સુપર સ્ટાર - ભાગ ૨ Prashant Seta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુપર સ્ટાર - ભાગ ૨

સુપર સ્ટાર

ભાગ - ૨

પ્રશાંત સેતા

થોડીવારમાં નર્સ અને ડોક્ટર આવ્યા.

“હેલ્લો મિસ્ટર અનવર, કેવું લાગે છે હવે?” ડોકટરે આવતાં જ પુછ્યું.

ડોક્ટર સાહેબ ૪૫ વર્ષ જેવી ઉંમરના લાગતા હતાં. આવતાવેંત મને સુઇ જવા કહ્યું કારણ કે મને હાથમાં જ્યાં સોઇ ખુંચાડેલી હતી ત્યાં ઇંન્જેક્શન મારવાનું હતું.

“કશું સારૂ નથી લાગતું..” મેં જવાબ આપ્યો.

ડોક્ટરે હસતા-હસતા મને ઇંન્જેક્શન મારી દિધું અને આરામ કરવા કહ્યું.

નર્સ રૂમમાં નાની- મોટી ચીજવસ્તુઓ સરખી કરી રહી હતી.

મારા મગજમાં પ્રશ્નોનું વાવાઝોડું અગાઊથી જ ફાટી નીકળેલું હતું. મારે ઘણા બધા પ્રશ્નો પુછવા હતા.

“ડોક્ટર...” મેં કહ્યું. ડોક્ટર રૂમની બહાર જઇ રહ્યા હતા એ પાછળ ફર્યા અને કહ્યું “યસ..”

“ડોક્ટર...આજે શું તારીખ છે?” મેં પુછ્યું

“બીજી એપ્રિલ...” ડોક્ટરે જવાબ આપ્યો

“બીજી એપ્રિલ શુ?” મેં અધીરાઇથી પુછ્યું “આઇ મીન, બીજી એપ્રિલ અને કઇ સાલ?”

“સર, આવડા મોટા માણસ થઇને ડોકટરની મજાક કરો છો?” ડોક્ટરે હસીને જવાબ આપ્યો

એણે મને મોટો માણસ કહ્યુ એ વાતની મને નવાઇ લાગી હતી. અને મજાક હું કરતો હતો કે મને મોટો માણસ કહીને ડોક્ટર સાહેબ મારી મજાક કરતા હતા?

“ડોક્ટર, હું મજાક નથી કરતો...સાચે જ પુછું છું” મે કહ્યું

ડોક્ટર અને નર્સે આશ્ચર્યથી એકબીજાની સામે જોયું અને પછી ડોક્ટરે હસીને કહ્યું “સર...શું કહું તમને?”

“ઓકે ડોક્ટર, મને એ કહો કે મને રજા ક્યારે મળશે?” મેં અધિરાઇથી પુછ્યું. મને હોસ્પિટલનાં બિલની ચિંતા હતી.

“બસ, આજ સાંજ સુધીમાં” ડોક્ટરે નમ્રતાથી જવાબ આપ્યો “એકવાર સોનાલી સિંઘ આવીને ડિસ્ચાર્જ ફોર્માલીટી પતાવી દે એટલે તમે છુટ્ટા”

સોનાલી સિંઘ? હોસ્પિટલમાં મારી ડિસ્ચાર્જ ફોર્માલીટી પતાવવા માટે સોનલી સિંઘ શા માટે આવે એ વાત ત્યારે કાંઇ સમજાઇ નહી. સોનાલી સિંઘ ‘કનેક્ટ ટુ પિપલ’ ની માલિક હતી..!! એની પાસે દસ મિનીટનો પણ સમય હોતો નથી. ૨૮ વર્ષની ઉંમરે પાંચ સો થી પણ વધારે લોકોનો સ્ટાફ ધરાવતી કંપની એકલા હાથે સંભાળતી હતી. ઉપરાંત સોનાલી સિંઘ એક વીઆઇપી હતી. અને હું તો એની કંપનીનો એક સામાન્ય કર્મચારી હતો જે આવડી મોટી હોસ્પિટલમાં ટેક્ષી પકડવાની હાયમાં પટકાયો હતો..!!. મારા જેવા સામાન્ય કર્મચારીની ડિસ્ચાર્જ ફોર્માલીટી માટે સોનાલી સિંઘ આવતી હશે?

