ઓસમાણ મીર Vikas Rajpopat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓસમાણ મીર

સેતુબંધની વિભાવનાને સ્વરથી મૂર્તિમંત કરતા ઓસમાણ મીર

થોડા સમય પહેલાની આ વાત છે. સંજય લીલા ભણસાલી પ્રોડક્શનમાંથી રાજકોટના લોકસંગીતના લોકલાડીલા ઓસમાણ મીરને ફોન આવે છે કે સંજય સર તમને યાદ કરે છે અને મળવા માંગે છે. પોતાને મળેલું બધું- નામ, દામ અને પ્રતિષ્ઠા માલિકની મહેરબાની છે એવું માનતા ઓસમાણભાઇ આ ફોનને મજાક માને છે. ફરીથી ફોન આવે છે અને ઓસમાણભાઇ ભૂલી જાય છે. ત્રીજી વખત ફોન આવતા એને ગંભીરતાથી લે છે અને પહોંચી જાય છે મુંબઇ. સંજય લીલા ભણસાલી એ જ દિવસે કોઇ વોઇસ ટેસ્ટ નહીં જાણે, પહેલેથી પૂરતા રીસર્ચ બાદ ઓસમાણભાઇને એ ગીત ગાવા માટે પસંદ કર્યા હોય તેમ જ તે જ દિવસે એમનું રેકોર્ડીંગ કરે છે. આ ફિલ્મ એટલે સંજય લીલા ભણસાલીની ૨૦૧૩ માં આવેલી ફિલ્મ રામલીલા.

આવડા ગજાના ફિલ્મમેકરની ફિલ્મનું ગીત ગાવાની સિધ્ધી હોય કે પૂજ્ય મોરારી બાપૂના હેતના હકદાર, ઓછું ભણેલા (માત્ર ૯ ધોરણ) અને સાવ નાનકડા ગામડાથી જીવનની શરૂઆત કરનારા (અબડાસા તાલુકાના વાયોર ગામમાં એમનો જન્મ થયો) અને સામાન્ય માણસ બનીને જીવતા ઓસમાણભાઇ કહે છે, “મારી પાસે તો કાંઇ વધારે કહેવાનું છે નહીં, અડધો કલાકમાં તમે જ કહેશો કે મુલાકાત પૂરી!”

ઓસમાણ આ શબ્દનો અર્થ શું થાય એવા પ્રશ્નના જવાબમાં મીર કહે છે, “મારું મુળ નામ તો ઉસ્માન પણ મને બધા ઓસમાણના નામે જ ઓળખે અને મેં પણ હવે એ જ નામ સ્વીકારી લીધું છે. ઉસ્માન વાસ્તવમાં તો મુસ્લિમ મઝહબના ૩જા ખલીફા ’ઉસ્માન-આલે-સલામ’ના નામ પરથી લેવામાં આવેલો શબ્દ છે.”

તબલાવાદન કરવાથી લોકસંગીત સાથે જોડાયેલા મૂળ કચ્છના અને ૨૨મી મે ૧૯૭૪ના રોજ જન્મેલા આ ગાયકે જીંદગીને, તેના સંઘર્ષને ખૂબ નજીકથી જોયો છે. પિતાના મૃત્યુ બાદ, ૧૩ વર્ષની ઉંમરે જ એમને ઘર સંભાળવાનું હતું અને લોહીમાં મળ્યું હતું તે સંગીત તેમની આવડત હતી. પિતાના એક મિત્ર પ્રદિપ દવે આ નાનકડા યુવાનને ભજન અને લોકડાયરા ક્ષેત્રના સિંહાસન પર વર્ષો સુધી જેમણે હલકની હેલી વહેતી રાખેલી એવા નારાયણ સ્વામી પાસે લઇ ગયા. અને પછી તો નારાયણ સ્વામીના ભજનોને વર્ષો સુધી એમણે પૂરી આસ્થાથી તબલાના તાલ આપ્યા છે. ઓસમાણભાઇ કહે છે, ઇશ્વરની મહેરબાની રહી છે મારા પર કેમકે આજ સુધી મને બધા જ અતિ આદરણીય લોકોના સંપર્કેમાં રહેવાનો મોકો મળ્યો છે. નારાયણ સ્વામી સાથે રહ્યો છું તો ભજનો મને આવડી ગયા અને જન્મે મુસ્લીમ હોવા છતાં, મારા નામને ભૂલી જાવ અને મને શીવભક્તિના કે અન્ય ભજનો ગાતા સાંભળો તો તમને અંદાજ પણ ના આવે કે આ એક મુસ્લીમ ગાયક હશે. અને આમપણ સંગીતને ધર્મના બંધનો બાંધી તો ના જ શકે.”

