Saat Ranganu Sarnamu Ramesh Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Saat Ranganu Sarnamu

અર્પણ

મારાં પુજ્યબા

અનસુયાબહેન જોબનપુત્રાને

તથા

મારાં વ્હાલા

વિશાલ-મેઘાને

-પ્રતીભા ઠક્કર

પ્રસ્તાવના

જીવનમાં પ્રેમનો આઠમો રંગ તો જરૂરી છે જ. પરંતુ પ્રેમની સાથે પ્રતીબદ્ધતા ભળે તો કલાના ઉત્તમ નમુના સર્જાય છે.

આ પ્રતીબદ્ધતા એટલે ? ‘કલા ખાતર કલા’ તરફની પ્રતીબદ્ધતા નહીં, લખવા ખાતર લખવાની, નીજાનંદ માટે કલમ અવીરત ચલાવ્યા કરવાની પ્રતીબદ્ધતા નહીં પરંતુ સમાજ તરફના પ્રતીબદ્ધતા.

સમાજમાં જે પરંપરાગત રૂઢીગત ચીલે ચીલે ચાલી રહ્યું છે તેને બદલવા, પલટવા માટેની પ્રતીબદ્ધતા જરૂરી છે.

આમ પ્રેમની સાથે પ્રતીબદ્ધતા અને એ પ્રતીબદ્ધતાની સાથે સાથે સમાજ વીષયક, સહાનુભુતી, સંવેદના અને સમજદારીના સરવાળાથી કલાકૃતીઓ સર્જાય તો તે કૃતી લોકો સુધી તો પહોૅચવી જ જોઇએ. નોટબુકમાં લખેલી પડી રહે તો ન જ ચાલે.

અહીં પ્રતીભાબહેનની આવી જ લઘુકથાઓ, જે પ્રગટ થવી જરૂરી જ હતી તે પ્રકાશન પામી છે, જે ઉષ્માસભર આનંંદદાયક અને આવકારદાયક ઘટના છે.

દીવસે દીવસે સમાજ સંકુલ થતો જાય છે એટલે વ્યકતીગત જીવનના, કૌટુંબીક જીવનના, આપણી આસપાસની દુનીયાના સવાલો, વ્યાપક રાજકીય-સામાજીક સવાલો બધા જ બે વત્તા બે બરાબર ચારની જેમ ઉકેલ પામી શકે એમ નથી. જાણે કે જીવતરના દરેક સવાલ, સમાજની દરેક સમસ્યા કોયડારૂપ-પઝલરુપ બની રહી છે.

પરંતુ એ સવાલોમાં રહેલા આંતર વીરોધો, દંભ, સડીયલ માનસીકતા એ બધું તો નકરી આંખે દેખી શકાય એવું જ હોય છે.

અને આ નકરી આંખે દેખાતું સત્ય વાર્તા રુપે મુકાય ત્યારે વાચકના મનને સ્પર્શી જતું હોય છે. અને એમાંય જ્યારે સત્ય લઘુકથામાં મુકાય ત્યારે તો એક નાનકડી ઘટના કે એક નાનકડું વર્ણન ચીત્ર કે કથાને અંતે આવતી ચમત્કૃતી વાચકને ઝકઝોળી નાંખનાર બની રહે છે. અને એમાંય લઘુકથા વાંચ્યા બાદ વાચક બે ઘડી વિચારતો થઇ જાય, તો એ લઘુકથાની સાર્થકતા છે. તદુપરાંત વાચકને સંવેદનશીલ માણસ તરીકે જીવતો રાખવા એ એક ઉપયોગી કલા બની રહે છે.

પ્રતીભાબહેનને મુળ રીતે રગશીયા ગાડાની જેમ ચીલાચાલુ રસ્તે ચાલતા સમાજને જોઇ, તે બદલાય-પલટાય એવી ખ્વાહીશ છે, તમન્ના છે, આશા છે, અને તે દીશામાં વાચકો વીચારતા થાય એટલે તેમણે પતી-પત્ની, સંતાનો અને માતા-પીતાના સંબંધથી માંડી ભૃણહત્યા, સાહીત્યના કાર્યક્રમો, ખાનગી શીક્ષણ વ્યવસ્થા અને ગરીબી, જન્માષ્ટમી જેવા પરંપરાગત તહેવારો, ઉદ્યોગો અને શ્રમજીવીઓથી લઇ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓના સ્થાન લગીના પ્રશ્નો આ ત્રીસ લઘુકથાઓમાં સમાયેલા છે.

એક સ્ત્રી વાર્તાકારની દૃષ્ટીએ લખાયેલી આ લઘુકથાઓને જોઇએ તો તેમાં સમાજમાં સ્ત્રીઓની સ્થીતી શટલકોક જેવા પ્રતીક દ્ધારા નીરુપી છે અને પુરુષપ્રધાન સમાજમાં રુઢ લઇ ગયેલા પુરુષલક્ષી શબ્દોને પણ અહીં લેખીકા પ્રતીભા ઠક્કરે પડકાર્યા છે. ‘સ્ત્રીઆર્થ’ નામની માર્મીકકથામાં લેખીકાએ સમાજમાં થતી સ્ત્રીઓને ઉપેક્ષાને લઇ સવાલ કર્યો છે કે શું ‘પુરુષાર્થ’ છે શબ્દ ? ‘સ્ત્રીઆર્થ’ શબ્દ કેમ નહીં ?

એવી જ એક અન્ય ‘ફોટો’ નામની લઘુકથામાં આજના ‘સેઝ’ના જમાનામાં આદીવાસી લોકોની કદર માત્ર તેેમનાં નૃત્યો માટે જ છે, ચમકધમક ભર્યા રાજધાનીના મંચો પર નચાવતાં આદીવાસીઓનું મંચ જ મુલ્ય અંકાય છે પરંતુ જ્યારે તેમના અસ્તીત્વ રૂપ તેમની જમીન, ખેતરના સવાલો આવે છે ત્યારે નેતાઓનું વર્તન કેવું હોય છે તેનો લેખીકા પ્રતીભા ઠક્કરે પાડેલો ‘અસ્સલ ફોટો’ નોંધપાત્ર બને છે અને તે જ રીતે રાજકારણીઓના ‘ભારતમાતા કી જય’ લઘુકથામાં મુક્યો છે.

‘તાળું’, ‘કુંડલી’, ‘આખલો’, ‘મૃત્યુષ્ટમી’, ‘માવઠું’, ‘વાવાઝોડું’, ‘ભ્રાતૃભાવ’ જેવા પ્રતીકો લઘુકથાઓમાં વાપરીને વાર્તાકારે સાંપ્રત સમાજ અને સમાજમાં ચલણી શબ્દોની શબ્દરમત દ્ધારા પોતાની આગમી સુઝ દર્શાવી છે.

લઘુકથામાં નીરુપાતાં સવાલો-સમસ્યાઓ વાંચી વાચકના મનમાં પ્રશ્નો અવશ્ય ઉઠે કે આ બધાંનો ઉકેલ શું ? આ બધું વાંચીને નીરાશ થવાનું ? સમાજનો ક્યારે બદલવાનો ? મને લાગે છે કે લેખીકાએ આવા બધા સવાલોના જવાબ જ આ લઘુકથા સંગ્રહનું શીર્ષક ‘પઝલનો માણસ’ આપેલું છે.

કારણ કે માણસે જ ‘પઝલ’ બનાવી છે એટલે માણસથી ઉકેલવાની તો છે જ.

આ જ ‘પઝલ’નો આશાવાદ સૌ કોઇને નવું નવું સર્જવાને, અનેરું લખવાને પ્રેરે છે.

આપણે આ સંગ્રહના પ્રાગટ્ય સમયે એવી આશા જરૂર રાખી શકીએ કે પ્રતીભા ઠક્કર અત્યારે - આજે ત્રીસ લઘુકથાઓ સંગ્રહ આપે છે, તો કાલે સાઇઠ લઘુકથાઓનો નવલો સંગ્રહ આપશે જ. લેખીકાને અભીનંદન સહ શત-શત શુભેચ્છાઓ....

૭-૧૦-૨૦૦૮ અમદાવાદ

-મનીષ જાની

મારી વાત

પ્રીય વાચકો,

માના હાલરડાંની સાથે જ અને થોડા મોટા થયા પછી અમને બ્રેકફાસ્ટની જેમ કવીતા મળી છે. સવારના બા અને મોટીબહેન કીર્તીબહેનને કવીતાઓ ગાતા સાંભળ્યા છે, તો દાદીમાં પાસે કથા-વાર્તાઓ વાંચી છે, સાંભળી છે. આમ કવીતા અને વાર્તાઓ સાથેનો નાતો ગળથુથીથી જ જોડાઇ ગયો.

‘તારે મંદીરયે દીપ ધરવાને જાવું ઠીક નહીં અમને, જ્યાં જ્યાં વીશ્વ મહી અંધારું, ત્યાં ધરશું દીપક તમને...’

આમ પ્રતીબદ્ધ વીચારોનો પાયો પણ બાળપણથી જ નખાયો હતો. તો સાથોસાથ વાંચન તરફની અભીરુચીનાં કારણે ગાંધીયુગનાં સાહીત્ય ઉપરાંત ‘મેક્સીમ ગોર્કી’ની ‘મધર’ના ગુજરાતી અનુવાદ ‘મા’એ ખુબ જ પ્રભાવીત કરી.

મારા બાપુજી (વજુભાઇ જોબનપુત્રા-જુનાગઢ)નું કામ પણ સમાજનાં છેવાડાનાં લોકો સુધી વીસ્તરેલું હતું, આજ વીચારસરણીને લગ્ન પછી વધું પ્રોત્સાહન મળ્યું, મારા પીતા તુલ્ય સસરા કનુભાઇ ઠક્કર દ્ધારા. વકીલાતની સાથોસાથ મજદુરોના પ્રશ્નને ન્યાય આપી શકાય તે માટે ૧૯૯૧માં ‘શ્રમીક સંઘ’ (ટ્રેડ યુનીયન)ની સ્થાપના કરી, જે કામગીરી આજે પણ ચાલુ જ છે.

એ જ ગાળામાં ‘વીકલ્પ’ સાપ્તાહીક શરૂ કરેલ, જેનું ચંદ્રકાંન્ત બક્ષીએ વીમોચન કરેલ. જે બહુ થોડા સમય ચલાવ્યું, પણ બક્ષીસાહેબનું ઇનસ્પીરેશન મળતું રહ્યું. એ વખતની એડીટોરીયલ ટીમના જીતુભાઇ નીર્મલ (ગ્રુપ ઓફ ડ્રામેટીક્સ), રાજેન્દ્રસીંહ ગોહીલ (જી. પંચાયત), શ્રમીક સંઘના ઉષાબહેનનો સાથસહકાર આજે પણ મળતો રહે છે.

આ વાર્તાના કથા બીજ મને કોર્ટના પ્રાંગણમાંથી અને સમાજના છેવાડાના વર્ગમાંથી વધુ મળ્યા છે, તેમ કહું તો જરાય અતીશયોક્તી નથી.

વકીલાતનો વ્યવસાય સમાજ જીવન સાથે જ સંકળાયેલ છે. આપણી આસપાસ જીવાતાં માનવ-સંબંધો, સંવેદનાઓની મુળ વાત સાથે સ્ત્રીઓની વેદના, વીલંબીત ન્યાય, કોમી વેરઝેર, ધર્મના નામે થતા ધર્તીગ, રાજકારણીઓના પ્રજાના ભોગે ઠઠારા અને આ બધાની વચ્ચે સમસ્યાથી ઘેરાયેલ પ્રશ્નાર્થ ચીહ્ન સાથે લઇ ફરતો અને મુંઝાતો સામાન્ય માનવીએ આ વાર્તાઓનું વીષયવસ્તુ હોવા સાથે સમાજનો આયનો છે.

આ તમામ સંવેદનાઓ, કથાઓ લઘુકથામાં રુપાંતરીત થઇ તેમાં ભાવનગરના સાહીત્યીક વાતાવરણનું ઘણું જ મોટું યોગદાન રહેલ છે.

આ બધી વાર્તાઓ કદાચ ઓફીસના ડ્રોઅર કે મારા પર્સ કે અંગત ડાયરીમાં પડી રહી હોત જો મને ગદ્યસભાનો પરીચય ન થયો હોત. દર ગુરુવારે સાંજે મળતી ગદ્યસભાના હળવાફુલ વાતાવરણમાં વાર્તાકાર પ્રો. જે. આર. ગોહીલ (માય ડીયર જ્યુ), હરીશ મહુવાકર, શીલ્પીન થાનકી, નીતીન ત્રીવેદી, જીતુ ત્રીવેદી, નટવર વ્યાસ, અજય ઓઝા, પ્રબોધ કાપડીયા, જશુભાઇ જાની, વાસા સાહેબ વગેરે સમક્ષ આ વાર્તાઓ વંચાઇ છે અને સમીક્ષા પણ થઇ છે. આ બધાની આભારી છું.