“જુઓ ડોક્ટર, હવે તમે મજાક કરો છો. ભલા, સોનાલી સિંઘ મારી ડિસ્ચાર્જ ફોર્માલીટી પતાવવા શા માટે આવે?”

ડોક્ટરે રૂમનો દરવાજો ખોલ્યો અને જતા પહેલા કહ્યું “મિસ્ટર અનવર, તમારે ખરેખર આરામની જરૂર છે”

મને મારા સવાલનો જવાબ મળ્યો ન હતો.

ડોક્ટરનાં ગયા પછી નર્સ ખડખડાટ હસી પડી હતી.

“સર, તમે તો ડો. સુભાષ નિકમની ફિરકી જ લઇ લીધી” નર્સ બોલી

સુભાષ નિકમ? એ ડોકટર સુભાષ નિકમ હતા? સુભાષ નિકમ એક પ્રતિષ્ઠિત ડોક્ટર હતા. એના દર્દીઓ માત્ર ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ તેમજ નામી શહેરીજનો જ રહેતા. મારા જેવા સામાન્ય માણસ એના દર્દી હોય જ ન શકે..!! એટલે નહી કે એ સામાન્ય દર્દીઓ લેતા નહી પણ સામાન્ય માણસને એમની ફી ન પોસાય..!!મને તો જરાય ન પોસાય..!! પણ મારા ડોક્ટર સુભાષ નિકમ કેવી રીતે હતા? અને હું આ સુભાષ નિકમની વૈભવશાળી હોસ્પિટલમાં કેવી રીતે હતો? હું તો બાંદ્રામાં અથડાયો હતો, અને આ હોસ્પિટલ તો જુહુ તારા રોડ પર આવેલી હતી. જો મને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હોય તો બાંદ્રાની જ કોઇ નાની-મોટી હોસ્પિટલમાં દાખલ કરે, અહીંયા સુધી કોઇ ન લાવે.

નર્સે જે કહ્યું એ સાંભળી હું વિચારમાં પડી ગયો? મેં ક્યાં ડોક્ટરની ફીરકી લીધી હતી? મેં તો સામાન્ય સવાલો પુછ્યા હતા.

“સિસ્ટર, મારી મજાક કોણ કરી રહ્યું છે?” મે નર્સને કહ્યું “જુઓ જે પણ મારી મજાક કરતા હોય એને કહી દો કે બહુ થઇ ગયું. મને આવડી મોટી હોસ્પિટલમાં દાખલ કોણે કર્યો?” મેં એક શ્વાસમાં કહી દિધું “...અને અને આ ૨૦૧૨ નું કેલેંડર, પેપર અને મેગેઝીનો પણ ૨0૧૨ નાં... આ શું ચાલે છે બધું?”

“સર, તમને અહીંયા દાખલ ન કરે તો ક્યાં કરે?” નર્સે જવાબ આપ્યો “તમારી કોઇ મજાક નથી કરી રહ્યું”

અહીંયા દાખલે ન કરે તો ક્યાં કરે એટલે શું? અરે, મારા આખા મહિનાનાં પગાર કરતા પણ એ હોસ્પિટલનું એક દિવસનુ ભાડું વધારે હોઇ શકે એમ હતું....

“આજે બીજી અપ્રિલ ૨૦૧૨ જ છે...” નર્સે ભારપુર્વક કહ્યું

“હા..હા..હા..” હું હસી પડ્યો.

“ઓકે..માની લિધું કે આજે બીજી એપ્રિલ ૨૦૧૨ છે...” મેં હસવાનું બંધ કરતા કહ્યું

“હા..” નર્સ બોલી

“તો મને એ કહો કે મારી ડિસ્ચાર્જ ફોર્માલિટી પતાવવા માટે સોનાલી સિંઘ શા માટે આવે? તમને ખબર છે એ કોણ છે?”

