા જોઉં? પુરું થયું. હાથીની ક્રોધની સહનશક્તિની મર્યાદા જ આવી ગઈ. અને તે સીધો જ મધમાખી ઉપર તૂટી પડવાં તેની તરફ ધસી ગયો. આ જોઈ અન્ય પશુ-પંખીઓ શ્વાસભેર દૂર ખસી ગયાં. અને આ લડાઈને જોઈ રહ્યાં. સિંહરાજા પણ રસપૂર્વક લડાઈની મજા માણવાં લાગ્યાં. હાથી તો મેદાનમાં કૂદી પડ્યો. જ્યારે મધમાખી તો ગણગણાટ કરતી તે હાથીનાં કાનમાં જ છલાંગ લગાવી. અને તે હાથી વધું કશું વિચારે તે પહેલાં તો તે હાથીનાં કાનમાં તીક્ષ્ણ ચટકાંઓ ભરવાં લાગી. આથી હાથીની વેદનાં ચારે દિશામાં ગુંજવાં લાગી. અને તેની આંખોમાંથી પસ્તાવાનાં આંસુઓ ચાલ્યે જવાં લાગ્યાં. આ જોઈ સિંહરાજાની મધમખીને વિનંતીઓથી હાથી મુક્ત થયો. અને તે હાથીએ પછી દરેકની અંતરથી માફી માંગી. અને આજ પછી તે ક્યારેય પણ બળવાનપણાંની શેખી નહી મારેનું તેણે વચન પણ આપ્યું.

ત્યારબાદ તે હાથી તદ્દન સુધરી ગયો અને તે દરેકને ખૂબ જ ઉપયોગી બનવાં લાગ્યો હોં.

બોધ : મિત્રો, બળનું ક્યારેય પણ અભિમાન કે ખોટો ગર્વ કરવો સારો નહીં. બરોબર ને...?

અનુક્રમણિકા

૧૫. મોહન અને મધમાખી

ડુંગરપુર નામે એક ગામ હતું. તે ગામમાં મોહન નામનો એક છોકરો રહેતો હતો. મોહન ખૂબ જ ગરીબ તેમજ પરોપકારી સ્વભાવનો હતો. મોહનને કશો જ કામધંધો મળતો નહોતો. આથી એક દિવસ મોહન ફરતો ફરતો એક ગાઢ જંગલ તરફ નીકળી ગયો. ત્યાં આગળ ઉંચા ઉંચા અને જાત જાતનાં વૃક્ષો આવેલ હતાં. જેમાં વડ, લીમડો, આંબો, આસોપાલવ, નાળીયેરી, શાગ વગેરેનાં વૃક્ષો આવેલાં હતાં.

એક વિશાળ લીલા લીમડાનાં વૃક્ષની મજબૂત ડાળી ઉપર એક ખૂબ જ મોટો મધપૂડો પણ આવેલ હતો. આટલો મોટો, વિશાળ મધપૂડાને જોઈ મોહનને ખૂબ જ નવાઈ લાગી. મોહન ને મધ ખાવાની પણ ઈચ્છા થઈ આવી. પરંતુ મધમાખીઓનાં ડંખનાં વિચારો સાથે તેણે મધ ખાવાની ઈચ્છાને દબાવી દીધી. બાદમાં તે રસપૂર્વક મધમાખીઓને મધપૂડામાં આવન-જાવન કરતાં જોઈ રહ્યો. સહસા મધમાખીની મહારાણીએ જોયું કે એક નાનો છોકરો તેમનાં મધપૂડાં પાસે ઊભો ઊભો આનંદપૂર્વક જોઈ રહ્યો છે. આથી તેણે મોહનને પૂછ્યું, અરે બાળક, તું અહીં તે શું કરી રહ્યો છે હેં? શું તારે મધ ખાવું છે? આ સાંભળી ઘડીભર તો મોહનને નવાઈ લાગી. બાદમાં તે બોલ્યો, હા, મધમાખી મને મધ ખાવાની ખૂબ જ ઈચ્છા છે. પરંતુ તમારા બધાનાં ડંખનાં ડરથી દૂર જ ઊભો રહ્યો છું.

મોહનની નિખાલસ વાણી સાંભળી મધમાખીએ વડનાં વિશાળ પર્ણનો ગોળ દૂનો બનાવી તેમાં મધ ભરીને મોહન ને આપ્યો. આ જોઈ મોહન તો દંગ જ રહી ગયો. બાદમાં તે મધ ખાવાં લાગ્યો. મધ પણ કેવું સરસ મીઠું હતું હોં. મધમાખી પ્રેમભાવે મોહન ને મધ ખાતો જોઈ રહી હતી. મધમાખી કશુંક વિચારીને બોલી, બાળક તારું નામ શું છે હેં? મોહન બોલ્યો, જી મારું નામ મોહન છે. અને હું ડુંગરપુર ગામમાં રહું છું. તેમજ ખૂબ જ ગરીબ પણ છું. ફરી મધમાખી બોલી. મોહન તું કાલે એક ખાલી ઘડો લઈ આવજે. અમે તને મધ ભરીને તે ઘડો પાછો આપીશું અને તું બજારમાં વેચીને તેમાંથી મબલખ નાણાં કમાઈ અને તું તારી ગરીબાઈને તીલાંજલી આપી દઈશ શું?

બસ, ખલાસ? મધમાખીની પરોપકારની વાણી, સ્વભાવથી મોહન રાજી રાજી થઈ ગયો અને તે બીજાં જ દિવસે ઘડો લઈને મધમાખી પાસે પહોંચી ગયો. મધમાખીઓએ તુરંત મધથી છલોછલ ઘડો ભરી આપ્યો. અને મોહન તે મધને બજારમાં વેચી આવ્યો. જેના બદલામાં તેને ઘણાં નાણાં મળ્યાં. પછી તો મધમાખીની સૂચનાથી મોહન રોજ મધનો ઘડો ભરી લાવવાં લાગ્યો. આમ, મોહન ને મધનાં વેચાણથી મબલખ ફાયદો થયો. અને તેણે તે નાણાંમાંથી ડુંગરપુર મોહનની વાહ વાહ બોલી ગઈ. આ જોઈ મોહને તે મધમાખીઓનો અંતરથી આભાર પણ માન્યો. ડુંગરપુર ગામ વિકાસનાં, પ્રગતિનાં પંથે દોડવા લાગ્યું.

બોધ : જોયું મિત્રો, મધમાખીઓનો સ્વભાવ પણ ક્યારેક પરોપકારી હોય છે હોં. તેમનાં સાથ સહકારથી પણ પ્રગતિ સાધી શકાય છે હોં.

અનુક્રમણિકા

૧૬. હાથી અને વાંદરા

એક વન હતું. તે વનમાં આવેલ એક સાંકડી કેડી ઉપરથી એક ભીમકાય હાથી સરોવર તરફ પાણી પીવાનાં ઉદ્દેશ્ય સાથે જઈ રહ્યો હતો.

સંધ્યાનો સમય હતો. ખૂશ્નુમાં વાતાવરણ હતું. તે વનની સાંકડી કેડીનાં કાંઠે એક વિશાળ વડનું વૃક્ષ આવેલું હતું. અને તે વડનાં વૃક્ષ ઉપર કેટલાંક જુવાનીયાં વાંદરાઓ નટખટપણું કરી રહ્યાં હતાં. સાંકડી કેડી ઉપરથી જે કોઈ પ્રાણીઓ પસાર થાય તેની તેઓ ભારે મશ્કરી કરતાં હતાં. બરોબર આવા સમયે તે ભીમકાય હાથી તે વડનાં વૃક્ષ નીચેથી પસાર થયો. આ જોઈ તે વડનાં વૃક્ષ ઉપરનાં નટખટ, જુવાનીયાં વાંદરાઓને તો ભારે ગમ્મત કરવાની મજા પડી ગઈ. તે જુવાનીયાં વાંદરાનો આગેવાન બોલ્યો. મિત્રો, આપણે આ ભીમડા હાથીડાને એવો તે સબક શીખવાડીએ કે તે ચારે તરફ ઘુમરીઓ જ માર્યા કરે શું? અને વળી આપણને પણ આનંદ પ્રાપ્ત થશે.

બસ ખલાસ? તે જુવાનીયાં વાંદરા આગેવાનની વાત સાંભળી અન્ય વાંદરાઓ તો તુરંત જ તૈયાર થઈ ગયાં. અને જેવો તે હાથી વૃક્ષ નીચેથી પસાર થયો તે સાથે જ ધડાધડ કરતાં બધાં જ જુવાનીયાં વાંદરાઓ તે હાથી ઉપર કૂદી જ પડ્યાં. કોઈ પીઠ ઉપર તો કોઈ કાન ને પકડીને લટકવાં માંડ્યાં. તો કોઈ પૂંછડી ઉપર ટીંગાઈને હિંચકા ખાવા લાગ્યાં.

અચાનક જ શરીર ઉપર આ રીતે એક સામટા આટલાં બધા વાંદરાઓને ટીંગાતાં, બેસતાં જોઈ તે ભીમકાય હાથી તો પ્રથમ ચોંકી જ ઉઠ્યો. બાદમાં તે વિનમ્ર સ્વરે બોલ્યો. અરે મિત્રો, તમો આમ શા માટે મને હેરાન-પરેશાન કરો છો હેં? હું તો શાંતિપૂર્વક સરોવર ઉપર પાણી પીવાં માટે જઈ રહ્યો છું. માટે મહેરબાની કરીને મારા શરીર ઉપરથી ઉતરી તમો દૂર થઈ જાવ શું? પરંતુ આ તો લવરમુછીયાં, અટકચાળા અને જુવાનીયાં વાંદરાઓ હતાં હોં. તેઓ એમ કંઈ હાથીની વાત કાને ધરે ખરાં કે? તેઓ તો તે હાથીને બરોબરનો પરેશાન કરવાં લાગ્યાં. કોઈ વાંદરો હાથીનાં સૂંપડાં જેવાં કાનમાં પોતાનું મોઢું ખોસીને જોરથી ફૂંક મારે તો કોઈ પૂંછડી પકડી, બેવડી વાળે? આમ, તેઓ મન મૂકીને તે નિર્દોષ હાથીને હેરાન-પરેશાન કરવાં લાગ્યાં.

અને... અને... અંતે તે હાથીને લાગ્યું કે મારા બેટા બંદરીયાઓ પોતાની એક પણ વાત કાને ધરશે નહીં. આથી તે હાથી કશુંક વિચારતો સીધો જ દોડ્યો. સરોવર તરફ અને પછી સરોવર આવતાં જ તેણે છલાંગ લગાવીને સરોવરનાં પાણીમાં પડતું જ મૂક્યું. તે સાથે જ બધાં વાંદરાઓ સરોવરનાં ઠંડા, ઉંડા પાણીમાં જઈ પડ્યાં. તેઓએ આવી કશી જ કલ્પનાંએ કરેલ નહીં હોં. બાદમાં તે બધાં વાંદરાઓ અંતરથી પસ્તાવો પણ કરવાં લાગ્યાં. અને તે હાથીની બાદમાં તેઓ માફી માગતાં સરોવરમાંથી માંડ માંડ કરતાં બહાર નીકળીને ત્યાંથી ચાલ્યાં ગયાં.

જ્યારે તે હાથી બાદમાં સરોવરનું મધ-મીઠું પાણી પીને તેનાં રસ્તે ચાલતો થયો.

બોધ : મિત્રો, કોઈને ખોટી રીતે હેરાન-પરેશાન ક્યારેય કરાય નહીં શું? કેમ, બરોબર ને?

અનુક્રમણિકા

૧૭. મખમલી કમળ

એક નયનરમ્ય તળાવ હતું. તે તળાવમાં એક ‘મખમલી કમળ’ મીઠાં ગીતો ગાઈ રહ્યું હતું. સંધ્યાનો સમય હતો. મધુર, આહ્‌લાદક વાતાવરણ હતું. ‘મખમલી કમળ’ તેનાં ગીતોમાં મસ્ત હતું. રંગ-બે-રંગી માછલીઓ તે ‘મખમલી કમળ’ નાં મધુર ગીતોથી ખૂબ જ પ્રભાવીત થઈને નૃત્ય કરી રહી હતી.

બરોબર આવા સમયે તે તળાવનાં કાંઠા ઉપર એક નટખટ વાંદરો પાણી પીવાનાં ઉદ્દેશ્ય સાથે આવ્યો. તળાવનું પાણી પીતાં પીતાં તેની ચૂંચી નજર તળાવ વચ્ચે રહેલ અને મીઠાં ગીતો ગાઈ રહેલ એવાં ‘મખમલી કમળ’ ઉપર પડી. તેમજ આસપાસ નૃત્ય કરી રહેલ રંગ-બે-રંગી માછલીઓ ઉપર તેની નજર પડતાં જ તે વાંદરાનાં મનોજગતમાં ઈર્ષાનાં વમળો આંટી લેવા લાગ્યાં. સહસા આવા વખતે તે તળાવમાં રહેતો મગર કાંઠા ઉપર નવી તાજગી શ્વાસ લેવા માટે આવ્યો. આ જોઈ વાંદરાને તે મગર ઉપર કરેલ ઉપકાર યાદ આવ્યો. ત્યારબાદ તે મગર પાસે પહોંચી, તેને ઉદ્દેશીને બોલ્યો. શું ચાલે છે મગરભાઈ? અચાનક વાંદરાનો અવાજ સાંભળી મગરે તેની તરફ ડોક ફેરવી. અને પછી વાંદરાને જોઈ તે બોલ્યો. અરે વાંદરાભાઈ? કેમ છો? મજામાંને? ભઈ, તમોએ મને એક દિવસ ટોપલી ભરીને જે જાંબુઓ ખાવાં માટે આપ્યાં હતાં તે તો ભઈ ભારે મીઠાં, મધ જેવાં હતાં હોં.

બસ, ખલાસ? વાંદરાને તો આટલું જ જોઈતું હતું. પુનઃ તે વાંદરો બોલ્યો. અરે મગરભાઈ, જો તમારે હજું પણ મધ- મીઠાં જાંબુઓ ખાવાની ઈચ્છા થઈ હોય ને તો મને વિના સંકોચે કહેશો શું? તમારા માટે તો મને ખૂબ જ માન છે હોં? વાંદરાની મધ-મીઠી વાણી સાંભળી ઘડીભર તો મગર પણ ચક્કર ખાઈ ગયો. અને વિચારવા લાગ્યો કે મારો બેટો આ બંદરીયો ભઈ આજદીન સુધી કોઈનો થયો નથી અને આજે સામેથી તે જાંબુઓ લઈ આવવાની વાત કહે છે ને કંઈ? નક્કી કંઈક દાળમાં કાણું છું હોં. બાદમાં વાંદરો કશુંક યોજનાપૂર્વક વિચારીને બોલ્યો. હે મગરભાઈ, શું તમો મને તમારી પીઠ ઉપર બેસાડીને પેલાં ‘મખમલી કમળ’ સુધી ન લઈ જાવ હેં? મારે તે ‘મખમલી કમળ’ને તોડીને લઈ જવું છે શું?

કપટી વાંદરાની અસલીયત સામે આવી જતાં જ મગરને તે વાંદરા ઉપર ક્રોધ ચડ્યો. બાદમાં તે ઠાવકું મોઢું કરીને બોલ્યો. અરે એમાં તે શું મોટી વાત છે હેં. ચાલો મારી પીઠ ઉપર બેસી જાવ જોઉં? અને તે વાંદરો વધુ વિચાર્યા વગર સ્વાર્થમાં આંધળો થતો તે મગરની પીઠ ઉપર ઘોડો પલંગ થઈને બેસી ગયો. મગરભાઈ તો દાંત ભીંસીને આ કપટી, લુચ્ચાં વાંદરાને લઈને તળાવ વચ્ચે આવ્યો. અને પછી તે તળાવની અંદર જવાં લાગ્યો. તે સાથે જ વાંદરાનાં મોતીયાં જ મરી ગયાં. તેણે બૂમ પાડી. અરે ઓ મગરીયાં, તું તે આ શું કરી રહ્યો છે હેં? હું ડૂબી મરીશ શું? મગર બોલ્યો : અરે કપટી, સ્વાર્થી બંદરીયાં, તે મખમલી કમળે તારું તે શું બગાડ્યું છે તે તું તેમને આ તળાવમાંથી જીવતાં સમાધી લે શું? આમ બોલી મગર તો ઉંડા પાણીમાં ચાલ્યો ગયો અને સાથમાં કપટી વાંદરો પણ હોં.

બોધ : જોયું મિત્રો, કપટનું કેવું પરિણામ આવે છે હેં? કપટ, ઈર્ષા તો ભઈ ક્યારેય કરવી નહીં.

અનુક્રમણિકા

૧૮. હંસ અને બિરબલ

ઘણાં સમય પહેલાંની વાત છે.

એક સુંદર મઝાનું સરોવર હતું. તે સરોવરમાં રંગ-બેરંગી હંસો આનંદપૂર્વક તરી રહ્યાં હતાં. તે હંસોમાં એક અતિ સંદર મઝાનો જ્ઞાનવર્ધક એવો સુવર્ણ હંસ પણ હતો. હા, તે સુવર્ણ હંસ પાસે દુનિયાભરનું અદ્‌ભૂત જ્ઞાન, બોધ, માહિતીનો ખજાનો ભરેલ હતો. આથી તે સુવર્ણ હંસ તેમનાં પરમ મિત્રો, સ્નેહીઓને પોતાનું જ્ઞાન પીરસી રહ્યો હતો.

સંધ્યાનો સુમધુર, આહ્‌લાદક સમય હતો. સરોવરમાં તે સુવર્ણ હંસ પોતાનું જ્ઞાન અન્ય રંગ-બે-રંગી હંસોને આપી રહ્યો હતો. બરોબર આવા સમયે બાદશાહ અકબરનાં વિશ્વાસું, બુધ્ધિશાળી એવાં બિરબલનું તે સરોવર પાસે આગમન થયું. અને તેનાં કાને તે સુવર્ણ હંસનાં મુખમાંથી વહેતી જ્ઞાન વાણી સાંભળી. આથી બિરબલ તો દંગ જ રહી ગયો. તેણે પોતાનાં જીવનમાં આવું અદ્‌ભૂત જ્ઞાન માહિતી કોઈ દિવસ પણ સાંભળ્યાં નહોતાં હોં. તે તો સરોવરનાં કાંઠા ઉપર જઈને પલાંઠીવાળીને સુવર્ણ હંસનાં મુખમાંથી વહેતી જ્ઞાન સરવાણી ને સાંભળી જ રહ્યો.

આમ, તે સુવર્ણ હંસ રોજ સાંજ પડે અને જ્ઞાન સરવાણીને વહેતી કરતો હતો. અને બુધ્ધિશાળી બિરબલ તે જ્ઞાન સરવાણીનો લાભ લેવાં માટે રોજ તે સરોવરનાં કાંઠે આવવાં લાગ્યો. એક વખત બાદશાહ અકબરને થયું કે આ બિરબલ રોજ સંધ્યા ટાણે જાય છે ક્યાં હેં? અને પછી તેણે બીજા જ દિવસે બિરબલનો પીછો કર્યો. અને... અને... જ્યારે બાદશાહ અકબર પણ તે સરોવરનાં કાંઠે પહોંચ્યાં. અને... અને... સુવર્ણ હંસનાં મુખમાંથી વહેતી અદ્‌ભૂત જ્ઞાન સરવાણી સાંભળી તેઓ પણ દંગ રહી ગયાં. અને પછી તેઓ પણ બિરબલ સાથે રોજ સંધ્યાટાણે સરોવર ઉપર જ્ઞાન સરવાણીનો લાભ ઉઠાવવાં માટે આવવાં લાગ્યો.

એક વખત બાદશાહ અકબરને વિચાર આવ્યો કે આ રોજ અહીં સરોવર ઉપર આવવું પડે એનાં કરતાં આ સુવર્ણ હંસને શા માટે ઉઠાવી ન જવો હેં? અને પછી તેણે આ વાત બિરબલને કહી. જે સાંભળી બિરબલ બોલી ઊઠ્યો. જહાંપનાહ, ભૂલેચૂકે એવું વિચારશો જ નહીં શું? જો આ નિર્દોષ, જ્ઞાનપ્રિય સુવર્ણ હંસ ને અહીંથી ઉઠાવી જવામાં આવે ને તો તો પછી તે પોતાનો જીવ આપી દેશે પરંતુ તે પોતાનું અદ્‌ભૂત જ્ઞાન કદાપી નહીં આપે હોં. આ સાંભળી બાદશાહ અકબરને પોતાની ભૂલ સમજાઈ ગઈ. હા, આ પ્રકૃતિ-જ્ઞાન-પ્રેમીને તેની મૂળ જગ્યાએથી લઈ જવો એટલે તેમનાં માટે આત્મહત્યા બરાબર કહેવાય હોં. બાદમાં તેણે બિરબલની વાત માની ને તે સુવર્ણ હંસને તેની જગ્યાએ જ રાખીને તેઓ પણ તે સુવર્ણ હંસની જ્ઞાન સરવાણીનો લાભ લેવાં માટે નિયમીત સરોવર ઉપર આવવાં લાગ્યાં.

બોધ : મિત્રો, જો જ્ઞાન મેળવવું હોય ને તો થોડો ભોગ આપીને પણ જ્યાં આગળથી જ્ઞાન મળતું હોય ને તો ત્યાં આગળ જાતે પહોંચી જવું જોઈએ. કેમ બરોબર ને...?

અનુક્રમણિકા

૧૯. મખમલી પતંગીયું

એક સુંદર મઝાનો બાગ હતો. તે બાગમાં કેટલાંક પંખીઓ આનંદ કિલ્લોલ કરી રહ્યાં હતાં. તે પંખીઓમાં ખાસ કરીને મેનાપોપટ, કાબર-કોયલ, મોર-ઢેલ, હોલા-હોલી, કાગડા, બુલબુલ વગેરેનો સમાવેશ થતો હતો.

સંધ્યાનો સુમધુર આહ્‌લાદક સમય હતો. બાગનાં પંખીઓ આનંદ, મશગુલમાં રત હતાં. બરોબર આવા સમયે ક્યાંકથી ઉડતું ઉડતું એક ‘મખમલી પતંગીયું’ તે બાગમાં આવીને એક સુવર્ણ ગુલાબ ઉપર જઈને મીઠું મધુર ગીતો ગાવાં લાગ્યું. આ સાંભળી સુવર્ણ ગુલાબ સાથે અન્ય ફૂલો, અરે પંખીઓ પણ દંગ રહી ગયાં. તેઓએ આવું સુંદર મઝાનું ‘મખમલી પતંગીયું’ ક્યારેય પણ જોયું નહોતું કે તેમનાં ગીતો ક્યારેય પણ સાંભળ્યાં નહોતાં હોં. મોર, પોપટ વગેરે ‘મખમલી પતંગીયાં’ નાં મીઠાં ગીતો ઉપર તો નૃત્ય કરવાં લાગ્યાં. આ જોઈ ઈર્ષાળું કાગડાનાં ક્રોધનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો હોં. ત્યારબાદ તે ગર્જનાં કરતાં બોલી ઉઠ્યો. બસ, પતંગીયાં, બસ કર તારા કડવાં ગીતો શું?