મારી અછાંદસ કવીતાઓને પ્રોત્સાહીત કરનાર ડૉ. ઉષા ઉપાધ્યાય, દીલેરબાબુ, પથીક પરમાર, રાહી ઓધારીયાની પણ આભારી છું. મારા પત્રમીત્ર અને વડીલ વ્રજ્રકુંવરબા ગોહીલના પત્રમાં એક કવીતા લખજે જ ના આગ્રહે કવીતાયાત્રા આગળ ચાલી છે.

સ્ટુડન્ટ લાઇફ વખતથી નવનીર્માણ આંદોલન દરમયાન ગાંધીગીરી કરી અને એના પ્રતીબદ્ધ વીચારોને કારણે એ વખતની યંગ જનરેશનના રોલમોડલ અને હાલના ગુજરાતી લેખક મંડળના પ્રમુખ મનીષી જાની તરફની અમદાવાદમાં યોજાયેલ લેખક સંમેલન હોય કે ભાવનગરમાં યોજાયેલ લેખન શીબીર હોય, હમેશા પ્રોત્સાહન મળતું રહ્યું છે.

ભાષાની સરળતા માટે ચાલતા ઉંઝા જોડણીના નવા અભીયાનમાં સામેલ થઇ, હ્રસ્વ-દીર્ઘની મથામણમાં પડ્યા વગર લોકોના દીલ સુધી પહોંચવા માટે આ સરળ શૈલી અપનાવેલ છે.

આ પુસ્તકને સુંદર રીતે પ્રીન્ટ કરી આપનાર નવભારત સાહીત્ય મંદીર તેમજ ટાઇટલ ડીઝાઇનીંગ માટે ગ્રાફીક્સ ડીઝાઇનર મૌનાંગભાઇ શાહ અને પ્રુફ-રીડીંગ માટે બીનીતભાઇ મોદીની આ પુસ્તકના પ્રીન્ટીન્ગના ટોટલ કો-ઓર્ડીનેશન માટે જીલમીલ જાનીની પણ આભારી છું.

આ વાર્તાઓને પુસ્તકના રૂપમાં છપાવવા માટે પહેલેથી છેલ્લે સુધી દોડાદોડી કરનાર મારો વ્હાલો દીકરો વીશાલ તથા મારી વાર્તાની પ્રથમ ટેલીફોનીક શ્રોતા અને અવારનવાર વીવીધ વીષય વસ્તુનું સુચન કરનાર મારી વ્હાલી દીકરી મેઘાની પણ આ પ્રસંગે મમતાભરી યાદ સાથે નોંધ લેવી જ રહી...

અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સાહિત્ય સાથે દુર દુર સુધી કોઇ નાતો ન હોવા છતાં, ઘરે યોજાતા કવી-સંમેલનોની વ્યવસ્થા હોય, કે પ્રોગ્રામનાં સ્થળ પર મને ડ્રોપ કરવાની હોય, આટલા વર્ષો સુધી મારી દરેક પ્રવૃત્તીમાં હસતાં હસતાં સાથ આપનારા, મારા લાઇફ કમ પ્રોફેશનલ પાર્ટનર પ્રદીપ માટે આભાર શબ્દ ચોક્કસ નાનો પડે.

આસપાસની સંવેદનાઓની આ કથાઓ વાંચી તમે પણ સમ-સંવેદના અનુભવશો તો આ લખ્યું સાર્થક થશે...

- પ્રતીભા ઠક્કર

૧૧૮, ઠક્કર એડવોકેટ્‌સ,

કાવેરી કોર્પોરેશન,

નવાપરા, ભાવનગર-૩

(૦૨૭૮) ૨૨૦૩૩૬૬

અનુક્રમણિકા

આખલા

જી(ર્ણ)વન

ઝાકળ

શટલ કોક

થીજી જવાની વેળાએ

હુંફ

મોસમનો પહેલો વરસાદ

ભ્રાતૃભાવ

મૃત્યુષ્ટમી

માવઠું

સ્ત્રીઆર્થ

કુંડળી કથા

ફોટો

મહીલા દીન

મુદત

એક દીવસની સેલીબ્રીટી

શબ્દરમત

ખોટો દાખલો

આઠમો રંગ પ્રેમનો

એક રંગ

વાવાઝોડું

ભુખ

ભારત માતાની જય

ભુમી પુજન

ઉદ્ધારક

લીસોટો

અસ્તીત્વનો પ્રશ્ન

તાળું

ટોપ ફાઇવ

પઝલનો માણસ

આખલા

મંચ પર તાળીના ગડગડાટ સાંભળી છગન તંદ્રામાંથી જાગ્યો.

ફુલોથી સજ્જ મંચ વિષે શ્રોતાઓથી સંભળાતી વાતોથી તે વીચારમાં પડી ગયો હતો. વાતો થતી હતી કે મંચ સજાવટ પાછળ પચ્ચીસેક હજાર ખર્ચાયા છે. સાંભળી તે વેદનાથી વલોવાઇ રહ્યો.

પોતાની નાનકડી મંજુ આજે સવારે જ શાળાના કાર્યક્રમમાં ફુલપરીના ગરબામાં રહેવા માંગતી હતી, પણ પચાસ રુપીયા જેવડો મોટો ખર્ચ મહીનાના છેલ્લા દીવસમાં પટાવાળાને ક્યાંથી પોસાય ?

નીરાશ મંજુનો ચહેરો અને એની આંખમાં ભરાઇ આવેલા બે બુંદ તેની નજર સમક્ષ તરવરતા હતા. ત્યારે સામાજીક અસમાનતા વીશે સાહેબનું પ્રવચન શરું થયું હતું. સાહેબ શાયરાના અંદાજમાં બોલ્યા કે, ‘કામધેનુને મળે ના એક સુકું તણખલું અને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.’

છગનના દીલોદીમાગ પર સાહેબના શબ્દો અને તાળીઓનો ગડગડાટ આખલાના માર જેવા લાગ્યા. અને મંચ પર બેઠેલા મહાનુભાવો...

જી(ર્ણ)વન

આખું વન સુકું હતું. જાણે વૃક્ષને બદલે સીધેસીધું ઘાસ જ ઉગાડ્યું હોય. પર્યટકો સંભાળીને ચાલતા હતા. તેઓની આંખમાં લીલીછમ વનરાજી નીહાળવાની તરસ હતી, પરંતુ તેમની સામે સુકું ભઠ વન હતું.

તેને થયું કે પોતાના જીવનનો ગ્રાફ પણ આ વનના ગ્રાફ જેવો જ છે ને ? અનેક સપનાઓ સજાવીને તે સાસરે આવી હતી. કંઇ કેટલાય સ્વપન ફુલો તેણે મનોમન ખીલવ્યાં હતાં. પણ શું મળ્યું ? કાંટાના ઘા ?

તેના પગમાં સુકું તણખલું ખુંચી ગયું. તેણે કોઇનીય મદદ વીના હળવેથી ખેંચી કાઢ્યું. આમ જ તે પોતાના જીવનમાં એક પછી એક બનતા દુઃખદ બનાવોને મનમાંથી કાઢી નાખતી. તેને ઓળખનારા તેને ખુૂશમીજાજી અને સ્વતંત્ર તરીકે ઓળખતા.

તેણે પોતાની અંદર ઝાંખવાની કોશીશ કરી. શું તે આ બધું ભુલી શકી હતી ખરી ? ચીત્રપટની માફક તેના જીવનની ઘટમાળના એક પછી એક જીર્ણશીર્ણ પર્ણોનો ખખડાટ તેને ધ્રુજાવી ગયો.

એકાએક ક્યાંક, કેસુડાના લહેરાતાં વૃક્ષો તેની નજરે પડ્યા. પર્યટકોની સાથે તેનું મન પણ મ્હોરી ઉઠ્યું.

ફરી તેના જીવન સાથે એની સરખામણી થઇ ગઇ. જીવનની બંજર ભુમી પર પોતાનાં સંતાનો આ કેસુડાની માફક જ મ્હોરી ઉઠ્યા છે ને ?

ઝાકળ

તે અત્યંત લાગણીશીલ હતી. સાથોસાથ તે એવું પણ માનતી કે, કોઇના વ્યક્તીગત જીવનમાં કોઇ પણ સંબંધના નાતે કોઇ હસ્તક્ષેપ કરાય નહીં. ને આવી દૃઢ માન્યતાના કારણે તે પોતાના સંતાનોને ક્યારેય વૈચારીક રુકાવટનું કારણ ન બનતી.

પણ જ્યારે લાગણી અને વૈચારીક ઉદારતાનો ગેરલાભ પોતાના જ લાડકવાયા દ્ધારા લેવાતો જોઇ તે અંદરથી ખળભળી ઉઠી.

એકવાર તેના દીકરાએ લખેલું કે, માની લાગણી તો સવારના ઝાકળબીન્દુ જેવી હોય છે. એ શીતળ હોય છે, સ્નીગ્ધ હોય છે.

અને નીબંધ સ્પર્ધામાં દીકરો પ્રથમ વીજેતા થયો હતો.

આજ દીકરો યુવાવસ્થામાં પહોંચતા નાની અમસ્તી વાતમાંયે માનું અપમાન કરવા લાગ્યો ત્યારે તેને નીબંધ વાંરવાર યાદ આવતો.

અને નીબંધની સાચવી રાખેલી નોટમાં તેણે વધેલી જગ્યામાં રડતી આંખોએ ઉમેરો કર્યો કે, માની લાગણી ઝાકળ જેવી અવશ્ય છે પણ દીકરાના અપમાનથી આ ઝાકળબીન્દુઓ વરાળ બની જઇ માના દીલને દઝાડીને આંખમાં અશ્રુ રુપે વહે છે ત્યારે ? આ દાઝથી માની લાગણીનું ઉપવન ભષ્મ વનમાં ફેરવાઇ જશે ત્યારે એ ઝાકળની પહેલા જેવી ઠંડક એનો લાડકવાયો પામી શકશે ખરો ?

શટલ કોક

સીમા ખોળામાં આવી પડેલા શટલ કોક તરફ તાકી રહી. ગ્રાઉન્ડ પર રમતી વીદ્યાર્થીઓએ બુમ પાડી ‘સીમામેમ શટલકોક પ્લીઝ...’ સીમા વીચારી રહી તે શબ્દો પર. શું પોતે પણ શટલકોક જેવી જ છે ?

જીવનના પ્લે ગ્રાઉન્ડમાં બાળપણના રાઉન્ડમાં મા ગુમાવી ચુકેલી સીમા, અપરમાના દ્ધેશ અને પોતાની લાચાર લાગણી વચ્ચે ફંગોળાતી સીમા, કારર્કીદીની પસંદગી વખતે પોતાની બુધ્ધી અને રુચી પ્રમાણેના વિષયોને બદલે સ્ત્રી હોવાના નાતે ફેકલ્ટીની પસંદગીમાં વીષયો વચ્ચે ફંગોળાતી સીમા. યુવાનીમાં ડગ માંડતી લગ્નની પાત્ર પસંદગીમાં પણ પોતાના આગવા વીચાર અને પીતાના રુઢીગત વીચારતા કારણે ઉછળીને ફેંકાતી સીમા.

અને અંતે જરૂરીયાતના આધારે વર્કીગવુમનનું લેબલ લગાવી ચુકેલી સીમા, બીમાર સાસું, લોભી અને ઘમંડી પતી અને બીજી બાજુ વ્હાલસોયા સંતાનોની ફરજ વચ્ચે ફેંકાતી રહેતી સીમા.

વીચારવા લાગી કે શું, જીંદગીની રમતના દરેક રાઉન્ડમાં ક્યારેય પોતે પ્લેયર નહીં બની શકે ? શું મારા નસીબમાં કાયમ શટલકોક બનવાનું લખાયેલું છે ?

હા, આમ તો હું આ સંક્રાન્તી કાળની સ્ત્રી છું. નવા અને જુના વીચારોની રમત વચ્ચે કંઇ કેટલાયે શટલકોક આમ ફંગોળાઇને મારી માફક વીખરાઇ જતા હશે...?

થીજી જવાની વેળાએ

વાતાવરણમાં ઠંડીનું સામ્રાજ્ય છવાઇ ગયેલું હતું. હાથપગનાં આંગળાં મોજાના આવરણ નીચે હતા છતાં જાણે થીજી ગયાં હતાં. આવીં ઠંડીમાં પણ એક ગરમાગરમ નીઃશ્વાસ નીકળી ગયો. જે સામે પડેલી ચા કરતા વધુ ગરમ હતો.

તેની નજર ચાના કપ સામે પડી. કલાક પહેલા બનાવેલી ચા બાઇ મુકી ગઇ હતી. તેને કહ્યું હતું કે, ‘શ્રેયાને મોકલજે,’ પણ આ તરફ કોઇ ડોકાયું ન હતું.

ઘરમાં કંઇક પાર્ટી ગોઠવાયાની ચહલપહલ હતી. નાનકડો શ્રેય ક્યારેક દાદાનું શ્રેય કરી જતો. આજે સવારે તે કહેતો હતો કે, ‘આજે થર્ટી ફર્સ્ટની પાર્ટી આપણે ત્યાં રાખી છે.’ ત્યારે કેલેન્ડર વગરની દીવાલ તરફ જોઇ તેને સમજાયું હતું કે, આજે વર્ષનો છેલ્લો દીવસ છે.