નર્સે ઊંડો શ્વાસ લિધો અને ઘટષ્ફોટ કર્યો “સર, સોનાલી સિંઘ તમારી પત્નિ છે”

આ વાક્ય સાંભળીને આશ્ચર્યથી હું બે ડગલા પાછળ ફેંકાયો. એકદમ સ્તબ્ધ થઇ ગયો. સોનાલી સિંઘ મારી પત્નિ? કેવી રીતે શક્ય હતું? હું તો ‘ લુઝર અનવર ’ હતો. લૂઝર અનવર સાથે સ્ટાફની કોઇ છોકરી કહ્યું હોત તો પણ માની શકાયું હોત, પણ સોનાલી સિંઘ? ઓછામાં ઓછા ૧૦૦૦ કરોડની માલિક હતી, એ મારી વાઇફ કેવી રીતે હોઇ શકે? આ લોકોની મને સમજવામાં કાંઇક ભુલ થઇ હોય એવું લાગતું હતું.

“સોનાલી સિંઘ મારી પત્ની, એમ? સોનાલી સિંઘ એટલે કનેક્ટ ટુ પિપલ મિડીયા કંપનીની માલિક, બરાબર?” મેં પુછ્યું

“સર, એ અમને ખબર ન હોય. અમે તો તમારે લિધે એને ઓળખીયે છે. તમારી સાથે એનું નામ સાંભળ્યુ છે”

“મારા લીધે તમે સોનાલી સિંઘને ઓળખો છો?” મે આશ્ચર્યથી પુછ્યું. બહુ વધારે પડતું થઇ ગયું હોય એવું લાગતું હતું. “એટલે તમે મને અગાઉથી જ ઓળખો છો?”

“સર, હવે તમે મારી ફિરકી લઇ રહ્યા છો..” નર્સે હસીને કહ્યું

“મને એક કારણ આપશો કે શા માટે તમને એવું લાગે છે કે હું તમારી ફિરકી લઇ રહ્યો છું” મેં પુછ્યું

“સર, તમે વાત જ એવી કરો છો..” નર્સે કહ્યું અને ઉમેર્યુ “ સર, તમને કોણ ન ઓળખતું હોય? તમને આખું ભારતવર્ષ ઓળખતું હશે” નર્સે ખુશ થતા કહ્યું “ સર, તમને વિદેશોમાં પણ લોકો ઓળખતા હશે...જ્યાં-જ્યાં હિંદી ફિલ્મો જોવાતી હશે ત્યાં-ત્યાં તમને બધા ઓળખતા હશે..!!”

મારા આઇબ્રો ઉપર થઇ ગયા. આ નર્સને મારી આવી પરિસ્થિતિમાં મજાક સુઝતી હતી. બધા મળેલા હતા કે પછી નર્સ પીધેલી હતી.

“...મને આખુ ભારત ઓળખે, એમ?,” મે પુછ્યું અને હસી પડ્યો “....કેટલા પેગ મારીને આવ્યા છો?”

“તમને બધા ઓળખે કારણ કે સર તમે એક સેલિબ્રિટી છો...” નર્સે પોતાની નમ્રતા જાળવી રાખતા કહ્યું “સર, તમે અનવર અલી છો. અનવર અલી હિન્દી ફિલ્મ જગતનો સિતારો. યુ આર ધ સુપર સ્ટાર ઓફ બોલીવુડ....”

પહેલા હું સ્તબ્ધ થઇ ગયો અને પછી જોર જોરથી હસવા લાગ્યો “હું સેલિબ્રિટી છું?” મેં હસવાનું ચાલુ રાખ્યુ “....એક બે પેગ નહી પણ તમે પાણી કે સોડા વગર આખી બોટલ ઢીંચી ગયા લાગો છો..નીટ એકદમ નીટ...ચડી ગઇ છે તમને...”

“અને આમ પણ સર... આ હોસ્પિટલ્માં તમારા જેવા પૈસાદાર લોકો જ આવી શકે”

નર્સ ગંભીર જણાતી હતી.

“ઓકે, તમે બીજું શું જાણો છો મારા વિશે?” મેં હસવાનું બંધ કરી નર્સને પુછ્યું

“સર, શા માટે મારી વધારે ફિરકી લઇ રહ્યા છો? એપ્રિલ ફુલ કાલે હતી. આજે બીજી તારીખ છે” નર્સે કિધું અને હસી પડી

“હું તમારી કોઇ ફીરકી નથી લેતો ” મેં હવે ખીજાઇને કહ્યું.

