Majana Manas Mahendrabhai Mashroo Vikas Rajpopat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Majana Manas Mahendrabhai Mashroo

ગીરનાર ડુંગર, ગીરના સાવજ અને એજ મલકનો મજાનો માણસ!

વિધાનસભાની ચુંટણી હતી. ચુંટણીના પરિણામનો દિવસ આવ્યો. આ દિવસે બધી જ પાર્ટીના બધા જ ઉમેદવારોના જીવ પડીકે બંધાયા હતા. શું પરિણામ આવશે, કેટલી લીડ છે, જીતીશું કે શું થશે વિગેરે બાબતોથી ચિંતીત ઉમેદવારોની વચ્ચે આપણા ગુજરાતમાં એક એવા ઉમેદવાર પણ હતા, જેમને પરિણામથી એમના કાર્યોને અને એમના જીવનને કાંઇ જ ફરક ના પડતો હોય તેમ તેઓ કચરો અને પ્લાસ્ટીક વિણવા જંગલમાં ગયા હતા. આ એ જ ઉમેદવાર છે જે એવું માને છે કે ચુંટણી જીતીએ કે ના જીતીએ આપણે આપણું કામ કરવાનું. આ એ જ ઉમેદવાર છે જેણે આજ સુધી એકેવાર સરકારનો એક રૂપિયો નથી લીધો. આ એ જ ઉમેદવાર છે જેના વિશે આવું તો કંઇ કેટલુંય કહી શકાય. આ એ જ ઉમેદવાર છે જેનું નામ મહેન્દ્રભાઇ મશરૂ છે!

...................

મહેન્દ્રભાઇની લોકચાહના ૧૯૯૦ની એમની પહેલી વિધાનસભાની જીતથી લઇને આજ સુધી એટલી જ અકબંધ રહી છે. ચાલો આપણે ડોકીયું કરીએ ચુંટણીના મેદાનમાં મહેન્દ્રભાઇના ૬ બોલમાં ૬ વિકેટ લેવાના કારનામામાં!

મહેન્દ્રભાઇને પૂછવામાં આવ્યું કે આપ ક્યારે મળી શકશો? જવાબ જાણવા જેવો છે- ’જ્યારે મળવું હોય ત્યારે.’ ક્યાં મળીશું? ’હું હોઇશ હોસ્પીટલે કે જલારામ મંદિરે કે ક્યાંક રસ્તા પર મળી જાઇશ, તમે આવો તો ખરા!’ ફોન પર જ એમની નિખાલસતા અને એમના સાદાઇના ગુણની પરખ મળી અને પછી થઇ મુલાકાત...

કેશોદ તાલુકાના કરેણી ગામે જન્મ થયો સોરઠના આ લોકસેવકનો કે જેનામાં જૂનાગઢના ઘણા લોકો વર્તમાન સમયના જલારામબાપા જુવે છે.

બી.એસ.સી. અને એલ.એલ.બી. થયેલા મહેન્દ્રભાઇ કહે છે, “ મારે થવું હતું ડોક્ટર પણ તત્કાલીન સમાજ અને રાજકીય પરિસ્થિતીઓને જોતા-જોતા, મામાની વાસણની દૂકાને બેસતા-બેસતા હું ક્યારે સમાજસેવા અને રાજકીય ક્ષેત્રમાં પ્રવેશી ગયો, તે મને પણ ખબર નથી.”

’હું આમ તો ચૂંટણીનો માણસ નહીં’ એવું કહેતા મહેન્દ્રભાઇ ક્યારે અને કેમ રાજકીય અખાડામાં પ્રવેશ્યા એની તવારીખ કાંઇક આવી છે. ૧૯૬૨માં વિદ્યાર્થી અવસ્થામાં જ જનસંઘમાં જોડાયેલા મહેન્દ્રભાઇને રોષ હતો ભ્રષ્ટાચારથી. એવામાં ઓક્ટોબર મહીનામાં ચીને ભારત પર હુમલો કર્યો અને મહેન્દ્રભાઇએ પહેલી વખત દેશદાઝના ભાષણ કરવાની શરૂઆત કરી. આ દેશદાઝના અકુંર કોને જોઇને ખીલ્યા કે ભાષણ કરતા કેમ આવડ્યું એ પ્રશ્નના જવાબમાં મહેન્દ્રભાઇ કહે છે, “ મારા મિત્ર રજનીકાંત પાંવના પિતા નારણદાસ ખૂબ સારા વક્તા હતા. એમના વક્તવ્યો અને જયપ્રકાશ નારાયણના વિચારોએ મને સહુથી વધુ પ્રભાવિત કર્યો છે.”