‘અરે યાર, ચા કેમ ઠરવા દે છે ? ઠરેલી ચામાં શું લીજ્જત આવે ?’ તેને જાણે પોતાના જ શબ્દો યાદ આવ્યા. ઓફીસમાં તે ખુબ વીવેકી હોવા છતાં ચા બાબતે તે ચુસ્ત આગ્રહી હતો. જાણે કે, ચાની વરાળ સાથે તેની દોસ્તી થઇ ગઇ હતી.

પણ આજે સંતાનોની લાગણી વરાળ બની ઊડી ગઇ હતી. આ થીજી ગયેલા વાતાવરણમાં આ ઠંડી ચા તેની લાગણીઓ, તેના વિચારો જાણે તેની સમગ્ર દુનીયા થીજી ગઇ હતી.

તેને યાદ આવી ગઇ રાત્રીના શ્રેયાને ઉચ્ચારેલા શબ્દો. ‘સરખે સરખી ઉંમરના માણસોએ સાથે રહેવું જોઇએ. એકવાર ઘરડાઘરમાં આટો તો મારી આવો.’ વાતાવરણ જોઇ આવો અને આવીી ઠંડીમાં તે હાથમાં લાકડી લઇ ઘરડાઘર તરફ ગયા.

બહાર દરવાજા પર બોર્ડ લગાવેલું હતું. બોર્ડ પર ઘણી તીરાડો અને ધુળ જામેલા હતા પોતાના જીવનની જેમ. તેમાંથી અસ્પષ્ટ વંચાતું હતું, ‘વિસામો’.

તેને થયું કે આ પણ ખરું છે, તેણે અંદર જઇને મેનેજરને પુછપરછ કરી. મેનેજરે બધું સમજાવ્યું. ઘડીયાળના કાંટા પ્રમાણે ચાલતી દૈનીક કાર્યવાહી સાંભળી તે બોલ્યા : ‘જેના જીવનની ઘડીયાળના કાંટા જ થીજી ગયા છે તે કઇ રીતે ઘડીયાળના કાંટા પ્રમાણે ચાલી શકે ?’

દુઃખદ આશ્ચર્ય સાથે પોતાના જીવનના ગ્રાફ પર નજર થંભી અને થીજી ગઇ. આ પ્રમાણે કેમ ચાલશે ? અને મેનેજર સાથે વાત કરતા ત્યાં જ થીજી ગયા.

યુવાનોના નર્તનની સાથે વર્ષના અંતીમ દીવસની ઉજવણી વખતે જ આયખાની અંતીમ ઘડીની સ્થીર ભાવ ભંગીમાં સાથે ઘડીયાળ સામું જોતાજોતા જ અંતીમ ક્ષણો ગઇ. સુમધુર સંગીતના તાલમાં મસ્ત યૌવન નીવૃત જીવનના નીસાસા સાંભળાતી વખતે બહેરાશ અનુભવતું હોય તેવું મેનેજરને લાગ્યું.

હુંફ

‘ચાલ હવે ગાર્ડનમાં પાણી પવાઇ ગયું હોય તો કમ્પાઉન્ડ ધોઇ નાખ.’ સોનાલીએ ઘરકામ કરતા રાજુને બુમ પાડી.

સોનાલી આજ સાંજની કીટી પાર્ટીની તૈયારી કરી રહી હતી. શહેરની મશહુર ફેશન ડીઝાઇનરને મુખ્ય મહેમાન તરીકે બોલાવી હતી. જે મોસમને અનુરૂપ વીન્ટરવેર વીશે જાણકારી આપવાની હતી. આવનાર મહેમાનોની સરભરામાં મદદરૂપ રહે તે માટે રાજુને રોકી રાખવામાં આવ્યો હતો. રાજુ રોકાઇ ગયો હતો. તેની મા ઘરે ચાલી ગઇ હતી. રાજુને થોડો નાસ્તો મળશે તેવી લાલચ આપીને.

મહેમાનો આવી ગયા. મીસીસ ગુપ્તા વિન્ટરવેર વીષે પોતાની જાણકારીની ઉજાણી કરતા બોલ્યાંં કે, ‘જુઓ મોટા હોય કે બાળખઓ, બધાને કંઇક નવું જોઇએ. ટીશર્ટ પર બ્લેઝર પહેરી શકાય, સાડી પહેરી હોય તો શોલ એક બાજુ રાખી શકાય.’

રાજુ ટગર ટગર આ બધી મેડમોને જોઇ રહ્યો હતો. તે લોકો અંદરોઅંદર આનંદથી મજાકમસ્તી કરતા વાતો કરતા હતા. નાસ્તા બાદ પ્રોગ્રામ પુરો થતા બધાં બાયબાય કરી નીકળ્યાં. જ્યારે રાજુને કડકડતી ઠંડીમાં આ બધાની ડીસ ધોવાની હતી.

અને તેના કાને વારંવાર શબ્દ અથડાતો હતો. બ્લેઝર... ટીશર્ટમાં પણ કેટલાંય કાણાં પડી ગયાં હતાં. પોતાનાં માબાપ સાથે ગંદી ફાટેલી ગોદડીમાં ઢબુરાઇને પડવાનું યાદ આવતા તેની આંખમાં ઝળઝળીમાં આવી ગયાં.

ત્યાં એકાએક કારનું હોર્ન સંભળાયું. મી. મહેતા લથડતી ચાલે અંદર દાખલ થયા. કંઇક વધુ પડતું પીને આવ્યા હોય તેવું લાગતો સોનાલીએ તેને પકડવા માટે પ્રયત્ન કરતા તેણે બ્લેઝરનો તેના પર ઘા કર્યો અને ગંદી ભાષા બબડતા સોફા પર લથડીયું ખાઇને પડ્યા. આ દૃશ્ય જોઇ થોડીવાર પહેલાની ગંદી લાગેલી ગોદડી અને બહુ ગમવા લાગી અને તે હુંફ અનુભવી રહ્યો.

મોસમનો પહેલો વરસાદ

મોસમના પહેલા વરસાદની ભીની સુગંધ હવામાં મહેકતી હતી. લોકો પહેલા વરસાદને માણવા ઘરની બહાર નીકળી પડ્યા હતા.

નમીના આગ્રહથી નીસર્ગે ગાડી કમ્પાઉન્ડની બહાર કાઢી અને નમી સાથે ગોઠવાયો. નમી સ્વાભાવીક રીતે જ મોસમના પહેલા વરસાદનો આનંદ એકદમ મુડમાં આવીને વ્યક્ત કરતી હતી. બહાર વરસાદની અવીરત ધારા વહી રહી હતી. અને ગાડી ચલાવતા નીસર્ગના મનમાં સ્મરણોની.

‘નીસર્ગ પ્લીઝ, વાઇપર તો ચાલું કર. અથડાઇ જઇશું.’ નમી બોલી.

નીસર્ગે જોયું વિન્ડ સ્ક્રીન પર ભેજે પોતાના સામ્રાજ્યની જમાવટ કરી દીધી હતી. સાથોસાથ નીસર્ગની આંખ પર પણ થોડી ક્ષણમાં ભેજ બાજી ગયો હોય તેવું લાગ્યું. તેનું હૈયું આર્દ્ર થઇ ગયું.

હા તે દીવસે મોસમનો પહેલો વરસાદ હતો. તે આજ રીતે વરસાદ માણવા નીકળ્યો હતો. અને નીયતીના મનઉપવન પર પ્રેમના બધું બરાબર ચાલતું હતું. અને એક દીવસ નીયતીના જીદી અને સરમુખત્યાર પીતાએ નીયતીને નીસર્ગથી અલગ કરી દીધી. કશા જ કારણ વગર.

નીયતીએ નીસર્ગ કરતા અને નીસર્ગના પ્રેમ કરતા પીતાના અહમને વધુ મહત્ત્વ આપ્યું. નીસર્ગ વીચારતો રહી ગયો. વાસ્તવિકતાની ભુમી પર પ્રેમના પરાજયનું એક વધુ પ્રકરણ ઉમેરાયું. નીયતી કડવી યાદ બની જીંદગીના એક ખુણામાં ધકેલાઇ ગઇ.

નમી નીયતી કરતા પણ પ્રેમાળ હતી, સંસ્કારી હતી. તેણે નીસર્ગને અને નીસર્ગના ઘરનાને પ્રેમથી પલ્લવીત કરી દીધા હતા.

પણ છતાંએ નીસર્ગને આજે નીયતીની કડવી પણ યાદી આવી ગઇ હતી. કારણ કે, તે મોસમનો પહેલો વરસાદ હતો.

ભ્રાતૃભાવ

આજે સંસ્કૃત ભવનમાં વીણાને ‘રામાયણ’ના પાત્રોમાં વ્યકત થતી કુટુંબભાવના એ વિષય પર વક્તવ્ય આપવાનું હતું. સવારથી જ તે અવનવા લેખકોનાં અવતરણો અને પોતાના વાણીવૈભવ દ્ધારા બધી તૈયારી કરતી હતી. તેનો પતી વીનોદ પેઢી અને કુટુંબના કામ અંગેની જવાબદારીમાં સમય વીતાવતો. તેને આવી ભાષણબાજીમાં રસ ન હતો.

વીણાને પાંચ વાગે જવાનું હતું. સંસ્કૃત ભવનમાં મોટા ભાગના દંપતીઓ સાથે આવતા હતા. વીનોદ પણ રજાના દીવસોમાં જતો.

પોતે થોડું બધાથી અલગ લાગવા માટે ‘લક્ષ્મણની ભ્રાતૃભાવના’ વીષય પસંદ કરેલો. પોતાના વક્તવ્યમાં આવતી વાતનું તે હોંશભેર વિનોદ પાસે વર્ણન કરતી હતી. એકાએક ફોનની ઘંટડી વાગી. વીનોદનાં વીધવા ભાભીની તબીયત સારી ન હતી. હોસ્પીટલ જવાનું હતું. વીનોદ તરત જ તૈયાર થઇ ગયો.

વીણા આ જોઇ ખુબ જ ગુસ્સે થઇ ગઇ. કુટુંબમાં આપણે એક જ નથી. પ્રોગ્રામ પુરો કર્યા પછી જઇશું તો શું ફેર પડશે ? આપણા જવાથી તબીયતમાં કોઇ ફેરફાર નહીં થાય. આપણે ડૉક્ટર નથી.

વીનોદ આભો બની ગયો. હજુ થોડી વાર પહેલા જ લક્ષ્મણના પાત્રની પ્રશંસા કરતા વીણાના વક્તવ્યનું લખાણ વાળું પેપર ગુસ્સાથી વીણાના હાથમાંથી ખેંચી લઇ તેના લીરેલીરા હવામાં ઉડાડ્યા. અને સડસડાટ કરતો ફ્‌લેટનો દાદર ઉતરી ગયો.

વીણા એ કાગળના ટુકડાને એકત્રીત કરવા પ્રયત્ન કરવા લાગી. પણ ફાટેલા કાગળના ટુકડાઓમાં તેનું વક્તવ્ય જોડાઇ શકતું ન હતું.

મૃત્યુષ્ટમી

આજે રાધાની આંખમાંથી આંસુ સુકાતાં ન હતાં. ગત જન્માષ્ટમીને પસાર થયે એક વર્ષ બાદ આજે ફરી તેના નવજાત શીશુનો મૃત્યુદિન હોય તેટલો આઘાત તે અનુભવતી હતી.

કીશન ઘરમાં થતી તૈયારીને જોઇ રહ્યો હતો, પણ માની ધાકે તે કશું બોલી શકતો ન હતો. સંયુક્ત કુટુંબમાં જશોદાબહેન ઘરમાં જીવતા માણસોની સેવાના બદલે ઘરમાં એક ખુણે ઊભા કરેલા મંદીરના ઠાકોરજીની સેવામાં વધુ વ્યસ્ત રહેતા. ઘરમાં તેનું એકચક્રીશાસન ચાલતું. ઘણી વાર રાધા મસ્તીમાં કહેતી કે ‘કૃષ્ણ તો તેના બાળ સ્વરૂપમાં જ માથી ડરતો પણ તમે તો...’

પણ તેમ છતાં એ તે માવડીયા પતીને સાચવી લેતી.

આજે જશોદાબેને જન્માષ્ટમીનો દીવસ ઘરમાં ઉજવવાનું નક્કી કરેલ. અને જે પારણામાં પોતાના વ્હાલસોયા શીશુને બેત્રણ દીવસ ઝુલાવેલ તે પુર્વજોની સ્મૃતી સમું શણગારવાની તૈયારી થઇ ચુકી હતી. કુટુંબની વહુ હોવાના નાતે રાધા રડતી આંખે બધું કામ કર્યે જતી હતી.

એકાએક કીશનને શું થયું કે, સત્સંગની બહેનોની તાળીઓના ઘોંઘાટ વચ્ચે તે ઊભો થયો અને માની સામે જીંદગીમાં પહેલીવાર તેના ગળામાંથી અવાજ નીકળ્યો.