પછી મેં તેને શાંતીથી સોફા પર બેસવા કહ્યું.

મને સમજાતું ન હતું કે હું રાતો-રાત સેલિબ્રિટી કેવી રીતે થઇ ગયો હતો.

હું ત્રણ-ચાર ગ્લાસ પાણી પી ગયો. હું પણ એની પાસે સોફાની ખુરશી પર બેસી ગયો. મારે નર્સ સાથે થોડી વાતો કરવી હતી.

“જુઓ સિસ્ટર, મારી વાત શાંતિથી સાંભળજો. અમે કાલે ‘હશ ક્લબ’ બાંદ્રા ગયા હતા. મુશળધાર વરસાદ પડતો હતો. કાલે તારીખ ૩ જુલાઇ ૨૦૦૫ હતી અને રવિવાર હતો. રાત્રે પોણા બાર વાગ્યા આસપાસ મારો અકસ્માત થયો હતો. કહું તો ટેક્ષીનાં બોનટ સાથે અથડાઇને રોડ પર ફેંકાયો હતો. મને માથામાં લોહી નીકળવા લાગ્યું હતું અને હું બેભાન જેવો થઇ ગયો હતો, કહું તો આંખે અંધારા આવવા લાગ્યા હતા અને હું બેભાન જ થઇ ગયો હોઇશ..”

નર્સ ડરતા – ડરતા મારી વાત સાંભળી રહી હતી. થોડી – થોડી વારે દરવાજા સામે પણ જોઇ રહી હતી.

“તમે ગભરાઓ નહી અને મારી વાત સાંભળો..” અને મેં મારી વાત આગળ વધારી

“....હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મેં મારી જાતને આ હોસ્પિટલ બેડ પર મેળવ્યો. હવે તમે કહો છો કે આજે અપ્રિલ ૨, ૨૦૧૨ છે. બીજુ તમે કહો છો કે સોનાલી સિંઘ મારી પત્નિ છે. અને ત્રીજુ કે હું એક સેલિબ્રિટી છું. પણ સાચું કહુ તો મને કાંઇ જ યાદ નથી. મને છેલ્લે જે ઘટના યાદ છે એ મે તમને કહી દીધી” મે આગળ વધારતા કહ્યું “હું સોનાલી સિંઘની કંપનીમાં સામાન્ય નોકરી કરું છુ..”

“સર, આ ૨0૧૨ જ ચાલી રહી છે....સર, તમે ૩ જુલાઇ ૨૦૦૫ થી લઇ ને આજ સુધીનાં સમયની યાદશક્તિ ગુમાવી બેઠા હોય એવું લાગે છે...” નર્સે ગભરાતાં કહ્યું “તમે ભુલી ગયા છો કે તમે એક સુપર સ્ટાર છો...”

“એક મિનિટ” મેં કહ્યું અને હું બાથરૂમમાં ગયો. બાથરૂમમાં મે અરીસામાં જોયું અને હું ચોંકી ગયો હતો. મારી બોડી તો હજી ફીટ જ હતી પણ થોડો વજન વધ્યો હોય એવુ લાગતું હતું. મારો ચહેરો પણ ૨૬ વર્ષ કરતાં વધારે ઉંમરનો લાગતો હતો. ઉપરાંત જો હુ કાલે જ પડ્યો હોવ અને માથામાં વાગ્યું હોત તો કાંઇક તો નિશાની હોત જ..!! પણ માથામાં લાગ્યું હોય એવુ જણાતું ન હતું. અને હું કાલે જે હતો એ તો ન જ હતો..!! એનો મતલબ એમ કે એ ક્લબ વાળી ઘટનાંને સાચે સાત વર્ષ વિતી ચુક્યા હતા. અને એ સાત વર્ષનાં સમયગાળામાં જે કાંઇ પણ થયું એ હું ભૂલી ગયો હતો.

આ દિવસે બીજી એપ્રિલ ૨૦૧૨ જ હતી અને આ લોકો સાચા હતા.