એક તબલાવાદક ગાયક કેમ બન્યા એ પ્રશ્નનો ઉતર આપતા ઓસમાણ મીર જણાવે છે, “હું બાપૂની સંગીતની ટૂકડીમાં તબલાવાદન કરતો, એમાં એક વખત એવું થયું કે દિવસના સમયે અમે બાપૂના આશ્રમે મહુવામાં નવરા હતા તો હું મિત્રોને હાર્મોનિયમ વગાડતા-વગાડતા કાંઇક ગાઇને સંભળાવતો હતો. એવામાં બાપૂના પુત્ર પાર્થિવભાઇ ત્યાંથી નીકળ્યા, અવાજ સાંભળીને તેઓ અંદર આવ્યા અને મને ગાતો સાંભળ્યો. એમને મારો અવાજ ગમ્યો. તેમણે બાપૂને મારી ગાયકી સારી છે એ વાત ક્યારે કરી એ મને ખબર નથી પણ મને એ જ સાંજે કહેવામાં આવ્યું કે મુખ્ય કાર્યક્રમ પૂરો થાય પછી, મારે ૧૦ મિનીટ માટે ગાવાનું છે. હું તો ગાવા માટે કાંઇ તૈયાર નહોતો પણ મારે બાપૂ સામે ગાવું’તું. બાપૂએ કહ્યું કે ભૈરવી સંભળાવો અને મેં શરૂ કર્યું, ’દિલક્શ તેરા નક્શા હૈ, સુરત તેરી પ્યારી હૈ’ આ ગાયનમાં હું અને હાજર તમામ એવા મશગુલ થઇ ગયા કે મને આપેલા ૧૦ મિનીટનો સમય પૂરો થઇ ગયો અને એ પોણી કલાક સુધી ચાલ્યો. એ દિવસ અને આજના આટલા વર્ષો, બાપૂની કૃપાદ્રષ્ટિ મારા પર રહી છે એ વાતનો મને સહુથીએ વધુ ગર્વ છે. આજે પણ ગુરૂપૂર્ણિમા હોય કે હનુમાન જયંતિ જેમ તબલાવાદક તરીકે એ કાર્યક્ર્મોમાં જતો તેમ જ આજે પણ જાવ છું.”

બાપૂને ઓસમાણજીના અવાજમાં કાંઇક સ્પર્શી ગયું અને સંગીતમાં હોય છે તેવી જુગલબંધીનો નાતો શરૂ થયો. આ બાદ તો ઓસમાણભાઇ બાપૂ સાથે ૧૫-૧૬ વિદેશપ્રવાસો પણ કરી આવ્યા અને બાપૂ ખૂદ ઓસમાણભાઇના ઘરે આવી ગયા છે.

તબલાવાદક ઓસમાણભાઇ હવે ધીરે-ધીરે એમના અવાજની ખુશ્બુથી ઓળખાવા લાગ્યા હતા. દસેક વર્ષથી હવે તેમણે પોતે તબલાવાદન કરવાનું બંધ કર્યું છે અને ગાયકી પર જ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. ઓસમાણભાઇ કહે છે, “ બંને સાથે કરવા શક્ય નથી અને ગાયક કોઇક હોય અને હું તબલાવાદક હોઉં એના કરતા વધારે લોકો મને ગાયક તરીકે જોવા અને સાંભળવા માંગે છે.”

ઓસમાણ મીરના ગાયનની એક ખૂબી એ રહી છે કે એમને ઉર્દુ ગઝલોથી લઇને આપણા પારંપારિક ભજનો બન્ને પર એકસમાન ફાવટ છે. ઓસમાણ મીર કહે છે, “મારા પ્રખ્યાત થયેલા ગીતો/ગઝલો કે ભજનોને ગણશો તો તમને ખ્યાલ આવશે કે એ લોકપ્રિયતા બન્ને માટે સરખી છે. મારા શિવના છંદો હોય, નગર મેં જોગી આયા કે અન્ય ભજનો હોય કે મેં ગાયેલી ગઝલો, લોકોને એ ગમે છે.”