મા, મેં તો મારો કાનુડો ગુમાવ્યો છે પણ આજે તારો કીશન પણ આ અત્યાચારને નાથવા ઘર છોડે છે. તાળીઓનાં ઘોંઘાટ વચ્ચે તમને રાધાના અંતરનું રુદન નહીં સંભળાય. મને ખબર છે કે ક્યારેય પણ નહીં સંભળાય. પણ વીજળીના ઝબકાર જેવો મારો આ નિર્ણય તમને ચોક્કસ સંભળાશે.

‘આજે હું અને રાધા કાયમને માટે આ ઘર છોડીએ છીએ.’ રાધા સ્તબ્ધ બની ગઇ. જશોદાબેન ઘડીક પોતાના કીશન સામું જોઇ રહ્યા તો ઘડીક પારણા સામું. શું તેને સમજાયું હશે કે આજે રાધા અને કીશન માટે તો મૃત્યુષ્ટમી હતી ?

માવઠું

તેની બદલીનો ઓર્ડર આવવાનો હતો ત્યારે મુંઝાયેલો. પણ જ્યારે તેને આ શહેરમાં બદલીનો ઓર્ડર મળ્યો ત્યારે તે હર્ષથી નાચી ઊઠ્યો, રોજ કંઇક ને કંઇક સાહીત્યીક કાર્યક્રમો અને મુશાયરાઓની મજા માણવા મળશે અને તે આનંદીત વીચાર સાથે આ શહેરમાં આવ્યો.

પ્રથમ દીવસે જ સવારમાં તેણે કવીતા / સંગીતનું કાર્યક્રમ વિશે વાંચ્યું. નીયુક્ત કવીઓની કૃતીઓ સ્વર સજાવટ સાથે રજુ થશે. તે મનથી મ્હોરી ઉઠ્યો. ઓફીસનું કામ પતાવી કાર્યક્રમ સ્થળે જલ્દી જલ્દી પહોંચી ગયો. સંચાલક કવીઓને મંચ પર બોલાવી રહ્યા હતા. તેના માનીતા કવીઓ તેની સાથે શ્રોતામાં બેઠા હતા. તેને થયું કે આજે આ બધાને પણ સાંભળવા મળશે. પણ આ શું ? શબ્દના સ્વામીઓ તો શ્રોતા તરીકે જ બેસી રહ્યા. જ્યારે મંચ પર...

બહાર કમોસમી વરસાદ રહ્યો હતો. અને અંદર પણ આ માવઠું ? તે ક્ષુબ્ધ મને સભાગૃહ છોડી ગયો.

સ્ત્રીઆર્થ

ફીઝીયોથેરાપી સેન્ટરમાં આવતા ચીન્ટુ અને તેની મમ્મી સમય પુરો થતા સંકેલો કરવા લાગ્યા. બહારના દરવાજા પાસે પપ્પાને જોતા જ ચીન્ટુના મોઢા પર આનંદની લહેર ફરી વળી. ડૉક્ટરને બાયબાય કરવા ચીન્ટુની મમ્મી નીતાએ ચીન્ટુનો હાથ ઉંચો કરાવ્યો.

પાંચ વર્ષથી દીકરા માટે મહેનત કરતી મમ્મી તરફ ડૉક્ટર પારેખને પણ ખુબ જ માન હતું. ડૉક્ટરે ચીન્ટુને પમાડતાં કહ્યું : ‘બેટા તું કોનો દીકો ? મમ્મીનો કે પપ્પાનો ?’ ચીન્ટુના પપ્પાએ પોતાના ખીસામાંથી ચોકલેટ કાઢી ચીન્ટુને બતાવી. ચીન્ટુએ પપ્પા તરફ જોઇ હાથ ચીંધવાનો પ્રયત્ન કર્યો.

તેની મમ્મી વીચારમાં પડી ગઇ કે વીકલાંગ દીકરો હજુ નાનો હતો, નાસમજ હતો. છેલ્લાં પાંચ વર્ષથી સેન્ટરમાં આવી પોતે તેને કાળજીપૂર્વક કસરત. લગ્ન બાદ જ્યારે થોડા સમયમાં જ બનવાની હતી ત્યારે તે કેવી અરમાન સાથે પોતાના આવનાર સંતાન વિષે વીચારતી હતી. પણ પ્રારબ્ધ... તે હચમચી ગઇ. બાળક મલ્ટીપલ ડીસેબલ હતું. હવે તેનું જીવન જ બદલાઇ ગયું.

જીવનમાંથી રસ ઊડી ગયો. તેને જ્યારે આ સેન્ટરની જાણ થઇ ત્યારે ત્યાં આવી અને પ્રયત્નમાં લાગી ગઇ. ડૉક્ટરે કહ્યું કે પ્રારબ્ધ કરતા પુરુષાર્થ ચડીયાતો છે. અને તેના જીવનનો હેતુ બદલાઇ ગયો. તે ચીન્ટુમય બની ગઇ.

પણ આજે જ્યારે ચીન્ટુએ પપ્પા તરફ આંગળી ચીંધવાનો પ્રયત્ન કર્યો ત્યારે પુરુષાર્થ શબ્દ વિષે તે નવેસરથી વીચારવા મજબુર બની, કે ચોકલેટ દેખાડી અને બે મીનીટ માત્ર હસાવવાની ફરજ બજાવતો પતી અને પોતે પાંચપાંચ વર્ષથી નીરંતર ભક્તની અદાથી ફરજ બજાવતી એક સ્ત્રી, એક મા કે જેની ફરજ માટે કે પ્રયત્ન માટે પુરુષાર્થ શબ્દ વપરાય ખરો ?

શું હુંં આ દેશ કે જ્યાં જગદંબાના રૂપમાં સ્ત્રીની પૂજા થાય છે એ દેશમાં મારી મહેનતને માટે હું પુરુષાર્થ શબ્દને સ્ત્રીઆર્થ શબ્દ ન વાપરી શકું ?

કે પછી નારીપૂજાના મહાત્મ્યવાળા પાખંડી સમાજમાં સ્ત્રીએ બજાવેલી ફરજ સમજવી કે નાસમજથી નગણ્ય જ ગણાય છે ?

કુંદળી કથા

જન્મના અક્ષર ભલે ન મળે પણ અમારા મનની લાગણીના અક્ષર-વીચારો તો મળે છે. આકાશે સંયમીત સ્વરમાં પપ્પા સાથે દલીલ કરતા કહ્યું. તેની મમ્મીએ પણ આકાશની વાતમાં સૂર પુરાવ્યો. માન્યતાઓના પુર્વગ્રહથી ઘેરાયેલા આકાશના પપ્પા કોઇની વાત માનવા તૈયાર ન હતા.

ભુમી સાથેના સંબંધોને આકાશ ભુલવા નહોતો માગતો. તેને એ વાતની સમજ નહોતી પડતી કે પોતાના પપ્પા સાયન્સ ફેકલ્ટીના હોવા છતાં આવું કેમ માનતા હશે ? લાગણીના ધબકાર પર માની લીધેલી ગાણીતીક માન્યાતાઓએ વિજય મેળવ્યો.

‘નો મીન્સ નો’ કહી પપ્પાએ વટહુકમ જારી કર્યો.

આ છોકરી અમને તો નહીં સાચવે પણ તારી જીંદગી પણ બરબાદ થઇ જશે. આકાશ અને ભુમીનું મીલન અશક્ય બન્યું.

તેના પપ્પાએ પોતાની જ્ઞાતીમાંથી આકૃતીને શોધી કાઢી. અને તેની જન્મ કુંડળી મેળવી આકાશને પરણાવી દીધો.

જન્માક્ષર તો મળ્યા પણ જીવન જીવવાની સમજ, શક્તી, પ્રેમ, કુટુંબ ભાવના જેવી એક પણ સુરેખ આકૃતી આકાશના જીવનમાં આકૃતીએ ન દોરી. અને તેના લગ્ન પછી ટુંકા ગાળામાં જ મમ્મીના અવસાન પછી એકલવાયા પડેલા પપ્પાને આકૃતીના વર્તનથી વૃદ્ધાશ્રમમાં મુકવા જવાની ફરજ પડી. વીચારોની ગડમથલ સાથે વૃદ્ધાશ્રમ પહોંચ્યો. ઓફીસમાં નામ રજીસ્ટર કરવા ગયા ત્યારે મુખ્ય ખુરશી પર બેઠેલી સંચાલીકા પર નજર પડતા જ પીતા-પુત્રના પગ ત્યાં જ થંભી ગયા.

પણ ભુમી ઉભી થઇઅને આકાશના હાથમાંથી તેના પપ્પાનો હાથ થામી લીધો.

ફોટો

ભીમો હાથમાં ફોટો પકડી કંઇક વીચીત્ર નજરે જોઇ રહ્યો. પડોશમાં રહેતી અને તહેવારોમાં સાથે રાસ રમતી મણીની સાથે તેમની જોડી જામી ગઇ હતી. તે દીવસે શહેરમાંથી આવેલ અધીકારી તે બન્નેને રાજધાનીમાં યોજાયેલ રંગોત્સવ માટે પસંદ કરીને લઇ ગયા હતા.

હા આ તે જ ફોટો હતો. જે તેણે મોટા સાહેબ સાથે પડાવ્યો હતો. તે કંઇક વીચારતો હતો ત્યાં તેની માનો અવાજ સંભળાયો.

‘ભીમાં જલ્દી કર, બાપલા લે, આ તારો રેડીઓ અને આ એક પોટલું તું ઉપાડ મારા બાપ. હમણા ઓલ્યા ખાખી લુગડાંવાળા આવશેને ઇ હગા નઇં થાય હાલ્ય.’

ભીમાની આંખ ડબડબી ગઇ. તે બોલ્યો, ‘માડી તને યાદ સે ? જો આ ફોટામાં હું અને મણકી કેવા લાગીએ સીએ ? ઇ પેલા મોટા ગાયબ આયવા તા ઇ અમને મોટા પરધાન આગળ લઇ ગ્યાતા, ન્યા અમે ખુબ નાયચાતા અને ખુબ તાળિયું પડીતી.’

‘ઇ મોટા પરધાને કીધુંતું કે, આજ આપણી હાચી ઓળખ સે ને એણે અમારી બેઇની વસે ઉભા રહીને આ ફોટો પડાયવો તો. હે મા લાવને હું ઇને જઇને કવું, ઇ માની જાહે હો, હું ઇને કઇશ કે, આ ખેતરમાં જ મારા બાપુએ મને અને મણકીને રાસ રમતા શીયખવું તું. અમારી બાળપણની યાદી સે, અને બાપદાદાની યાદી સે. અમારે બીજે નથ જવું...’

ત્યાં ગામના ત્રણચાર જણ પોતપોતાના પોટલા (સામાન)માખે ઉપાડીને આવ્યા અને બોલ્યા, ‘હાલ ભીમા હંગાથે નીકળી જઇએ.’ મણકીના દાદા વશરામદાદા બોલ્યા, ‘લે, તું કેતો તો ને પણ ઇ પરધાને કંઇ જવાબ ન દીધો. મુખી પટેલને પણ આપણી હારે જ નીકળવાનું છે. હાલ બાપલા હાલ હવે તો ઉપર વાળો લઇ જાય ત્યાં જ જવાનું છે.’

ભીમાએ ફોટાના ઉભા ટુકડા કરી પ્રધાનનો ફોટો વચ્ચેથી કાપી નાખ્યો અને તેના ટુકડા હવામાં ઉડાડ્યા. એક હાથમાં રેડીઓ પકડ્યો અને પોટલું માથે ચડાવ્યું. તેની નજર તેના પ્રીય ખેતર તરફ હતી. રેડીઓમાંથી સૂર તરડાતા હતા... ‘ચલ ઉડ જા રે પંછી અબ યે દેશ હુઆ બેગાના...’

મહીલા દીન

શાંતી છાપાનો ફેરીયો હતો. સાયકલ તેના જીવનભરનો સથવારો બની ગઇ હતી. આજે તે પ્રયત્નપૂર્વક પેટલ મારી સાયકલ ચલાવતો હતો. રસ્તા પર વધુ ભીડ હતી. તેમાંથી તે નીકળવાનો પ્રયત્ન કરતો હતો પણ તેને ઊભું રહેવું પડ્યું.

સામેથી સ્ત્રી શક્તીના સુત્રો પોકારતું એક ટોળું આવી રહ્યું હતું. ટોળામાંની સ્ત્રીઓ કેમેરામાં ઝીલાઇ જવા માટે વધુ ને વધુ જોશથી સુત્રો પોકારવા લાગી. અને નારાબાજી કરવા લાગી.

નવી સવી પત્રકાર એક સ્ત્રી નેતાને ઇન્ટરવ્યુ લઇ ટોળા આસપાસ ઊભેલી પબ્લીક તરફ ફરી. તેને પબ્લીક ઓપીનીયન લેવો હતો. શાંતી તરફ માઇક ધરાયું. ‘કેવો લાગ્યો મહીલાઓનો પ્રયત્ન ?’ શાંતી બાઘો બની ગયો. તે કઇ સમજ્યા વગર જાણે બોલ્યો. ‘સારો.’ પત્રકારે વધુ આગળ પુછ્યું, ‘તમારું શું માનવું છે ?’ બહેનો આગળ આવે, સ્વતંત્ર રીતે રહે તે અંગે તમારું શું માનવુ છે ?