હું થોડો અંદરથી ખુશ થયો. મારું હમેશાં સપનું હતું કે હું સુપર સ્ટાર બનુ. સપનું તો પુરૂ થયું હોય એવુ લાગતું હતુ પણ દુ:ખની વાત એ હતી કે મને કાંઇ જ યાદ ન હતું જેમ કે હું કેવી રીતે સુપર સ્ટાર બન્યો હતો? મેં શું કામો કર્યા હતા?

હું બાથરૂમની બહાર આવ્યો અને પાછો નર્સ પાસે જઇ ને બેઠો હતો.

હવે મારે ઘણા કોયડાઓ ઉકેલવાનાં હતા.

“ઓકે, સૌથી પહેલા મને એ કહો કે મને અહીંયા શા માટે દાખલ કર્યો?”

“સર તમે દારૂનાં નશામાં પડી ગયા હતા. તમને માથામાં મુંઢમાર વાગ્યો હોય એવી શંકા હતી. તમારા રીપોર્ટ આવી ગયા છે અને કશું ગંભીર જણાતુ નથી એટલે ડિસ્ચાર્જ આપી દેવાશે..”

“હું દારૂનાં નશામાં પડી ગયો હતો? આઇ ડોન્ટ બિલિવ ધીસ. આઇ નેવર ટેક આલ્કોહોલ” મેં આશ્ચર્યથી કહ્યું

નર્સ હસી પડી. “સર, તમારા જેટલો દારૂ લગભગ કોઇ અભિનેતા પીતો નહી હોય. તમે દારૂ પી ને કરેલા લફડાઓ વિશે અમે પેપરમાં ઘણીવાર વાંચતા હોઇએ છીએ. તમે સુપર સ્ટાર તરીકે જેટલી ખ્યાતી મેળવી છે એટલું જ નકારાત્મક વલણ તમે લોકોના દિલમાં ધરાવો છો. આજનાં પેપરમાં પણ તમારા સમાચાર છે. લખ્યું છે કે સુપર સ્ટાર અનવર અલી દારૂનાં નશામાં હડધુત...દાદરા પરથી પડી જતા નિકમ હોસ્પિટલમાં ખસેડાયા”

શરૂઆતમાં આ બધું મને કોઇની વ્યુહરચના હોય એવુ લાગતુ હતું. કારણ કે મેં ક્યારેય દારૂને હાથ લગાડ્યો જ ન હતો. હું સ્વાથ્યને લગતી ઝીણી-ઝીણી બાબતો પર ખુબ જ ધ્યાન આપતો. પણ પેપરમાં આટલુ ખોટુ તો હોઇ જ ન શકે? મેં પેપર હાથમાં લીધું. એમા ત્રીજા પેજ પર મારો હાલનાં ચહેરાનો ફોટો હતો અને દારૂને લિધે મેં અગાઉ ડુબાવેલા સંબંધોની સાથે હાલ નો દાખલો પણ રજુ કર્યો હતો. હું એક સામાન્ય માણસ ન હતો એનો મને વિશ્વાસ આવતો ન હતો. મારા વિશે લોકોને લખવું હતું, મારી જિંદગી વિશે જાણવાનો લોકોને શોખ હતો. હું શું કરતો, શું ખાતો, શું પીતો એ બધું જાણવા લોકો તત્પર રહેતા. પણ મારા બદનસીબ કેવા છે કે મને કશું યાદ જ ન હતું.

“ઓકે સિસ્ટર, મને એ કહો કે મને અહીંયા ક્યારે લાવવામાં આવ્યો?”

“આજે સવારે ચાર વાગ્યે”

સવારે ચાર વાગ્યે મને અહીંયા લાવવામાં આવ્યો હતો અને હું ભાનમાં આવ્યો ત્યારે બપોરે બે વાગ્યા હતા. એટલે કે દસ કલાકથી હું બેભાન હતો.

“સર, મારે મોડું થાય છે..મારે જવું પડશે” નર્સે અચકાતા કહ્યું

“ઓકે, છેલ્લો સવાલ, મને અહિંયા કોણ લઇ આવ્યું”

“તમારી સેક્રેટરી..”