અચાનક કાળા કાગડાની કડવી, દ્રેષયુક્ત ગર્જના સાંભળી નિર્દોષ, પ્રકૃતિપ્રેમી એવું ‘મખમલી પતંગીયુ’ તો મીઠાં ગીતો ગાતાં જ બંધ પડી ગયું. જ્યારે મોર, પોપટ પણ નૃત્ય કરતાં અટકી ગયાં. અને તેઓ વિચિત્ર ભાવે તે કાગડાને જોઈ જ રહ્યાં. કાળો કાગડો તો ક્રોધથી ફૂંફાડાં જ મારી રહ્યો હતો. ‘મખમલી પતંગીયું’ વિનમ્ર ભાવે બોલ્યું. હે કાગડાજી, મારા ગીતોથી તો કેટલાં બધાં જીવો આનંદીત થઈને ડોલી રહ્યાં છે હેં? તો પછી શા માટે તમો મને મીઠાં ગીતો ગાતાં અટકાવો છો? પરંતુ આ તો ઈર્ષાની આગમાં શેકાતો કાળોભઠ્ઠ કાગડો હતો હોં. તે પુનઃ ત્રાડ પાડતાં બોલ્યો. અરે પતંગીયાં, તું કોને પૂછીને આ અમારા બાગમાં આવ્યું છે હેં? શું તે અમારી મંજૂરી મેળવી છે કે? ફરી મખમલી પતંગીયું બોલ્યું. હે કાગડાજી, આ બાગ તો સાર્વજનિક છે અને ઈશ્વર દરેકને મુક્ત મને વિહરવાંની છૂટ જ આપી છે હોં. મંજૂરી તે કેવી લેવાની હોય હેં? બસ, ખલાસ? આટલાં બધાં પંખીઓની વચ્ચે પોતાને આ રીતે સત્યવાણી સંભળાવી રહેલ મખમલી પતંગીયા ઉપર કાગડો ક્રોધીત થતો તે પતંગીયાને પોતાની તીક્ષ્ણ ચાંચમાં દબોચવાં માટે કાગડો ક્રોધપૂર્વક ઉડ્યો. પરંતુ વચ્ચે જ મોર, પોપટ, ઢેલ, હોલા-હોલીની ફોજ તૈયાર થઈને ઉભી હતી. તેઓએ જોયું કે આ લુચ્ચો કાગડો નિર્દોષ, ગીત-સંગીત પ્રેમી એવાં મખમલી પતંગીયાને હેરાન કરે છે. આથી તેઓએ અંદરોઅંદર નક્કી કરીને તે કાગડાને હવે અહીંથી તગેડી મૂકવાં માટે એક થઈને કાગડા સામે ધસી ગયાં.

કાગડાએ જોયું કે એક સામટાં આટલાં બધાં પંખીઓને પહોંચી નહીં શકાય. આથી તે ઘુંઘવાતો, પગ પછાડતો તે બાગ છોડીને ચાલ્યો ગયો. આ જોઈ મખમલી પતંગીયાએ તે પંખીઓનો આભાર પણ માન્યો. આમ, પુનઃ તે સુંદર બાગમાં ‘મખમલી પતંગીયા’ નાં મીઠાં ગીતોમાં પંખીઓ, ફૂલો આનંદપૂર્વક ઝૂમવાં, કૂદવાં અને નૃત્ય કરવાં લાગ્યાં હોં.

અનુક્રમણિકા

૨૦. હંસે આપ્યું અખરોટ

ઘણાં સમય પહેલાંની વાત છે.

એક વખત બિરબલ ફરતાં ફરતાં સરોવરની પાળે જઈને બેઠાં. સરોવર પાસેનું વાતાવરણ અતિ નયનરમ્ય અને આહ્‌લાદક હતું. તે સરોવરમાં કેટલાંક રંગ-બે-રંગી હંસોમાં એક સુવર્ણ હંસ પણ હતો. તે સુવર્ણ હંસમાં અપાર જ્ઞાન, બુધ્ધિશક્તિ ભરેલાં હતાં. તે મનુષ્યનાં ચહેરાનાં ભાવો ને ઓળખી પણ શકતો હતો. તેનાં મનોજગતમાં ચાલતાં વિચારોને તે પકડી પણ શકતો હતો.

સહસા તે સુવર્ણ હંસની નજર સરોવરની પાળે બેઠેલાં શાંત, સૌમ્ય અને બુધ્ધિશાળી એવાં બિરબલ ઉપર પડી. બાદમાં તે સુવર્ણ હંસ બિરબલનાં મનોભાવોને વાંચવા લાગ્યો. તો તેને લાગ્યું કે આ મનુષ્ય, બિરબલ ખરેખર ખૂબ જ પરોપકારી, નીડર, પ્રમાણીક અને બુધ્ધિશાળી છે. માટે મારે તેને કશીક મદદ કરવી પડશે. ત્યારબાદ તે સુવર્ણ હંસ મલપતી ચાલે સરોવરનાં કાંઠા તરફ આવ્યો. અને પછી તે બિરબલને ઉદ્દેશીને બોલ્યો.

હે મનુષ્ય, શું તમો કશીક ચિંતામાં છો? અચાનક બિરબલનાં કાન ઉપર હેતાળ હંસની મીઠી વાણી અથડાતાં જ તે તંદ્રામાંથી જાગ્રત થઈ ગયો અને પછી આવા સુંદર સુવર્ણ હંસને જોઈને ઘડીભર તો તે પણ દંગ જ રહી ગયો. બાદમાં તેણે હંસને પ્રત્યુત્તર આપ્યો. અરે જુઓને હંસજી, આ દુનિયામાં એવો એક પણ મનુષ્ય નથી કે જેને કોઈને કોઈ પ્રકારની ચિંતા ન હોય શું? પરંતુ મારી ચિંતા મારી નથી પરંતુ આમ પ્રજાજનોની છે. ફરી સુવર્ણ હંસ બોલ્યો. હે મનુષ્ય જે કોઈની ચિંતા હોય તે. પરંતુ ચિંતા એટલે ચિંતા હોં. કેમ બરોબર ને...? બિરબલ બોલ્યો. આપની વાત સો ટકા સાચી છે. બીજું મારી ચિંતા કહું તો અમારા રાજ્ય ઉપર કોઈની બૂરી નજર હોય તેમ અમારા રાજ્યમાં મેઘરાજા બિલકુલ પધારતાં નથી. આથી નગરજનો, પ્રજાજનો બાદશાહ અકબર વગેરે ખૂબ જ ચિંતિત છે. એટલે હું પણ તેમાં સામેલ છું.

બિરબલની વાત સાંભળી સુવર્ણ હંસને લાગી આવ્યું. તેને લાગ્યું કે ખરેખર આમ આદમીની જે કોઈ ચિંતા કરે તે ખરેખર મહાન આદમી કહેવાય હોં. ત્યારબાદ તેણે પોતની પાંખમાં એક અખરોટ કાઢ્યું અને પછી તે અખરોટ બિરબલને આપતાં તે હંસ બોલ્યો. હે મનુષ્ય, આ જાદુઈ શક્તિ અને બુધ્ધિવર્ધક અખરોટ છે. આ અખરોટ તમારી પાસે રાખશો ને એટલે જે કોઈ ચિંતા તમોને સતાવતી હશે તે ચિંતાનું અચૂક નિવારણ થઈ જશે શું? આમ બોલી તેણે તે અખરોટ બિરબલને આપ્યું. બિરબલે તે અખરોટ લઈ, સુવર્ણ હંસનો અંતરથી આભાર માન્યો તે રાજ્ય તરફ ચાલી નીકળ્યો.

અને... અને... બીજા જ દિવસથી નગરમાં સુખ, શાંતિ છવાવાં લાગી. મેઘરાજા મન મૂકીને વરસવાં લાગ્યાં. નદી-નાળાં, સરોવરો ઉભરાવાં લાગ્યાં. આ જોઈ બાદશાહ તો બિરબલ ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ઉઠ્યાં. જ્યારે બિરબલ તો તે સુવર્ણ હંસ ને મનોમન ધન્યવાદ આપવાં લાગ્યાં.

આમ, તે રાજ્ય પ્રતિદીન પ્રગતિ સાધવાં લાગ્યું.

અનુક્રમણિકા

૨૧. રાજા વિક્રમસિંહ અને સુવર્ણ કમળ

ઘણાં સમય પહેલાંની વાત છે.

એક વખત રાજા વિક્રમસિંહ ફરતાં ફરતાં એક સરોવર પાસે પહોંચી ગયાં. અને પછી તે સરોવર પાસેનું અલૌકિક વાતાવરણ જોઈ તેઓ ત્યાં આગળ ઘાસ ઉપર બેસી ગયા. સહસા તેની નજર ફરતી ફરતી સરોવર વચ્ચે રહેલ એવાં એક દિવ્ય, સુવર્ણ કમળ ઉપર પડી. અને... અને... તે સુવર્ણ કમળની પાંખડીઓમાંથી વહેતાં મધુર, મીઠાં સંગીતની તરજો, ધૂનો સાંભળી જ રહ્યાં. આહ...? શું અદ્‌ભૂત સંગીત તે સુવર્ણ કમળની પાંદડીઓમાંથી વહે છે હેં!

બાદમાં રાજા વિક્રમસિંહનાં મનોજગતમાં હલચલ મચવાં લાગી. હા, જો આ સુવર્ણ કમળ ને આ સરોવરમાંથી લઈ જઈને તેનાં મહેલમાં આવેલ હોજમાં રાખવામાં આવે ને તો તો પછી તે આ સુવર્ણ કમળનું મધ-મીઠું સંગીત મન પડે ત્યારે સાંભળી શકે હોં. બસ, આવો વિચાર આવતાં રાજા વિક્રમસિંહ ઉભા થઈને તે સરોવરમાં ધીરે ધીરે ઉતર્યા.

જ્યારે આ તરફ તે સુવર્ણ કમળ મસ્તીપૂર્વક મીઠી તરજો છેડી રહ્યું હતું. આસપાસ રહેતાં અન્ય રંગ-બે-રંગી કમળો તે તરજોનો અનેરો આનંદ ઉઠાવી રહ્યાં હતાં કે સામે જ રાજા વિક્રમસિંહને આવેલ જોઈ અન્ય રંગ-બે-રંગી કમળો તો ભયથી ફફડી જ ઉઠ્યાં અને પછી તેઓ વિચારવાં લાગ્યાં કે આજે આ રાજા નિર્દોષ, ગીત-સંગીત પ્રેમી એવાં સુવર્ણ કમળને ઉપાડીને લઈ જ જશે હોં. અને પછી તેઓ સંગીતની તરજો સાંભળ્યાં વગરનાં જ કાયમ રહેશે. બસ, આવો વિચાર આવતાં જ તેઓ ઉદાસ અને ચિંતિત બની ગયાં. રાજા વિક્રમસિંહે તે સુવર્ણ કમળને હાથ કરવાં માટે પોતાનાં હાથનાં પંજા આગળ લંબાવ્યાં. અને... અને... તે સાથે જ રાજા વિક્રમસિંહનાં હાથ આમ લાંબા ને લાંબા જ રહી ગયાં. સુવર્ણ કમળને સ્પર્શ્યા વગર જ હોં. આ જોઈ રાજા વિક્રમસિંહ તો ગભરાઈ જ ઉઠ્યાં. તેણે પોતાનાં હાથને આમતેમ હલાવવાં માટે અનેક પ્રયત્નો કર્યા. પરંતુ પરિણામ શૂન્ય આવ્યું.

અને... અને... રાજા વિક્રમસિંહની આંખોમાં પસ્તાવાનાં જરજરીયાંઓ ઉભરાવાં લાગ્યાં. હા, આ નિર્દોષ, સંગીત-પ્રિય એવાં સુવર્ણ કમળ ને તે અહીંથી લઈ જવાં માગતો હતો ને હેં? અને... અને એટલે જ તેનાં હાથ જડવત બની ગયાં હતાં. આમ રાજા વિક્રમસિંહને થતો પસ્તાવો જોઈ સુવર્ણ કમળને તેની દયા આવી. તે સાથે રાજા વિક્રમસિંહનાં હાથ પુનઃ હતાં તેવાં બની ગયાં. આથી તેણે બે હાથ જોડી સુવર્ણ કમળની માફી માંગી. અને પછી તેઓ તે સરોવર ઉપરથી ચાલ્યાં ગયાં. પુનઃ તે સુવર્ણ કમળ મીઠી તરજો, ધૂનો છેડવાં લાગ્યું. જે સાંભળી રંગબે- રંગી કમળો સાથે તે સરોવર પણ આનંદથી ડોલવાં લાગ્યાં.

અનુક્રમણિકા

૨૨. રાક્ષસ અને સોનેરી પંખી

એક વિશાળ ઘટાઘનઘોર વન હતું. તે વનની અંદર એક ખૂબ જ મોટી ગુફા આવેલ હતી. અને તે ગુફામાં એક વિશાળ કાયા ધરાવતો રાક્ષસ હતો. તે રાક્ષસ માનવખાઉં હતો. તેને રોજ એક માણસની જરૂર પડતી હતી.

તે રાક્ષસે એક સોનેરી પંખી પણ પાળ્યું હતું. અને તેણે તે સોનેરી પંખીને રોજ પોતાનાં મોતાનું રહસ્ય કહેતો હતો. આ સીવાય તે રાક્ષસ કોઈનાં થી પણ મરે તેમ નહોતો. સાંજ પડે અને તે રાક્ષસ નાનાં નાનાં નજીકનાં કસ્બાઓ, ગામોમાં માનવને ઉઠાવવાં માટે પહોંચી જતો. આથી તે ઘટાઘનઘોર વનથી અને તે ભયંકર, માનવખાઉ રાક્ષસથી લોકો, મનુષ્યો દૂર રહેતાં હતાં. પરંતુ રોજી રોટી માટે તો ક્યાંક ને ક્યાંક પડાવ તો નાંખવો જ પડે હોં.

એક દિવસની વાત છે. ગાઢ રાત્રીનો અંધકાર સમગ્ર પૃથ્વી ઉપર ઉતરી ચૂક્યો હતો. આકાશમાં તારલાંઓ ચમક ચમક કરતાં ચમકી રહ્યાં હતાં. ઠંડી હવા ચારે તરફ ફેલાઈ રહી હતી. સોનેરી પંખી બોલ્યું હે ભયંકર રાક્ષસ, શા માટે તું પાપનાં પોટલાં ખડક્યાં કરે છે હેં? બચારા નિર્દોષ માણસોએ તારું તે શું બગાડ્યું છે. તે તેઓને પકડીને તું ખાઈ જાય છે? પરંતુ આ તો મદમસ્ત ગુસ્સાભર્યો રાક્ષસ હતો હોં. તેણે એક તુચ્છ નજર તે સોનેરી પંખી તરફ ફેંકીને તે ફલાંગો ભરતો ગુફામાંથી નીકળી ગયો.

તે ભયંકર રાક્ષસ એક નાનાં કસ્બા ઉપર ત્રાટકી એક નાનાં, માસુમ એવાં નવ વર્ષનાં બાળકને ઉઠાવીને ગુફામાં આવ્યો. ગુફામાં મશાલ સળગતી હતી. બાળક બેહોશ હતો. તે રાક્ષસે બાળકને એક તરફ સુવડાવી. જીભને લપકારા મરાવતો તે સરોવરે સ્નાન કરવાં માટે ઊપડી ગયો. હા, સ્નાન કરવાથી ભૂખ ખૂબ જ ઉઘડે છે. આ તરફ તે બાળક હોશમાં આવતાં જ ધ્રૂજી જ ઉઠ્યો. સહસા સોનેરી પંખી બોલ્યું. હે બાળક, તું ડરીશ બિલકુલ નહીં. પરંતુ તારે એક કામ કરવું પડશે શું? તે બાળક આમ તો હોંશિયાર જ હતો. તેણે પ્રશ્નાર્થ નજરે તે સોનેરી પંખી તરફ જોયું. તે સાથે જ તે સોનેરી પંખી બોલી ઉઠ્યું. હે બાળક, ભયંકર રાક્ષસ સરોવર ઉપર સ્નાન કરવાં ગયો છે. એટલે તે આવે તે પહેલાં તું મારી ડોક મરડી નાંખીશ ને તો તે રાક્ષસ પણ મારી સાથે જ મૃત્યુ પામશે શું? અન્યથાં તે તને મારી નાંખશે. વધુમાં તે અન્ય માનવોને પણ રોજ આરોગતો રહેશે.

તે હોંશિયાર બાળક ઘડીક વિચારમાં પડ્યો. બાદમાં તેને તે સોનેરી પંખીની વાત વ્યાજબી લાગી. અને પછી વધુ વિચાર કર્યા વગર તેણે તે સોનેરી પંખીની ડોક દુઃખ સાથે મરડી નાંખી. અને... અને... તે રાક્ષસ કે જે રસ્તામાં જ હતો. જેવી સોનેરી પંખીની ડોક મરડાણી તે સાથે જ તે રાક્ષસની ડોક પણ મરડાઈ ગઈ. અને તે મૃત્યુ પામ્યો. બાદમાં તે બાળક દુઃખ સાથે પોતાના ગામભણી ચાલતો થયો.

બોધ : મિત્રો, બીજા ખાતર તે સોનેરી પંખીએ પોતાનો કિંમતી જીવ આપી દીધો હોં.

અનુક્રમણિકા

૨૩. હંસની ડોકે સોનેરી માળા

એક સુંદર મઝાનું તળાવ હતું. તે તળાવમાં એક અતિ સુંદર મઝાનો શ્વેત હંસ મલપતી ચાલે તે તળાવમાં સહેલ કરી રહ્યો હતો. તે શ્વેત હંસની ડોકમાં સાચા મોતીની માળા શોભી રહી હતી.

સંધ્યાનો સુમધુર, આહ્‌લાદક સમય હતો. તે તળાવ પાસેનું વાતાવરણ પણ અતિ પ્રાકૃતિક, નૈસર્ગિક લાગી રહ્યું હતું. બરોબર આવા સમયે ક્યાંકથી એક લુચ્ચો શિકારી ફરતો ફરતો તે તળાવ ઉપર આવી ચડ્યો. અને પછી તેની નજર તળાવ વચ્ચે સહેલ કરી રહેલ એવાં શ્વેત હંસ ઉપર તેમજ તેની ડોકે ઝગારા મારી રહેલ મોતીની માળા ઉપર સ્થિર થઈ ગઈ. અને... અને... તે લુચ્ચાં શિકારીની ચૂંચી, ફાંગી આંખોમાં ચમક ઉભરાઈ આવી. ત્યારબાદ તે મનોમન બોલ્યો, અરે ઓ પંખીડાને તે વળી મોતીની માળા પહેરવાની તે ક્યાં જરુર છે. હેં? એનાં કરતાં જો આ સાચી, મોતીની માળા પોતાની પાસે હોય તો કેવું સારું હેં? વળી આ મોતીની માળાનાં બદલામાં તેને મબલખ નાણાં પણ મળે હોં. આમ વિચારતો તે લુચ્ચા શિકારીએ પીઠ પાછળ રાખેલ ભાથામાંથી ધનુષબાણ કાઢ્યાં. અને પછી તે હંસનું નિશાન સાધવાં લાગ્યો.

જ્યારે આ તરફ તે નિર્દોષ, પ્રકૃતિની શોભા વધારી રહેલ શ્વેત હંસ પોતાનાં નિજાનંદમાં રહી તળાવમાં સહેલ કરી રહ્યો હતો. અને... અને... લુચ્ચા શિકારીનું બાણ સ..ન..ન.. કરતું સીધું તે નિર્દોષ હંસની ડોકમાં ખચ કરતું ઘુસી ગયું. અને તે શ્વેત હંસ એક તરફ ઉથલી પડ્યો. તે સાથે જ લુચ્ચો શિકારી ધનુષબાણને એક તરફ ફેંકી તેણે તળાવમાં છલાંગ લગાવી.

જ્યારે તે શિકારી શ્વેત હંસ પાસે પહોંચ્યો ત્યારે તેનાં માટે ઘણું જ મોડું થઈ ચૂક્યું હતું. હા, તે શ્વેત હંસ દુઃખ, પીડાં સાથે નિર્જીવ બની ગયો હતો. તેનો આત્મા ભગવાનમાં વિલીન બની ગયો હતો. લુચ્ચાં શિકારીએ તે મૃત શ્વેત હંસની ડોકમાંથી મોતીની માળા લઈને તે હરખાતો હરખાતો કાંઠા તરફ ફલાંગો ભરતો તરવાં લાગ્યો. પરંતુ તે વધુ આગળ જઈ ન શક્યો હોં. હા, સામે જ તે તળાવમાં રહે એક ભયંકર મગર પોતાનું વિશાળ ઝડબું ફાડીને શિકારીને ગળી જવાં માટે ઊભો હતો. શિકારીએ મગરને જોયો. તેનું ખુલ્લું વિશાળ જડબું, તીક્ષ્ણ દાંત જોઈને ભયનો માર્યો થરથર ધ્રુજવાં લાગ્યો.

પરંતુ મગરે તેનું કામ પુરું કર્યુ હોં. હા, તે મગરે શિકારીને આખો ને આખો જ ગળી ગયો હોં. જેવી કરણી તેવી ભરણી. કેમ બરોબર ને...? મિત્રો, જીવનમાં લાલચ, લોભ ને ક્યારેય પણ સ્થાન આપવું જોઈએ નહીં. બરોબર ને...? અને હિંસા તો ક્યારેય પણ કરવી નહીં શું. અસ્તુ.

અનુક્રમણિકા

૨૪. અદ્‌ભૂત સુવર્ણ પંખી

એક સુંદર મઝાનું તળાવ હતું. તે તળાવ વચ્ચે એક કદંબનું વૃક્ષ આવેલ હતું. તે વૃક્ષમાં જાતજાતનાં ફળો સુંદર રીતે લહેરાઈ રહ્યાં હતાં. અને તે ફળોમાં મીઠાશ પણ ખૂબ જ અનેરી હતી હોં.

તે તળાવની અંદર રહેતી રંગ-બે-રંગી માછલીઓ, કાચબાઓ, કરચલાંઓને તે કદંબનાં વૃક્ષ ઉપરનાં ફળો ખાવાની પણ ખૂબ જ ઈચ્છા થઈ આવતી હતી. પરંતુ તેઓને તે ફળો આપે પણ કોણ હેં?

એક દિવસની વાત છે સંધ્યાનો સમય હતો. ચારે તરફ ખૂશ્નુમાં વાતાવરણ હતું. તળાવની વચ્ચે રહેલ કદંબનું વૃક્ષ પણ પૂર્ણ કળાએ ખીલેલું હતું. તેની ઉપરનાં ફળો પણ આનંદનાં ઝોકે ચઢ્યાં હતાં. બરોબર આવા સમયે ક્યાંકથી ઉડતું ઉડતું એક સુંદર મઝાનું અદ્‌ભૂત સુવર્ણ પંખી તે કદંબના વૃક્ષ ઉપર આવીને બેઠું. અને પછી તે પોતાનાં કંઠમાંથી મીઠાં શૂરો રેલાવવાં લાગ્યું.

“પંખી બની આકાશમાં ઉડું, જલ બની સાગરમાં લહેરાઉં,

હવા બની વનોમાં ઘુમરાઉ, તેજ બની સંસારમાં ફેલાઉ.”

‘અદ્‌ભૂત સુવર્ણ પંખી’ નાં મીઠાં ગીતો સાંભળી તળાવમાં રહેલ જલચર પ્રાણીઓ તો આશ્ચર્યચકિત રહી ગયાં. તેઓએ આવા સુંદર મઝાનાં પંખીને આ અગાઉ ક્યારેય પણ જોયાં નહોતાં હોં. સહસા એક નાની લાલ માછલી બોલી ઉઠી. અરે ઓ સુવર્ણ પંખીજી. તમો ક્યાંથી આવો છો હેં? બીજું, આ અગાઉ તો તમોને ક્યારેય પણ જોયાં નથી હોં? લાલ માછલીની મીઠી વાણી સાંભળી સુવર્ણ પંખી બોલ્યું. મિત્રો, હું હિમાચ્છાદીત એવાં હિમાલયની ઘાટીમાંથી આવું છું. અને મને સમગ્ર પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવાની ઈચ્છા થતાં જ હું આ તમારા કુટુંબના અદ્‌ભૂત વૃક્ષ ઉપર થોડાં સમય માટે આવ્યું છું. તો શું તમો મને આ વૃક્ષ ઉપર રહેવાં માટેની મંજૂરી આપશો કે?

સુવર્ણ પંખીની વિનમ્રભરી વાણી સાંભળી નાની માછલી સાથે અન્ય જલચર પ્રાણીઓ તો ખુશ થઈ ઉઠ્યાં. અને પછી તે વૃક્ષ ઉપર રહેવાની મંજૂરી પણ આપી. આમ, સાંજ પડે અને તે કદંબનાં વૃક્ષ ઉપર સુવર્ણ પંખી મીઠાં ગીતોથી આસપાસનું વાતાવરણ ભરી દેતું હતું. આ ઉપરાંત તે જલચર પ્રાણીઓને કદંબનાં વૃક્ષ ઉપરથી મીઠાં ફળો પણ રોજ તોડી તોડીને ખાવા માટે પણ આપતું હતું. આથી તો તે તળાવનાં જલચર પ્રાણીઓનાં ચહેરા ઉપર લાલાશની ટશરો ફૂટવાં લાગી. હા, તે ફળોમાં મીઠાશની સાથે મબલખ પ્રમાણમાં વીટામીન્સ, રોગપ્રતિકારક શક્તિનો સામનો કરવાનાં અનેરાં ગુણો પણ ભર્યા હતાં હોં.