શાંતીનો હાથ પોતાના ખીસ્સા તરફ ગયો. તે છાપાના એજન્ટને ત્યાં ફેરીયો હતો. આજે મહીનાના પહેલા અઠવાડીયામાં તેને મળેલ પગારના પૈસા હજુ થોડી મીનીટો પહેલા જ પોતાની પત્નીના ભરણપોષણ પેટે ભરી દેવા પડ્યા હતા. બીમાર માના રીપોર્ટ કરાવવામાં મુદત નાખી ને...

શાંતીની પત્નીને શાંતી સાથે કંઇ વાંધો ન હતો. વાંધો હતો માત્ર લાચાર અને પથારીવશ મા સામે. ટીવી સીરીયલો જોવાની શોખીન અને એ પાત્રોમાં પોતાની જાતને જોવા મથતી આ સ્ત્રી શાંતીથી છુટી પડી ગઇ હતી. અવારનવારના ઝઘડાથી કંટાળીને શાંતીએ પણ તેને જવા દીધી હતી. તેની નજર સમક્ષ આ દૃશ્યો તરવા લાગ્યાં. કોર્ટના ધક્કા વગેરેથી ત્રસ્ત શાંતીએ કંઇ જવાબ ન આપતા પત્રકાર ટોળામાં બીજી વ્યક્તી તરફ ફરીને પ્રશ્નો પુછવા લાગી ગઇ.

તેને ક્યાં ખબર હતી કે, પોતે મા તરફ ફરજ બજાવવા જતા પત્નીએ માત્ર અધિકાર ભોગવવા કાયદાનો સહારો લીધો હતો. અને સ્વતંત્ર થઇ ગઇ હતી. પણ પોતે કાયદાની ચુંગાલમાં પરતંત્ર બની ગયો હતો. બે સ્ત્રી વચ્ચેના જીવનમાં પુરુષ ક્યાં હતો ? તેને થયું કે મહીલા દીનની જેમ પુરુષ દીન ક્યારેય આવશે ખરો ?

મુદત

રોજબરોજ પડતી મુદતથી તે ત્રસ્ત થઇ ગઇ હતી. પ્રાથમીક શીક્ષીકાની નવી સવી નોકરી, પથારીવશ મા અને બે નાનાં બાળકો. આ બધું જાળવવું અને નોકરી કરવા જવું અને ઉપરથી કોર્ટના ધક્કા. પતી તરફની નવા નવા કેસ દાખલ થવા માંડ્યા. તે ખુબ મક્કમતાથી સામનો કરતી. ન્યાયદેવીના આંખે બાંધેલા પાટાનું અર્થઘટન તે પોતાની રીતે કરતી. કે ક્યાંક કશુંય જોયા વગર ન્યાય નહીં આપે ને ? તે અડધી રાત્રે ઉઘમાંથી જાગી જતી. પણ આ દ્ધીધાયુક્ત સમયનો કોઇ જ વિકલ્પ ન હતો.

આજે તે મહામહેનતે રજા મેળવી કોર્ટમાં આવી હતી. ત્યાં તેને નવો સમન્સ બજ્યો. છોકરાઓનો કબજો લેવા બાબતે પતીએ દાદ માંગી હતી. પીતૃહક્ક જતાવવા આ આસુરી માણસે આજે નવો સીન શરુ કર્યો હતો.

નવનવ મહીનાની ક્ષણેક્ષણને જે બાળક સાથે વીતાવી અને પછી પણ પતીના આસુરી વર્તનથી કાયમ બાળકને બચાવતી આ સ્ત્રી આઠ વર્ષના મોટા દીકરાને કાયમ કલ્પનાથી વાતો જોડી, પપ્પા વિશે સારો અભિપ્રાય આપી મનાવતી રહી હતી. તેને થતું કે આવું ખોટું ક્યાં સુધી ચલાવીશ ? પણ એને ખબર નહોતી કે બાળકને આવી વાતો કરી પોઝીટીવ રાખવાની રીત તેને પોતાને જ ભારે પડશે.

કોર્ટમાં બન્ને બાળકોમાંથી મોટો દીકરો પપ્પા-પપ્પા કરી કોર્ટરુમમાં જ તેને વળગી પડ્યો અને સાથે જવા તૈયાર થયો. અને પછી ચાલી એ સદીઓ જુની ખલનાયકીની રમત. કાચીંડાના જેમ રંગો બદલતાં સાસરાવાળાએ મોટા દીકરાને જાણે સમુળગો બદલી જ નાંખ્યો. અને મા વીશેના સમગ્ર અભિપ્રાયો બદલાઇ ગયા.

તે વીચારતી હતી કે, જે બાળકનું સર્જન કરતાં નવનવ મહીના થયા હતા તેનો કબજો મેળવવા અલબત્ત તેની સાથે કાયદેસર રહેવા માટે, એક માને ન્યાયની દેવી સમક્ષ નવનવ વર્ષોથી ઝુરવું પડે એ ક્યાંનો ન્યાય ? જો કુદરત તેની સમયમર્યાદામાં કામ કરતી હોય તો માણસ કેમ નહીં ? શા માટે આટઆટલી મુદત ?

એક દીવસની સેલીબ્રીટી

તેઓ સો ટકા સાક્ષરની યોજના હેઠળ પ્રથમ આવનાર સંસ્થાના ચેરપર્સન હતા. સંસ્થાનું કાર્યફલક શહેરમાં વીસ્તરેલું હતું. સરકારી અર્ધસરકારી યોજનાઓના ગ્રાન્ટેડ પ્રોગ્રામ મેળવવામાં તે માહીર હતા અને અનેક વીસ્તારોમાં તે પ્રવૃતીકેન્દ્રો ચલાવતાં હતાં.

આજે શીક્ષણમંત્રીના હસ્તે એવોર્ડ વીતરણ હતું. શિક્ષણ મંત્રી સાથેનો ભોજન સમારંભ તેઓ મહામહેનતે પોતાના ઘરે ગોઠવી શક્યા હતા.

ભોજન સમારંભ શરુ થયો. શહેરની નામાંકીત વ્યક્તિઓ આવવા લાગી. દુર ખુણામાં બેઠેલી એક જોશીલી પત્રકારે પોતાની ધારદાર નજરે પાણી આપવાથી માંડીને વાસણ સાફ કરવા સુધીની જગ્યા, માણસો, આખું ઘર બધું માપી લીધું.

સમારંભમાં પ્રશંસાનાં પુષ્પો વેરાયાં અને ખુશીના માહોલ વચ્ચે મીસીસ ભટ્ટે મંત્રીશ્રીની ખુશામત કરીને નવી ગ્રાન્ટો મેળવવાની ખાતરી મેળવી લીધી.

અભીનંદનની વર્ષાઓ થઇ, તે પત્રકાર ઊભી થઇ અને મીસીસ ભટ્ટને અભીનંદન આપી પોતાના કેમેરામેન સાથે વાસણ માંજતી છોકરી પાસે જઇ પહોંચી. અને વાતચીત શરુ કરી.

‘મને તો નીશાળે જવું બહુ ગમે બુન, પણ આ મોટા દીદી છે, તે મારી માને ખીજાય. મારે જ અહીં કામ કરવાનું. એમને બીજા કોઇનું કામ નહીં ફાવતું.’

પત્રકારે ઇન્ટરવ્યુ લઇ લીધો અને કાલે તું ટીવીમાં દેખાઇશ તેવી વાત કરી તે ચાલી ગઇ.

બીજાદીવસે તેની ચેનલમાં આઆખાય કાર્યક્રમનું પ્રસારણ કર્યું. નાનકડી સકુનો ઇન્ટરવ્યુ પ્રસારીત થયો. અને જાણે તે એક દીવસની સેલીબ્રીટી બની ગઇ.

શબ્દરમત

વીરાગ અંતમુર્ખ વ્યક્તીત્વ ધરાવતો છતાં તેજસ્વી યુવાન. બચપણથી જ છાપાં કે મેગેઝીનમાં આવતી શબ્દ રમતના ચોકઠા ભરવાનો તેને શોખ. તેમાં તે એકકો થઇ ગયો હતો. અને સાથોસાથ તેનું ભાષાજ્ઞાન પણ વધતું ગયું.

પણ આજે તે ઉંડા આઘાતમાં સરી પડ્યો હતો. પોતાની શબ્દ રમતના શબ્દોની આજે તે ઉંઘી રમત લાગ્યો હોય તેવો ઘાટ ઘડાયો.

જીવન વસંતની ખુશબુ ભરી હવાથી તે પલ્લવીત થઇ ગયો હતો. પ્રણય પુષ્પ ખીલી ચુક્યું હતું. પહેલી જ નજરે ગમી ગયેલી વલ્લરી વીરાગ નામના વૃક્ષના મનોપ્રદેશને વીંટળાઇ ચુકી હતી.

સુતા બેસતા તે વલ્લરીના પ્રેમના પર્યાય શબ્દો શોધતો. અને ભવિષ્યના સ્વપન શીખરોને આકારતા એસએમએસ કરી તે વલ્લરીને ભીંજવી દેતો અને સહજીવનના સ્વપનમાં ખોવાઇ જતો.

પણ એક દીવસ વીરાગે લગ્નની મુકેલી દરખાસ્તને તેના અત્યાર સુધીની શબ્દ રમતને છેદી નાખે તેવો જવાબ વલ્લરી તરફથી મળ્યો.

વીરાગ, ‘લગ્ન’ તે હાંસી ઉડાવતી બોલી ‘આવા પીંજરમાં કેદ થાઉં તેવું પંખી હું નથી. આ જીવન આકાશમાં ઉડવામાં તારો સાથ ચોક્કસ ગમશે પણ કોઇપણ જાતના આવા કોન્ટ્રેક્ટ વગર પાર...’

આ પુર્વજોએ પણ આ બધી વ્યવસ્થાતંત્ર બનાવીને આપણને બધાને બંદી બનાવી દીધા હોય તેવું નથી લાગતું ? અને તને તો ખબર જ છે કે, હું કોઇ બંધન તો સ્વીકારું જ નહીં. અને તું તો શબ્દ રમતનો માહીર છે. શબ્દોના પર્યાય પુરાણમાં પ્રેમ, અને તું તો શબ્દ રમતનો માહીર છે. શબ્દોના પર્યાય પુરાણમાં પ્રેમ, મૈત્રી કે સહજીવનના પર્યાયમાં તું લગ્ન શબ્દ મુકી શકે ખરો ? અને ધાર કે તું મુકે તો પણ આ વલ્લરી કોઇ ચોકઠામાં ફીટ થઇ શકે ખરી ? મારો સ્વભાવ એક જગ્યાએે બંધાઇ રહેવાનો નહીં, વીસ્તરવાનો છે વીરાગ.

વીરાગ સ્તબ્ધ થઇ ગયો, ઉદાર દીલ માએ કોઇ વાતનો વીરોધ નહોતો કર્યો. તેણે માને પોતાના પ્રણયની હરખભેર વાત કરી હતી. અને હવે લગ્નની રાહ જોતી માને શું જવાબ આપવો ?

એક અસહાય આઘાત સાથે તે લગ્નના, સહ જીવનના, મૈત્રીના અને પ્રેમના વિરુદ્ધ શબ્દો શોધવાની રમતમાં પડી ગયો.

એની માને હજુ સુધી તેની આ શબ્દ રમત સમજાઇ નથી.

ખોટો દાખલો

‘મા જોતો ખરી, એક સીલી મીસ્ટેઇકના કારણે આખો દાખલો ખોટો પડ્યો. આખી મેથડ સાચી છે એના માર્ક્સ તો મળવા જોઇએ ને ?’

‘એમ માર્ક્સ ન મળે બેટા, જવાબ ખોટો છે કે નહીં ?’

કાવ્યાએ પોતાના કાન પકડીને ભુલ કબુલ કરી. ‘એ પણ ખરું જ. પણ મેથડ ?’

કૃપા ભુતકાળમાં સરી ગઇ. પોતે પણ જીંદગીનો દાખલો ગણવામાં ભુલ કરી બેઠી હતી. કૃપાની પાત્ર-પસંદગી લોક નજરે તો બરાબર હતી. દુનિયાની દૃષ્ટીએ કોઇ સમસ્યા હતી જ નહીં. છતાં ક્યાંક કશુંક ખુટતું તો હતું જ.

સ્વતંત્રતા હતી, સુવિધા હતી, સમૃદ્ધી હતી પણ સમાન રસ ન હતા.

વહેતી સરીતા જેેવી કૃપા અને ઘુઘવતા સાગર જેવા કમલ વચ્ચે સરીતા-સાગર જેટલું અંતર હતું. વીચારો એક પણ વહેવાની પ્રક્રીયા અલગ. જાણે બધું જ અલગ પડતું હતું. છતાં, બહારથી કોઇ જ તોફાન નહીં. પણ...

આજે કલબમાંથી બેસ્ટ કપલ કોમ્પિટેશન માટે આપણે પણ ફોર્મ ભરવાનું છે. કમલ સવારે કહીને ગયેલો. પણ સાંજ સુધી કૃપાએ એમાં રસ જ ન દાખવ્યો.

તેને થતું હતું કે બધું બરાબર પણ જવાબ ખોટો આવે છે. શા માટે ફોર્મ ભરવું ?