“મારી સેક્રેટરી કોણ? શુ નામ છે એનું?”

“સુપ્રિયા પાટકર” નર્સે કહ્યું અને જવા માટે ઊભી થઇ

સુપ્રિયાનું નામ સાંભળીને તો મેં નિશ્ચય કર્યો કે કોઇ પણ સંજોગે મારે મારી યાદશક્તિ લાવવી પડે એમ જ હતી..અને એ પણ એ જ દિવસે..હમણા જ..!! મારી સેક્રેટરી સુપ્રિયા પાટકર હતી?. મારો સૌથી પહેલો અને છેલ્લો પ્રેમ?. સુપ્રિયાએ જ મારૂ નામ ‘લુઝર અનવર’ પાડ્યું હતું તો પછી એ મારી સેક્રેટરી કેવી રીતે બની ગઇ હતી.

“સર, હું જાઉં હવે”

“હવે સાચે છેલ્લો, મારે બધુ જાણવુ ખુબ જરૂરી છે”

“સર, જલ્દી પુછો. ખાસ્સો ટાઇમ થઇ ગયો. ડોક્ટર નિકમ રાહ જોતા હશે”

“સારુ, મને એ કહો કે મારી પત્નિ સોનાલી સિંઘ કે જે મારી મારી ડિસ્ચાર્જ ફોર્માલીટી પુરી કરશે એ ક્યાં ગઇ છે?એ ક્યાંથી આવશે?”

“સર, એ દુબઇ ગયા છે..એવું સાંભડ્યુ છે”

“મારી ફોર્માલીટી સુપ્રિયા કેમ ન પુરી કરી શકે?”

“સર, એ મને ખબર નથી. પણ, થોડીવારમાં જ સુપ્રિયા મેડમ આવશે, તમે એને જ પુછી લેજો”

“સોનાલી સિંઘ, આઇ મીન મારી વાઇફ ક્યારે આવશે?”

“સર, એ સાંજે આવશે”

“ઓકે.. તમે બીજુ શું જાણો છો મારી વિશે?”

“સોરી સર. મારે હવે જવું પડશે”

“વધારે મદદ નહી કરી શકો?” મે વિનંતી કરી

“સર, રૂમમાં કમ્પુટર છે અને ઇંટરનેટ પણ. તમારા વિશે જોયે એટલી માહિતી ઇંટરનેટ પર મળશે” નર્સે કિધું અને જતી રહી.

પછી હું મારા બેડ પર લંબાયો. બાજુમાં ટેબલ પર રાડોની મોંઘી દાટ કાંડા ઘડીયાળ પડી હતી કે જે મારી હતી. મેં હાથમાં લિધી અને કાંડામાં પહેરી લીધી. અને બાજુમાં વોલેટ પડ્યું હતું. મે વોલેટ હાથમાં લીધું, અને ખોલ્યું ત્યાં જ પાછો ચોકી ગયો હતો. એક પછી એક બાર સો વોલ્ટનાં ઝટકા લાગતા જ રહેતા હતા. પર્સનાં આગળનાં ખાનામાં સોનાલી સિંઘ સાથે મારો ફોટો હતો, અને ચોંકાવનારી વાત એ હતી કે મેં એક-બે વર્ષની બાળકી પણ તેડેલી હતી. એનો મતલબ એમ થયો કે હું એક બાળકનો પિતા પણ હતો..!! એક પછી એક રહસ્યો સર્જાતા હતા અને હું વધુ ને વધુ ગુંચવાતો જતો હતો.

હવે રાહ જોવાની હતી સુપ્રિયા પાટકર અને સોનાલી સિંઘની..!!