જયપ્રકાશ નારાયણના વિચારોનો જ એ પડઘો હતો કે જેના ભાગરૂપે મહેન્દ્રભાઇએ અનુભવ્યું કે ’દેશના સારા માણસો જાહેર જીવનમાં આવવા જોઇએ.’ જે.પી. ના માર્ગેદર્શનથી પરોક્ષ રીતે દોરવાતા હોય એમ મહેન્દ્રભાઇએ ભીંતપત્રો લખ્યા અને એવી અનેક પ્રવૃતિઓ નવનિર્માણ આંદોલનના ભાગરૂપે કરી. જયપ્રકાશના વખાણનો સીલસીલો ચાલુ રાખતા મહેન્દ્રભાઇ કહે છે, ’જેપી મેક્સ હેપી’ (જેપી ખુશી આપે છે.) તેઓ ઉમેરે છે, “ આ આંદોલન અને આ બધી પ્રવૃતિઓ મારા માટે ભ્રષ્ટાચારની વિરુધ્ધનું શસ્ત્ર હતી.”

ઇતિહાસની આ બધી ઘટનાઓની વાતો વચ્ચે જ્યારે મહેન્દ્રભાઇને એવું પુછાયું કે ભ્રષ્ટાચારના આક્ષેપો તો ભાજપના આલા અધિકારીઓ અને નેતાની વિરુધ્ધમાં પણ છે જ ને! તો તેવો ઉતર આપે છે, “ હું મારુ કામ કરવામાં માનું, બીજાઓનું બીજા જાણે!”

એવામાં ઇતિહાસ ફરીથી એમની આંખોમાં તગતગે છે, “૧૯૭૫માં ઇન્દીરાજીએ કટોકટી લાદી અને મારી ધરપકડ રાતના બે વાગે મારા ઘરેથી થઇ. એક મહીનો સુધી ભૂજની જેલમાં અને પછી સાડા આઠ મહીના ભાવનગરની જેલમાં રહ્યો. એ સમયે ભાવનગરની જેલમાં હું અને બાપુ (શંકરસિંહ વાઘેલા) સાથે હતા.”

જેલવાસ બાદ મહેન્દ્રભાઇની જનસંઘને મજબૂત કરવાની તેમ જ દુખી, જરૂરીયાતમંદ માણસ પાસે દોડી જવાની સામાજિક પ્રવૃતિ ચાલુ રહી. ૧૯૮૦ અને ૧૯૮૫ની વિધાનસભાની ચૂંટણીઓ આવી અને ગઇ અને એ બન્નેમાં કોગ્રેંસનો વિજય થયો. ૧૯૯૦માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે જૂનાગઢથી ઊભા રહ્યા. કેમ અપક્ષ ઉમેદવારી, એવા પ્રશ્નના જવાબમાં મહેન્દ્રભાઇ કહે છે, “ મિત્રોએ આગ્રહ કર્યો કે તમે આ વખતે ચૂંટણી લડો. હું હજુ હા કે ના કહું તે પહેલા તો મિત્રોએ ભાજપ મોવડી મંડળને રજુઆત પણ કરી દીધી કે આમને ઉમેદવાર બનાવો. ૧૯૯૦માં ભાજપે કોઇ કારણથી ટિકીટ ના આપી અને હું અપક્ષ તરીકે લડ્યો અને એવું જ થયું ૧૯૯૫માં પણ.”

૧૯૯૦માં અપક્ષ ઉમેદવાર તરીકે ઊભી અને જીતેલા મહેન્દ્રભાઇએ સસંદસભ્યને મળતા સરકારી ભથ્થા, સગવડો, ગાડી, પગાર કે કાંઇપણ લાભ લેવાની ના પાડી અને તેઓ ચર્ચામાં આવ્યા. આ લાભો લેવાની ના પાડવાનું કારણ સમજાવતા મહેન્દ્રભાઇ કહે છે,

“ મારા મધરનો એવો ચોખ્ખો આદેશ હતો કે તારે સરકારના માણસ થવું હોય તો થા પણ સરકારનો પૈસો ઘરમાં ના લાવતો કે ત્યાં ખાવાનું પણ ના ખાતો.”