આઠમો રંગ પ્રેમનો

આજે તેના પેઇન્ટીંગનું એકઝીબીશન હતું. શહેરની વીશાળ આર્ટ ગેલેરીમાં માનવ સમુદાય વચ્ચે સૌમ્ય કલામર્મજ્ઞ અને ભાવકોને આવકારતો હતો.

કલા જગતમાં નામ અને દામ કમાયેલ આ કલાકાર જીવન સંધ્યા તરફ પ્રયાસ કરતો હતો. તે એકલો રહેતો હતો. એની એકાંતપ્રીયતા અને અપરણીત જીંદગીને લોકો કલાકારની ધૂનમાં ખપાવતા. અને માનતા કે, આ નીરાળો માણસ કલાને વરી ચૂક્યો છે.

કલા રસીકો સાથે ચર્ચા કરતા તે વીશાળ છતાં રંગ પુર્યા વગરના ચીત્ર પાસે અટકી ગયો. હા એ ચીત્ર રંગ વગરનું હતું, પણ ચીતરાયેલી સ્ત્રીની આંખમાં રહેલા પ્રેમ અને કરુણા મીશ્રીત ભાવ પર કલામર્મજ્ઞો વારી ગયા. તો કોઇ વળી પ્રશ્ન પણ કરતું હતું કે, રંગ કેમ નહીં ?

અને સૌમ્યનું હ્ય્દય દ્રવીત થઇ ગયું. તેને ચીત્રમાં રહેલી તેની મૃત પ્રીયતમા જાણે જવાબ આપતી હોય તેવો ભાસ થયો.

તેને શર્વરી સાથેનો સંવાદ યાદ આવી ગયો. શર્વરીએ કહેલું કે, સૌમ્ય તારાં ચીત્રોના મેઘધનુષી સાત રંગો વચ્ચે પ્રેમનો આઠમો રંગ ક્યારેય ભુલી તો નહીં જા ને ? અને સૌમ્યની આંખ ભીંજાઇ ગઇ તેના હ્ય્દયની માફક.

ખુબ જ પ્રશંસા પામેલા ચીત્ર તરફ જોઇને જવાબ આપતો હોય તેમ તે મનોમન બોલી ઉઠ્યો. પ્રેમના આ આઠમાં રંગનો ઠાઠ જ કંઇક ઓર હોય છે શર્વરી.

એક રંગ

શહેરમાં સીરીયલ બ્લાસ્ટ થયા. લોકો સ્તબ્ધ થઇ ગયા. પોતપોતાના લાગતા વળગતા મીત્રોને ખબર પુછવા ફોનની ઘંટડીઓ રણકવા લાગી.

મયંક ટીવી પર આ બધાં દૃશ્યો જોતો હતો, ત્યાં જ મહંમદની મમ્મીનો ફોન આવ્યો. બેટા બચાવ મારા દીકરાને. જલદી આવ. લોહીનો ઇંતજામ... બાકીના શબ્દોમાં, માનાં ડુસકાં હવામાં વીખરાઇ ગયાં. મયંક સ્તબ્ધ થઇ ગયો. ત્યાં પડોશીમાં રહેતી શ્યામની મમ્મી બેહોશ થઇ ગઇ હતી. બ્લાસ્ટમાં શ્યામના ઘવાયાના સમાચાર હતા. લોહી... લોહી... મયંકના મગજમાં વીચારોનું ઘમસાણ થયું. આ બન્ને ‘મા’ જ છે. ધર્મ ગૌણ બની ગયો હતો. એક બાજુ સુમસામ સડકો ઉપર લોહી વ્યર્થ વહેતું હતું, તો બીજી બાજુ ઘાયલો લોહી માટે તડપતા હતા.

રેડીઓ પરથી એનાઉન્સ થતું હતું.

‘આવો શોભા બનો, આ બાગ છે માનવતાનો,

કઇ જાતી, ક્યો ધર્મ, નાહકની આ મથામણ છોડો.

હું માનવ છું, માનવ રહેવા દયો,

રક્તદાન કરી સહુમાં ભળવા દયો.’

અને થોડા કલાકો પછી, રાત દીવસ જાગતાં આ શહેરમાં રક્તદાન કેમ્પ થવા લાગ્યા.

મયંક હોસ્પીટલે પોતાના દોસ્ત સલમાન સાથે પહોંચ્યો. સયંકનું લોહી મહંમદને ચડ્યું અને સલમાનનું શ્યામને.

બન્ને યુવાનો બચી ગયા. હોસ્પીટલના કમ્પાઉન્ડમાં હાજર મીત્રોની આંખમાં હર્ષનાં આસું છલકાઇ રહ્યા. જાણે એક આંખમાં ગંગાજળ છલકાયું અને બીજીમાં ઝમઝમનું નીર.

વાવાઝોડું

તે ઘરના આંગણામાં વાવેલાં વૃક્ષો સાથે મનોમન વાતો કરતો. પારીજાતની લહેરાતી ડાળ પર આવીને ગાતી બુલબુલના ગીતને અનન્ય ભાવથી સાંભળતો. બોગમમાંથી ખરતાં ફુલો જોઇ તે વીચારમાં પડી જતો. તેને થતું કે, આસપાસના આ પ્રાકૃતીક વૈભવમાં ક્યાંય દરાર નથી પડતી. વાયુ લહેરાય છે અને પર્ણ ખરી પડે છે... કોઇ જ ફરીયાદ વગર.

બોગમમાંથી ખરી પડતાં ફુલો આસપાસના વાતાવરણને રંગીનીયતથી ભરી દે છે. જ્યારે માણસ ? માણસના મનોવલણો ?

ગમે તેટલી કાળજી છતાં પ્રશ્નોની હારમાળા સર્જતા અચકાતા નથી. તે વિચારે ચડી જતો.

કાજલ માબાપની પસંદગી પામેલ પોતાનું મનગમતું સ્ત્રી પાત્ર. હા પણ અત્યારે કવનના જીવનમાં વાવાઝોડું સર્જનાર પાત્ર જ. ત્રણેક વર્ષ પુર્વે બન્ને પરણ્યાં હતાં.કાજલ એક બાળકી કુંપળની મા બની ચુકી હતી. પણ તે પોતે જે પોતાનાં માબાપનું એક માત્ર સંતાન હોઇ અનુકુલન શબ્દ તેના શબ્દ કોષમાં હતો જ નહીં. લગ્નજીવનની શરૂઆતની રંગીનીયત પરથી હવે વાસ્તવીક ભૂમી પર પગરણ માંડ્યા હતા. સ્વતંત્રતાનું અર્થઘટન સ્વચ્છંદતામાં કરતી કાજલ નજીવી ઘટનાને કારણ બનાવી નાનકડી કુંપળને છોડી પોતાનાં માબાપ પાસે ચાલી ગઇ હતી.

ખીલખીલાટ કરતા ઘરનું વાતાવરણ મુક ક્રંદનમાં ફેરવાઇ ગયું. કવનની જીવન કવિતાનું ગાન બેસુરું થઇ ગયું. વાસ્તવીકતાની વરવી થપાટ બન્નેને વાગી. કાજલનો ઉછેર જ એવો હતો કે તે કોઇ સીસ્ટમમાં ફીટ ન થઇ શકે.

કવન કુંપળને પ્રેમથી સાચવતો. કાજળ માનતી કે કુંપળની જવાબદારી માથે પડતા કવન અને તેની માતા પરેશાન થશે. અને તે કવનને મારી સાથે રહેવા મોકલી દેશે. પણ કવન હતાશા પચાવ્યે જતો હતો. તેને પણ એવી ઊંડીઊંડી આશા હતી કે દીકરીને કારણે કાજલ ઘરે પરત ફરશે.

આજે તે બગીચામાં લટાર મારતો હતો. બગીચાનો બુઢ્ઢો માળી વાતો કરતો હતો કે જુઓ ભાઇ આમાં કળીઓ બેસી ગઇ છે. આજકાલ ફુલો આવ્યાં જ સમજો. તે વીચારવા લાગ્યો કે કાશ મારા જીવનમાં પણ ફરી ફુલોની મહેંક આવે.

પણ એકાએક પૂરજોશમાં પવન ફુંકાયો અને વાવાઝોડા જેવું થયું તેણે બુઢ્ઢા માળીના હાથમાંથી દીકરીને પોતાની પાસે લઇ લીધી. વાવાઝોડાના કારણે કળીઓ બેસેલ છોડ જમીનમાંથી ઉખડી ગયો. બહાર ડોરબેલ વાગી. બારણું ખોલ્યું. પોસ્ટમેને રજીસ્ટર્ડ એ.ડી.નું કવર આપી સહી લીધી.

કવરમાં કાજલે છુટાછેડાની તથી કુંપળના કબજા માટેની મોકલેલી નોટીસ હતી. પવન વધુ જોશમાં ફુંકાતો હતો. ખુલ્લી બારીઓ જોશથી એકબીજા સાથે અથડાઇ અને બારીઓ કાચ તુટીને જમીન પર પડ્યો. અને તેની ઝીણી કરચો કવનના કાળજામાં વાગી. તે દીકરીને ભેટી પડ્યો.

ભુખ

આજે છોકરીઓની કોલેજમાં ‘ચારીત્ર સ્ત્રીની સાચી મુડી’ એ વીષય પર તેને વક્તવ્ય આપવા જવાનું હતું. તે માટે તે ઓફીસનું કામ વહેલું પતાવી ઘરે આવી ગઇ હતી. કાર્યક્રમમાં જવાને હજુ એકાદ કલાકની વાર હતી. તે આરામ કરતા કરતા મેગેઝીનના પાનાં ઉથલાવતી હતી ત્યાં ડોરબેલ વાગી, બારણું ખોલી જોયું તો ગામડેથી આવેલી શાન્તું, લઘરવઘર વસ્ત્રો, કાયમ મદદ માગવા માટે લંબાતો હાથ અને આંગળી પકડી ઉભેલાં અર્ધનગ્ન બાળકો.

તેણે તે લોકોને પાણી આપી સાથે આવેલા છોકરાઓને થોડો નાસ્તો આપ્યો. તે વિચારતી હતી કે, સરકાર પણ ખરી છે. યોજનાઓ અને ઉદ્‌ઘાટનોની ભવાઇમાંથી બહાર આવતી નથી. અધીકારીઓ કામ કરવાના બદલ લોકોની ચાપલુસીમાંથી ઉચા આવતા નથી. આ બીચારી પેન્શનના હક્ક મેળવવા માટે કેટલાય ધક્કા ખાય છે. આ પ્રશ્ન હવે તેના હાથમાં આવ્યો હતો. તેને લઇને તેના સંબંધીત ખાતાના અધીકારીને મળવા ગઇ. આ પહેલા પોતે પણ બેત્રણ ધક્કા ખાઇ ચુકી હતી. અને અમલદારશાહીનાં વલણના કડવા ઘુંટ પી ચુકી હતી. પણ આ વખતે મક્કમ નીર્ધાર સાથે જરૂરી કાગળો પહોંચાડ્યાની પહોંચ રજુ કરી અને તેણે ઓફીસર સામે જોયું. તે કંઇ કહેવા જાય તે પહેલાં જ ઓફીસરે શાન્તુને બહાર બેસવાનું કહ્યું અને બોલ્યો.

‘બને તમારા જેવા આવે એટલે અમે કહી ન શકીએ પણ આ બાઇ તો રેલ્વેના પાટા પાસે આવેલ ઝુંપડામાં રહી રાત્રે ધંધો...’

તેણે એક ધારદાર નજરે ઓફિસર સામું જોયું. તે વધુ બોલી શક્યો નહીં. તે ઉભી થઇ અને તાત્કાલીક કામ પતાવવાની કડક ચેતવણી આપી. ચેમ્બરની બહાર નીકળતા ગુસ્સામાં બારણું ખોલવા જતાં બારણું અફળાયું. બહાર શાન્તુ બારણાને અડકીને જ ઉભી હોય, તેને વાગ્યું હોય તેવું લાગતા તે બોલી કે શાન્તું કપાળમાં વાગ્યું તો નથી ને ?

શાન્તુ બોલી કે બેન આ કપાળમાં તો આ ઘા કરતાય કેટલાયે ઘા લાગેલા છે. મે સાઇબની વાત સાંભળી છે. પણ હું શું કરું ? પેટના છોકરાંવને ભુખ્યા વલવલતા જોઇ નોતી શકતી. એની ભુખ ભાંંગવા આ સાઇબોની ભુખ...

તેણે આંગળીથી શાન્તુને ચુપ રહેવાને ઇશારો કર્યો. અને એની લાચાર નજરે તાકી રહી. તેણે વક્તવ્ય આપવા જવાનું માંડી વાળ્યું.

ભારત માતાની જય

ચોતરફ જયઘોષ સંભળાતો હતો. ભારત માતાની જયનો નારો મનીયાના કાનને ફાડી નાંખતો હતો. તે પોતાની સાયકલને ઝડપથી પેડલ મારવાનો વ્યર્થ પ્રયત્ન કરતો હતો. તે બીમાર માની દવા લઇ ઝડપથી પહોંચવાની વેતરણમાં હતો ત્યાં પોલીસે સાયકલ અટકાવી.