ત્યારબાદ બધાં જલચર પ્રાણીઓનાં આગ્રહને વશ થઈ તે અદ્‌ભૂત સુવર્ણ પંખી કાયમને માટે તે કદંબનાં વૃક્ષ ઉપર રહેવાં લાગ્યું. આથી તે તળાવ પણ આનંદપૂર્વક ઝુમવાં લાગ્યું હોં.

બોધ : જોયું મિત્રો, પંખીઓ, જલચર પ્રાણીઓમાં પણ કેવો સંપ હોય છે હેં? કેમ, બરોબરને?

અનુક્રમણિકા

૨૫. રસનો ચીચૂડો

મયુરવન પાસે પીન્ટુ સસલાંને એક વાડી હતી. અને તે વાડીમાં પીન્ટુ સસલાંએ મધ મીઠી શેરડીનો ફાલ ઉગાડ્યો હતો. અને ખરેખર તેની વાડીની શેરડીની મીઠાશ તો ખરેખર વાહ ભાઈ વાહ હોં.

પીન્ટુ સસલાંએ વાડી પાસે એક રસનો ચીચૂડો પણ મૂકાવ્યો હતો. અને વનનાં તમામ પશુ-પંખીઓ ને તે ‘ફ્રી’ માં રસ પીવડાવતો હતો. આથી મયુરવનનાં સિંહરાજા, હાથી મહારાજ, વગેરે તે પરોપકારી પીન્ટુ સસલાં ઉપર ભારે ખુશ હતાં.

પરંતુ તે મયુરવનમાં રહેતાં એક લુચ્ચાં શિયાળને તે પરોપકારી પીન્ટુ સસલાંની ભારે ઈર્ષા થતી હતી. અને તે આ પરોપકારી પીન્ટુ સસલાંને મયુરવનનાં પશુ-પંખીઓ સામે નીચે જોવા પણું કરવાની યોજના તે સતત ઘડ્યાં કરતો હતો.

ગાઢ રાત્રીનો અંધકાર સમગ્ર પૃથ્વી ઉપર પથરાઈ ચૂક્યો હતો. ઠંડી-મીઠી હવા ચારે તરફ લહેરાઈ રહી હતી. પરોપકારી પીન્ટું સસલું તેની બખોલમાં ઓઢીને મીઠી નીંદ્રા માણી રહ્યું હતું. તેણે કશી કલ્પનાંએ કરેલ નહીં કે તે વનમાં રહેતાં લુચ્ચાં શિયાળની ઈર્ષાનો તે ભોગ બનશે.

આ તરફ તે લુચ્ચો શિયાળ ઉધઈ મારવાની દવાનો પંપ લઈ, પરોપકારી પીન્ટુ સસલાંની વાડી પાસે પહોંચી ગયો અને પછી દબાતાં પગલે તેણે વાડીમાં રહેલ મધ મીઠી શેરડીઓનાં પાક ઉપર દવાનો છંટકાવ કરવાં લાગ્યો. કામગીરી પૂર્ણ કરી તે બહાર નીકળી ને અંધકારમાં તે ઓગળી ગયો.

સવાર પડતાં જ તે પરોપકારી પીન્ટુ સસલું વાડીમાં રહેલ મધ-મીઠી શેરડીઓ દાતરડાથી વાઢી, ઢગલો બાંધી રસનાં ચીચૂડા પાસે લઈ આવ્યો. જ્યાં આગળ રસ પીવાં માટે નાનાં-મોટાં પશુ-પંખીઓની લાંબી લાઈનો લાગેલ હતી.

ત્યારબાદ મીઠી શેરડીનો રસ કાઢી તે નાનાં મોટાં પશુપં ખીઓને પ્રેમપૂર્વક રસ પાવાં લાગ્યો. પરંતુ આ શું...? રસ પીધાં બાદ બધાં પશુ-પંખીઓ બીમાર પડવાં લાગ્યાં. ઉલટીઓ કરવાં લાગ્યાં. આ જોઈ પીન્ટું સસલાંએ રસનો ચીચૂડો બંધ કર્યો. સિંહરાજા પણ તે રસનાં ચીચૂડાં પાસે આવી પહોંચ્યાં અને પછી તેણે પીન્ટું સસલાંની આકરી પૂછપરછ કરી. આસપાસ વાડીમાં સિંહરાજા ચક્કર લગાવી આવ્યાં. તો તેને એક શિયાળનાં પગનાં પંજાનાં નિશાન જોવાં મળ્યાં. આથી તે સિંહ બધું જ સમજી ગયો. અને પછી તેણે હાથીને હુકમ કર્યો કે લુચ્ચાં શિયાળને ઉંચકી લાવે.

લુચ્ચો શિયાળ પોતાની બખોલમાં મોજ માણી રહ્યો હતો. પરંતુ તેની મોજ જાજી ન ચાલી. કારણ કે હાથીએ તે શિયાળની બખોલમાં પોતાની સૂંઢ નાંખીને શિયાળને પકડી સિંહરાજા સમક્ષ ખડો કરી જ દીધો. બસ, ખલાસ? શિયાળનાં તો મોતીયાં જ મરી ગયાં. સિંહનાં પંજાનો એક ફટકો ખાતાં જ તે શિયાળ પોપટની જેમ બધું બકવાં લાગ્યો. પોતાની ભૂલ પણ તેણે કબૂલી લીધી. બધાં પશુ-પંખીઓ તો શિયાળને મારવાં પણ લાગ્યાં. પરંતુ સિંહરાજાએ ન્યાય કર્યો કે પીન્ટું સસલાંની વાડીની શેરડી નવેસરથી તેણે મહેનત, પરિશ્રમ દ્વારા ઉગાડી આપવાની રહેશે.

સિંહનો ન્યાય જોઈ દરેકને સંતોષ થયો અને પાછળથી તે શિયાળ સુધરી ગયો હોં.

અનુક્રમણિકા

૨૬. સાત સૂંઢવાળો હાથી

એક જંગલ હતું. તે જંગલમાં અનેક પ્રકારનાં પશુ-પંખીઓ રહેતાં હતાં. જેમાં સિંહ, હાથી, સસલાં, વાંદરા, મોર, બગલા, બતકા વગેરેનો સમાવેશ થતો હતો.

તે જંગલથી થોડે દૂર ઉપર એક વિશાળ તળાવ આવેલ હતું. તે તળાવમાંથી જંગલનાં પશુ-પંખીઓ પાણી પીને તૃપ્ત થતાં હતાં. તે તળાવની એક ખાસિયત હતી કે તે તળાવમાં જો કોઈ ભૂલેચૂકે અંદર ગબડી પડે ને તો તે પછી તે બહાર નીકળી શકતું નહીં. આથી ઘણીવાર જંગલનાં પશુ-પંખીઓ તે તળાવ ઉપર પાણી પીવાં માટે ડરનાં માર્યા જતાં નહીં. પરંતુ પાણી પીધાં વગર તે કંઈ ચાલે ખરું?

એક દિવસની વાત છે. સંધ્યાનો સમય હતો. જંગલનાં તમામ પશુ-પંખીઓ આવા સમયે તે તળાવ ઉપર પાણી પીવાં માટે ઉમટવાં લાગ્યાં. તે પશુ-પંખીઓમાં એક ‘સાત સૂંઢવાળો હાથી’ પણ હતો. તે હાથીને એક નાનું બચ્ચું પણ હતું. જે તેની સાથે જ તળાવ ઉપર પાણી પીવાં માટે આવ્યું હતું. તળાવનાં કાંઠા ઉપર પશુ-પંખીઓ પકડા-પકડી રમવાં ઉપર ઉતરી આવ્યાં હતાં. સસલાં પકડે તો હરણાં મોર ને પકડે. આમ, મિત્રો ભાવે તેઓ બધાં અંદરો અંદર એક સંપથી રહેતાં હતાં.

સહસા આવા સમયે તે ‘સાત સૂંઢવાળો હાથી’ નું બચ્ચું દોડતાં દોડતાં તે તળાવમાં જઈ પડ્યું. બસ ખલાસ? તળાવમાં એક વખત જો કોઈ પડે ને તો તે બહાર કોઈ પણ કાળે નીકળી શકતું નહીં. હાથીનાં નાનાં બચ્ચાંની ચીખ સાંભળી પશુ-પંખીઓ તળાવનાં કાંઠા ઉપર આવીને તે બચ્ચાંને બચાવવાં માટે દોડોદોડી કરવાં લાગ્યાં. ‘સાત સૂંઢવાળો હાથી’ ને પણ તેનાં બચ્ચાંને આ રીતે તળાવમાં પડી ગયેલ જોઈ ખૂબ જ દુઃખ થયું. બાદમાં તે આંસુભીની આંખોએ તળાવને કહેવાં લાગ્યો. હે તળાવજી, મારા બચ્ચાંને મને પાછું અપાવો? અન્યથા હું આ તળાવને પાણી વગર સૂકવી જ નાંખીશ શું?

પરંતુ તે તળાવ તે કઈ રીતે સાત સૂંઢવાળા હાથીનાં બચ્ચાંને પાછું આપે હેં? અને... અને... અંતે તે હાથીએ પોતાનું રોદ્રસ્વરૂપ ધારણ કર્યુ. તેણે પોતાની સાત સૂંઢને ખૂબ જ લાંબી કરી. અને પછી આકાશ સામે જોઈ જોસપૂર્વક ગર્જના કરી. જે સાંભળીને નાનાં નાનાં સસલાં, મોર, બગલાં વગેરે બેશુધ્ધ બની ગયાં. પરંતુ ત્યારબાદ તે હાથીએ તે સાતેય સૂંઢને તળાવમાં ડૂબાડીને તે તળાવનું પાણી ચૂસવા લાગ્યો. અને... અને... થોડીવારમાં તો તળાવનું પાણી જ સૂકાઈ ગયું. આ જોઈ અન્ય પશુ-પંખીઓ સાથે તળાવ પણ અવાચક બની ગયું. અને તે સાત સૂંઢવાળા હાથીનાં બચ્ચાંને બહાર કાઢવામાં આવ્યું.

ત્યારબાદ બધાં પશુ-પંખીઓની આજીજીથી તે સાત સૂંઢવાળા હાથીએ પોતાની સૂંઢો ખાલી કરતાં તે તળાવને પુનઃ પાણીથી છલોછલ ભરી દીધું. આ જોઈ બધાં પશુ-પંખીઓએ તે સાત સૂંઢવાળા હાથીની જય બોલાવી. તે હાથીનું બચ્ચું સાત સૂંઢવાળા હાથીને વળગી જ પડ્યું હોં. તે તળાવ પણ આ જોઈ રાજી રાજી થઈ ઉઠ્યું.

પુનઃ બધાં પશુ-પંખીઓ આનંદ કિલ્લોલ કરતાં હળીમળીને જંગલમાં રહેવાં લાગ્યાં.

અનુક્રમણિકા

૨૭. બ્રહ્મ રાક્ષસ અને અજબ ખેલ

એક સરોવર હતું. તે સરોવરમાં એક ‘બ્રહ્મ રાક્ષસ’ રહેતો હતો. તે સરોવર પાસે એક ઘટાઘન ઘોર જંગલ પણ આવેલ હતું. તે જંગલમાં રહેતાં પશુ-પંખીઓ સાંજ પડે અને તે સરોવરમાં પાણી પીવાં આવતાં હતાં. આથી તે સરોવરમાં રહેતો બ્રહ્મ રાક્ષસ તે પાણી પીવાં આવેલ પશુ-પંખીઓનો સ્વાહા કરી જતો હતો. આથી તે જંગલનાં પશુ-પંખીઓમાં હાહાકાર મચી ગયો હતો. તે જંગલનાં પશુ-પંખીઓએ એક સભા ભરી. અને સિંહરાજા તેનાં અધ્યક્ષ હતાં. હાથી, હરણાં, સસલાં વગેરે બોલી ઉઠ્યાં. મહારાજ, હવે આપણે પાણી પીવાં જશું ક્યાં હેં?

દરેક પશુ-પંખીઓનાં ચહેરાં ઉપર ચિંતાનાં વાદળો દોડી રહ્યાં હતાં. હા ભલાં પાણી વગર તો ચાલે જ કેમ હેં? સહસા સભા વચ્ચેથી એક વાંદરો આગળ આવ્યો. અને પછી તે બોલ્યો, મહારાજ, આ સરોવરમાં રહેલ બ્રહ્મ રાક્ષસને આપણે એક પડકાર ફેંકીએ. અને કહીએ કે જો તું ત્રણ દિવસમાં આ સરોવર છોડીને નહી જાય ને તો તો પછી અમો બધાં આ સરોવરને ખાલી જ કરી નાંખીશું શું?

આ સાંભળી શિયાળ બોલ્યું. પરંતુ જો તે બ્રહ્મ રાક્ષસ આ સરોવર છોડીને જવાની ના પાડે તો શું? સિંહરાજા બોલ્યાં, પરંતુ આપણે તેને ખોટી ધમકી આપવામાં જાય શું હેં? આમ, એક દિવસ તે સરોવર ઉપર સિંહરાજા, હાથી, શિયાળ, વાંદરા વગેરેની ચુનંદી ફોજ પહોંચી ગઈ અને બ્રહ્મ રાક્ષસને પડકાર ફેંક્યો. આ સાંભળી બ્રહ્મ રાક્ષસ સરોવરમાંથી બહાર આવીને બોલ્યો. અરે મગતરાંઓ, તમો મારી સામે તે શું કરી શકવાનાં હતાં હેં? અરે હું સામો પડકાર ફેંકુ છું કે જો કોઈનામાં પણ શક્તિ, તાકાત હોય ને તો આ સરોવરનું એક પણ પાણીનું બુંદ પી તો જુએ. આ સાંભળી વાંદરાને ચાનક ચડી. અને પછી તે બોલ્યો. અરે ઓ બ્રહ્મ રાક્ષસ, તું એક બુંદની વાત કરે છે હેં? પરંતુ જો હું ધારું ને તો તો આ સરોવર જ ખાલી કરી નાખું શું? બસ, ખલાસ? બ્રહ્મ રાક્ષસ પણ ગાજિયો જાય એમ નહોતો. તેણે તે વાંદરાનો પડકાર સ્વીકારી લીધો અને પછી તે બોલ્યો, અરે ઓ બંદરીયાં, જો તું આ સરોવરમાંથી ખાલી દશ ડોલ પાણીની ભરીને મને બતાવીશને તો તો હું સરોવર ખાલી કરીને જતો રહીશ શું?

આમ, બ્રહ્મ રાક્ષસ અને વાંદરા વચ્ચે શરત લાગી હતી. બધાં પશુ-પંખીઓને તે વાંદરામાં પુરી શ્રધ્ધા હતી. વાંદરાએ ચેલેન્જ ઉપાડી લીધી. પછી બીજા દિવસે તેણે પોતાની યોજનાં મુજબની કામગીરી ચાલુ પણ કરી દીધી. જ્યારે જળ રાક્ષસ તો પગ ફેલાવીને સરોવરમાં આરામ કરતો હતો. તે ગુમાનમાં હતો કે મારા ડરથી કોઈ પણ પશુ-પંખીઓ તળાવની નજદીક પણ ફરકી નહીં શકે હોં. જ્યારે આ બંદરીયો તો દશ ડોલ પાણીની ભરવાની કહી છે હેં? પરંતુ વાંદરો પણ ખૂબ જ ગણતરીવાળો હતો. તેણે અન્ય જગ્યાએથી કમળની દાંડલીઓ હાથ કરી લીધી. અને પછી તે દાંડલીયોને જોડી, લાંબી કરી પાઈપની જેમ, પાછી તે દૂર જઈ કમળની દાંડલીઓને સરોવર તરફ લંબાવી તેમાં ડૂબાવીને તે ખૂબ જ ઉંડા શ્વાસ લેતાં પાણીની દશ ડોલ ભરવાં લાગ્યો. અન્ય પશુ-પંખીઓ તો તે વાંદરાની આવી ચાલાકભરી યુક્તિથી દંગ જ રહી ગયાં હતાં.

અને... અને... ધીરે ધીરે દશ ડોલ પાણીની ભરાઈ ગઈ હોં. તે સાથે જ પશુ-પંખીઓ તો ચીચીયારી પાડવાં લાગ્યાં. હીપ હીપ હું..રે..રે... શાબાશ શાબાશનાં નારાઓ હવામાં ગુંજવાં લાગ્યાં. આ સાંભળી સરોવરમાં રહેલ બ્રહ્મ રાક્ષસ તો દોડીને ઉપર આવ્યો. અને ત્યાં આગળ આવીને તેણે શું જોયું? હા, કાંઠા ઉપર વિશાળ સંખ્યામાં પશુ-પંખીઓ હતાં. અને સામે જ દશ ડોલ પાણીની છલોછલ ભરેલ હતી. આ જોઈ બ્રહ્મ રાક્ષસની આંખો જ અંજાઈ ગઈ. ઘડીભર તો તેનાં માઈનમાં જ આવ્યું નહીં કે આ પાણી ડોલમાં આવ્યું કઈ રીતે હેં? પરંતુ સત્ય તો સામે જ હતું હોં.

ત્યારબાદ સિંહરાજા બોલી ઉઠ્યાં. તો બ્રહ્મ રાક્ષસ, હવે તમો આ સરોવર ખાલી કરીને તુરંત ચાલ્યાં જાવ શું? બ્રહ્મ રાક્ષસ આમ તો વચનનો તો ખૂબ જ પાકો હતો. તે સમજી ગયો હતો કે આ સરોવરમાં રહેવું હવે વધું સારું નહીં શું? બાદમાં તે બ્રહ્મ રાક્ષસ તે સરોવરમાંથી સમુદ્ર તરફ મોટી મોટી છલાંગો ભરતો ચાલ્યો ગયો. આ જોઈ પશુ-પંખીઓમાં આનંદની સાથે રોમાંચ વ્યાપી ગયો. દરેક પશુ-પંખીઓ તે વાનરરાજને ધન્યવાદ આપવાં લાગ્યાં.

અનુક્રમણિકા

૨૮. પરોપકારી હંસ

એક સરોવર હતું. તે સરોવરમાં એક ‘પરોપકારી હંસ’ રહેતો હતો. તે સરોવરમાં જે કોઈ જલચર પંખીઓ કે પ્રાણીઓ આવતાં તેનું તે ખૂબ જ ધ્યાન રાખતો હતો. જમવાં માટેની સંપૂર્ણ વ્યવસ્થા તે કરી આપતો હતો.

એક દિવસની વાત છે. તે સરોવર ઉપર એક પારધી જાળ લઈને આવી ચડ્યો. અને પછી તે ‘પરોપકારી હંસ’ ને ઉદ્દેશીને બોલ્યો. એ હંસલા, જો તું મને સાચા મોતી લાવીને આપીશ ને તો જ હું આ સરોવર ઉપરથી એક પણ શિકારને પકડ્યાં વગર જઈશ શું? અન્યથાં આ સરોવરમાં રહેલ અસંખ્ય રંગબેરંગી માછલીઓને જાળમાં સપડાવીને લઈ જઈશ શું?

લુચ્ચાં પારધીની આવી વાણી સાંભળી હંસને ખૂબ જ દુઃખ થયું. બાદમાં તે પરાણે, નછૂટકે સરોવરની અંદર ડૂબકી મારી સાચા મોતીઓ લઈને તેણે તે લુચ્ચાં પારધીને આપ્યાં. આ જોઈ પારધીની આંખો ચાર થઈ ઉઠી. બાદમાં તેણે મનોમન નિર્ણય કર્યો કે હવે તો રોજ આ સરોવર ઉપર આવીને આ હંસલા પાસેથી તેને દબડાવીને મોતીઓ લઈ જવાં પડશે? આમ લાલચું, લોભી, પારધી તો હરખાતો પોતાનાં ઘર તરફ ઉપડ્યો. પરંતુ થોડે જ તે પારધી ગયો હશે કે સામેથી ઉડતો ઉડતો એક વિશાળ કદનો ગીધ આવી ચડ્યો. તે આજે ખૂબ જ ભૂખ્યો હતો. અને સામેથી એક હષ્ટપૃષ્ટ મનુષ્યને આવતો જોઈ તેનાં મોંમાં પાણી ઉભરાઈ આવ્યાં. બાદમાં તે પોતાની વિશાળ પાંખોને ફેલાવી, પગનાં પંજાને પહોળાં કરી તેણે તે પારધીને પોતાનાં પગનાં પંજામાં દબોચીને તે આકાશ માર્ગે ઉડવાં લાગ્યો.

આમ, તે પારધી પોતાની બુરી લાલચમાં ગીધનો કોળીયો બની ગયો. સરોવરમાં બાદમાં શાંતિ પથરાઈ ગઈ. જ્યારે તે ‘પરોપકારી હંસ’ પોતાની સેવાકીય પ્રવૃતિમાં રત રહેવાં લાગ્યાં.

અનુક્રમણિકા

૨૯. કમળનાં ફૂલોનું મધ

એક તળાવ હતું. તે તળાવમાં કેટલાંક આકર્ષક, સુંદર મઝાના કમળો આવેલ હતાં. તે કમળોનાં ફૂલોમાં અજબ પ્રકારનાં મધનું સંચય થયેલ હતું. હા, તે કમળો પોતાની જાતે જ શક્તિદાયક, પોષ્ટિક મધ બનાવી શકતાં હતાં. આથી તે કમળોમાં કોઈ અજબ પ્રકારની શક્તિ, જોમ, જુસ્સો વર્તાઈ રહ્યાં હતાં. તેઓનાં ચહેરાં ઉપર દિવ્ય તેજની રોશની ઉભરાઈ રહી હતી.

સંધ્યાનો સોનેરી, આહ્‌લાદક સમય હતો. ઠંડી હવા ચારે તરફ લહેરાઈ રહી હતી. તળાવનાં કમળો અલૌકિક મધ બનાવી રહ્યાં હતાં. બરોબર આવા સમયે મયુરનગરીનાં રાજા કેસરીસિંહ તેમનાં રસાલાં સાથે તે તળાવ ઉપરથી પસાર થયાં. સહસા તેમની નજર તળાવ વચ્ચે રહેલ દિવ્ય કમળોને મધ મીઠું મધ બનાવતાં જોઈ તેઓ દંગ રહી ગયાં. તેઓએ તેમની આટલી જીંદગીમાં આવા પ્રકારનાં કમળો કે કમળોને મધ બનાવતાં તે ક્યારેય જોયાં નહોતાં હોં. બાદમાં તેઓએ સિપાહીઓને આદેશ કર્યો કે તેઓ તળાવમાં જઈ તે દિવ્ય કમળોને હાથ કરીને આવે?

બસ, ખલાસ? રાજા કેસરી સિંહનો આદેશ મળતાં જ સિપાહીઓ તો ખુલ્લી તલવાર સાથે તળાવમાં ઉતરી તે દિવ્ય કમળોને હાથ કરવાં ગયાં. અને... અને... તે સાથે જ તે બધાં સિપાહીઓનાં હાથ કમળ સાથે જ ચોંટી ગયાં. અને તેઓએ તેમનાં હાથ ઉખેડવાં માટે ઘણાં પ્રયત્ન કર્યા. પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. આ જોઈ રાજા કેસરીસિંહ તો ગુસ્સે થઈ ઉઠ્યાં. અને પછી તેઓ ખુદ તે કમળને હાથ કરવાં માટે તળાવમાં ઉતર્યા. અને તેઓ પણ દિવ્ય કમળ સાથે ચોંટી જ ગયાં. ન હલી શકે કે ન ચાલી શકે? રાજા કેસરી સિંહની હાલત તો ભાઈ ખૂબ જ વિચિત્ર, ધ્યાંમણી બની ગઈ હતી. અને... અને... થોડીવારમાં તો રાજા કેસરીસિંહ તેમજ સિપાહીઓની આંખોમાંથી પસ્તાવાનાં આંસુઓ ચાલ્યે જવાં લાગ્યાં. આ જોઈ દિવ્ય કમળોને તે બધાંની ધ્યાં આવી. અને તેમને બધાંને માફી પણ આપી. તે સાથે જ તે બધાનાં હાથ, પગ હાલવાં ચાલવાં લાગ્યાં. રાજા કેસરીસિંહે દિવ્ય કમળોની અંતરથી માફી પણ માંગી.