પછી હું ઊભો થયો અને કંમ્પુટર ચાલુ કર્યું. કમ્પ્યુટર ચાલુ થતાની સાથે જ ગુગલ પર અનવર અલી લખ્યું અને સામે માહિતીઓનો ઢગલો થઇ ગયો. એમાં મેં મારા લગ્નનાં સમાચાર વાંચ્યા હતા કે જે વધારે ચોંકાવનારા હતા. મેં સોનાલી સિંઘ સાથે લગ્ન કર્યા હતા કે જે એક ડિવોર્સી હતી. સોનાલી સિંઘનો ભુતકાળ પણ વાંચ્યો. ૨૪ વર્ષની ઉંમરે સોનાલી સિંઘે એના પિતાની ઉંમરાનાં બિઝનેસમેન સાથે લગ્ન કરીને ૧000 કરોડની માલિક બની ગઇ હતી. પૈસા આવતા પોતાની કંપની ચાલુ કરી પતિને છોડી દિધો હતો અને સુપર સ્ટાર અનવર અલી સાથે લગ્ન કર્યા હતા.

મેં એક ડિવોર્સી સાથે લગ્ન શું કામ કર્યા હશે?

ખેર, બીજા સમાચાર વાંચ્યા કે જેમા અનવર અલીનાં પપ્પા ગુજરી ગયા હતા અને અનવર દફનવિધી સમયે પહોંચી શક્યો ન હતો. કહેવાઇ રહ્યું હતું કે અનવર અલી મુંબઇમાં હાજર હોવા છતાંય ગયો ન હતો. એના પછીનાં ન્યુઝ વધારે દુ:ખદાયી હતા કે જેમાં એક વર્ષ પહેલા અનવરનાં અમ્મીએ પણ એ જ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો કે જ્યા અત્યારે અનવર દાખલ હતો. કેન્સરથી મોત થયું હતું.

એ પછીનાં સમાચારે તો મારા રુંવાડા ઊભા કરી દિધા હતા. એમાં લખ્યું હતું કે અભિનેતા અનવર અલીને કોર્ટમાં હાજર થવાનાં સમન્સ હતા. મેં અંદર વાંચ્યુ તો જાણવા મળ્યું કે અનવર અલીની ‘કનેક્ટ ટુ પિપલ’ કંપનીનાં ચિફ મિડીયા કન્સલ્ટન્ટ ઇમરાનનું કાર અકસ્માતમાં મોત થઇ ગયું હતું અને એ કાર અકસ્માત અનવર અલીએ કરાવ્યો હતો.

બીજા એક સમાચારમાં અનવર અને તેની પત્નિ વચ્ચેનાં અણબનાવ વિશે લખાયેલું હતું. એમાં વધારે અંદર વાંચવા મળ્યું હતુ કે અનવરનો અફેર તેની સેક્રેટરી અને તેના ખાસ મિત્ર ઇમરાનની મંગેતર સુપ્રિયા સાથે હતું અને તેને લીધે અનવર અને સોનાલી વચ્ચે અણબનાવો વધ્યા હતા. એ સમાચાર છ મહિના પહેલાનાં જ હતા.

મને કાંઇ સમજાતું ન હતું. એ સમયે હું અલ્લાને એટલી જ પ્રાર્થના કરતો હતો કે મને એક્ટર બનાવ્યા પછી મારી પાસે કોઇ પાપ ન કરાવ્યા હોય..!! હું ઇમરાનની હત્યા ક્યારેય ન કરાવી શકું. હું નિર્દોશ જ હોઇશ. ઇમરાન પ્રત્યે મને ખુબ જ માન હતું, મને તો એ વિચારથી પણ ડર લાગે છે કે હું ઇમરાનને મરાવી નાખું. હું તો સપનાંમાં પણ ઇમરાનને મારવાનો વિચાર ન કરી શકું.

પછી ઘણા સમાચારો મેં આપેલી સુપર હિટ ફિલનાં હતા અને મારી ફિલ્મોએ નિર્માતાઓને કરી આપેલી કમાણી નાં હતા. સાથે – સાથે મારી સાથે કામ કરતી તમામ હીરોઇનો સાથેનાં લફડાઓનાં હતા. પાછલા સાત વર્ષમાં કેટલુ બધું બની ગયું હતું કે જેમાંથી મને એક ટકો પણ યાદ આવતું ન હતું.