મંત્રીશ્રી અહીંથી નિકળવાના છે. ‘ચલ હટ અહીંથી’ કહી લાકડી તેના હાથ પર મારી. તેના હાથમાં તમરા બોલી ગયા. આંખમાં આવી ગયેલ આંસુ સાથે તે માંડમાંડ બોલ્યો, ‘તમારી મા બીમાર છે. ડૉક્ટરે ઇન્જેકશન લેવા મોકલ્યો છે. નહીં પહોંચું તો...’

તો તારી માની જય બોલી જશે એમ જ ને ? એ તો છુટશે આ દોજખની જીંદગીમાંથી પણ મારીનોકરી છુટશે તો ? મારાં બૈરીછોકરાને તું સાચવીશ ? ચલ ભાગ અહીંથી. તે કરગરવા લાગ્યો પણ પોલીસવાળાએ તેને જવા ન દીધો. સાયકલની આગલી સીટમાં બેઠેલો તેનો નાનો છોકરો રડી રહ્યો હતો. તે નાનકડી અણસમજુ નજરે બાઘો બનીને જોતો હતો.

એવામાં મંત્રીશ્રીનો કાફલો પસાર થયો. અભીવાદન ઝીલતા મંત્રીશ્રીએ છોકરાના માથે હાથ ફેરવી તેના હાથમાં એક ફુલ મુક્યું ટોળામાં લોકો મંત્રીશ્રીનો જયઘોષ કરવા લાગ્યા. રસ્તો ખુલ્લો થઇ ગયો. તે ઝડપથી ઘરે પહોંચ્યો.

ઘરમાં બધા તેની સામે એવી રીતે જોવા લાગ્યા કે જાણે તે ગુનેગાર હોય. તેણે છોકરાના હાથમાંથી ફુલ લઇ માના ચરણમાં મુક્યું. અને બોલ્યો ભારતમાતાની જય.

અને ભારતની બેહોશ પ્રજાના પ્રતીક જેવો અદનો શ્રમીક તેની મૃત્યુ પામેલી માતાનાં ચરણોમાં બેહોશ થઇ ઢળી પડ્યો.

ભુમી પુજન

શહેરીજનોનો ચોક્કસ વર્ગ ખુશખુશાલ હતો. નવા આવેલા કમીશનરની વાહ વાહ બોલાતી હતી.

એક બાજુ ઝુંપડપટ્ટીઓ સાફ થતી જતી હતી, કંગાળ અને લાચાર લોકો પોતાની ઘરવખરી ભેગી કરવા લાગી ગયા હતા. હવે ક્યાં જશું. એ પ્રશ્ન દરેકની આંખમાં ડોકાતો હતો. કોઇ કોઇ તો રોકકળ કરી અધીકારીઓના બહેરા કાને કંઇ પહોંચતું નહીં.

બીજી બાજુ હવે અમારી સોસાઇટીના ભાવ વધી જશે, ઝુંપડપટ્ટીનું ન્યુસન્સ હવે દૂર થયું, એવી વાતો થતી હતી. કોઇની જીંદગીનું આશ્રયસ્થાન કોઇને ન્યુસન્સ લાગતું હતું. શહેરની સુંદરતામાં હવે વધારો થશે, એવો પ્રચાર કર્ણોપકર્ણ થતો હતો.

આજે શહેરના છેવાડે આવેલ એક સોસાઇટીનું ભુમીપુજન હતું. બીલ્ડર રાજકીય પક્ષનો આગેવાન હોય, શહેરના ટોચના કહેવાતા પ્રતીષ્ઠીત લોકો એક પછી એક આવવા લાગ્યા.

ગોર મહારાજે મંત્રોચ્ચાર શરુ કર્યો. ‘અબીલમ ચ ગુલાલમ ચ’ કહી, યજમાન બીલ્ડરના હાથમાં કંકાવટી આપી ભુમીપુજન કરવા આજ્ઞા આપી. બીલ્ડર કંકુ છાંટણા કરવા જતો હતો, ત્યાં જ એક અર્ધપાગલ અવસ્થામાં, અકાળે વૃદ્ધત્વ પામેલ માણસ ત્યાં આવી રડતો રડતો બોલ્યો.

‘બંધ કરો બાપલા આ કંકુ છાંટણા.’ અહીં તો મારા લાલના કંકું છાંટણા થઇ ગયા છે. અમારા રહેણાંકનાં મકાનો પાડી નાખી, આ જમીન ખાલી કરાવતી વખતે વિરોધ કરતા પોલીસની લાઠીઓ ધડાધડ તેના માથા પર પડી છે. એના લોહીથી આ જમીન લાલ થઇ જ ગઇ છે. તે મહારાજને બે હાથ જોડી વીનવતો બોલ્યો, અરે ઓ મહારાજ, અહીં નારીયેળ વધેરવાની જરૂર નથી, અહીં અમારા નવ લોહીયા સંતાનો વધેરાયા છે. આ જમીનનું ભુમી પુજન તો આમ જ થઇ ગયું છે. હવે તમારે કરવાની જરૂર નથી.

ત્યાં બીલ્ડરના ઇશારાથી, બે પોલીસવાળા આવ્યા અને પેલા વૃદ્ધને દુર દુર સુધી ઢસડી ગયા.

લોકો સ્તબ્ધ બની જોઇ રહ્યા. બીજે દીવસે ચેનલોમાં આ અનોખા ભુમીપુજનની વીધી આખો દીવસ પ્રસારીત કરાઇ, લોકોમાં ચર્ચાનો વીષય બની રહી. જ્યાં સુધી આવી બીજી વાત ન મળી ત્યાં સુધી...

ઉદ્ધારક

આજે શહેરના પછાત વર્ગમાં સ્ત્રી જાગૃતી અંગે એક શીબીર યોજાઇ હતી. જાહેર કર્યા પ્રમાણે શહેરની ખુબ પ્રસિદ્ધ કાર્યકર્તા બેનીને સંબોધશે અને તેના પ્રશ્નોના જવાબ આપશે. આ વીસ્તારમાં સ્વાવલંબનના ચાલતા કલાસની બહેનોમાં ઉત્સાહની લહેર ફરી વળી હતી. દરેકને પોતપોતાના પ્રશ્નો હતા. બધાં અંદરોઅંદર આ વાતની ચર્ચા કરતાં હતાં.

નવીસવી આવેલી સવીતા આ બધું સાંભળતી હતી. તે પણ આ શીબીરમાં જોડાઇ. બોર્ડમાં કાર્યક્રમની સુચી જોઇ તેની આંખમાં એક ચમક આવી ગઇ.

કાર્યક્રમ શરુ થયો. આયોજકોએ મહેમાન બહેનનો પરીચય આપ્યો. અને સ્ત્રીઓના પ્રશ્નોને સમર્પીત તેની જીંદગીની પ્રશંસા કરી.

કાર્યકર બહેને તેની જોશીલી જબાનમાં સ્ત્રીઓના પ્રશ્નો અંગે ભાષણ ઠપકાર્યું. અને પછી હાજર રહેલી બહેનોને કોઇ પ્રશ્ન હોય તો પુછવા માટે જણાવ્યું.

દુર બેઠેલી સરીતા આ બધું સાંભળતી હતી. તે પરંપરાવાદી સમાજમાંથી આવતી હતી. અને પતીથી તરછોડાયેલી નાની એક દીકરી સાથે પીયર રહેતી હતી. આયોજકોએ તેને પ્રશ્ન પુછવા ઊભી કરી. તેણે ઘુમટો કાઢ્યો હતો.

કાર્યકર બહેને કહ્યું કે પહેલાં તો આ ઘુમટો દુર કરો. ઘુમટામાં રહેશો તો તમારા પ્રશ્નો તમને અંદર ને અંદર સળગાવી મારશે. સરીતા આગળ આવી. કાર્યકર બહેનના હાથમાંથી માઇક ખુંચવી પોતાના હાથમાં લીધું, અને પછી ઘુમટો દુર કર્યો અને આક્રોશ સાથે બોલી :

‘મારું નામ સરીતા છે. અને આજે મોટીમોટી વાતો કરીને આપણને ભરમાવી રહી છે તે સ્ત્રીએ મારી જીંદગીની સરીતાના મીઠા નીરને ખારા સમંદરમાં ફેરવી નાખ્યાં છે. હું એક સુખી સંપન્ન ઘરની વહુ છું. મારે એક દીકરી પણ છે. આ સ્ત્રી વગર લગ્ને મારા પતી સાથે રહેવા લાગી છે. આપી શકશે જવાબ કે ઉકેલી શકશે મારો પ્રશ્ન ? જે સ્ત્રીઓ સમાજમાં પ્રશ્નો જ પેદા કરે છે તે ઉકેલે કઇ રીતે ?’

મંચ પર બધાં હાંફળાંફાંફળાં થઇ ગયાં. સરીતાએ પેલી કાર્યકરના મોં પર એક જોરદાર થપ્પડ મારી અને માઇક ટેબલ મુકી સડસડાટ નીકળી ગઇ.

લોકોમાં ગણગણાટ થવા લાગ્યો કે, આ શું ઉદ્ધારકરશે ? જે ઉધારની જીંદગી અને ઉધારનું સુખ બીજાના ભોગે ભોગવે છે.

(અર્પણ : સમાજ સેવાને બદનામીની ગર્તામાં ધકેલી દેનાર કહેવાતી સ્ત્રી કાર્યકરોને)

લીસોટો

રઘુ ઘરમાં પ્રવેશતાની સાથે જ પત્નીના શબ્દો સાંભળી ચોંકી ઉઠ્યો. વેવાઇનો કાગળ છે. ઓણ સાલ લગનનો પ્રસંગ ઉકેલી લેવાનો છે. વધતી જતી મોંઘવારી, બંધ પડેલ કારખાનું. તેને હતું કે, હક્કહિસ્સાના વળતરની રકમમાંથી પ્રસંગ ઉકેલાઇ જશે. પણ યુનીયન લીડરે કહ્યું કે, ‘તું કાયમી ના કહેવાય. અને તને આવી કોઇ મોટી રકમ ન મલે.’

રઘુ થોડું ભણેલો હતો અને વાંચવાનો પણ શોખીન હતો. યુનીયન લીડરે જે રીતે નિયમો સમજાવ્યા તે તેની પહોંચની બહાર હતા.

નીરાશ રઘુ ઘરમાં પ્રવેશતા જ આ સમાચાર સાંભળતા જ સમસમી ગયો. બે વરસથી લગન પાછા ઠેલતો હતો. હવે શું ? એક જરૂરી કામ યાદ આવ્યું છે કહીને તે બહાર નીકળી ગયો. તેનું ચીત ચકડોળે ચડ્યું. તેના મનમાં નફરત જાગી કે, પોતે એટલું પણ ન કમાઇ શક્યો કે પોતાની કોડ ભરી દીકરીના હાથ પીળા ન કરી શક્યો. શું મોઢું બતાવવું ઘરનાને કે વેવાઇ પક્ષને ? તેને થયું કે, ગાડી આવવાનો સમય થઇ ગયો છે. પાટા નીચે... અને તેના પગ રેલ્વે સ્ટેશન તરફ કોઇ અદૃશ્ય તાકાતની દોરાવા લાગ્યા.

પ્લેટફોર્મ પરની કેન્ટીનમાં બનતા ગાંઠીયાની સુગંધ તેને ઘેરી વળી. તેને થયું કે, લાવ સાવ ખાલી પેટે નથી મરવું. ખીસામાં હાથ નાખ્યો. પાંચ રૂપિયાનો સીક્કો હાથમાં આવ્યો. તેણે ગાંઠીયા લીધા. ખાઇને આદત મુજબ પડીકાના કાગળ પર લખાણ ઉકેલવાનો તેણે પ્રયત્ન કર્યો. કાગળ પર કોઇ વિચારકણીકા લખાયેલી હતી.

‘દરેક અંધકારની પાછળ રોજનીનું એકાદ કીરણ છુપાયેલું હોય છે. ભાગતા જતા અંધકારના ઓળા આવા જ કોઇ કીરણોથી ઝડપાઇ જાય છે અને ઉજાસ ફેલાય છે. માણસના જીવનનું પણ આવું જ છે.’ અને એના મન પર એક તેજ લીસોટી ફરી વળ્યો. હવે તેના પગ રેલના પાટાના બદલે જીંદગીના પાટા તરફ જવા લાગ્યા.

અસ્તીત્વનો પ્રશ્ન

‘બહેનો, આપણી સ્ત્રી જાતીના અસ્તીત્વનો પ્રશ્ન છે.’ સરકારી આયોજન હેઠળ આવી રહેલી ધારાસભાની ચુંટણીના ઉમેદવાર સુમીત્રાદેવી પ્રવચન પુરું કરી પોતાની ખુરશી ઉપર ગોઠવાયા. અને મોબાઇલ જોડ્યા, ‘હેલો ડૉક્ટર, કામ થઇ જવું જોઇએ, વાત બહાર જવી જોઇએ નહીં.’ ડૉક્ટર સુમીત્રાદેવીના દીકરા પ્રણવનો મીત્ર હતો. તેણે છેલ્લી રીકવેસ્ટ કરી જોઇ કે ‘આન્ટી, પ્લીઝ આ તો લક્ષ્મીની પધરામણી કહેવાય, શા માટે આવું પગલું વીચારો છો ?’