ત્યારબાદ દિવ્ય કમળોએ તેમનાં ફૂલોથી ઘડો ભરીને અમરત્વ મળે એવું મધ રાજા કેસરીસિંહને આપ્યું. જે રાજા કેસરીસિંહે આભાર સાથે લઈ તેઓ તળાવમાંથી બહાર નીકળી નગરી તરફ પ્રયાણ કરી ગયાં.

આમ, તે તળાવમાં પુનઃ દિવ્ય કમળો મધ બનાવવાની કામગીરીમાં ગુંથાઈ ગયાં. આ જોઈ તે તળાવ પણ આનંદથી ઝુમવાં લાગ્યું.

અનુક્રમણિકા

૩૦. હાથીને ઉલ્લું બનાવ્યો

પેલી કહેવત છે ને કે જ્યાં લોભીયાં હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે કેમ બરોબર ને...? તો આપણે આ કહેવતને અનુલક્ષીને વાર્તાની મોજ માણીએ.

એક ઘટાઘનઘોર જંગલ હતું. તે જંગલમાં જાત-જાતનાં અને ભાતભાતનાં પશુ-પ્રાણીઓ, પંખીઓ રહેતાં હતાં. જેમાં ખાસ કરીને સિંહરાજા, હાથી મહારાજ, શિયાળ, વાંદરા, સસલાં, મોર, બગલા, બતકા વગેરેનો સમાવેશ થતો હતો.

તે જંગલમાં એક હાથી મહારાજ પણ હતાં. તે હાથી મહારાજને એક વખત ઘડો ભરીને મધ-મીઠું મળ્યું. આથી તો તે હાથી મહારાજનાં આનંદનો કોઈ પાર ન રહ્યો. હાથી મહારાજને મધ તો ભઈ ખૂબ જ ભાવે હોં. અને તેમાંય વળી વગર મહેનતું મધ તો ભઈ એથી વધારે મીઠું લાગે પણ શું હેં? હા, તો તે હાથી મહારાજ મધનો ઘડો ભરેલ સૂંઢમાં ઉપાડીને તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યાં હતાં. અને તે વિચારતાં હતાં કે આ મધ તો ભઈ નાહી-ધોઈને પછી નદી કિનારે પગ લાંબા કરીને જ ખાવું છે હોં. આમ વિચારતાં તે હાથી મહારાજ જંગલ વચ્ચેથી પસાર થઈ રહ્યાં હતાં. આવા સમયે એક ઝાડીમાં છુપાયેલ શિયાળની નજર તે હાથી મહારાજ ઉપર તેમજ તેની સૂંઢમાં રહેલ મધનાં ઘડાં ઉપર પડી. આથી તેણે તુરંત યોજનાં ઘડી તે હાથી મહારાજની પાછળ પાછળ દબાતાં પગલે ચાલવાં લાગ્યું.

હાથી મહારાજે તો નદી કિનારે આવી પહોંચ્યાં. નદીમાં હિલોળાં લેતાં પાણીથી તેનો જુસ્સો બેવડાઈ ગયો. બાદમાં તેણે આમતેમ જોયું તો દૂર એક શિયાળને જોઈ ઘડીભર તેણે ન્હાવાનો વિચાર પડતો મૂક્યો. તે સાથે જ લુચ્ચું શિયાળ નદીનાં કાંઠા ઉપર આવી પહોંચ્યું. અને પછી તે મધ-મીઠી વાણીમાં બોલ્યું. અરે ઓ હાથી મહારાજ, આજે તો ભીમ અગીયારશ છે હોં? શું તમે હજુ સુધી સ્નાન કર્યું નથી કે? આ સાંભળી ભોળા હાથી મહારાજને થયું કે કુદરત પણ કેવી મારી ફેવરમાં છે. આજે જ ભીમ અગીયારશ છે. અને આજે જ મને આ મધ-મીઠો મધ નો ઘડો મળ્યો છે. એટલે આજે આ પુણ્યનાં દિવસનો સદ્‌ઉપયોગ તો કરી જ લેવો છે. બાદમાં તેણે મધનાં ઘડાંને શિયાળને સાચવવાં માટે આપતાં તે બોલ્યો. અરે શિયાળ, આમાં મધ ભરેલ છે. હું નાહીને આવું ત્યાં સુધી આ ઘડો સાચવશે ને તો હું તને પણ મધ ખાવા માટે આપીશ. બસ, ખલાસ? શિયાળને તો આટલું જ જોઈતું હતું. અને આમ, હાથી મહારાજે શિયાળને મધનો ઘડો ભરેલ સાચવવાં માટે આપીને તેણે નદીમાં ભૂસકો લગાવ્યો.

અને... અને... જ્યારે તે હાથી મહારાજ સ્નાન કરી બહાર આવીને શિયાળને શોધવાં લાગ્યાં. પરંતુ લુચ્ચું, કપટી શિયાળ એમ કંઈ હાથ આવે ખરું કે? હાથમાં મધ-મીઠો મધનો ઘડો ભરેલ જોઈને તે લાળ ટપકાવતું ક્યારનુંય વંજો માપી ગયું હતું. આમ, હાથી મહારાજ મધ ને સાચવવાની લ્યાયમાં હાથમાં આવેલ મધને ગુમાવી બેઠાં હોં.

અનુક્રમણિકા

૩૧. માધવની વાંસળી

માધવ એક ગરીબ ઘરનો છોકરો હતો. માધવને પુરું શિક્ષણ મળ્યું નહોતું. આથી માધવ નાનો મોટો કામધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. માધવ ને ધંધા કરતાં રંગ-બેરંગી વાંસળીઓ બનાવીને વેચવાની ખૂબ જ મઝા પડતી હતી. ગમે તેમ તો સ્વતંત્ર ધંધો તો ખરો? માધવ વનોમાં જઈને નાની મોટી વાંસની લાકડીઓ, કટકાઓ વગેરે વીણી લાવતો હતો. અને પછી તેને થોડું સુથારી કામ કરી, પાકા રંગો, ચિત્રોનો ઢાળ ચડાવી ટોપલામાં ભરીને તે એક ગામથી બીજા ગામ વાંસળીઓ વેચવા માટે નીકળી પડતો હતો.

માધવને વાંસળી વગાડતાં પણ ખૂબ જ સરસ આવડતું હતું. તેની વાંસળીમાંથી વહેતાં મીઠાં શૂરો સાંભલી છોકરાંઓ, અરે મોટેરાંઓ પણ એકઠાં થી જતાં. અને માધવને પોતાનાં મનપસંદ ગીત, ધૂનો વગાડવાનું પ્રેમપૂર્વક કહેતાં પણ હતાં. રંગબે- રંગી વાંસળીઓને ટોપલામાં કલાત્મક રીતે ગોઠવેલ જોવાનો પણ એક અનેરો આનંદ હોય છે હોં. લાલ, પીળી, રંગીન કલરોમાં વાંસળી પણ ખૂબ જ આકર્ષક લાગતી હોય છે. માધવની કેડે પણ હંમેશાં એક વાંસળી લટકતી જ હોય છે હોં.

એક દિવસની વાત છે. માધવ વાંસળીઓનો ટોપલો ભરીને એક ગામથી બીજા ગામ તરફ ચાલી નીકળ્યો. અને તેના મુખમાંથી મીઠાં શબ્દો વહેતાં હતાં. લ્યો કોઈ રંગ-બે-રંગી વાંસળી, સંગીતનાં શૂરો રેલાવતી વાંસળી લ્યો કોઈ વાંસળી. માધવ ધીમે ધીમે બીજા ગામ જવાં માટે એક વનમાંથી પસાર થઈ રહ્યો હતો. ખરાં બપોરનો સમય હતો. ધોમ તાપ પણ પૃથ્વી ઉપર પડી રહ્યો હતો. માધવને ખૂબ જ ભૂખ લાગી હોવાથી તે એક વિશાળ આંબાનાં વૃક્ષ નીચે બેઠો. સાથમાં લાવેલ ભાખરી અને શાક ને તેણે ટોપલામાંથી કાઢ્યાં. અને પછી વાંસળીનાં ટોપલાંને વૃક્ષ પાસે જ એક તરફ મૂકીને તે પ્રેમપૂર્વક ભાખરી અને શાક ખાવાં લાગ્યો. ખાઈ લીધાં બાદ આંખોમાં ઘેન ભરાતાં તે થોડીવાર ઉંઘી ગયો.

હવે બન્યું એવું કે માધવ જે વૃક્ષ નીચે ઉંઘી ગયો હતો. તે આંબાનાં વૃક્ષ ઉપર કેટલાંક નાનાં પરંતુ નટખટ વાંદરાઓ રહેતાં હતાં. અને તેઓ ક્યારનાંય ટોપલામાં રહેલ રંગ-બે-રંગી વાંસળીઓને ટીકી ટીકીને જોઈ રહ્યાં હતાં. અને તેઓ માધવના ઉંઘી જવાની જ રાહ તેઓ જાણે જોઈ રહ્યાં હતાં. માધવ જેવો ઉંધે ચડી ગયો તે સાથે વૃક્ષ ઉપરથી નટખટ વાંદરાઓ ઉતરી ઉતરીને ટોપલામાંની રંગ-બે-રંગી વાંસળીઓ લઈને ફટોફટ કરતાં પુનઃ વૃક્ષ ઉપર ચડી ગયાં. અને પછી અંદરો અંદર તેઓ રમવાં લાગ્યાં. માધવ જ્યારે જાગ્યો. અને પછી ટોપલામાં એક પણ વાંસળીને ન જોતાં જ ઘડીભર તો તે દંગ જ રહી ગયો. બાદમાં વૃક્ષ ઉપર નજર કરી તો પોતાની રંગ-બે-રંગી વાંસળીઓને વાંદરાઓનાં હાથમાં જોઈ થોડી નવાઈ પણ લાગી. બાદમાં તે સમજી ગયો કે પોતે જ્યારે ઉંઘી ગયો હતો ત્યારે આ બધાં વાંદરાઓએ પોતાનાં ટોપલામાંની બધી જ વાંસળીઓ તેઓ લઈ ગયાં હતાં.

માધવે વાંદરાઓ પાસેથી વાંસળીઓ પરત મેળવવા માટે અનેક પ્રયત્ન કર્યા. પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. સહસા તેનાં દિમાગમાં ચમકારો થયો. અને પછી તેણે પોતાનાં કેડ ઉપર રહેલ વાંસળીને કાઢી. અને તેમાંથી તે ચિત્ર-વિચિત્ર સ્વરે શૂરો રેલાવવાં લાગ્યો. અચાનક તે બધાં વાંદરાઓનાં દિમાગમાં હલચલ મચવાં લાગી. તેઓએ આવું સંગીત, શૂરો તો ક્યારેય પણ સાંભળ્યાં નહોતાં હોં. અરે કલ્પના શુધ્ધાં તેઓએ કરેલ નહોતી હોં.

અને... અને... બધાં વાંદરાઓ પોત પોતાની પાસે રહેલ રંગ-બે-રંગી વાંસળીઓ માથા ઉપર મૂકી ઠેકડાં મારતાં જમીન ઉપર આવી ગયાં. અને પછી તે રંગ-બે-રંગી વાંસળીઓને માથા ઉપર મૂકીને તેઓ માધવનાં શૂરો ઉપર નૃત્ય કરવાં લાગ્યાં. એક લાઈનમાં આટલાં બધાં વાંદરાઓને નૃત્ય કરતાં જોવાં તે પણ એક પ્રકારનો લ્હાવો હતો હોં.

તે બધાં વાંદરાઓનાં શરીર ઉપરથી નૃત્ય કરવાનાં કારણે પરસેવાનાં રેલાઓ ઉતરી રહ્યાં હતાં. તેઓને એ પણ ન્હોતું સમજાતું કે તેઓ તે છોકરાની વાંસળીનાં શૂરો ઉપર નૃત્ય કરી રહ્યાં હતાં કે અન્ય કોઈ કારણોસર. માધવને લાગ્યું કે હવે તેણે વાંસળીને બંધ કરવી જ જોઈએ. અને ખરેખર તેણે વાંસળીને વાગતી બંધ કરી દીધી. તે સાથે જ બધાં વાંદરાઓ નૃત્ય કરતાં અટકી ગયાં. અને પછી તેઓ તેમની પાસે રહેલ વાંસળીઓને ટોપલામાં મૂકીને તેઓ હૂપા હૂપ કરતાં આંબાનાં વૃક્ષ ઉપર પુનઃ ચડી ગયાં. અને થોડીવારમાં તો માધવ પણ ટોપલામાં ભરાયેલ તમામ વાંસળીઓને લઈ, વૃક્ષ ઉપરનાં વાંદરાઓને સ્નેહભાવે જોતો તે બીજા ગામ તરફ વાંસળી વેચવાં માટે ચાલ્યો ગયો.

જ્યારે વૃક્ષ ઉપરનાં વાંદરાઓ નિર્દોષ ભાવે, માંજરી આંખે માધવને જતાં જોઈ રહ્યાં.

માધવ મનમાં ગીત ગણગણતો હતો.

રંગ-બે-રંગી વાંસળીઓ, ભોળાં વાંદરાઓ,

અપલક નયનો, સુંદર દૃશ્યો, ઉંચા આભલાઓ,

મધુર દૃશ્યો, ઝરણાં, પહાડો, પર્વતો, સંગીત વગાડું,

બંદરો નચાવું, ગગનમાં ખોવાઉં.

અનુક્રમણિકા

૩૨. ગાતી કોયલ

ઝરણાનાં કાંઠા ઉપર એક કોયલ મધુર કંઠે ગીતો ગાઈ રહી હતી. સંધ્યાનો સુમધુર, આહ્‌લાદક સમય હતો.

બરોબર આવા સમયે એક લુચ્ચો પારધી ફરતો ફરતો તે ઝરણાં ઉપર પાણી પીવાં માટે આવી ચડયો. સહસા તેનાં કાન ઉપર ગાતી કોયલમાં મીઠાં ગીતો અથડાયાં. આથી ઘડીભર તો તે ઝુમવાં લાગ્યો. બાદમાં તે ગાતી કોયલને હાથ કરવાં માટે દબાતાં પગલે ગાતી કોયલની પાછળનાં ભાગમાં તે ચાલવાં લાગ્યો.

નિર્દોષ, પ્રકૃતિની શોભામાં વધારો કરતી કોયલ ગાવામાં રત હતી. તેમ માનીને લુચ્ચાં પારધીએ હાથ લાંબા કર્યા. અને તેણે ગાતી કોયલને જાણે પકડી જ લીધી હોં. અને પછી તે ગર્વથી ફૂલાતો કોયલને તતડાવવાં માટે તેણે પોતાનાં હાથને આંખ સામે કર્યો. પરંતુ આ શું...? તેની છાતી ભયથી થરથરવાં લાગી. હા, તેનાં હાથમાં ગાતી કોયલને બદલે જીવતો જાગતો સાપ આવી જતાં જ તેનાં રુઆડાં ઉભાં થઈ ગયાં. તેનાં આખા શરીરે પરસેવાનાં રેલાઓ ઉતરવાં લાગ્યો. અંતરથી તે બેહદ પસ્તાવો પણ કરવાં લાગ્યો. અને... અને... તે સાથે જ તેના હાથમાં પુનઃ ગાતી કોયલ આવી ગઈ. આ જોઈ લુચ્ચો પારધી અંતરથી પસ્તાવો કરતાં તે ગાતી કોયલને મુક્ત કરી તેની માફી માંગતો પસ્તાવાં સાથે ચાલ્યો ગયો.

પુનઃ તે કોયલમ મધમીઠાં ગીતો ગાવા લાગી. આવું અદ્‌ભૂત દૃશ્ય, ઘટના નિહાળી તે ઝરણું પણ દંગ રહી ગયું. મનોમન તે ઝરણું પણ બોલી ઉઠ્યું. ભલા ઈશ્વરની લીલાં તે કોણ જાણી શકે હેં?

અનુક્રમણિકા

૩૩. ભેદી ટાપુ

રુપેણ બંદરેથી ઉપડેલું પ્રવાસી જહાજ પોતાની શાહી સવારી કરતું આગળ ધપતું હતું. તે પ્રવાસી જહાજમાં પાંચસો થી વધું પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યાં હતાં. જહાજ અતિ વિશાળ હતું અને તે જહાજમાં મુસાફરો, પ્રવાસીઓ માટેની સંપૂર્ણ સુવિધાઓ મોજૂદ હતી. જમવાની, રમવાની, સિનેમા જોવાની, આરામદાયક ચેર, ગોલ્ફ રમવાની તેમજ ગ્રંથાલયની પણ સુવિધાઓ હતી. દેશવિદેશનાં પેપરો, જુદી જુદી ભાષાનાં પુસ્તકો વગેરે પણ હતાં. રાત્રીનાં સમયે જહાજનાં વિશાળ મેઈન હોલમાં રંગારંગ કાર્યક્રમોની પણ વ્યવસ્થાઓ હતી.

જહાજનો કેપ્ટન સતીષ શર્મા અતિ કુશળ કેપ્ટન હતો. તેમજ દરેક પ્રકારનો સ્ટાફ, અદ્યતન રડાર, મશીનો, દરિયાનું પાણી શુધ્ધ કરીને પીવા માટેની મશીનરીઓ પણ હતી. ટૂંકમાં પ્રવાસીઓની સંપૂર્ણ સુખાકારીની વ્યવસ્થા તે જહાજમાં હતી.

એક દિવસની વાત છે. ગાઢ અંધકાર સમગ્ર પૃથ્વી ઉપર ઉતરી આવ્યો હતો. પ્રવાસી જહાજમાં રોશની, લાઈટો ઝબૂકી રહી હતી. લોકો મોજ મનોરંજનમાં ડૂબી ગયાં હતાં. ચુનંદા કર્મચારીઓ જહાજને તેની લયમાં આગળ હંકારી રહ્યાં હતાં. એકાએક સમંદરમાંથી ભયંકર લહેરો ઉઠવાં લાગી. જહાજ હાલકડોલક થવાં લાગ્યું. પ્રવાસીઓ ભયનાં માર્યા ગભરાઈ ગયાં. કેપ્ટન શર્મા સાહેબ પોતાની કેબીનમાંથી બહાર ધસી આવ્યાં. અને જહાજનાં મશીન રુમમાં પહોંચીને જરુરી સૂચનાંઓ આપવાં લાગ્યાં. સમંદરની ફૂંફાડાં મારતી લહેરોથી સામાન્ય લોકોનાં કાળજાં કંપી ઉઠ્યાં. કેપ્ટને દરેકને શાંતિપૂર્વક રહેવાની સલાહ આપી. પરંતુ સમંદરમાં તો આજે ન થવાનું તે થવાં લાગ્યું. જોરશોરથી હવા ફૂંકાવાં લાગી. સમંદરનાં લોઢ સમા પાણી ઉછળવાં લાગ્યાં. અને જહાજમાં તે પાણી ઘૂસવાં લાગ્યાં. કેપ્ટન તે પાણીને અન્ય એક દરવાજો ખોલાવીને પુનઃ સમંદરમાં ઠાલવવાની સૂચનાં આપવા લાગ્યાં. અને... અને... જહાજની બત્તીઓ ગુલ થઈ ગઈ. આથી જહાજમાં ભયંકર શોરબકોર વ્યાપી ગયો. ધીરે ધીરે જહાજનું એન્જીન બંધ પડી ગયું. જહાજનાં એન્જીનીયરો કામે લાગ્યાં. પરંતુ સંપૂર્ણ અંધકાર હોવાથી કોઈને કશુ જ દેખાતું નહોતું.

અને... અને... અંતે તે જહાજ એક કાંઠા ઉપર ઘસડાઈ આવ્યું. કાંઠા ઉપર નકરી રેતીના ગંજ ખડકાયેલ હતાં. ઉંચી ઉંચી નાળિયેરીઓનાં વૃક્ષો અતિ બિહામણાં લાગી રહ્યાં હતાં. આકાશમાં ચાંદની રોશની રેલાવી રહી હતી. કેપ્ટન સતીષ શર્માની સૂચનાંથી બધાં પ્રવાસીઓ કાંઠા ઉપર ઉતરી આવ્યાં. રખેને જો જહાજ ક્યાંયનું ક્યાંય ફંગળાઈ જાય હોં. કેપ્ટન શર્માનાં ચહેરાં ઉપર ચિંતાનાં વાદળાંઓ ઉપસવાં લાગ્યાં. કેટલાંય પ્રવાસીઓ રડવાં લાગ્યાં. પરંતુ તેમાં કેટલાંક તો સાહસિક પણ હતાં. તેઓ કાંઠા ઉપર આગળ ચાલ્યાં. અને તેઓએ ચાંદનીની રોશનીમાં જોયું તો તેઓને તે જગ્યાં એક નિર્જન ટાપુ લાગ્યો.

થોડીવારમાં તો તે પ્રવાસીઓનાં ચહેરાં ઉપર મશાલનાં અજવાળાં પથરાવાં લાગ્યાં. આ જોઈ તેઓ બધાં તો ડરી જ ગયાં. એટલીવારમાં તો તે ભેદી ટાપુ ઉપર રહેતાં આદિવાસીઓ હાથમાં મશાલ, ભાલા અને તીરકામઠાં લઈને ધસી આવ્યાં. અને બધાં પ્રવાસીઓને ઘેરી જ વળ્યાં. અને પછી તેઓ તેમની ભાષામાં કશુંક બોલવાં લાગ્યાં. પરંતુ કોઈ પણ પ્રવાસી તેમની ભાષા જાણતાં નહોતાં પરંતુ કેપ્ટન સતીષ શર્મા ને તે આદિવાસીઓની ભાષા થોડી ઘણી ફાવતી હતી. આથી તેણે તે આદિવાસીનાં બિહામણાં લાગતાં સરદારને વિનંતી કરી કે તેઓ તેમને કંઈક મદદરુપ બને.

પરંતુ આદિવાસીઓનાં સરદારે શર્મા સાહેબની એક પણ વાત માની નહીં. અને અંતે તે બધાં જ પ્રવાસીઓને આદિવાસીઓ બંદીવાન બનાવીને તેઓ ભેદી ટાપુની અંદર લઈ ગયાં. બાળકો તો રીતસરનાં રોવાં જ લાગ્યાં. આદિવાસીનાં સરદારે દરેકને ડારતાં તેમની ભાષામાં કહ્યું. જો કોઈએ પણ કશી ગરબડ કરી છે ને તો પછી આ ટાપુ ઉપર જ તેમની કબર બની જશે. શર્મા સાહેબે પ્રવાસીઓને તે સરદારની વાત કહી સંભળાવી. આથી તો મહિલાઓ રોઈ જ પડી. શર્મા સાહેબે ધીરજ રાખવાં કહ્યું. અંતે તેઓ બધાં એક વિશાળ મેદાન ઉપર આવ્યાં. જ્યાં આગળ આદિવાસી મહિલાઓ, બાળકો, પુરુષો મોટી સંખ્યામાં કશુંક નાચગાન કરી રહ્યાં હતાં. તેઓનો પહેરવેશ પણ ખૂબ જ વિચિત્ર હતો. હાથમાં ખોપડીઓ હતી. ચારે તરફ નાચગાન ચાલી રહ્યું હતું. એક સામટાં આટલાં બધાં પ્રવાસીઓને જોઈ તેઓ નાચગાન ચાલી રહ્યું હતું. એક સામટાં આટલાં બધાં પ્રવાસીઓને જોઈ તેઓ નાચતાં બંધ પડી ગયાં. અને પ્રવાસીઓને તેઓએ ઘેરી જ લીધાં.