થોડીવારમાં રૂમનો દરવાજો ખુલ્યો અને મારી ધીરજ નો અંત આવ્યો હતો. સુપ્રિયા આવી હતી. હજુ એવી ને એવી જ લાગતી હતી. ખાસ્સો ફર્ક પડ્યો ન હતો. સફેદ ત્વચા, એકદમ કાળી ઘાટી આંખો અને આંખોમાં જરા અમથુ આંજણ, કાળા અને લિસ્સા છુટ્ટા વાળ. કોટડ્રોય ગ્રે પેંટ પહેર્યુ હતું અને ઉપર લાલ શર્ટ પહેર્યો હતો.

સુપ્રિયા દરવાજો બંધ કરતાંની સાથે જ મને ચોંટી પડી હતી. મેં એને મારાથી અળગી કરી. એને થોડું અજીબ લાગ્યું હતું પણ પાછી ભેટી પડી.

“માય બેબિ, હાવ આર યુ નાવ?” સુપ્રિયા બોલી

માય બેબિ?

“સુપ્રિયા, તને ખબર જ હશે કે હું એક પરિણીત પુરુષ છું”મેં કહ્યું

“હાં તો?”

“તો આ તુ શું કરે છે?”

“લે કેમ? એ તો આપણે રોજ કરીયે છે. થોડા સમયમાં આપણે લગ્ન પણ કરવાનાં છે, કરવાનાં છે ને?” સુપ્રિયાએ કહ્યુ

લગ્ન કરવાનાં છે? પણ, હું તો અગાઊથી જ પરિણિત હતો, અને મારા અંદાજે મારે બે વર્ષની બાળકી પણ હતી. અને સોનાલી સિંઘ જેવી પત્નિ હોય તો પછી બીજા લગ્ન કરવાની કોઇને શી જરૂર? અને બીજી બાજુ, આ એ જ સુપ્રિયા હતી જેણે મને મુશીબતનાં સમયે છોડી નહી પણ તરછોડી દિધો હતો અને મને ‘લુઝર અનવર’ નું લેબલ માર્યુ હતું. સોનાલી સિંઘની સરખામણીમાં સુપ્રિયા કાંઇ જ કહી શકાય એમ ન હતી.

“આપણે લગ્ન કરવાના છે?” મે પુછ્યું “ક્યારે?”

“તે જ કહ્યું હતું કે સોનાલી દુબઇથી આવી જાય એટલે તુ ડિવોર્સની વાત કરીશ. અને આમેય તમારા બન્ને વચ્ચે પ્રેમ ક્યાં રહ્યો છે? તુ સોનાલીથી કંટાળી ગયેલો છે..!! એ ભલે તને પ્રેમ કરતી હોય પણ તુ તો આજે પણ મને જ પ્રેમ કરે છે” સુપ્રિયા એ આશ્ચર્ય સાથે મારી સામે જોઈને કહ્યું

“એ મને પ્રેમ કરે છે?’

“પણ તું આવા સવાલો કેમ પુછે છે?”

પછી મેં સુપ્રિયાને સમજાવ્યું કે હું નામ સિવાય પાછલા સાત વર્ષની તમામ ઘટનાઓ ભુલી ગયો હતો. હું કેવી રીતે સુપર સ્ટાર બન્યો, અને અહિયા સુધી કેમ પહોંચ્યો એ મને કંઇ જ યાદ ન હતું.

“શું વાત કરે છે, અનવર? ” સુપ્રિયાએ પુછ્યું

“હા..ક્યારનો મગજને જોર આપું છુ..પણ કાંઇ યાદ જ નથી આવતું..”

“અનવર, શું થઇ ગયું છે તને?”

“મને પણ નથી ખબર કે મને શું થઇ ગયું છે...” મેં કહ્યું “મને પેલી હશ ક્લબ ઘટના પછી કાંઇ જ યાદ નથી”

સુપ્રિયાનું મોઢું આશ્ચર્યથી ખુલી ગયું. સુપ્રિયા અસમંજસમાં હતી કે હું સાચુ કહેતો હતો કે મજાક કરતો હતો. અને બીજી બાજું મને પણ અત્યારે સુપ્રિયાના ઇરાદાઓની કાંઇ ખબર ન હતી.

“તું મને પુરી ઘટનાથી માહિતગાર કર...કદાચ મને યાદ આવી જાય,”

“ઓકે અનવર. હું મારા પુરતા પ્રયત્નો કરીશ”