મહેન્દ્રભાઇએ જેમને બાલ્યાવસ્થામાં ગુમાવી દીધા એવા પિતા માણાવદરના નગરશેઠ હતા, અને માતા નગરશેઠાણી. મહેન્દ્રભાઇ કહે છે તેમ, “ હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે મને સ્કૂલે મૂકવા મોટર આવતી. ભલે પિતાના અવસાન બાદ અમે એ ઠાઠ-માઠ અને વૈભવ ગુમાવી ચુક્યા હતા પણ એ મનનું મોટાપણું નહોતું ગયું...આમપણ સિંહ થોડો ઘાસ ખાય?”

બે દસકાથી પણ વધારે સમય સંસદસભ્ય હોવા છતાં પણ સરકારનો એક પણ પૈસો ના લઇને મહેન્દ્રભાઇએ માતાના આ આદેશને નિભાવ્યો છે. ડ્રાઇવીંગ ના આવડતું હોવાથી અને કાર ના રાખવાની એમની રીતને ટેકો મળ્યો છે એમના પગથી. ક્યાંયપણ જવું હોય તો મહેન્દ્રભાઇ આજના દિવસે ચાલતા થઇ જાય, અને આખુ જૂનાગઢ શહેર જેમને ઓળખે એવા મહેન્દ્રભાઇને શહેરના લોકો હોંશે-હોંશે એમના ટૂ-વ્હીલરમાં બેસાડીને એમને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી દે.

૧૯૯૫ની ચૂંટણીમાં મહેન્દ્રભાઇનું પ્રદર્શન પણ અદ્વિતીય હતું. ભાજપે ટિકીટ ના આપી તો મહેન્દ્રભાઇ અપક્ષ તરીકે મેદાને ઊતર્યા અને એ વખતે સ્પર્ધા હતી ભાજપ અને કોગ્રેસના ઉમેદવાર સહિત અન્ય ૨૮ ઉમેદવારો સામે. અને એ ચૂંટણીનું પરિણામ જાણવા જેવું છે. ૩૧માંથી મહેન્દ્રભાઇ સિવાયના ત્રીસે ત્રીસ ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થઇ અને મહેન્દ્રભાઇનો ભવ્ય વિજય થયો.

અપક્ષ ઉમેદવારી તમને ફળતી હતી તો ૧૯૯૫ બાદ ભાજપમાં કેમ જોડાયા, એવા પ્રશ્નના ઉતરમાં મહેન્દ્રભાઇ કહે છે, “ હું અપક્ષ તરીકે બન્ને વખત જીત્યો ત્યારે પણ હું ભાજપની સાથે જ હતો કારણ કે જનસંઘ પોતે ભાજપમાં જોડાઇ ગયેલું એકમ હતું. ૧૯૯૫ની ચૂંટણી બાદ મિડ-ટર્મે ચૂંટણી આવેલી અને એ સમયે કેશુભાઇ પટેલ જૂનાગઢ આવેલા અને એમણે મને કહેલું કે ’ભૂતકાળમાં જે થયું હોય તે ભૂલી જાઓ અને ભાજપમાંથી આ વખતની ચૂંટણી લડો.’

આ મિડ-ટર્મ આવેલી ચૂંટણી મહેન્દ્રભાઇ ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા અને જીત્યા. એવામાં જૂનાગઢને જિલ્લો ઘોષિત કરાયો અને સાધારણ સભાની ચૂંટણીની જાહેરાત થઇ તો પક્ષે એમાં પણ એમને સુકાન સોંપ્યું. મહેન્દ્રભાઇએ એ ચૂંટણીમાં પણ વિજય-પતાકા લહેરાવ્યા અને જૂનાગઢના પ્રથમ મેયર બનીને અઢી વર્ષ સુધી શાસન કર્યું.

આટ-આટલા વહીવટી અને સામાજિક કાર્યોની જવાબદારીઓ મહેન્દ્રભાઇ કેમ નિભાવી શકે છે એવા સવાલનો પ્રત્યુતર પણ મહેન્દ્રભાઇ સહજ-રીતે આપે છે, “ દિવસમાં એક વખત જમુ છું. ઘરેથી એક વખત નીકળ્યા પછી રાત સુધી બધે ફરતો રહું છું, જેને જ્યાં જે કામ હોય ત્યાં ચાલ્યા જવાનું!”