કેપ્ટન શર્મા સાહેબ તથા તેનાં ચુનંદા સ્ટાફ ચિંતિત હતાં. હા, કોઈ પણ ભોગે આ આદિવાસીઓનાં હાથમાંથી છૂટકારો તો મેળવવો જ પડશે. અન્યથાં તેઓ બેરહમ બનીને ન જાણે શું કરશે? સહસા કેપ્ટન શર્માને પોતાની કમર ઉપર લટકતી રીવોલ્વર યાદ આવી. મનોમન તેણે યોજનાં પણ બનાવી લીધી. અને પછી રીવોલ્વર કાઢીને ઉપરા ઉપર તેમાંથી બે ફાયર કર્યા. ગાઢ અંધકારમાં કાન ફાડી નાંખે એવાં અવાજો સાંભળી આદિવાસીઓ ભયનાં માર્યા ત્યાંથી ભાગવાં લાગ્યાં. તેઓએ તેમની જીંદગીમાં આવા અવાજો ક્યારેય પણ સાંભળ્યાં નહોતાં હોં. અને થોડીવારમાં તો પ્રવાસીઓ સીવાય એક પણ આદિવાસી ત્યાં નહોતાં. આ જોઈ પ્રવાસીઓ આનંદીત થઈ ઉઠ્યાં. તેઓએ રાહતનો શ્વાસ લીધો. અને પછી બધાં કાંઠે આવ્યાં. સવાર પડતાં જ કેપ્ટન સતીષ શર્માએ જહાજ ચાલુ કર્યુ અને તે સાથે જ જહાજ ચાલુ પણ થઈ ગયું. હવામાન પણ અતિ ખૂશ્નુમાં હતું. તોફાન સમી ગયું હતું. અને... અને... બધાં પ્રવાસીઓ જહાજમાં ચઢી ગયાં. શર્મા સાહેબે જહાજ ચાલુ કર્યું. હાશ, એક મોટી આફત તો ટળી.

ત્યારબાદ પ્રવાસી જહાજ પોતાનો પ્રવાસ પૂરો કરીને પુનઃ રુપેણ બંદરે આવી પહોંચ્યું. સુખરુપ હોં. બધાં પ્રવાસીઓએ કેપ્ટન શર્મા સાહેબનો આભાર પણ માન્યો. આ સાંભળી શર્મા સાહેબ બોલી ઉઠ્યાં. મિત્રો, આમાં આભાર માનવાનો ન હોય શું? મારી પણ જવાબદારી, ફરજ હોય છે હોં.

બોધ : જોયું મિત્રો, આફતનાં સમયે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે કેમ, બરોબર ને?

અનુક્રમણિકા

૩૪. સાધુ અને પોપટ

એક કુટિરમાં સાધુ તપ કરી રહ્યાં હતાં. તે સાધુને એક પોપટ સાથે અતિ લગાવ હતો. અને તે પોપટને પણ સાધુ સાથે જાણે શિષ્યનો સંબંધ હતો. તે મુજબ તે પોપટ સાધુ માટે ક્યાંય ક્યાંથી ફળો તોડી લાવીને તે સાધુને આપતો હતો. આ જોઈ સાધુની આંખોમાં પ્રેમ ઉભરાઈ આવતો હતો. સાધુને લાગતું કે કોઈ ગત જનમમાં આ પોપટ તેનો પુત્ર હોવો જોઈએ. જે આ જનમમાં તે પોતાની આવી ઉમદા સેવા કરે છે.

એક દિવસની વાત છે. તે ભલો પોપટ આંબાની ડાળીએ બેઠોબેઠો ભક્તિસભર ગીતો ગાઈ રહ્યો હતો. સંધ્યાનો સમય હતો. બરોબર આવા સમયે એક લુચ્ચો પારધી તે આંબાના વૃક્ષ નીચે આવી ચડ્યો. અને... અને... તે પોપટનાં ભક્તિસભર ગીતો સાંભળી મનોમન તે આ પોપટને ઉઠાવી જવા માટે દબાતાં પગલે આંબાનાં વૃક્ષ ઉપર તે ચઢવાં લાગ્યો.

આ તરફ તે પોપટ ભક્તિરસમાં ડૂબી ગયો હતો. તેણે કશી કલ્પનાંએ કરેલ નહીં કે આમ એકાએક કોઈ પારધી તેને પકડવાં માટે વૃક્ષ ઉપર ચઢતો હશે? અને... અને... પારધીનાં લોખંડી પંજા આગળ વધતાં જ તે નિર્દોષ પોપટ તેનાં પંજામાં આવી ગયો. અને... અને... તે નિર્દોષ પોપટ ફફડી જ ઉઠ્યો. બાદમાં તે પારધીને વિનંતીઓ કરવાં લાગ્યો કે તે તેને મુક્ત કરી ધ્યે? પોતાની ઉપર એક સાધુજીની જવાબદારી પણ છે? પરંતુ તે પારધીએ પોપટની એક પણ વાત માન્ય રાખી નહીં. અને... અને... તે પારધી પોપટને પકડીને વૃક્ષ ઉપરથી નીચે આવીને ચાલતો થયો. પોપટ ફફડી રહ્યો હતો. સહસા તે પારધીનાં રસ્તા વચ્ચે એક કુટીર આવતી હતી. પારધી જેવો કુટીર પાસેથી પસાર થયો તે સાથે જ તે પારધીનાં કાળા સીસમ જેવાં પગ તે કુટીર પાસે જ ચોંટી ગયાં. અને તે પોતાનાં પગને આગળ ચલાવવાં માટે અનેક પ્રયત્નો કરવાં લાગ્યો. પરંતુ તેનાથી એક પણ ડગલું આગળ વધી શકાયું નહીં. આથી તે પારધી તો ઘડીભર ગભરાઈ જ ઉઠ્યો. ત્યારબાદ તેની આંખોમાંથી પસ્તાવાનાં આંસુઓ ચાલ્યે જવાં લાગ્યાં. તે સાથે જ તેનાં પગ હાલવાં લાગ્યાં. બાદમાં તે પારધીએ પોપટને મુક્ત કર્યો. અને તેની ખરાં હૃદયથી માફી પણ માંગી.

ત્યારબાદ તે પારધી પસ્તાવાં સાથે ચાલ્યો ગયો. જ્યારે તે પોપટ સાધુની કુટીરમાં જઈને સાધુનાં ખોળામાં બેસી ગયો. તે સમજી ગયો હતો કે પોતાની મુકિત અપાવનાર બીજું કોઈ નહીં. પરંતુ આ ગુરુજી, સાધુ જ હતાં. જ્યારે તે સાધુ મંદ મંદ હસી રહ્યાં હતાં. પોપટ ઉપર પોતાનો સ્નેહ વરસાવી રહ્યાં હતાં. જેમ પુત્ર ઉપર સ્નેહ વરસાવતાં હોય તેમ હોં.

અનુક્રમણિકા

૩૫. સોહામણું બુલબુલ

એક ફળ-ફૂલોથી ઉભરાતો બાગ હતો. તે બાગનો માળી હતો ગોરધન. ગોરધને ખૂબ જ મહેનત પરિશ્રમ પૂર્વક બાગમાં ફળ-ફૂલોનો મબલખ ફાલ લહેરાવ્યો હતો. નિયમિત બાગની સફાઈ, માવજત ખાતર-પાણી વગેરે ગોરધન કરતો હતો.

એક દિવસની વાત છે. સંધ્યાનો સોનેરી, આહ્‌લાદક સમય હતો. ગોરધન બાગની માવજતમાં ડૂબી ગયો હતો. બરોબર આવા સમયે ક્યાંકથી ઉડતું ઉડતું એક સુંદર મઝાનું ‘સોહામણું બુલબુલ’ તે બાગમાં આવીને આંબાની એક ડાળીએ જઈને બેઠું. અને પછી તે પોતાનાં કંઠમાંથી મીઠાં ગીતો રેલાવવાં લાગ્યું. જે સાંભળી ગોરધન તો દંગ જ રહી ગયો. તેણે પોતાની જીંદગીમાં આવા સુમધુર ગીતો ક્યારેય પણ સાંભળ્યાં નહોતાં હોં. ગીતોની પંક્તિ હતી.

‘હું તો ઉડું આકાશમાં, બેસું બાગમાં, મોજમસ્તી કરું ભઈ મોજમસ્તી કરું,

મારા સંગે આવો આકાશમાં, બેસો બાગમાં, ઝુમો આનંદમાં, ભઈ રહો આનંદમાં.’

‘સોહામણા બુલબુલ’ નાં મીઠાં ગીતોથી ગોરધન તો ખૂબ જ પ્રભાવીત થઈ ઉઠ્યો. બાદમાં તે બે હાથ જોડતો આંબાનાં વૃક્ષ પાસે ગયો. અને ઉંચે ગીતો ગાઈ રહેલ ‘સોહામણાં બુલબુલ’ ને વિનંતીઓ કરવાં લાગ્યો. હે ‘સોહામણા બુલબુલ’જી, ખરેખર તમારા ગીતોમાં ખૂબ જ જોમ-જુસ્સો છે હોં. માટે મારી તમોને વિનંતી છે કે તમો આ બાગમાં જ કાયમ રહેવાં આવો તો આપનો ઉપકાર થશે?

ગોરધન માળીની વાત સાંભળી ‘સોહામણા બુલબુલે’ તે બાગમાં રહેવાની સંમતિ આપી. અને આમ, તે ‘બુલબુલ’ રોજ પોતાનાં કંઠમાંથી મીઠાં ગીતો ગોરધન માળીને સંભળાવવાં લાગ્યું. સાથમાં તે અભણ એવાં ગોરધન ને શિક્ષિત પણ કરવાં લાગ્યું. લખતાં-વાંચતાં પણ તેણે ગોરધનને શીખવાડ્યું. ગોરધન તે ‘સોહામણાં બુલબુલ’ ને રોજ તાજું પાણી પાય, આંબા ઉપરની કેરીઓ ખવડાવે.

એક દિવસની વાત છે. ‘સોહામણું બુલબુલ’ મીઠાં ગીતો ગાઈ રહ્યું હતું. ગોરધન માળી તેનાં મીઠાં ગીતો સાંભળી રહ્યો હતો. બરોબર આવા સમયે ક્યાંકથી ઉડતો ઉડતો એક કાળો કાગડો તે બાગમાં આવી ચડ્યો અને પછી તેણે જોયું કે એક બુલબુલ બાગનાં માળીને મીઠાં ગીતો સંભળાવી રહ્યું છે. આથી તે ઈર્ષાથી સળગવાં લાગ્યો. અને પછી તે ‘સોહામણાં બુલબુલ’ ને ફાવેતેમ બોલવાં લાગ્યો. તેનું અપમાન પણ તે કરવાં લાગ્યો, આ જોઈ ‘સોહામણું બુલબુલ’ તો કશું જ બોલ્યું નહીં. પરંતુ ગોરધનની આંખોમાં ગુસ્સો વ્યાપી ગયો. અને પછી તેણે જમીન ઉપરથી એક પથ્થર ઉંચકીને કાળા, ઈર્ષાળું કાગડા ઉપર સ..ન..ન.. કરતો છૂટો મૂક્યો. બસ, એક પથ્થરથી જ કાળો કાગડો એક મોટા ધબાકા સાથે જમીન ઉપર પડી ગયો. અને તેની આંખોમાંથી પસ્તાવાનાં આંસુઓ ચાલ્યે જવાં લાગ્યાં. આ જોઈ સોહામણાં બુલબુલને તેની ધ્યાં આવતાં તેણે કાગડાને માફ કર્યો. બાદમાં કાગડો ત્યાંથી જતો રહ્યો. જ્યારે બુલબુલ ગોરધનને ગીતો સંભળાવવાં લાગ્યું.

અનુક્રમણિકા

૩૬. તપસ્વી સાધુ

ગંગા નદી કિનારે એક સાધુ તપ કરી રહ્યાં હતાં. સવારનો આહ્‌લાદક, ખૂશ્નુમાં સમય હતો. તે સાધુનાં ચહેરાં ઉપર સફેદ રૂની પૂણી જેવી દાઢી ફરફરી રહી હતી. ભગવાં અલ્પ વસ્ત્રોમાં સાધુની ભવ્યતાં અતી દૈદિપ્યમાન લાગી રહી હતી. આસન જમાવી, હાથમાં તુલસીની માળા સાથે તેઓ ભગવાન શિવનું સ્મરણ કરી રહ્યાં હતાં. સૂર્યનારાયણનાં કૂમળાં, આછા કિરણો સાધુની સફેદ દાઢી ઉપર રેશમી ઝાંય ઉભી કરી રહ્યાં હતાં.

ગંગા નદીનાં કિનારાથી થોડે દૂર ઉપર એક ગાઢ જંગલ આવતું હતું. તે જંગલમાં ચિત્ર-વિચિત્ર પ્રાણીઓનો વાસ હતો. સહસા આવા સમયે એક ભીમકાય હાથી ગંગા નદીનું જળ પીવા માટે આવી ચડ્યો. પાણી પીતાં પીતાં તેની નજર કિનારા ઉપર તપ કરી રહેલ સાધુ ઉપર પડી. આથી તેનાં મનોજગતમાં ગડમથલ થવાં લાગી. બાદમાં તે પોતાની સૂંઢમાં ગંગાનું પાણી ભરીને તે તપ કરતાં સાધુ પાસે આવ્યો અને પછી તેણે સાધુ ઉપર પાણીથી ભરેલ સૂંઢ ખાલી કરી નાંખી. તેમ છતાં તે સાધુને ધ્યાન ભંગ થયો નહીં. આથી તે હાથીને વધુ ઝનૂન ચડ્યું. અને પછી તો તે હાથી વારંવાર સાધુ ઉપર ગંગા નદીનું પાણી સૂંઢમાં ભરી ભરીને ઠલવવાં લાગ્યો. પરંતુ સાધુની એકાગ્રતામાં કશો જ ફરક પડ્યો. નહીં, ત્યારબાદ તે હાથીએ પોતાનાં મુખમાંથી ભયંકર ચીંઘાડ નાંખી. તેમ છતાં પણ તે સાધુ ને કશું જ થયું નહીં. તે તો પોતાની મસ્તીમાં રહી શિવનું સ્મરણ કરી રહ્યો હતો. આ જોઈ હાથી તો અતિ ક્રોધિત થતો સાધુ ને લાત મારવાં તેની તરફ ધસી ગયો.

પરંતુ સાચા સાધુની તો એ મહાનતાં હોય છે કે દુશ્મન ને પણ માફ કરવો. તેને સત્યનું જ્ઞાન કરાવવું. અને...અને... સાધુએ પોતાનાં નેત્રો ખોલ્યાં. તે સાથે જ હાથી જે ધસમસતો આવી રહ્યો હતો. તેનાં થાંભલાં જેવાં પગ જ થંભી ગયાં. આ જોઈ હાથી તો ભયભીત પામ્યો. તેણે આવી કશી જ કલ્પનાં કરેલ નહીં કે આમ એકાએક પોતાનાં વિશાળ પગ આ રીતે ચોંટી જશે. તેણે પોતાનાં પગ હલાવવાં માટે ઘણાં પ્રયત્ન કરી જોયાં. પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. અને... અને... તે હાથીનાં ચહેરાં ઉપર પસ્તાવાનાં આંસુઓ ઉભરાવાં લાગ્યાં. તેના અંતરમાંથી અવાજ ઉઠ્યો. અરે ઓ હાથી, તું એક નિર્દો, તપસ્વીનું અપમાન કરતો રહ્યો, તો શું તે ઉચિત હતું. તે તપસ્વીએ તારું તે શું બગાડ્યું હતું હેં? આમ, હાથી અંતરથી બેહદ પસ્તાવો કરવાં લાગ્યો. આ જોઈ સાધુને તેની ધ્યાં આવી. અને.. અને.. તે સાથે જ હાથીનાં પગ હાલવાં લાગ્યાં. આ જોઈ તે હાથી તપસ્વી સાધુનાં પગમાં પડીને તેની માફી માંગવાં લાગ્યો. સાધુએ માફી આપી. પ્રેમપૂર્વક તેનાં માથા ઉપર હાથ ફેરવ્યો. અને... અને... તે હાથીનાં મનોજગતનાં દ્વાર ખુલી ગયાં. તે હાથીનું સંપૂર્ણ હૃદયપરિવર્તન થઈ ગયું. અને પછી તે જંગલ તરફ ચાલતો થયો.

તે તપસ્વી સાધુ પુનઃ શિવ સ્મરણનાં કાર્યમાં ગુંથાઈ ગયાં. આ જોઈ ગંગા નદી આનંદપૂર્વક હસવાં લાગી. હા, આ સંસારમાં તપસ્વીઓ પણ હોય છે હોં.

અનુક્રમણિકા

૩૭. દયાળું કાગડો

ઉનાળાનો ધોમ તાપ સમગ્ર ધરતી ઉપર વરસી રહ્યો હતો. મનુષ્ય, પશુ-પંખીઓ છાયો પ્રાપ્ત કરવાં માટે આમ તેમ ભટકી રહ્યાં હતાં.

એક વિશાળ જંગલમાં આંબાનાં વૃક્ષ ઉપર કેટલાંક પંખીઓ આરામ કરી રહ્યાં હતાં. તે પંખીઓમાં મેના-પોપટ, કાબરકોયલ, મોર-ઢેલ, હોલા-હોલી, બુલબુલ, ચક્રવાક, કાગડા, વગેરેનો સમાવેશ થતો હતો. પંખીઓ તો ઘણાં ઉંઘી રહ્યા હતાં. પરંતુ એક કાગડો જાગતો બેઠો હતો. તે કોઈ ગહન, ઉંડા વિચારોમાં ખોવાઈ ગયો હતો. બરોબર આવા સમયે તે આંબાના વૃક્ષ નીચેથી એક હાથી પસાર થયો. હા, તે હાથી ખૂબ જ ભૂખ્યો, તરસ્યો હતો. તેનાં શરીર ઉપરથી પરસેવાનાં રેલાઓ પણ ઉતરી રહ્યા હતાં. વૃક્ષ ઉપરનાં કાગડાએ આ જોયું. આથી તેને તે હાથીની ખૂબ જ ધ્યાં આવી. અને પછી તેણે આંબાનાં વૃક્ષ ઉપરથી મધમીઠી કેરીઓ તોડી તોડીને તે હાથીને ખાવાં માટે આપી.

હાથી તો પ્રેમપૂર્વક મધમીઠી કેરીઓ ખાવાં લાગ્યો. અને તે કાગડાને મનોમન આશિર્વાદ પણ આપવાં લાગ્યો. સહસા મોરની નજર કાગડા ઉપર પડી. અને... અને... કાગડાને આ રીતે એક હાથીને કેરીઓ તોડી તોડીને આપતો જોઈ તેણે આ વાત અન્ય પંખીઓને ઉઠાડીને કરી. આથી વૃક્ષ ઉપરનાં પંખીઓ તે કાગડા ઉપર ક્રોધીત થઈ ઉઠ્યાં. અને પછી તે કાગડાને તેઓ બધાં ધમકાવવાં લાગ્યાં. તે કાગડો બોલ્યો. મિત્રો, આપવાથી વધે છે શું? મેના બોલી ઉઠી. તો કાગડાજી, તમો આંબાનું વૃક્ષ વાવતાં શા માટે નથી હેં? પછી તમ તમારે દાનેશ્વરી કર્ણ થયાં કરવાનું શું? આ સાંભળી કાગડાને ખૂબ જ દુઃખ થયું. હાથીને પણ ખૂબ જ ખોટું લાગ્યું.

એક વખતની વાત છે. વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. ચારે બાજુએથી હવાં જોરદાર વીંઝાવાં લાગી. આંબાનાં વૃક્ષ ઉપરનાં પંખીઓ તો ફોતરાની જેમ આમતેમ ફંગોળાવાં લાગ્યાં. બરોબર આવા સમયે તે હાથી આંબાનાં વૃક્ષ પાસે આવ્યો. અને ફંગોળાતાં પંખીઓને જોઈ તેને તે બધાં પંખીઓની ભારે દયા આવી. બાદમાં તે બોલ્યો, અરે ઓ પંખી મિત્રો, તમો મારી ઓથમાં આવી જાવ જોઉં? તે સાથે જ કાગડા સાથે બધાં પંખીઓ ભીમકાય હાથીની ઓથમાં આવી ગયાં. અને તેઓ બધાં સુરક્ષિત બની ગયાં. અને... અને... થોડાં સમયમાં તો હવાં પણ વીંઝાતી શાંત બની ગઈ. તે સાથે જ બધાં પંખીઓ હાથીની ઓથમાંથી બહાર આવી આંબાનાં વૃક્ષ ઉપર ચાલ્યાં ગયાં. અને પછી તે હાથીનો બધાંએ અંતરથી આભાર પણ માન્યો. તેમજ અગાઉ કરેલ ભૂલની માફી પણ માંગી હોં.

આમ, તે હાથી અને પંખીઓ પાકા મિત્રો બની ગયાં. સાથમાં તે ‘દયાળું કાગડો’ પણ હોં.

બોધ : મિત્રો, ક્યારે કોણ કોને ઉપયોગી બને છે તે કશું જ કહી શકાય નહીં હોં. માટે આપણે તો દરેકને ઉપયોગી બનવું જ જોઈએ શું? કેમ, બરોબર ને...?

અનુક્રમણિકા

૩૮. ગુફાનો ભેદ

દક્ષિણ આફ્રિકાના એક ઘટાટોપ, વિશાળ જંગલમાં એક લાંબી ગુફા આવેલ હતી. તે ગુફામાં એક ચતુર શિયાળ રહેતું હતું. તે ચતુર શિયાળને એક વખત વિચાર આવ્યો કે જો આ જંગલનાં પશુ-પંખીઓને ડરાવી, ધમકાવીએ ને તો તો તે માયકાંગલાં થઈને પોતાને જોઈતી ચીજવસ્તુઓ પહોંચાડતાં રહે. અને પોતે બિન્દાસ બની, પગ ફેલાવીને તે બધાં ઉપર શાસન કરી શકે. આમ વિચારીને તે એક દિવસ શહેર તરફ ઉપડ્યો.

ચતુર શિયાળ તો શહેરમાં આવ્યું. અને પછી એક ઈલેક્ટ્રોનીક્સની દુકાનમાં ઘુસીને ત્યાંથી તે મ્યુઝીક સીસ્ટમ, સ્પીકર વગેરે ઉઠાવી લાવ્યું. અને પછી તે જંગલમાં પહોંચી ગયું. અને બાદમાં તે પોતાની ગુફામાં જઈ મ્યુઝીક સીસ્ટમ, સ્પીકર વગેરેને ગુફાનાં મુખ પાસે લગાવી, છુપાવીને તેણે મ્યુઝીક સીસ્ટમ ચાલુ કર્યુ. બસ, ખલાસ? આખા જંગલમાં મ્યુઝીક સીસ્ટમનાં સંગીતનાં પડઘાં પડવાં લાગ્યાં. ચિત્ર-વિચિત્ર બિહામણાં અવાજોથી તે જંગલ કંપવા લાગ્યું. શિયાળે તો વોલ્યૂમ ફુલ રાખ્યું હતું. અને.. અને... થોડીવાર તો જંગલનાં તમામ પશુ-પંખીઓ ધ્રૂજી જ ઉઠ્યાં. તેઓએ તેમનાં જીવનમાં આટલો બધો બિહામણો, મોટો અવાજ તો ક્યારેય સાંભળ્યો નહોતો હોં.

જંગલનાં સિંહરાજાની અધ્યક્ષતામાં એક આપાતકાલિન સભા ભરાણી. જેમાં વિશાળ સંખ્યામાં પશુ-પંખીઓ ઉપસ્થિત હતાં. ખાસ કરીને દક્ષિણ આફ્રિકાનાં જંબો હાથી, જિરાફ, વાંદરા, વાઘ, વરુ, ચિમ્પાન્ઝી, હરણાં, મોર, સસલાં, બગલાં વગેરે હતાં. સભા વચ્ચે સિંહરાજા ઉભા થયાં અને પછી તેઓ પણ ધ્રૂજતાં ધ્રૂજતાં બોલ્યાં. મિત્રો, આપણાં આ જંગલમાં કોઈ મહાભયાનક પ્રાણી આવી ચડ્યું છે. અને તે ડરામણાં અવાજો કાઢીને આપણને ચેતવણી આપી રહ્યું છે તો તમો બધાં પણ વિચારો કે હવે આપણે કરવું શું? જંબો હાથી બોલ્યો, મહારાજ આપણે આવતાં અવાજની દિશામાં સંશોધન કરીને કંઈક ઉકેલ મેળવવો જ પડશે. અન્યથાં આપણે બધાં આ જંગલ છોડીને અન્યત્ર ચાલ્યાં જવું પડશે. બધાં પશુ-પંખીઓએ જંબો હાથીની વાતમાં શૂર પુરાવ્યો. અને પછી એક ટીમ બનાવી. જેમાં સિંહ, વાઘ, જંબો હાથી, ચિમ્પાન્ઝી, વગેરેએ ભેગાં મળી આવતાં અવાજોની સંપૂર્ણ માહિતી મેળવી લાવવી. બાદમાં સભા વિખેરાઈ ગઈ.