ઓસમાણ મીરની ગાયકીની અનેક ખૂબીઓ છે જેમકે તેઓ મુસ્લિમ હોવા છતાં હિંદુ પરંપરાના ભજનો, શિવ-ભક્તિના છંદો અને ગીતો પૂરા સામર્થ્યથી ગાઇ શકે છે ઉપરાંત પરંપરાઓથી કાંઇક વિશેષ એવું ભજન અને ગઝલનું સુભગ સમન્વય કરી જાણે છે. સંગીતને અને ધર્મને શું સંબધ છે એવા પ્રશ્નના જવાબમાં અને સંગીતથી ઇશ્વરની સમીપે જઇ શકવાના એમના અનુભવ વિશે વાત કરતા ઓસમાણભાઇ કહે છે, “સંગીતથી વિશેષ કોઇ સાધના હોય તે મેં જાણી નથી. અનેક ભારતીય સંતોએ સંગીતથી જ પરમાત્માને જાણ્યા છે અને મેળવ્યા છે કારણ કે મારા મતે સંગીત મૂળ બાબત છે. માણસ અન્ય મનોરંજન તરફ જાય તો દરેક મનોરંજન ક્ષણિક છે, સંગીત અવિરત છે, તે તમારામાં જીવે છે અને અલિપ્ત નથી થાતું. આ ઉપરાંત સંગીતની ટેકનીક શીખી શકાય છે, સારુ ગળું તો ઇશ્વર આપે તો જ થાય. મારી પોતાની વાત કરું તો હા ઘણીવાર એવી ક્ષણો આવે છે જેમાં હું હોઉં, મારું ગાયન હોય અને કોઇ અદ્રશ્ય શક્તિ હોય. પણ આ પ્રોફેશનલ દુનિયામાં અને કાર્યક્રમોમાં એ લાભ અને ક્ષણો ઓછી મળે છે પણ મારો એકમાત્ર શોખ પણ સંગીત છે એટલે જ્યારે હું મારા માટે સંગીતમાં હોઉં ત્યારે એ સાધના શક્ય બને છે.”

એવા કોઇ અનુભવ છે જેમાં મુસ્લિમ બિરાદરો કે ધર્મગુરૂઓએ તમારા તરફ વિરોધનો સુર પ્રગટ કર્યો હોય એવા પ્રશ્નના ઉતરમાં તેઓ કહે છે, “આપણા ગુજરાતમાં આ સહુથી મોટુ સુખ છે કે લોકો અને ધર્મગુરૂઓ સારા છે. અહીં મોરારી બાપૂ કે પૂજ્ય ભાઇ જેવા હિંદુ ગુરૂઓ છે તો મુસ્લિમ મઝહબમાં હાજી અહેમદશાં બુખારી, હાજી અબ્દુલરઝાક શાહ વિગેરે જેવા અગ્રણીઓ અને પથદર્શકો છે કે જેઓ વાતાવરણ સાચવી રાખે છે અને લોકોને ધર્મ અલગ હોવા છતાં જોડી રાખવામાં માને છે.”

જરૂર પડ્યે ભજનો પોતે લખી લેતા, ભજનો, ગીતો, ગઝલો અને કવ્વાલીઓને જાતે કંપોઝ કરવામાં આનંદ લેતા, ૨૪ ગુજરાતી ફિલ્મ માટે પ્લેબેક સીંગીગ કરનારા, પોતાના ૫૦ થી વધારે સુપરહીટ આલ્બમ ધરાવનારા ઓસમાણભાઇને હવે શું સિધ્ધી મેળવવી છે એ પ્રશ્નના ઉતરમાં એમના વ્યક્તિત્વ જેવી અદલ ફકીરીથી તેઓ કહે છે, “મને તો જે પણ મળે છે એ બોનસ છે, કોઇ મહત્વાકાંક્ષા નથી.

જીતના દિયા સરકારને મુજકો,

ઉતની મેરી ઔકાત નહીં,

યે તો કરમ હૈ ઉનકા,

વરના મુજમેં તો ઐસી બાત નહીં.“