સુમીત્રાદેવી બોલ્યાં, ‘શટ અપ, કહું તે સાંભળી લે, અહીં ઘણી લક્ષ્મી છે, એની ચીંતા નથી. મારે મારા દીકરાનો વંશ આગળ વધારવાનો છે, સમજ્યો ? અને સાંભળ, આજે સાંજે મંત્રીશ્રી અને સમાજ કલ્યાણ ખાતાના અધીકારીઓ અને પક્ષના બીજા આગેવાનો સાથે આપણા ફાર્મ હાઉસમાં ભોજન સમારંભ છે. આવી જજે, અને મને કામ હત્યાના સમાચાર ત્યાં મળી જવા જોઇએ. બરાબર બેટા ?’

ડૉક્ટરની ચેમ્બરમાં બેઠેલ પ્રીયા, પ્રણવ અને મીત્ર ડૉક્ટર નેહલે સુમીત્રાદેવીની શાન ઠેકાણે લાવવા ફોન ટેપ કરી લીધો હતો.

અને સાંજે બધા સાથે ભોજન સમારંભમાં પહોૅંચ્યા. પ્રીયાએ રેકોર્ડ કરેલ ટેઇપ બધા આવે તે પહેલા સુમીત્રાદેવીને સંભળાવી અને બોલી કે - ‘બોલો મમ્મીજી, અસ્તીત્વનો પ્રશ્ન છે. મારી જન્મવા માંગતી દીકરીના અસ્તીત્વનો અને તમારા માટે તેથી પણ વધુ તમારી રાજકીય કારકીર્દીનો. શું આ વાત બધા વચ્ચે ફરીથી સંભળાવું કે રેકોર્ડના અસ્તીત્વને જ મીટાવું ? પસંદગી તમારા હાથમાં છે.’ કાચીંડાની જેમ રંગ બદલતા સુમીત્રાદેવીએ પુત્રવધુની વાત સ્વીકારી શાણપણનું મહોરું પહેરી લીધું કારણ કે અસ્તીત્વનો પ્રશ્ન હતો ને...

તાળું

નીપા ઘરે પહોંચી ગઇ. બંગલાની બહાર કારનું હોર્ન વાગતું સાંભળી પથારીમાં પડેલા રમાબા થોડીક ક્ષણો માટે ધ્રુજી ગયાં. નીપા રમાબાની પુત્રવધુ હતી.

બીમાર અને પથારીવશ રમાબાની પાસે એક ડબ્બામાં થોડા મમરા, પાણીનો ગ્લાસ અને નેપકીન મુકી ફરજ બજાવ્યાને સંતોષ માની તે બહારથી તાળું મારી વૃદ્ધાશ્રમમાં પહોંચી હતી. વૃદ્ધાશ્રમમાં આજે મહીલા મંડળ દ્ધારા વૃદ્ધોને જન્માષ્ટમી નીમીત્તે ફરાળ કરાવવાનું હતું. સાથોસાથ આજે ત્યાંના સંચાલકો દ્ધારા નીપાની સેવા બદલ તેના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

રમાબા વીચારતા હતા કે, મારી માંદગીનું બહાનું કાઢી નાનકડા ફુલ જેવાં બાળકોને હોસ્ટેલમાં મુકી દીધા બાદ નીપા સમાજસેવામાં બહુ રસ લેવા માંડી હતી. નીકુંજ વાત કરતો હતો કે, કદાચ આ વખતે તેને ચૂંટણીમાં ટીકીટ પણ મળશે. તેણે ધ્રુજતા હાથે મમરાનો ડબ્બો ઢાંક્યો.

એકાએક તાળું ખોલવાનો અવાજ આવ્યો. ત્રણ ચાર સહેલીઓ સાથે ઘરમાં નીપા ઘરમાં પ્રવેશી. હાથમાં મળેલ મોમેન્ટોનું બોક્સ હતું. ઔપચારીકતા ખાતર તેની સહેલીઓએ રમાબાના ખબર પુછયા. નીપાએ બોક્સ ખોલ્યું અને અંદરથી કાઢેલી શો-પીસની ઝીણવટભરી કારીગરીને વીસ્ફારીત નજરે તાકી રહી.

રમાબા ધ્રુજતા અવાજે બોલ્યાં, ‘આપણા ઘર જેવું જ અદલ આ તાળું છે નહીં.’

ટોપ ફાઇવ

મોટા પાયે ન્યુઝ પેપર્સમાં જાહેરાત આવતી હતી. કોર્પોરેટ શહેરોમાં મોટા મોટા હોર્ડીન્ગ્‌સ લાગેલા. વીવીધ ગણવેશમાં આ ધુરંધરોના કટઆઉટ્‌સ પણ લાગવા લાગ્યા.

વીવીધ સંપ્રદાયોની મીટીંગ્સ પણ ભરાવા લાગી. ભક્તોને ફાઇનલમાં એસ.એમ.એસ. કરવાની આજ્ઞાઓ થવા લાગી.

માહોલ બરાબર જામ્યો હતો. લાઇવ કોમ્પીટીશન માટે રજાનો દીવસ પસંદ થયો. ચેનલોમાં જાહેરાત થવા લાગી. અને એક દીવસ ટોપ ફાઇવના લાઇવ પ્રસારણનો દીવસ આવી ગયો.

રજાનો દીવસ હોવા છતાં, શહેરમાં જાણે ક્ફ્‌ર્યું જેવું વાતાવરણ છવાઇ ગયું. આબાલ વૃદ્ધ બધાની આંખો, ભક્તીભાવપુર્વક ટીવી સ્ક્રીન પર મંડાઇ ગઇ હતી.

ટોપ ફાઇવમાં પહોંચેલા સત્યેન્દ્ર મહારાજ આમાંના એક હતાં. બહુ થોડા વખતમાં તેમના ભક્તગણો અને ખાસ કરીને સ્ત્રી ભક્તોનો વધારો થયો હતો. સાથોસાથ આશ્રમની સમૃદ્ધીમાં પણ. આશ્રમના તહેવારો સત્યેન્દ્ર મહારાજ પોતાને ભગવાનમાં ખપાવી ઉજવતા.

ટોપ ફાઇવના સીંહાસન પર ખુબ વીશ્વાસપુર્વક તેઓ બીરાજમાન હતાં. ગુરુભાઇઓ વચ્ચે હરીફાઇ શરુ થઇ.

આશ્રમ કેવડો છે ? કોણ કેટલી ટીવી ચેનલ સર કરી છે ? એન.આર.આઇ. ભક્તો છે ? કેટલા ટકા સ્ત્રી ભક્તો છે ? કેટલા મંત્રીઓ અને ઇન્ડસ્ટ્રીયાલીસ્ટો આશ્રમમાં વારંવાર આવે છે ? વગેરે પ્રશ્નો પુછાતા રહ્યા. સત્યેન્દ્ર મહારાજની આશા-ઉત્સાહમાં વધારો થવા લાગ્યો.

છેલ્લે બ્રેક પછી, જજીસ સ્પેશીયલ ક્વેશ્ચન રાઉન્ડ હતો. સ્પેશીયલ જજીસ હવે આવવાના હતા. લોકોની ઇન્તેજારી વચ્ચે જાહેરાતોનો મારો થવા લાગ્યો.

અને બ્રેક કે બાદ... જજીસ રાઉન્ડ શરુ થયો. ટોપ ફાઇવ ધુરંધરો એકદમ ફોમમાં આવી ગયા હતા. પોતપોતાના ડ્રેસીસ વીથ સીમ્બોલ વીથ મેઈક-અપ.

રંગ બરાબર જામ્યો. જજીસને જોઇ, સત્યેન્દ્ર મહારાજના ચહેરા પર એક સેકન્ડ માટે ચમકારો થયો. પણ પ્રખર અભીનેતાની અદાથી, તેણે ખુશાલીનું મહોરું પહેરી લીધું.

અને આપણા સત્યેન્દ્ર મહારાજનો જજીસ રાઉન્ડમાં વારો આવ્યો. જજ તરીકે બેસેલ મહીલા પુલીસ અફસર ઉભી થઇ. અને તેના એક ઇશારે સ્ટેઇજ પર પુલીસનું આગમન થયું. અને તેમની સુચનાથી સત્યેન્દ્ર મહારાજના હાથમાં હાથકડી નંખાઇ. અને થોડી ક્ષણ માટે હલચલ મચી ગઇ.

એન્કરે જાહેર કર્યું કે તમને ચોંકાવી નાખનાર આ દૃશ્યમાં દેખાનાર આ કોઇ દમધુરંધર ન હતો, કે ન હતો કોઇ સંત, આ તો રેપ કેઇસમાં સજા પામી જેલમાંથી ફરાર થઇ ગયેલ કેદી નંબર ૧૨૩ હતો.

અને પ્રજા આ પ્રોગામ જોવાની બેહોશીમાંથી બહાર આવે તે પહેલાં આ બનાવના બ્રેકીંગ ન્યુઝ બધી ચેનલ પર આવવા લાગ્યા...

પત્રકારો મહીલા પુલીસ અફસરને ઘેરી વળ્યા હતા. બીજા દીવસે ન્યુઝપેપરમાં પણ મોટા મોટા ફોટા સાથે ‘મહારાજ’ ચમકી ગયા ભક્તોના હ્ય્દય બ્રેક કરી સત્યેન્દ્ર મહારાજનું ફરી જેલમાં પ્રસ્થાન થયું...

પઝલનો માણસ

સ્નેહા ગુસ્સે થઇ બોલી કે સંભવ તું માણસ છો કે શું ? તારા એકેય લક્ષણ સભ્ય માણસને છાજે તેવા નથી.

મારી શક્તીમાં મને વિશ્વાસ હતો કે હું તારામાં ફેરફાર કરી શકીશ. પણ તારામાં થયેલ ફેરફાર એ માત્ર બ્રાહ્ય ફેરફાર જ છે. અંદરથી તો તું હજુ એ જ આદીમ પુરુષ જેવો જ છે.

સંભવ વાત સાંભળતો ન હોય તેમ ઉપેક્ષા કરતો રહ્યો. અને એકાએક રીમોટનો સોફા ઉપર ઘા કરી બહાર નીકળી ગયો.

એ હકીકત હતી કે, આવી મોટી અસંભવ વાતને સંભવ બનાવવાના પ્રયત્નમાં તે નાકામીયાબ જ રહી હતી. સ્નેહા જેટલી વીચારશીલ હતી તેટલી જ નામ પ્રમાણે સ્નેહાળ પણ હતી. તેને નાનાં બાળકો ખુબ જ ગમતા. પડોશમાં રહેતાં બાળકોને એ પ્રેમથી સાચવતી અને અવનવી રમતો શીખવતી. તેને આ રીતે સમય વીતાવવો ખુબ જ ગમતો.

તે નીરાશ થઇ ગઇ હતી. તેને ખુલ્લી હવામાં જવાનું મન થયું. ઘરમાંથી બહાર નીકળી તે બગીચામાં હીંચકા પર સુનમુન થઇને બેસી રહી. આજે તેનું મન ક્યાંય લાગતું ન હતું. સંભવની માનસીકતાથી તે ખુબ વ્યગ્ર થઇ ગઇ હતી. એવામાં પડોશના બંગલામાંથી નાનકડી રીવા સ્નેહાને જોઇને તરત જ તેનું પઝલ બોક્સ લઇને તેની પાસે આવી અને કહેવા લાગી કે દીદી મને માણસ બનાવી આપોને.

સ્નેહા આ સાંભળી સ્તબ્ધ થઇ ગઇ. આંસુને પરાણે ખાળી અને બોલી : બેટા આપણે માણસ ન બનાવી શકીએ. પણ રીવા માની નહીં. તેણે પઝલ હાથમાં લઇ જુદી કરી અને કહ્યું કે, ના દીદી તો હું બનાવું તમે જુઓ. સ્નેહા તેને જોઇ રહી. રીવા મથામણ કરતી હતી, તેનાથી માણસના કાન સીધી લીટીમાં જ ગોઠવાયા, સ્નેહાથી રહેવાયું નહીં. તે બોલી : બેટા કાન સીધી લીટીમાં જ ગોઠવાય, રીવાએ તેમ કર્યું. સ્નેહા વીચારતી રહી કે કુદરતે એટલા માટે જ કાન સીધી લીટીમાં ગોઠવ્યા હશે કે માણસ કોઇ પણ વાત એક કાનેથી સાંભળી, બીજા કાનેથી તરત જ કાઢી શકે. રીવા ઘડી હાથને તો ઘડી પગને ધડ સાથે જોડવાના તે પ્રયત્ન કરવા લાગી. અને એકાએક તાળી પાડી બોલી : દીદી માણસ બની ગયો.

સ્નેહાએ પોતાની જાતને સંભાળી લીધી અને બોલી : બતાવ જોઇએ. પણ જેવો પઝલનો માણસ હાથમાં લીધો કે તરત જ તે વીખરાઇ ગયો. જળવાયો નહીં.