બીજા દિવસે સિંહરાજાની આગેવાની હેઠળ તે ટીમ જંગલમાં ઘૂમવાં લાગી. અને ફરતાં ફરતાં તે ટીમ પેલી ગુફા પાસે પહોંચી ગઈ. હા, આજ ગુફામાંથી ધ્રૂજારીપૂર્ણ, બિહામણાં અવાજો સતત આવતાં હતાં. સિંહરાજાએ હિંમત એકઠી કરીને બોલ્યાં. હે ગુફાદેવ, શું આપ અમારા બધાંથી રુઠ્યાં છો? આપને જોઈએ છે શું?

ચતુર શિયાળે જોયું કે જંગલનાં આગેવાન પ્રાણીઓ તેમને વિનંતીઓ કરતાં આવી પહોંચ્યાં છે. એટલે મનોમન ગર્વ કરતો ફૂલાતાં તે શિયાળ બોલ્યો. અરે ઓ મગતરાંઓ, તમારે બધાંએ જો આ જંગલમાં શાંતિથી રહેવું હોય ને તો તો રોજ મને એક ભોગ ધરવો પડશે. અન્યથા હું તમો બધાંને ખાઈ જઈશ શું? આ સાંભળી પ્રાણીઓ ફરી ફફડી જ ઉઠ્યાં. પુનઃ સિંહ બોલ્યો, હે ગુફાદેવ તમારે જોઈએ છે શું? તે અમોને કહોને? અમો આપનાં માટે દરેક વસ્તું લાવી આપીશું.

બસ, ખલાસ? ચતુર શિયાળને તો આટલું જ જોઈતું હતું. બાદમાં તે બોલ્યું. તમારે બધાંએ મને રોજ એક કૂણું કૂણું માખણ જેવું સસલું ભેટ આપવું પડશે સમજ્યાં. અન્યથાં હું ક્રોધિત થઈને તમો બધાંને ભસ્મ કરી નાંખીશ. સિંહરાજા બોલ્યાં, હા, ગુફાદેવ, અમો રોજ આપની આ ગુફા પાસે એક નાજુક, કૂણું કૂણું સસલું રાખી જઈશું. જેનો આપ ભોગ કરી શકશો. ત્યારબાદ તે ગુફા પાસે રોજ એક કૂણું કૂણું સસલું સિંહરાજા મૂકાવવાં લાગ્યાં. જે ચતુર શિયાળ તેનો રોજ ભોગ કરી જતો હતો. પરંતુ પાપનો ઘડો તો ક્યારેક ને ક્યારેક ભરાવાનો જ હોય છે હોં. એક દિવસ જમ્બો હાથીને વિચાર આવ્યો કે શું આ ગુફા કંઈ રોજ એક કૂણું કૂણું સસલું તે કંઈ આરોગી નહીં જ જતું હોય હોં. ત્યારબાદ તેણે સિંહ રાજાને પોતાની શંકા વિશે કહ્યું. જે સાંભળી સિંહરાજાને પણ પાકે પાયે શંકા દ્રઢ બની. અને એક દિવસ તેઓએ જાસૂસ મારફત માહિતી પણ એકઠી કરી લીધી કે તે ભેદી ગુફામાં અન્ય કોઈ નહીં. પરંતુ એક ધૂર્ત, ચાલાક અને ચતુર શિયાળ તેઓ બધાંને ઉલ્લું બનાવીને રોજ એક નિર્દોષ સસલાંનો ભોગ લ્યે છે. બસ, ખલાસ? બીજા જ દિવસે જંગલનાં તમામ પશુ-પંખીઓ તે ગુફા પાસે પહોંચી ગયાં.

આ તરફ તે ગુફામાં ચતુર શિયાળને ભારે મઝા પડી ગઈ હતી. તે અત્યારે મુછે તાવ દેતું બિન્દાસ પણે ગુફામાં વિહરી રહ્યું હતું. સહસા બહારથી સિંહનો ખૂંખાર અવાજ, ત્રાડ સાંભળતાં જ તેનાં તો મોતીયાં જ મરી ગયાં. હા, સિંહ બોલી રહ્યો હતો. અરે લુચ્ચાં શિયાળીયાં, બહાર આવે છે કે હું અંદર આવું? તે સાથે જ કપટી શિયાળ ધડકતાં હૃદયે બહાર આવ્યું. અને તે સાથે બહારનાં પશુ-પંખીઓ તેની ઉપર તૂટી પડ્યાં. કારણ કે તે શિયાળે દરેક પશુ-પંખીઓનાં હૃદયની ધડકનો બંધ કરી દીધી હતી હોં. સિંહરાજા વચ્ચે પડ્યાં અને શિયાળને છોડાવ્યું. શિયાળ માફી માંગવાં લાગ્યું. અને પછી આવી હિન, હિંસાત્મક પ્રવૃત્તિ તે કદાપી નહીં કરે નું વચન પણ આપ્યું.

આમ, કપટી શિયાળની કપટલીલા સંકેલાઈ ગઈ. તે પસ્તાવાં સાથે દરેકની માફી માંગતું તે જંગલ છોડીને ચાલ્યું ગયું. પુનઃ તે જંગલમાં શાંતિ છવાઈ ગઈ. બધાં પશુ-પંખીઓ એક સંપ, ભાઈચારાથી તે જંગલમાં રહેવા લાગ્યાં.

બોધ : કપટનું પરિણામ આવું જ આવતું હોય છે હોં. તેઓએ પોતાનું ઘર, બાર છોડવાનો વારો આવતો હોય છે. માટે કપટ તો ક્યારેય કરવું નહીં. કેમ, બરોબર ને...?

અનુક્રમણિકા

૩૯. કમલદલ અને કાળો ભમરો

એક તળાવ હતું. તે તળાવમાં કેટલાંક આકર્ષક, રંગબે- રંગી કમલદલ આવેલ હતાં. જેમાં એક સુવર્ણ કમલદલ પણ આવેલ હતું. તે સુવર્ણ કમલદલમાં અપાર જ્ઞાન, બુધ્ધિશક્તિનો ભંડાર ભરેલ હતો. તે કમલદલ હિમાલયની સરોવર ઘાટીમાંથી આવેલ હતું. આથી તેનામાં બુધ્ધિ, શક્તિ, તપ, રુપ, નો ભંડાર ભરેલ હતો.

એક દિવસની વાત છે. તે તળાવમાં કમલદલ સાથે અન્ય કમલદલો પણ મધુર ગીતો ગાઈ રહ્યાં હતાં. સંધ્યાનો સુમધુર આહ્‌લાદક સમય હતો. બરોબર આવા સમયે એક લુચ્ચો, કાળો ભમરો ગુન..ગુન.. કરતો તે તળાવ ઉપર આવી ચડ્યો. સહસા તેની ચૂંચી, ઈર્ષાળું નજર તળાવ વચ્ચે મધુર ગીતો ગાઈ રહેલ એવાં સુવર્ણ કમલદલ ઉપર પડી. આ જોઈ ઘડીભર તો તે કાળો ભમરો આશ્ચર્યચકિત જ રહી ગયો. બાદમાં તે ઈર્ષાપૂર્વક સુવર્ણ કમલદલની દિશામાં ઉડતો, જવાં લાગ્યો.

આ તરફ તે સુવર્ણ કમલદલ તેમનાં સાથીઓ સાથે મધુર ગીતોમાં ખોવાઈ ગયું હતું કે અચાનક કાળા ભમરાનું આક્રમણ થતાં જ તે સુવર્ણ કમલદલ ગીતો ગાતા બંધ પડી ગયું અને પછી તેણે તે કાળા ભમરાને વિનંતીઓ કરી કે તે તેમને હેરાન-પરેશાન કરવાની પ્રવૃત્તિ બંધ કરે? પરંતુ તે ઈર્ષાળું કાળો ભમરો એમ તે કંઈ માને ખરો કે હેં? તે તો પોતાની ઈર્ષામય પ્રવૃત્તિમાં જ રત રહેવાં લાગ્યો. અને... અને... અંતે તે સુવર્ણ કમલદલે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું. જેમાંથી હિમાલયનો ઠંડો બરફ વર્ષા વરસવાં લાગ્યો. બરફ પણ કેવો હેં? જાણે વીજળીનો કરંટ ન હોય તેમ હોં.

અચાનક શરીર ઉપર તીવ્ર બરફનો વર્ષા શરુ થતાં જ તે કાળો ભમરો ચોંકી જ ઉઠ્યો. તેણે આવી કશી જ આશા કે કલ્પનાં શુધ્ધાં કરેલ નહીં હોં. શરીર ઉપર ભીષણ બરફવર્ષા અથડાતાં જ તેનાં મુખમાંથી વેદનાં વધ્યે જવાં લાગી. અને... અને... ધીરે ધીરે તેની આંખોમાંથી પસ્તાવાનાં આંસુઓ પણ ચાલ્યે જવાં લાગ્યાં. આ જોઈ તે સુવર્ણ કમલદલને કાળા ભમરાની દયા આવી. અને પછી તેને થોડો જીવનલક્ષી બોધપ્રદ ઉપદેશ પણ આપ્યો. જે સાંભળી કાળો ભમરો પસ્તાવાં સાથે ત્યાંથી ઉડીને દૂર દૂર ચાલ્યો ગયો.

પુનઃ તે તળાવ ઉપર સુવર્ણ કમલદલનાં અણમોલ, શક્તિજ્ઞાન, ભર્યા સાનિધ્યમાં રહી અન્ય કમલદલો મધુર ગીતોનો આલાપ છેડવાં લાગ્યાં. આ જોઈ તે તળાવ પણ આનંદપૂર્વક ડોલવાં કૂદવાં લાગ્યું હોં.

બોધ : મિત્રો, જીવનમાં કોઈની પણ ઈર્ષા કરવી જોઈએ નહીં. કેમ બરોબર ને...?

અનુક્રમણિકા

૪૦. અકલમાં નકલ ન હોય

વનમાં આવેલ એક વડનાં વૃક્ષ ઉપર કેટલાંક વાંદરાઓ આનંદ-કિલ્લોલ કરી રહ્યાં હતાં. કોઈ હિંચકા ખાતું તો કોઈ ઉલટી સીધી ગુલાંટો મારતાં હતાં.

સવારનો આહ્‌લાદક, ખૂશ્નુમાં સમય હતો. વડનાં વિશાળ વૃક્ષની ડાળીઓ ઉપર વાંદરાઓ રમત રમી રહ્યાં હતાં. બરોબર આવા સમયે ત્યાં આગળથી એક ભીમકાય હાથી પસાર થયો. અને... અને... તેની નજર વડનાં વૃક્ષ તરફ ગઈ. અને... અને... વાંકા મોઢાવાળા વાંદરાઓને આ રીતે ગેલ-ગમ્મત તથાં ગુલાંટો ખાતાં જોઈ તે વાંદરાને પણ ગુલાંટો ખાવાની ઈચ્છા થઈ આવી. બાદમાં તેણે તે બધાં વાંદરાઓનું નિરીક્ષણ કર્યુ. અને જોયું કે તેઓ કઈ રીતે ગુલાંટો મારે છે, રમે છે, બસ, ખલાસ? ભઈ હાથીભાઈ તો ગુલાંટો મારવાં માટે શરીરને કસવાં લાગ્યાં. મનોજગતને બરોબરનું સતેજ કરી દીધું. અને... અને... એક, બે અને ત્રણ બોલતાં જ તેઓ તો જમીન ઉપર લેટીને પગ ને હવામાં ઉછાળવાં લાગ્યાં. જાણે પગ વડે વડનાં વૃક્ષની ડાળીઓને ન પકડવાની હોય તેમ હોં.

અચાનક ભીમકાય હાથીને આ રીતે ઉરાંગ-પટાંગ હરકતો કરતાં જોઈ બધાં વાંદરાઓ તો પેટ પકડીને હસવાં લાગ્યાં. આ જોઈ તે ભીમકાય હાથી તો વટ ઉપર ઉતરી આવ્યો. અને તે વળી જોર શોરથી હાથ, પગ, સૂંઢ ને આમ તેમ ફેરવવાં લાગ્યો. તેમ છતાં તેનાંથી ગુલાંટો તો ખવાતી જ નહોતી. અને... અને... અંતે તે હાથી હાર્યો. આ ઉપરાંત વૃક્ષ ઉપરનાં વાંદરાઓને પોતાની તરફ દાંતીયાં કરતાં જોઈ તેનાં ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો હોં. બાદમાં તે હાથી પણ ગુસ્સાથી દાંત ભીંસતાં ઉભા થયા. અને પછી વડનાં વૃક્ષની ડાળીઓને સૂંઢ વડે પકડી જોરશોરથી હચમચાવવાં લાગ્યો. પરંતુ બધાં વાંદરાઓ તો છેક ટોચ ઉપરની ડાળીઓએ ચાલ્યાં ગયાં હતાં. તે ભીમકાય હાથીએ પોતાની દાઝ ઉતારવાનાં ઘણાં ફાફાં માર્યા. પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. આથી તે હારી થાકીને ત્યાંથી સરકી જવાં માંગતો હતો. ત્યાં જ ટોચ ઉપરની ડાળીએથી એક પીઢ, ઘરડો વાંદરો બોલ્યો. અરે ઓ હાથી મહાશય, શું તમારા બાપદાદાએ ક્યારેય પણ ગુલાંટો ખાધી છે ખરી હેં? તો પછી તમો શા માટે આટલી ઉંમરે આવી ગુલાંટો ખાવાનાં ધખારા રાખો છો હેં? આ સાંભળી હાથી બરોબરનો દાંત ભીંસતો, પગ પછાડતો, ત્યાંથી ચાલતો થયો. પુનઃ તે બધાં વાંદરાઓ વૃક્ષની ડાળીએ આવીને મન મૂકીને હીંચકા ખાવા, ગુલાંટો મારવાં લાગ્યાં.

બોધ : મિત્રો, ક્યારેય પણ અકલની નકલ ન કરાય કેમ, બરોબર ને...?

અનુક્રમણિકા

૪૧. ચંદનવૃક્ષનાં વનો

કર્ણાટકનાં છેવાડા ઉપરથી શરું થતાં ગાઢ વનોમાં ચંદનનાં વિશાળ કદનાં વૃક્ષોનો મબલખ ફાલ લહેરાતો હતો. હા, તે ચંદનનાં વૃક્ષોમાંથી અસંખ્ય વસ્તુઓ, દવાઓ, કિંમતી માળાઓ વગેરે બનતાં હતાં. આથી કર્ણાટકની સરકાર ચંદનનાં વૃક્ષોની ચોરી થતાં અટકાવવાં માટે કડક કાયદાઓ બનાવ્યાં હતાં. તેમ છતાં કઠિયારાઓ, લુંટારાઓ ગમે તેમ કરીને ચંદનનાં વૃક્ષો આખા ને આખા કાપીને ચોરીછૂપીથી લઈ જતાં હતાં. અને લાખો રૂપિયા તેઓ બનાવતાં હતાં.

કનરુવિલ્લા નામે એક ગામ હતું. તે ગામમાં યદરુપ્પા અને કદરુપ્પા નામે બે કઠિયારા ભાઈઓ રહેતાં હતાં. તે બંન્ને ભાઈઓ ચંદનનાં વૃક્ષોની ચોરી કરવામાં ખૂબ જ નિષ્ણાંત ગણાતાં હતાં. ચંદનનાં વૃક્ષોનાં બદલામાં તે બંન્ને ભાઈઓને મબલખ નાણાં પણ મળતાં હતાં. પરંતુ અનિતીનો પણ ક્યારેક ને ક્યારેક અંત તો આવતો જ હોય છે હોં. જે મુજબ એક દિવસની વાત છે.

ગાઢ રાત્રીનો અંધકાર સમગ્ર પૃથ્વી ઉપર પથરાઈ ચૂક્યો હતો. ઠંડી હવાં સાંય સાંય કરતી વીંઝાઈ રહી હતી. યદુરપ્પા અને કદુરપ્પા હાથમાં ટોર્ચ, કુહાડી, દોરી વગેરે લઈને ચંદનનાં વૃક્ષોનાં વનમાં ઉતરી ગયાં હતાં. તેઓએ કાળા રંગનાં કપડાં પહેર્યા હતાં. જેથી સહેલાઈથી કોઈ ઓળખી ન શકે. ધીરે ધીરે તેઓ ચંદનનાં વૃક્ષોનાં વનમાં આવી પહોંચ્યાં. વનોનાં ચોકિયાતો ઠંડીનાં કારણે પોત પોતાની ઓરડીઓમાં ચાલ્યાં ગયાં હતાં. આ ઉપરાંત તેઓને વાપરવાં માટે નાણાં પણ મળી જતાં હતાં. આથી તેઓ નિચિંત બની ગયાં હતાં. પરંતુ ફોરેસ્ટ ઓફિસર શર્મા ખૂબ જ ઈમાનદાર, પ્રમાણિક અને ફરજપ્રિય હતાં. તેઓ પોતાના ક્વાર્ટરમાંથી પુરા યુનિફોર્મ પહેરીને રાઉન્ડમાં નીકળ્યાં હતાં. હા, તેઓ ચાલીને ચંદનનાં વૃક્ષોનાં વનમાં જતાં હતાં. જો કે તેઓનાં કમર પટ્ટામાં પીસ્તોલ તો ભરેલ કાયમ જ રહેતી હતી તેમજ હાથમાં છડી પણ હતી. તેઓ સાહસિક, નીડર પણ હતાં. તેઓ પણ ધીરે ધીરે વનોમાં આગળ વધ્યાં. સહસા તેઓનાં કાન ઉપર કુહાડીનાં અવાજો અથડાતાં જ તેઓ સાવધ બની ગયાં. અને... અને... આગળ જતાં તેઓની આંખો વિસ્ફારીત થઈ ઉઠી. હા, બે કઠિયારાઓ બિન્દાસપણે ચંદનનાં વૃક્ષો ને કાપી રહ્યાં હતાં. આ જોઈ શર્મા સાહેબની આંખોમાં તીખારા ઉડવાં લાગ્યાં. બાદમાં તેઓ સીધા જ તે બંન્ને કઠિયારાઓની પાછળ જઈ તેઓને છડીઓ વડે લંમઘારવાં લાગ્યાં.

અચાનક ફોરેસ્ટ ઓફિસરને આ રીતે ચડી આવેલ જોઈ તેમજ તેમની તેલ પાયેલ છડીનાં ઘા પીઠ ઉપર વાગતાં જ તે બંન્ને ભાઈઓ ચોંકી ઉઠ્યાં. તેઓએ આવી કશી જ કલ્પનાં કરેલ નહીં હોં. બાદમાં તેઓ ગભરાતાં ત્યાંથી ભાગવાં ગયાં. પરંતુ શર્મા સાહેબે તે બંન્નેને પકડીને જેલ ભેગા કર્યા. આથી ચંદનનાં વૃક્ષોનાં ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો. હા, ભલાં થોડાં નાણાંની લાલચમાં કંઈ તેલ પાયેલ છડીઓનો માર થોડો જ ખવાય હેં? ઉપરાંત જેલનાં સળીયાં તો અલગમાં હોં.

બોધ : મિત્રો, નરસા સાથે સારા, નિષ્ઠાવાન કર્મચારીઓ પણ હોય છે હોં. જેઓ દેશપ્રેમ, ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ પણ હોય છે હોં.

અનુક્રમણિકા

૪૨. શેખીખોર કાગડો

એક વિશાળ આંબાનાં વૃક્ષ ઉપર કેટલાંક આકર્ષક પંખીઓ રહેતાં હતાં. જેમાં ખાસ કરીને મેના-પોપટ, કાબર-કોયલ, મોર- ઢેલ, બુલબુલ, બપૈયા, કાગડાઓ વગેરેનો સમાવેશ થતો હતો.

તે આંબાનાં વૃક્ષ ઉપર રહેતો એક કાગડો ભારે શેખીખોર સ્વભાવનો હતો. તે ભોળાં પંખીઓને અષ્ટમ-પષ્ટમ પઢાવ્યાં કરતો હતો. આથી ઘણાં પંખીઓ તે કાગડાનાં આવા શેખીખોર સ્વભાવથી કંટાળી ગયાં હતાં. પરંતુ વધું તો તેઓ કરી પણ શું શકે હેં?

એક દિવસની વાત છે. તે બધાં પંખીઓ દાણા-પાણીની શોધમાં દૂર દૂર ચાલ્યાં ગયાં હતાં. તેમાં પેલો શેખીખોર કાગડો પણ હતો. એક લીલાઘાસનાં મેદાન ઉપર એક પારધીએ દાણાં વેરી જાળ બીછાવીને તે થોડે દૂર વૃક્ષ પાછળ છુપાઈ ગયો હતો. બરોબર આવા સમયે તે ભોળા પંખીઓનું ટોળું લીલાઘાસનાં મેદાન ઉપર ઉતર્યું અને પછી તેઓએ જોયું કે લીલાઘાસની ગંજી ઉપર મબલખ દાણાં પડેલ છે. આ જોઈ ઘણાં પંખીઓ તે દાણાં ખાવાં માટે લલચાઈ પણ ગયાં હતાં. પરંતુ મીઠું પોપટનાં મનોજગતમાં ખતરાંની ઘંટડીઓ રણકવાં લાગી ગઈ હતી. મીઠું પોપટ બોલ્યો. અરે ઓ પંખીડાંઓ, આ ઘાસની ગંજીમાં ક્યારેય પણ દાણાં ઉગતાં નથી શું? એટલે નક્કી અહીં આજુબાજું કોઈ પારધી તો હસે જ? આપણે દાણાંની લાલચમાં ફસાઈ જઈએ. અને રખે તે પારધીનાં આપણે શિકાર થઈ જઈએ શું? માટે તે દાણાં ખાવાં માટે કોઈ પણ તે ઘાસની ગંજી તરફ જશો જ નહીં શું?

પરંતુ શેખીખોર કાગડો એમ કંઈ હાર થોડો જ માને હેં? તે તથા તેનાં ભાઈબંધો તો બિન્દાસ પણે મોઢું ફૂલાવતાં ઘાસની ગંજીમાં જઈને દાણાં ખાવા લાગ્યાં. જ્યારે અન્ય પંખીઓ તો મીઠું પોપટની સાચી સલાહ માની ને દાણાં ચણવાં માટે ગયાં જ નહીં હોં અને તેઓ દૂર એક વૃક્ષ ઉપર ચાલ્યાં ગયાં. દૂર રહેલ પારધીએ જોયું કે જાળમાં ફક્ત કાળા કાગડાંઓ જ આવેલ છે. આથી તે ઘડીભર તો નિરાશ થઈ ઉઠ્યો. તેમ છતાં તે દબાતાં પગલે જાળ તરફ ચાલવાં લાગ્યો. દૂરથી જ દોરી ખેંચતાં જ તે બધાં કાગડાંઓ પારધીની જાળમાં સપડાઈ ગયાં. આ જોઈ તેઓ બધાં ભયથી ધ્રુજી જ ઉઠ્યાં. અને જાળમાંથી બહાર નીકળવાં માટે પ્રયત્નો પણ કરવાં લાગ્યાં.

ત્યારબાદ તે બધાં કાગડાઓ અંતરથી પસ્તાવો પણ કરવાં લાગ્યાં. હા જો તે મીઠું પોપટની વાત માનીને તેઓ ઘાસની ગંજી ઉપર વેરાયેલ દાણાં ચણવાં ન ગયાં હોત ને તો તો આજે મુક્ત, આઝાદ જિંદગી તેઓ જીવતાં હોત હોં. વૃક્ષ ઉપરનાં પંખીઓએ પણ જોયું કે કાગડાઓ જાળમાં કેદ થઈ ગયાં છે. આથી તેઓ પણ દુઃખી થઈ ઉઠ્યાં. હા, ગમે તેમ તો તેઓ નાતભાઈઓ હતાં ને. પારધી તો કેદમાં રહેલ કાળા કાગડાઓને પણ ઉઠાવી ગયો હોં. જ્યારે તે પંખીઓ પુનઃ આંબાનાં વૃક્ષ ઉપર દુઃખી થતાં આવ્યાં. હા, લાલચ બહુ બુરી ચીજ છે હોં. કેમ, બરોબરને...?