જૂનાગઢના રહેવાસીઓને ક્યાંય પણ બિનવારસી લાશ જોવા મળે તો કોને ફોન કરવાનો એવો પ્રશ્ન એમને ઊઠતો નથી. મહેન્દ્રભાઇને ફોન કરો એટલે મહેન્દ્રભાઇ ગમે તે કામ પડતું મૂકીને અનંત યાત્રાએ ઊપડેલા એ માણસને પુરા માન અને સન્માનથી અગ્નિદાહ આપે છે. જૂનાગઢના લોકો માટે, જૂનાગઢ શહેર માટે એમને શું કરવું છે તે વિશે તેઓ જણાવે છે, “ છેવાડાના માનવી સુધી પહોંચવું છે, બધાને પ્રાથમિક સુવિધા આપવી છે અને એટલે જ હું શહેરના અલગ-અલગ લતામાં પહોંચી જાવ છું અને ત્યાં રહેતા લોકોને મદદરૂપ થવાની કોશિષ કરુ છું.”

જૂનાગઢની એવી કોઇ રચનાત્મક પ્રવૃતિ નહીં હોય કે જેમાં મહેન્દ્રભાઇની હાજરી ન હોય. ગીરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો અંબાજી પહોંચે છે તો ત્યાં તેમને આવકારવા માટે મહેન્દ્રભાઇને ઊભેલા જુએ છે. આ સ્પર્ધા શરૂ થઇ તેના ચાર દસકાથી વધારે વર્ષો થયા અને આજ સુધી એક પણ વર્ષ એવું નથી ગયું કે જેમાં સ્પર્ધકો પહેલા મહેન્દ્રભાઇ અંબાજી ન પહોંચી ગયા હોય. જે વિધાનસભાની ચુંટણીના પરિણામની શરૂઆતમાં વાત થઇ છે તે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે અન્ય ઉમેદવારો કે જે પોતાના પરિણામની આતુરતાથી રાહ જોઇને બેઠેલા હોય તેનાથી એકદમ ભિન્ન એવા મહેન્દ્રભાઇ જંગલમાં પ્લાસ્ટીક અને કચરો વિણતા હતા. મહેન્દ્રભાઇ ગીરનાર પરિક્રમા પૂરી થયા બાદ દર વર્ષે લોકોએ ફેંકેલ પ્લાસ્ટીક અને કચરો વન અને વન્ય-જીવોને નુકશાન ના પહોંચાડે એ માટે સફાઇ અભિયાન કરે છે. તે વર્ષે પણ એમની આ પ્રવૃતિ ચૂંટણી કે ચૂંટણીના પરિણામના કારણે અટકી નહોતી.

જૂનાગઢ અને જૂનાગઢના લોકો એમને ખૂબ જ ચાહે છે તે છ વિધાનસભાની ચૂંટણીઓથી સાબિત થઇ ગયું છે. પરંતુ એવું પણ નથી કે એમના કોઇ વિરોધીઓ નથી કે એમના પર કોઇ આક્ષેપ કે આરોપો નથી. એમના પર સમયાંતરે થતા આક્ષેપો કે આરોપોની સાથે એમને કોઇ જ મતલબ ના હોય તેવી બેફિકરાઇથી મહેન્દ્રભાઇ કહે છે, “ મારી હકીકત મારી જૂનાગઢની જનતા જાણે છે.”

તમે આટલા વર્ષોથી સફળ ઉમેદવાર છો, સિનીયર છો છતાં તમને કોઇ ખાતુ કે મંત્રીપદ કેમ નથી અપાયું એ પ્રશ્નનો જવાબ આપે તે પહેલા મહેન્દ્રભાઇને હોસ્પીટલથી કોઇક દર્દીનો મદદ માટે ફોન આવે છે અને મહેન્દ્રભાઇ ઉતાવળે વિદાય લે છે. એમને ત્યાંના જ સ્ટાફના એક વ્યક્તિના શબ્દોમાં કહીએ તો, “ કોઇ દર્દી એમને બોલાવે તો, સા’બ ગમે તેની સાથે હોય કે ગમે તે કામમાં હોય, તો’યે ના રોકાય!”.

.......................................................................................................................................