અનુક્રમણિકા

૪૩. સુંદર બાગનાં અલબેલા પંખીઓ

એક બાગ હતો. તે બાગનું નામ હતું સુંદર બાગ. સુંદરબાગ તેનાં નામ પ્રમાણે જ હતો. તે બાગમાં જાત જાતનાં ફળ-ફૂલોનો મબલખ ફાલ લહેરાઈ રહ્યો હતો. આ ઉપરાંત તે સુંદરબાગમાં વિવિધ પ્રકારનાં પંખીઓ ગહેકવાં, ચહેકવાં માટે ઉમટી પડતાં હતાં. ત્યારે ત્યાં આગળનું વાતાવરણ અતિ સંગીતમય બની જતું હતું.

એક દિવસની વાત છે. સંધ્યાનો સુમધુર, આહ્‌લાદક સમય હતો. સુંદરબાગનાં અલબેલાં પંખીઓ કે જેમાં રંગ-બેરંગી પોપટ, મોર-ઢેલ, હોલા-હોલી, સુગરી, બુલબુલ, દૈયડ, ચક્રવાક વગેરે મીઠું મધુર ગીત ગાઈ રહ્યાં હતાં. બરોબર આવા સમયે ક્યાંકથી અચાનક એક લુચ્ચો પારધી ફૂટી નીકળ્યો. અને...અને... પછી તેની વિચિત્ર ક્રૂર નજર અલબેલા પંખીઓ ઉપર પડતાં જ મનોમન તે આનંદથી ઉછળી જ પડ્યો. બાદમાં તેણે પોતાની પાસે રહેલ પંખીઓ પકડવાની જાળ ને ખોલવાં લાગ્યો અને દબાતાં પગલે આગળ વધવાં લાગ્યો.

આ તરફ તે પંખીઓ ફળ-ફૂલો ઉપર બેસીને મીઠાં ગીતો ગાઈ રહ્યાં હતાં કે અચાનક લુચ્ચાં પારધીની જાળ તેમની ઉપર આવી પડતાં જ તેઓ બધાં ચોંકી ઉઠ્યાં. અને પછી ફફડી ઉઠ્યાં. જ્યારે લુચ્ચાં પારધીનાં આનંદની કોઈ સીમા જ ન રહી હોં. બાદમાં તે જાળ ને પોતાની તરફ ખેંચવા લાગ્યો. અલબેલાં પંખીઓ જાળમાં ફફડી રહ્યાં હતાં. પરંતુ ઈશ્વરની ઈચ્છા કંઈક જુદી જ હતી હોં. હા, તે સુંદર બાગનો દયાળુ માળી બરોબર આવા સમયે ત્યાં આગળ આવી પહોંચ્યો. અને લુચ્ચાં પારધીની જાળમાં નિર્દોષ પંખીઓને જોઈ તેનું હૃદય દ્રવી જ ઉઠ્યું. બાદમાં તેણે પોતાની પાસે રહેલ અને તેલ પાયેલ સીસમની કડીયાળી ડાંગનો એક જ ફટકો તે પારધીની પીઠ ઉપર મારતાં જ તે પારધીને ધોળા દહાડે રંગબેરંગી તારાઓ દેખાવાં લાગ્યાં. અને તે બેભાન થઈને ઢળી પડ્યો. બાદમાં દયાળુ માળીએ જાળમાંથી તમામ પંખીઓને મુક્ત કર્યા. અને તે સાથે જ અલબેલા પંખીઓ દયાળુ માળીનો આભાર માનતાં પુનઃ ફળ-ફૂલોનાં વૃક્ષો ઉપર જઈને મધુર ગાન ગાવાં લાગ્યાં.

પારધી ભાનમાં આવ્યો ત્યારે તેની આંખોમાંથી પસ્તાવાનાં આંસુઓ ચાલ્યે જવાં લાગ્યાં. હા, તે નિર્દોષ અલબેલાં પંખીઓને તે કેદ કરીને વેચવાં માટે લઈ જવા માંગતો હતો ને! બાદમાં તે દયાળું માળીની તેમજ પંખીઓની માફી માંગતો ત્યાંથી ચાલ્યો ગયો. પુનઃ માળી પોતાનાં કાર્યમાં ગુંથાઈ ગયો.

બોધ : મિત્રો, કોઈ પણ પંખીને ક્યારેય કેદ કરાય નહીં.

અનુક્રમણિકા

૪૪. હંસ અને હાથી

ઘણાં સમય પહેલાંની આ વાત છે.

ઉજ્જૈન નગરીનાં કાંઠા ઉપર એક લીલુંછમ સરોવર આવેલ હતું. તે લીલાછમ સરોવરમાં એક ભવ્ય, દિવ્ય ઝગારા મારતો હંસ પોતાની નૈસર્ગિક અદામાં સહેલ કરી રહ્યો હતો.

સંધ્યાનો સમય હતો. ખૂશ્નુમાં વાતાવરણ હતું. તે લીલાંછમ સરોવરમાં દિવ્ય હંસ સહેલ કરી રહ્યો હતો. બરોબર આવા સમયે ઉજ્જૈન નગરીનાં રાજા દેવવ્રત તે સરોવર પાસેથી તેમનાં સિપાહીઓ સાથે પસાર થયાં. સહસા તેમની નજર લીલાંછમ સરોવરમાં સહેલ કરી રહેલ એવાં દિવ્ય હંસ ઉપર પડી. આથી તેને તે હંસ પ્રત્યે મોહ જાગ્યો. હા, જો આ દિવ્ય હંસને અહીંથી લઈ જઈને મહેલમાં આવેલ હોજમાં રાખવામાં આવે ને તો તો મહેલની શોભામાં ઔર વધારો થાય હોં. આવો વિચાર આવતાં જ તેણે સિપાહીઓને આદેશ કર્યો જાઓ અને તે દિવ્ય હંસને માનભેર લઈ આવો. સિપાહીઓને આદેશ થતાં જ તેઓ લીલાછમ સરોવરમાં ઉતરી પડ્યાં.

આ તરફ તે દિવ્ય હંસ મોજપૂર્વક સહેલ કરી રહ્યો હતો કે અચાનક રાજા દેવવ્રતનાં સિપાહીઓએ આવીને તેને પકડી લીધો. અને પછી રાજા દેવવ્રત સમક્ષ ખડો પણ કરી દીધો. તે સાથે જ દિવ્ય હંસ બોલી ઉઠ્યો. હે મહારાજ, તમો શા માટે મને પકડી મંગાવ્યો છે હેં? મેં આપનું તે શું બગાડ્યું છે હેં? પરંતુ રાજા દેવવ્રત કશું જ સાંભળતાં નહોતાં. તે તો દિવ્ય હંસને મનભરીને તાકી જ રહ્યાં હતાં. બરોબર આવા સમયે એક ભીમકાય હાથી તે સરોવર ઉપર પાણી પીવાં માટે આવ્યો. અને... અને... તેણે જોયું કે એક રાજા નિર્દોષ હંસને અહીંથી બળજબરી પૂર્વક ઉપાડી જાય છે. આથી તેણે એક જોસભેર ત્રાડ પાડી. અને..અને... તે સાથે જ રાજા દેવવ્રત તેમજ સિપાહીઓ ડરનાં માર્યા થરથર કાંપતાં હંસને એક તરફ મૂકીને ભાગી ગયાં. આ જોઈ દિવ્ય હંસને રાહત થઈ. અને પછી તેણએ તે હાથીનો અંતરથી આભાર પણ માન્યો.

ત્યારબાદ તે ‘હંસ અને હાથી’ પાકા મિત્રો બની ગયાં.

બોધ : મિત્રો ખોટી લાલચમાં આવીને કોઈને બંદીવાન ક્યારેય બનાવાય નહીં. બરોબર ને?

અનુક્રમણિકા

૪૫. ટામેટાની વાડીમાં

એક સુંદર મજાની ‘ટામેટાની વાડી’ હતી. તે વાડીમાં સાંજ પડે અને નાની-મોટી ખિસકોલીઓ, અને પંખીઓ આવે. અને મોજપૂર્વક તેઓ બધાં ભેગાં મળીને લાલ ચટક, લોહીને શુધ્ધ કરે એવાં ટામેટાંની જયાફત ઉડાવતાં હતાં. પંખીઓમાં કોયલ આવે, પોપટ આવે, મોર આવે, ચકલીઓ આવે, આમ જાત જાતનાં અને ભાત ભાતનાં પંખીઓ ટમેટા ખાવા માટે ઉમટી પડતાં હતાં.

એક દિવસની વાત છે. સંધ્યાનો સમય હતો. ઠંડી-મીઠી હવાં ચારે તરફ લહેરાઈ રહી હતી. ‘ટામેટાની વાડી’ માં પંખીઓ મધ-મીઠાં, લાલ ચટક ટમેટાઓ ખાઈ રહ્યાં હતાં. બરોબર આવા સમયે ક્યાંકથી લુચ્ચો પારધી ફૂટી નીકળ્યો. અને પછી એક સામટાં આટલાં બધાં પંખીઓને લાલ ટામેટા ખાતાં જોઈ તેની પણ ડાઢ ડળકવાં લાગી. તેને થયું કે આજે જો આ બધાં લાલ ટમેટાં જેવાં પંખીઓ પોતાની જાળમાં આવી જાય ને તો તો પછી તેનાં બદલામાં તેને પુષ્કળ નાણાં મળે હોં. આમ વિચારતો તે લુચ્ચો પારધી ખંભા ઉપરથી પોતાની જાળ ઉતારી દબાતાં પગલે નિર્દોષ પંખીઓને કેદ કરવાં માટે આગળ ધપવાં લાગ્યો.

આ તરફ નિર્દોષ, પ્રકૃતિ-પ્રેમી પંખીઓ લાલ ટમેટાં પ્રેમપૂર્વક ખાઈ રહ્યાં હતાં. કે અચાનક લુચ્ચાં પારધીની મજબૂત જાળ તેઓ ઉપર આવી પડતાં જ તેઓ બધાં ધ્રુજી જ ઉઠ્યાં હોં. અને પછી કદાવર કદનાં બિહામણાં લુચ્ચાં પારધીને જોઈ તેઓ તો રીતસરનાં ફફડી જ ઉઠ્યાં. જ્યારે લુચ્ચાં પારધીનાં આનંદનો તો કોઈ પાર ન રહ્યો હોં. બધાં પંખીઓને જાળમાં સપડાઈ ગયેલ જોઈ તે પોતાની ભરાવદાર મૂછો ઉપર તાવ દેતો જાળ ને પોતાની તરફ ખેંચી, ખંભે નાંખીને તે ચાલતો થયો.

પરંતુ કુદરતનાં દરબારમાં દેર છે, અંધેર નથી હોં. જે મુજબ એક પચરંગી ખિસકોલી કે તે પણ ટામેટાની વાડીમાં જ હતી. તેણે જોયું કે એક લુચ્ચાં પારધીએ નિર્દોષ પંખીઓને જાળમાં કેદ કરીને લઈ જઈ રહ્યો છે. આથી તેણે તે પારધી ઉપર ખૂબ જ ક્રોધ ચડ્યો. બાદમાં તે તુરંત દોડીને તેમનાં મિત્ર મંડળને લઈ આવી. અને પછી તેઓ બધી જ ખિસકોલીઓ પારધીની સામે વાવાઝોડાની જેમ જઈને ખડી થઈ ગઈ.

અચાનક એક સામટી ગણી ગણાય નહીં એટલી બધી ખિસકોલીઓને સામે આવેલ જોઈ પારધીનાં તો મોતીયાં જ મરી ગયાં હોં. તેમ તે પારધીને લાગ્યું. વળી ખિસકોલીની આંખોમાં ભભૂકતો ગુસ્સો જોઈ. તે પારધી જાળ ને એક તરફ ફેંકીને જીવ બચાવતો ભાગ્યો. બાદમાં તે બધી ખિસકોલીઓએ પંખીઓને તે દરેક ખિસકોલીઓનો જીવ બચાવવા બદલ અંતરથી આભાર માન્યો. આમ, ખિસકોલીઓ અને પંખીઓ પાકા મિત્રો બની ગયાં. અને ‘લાલ ટમેટાની વાડી’માં તેઓ એક સાથે જ લાલ ટમેટા ખાવાનો અનેરો આનંદ ઉઠાવવાં લાગ્યાં.

અનુક્રમણિકા

૪૬. બગલો અને કરચલો

એક તળાવ હતું. તે તળાવમાં રંગ-બે-રંગી માછલીઓ, કરચલાઓ, કાચબાઓ વગેર આનંદપૂર્વક, તેમજ હળીમળીને રહેતાં હતાં.

એક દિવસની વાત છે. સંધ્યાનો સમય હતો. તળાવમાં રહેતાં જળચર પ્રાણીઓ આનંદ કિલ્લોલ કરી રહ્યાં હતાં. બરોબર આવા સમયે ક્યાંકથી ઉડતો ઉડતો એક વિશાળ કદનો બગલો તે તળાવ ઉપર આવી ચડ્યો. તે બગલો આજે ખૂબ જ ભૂખ્યો થયો હતો. અને.. અને... તળાવમાં આટલી બધી હષ્ટપૃષ્ટ, તાજી તેલ જેવી માછલીઓને જોઈ તેનાં આનંદનો તો કોઈ પાર ન રહ્યો હોં. બાદમાં તેણે પોતાનાં ઈષ્ટદેવને યાદ કરી તે તળાવની નાની નાની રંગ-બે-રંગી માછલીઓને પોતાની તીક્ષ્ણ ચાંચો વડે પકડી પકડીને સ્વાહા કરવાં લાગ્યો.

અચાનક એક વિશાળ કદનાં બગલાંને આ રીતે તળાવની માછલીઓને ઓછી કરી રહેલ જોઈ એક ગુસ્સાભર્યા કરચલાને વધુ ગુસ્સો ચડ્યો. અને તેણે તળાવની તમામ માછલીઓને ગુપ્તપણે ભેગી કરી અને ચર્ચાવિચારણાંઓ કરવાં લાગી ગયાં. કરચલો બોલ્યો, મિત્રો જો આજે આ બગલાને આપણે પાઠ નહીં ભણાવીએ ને તો તો તે રોજ આપણાં તળાવમાં આવીને મોજમસ્તીથી પેટ ભર્યા કરશે. તેમજ તેનાં અન્ય સાગરીતોને પણ તે તેડતો આવશે. માટે આજે જ તે વિશાળ કદનાં બગલાને પાઠ ભણાવીઓ શું?

આમ, તે ગુસ્સાભર્યા કરચલાની આગેવાની હેઠળ રંગબે- રંગી માછલીઓ, અન્ય કરચલાંઓ વગેરે તળાવનાં તળીયે પહોંચીને પછી તેઓ તરતા તરતા તે વિશાળ કદનાં બગલાની બરોબર પગ નીચે જ પહોંચી ગયાં.

જ્યારે આ તરફ તે વિશાળ બગલો મસ્તીથી તાજીતેલ જેવી માછલીઓને ઝાપટી રહ્યો હતો. તેને તો ભઈ ભારે મોજ પડી ગઈ હતી હોં. આવી કૂણી કૂણી માછલીઓ તો તેણે પોતાની જીંદગીમાં ક્યારેય પણ ખાધી નહોતી હોં. સહસા તેનાં પગ તળાવની અંદરનાં ભાગમાં ખેંચાવાં લાગતાં જ તેનાં તો મોતીયાં જ મરી ગયાં. તેણે પોતાનાં પગ છોડાવવાં માટે અથાગ પ્રયત્ન કર્યા. પરંતુ કરચલાંઓ, માછલીઓએ તે વિશાળ કદનાં બગલાનાં પગને મોઢામાં બરોબરનાં પકડી તે બગલાને તળાવનાં તળીયે જ ખેંચી ગયાં. પરંતુ ત્યાં સુધીમાં તો તે બગલાનાં મુખમાં તળાવનાં પાણી ઘૂસી ગયાં હોવાથી તે બગલો તળીયે પહોંચતાં પહેલાં જ યમસદનમાં પહોંચી ગયો હતો.

ત્યારબાદ તે તળાવમાં સંપૂર્ણપણે શાંતિ છવાઈ ગઈ હતી. બધાં જલચર પ્રાણીઓ આનંદ કિલ્લોલ કરતાં હળી મળીને રહેવાં લાગ્યાં. આ જોઈ તે તળાવ પણ આનંદથી ઝૂમવાં લાગ્યું હોં.

બોધ : દરેકે હળીમળીને જ જીવનમાં રહેવું જોઈએ કેમ, બરોબર ને...?

અનુક્રમણિકા

૪૭. મધમાખી અને હાથી

એક વિશાળ લીલા લીમડાનાં વૃક્ષ ઉપર કેટલીક મધમાખીઓએ એક મધપૂડો બનાવ્યો હતો. હા, મધમાખીઓએ ખૂબ જ પરિશ્રમ, મહેનત અને ધીરજપૂર્વક અસંખ્ય ફૂલોનો રસ ચૂસી ચૂસીને મધપૂડો બનાવ્યો હતો.

એક દિવસની વાત છે. સવારનો આહ્‌લાદક, ખુશ્નુમાં સમય હતો. મધમાખીઓ આનંદપૂર્વક મધપૂડો બનાવવાનાં કાર્યમાં ગુંથાઈ ગઈ હતી. બરોબર આવા સમયે તે લીમડાનાં વૃક્ષ નીચેથી એક ભીમકાય હાથી પસાર થયો. સહસા તેની ઝીણી નજર તે લીમડાનાં વૃક્ષની ડાળીઓ ઉપર ઝળૂંબી રહેલ મધપૂડા તરફ ગઈ. આ જોઈ તેનાં મોંમાં પાણી ઉભરાઈ આવ્યાં. તેને તે મધ ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ આવી. ત્યારબાદ તે વધુ વિચાર્યા વગર જ લીમડાની મધપૂડાવાળી ડાળીઓને પોતાની સૂંઢમાં પકડીને હચમચાવવાં લાગ્યો.

તે મધપૂડામાં રહેલ મધમાખીઓ તેમનાં કાર્યમાં મશગુલ હતી. અચાનક તે મધપૂડાવાળી લીમડાની ડાળીઓ વાવાઝોડાની જેમ હચમચવાં લાગતાં જ તે બધી મધમાખીઓ પ્રથમ ચોંકી ઉઠી. બાદમાં તેઓ બધી મધપૂડામાંથી બહાર આવી. અને પછી તેઓએ બહાર આવીને શું જોયું...? હા, એક વિશાળ કદનાં હાથીને આ રીતે લીમડાની ડાળીઓને પોતાની સૂંઢમાં પકડીને હચમચાવતાં જોઈ તે મધમાખીઓ બોલી ઊઠી. અરે ઓ હાથીજી, તમો શા માટે અમારા આ મધપૂડાને તોડવાં માંગો છો હેં?

આમ, તે મધમાખીઓએ હાથીને વિનંતી કરી કે તે મધપૂડાને છંછેડે નહીં. પરંતુ તે હાથીને આજે આ મધપૂડામાંથી મીઠો રસ ખાવામાં જ રસ હતો. તેણે આગળ પાછળનો વિચાર શુધ્ધા કર્યા વગર તે પોતાની કામગીરીમાં મશગુલ હતો. અને અંતે તે મધમાખીઓની પણ સહનશક્તિની હદ આવી ગઈ. અને પછી તેઓ સીધા જ તે ભીમકાય હાથી ઉપર તૂટી જ પડી હોં. તે હાથીએ આવી કશી જ કલ્પનાં કરેલ નહીં કે આમ એકાએક મધમાખીઓ તેની ઉપર હુમલો કરશે. અને.. અને.. થોડીવારમાં તો તે હાથીનું શરીર ફૂલીને ફૂટબોલનાં દડા જેવું બની ગયું. આથી તે હાથીને કાળી બળતરાં સાથે અસહ્ય વેદનાં થવા લાગી. તેને હવે તે મધમાંથી મધનો રસ ખાવાનો રસ જ ઉડી ગયો હતો. તેની આંખોમાંથી પસ્તાવાનાં આંસુઓ પણ ચાલ્યે જતાં હતાં. અને તે ધબ દેતાંનો જમીન ઉપર બેસી પડ્યો. આ જોઈ મધમાખીઓને તે હાથીની દયાં પણ આવી. બાદમાં બધી મધમાખીઓએ તે હાથીની સારવાર કરતાં ક્યાંકથી કાળી માટી લઈ આવીને તેનાં શરીર ઉપર ચોપડી દીધી. આથી તે હાથીને ખૂબ જ રાહત થઈ. તેને પછી મધપૂડામાંથી મીઠો રસ પણ આપ્યો. અને થોડાં સમયમાં તો તે હાથી સંપૂર્ણ સાજોસારો થઈ ગયો. અને બાદમાં તે મધમાખીનો પાકો મિત્ર પણ બની ગયો હોં. મધમાખીની આવી સેવા સુશ્રુષાથી હાથીની આંખો પણ ભીની થઈ ઉઠી.

બોધ : મિત્રો, માનવતા તે આનું નામ કહેવાય. દર્દ પણ આપે અને દવા પણ કરે. રક્ષણ પણ કરે અને સુરક્ષા પણ કરે. કેમ, બરોબર ને...?

અનુક્રમણિકા

૪૮. બ્રાહ્મણ અને વાંદરો

એક ગામ હતું. તે ગામમાં લોભીશંકર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. જેનો સ્વભાવ ખૂબ જ લોભી અને લુચ્ચો હતો. તે ગામમાં ગોરપદુનું કામ કરતો હતો.

એક વખતની વાત છે. તે લાભશંકર અન્ય એક ગામમાં કથા કરીને પોતાનાં ગામ ભણી આવતો હતો. તેને આજે કથામાં ખૂબ જ ધન, ફ્રૂટસ, શુધ્ધ ઘી વગેરેની સારી એળી દક્ષિણા મળેલ હતી. આથી તેનો ચહેરો હસુ હસુ થઈ રહ્યો હતો. હા, આજે ધનવાન શેઠનાં ઘરે કથા હોવાથી જેટલો લાભ ઉઠાવી શકાય એટલો લાભ લાભશંકરે ઉઠાવી લીધો હતો. સાથમાં એક સોનાની મુદ્રા પણ મેળવી હતી. જે ખરેખર લેવાય નહીં. પરંતુ લોભશંકર પીઢ અને અનુભવી હતો. અનેક વાત-ચક્કરમાં શેઠને નાંખી ને તેણે બુરી રીતે શેઠનો ફાયદો ઉઠાવ્યો હતો. પરંતુ કહેવત છે ને અહીં નું અહીં જ રહે છે. તો આપણે જરા જોઈએ બરોબર..?

હા, તે બ્રાહ્મણ એટલે કે લાભશંકર એક જંગલમાંથી પસાર થઈને પોતાનાં ગામ જઈ રહ્યો હતો. સાંજનો સમય હતો. જંગલમાં ખૂબ જ ઉંચા ઉંચા વૃક્ષો, ફૂલો લહેરાઈ રહ્યાં હતાં. એક જગ્યાએ તો નાળિયેરીનું ઉંચું વૃક્ષ આવતાં તેમજ તે નાળિયેરીનાં વૃક્ષ ઉપર મધ-મીઠાં નાળિયેરને જોઈ લાભશંકરનાં મોંમાં પાણી ઉભરાઈ આવ્યાં. બાદમાં તે કશુંક વિચારતો તેની પાસે રહેલ પોટલી કે જેમાં ફ્રૂટ, પ્રસાદ, શીરો, શુધ્ધ ઘી તેમજ સોનાની મુદ્રા હતી. તે પોટલી તેણે ઘડીક વાર નાળિયેરીનાં વૃક્ષની બખોલમાં સંતાડી તે નાળિયેરીનાં વૃક્ષ ઉપર નાળિયેર તોડવાં માટે ચડ્યો. સીધું સપાટ નાળિયેરીનું વૃક્ષ હતું. આથી લાભશંકરને ચડતાં ખૂબ જ કષ્ટ પડતું હતું. પરંતુ લાલચ બહું બૂરી ચીજ છે હોં. બસ, લઈ જ લેવાની વૃત્તિ હોય પછી થાય પણ શું હેં?

બ્રાહ્મણ લાભશંકર મહાપ્રયાસે નાળિયેરીનાં વૃક્ષ ઉપર ચડવાં લાગ્યો. તેમનાં શરીર ઉપરથી પરસેવાનાં રેલાંઓ ઉતરી રહ્યાં હતાં. જાડું ભરખમ શરીપ પણ સાથ આપવાની ના પાડતું હતું. પરંતુ મગજમાં તો લઈ લેવાની વૃત્તિઓ જ ઉછાળાં મારી રહી હતી. નાળિયેરીનાં વૃક્ષની સામે એક વડનું વૃક્ષ પણ આવેલ હતું. અને તે વડનાં વૃક્ષ ઉપર કેટલાંક અટકચાળાં વાંદરાઓ પણ રહેતાં હતાં. તેઓએ જ્યારે જોયું કે એક બ્રાહ્મણ નાળિયેરીનાં વૃક્ષ ઉપર ચડી રહ્યો છે અને તેણે પોતાની પોટલી વૃક્ષની બખોલમાં સંતાડી છે. આથી તે બધાં વાંદરાઓ પોટલી પાસે પહોંચી ગયાં. અને પછી તે પોટલી ઉઠાવીને તેઓ વડનાં વૃક્ષ ઉપર ચડી ગયાં. અને પોટલીમાંનો શીરો, ફ્રૂટસ વગેરે ખાઈ ગયાં.

બ્રાહ્મણ નાળિયેર સુધી તો ન પહોંચી શક્યો અને તેનો એક હાથ છૂટી જતાં જ તે સીધો લસરતો લસરતો જમીન દોસ્ત બની ગયો. તેનાં હાથ પગ છોલાઈ ગયાં હતાં. બાદમાં તેણે પોતાની પોટલી બખોલમાંથી કાઢવાં પ્રયાસ કર્યો. પરંતુ પોટલી ન મળતાં તેનાં આઘાતનો કોઈ પાર ન રહ્યો. અને મનોમન તે બોલી ઉઠ્યો. અતિ લોભ એ પાપનું મૂળ છે હોં. ત્યારબાદ તે પસ્તાવાં સાથે જંગલમાંથી પોતાનાં ગામ તરફ ચાલતો થયો. જ્યારે વાંદરાઓ તે બ્રાહ્મણને જતો જોઈ રહ્યાં.

બોધ : મિત્રો, અતિ લોભ એ પાપનું મૂળ જ કહેવાય બરોબર ને..?

અનુક્રમણિકા

૪૯. જળ રાક્ષસ

એક વિશાળ તળાવ હતું. તે તળાવમાં એક ‘જળ રાક્ષસ’ રહેતો હતો. અને તે જળ રાક્ષસ તળાવમાં જે કોઈ પશુ-પંખી કે મનુષ્ય પાણી પીવાં માટે આવતાં તેને તે જળ રાક્ષસ પોતાનો ખોરાક બનાવી નાખતો હતો.

તે તળાવની આસપાસ વસતાં ગામનાં લોકોમાં આથી ભય અને ગભરાટ વ્યાપી ગયો હતો. અને તેઓ બધાં વિચારવાં લાગ્યાં હતાં કે હવે આ જળ રાક્ષસનું કરવું શું? કારણ કે પીવાનું પાણી ભરવા માટે તળાવ ઉપર તો જવું જ પડે હોં.

તળાવ પાસેનાં સુંદરપુર ગામમાં મોહન નામનો એક છોકરો રહેતો હતો. તે મોહન ને વાંસળી વગાડવાનો ખૂબ જ શોખ હતો. તેની પાસે સંગીતનાં જાદુઈ શૂરોનો ખજાનો રહેતો હતો. તેણે જ્યારે જાણ્યું કે તળાવમાં ‘જળ રાક્ષસ’ પશુ-પંખી અને મનુષ્યોને હેરાન-પરેશાન કરે છે. આથી તેને ખૂબ જ દુઃખ થયું. તેનામાં માનવતાનાં ઝરણાંઓ ઉભરાવાં લાગ્યાં. બાદમાં તેણે મનોમન નક્કી કર્યું કે કોઈ પણ ભોગે આ જળ રાક્ષસ ને તળાવમાંથી હાંકી જ કાઢવો છે. ત્યારબાદ તે પોતાની પ્રિય વાંસળી લઈને તળાવ તરફ ઉપડ્યો.

તે તળાવમાં રહેતો જળ રાક્ષસ તો પશુ-પંખીઓ, મનુષ્યોને ખાઈ ખાઈને લાલ ઘોટા જેવો બની ગયો હતો. તેને તો આ તળાવ ખૂબ જ માફક આવી ગયું હતું. તે અત્યારે પગ ફેલાવીને તળાવમાં આરામ ફરમાવી રહ્યો હતો. કે અચાનક તેનાં કાન ઉપર સંગીતનાં જાદુઈ, વિચિત્ર શૂરો અથડાતાં જ તેનાં દિમાગમાં કોઈ અજબ પ્રકારની હલચલ મચવાં લાગી. તેણે આવું વિચિત્ર, જાદુઈ સંગીતતો જીવનમાં ક્યારેય સાંભળ્યું નહોતું હોં. ધીરે ધીરે તે જળ રાક્ષસનાં દીમાગમાં ભયંકર વિસ્ફોટ થતાં હોય તેમ તેને લાગ્યું. અને... અને... તે સટાક કરતો ઉભો થઈ તળાવ ઉપર આવ્યો. અને પછી કાંઠા તરફ નજર કરી તો તેને એક છોકરાંને વાંસળી વગાડતાં જોઈ, સાંભળી તેનાં દિમાગનો પીતો સાતમા આસમાને પહોંચી ગયો. બાદમાં તે ત્રાડ પાડી ઉઠ્યો. અરે ઓ મગતરાં છોકરા, બંધ કર તારી આ પીપુલડીને શું? અન્યથાં તને તો હું કાચો ને કાચો જ ખાઈ જઈશ હોં? પરંતુ મોહન આજે દૃઢ નિર્ણય કરીને જ આવ્યો હતો કે આજે કા આ જળ રાક્ષસ નહીં. અથવાં પોતે નહીં. આથી જ તેણે પોતાની વાંસળીમાંથી કોઈ અજબ-ગજબનાં વિચિત્રો શૂરો કાઢવાં લાગ્યો. જે સીધાં જ જળ રાક્ષસનાં દિમાગમાં હલચલ મચાવવાં લાગ્યાં. આથી જળ રાક્ષસનાં કપાળ ઉપરથી પરસેવાનાં રેલાંઓ ઉતરવાં લાગ્યાં. તેનું દિમાગ ખાલી ખાલી થવાં લાગ્યું.

અને... અને... થોડીવારમાં તો તે જળ રાક્ષસ મોટી મોટી ફલાંગો ભરતો તે તળાવમાંથી નીકળીને સમુદ્ર તરફ ચાલ્યો ગયો. આ જોઈ મોહન ને ખૂબ જ આનંદ થયો. બાદમાં તેણે ગામલોકોને આની જાણ કરી. આથી ગામલોકો મોહનને શાબાશી સાથે અંતરથી આશિર્વાદ પણ આપવાં લાગ્યાં અને તે સાથે જ પશુ-પંખીઓ પણ નિર્ભયપણે તળાવમાં પાણી પીવાં માટે આવવાં લાગ્યાં

તો આ હતી મોહનની પરોપકારીતાં.

અનુક્રમણિકા

૫૦. કમળ અને હાથી

એક સરોવર હતું. તે સરોવરમાં એક દિવ્ય કમળ ઝગારા મારતું તરી રહ્યું હતું.

સંધ્યાનો સુમધુર, આહ્‌લાદક સમય હતો. બરોબર આવા સમયે જંગલમાંથી એક ભીમકાય હાથી પાણી પાવાનાં ઉદ્દેશ્ય સાથે તે સરોવર ઉપર આવી ચડ્યો. સરોવરનું મધ-મીઠું પાણી પીતાં પીતાં તેની ઝીણી નજર સરોવર વચ્ચે તરી રહેલ અને દિવ્ય ઝગારા મારતાં કમળ ઉપર પડી. આ જોઈ તેનાં મનોજગતમાં ઉથલ પાથલ મચવાં લાગી. બાદમાં તેણે તે ઝગારા મારતાં કમળને ઉંચકી જવાં સારું તે ભીમકાય હાથી સરોવરમાં ઉતર્યો.

જ્યારે તે સરોવરમાં રહેલ દિવ્ય, ઝગારા મારતું કમળ આનંદપૂર્વક પ્રકૃતિનો આનંદ ઉઠાવતું તે સરોવરમાં શાહી બાદશાહીથી તરતું હતું. તેથી કશી જ કલ્પનાંએ કરેલ નહી કે કોઈ ભીમકાય હાથી તેને અહીંથી લઈ જવાં માટે તેની તરફ ધસ્યે આવતો હશે? તે તો નિજાનંદમાં રહી પ્રકૃતિનો આનંદ ઉઠાવતું તરી રહ્યું હતું.

જ્યારે આ તરફ તે ભીમકાય હાથી લાળ ટપકાવતો સરોવરમાં આગળ ને આગળ ધસ્યે જતો હતો. સરોવર જોકે બહું મોટું તો નહોતું જ હોં. પરંતુ પાણી તો પુષ્કળ પ્રમાણમાં હતું. આમ, તે સરોવરમાં દિવ્ય, ઝગારા મારતું કમળ આગળ ને આગળ મોજપૂર્વક તર્યે જતું હતું. અને પાછળ ને પાછળ તે ભીમકાય હાથી તેને પકડવાં માટે ધસ્યે આવતો હતો. બસ, હમણાં જ તે કમળ પોતાની સૂંઢમાં પકડાઈ જ જશે. તેમ વિચારતો તે હાથી આગળ ને આગળ વધ્યે જતો હતો. આમ, પૃથ્વી ઉપર અંધકારનાં ઓળા ઉતરી આવ્યાં હતાં. તેમ છતાં તે દિવ્ય કમળ હાથીની પકડમાં આવતું નહોતું હોં. હાથીએ તે કમળને પકડવાં માટે ઘણાં જ પ્રયત્ન કર્યા હતાં. પરંતુ કેમેય કરીને તે દિવ્ય કમળ હાથ આવ્યું નહીં.

તે ભીમકાય હાથીનાં મનોજગતમાં ચમકારો થયો. અરે હું પણ કેવો મૂર્ખ છું. એક સામાન્ય કમળને પકડવા માટે આમ ભૂતની જેમ તેની પાછળ ભમ્યાં કરું છું શું તે ઉચિત કહેવાય? ઈશ્વરે તેની જેમ તે કમળને પણ જીવન બક્ષ્યું હતું ને? તો પછી શા માટે તે પ્રકૃતિપ્રેમી એવાં દિવ્ય કમળને હાથ કરવાનાં વિચાર કરવાં જોઈએ હેં? આમ, તે ભીમકાય હાથીનાં મનોચક્ષું ખુલી ગયાં હતાં. બાદમાં તે પસ્તાવાં સાથે તે તળાવમાંથી બહાર નીકળીને જંગલ તરફ ચાલતો થયો.

જ્યારે તે દિવ્ય કમળ હાથીને ચાલ્યો ગયેલ જોઈ મંદ, મંદ સ્નેહભર્યુ હસવાં લાગ્યું.

તો આ હતી કુદરતની અજબ-ગજબની લીલાં હોં.

બોધ : મિત્રો, કુદરતની લીલાને ભલાં કોણ પારખી શકે હેં?

અનુક્રમણિકા

૫૧. હાથી મંડળ

એક વિશાળ લીલોતરીઓથી હર્યુ ભર્યુ વન હતું. અને તે વનમાં હાથી મંડળનું એક ઝુંડ રહેતું હતું. તે હાથી મંડળમાં ભારે એકતા, સંપ અને સાથ સહકાર હતાં. તેઓ એક બીજાને સુખ, દુઃખમાં સાથ આપતાં હતાં.

એક દિવસની વાત છે. તે વનમાં આવેલ એક વિશાળ વડનાં વૃક્ષ ઉપર કેટલાંક નટખટ અને અટકચાળા વાંદરાઓ રહેતાં હતાં. જેઓ વૃક્ષ નીચેથી જે કોઈ પશુ-પ્રાણીઓ પસાર થાય તેમની તેઓ ભારે ઠઠ્ઠામશ્કરી કરતાં હતાં. તેઓની પજવણી કરતાં હતાં.

સંધ્યાનો સુમધુર, આહ્‌લાદક સમય હતો. વિશાળ વડનાં વૃક્ષ ઉપર અટકચાળા વાંદરાઓને કોઈ શિકાર (મશ્કરી કરવાનાં રમકડાં) ની શોધમાં હતાં. બરોબર આવા સમયે તે હાથી મંડળ તે વિશાળ વૃક્ષ નીચેથી પસાર થયું. આ જોઈ વૃક્ષ ઉપરથી મોટી મોટી ડાળખીઓ તોડી તોડીને નિર્દોષ હાથી મંડળ ઉપર તેનો પ્રહાર કરતાં તૂટી જ પડ્યાં. આ જોઈ હાથી મંડળનાં આગેવાન એવાં ભોલું હાથીએ કહ્યું. મિત્રો, તમો આમ એકાએક અમારી ઉપર શા માટે તૂટી પડ્યાં છો હેં?

પરંતુ આ તો અટકચાળાપણાંનો જાણે ખીતાબ ન મેળવવાનો હોય તેમ તે બધાં વાંદરાઓ તૂટી જ પડ્યાં હતાં હોં. અંતે ભોલુંએ તેનાં મિત્રોને કહ્યું, મિત્રો, હવે આ વાંદરાઓ આપણી એકપણ વાત સાંભળશે નહીં. માટે આ વડનાં વૃક્ષની ડાળીઓ પકડી પકડીને જોરદારપણે હલાવી જ નાંખો? બસ, ખલાસ? આગેવાન ભોલુ હાથીની સૂચનાં મળતાં જ બધાં હાથીઓ વડનાં વૃક્ષની ડાળીઓ પકડી પકડીને ખેંચાખેંચી કરતાં લટકવાં લાગ્યાં. આ જોઈ નટખટ વાંદરાઓમાં તો ભય ફેલાઈ ગયો. તેઓએ આવી કશી જ કલ્પના કરેલ નહીં કે આમ એકાએક હાથી મંડળ આવી પ્રવૃત્તિઓ અને સામો પ્રતિકાર કરશે.

આમ, વડનાં વૃક્ષ ઉપરનાં વાંદરાઓ તો ડાળીઓ હલતાં જ ટપોટપ કરતાં વૃક્ષ ઉપરથી ભફાંગ કરતાં પડવાં લાગ્યાં. અને દરેકની પીઠ, હાથ, પગ વગેરે છોલાવાં લાગ્યાં. અને પછી તેઓ બધા અંતરથી પસ્તાવો પણ કરવાં લાગ્યાં. આ જોઈ હાથી મંડળે તેઓને માફી આપી. અને પછી થોડો બોધપ્રદ ઉપદેશ પણ આપ્યો. જે સાંભળી વાંદરાઓ પાછળથી તદ્દન સુધરી ગયાં. અને તેઓ બધાં હાથી મંડળનાં પાકા મિત્રો પણ બની ગયાં હોં.

બોધ : મિત્રો, ક્યારેય કોઈની મશ્કરી કે અટકચાળા કરાય નહીં હોં. બરોબર ને...?

અનુક્રમણિકા

૫૨. શાળામાં પોપટ બોલે

સુંદરપુરની પ્રાથમિક શાળામાં પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. ધો. ૭ માં રાજુ નામનો એક છોકરો પણ અભ્યાસ કરતો હતો. રાજુ ભણવામાં ભારે હોંશિયાર હતો. શાળાનાં આચાર્ય, શિક્ષકો પણ રાજુને માનથી જોતાં હતાં. રાજુનું મગજ ભારે પાવરફુલ હતું. તે દરેક વખતે શાળામાં ફર્સ્ટ આવતો હતો.

રાજુનાં ઘરે એક પોપટ હતો. અને તે પોપટ પણ ખૂબ જ બુધ્ધિશાળી હતો. તેને પણ ભણવાનું ભારે મન હતું. પરંતુ રાજુ તેને કહેતો. મિત્ર પોપટ, જો તું અમારી શાળામાં આવીશને તો લોકો તને હેરાન-પરેશાન કરશે શું? તેનાં કરતાં હું તને અહીં જ અભ્યાસ કરાવું તો શું ખોટું છે હેં? પરંતુ તે પોપટ ભારે જીદ્દી હતો હોં. તેને પણ શાળામાં અભ્યાસ કરવાની ખૂબ જ ઈચ્છા થઈ આવતી હતી. આથી તેણે એક દિવસ નક્કી કર્યુ કે રાજુ જ્યારે શાળાએ જતો રહે ત્યાર પછી પોતે પણ સ્કૂલબેગ લઈને શાળાએ જશે. અને ભણશે.

બીજા દિવસે રાજુ તો રોજનાં ક્રમ મુજબ પોતાનું દફતર લઈને શાળાએ પહોંચી ગયો હતો. જ્યારે તે મીઠું પોપટ થોડીવાર બાદ તે પણ નાનું દફતર લઈને શાળાએ ભણવાં પહોંચી ગયો અને એ પણ રાજુનાં ક્લાસમાં હોં. એક પોપટને આ રીતે દફતર લઈને શાળાએ આવેલ જોઈ શાળાનાં વિદ્યાર્થીઓ તો દંગ જ રહી ગયાં. રાજુ તે પોપટ ઉપર ગુસ્સે થયો. પરંતુ તે પોપટની લગન અને ધગશ જોઈને તેને તે પોપટ પ્રત્યે ખૂબ જ માન થયું. શાળાનાં શિક્ષકે પણ જોયું કે તે પોપટમાં ખૂબ જ ઉચ્ચ પ્રકારનાં ગુણો છે. લગન છે. ધગશ પણ છે. આથી તેણે તે પોપટને પણ ભણાવવાનું શરું કર્યું અને પછી તો રાજુનો પોપટ રાજુનાં ખંભા ઉપર બેસીને રોજ શાળાએ અભ્યાસ કરવાં આવવાં લાગ્યો. આ જોઈ શાળાનાં શિક્ષકો, વિદ્યાર્થીઓને ખૂબ જ નવાઈ સાથે આનંદ પણ થયો. હા, એક અબોલ પંખીમાં પણ ઉચ્ચ અભ્યાસ કરવાનાં ગુણોથી તેઓ ખૂબ જ પ્રભાવીત થયાં.

જ્યારે પરિક્ષાઓ આવી ત્યારે તે પોપટે પણ વાર્ષિક પરીક્ષાઓ આપી. અને... અને... જ્યારે રીઝલ્ટ આવ્યું ત્યારે તે પોપટ સારા માર્કસે ઉત્તિર્ણ પણ થઈ ગયો. આથી શાળા આખામાં રોમાંચ ફેલાઈ ગયો. રાજુએ આખી શાળાનાં શિક્ષકો, વિદ્યાર્થીઓને પેંડા ખવડાવ્યાં. આ જોઈ પોપટને અતિ આનંદ થયો. આજુબાજુનાં ગામનાં લોકો પણ તે અનેરાં શૈક્ષણિક પોપટને જોવાં માટે ધસી આવ્યાં. હા, તે પોપટ ખૂબ જ જ્ઞાન ભૂખ્યો હતો હોં. તે પોપટનાં ફોટા પેપરમાં છપાવાં લાગ્યાં. આકાશવાણી ઉપર તે પોપટનાં ઈન્ટરવ્યું આવવાં લાગ્યાં. તેણે સુંદરપુર ગામની શાળાનું નામ પણ ખૂબ જ રોશન કર્યું. રાજુને પણ ખૂબ જ આનંદ થયો. હા, પોતાનો શ્રેષ્ઠ મિત્ર પોપટ સારા માર્કસે પાસ થયો હતો ને.

બોધ : મિત્રો, તમો પણ જ્ઞાન ભૂખ્યા રહી હંમેશાં જીવનમાં આગળ ને આગળ વધ્યાં કરશો હોં.

અનુક્રમણિકા

૫૩. ભોલુની ભલાઈ

સુંદરપુર નામે એક ગામ હતું. તે ગામમાં ભોલું નામનો એક છોકરો રહેતો હતો. ભોલું નામ પ્રમાણે જ ભોલું, પરોપકારી, હતો હોં. ગામમાં જેને જે કંઈ પણ કામ હોય તે કામ ભોલું વિના સ્વાર્થે કરી આપતો હતો. કોઈની પાસેથી એક રુપિયો પણ તે ેતો નહોતો હોં. આથી ગામમાં ભોલુની છાપ ખૂબ જ સારી હતી.

એક દિવસની વાત છે. તે સુંદરપુર ગામમાં એક મારવાડી શેઠને કરીયાણાની દુકાન હતી. અને તેણે ભોલુને તે દુકાનમાં કામ અર્થે રાખી લીધો. થોડાં દિવસો તો બધું કાયદેસર ચાલતું રહ્યું. પછી ધીરે ધીરે મારવાડી શેઠે તેનો રંગ બતાડ્યો. અને ભોલુને કહ્યું. ભોલુ, આ દુનિયામાં જો ઈમાનદાર રહીએ ને તો તો પછી ભૂખે મરવાનો વારો આવે શું? માટે હું તને કહું તેમ તું ગ્રાહકોને માલ જોખીને આપજે શું? જેથી આપણે અમીર બની જઈએ. પરંતુ ભોલુને તો મારવાડી શેઠની વાત બિલકુલ રુચતી નહી. અને તે દરેક ગ્રાહકને પુરેપુરું વજન કરીને જ માલ આપતો હતો. આથી શેઠે તેને નોકરીમાંથી છૂટો કરી દીધો. પરંતુ ભોલુ જેનું નામ. ભોલું હિંમતહાર્યા વગર જ કામ શોધતો રહ્યો.

ભોલુ ને પોષ્ટ ઓફિસમાં નોકરી મળી ગઈ. આથી તે ઘરે ઘરે ટપાલો આપવા જવાનું કામ કરવાં લાગ્યો. તે દરેકને ટપાલ વાંચી પણ સંભળાવતો હતો. ક્યારેય લખી પણ આપતો હતો. આમ, ભોલું સેવાકીય પ્રવૃત્તિ પણ કરવાં લાગ્યો. લોકોને ભોલુ નો સ્વભાવ ખૂબ જ માફક આવી ગયો હતો. કોઈની સાચી સલાહથી ભોલુ રાત્રીનાં સમયે અભ્યાસ પણ કરવાં લાગ્યો. ધીરે ધીરે ભોલુ અભ્યાસમાં પણ પ્રગતિ કરવાં લાગ્યો. એક પછી એક પરીક્ષાઓ પણ આપવાં લાગ્યો અને... અને... ભોલુની ધીરજ, લગનથી એક દિવસ તેને તે જ ગામમાં મુખ્ય પોસ્ટ માસ્તરની કાયમી નોકરી પણ મળી ગઈ. આ જોઈ ગામમાં તો આનંદ આનંદ છવાઈ ગયો. લોકો તો તેનાં વખાણ કરતાં થાકતાં નહોતાં હોં. જે ગામમાં તેનો જન્મ થયો. અભ્યાસ કર્યો. સેવા કરી અને તે જ ગામમાં મુખ્ય પોસ્ટ ઓફિસમાં મુખ્ય પોસ્ટ માસ્તરની કાયમી નોકરી મળી જતાં જ ભોલુ તો ઈશ્વરનો અનહદ આભાર માનવાં લાગ્યો. લોકોને પણ લાગ્યું કે ધીરજ, સેવાનું ફળ મળ્યાં વગર રહે જ નહીં શું?

બોધ : મિત્રો જીવનમાં ધીરજ, ભલાઈ અને ઈમાનદારી રાખવી ખૂબ જ જરુરી છે. જે ક્યારેક ને ક્યારેક ઉપયોગી બને છે. કેમ, બરોબર ને...?

અનુક્રમણિકા